અંગારપથ - ૨૧ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગારપથ - ૨૧

અંગારપથ.

પ્રકરણ-૨૧.

પ્રવીણ પીઠડીયા.

પણ, એ એટલું આસાન નિવડવાનું નહોતું. શેટ્ટીએ સંજય બંડુનાં સગડ મેળવ્યાં હતા. તેનો એક દોસ્ત હતો ’દિનુ ખબરી’. જે બંડુને ગોવાથી બહાર નીકળવામાં મદદ કરવાનો હતો એવી પાક્કી માહિતી તેને મળી હતી. શેટ્ટીએ દિનું ખબરી પાછળ પોતાનો એક માણસ લગાવી દીધો હતો જેણે હમણાં જ મેસેજ મોકલ્યો હતો કે બંડુ અને તેનાં માણસો દક્ષિણ ગોવાથી એક સાધારણ બોટમાં બેસીને ભાગવાની તૈયારીઓ કરી રહ્યાં છે. એ બોટની વ્યવસ્થા દિનુ ખબરીએ જ કરાવી આપી છે. અર્જૂન પવાર અને જનાર્દન શેટ્ટી માટે આટલી જાણકારી કાફી હતી. તેમણે પોતાનાં યુનિટને સીધા જ દક્ષિણ ગોવાનાં એક અજાણ્યાં બીચ તરફ આગળ વધવાનો હુકમ આપ્યો. એ બીચ આવાં કામો માટે કૂખ્યાત હતો કારણ કે આ તરફનાં વિસ્તારમાં લગભગ કોઇ આવતું નહી. અહી બીચનો કિનારો થોડો ઉંચાણ વાળો હતો અને કિનારા ઉપર કોઇક કાળે બનાવેલો એક પૂરાતન કિલ્લો હતો. અત્યારે એ કિલ્લો ભગ્નાવશેષમાં તબદિલ થઇ ચૂકયો હતો. તેની ફક્ત દિવાલો જ બચી હતી બાકી બધું સમયની થપાટમાં ખવાઇ ચૂકયું હતું. પોલીસ પાર્ટીની દિશા અને મંઝિલ એ કિલ્લો જ હતી. બંડુ તેના માણસો સાથે કિલ્લામાં સંતાયો હતો અને તે તેને લઇ જવા આવનારી બોટની રાહ જોઇ રહ્યો હતો.

કુલ બે વાહનો હતાં. એક પોલીસની જીપ અને બીજી બંધ બોડીની લાંબી બસ. બન્ને એકસાથે કિલ્લાની ફરતે બનેલી દિવાલનાં પાછલાં ભાગે આવીને ઉભી રહી. તેમાથી ધડાધડ કરતાં પોલીસ જવાનો હાથમાં આધૂનિક હથીયારો સાથે ઉતર્યાં અને બે ટૂકડીમાં વિભાજીત થઇને ઉભા રહ્યાં. તેમાથી એક ટૂકડીની આગેવાની પવારે લીધી અને બીજી ટૂકડીની શેટ્ટીએ. ઈશારાઓથી જ તેમની આપસમાં મસલત થઇ અને તેઓ અલગ અલગ દિશામાં ફંટાઇને કિલ્લામાં દાખલ થયાં. કિલ્લાની ધરાશાયી થઇ ચૂકેલી છતમાંથી ખૂલ્લું આકાશ નજરે ચડતું હતું. અવાવરું પડેલાં કિલ્લાની અંદર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય પથરાયું હતું. તેની આડાશ પોલીસ જવાનોને ઘણો સપોર્ટ કરતી હતી. બે દિશામાં ફંટાઇને આગળ વઘતાં પોલીસ જવાનોની તિક્ષ્ણ નજરો બંડુ એન્ડ પાર્ટીને શોધી રહી હતી. ખબરીએ આપેલી ઈન્ફરમેશન મુજબ બંડુ અને તેના માણસો આ કિલ્લામાં જ સંતાયા હતાં. તેમનું સર્ચ ઓપરેશન ધીરે-ધીરે કિલ્લાથી બીચ તરફની દિશામાં આગળ વધતું હતું. તેઓ સતર્ક તો હતાં પરંતુ આ કોઇ વ્યવસ્થિત તાલીમ પામેલાં સૈનિકો નહોતાં. નો ડાઉટ કે અહીં આવ્યાં હતા એ તમામ જવાનો ગોવા પોલીસનાં જાંબાઝ અફસરો હતા પરંતુ એક હકીકત એ પણ હતી કે તેમણે ક્યારેય કોઇ મેજર ઓપરેશનમાં ભાગ લીધો નહોતો. એ બાબત તેમનો માઇનસ પોઇન્ટ હતી જેની થોડીવારમાં જ તેમને ખુદને ખાતરી થવાની હતી.

