પારદર્શી - 13

પારદર્શી-13
          શહેરથી દુર ખેતરાઉં વિસ્તારમાં લગભગ બે વિઘા ખેતીની જમીન લઇ સમ્યકે એમાં મોટો બંગલો બનાવેલો.આખી જગ્યાને ફરતી દિવાલ હતી.મુખ્ય રસ્તાથી બસો મીટર અંદર એક નાનો રસ્તો એના ગેઇટ સુધી આવતો હતો.એ ગેઇટની ડાબી બાજુ અંદર એક રુમ અને રસોડુ બનેલા હતા.એમાં એક પંચાવન વરસના કાકા નામે સીતારામભાઇ રહેતા હતા.આજે પણ એમણે જ દરવાજો ખોલ્યોં.આમ તો એ અહિં ચોકીદાર પણ માલિક કે એમનાં કોઇ મહેમાન ન હોય ત્યાંરે એકલા જ આખુ ફાર્મહાઉસ સંભાળી લેતા.એ એકલા જ અહિં રહેતા અને રસોઇ પણ બનાવતા.આઠેક વર્ષમાં એમણે જાતે જ ઉગાડેલા વૃક્ષો પણ હવે ઘટાદાર હતા.ચોમાસામાં તો અહિં પ્રકૃતિ એની પુર્ણતાએ પહોંચી હતી.ઝરમર વરસાદ ચાલુ હતો.સમ્યકે ગાડી પાર્ક કરી ત્યાં તો સીતારામકાકા ગેઇટ બંધ કરી ગાડી પાસે પહોંચી ગયા.સમ્યક નીચે ઉતર્યો તો એમણે પોતાના હાથમાં રહેલી છત્રી સમ્યકને આપતા કહ્યું 

“શેઠ, આ છત્રી લઇ લ્યો, હું બંગલાની ચાવી લઇને આવું.” 

“તમે છત્રી લઇને આવો, હું જાઉં છું.” 

એટલુ બોલી પ્રત્યુતરની રાહ જોયા વિના સમ્યક બંગલા તરફ ચાલતો થઇ ગયો.ગેઇટથી દુર બીજા છેડા પર બંગલો હતો.ત્યાં જવા માટે ઘણું ચાલવુ પડે.પણ સમ્યકને આ મોટી ઉંમરનાં કાકા ભીંજાય એ સારુ ન લાગ્યું.આમપણ શહેરની અને વિચારોની ચડી ગયેલી ધુળ એને ધોઇ નાંખવાનું મન થયેલુ.એ પોતાના મકાન સુધી પહોચ્યોં ત્યાં સુધીમાં તો સીતારામકાકા દોડીને આવી ગયા.મકાન ખોલ્યું, લાઇટો ચાલુ કરી.નીચે એક બેડરૂમ, લીવીંગરૂમ,કીચન અને ડાઇનીંગરૂમ અને ઉપર ત્રણ બેડરૂમ વાળો બધી જ સુવિધાઓથી સજજ એવો વિશાળ બંગલો.

“ઓહો! તમે તો ભીંજાઇ ગયા.હવે તમે કપડા બદલાવીને તૈયાર થાવ ત્યાં સુધીમાં હું જમવાનું બનાવીને લઇ આવું.” સીતારામકાકા જેવા ખુબ ઓછા માણસો હોય જે શેઠ આવે તો રાજી થાય.લગભગ અડધી જીંદગી એમણે ગામડામાં જ વીતાવેલી.એટલે એ વફાદારી અને પ્રામાણીકતામાં જ ધન્યતા અનુભવતા હતા.અને સમ્યક પણ એના સગાસબંધી હોય એમ જ એનુ માન જાળવતો.

“ના...ના કાકા, મને ભુખ નથી.તમે હેરાન ન થશો.” સમ્યક પોતાની કાંડાઘડીયાલ તરફ જોઇને બોલ્યોં.એમાં રાત્રીનાં નવ વાગ્યા હતા.

“અરે વાર નહિં લાગે...ફટાફટ બનાવી લાવું.” 

“ના કાકા.એવું હોય તો એક કપ ગરમાગરમ ચા પીવડાવો.” 

