પારદર્શી - 16 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારદર્શી - 16

પારદર્શી-16
સમ્યક હવે બે દિવસ પોતાના ફાર્મહાઉસમાં જ ભરાઇ રહ્યોં.પેલા ગામમાં મચાવેલા તોફાનનો એને વારે વારે અફસોસ અને ગુસ્સો કોરી ખાતો હતો.એને હવે બધા જ નકારાત્મક ભાવોએ ઘેરી લીધો.એને લીધે એ તદન આળસુ થયો.એને હવે કશું જ કરવાની ઇચ્છા થતી ન હતી.આખરે એક રાત્રે ફરી ઘરે જવાનું નકકી કર્યું.એણે નકકી કરી લીધુ કે હવે દિશાને આ કડવું સત્ય જણાવી દેવું.જેટલું વહેલુ કહીશ એટલું ઝડપથી એ મારી આ અવસ્થા સ્વીકારી લેશે.થોડો સમય દુઃખ થશે પછી સમય બધુ ભુલાવી દેશે.અકાળે જો મૃત્યુ આવે તો પોતાનો પરીવાર એકલો અને આધાર વિનાનો રહી જ જાય છેને! જગતમાં એવા કેટલાય પરીવારો છે જે પોતાના પરીજનને ભુલીને આગળ વધી જીવન જીવી જાય છે.અને હું તો કયાં મર્યોં છું? હું તો કદાચ અમર થઇ જઇશ.મારી નજર સામે જ એ લોકોની જીંદગીઓ પસાર થતી જોઇ શકીશ.આવું વિચારી સમ્યક રાત્રે 1.00 વાગ્યેં પોતાની કાળા રંગની અને નંબરપ્લેટ વગરની કાર લઇને નીકળી પડયો.ઘરથી થોડે દુર મુખ્ય રસ્તાથી અંદર એક ખાંચામાં કાર મુકી.હવે તો એ પહેલા આજુબાજુ જોઇ લેતો.જયાં સીસીટીવી કેમેરા ન હોય એવી જગ્યાએ જ કાર ઉભી રાખતો.એ કારનો દરવાજો ખોલ્યાં વગર જ ઉતર્યોં.એટલે કદાચ કોઇ આજુબાજુથી જોઇ રહ્યું હોય તો એવું લાગે કે કાર પાર્ક તો થઇ પણ કોઇ નીચે ઉતર્યું નથી.એ પોતાના ઘર તરફ શાંત અને ધીમા પગલે ચાલતો થયો.દિશાને ઉંઘમાંથી ઉઠાડીને બધુ કહી દેવા એ જતો હતો.આજુબાજુ અમુક બંગલાઓમાં લાઇટો ચાલુ હતી.વાર કે તારીખ તો હવે સમ્યકને કંઇ ખબર કયાં હતી? એને તો હવે દિવસ રાત વચ્ચે પણ કોઇ તફાવત ન હતો.
થોડું ચાલ્યોં ત્યાંરે એની સોસાયટી પહેલા મુખ્ય રસ્તા પરની એક સોસાયટી આવી.એના રહેવાસીનાં વાહનો બહાર જ પડી રહેતા.અમુક ટુવ્હીલર અને અમુક કાર ત્યાં પાર્ક કરેલી હતી.એ કંઇ સમ્યક માટે નવું ન હતુ.પણ એણે એક બાઇકમાં ત્રણ લબરમુછીયા ત્યાં આવતા જોયા.સમ્યક એ છોકરાઓ શું કરે છે એ જોવા ત્યાં ઉભો રહી ગયો.ત્રણમાંથી બે છોકરા નીચે ઉતર્યાં અને એક છોકરાએ બાઇક ચાલુ રાખી.પેલા બે છોકરાઓનાં હાથમાં બે ખાલી બોટલો હતી.એમણે ફટાફટ એક ટુવ્હીલરમાંથી પેટ્રોલની ચોરી ચાલુ કરી.એક પછી એક ટુવ્હીલરમાંથી પેટ્રોલ કાઢવા લાગ્યાં.પણ સમ્યક તો મુક અને અદ્રશ્ય પ્રેક્ષક બની માત્ર જોયા કર્યોં.હવે એના મનમાં એક વેરભાવ જન્મેલો હતો કે મને મારા પપ્પા કે એમના ગુરૂઓ મદદ નથી કરતા તો હું શુંકામ કોઇ ખરાબ કામ થતા રોકું? સમ્યક એક બાઇકની બાજુમાં ઉભો રહ્યોં.એ બાઇક તરફ પેલા ચોર તરુણો આવ્યાં.સમ્યક અને એ બંનેની નજર એક સાથે એ બાઇકમાં એના માલીકે ભુલથી રાખી દીધેલી ચાવી તરફ ગઇ.એ બંનેએ ઇશારાથી પેલા ત્રીજા સાથીને કહ્યું ચાવી અંદર જ છે.બાઇક ઉપાડી લઇએ? પેલાએ બે ક્ષણ વિચાર કર્યોં, પછી હસ્યો અને પોતાની ઇચ્છા હકારમાં જણાવી.સમ્યક બધુ જોઇ રહ્યોં અને સમજી રહ્યોં હતો.પણ એની કંઇ ‘એકસન’ લેવાની ઇચ્છા જ ન થઇ.એના મનનાં ટુકડા થયા.દરેક ટુકડાનો અલગ અલગ વિચાર હતો.કોઇ કહે ભલે ચોરી થાય આપણે શું? કોઇ કહે આ કોનું બાઇક હશે? કોઇ કહે આ ખોટુ કામ થઇ રહ્યું છે? તો વળી કોઇ કહે સમ્યક તારે આ ઘટના રોકવી જોઇએ? તે તો અત્યાંર સુધી ઘણા લોકોને મદદ કરી છે.કોઇ કહે તને કયાં કોઇ જોઇ શકે છે? તો તને શું ડર છે? વિચારનાં ટુકડાઓમાં સમય પસાર થયો.પણ એ બાઇક ચાલુ થયું એના અવાજે સમ્યક વિચારવમળમાંથી બહાર નીકળ્યોં.એવામાં પેલા બંનેએ બાઇક ગીયરમાં પાડી.સમ્યકે તરત જ બંને હાથે બાઇકને પાછળથી પકડયું.પણ ત્યાં જ એને બાઇક પાછળ અંગ્રેજીમાં લખેલું એક વાકય વંચાયું કે ‘ફાધર્સ ગીફટ’. એના હાથ છુટી ગયા.કોઇનું બાઇક એના હાથમાંથી ચોરાઇ ગયું.અને ત્રણેય લબરમુછીયા બંને બાઇક સાથે છુમંતર થયા.સમ્યક ખડખડાટ હસ્યો અને મોટેથી બબડયો “કોઇની ફાધર્સ ગીફટ ચોરી થઇ ગઇ...પણ મારી આ સિદ્ધી, આ ફાધર્સ ગીફટ કેમ ચોરાઇ જતી નથી?” વળી અટ્ટાહાસ્યનો અવાજ અને સાથે નીકળેલા એના શબ્દો હતા “જે થયુ તે...મારે શું?”. જાણે કશું બન્યું જ નથી એમ એ ઘર તરફ ચાલતો થયો.
સમ્યક પોતાના બંગલા પર પહોચ્યોં.દરવાજાની આરપાર થઇ અંદર લીવીંગરૂમમાં ગયો તો જોયું કે દિશા એકલી સોફા પર બેસી ટી.વી. જોઇ રહી હતી.એના ચહેરાની ઉદાસી સમ્યક માટે અસહ્ય હતી.એટલે એ સીધો જ એની બાજુમાં અને એ ગભરાઇ ન જાય એટલે થોડે દુર બેઠો.સોફો થોડો દબાયો એ જોઇ દિશા થોડી ડરી ગઇ, પણ તરત જ સ્વસ્થ થઇને એ બોલી “સમ્યક...ઓ સમ્યક...તમે અહિં છો?”

