પારદર્શી - 14 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારદર્શી - 14

પારદર્શી-14
અદ્રશ્ય થવાની આ અદ્ભુત સિદ્ધી સમ્યકને વારસાગત મળી હતી.એમાં એનો સરળ અને શાંત સ્વભાવ પણ કારણભુત હતો.અદ્રશ્ય રહીને પણ એણે હંમેસા લોકોને મદદ કરી હતી.આ સિદ્ધીનાં અલગ અલગ તબકકે એના પપ્પા જ એના માટે ગુરુ રહ્યાં છે.પણ સતત ત્રણ દિવસથી એ ગાયબ જ રહ્યોં.ઘણા પ્રયત્નો છતા પણ એ પોતાની દ્રશ્યમાન થવાની ઇચ્છા પુરી ન કરી શકયો.મોહિનીની અમાન્ય માંગ, દિશાની માન્ય માંગ અને પોતે આ સિદ્ધી પર કાબુ ગુમાવ્યાનો ભાર એના મનમાં રાખી એણે ત્રણ દિવસ વીતાવ્યાં હતા.પણ આજે પોતાના ફાર્મહાઉસનાં એક ઝાડ નીચે એના પપ્પા રમેશભાઇ જાણે બધી તકલીફો દુર કરવા હાજર થયા.એને જોઇને એના ચહેરા પર તાજગી આવી ગઇ.એ તાજગીની સાક્ષીએ એ બોલ્યોં
“પપ્પા, સારુ થયુ તમે આવી ગયા.હું એકલો પડી ગયો હતો.” સમ્યકને આજે ફરી એના બાળપણના દિવસો જે રમેશભાઇ સાથે વીતાવ્યાં હતા એ યાદ આવી ગયા.

“દિકરા, તું એકલો નથી.આ આપણી અદ્રશ્ય દુનિયામાં ઘણા લોકો છે.જે મારા કરતા પણ જુના છે.સેકડો વર્ષો થયે હજુ એવા ને એવા જ જીવે છે.સમય અને ઉંમર તો એની મુઠ્ઠીમાં આવી ગયા છે.એની નજર સામે એની સાથેના માણસો તો કયારના મૃત્યુ પામ્યા પણ આ અદ્રશ્ય લોકોને તો અમરપટ્ટો મળી ગયો છે.”

રમેશભાઇની વાતથી સમ્યકને એકસાથે ઘણા વિચારો આવી ગયા પણ એ બધાને એણે ખંખેરી નાંખ્યા.માણસ બધા વિચારોને સવાલોમાં રૂપાંતર કરી પોતાના સગા બાપને પણ કહી નથી શકતો.એનાથી સંવાદોનો વિવાદોમાં ફેરવાઇ જવાનો ભય હોય છે.આવો જ ભય સમ્યકને પણ લાગ્યો.છતા વિવેક રાખી એણે પુછયું
“પણ પપ્પા, શું એ લોકો બીજાને મદદ નહિં કરતા હોય?” સમ્યકને મુળ સવાલ સુધી પહોચવા શરૂઆત કરવી પડી.

“મદદ તો કરતા જ હોય છે.પણ બહું ઓછી માત્રામાં...પોતાની ઓળખ છતી ન થાય એ માટે.ઘણી ઘટનાઓને આપણે સમજી નથી શકતા એમાં આ અદ્રશ્ય લોક જ કારણભુત હોય છે.”

રમેશભાઇ ધીમે ધીમે સમ્યકને જાણે બીજા લોકમાં લઇ જતા હોય એમ કહેતા જતા હતા.પણ સમ્યકને પોતાની ઇચ્છા રજુ કરવી હતી.એટલે એણે ફરી પુછયું

“પપ્પા, તો શું એ લોકો ગાયબ થયા પછી કયાંરે પણ એના સંસારમાં....એની આ દ્રશ્યમાન દુનિયામાં ફરી નથી આવ્યાં?”

