Saumitra full novel books and stories free download online pdf in Gujarati

સૌમિત્ર.સંપૂર્ણ

સૌમિત્ર

લેખક

સિદ્ધાર્થ છાયા

પ્રકરણ ૧

“હાલ હવે ઉપડ, ઈ ઓલા લીંબુડીનાં જાડ લગી પોંચી ગય હઈસે.” હિતુદાને સૌમિત્રનો ખભો ખેંચતા કહ્યું.

“ગઢવી, મેં તને કીધું છે ને કે હું આ બધા દિવસોમાં માનતો નથી? આજે નહીં, ફરી ક્યારેક.” સૌમિત્ર હિતુદાનનો મજબૂત પંજો પોતાના ખભા પરથી હટાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો.

“માનતા નથી એટલેજ સાહેબ હમણાં રીસેસમાં ફ્લાવર શોપ માંથી દસને બદલે પચ્ચીસ રૂપિયાનું રેડ રોઝ લેતા આવ્યા છે.” વ્રજેશે પોતાની આદત મુજબજ પુસ્તક વાંચતા વાંચતા ટમકું મુક્યું.

“એ તો હું, કૃણાલ માટે લઇ આવ્યો હતો. ક્યાં ગ્યો એ પટેલ? મારે એની પાસેથી પચ્ચીસ રૂપિયા લેવાના છે...” સૌમિત્ર સાવ ખોટેખોટું આમતેમ જોતજોતા બોલ્યો.

“કુણાલ્યો ગ્યો એની ચંપાકલીને લયને રૂપાલીમાં ફિલમ ઝોવા. તારામાં હિમત નથી એમ કય દે એટલે વાત્ય પતે.” હિતુદાન હવે અકળાયો.

“હા હા હા, હિંમત નથી, બસ? શાંતિ થઇ તને?” સૌમિત્રએ એની ટેવ પ્રમાણે બહુ સરળતાથી હથિયાર હેઠા મૂકી દીધા.

“ચાલ તો પછી અંકલને ત્રણ કટલેસનો ઓર્ડર આપ, બહુ ભૂખ લાગી છે.” વ્રજેશે ફરીથી ચોપડીમાંથી મોઢું કાઢ્યા વિના સૌમિત્રને કીધું.

“ઘીરેથી પચાસ રૂપિયા લયને આયવો’તો. પચ્ચીનું આ રાતું ફૂલડું લીધું, હવે આમાં કટલેસ નો આવે વીજે ભાય.” હિતુદાન હસવા લાગ્યો.

“તો બે મંગાવ, તોય પાંચ બચશે.” આ વખતે વ્રજેશે સૌમિત્ર સામે સ્હેજ હસીને જોયું અને ફરીથી પુસ્તક વાંચવા લાગ્યો.

“આજે પાસ ભૂલી ગયો છું... ઘેરે એટલે ટીકીટ માટે જોશે. કટલેસ કાલે.” સૌમિત્રએ પોતાની મજબૂરી જણાવી.

“ઝબરું સે હોં? હંધુય કાલ પર. કટલેસેય કાલ્ય અને ઓલીને પ્રપોજેય કાલ્ય.” હિતુદાને આંખ મારી.

“ના ના એનેતો હું ફાઈનલ એક્ઝામ પહેલાં પૂછીજ લઈશ.” સૌમિત્ર થોડોક આકળવિકળ થઈને બોલ્યો.

“દિવાળીની એક્જામ પેલાંય તું આમજ બોયલો’તો. આમને આમ ફાયનલ એક્જામ આવીને વય પણ જાસે. પછી એસવાય બીએ, પછી ટીવાય બીએ, પછી એમએ ના બે વરહ, પછી એમ ફિલ, પીએચડી.. તું તો કોરટ કરતાંય વધુ મુદતો પાડવાનો મને ખબર્ય છે, મીતલા.”

“પીએચડી પછી નોકરી પણ કરશેને? ભલું હશે તો બેય એકજ કોલેજમાં પ્રોફેસર હશે અને એમાં બીજાં ત્રીસેક વર્ષ તો મીનીમમ મળશે.... એને પૂછવા માટે.” વ્રજેશે ફરીથી ચોપડી વાંચતા સિક્સર મારી.

***

સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાન આ ત્રણેય અમદાવાદની એચડી આર્ટસ કોલેજમાં સાથે ભણતા હતા. બારમાં ધોરણનું પરિણામ આવ્યા બાદ જયારે કોલેજની એડમીશનની લાંબી લાઈનમાં આ ત્રણેય આગળપાછળ ઉભા હતા, ત્યારે આ ત્રણેયને એકબીજાનો પરિચય થયો અને પછીતો ત્રણેય ગાઢ મિત્રો બની ગયા. આ લાઈનમાં સૌમિત્રની બરોબર આગળ ભૂમિ પણ હતી. ભૂમિ એટલે ખભાથી સ્હેજ નીચે સુધી વાળ ધરાવતી, સૌમિત્રથી દોરાવાર ઉંચી, સ્હેજ ભરેલા શરીરવાળી, પણ જાડી નહીં, મોટીમોટી આંખો અને સતત બોલબોલ કરવાની આદત ધરાવતી મસ્ત છોકરી.

