Man Mohna - 27 books and stories free download online pdf in Gujarati

મન મોહના - ૨૭

“તારે તારું શરીર મને આપવાનું છે, બસ એક દિવસ માટે. પછી હું ચાલી જઈશ.” એ ઢીંગલી કહી રહી હતી.

“શું કહ્યું? મારું શરીર તને આપી દઉં! તો હું ક્યાં જાઉં અને આ બધું કેવી રીતે પોસીબલ છે? તું કોઈ પાગલ છે!” મોહના હવે ખરેખર આ ઢીંગલીથી ગભરાઈ ગઈ હતી.


“તારું શરીર મને આપી દે, બસ એક જ દિવસ માટે!"
આટલું સાંભળીને જ મોહનાના મોતિયા મરી ગયેલાં. ભૂતપ્રેત વગેરે વિશે એણે ટીવીમાં જોયેલું અને વાર્તામાં વાંચેલું પણ ક્યારેક પોતે પણ એનો શિકાર બની શકે એવું તો વિચાર્યુ સુધ્ધાય નહતું અને આજે એ જ હકીકત હતી!

મોહનાને ચૂપ થઈ ગયેલી જોઈ એ ગુડિયાએ કહ્યું, “થોડું અટપટું છે પણ તું સમજવાનો પ્રયત્ન કરીશ તો બધું બહુ સરળ છે. જો હું એક ભટકતી આત્મા છું. મારા લગ્નને આગલા દિવસે જ મારું એક અકસ્માતમાં મૃત્યુ થઇ ગયેલું. મારી બહુ જ ઈચ્છા હતી દુલ્હન બનવાની, એની જેમ સજવાની, લાલ સાડી પહેરી, માથામાં ગજરો નાખી, બહુ બધા ઘરેણાથી લદાઈને તૈયાર થવાનું મારું સપનું અધૂરું રહી ગયું અને હું ભટકતી રહી ગઈ. થોડા જ દિવસોમાં તારા લગ્ન થવાના છે, જો તું એ દિવસે મને તારા શરીરમાં પ્રવેશ કરવા દે તો મારી અધુરી ઈચ્છા પૂરી થઇ જાય અને મને મુક્તિ મળી જાય, પછી તું તારા રસ્તે હું મારા રસ્તે. તું એક દયાળુ છોકરી છે અને મારા જેવી જ રૂપાળી પણ, એટલે જ હું તારી પાસે આવી.”

“જે માજીએ મને ઢીંગલી આપી એ તારી કોણ હતી?”

“એ પણ એક દયાળું બાઈ હતી. હું મરી ગઈ ત્યારે મારું શરીર ઘરવાળાએ સળગાવી દીધું પણ મારો આત્મા ત્યાં જ ભટકતો રહી ગયો. હું બિચારી શું કરું? એ વખતે મેં ફરતાં ફરતાં એ ડોશીના ઘરે રાત વિતાવી અને ત્યાં આવી ઢીંગલીઓ જોઈ એમાંની એકમાં હું પ્રવેશી. એક દિવસ લાગ જોઇને મેં ડોશીને બધી વાત કરી, એ ડોશીએ મારી બધી વાત ધ્યાનથી સાંભળી અને મને મદદ કરવાનું વચન આપેલું. જે દિવસે તારો જન્મ દિવસ હતો ત્યારે એણે એ વચન નિભાવ્યું અને મને તને સોંપી. હવે તું પણ મારી થોડી મદદ કરી દે એટલે હું મુક્ત થઇ જાઉં!”

“પણ તું મારા શરીરમાં આવે ત્યારે હું કયાં જાઉં? મારું શું થાય?” મોહના કાંપતા સ્વરે પૂછી રહી.

“તું એટલો વખત આ ઢીંગલીમાં રહી લેજે, જેમકે અત્યારે હું રહું છું. આરામથી આ કબાટમાં બેસી રહેજે. હું દુલ્હન બનું, નીચે જઈને લગ્નમંડપમાં બેસું, બધા મને જોઈને ‘વાહ વાહ' કરતા હોય અને હું વરરાજાને શરમાતા શરમાતાં જોઉં એટલે મારું સપનું પૂરું. તારાવાળો વરરાજા એ છોકરો નથી જેને હું ચાહતી હતી એટલે એની સાથે ફેરા ફરવાં મારું મન રાજી નહિ થાય અને પછી મારી કોઈ ઈચ્છા બાકી ના રહેતા હું ચાલી જઈશ, મને મુક્તિ મળી જશે. જેવી હું તારા શરીરમાંથી નીકળી જઈશ એવી જ તું તારા શરીરમાં પાછી આવી જઈશ. કોઈને કંઈ ખબર પણ નહિ પડે અને તું તારા અમર સાથે આગળની બધી વિધિ પતાવજે. તને મારા આશીર્વાદ મળશે. એક ભટકતી આત્માને મુક્તિ અપાવવામાં તું નિમિત્ત બનીશ.”

