પારદર્શી - 6 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારદર્શી - 6

પારદર્શી-6
અદ્રશ્ય પ્રવાહી પીધા પછી આજે પાંચમા દિવસે સમ્યકે પોતાની ફેકટરીમાં જ અદ્રશ્ય રહેવાનું નકકી કર્યું.એટલે જ આગલા દિવસે એણે તમામ સ્ટાફને સુચના આપેલી કે આવતીકાલે હું ફેકટરી પર નહિં આવું.ઘરેથી પોતાની કાર જાતે ચલાવી ફેકટરીથી થોડે દુર કારમાં બેઠો.થોડીવારે કારમાં જ અદ્રશ્ય થયો.ખરાઇ કરવા માટે કારનો મિરર પોતાના આખા શરીર તરફ ફેરવી જોયો.પણ સમ્યક પોતે પણ પોતાને ન જોઇ શકયો.અને એ વાતનો એને ખુબ આનંદ થયો.કારણ કે એણે અદ્રશ્ય રહીને જ કોઇ વસ્તુ પણ ચલાયમાન કરી.એણે કારનો દરવાજો ખોલ્યાં વિના ઉતરવા કોશીષ કરી પણ એ હજુ શકય ન બન્યું.એટલે ચારેતરફ નજર ફેરવી ઝડપથી દરવાજો ખોલી એ કારમાંથી ઉતરી ગયો.
સવારનો 9.00 વાગ્યાનો સમય થયો હતો.સૌથી પહેલા તો એ પોતાના વોચમેનની બાજુમાં બેઠો.લગભગ અરધો કલાક બેસીને જોયું કે વોચમેન એની ડયુટી બરાબર કરે છે.એ ત્યાંથી ચાલતો થયો પણ બાજુમાં નીચે પડેલી વોચમેનની છત્રી એના પગમાં ફસાઇ અને એક ડગલા સુધી સમ્યકની સાથે ચાલી.વોચમેનનું ધ્યાન પણ આ ઘટનાએ ખેચ્યું.વોચમેન ગભરાઇને ઉભો થઇ ગયો.સમ્યકે હળવેથી છત્રીમાં અટવાયેલો પગ કાઢયો.પણ વોચમેને ડરતા ડરતા અને પગ વડે છત્રી પાછી ખેંચી.છત્રી હાથમાં લઇ ખંખેરીને જોયું કે અંદર તો કશું નથીને!! સમ્યક હસતો હસતો અંદર ગયો.દરેક માળ પર એણે આરામથી સમય વિતાવ્યોં.એક એક કર્મચારી પર ધ્યાન આપ્યું.આજે જાણે વર્ષો પછી આખી ફેકટરીમાં આટલો બધો સમય ગાણ્યોં.નીચેના માળ પર એનો ‘હેડ મિકેનીક’ મશીનમાં કામ કરતો હતો.સમ્યક એ ધ્યાનથી જોતો હતો.થોડીવારે પોતાની ધાતુની પેટીમાંથી એક હથોડો કાઢયોં.સોળ ફુટ ઉંચા મશીનનાં ઉપરના ભાગે ચડી હથોડાથી કંઇક કર્યું.પછી ઉપર હથોડો મુકી નીચે થોડું કામ કર્યું.એવામાં એનો મોબાઇલ ફોન આવ્યોં.પછી ફરી કંઇક રીપેરીંગ કરી એ મોટું મશીન ચાલુ કરી દીધુ.પણ મશીનની ધ્રુજારીથી ઉપર ભુલાઇ ગયેલો હથોડો ધીમે ધીમે નીચે પડવાની અણી પર હતો.એ હેડ મિકેનીકનું ધ્યાન ન હતું.પણ જયાંરે હથોડાએ પોતાના લોખંડના પ્રચંડ મજબુત માથા દ્વારા ડોકયું કર્યું ત્યાંરે સમ્યકનું એ તરફ ધ્યાન ગયું.