એડમીશનને દિવસે ભૂમિ પણ સૌમિત્રની જેમ એકલીજ આવી હતી. ફોર્મમાં એકાદબે જગ્યાએ શું લખવું એનો ખ્યાલ ન આવતાં ભૂમિએ પોતાની પાછળ ઉભેલા સૌમિત્રની મદદ લીધી હતી. બસ ત્યારથીજ સૌમિત્ર એની એકેએક અદા પર ફિદા થઇ ગયો હતો. વ્રજેશ અને હિતુદાન સાથે સૌમિત્રને શરૂઆતના પરિચય પછી ખૂબ વાતો થઇ. પાછો ભૂમિનો સ્વભાવ પણ ખૂબ વાતોડિયો એટલે આ દોઢ-બે કલાક પોતાના વારા આવવાની રાહ જોતજોતા ચારેયે ખૂબ વાતો કરી.

સૌમિત્રના પપ્પાને સૌમિત્રને કોમર્સ કરાવવું હતું અને એટલેજ દસમા ધોરણ પછી તેમણે સૌમિત્રને બળજબરીથી કોમર્સ લેવડાવ્યું. સૌમિત્ર આમ કળાનો માણસ. એને ગીત ગાતા આવડે, એને લખતા સારું આવડે, એને કોઈ કાર્યક્રમનું કોમ્પેરીંગ કરવાનું કહો તો વગર કોઈ સ્ક્રીપ્ટે એ પણ ચાલુ કરી દે. સ્કુલમાં લગભગ દર વર્ષે, સૌમિત્ર વકતૃત્વ સ્પર્ધામાં પહેલાં ત્રણ સ્થાનેજ આવતો. ખૈર! આવાં કળાના પુજારીને કોમર્સમાં ચાંચ ન ડૂબી એટલે બારમાં ધોરણમાં માંડમાંડ બાવન ટકે પાસ થયો. અને તેથી સૌમિત્રના પ્રોફેસર કાકાની સલાહ અને મદદથી કોમર્સને બદલે તેમનીજ આર્ટસ કોલેજમાં એડમીશન લેવાનું નક્કી કરાયું. એચડી આર્ટસ કોલેજનું નામ અમદાવાદમાં ખુબ મોટું હતું, આથી સામાન્ય વિદ્યાર્થીને બાવન ટકે એમાં કોઈજ ચાન્સ ન મળે, પરંતુ સૌમિત્રને એના કાકાના ક્વોટામાંથી આસાનીથી એડમીશન મળી ગયું.

સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાને મેઈન સબ્જેક્ટ અલગઅલગ લીધા હતા, પરંતુ પોલીટીક્સ તેમનો ફર્સ્ટ સબસીડરી વિષય હોવાથી ત્રણેય રોજ એક લેકચરતો સાથેજ ભરતા. આમ એમની મિત્રતા ગાઢ બનતી ગઈ, અને અમુક મહિના પછીતો આ ત્રણેય એકબીજાના સ્વભાવથી એટલા અવગત થઇ ગયા કે એકબીજાની મસ્તી કરવી, એકબીજા પાસે હક્કથી નાસ્તો કરાવવાની માંગણી કરવી જેવી બાબતો સામાન્ય થઇ ગઈ. સૌમિત્રને હજીપણ ખબર નહોતી કે ઈતિહાસ સાથે ગ્રેજ્યુએટ થઈને એ શું કરશે? જયારે વ્રજેશ અને હિતુદાનનું લક્ષ્ય સ્પષ્ટ હતું. વ્રજેશને અંગ્રેજીના પ્રોફેસર થવું હતું, જયારે હિતુદાનને જીપીએસસી ની પરીક્ષા આપીને ક્યાંક કલેકટર બનવું હતું. હિતુદાનના લગ્ન તો બાળપણમાં જ નક્કી થઇ ગયા હતા, અને એના પિતા એના એકવીસ વર્ષના થવાનીજ રાહ જોઈ રહ્યા હતા, જે આવતે વર્ષે પૂરા થવાના હતા. હા, હિતુદાન સૌમિત્ર અને વ્રજેશ કરતાં સારોએવો મોટો હતો.

ભૂમિના તો ત્રણેય વિષયો અલગઅલગ હતા એટલે આ ત્રિપુટી સાથે તો એ ફક્ત કમ્પલસરી ઈંગ્લીશનું લેકચરજ ભરવા આવતી, જે અઠવાડિયામાં માંડ ત્રણવાર આવતા હતા. આ દરમ્યાન અને પછીપણ સતત સખીઓથી વીંટળાયેલી રહેતી ભૂમિ અને કાયમ એનેજ શોધતો રહેતો સૌમિત્ર એકબીજાને ‘હાઈ હેલ્લો’ કરી દેતા અને સૌમિત્ર મન ભરીને ભૂમિને જોઈ લેતો. ધીરેધીરે વ્રજેશ અને હિતુદાનને પણ તેણે પોતાના મનની વાત કરી અને તેમણે એને ભૂમિને પોતાની લાગણી કહી દેવાની યોગ્ય સલાહ પણ આપી. પણ સૌમિત્રના માનવા પ્રમાણે એમ ખાસ કાંઈ પરિચય ન હોય તો એવીરીતે કેમ પ્રપોઝ કરી દેવાય? કદાચ એમ કરવાથી આટલી વાતો પણ બંધ થઇ જાય તો? ટૂંકમાં સૌમિત્ર ભૂમિને પોતાનાં મનની વાત કરતાં ડરતો હતો.

