જલેબી એ ફાફડાની વાઈફ નથી...!

 

       

જલેબી એ ફાફડાની વાઈફ નથી..!

 

                           દરેક વાતે ચોખવટ કરેલી સારી. આજે તો ઘોડિયામાં ઘોરતું છોકરું પણ સવાલ કરે કે, ‘ શું ફેંકાફેંક કરે, જલેબી તે વળી ફાફડાની વાઈફ હોય..? આજની પેઢી સાથે મુકાબલો કરવું અઘરું છે દાદૂ..?  ‘સુર્પણખા કોણ, તો દુર્યોધનની બહેન થાય, એમ કહે તો દલીલ પણ નહિ કરવાની. શ્રી રામના જનમનો પુરાવો માંગે તો સુર્પણખાનો છોડે?  ટાઈટલ વાંચીને દુકાનદારને પણ એમ કહે કે, “ એક કિલો ફાફડા અંકલ આપો, ને અડધો કિલો જલેબીમાસી આપો..! “ એના કપાળમાં કાંદા ફોડું...! આપણે હસાવવા  માટે બોંબ ફોડ્યો હોય કે, “ જલેબી એ ફાફડાની વાઈફ નથી “ પણ હસવા કરતાં ફસવાનું પણ આવે.

                                 જલેબીએ ક્યારેય ફાફડાનું પાનેતર ઓઢ્યું નથી, એ જગજાહેર છે. પણ જેમ દેવી-દેવતાઓના નામ જોડકાંમાં બોલાય, એમ ફાફડા-જલેબી પણ જોડકામાં જ બોલાય. જેમ કે, , સીતા-રામ, લક્ષ્મી-નારાયણ, નળ-દમયંતી, શંકર-પાર્વતી, વગેરે વગેરે..!  એકમાત્ર રૂક્ષ્મણી –કૃષણ નહિ બોલાય, પણ રાધે-કૃષણ તો બોલાય..! એમ ફાફડા-જલેબીનો શબ્દ પણ ધણી ધણીયાણી  હોય તેવો જ લાગે. બાકી બે વચ્ચે કોઈ છેડા ગાંઠી નથી. પણ જલેબી એવી ‘મીઠીફુઈ’ કે, એ ગાંઠીયા સાથે પણ જાય, ખમણ સાથે પણ જાય, ઢોકળા સાથે પણ જાય, ભાખરવડી સાથે પણ જાય ને ભારે પેટવાળા પેલાં સમોસા સાથે પણ જાય. ફાફડો  બિચારો સીધો, એટલે બોલે નહિ, બાકી જલેબીનું કામ સર્વધર્મ સમભાવ જેવું. દશેરો બેસે, આ બે ની જોડી બબીતા ને જેઠાલાલ જેવી ઝામે..! ઘર-ઘરના રસોડા સુધી આ જોડું પહોંચે.  ને આપણામાં તો વળી કહેવત તો કહેવત છે કે, દશેરાને દિવસે દોડે એ ઘોડું, ને નહિ દૌડે એ ગધેડું..!  આ તો એક ચોખવટ..!

                                   આ બધી મૌજ અને મઝાની વાત છે દાદૂ..!  દશેરો આવે એટલે. ફાફડા જલેબી ઉપર એવાં તૂટી પડે કે, જાણે, ફાફડા-જલેબી ખાધાં વગર  કેલેન્ડરમાં દશેરો બેસવાનો જ ના હોય ? ઝાપટતી વખતે નહિ શ્રી રામ યાદ આવે, નહિ રાવણ યાદ આવે કે, નહિ માતાજી યાદ આવે. ફાફડા-જલેબી ને ચટણીની જ મઝા લેવાય..!  ઠેર ઠેર માંડવા તો એવાં બંધાયા હોય કે, જાણે ‘ફાફડા-જલેબી’  નો સ્વયંવર નહિ થવાનો હોય..? મહોલ્લે મહોલ્લાના મહાનુભાવોની આગલી રાતથી તો લાઈન લાગવા માંડે. લાઈનમાં ઊભાં-ઊભાં, તરાતાં ફાફડા ઉપર એવી અનિમેષ નજર રાખીને ઊભાં હોય કે, જાણે તેલના તવામાં ફાફડાને બદલે, રાવણ નહિ તળાતો હોય ?  બિચારી જલેબી તો ચાર દિવસથી ફેસિયલ કરાવીને એક થાળામાં બેઠી જ હોય. એને તો ખબર જ્નાહી હોય કે કયા ફાફડા સાથે મારે કયા ઘરે જવાનું આવશે..!