હથોડો બીજી સેકન્ડે તો નીચે બરાબર પેલા મિકેનીકનાં માથા પર પડવા જઇ રહ્યોં હતો ત્યાંજ સમ્યકે પોતાના બંને અદ્રશ્ય હાથો દ્વારા એને રોકયો.ખુબ પ્રયત્નો છતા સમ્યકનાં હાથ પેલાનાં માથનાં વાળને સહેજ અડકી ગયા.એણે ઉપર જોયું તો હથોડો હવામાં સ્થિર હતો.એ ગભરાઇને દુર ખસી ગયો.સમ્યકે હવે હથોડો હાથમાંથી નીચે સરકાવી દીધો.ધડામ અવાજ સાથે હથોડાએ નીચે સ્થાન લીધું. બચી ગયો એની ખુશી સમ્યકને હતી.પણ પેલો મિકેનીક જાણે કોઇ સપનુ જોયુ હોય એમ અવાક થઇને ઉભો હતો.હથોડાનું હવામાં પોતાના માથા પર સ્થિર થવું એ ઘટના એના મગજમાં ઉતરતી ન હતી.આંખોએ જોયું પણ મન એ સ્વીકારવા તૈયાર ન હતું.થોડીવાર ત્યાં જ ઉભો રહી એ મિકેનીક ત્યાંથી ઉતાવળા પગલે ભાગી ગયો.સમ્યક ધીમા અવાજે બબડયોં ‘ભાઇ, મારે તારો જીવ બચાવવો જરૂરી હતો.તું જે ચમત્કાર સમજે તે તને મુબારક.’ મશીનોના અવાજ વચ્ચે એના વાકયો દબાઇ ગયા.એટલે દબાતા પગલે સમ્યક ઉપરના માળ તરફ ચાલ્યોં.
ચોથા માળ પર એક વિભાગમાં કોઇ મશીન ન હતા જયાં માલના સંગ્રહ માટે એક ગોડાઊન બનાવેલું.ત્યાં એક સફાઇ કામદાર જે પ્રૌઢ વયની મહિલા હતી એ સફાઇ કરતી સમ્યકે જોઇ.એનો મોબાઇલ રણકયો, એ મરાઠી લહેકામાં હિન્દી ભાષામાં બોલી “મે અબ મેરે લડકે સે થક ચુકી હૈ.મેયને ઉસે બોલ દિયા હૈ અબ તેરે લીયે મે શેઠલોગો કા સામાન ચોરી નય કરેગી.તું મર જાયે તો ભી મે રોયેગી નહિં.” સમ્યક તો આટલી વાતથી અવાક થઇ ગયો.ત્યાં એ બાઇ ઉપર ટેરેસ પર ગઇ અને એક કોથળો લઇ આવી.એમાંથી જરૂર કરતા વધારે બળ વાપરી દોરા વીંટવાના બે પ્લાસ્ટીકનાં રોલ કાઢ્યાં.અને એક મોટા ખોખામાં મુકી દીધા.સમ્યકને આમાં એ બાઇએ પોતાની જ મજબુરી ઉપર એને આવતો ગુસ્સો દેખાયો.એ પ્લાસ્ટીકનાં ભંગારની કિંમત સમ્યકે મનમાં આંકી તો 100/- રૂપિયા થતી હતી.પણ સમ્યકને એ બાઇની ચોરી, મજબુરી અને આખરે જીતી જતી પ્રામાણિકતા એકસાથે જોવાની મજા પડી.આનંદ થયો અને અદ્રશ્યતાથી કેવી કેવી ઘટનાઓ સામે આવીને ઉભી રહે છે એનો ઉંડો અનુભવ પણ થયો.એણે મનોમન આ બાઇનો પગાર વધારો નકકી કર્યોં.અને નીચે તરફ આગળ વધ્યોં.
