પારદર્શી - 1 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારદર્શી - 1

ધારાવાહિક
ફીકશન વાર્તા
પારદર્શી-1
                (આ એક કાલ્પનીક વાર્તા છે.સમ્યકની ખુશખુશાલ જીંદગીમાં એક અજાણી સિદ્ધી તોફાન લાવે છે.જે વાર્તામાં આગળ જણાશે.)
              
                 આજે સાંજનાં 6.00 વાગ્યે સમ્યક પોતાની ઓફીસમાં સાવ નિરાંતે બેઠો હતો.સુરતનાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બનાવેલી મોટી કાપડની ફેકટરી અને એમાં જ પહેલા માળે આવેલી એની પાંચ અલગ અલગ ચેમ્બરો વાળી વિશાળ ઓફીસ.માલિક તરીકે સમ્યકની ઓફીસમાં બધી જ સગવડો ઉપલબ્ધ હતી.એક એકાઉન્ટ ચેમ્બર, એક કોન્ફરન્સ ચેમ્બર,એક રીસેપ્શન કમ વેઇટીંગ અને એક ડિઝાઇનર માટેની કોમ્પ્યુટરોથી સજજ એવી ચેમ્બર.પણ આજે તો રવિવાર હતો.ઓફીસનો બધો સ્ટાફ બપોરે જ રજા લઇ ચાલી ગયો હતો.પણ સમ્યક સિવાય બીજી એક ડિઝાઇનરની ચેમ્બરમાં પણ લાઇટ અને એરકન્ડીશન ચાલુ હતુ.એક તો ઉનાળો અને વળી મે મહિનાનાં છેલ્લા દિવસો એટલે બહારનું વાતાવરણ હજુ ગરમ હતુ.ફેકટરીની એકમાત્ર સ્ત્રી કર્મચારી અને મુખ્ય ડિઝાઇનર મોહિની એની નીચે કામ કરવા નવા જ આવેલા ટોનીને બધુ શીખવાડવા બેઠી હતી.
            મોહિની એક 28 વર્ષની આર્થીક મધ્યમ વર્ગીય કુટુંબની સ્ત્રી હતી.નામ મુજબ દેખાવડી તો ખરી જ.પણ પુરુષો વચ્ચે મર્યાદાથી કેમ રહેવું એ પણ જાણતી હતી.છ મહિના પહેલા જ એનાં લગ્ન થયેલા.અને દસ મહિના થયે અહિં કામ કરતી હતી.પણ સમ્યકનાં મિલનસાર અને સહાયરૂપ સ્વભાવે એને અહિં ઘર જેવું જ લાગતું.ડિઝાઇનર હોવાથી સમ્યકની સાથે સૌથી વધારે સમય એ વિતાવતી હતી.બંને એકબીજાની મર્યાદા જાણવવામાં પણ હોશીયાર બની ગયેલા.એટલે જ સમ્યકની હસીમજાકને એ હસવામાં જ કાઢી નાંખતી.એકવાર તો પોતે જ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરી એ સમ્યકની ચેમ્બરમાં આવેલી ત્યાંરે સમ્યકે કહેલું “અરે મોહિની, આ ડ્રેસ તો તારા માટે જ બનેલો હોય એવું લાગે છે.આ આપણો ડ્રેસ માર્કેટમાં ખુબ ચાલશે.ચાલ તારો એક ફોટો પાડી લઉં.” ત્યાંરે તરત જ મોહિની પોતાની પીઠ બતાવીને ફરી ગઇ હતી.અને હસતા જ બોલી હતી “સર, મારા લગ્ન હમણાં જ થયા છે.તમે ફોટો પાડીને મારું ઘર ભાંગશો.મને મારો હસબન્ડ કાઢી મુકશે તો?” સમ્યકે પણ મજાકમાં જ કહેલું “તો મારું ઘર મોટું છે.” મોહિનીનો પતિ પણ એક ઇન્ટીરીયર કંપનીમાં નોકરી કરતો.