“હા દિશા, હું છું.”

દિશાએ એ તરફ હાથ લંબાવ્યોં.સમ્યકને સ્પર્શ કરવા આતુર થઇ.થોડી વાર એના હાથ હવામાં જજુમ્યાં,જાણે કોઇ અંધ વ્યકિત હવામાં હાથ ફેરવતી હોય એમ એની હાલત હતી.સમ્યક થોડો નજીક આવ્યોં અને એણે દિશાનો હાથ પોતાના બંને હાથથી પકડી લીધો.એ હાથને એણે હોઠોથી ચુમીને પોતાનો અદ્રશ્ય પ્રેમ વ્યકત કર્યોં.પણ દિશાનો પ્રેમ તો આંખોમાં અશ્રુ બનીને વહેવા લાગ્યોં.પછી તો સમ્યક એને ભેંટયો એટલે દિશા હવે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.થોડીવાર સમ્યકે એને રડી લેવા દીધી.પછી એ દિશાને અળગી કરી ઉભો થયો.દિશા ફરી અંધની જેમ આમતેમ શોધવા લાગી.પછી બોલી “ સમ્યક કયાં ગયા?” ત્યાં તો દિશાએ કિચન તરફથી પાણીની બોટલ હવામાં ઉડીને નજીક આવતા જોઇ.