સમ્યક હવે નીચે પોતાની ઓફીસ તરફ ગયો.ત્યાં એકાઉન્ટ ચેમ્બરનો દરવાજો ખુલ્લો હતો એટલે એ ચોરપગલે અંદર ઘુસ્યોં.એકાઉટન્ટ એના કોમ્પ્યુટરમાં કામ કરતો હતો.સમ્યકને ચાર-પાંચ આંકડાકીય ભુલો દેખાય.પણ સમ્યકે વિચાર્યું કે સાંજનો સમય થયો.આખો દિવસ આંકડા સાથે મગજમારી કરી હવે આ માણસ થાકયોં હશે.પણ એક જગ્યાએ તો રકમ લખવામાં એક મીંડુ જ ભુલાય ગયું.સમ્યકે તરત જ કીબોર્ડ પર શુન્યનું બટન દબાવી દીધુ.થાકેલા એકાઉટન્ટને કંઇ ખાસ ખબર ન પડી.પણ સમ્યક ત્યાંથી દુર ખસી ગયો.કોઇની એકદમ નજીક અદ્રશ્ય થઇને રહેવું સારુ નહિં.કદાચ એને હાજરીનો અનુભવ થાય તો ગરબડ ઉભી થાય.સમ્યક બહાર નીકળવાની તૈયારીમાં જ હતો ત્યાં એકાઉટન્ટે પોતાની હેન્ડબેગ ઉપાડી.સમ્યકને થયું એ ઘરે જવાની તૈયારી કરતો હશે.પણ એણે તો થેલામાંથી નાની દારૂની બોટલ કાઢી અને પોતાની પાણીની બોટલમાં દારૂ ભર્યોં.એ પાણીની બોટલ આરપાર જોઇ ન શકાય એવી હતી.સમ્યકને જોવું હતુ કે આ ઓફીસમાં જ દારૂ પીવે છે કે બહાર જઇને? એટલે એ હળવેથી દરવાજા પાસે ઉભો રહ્યોં.બરાબર એ જ વખતે મોહિની અંદર આવી.એ સમ્યકની એટલી નજીકથી પસાર થઇ કે એના હાથમાં રહેલી હિસાબનાં છુટા કાગળો ભરેલી ફાઇલ સમ્યક સાથે અથડાઇ ગઇ.ફાઇલ ખુલી ગઇ અને કાગળો બધા આમતેમ નીચે વિખેરાયા.એકાઉટન્ટે આ બધુ જોયું એટલે એણે બોટલનું ઢાંકણું બંધ કર્યું અને મો ખોલ્યું
“કેમ મોહિની? ફાઇલો કેમ ઉછળે છે?”
મોહિનીએ દરવાજા તરફ ધ્યાનથી જોયું અને બોલી “આ બધા મારા પરચુરણ બીલો છે.એને પાસ કરી દેજો એટલે રૂપિયા મળી જાય.”
મોહિની નીચે વળી બધા કાગળો એકઠા કરવા લાગી ત્યાંરે સમ્યકને બે વાતે અફસોસ થયો.એક તો પોતે મદદ નથી કરી શકતો બીજુ પેલો એકાઉટન્ટ પણ હાથમાં બોટલ લઇ એમ જ બેસી રહ્યોં હતો.સમ્યકને એના પર પણ ગુસ્સો આવ્યોં.મોહિનીએ છેલ્લો કાગળ ફાઇલમાં ગોઠવ્યોં ત્યાંરે પેલા એકાઉટન્ટે પુછયું
“મોહિની, શેઠ તો હવે નહિં આવેને?”
મોહિની ઉભી થઇ અને બોલી “કેમ, સુરેશકાકા?” સુરેશભાઇ સમ્યકથી પણ દસ વર્ષ ઉમરમાં મોટા હતા એટલે મોહિની એમને કાકા કહી બોલાવતી.
“આ તો ખાલી પુછું છું.અને તારુ કામ પતી ગયું હોય તો તું નીકળ હવે.જો સાંજના સાત વાગ્યા છે.”
“ના સુરેશકાકા, હજુ થોડું કામ બાકી છે.”
“અરે આવતીકાલે કરજે.આજે તને કોણ પુછશે?”
“કોઇ પુછવાવાળુ હોય કે ન હોય.મને મારું કામ પુરુ કરવાની આદત છે.”
વાતો વાતોમાં સુરેશકાકાએ બોટલનું ઢાંકણ ખોલી એક ઘુંટડો ભર્યોં.પણ મોહિનીને ગંધ આવી ગઇ.એ બોલી
“આ શું છે? આ બોટલમાં શું ગંધાય છે?તમે અહિં ઓફીસમાં દારૂ પીવો છો?”
સુરેશકાકા થોડા શરમાયા.પછી પોતાની હોશીયારી બતાવતા સામે સવાલ કર્યોં “તને કેમ ખબર કે આ દારૂની ગંધ છે?”
