પારદર્શી - 10

પારદર્શી-10
     
              સમ્યકે મોહિનીનો બચાવ અને ટોનીથી છુટકારો કર્યો એનો ખુબ હાશકારો અને આનંદ હતો.એ રાતે પણ સમ્યક ઘરે જ રહ્યોં.પત્નિ દિશાને પણ વધારે કે ખોટી શંકા ન જાય એ માટે એણે ઘરે જ બાળકો અને પત્નિ સાથે સમય વિતાવ્યોં.ફરી એક જીંદગી બચાવ્યાંનો આનંદ કયાંય શબ્દો દ્વારા તો એ વ્યકત કરી શકે એમ ન હતો.પણ પોતાના બાળકો અને પત્નિ સાથે મોડી રાત સુધી હસવા-બોલવામાં પોતાની એ ખુશી આડકતરી રીતે એણે વ્યકત કરી.ટોનીને પડોશીઓની જાણનાં આધારે પોલીસ પકડી ગઇ હતી.સમીરની હાલત હોસ્પીટલમાં ગંભીર હતી.એ કોમામાં હતો એટલે કોઇ સ્ટેટમેન્ટ પણ આપી શકયો નહિં.ટોની પાસે ગુનો કબુલ કરવા સિવાય કોઇ વિકલ્પ ન હતો.હવે મોહિની પણ એકલી એના ઘરે સલામત હતી.પણ ગંભીર ઘટનાએ એને થોડી વિચલીત જરૂર કરી.પણ બચી ગયાની એક નિરાત પણ સાથે હતી.
              
              બીજા દિવસે સમ્યકનાં કહેવાથી સમાચાર પત્રોમાં મોહિનીની ઓળખાણ છુપાવવામાં આવી હતી.ટોની અને સમીર વચ્ચે કેફી પદાર્થનાં નશામાં ઝગડો થયો અને ટોનીએ એના મિત્ર પર જ જીવલેણ હુમલો કર્યો, અને સમીર હાલ હોસ્પિટલનાં બીછાને કોમામાં છે- એવા સમાચાર છપાયા.ટોનીએ પણ વધુ ગુનો ન બને એ માટે મોહિનીવાળી વાત પોલીસથી છુપાવી.મોહિની બીજી બધી જંજટથી બચી ગઇ.
            સમ્યક પોતાની દિવાલોની આરપાર નીકળી જવાની વાત પર ખુશ હતો.હવે તો એ પોતાની ઓફીસનો દરવાજો અંદરથી બંધ કરી, અદ્રશ્ય થઇ,આરપાર નીકળી બધે જ ચકકર મારી આવતો.બધા કર્મચારીને એવું લાગે કે શેઠ અંદર ઓફીસમાં છે પણ સમ્યક તો એની આસપાસ ફરતો હોય.સમ્યકને હવે વધારે પડતા સમયમાં અદ્રશ્ય રહેવું જ ગમતું.એનાથી જે અશરીરીનો અનુભવ થતો એનો એક આહલાદક આનંદ એને વારે વારે આમ કરવા આકર્ષીત કરતો.પણ સાથે સાથે આ દ્રશ્યમાન સંસાર પણ સંભાળવો પડે.એ બાબત માટે પણ સમ્યક જાગૃતિ રાખતો.આજે લગભગ ચાર દિવસ સુધી એ રાત્રે ઘરની બહાર નથી નીકળ્યોં.એને હવે અદ્રશ્ય બની બહાર નીકળવાની ખુબ ઇચ્છા જાગૃત થઇ.પણ પત્નિને દુખી કરવાની એની કોઇ મરજી નથી.એણે મનોમન નકકી કર્યું કે કયાંરેક દિશા જો પીયર ગઇ હશે તો જ રાત્રે બહાર નીકળશે.પણ આજે જાણે એના મનની મરજી પ્રમાણેની એક ઘટના બની.એ જયાંરે બેડરૂમમાં આવ્યોં ત્યાંરે દિશાએ વાત કરતા કહ્યું
“ડિયર, તમારા તરફથી મને એક ‘ઓપીનીયન’ જોઇએ છે.જો તમે કહો તો આગળ પુછું?”

