પ્રકરણ ૧
ન્યુયોર્કની એક અઘતન ઑફિસમાં બેઠેલાં મનનો ફોન રણકી ઉઠે છે. એક નજર ફોન ઉપર નાખી સ્ક્રીન ઉપર ‘પાપા’ જોતા જ મન કોમ્પ્યુટરમાં ડૂબેલું એનું માથું બહાર કાઢીને ટેબલ પર પડેલો ફોન હાથમાં લે છે. એના પપ્પા જણાવે છે કે એની મમ્મીની તબિયત ઠીક નથી અને એ જલદી પાછો આવી એકવાર એની મમ્મીને મળી જાય તો સારું એવી એની એક માત્ર ઈચ્છા છે. મનને અમેરિકા ગયે બે વરસ થયા એ પછી એક પણ વાર એ ભારત પાછો નથી ગયો એ વાતથી મનના પપ્પા પણ પરેશાન હતા. એમણે પણ દીકરાને થોડાક દિવસોની રજા લઈને ભારત આંટો મારી જવા કહ્યું.
ફોન મુકતા જ મનના શરીરમાંથી એક હળવી ઝણઝણાટી પસાર થઇ ગઈ. એને એના માબાપની કે પોતાના લોકોની યાદ નહતી આવતી એવું ન હતું અને છતાં એ ભારતમાં પગ મુકતા અચકાતો હતો. કેટલીક જૂની યાદો એને આજ, આટલે દુર પણ પરેશાન કરી રહી હતી. એ બધું જ ભૂલી જઈને નવેસરથી જીવનની શરૂઆત કરવા તો અહીં આટલે દુર આવીને વસ્યો હતો પણ, કંઈ જ ફરક ના પડ્યો! એની યાદો એની પહેલા જ સાત સમુંદર પાર કરીને અહી પહોંચી ચુકી હતી! આજે પપ્પાની વાત સાંભળીને એને થયું કે એણે ભારત જવું જોઈએ. કદાચ મમ્મીને કંઈક હા ના થઇ જાય તો એ જીવનભર પોતાની જાતને માફ ના કરી શકે! આખરે એણે એક નિર્ણય લઇ જ લીધો, મહિનાની એની રજા મંજુર કરાવીને બે વરસ બાદ એ ભારત આવવા નીકળ્યો હતો. એ વિમાનમાં બેઠો અને જેવી એણે ઉડાન ભરી કે તરત જ મનનું મન પણ ઉડવા લાગ્યું, વિમાનની ગતિથી પણ તેઝ! એક જ પળમાં મનનું મન એને ક્યાંય પાછળ ભૂતકાળમાં ખેંચી ગયું...! જે યાદોથી બચવા એ આટલે દુર સુંધી આવી ગયેલો એ જ યાદોએ એને પાછો ઘેરી લીધો! કેટલો પામર છે ને મનુષ્ય આજે પણ, એ ભલે ગમે એટલી પ્રગતિ કરી લે પણ કુદરત આગળ એની બધી હોંશિયારી નક્કામી જ સાબિત થાય છે! મનની નઝર સામે ભૂતકાળના કેટલાક દ્રશ્યો તરી રહ્યાં હતા. વરસો બાદ પણ એ જેમના તેમ સચવાયેલા હતા મનનાં મનની તિજોરીમાં!
મન એના ઘરમાં પહોંચી ગયો હતો. એના ઘરનો બેઠકખંડ એની નજર સામે છે. મન સ્કૂલમાં ભણતો તેર વરસનો યુવાન છે અને આઠમાં ધોરણમાં આવ્યા પછી એણે સ્કૂલ બદલી છે, આજે એની નવી સ્કૂલ અને આઠમાં ધોરણનો પહેલો દિવસ છે. સવારનો સમય છે, ૭:૨૦, એની મમ્મી રાવી મંદિરમાંથી પૂજાની થાળી લઈને આવે છે, પપ્પાના મોબાઈલમાંથી ધીમા સ્વરે ભજન ચાલી રહ્યું છે,
‘પાયોજી મેને, રામ રતન ધન પાયો...પાયોજી મેને રામ રતન ધન પાયો..’
રાવીબેન આવતાં જ કહે છે, “ઊભોરે લાલા, તારા કપાળે ચાલ્લો કરી દઉં પછી જા. આજે સ્કૂલનો પહેલો દિવસ છે. માતાજીની આરતી લઈને જા પછી જોજે તારું આખું વરસ ખૂબ સરસ જશે.” માએ દીકરાને કપાળે કુમકુમનું તિલક કરેલું.
“શું મમ્મી તું પણ પહેલા દિવસે જ મોડું કરાવીશ. આમેય નવી સ્કૂલમાં જતા મારા ટાંટિયા ધ્રુજી રહ્યા છે. ખબર નહીં ત્યાં કેવા ટીચર હશે.” મને આરતી લેતા લેતા કહેલું.
“તું ખોટો ગભરાય છે લાલા. આ વરસે તું જ તારા વર્ગમાં પ્રથમ આવીશ જોજે. મારા તને આશીર્વાદ છે.” રાવીબેને મનના માથે હાથ ફેરવ્યો હતો.
