મન મોહના - ૨૮ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૨૮


મને ખબર છે મન તું મને સાચા દિલથી ચાહે છે પણ હું મારા ખાતર તારો જીવ જોખમમાં નહિ મૂકી શકું. અમરને ગુમાવી ચુકી છું હવે ફરીથી લગ્ન નહિ કરું. તને કોઈ એવી વ્યક્તિ મળે જે મને આમાંથી બચાવી શકે તો મારી મદદ કરજે નહીતર મને મારા હાલ પર છોડીને હંમેશા માટે ચાલ્યો જજે...!

આટલેથી મોહનાનો લખેલું સમાપ્ત થતું હતું. મન મોહનાનું લખાણ વાંચીને અત્યંત ભાવુક થઇ ગયો. એ બિચારી કેટલા વખતથી એ શેતાની ઢીંગલીનો અત્યાચાર સહન કરી રહી હતી. એ ઢીંગલી મોહનાને માર મારે, એના વાળ ખેંચે એ વાંચીને મનના હાથની મુઠ્ઠીઓ વળાઈ ગઈ. એકવાર આ બધું કોણ કરાવી રહ્યું છે એ ખબર પડી જાય તો પોતે એ વ્યક્તિને બરોબરનો સબક શીખવાડશે એમ એ વિચારી રહ્યો હતો ત્યારે જ એના મને કહ્યું, આ કામ ખરેખર કોઈ જીવીત વ્યક્તિનું હશે? કાળા જાદુનો પ્રયોગ કે પછી કોઈ આત્મા જ આ બધું કરતી હશે તો? મન ઉભો થયો અને એના ઘરના મંદિર આગળ જઈને ઉભો રહ્યો. ભગવાન છે જ એ વાત ઉપર એ આજ સુંધી વિશ્વાસ કરતો આવ્યો હતો અને આજે એનો પુરાવો પણ મળી ગયો! એણે મંદિરના ખાનામાંથી એની તુલસીનાં મણકાની માળા બહાર નીકાળી અને ફરીથી ગાળામાં પહેરી, જે પ્રેતાત્મા આ માળાનો સામનો ના કરી શકે એ સાક્ષાત ભગવાનનો મુકાબલો શી રીતે કરવાની! એનું દિલ કહી રહ્યું, અચ્છાઈ બુરાઈ બધું જ ભગવાને રચ્યું છે, જેનો આરંભ છે એનો અંત પણ નિશ્ચિત છે. મોહનાને એ ફરીથી સારી જીંદગી આપીને જ રહેશે... મને મનોમન નિશ્ચય કર્યો.


મોહના વિષે બધું જાણીને, એણે લખીને આપેલા કાગળનું લખાણ વાંચ્યા બાદ, મને પ્રોફેસર નાગને ફોન કર્યો અને આગળ શું કરવું એ વિષે પૂછ્યું. પ્રોફેસરે કહ્યું કે પોતે બને એટલી જલ્દી આવી જ રહ્યાં છે ત્યાં સુંધી એણે રોજ મોહનાને જ્યારે એ મોહનાના રુપમાં હોય ત્યારે મળવું અને એને વિશ્વાસ અપાવવો કે બધું ઠીક થઇ જશે. એનો વિશ્વાસ અહિં ઘણી મહત્વની ભૂમિકા ભજવશે.
મન પ્રોફેસરની વાત સાથે સહમત હતો. એણે રોજ સવારે મોહના સાથે બહાર જવાનું ચાલુ રાખ્યું. ધીરે ધીરે મોહનાનો મન ઉપર વિશ્વાસ વધતો જતો હતો અને મનનો સંકોચ ઓછો થઈ થઈ રહ્યો હતો. હવે બંને જણા એકબીજાનો હાથ હાથમાં લઈ વાતો કરતા કરતા જંગલમાં ફરતા હતા, એકમેકમાં ભળતાં જતા હતા. મોહનાને મનની સોબત ગમવા લાગેલી અને એ મન વિશે વિચાર કરતી થઈ હતી. એક દિવસ વાતવાતમાં એણે અમરે ભારતીય જાસૂસોની માહિતીવાળી ફાઈલ ક્યાં છુપાવીને રાખી હતી એ પણ જણાવ્યું. જ્યારે એ લોકોના લગ્ન થવાના હતા ત્યારે ઘર મહેમાનોથી ભરેલું હશે અને આતંકવાદીઓ ગમેતે વેશે ત્યાં પ્રવેશીને એ ફાઈલ ચોરી લેવાનો પ્રયાસ કરી શકે એવી અમરને આશંકા હતી જ એટલે એણે મોહનાના બેન્કના લોકરમાં જ એ ફાઈલ મુકાવી દીધી હતી. એ વખતે ઘણાં ઘરેણા લોકરમાંથી લાવવામાં આવેલા અને એમાંથી ઘણાં બધા પાછા મુકાયેલા એમાં જ એ ફાઈલ પણ કોઈનું ધ્યાન ન પડે એવી રીતે મુકાઈ ગઈ હતી.

