જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો! – ૨ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો! – ૨

આ આર્ટીકલના પહેલા ભાગમાં આપણે જોયું હતું કે એક સમયમાં જ્યારે નવી ફિલ્મ આવવાની હોય ત્યારે લોકોમાં કેવો ઉત્સાહ રહેતો. ફિલ્મના પોસ્ટર્સ સહીત છાપાંઓમાં આવતી જાહેરાતો જોવાનો પણ લોકો આનંદ માણતા અને તે પણ ફિલ્મ જોયા અગાઉ. ગત આર્ટીકલમાં આપણે રોકાયા હતા બાલ્કની પર અને મેં વાયદો કર્યો હતો કે બીજા હપ્તામાં આપણે બાલ્કની એટલે શું તે જણાવીશ. તો આજે જાણીએ કે એ સમયના થિયેટરોમાં ‘બેઠક વ્યવસ્થા’ કેવી હતી.

આજે આપણે મલ્ટીપ્લેક્સમાં જ્યારે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે જો તમે કોઈ બુકિંગ એપ પર તમારી ટીકીટ બુક કરતા હશો તો તમને ખ્યાલ છે કે તમને એક જ થિયેટરના ત્રણ જુદાજુદા ભાગમાં ટીકીટોના નક્કી કરેલા ભાવ જોવા મળશે. જે ભાવ સસ્તો તે સ્ક્રિનની સાવ નજીક અને જે ભાવ મધ્યમ તે સ્ક્રિનથી થોડો દૂર અને જે ભાવ અતિશય વધુ તે સ્ક્રિનથી સહુથી દૂર, એમ ગણોને છેલ્લી ત્રણ ચાર રો એ પ્રકારની વ્યવસ્થા હોય છે! બસ આવું જ કઈક એ સમયમાં બાલ્કની સાથે થતું હતું, પરંતુ એક મોટો અને દેખીતો ભેદ પણ હતો.

એ ભેદ હતો કે થિયેટરોની બાલ્કની એટલે રીતસર તમારા ઘરની બાલ્કની હોય તેમ જમીનથી ખાસ્સી ઉપર રહેતી. તમારી પાસે જો બાલ્કનીની ટીકીટ હોય તો તમારે સીડી ચડીને જવું પડતું જ્યારે તેની નીચે અપર અને લોઅર ક્લાસ રહેતા જેમાં એન્ટર થવા તમે ચાલીને જ જઈ શકતા હતા. બહુ જુના સમયમાં બાલ્કનીમાં પણ એક અલગ વ્યવસ્થા રહેતી જેને ‘બોક્સ’ કહેવાતું. આ બોક્સમાં લગભગ દસ પંદર સીટ રહેતી અને તે VIP અને VVIP લોકો માટે આરક્ષિત રહેતી. બેશક આ બોક્સના ભાવ પણ ઘણા હતા. જો કે લુણાવાડા જેવા નાનકડા નગરમાં અમુક થિયેટરોમાં બાલ્કની અને અપરના નામે વચ્ચે આડી ભીત જેટલો જ ફરક હતો તે પણ મેં નજરે જોયું છે.

બાલ્કનીની ટીકીટ એ સમયે ‘મોંઘી’ કહેવાતી એટલે બાલ્કનીની ટીકીટ જેની પાસે હોય તે જરા પોતાનું માથું ઊંચું રાખીને ચાલતો. હવે એ સમયે મોંઘી ટીકીટ એટલે? જો હું મારી વાત કરું તો મેં મારા નાનપણથી યુવાની એટલેકે કોલેજકાળ સુધી બાલ્કનીના ભાવ બે રૂપિયાથી વધીને સાત રૂપિયા થતા જોયા છે! હા આ ભાવ પણ મોંઘા ગણવામાં આવતા અને આ બે રૂપિયા અને સાત રૂપિયાની ટીકીટ બ્લેકમાં (જેના વિષે આપણે ગયા ભાગમાં ચર્ચા કરી હતી) ત્રણ કે ચાર ગણા ભાવે વેંચાય બાર રૂપિયાથી માંડીને એકવીસ રૂપિયા સુધી વેંચાતી હોય ત્યારે મધ્યમવર્ગનું કુટુંબ કે એનો મોભી તો મોઢું નીમાણું કરીને જ ઘરે પરત ફરી જતા.

હવે વાત કરીએ અપર અને લોઅર ક્લાસની. આ ક્લાસની ટીકીટોના ભાવ બાલ્કની કરતા અડધા અને તેનાથી ઓછાની આસપાસ રહેતા. ઘણીવાર તો કોઈ ફિલ્મમાં અપર અને બાલ્કનીની ટીકીટના ભાવ વચ્ચે માત્ર એક રૂપિયાનો જ ફરક રહેતો પરંતુ તેમ છતાં મધ્યમવર્ગના અમુક લોકો શક્ય હોય ત્યાંસુધી અપરની જ ટીકીટ લઈને એક રૂપિયો બચાવતા જેથી ઘેરે જવા માટે સિટી બસની ટીકીટમાં એટલા ઓછા ખર્ચ કરવા પડે! અપર અને લોઅરના પણ બ્લેક થતા અને એ પણ એજ ત્રણથી ચાર ગણા ભાવે.