આજની તારીખ હતી ૧૪મી ફેબ્રુઆરી ૧૯૯૨. વેલેન્ટાઈન્સ ડે વિશે આ યુગમાં મોટાભાગના યુવાનો અજાણ હતા. પણ છેલ્લા પંદરેક દિવસથી કેટલાંક ‘જાણકાર’ છોકરાઓ અને છોકરીઓ જે કેન્દ્રીય વિદ્યાલયમાંથી કોલેજમાં આવ્યાં હતા તેમણે આ બાબતનો સારોએવો પ્રચાર કરીને સૌમિત્ર અને એના મિત્રો જેવા ‘દેસી’ યુવક-યુવતીઓમાં પણ આ દિવસ બાબતે ઘણી ઉત્કંઠા જગાવી હતી. અને એટલેજ આજે સૌમિત્ર પહેલાંતો એને મળતી અઠવાડિક પચાસ રૂપિયાની પોકેટમનીમાંથી સામાન્ય દિવસે દસ રૂપિયાના મળતાં ગુલાબના આજે પચ્ચીસ રૂપિયા આપીને ખરીદી લાવ્યો હતો. વ્રજેશ અને હિતુદાને આ પહેલાં પણ સૌમિત્રના ભૂમિને ‘બદ્ધુંજ કહી દેવાનાં’ પ્લાનને કાયમ ટેકો આપ્યો હતો અને આજે પણ તેમણે બંનેએ સૌમિત્રને લગભગ તૈયાર પણ કરી દીધો હતો, પરંતુ કાયમની જેમ છેલ્લી ઘડીએ સૌમિત્ર ફસકી ગયો અને ભૂમિ પોતાના ઘેર જતી રહી.

***

એચડી આર્ટસ કોલેજની ‘મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધા’, આખી ગુજરાત યુનીવર્સીટીમાં ખુબ સન્માનભર્યું સ્થાન ધરાવતી હતી. દરવર્ષે ફેબ્રુઆરી મહિનાનાં છેલ્લા અઠવાડિયે યોજાતી આ સ્પર્ધાનાં નિર્ણાયકો તરીકે ગુજરાતના મોટામોટા સાહિત્યકારો આવતાં. સ્પર્ધા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં થતી. સ્કુલમાં સૌમિત્ર માટે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવો અને તેને જીતી લેવી એ કોઈ નવી બાબત નહોતી, પરંતુ અહિયાં વકતૃત્વકળાનું સ્તર ઘણું ઊંચું હતું. પરંતુ તેમછતાં, કોલેજનાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજીનાં ત્રણેય પ્રોફેસર્સ સૌમિત્રની વકતૃત્વકળાથી સારાએવા પ્રભાવિત થયા અને ગુજરાતી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા અન્ય સાતેક વક્તાઓ, જેમાં એક તો ગયા વર્ષની સ્પર્ધાનો રનર અપ હતો, એ તમામની સામે સૌમિત્ર બાજી મારી ગયો અને આ વર્ષની મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધામાં એચડી આર્ટ્સ કોલેજનો પ્રતિનિધિ બનવાનું માન તેને સાંપડ્યું.

સ્પર્ધાનો આ વર્ષનો વિષય હતો, ‘સરકારની નવી ખુલ્લી આર્થિકનીતિ કેટલી સારી, કેટલી ખરાબ?’ આ વિષયમાં સંપૂર્ણ અજ્ઞાન ધરાવતાં સૌમિત્રએ ઇકોનોમિકસના પ્રોફેસર પાસે પહેલાંતો અમુક સમય અગાઉ ખુલ્લાં અર્થતંત્રની તે વખતની કેન્દ્ર સરકારે નક્કી કરેલી નીતિ વિશે જાણ્યુ. વ્રજેશે પોતાના મિત્રએ ભેગાં કરેલા છેલ્લાં એક-બે વર્ષના છાપાંના કટિંગ્સ લાવી આપ્યાં. પછી આ ખુબ બધાં મુદ્દાઓ નોંધીને સૌમિત્રએ પોતાની સ્પિચ તૈયાર કરી. સ્કુલનાં સમયથી જ ભણવાની અને અન્ય બાબતોમાં આળસુ એવો સૌમિત્ર જ્યારે કશું લખવું હોય કે વકતૃત્વ સ્પર્ધાની તૈયારી કરવી હોય કે પછી ગીત ગાવાની કોઈ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો એની મહેનતમાં એવો ખૂંપી જતો કે જાણેકે એ પીએચડી કરી રહ્યો હોય. આથી સૌમિત્રની આ મહેનતથી આ સ્પર્ધાનાં તેના મેન્ટર પ્રોફેસર બારિયા ખુબ પ્રભાવિત થયાં, અને એમણે સૌમિત્રને એમપણ કહ્યું કે તેઓ છેલ્લા દસ વર્ષથી આ સ્પર્ધામાં મેન્ટર છે પણ સૌમિત્ર જેવી મહેનત કોઈએ કરી હોય એવું તેમણે જોયું નથી.