@@@@

બંડુ એકાએક જ ચોંકયો. દુરથી તેનો એક માણસ તેની તરફ દોડતો આવ્યો. તે બેતહાશા હાંફી રહ્યો હતો અને ધોળે દિવસે જાણે તેણે કોઇ ભૂત ભાળી લીધું હોય એવો ખૌફ તેના ચહેરા ઉપર છવાયેલો હતો.

“બોસ, પોલીસ.” હાંફતાં શ્વાસે તે એટલું જ બોલી શકયો. પરંતુ એ શબ્દો ખતરનાક હતા. બંડુ સફાળો જ ઉભો થઇ ગયો.

“વોટ, પોલીસ! માયગોડ. પણ અહી ક્યાંથી?” તે થડકી ઉઠયો. પોલીસ અહી અચાનક આવી ચડી હતી મતલબ કે કોઇકને તેના પ્લાનમાં ફાચર મારી હતી. તે એકદમ જ ગભરાઇ ગયો. એક તો બોસે ગુસ્સે ભરાઇને તેને અંડરગ્રાઉન્ડ થઇ જવાનું કહ્યું હતું એ નાલોશીમાંથી તે હજું ઉભર્યો નહોતો ત્યાં આ નવી મુસીબત તેના માથે આવી પડી હતી. થોડા સમય માટે ગોવાને અલવિદા કહેવાનો તેનો ઈરાદો ધરાશાયી થતો માલુમ પડયો. તેઓ કુલ દસ માણસો હતા અને હજું સુધી તેમને લઇ જવા આવનાર બોટ દુર-દુર સુધી ક્યાંય નજરે ચડતી નહોતી. તેને સમજાતું હતું કે પોલીસ પાર્ટી તેની પુરી તૈયારી સાથે જ આવી હશે એટલે હવે તેમનો સામનો કરવા સિવાય બીજો કોઇ રસ્તો વધશે નહી.

તેણે પોતાની ગન હાથમાં લઇને ચકાસી. પછી પોતાનાં માણસો સામું જોયું. એ નજરમાં હુમલાનું આહવાન હતું. બધા બોસનો ઇશારો સમજયાં હતા અને ધડાધડ તેમના હથીયારો બહાર નીકળવા લાગ્યાં. અચાનક તેમની ટોળકીમાં ખળભળાટ મચી ગયો હતો અને બધા આસપાસ વિખેરાઇને અલગ-અલગ જગ્યાઓમાં ગોઠવાઇ ગયા. થોડાવાર પહેલાં જ્યાં ગોવાથી છૂટકારો મળવાનો હતો ત્યાં હવે એકાએક બધું સ્ટેન્ડ-બાય મોડમાં આવી ગયું હતું. બંડુ અને તેમનાં સાથીઓનાં જીવ તાળવે ચોંટેલા હતા અને આવનારી ક્ષણનો સામનો કરવા તેઓ સજ્જ થયાં હતા.

@@@

પહેલું ફાયરિંગ ઓતરદા બાજુંથી થયું. પોલીસનાં એક જવાનનાં નીશાને બંડુનો એક ગૂર્ગો વિંઘાઈને જમીનદોસ્ત થઇ ગયો. આ સાવ અચાનક બન્યું હતું. પોલીસ જવાને એક દિવાલની પાછળ સંતાયેલા આદમીને જોયો હતો. એ આદમી તેના સીધા નીશાને તો આવતો નહોતો પરંતુ તેનું ડાબુ પડખું સહેજ બહાર દેખાતું હતું. જવાને એકદમ સટીક નીશાન તાકયું અને રાઇફલનું ટ્રિગર દબાવી દીધું. રાઇફલમાથી છૂટેલી ગોળી દિવાલની ઈંટનો છરકો ઉડાડતી સીધી જ તેના પડખામાં જઇને ખૂંપી ગઇ. એ આદમી ચીખ પાડતો ઉછળ્યો અને બહાર જમીન ઉપર ઢળી પડયો.