આવી પડેલા અઘરા સવાલે મોહિનીની સાથે સમ્યકને પણ મુંજવ્યોં.સમ્યક હવે મોહિનીનો જવાબ સાંભળવા ઉત્સુક હતો.પણ મોહિની જવાબને પોતાની અંદર જ દબાવીને પોતાની ચેમ્બરમાં ચાલી ગઇ.સુરેશકાકાએ બોટલનું ઢાંકણ ખોલી બે ઘુંટ માર્યાં અને ખુલ્લી બોટલ ટેબલ પર મુકી.ખુરશી પર માથુ ટેકવી આરામની મુદ્રામાં એણે આંખો બંધ કરી.સમ્યકને સુરેશકાકાનાં વર્તન પર ગુસ્સો આવ્યોં.એણે બોટલ ઉંચકી સુરેશકાકાનાં બે પગ વચ્ચે જ રેડી દીધી.સુરેશકાકા કંઇ સમજે ત્યાંરે તો બોટલ નીચે પડી ગઇ.એ ઉભા થઇને બીજી ખુરશી પર બેઠા.બહાર તો જઇ શકે એમ ન હતા.સમ્યક મંદ મંદ હસતો હતો.પણ બોટલ પડવાના અવાજથી મોહિની દોડતી આવી.એ પણ પોતાનું હાસ્ય ન રોકી શકી.પણ મોઢા પર રૂમાલ ઢાંકી ચાલી ગઇ.અને બોલતી ગઇ “બાપ રે! આખી ઓફીસમાં દારૂ ગંધાશે હવે.”
પોતાનો દોષ હોવાથી સુરેશકાકા ચુપચાપ બેસી રહ્યાં.સમ્યક હવે મોહિની જયાં હતી એ ચેમ્બરમાં ગયો.એ એના કામમાં વ્યસ્ત હતી.એટલામાં સુરેશકાકા ત્યાં આવી કરગરવા લાગ્યાં “ મોહિની પ્લીઝ, આ વાત શેઠને નહિં કરતી.આટલા વરસ અહિં કામ કર્યું છે.હવે બીજે કયાં જઇશ?”
“તમે ચિંતા ન કરો.હું તમારી નોકરીની કે તમારી દુશ્મન નથી.આ તો મારું એટલુ જ કહેવું છે કે ઓફીસનાં સમયે દારૂ ન પીતા.અહિં આપણને કામનો પગાર મળે છે.” મોહિનીની વાતથી સુરેશકાકા નીચુ જોઇ ગયા.પણ સમ્યકનું માથુ ગર્વથી ઉંચુ થયું કે વાહ મારી ઓફીસમાં આવો પ્રમાણિક સ્ટાફ છે!!
જયાંરે બધા જ ઓફીસ ખાલી કરી જતા રહ્યાં તો સમ્યક પણ દરવાજો બંધ થાય એ પહેલા બહાર નીકળી ગયો.બહાર એ ફરી વોચમેનની બાજુમાં બેઠો.આખા દિવસની ઘટનાઓ એના મનમાં તરી આવી.એના જાણીતા દરેક વ્યકિતની સારી કે ખરાબ છાપ આજે એના મનમાં ઉભી થઇ.પોતાની ગેરહાજરીમાં કોણ શું કરે છે એ બધુ જ એણે જોયું.એક હેડમિકેનીકને બચાવ્યાંનો આનંદ એના મનમાં ફરી ફરી આવવા લાગ્યોં.એ આનંદથી ભરાઇ ગયેલું એનું મન હળવું થયું.કોઇ આભાર અને આશા વિના કોઇને મદદરૂપ થવું કેટલીબધી ખુશી આપે છે એ અનુભવ આજે સમ્યકને થયો.થોડીવારે રાત્રીનો વોચમેન આવ્યોં.ત્યાંરે અચાનક સમ્યકને ખ્યાલ આવ્યોં કે રાતનાં નવ વાગ્યાં.પોતે અદ્રશ્ય થયો એને પુરા બાર કલાક થયા.છતા હજુ પોતે કેમ દ્રશ્યમાન ન થયો.હવે જોખમ હતુ કે ગમે ત્યાંરે એ દેખાતો થાય.એના આગળનાં અનુભવો તો દસ કલાક અદ્રશ્ય રહેવાના જ હતા.એ ગભરાયો પણ, કે હવે ઘરે જવાનો સમય થયો.ફરી દેખાવા માટે શું કરવું? એણે મુંજવણ ભર્યાં મને એના પપ્પાને યાદ કર્યાં.એ હાજર થયા તો તરત જ પુછયું “પપ્પા, હવે મારે ઇચ્છા મુજબ દ્રશ્યમાન થવું હોય તો શું કરવું? આજે તો સૌથી વધારે પુરા બાર કલાક હું ગાયબ રહ્યોં.”
