પારદર્શી - 3 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારદર્શી - 3

પારદર્શી-3
સમ્યકને હવે પોતાની સાથે બનતી ઘટનાનાં રહસ્યો ઉકેલવાની તાલાવેલી જાગી.એણે એ તમામ પુસ્તકોનાં ગુજરાતીમાં અનુવાદીત પુસ્તકની શોધ આદરી.પણ એમાંથી બે પુસ્તકોનો ગુજરાતી અનુવાદ મળ્યોં.એ પુસ્તકો અને એના પપ્પાએ લખેલા ગુઢ વાકયો ઉકેલવા એકવાર પોતાની ઓફીસમાં બપોરનાં સમયે એ બેઠો હતો.આમપણ બપોરે લગભગ 2.00 થી 4.00 વાગ્યાં સુધી એની ચેમ્બરમાં કોઇ આવતું ન હોય.જેમ જેમ એના માનસપટલ પર ઉકેલનું આછું પાતળું ચિત્ર રચાતું ગયું એમ એમ એક કાગળ પર પેન્સિલ દ્વારા એ લખતો ગયો.મનનો શ્વાસ વિચારો છે.એટલે મનને જીવતું રાખવા સતત વિચારો જરૂરી છે.એને બંધ કરવા એટલે વિચારો ન આવે એવી પરીસ્થિતી પેદા કરવી.શરીરની ક્રિયાઓ બંધ રાખવી એટલે કદાચ હલનચલન બંધ કરી એક જગ્યા પર સ્થિર રહેવું.પણ એ શુન્ય શબ્દ પર આવી અટકી ગયો.પોતે વેપારી હોવાથી શુન્યની તો કિંમત કેમ આકે? એ શુન્યમાં અટવાયો.વળી અંદરથી અને બહારથી શુન્ય બનવું એટલે શું? આખરે એક પુસ્તકનાં એક ફકરામાં વાચ્યું કે તમે કશું જ નથી એવો શુન્યભાવ.કશું જ નથી,તમારી હાજરીની કોઇ નોંધ નથી લઇ શકતું એટલે તમને કોઇ જોઇ ન શકે.એટલે જ તમે અદ્રશ્ય બની શકો.મગજમાં તાળો મેળવવા એણે યાદ પણ કર્યું કે એ જયાંરે તમામ વિચારોથી થાકી શાંત અને સ્થિર થઇને બેઠો હતો ત્યાંરે જ એ અદ્રશ્ય થયો હતો.અને ત્યાંરે જ એના પપ્પા એને મળ્યાં હતા.આમ અનાયાસે બનેલી ઘટનાને એણે વાગોળી એમાંથી અનુભવનો નિચોળ મેળવ્યોં જે એને હવે કામ લાગવાનો હતો.
પણ ત્યાંજ દરવાજો ખટખટાવ્યાં વિના જ મોહિની અંદર આવી.સમ્યકે હાથો દ્વારા લખાણ છુપાવવાનો પ્રયત્ન કર્યોં.પણ મોહિનીએ પુછી જ લીધુ “સર, શું લખો છો?”
“કેમ? કંઇ લખવું એ ગુનો છે?” સમ્યકે વાત છુપાવવા વાતને આડે પાટે લઇ જવા પ્રયત્ન કર્યોં.
“ના સર, એવું નથી.પણ તમને કયાંરેય લખતા નથી જોયા એટલે આજે નવાઇ લાગી.” મોહિનીએ સમ્યકનાં ચહેરે જોયેલા હળવા ગુસ્સાને ઠંડો કરવા કહ્યું.
“હા મોહિની.પણ છોડ આ બધુ.તારા અને ટોની વચ્ચે હવે કેવું છે? એ જણાવ.”

સમ્યકનાં અચાનક આવી પડેલા સવાલે મોહિનીનું મન ડામાડોળ થયું.એ વિચારોનાં તોફાને મોહિની મુળ વાત ભુલી ગઇ.હવે એનાં ચહેરે પણ ગુસ્સાનાં ભાવ અંકિત થયા.જેને જોઇ સમ્યકનાં મનમાં ઠંડક થઇ કે ચાલ હવે મારે આ કાગળનાં લખાણને છુપાવવું સહેલુ થશે.
“સર, ટોનીનાં વર્તનમાં કોઇ સુધારો નથી.” મોહિની થોડી નિરાશ થઇ બોલી.
