પારદર્શી - 15

                
               સમ્યક હવે એક દુનિયા છોડી બીજી અદ્રશ્ય દુનિયામાં ગયો.પણ પહેલી દુનિયાનાં તરંગો એને અસ્થિર કરતા હતા.એની તમામ આશકિત અને ઇચ્છાઓ પહેલી દુનિયા સાથે જોડાયેલી હતી.બહું જ સહજ રીતે મળેલી આ સિદ્ધી હવે એના માટે ભારરૂપ પણ હતી.કોઇ એક જ દુનિયા એની પસંદગી હતી જ નહિ.છતા હવે એ લાચાર થઇ આ અદ્રશ્ય દુનિયાનાં લાભો વિશે વિચારતો બેઠો હતો.ફાર્મહાઉસનાં લીવીંગરૂમમાં એકલો બેઠો હતો.રાતનાં લગભગ 10.00 વાગ્યા હતા.હવે કોઇ ચોકકસ પ્લાન તો એની પાસે હતો નહિ.એટલે સામેનાં ખુલ્લા કબાટમાં પડેલા અમુક પોતે જ રાખેલા પુસ્તકો પર નજર ગઇ.એ વાંચવા માટે એમાંથી ત્રણ પુસ્તક લીધા.એમાંથી એક પર પસંદગી ઉતારી.એ કોઇ મોટા ધર્મગુરુનું ‘સંસાર અને સંન્યાસ’ મથાળા વાળુ દળદાર પુસ્તક હતુ.ધીમે ધીમે એ વાંચતો ગયો.જેમ જેમ એનો સાર પકડાતો ગયો એમ એમ એના વિચારોમાં ફરી દ્રઢતા આવી કે જેમ સંસાર અને સંન્યાસ અલગ નથી એમ એના જેવી જ આ મારી બે દુનિયા પણ અલગ ન હોઇ શકે.મારે કોઇપણ ભોગે મારી દેખાતી દુનિયામાં પાછા ફરવું જ છે.અડધા પુસ્તકે એક પાનુ ઉપર ખુણા પરથી વાળી એણે પુસ્તક બંધ કર્યું.ત્યાં તો બહાર વીજળીનો એક જોરદાર ઝબકાર થયો.અચાનક ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો.કાચની બંધ બારીમાં વરસાદ જોરથી અથડાવા લાગ્યોં જાણે એને સમ્યક પાસે અંદર આવીને વાતો કરવી હોય એમ.સમ્યક ઉભો થયો અને એણે બારી થોડી ખસેડી ત્યાં તો વરસાદ એના લીવીંગ રૂમમાં અડધી ફરસ સુધી પહોંચી ગયો.પણ એમાં વરસાદનો કોઇ ગુનો ન હતો, પવન એને પાછળથી ધકકો મારી આમ કરવા મજબુર કરતો હતો.સમ્યક આગળથી પુરો ભીંજાયો એટલે બારી બંધ કરી.થોડી ક્ષણ આવેલા તોફાનને એણે બારી બંધ કરી તરત જ શાંત કર્યું.વીજળીની જેમ એક વિચાર પણ એના મનમાં ઝબુકયોં કે 'કાશ! આમ જ મારા જીવનમાં આવેલા આ તોફાનને હું રોકી શકું?' પણ ત્યાં જ લાઇટ ગઇ, બંગલામાં ‘પાવર કટ’ થયો.બંધ થયેલી ટયુબલાઇટ,પંખા અને થોડી વાર પહેલા એકલા જ ચાલી રહેલા ટીવી તરફ સમ્યકે જોઇ લીધુ.અને અચાનક ખ્યાલ આવ્યોં કે આ ઘનઘોર અંધકારમાં પણ પોતે આ બધુ જોઇ શકે છે.જાણે હળવો અને મંદ પ્રકાશ ચારે તરફ ફેલાયેલો હોય એવું એને અનુભવાયું.એણે ઉતાવળા પગલે બધા રૂમમાં ચકકર લગાવ્યાં.બધા રૂમમાં એ અંધારામાં પણ બધુ ચોખ્ખુ જોઇ શકતો હતો.એ દોડીને બહાર ગયો.ત્યાં પણ બધુ જ જોઇ શકતો હતો.ફરી પોતાના લીવીંગરૂમમાં આવ્યોં અને મોટેથી બબડયો ‘આહા! આ તો કમાલ કહેવાય...આ અદ્રશ્ય સિદ્ધીનો આ વધુ એક હિસ્સો છે.’ એ ખુશ થયો.એણે અટ્ટાહાસ્ય કર્યું.વીજળીનાં એક પછી એક કડાકામાં એનો અવાજ દબાઇ ગયો.ફરી પોતાના સોફા પર બેસી પોતાનું પુસ્તક વાંચલા લાગ્યો.