એ ક્ષણે જ એક ભિષણ જંગની શરૂઆત થઇ ગઇ. બન્ને તરફથી આંધાધૂંધ ફાયરિંગ શરૂ થયું અને જોત-જોતામાં કિલ્લાનું વાતાવરણ ગોળીઓની ધડબડાટીથી ગુંજી ઉઠયું. ચારેકોરથી ફાયરિંગનાં અવાજ ગુંજવા લાગ્યાં અને વર્ષોથી સૂનકાર ઓઢીને પડેલો કિલ્લો એકાએક જાગ્રત થઇ ઉઠયો.

પવાર અને તેના જવાનોને તો એટલું જ જોઇતું હતું કે સામેની તરફથી ક્યારે ફાયરિંગ થાય. તેઓ એક મકસદ સાથે અહીં આવ્યાં હતા કે કોઇપણ ભોગે બંડુ અને તેના માણસોનું એન્કાઉન્ટરમાં ઢીમ ઢાળી દેવું. એ મોકો સામેની તરફથી ગોળી છૂટી એ સાથે જ તેમને મળ્યો હતો. હવે તેઓ કહી શકે એવી પોઝીશનમાં હતા કે તેમણે પોતાના સ્વ-બચાવમાં ગોળીઓ ચલાવી હતી. કમિશનર અર્જૂન પવારે પોતાના જવાનોને ખૂલ્લી છૂટ આપી દીધી. તેણે બીજી ટૂકડી, કે જેની આગેવાની શેટ્ટીએ લીધી હતી તેને વાયરલેસ દ્વારા મેસેજ કરી દીધો કે તેઓ પાછળની તરફથી બંડુની ગેંગને ઘેરે. પવારનાં મનમાં ખતરનાક પ્લાન આકાર લઇ ચૂકયો હતો. તે બંડુને બન્ને તરફથી ઘેરીને તેની ખેલ ખતમ કરવાનાં મૂડમાં આવ્યો હતો. જો કે આ પ્લાન સાવ અચાનક ઘડાયો નહોતો. છેલ્લા થોડા સમયથી તેની મહત્વકાંક્ષા વધી ગઇ હતી અને તેમાં ડગ્લાસ આડખીલી રૂપ બની ગયો હતો. આજે મોકો મળ્યો હતો કે તે બંડુને ખતમ કરીને ડગ્લાસનું સામ્રાજ્ય ખતમ કરી શકે.

બંડુ એક ઉંચા અને ઉધઈએ કોરી ખાધેલાં પીલ્લર પાછળથી પવાર ઉપર ફાયરિંગ કરતો હતો. તેની પાસે લાંબા નાળચા વાળી ગન હતી એટલે વારેવારે પીલ્લર પાછળથી બહાર નીકળીને તેણે નીશાન લગાવવું પડતું હતું. તે ધ્રૂજતો હતો. પોલીસ અહી આવી ચડશે એવી સહેજે ગણતરી તેના મનમાં નહોતી. અને જે રીતનું ફાયરિંગ થઇ રહ્યું હતું એ ઉપરથી તો લાગતું હતું કે પોલીસવાળાઓ પૂરતી તૈયારી સાથે આવ્યાં છે. આજ સુધી તે પોલીસથી ક્યારેય ગભરાયો નહોતો પરંતુ જ્યારથી તેણે પોલીસ ક્વાટર ઉપર હુમલો કર્યો અને એમાં તેને નિષ્ફળતા મળી ત્યારથી તેનો આત્મવિશ્વાસ ખતમ થઇ ગયો હતો. વળી તેને બોસનો પણ સાથ મળ્યો નહી એ બાબત વધું નાસીપાસ કરતી હતી. તેનું જોમ, તેનો ગરુર સાવ તળીએ હતું. તેણે પોતાની સાથે આવેલા સાથીઓને પોલીસનો સામનો કરવાનું કહયું તો હતું પરંતુ તે જાણતો હતો કે એ આત્મઘાતી પગલું સાબિત થવાનું હતું. એક વખત તો અહીથી ભાગી જવાનું મન થયું પરંતુ ભાગે તો પણ ક્યાં? કિલ્લાની બહાર એક તરફ દરીયો હતો અને બીજી તરફ પોલીસ. તે ખરેખરનો મુંઝાયો હતો.