સીતારામકાકા ખુશ થતા બોલ્યાં “અરે! ફસ્ટકલાસ મસાલાવાળી ચા બનાવીને લઇ આવું.” 
પોતાના મકાન તરફ છત્રી લઇ એ ચાલતા થયા.સમ્યક નીચેના બેડરૂમમાં કપડા બદલવા ગયો.તૈયાર થઇને અરીસા સામે ઉભો રહ્યોં તો યાદ આવ્યું કે છેલ્લા ત્રણ કલાકથી પોતે અદ્રશ્ય નથી થયો.એટલે ફરી અદ્રશ્ય થવાની તીવ્ર ઇચ્છા થઇ આવી.ત્યાં તો સીતારામકાકાએ સાદ પાડી કહ્યું 

“શેઠ, આ ગરમા ગરમ ચા તૈયાર છે.”
સમ્યક બહાર લીવીંગરૂમમાં આવ્યોં.ચાની ચુસકી મારીને વિચાર આવ્યોં એટલે એ બોલ્યોં
“કાકા, આવતી કાલ સવારથી હું બંગલામાં અંદર જ રહીશ.મારે જમવાનું હશે કે બીજુ કંઇ કામ હશે તો હું તમારા રૂમ પર આવીશ.તમે અહિં નહિં આવતા.”

ચા નો ખાલી કપ લઇ કાકા બોલ્યાં 
“પણ તમે એકલા અંદર શું કરશો?”

“બસ કંઇ નહિં.થોડા દિવસ મૌન અને એકાંતમાં રહેવું છે.”

“ભલે શેઠ, પણ દિવસમાં એકવાર મારી પાસે આવી જાવ તો સારું.”

સમ્યકે હકારમાં માથુ હલાવ્યું.સીતારામકાકા છત્રી અને કપ લઇને ચાલતા થયા.બંગલાથી બહાર નીકળી એ બબડયા “એકલે હાથે બધુ કામ કરે એટલે કંટાળી જ જાયને! આ મોટા શહેરો કોઇને શાંતિથી ન રહેવા દે.”
            ખુબ જ શાંત વાતાવરણમાં સમ્યક હવે એકલો હતો.મન,શરીર અને શ્વાસ એકદમ શાંત થયા.એ હવે અદ્રશ્ય થયો.એની ખાત્રી પણ એણે અરીસામાં જોઇને કરી લીધી.થોડીવાર એમ જ બેસી રહ્યોં.અદ્રશ્ય થયા પછી એને ઉંઘ તો આવતી જ નહિં.શરીર જ ન હોય એમ ભુખ અને ઉંઘ જેવી જરૂરીયાત ખુબ ઓછી થઇ જતી.હવે એ દરવાજાની આરપાર થઇ બંગલાની બહાર આવ્યોં.રાત્રીનો ડર પણ હવે રહ્યોં ન હતો.અદ્રશ્યને વળી શેનો ડર? આજુબાજુ બધા ખેતરો સુધી આંટો મારી આવ્યોં.થોડે દુર એક ગામમાંથી કુતરાઓનો અવાજ અને બાજુનાં શેરડીનાં ખેતરમાંથી શિયાળનો અવાજ અંધારી રાતને વધુ ભેંકાર બનાવતા હતા.સમ્યક અત્યાંરે જેટલો શાંત,નિડર, નિશ્ચીંત અને આનંદિત હતો એવો પહેલા કયાંરેય પણ ન હતો એવું એને પોતાને અનુભવાયું.બાજુનાં ગામ સુધી લગભગ ત્રણ કિલોમીટર ચાલીને ગયો.અમુક ઘરોમાં બહાર બાંધેલી ગાયો, ભેંસો અને રખડતા કુતરાઓ  સિવાય બધા જ ઉંઘમાં હતા.છતા ત્યાં કંઇ અસામાન્ય ન હતુ.આખરે એ પાછો પોતાના ફાર્મહાઉસ પર આવ્યોં.હવે તો સવારનાં પાંચ વાગી ગયા હતા.પક્ષીઓ પણ ઝાડની ડાળીઓ પર કલરવ કરવા લાગ્યાં.વરસાદ પણ હવે બંધ થઇ ગયો.અમુક પક્ષીનાં માળામાં નાના બચ્ચાઓ પણ કલબલાટ કરતા નજરે ચડયા.સમ્યકને પોતાનું ઘર યાદ આવ્યું.એણે ઘર તરફ કાર ઉપાડી.ટ્રાફીક વિનાનાં રસ્તાઓએ એને અડધી કલાકમાં ઘરે પહોચાડી દીધો.નીચે કીચનની લાઇટો ચાલુ હતી.એટલે ખ્યાલ આવી ગયો કે દિશા છોકરાઓનો નાસ્તો તૈયાર કરવામાં લાગી ગઇ છે.
              સમ્યકે પોતાનાં જ આંગળામાં થોડી રાહ જોઇ.દ્રશ્યમાન થવાની ખુબ કોશીષ કરી.ત્યાં જ પડેલી પોતાની બાઇકનાં કાચમાં જોયુ પણ હજુ તે ગાયબ જ હતો.ભુતકાળમાં કામ લાગેલા બધા પ્રયત્નો કરી જોયા પણ એ નકામા ઠર્યાં.બીલકુલ નાના એવા અરીસા ઉપર સમ્યકને મોટો ભરોસો હતો કે એ મને મારું ચિત્ર બતાવશે.આખરે મન મનાવ્યું કે દિશાને મળવા માટે એને કંઇક નિશાની આપવી જ પડશે.કંઇક વસ્તુ વડે એને સંકેત આપવો પડશે, ભલે એ ક્ષણવાર માટે ડરી પણ જાય.જે થાય તે એમ વિચારી એ દરવાજાની આરપાર થઇ અંદર ગયો.ઉપર રૂમમાં એનો છોકરો સ્કુલે જવા માટે તૈયાર થતો હતો અને છોકરી હજુ ઉંઘતી હતી.નીચે આવી કીચનમાં દિશાની પાછળ થોડે દુર એ ઉભો રહ્યોં.વચ્ચે સર્વીસ ટેબલ પર પડેલી ચમચીથી એણે ઠકઠક અવાજ કર્યોં.દિશા અચાનક જ પાછળ ફરી.પહેલા તો એ ગભરાઇ ગઇ.પછી તરત જ એ બોલી 