“મોહિની ‘સોરી ટુ સે’...મે તમારી ચેમ્બરનાં સીસીટીવી ફુટેજ જોયા.એમાં તો મને કંઇ વાંધાજનક નથી લાગ્યું.”
“એટલે સર હું કંઇ ખોટા આરોપ નથી કરતી.એ હંમેસા નીચે અથવા કોન્ફરન્સ ચેમ્બરમાં જ આવી હરકતો કરે છે.એ બહું ચાલાક છે.અને તમને એવું ન લાગતું હોય તો મને નોકરીમાંથી છુટી કરો....પ્લીઝ.” મોહિનીની બંને આંખનાં ખુણે થોડી ભીનાશ દેખાઇ.એ છુપાવવા એણે નીચે જોયું.પણ સ્ત્રી હૃદય પોતાનાં ભાવો વધારે સમય સાચવી ન શકે.એ ઠલવાયા ત્યાંરે મોહિની રડવા લાગી.સમ્યકે પાણી અને પોતાનો રૂમાલ આપ્યોં અને સાથે હિંમત પણ આપતા કહ્યું “અરે મોહિની, હું એને જ નોકરીમાંથી કાઢી નાંખીશ.બસ આ મહિનો પુરો થાય એટલી જ વાર છે.અને એને આમ કરવાનું કારણ પણ નહિં જણાવું...બસ.” મોહિની કશું બોલ્યાં વિના ઉભી થઇ ચાલી ગઇ.હવે સમ્યકને બોસ તરીકે ટોની અને મોહિની વચ્ચેનાં આરોપોમાં ન્યાય કરવો પડે એમ હતો.આવા વિચારોમાં તરત જ એક ઝબકાર થયો.હૃદયનો એક ધબકાર પણ ચુકાયો જયાંરે સમ્યકે મનોમન નકકી કર્યું કે આ અદ્રશ્ય અવસ્થાનો ઉપયોગ કરી જાણવું કે ટોની અને મોહિની વચ્ચે શું ઘટનાઓ બને છે?......પણ અદ્રશ્ય થવું એ તો અનાયાસે બનતી ઘટના હતી.એને પોતાની મરજી મુજબની અવસ્થા કેમ બનાવવી? સમ્યકને હવે અચાનક અને અજાણતા જ હાથ આવેલી સિદ્ધીનાં ઉપયોગ માટે જીજ્ઞાસા જાગી, એક લાલચ પણ જાગી.એ લાલચ માટે એની પાસે મોહિની અને ટોની જેવા ન્યાયસંગત કે તર્કસંગત કારણો પણ હાજર હતા.
સમ્યક ઉભો થયો અને પોતાની ચેમ્બરનો દરવાજો અંદરથી ‘લોક’ કર્યોં.ફરી પોતાની ખુરશી પર બેઠો.શરીરને આરામદાયક અવસ્થામાં સ્થિર કર્યું.મનનાં તમામ વિચારોને ધીમે ધીમે સ્થિર કર્યાં.આંખો બંધ કરી.થોડી જ ક્ષણોમાં એ જાગૃત અને છતા શાંત અવસ્થામાં આવી ગયો.થોડી ક્ષણો આવી શુન્ય અવસ્થામાં વીતી ગઇ.પણ અચાનક એની આંખો ખુલી ગઇ.છતા એ હજી શાંત હતો.એ ઉભો થયો, એ એટલી શાંતિથી ઉભો થયો કે ખુરશી પણ સ્થિર રહી.એ સામે સોફા પર બેસવા જ જતો હતો ત્યાં એનાં મોબાઇલમાં રીંગ આવી.ટેબલ પરથી મોબાઇલ ઉપાડયોં.એ કોઇ કામનો ફોન ન હતો એટલે મોબાઇલને ‘સાઇલેન્ટ’ કર્યોં.ટીવી તરફ જોયું તો એમાં પોતાને ઉભેલો જોયો.એ નિરાશ થયો.તરત જ થોડી મીનીટો પહેલાનું પોતાની ચેમ્બરનું ‘રેકોર્ડીંગ’ જોવા લાગ્યોં.નવાઇ પામ્યોં કારણ કે એ અદ્રશ્ય તો થયો જ હતો.પણ જેવો મોબાઇલ ટેબલ પરથી ઉંચકયોં એવો જ એ દ્રશ્યમાન થયો.હવે તો એ ફરી ફરી આવા પ્રયોગો કરતો રહ્યોં.પહેલા બે મિનીટ પછી ત્રણ અને હવે લગભગ દર વખતે એ પાંચ મિનીટ સુધી અદ્રશ્ય રહેવા લાગ્યોં.અને કોઇ વસ્તુ ઉંચકતી વખતે જ એની અદ્રશ્ય અવસ્થા તુટી જતી.અદ્રશ્યતાનો સમયગાળો અને એક નિયમ આજે એણે હસ્તગત કર્યોં.એના આનંદનો કોઇ પાર ન રહ્યોં.પછી અચાનક યાદ આવી ગયું કે પપ્પા કેમ ન દેખાયા? હવે તો એ ઇચ્છા મુજબ અદ્રશ્ય થાય છે તો કયાંરેક પપ્પા પણ સામે આવશે જ ને એવા વિચારે મન મનાવી પણ લીધુ.
