વૈષ્ણવજન તો તેને રે કહીએ...!
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
- આ ગીત કોણ ગાય છે ભાઈ ? શું તમારો અવાજ છે.? બહુ જ ભાવવાહી છે. રોજ ગાઓ છો કે પછી, અમારી જેમ..! ગાંધી-પ્રસંગો આવે ત્યારે જ..! ઓહહ....! હું પણ પાગલ જ છું ને..? ગાનાર કોણ છે, એ તો દેખાતો જ નથી. એ ભાઈ, પણ, તમે દેખાતા કેમ નથી..? જરા તમારું મોઢું તો બતાવો ? બીજું કે, મારા આંગણામાં જ ઉભા રહીને કાં ગાઓ..? હું નથી કોઈ સ્વાતંત્ર સેનાની, નથી કોઈ દેશ ભગત કે નથી કોઈ નેતા..! શું તમે કોઈ શ્રાદ્ધના દિવસોમાં પ્રગટેલું નેતાનું અલોપ સ્વરૂપ છો..? હોય તો દિલ્હી જાઓ, જુનાગઢ જાઓ, ક્યાં તો પોરબંદર જાઓ. હું તો ભાઈ વૈષણવજન જ છું. ગળામાં આ માળા પણ પહેરી છે, જુઓ..!
-
- માળા પહેરવાથી કંઈ નહિ થાય. ભાવ જોઈએ, ભાવના જોઈએ, વાચ-કાછ મને નિશ્ચલ જોઈએ.
-
- સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેની રે...
-
- બસ, હવે આગળ નહિ વધતા હંઅઅકે ? હવે અટકવાનું શું લેશો તે કહો. ક્યાં તો તમે પ્રગટ થાઓ, ક્યાં તો તમારું રટણ બંધ કરો. તમારા ભજને તો મને અમારા ગાંધીજી યાદ કરાવી દીધાં. હવે તો મારે તમને જોવા જ છે દોસ્ત..! તમે છો કોણ..? કૃપા કરીને પ્રગટ થાવ. મારી સાથે ગાંધીગીરી ના કરો પ્લીઝ..!
-
- ગાંધીગીરી..? તમને મારી આ ગાંધીગીરી લાગે છે..? તમે મને તમારા જેવો માણસ સમજો છો..” હું તમારી માફક વાર તહેવારે ગાંધીજીને યાદ કરું એવો નથી.
- એ ભાઈ...! સાવ એવું નથી હંઅઅઅ ? બાકી રોજ અમે યાદ કરીએ, પણ જરૂર પડે ત્યારે..! ભલે અમે પોતડી ને બદલે બ્રાન્ડેડ જીન્સ પહેરતા હોઈએ. ટોપીને બદલે, હેટ ચઢાવતા હોઈએ. અમારા વેશ જુદા હોય, પણ અમારા ખભે ખેસ તો હોય જ. ગાંધીજી તો અમારા તારણહાર કહેવાય. ગાદી માટે ભલે એકબીજાં સાથે લડતાં ઝઘડતા રહીએ, પણ મહાત્મા ગાંધીજીની જય તો એક સાથે જ બોલીએ, ને સમય આવે ત્યારે ખાદી પણ ચઢાવી લઈએ. મહેરબાની કરીને તું અમારા વેશ ઉપર તો જતો જ નહિ. એ તો અમે શરીર કફન ચઢાવતાં નથી એટલે, બાકી ચાર જણાએ અમને કાંધે ઉપાડવાનું આવે ત્યારે ઠાઠડીનો એક એક ડાંડો બધી પાર્ટીના હાથમાં હોય. કાયદા અને ફાયદાનો આ દેશ છે ભાઈ..! અમે ચલણમાં ચાલે એ જ ચલણનો ઉપયોગ કરીએ, જે દિશામાં પવન ફૂંકાતો હોય ને, એ દિશામાં જ નાવડુ હંકારીએ..! ખુરશી સુધી જવાનો જેમણે અમને રસ્તો બતાવ્યો, એને વળી સાવ ભૂલી જઈએ..? હવે બસ થયું હંઅઅઅ ? ક્યાં તો તમે પ્રગટ થાઓ, ક્યાં તો મને મારું કામ કરવા દો. આવજો, મેરા ભારત મહાન..!
-
- મોહ માયામાં ડૂબેલા ઓ માનવી. મેં એક ભજન શું ગાયું, ને તમે નારાજ શું થઈ ગયાં..? કાશ, અંગ્રેજો આટલા સંવેદનશીલ હોત તો, ભારતને આઝાદી 100 વર્ષ પહેલાં મળી હોત..!
-
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે
- હવે હદ થાય છે હંઅઅઅ ? આ ગીતને તમારા ગળામાં ચોંટાડીને આવ્યા છે કે શું..? સહેજ કોઠું આપ્યું એમાં, અમારી વંશાવલી કાઢવા બેઠાં. જાવ છો કે પછી..?
-
- આવી ગયાં ને પોતાના પોત ઉપર? પછી એટલે તમે બીજું કરી પણ શું લેવાના? ને તમે કરવામાં બાકી પણ શું મુક્યું છે? તું મારા પ્રાગટ્યની ચિંતા છોડ, તું માણસ હોય તો, માણસ તરીકે પહેલાં તું જ પ્રગટ થા..! નાહકની દલીલ નહિ કરો, બહુ ભૂંડા લાગો છો, હું કોણ છું, એ જાણવાની જ તાલાવેલી રાખવાની કે, પછી આ ભજનના માર્ગે ચાલવાની પણ ચિંતા કરવાની..? ભારતના મોટાં વારસદાર કહેવડાવો છો..! શીઈઈઈટ...!