“સમ્યક....સમ્યક તમે અહિં છો?” 

“હા દિશા હું છું.” સમ્યકથી બોલી જવાયું.પણ અચરજ વચ્ચે દિશાએ એનો અવાજ સાંભળી લીધો.

“ઓહ! તમે કયાં છો? સામે આવોને?” દિશાએ સમ્યકનો અવાજ સાંભળી લીધો એ વાતની સમ્યકને પણ નવાઇ લાગી.

એ ફરી બોલ્યોં “દિશા, તને મારો અવાજ સંભળાય છે?”
દિશાએ અવાજની દિશા તરફ જોઇ, એ તરફ બે ડગલા આગળ વધી કહ્યું

“હા સમ્યક, મને તમારો અવાજ સંભળાય છે.પણ તમે સામે આવો.આમ અદ્રશ્ય રહીને કેમ વાત કરો છો?”

સમ્યક દિશાની નજીક ગયો.એનો હાથ પકડયોં.દિશા ફરી થોડી ધ્રુજી ઉઠી.એનું હૃદય તો પુરેપુરું સુરક્ષા અનુભવતુ હતુ પણ મગજનો ભય તો એનું કામ કરે જ.

“તમે હજુ દેખાતા કેમ નથી?” એમ કહી દિશાએ સમ્યકનો હાથ પણ હલાવ્યોં.બંને ખભા પકડીને પણ થોડો હલાવી જોયો.જાણે સમ્યકને બેભાન અવસ્થામાંથી પાછો લાવવાનો હોય એમ દિશાએ વર્તન કર્યું.

“અરે દિશા, શાંતિ રાખ.ઉપર છોકરાઓને ખબર પડી જશે.દિશા તો સમ્યકની પાછળ બાળકોને ભુલી જ ગઇ હતી.એ થોડી શાંત થઇ.પણ ફરી એના ચહેરે તાણ આવ્યું.સમ્યક પણ થોડી ક્ષણ પહેલા જ જાણી શકયો હતો કે પોતે ફરી દ્રશ્યમાન નથી થઇ શકતો.છતા દિશાને એણે બધી વાત કરી.છેલ્લે કહ્યું

 “આમાં આવું થતુ હશે.જો પહેલા હું ગાયબ થતો તો મારો અવાજ પણ ગાયબ થઇ જતો.હવે તું સાંભળી શકે છે.તો ધીમે ધીમે હું પાછો દેખાઇશ પણ ખરો.”