મન હસી પડેલો, “ઓકે યાર... મારા વાળ ના બગાડીશ. માંડ માંડ તેલ નાખીને ચોંટાડી રાખ્યા છે, પાસ થઈ જાઉં તોય ઘણું છે માતાજી, પેલ્લા નંબરનો મને મોહ નથી. ચાલ હું જાઉં...”
મન આજે પણ એ દિવસમાં ખોવાઈ ગયો જ્યારે એણે પહેલી વખત એની નવી શાળામાં પગ મુક્યો હતો. મને જાતે એનો વર્ગ શોધેલો અને એના વર્ગમાં પ્રવેશ કરેલો. કેટલાક છોકરા છોકરી ત્યાં પહેલાથી જ આવીને બેઠેલા હતા. છેલ્લેથી બીજી ખાલી બેંચ પર જઈને મન ચુપચાપ બેસી ગયેલો. એના પેટમાં પતંગિયા ઉડી રહ્યા હોય એવી હિલચાલ થઇ રહી હતી. ઓછાબોલા અને એકંદરે શાંત સ્વભાવના મન માટે નવી જગ્યા, નવા લોકો સાથે ભળવું ખુબ મુશકેલ હતું..
“ઓએ...યાર! તે પણ આ જ સ્કૂલમાં એડમીશન લીધું છે...આપણે બંને એક જ ક્લાસમાં વાહ...મજા પડી ગઈ યારા...લવ યુ યારા...!” આગળની બેંચમાં બેઠેલો ભરત મનને જોતા જ એનું દફતર લઈ મન પાસે આવીને ખૂબ જ ઉત્સાહ પૂર્વક બોલેલો. “ચાલ ખસ થોડો, હું પણ તારી જોડે જ બેસીશ.” એ મનની બાજુમાં જ બેસી ગયેલો.
“સારું થયું તું મળી ગયો. સવારનું એટલું ટેન્શન થતું હતું.” મને થોડા ખસીને ભરત માટે જગ્યા કરી.
“ફિકર નોટ યાર! આપણે બે બાલમંદિરના ગોઠિયા અહીં ભેગા થઈ ગયા એટલે સમજી લે આગળ બધું સારું જ થવાનું છે.”
“બીજા પણ આપણી જૂની સ્કૂલના વિદ્યાર્થી મળી જાય તો સારું.”
“હા, પણ પેલા નીમલા સિવાયના! મારે સાતમામાં ત્રેપન ટકા આયા અને એને અઠ્ઠાવન આયા એમાં તો સીતેર ટકા લાવ્યો હોય એવા દાંતિયા કાઢતો હતો મારી સામે. મારા ઘરે આવીને ચાંપલાએ મારા બાપાનેય એનું રીઝલ્ટ દેખાડ્યું અને મારા બાપાએ મોટા નંગ છે, શું કહું યાર! પહેલાં મારા કાકાના છોકરા જીમલા કરતા મારે બે ટકા વધારે આવેલા એટલે મારી પીંઠ થાબડી અને પછી પેલા બુંદિયાળ નીમલાના મારાથી પાંચ ટકા વધારે જોઈને મને એની એ જ પીંઠ પર જ પાંચ ગુંબા માર્યા...!” ભરતે કહેલું. મનને હાલ પણ એ યાદ કરીને હસવું આવી ગયું.
આ બંને એમની વાતોમાં મગન હતા ત્યારે જ વર્ગમાં શિક્ષિકા બેન આવી ગયેલા અને આ બંનેને જોઈ કહેલું, “હવે તમારી વાતો પૂરી થઈ ગઈ હોય તો આ બાજુ જરા નજર કરશો? આખો ક્લાસ ગુડ મોર્નિંગ બોલ્યો અને ઊભો થયો, આ ઠોયા જેવા તોય હજી બેસી રહ્યા છે!”
બંને જણાંનું હવે જ ધ્યાન ગયેલું કે ક્લાસમાં ટીચર આવી ગયા છે...અને આખો ક્લાસ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો છે. બંને જણાં માથું નીચું કરીને બેસી રહ્યા. ભરત ધીરેથી બબડ્યો પણ ખરો, ‘ચાલો.. શકન થઈ ગયા.’
રેખાબેનના કાન થોડાંક વધારે જ તેઝ હતા તે એમને ભરતાનો અવાજ સંભળાઈ ગયો, “હજી પાછળ વાતો ચાલે છે? આઠમામાં આવ્યા હવે, સેકન્ડરી બોર્ડમાં, પ્રાથમિકમાં નથી ભણતાં. જરાયે ધ્યાન ભટક્યું તો મારા જેવી કોઈ ભૂંડી નથી, કહી દઉં છું હા! પેલો દિવસ છે એટલે જવા દઉં છું... કાલથી આવું નહિ ચાલે, ધ્યાન રાખજો!”
ભરતથી જાણે ચુપ ના રહેવાતું હોય એમ ફરીથી બબડેલો, “હા, મેડમ હવેથી ધ્યાન રાખીશું. પેલા ખબર નહતી હવે પડી ગઈ કે તમારા જેવી ભૂંડી કોઈ નથી!”