હવે એ ઉભો થયો.પોતાની ચેમ્બરની બહાર જ વેઇટીંગ રૂમ હતો.જમણી બાજુ એકાઉન્ટ કેબીન તો બંધ હતી.પણ એની બાજુમાં ડિઝાઇન માટેની મોહિનીની રૂમનો દરવાજો ખુલ્લો હતો.મોહિની સામેનાં કોમ્પ્યુટરમાં કામ કરતી હતી.એની પીઠ દરવાજા તરફ હતી.ટોની કદાચ જમવા ગયો હશે.એની સામે ડાબી તરફ એ પોતાની ‘કોન્ફરન્સ’ રૂમમાં એકદમ ચોર પગલે ગયો.એનો દરવાજો પણ ખુલ્લો રાખ્યોં.સોફા ઉપર શાંત મુદ્રામાં બેસી ફરી શુન્ય અવસ્થામાં જવા માટે તૈયારી કરી.હવે તો એની પાસે ઘણો અનુભવ હતો.એ હવે તરત જ શાંત, અમની અને ધ્યાનસ્થ અવસ્થાએ પહોંચી જતો.અને એટલે જ અદ્રશ્ય પણ થઇ જતો.થોડી મીનીટ પછી હળવેથી ઉભો થયો.મોહિની જયાં કામ કરતી હતી એ રૂમનાં દરવાજા પાસે જ ઉભો.એકદમ શાંતિથી થોડો અંદર ગયો.મોહિની એના કામમાં વ્યસ્ત હતી.પણ અચાનક એણે પાછળ જોયું.એ કોન્ફરન્સ રૂમનાં દરવાજા તરફ જોતી હતી.જેમાં સમ્યક વચ્ચે જ ઉભો હતો.મોહિની ફરી કોમ્પ્યુટરનાં ‘કીબોર્ડ’ તરફ નમી.સમ્યક ખુશ થયો કે મોહિની એને જોઇ ન શકી.ઘડીયાલમાં ત્રણ મીનીટ પુરી થવા આવી એટલે એ પાછો ફર્યોં.મોહિનીએ ફરી પાછળ જોયું.પણ ત્યાં તો કોઇ ન હતુ.એ ઉભી થઇ.બધે જ જોયું સમ્યક કયાંય પણ દેખાયો નહિં.ફરી જયાંરે કોન્ફરન્સ રૂમમાં જોયું તો સમ્યક ત્યાં બેઠો હતો.મોહિનીએ બધી લાઇટો ચાલુ કરી.અને બોલી “ અરે સર, હમણાં તમે કયાં હતા?”

“કેમ? અહિં જ હતો.તું જોઇને જતી રહી એ મને ખબર છે.” સમ્યકે હસીને કહ્યું.

“અરે...ના...સર.મે તમને નથી જોયા.” મોહિનીએ આંખો પહોળી કરી.પણ સમ્યકને હસતા જોઇ એ પણ હસી અને બોલી “કયાં તો મારી આંખો નબળી...કયાં તો તમે જુઠ્ઠું બોલો છો”...