બંને પોતપોતાના ક્ષેત્રમાં ‘ક્રીએટીવ’ હતા.બંનેનાં ‘એરેન્જડ મેરેજ’ થયેલા હતા.એટલે હજુ બંને પોતાની પોતાના વ્યવશાય ક્ષેત્રમાં ઓળખાણ બનાવવા સાથે સાથે એકબીજાને પણ ઓળખવા કટીબદ્ધ હતા.પણ હજુ એમાં સહિયારા સમયની ઉણપ વર્તાતી હતી.આ બાબતની ચીંતા મોહિનીને વધારે હતી.એને મન માનવીય સબંધો અને આત્મિયતાનું મુલ્ય પ્રથમ સ્થાને હતુ.એટલે જ આજે સમ્યકની ઓફીસમાં મોહિની સ્ત્રી શરીરની મર્યાદામાં રહીને પણ બધા સાથે એક કુટુંબની જેમ રહેતી હતી.લગ્નનાં બે મહિના પછી થયેલી એનાં પતિ સાથેની એક પાકટ ચર્ચા પણ એનાં મનમાં પડેલી કાયમી ગાંઠની જેમ સચવાયેલી છે.બે મહિનામાં જ મોહિની સમજી ગયેલી કે પોતાની નોકરી અને લગ્નજીવનમાં સારો સમય આપવો એકસાથે શકય નથી.એટલે એનાં પતિ રાજુને એણે એક રાત્રે કહેલું “રાજુ, હું હવે ઇચ્છું છું કે આ નોકરી છોડી દઉં.હું તને દિવસે સમય નથી આપી શકતી.અને રાત્રે મોટાભાગે આપણે બંને કામથી થાકેલા હોઇએ છીએ.આપણે અત્યારથી જ આપણા લગ્નજીવન માટે, આપણા આત્મિય સબંધો માટે અને એકબીજાની શારીરીક હુંફ માટે સાવચેત થવું પડશે.” રાજુનાં જવાબમાં પ્રેમને જીલવા મોહિની આતુર હતી.રાજુનાં ચહેરે થોડી ક્ષણ જોવામાં પણ એને એવું લાગ્યું હતું કે રાજુ જવાબ આપવામા બહું જ વાર લગાડે છે.પ્રેમ માટે આટલો સમય લેવાનો હોય? પણ રાજુ તો વિચાર કરતો હતો.એ વિચારીને બોલ્યોં હતો “જો મોહિની, આપણો સંયુકત પરીવાર છે.આપણે બે, મમ્મી-પપ્પા અને નાની બહેન.બધાનું ભરણપોષણ આપણે બંનેએ સાથે મળીને કરવું પડશે.ફકત બે વર્ષનો ભોગ આપવો પડશે.પછી તું  ઘર સંભાળજે.અત્યાંરે મને તારી આર્થીક સહાયની જરૂર છે.મારા પ્લાન મુજબ બે વર્ષમાં આપણી ગાડી પાટે ચડી જશે.પછી આપણી પાસે આખી જીંદગી પડી છે.” આવો જવાબ મોહિનીએ કમને સ્વીકારવો પડયો હતો.પણ ઓફિસનાં કામોમાં એ  કયાંરેય કચાશ ન રાખતી.સ્ત્રી હૃદયની આ ખાસીયત મોહિનીમાં પણ હતી કે ગમે ત્યાં ગોઠવાઇ જવું.પણ પ્રેમ અને હુંફની પોતાની માંગ ભવિષ્યમાં પુરી થશે એની એક ગાંઠ એનાં મનમાં પડી હતી.પણ સમ્યક સાથે કામ કરવામાં એ ગાંઠ ભુલાઇ જતી.એટલે જ હમણાં જ સમ્યકની ચેમ્બરમાં જઇને પુછી આવી “સર, એક એક કપ કોફી સાથે લઇએ?” સમ્યક પણ નિંરાતની પળોમાં જ હતો એટલે એણે હા કહી હતી. 