“સમ્યક, મને ગભરાટ થાય છે.તમે કયાંક કાયમ....” દિશાનાં મોઢા પર પોતાનો અદ્રશ્ય હાથ મુકી સમ્યકે દિશાને બોલતા અટકાવી.

“તું ચીંતા ન કર.અત્યાંરે તારુ કામ કર.હું ફાર્મહાઉસ પર જાઉં છું.જો બહાર અજવાળુ થઇ જશે.એ પહેલા મારે કાર લઇને પહોચવું પડશે.નહિંતર કોઇ કારને ડ્રાઇવર વિના ચાલતી જોઇ જશે તો કાલે સમાચારમાં આવશે કે ‘દેખો...દેખો એક ભુત કાર કો ચલા રહા હૈ’..” સમ્યકે જોરથી હસીને દિશાને હસાવવા પ્રયત્ન કર્યોં.દિશા ફીકકુ હસી.સમ્યક ત્યાંથી નીકળી ગયો.દિશા દરવાજો ખોલી બહાર ગઇ.થોડે દુર રાખેલી સમ્યકની કારનો દરવાજો ખુલ્યો.કાર ચાલતી થઇ પછી દિશા ફરી પોતાના કામે લાગી ગઇ.
         સવારે 6.00 વાગ્યે  સમ્યક ફરી પોતાના ફાર્મહાઉસ પર પહોચી ગયો.સીતારામકાકા હજુ પોતાના મકાનમાં જ હતા.કાર પાર્ક કરી સમ્યક ચારે તરફ જોઇ અંદર જતો રહ્યોં.બેડરૂમમાં જઇ ફરી કપડા બદલ્યાં.અરીસા સામે ઉભો રહ્યોં.પણ હજુ એ અદ્રશ્ય જ રહ્યોં.ફરી શારીરીક અને માનસીક પ્રયત્નો કરી જોયા પણ બધા વ્યર્થ ગયા.આખરે એ થાકીને લીવીંગરૂમમાં બેઠો.પણ એના વિચારો તો ઉભા જ હતા.એને વારે વારે દિશાનું છેલ્લુ –‘કયાંક તમે કાયમ માટે ગુમ તો નહિં થઇ જાવને?’- આ અધુરુ વાકય યાદ આવી જતુ.મન અશાંત... શરીર અશાંત છતા પણ કેમ અદ્રશ્ય જ રહ્યોં...છેવટે એણે એના પપ્પાને યાદ કર્યાં.ચારે તરફ જોયું પણ કોઇ આવ્યું નહિં.પોતે એકલો જ હતો.હવે થોડો ભયભીત પણ થયો.ત્યાં તો દરવાજા પર કોઇએ ઠકઠક કર્યું.

“કોણ છે?” સમ્યકે પુછયું.

“શેઠ હું છું.ચા પીશો?” સીતારામકાકા બહાર ચાની કીટલી અને કપ રકાબી લઇને ઉભા હતા.પહેલા તો સમ્યકે ના પાડી.પણ પછી તરત જ વિચાર આવ્યોં કે કદાચ શરીરમાં અંદર કંઇ જાય ને હું દ્રશ્યમાન થઇ જાવ.એટલે તરત જ એણે બુમ પાડી

“ત્યાં બહાર મુકીને જાવ.હું થોડીવાર પછી પી લઇશ.”