સમ્યક માત્ર મરક મરક હસતો હતો.મનનાં છુપા વિચારોમાં એ બોલ્યોં હશે ‘મોહિની, નથી તારી આંખો નબળી, નથી હું જુઠ્ઠો....આ તો મને ગાયબ થતા આવડી ગયું એનો કમાલ છે.’ મોહિની મનમાં અચરજ લઇને અને સમ્યક મનમાં એક અજાણી અદ્રશ્ય થવાની સિદ્ધીનાં ગર્વને લઇને પોતપોતાના કામે લાગી ગયા.
સમ્યક હવે સાવધ રહેતો કે પોતાની આ અદ્રશ્ય થવાની સિદ્ધી કોઇ જાણી ન જાય.એણે પોતાની પત્નિ અને બાળકોથી પણ આ વાત છુપાવી રાખી.એટલે જ ઘરે કયાંરેય આવી ઘટના ન બને એનું ચોકકસ ધ્યાન એ રાખતો.પણ ઓફીસે બે દિવસ સુધી જો મોકો ન મળે તો એને રાત્રે ઉંઘ આવવી મુશ્કેલ થતી.એટલે રાત્રે બધા ઉંઘી જાય પછી પોતાના બાથરૂમમાં અરીસા સામે ઉભો રહી આ પ્રયોગ કરતો.પણ એના માટે તકલીફ એક જ હતી કે જેવો કોઇ વસ્તુને ઉંચકે કે હલાવે તો તરત જ એ દ્રશ્યમાન થઇ જતો.લગભગ દસેક દિવસ વિતી ગયા પણ એના પપ્પા ફરી પાછા એને દેખાયા નહિં.સમ્યક દર વખતે એના પપ્પાને શોધતો પણ એ હાજર ન થતા.પણ એનું મન હવે ઘણું શાંત રહેતુ.વિચારો પણ ઓછા થયા.એની અસર હવે એના ધંધામાં થોડી થોડી વર્તાતી હતી.પણ આ શાંત મન, ધ્યાનનો આનંદ અને શરીરનું લગભગ ન રહેલું એ અવસ્થાનો સ્વાદ એને સૌથી વધુ સારો લાગવા લાગ્યોં.
આજે રાત્રે 2.30 વાગ્યે એ પોતાના બાથરૂમના અરીસા સામે ઉભો હતો.પણ આ શું? આજે તો અડધા કલાક ઉપરનો સમય થઇ ગયો છતા એ અદ્રશ્ય જ રહ્યોં.આખરે બાથરુમનાં દરવાજા પર ઠકઠક થયું.બહારથી દિશા બોલી

“સમ્યક...ડિયર...તબીયત તો ઠીક છેને? કેમ આટલી વાર લાગી?” દિશાનાં અવાજમાં ભારોભાર ચીંતા હતી.સમ્યકે પોતાનું મો પાણીથી ધોયું અને અંદરથી જ કહ્યું “ આવું છું.” એ દરવાજો ખોલીને બહાર આવ્યોં ત્યાંરે પણ દિશા ચીંતાતુર ચહેરે ત્યાંજ ઉભી હતી.
“હમણાં તમે ઘણીવાર રાતનાં બાથરૂમમાં જાવ છો.આજે તો બહું વાર લાગી.એટલે મને ચીંતા થાય છે.” દિશાએ ફરી કહ્યું.
“અરે ના ડિયર.બધુ બરાબર છે.” સમ્યકે જેમતેમ વાત પતાવી.અને ઉંઘી ગયો.પણ દિશાનાં મનમાં ચીંતાની એક નવી દિશા ખુલી.
સવારે ફરી મોકો જોઇ દિશાએ સમ્યકને પુછયું
“ મારી એક વિચીત્ર મુંજવણ છે? તમે એને દુર કરશો?” સમ્યકને થયું દિશાને કંઇક તકલીફ હશે.પણ હવે તો ગમે તેવી સમસ્યા અદ્રશ્ય થઇને ઉકેલી શકાશે.એવો વિચાર કરી એ બોલ્યોં “ અરે દિશા, તું ફકત હુકમ કર.જે મુંજવણ હશે એ દુર થશે.”