                પોતાના જીવનનાં પચ્ચીસમાં વર્ષે નાના પાયે ચાલુ કરેલી ફેકટરી સમ્યકે પોતાની મહેનત, સમજણ અને હોશીયારીથી આજે સોળ વર્ષે ઘણી ઉંચાઇએ લઇ આવેલો.પિતાજીનાં અચાનક ગયા પછી એણે ધંધામાં મહેનત કરવા કદી પાછું વળીને જોયું નથી.છતા પણ પોતાનો સોમ્ય-મિલનસાર સ્વભાવ અને શરીરની ચુસ્તતા એણે અકબંધ જાળવી રાખી હતી.એટલે જ એકતાલીસ વર્ષે પણ એ ત્રીસ વર્ષનો દેખાતો હતો.અને આથી બધા એની આભાથી અંજાઇ જતા.નસીબે પણ સમ્યકને પેટ ભરીને બધુ આપ્યું હતુ.એક સુંદર અને પુર્ણ સમર્પિત પત્નિ, એક પુત્ર અને એક પુત્રીથી એનો ઘરપરિવાર સુખી-સંપન્ન હતો.એની પત્નિ દિશા ખરેખર એનું અડધુ અંગ બનીને જ રહી હતી.એમના સમાજમાં તો એવું જ કહેવાતું કે દિશા થકી જ સમ્યક બધા ક્ષેત્રમાં ઉજળો છે, સફળ છે.સમ્યકની નાની બહેન ભાવનગરમાં સાસરે હતી.એની સાથે પણ દિશાને એક બહેનપણી એક સખી જેવા સબંધ હતા.દિશાએ કયાંરેય પણ પોતાના માટે સમ્યક પાસે જીદ નથી કરી.એકવાર તો એવું થયેલું કે મોહિનીએ ડિઝાઇનનાં ચાલુ કામે સમ્યક પાસે રજા માંગેલી એજ દિવસે દિશા સાથે પોતાના ફાર્મહાઉસ પર જવાનું નકકી કરેલું.પણ મોહિનીને રજા આપી એનું કામ સમ્યક પોતે કરવા લાગેલો.અને એ માટે એનો ફરવા જવાનું બંધ રહેલ.ત્યાંરે દિશાએ જ બાળકોને સમજાવેલા કે “બેટા, પપ્પા આજે એક આંટીને મદદ કરવા રોકાયેલા.જે આપણું જ કામ હતું.” આમ નાના થી મોટા દરેક પ્રસંગે દિશા હંમેસા પ્રેમાળ અને સહાયક સ્ત્રી સાબિત થતી. સમ્યકને એક સફળ પુરુષ બનવા માટે જરૂરી તમામ પાસા નસીબે એના માટે તૈયાર રાખ્યાં હતા.
               આજે જાણે વર્ષો પછી સમ્યક પોતાની ખુરશી પર આરામ કરી રહ્યોં હોય એવો અનુભવ એને થયો એટલે એ શાંત થઇને બેઠો હતો.ઘણાં કામો જેવા કે, એક મોટા પ્રમાણમાં વિદેશમાંથી આવેલો તૈયાર શર્ટનો ઓર્ડર, લાંબા સમયથી અટવાયેલો એક પ્લોટનો વેચાણ દસ્તાવેજ અને પોતાના ગામડે એના દ્વારા થયેલો સ્કુલનો પ્રોજેકટ- આ બધા કામો છેલ્લા બે મહિનામાં પુરા થયેલા હતા.પત્નિ અને બાળકો શહેરમાં જ આવેલા પિયરમાં ગયેલા હતા.એટલે રવિવાર હોવા છતા સમ્યક આજે આરામ કરવા પોતાની ચેમ્બરમાં બેઠો હતો.સામેની દિવાલે મોટી ટેલીવિઝન સ્ક્રીન છે જેમાં ફેકટરીમાં લાગેલા તમામ કેમેરાનાં દ્રશ્યો અહિં જોઇ શકાય.એની ઉપર સમ્યકનાં પિતાશ્રી રમેશભાઇનો ફોટો ટીંગાયેલો છે.પણ એ ફોટાને હાર પહેરાવેલો નથી.સમ્યક એ ફોટા તરફ એકીટસે જોયા કરે છે.પછી અનાયાસે એની આંખો બંધ થઇ ગઇ.એ જાણે વિશ્રામની આત્યંતિક ક્ષણોમાં પહોંચી ગયો.થોડી મીનીટો વિતી ગઇ.એણે આંખો ખોલી તો અચરજ અને ગભરાટનાં ભાવ એનાં ચહેરે અંકિત થયા.કારણકે સામેનાં સોફા પર એનાં પિતાજી રમેશભાઇ બેઠા હતા.એ મરક મરક હસતા હતા.એને જોઇને ગભરાઇ ગયેલા સમ્યકથી કશું બોલાયું નહિં તો એનાં પિતા બોલ્યાં “કેમ છે બેટા?” એજ અવાજ,એજ ચહેરો અને એજ કપડા પહેરેલા કે જયાંરે તેઓ અચાનક કયાંક ચાલ્યાં ગયેલા.