“ડિયર, આ પાણી પીય લે.તું દુઃખી ન થા.”

દિશાએ થોડીવાર પાણીની બોટલ પોતાના હાથમાં પકડી રાખી.અને ગાલ પર રહેલું પાણી એક હાથથી દુર કર્યું.પણ એનું દુઃખ આટલી સહેલાઇથી દુર નહિ થાય એ વસવસો સતત મનમાં રાખી એ બોલી

“સમ્યક, તમે પણ પપ્પાની જેમ કાયમ માટે અદ્રશ્ય થઇ ગયાને? પાછા ફરવું તમારા હાથમાં નથી હવે?”

હજુ પાણીની બંધ બોટલ દિશાનાં હાથમાં જ અટકી હતી.સમ્યક શું જવાબ આપવો એવો ‘પ્લાન’ મનમાં ગોઠવવા લાગ્યોં.એમાં થોડી વાર લાગી.એટલે દિશાએ ફરી પુછયું

“સમ્યક...કયાં ગયા?”

સમ્યક દિશાનો એક હાથ પકડી બીજા હાથે પાણીની બોટલ એના હોઠ નજીક લાવીને બોલ્યોં

“તું પહેલા પાણી તો પી લે.પછી બધી વાત કરું.”

દિશા પાણી પીવા લાગી.સમ્યક એના તરફ એકીટસે જોઇ રહ્યોં.એની આંખોમાં પણ પાણી વહ્યાં.પોતાની લાચારી અને દિશાની આવી હાલત જોઇ એણે સોફા પર એક હાથ પછાડયોં.દિશા આ અવાજ સાંભળીને એ તરફ જોવા લાગી.પછી બોલી

“કેમ? શું થયું? તમને ગુસ્સો આવ્યોં કે પછી તમે દુઃખી થયા?”

આટલું બોલી દિશાએ સામે ટેબલ પર પાણીની બોટલ મુકી.અને ત્યાં પડેલા અમુક સમારચાર પત્રો તરફ એનું ધ્યાન ગયુ.જે દિશાએ પોતે જ એકઠા કરી ટેબલ મુકયા હતા.

“ના..ના ડિયર! ગુસ્સો વળી શુંકામ આવે? હું તો તને રડતા જોઇ દુઃખી છું.”

આટલું કહી એણે પોતાના અદ્રશ્ય આંસુઓ લુંછી નાંખ્યા.અને દિશાની નજીક આવ્યોં.

“મને કેમ ખબર પડે? તમારો ચહેરો...તમારી આંખો તો હું જોઇ નથી શકતી.”

દિશાએ ન્યુઝપેપરનાં અમુક પાના ઉથલાવ્યાં.અને અમુક ચોકકસ પાનાઓ ખોલીને રાખ્યા.સમ્યકનું પણ એ સમાચારો તરફ ધ્યાન ગયું.એમાં કલરની દુકાનમાં ચોરી અને પેલા ગામમાં જાદુઇ ટ્રેકટરે મચાવેલા તોફાનોનાં વિસ્તૃત સમાચારો હતા.

“જો તમને ગુસ્સો નથી આવતો તો પછી આ સમાચારોમાં છે એ કોના કામ છે? આવું કરવાનું કોઇ ખાસ કારણ?”

દિશાએ સમાચારો તરફ આંગળી ચીંધતા કહ્યું.સમ્યક હવે મૌન રહ્યોં.અચાનક આવા સમાચાર અને આવા સવાલનો તો એને સપનેય ખ્યાલ ન હતો.પણ દિશાએ ફરી સમ્યકને કહ્યું

“તમે એમ ન કહેતા કે આમાં હું નથી.કારણ કે આ આપણા ફાર્મહાઉસની બાજુમાં બનેલી ઘટના છે.”