“જો દિકરા, આ બંને દુનિયા ભલે કયાંક ને કયાંક જોડાયેલી હશે, પણ છે બીલકુલ અલગ અલગ...” રમેશભાઇ અધવચ્ચે જ અટકયાં.એમણે સમ્યકનાં ચહેરે નીરખીને જોયું.ફરી બોલ્યાં

“એક દુનિયામાં બધુ વાસ્તવિક લાગે છે પણ છે બધુ અનિત્ય....અનિશ્ચીત.જયાંરે બીજી દુનિયા આભાસી લાગે છે પણ ત્યાં જ સાચુ જીવન છે.નિત્ય રહેતુ જીવન.”

રમેશભાઇની વાત પરથી સમ્યકને ખ્યાલ આવી ગયો કે પપ્પા મને સમજાવવાની કોશીષ કરે છે કે આ અદ્રશ્ય દુનિયા જ કાયમી અને મૃત્યુવિહીન છે.આખરે સમ્યક મુળ સવાલ પર આવી ગયો.

“એટલે શું હું હવે કાયમ અદ્રશ્ય જ રહીશ, પપ્પા?”

“આ દ્રશ્યમાન દુનિયામાં છે પણ શું?”
રમેશભાઇએ સામે સવાલ કર્યોં.એ સવાલથી સમ્યકનાં મનમાં ખળભળાટ મચી ગયો.એક સવાલે એને ભયભીત કરી દીધો.એક સવાલમાં બધા જવાબો આવી ગયા અને એટલે જ એનો ભાર સમ્યક માટે અસહનીય થઇ પડયો.

“ના પપ્પા, મને બંને દુનિયા જોઇએ છે.હું ફરી મારી ઇચ્છા મુજબ બધાને દેખાઇ શકું એવું કરી આપો....પ્લીઝ.”

સમ્યકે આખરે આજીજી કરી.આજીજી કરવા સિવાય એના હાથમાં કશું હતુ પણ નહિં.

“દિકરા, તને શું છુટી જવાનો ડર લાગે છે? આજે નહિ તો કાલે આ તારી દુનિયામાં બધુ છુટી જ જવાનું છે.તો સ્વેચ્છાએ છોડી આ અમૃત પી લે.”

રમેશભાઇની વાત ચોકકસ સમજી ગયેલો સમ્યક હવે ડરી ગયો.એ ડરને લીધે એના મનમાં અસહાય અવસ્થાનો ગુસ્સો પણ ઉત્પન્ન થયો.એ થોડા ઉંચા અવાજે બોલ્યોં

“હું મારી જવાબદારીઓમાં થી છુટવા નથી માંગતો....તમે મને આ અવસ્થામાંથી બહાર કાઢો.તમને ખબર છે? ઘરે દિશા અને બાળકો મારી રાહ જુએ છે.”

સમ્યક આડકતરી રીતે શું કહેવા માંગે છે એ રમેશભાઇ સમજી ગયા હોય એમ એ બોલ્યાં

“દિકરા, મને તારી ચીંતા છે જ.હું જે જવાબદારી અધુરી છોડી ગયો હતો એ પુરી કરવા જ તને આ સિદ્ધી મારા ગુરુઓ પાસેથી અપાવી છે.હું એવું ઇચ્છું છું કે તું પણ અમારી અદ્રશ્ય દુનિયામાં કાયમનો રહેવાસી બની જાય....બીલકુલ મારી જેમ.”

“એટલે તમે જ મને કાયમ અદ્રશ્ય બનાવવા માટે આવું કરો છો?”

“ના દિકરા, મારા હાથની કંઇ વાત નથી.તારી પસંદગી તો અનાયાસે થઇ છે.મે તો ફકત તને મદદ કરી છે.અને હા, હું એવું જરૂર ઇચ્છીશ કે તું પણ મારા જેવો બની જાય.અહિં બધુ શાંત છે.કોઇ ઉતાવળ નહિં, કોઇ દોડાદોડી નહિં, કોઇ સમય નહિં,બસ નિત્ય એક જ અવસ્થા....પછી ઇચ્છા થાય તો બીજા ગ્રહો પર પણ જીવવા જવાનું....અહિં કોઇ દુઃખ નથી.અને તને આ સંસારમાં દુઃખી થવા દેવાની મારી લગીરે ઇચ્છા નથી.”

“પણ પપ્પા, હું જરા પણ દુઃખી નથી.હું મારા સંસારમાં સુખી છું.અને મને આ સિદ્ધી પણ જોઇએ છે.જેથી હું નિસ્વાર્થ રહી લોકોને મદદ કરી શકું.”