આવા અચાનક આવી પડેલા અણધાર્યા દ્રશ્યથી હાફળોફાફળો થઇ ગયેલા સમ્યકનો એક હાથ ટેબલ પર રાખેલ બેલની સ્વીચ પર પડયોં.થોડીવારે મોહિનીએ દરવાજો ખોલ્યોં.સમ્યકે દરવાજા તરફ જોયું અને ફરી સોફા તરફ જોયું તો ત્યાં કોઇ ન હતું.મોહિની અંદર આવી.સમ્યકને હવે ખ્યાલ આવ્યોં કે પોતે જાગતા જ એક સ્વપ્ન જોયું હશે.એ આ અવસ્થામાંથી બહાર આવ્યોં.મોહિની ચેમ્બરમાં અરધે સુધી આવી ફરી પાછી વળી ગઇ.અને ઉતાવળે જતા બોલી  “સર, હું કોફી લઇને આવું.” સમ્યકની નજર ફરી પોતાના પિતાનાં ફોટો પર ગઇ.આંખોનાં ખુણા ભીના થયા.મનનાં ખુણાઓ પણ વિચારોથી ભીના થયા.એ જ ભીનાશની ક્ષણે મોહિની બે કપ ગરમ કોફી લઇને આવી.ટેબલ કપ મુકતી વખતે મોહિનીનું ધ્યાન સમ્યકનાં ચહેરે ગયું.મોહિનીએ પણ રમેશભાઇનાં ફોટા તરફ જોયું.સમ્યક કોફી પીવા માટે ફરી સ્વસ્થ થયો.બંનેએ મૌન રહીને જ કોફીનાં બે બે ઘુંટ પીધા.આખરે મોહિનીએ પુછયું “સર, કંઇક ‘ડિસટર્બ' લાગો છો.કદાચ તમને તમારા પિતાજી યાદ આવ્યાં લાગે છે.”
“હા મોહિની, આજે મને અચાનક એ યાદ આવી ગયા.અને મારી મમ્મી પણ યાદ આવી.એ આજે હોત તો એને પુછવું હતુ કે આમ અચાનક પપ્પા કેમ જતા રહ્યાં?”
“સર, તમારા પપ્પાનો ફોટો જોઇને લાગે છે કે એમનો બહું નાની ઉંમરે સ્વર્ગવાસ થયો.”
મોહિનીની વાત સાંભળી સમ્યક વિચારોમાં સરકી ગયો.કોફીનો કપ નીચે મુકી એ બોલ્યોં 
“ના મોહિની, એ મૃત્યુ નથી પામ્યાં.પણ હું લગભગ છવ્વીસ વર્ષનો હતો અને મારા લગ્ન હજુ તાજા જ થયા હતા ત્યાંરે એ મને છોડીને કયાંક ચાલ્યાં ગયા.એમને શોધવાનાં બે વર્ષ સુધી તમામ પ્રયત્નો કર્યાં હતા.હવે તો પોલીસ ફાઇલ પણ બંધ થઇ છે.આજે હવે આટલા વર્ષે એ જીવતા હશે કે કેમ? એ મોટો સવાલ છે.પણ હવે એમનાં આવવાની કોઇ આશા નથી રહી.”
“સર, પણ જો તમારા મમ્મી પહેલા જ જતા રહ્યાં તો તમારા પપ્પાની જવાબદારી આવે તમારી સાથે રહી તમને હુંફ અને આશરો આપવાની....’સોરી ટુ સે’ આ તો એમનું બેજવાબદાર વલણ કહેવાય.”
“ના એવું હું નથી માનતો.આજે હું જે કંઇ છું એનું ઘડતર મારા પપ્પાએ જ કર્યું છે.એણે મને જીવનનાં ખુબ પાઠ શીખવ્યાં છે.એમને હંમેસા મારી ચીંતા થતી.એટલે જ કદાચ આજે મને દેખાયા હશે.”
“સોરી સર”
 સમ્યકે કોફી પુરી કરી.અને એક લાંબો નિશાસો નાંખી બોલ્યોં “પણ મોહિની, મારા પપ્પા અવારનવાર કયાંક ચાલ્યાં જતા.એ કયાં જતા એ રહસ્ય એમની સાથે જ ચાલ્યું ગયું.મારી મમ્મીનાં સ્વર્ગવાસ પછી હું સમજણો થયો ત્યાંરથી મે ઘણીવાર એમને પુછયું પણ એમનાં તરફથી એક જ જવાબ રહેતો કે સમય આવશે ત્યાંરે કહીશ.એ સમય કદી ન આવ્યોં.આખરે હારીને મે પ્રયત્નો છોડી દીધા.” સમ્યક ભુતકાળ તાજો થવાથી દુઃખી હતો.એ ઉદાસ અને ગમગીન થઇ ફરી બોલ્યોં   “મોહિની, જીવનમાં બસ આ એક જ દુઃખ અને અફસોસ કાયમ રહેશે.હવે તો પપ્પા.....” સમ્યકનાં શબ્દો અટકી ગયા તો આંખમાંથી આંસુનાં ટીપા પડી ગયા.