                                   મઝાતો ત્યારે આવે કે, ફાફડાની લાઈનમાં જો કોઈ ઘૂસવાનો થયો તો તો ખલ્લાસ..! લાઈનમાં ઉભેલા દરેકમાં ‘રાવણ’ આપોઆપ  પ્રગટ થાય. એવું ખુન્નસ કાઢે કે, જાણે હમણાં ને હમણાં ફાફડાના ફટકા મારી-મારીને ઘૂસણીયાનું જલેબી જેવું ગૂંચળું વાળી દઉં...! ફાફડા સીધાં ત્યાં સધી જ સીધાં, બગડ્યા તો વેરાન જગ્યાના નાગના રાફડા પણ બતાવે..!

                                     શું ફાફડા-જલેબીની મૌજ લંકાથી આયાત થઇ હશે? રાવણના સમયમાં નાસ્તાની પ્રથા હશે ખરી? ના હોય તો,  દશેરાના દિવસે ફાફડા-જલેબી ઝાપટવાનો મહિમા આવ્યો ક્યાંથી ?  ‘રામાયણ’ માં તો ક્યાંય ઉલ્લેખ નથી કે, “ફાફડા જલેબીસ્ય નાસ્તેય પ્રભાતસ્ય ઝાપટે મંદોદરી રાવણસ્યા: ! “  ( શીઈઈઈઈટ... ભાષા નહિ જોવાની,  ભાવાર્થ જોવાનો..! જેને સુરતી ભાષા આવડતી હોય, એને બીજી ભાષા આવડે કે નહિ આવડે, તો પણ ચાલે..! ગાંધીજી કહેવાનું ભૂલી ગયેલાં કે સમજ પડે તેને જ ભાષા કહેવાય..! ઇતિ પર્યાતમ..! )

                                  આજની પેઢીએ તો દશેરાના ફાફડા-જલેબી ઉપર પીએચડી કરવી જોઈએ. જેણે એકવાર ફાફડા-જલેબી ચાખ્યા, એની જીભ અંતિમ શ્વાસ સુધી સાપની માફક લપકારા મારતી હોય. ચમનીયાનું તો ઊંડે ઊંડે માનવું છે કે, સીતાની માફક શ્રી રાવણ કોઈ ગુજરાતીનું પણ હરણ કરી ગયો હોવો જોઈએ. એ વિના ફાફડા જલેબી દશેરાને દિવસે નહિ જ ખવાય..!  દિવસના પેલાં ગુજરાતીએ ફાફડા-જલેબીનો ધંધો કર્યો હશે, ને રાતે વિભીષણના ભજનમાં મંજીરા વગાડ્યા હશે. સોનાનો જ્યાં ચળકાટ હોય ત્યાં, ગુજરાતી પાછો પણ નહિ પડે..? કહેવાય છે ને કે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત..!’  એ વગર  દશેરાને દિવસે બીજાં કોઈ ફરસાણ નહિ ને, ફાફડા-જલેબી ઉપર જ હુમલા થાય..? ને એ ગુજરાતી પાછો સુરતી પણ હોય શકે. કારણ કે  ફાફડા-જલેબીનો નાતો સુરત સાથે તો ખાસ જોડાયેલો..! એક કવિએ લખ્યું જ છે ને કે,    