“હા પુછને! તારા માટે તો મારા બધા ‘ઓપીનીયન’ હાજર છે.તું ખાલી હુકમ કર.”

“જુઓ, તમે મારી વાતનો બીજો કંઇ ખોટો અર્થ નહિં સમજોને?”

“અરે યાર, જે વાત હોય તે બિન્દાસ કહી દે.તારી કોઇ વાતમાં કયાંરેય પણ મને ખોટો ભાવાર્થ દેખાયો જ નથી.કદાચ તું કંઇક માંગીશ તો પણ એ આપણા સહીયારા સ્વાર્થ માટે હશે.જે કહેવું હોય તે તું ચોખ્ખુ કહી દે.” 
સમ્યક જયાંરે આટલું બોલ્યો ત્યાંરે એના મનમાં પણ થોડો ભય હતો જ.એને વિચાર તો આવ્યોં જ કે કદાચ દિશાને મારા વર્તન પરથી મારી અદ્રશ્ય થવાની સિદ્ધી વિશે શંકા તો નથી થઇને? જો આ બાબતે  કંઇક સીધો જ સવાલ આવશે તો શું જવાબ આપવો એની ગોઠવણ એના મનમાં ચાલી.પણ આ તરફ દિશાનાં મનમાં કંઇક અલગ જ અસંમજસ હતું જે એણે શબ્દો દ્વારા સમ્યક સમક્ષ રજુ કર્યું

“આવતી કાલથી શ્રાવણ માસ ચાલુ થાય છે.” દિશા આ વાકય પુરુ કરી થોડી ક્ષણ મૌન રહી એટલે સમ્યકે પુછયું

“હા, પણ તો શું?”

“મારે બે જાતનાં વ્રત કરવા છે.”

“અરે યાર, દસ જાતનાં કરજેને...પણ તબીયતની કાળજી લઇને કરજે.”

“જો તમે સહકાર આપો તો આ એક મહિનો હું તમારાથી શારીરીક દુર રહીશ.તમારા માટે હું સમર્પીત જ છું પણ આ એક મહિનો.....પ્લીજ મારી એવી ઇચ્છા થઇ આવી છે તો....” દિશાની અધુરી વાતે જ સમ્યકનાં ચહેરા પર ચમક આવી ગઇ.જે ડર પોતે રાખી રહ્યોં હતો એવું કંઇ ન થયું અને આ તો ઉલ્ટાનું જાણે માંગ્યું મળ્યું.શાંત અને અદ્રશ્ય રહેવાનો સ્વાદ હવે સમ્યકને પત્નિ સાથે બાંધેલા શારીરીક સબંધ કરતા પણ ઉચ્ચ લાગવા લાગ્યોં હતો.....મીઠો લાગવા લાગ્યો હતો.દિશાનાં મનમાં એવી ગડમથલ હતી કે સમ્યક મારા આ વ્રતને મારા સમર્પણનો દુશ્મન સમજી બેસશે તો? એક મહિનાનાં માત્ર શારીરીક સમર્પણનાં અભાવથી કયાંક સમયકને મારા પ્રેમમાં ઉણપ તો નહિં અનુભવાયને? એવા સવાલો એક ક્ષણમાં દિશાનાં મનમાં જમા થવા લાગ્યાં.એનો ભાર એના ચહેરે સમ્યકને પણ દેખાયો.ત્યાંરે એ ઉત્સાહથી દિશાની વાત વધાવીને બોલ્યોં

“અરે ડિયર, બસ આટલી જ વાત હતી? એમાં મને કંઇ વાંધો નથી.એ બહાને મારે પણ એક તપ થઇ જશે.” 

દિશાનું તાણ ગાયબ થઇ ગયું.એ ખુશ થઇ.પત્નિને ખુશ થતા જોઇ સમ્યક દિશાની નજીક ગયો, એને ભેટીને સમ્યકે દિશાની ઇચ્છાને મંજુરી આપી.પછી બોલ્યોં

“તો મારે એક કામ કરવું પડશે.એ વાતમાં તું ના નહિં કહેતી.”