“મને તમારી ચીંતા થાય છે.તમે હમણાં કંઇક વધારે ‘ડીસ્ટર્બ’ લાગો છો.પણ મારી મુંજવણ એટલે વધારે છે કે તમારા ચહેરે એકદમ શાંતિ વર્તાય છે.જે હોય તે મારી સામે કહી દો.” દિશાએ તો મનમાં હતુ એજ રજુ કર્યું, એજ શબ્દચિત્ર સમ્યકને બતાવ્યું.પણ સમ્યકને અત્યાંરે પારદર્શક થવું વ્યાજબી ન લાગ્યું.શારીરીક રીતે તો પોતાને પારદર્શી થવું સહજ થઇ પડયું પણ આજે પત્નિ સામે એ પારદર્શી ન થઇ શકયો.એટલે સજાવટી અને બનાવટી શબ્દો દ્વારા એ બોલ્યોં
“ના ડિયર.તું બીલકુલ ચીંતા ન કર.હું કોઇ તકલીફમાં નથી.કંઇ હોય તો તને વાત કર્યાં વિના હું કેમ રહી શકું?....હા, ધંધામાં થોડી મંદી છે.પણ એવું તો ચાલ્યાં કરે.ઘણી તેજી અને મંદી મે જોઇ છે.એટલે મારે મન એ નવું નથી, ચીંતાજનક પણ નથી.” થોડીવાર પછી ફરી કહ્યું “અને હા...હવે પપ્પા પણ દેખાતા બંધ થયા.ઘણા દિવસ થઇ ગયા.કદાચ એ ઘટના મારા મનનો વહેમ પણ હોય.જે હોય તે વાત પતી ગઇ.”
દિશાએ સમ્યકની વાત પર ભરોસો કરી લીધો એ વાતથી સમ્યક પણ ખુશ હતો.અને આમપણ જો દિશાને પોતાના અદ્રશ્ય થવાની વાત જણાવે તો એ વધારે ચીંતા કરે અને કદાચ આ અવસ્થામાં આગળ ન વધવાની સલાહ પણ આપે..એવા વિચારે સમ્યકે મનોમન નકકી કર્યું કે સમય આવ્યેં આ વાત દિશાને જણાવીશ.
થોડા દિવસ બધુ બરાબર ચાલ્યું.આજે ફરી એક રવિવારનો દિવસ હતો.સમ્યકની ઓફીસમાં બધો સ્ટાફ રજા પર હતો.સમ્યક ઓફીસમાં હતો.મોહિની અને ટોનીને એણે બપોર સુધી ડિઝાઇનનાં કામ માટે ઓફીસમાં રોકયાં.ડિઝાઇનનાં કામ માટે સમ્યકે બંનેને કોન્ફરન્સ રૂમમાં બોલાવ્યાં.જરૂરી સુચનો કર્યાં અને કહ્યું કે “અત્યાંરે 11.00 વાગ્યાં છે.હું બે કલાકમાં બહારનું એક કામ પતાવીને આવું છું.પછી સાથે ‘લંચ’ લઇ છુટા પડીશું.” સમ્યક ગયો.એની પાછળ ટોની પણ ઉભો થયો.એણે ખાત્રી કરી કે બોસ કારમાં બેસીને ગયા.મોહિની એના લેપટોપમાં વ્યસ્ત હતી.ટોની ફરી મોહિનીની સામેના સોફા પર બેસી ગયો.બંને વચ્ચે કયાંરેક સામાન્ય વાતચીત થઇ જતી.લગભગ અડધા કલાક પછી સમ્યક અદ્રશ્ય અવસ્થામાં હળવેથી પોતાના જ રાખેલા વોચમેન પાસેથી ચોર પગલે અંદર આવ્યોં.ટોની અને મોહિની જયાં બેઠા હતા ત્યાં દરવાજે ઉભો રહ્યોં.થોડી જ વારમાં ટોની પોતાનું લેપટોપ લઇ ઉભો થયો અને મોહિનીની બાજુમાં બેસતા બોલ્યોં “મેડમ, આ એક ફાઇલ ખુલતી નથી.તમે જરા મદદ કરોને.” આમ કરી એ મોહિનીને લગભગ સ્પર્શ થાય એમ બેઠો.મોહિની થોડી દુર ખસી અને ટોનીનું લેપટોપ પોતાના પગ પર રાખ્યું.એ ફાઇલ ખોલી તો તરત જ ખુલી ગઇ.એટલે એ બોલી “આ ફાઇલ તો ખુલી ગઇ.” એ સાંભળી ટોની ફરી એની નજીક ગયો.ટોનીની આ બધી હરકત અદ્રશ્ય રહીને ઉભેલો સમ્યક બરાબર જોતો હતો.મોહિનીનું ધ્યાન પોતાના કામમાં વધારે હતુ.પણ ટોનીની હરકત ચાલુ રહી.આખરે મોહિનીએ રોકડુ પરખાવ્યું “ટોની, એક મર્યાદામાં રહીને વાત કર.મને તારા ઇરાદાઓ ખબર છે.”