મને નિમેશને ફાઈલ વિષે બાતમી આપી એટલે એના માથેથી એક મોટો ભાર ઓછો થઇ ગયેલો. એણે કમિશ્નર સાથે વાત કરેલી અને કમિશ્નરે કર્નલ રાયબહાદુર સાથે વાત કરી એમની ફાઈલ સુરક્ષિત હોવાની ખાતરી કરાવી હતી. કર્નલને નવાઈ લાગી કે અત્યાર સુંધી ચુપ અને ઉદાસ રહેતી મોહના હવે બધું ઝીણું ઝીણું યાદ કરીને મનને કહે જતી હતી, જોકે મોહનાની ખુશી જોઈ એ પણ રાજી હતા. જો મોહના મન સાથે લગ્ન કરવાનું વિચારે તો એ સંમતિ આપવાં તૈયાર જ હતા.

મન અને મોહનાની સવારે મળવાની શરૂઆત થઇ એની આજે પાંચમી સવાર હતી. પ્રોફેસર નાગ, જેમ્સ અને હેરી અહીં આગલા દિવસે સાંજે આવી ગયા હતા અને એમણે એમનું કામ શરુ કરી દીધુ હતું. એમણે મનને કહેલું આજે મોહનાને લઈને જંગલમાં થોડે દુર સુંધી જાય અને એને વાતોમાં લગાવી રાખે. એ સમયે એ જેમ્સ અને હેરીને મોહનાને ઘરે પેલી ઢીંગલી લેવા મોકલવાના હતા. મોહનાને જેવી જાણ થશે કે કોઈ ઢીંગલીને ઉઠાવી રહ્યું છે એ તરત ઘરે જવા તૈયાર થશે એ વખતે મને એને રોકવાનો પ્રયાસ કરવાનો હતો. પ્રોફેસરે એને કહેલું કે,

“દુનિયામાં પ્રેમ જ સૌથી તાકાતવર છે. એનાથી મોટી બીજી કોઈ શક્તિ નથી. એણે મોહનાને એના પ્રેમપાશમાં બાંધી રાખવાની હતી. એકવાર જો મોહનાનો આત્મા પેલી પ્રેતાત્મા સામે મુકાબલો કરશે, પોતાના શરીર પર એને હક નહિ કરવા દે તો એ પ્રેતાત્મા નબળી પડી જશે અને એજ વખતે એ લોકો ઢીંગલીને એમનો નિશાન બનાવશે. એ પ્રેતાત્મા એનું સ્થાન બચાવવા, એ ઢીંગલીને બચાવવા જ્યાં પણ હશે ત્યાંથી પાછી આવશે અને એ સમયે પ્રોફેસર નાગ એને કેદ કરી લેશે. જોકે આ બધું એટલું સરળ પણ નહતું, માણસ અને પ્રેતાત્માની લડાઈમાં જોર તો પ્રેતાત્માનું જ વધારે રહેવાનું! છતાં માણસ બચી શકે જો એની ઇચ્છાશક્તિ, એની સંકલ્પશક્તિ પ્રેતાત્માની ઈચ્છા કરતા પણ વધારે બળવાન હોય! કમજોર કે પોચા દિલવાળા મનુષ્યોને આવી આત્માઓ એમનો ભોગ બનાવે છે કેમ કે એ લોકો લાગણીશીલ હોય છે અને ઝડપથી બીજાની વાતોમાં આવી જાય છે, પણ એ જ લાગણી જ્યારે માણસની તાકાત બને ત્યારે ભલભલી બૂરી શક્તિઓએ હાર માનવી જ પડે છે. અહીં ભલી, ભોળી મોહનાની તાકાત હવે મન હતો જેના પ્રેમનાં અંકુર મોહનના દિલમાં ફૂટી ચૂક્યા હતા અને જેમ દિવસ આવે એમ એ વિસ્તરતા જ જવાના હતા..!

મન મોહનાને લઈને જંગલમાં દુર સુંધી ગયો હતો. મોહના જાતે ગાડી ચલાવીને ભાગી ના જઈ શકે એટલે એ ગાડી દુર છોડીને મોહનાને પગપાળા જ દુર જંગલમાં લઇ ગયો હતો. આજે શું થવાનું છે એનાથી તદ્દન બેખબર મોહના મન સાથે, એના હાથોમાં પોતાનો હાથ સોપી નિશ્ચિત બની ચાલી રહી હતી. મન આજે એમના સ્કુલ સમયની વાતો કરી રહ્યો હતો. મોહનાને પણ એની વાતોમાં રસ પડેલો.

જેમ્સ અને હેરી સવારે મોહનાને ઘરે પહોંચ્યા ત્યારે એમની સાથે નિમેશ પણ હતો. નિમેશને જોતાં જ કર્નલે ગુસ્સે થઈ કહ્યું,

“એક મિનિટ આ માણસ, નિમેશ મારા ઘરમાં નહીં પ્રવેશી શકે. મોહનાનો દોસ્ત બની, એનો ભાઈ બની તું મારી છોકરીને છેતરતો જ રહ્યો છે નિમેશ. હું તને અમરના ખૂન કેસમાં મોહનાને ફસાવા નહીં દઉં, ગેટ આઉટ ફ્રોમ હિયર.”
હેરી એમને સમજાવી રહ્યો, “સર પ્લીજ અમારો વિશ્વાસ કરો. અમારી પાસે સમય ખૂબ ઓછો છે, અમે બધા લોકો મોહનાની મદદ જ કરી રહ્યા છીએ.”

“તમારી મદદની મારે કોઈ જરૂર નથી. મારી દીકરી માટે હું એકલો જ બસ છું અને તમે લોકો છો કોણ હું તમને ઓળખતો પણ નથી.” કર્નલે શંકા બતાવી હતી.

“સર અમને લોકોને મને અહીં બોલાવ્યા છે.” જેમ્સને લાગ્યું કે કર્નલ મોહનાને મન સાથે બહાર જવાની છૂટ આપે છે તો એ મનને સારો વ્યક્તિ જ માનતા હશે એમ માની ચલાવે રાખ્યું, “મન મારો મિત્ર છે અમે લોકો ન્યૂયોર્કમાં સાથે હતા. હું અને મારા બીજા સાથીદારો પેંટાગોન નામની એક સંસ્થા ચલાવીએ છીએ જે સામાન્ય માણસોને ભૂત પ્રેતથી બચાવે છે. ખૂબ અફસોસ સાથે કહેવું પડે છે સર કે મોહના પણ એવી જ એક ભટકતી આત્માનો શિકાર છે અને અમે એની મદદ કરવા આવ્યા છીએ. મને જ અમને લોકોને ખાસ મોહનાની હેલ્પ માટે બોલાવ્યા છે.”

“ઓહ.. મનને હું એક સારો વ્યક્તિ માનતો હતો. મને એમ કે એ મારી દીકરીને પ્રેમ કરે છે પણ એ બધું નાટક હતું. મન પણ આ નિમેશનું એક પ્યાદું હતું, એમ આઈ રાઇટ સબ ઈન્સ્પેકટર નિમેશ?” કર્નલનું મન ખાટુ થઈ ગયું એમને મન સારો છોકરો લાગેલો અને મોહનાનું એની સાથેનું હરવા ફરવાનું એમને ગમેલું. મોહના ફરીથી લગ્ન કરવા રાજી થાય એ માટે આ જરૂરી હતું પણ હવે એમને ખયાલ આવ્યો કે મન નિમેશનો જ મદદગાર છે અને એની મોહના સાથેની દોસ્તી એક નાટક....

“યસ સર યુ આર રાઇટ. મનને મેં જ અહિયાં મોકલ્યો હતો અને ત્યારે પણ મારો આશય મોહનાને ફસાવાવનો નહીં એને બચાવવાનો જ હતો. હું શા માટે એને ફસાવવાની કોશિષ કરું? એ મારી બાળપણની મિત્ર છે, દર સાલ એ મારા હાથ પર રાખડી બાંધે છે હું એને શેને માટે ફસાવું? મારે જો આ કેસ જ પૂરો કરવો હોત તો કોઈ પણ ગલીના બદમાશ કે ચોરને ઉઠાવીને જેલમાં બંધ કરી દેત. મોહના ઉપર મારી શંકા જવાના પૂરતા કારણો હતા અને હવે જ્યારે આ કેસ લગભગ સોલ્વ થવા આવ્યો છે ત્યારે તમારી તરફથી હું મદદની અપેક્ષા રાખું છું.” નિમેશ એક સાથે ઘણું બધુ આવેશમાં બોલી ગયેલો. એને ખબર હતી કે કર્નલ હાલ એક બાપ બનીને વિચારી રહ્યા હતા અને હાલ મોહનાના હિત સિવાય એ બીજું કશું જોવા જ માંગતા નહતા.

“અને આ આત્માવાળી શું વાત છે? પેંટાગોન? ભુતનાશક? ભારત સરકારે હવે આત્માઓ ઉપર કેસ ચલાવવાની પરમીશન આપી છે?” કર્નલ દાઢમાં બોલેલા.

“સર અત્યારે અમારી કોઈ વાત તમારી સમજમાં નહીં આવે એક વાર મોહના ઘરે પાછી આવી જાય પછી એ જ તમને બધુ સમજાવી શકશે. એ ખરેખર મુસીબતમાં છે. એક શેતાન આત્મા એના શરીરનો કબજો લઈ એને ખૂબ પીડા આપી રહી છે.” હેરીએ ખૂબ નરમ અવાજે કહ્યું.

આ વખતે મોહનાના કેપ્ટન અંકલ એટલે કે એનો ડ્રાયવર અશોક આગળ આવેલો અને કર્નલ સાહેબને કહેલું કે, “આ લોકો જે કહે છે એ સાચું છે! એ ઢીંગલી અને મોહનાનું બદલાઈ જવું એ વાતનો એ પોતે સાક્ષી છે. મોહનામાં આવતો બદલાવ એણે ક્યારનોય જોઈ લીધો હતો, અમર પછી થયેલા બે ખૂન પાછળ પણ મોહના આડકતરી રીતે સંડોવાયેલી હતી એ જાણવા છતાં પોતે વફાદારી નિભાવવા ચુપ રહ્યો હતો. એણે કહ્યું કે, એણે તો મનને પણ ના કહી હતી મોહના સાથે જવાની, જ્યારે એ પહેલીવાર એની સાથે બહાર જવા માટે આવેલો, એ રાત્રે એનો જીવ જોખમમાં હતો!”

કર્નલ પોતાના વફાદાર સૈનિક પાસેથી આ સાંભળીને બે કદમ પાછા હટી ગયા. એમને જબ્બર આઘાત લાગેલો. ભૂતપ્રેત હોય કે ન હોય પણ પોતાની માસૂમ દીકરી કેટલી યાતનાઓમાંથી પસાર થઈ રહી છે, બિચારી એકલી એકલી લડી રહી છે એ જાણીને એક બાપનું હૈયું વલોવાઈ ગયું હતું. બહારથી સખ્ત દેખાતા કર્નલના દિલમાં એક પ્રેમાળ બાપ વસતો હતો એની હજી સુંધી એમણે લોકોને ખબર પડવા દીધી નહતી પણ આજે એ ઢીલા પડી ગયા હતા.

“તમારા લોકોની એક પણ વાત ઉપર મને વિશ્વાસ નથી આવતો છતાં અશોકની વાતના સમાધાન માટે હું તમારી મદદ કરીશ. બોલો મારે શું કરવાનું છે.”

“અમારે મોહનાના રૂમમાં જઈને એક વસ્તુ લેવાની છે. તમે અમને એટલી પરમીશન આપો.” નિમેશે કહ્યું.

નિમેશ અને એની સાથે આવેલા બે યુવાનોને જે કરવું હોય એ કરવાનું કહીને કર્નલ સોફામાં ફસડાઈ પડ્યા હતા. અશોક એમની પાસે ઉભો રહેલો અને મોહના બેબી સાવ નિર્દોષ છે, એને કંઈ નહિ થાય, મન સારો છોકરો છે, પોતે એને વરસોથી ઓળખે છે એજ મોહનાને બચાવી શકશે એવું સમજાવી રહ્યો...

જેમ્સ અને હેરીએ ઉપર જઈને મોહનાનું કબાટ ખોલેલું. એ લોક હતું. નિમેશ ચાવી લેવા નીચે જવાનું કહી રહ્યો હતો એટલીવારમાં હેરીએ ત્યાં ડ્રેસિંગ ટેબલ પર પડેલી મોહનાની માથામાં ભરાવાની પીન ઉઠાવી એના વડે કબાટ ખોલી નાખ્યું...