એવું કહેવાતું કે એક જમાનામાં આ મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધામાં ભાગલેવા ગુજરાત યુનીવર્સીટીની કોલેજોમાંથી એટલી મોટી સંખ્યામાં સ્પર્ધકો આવતાં કે એચડી આર્ટ્સ કોલેજે બહારગામથી આવેલા સ્પર્ધકોને સ્પર્ધાની આગલી રાતે સૂવાની અને ખાવાપીવાની ખાસ વ્યવસ્થા પણ કરવી પડતી. પરંતુ ધીમેધીમે ગુજરાતનાં યુવાનો અન્ય બાબતો તરફ પણ વધુ આકર્ષાવા લાગ્યા અને સ્પર્ધકોની સંખ્યા ઓછી થઇ ગઈ. આજે માત્ર બાર સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા થવાની હતી, જેમાંથી એક સૌમિત્ર પણ હતો. સ્પર્ધકો માટે મુકાયેલી ખુરશીઓમાંથી એક પર બેસેલા સૌમિત્રને આવી સ્પર્ધાનો બહોળો અનુભવ હોવાથી તેમજ તેની મહેનત અને તૈયારી પણ જોરદાર હોવાથી, તે બિલકુલ ટેન્શનમાં નહોતો. કોલેજનાં હોલની પ્રથમ બે હરોળ પ્રોફેસરો માટે આરક્ષિત હતી. ત્રીજી હરોળમાં તેના મિત્રો વ્રજેશ અને હિતુદાન બેઠાં હતા. તેમણે બંનેએ સૌમિત્રને હાથ હલાવીને ‘ઓલ ધ બેસ્ટ’ કહ્યા ત્યારેપણ સૌમિત્ર સ્વસ્થ હતો. સૌમિત્ર પહેલાં લગભગ છ સ્પર્ધકો બોલ્યા અને એમાંથી ત્રણતો ખુબ સરસ બોલ્યા અને એમણે પણ સૌમિત્રની જેમજ વિષય ઉપર સારુએવું રિસર્ચ કર્યું હતું એવું લાગ્યું. પરંતુ તોયે સૌમિત્ર સ્વસ્થ રહ્યો કારણકે તેને પોતાનાં રિસર્ચ અને ક્ષમતા પર પુરેપુરો વિશ્વાસ હતો. છેવટે સૌમિત્રનું નામ બોલાયું અને પોતાનીજ કોલેજનો સ્પર્ધક હોવાથી તેનું નામ બોલાતાં જ તમામ વિદ્યાર્થીઓએ જબરદસ્ત તાળીઓ, બૂમો અને સીટીઓથી તેને વધાવી લીધો.

સૌમિત્રએ બોલવાનું શરુ કર્યું. તેણે સાત મિનીટ બોલવાનું હતું. સૌમિત્રને બોલવાની, લખવાની અને ગાવાની કળા તો જાણે ગળથુથીમાંજ મળી હતી. કોઈ માસ્ટર બેટ્સમેન જાણેકે અઘરી પિચ ઉપર પણ એકપછી એક ચોગ્ગા અને છગ્ગા મારતો હોય એમ સૌમિત્ર બોલવા માંડ્યો. એની અમુક દલીલો પર તો આખું ઓડિયન્સ અને એક-બે વારતો ખુદ નિર્ણાયકો તાળી પાડી બેઠાં. બસ હવે દોઢ મિનીટ બાકી હતી. વ્રજેશ અને હિતુદાનનાં મત મુજબતો સૌમિત્રએ ઓલરેડી બાજી મારીજ લીધી હતી, કારણકે તેની અગાઉ આવેલા સ્પર્ધકોમાંથી સૌમિત્ર જેવું કોઈજ નહોતું બોલ્યું, અને સૌમિત્ર જે રીતે બોલી રહ્યો હતો અને નિર્ણાયકો પણ તેનાથી પ્રભાવિત દેખાતા હતા એ જોઇને એવું લાગતું નહોતું કે બાકીના સ્પર્ધકોમાંથી પણ કોઈ સૌમિત્રને પછાડી શકશે. સૌમિત્ર બોલતી વખતે થોડીથોડી વારે પોતાનો જમણો હાથ ઉપર કરીને દર્શકદીર્ઘા તરફ કાયમ જમણેથી ડાબે નજર ફેરવતો ફેરવતો બોલતો, આ તેની આગવી સ્ટાઈલ હતી. તેણે સ્કુલના સમયમાંજ પેલી ટેબલ પર હાથ પછાડીને બોલવાની તેના ટિચરે બતાવેલી ‘વેવલી સ્ટાઈલ’ નકારી નાખી હતી. તે એકવાર પ્રવાહમાં આવી જાય પછી તેને સાંભળનાર મંત્રમુગ્ધ થઇ જતો. આજે પણ તેણે ઓડિયન્સને કાબુમાં કરીજ લીધું હતું.