રેખાબેનના કાન આ વખતે જરાક વધારે પડતાં તેઝ નીકળ્યા...એ ભરતનો બડબડાટ તરત જ સાંભળી ગયા, “તું...લ્યા પોતાની જાતને બહું હોંશિયાર સમજે છે, હૈં? કેટલાં ટકા આવેલા સાતમામાં?”
ભરતને ઘણું ખોટું લાગેલું એ સવાલનો જવાબ આપતાં. મનમાં તો એણે થયું જ હશે કે હવેની પરીક્ષામાં જોઈ લેજો બાપુના ટકા! એણે ધીમેથી જવાબ આપેલો, “એ વખતે મારી તબિયત ખરાબ હતી, બૌ..જ પેટમાં દુખતું હતું તોય બધા પેપર આપેલા એટલે ત્રેપન ટકા જ આવેલા પણ આ વખતે જોજો હું સિતેર ટકા લાએ."
“આ ભરતો જુઠ્ઠું બોલે છે મેડમ! રોજ પેપર પૂરું કરીને પેલી લારીવાળી સવિતાકાકી પાસેથી કોઠું અને આંબલી લઈને છુપાઈ છુપાઈને ખાતો’તો.” અચાનક કોઈક પાછળથી બોલેલું.
“આવી ગયો શેતાન...” મન સામે જોઇને ભરતે ધીમેથી કહ્યું અને પછી મોટેથી નિમેશ સામે જોઇને કહ્યું, “હું શું કરવા છુપાઈને ખાઉં... કંઈ ચોરી કરીને ખાતો’તો? આટલું જુઠ્ઠું બોલે છે નીમાલા નીમલા... બહાર આવ આજ તારી વલે કરૂ છું!”
રેખાબેન ક્યારનાય ભરત સામે કતરાઈ રહેલા એમણે છેવટે ઘાંટો પાડેલો, “આ શું ચાલી રહ્યું છે ક્લાસમાં? તું અને એની બાજુવાળો બંને બહાર નીકળો અને ક્લાસની બહાર અંગુઠા પકડીને ઊભા રહો... વિચાર્યું હતું કે જવા દઉં... આજે પહેલો દિવસ છે પણ, હવે તમારે તોફાન જ કરવા હોય તો જોઈ લેજો... મારા જેવી ભૂંડી બીજી કોઈ નથી, કઈ દઉં છું હા!”
ભરત અને મન બંને નવી શાળાના પહેલા દિવસે જ બહાર ગયેલા. ભરત નિમેશ સામે કાતિલ નજરે જોઈ રહેલો અને નિમેશ હસતો હતો.
મનના ચહેરા પર અચાનક એક સ્મિત ફરી વળ્યું, વિમાનમાં બેઠા બેઠા પણ એની આંખો આગળ એક મસ્ત ચહેરો છવાઈ રહ્યો. એની આંખ સામે એ દ્રશ્ય તરવરી રહ્યું હતું જ્યારે એ પહેલી વખત એને મળેલો...
ભરત અને એ બંને બહાર અંગુઠા પકડીને ઊભા હતા ત્યારે જ એક છોકરી ભાગતી ભાગતી આવેલી. એના એક હાથમાં દફતર અને બીજા હાથમાં વૉટર બોટલ હતી. ક્લાસના દરવાજે પહોંચીને એ રોકાઈ હતી, એના હાથમાં વીંઝાઇ રહેલી વોટર બોટલ મનના માથે વાગેલી...એ છોકરીનું એ તરફ ધ્યાન જતાં જ એ મન સામે જોઈ મીઠું હસીને ‘સોરી’ બોલેલી અને ટીચર સાથે કંઈ વાત કરીને અંદર ચાલી ગયેલી..
મનના મનમાં એ વખતે અને આજે પણ એક ગીત સંભળાઈ રહ્યું...‘તુમ પાસ આયે..યું મુસ્કુરાયે... તુમને નજાને ક્યા, સપને દિખાયે...અબ તો મેરા દિલ, જાગે ના સોતા હૈં..ક્યાં કરું હાયે... કુછ કુછ હોતા હૈં...’ મન એ વખતે મોહના સામે જ તાકી રહેલો... બાકીનો આખો દિવસ એના મનમાં કુછ કુછ હોતા હૈં ચાલે રાખેલું..
“આજે પેલા નમાલા નીમલાનું આવી બન્યું છે...પેલ્લાજ દિવસે એણે આપણી ઈજ્જતનો ભવાડો કર્યો. ઘરે પહોંચતા પહેલાં જ એને પકડી ખોખરો કરવો પડશે..અરે..તું સાંભળે છે ને, કરીશું ને?” છેલ્લે ક્લાસમાં જતા જતા ભરતે એને કહેલું.
મોહનાના મોહમાં ખોવાયેલા મનના મને કંઈ વિચાર્યા વગર, સાંભળ્યા વગર કહી દીધું હતું, “ઓકે.!”