પણ મોહિનીને જોઇ કામાંધ થયેલો ટોની આજે પાછો હટે એમ ન હતો.એ એની નફફટાઇ રજુ કરતા બોલ્યોં “અરે મેડમ, અહિં કોઇ નથી.અને તમે ખોટી આનાકાની ન કરો.નોકરી કરતી મહિલાઓ તો મોટા મનની જ હોય.” મોહિની વિશે આવા શબ્દો સાંભળી સમ્યકનું પણ લોહી ઉકળી ગયું.એક વાર તો એને પણ મન થયું કે ટોનીને માર મારી એની બુદ્ધી ઠેકાણે લાવી દે.પણ આ અવસ્થાની એ મજબુરી હતી કે એવી કોઇ ક્રિયા જેનાથી બીજી વસ્તુને ખલેલ પહોંચે તો પોતે દ્રશ્યમાન થઇ જાય.પણ એની નજર સામે મોહિનીએ ટોનીને એક તમાચો મારી દીધો.બીજા તમાચે ટોનીએ મોહિનીનો હાથ પકડી લીધો.અને એનો હાથ મરડયોં.સમ્યક દોડીને બહાર નીકળ્યોં.વેઇટીંગ રૂમનાં ટેબલ પર પડેલી કાચની ફુલદાની ઉપાડી સીધો અંદર ધસી ગયો.ટોની અને મોહિની કંઇ સમજે એ પહેલા ટોનીનાં માથામાં એ ફુલદાની ફોડી નાંખી.ટોનીનાં માથેથી લોહી અને મોહિનીનાં આંખેથી આંસુ એકસાથે વહ્યાં.ગભરાયેલા ટોનીએ માથામાં રૂમાલ દબાવ્યોં અને ત્યાંથી ભાગ્યોં.સમ્યકે બુમ પાડી એને કહ્યું “ હવે અહિં આવવાની તસ્દી ન લેતો નહિંતર પોલિસસ્ટેશને પહોંચાડી દઇશ.” પણ ટોની પાસે ઉભા રહેવાનું હવે કોઇ કારણ ન હતું.

“સર, ખુબ આભાર તમારો.બિલકુલ ટાઇમ પર આવ્યાં.હું તો એકલી ખુબ ગભરાઇ ગઇ હતી.તમે ભગવાનની જેમ મને મદદ કરી.હું તમારો ઉપકાર જીંદગીભર નહિં ભુલુ.” ગભરાટમાં હજુ પણ ધ્રુજતી મોહિની રડમસ અવાજે બોલી.સમ્યકે પોતાનો રૂમાલ આપવા મોહિની તરફ હાથ લંબાવ્યોં.પણ મોહિનીએ ભાવનાં આવેશમાં પોતાના બંને હાથોથી સમ્યકનો હાથ પકડી લીધો અને રડવા લાગી.અનાયાસે થયેલા સ્પર્શનું કોઇ મહત્વ નથી હોતું.પણ લાગણીસભર સ્પર્શની તો આ પહેલી ઘટના બની.જેમાં મોહિની તરફથી થયેલી આ શરૂઆત પણ મનનાં ભાવજગતનું પરીણામ જ હતી.પણ સમ્યક તો શાંત અને તટસ્થ ઉભેલો હતો.એનાં હવે મોટા ભાગે શાંત રહેતા મનને તટસ્થ રહેતા પણ આવડી ગયું હતું.
આ ઘટનાની અસર બંને તરફ અલગ અલગ થવાની હતી.સમ્યકનાં મનમાં પોતાની આ સિદ્ધીને લીધે એક ન્યાય કરવાનો આનંદ અને મોહિનીનાં મનમાં કંઇક ખુટતી સુરક્ષાની હુંફ સમ્યક દ્વારા પુરી થઇ એની ખુશીનો સંગ્રહ થયો.
ક્રમશઃ
--ભરત મારૂ