’ખચાક…’ કરતો એક અવાજ આવ્યો અને તે જે પીલ્લર પાછળ સંતાયો હતો તેના છોતરાં હવામાં ઉડયાં. પવારે બંડુને જોઇ લીધો હતો અને બરાબરનો તેની પાછળ પડી ગયો હતો. તે આજે બંડુનો ફેંસલો કરવાનાં મૂડમાં હતો. બંડુએ દાંત ભિસ્યાં અને ગન ઉપર મજબુતીથી હાથ દબાવ્યો. થોડુક ડોકું બહાર કાઢીને તેણે પવાર ક્યાં હોઇ શકે એ ચકાસ્યું. ગોળી સામેની દિશામાંથી આવી હતી. એ તરફ એક ભાંગેલો ઓટલો હતો. એ ઓટલાનાં એક ખૂણે પવાર સંતાયો હતો. તેની રાઇફલનું નાળચું ઓટલાની ધારેથી બહાર દેખાતું હતું. બંડુએ એ જોયું અને મનોમન કંઇક ગણતરી કરી. તે એકાએક જ પીલ્લર પાછળથી બહાર નીકળ્યો અને કમરેથી ઝૂકીને પેલો ઓટલાની દિશામાં દોડયો. ઓટલો તેનાથી બસ્સો એક કદમની દૂરી પર હતો. ભયાનક વેગે દોડતો તે ઓટલાની આ તરફ આવીને તેની દિવાલે પીઠ ટેકવીને અટકયો. હવે તે અને પવાર બન્ને ઓટલાની એક-એક દિવાલ પાછળ હતાં. બંડુ માટે આ કરો યા મરોની સ્થિતિ હતી. તેના દિમાગમાં એક ખતરનાક પ્લાન રમતો હતો. તે હળવે રહીને પોતાની ડાબી તરફ આગળ વધ્યો. એ તરફથી ગોળ ફરીને તે પવારની બરાબર પાછળ પહોંચી શકે તેમ હતો. અને એ પણ પવારને સહેજે ખ્યાલ આવ્યાં વગર. તે પવારને મારવાં માંગતો નહોતો. તેની ગણતરી કંઇક અલગ હતી. તેણે અહીથી જીવિત બહાર નીકળવું હતું અને પોતાનાં માણસોને પણ જીવિત રાખવા હતા. જો તે પોતાના ઇરાદામાં કામયાબ નીવડયો તો તે ઇચ્છતો હતો એ બધું પોસીબલ બનવાનું હતું. પરંતુ… એ ખતરનાક કામ હતું.

એ દરમ્યાન શેટ્ટી કિલ્લાનો ગોળ ચકરાવો લઇને દરીયા તરફથી કિલ્લામાં ઘૂસ્યો હતો. તેની સાથે બીજા છ પોલીસ જવાનો હતા. બંડુનાં માણસોને પોલીસની એ ગતીવીધીનો સહેજે અંદાજ નહોતો. તેઓ તો સામેની દિશામાં ફાયર કરી રહ્યાં હતા પરંતુ ખરેખરો ખતરો તો તેમની પાછળ આવી પહોંચ્યો હતો.

ગોવાનાં એ અવાવરું કિલ્લામાં જબરજસ્ત ટેબ્લો પડયો હતો.

(ક્રમશઃ)

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલી વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? પ્રવીણ પીઠડીયાની કલમે લખાયેલી જબરજસ્ત સસ્પન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.