હવે સમ્યક પાસે કોઇ રસ્તો ન બચ્યોં એટલે આખી વાત માંડીને કરી.એના પપ્પા સાથે થયેલી તમામ વાતચીત અને આખરે શરતભંગની વાત પણ કરી.દિશા તો જાણે ભાંગી પડી.રડવા લાગી.પછી રડતા રડતા જ ઘણું બધુ બોલી ગઇ.બાળકો વિશે, પોતાના વિશે, ઘર વિશે...લગભગ તમામ એ બાબતો વિશે જેમાં સ્ત્રીને એક પુરુષની જરૂર રહેતી હોય એ વિશે દિશાએ સમ્યકને જણાવ્યું.સમ્યકે દિશાને પોતાની નજીક લીધી.દિશાએ અદ્રશ્ય સમ્યકની છાતી પર પોતાનું માથુ ટેકવી લીધુ.થોડી વાર સમ્યકનાં હૃદયનાં ધબકાર સાંભળ્યાં.એ પણ શાંત ન હતા.

“સમ્યક....પ્લીઝ, કોઇ તો રસ્તો હશે ને પાછા આવવાનો? તમારા વિના હું નહિ જીવી શકું.”

દિશા હવે પહેલા જેટલી ઉચાટમાં ન હતી.પણ જાણે બધી ઉર્જા વાપરીને ખાલી થઇ ગઇ હોય એમ એનો અવાજ ધીમો હતો.

“અરે પાગલ.હું કંઇ મરી નથી ગયો.અહિં જ રહેવાનો છું.અને તારી જાણ ખાતર કહી દઉં કે હું અમર છું.હવે આ અવસ્થાએ મારું મૃત્યુ નહિ થાય.”
સમ્યકે દિશાનાં માથા પર એના ખુલ્લા વાળમાં હાથ ફેરવતા કહ્યું.

“એટલે?” વધુ જાણકારી માટે દિશાએ પુંછયું.

“પપ્પાએ મને કહ્યું છે...હવે મારી આ અદ્રશ્ય અવસ્થા કાયમ રહેશે પણ મારું કદી મૃત્યુ નહિ થાય.”
સમ્યક આ બોલ્યો ત્યાંરે દિશાનાં માથામાં ફરી રહેલો એનો હાથ અટકયો.પોતાની અમરતા પાછળ એને દિશાનાં મૃત્યુ નો ખ્યાલ આવ્યોં કે આ બધુ જ મારી નજર સામે વિદાય થશે.હું એકલો જ રહીશ.ભયનું એક લખલખુ એના મનમાં પસાર થયુ.એનો પડઘો એના હૃદયે પડયો જે કદાચ દિશાએ સાંભળ્યો પણ હશે.થોડીવાર પછી બંને મૌન થયા.એકબીજાની હુંફ મેળવતા રહ્યાં.ઘણી રાતોની થાકેલી દિશા સમ્યકની છાતી પર જ ઉંઘી ગઇ.આવી સલામતી એક સમર્પીત સ્ત્રીને પોતાના પતિ સિવાય બીજે કયાંય ન અનુભવાય...સમ્યકનો હાથ કયાંરેક દિશાનાં માથા પરથી એના સુવાળા ગાલ સુધી ફરી આવતો.એને ખબર ન હતી કે દિશાને ઉંઘ આવી ગઇ છે.દિશા હવે શાંત હતી એટલે સમ્યક હવે વિચારોમાં ખોવાયો.મનોયુદ્ધનાં અંતે એ બોલ્યો

“જો ડિયર, તારે હવે મારી સાથે આમ જ જીવવાની આદત પાડવી પડશે.ધીમે ધીમે બાળકોને પણ જાણ કરવી પડશે.થોડો સમય તારે બીઝનેસ સંભાળવો પડશે પછી તો આપણો દિકરો મોટો થઇ જશે.હું હંમેસા તમારા લોકોની સાથે જ રહીશ.”

પણ દિશા તરફથી કોઇ જવાબ ન મળતા એ અટકી ગયો.એણે દિશાની આંખ તરફ જોયું તો એ બંધ હતી.સમ્યક સ્થિર થયો અને એણે પોતાના શ્વાસ પણ ધીમા કર્યાં એટલે દિશા નિરાંતે ઉંઘી શકે.લગભગ અડધા કલાક પછી સમ્યકનાં ઉપરનાં ખીસ્સામાં ‘વાઇબ્રેટ મોડ’માં રાખેલા મોબાઇલમાં ધ્રુજારી આવી.એ લાંબી ચાલી એટલે સમ્યકને નવાઇ લાગી કે ‘આ મેસેજ નહિ પણ કોઇનો ફોન આવે છે.અત્યાંરે રાતનાં 2.30 વાગ્યે કોનો ફોન આવે છે?’ પણ જો ફોન ખીસ્સામાંથી કાઢે તો દિશાની ઉંઘ ઉડી જાય, એટલે એ અચલ રહ્યોં.થોડીવાર પછી ફરી ફોનમાં ધ્રુજારી આવી.આ બીજી ધ્રુજારીથી દિશા જાગી ગઇ.એ સમ્યકથી થોડી દુર ગઇ.સમ્યકે પોતાનો મોબાઇલ બહાર કાઢ્યોં.એટલે હવે એ દિશાને દેખાયો.પણ દિશા ઉભી થઇ ગઇ અને બોલી “હું તમારા માટે કંઇક ખાવાનું લઇ આવું.” સમ્યકે ના પાડી.તો દિશાએ ચા પીવા માટે સમ્યકને મનાવી લીધો.સમ્યક હવે મોબાઇલમાં જોવા લાગ્યોં.એને ટેન્શન આવ્યું કારણકે આ તો મોહિનીનો ફોન હતા.એણે તરત જ મોહિનીને ફોન કર્યોં