“શું” 

“જો હું અહિં આ એક મહિનો તારી સાથે એક જ બેડ પર રહીશ તો મારા માટે એ નિયંત્રણ અઘરું રહેશે.એના કરતા હું ઉપરનાં બેડરૂમમાં જ હવે એક મહિના સુધી ઉંઘવા જઇશ.”

“તો તમને આ વાત મંજુર છેને?”

“હા મેડમ...હા.તારી વાત શીરોમાન્ય.એટલું જ કરવાનું છે.મને મંજુર છે.”
              
              સમ્યકને માંગ્યું મળી ગયું.એ ખુશ હતો.દિશા પણ ખુશ હતી.બીજી રાત્રે સમ્યક ફરી અદ્રશ્ય થઇ શહેરમાં નીકળી પડયો.હવે તો એ આરપાર થઇ શકતો.એટલે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી નીકળી ગયો.શહેરમાં કયાંક કોઇકને તો મદદ કરી શકાય એવું નકકી કરી એ અલગ અલગ વિસ્તારમાં ફર્યોં.અમુક રસ્તાઓ પર કાર લઇ જતો.અમુક જગ્યા પર કાર દુર રાખી ચાલીને આંટો મારી આવતો.પણ આજે બધુ શાંત હતુ.કોઇ પણ જગ્યાએ એને કઇ અજુગતુ દેખાયું નહિં.આખરે રાત્રે 2.30 વાગ્યે રસ્તા પર દસ-માણસોથી ભરેલો એક ટેમ્પો સમ્યકની બાજુએથી ઝડપથી પસાર થયો.સમ્યકને શંકા ગઇ કે કદાચ આ લુંટારુ ટોળકી હોય શકે.કારણકે બધા જ માણસોએ ઉપરનાં ભાગે એકસરખા ગંજી જ પહેરેલા હતા.સમ્યકે કારમાં બેસી એનો પીછો કર્યોં.દુર છેવાડાનાં વિસ્તારમાં એ ટેમ્પો ઉભો રહ્યોં.સમ્યકે કાર થોડી દુર ઉભી રાખી.કાર જોઇને બે માણસ કાર તરફ પણ આવ્યાં.પણ અંદર કોઇ ન હતું એ જોઇ પાછા ગયા.એ દસ જણ રાતનાં અંધારમાં  એક બંગલાની દિવાલ કુદી અંદર ગાયબ થયા.સમ્યક પણ એમની પાછળ ગયો.દરવાજા પર તાળુ ન હતુ એ જોઇ એ ટોળકીનો મુખીયો બીજા એકને પુછવા લાગ્યોં “ તુ તો કહેતો હતોને કે મકાન ખાલી છે.અહિં તો કોઇ અંદર છે.હવે શું કરીશું?”
“પાછળ એક બારી છે ત્યાં લોખંડની ગ્રીલ નથી.એમાંથી હું અંદર જઇ દરવાજો ખોલી આવું.” 
બીજો આટલુ બોલી પાછળ ગયો.સમ્યકે થોડી રાહ જોવાનું નકકી કર્યું.કારણકે એ બધા લોકો પાસે ઘાતક હથીયાર હતા.એટલે કળથી કામ લેવાનું હતુ.દરવાજો અંદરથી ખુલી ગયો.બધા વીજળીક ઝડપે અંદર ઘુસી ગયા અને દરવાજો ફરી બંધ થયો.સમ્યક પણ એ દરવાજાની આરપાર થયો.ત્યાં તો ઉપરના માળે દરવાજો તોડવાનો અવાજ શરૂ થયો.સમ્યકે થોડી વાર વિચાર કર્યોં.કોઇનાં બેડરૂમમાં આરપાર જવું કે નહિં એ સવાલ એનાં શુદ્ધ ચિતમાં થોડી ક્ષણો સુધી ઘુમરાયો.પણ અંદર જે કોઇ હોય એને બચાવવા આ પગલુ લેવું પડશે એવા પાકકા નિર્ણયે એ ત્યાંરે આવી જ ગયો જયાંરે એને લાગ્યું કે હવે દરવાજો આ રાક્ષસો સામે વધુ નહિં ટકી શકે.એ ત્યાં ઉભેલા ત્રણ જણ અને દરવાજાની આરપાર થયો.અંદર એક વૃદ્ધ દંપતી થર થર કાપતું દરવાજાને ધકકો મારી ઉભુ હતુ.સમ્યકે એ લુટારુંઓનાં હથીયાર જોયા હતા.મોટા લાકડા જેમાં આગળનાં ભાગે ખીલા ઠોકી એને તીક્ષ્ણ અને ઘાતક બનાવવામાં આવ્યાં હતા.મુખીયાનાં હાથમાં લગભગ એક ફીટ લાંબો છરો હતો.એટલે જ સમ્યકે એ દંપતીને પોતાનો નિયમ તોડી બુમ પાડી કહ્યું “દરવાજાથી દુર ખસો.....બાથરૂમમાં જતા રહો......એ લોકો પાસે હથીયાર છે.તમે હિંમત રાખો બચી જશો.” એ બંને વૃદ્ધો તો અવાક થઇ સ્થીર ઉભા રહ્યાં.