પોતાનાં છેલ્લા મુદ્દાની છણાવટ કરતી વખતે સૌમિત્ર ફરીવાર જમણેથી ડાબે નજર ફેરવી રહ્યો હતો, તેનો હાથ ઉંચો હતો અને જેવું તેણે ડાબી બાજુ છેક છેલ્લી રો તરફ જોયું અને એણે એ તરફનાં પ્રવેશદ્વારમાંથી ભૂમિને હોલમાં પ્રવેશતાં જોઈ અને જીવનમાં પહેલીવાર સ્પર્ધામાં બોલતી વખતે સૌમિત્રની જીભ થોથવાઈ. એ મુદ્દો ભૂલવા લાગ્યો. તેની નજર છેલ્લી રો માંથી બેસેલાં લોકોના પગ હટાવતી હટાવતી જમણી તરફ જઈ રહેલી ભૂમિ પર મંડાઈ ગઈ હતી. આખો હોલ ખચોખચ ભરેલો હોવાથી ભૂમિને બેસવાની જગ્યા ન મળી એટલે છેવટે એ બે રો ની વચ્ચેના સ્પેસમાં બરોબર વચ્ચે અદબવાળીને ઉભી રહી ગઈ. ભૂમિ એક જગ્યાએ સ્થિર થઇ જતાં, સૌમિત્રએ પણ પોતાનો કાબુ પાછો મેળવ્યો અને ફરીથી મુદ્દા પર આવ્યો. હવે તેનું ધ્યાન ડાબે-જમણે ન જતાં બિલકુલ વચ્ચે ભૂમિ ઉપર સ્થિર થઇ ગયું અને છેલ્લી એક મિનીટતો એ જાણે ભૂમિનેજ ઉદ્દેશીને બોલ્યો. વચ્ચેની પાંચ-સાત સેંકડ પોતાના વક્તવ્ય પરથી કાબુ ગુમાવી દેવા છતાં, સૌમિત્રનું પરફોર્મન્સ અત્યંત સારું રહ્યું. તાળીઓ, બૂમો અને સીટીઓ એકધારી દોઢથી બે મિનીટ ચાલુ રહી. કોલેજનાં બે-ત્રણ સિનીયર મોસ્ટ પ્રોફેસરોતો એમ સુદ્ધાં બોલી ગયાં કે એચડી આર્ટસ કોલેજ તરફથી છેલ્લા વીસ વર્ષમાં આવો સ્પર્ધક તેમણે સાંભળ્યો નથી. અને એમની વાત પણ સાચી હતી, કારણકે પોતાનાં ઘરની સ્પર્ધા હોવાછતાં એચડી આર્ટસ કોલેજ વીસ વર્ષથી તેને જીતી શકી ન હતી.

સૌમિત્રનાં પરફોર્મન્સની અસર હોય કે પછી તેમની ખુદની તૈયારીઓ ઓછી હોય, એમ સૌમિત્ર પછીનાં પાંચેય સ્પર્ધકોની રજૂઆત નબળીથી અતિશય નબળી રહી. આથી દર્શકદીર્ઘામાં બેસેલા એચડી આર્ટ્સનાં વિદ્યાર્થીઓમાં સૌમિત્રની જીત વિશે ગણગણાટ શરુ થઇ ગયો. સ્પર્ધા પૂરી થઇ જતાં, નિર્ણાયકો એક અલગ ખંડમાં નિર્ણય લેવા ગયાં. આ દરમ્યાન કોલેજનાં કેટલાંય વિદ્યાર્થીઓ જેમાં છોકરા છોકરીઓ બંને શામેલ હતાં, તે સૌમિત્રની આસપાસ વીંટળાઈ વળ્યાં અને તેનાં મોફાટ વખાણ કરવા લાગ્યાં. ગઈકાલ સુધી કોલેજની જે સુંદર છોકરીઓ સૌમિત્રની સામે પણ નહોતી જોતી તેપણ સૌમિત્ર સાથે હાથ મેળવવા રીતસરની પડાપડી કરી રહી હતી. સૌમિત્રના અંતરંગ મિત્રો વ્રજેશ અને હિતુદાન આ ભીડને કિનારે ઉભા રહીને ગર્વભેર સ્મિત વેરતાં સૌમિત્રને જોઈ રહ્યાં હતાં. એમને જોતાંજ સૌમિત્રએ વિદ્યાર્થીઓને ‘સોરી’ કહીને તેમની ભીડ ચીરીને પોતાનાં મિત્રો સુધી પહોચ્યો. હિતુદાનેતો સૌમિત્રને રીતસરનો ભીંસી જ લીધો.

“મારું બેટું તું તો સૂંપું રતન નીકળ્યું.” હિતુદાન હજીપણ સૌમિત્રને ભેટીને ઉભો હતો અને તેની પાછળ વ્રજેશ ઉભોઉભો સ્મિત વેરી રહ્યો હતો.

સૌમિત્રએ હિતુદાનને ભેટતાં ભેટતાં જ વ્રજેશ તરફ પોતાનો ડાબો હાથ લંબાવ્યો અને વ્રજેશે એને પકડી લીધો અને એની આંગળીઓને ખુબ દબાવી. પછી તો વ્રજેશ અને સૌમિત્ર પણ ગળે મળ્યાં.