“જો બેટા, જે અનુભવ તને અદ્રશ્ય થવામાં કામ લાગ્યોં એનાથી ઉલ્ટો જ અનુભવ તને ફરી તારી ઇચ્છાએ અને તારા સમયે ફરી દેખાતો કરશે.તારે તારા શરીર હોવાનો અનુભવ કરવો પડશે.એનાથી તું બધાને ફરી દેખાતો થઇશ.આ બહું જ સહેલુ છે.”
“હા સારું, હું એવું જ કરીશ.” સમ્યકે ખુશ થતા કહ્યું.
“પણ હંમેસા યાદ રાખજે.આ કોઇ ખેલ નથી.” એટલુ કહી રમેશભાઇ ચાલ્યાં ગયા.સમ્યક પણ પોતાની કાર તરફ ગયો.કારની અંદર બેસી પોતે હાથ પગ માથુ અને શ્વાસનાં અહેસાસથી શરીર હોવાનો અનુભવ કરવા લાગ્યોં.એ અનુભવ જયાંરે પ્રબળ થયો તો કારનાં મીરરમાં એ પોતાને દેખાતો હતો.એના મનમાં હાશકારો પણ થયો.ઘરે જવા માટે દેખાવું જરૂરી છે.
પણ સમ્યક જયાંરે ઘરે પહોચ્યોં ત્યાંરે એની પત્નિ દિશાએ ફરીયાદ કરતા પુછયું “તમે આખો દિવસ કયાં હતા? કેટલા ફોન કર્યાં.....પાછો ફોન પણ ન કર્યોં.” પત્નિ અને બાળકોનાં ચહેરે ચિંતા જોઇ સમ્યક પણ મનોમંથન કરવા લાગ્યોં.આવી રીતે દિવસનાં અદ્રશ્ય રહેવું હોય તો મોબાઇલનું શું કરવું? આ તો અઘરું કાર્ય છે.અદ્રશ્ય રહેવું એટલે સંપર્કવિહોણું રહેવું.એટલે જ રાતનાં બધા ઉંઘી ગયા પછી પણ સમ્યક લાંબા વિચારોમાં ખોવાયો.આમ તો પત્નિ અને બાળકોથી દુર થઇ જવાશે.અને રોજે રોજ અદ્રશ્ય રહેવાથી હાજર રહીને કરાતા કામો પણ નહિં થઇ શકે.ધંધામાં પણ ખોટ આવવાની શકયતા છે.એક દિવસ ગાયબ રહીને સમ્યકને ઘણી સાંસારીક ઉપાધીઓ વધી પડી.ઘરસંસાર, ધંધો અને સામાજીકતા સાવ નેવે મુકુ તો આ અદ્રશ્ય રહીને કંઇક કરી શકાય.બાકી આમ તો બાવાનાં બેય બગડશે.બાળકો અને પત્નિ તો કયાંરના ઉંઘી ગયા હતા.પણ સમ્યકને ઉંઘ આવતી ન હતી.ભુખ અને ઉંઘ બંને ઓછી થઇ ગઇ છે એ પણ સમ્યક જાણતો હતો.જેટલો સમય એ અદ્રશ્ય રહેતો એટલો સમય શરીરને ઉંઘ અને ભુખની જરૂરીયાત નહિંવત રહેતી.આખરે સમ્યકે નકકી કર્યું કે આ અદ્રશ્ય રહેવા અને કંઇક કરવા રાત્રીનો સમય સારો રહેશે.બહું જરૂર લાગશે તો જ દિવસે અદ્રશ્ય થઇશ એવા નિર્ણય પર આવીને એ ઉંઘી ગયો.
ક્રમશઃ
--ભરત મારૂ