સમ્યકે બંનેનાં હાથ પકડી એમને બાથરૂમ તરફ ખેચ્યાં પણ ત્યાં એ જ ક્ષણે દરવાજો અરધો તુટીને ખુલી ગયો.ટોળકીએ બંનેને પકડી લીધા.નીચે લઇ ગયા.વૃદ્ધ પત્નિને ખુરશી સાથે બાંધી દીધા.અને વૃદ્ધ પતિને મારવા લાગ્યાં.અને બધા રૂપિયા તથા દાગીનાની માંગ કરી.સમ્યકથી આ સહન કરવું હવે અઘરું થયું.પણ ત્યાં જ આપમેળે સમ્યક પેલા મુખીયા પાસે ગયો.એને એક જોરમાં ધકકો માર્યોં.એ નીચે જમીન પર  પડયો.એનો લાંબો છરો થોડે દુર પડયો.સમ્યકને ખબર હતી કે છરો ઉપાડશે તો પોતાની અદ્રશ્ય હાજરી એ છરાની આસપાસ આ દસ જણ  અનુભવી શકશે.આ હવામાં ઉડતો છરો તો એ લોકો જોઇ જ શકશે.અને આ પાગલ માણસો હવામાં પણ તુટી પડશે.ઉપરથી આ વૃદ્ધો પર પણ વધુ હુમલા થવાનો ભય છે.પણ હવે બીજો કોઇ રસ્તો ન હતો.વૃદ્ધોનો જીવ બચાવવા તાત્કાલીક નિર્ણય લેવો જ પડશે.અચાનક જ સમ્યકે એ છરો ઉપાડયોં.સમ્યકને થયું કે છરાને હવામાં પોતાની તરફ આવતા જોઇ બધા ગભરાશે અને ભાગી જશે.પણ કોઇ દુર ન ખસ્યું.મુખીયો ઉભો થયો.સમ્યકે છરો બધા તરફ ફેરવી એમને ડરાવવાની કોશીષ કરી.પણ મોટી આંખો વાળા એ જડ લોકો જાણે ડર્યાં જ નહિં.આ થોડી ક્ષણોમાં એક પાગલે પોતાનો લાકડાનો ફટકો પેલા વૃદ્ધનાં માથા તરફ ઉગામ્યોં એટલે સમ્યકે તરત જ છરો એના  હાથમાં માર્યોં.પછી એના પગમાં ઘા કર્યોં.એ નીચે પડી ગયો.બીજા બધા આ વિચીત્ર ઘટનાં જોઇ રહ્યાં.જે જે પેલા વૃદ્ધો તરફ આગળ વધતો એ અચાનક જ કોઇ કારણ વિના લોહીલુહાણ થઇ નીચે પડી જતો આવું દ્રશ્ય જોયા પછી છેલ્લે ઉભેલો એક લુંટારુ “એ.....ભાગો, અહિં તો કોઇ દેવતાનું રક્ષાકવચ છે” એવું બોલી બહાર ભાગી ગયો.બીજો એક પણ બચી ગયેલો બહાર ભાગ્યોં.બાકીના બધા લોહીલુહાણ હાલતમાં નીચે પડયા હતા.સમ્યકે પેલા વૃદ્ધાનું દોરડું ખોલી આ બધા ઘાયલોને એક સાથે બાંધી દીધા.પેલા વૃદ્ધે બે હાથ જોડી ચારે તરફ ગોળ ફરીને કહ્યું “અદ્રશ્ય એવા આપ કોણ છો? આપ મહાન મદદગાર છો.જો તમે અમારી મદદે ન આવત તો અમે આ ઉંમરે કમોતે મરી જાત.”
આ ધ્રુજતા સ્વરને સાંભળી સમ્યકની આંખો ભીની થઇ પણ એ મૌન જ રહ્યોં.એ વિચારતો ઉભો હતો કે નથી પોતે કોઇ દેવતા કે ભગવાન અને નથી કોઇ એવો મહામાનવ.તો પછી આ વૃદ્ધ સામે શું ઓળખાણ આપવી? ઓળખાણ છુપી જ રાખવાનો પાકકો નિર્ધાર કરી એણે નીચે પડેલો છરો પણ પોતાની સાથે લઇ લીધો.ત્યાંરે પેલા વૃદ્ધા એ એમના પતિને કહ્યું “ઓહ! તમે જોયું? પેલો છરો પણ ગાયબ થઇ ગયો!” બહાર નીકળતી વખતે સમ્યકનાં કાનમાં પડેલા આ શબ્દોએ સમ્યકને પણ આશ્ચર્યથી ભરી દીધો.એ વૃદ્ધ દંપતી હજુ પણ આ અદ્રશ્ય શકિતને આજીજી કરતુ રહ્યું.સમ્યક હવે સીધો જ નદીનાં પુલ પર ઉભો રહ્યોં.શ્રાવણ માસમાં આવેલા નદીનાં ભારે પુરમાં એ લોહીલુહાણ છરો એણે વહાવી દીધો.
            બીજી જ ક્ષણે એના પપ્પાને યાદ કર્યાં.રમેશભાઇ નદીનાં પુલ પર હાજર થયા.એ  આજે થોડા ગંભીર ચહેરે દેખાયા.સમ્યકને તો જાણે ગુરુ હાજર થયા.મનમાં રહેલો સવાલ પુછવા આતુર સમ્યક કંઇ બોલે એ પહેલા એના પપ્પા જ બોલ્યાં