‘તે, વસ્સે હું કામ તતફફ થઇ ગ્યો’તો?’ થોડી ભીડ ઓછી થતાં, હિતુદાને સૌમિત્રને પૂછ્યું.

જવાબમાં સૌમિત્ર એ પોતાનું ડોકું હલાવીને દૂર પોતાની સખીઓ સાથે વાતો કરતી ભૂમિ તરફ ઈશારો કર્યો.

‘હકને! હવે મને ખબર્ય પઈડી, કે સાય્બ કાં આમ અચાનક બધું ભૂલી ગ્યા?’ આટલું કહીને હિતુદાને ખડખડાટ હસીને સૌમિત્રની પીઠ ઉપર ધબ્બો માર્યો. સૌમિત્ર ફક્ત શરમાયો. વ્રજેશે સૌમિત્ર તરફ આંખ મારી.

ત્યાંજ નિર્ણાયકો પોતાના નિર્ણય સાથે આવી રહ્યાં છે એવી જાહેરાત થઇ. આથી ફરીથી બધા પોતપોતાની જગ્યાએ બેસવા લાગ્યા. સૌમિત્રએ ફરીથી ભૂમિ તરફ એક નજર નાખીને પોતાની સ્પર્ધક તરીકેની ખુરશી પર ફરી બેસી ગયો. ગુજરાતી સાહિત્યના તે સમયનાં ખુબ પ્રસિદ્ધ હાસ્યકાર બકુલ દવે એ નિર્ણય જાહેર કરતાં, એચડી આર્ટસ, તમામ સ્પર્ધકો અને તેમની કોલેજોના વખાણ કર્યા. સૌમિત્રનું હ્રદય હવે જોરથી ધબકવા લાગ્યું હતું. સ્કુલમાં તો એ પોતાની સ્પિચ પછી તરતજ નક્કી કરી લેતો કે તેનો કેટલામો નંબર આવશે અને મોટેભાગે તે સાચો પણ પડતો. પરંતુ આ એકતો ખુબ મોટી સ્પર્ધા હતી. પ્રોફેસર બારિયાએ વળી એમપણ કીધું હતું કે તેનાજેવો સ્પર્ધક તેમણે છેલ્લા દસવર્ષમાં નથી જોયો અને ઉપરાંત છેલ્લાં વીસ વર્ષથી કોલેજે પણ આ સ્પર્ધા નહોતી જીતી. આથી સૌમિત્રને અચાનક પોતાની જવાબદારીનું ભાન થયું. આ ઉપરાંત તેને લાગ્યું કે તેની જીત ભૂમિને પણ તેના તરફ કદાચ આસાનીથી આકર્ષિત કરી શકશે અને આથીજ તેને માટે હવે જીતવું ખુબ જરૂરી બની ગયું હતું.

બકુલ દવે ત્રીજા સ્થાન થી આગળ વધ્યાં અને જેવું તેમણે વિજેતા તરીકે “સૌમિત્ર પંડ્યા, એચડી આર્ટ્સ કોલેજ, અમદાવાદ” એવું જાહેર કર્યું કે હોલમાં અફરાતફરી મચી ગઈ. પ્રોફેસર બારિયા દોડીને સૌમિત્રને ભેટી પડ્યા. પોતાની ખુરશીમાંથી તરતજ ઉભા થઇ ગયેલા કોલેજનાં કડક પ્રિન્સીપાલ અરવિંદ પટેલની આંખો પણ ભીની થઇ ગઈ, કારણકે વીસ વર્ષ પછી તેમની કોલેજમાંથી કોઈએ આ પ્રતિષ્ઠિત સ્પર્ધા જીતી હતી. કોલેજનાં વિદ્યાર્થીઓ તો જાણેકે પાગલજ થઇ ગયાં. વ્રજેશ અને હિતુદાન એકબીજાને વળગી પડ્યા અને હિતુદાને આજ પોઝીશનમાં કુદકા મારવાનું પણ શરુ કરી દીધું. પ્રોફેસર બારિયાએ સૌમિત્રને પોતાનું ઇનામ લેવા જવાનું કહ્યું. સૌમિત્રને ગોલ્ડ મેડલ મળ્યો જે તેણે રાખવાનો હતો જ્યારે એચડી આર્ટ્સ કોલેજને મહાત્મા ગાંધી શિલ્ડ મળ્યો, વીસ વર્ષ પછી! મેડલ અને શિલ્ડ લઈને પોતાની જગ્યાએ પાછાં વળતાં સૌમિત્રએ પ્રિન્સીપાલ પટેલ અને પ્રોફેસર બારિયાને વારાફરતી પગે લાગ્યો.

સ્પર્ધા સત્તાવારરીતે પૂરી થયેલી જાહેર થતાંજ ફરીએકવાર સૌમિત્ર કોલેજનાં વિદ્યાર્થીઓ થી ઘેરાઈ ગયો. આ વખતેતો પહેલાં કરતાં લગભગ ત્રણગણી સંખ્યા હતી. ધીમેધીમે આ તમામના અભિનંદનો સ્વીકારીને સૌમિત્ર ફરીથી એક ખૂણે આ બધું ગર્વથી જોઈ રહેલા પોતાનાં ખાસ મિત્રો વ્રજેશ અને હિતુદાન તરફ આગળ વધ્યો અને ત્યાંજ...