 “છોડો સર આ વાતો.વિતેલા સમયને ખોદીને શુંકામ પરેશાન થવું? તમારા પિતા તો વર્ષો પહેલા ખોવાઇ ગયા.મારા હસબન્ડ તો અત્યાંરે પણ ખોવાયેલા છે.મારા માટે એમની પાસે સમય જ નથી.” આટલું બોલી મોહિનીએ અટ્ટાહાસ્ય કર્યું.કોફીનાં ખાલી કપ લઇ ઉભી થઇ.
“મોહિની, એ સાવ ગુમ થઇ જાય તો મને કહેજે.” સમ્યકે પણ વાતાવરણની ગમગીની ઓછી કરવા મજાકમાં કહ્યું.મોહિની દરવાજો ખોલીને ગઇ.બે જ મિનીટમાં પાછી આવી.ચહેરા પર પ્રશ્નાર્થ ભાવ સાથે દરવાજા પર જ ઉભી.એને જોઇ સમ્યકે પુછયું “શું? હવે કામની વાત કરીએ?”
“સર એક સવાલ છે?”
“શું?” સમ્યકે પોતાના મોબાઇલમાં મેસેજ જોતા જોતા જ પુછયું.
“હું પહેલીવાર કોફી લઇને આવી ત્યાંરે તમે ઓફીસમાં ન હતા.અને તમે ઓફીસની બહાર પણ નથી ગયા એ મને ખબર છે.તો તમે કયાં હતા?” પછી મોહિની હસી.સમ્યકને એની વાત મજાક લાગી.એટલે એ પણ સામે બોલ્યોં
“ઓ મોહિની, હું પણ ગુમ થઇ જઇશ તો? તારો હસબન્ડ તો ખોવાયેલો જ છે.પછી તારું શું થશે?”
“ના સર.હવે તમને તો હું ગુમ નહિં જ થવા દઉં.” પછી બંને ખુલીને હસી લીધા.મોહિની એનાં કામમાં લાગી ગઇ.સમ્યક પણ હવે ઘરે જવા તૈયારી કરવા લાગ્યોં.છેલ્લે પોતાની રોજની આદત મુજબ સીસીટીવી ફુટેજ જોવા લાગ્યોં.મશીનરી વિભાગમાં લાગેલા એક કેમેરામાં જોઇ કંઇક ગરબડ લાગતા એનું દસ મીનીટ પહેલાનું દ્રશ્ય જોવા સમયમાં થોડો પાછળ ગયો.એમાં જ પોતાની ચેમ્બરનું ફુટેજ પણ જોવાની ઇચ્છા થઇ.કારણકે પોતાના પપ્પાનો એ જીવંત ચહેરો હજી એના માનસપટલ પર છવાયેલો હતો.પોતે જોયેલા એ સ્વપ્નને સમ્યક ખોટું સાબીત કરવા માંગતો હતો.એને ખબર જ હતી કે એ જાગૃત અવસ્થામાં જોયેલું એક સ્વપ્ન માત્ર જ હતું.માનવમનની આદતવશ એ પાકકુ કરવા માંગતો હતો.અને પોતાના સ્વપ્નને ખોટું સાબીત કરવા એકમાત્ર સીસીટીવી ‘ફુટેજ’ સાબીતી હતી.પણ પોતાની ચેમ્બરનું એ દસ મીનીટ પહેલાનું ફુટેજ જોઇ એને પરસેવો છુટી ગયો.એ પોતાની ખુરશી પરથી ઉભો થઇ ગયો.આ વિડીયોમાં એનાં પપ્પા તો કયાંય દેખાયા નહિં પણ એમાં લગભગ એક-બે મીનીટ માટે એ પોતાની ખુરશી પરથી ગુમ થઇ ગયેલો.સમ્યક થોડીવાર માટે ખરેખર અદ્રશ્ય થઇ ગયેલો.એ દરમિયાન જ મોહિની કોફી લઇને અંદર આવી.સમ્યકને ન જોઇ એ તરત જ પાછી ગઇ.થોડીવારે એ પાછી આવી ત્યાંરે સમ્યક ફરી દેખાયો.આ વિડીયો એણે ચાર વાર જોયો.આ દ્રશ્યમાં પોતાને અદ્રશ્ય થતા જોઇ એ ગભરાઇ ગયો.એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.એના શ્વાસની ગતિ વધી ગઇ.એક ક્ષણમાં અનેક વિચારો આવી ગયા.શું થયું એ સમજણની બહાર હતુ.છતા ધ્રુજતા હાથે એણે એટલું ‘રેકોર્ડીંગ’ એમાંથી દુર કર્યું.’ડીલીટ’ કરી નાંખ્યું.ફટાફટ ઓફીસની બહાર નીકળી ગયો.સમ્યક એટલો ગભરાયેલો હતો કે પગથીયા ઉતરતી વખતે એક પગથીયું ચુકી ગયો.ધડામ અવાજ સાથે નીચે પડયોં.મોહિની પણ અવાજ સાંભળી એ તરફ દોડી.પણ ત્યાં તો એ ફરી ઉભો થઇ પોતાની કાર પાસે પહોંચી ગયો.ડ્રાઇવરને ઘરે લઇ જવા કહ્યું.થોડીવારે મોબાઇલમાં દિશાનો ફોન આવ્યોં કે
“ડિયર, કયાંરે આવો છો ઘરે? હું ઘરે આવી ગઇ છું.” દિશા સાથે થોડી વાત કરી એનું મન થોડું હળવું થયું.એનું હૃદય અને વિચારો પણ થોડા શાંત થયા.