“કેટલો સમય તું લોકોને મદદ કરી શકીશ?”
રમેશભાઇએ શાનમાં દિકરાને મૃત્યુનો ભય પણ બતાવી દીધો.પણ સમ્યકને આ હંમેસા અદ્રશ્ય રહેવાની તો સપનેય ખબર ન હતી.અત્યાંર સુધી બાપ અને દિકરાનાં સબંધો સુમેળભર્યાં રહ્યાં હતા.પણ આજે બંનેની દિશાઓ અલગ અલગ થવા લાગી.સમ્યકને બંને દુનિયામાં રહેવું હતુ.જે રમેશભાઇનાં કહેવા પ્રમાણે શકય ન હતુ.એમણે સમ્યકને ખુબ સમજાવ્યોં.પણ એના પપ્પાની જેમ કાયમ અદ્રશ્ય થઇ જવાનું કદી એણે વિચાર્યું જ ન હતુ.ખુબ વાતો થઇ આખરે રમેશભાઇએ કહ્યું

“દિકરા, હવે મારા હાથની વાત નથી.હું તને દ્રશ્યમાન નહિં કરી શકું.મારા ગુરુઓની ઇચ્છા હશે એમ થશે.” આટલુ કહી રમેશભાઇ પોતાની જગ્યા પર ઉભા થયા.સમ્યકે એમના પગ પકડી લીધા.એ રડવા લાગ્યોં....કરગરવા લાગ્યોં

“પપ્પા...પ્લીઝ..કોઇ તો રસ્તો હશેને? હું આમ અદ્રશ્ય નથી રહેવા માંગતો.તમારા ગુરુઓને પુછો....” સમ્યકને રડતા જોઇ રમેશભાઇ એક લાંબો નિશાસો નાંખી બોલ્યાં

“એક રસ્તો છે...કદાચ એનાથી કામ તારું બને.પણ એ તારા સ્વભાવથી વિપરીત છે.” થોડીવાર વિચાર કરી એ ફરી બોલ્યાં “ના....એ તું નહિ કરી શકે.શુંકામ તું આ તારી દુનિયા છોડવા નથી માંગતો?”

“તમે મને રસ્તો બતાવો.હું એ પ્રમાણે કરીશ.”