“કોન્ગ્રેચ્યુલેશન્સ સૌમિત્ર!”

સૌમિત્રએ પાછું વળીને જોયું, તો ભૂમિ પોતાનો હાથ લંબાવીને તેનું ચિતપરિચિત પહોળું સ્મિત દેખાડતી ઉભી રહી હતી.

‘ઓહ થેંક્યું!” કહીને સૌમિત્રએ તરતજ ભૂમિનો હાથ પકડી લીધો અને કેટલીયે સેકંડો સુધી તેને હલાવે રાખ્યો.

‘સોરી, હું થોડી મોડી પડી, પણ શું કરું? બસ જ ના મળી. પણ તું ખુબ સરસ બોલ્યો સૌમિત્ર. મેં તો ખાલી એકજ મિનીટ તને સાંભળ્યો પણ મારી ફ્રેન્ડ્સે મને કીધું કે તું સુપપ બોલ્યો. એ બંનેતો તારાથી ખુબજ ઈમ્પ્રેસ થઇ ગઈ છે, યાર!” ભૂમિએ કદાચ પહેલીવાર સૌમિત્રની આંખમાં આંખ પરોવીને આટલો લાંબો સમય બોલી.

“હા, મને ખબર છે!” આમ અચાનક ભૂમિનાં ‘હુમલાથી’ થોડાંક બઘવાયેલા સૌમિત્રએ કહ્યું.

“શું?’ ભૂમિનાં ચહેરા પર આશ્ચર્ય હતું.

‘એજ કે તમે મને છેલ્લી એકજ મિનીટ સાંભળી શક્યા.” સૌમિત્રથી સાચું બોલાઈ ગયું.

“અરે? તમને કેવીરીતે ખબર પડી?” ભૂમિએ તિક્ષ્ણ સવાલ કર્યો.

“અમમ...” સૌમિત્ર પાસે તેનો જવાબ હતો, પરંતુ નહોતો. તેને ડર હતો કે જો તે સાચું કહી દે કે જ્યારથી તે હોલમાં દાખલ થઇ ત્યારથી એની નજર ભૂમિ પર જ હતી, તો કદાચ ભૂમિને ખરાબ લાગે.

“શું વિચારો છો સૌમિત્ર? ક્યોને તમને કેવીરીતે ખબર પડી કે હું છેલ્લી એકજ મિનીટ તમને સાંભળી શકી?” ભૂમિની ઉત્કંઠા વધી ગઈ હતી.

સૌમિત્ર મનોમન ભગવાનને મદદનો પોકાર કરી રહ્યો હતો.

***

પ્રકરણ ૨

“ઈ તો મેં હમણાંજ કીધું ભૂરાને કે ભૂમિ મેડમ પણ આયવા પણ જીરીક મોડા પઈડા...પાંચ’ક મિનીટ એમ્મ...” હિતુદાને તરતજ પરીસ્થિતિ સંભાળી લીધી.

“હા જોવો ને? આજે ખબર નહીં પણ મને બસ જ ન મળી. બધીજ બસો ભરેલી. મણીનગર ચાર રસ્તાથી છેક બસ સ્ટેન્ડ ગઈ ત્યારે મળી. ચાર રસ્તે તો કોઈ બસ ઉભી જ નહોતી રહેતીને?” ભૂમિએ પોતાનું મોડા આવવાનું કારણ ફરીથી જણાવ્યું.

“તે મણીનગરનું જણેજણ આપણા સોમિતરભાયનું ભાસણ હાંભરવા આવતા હઈસે.” હિતુદાને પોતાની કોમેન્ટ્રી ચાલુ રાખી. સૌમિત્રને શાંતિ તો થઇ પણ હિતુદાન હવે સહેજ વધારે પડતું બોલી રહ્યો છે એવું તેને સતત લાગી રહ્યું હતું, કારણકે હવે ભૂમિ અને હિતુદાન વાતો કરી રહ્યા હતા, સૌમિત્રને તો પોતાને ભૂમિ સાથે વાત કરવી હતી.

“આજે રામમંદિરના ઈશ્યુ પર હિંદુ જાગરણ સભાનો કોઈ પ્રોગ્રામ છે, સરદાર પટેલ સ્ટેડિયમમાં એટલે બધીજ બસો ભરેલી જાય છે.” વ્રજેશે હવે મુદ્દાની વાત કરી અને સૌમિત્રને એ ગમ્યું.

“હમમ.. મને ખબર હોત તો હું ઘરેથી નીકળીજ ન હોત ને?” ભૂમિ વ્રજેશની વાત સાંભળીને આપોઆપ બોલી પડી.

“સોમિતરના ભાસણમાં તમે નો આવો એમ હાલે કાંય? સોમિતરને કેવું લાગે હે?” હિતુદાને હસતાંહસતાં સૌમિત્રની સામે જોયું, પણ સૌમિત્ર ડઘાઈ ગયો.