            સમ્યક ઘરે પહોચ્યોં. “દિપુ...અનુ” એમ પોતાનાં બંગલાનાં દરવાજા પાસે જ અવાજ કર્યો.દિપીકા અને અનિરુદ્ધ એની છોકરી અને છોકરાનાં નામ હતા.એની પત્નિ દિશાએ દરવાજો ખોલ્યોં. “આવી ગયા ડિયર.પણ છોકરાઓ તો મામાની ઘરે રોકાયા છે.તમે જલ્દી ‘ફ્રેસ’ થઇ આવો.ગરમ ગરમ જમવાનું આપી દઉં.”
“અત્યાંરથી? હજુ તો સાત જ વાગ્યાં છે.થોડી વાર પછી જમીએ.”
“પણ સમ્યક, આજે છોકરાઓ નથી.તો વહેલા પરવારીને બંને વાતો કરીશું.”
“સારું, હું આવું.” સમ્યક પોતાનાં રૂમમાં ગયો.દિશાએ જમવાનું તૈયાર કરી રાખ્યું.બંને જમવા બેઠા.પણ દિશાને સમ્યકનો ચહેરો આજે ઉદાસ દેખાયો એટલે પુંછયું “કેમ ડિયર? આજે કંઇ પરેશાન લાગો છો? ફેકટરીમાં કંઇ થયું?”
સમ્યક હસવાનો અભિનય કરી બોલ્યોં
“ના તો.ફેકટરીમાં તો બધુ બરાબર જ ચાલે છે.”
“તો કેમ મારો સમ્યક આજે નરમ લાગે છે? મુડ ખરાબ હોય તો રાત બાકી છે.તું,હું અને આપણું એકાંત.” દિશા આવું કહી પત્નિ ધર્મની જ એક ફરજ નિભાવવા તૈયાર હતી.પણ સમ્યક તો આજે અજબ મુંજવણમાં હતો.વારે વારે આવતા વિચારો એને બીજુ કોઇ કામ કરવા દેતા ન હતા.
“દિશા, આજે ઓફિસમાં મને પપ્પા દેખાયા.અને મને 'કેમ છે બેટા?' એવું પુંછયું.મને એવું જ લાગ્યું જાણે એ ખરેખર મારી સામે જ આવી ગયા હતા.” સમ્યકે અરધી વાત જ કરી.પોતાનાં અદ્રશ્ય થવાની વાત છુપાવી.એનાથી દિશા પણ ચીંતામાં આવી જશે એવો વિચાર કરી અર્ધસત્ય જ ઉચ્ચાર્યું.
“ઓહો ડિયર.આજે કેમ અચાનક તેઓ યાદ આવી ગયા? કંઇ નહિં....આવું થાય.આવતીકાલે હું મંદિરે જઇ પુજા કરી આવીશ.તમે આરામથી જમો.” દિશા હંમેસા સમ્યકને મનાવી લેતી.એટલે જ સમ્યક દિશાની એક પણ વાત ટાળી ન શકતો.અને એટલે જ આખરે આ રાતે દિશાએ સમ્યકને પ્રેમભીના થવા પણ મનાવી લીધો.
                ક્રમશઃ
             --ભરત મારૂ