“હા મોહિની, અત્યાંરે અડધી રાતે? કંઇ પ્રોબ્લેમ છે?”

“સોરી સર.માફ કરજો, તમને ‘ડિસ્ટર્બ’ કર્યાં.” સમ્યકે મનમાં કહ્યું હું તો જાગુ જ છું પણ તે બિચારી દિશાને ‘ડિસ્ટર્બ’ કરી દીધી.

“એનો વાંધો નહિ પણ કામ શું છે?”

“સર, તમે એ દિવસની વાતનું દુઃખ ન લગાડતા.તમે મારાથી નારાજ થઇને મને નોકરીમાંથી છુટી તો નહિ કરોને?” મોહિનીએ ધીમા અને રડમશ અવાજે કહ્યું.

સમ્યક પહેલા તો ખડખડાટ હસ્યો.પછી બોલ્યોં “ અરે ના હવે.હું તો તારી વાતને અને તને પણ ભુલી જ ગયો હતો.તારી નોકરી ખાઇ જાવ એવો લાગણીહીન માણમ નથી.તું ચીંતા છોડ અને નિરાંતે ઉંઘી જા.અને હવે તો ઓફીસનો મોટા ભાગનો કારભાર હું તારા માથે નાંખવાનો છું”

મોહિનીને હૈયે હામ આવી એટલે એણે હકથી પુછી લીધું “સર, ઘણા દિવસથી તમને જોયા નથી.હવે પાછા કયાંરે આવો છો?”

મોહિનીની આ સહજ જીદ સામે સમ્યક થોડી ક્ષણ મૌન જ રહ્યોં.ત્યાં જ બરાબર ચાનો કપ લઇને દિશા આવી ગઇ.સમ્યકે વાત ત્યાંથી આગળ ન વધે એટલે ફોન કાપી નાંખ્યો.દિશાએ ચા નો કપ જ્યાંરે હવામાં લટકયો ત્યાંરે મુકી દીધો.

“અત્યાંરે કોની સાથે વાત કરતા હતા, ડિયર?” દિશાએ પણ હકથી છતા એમાં સાથે પ્રેમ ભેળવીને પુછી લીધુ.

ચાનો એક ઘુંટડો ભરી સમ્યક બોલ્યોં

“મારી વ્હાલી ચા ને મારી વ્હાલી દિશા...આનંદ આવી ગયો.”
“પણ મને આનંદ નથી આવતો.તમને જોઉં તો જ આનંદ આવે.મારી સવાર અને મારી રાત તમને જોઇને ચાલુ થતી અને તમારી સાથે પુરી....”

દિશા આગળ વધુ બોલી ન શકી.એટલે સમ્યકે વાત બદલવા કહી દીધુ.

“તને ખબર છે? અત્યારે મોહિનીનો ફોન હતો....બોલ.” અને અચાનક જ સમ્યકને ઘણાં સમય પહેલા એના પપ્પા સાથે થયેલી શરતભંગની વાત યાદ આવી.એ મનમાં જ બોલ્યોં ‘ઓહો! પપ્પાએ સિદ્ધી ટકાવી રાખવાની એક આ શરત પણ કહેલી...પરસ્ત્રીગમન.’ અને સમ્યકનાં ચહેરે ખુશી છવાઇ.એને જાણે સમસ્યાનો હલ મળી ગયો.એ મરક મરક હસ્યો.આમપણ દિશા કયાં જોઇ શકતી હતી.એણે દિશા સામે જોયું તો એની આંખોનાં ખુણા ભીના હતા.અને એના ચહેરે તો ભારોભાર ઉદાસી છવાયેલી હતી.
ક્રમશઃ
--ભરત મારૂ