મન મોહના - ૮


મોહનાના લગ્ન થઈ ગયા એ જાણીને ઉદાસ થઈ ગયેલો, છેલ્લે રડી પડેલો મન મમ્મીની બૂમ સાંભળીને જાણે કાચી ઊંઘમાંથી ઉઠી ગયો હોય એમ હળવેથી મોઢું લૂછતો ઊભો થયો અને સીધો બાથરૂમમાં જતો રહ્યો. એ મોઢું ધોઈને આવ્યો હતો છતાં રાવિબહેને એના ચહેરા પર એક નજર નાખતા જ પૂછ્યું,

“શું થયું દીકરા? તું રડ્યો હતો?” માનું દિલ! પોતાના બાળકની વેદના ચહેરાના કયા ખૂણેથી જાણી લેતું હશે? મન હસ્યો જરાક અને કહ્યું,

“રડ્યો નહતો પણ આંખોમાંથી, નાકમાંથી પાણી નીકળે જાય છે. વાતાવરણ બદલાયું એની અસર છે. એક બે દિવસમાં ઠીક થઈ જઈશ."

“તને શરદીની અસર લાગે છે દીકરા. હું તારા માટે આદુ અને તુલસીના પાનવાળી ચા બનાવું છું ત્યાં સુંધી તું નહાઈને આવી જા. "

મનને થયું કે મમ્મીને તો સમજાવી લીધી પણ પોતાના દિલને કેવી રીતે સમજાવે? નાદાન એને પેલીવાર જોઈ ત્યારનું એના પર મોહી પડ્યું છે. આટલા વરસો દૂર રહેવા છતાં આજદીન સુધી એની લાગણીમાં રતીભાર પણ ફરક નથી પડયો...! કોઈ કહી દે કે મોહના પરણી ગઈ એટલે મારે એને ભૂલી જવાની? આ દિલ ક્યાં માને છે...એને તો મોહના સિવાય કોઈ વિશે વિચાર જ ક્યાં આવે છે...

“લે દીકરા ચા પી લે. પછી આપણે સ્વામીજીના દર્શને જઈ આવીએ.” રાવિબહેને ચાનો કપ મન તરફ આગળ ખસેડ્યો.

મનને યાદ આવ્યું. કોઈ પણ વારે તહેવારે અને એના જન્મદિવસે મમ્મી એને મંદિર લઈ જતી અને સ્વામીજી પાસે આશિર્વાદ અપાવતી. પોતે પહેલા ભગવાન આગળ જે જે મમ્મી કહે એ માંગતો. જ્યારથી મોહના એની જિંદગીમાં આવી ત્યારથી એ દરેક વખતે ભગવાન પાસે મોહનાને જ માંગતો... શું એની બધી પ્રાર્થના, માંગણીઓ એળે ગઈ! કોઈએ એના કરતાંય વધારે ચાહી હશે મોહનાને... કે ભગવાને ખુશ થઈને એને મોહના સોંપી દીધી હશે! 

“શું વિચારોમાં ખોવાયો છે મન?” સ્વામીજીએ પૂછ્યું ત્યારે જ મન જાગ્યો! એ ઘરેથી મંદિર સુધી આવી ગયો હતો પણ ફક્ત શરીરથી, એનું મનતો ભગવાન સાથે દલીલો કરી રહ્યું હતું.

“કંઈ ખાસ નહિ. બસ, વિચારતો હતો કે ઈશ્વર જે કરે એ બધું સાચું જ હોય? બરાબર જ હોય? કોઈ વખત એનાથીય ભૂલ તો થતી હશેને?"

“હા હા હા...થાય ભગવાનથીએ ભૂલ થઈ જાય...પણ  લાંબા ગાળે જુઓ ત્યારે સમજાય એ ભૂલ પણ આપણા ભલા માટે, સારા માટે જ હતી. ઈશ્વર કદી કોઈ કામ એમ જ નથી કરતો. એની નાનામાં નાની ક્રિયા પણ કોઈ મોટા કામમાં ભાગીદાર થવા જ સર્જાઈ હોય છે!” સ્વામીએ પહેલાં ખડખડાટ હસીને પછી જવાબ આપ્યો.