રમેશભાઇ હવામાં ઉડીને ઉપર તરફ જવા લાગ્યાં.સમ્યકે સતત ‘પપ્પા..પપ્પા’ નાં સાદ પાડયાં.આખરે થોડા ફુટ ઉપર જઇ રમેશભાઇ ઉભા રહ્યાં.સમ્યકને કંઇક આશા દેખાઇ.અને રમેશભાઇનાં છેલ્લા શબ્દો હતા ‘શરત ભંગ.’
આ શબ્દો સાંભળી પહેલા તો સમ્યક ખુશ થયો કે ચાલો ‘શરત ભંગ’ તો સહેલુ છે.એના માટે એણે શરતો યાદ કરી.એક તો કોઇને જણાવવાનું નહિ કે હું અદ્રશ્ય થઇ શકું છું...મારી પાસે આ મહાન સિદ્ધી છે.બીજુ આ સિદ્ધી થકી કોઇને પરેશાન કરવા નહિ.આવું યાદ આવતા સમ્યક એના વિશે વધુ વિસ્તારથી વિચારવા લાગ્યોં કે જો કોઇને અદ્રશ્ય રહીને પરેશાન કરું તો એને ખબર પણ પડી જ જાય કે હું અદ્રશ્ય છું.ઠીક છે...પહેલા કોઇને અદ્રશ્ય રહીને ડરાવું...પછી જયાંરે હું દેખાઇશ ત્યાંરે એની માફી માંગી લઇશ.પણ કોને પરેશાન કરું? કેવી રીતે કરું? એમ વિચારી એ ઉભો થયો.ત્યાં એને સીતારામકાકા દેખાયા.એ કાચા રસ્તા પર સાવરણો લઇને સુકો અને ભીનો કચરો સાફ કરતા હતા.સમ્યક મનમાં બબડયો “આ કાકાથી જ શરૂઆત કરું.” પણ એ અટકી ગયો.ફરી વિચાર આવ્યોં કે મારું આખુ ફાર્મહાઉસ સાચવીને બેઠા છે...મોટી ઉંમરનાં છે...ગામડાનાં સીધા માણસ છે.એને પરેશાન ન કરાય.ગજબની ગડમથલ ચાલી આખરે ન્યાય કર્યો કે પછી કાકાને બધુ જણાવીશ અને એની માફી પણ માંગી લઇશ.
સમ્યક ઉભો થયો.સીતારામકાકાની બાજુમાં ગયો.એણે કરેલા કચરાનાં ઠગલા પગ વડે પહોળા કરી વીંખી નાંખ્યા.કાકા થોડી ક્ષણ ઉભા રહ્યાં.આજુ બાજુ જોયુ ફરી કામે વળગ્યાં.હવે સમ્યકે એમના હાથમાંથી સાવરણો આંચકી લીધો.એ ગભરાઇને પાંચ-છ ડગલા પાછળ ગયા.એના પગમાં ઠેસ લાગી એટલે એ નીચે પડી ગયા.છતા એમની નજર હવામાં લટકતા સાવરણા પર જ હતી.અને સમયકે એ સાવરણો દુર ફેંકયો.સીતારામકાકા આ વિચીત્ર ઘટના જોઇ ત્યાંથી ભાગ્યા.એ સીધા જ સમ્યકનાં બંગલા તરફ દોડયા.એટલી વારમાં એમણે ચાર વાર પાછળ ફરીને પણ જોઇ લીધુ.સમ્યક પણ ત્યાં પહોચી ગયો.કાકાએ દરવાજાને બંને હાથો વડે ધકકો માર્યો અને બુમ પાડવા પ્રયત્ન કર્યો પણ ગભરાટને લીધે એમનો અવાજ ન નીકળ્યો.સમ્યક અંદર ગયો અને દરવાજો અંદરથી ખોલ્યો.દરવાજો ખુલતા જ કાકા અંદર ગયા અને બહારથી કોઇ અંદર ન આવી જાય એ માટે દરવાજો અંદરથી બંધ કરી દીધો.એમનુ આખુ શરીર ધ્રુજતુ હતુ.એમણે ફરી બુમ પાડી અને ફાટેલો અવાજ નીકળ્યો “ઓ શેઠ....” સમ્યક થોડે દુર જઇને બોલ્યો “હા કાકા, બોલો? શું થયુ? કેમ આટલા ગભરાઇ ગયા?”