“દિકરા તું તો બહું જ તીવ્રતાથી આગળ વધી રહ્યોં છે.ખુબ સરસ દિકરા.હું ખુશ છું.બોલ શું યાદ કર્યોં?”

“પપ્પા, મારી સાથે મારા હાથમાં રહેલી કોઇ વસ્તુ પણ અદ્રશ્ય થઇ ગઇ.શું એ શકય છે?” સમ્યક એકીસ્વાસે બોલી ગયો.

“હા દિકરા, મે એજ તો કહ્યું.તું હવે આ સિદ્ધીમાં આગળનાં શિખરો સર કરવા લાગ્યોં છે.હવે અદ્રશ્ય રહેતી વખતે તારો અવાજ પણ કોઇ નહિં સાંભળી શકે.”

સમ્યક વિચારોમાં અટવાયો એટલે મૌન રહ્યોં.તો રમેશભાઇએ ફરી કહ્યું

“હવે મને વિશ્વાસ છે કે તું એ બધુ જ મેળવી લઇશ જે મને મળ્યું છે.”

“તો સારુને પપ્પા! હું તો આ સિદ્ધીનો ઉપયોગ કયાંક ને કયાંક કોઇકને મદદ કરવામાં જ વાપરીશ.” આ વખતે રમેશભાઇ મૌન જ રહ્યાં.પણ સમ્યકને એક રહસ્યમય હાસ્ય એમના ચહેરે દેખાયું.એ રહસ્યને જાણવા સમ્યકને ઘણી વાતો કરવી હતી પણ એના પપ્પા તો અચાનક ત્યાંથી ગાયબ થયા.
      ક્રમશઃ
       --ભરત મારુ
             
               


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

DrDinesh Botadara 1 અઠવાડિયા પહેલા

Verified icon

Nipa Upadhyaya 3 અઠવાડિયા પહેલા

Verified icon

Daksha 4 અઠવાડિયા પહેલા

Verified icon

name 2 માસ પહેલા

Verified icon

Viral 2 માસ પહેલા