                આખુ પુસ્તક વાંચીને પુરુ કર્યું તો પણ હજુ અંધકાર છવાયેલો જ હતો.રાત પણ હવે પ્રૌઢ થવા જઇ રહી હતી.સમ્યક થોડો શાંત હતો.પણ આમ અંધકારમાં પણ બધુ જોઇ શકવાને એણે અલગ રીતે જોયું.એના વિચારે કદાચ આ એક લાલચ આપવામાં આવી હોય એવું બને.મને અહિં અટકાવવા....સ્થિર કરવા આ અને આવી લાલચો આપવામાં આવશે.મારી સાથે મારી ઇચ્છા અને જાણ વિના બધુ બની રહ્યું છે.ના...ભલે ગમે તેવી શકિતઓ મળે...મારે કાયમ માટે ગાયબ નથી થવું.....એને પોતાની લાચારી પર ફરી ગુસ્સો આવ્યોં.એ ગુસ્સાએ એને નકારાત્મક નિર્ણય લેવા મજબુર કર્યોં.એ બહાર ગયો.
                પહેલા તો પોતાની કારની બંને નંબર પ્લેટ કાઢી નાંખી.વરસાદે તૈયાર કરેલા કીચડને કારની ચારે તરફ લગાડ્યોં.અને કાર લઇ ઉપડયો શહેર તરફ.વરસાદ હવે બંધ હતો,રાતનાં 2.30 વાગી ગયા હતા.દુર આકાશે એકાદ ખુણે વીજળી ચમકાર કરતી હતી.સુરતની એક બજારમાં પોતાની કાર ઉભી રાખી.કારનો દરવાજો ખોલ્યાં વગર જ એ નીચે ઉતર્યોં.એક મોટા શોરૂમમાંથી કલરના ચાર પાંચ ડબલા પસંદ કર્યાં.એની કિંમત જોઇ અનાયાસે પાકીટ તરફ હાથ ગયો.પણ પાકીટ તો ફાર્મહાઉસ પર જ રહી ગયુ હતુ.થોડી વાર ઉભો રહ્યોં પછી એ ડબલા ગાડીમાં મુકી દીધા.બીજી એક દુકાનમાંથી કલર કરવાનો સ્પ્રે પણ આમ જ ગાડીમાં મુકયો.ગાડીમાં બેઠો ત્યાંરે ચોરીનો ભારોભાર અફસોસ પણ થયો.સતત ચોરી કર્યાંનો ભાવ વધ્યોં એટલે કારનાં મિરરમાં જોયું.પણ ત્યાં તો ચોર દેખાયો જ નહિ.એક અદ્રશ્ય ચોર..ફરી એ પોતાના ફાર્મહાઉસ પર ગયો.અને પોતાની સફેદ રંગની ફેવરીટ કારને કાળા રંગે રંગી નાંખી.સવાર પડી,અજવાળું થયુ એટલે બંગલામાં અંદર જઇ પોતાના બેડ પર લાંબો થઇ પડી રહ્યોં.
           આ બાજુ ચાર દિવસ થયા એટલે દિશાની ચિંતાઓ વધી.સતત ખુશ રહેતી દિશાનું મન હવે કોઇ કામમાં નહોતુ લાગતું.જીંદગી જેના માટે સમર્પિત કરી એ જ ગાયબ થઇ ગયો.મોબાઇલ લઇ સમ્યકને ફોન કર્યોં.પણ સમ્યકે ફોન કાંપી નાંખ્યો.દિશાએ સતત ચાર વાર ફોન કર્યાં પણ સમ્યકે કોઇ જવાબ ન આપ્યોં.એને ખબર હતી કે દિશાનો એક જ વેધક સવાલ હશે અને પોતે પણ એક જ નિરાશાજનક જવાબ આપીને દિશાને  દુઃખી કરવા માંગતો ન હતો.દિશાએ મોબાઇલને બેડ પર ફેંકયો.ગુસ્સો હવે તરત જ ઠંડો થઇ એની આંખોમાંથી વહેવા લાગ્યોં.સમ્યકનો ફોટો લઇ એની સાથે વાતો કરવા લાગી ‘મને ખબર છે ડિયર, આપણો એકબીજા તરફનો પ્રેમ બીલકુલ ઓછો નથી થયો.