મોહનાની આને મદદ કરવાની જરાય ઈચ્છા થતી ન હતી. એ બસ આનાથી મુક્તિ ઈચ્છતી હતી. એ માટે એને વિચારવાનો વખત જોઈતો હતો. એટલે જ એણે કહ્યું કે, ઠીક છે હું વિચારીને પછી વાત કરું. ત્યારે એ ગુડીયાએ થોડા સખત અવાજે કહ્યું,

“એક વાત યાદ રાખજે, મારાથી પીંછો છોડાવવાનું વિચારતી પણ નહિ. મારાથી મુક્તિ મેળવવાનો એક જ રસ્તો છે જે મેં તને હાલ જણાવ્યો. એ સિવાય બીજી કોઈ ચાલાકી કરી તો હું તારી અને તારી આસપાસ રહેલા દરેક જણની બુરી વલે કરીશ!”

એ ઘટના પછી હું થોડી ગભરાઈ ગયેલી. મેં ઘણાં પ્રયાસ કરી જોયા એ ઢીંગલીને મારાથી દુર કરવાના પણ એ ગમે ત્યાંથી પાછી આવી જ જતી. એકવાર મેં એને બહાર રોડ ઉપર લઈ જઈને સળગતા તાપણામાં ફેંકી દીધેલી, મને એમ કે હવે એ નાશ પામી, આગની જ્વાળાઓમાં એ સળગીને રાખ થઈ ગઈ અને એ જ રાતે એ પાછી આવી ગયેલી. બળેલા કપડાં સાથે. એણે પાછા આવીને મારા પર પ્રહાર કરેલા, સળગતી સિગારેટ વડે મારા ચહેરા પર ડામ દેવાની કોશિષ કરેલી, હું એના પગે પડી ત્યારે એણે મને માફ કરેલી.

હું ભડકી ગયેલી અને કોઈ પણ ભોગે એનાથી છૂટવા માટે બીજે દિવસે માળી પાસે ઊંડો ખાડો ખોદાવીને એને મેં એમાં દાટી દીધી. મને એમ કે હવે એ પાછી નહીં જ આવે અને મારી એ આશા પણ ઠગારી નીવડેલી એ રાત્રે પાછી આવી ગયેલી અને મારી પીંઠ ઉપર કોઈ ધારદાર વસ્તુથી ચીરા પાડી મને સજા આપેલી.

હું હાર માનવા તૈયાર નહતી મેં બીજા પણ પ્રયત્ન કરી જોયા.. એ ના સળગી, ના ડૂબી કે ના દફન થઇ અને એ દરેક વખતે એણે મને સજા આપી જ્યારે મેં એને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો. એ મારી પીંઠ પર નહોર ભરી એને લોહી લુહાણ કરી મેલતી, ક્યારેક મારા વાળ એટલાં જોરથી ખેંચતી કે વાળના મૂળમાંથી લોહીનો ટસીયો ફૂટી નીકળતો. મારા મને બહુ ગમતા હોય એવા કપડાં એ ફાડી નાખતી. હું સૂતી હોઉં તો મારા કાનમાં ચીસો પાડીને મને જગાડી દેતી અને મારે પરાણે જાગતા રહી એની બકવાસ વાતો સાંભળવી પડતી. મને પીડાતી, રિબાતી જોઇને એને આનંદ આવતો. હું એના વિષે કોઈને કંઈ કહેવાનો પ્રયાસ કરીશ તો એ જબરજસ્તી મારા શરીરમાં ઘુસી જશે અને પછી કદી પાછી નહિ જાય એવી એણે મને ધમકી આપી હતી. હું શું કરતી? થોડાક દિવસમાં તો એણે મારું જીવન ઝેર જેવું કરી મુકેલું. જેમ જેમ મારા લગ્નનો દિવસ નજીક આવતો ગયો એનું દબાણ વધતું જ ગયું. છેલ્લે એણે પપ્પાને એનો ભોગ બનાવ્યાં. એમને અકસ્માત કરાવ્યો, એ માંડ માંડ બચ્યાં. એણે ફરીથી ધમકી આપી કે હું જો એની ઈચ્છા પૂરી નહીં કરું તો એ મારા પપ્પાને ખતમ કરી દેશે! હું એનાથી કંટાળી ગઈ હતી. એનાથી મુક્તિ મેળવવા માટે થઈને છેવટે હું એની વાત માની ગઈ, માનવી પડી.