સીતારામકાકા ફરી ગભરાયા.અવાજ તો સામેથી જ આવે છે પણ શેઠ દેખાતા નથી.નકકી આ કોઇ ભુતપ્રેતની માયાજાળ છે એવું વિચારી એ દરવાજો ખોલી ફરી બહાર તરફ ભાગ્યા.અંદર જ ઉભેલા સમ્યકે બુમ પાડી “ઓ કાકા...ઉભા રહો.હું સમ્યક જ છું.હું અદ્રશ્ય છું.કોઇ મને જોઇ ન શકે એવી સિદ્ધી મારી પાસે છે.” પણ સીતારામકાકાને અત્યારે ઝડપથી ચાલતું હૃદય અને ઝડપથી દોડતા પગ જ કામ કરતા હતા,બાકી બધુ જ બંધ થઇ ગયુ હતુ.એ તો ભાગીને ગેઇટની બહાર નીકળી ગયા.ત્યાંથી પસાર થતા એક વાહનમાં બેસીને એ તો ગયા.
સમ્યક હવે ફાર્મહાઉસમાં એકલો જ રહ્યોં.આજે એણે ખરેખર પોતાના સ્વભાવથી વિપરીત કામ કર્યું.અદ્રશ્ય જગતમાં કાયમ માટે ગાયબ ન થઇ જાય એ માટે એણે આજે પોતાનાથી ઉંમરમાં મોટા માણસને પરેશાન કર્યાં.આ સિદ્ધીનો દુરુપયોગ કર્યો.પોતાની સિદ્ધી વિશે પણ એમને જણાવી દીધુ એટલે હવે પોતે કદાચ દેખાતો થયો હશે એ આશાએ અરીસા સામે ઉભો રહ્યોં.પણ અફસોસ કે એ હજુ અદ્રશ્ય જ હતો.હવે સમ્યકને પોતાના પર જ ગુસ્સો આવ્યો.એક તો પોતે કોઇ ભોળા માણસને પરેશાન કર્યાનો અફસોસ અને છતા એનું પરીણામ તો શુન્ય જ રહ્યું એનો ભય.આવી ભયાનક એકલતામાં સાંજ પડી અને ફરી દિશાનો ફોન આવ્યોં.દિશા પણ રાહ જોઇને જ બેઠી હતી કે કયાંરે સમ્યક ઘરે આવે? સમ્યકની સામે એનું એક જ રટણ ચાલુ રહ્યું કે તમે દેખાયા કે નહિં? ફોન તો થોડી મીનીટો પછી બંધ થયો પણ સમ્યકનાં મનમાં ઘમાસાણ ચાલુ જ રહ્યું.
આ સિદ્ધીની શરતનો ભંગ તો કરીને જોયુ.હજુ પણ અદ્રશ્ય જ રહ્યોં તો શું પપ્પાની ઇચ્છા પ્રમાણે થશે? એમની મહત્વકાંક્ષા તો એ જ છે કે સમ્યક કાયમી અદ્રશ્ય રહે અને અમરત્વ મેળવે.એ નથી ઇચ્છતા કે સમ્યક આ સંસારમાં સામાન્ય માણસ જેટલી ઉંમર ભોગવીને નામશેષ થઇ જાય.સમ્યકને તો બંને દુનિયાનું આકર્ષણ છે.અદ્રશ્ય દુનિયા તો અદ્ભુત અને અનોખી છે જ.પણ આ દુનિયા જેમાં સમ્યકે અત્યાર સુધીની જીંદગી જીવેલી એ આમ અચાનક બંધ થઇ જાય એ પણ એના માટે ભયંકર આઘાત હતો.એને હવે એવું લાગી રહ્યું હતુ જાણે એના પગ નીચેની જમીન કોઇએ છીનવી લીધી.કોઇએ એને નિરાધાર કરી દીધો.અત્યાર સુધી જે સંસારમાં પોતાના મુળીયા ઉંડા કર્યાં એમાંથી અચાનક ધરાસાયી થઇ જવાનું હતુ.પત્નિ અને બાળકોનું શું થશે? કાયમ અદ્રશ્ય થઇ જવું એટલે એમના માટે તો મૃત્યુ સમાન કહેવાય.ફકત વાતચીત થઇ શકે.જાણે કોઇ દુરદેશમાં ગયા હોય અને ફકત ફોનમાં વાતચીત થઇ શકતી હોય.પણ આ અદ્રશ્ય દુનિયા પણ ગજબની છે.કોઇને ખબર ન પડે એવી શકિતઓ હાથમાં રહે.અદ્રશ્ય રહીને બધુ જ કરી શકાય.આ દ્રશ્યમાન દુનિયામાં અનુભવાતી લાચારી ત્યાં એ દુનિયામાં નથી.ન ખોરાકની ચીંતા, ન રુપિયાની ચીંતા, ન કોઇ ધંધાનાં ટેન્શન કે ન કોઇ જાતની જવાબદારીઓ.....એકદમ શાંત અને સ્થિર અવસ્થા.સામાન્ય દુનિયામાં ગમે તેવો મહાન કે શકિતશાળી અને બધી રીતે સક્ષમ માણસ પણ આખરે એક તસવીર બનીને રહી જાય છે.જયાંરે આ અલૌકીક દુનિયામાં તો પોતાની ઇચ્છા મુજબ સ્થિર બનીને રહી શકે છે.સમ્યકનાં મનને આવા અનેક જરૂરી-બીનજરૂરી તરંગોએ ઘેરી લીધુ.હવે શું કરવું એનુ કોઇ આયોજન એની પાસે ન હતુ.ન ઉંઘ અને ન ભુખ, સમય પણ પસાર કરવો મુશ્કેલ બન્યો.એટલે અડધી રાતે કોઇને પરેશાન કરવાનો વિચાર કર્યો.
ક્રમશઃ
--ભરત મારૂ