થોડીવાર પછી સમ્યક બહાર નીકળ્યોં.જોયું તો કાકા અમુક ફુલછોડનાં ફુલો વીણતા હતા.સમ્યકે હળવેથી દરવાજો ખોલી ચોરીછુપીથી ચા અંદર લઇ લીધી.ચા પીધી.પણ એની અવસ્થામાં કોઇ ફેરફાર ન હતો.પણ ચા પીધા પછી થોડો ‘મુડ’ આવ્યોં.એટલે બહાર સવારની ઠંડકમાં લટાર મારવા નીકળો.સમ્યક બપોર સુધી પોતાના ફાર્મ પર એક લીંબડાનાં ઝાડ નીચે જ બેસી રહ્યોં.બપોરે ફરી અંદર ગયો.મોબાઇલમાં અમુક ફોન કર્યાં.ઓફીસનાં થોડા કામો કર્યાં.સાંજે ફરી દિશાનો ફોન આવ્યોં.એનો એક જ સવાલ હતો ‘તમે ગાયબ છો?’ સમ્યક પહેલા તો ખોટું બોલ્યોં પણ તો ઘરે આવો એવી દિશાએ જીદ પકડી એટલે સાચુ કહી દીધુ.છેલ્લે દિશાએ રડતા રડતા ફોન કાપી નાખ્યોં.સમ્યકને પોતાને પણ આ અવસ્થાનાં ભવિષ્ય વિશે નહોતી ખબર તો દિશાને શું આશ્વાસન આપે? એટલે જ એણે દિશાને ફરી ફોન ન કર્યોં.સાંજ પડી અંધારું થયુ.વળી સીતારામકાકાએ દરવાજો ખખડાવી પુછયું “શેઠ, જમવાનું શું કરશો?”
સમ્યક થોડો ડામાડોળ તો હતો જ ઉપરથી આ કાકા પણ પરેશાન કરતા હોય એવું એને લાગ્યું એટલે એ ગુસ્સે થયો અને બુમ પાડી બોલ્યોં “તમે વારે વારે બધુ પુછવા નહિં આવો.મારે કંઇ કામ હશે તો હું તમારા રૂમ પર આવીશ.તમે હવે અહિં આવતા જ નહિં.”
શેઠનું પહેલી જ વાર જોયેલું આવું વર્તન એમને નવાઇ પમાડી ગયું.આગળ બીજુ કંઇ પણ બોલ્યાં વિના કાકા ચાલતા થયા.એ આખી રાત સમ્યકે જેમતેમ સમય પસાર કર્યોં.
            બીજો દિવસ પણ સમ્યકે અદ્રશ્ય થઇને પસાર કર્યોં.હવે એના મનમાં ભય,ગુસ્સો અને અસલામતીનાં ભાવ વધવા લાગ્યાં.હવે તો જલ્દી પપ્પા આવે એની રાહ જોવામાં સમય પણ પસાર થતો ન હતો.ત્રીજા દિવસે સવારે પણ એજ અવસ્થામાં સમ્યક બહાર વૃક્ષ નીચે બેઠો હતો.આજે તો પપ્પા આવશે જ એવી આશાએ બેઠો હતો.ત્રણ દિવસથી સતત અદ્રશ્ય અવસ્થામાં જ એ ચીંતામાં હતો.આ સિદ્ધી તો બહું સારી છે પણ જો ઇચ્છા મુજબ ફરી દેખાતા ન થઇએ તો બધુ જ નકામુ છે.કારણકે સંસારમાં રહેવા અને સંસાર નીભાવવા માટે દેખાવું જરૂરી છે.પરીવાર...પત્નિને આપણાં હોવાપણાની જરૂર હોય છે.અદ્રશ્ય માણસ તો પરીવાર માટે શું કરે? દિવસ અને રાત બંને જરૂરી છે.એમ આ સિદ્ધી અને સંસાર બંને જરૂરી છે.જો ફકત આ સિદ્ધીને જ મહત્વ આપુ તો મારા સંસારનું શું થાય? મારી આ સિદ્ધી કંઇ જગજાહેર તો કરાય નહિ?...શરતભંગ થાય તો આ સિદ્ધી જ છીનવાઇ જાય.આવા મનોમંથન વચ્ચે ઠંડી હવાની એક લહેર આવી અને આકાશે વાદળ વિખેરાયા એટલે લીંબડાનાં પાંદડાઓ વચ્ચેથી સુર્યનું એક પાતળું કિરણ એને દેખાયું.આ બદલાયેલા વાતાવરણની અસરથી એનો મનોભાર થોડો ઓછો થયો.એણે ઉપર તરફ નજર કરી તો એની ખુશીનો કોઇ પાર ન રહ્યોં.કારણકે એના પપ્પા ધીમે ધીમે નીચે એની નજીક આવતા દેખાયા....જાણે આકાશેથી કોઇ દેવદુત ઉતરતા જોતો હોય એટલો ખુશ એ થયો.
            ક્રમશઃ
            --ભરત મારૂ

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Viral 2 અઠવાડિયા પહેલા

Verified icon

Nipa Upadhyaya 4 અઠવાડિયા પહેલા

Verified icon

Daksha 1 માસ પહેલા

Verified icon

Kshama Shukla 2 માસ પહેલા

Verified icon

Nita Mehta 2 માસ પહેલા