પણ હું કોને પ્રેમ કરું? હું કોને ખવડાવું? વહાલ કરું? તમને એકવાર જોઇ લેવા છે.મને ખબર છે તમે હજુ અદ્રશ્ય જ છો.' આટલુ બોલી દિશા ફરી રડવા લાગી.બાળકો સ્કુલે ગયે હતા એટલે બચાવી રાખેલી અને દબાવી રાખેલી લાગણીઓને વહેતી કરી...વહેવા દીધી.બાળકોની હાજરીમાં ભલે એ ગુમસુમ રહેતી પણ પોતાની જાતને દબાવી રાખી મજબુતાઇ જાળવી લેતી.સમ્યકે આપેલા પ્રેમ અને હુંફ થકી એ આવી મજબુત પણ બની હતી.
          આ તરફ દિશાને જવાબ ન આપીને સમ્યક પણ ખુબ દુઃખી હતો.એનું દુઃખ પહેલા આંસુ બની વહ્યું.પણ પછી એક પુરુષનાં સહજભાવને લીધે એનું દુઃખ ગુસ્સામાં રૂપાંતરીત થયું.એક જ ઝાટકે એ ઉભો થયો.ક્ષણવાર કંઇક વિચારી એ બહાર મુખ્ય રસ્તા તરફ ભાગ્યોં.ત્યાં એક ખેડુત પોતાનું ટ્રેકટર લઇને પસાર થતો હતો.સમ્યક એમાં ચડી ગયો.શું કરવું એવું કંઇ પ્લાનીંગ તો હતુ નહિ પણ ગુસ્સો અને તાણ ભારોભાર હતા.એટલે ટ્રેકટરનાં ચાલકને બુમો પાડીને કહ્યું “ટ્રેકટર ઉભુ રાખ,નીચે ઉતર.” પેલા ખેડુતે અવાજ સાંભળી પાછળ ટ્રેઇલર તરફ જોયું.આજુબાજુ પણ બધે જોઇ લીધુ.કોઇ દેખાયુ નહિ.એટલે ફરી ટ્રેકટર ચલાવવા લાગ્યો.આ વખતે સમ્યકે બે-ત્રણ અપશબ્દો કાઢયાં અને ફરી એજ વાકયો બોલ્યો.પેલાએ ટ્રેકટર ઉભુ રાખી પાછળ જોયું.સમ્યકે ટ્રેઇલરમાં ભરેલા પથ્થરોમાંથી એક ઉપાડી પેલા તરફ ફેકયો.પથ્થર સીધો એના માથામાં લાગ્યો.એટલે પેલો ખેડુત ટ્રેકટર ચાલુ મુકીને ભાગી ગયો.સમ્યક હવે ટ્રેકટરની ડ્રાઇવીંગ સીટ પર બેસી ગયો અને ચલાવવા લાગ્યો.રસ્તાની આજુબાજુ  અમુક ખેતરોમાં કામ કરતા માણસોએ પણ આ જાદુઇ ટ્રેકટર પસાર થતા જોયું.આગળ એક ગામ આવ્યું.એ ગામમાં એક મોટા વૃક્ષ નીચે ઓટલા પર અમુક વૃદ્ધો બેઠા હતા.એમણે આ ચાલક વિનાનું ટ્રેકટર પોતાના તરફ આવતુ જોયું.સમ્યક ટ્રેકટર છેક ઓટલા સુધી લઇ ગયો, અને ઓટલા સાથે ટ્રેકટર અથડાવ્યું.અમુક લોકો કુદકો મારી ઓટલા નીચે પડયા,અમુકને નીચે લટકતા પગ ફકત ઉપર લઇ લેવાનો જ સમય મળ્યોં.ગામનાં પાદરમાં જ ખળભળાટ મચી ગયો.શું થયુ એવું કોઇ સમજે એ પહેલા તો સમ્યક ત્યાંથી ટ્રેકટર લઇ નીકળી ગયો.ગામમાં કેટલાય કાચા મકાનો અને છાપરાઓને ટ્રેકટરથી હચમચાવી ચાલતો ગયો.અમુક મકાનોની દિવાલો પણ તોડી પાડી.આખુ ગામ ભેગુ થયુ.અમુક લોકો ટ્રેકટરની પાછળ ચાલતા થયા.અમુક યુવાનોએ મોબાઇલમાં આ વિચીત્ર ઘટનાનાં વિડીયો પણ લીધા.અમુક યુવાનો તો વળી હિંમત કરી ટ્રેકટર પર ચડયા પણ સમ્યકે લાત મારી એમને દુર કર્યાં.લોકોને હવે ખાતરી થઇ ગઇ કે નકકી કોઇ ભુત અથવા કોઇ જાદુઇ શકિત આ ટ્રેકટર પર સવાર થઇ છે.એટલે જ ફરી અમુક યુવાનોએ ટ્રેકટર તરફ લાકડીઓ ફેંકી.એક લાકડી સમ્યકને પાછળથી હાથમાં લાગી પણ ખરી.એમાં સમ્યકનો ગુસ્સો વધ્યોં.એણે હવે લોકોની પાછળ ટ્રેકટર દોડાવ્યું જાણે એમને મારી નાંખવા હોય એમ એણે ટ્રેકટર ચલાવ્યું.કોઇએ પોલીસને ફોન કરી દીધો.થોડીવારનાં ઉચાટ પછી પોલીસની ગાડી પણ આવી ગઇ.એણે પણ આ તમાસો જોયો.પોલીસને લોકોએ અલગ અલગ વર્ણન કર્યું કોઇ કહે આ ભુતપ્રેત છે...કોઇ કહે અતૃપ્ત આત્મા છે...કોઇ વળી કહે કોઇ રીમોટકંટ્રોલથી આવું બધુ કરે છે....કોઇ તો હસતા હસતા બોલ્યું કે આ તો મી.ઇન્ડીયા છે...જોકે પોલીસને અત્યાંરે તો આને રોકવાનું નકકી કરવાનું હતુ.એટલે પોલીસે ગામમાંથી બીજા ત્રણ-ચાર ટ્રેકટર મંગાવ્યાં અને દરેક રસ્તામાં એને ત્રાસા ટ્રેકટરો રાખી રસ્તો રોકયો.આખરે એક જગ્યાએ સમ્યક આગળ વધી શકે એમ ન હતો એટલે એણે યુટર્ન માર્યોં તો સામે થોડે દુર પોલીસ એની ગાડી લઇને ઉભેલી જોઇ.સમ્યકે ટ્રેકટરની સ્પીડ ઘટાડી.એટલામાં બે યુવાન હિંમત બતાવી પાછળ ટ્રેઇલર પર ચડી ગયા.સામે પોલીસ બંદુક તાકીને ઉભી હતી, પાછળ ટ્રેઇલરમાં  યુવાનોને નીચે ઉભેલાઓએ હથીયાર પણ પકડાવ્યાં.કુહાડી અને ધારીયા લઇને બંને યુવાન આ અદ્રશ્ય ભુતને મારવા તૈયાર હતા.કારણકે ગામમાં પારાવાર નુકશાન અને ભયાનક સ્થિતિ ઉભી કરનાર આ જે હોય તે એને રોકવો હવે ગામ માટે પ્રાણપ્રશ્ન હતો.સમ્યકે પાછળ જોયુ તો એક યુવાને ધારીયુ ડ્રાઇવીંગ સીટ તરફ લાંબુ કર્યું અને એ હવામાં ધારીયુ વીંઝવા લાગ્યોં.સમ્યક બચવા માટે સીટ પરથી ઉભો થઇ ગયો.એનો પગ બ્રેક પરથી હટી ગયો.અને અચાનક એક ઝાટકા સાથે ટ્રેકટરે સ્પીડ પકડી.સામે ત્રણ પોલીસવાળા બંદુક સજાવીને ઉભા હતા એ અચાનક આવતા ટ્રેકટરથી થોડા ગભરાયા.હવે એમની પાસે આ ટ્રેકટરથી બચવા બે સેકન્ડનો જ સમય હતો.નીચે બધા ચીસો પાડી પેલા બે યુવાનોને સાવચેત કરતા હતા.પણ સમ્યકનું ધ્યાન જયાંરે આગળ ગયુ ત્યાંરે પોલીસની ગાડી સાથે ટ્રેકટર અથડાવાની આ છેલ્લી ઘડી બાકી હતી.બે પોલીસવાળા સ્વબચાવ માટે દુર ભાગ્યા.પણ એક કદાચ સામે મોત આવતુ જોઇ વધારે ગભરાયો અને એના પગ ત્યાં જ થીજી ગયા.પણ એણે ડરથી ટ્રીગર દબાવ્યું.ગાડી સાથે અથડામણને લીધે સમ્યકે પોતાનો શ્વાસ રોકયો.અને બંદુકની ગોળી સમ્યકની આરપાર થઇ ગઇ.સમ્યક તો બચી ગયો.પણ પાછળ ટ્રેઇલર પર ઉભેલા પેલા યુવાનનાં હાથમાંથી ધારીયુ ઉછળ્યું અને બીજી ક્ષણે એ યુવાન ટ્રેઇલરમાં જ ઢળી પડયો.બીજા યુવાનને પણ પોતાના જ હાથમાં રહેલી કુહાડીનો હાથો પેટમાં લાગ્યો.ટ્રેકટર પણ પોલીસની ગાડી સાથે ધડાકાભેર અથડાયું.ટ્રેકટર અને ગાડી વચ્ચે પેલા પોલીસવાળાનો એક પગ દબાઇ ગયો.સમ્યક પણ આંચકાને લીધે ઉછળીને નીચે પડયો.પણ એને આશ્ચર્ય થયું કે એને કંઇ ઇજા ન થઇ.એ તો તરત જ ઉભો થયો, બધા દ્ર્શ્યો જોઇ લીધા અને ઝડપથી પોતાના ફાર્મહાઉસ તરફ ચાલતો થઇ ગયો.
           છેલ્લી ક્ષણોમાં જોયેલા દ્રશ્યો વારેવારે એની નજર સામે તરી આવતા હતા.પેલા યુવાનને જમણા ખભ્ભામાં લાગેલી ગોળી, એને લીધે લોહીલુહાણ થઇ નીચે પડેલુ એનું નિસ્તેજ શરીર, પેલા પોલીસવાળાએ લગભગ ગુમાવી દીધેલો એક પગ અને ગામ લોકોનો કોલાહલ- આ બધુ માત્રને માત્ર મારે લીધે થયું.કોઇ એક માણસને પણ આ સિદ્ધીથી પરેશાન કરવાની મનાઇ હતી...એવો નિયમ હતો, તો આ તોડયો મે નિયમ...આખા એક ગામને પરેશાન કર્યું.આવું વિચારતો એ અચાનક રસ્તે ઉભો રહ્યોં.અને ઉપર આકાશ તરફ જોઇ મોટા અવાજે એ બબડયોં "પપ્પા...ઓ પપ્પા..હવે જુઓ...આ કરી મે શરતભંગ.કેટલાય માણસોને પરેશાન કર્યાં.કેટલાયને ઘાયલ કર્યાં.આ તમારી સિદ્ધી હવે પાછી લઇ લો...હું એને લાયક...." રડવું આવી જતા એ આગળ ન બોલી શકયો.ફાર્મ હાઉસમાં જઇ અંદર ભરાઇ ગયો.
                આ તરફ પોલીસે સઘળી તપાસ કરી,ગામમાં બધાનાં નિવેદન લીધા.અને અંતે પોતાની તપાસનો અહેવાલ જાહેર કરતા કહ્યું કે "આ ટ્રેકટરનાં માલિકનાં કહેવા મુજબ 'કોઇ અદ્રશ્ય અવાજે એને ટ્રેકટર ઉભુ રાખવા કહ્યું, પણ એમ ન કરવાથી એણે પથ્થર માર્યોં અને મારુ ટ્રેકટર ચોરીને ભાગી ગયો' પણ અમને એવા કોઇ પુરાવા મળ્યાં નથી કે ટ્રેકટર કોઇ દ્વારા ચલાવાતુ હોય..આ માત્ર ટ્રેકટરમાં સર્જાયેલી ટેકનીકલ ખામી છે.ટ્રેકટર જયાંરે ગાડીમાં અથડાયું પછી એમાં કોઇ હલચલ ન હતી.છતા હજુ અમારી તપાસ ચાલુ છે." 
               સમ્યક ઘણાં સમયથી અરીસા સામે ઉભો હતો.એ હવે પોતાને જ જોવા તરસતો હતો.આ અજબ પણ સામાન્ય ઇચ્છા હજુ પણ અધુરી જ રહી.ગુસ્સો તો હવે એની પાસે બચ્યોં ન હતો.હવે તો એનો સંગાથી એક જ હતો- અનંત, અદ્રશ્ય અફસોસ માત્ર.સમ્યકને મનમાં ગાંઠ પડી ગઇ કે હવે હું પણ મારા પપ્પાની જેમ કાયમી અદ્રશ્ય થઇ ગયો.આ સિદ્ધી કદાચ 'વન વે' જ હશે.અહિંથી પાછા વળવાનો હવે કોઇ મારગ નથી.હવે સ્વીકાર એ જ શાંતિ.અચાનક બધુ છુટી ગયું, જે થોડું બાકી રહ્યું એ પણ ધીમે ધીમે છુટી જશે.

           ક્રમશઃ
                     --ભરત મારૂ
            

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

C.m.patel 2 અઠવાડિયા પહેલા

Verified icon

Nipa Upadhyaya 3 અઠવાડિયા પહેલા

Verified icon

Daksha 4 અઠવાડિયા પહેલા

Verified icon

natvarlal 1 માસ પહેલા

Verified icon

Balramgar Gusai 1 માસ પહેલા