મન સ્વામીજીને પગે લાગ્યો. એમણે એના ગળે તુલસીના મણકાની માળા બાંધી અને આશીર્વાદ આપતા કહ્યું, “એના ઉપર ભરોસો રાખવાનું ક્યારેય બંધ નહીં કરવાનું. "

મનને થયું એ બે જિંદગી જીવી રહ્યો છે. એક જે બધા જુએ છે, બધાની સાથે જીવાઈ રહી છે એ અને બીજી પોતાની અંદર, પોતાના જ હૃદયના એક ખૂણામાં, જ્યાં ફક્ત એ છે અને મોહના છે! એ બીજી દુનિયાની ઝાંખી ક્યારેક સપનામાં થઈ જાય છે!  એ સપના પણ તો ઈશ્વર જ દેખાડે છે. પોતાને વરસોથી સપનામાં એની સાથે મોહના જ દેખાય છે એને હકીકતની દુનિયા સાથે કંઈ લેવાદેવા હશે? શો ઉદ્દેશ્ય હશે ઈશ્વરનો એ પાછળ...

મન ઘરે આવ્યો ત્યારે ભરત એની રાહ જોતો બેઠો હતો. એ એને પોતાના ઘરે લઈ જવા આવ્યો હતો. મન એની સાથે ગયો. વાત વાતમાં ખબર પડી કે ભરતે એન્જિનિયરિંગ છોડ્યા પછી કોમર્સમાં બાકીનું ભણવાનું પૂરું કરેલું અને વ્હાઇટ ડવ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો. એ વખતે આપેલી બેંકની પરિક્ષામાં પાસ થઈ જતાં હાલ એ એમના ગામના બાજુના શહેરમાં જ બેંકમાં નોકરી કરતો હતો. એણે લગ્ન કરી લીધા હતા. મનને એના ભાઈબંધનો સંસાર જોઈને ખુશી જરૂર થઈ પણ એના મનમાની ઉદાસી ઔર વધી ગઈ.

“ભગવાન પણ અજીબ છે ને. એકનું દિલ બીજા જોડે અને બીજાનું ત્રીજા જોડે લગાડવામાં એને શી મજા આવતી હશે?” મનની સાથે નિમેષના ઘર તરફ આગળ વધતાં ભરતે કહ્યું, “સાધના મને પસંદ કરતી હતી. એ સારી છોકરી હતી. પણ હું એને એક દોસ્ત તરીકે જ જોતો હતો. મને ખબર કે એ પટેલની દીકરીના લગ્ન એના કે મારા બાપા આ ઠાકોરના છોકરા સાથે કરવાં કદી રાજી નહિ થાય. સ્કૂલમાં ખોટા પ્રેમલા પ્રેમલીના નાટક કરવા અને છૂટા પડતા પછી કેટલું દુઃખ થાય. મેં તો એને સમજાઈ હતી કે અગમને હા પાડી દે...પણ એ ના માની. અગમિયો મારો બેટો નેહા હારે પરણી ગયો તોય હજી સાધનાને રોજ મેસેજ કરે છે. ”

મનના મનમાં પાછો ચચરાટ થવા લાગ્યો. એને પૂછવું હતું કે વિવેક અને મોહના વચ્ચે શું થયું? મોહનાએ એના દિલની વાત વિવેકને કરી હતી કે નહિ..? એ કંઈ બોલવાની કોશિશ કરે ત્યાં સુધીમાં તો બંને નિમેષના ઘરે પહોંચી ગયા હતા.

નિમેષ પોલીસ ઇન્સ્પેકટરની વર્દીમાં તૈયાર ઊભો હતો. એ પોલીસમાં ભરતી થયેલો અને હાલ સબઇન્સ્પેકટર હતો. 

“અરે યાર એક કેસ આવી પડ્યો છે. મારે જવુ પડશે. તમે લોકો બેસો હું સાંજે મળીશ.” નિમેષ મન સાથે હાથ મિલાવતા બોલ્યો હતો અને અંદર એની પત્નીને બૂમ પાડીને કહ્યું, “અરે..સાંભળે છે..બે કપ ચા લાવજે. ભરત આવ્યો છે.”

“ચા રહેવા દે નીમલા. હાલ જ ઘરેથી ચા પી ને જ આવ્યા. મારેય બેંકમાં જવાનો ટાઈમ થઈ ગયો છે.” ભરતે ઘડિયાળ જોતા કહ્યું.