જે દિવસે મારા લગ્ન હતા એના આગલા દિવસે રાત્રે બાર વાગે એણે મને કહ્યું કે હું મનમાં ને મનમાં ઢીંગલી બની જવાની ઈચ્છા કરીશ તો મારો આત્મા ઢીંગલીમાં આવી જશે અને જ્યારે હું મોહના બની જવાની ઈચ્છા કરીશ ત્યારે હું પાછી મારા શરીરમાં આવી જઈશ! એ બધું મારી ઇચ્છા શક્તિથી જ શક્ય બનશે. મને એની વાત પર વિશ્વાસ ન હતો થતો. એણે કહ્યું કે હું એક વાર એવી ઈચ્છા કરું કે હું ઢીંગલી બની જાઉં, મારો આત્મા મારું શરીર છોડી ઢીંગલીના શરીરમાં પ્રવેશે, મેં એવી ઈચ્છા કરી અને એમ કરતા જ અચાનક મને ગુંગળામણ થવા લાગી, મારું શરીર સંકોચાઈ રહ્યું હોય એવું લાગ્યું અને હું ઢીંગલીમાં આવી ગઈ. મને સખત આઘાત લાગ્યો, એ કેવી રીતે થયું એ સમજવું મારા માટે આસાન નહતું. મને થયું કે મેં મૂર્ખામી કરી! મારે એની કોઈ વાત માનવા જેવી જ નહતી! પણ હવે શું થઈ શકે, મેં તરત ઈચ્છા કરી કે હું મોહના બની જાઉં, મારો આત્મા મારા શરીરમાં પાછો ચાલ્યો જાય પણ એવું કંઈ ના થયું. હું ઢીંગલી જ બની રહી. મને એમ કે થોડા કલાકની જ વાત છે પછી એને મુક્તિ મળી જશે અને હું પાછી મારા શરીરમાં આવી જઈશ. મારા મનને બહેલાવવા હું એવું વિચારતી રહી પણ એવું કંઈ ના થયું. એ બહુ ચાલક નીકળી. એણે મને છેતરી હતી. અમર સાથે લગ્ન કર્યા બાદ પણ એને મુક્તિ ના મળી, એનું કહેવું હતું કે એને અમર જેવો જ જીવનસાથી જોઈતો હતો એ એને મળી ગયો એટલે હવે એ નહિ જાય. હું ખુબ રડી અને ફરીથી મારા શરીરમાં પાછા ફરવાનો પ્રયત્ન પણ કર્યો પણ કશું ના થયું. લગ્નની રાત્રે જ અમરનું મોત થઇ ગયું. કેવી રીતે એ મને નથી ખબર. એ વખતે હું ત્યાં હાજર હતી છતાં નહતી, હું કબાટમાં પુરાયેલી ઢીંગલી હતી!

બે દિવસ પછી એણે મને કહ્યું, એનો પ્લાન નિષ્ફળ ગયો. એનાથી એને ઘણું દુખ થયું છે. અમર જેવા પતિ સાથે પરણ્યા બાદ પણ એને પત્ની બનવાનું સુખ ના મળ્યું, કદાચ એ હવે કદી મુક્ત નહિ થઇ શકે. શી ખબર કેમ પણ એને મારા ઉપર દયા આવી ગઈ, એણે કહ્યું કે એ મારી સાથે એક સોદો કરવા તૈયાર છે. સૂર્યોદયથી લઈને સુર્યાસ્ત સુંધી હું મારા શરીરમાં રહું અને સુર્યાસ્તથી સૂર્યોદય સુંધી એ મારું શરીર વાપરશે. શરત એટલી કે મારે કોઈને પણ આ વિષે જણાવવાનું નહિ નહીતર હંમેશાં માટે ઢીંગલી જ બનીને રહેવું પડશે. હું એની વાત તરત માની ગઈ, એ સિવાય મારી પાસે છૂટકો જ ક્યાં હતો. ઢીંગલી બની કબાટમાં પુરાયેલી રહીને હુ ત્રાસી ગઈ હતી.

હવે રોજ સવારે હું મોહના રૂપે હોઉં છું અને સાંજ ઢળે ઢીંગલી! હું જ્યારે ઢીંગલી હોઉં ત્યારે હું કંઈ પણ નથી કરી શકતી પણ એ ભલે ગમે તે રૂપમાં હોય એ એની પાસેની શક્તિઓ વાપરી શકે છે. જીવનભર ઢીંગલી બનીને હું ગૂંગળાઈ મરવા નથી માંગતી એટલે આજ સુંધી મેં આ વાત કોઈને નથી કહી. દિવસના સમયે પણ એ ઈચ્છે તો મારામાં પ્રવેશ કરી શકે છે, હું મારી જાતે કંઈ જ નથી કરતી, કરી શકતી!

મને ખબર છે મન તું મને સાચા દિલથી ચાહે છે પણ હું મારા ખાતર તારો જીવ જોખમમાં નહિ મૂકી શકું. અમરને ગુમાવી ચુકી છું હવે ફરીથી લગ્ન નહિ કરું. તને કોઈ એવી વ્યક્તિ મળે જે મને આમાંથી બચાવી શકે તો મારી મદદ કરજે નહીતર મને મારા હાલ પર છોડીને હંમેશા માટે ચાલ્યો જજે...!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED