પારદર્શી - 4

પારદર્શી-4
              સમ્યકની ઓફીસમાં હવે બધુ કામ બરાબર ચાલવા લાગ્યું.મોહિની એક બહું મોટા સકંજામાંથી છુટી હોય એમ પ્રફુલ્લીત રહીને પોતાનું કામ કરતી.સમ્યકે પણ હવે ડિઝાઇનીંગનું કામ મોહિની એકલી જ કરશે એવું નકકી કરેલું.હવે તો મોહિની પોતાના ઘર કરતા અહિં પોતાની ઓફીસમાં વધારે ખુશ રહેતી.ઘરે એનું મન હવે ઓછું લાગતું.કારણ કે એ રાત્રે જયાંરે મોહિનીએ પોતાના પતિને ટોની અને સમ્યકની વાત કરી તો એનો પ્રત્યુતર કંઇક આવો હતો 
“સારું, હવે તો એ ટોની ગયોને.હવે તારે નોકરી છોડવાની કોઇ જરૂર નથી.સમ્યક જેવો બોસ હોય પછી શું ચીંતા? હવે શાંતિથી નોકરી કરજે.”  એની વાતમાં મોહિનીને કયાંય પતિ તરીકેની સાંત્વના ન દેખાઇ.ફકત નોકરીની ફીકર જ દેખાઇ આવી.એ રાત્રે મોહિનીને લાગેલા આઘાતથી એના મનમાં એક નજીકનાં અને એક દુરનાં પુરુષ વચ્ચે સરખામણી થઇ ગઇ.ઘણાં પ્રયત્ને પણ બંને વચ્ચે એક પણ સમાનતા ન મળી.એ અસમંજસ પછી મોહિનીનું સ્ત્રીહૃદય દુરનાં પુરુષ પ્રત્યે થોડું વધારે ઢળ્યું.આમપણ એને હવે ચઢાણનો થાક વર્તાતો હતો.પતિ-પત્નિનાં સબંધોમાં એકતરફી ચડવો પડતો એ ચઢાણવાળો રસ્તો.સમ્યક તરફ જુકાવ વધતો ગયો.એટલે જ એ હવે ઓફીસમાં સાંજે પાંચ ને બદલે સાત વાગ્યાં સુધી કામ કરતી રહેતી.સમ્યકનું મન હવે ઘણીવાર અનાયાસે શાંત થઇ જતું.પણ બધાની સામે અદ્રશ્ય ન થાય એના માટે એ સાવચેત રહેતો.એના માટે એ પોતાના હાથમાં સતત કોઇ વસ્તુ ફેરવ્યાં કરતો.કયાંરેક પોતાનો મોબાઇલ તો કયાંરેક ફકત બોલપેન.એને હવે એકાંત અને મૌનનો રંગ લાગ્યોં.રોજ બાર કલાક કામ કરતો સમ્યક હવે દિવસનાં સાત-આઠ કલાક માંડ ધંધામાં આપી શકતો.પણ હા, કોઇ અઘરા કામ માટે કે કોઇને મદદ કરવા માટે એ અદ્રશ્ય થઇ બધુ જાણી આવતો.
              પણ હવે સમ્યકનાં આવા વર્તનની અસર એનાં પરીવાર પણ થવા લાગી.એ હવે ઘરમાં પણ ઓછા શબ્દોમાં વાત કરતો.દિશાને એની આવી માનસીક ગેરહાજરી કાંટાની જેમ ખુંચવા લાગી.કદી ગુસ્સે ન થતી દિશા આજે સવારે નાસ્તા વખતે ચા સાથે આપું કે પછી? એવું પુછયાં પછી એ સમ્યકે જાણે સાંભળ્યું જ નહિં એટલે ગુસ્સામાં બોલી “કયાં ધ્યાન છે તમારું? આજકાલ ખોવાયેલા જ હોવ છો.ઘરમાં શું ચાલે છે એની કોઇ ફીકર છે તમને?”
અચાનક આવી પડેલો દિશાનો ગુસ્સો તીર બની સીધો જ સમ્યકનાં હૃદયે ખુંચયો.એણે તરત જ કહ્યું “શાંતિ રાખ,દિશા.અને શું પ્રોબ્લેમ છે એ મને જણાવ.બધુ સરખુ થઇ જશે.” સમસ્યાઓ હવે સમ્યકને મન ઉકેલવી એટલે એક જ રસ્તો અદ્રશ્ય બની સમસ્યાનાં મુળ સુધી પહોચી જાણી લાવવું.
“દિપીકા હમણાં ભણવામાં બહું ધ્યાન નથી આપતી.થોડા દિવસ પહેલા એ કહેતી હતી કે હવે એ ટયુશનમાં નહિં જાય.અને હમણાં એનો સ્વભાવ પણ ચીડીયો થઇ ગયો છે.તમે એને સમજાવો તો સારું.” દિશાએ પોતાની સાતમાં ધોરણમાં ભણતી નાની દિકરી વિશે ચીંતા બતાવી.એ રાત્રે જ સમ્યકે પોતાની દિકરી સાથે વાત કરી.પ્રેમથી બધી માહિતી લેવા પ્રયત્ન કર્યોં.દિપીકાએ વધારે તો કંઇ ન જણાવ્યું પણ એની વાત પરથી સમ્યકને ખ્યાલ આવ્યોં કે દિપીકાનાં ટયુશનનાં મેડમ થોડા કડક સ્વભાવનાં છે.એટલે સમ્યકે દિપીકાને કહ્યું “બેટા આવતીકાલે ટયુશનનું લેશન ન કરતી.”
“પણ પપ્પા, તો...તો મેડમને હું શું કહીશ?” દિપીકા ગભરાતા સ્વરે બોલી.
“હું એજ જોવા માંગુ છું.તું જરા પણ ન ગભરાઇશ.હું તારી સાથે છું.” સમ્યકે દિકરીને હિંમત આપી.બીજા દિવસે સમ્યક જાતે દિપીકાને ટયુશન પર મુકવા ગયો અને કહ્યું “હું અહિં નીચે જ ઉભો છું.”
“પણ પપ્પા, બે કલાક થશે.”
“ભલે થાય.હું આટલામાં જ છું.” દિપીકા જયાંરે ઉપર ફલેટમાં પહેલા માળે એના ટયુશનમાં ગઇ ત્યાંરે સમ્યક તરત જ અદ્રશ્ય થયો.અને પોતાની દિકરીની પાછળ જ ફલેટમાં ઘુસી ગયો.અંદર બીજા દસ-બાર બાળકો હતા.બધા બાળકો લેશન કરીને આવ્યાં હતા.દિપીકાનો વારો આવ્યોં એટલે એની બુક તો કોરી હતી.મેડમે પહેલા તો એક તમાચો માર્યોં.એ એટલો જોરદાર હતો કે દિપીકાની આંખમાં આંસુ આવી ગયા.સમ્યક એક બાપ તરીકે ત્યાં હાજર હોવા છતા કંઇ કરવા માટે સક્ષમ ન હતો.જો કંઇ ક્રિયા એના દ્વારા થાય તો એ તરત જ દેખાઇ જાય.જેનાથી આટલા બાળકો વચ્ચે ગભરાટ ફેલાય જાય.એ સમસમી ગયો.દિપીકાનાં આંસુ જોઇ સમ્યક દુઃખી થયો પણ મેડમનો ગુસ્સો વધ્યોં અને એ બોલ્યાં “એક તો લેશન કરીને આવવું નથી અને પછી રડવું છે? મારે ત્યાં આવું નહિં ચાલે.” અને દિપીકાની નોટબુકને દુર ફેંકી.સમ્યકને આજે પોતાની ગાયબ થવાની સાથે જોડાયેલી આ મર્યાદા પર ખુબ રોષ ચડયોં.પણ એ ગુસ્સાને દબાવી સમ્યક દબાતા પગલે બહાર ગયો.ફલેટનાં અધખુલા દરવાજા પર બહારથી એક લાત મારી.ટયુશનનાં મેડમ સહિત બધા આંખો ફાડી એ તરફ જોવા લાગ્યાં.સમ્યકે રડતી દિકરીને ભેટીને એને છાની રાખી.અને ત્યાંથી લઇ ગયો.
               સમ્યકને હવે આ અદ્રશ્ય અવસ્થાની એક ઉણપ ખટકતી હતી.માત્ર બધુ જોયા કરવું અને કશું કરી ન શકવું એ લાચારી હવે અસહ્ય હતી.ગમે તે ઘટના, વ્યકિતઓની વાતચીત, એમના ઇરાદાઓ જાણવા એ વાત હવે એને એટલે દુઃખદાયક લાગતી હતી કે એમાં એ માત્ર જોઇ જ શકતો.બસ મુક સાક્ષી બનીને....પોતે જો અદ્રશ્ય રહી બધુ કરી શકે તો ઘણી સમસ્યાઓ હલ પણ કરી શકે.એણે ફરી પેલી ચોપડીઓ વાંચી લીધી પણ એમાં આવો ઉકેલ કયાંય ન હતો.હવે તો એના પપ્પા સામે આવે તો જ થાય.આખરે સમ્યકે એના પપ્પાએ લખેલા ગુઢ વાકયો મોબાઇલમાં ફરી વાંચ્યાં ત્યાંરે એના મગજમાં ઝબકારો થયો કે પપ્પાએ કંઇક પ્રવાહીની વાત લખી છે.જો એ પ્રવાહી મળી જાય તો કદાચ પુર્ણ અવસ્થાએ પહોચી શકાય.હવે એને અદ્રશ્ય રહીને બધુ કરવાની લાલશા જાગી.
               આજે લગભગ એક મહિનો થઇ ગયો હતો પણ એના પપ્પાની કોઇ ખબર ન હતી.પોતાની ઓફીસની બહાર બારીમાંથી ભર બપોરે થયેલું કાળુડિબાંગ આકાશ નવી ૠતુનાં સમાચાર લઇને આવ્યું.ચોમાસાનું આગમન સમય કરતા થોડું મોડું હતુ.પણ એના પપ્પાનું આગમન હજુ કયાંરે થશે એ વિચારે સમ્યક બારી પાસે ઉભો રહ્યોં.બારી ખોલી તો એક ઠંડી અને ધરતીની સોડમને ચારે તરફ વિખેરતી એવી હવાની લહેર આવી.આકાશમાં વાદળોનો ગળગળાટ શરુ થયો.સમ્યકનાં મનમાં તો કયાંરનો ખળભળાટ ચાલુ જ હતો.આકાશમાં દુર દુર સુધી કાળા વાદળોએ જ જગ્યા રોકી હતી.પણ આજે એ વાદળો ખાલી થવા જ આવ્યાં હોય એમ મોટા મોટા ટીપે વરસાદ ચાલુ થયો.બાજુમાં આવેલી ફેકટરીનાં છાપરા પર પડતા પાણીનો અવાજ ફટાકડાની તડાફડી જેવો લાગતો હતો.સમ્યકે એક હાથ બારી બહાર કાંઢયો.એની હથેળીમાં પાણી ભરાયું.એના ચહેરાને પણ અમુક ટીપાઓ ભીંજવી ગયા.થોડી જ વારમાં રસ્તાઓ પરથી પાણીએ દોટ મુકી.એ પાણીને જાણે ધરતી પર આવ્યાં પછી પગ આવી ગયા હોય એમ ભાગવા લાગ્યું.અત્યાંર સુધી માણસોની ભાગદોડથી કંટાળી ગયો હોય એમ ડામરનો રસ્તો પાણીની ભાગદોડથી શાંત હતો.આકાશમાં ખાલી થવા રાહ જોઇ રહેલું પાણી,ટીપા બની અતિ વેગમાં ધરતી તરફ આવતું પાણી અને ધરતી પર ઢાળ તરફ સહજ વહેતું પાણી.....પાણીનો આ નયનરમ્ય ખેલ પંદર મીનીટ થયે ચાલુ હતો.જે સમ્યક પણ એકીટસે જોઇ રહ્યોં.ચોમાસાની ૠતુ બધાને રસવંતા બનાવી દે છે.જે પણ મનમાં દબાયેલા રસ હોય એ બહાર આવવા મથવા લાગે છે.સમ્યકનો રસ હવે શાંત ચિત રહેવું એ જ હતો.એવામાં મોહિની દરવાજો ખુલ્લો જોઇ સીધી જ અંદર આવી.આખી ઓફીસમાં નજર કરી પણ સમ્યક કયાંય ન દેખાયો.ખુલ્લી બારીએથી આવેલી વરસાદની વાંછટથી મોહિનીનું ધ્યાન એ તરફ ગયુ.એ પણ એકલી બારી પાસે ઉભી રહી.વરસાદી માહોલનાં રૂપેરી પરદે જીલાયેલા બે અદભુત દ્રશ્યો એની નજરે પડયાં.નીચે રસ્તાનાં સામેનાં ભાગમાં એક ઘટાદાર લીંમડાનું ઝાડ હતુ.એ ઝાડની એક ડાળ પર એક કોયલનું જોડું વરસાદથી બચવા બેઠું હતુ.ઝાડની નીચે સ્કુટર પર આવેલું એક માનવ જોડુ પણ વરસાદથી બચવા ઉભુ હતુ.બંને જોડા એકબીજા સાથીની હુંફ મેળવવા માટે એકદમ નજીક જ ઉભા હતા.જાણે તરસ્યાં ગળાને મીઠા પાણીનો દરીયો મળી ગયો હોય એમ એક પંખીનું જોડુ અને એક માનવ જોડુ, પ્રેમ અને વરસાદથી ભીંજાયને સ્થિર હતુ.આ એજ લીમડો છે જે ઘણીવાર ધોમધખતા તાપમાં મોહિનીને પણ છાયો આપતો હતો.પણ અત્યાંરે ખરા અર્થમાં મોહિનીને એ લીંમડો કડવો લાગ્યોં.અને આટલી ઠંડકમાં પણ મોહિનીને આ દ્રશ્યો જાણે દઝાડતા હોય એમ એણે પાણીનો ખોબો ભરી પોતાના જ માથે રેડયોં.સમ્યક અદ્રશ્ય થઇ આ ઘટના જોઇ રહ્યોં.મોહિની પોતાની જાતને એકલી જ જોઇ ધીમા અને ઉદાસી ભર્યાં સ્વરે બબડી રહી હતી...
 “વરસાદ તું તો ભીંજવવા જ આવ્યોં છે પણ કોઇ કોઇના નસીબમાં કોરા રહી જવાનું લખાયેલું હોય છે.આવા માહોલમાં એકાંત શ્રાપ સમાન છે.....વરસાદ તું પણ પુરુષ જ છેને!! ભલે ભીંજવ મને..."
પણ વરસાદથી ભીના થયેલા ચહેરે મોહિનીનાં આંસુ કોણ જુએ? સમ્યક મૌન રહી મોહિનીની આ ફરીયાદ સાંભળી રહ્યોં, જોઇ રહ્યોં.પોતાની પણ એક વિવશતા પર એને દુઃખ થઇ આવ્યું.પછી મન મનાવી લીધુ કે કદાચ પોતે અહિં મોહિનીની નજરમાં હાજર પણ હોત તો શું કરી શકત? મોહિનીની પ્રેમની માંગ તો કેમ પુરી કરવી? એ તો એક ગેરવ્યાજબી સબંધ શરૂ કરવા જેવું થાય.એવું કરવા એનું શાંતિથી નિર્લેપ થયેલું ચિત તૈયાર ન હતુ.પણ ત્યાં ટેબલ પર જ એક કાચની બોટલ પડવાનો અવાજ આવ્યોં.બંનેનું ધ્યાન એ તરફ ગયું.કદાચ પવનને લીધે આવું થયું હશે એવું વિચારી મોહિની ત્યાંથી ચાલતી થઇ અને એ બોટલ ઉભી કરીને ઓફીસની બહાર નીકળી ગઇ.સમ્યકે બારી બંધ કરી એટલે એ હવે દ્રશ્યમાન થયો.અને એ ખાલી બોટલ સામે જોઇ રહ્યોં.પોતાના ટેબલને હંમેસા ચોખ્ખુ અને ખાલી રાખતો સમ્યક આ બોટલ કયાંથી આવી એ વિચારતો હતો.
 
             એ પોતાની ખુરશી પર બેઠો.થોડીવારે દરવાજો આપમેળે બંધ થયો.અને અંદરથી લોક પણ ‘ઓટોમેટીક’ લાગી ગયું.સમ્યકને થોડા ગભરાટ પછી ખુશી થઇ કે કદાચ પપ્પા આવ્યાં હોય.એણે ફરી ચિતને શાંત કર્યું.આંખો બંધ કરી શુન્યભાવમાં આવી ગયો.જાણે નથી એનું શરીર કે નથી એનું મન.બંનેનાં અનુભવથી એ પર થયો.પોતાની આંતરીક ઉંડાઇનાં અંધકારમાં બધુ વિલીન થયેલું અનુભવાયું.ત્યાંરે અચાનક આંખ ખુલી તો એના પપ્પા સામે બેસી હસતા હતા.
          ક્રમશઃ
                       ભરત મારૂ
            

           

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Hetal Togadiya 5 કલાક પહેલા

Verified icon

Nipa Upadhyaya 1 માસ પહેલા

Verified icon

Daksha 1 માસ પહેલા

Verified icon

Jigisha 1 માસ પહેલા

Verified icon

Amita 1 માસ પહેલા