                        મારો સુરતી સહેલાણી મન-મૌજ મનાવી જાણે છે

                        ફાફડા જલેબી લોચો ખાયને ભુંસાનો ફાંકો રાખે છે

                                    આ તો બધી હસવા હસાવવાની વાત.  બાકી, દશેરાના દિવસે જેને ફાફડા-જલેબીની પ્રાપ્તિ થાય, એના ઘરે તો ‘નંદ ઘર આનંદ ભયો’ ની માફક આનંદ-આનંદ છવાય જાય. મારો કાણિયો જંગ જીતીને આવ્યો, એમ કહીને વાઈફ પણ બલૈયા લેવા માંડે.  રાવણનો વધ એનો બરમુડો જ કરીને આવ્યો હોય એમ, બધાં ભયો ભયો થઇ જાય. એક દિવસ દશેરાની વહેલી સવારે બિચારા ચમનીયાની હવા ટાઈટ થઇ ગઈ. વહેલી સવારે એના સ્વપ્નમાં રાવણ આવેલા. અને કહે,  “બોલ, આજે તું મને બાળવા જવાનો ? ખુશાલીમાં ફાફડા-જલેબી ખાવાનો ? “  ચમનીયો અડધી ઊંઘમાં. માથે મુગટ જોયો, એટલે એને એમ થયું કે, પ્રભુશ્રી રામ આવ્યાં. એટલે એનાંથી બોલાય ગયું કે, જયશ્રી રામ..! ત્યાં તો રાવણની ગદાનો ઝપેટો એવો પડ્યો કે, ચમનીયો મંચુરિયમ જેવો થઇ ગયો. રાવણ કહે,  ‘હું અરવિંદ ત્રિવેદીવાળો રાવણ નથી, ઓરીજીનલ રાવણ છું..!  ખબરદાર જો મારી સામે મારા દુશ્મનનું નામ લીધું છે તો..?  ચમનીયો ચાતુરી વાપરીને કહે, “ લંકેશ..! મારે તો બેશનના લોટની બાધા છે. હું  બાળતો પણ નથી, ને ફાફડા-જલેબી  ખાતો પણ નથી. ત્યારે માંડ છૂટ્યો..! પઅઅઅણ....જતાં જતાં રાવણ એટલું કહેતાં ગયાં કે, “  ઘટનાને ૫૦૦૦ વર્ષ થયાં.  છતાં, મારા માટેની તમારી બળતરા હજુ મટી નથી.  મોટા ઉપાડે તમે બધાં મને બાળવા શું જોઇને નીકળો છે ..? એક ખતરનાક સાસુ જેટલું પણ દુખ, મેં સીતાજી ને આપ્યું નથી. સીતાજી જીવતા મળ્યા, એને ભલે રામની તાકાત માનતા હોય, પણ સીતાજી પવિત્ર મળ્યા, એ આ લંકેશની તાકાત હતી..!  કંસ અને હિરણ્ય કશ્યપના ચરિત્ર શું મારાથી ઉજળા હતાં..? મને જ શું કામ બાળો છો ? તમારામાં રહેલા રાવણને બાળવા માટે કેમ કોઈ દશેરા આવતાં નથી.?  ચોખ્ખે ચોખ્ખું કેમ બોલતાં નથી કે, રાક્ષસ કુળના માણસ પાસે સોનાની લંકા હતી, એની તમને અદેખાય છે..! એક રાક્ષસકુળનો માણસ  શિવનો પ્રખર ભક્ત ને પ્રકાંડ પંડિત બન્યો, એની તમને બળતરા છે..! તમે જે કરો એ લીલા, ને મેં કરી એ ‘રાવણલીલા..?  આખું વર્ષ કાળાધોળા કરવાના, ને દશેરાને દિવસે ફાફડા-જલેબી ઝાપટવાના એવો તમારો ધરમ ? આ તો ખુદનો મારો ભાઈ વિભીષણ ફૂટી ગયો એટલે, બાકી મારો વધ ભગવાન શ્રી રામે નહિ, ‘મુઝે ખુદ મેરે ભાઈને ભાઈકો મરવાયા હૈ...! “ 

                           ચમનીયો કહે, ‘રમેશિયા...!  આવું સાંભળીને મારી તો પથારી ભીની થઇ ગઈ યાર..!  આજથી ગામના કચરાઓ સળગાવીશ. ઉકરડાઓ સળગાવીશ.  પ્લાસ્ટીકની કોથળીઓ બાળીશ, પણ રાવણને  નહિ સળગાવું..! કમ્મરમાં હજી ટણક મારે છે દોસ્ત..!

                             મેં કહ્યું, ‘ તું કેટલો નશીબદાર કહેવાય ?  સ્વપ્નામાં તો સ્વપ્નામાં, તને તો સાક્ષાત રાવણના દર્શન થયાં.  અમને તો સેતુબંધવાળા વાંદરા કે પેલાં જાંબુવનના  પણ સ્વપ્નમાં નથી આવતાં..!” જય શ્રી રામ...!

 --------------------------------------------------------------------------------------------------------------------------

             

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Hina Chauhan 13 કલાક પહેલા

Verified icon

Meenakshi 4 દિવસ પહેલા

Jyotindra Dave Yaad aavi Gaya

Verified icon

Shital.Solanki 3 અઠવાડિયા પહેલા

Verified icon

Vaidehi 3 અઠવાડિયા પહેલા

Verified icon

Kiran Sarvaiya 4 અઠવાડિયા પહેલા