મન મોહના - ૫ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૫


મેદાન પરની દોડ પૂરી થતાં જ બધા કલાસની અંદર દોડતા ગયેલા અને  પછી લાગ જોઈને ભરત મોહનાની સહેલી સાધના પાસે જઈને વાતો કરવાં લાગેલો, જોડે મનને પણ ખેંચીને લઇ ગયેલો, સાધના પાસે જઈને ભરતે કહેલું, “બધી છોકરીઓમાં મોહના અને છોકરાઓમાં મન જ સૌથી વધારે ફાસ્ટ દોડ્યા, હેને?”

એજ વખતે મોહનાએ એક નજર મારી તરફ નાખેલી અને હું શરમથી નજર નીચે ઝુકાવી ગયેલો... ભરતે મને પેટમાં ખૂણી મારી ધીરેથી યાદ કરાવેલું ...માચો! ત્યાં જ વચમાં નિમેશ કૂદી પડેલો,

“માચો..? કોણ? હાહાહા...! આજની રેસ તો હું જ જીતવાનો હતો એતો વચમાં આ ભરતાએ મને પાડી દીધો. બાકી હું તો જો ચિત્તા જોડે રેસ લગાઉ તો એય હારી જાય!”

ક્લાસમાં ટીચર આવી જતા બધા એમની જગ્યાએ ગોઠવાઈ ગયેલા અને આકાશ સરે પૂછેલું, “તો આજે કવિતા કોણ વાંચશે?”

ખબર નહિ નિમેશને મારી જોડે શું દુશ્મની હતી એ ચાંપલાએ કહેલું,  “મન સર! એને બહું સરસ આવડે છે.”
મારા તો મોતિયા મરી ગયેલા, આખા ક્લાસ આગળ ઉભા રહીને કવિતા ગાવાની! એય કદાચ કરી લઉં પણ મોહના સાંભળે એમ, એની આગળ કવિતા ગાવાની મારામાં હિંમત જ નહતી. મેં ધીમે રહીને કહેલું, “ના...સર. એ ખોટું બોલે છે.”

આકાશસરે કહેલું, “એમાં ખોટું શું? આઠમામાં આવ્યો અને વાંચતા નથી આવડતું. ચાલ ઊભોથા અને વાંચ.”

હું ધીરેથી ઊભો થાયેલો, ચોપડી ખોલીને બે હાથે પકડી ત્યારે ચોપડી ધ્રુજવા લાગેલી, હકીકતે તો હું જ આખો ધ્રૂજતો હતો. સાહેબની નજરમાં એ વાત આવતા એમનેય ઘડી ગમ્મત કરવાની ઈચ્છા થયેલી અને મને ક્લાસની આગળ આવી ઊભા રહેવાનું કહેલું.  હું પરાણે ચાલતો ત્યાં જઈ ઊભો રહેલો, મારું દિલ જોર જોરથી જાણે ઢોલ હોય એમ ધડકવા લાગેલું, મારા પગ અને હાથ બંને ધુજી રહ્યા હોય એમ હું અનુભવી શકતો હતો...એ વખતની મારી પરિસ્થિતિ હું આજે પણ મહેસુસ કરી શકું છું અને મેં  વાંચવાનું શરૂ કરેલું.  

“જી...વ..ન  અંજલિ થા...થાજો,
માં..મારું જી..જીવન અંજલી...અંજલિ થાજો..” 

જાણે રડતા રડતા વાંચતો હોય એમ અચકાઈને વાંચતો હું માંડ મારી રહી સહી હિંમત ટકાવી ઉભો હતો. આખો ક્લાસ ખડખડાટ કરતો હસી રહ્યો હતો. નિમેશતો હસતો હસતો જમીન પર આળોટવા લાગેલો... મોહના પણ મોઢા પર હાથ રાખી હસવા લાગી હતી! અને એજ વખતે મારા ક્લાસમાં મારા સૌથી મોટા દુશ્મનની એન્ટ્રી થયેલી, એણે આવતાની સાથે જ મોટા અવાજે કહેલું, 

“શેનો બખાળો કરો છો લ્યા? સ્કૂલમાં છો કે સરકસ જોવા આવ્યા છો?” 

“અરે સર તમે અહીં જ છો! મને એમ કે આ લોકો એકલા હશે  એટલે અવાજ કરે છે.”

આકાશસરે વિવેકને જોઇને કહ્યું, “આને કવિતા વાંચવા ઊભો કર્યો તો ડિસ્કો કરવા લાગ્યો..એમાજ બધાને દાંત આવી ગયા.” ફરીથી એક હાસ્યનું મોજું ક્લાસમાં ફરી વળેલું.

 વિવેકે મારી સામે જોઇને મને સંભળાવતા કહેલું, 
“એક કવિતા વાંચવામાં શું મોટી વાત છે. જા લ્યા તારી જગ્યાએ જા. સાહેબ હું વાંચું.”

એણે પહેલી બેંચ પર બેસેલી મોહનાની ચોપડી લઇ કવિતા જોયેલી અને પછી એ પાછી સોંપી મોંઢે કવિતા ગાવાનું શરૂ કરેલું. સરસ રાગ સાથે, સુરીલા અવાજે એણે ગાઈને કવિતા પૂરી કરી ત્યારે આખો ક્લાસ તાળીઓના ગડગડાટથી એને વધાવી રહેલો...! સિવાય હું અને ભરત! 

મોહનાએ તો એના વખાણ કરતાં કહી પણ દીધેલું, “વાહ! અદભુત! તમે તો સરસ ગાઓ છો.”

 “એમાં કંઈ નથી તારે શીખવું હોય તો તને પણ શીખવી દઈશ.” વિવેકે એક આંખનું પોપચું સહેજ નમાવીને કહ્યું હતું. મોહના જરીક શરમાઈ ગયેલી અને આ દૃશ્ય મેં, ભરત અને નિમેશ ત્રણેયે જોયું હતું.

શાળા છૂટી ત્યારે અમે ત્રણે જણા ઉદાસ થઈને ઘરે જતા હતા. થોડું ચાલ્યા પછી નિમેષ ભરતનો હાથ પકડી ઊભો રહી ગયેલો અને કહેલું, “ભરત આ મોહના તો ચાલુ લાગે છે. તારા ભાઈબંધને કઈ દે એને ભૂલી જાય. એને જો પેલો કાળિયો આંખ મારે તોય શરમાઈ જાય તો હું તો... તું જો, દૂધમાં કેસર ગોળ્યુ હોય એવો મારો રંગ, ગુલાબની પાંખડી જેવા લાલ મારા ગાલ, સસલા જેવા ચમકતા દાંત, હરણાં જેવી માસૂમિયત અને મોર જેવી કળા..! એટલે એ સુંદરી મારા પર જરૂર મોહી જશે..બસ, થોડી સ્ટાઈલ મારું એટલી જ વાર. મોહનાને મારી ગર્લફ્રેન્ડ ના બનાવું તો કહેજો!”
નિમેશ ભરતને કહી રહ્યો હતો અને હું એ સાંભળવા છતાં નહતો સાંભળી રહ્યો, મારું દિલ કહી રહ્યું હતું મોહના મારી છે અને એક દિવસ એ મારી જ થઈને રહેશે..! એને જોઈને જ દિલમાં કોઈ અજીબ સંવેદન થવા લાગે છે એ હું મારી જાતે પેદા નથી કરતો એ બધું કુદરત કરે છે. જો ભગવાન જ મારા દિલમાં મોહના પ્રત્યે પ્રેમ જગાડતો હોય તો એને મેળવવાનો રસ્તો પણ એ જ દેખાડશે...!!