“ઓકે..તો સાંજે મળીએ. તું જા મનને હું એના ઘરે ઉતારી દઈશ. મારે એ બાજુથી જ જવાનું છે.” નિમેષ બાઇકમાં ચાવી ભરાવતા બોલ્યો અને કિક મારી.

“હા.. ભરત તું જા. હું નિમેષ સાથે જતો રહીશ.” મન નિમેષની પાછળ બાઈક પર બેઠો અને નિમેષે બાઈક આગળ વધારી

“સ્કૂલમાં હતાં ત્યારે તો ક્લાસરૂમમાં કવિતા ગાતાય તારા ટાંટિયા ડિસ્કો કરવા લાગતાં હતાં,” નિમેષ થોડે આગળ જતાં બોલ્યો, “તો તારી ઑફિસમાં કેમનું છે? ત્યાં બીજા દેશમાં, બધા આગળ અંગ્રેજીમાં બોલી લે છે?”

“હા..હવે મારા ટાંટિયા નથી ધ્રુજતા.” મન પણ હસી પડ્યો, “તું તો પેલેથી ચાડિયો હતો...હવે પાછો પોલીસવાળો એટલે તારાથી મારે બચીને રહેવું પડશે.. કેમ?"

“ખાલી ચાડિયો નહિ, જાસૂસ બોલ. તારી અને ભરતાની દરેક વાતની મને ખબર રહેતી કે નહિ બોલ? એ સ્વભાવ જ અહીં કામ આવે છે.” નિમેષ બોલતો હતો અને એનો ફોન વાગ્યો, એણે ઉઠાવ્યો અને કહ્યું કે પોતે હાલ જ સીન પર પહોંચે છે.

“નિમેષ તને વાંધો ના હોય તો હું પણ તારી સાથે આવું ત્યાં?” મને ધીરેથી કહ્યું.

“ખૂન થયું છે ખૂન! કોઈની લાશ જોવા જવાનું છે, છે હિંમત? હોય તો ચાલ, એમાં મને શું વાંધો?” નિમેષ મનના ઘર આગળ થોભવાને બદલે આગળ બાઈક હંકારી ગયો. મનને એમ કે ઘરે જઈને એ પાછો એકલો પડશે એટલે મોહનાને યાદ કરીને દુઃખી થશે એને ઉદાસ જોઈને મમ્મી સવાલ કર્યા કરશે અને પોતે ઔર દુઃખી થશે. એના કરતાં દોસ્તો સાથે ફરી ફ્રેશ થઈ ઘરે જાય તો મમ્મી પપ્પાને પણ ચિંતા ના થાય..

એ લોકો હાઇવે પર પહોંચ્યા ત્યાં પોલીસની જીપ એમની રાહ જોતી ઉભી હતી. એક હવાલદાર ત્યાં ઊભો હતો એણે નિમેષને સલામ ઠોકી, એ જોઈને મનને હસવું આવી ગયું.

“આગળ ઝાડીઓમાં લાશ પડી છે સર. પહેલા મળી હતી એવી જ આ લાશ પણ છે...તમે જાતે જોઈ જુઓ.” હવાલદાર રામસિંહે માહિતી આપી.

“હા. ચાલો આગળ થાવ.” નિમેષ હવાલદારને આગળ તરફ હાથ બતાવતા બોલ્યો અને મન સામે જોઈને કહ્યું, “તને હસવું શેનું આવ્યું લ્યા? મારી આબરૂના કાંકરા ના કરાવતો!"

જે જગાએ લાશ પડી હતી ત્યાં પહોંચતા જ મન અને નિમેષ બંનેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ. જંગલી ઝાડીઓ વચ્ચે એક વીસ પચ્ચીસ વરસના યુવાનની જાણે જમીન ઉપર સૂતો હોય તેમ લાશ પડી હતી. એના શરીર પર ક્યાંય કોઈ ઘાવ કે લોહીના નિશાન ન હતાં. પણ એનું આખું શરીર ચીમળાઇ ગયેલું...પાકેલી કેરીને તડકામાં છોડી દો અને ધીરે ધીરે એનો રસ સુકાઈને એ કેવી ચીમળાઈ જાય બિલકુલ એવી જ, એના હાડકાં સાથે એની ચામડી ચોંટી ગઈ હતી! જાણે કોઈએ એના શરીરમાંથી લોહીનું એક એક ટીંપુ ચૂસી લીધું હતું...! એની આંખો બંધ હતી. હોઠ સફેદ પડી ગયા હતા...ચહેરા પર એક ડર આવીને થંભી ગયો હતો, ખૂબ જ ભયાનક મોત મર્યો હશે બિચારો!

“સર એના ગજવામાંથી આ મોબાઇલ અને આઇ કાર્ડ મળેલું. એ યુપીમાથી અહીં આવ્યો હશે અને હોટેલ ‘બ્લુ હેવન’ માં કામ કરતો હતો. કાલે એણે છેલ્લે એક છોકરીને કોલ કરેલો...ત્યાર બાદ ફોન વપરાયો નથી. કોલ રેકર્ડમાં યુપીથી થોડાક કોલ આવેલા છે, છેલ્લે ચાર દિવસ પહેલા ત્યાં વાત થઈ હતી. એના હોટલના સ્ટાફ જોડે એ વોટ્સેપ મેસેજથી જ વાત કરતો હશે..!” રામસિંહ એકી શ્વાસે બધું બોલી ગયો. 

“સરસ કામ કર્યું તે રામસિંહ. એમ્બ્યુલન્સ બોલાવી લીધી ને? બોડીના ફોટા લેવાઈ ગયા? લાશ સૌથી પહેલાં કોને જોયેલી?” નિમેષ હવે એના અસલ રોલમાં આવી ગયો હતો.

“દૂધવાળા ભૈયાએ સર. એ રોજ વહેલી સવારે દૂધ આપવા જાય છે. અહીં એ રસ્તા પર પેશાબ કરવા રોકાયેલો. સાયકલને બાજુમાં મૂકી એ ઝાડીઓમાં અંદર ગયો ત્યાં એને પગ દેખાયો અને એણે પોલીસમાં જાણ કરી.” રામસિંહ મન તરફ જોતા બોલ્યો. એનેય સાહેબ જોડે આ અજાણ્યા માણસને જોઈને નવાઈ લાગી હશે.

 એમ્બ્યુલન્સ આવી ગઈ. અને એ મરનાર યુવાન ધર્મેન્દ્રના શરીરને સ્ટ્રેચર પર સુવડાવી હોસ્પિટલ લઈ ગઈ. પોસ્ટમોર્ટમ માટે. 

નિમેષ મરનારનો મોબાઈલ ચેક કરી રહ્યો. લાસ્ટ કોલવાળો નંબર જોઈ એની આંખો ચમકી. એણે મન સામે જોયું અને એની પાસે જઈ એના ખભે હાથ મૂકતા કહ્યું, “એક મોટું સરપ્રાઈઝ છે તારા માટે, દિલ પર કાબૂ રાખજે. ચાલ, તું બાઈક લઈને ઘરે પહોંચ હું કેસ બાબત એક બે જગાએ પુછતાછ કરી આવું. સાંજે મળીશું.”

“કેવું સરપ્રાઇઝ?” મનને નવાઈ લાગી.

“એ સાંજે મળીયે ત્યારે કહું છું.” નિમેષ પોલીસની જીપમાં બેસી રવાના થઈ ગયો. નિમેષની બાઈક પર મન સવાર થયો અને ઘર તરફ એણે બાઈક મારી મૂકી. રસ્તામાં એ જાણીને એ બાજુએથી નીકળ્યો જ્યાં એની આઠમાં ધોરણની સ્કૂલ આવતી હતી, જ્યાં એ પહેલીવાર મોહનાને મળ્યો હતો...એની આંખો આગળ એજ નાની, સ્કૂલ યુનિફોર્મ પહેરેલી મોહક મોહના તરવરી રહી...! 

ક્રમશ....

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

rose 1 અઠવાડિયા પહેલા

Verified icon

Dhara 2 અઠવાડિયા પહેલા

Verified icon

Jayshree Patel 2 અઠવાડિયા પહેલા

Verified icon

Aarohi Patel 3 અઠવાડિયા પહેલા

Verified icon

Solanki Navya 4 અઠવાડિયા પહેલા