- તમે છો કોણ યાર..? પ્રગટ થવા કરતાં, પ્રવચન વધારે કરો છો..? અમને બધી ખબર છે કે, આ ભજન ‘મેઈડ-ઇન-ઇન્ડિયા’ નું છે. અને હર્ષદ મહેતાએ..સોરી, આદ્યકવિ નરસિંહ મહેતાએ લખેલું છે. મહાત્મા ગાંધીજીને પણ ખુબ ગમેલું. અમે રોજ નથી ગાતા, એ બે નંબરની વાત, પણ પ્રસંગ આવે ત્યારે અમારા રેડીઓ ને ટીવીવાળા તો ગાય છે કે નહિ..? રેડીઓ/ટીવી અમને સંભાળે પણ ખરાં, ને સંભળાવે પણ ખરા. એ વાત જુદી છે કે, કલાકારો કેટલાય વરસોથી ગાય છે, પણ એને કોઈ ભગાભાઈ પણ નથી મળ્યાં. ત્યારે નરસિંહ મહેતાને તો ભગવાન પણ મળેલા. ચલ હવે જાય છે કે નહિ..?
- તમારા ભોગવટા ઉપર આધાર રાખે ભાઈ..! અપેક્ષા વગરનું ગાવું એને ભજન કહેવાય. ને પૈસા માટે ગાવું એને ગાયન કહેવાય. ભગવાન પણ તમને ઓળખે...! તું હવે માત્ર સામાજિક પ્રાણી નથી રહ્યો. ચાલાક-પ્રાણી પણ છે..!
- રહેવું જ પડે ભાઈ, રહેવું પડે...! બે પાંદડે સુખી થાવ હોય તો ચાલક પણ બનવું પડે. તારું કંઈ જાય ?
- [ ત્યાં જ માણસના ખભે એક વાંદરું ચઢી ગયું.]
- ઓહ માય ગોડ. આ વાંદરું મારા ખભે ક્યાંથી ચઢી ગયું ? અરે...ઉતર, નીચે ઉતર..! ખભે શાનું ચઢી ગયું..? રખડતા ઢોરોને પકડવા અહીં કોઈ આવતું નથી. તો તારાં જેવાં વાંદરાને પકડવા કોણ આવવાનું? ઉતર નીચે..! ( વાંદરું ભજન ગાય છે )
સમ દ્રષ્ટી તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્રવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે
- ઓહહહ..! એમ વાત છે. એટલે કે, આ ભજન અત્યાર સુધી તું વાંદરું ગાતો હતો એમ ને ?
-
- કેમ કોઈ શંકા ?
-
- અરે,વાહ તું તો માણસ જેવું બોલે છે ને ?
-
- બાપુના સમયના ત્રણ વાંદરા પૈકીનું એક વાંદરું છું. થયું કે, શ્રાદ્ધને બહાને એક આંટો ગુજરાત માં મારી આવું. ને તમે જ હાથમાં આવ ગયાં..!
-
- વાંદરવેડા ના કર. ને ગપ્પાં મારવાનું છોડ તું. ગાંધીજીને વાંદરા નહિ, ત્રણ વાંદરાનું રમકડું વ્હાલું હતું. ત્રણ પૈકી એકને દેખાતું નહિ, બીજાને સંભળાતું નહિ, ને ત્રીજાથી બોલાતું નહિ...!
-
- બસ, એ ત્રીજો વાંદરો તે હું જ ભાઈ..! હવે હું બોલતો થઇ ગયો છું. આઝાદીના આટલા વરસો પછી, રમકડાંમાંથી અમે વાંદરા થઇ ગયાં. ત્યારે તું એકબીજાના હાથનું રમકડું થઈ ગયું. બાકીના બે વાંદરા દેખતાં પણ થઇ ગયાં, ને સાંભળતા પણ થઇ ગયાં. પણ તું તો કોઈનું સાંભળતો જ નથી, ને કોઈ સામે જોતો પણ નથી. વાંદરા સુધરી ગયાં, પણ માણસ તું ક્યારે સુધરવાનો..? વૈષ્ણવજનના લેબલ લગાવી ક્યા સુધી લોકોને છેતરવાનો ?
-
- ખામોશ...! નક્કી, તું ચાઈનાનો ડુપ્લીકેટ માલ છે. શ્રાદ્ધના બહાને અમારી જાસુસી કરવા આવ્યો છે. અમારા વાનરો તો, ભગવાન શ્રી રામના ભક્ત હતાં. આ તો તમે અમારા પૂર્વજ હતાં, એટલે તારો મલાજો રાખું છું. ચાલ ખભેથી નીચે ઉતર. તારો મને ભાર લાગે છે.
-
- ભાર તો આ જગતને તારો લાગે છે ભાઈ..!
-
- જે સંભળાવવું હોય તે સંભળાવ,પણ તું હવે ખભેથી નીચે ઉતર.
- છેલ્લે એટલું જ કહેવું છે કે, તું તારો જ ગાંઘી ક્યારે બનશે..? અમારું સાચું શ્રાદ્ધ એમાં જ છે, ને બાપુની શ્રદ્ધા પણ એમાં જ છે. એમાં જ અમારો વાસ છે, ને એમાં જ ભારતની સુવાસ છે...! જય શ્રી રામ..!!
- -----------------------------------------------------------------------------------------------------------------------