અપર અને લોઅર ક્લાસમાં એ સમયે ભદ્ર સમાજના લોકો બેસવાનું ઓછું પસંદ કરતા કારણકે અહીં મનચલાઓની સંખ્યા બહુમતીમાં અને એ પણ બે તૃત્યાંશથી પણ વધુ બહુમતીમાં રહેતી. આથી સહકુટુંબ અને યુવાન દીકરીઓ સાથે આ ક્લાસમાં બેસવું અને ફિલ્મ જોવી તે ખતરાથી ખાલી જરાય ન હતું. ઉપરાંત આ મનચલાઓને નક્કી કરેલી સીટ ન મળે તો આરામથી મારામારી અને ગાળાગાળી કરવા તેઓ તૈયાર રહેતા. આ ઉપરાંત એ સમયે જેને આઈટમ સોંગ તરીકે નહોતા ઓળખવામાં આવતા એવા હેલનના ગીતોમાં સીટીઓ અને અહીં ન લખી શકાય તેવા શબ્દોનો વરસાદ પણ અપર અને લોઅર ક્લાસના દર્શકો આરામથી વરસાવતા.

અહીં એ નોંધવાની પણ જરૂર છે કે અપર અને લોઅર ક્લાસમાં અપર ક્લાસ એન્ટ્રન્સથી તરત આવતો અને ત્યારબાદ સ્ક્રિનથી નજીકની ચાર પાંચ રોને લોઅર ક્લાસ તરીકે ઓળખવામાં આવતો અને હા લોઅર ક્લાસને ‘પીટ ક્લાસ’ તરીકે પણ ઓળખવામાં આવતો. બીજું પીટ ક્લાસ એટલેકે શરૂઆતની ચાર પાંચ રોમાં બેસીને ફિલ્મ જોવી તે ખતરનાક અને માથુ દુખાડનારૂ સાબિત થતું. ખતરનાક એટલા માટે કારણકે એ સમયે આજની ટેક્નોલોજી અસ્તિત્વમાં નહોતી. આથી જો સિનેમાસ્કોપ (એટલે આજની ફિલ્મો જે રીતે દેખાડવામાં આવે છે એ, મોટો સ્ક્રિન) હોય અને સ્ક્રિન પર બે વ્યક્તિઓ આમને સામને હોય તો એક વ્યક્તિ બોલે ત્યારે તેને જોવા ડાબી તરફ જોવું પડતું અને બીજી વ્યક્તિ બોલે ત્યારે ડોકું ઘુમાવીને જમણી તરફ.

જો દૂરથી ઘોડા કે કાર દોડતી આવતી હોય તો એ તરફ નજર નાખી અને તે ઘોડા કે ગાડીનો પીછો કરતા કરતા એક ખૂણેથી બીજે ખૂણે ડોકું ઘુમાવવું પડતું. મેં આ રીતે અમિતાભ બચ્ચન અને શ્રીદેવીની ફિલ્મ ‘ખુદા ગવાહ’ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં સાવ બીજી જ રો માં જોઈ હતી. સતત આ રીતે આંખો સામે મોટા મોટા ચહેરાઓ કળવાની કસરત કરી હોવાથી ઘરે આવીને એટલું માથું ચડી ગયું હતું કે વાત જ ન પૂછો. પરંતુ તેમ છતાં એ મજા માણવાની પણ એક અનોખી મજા હતી.

આની પાછળનું કારણ એવું હતું કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવી એ મોભાદાર વાત કહેવાતી અને ઘરે પહોંચીને સોસાયટીના કે બીજે દિવસે સ્કુલના કે કોલેજના મિત્રોની કડક મનાઈ હોવા છતાં તેમનો ગુસ્સો વહોરી લઈને પણ ફિલ્મની સ્ટોરી થોડી થોડી કહીને પૂરેપૂરી બતાવી દેવી એની મજા જ કઈ ઔર હતી. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોનાર વ્યક્તિનું સન્માન પણ ઘણું રહેતું, કારણકે આ રીતે સહુથી પહેલા ફિલ્મ જોવાની તક વારેવારે નહોતી આવતી.

આ આર્ટીકલના આવતા હિસ્સામાં જોઈશું કે એ સમયના થિયેટર્સની હાલત કેવી હતી અને કેમ અમુક જ થિયેટરોમાં ફિલ્મ જોવાનું લોકો પસંદ કરતા.

૧૮.૦૯.૨૦૧૯, બુધવાર

અમદાવાદ