હિતુદાનનો આશય તો સારો જ હતો, કે એ ભૂમિ અને સૌમિત્રને વધુ નજીક લાવે, પણ આમ કરવામાં એ બધું બાફી રહ્યો હતો એનો એને ખ્યાલ નહોતો. સૌમિત્રને પણ પરિસ્થિતિ કાબુ બહાર જઈ શકે છે એની ખબર પડી ગઈ હતી, પરંતુ તે ભૂમિની તેની સામેની હાજરીથી જ એટલો બઘવાઈ ગયો હતો કે તે આ સ્થિતિને કાબુમાં કેમ કરે એનો તેને ખ્યાલ આવી રહ્યો ન હતો.

“એટલે?” ભૂમિએ ફરીથી આશ્ચર્ય વ્યક્ત કર્યું અને તેની મોટી મોટી આંખો વધુ મોટી થઇ ગઈ.

“આપણે બધા ફ્રેન્ડ્સ છીએ ને? એટલે આપણામાંથી કોઈ એક ઓછું હોય તો એ મીસ થાય એટલે...” વ્રજેશે ફરીથી વાતને વણસતા રોકી અને સૌમિત્રને હાશકારો થયો.

ભૂમિની નજર ચૂકવીને વ્રજેશે પોતાના હોઠ ઉપર આંગળી મુકીને હિતુદાનને હવે ચૂપ રહેવાનું કહી દીધું.

“હા એ બરોબર હોં? આવતે વર્ષે હું ટાઈમસર આવી જઈશ.” ભૂમિએ પોતાની આંખો નચાવતા અને હસીને કહ્યું.

“થેન્ક્સ!” સૌમિત્ર ફક્ત આટલુંજ બોલ્યો, પરંતુ એને ખબર નહોતી કે એણે ભૂમિને આવતે વર્ષે એ સમયસર આવશે એના માટે થેન્ક્સ કીધા કે પછી હિતુદાને ભૂમિની વાતનું કોઈ રિએક્શન ન આપ્યું એના!

“ચાલો હું તમને મારી ફ્રેન્ડ્સની ઓળખાણ કરાવું.” ભૂમિ તેના ડાબે-જમણે ઉભી રહેલી બે છોકરીઓ તરફ વળી.

ભૂમિનું આમ કહેતાં જ સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાનનું ધ્યાન એ બે છોકરીઓ તરફ ગયું. અત્યારસુધી જાણેકે એ બંનેનું કોઈ અસ્તિત્વજ ન હોય એમ એ ત્રણેય ઉપરાંત ભૂમિ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.

“આ પૂર્વી છે. વ્રજેશ કદાચ એને ઓળખતા હશે કારણકે એનું મેઈન ઈંગ્લીશ જ છે અને આ સંગીતા છે, એ મારી સાથેજ મેઈન ઇકોમાં છે. હું અને સંગીતા સ્કૂલથી સાથેજ છીએ, અમે એકબીજાના ફાસ્ટ ફ્રેન્ડ્સ છીએ, યુ નો?” ભૂમિએ પોતાની બંને સખીઓની ઓળખાણ કરાવી.

પૂર્વીને વ્રજેશ ઓળખતો હશે એવું ભૂમિ જ્યારે બોલી ત્યારે વ્રજેશે ફક્ત હકારમાં ડોકું હલાવ્યું હતું. ભૂમિની ખાસ સખી સંગીતાએ પોતાની હેરસ્ટાઈલ છોકરાઓ જેવી જ રાખી હતી. વચ્ચેથી સેંથી અને કાન ઢંકાય એમ. એટલુંજ નહીં સૌમિત્રએ નોટિસ કર્યું હતું કે સંગીતા કાયમ છોકરાઓ જેવા જ કપડાં એટલેકે પેન્ટ-શર્ટ કે પછી પેન્ટ, ટી-શર્ટજ પહેરીને આવે છે. એ અને ભૂમિ બંને કાયમ સાથેને સાથે જ હોય છે. કમ્પલસરી ઈંગ્લીશમાં પણ બંને એકજ બેંચ પર સાથે બેસે અને કેન્ટીનમાં પણ બંને સાથેજ જાય. ખાલી કોલેજથી છૂટીને બસ સ્ટેન્ડ પર બંને ભેગી જાય અને પછી બંને અલગઅલગ બસોમાં જતી રહે.

બંને અલગઅલગ બસોમાં જાય છે એની સૌમિત્રને એટલે ખબર હતી કારણકે એ પણ રોજ ભૂમિ અને સંગીતા જ્યારે કોલેજથી છૂટીને ઘેર જાય ત્યારે રોજ તેમની પાછળ પાછળ જાય અને જ્યારે ભૂમિ પોતાની બસમાં ઘેરે જતી રહે ત્યારેજ સૌમિત્ર પોતાની બસ પકડતો.

ખબર નહીં પણ કેમ? સૌમિત્રને એવો અજાણ્યો ભય અત્યારથીજ લાગી ગયો હતો કે સંગીતા તેના અને ભૂમિના આવનારા સંબંધ માટે સારી વ્યક્તિ નથી અને ભવિષ્યમાં એ તેને નડી શકે એમ છે. આજે જ્યારે ભૂમિએ સૌમિત્રને એમ કીધું પણ ખરું કે પૂર્વીની સાથેસાથે સંગીતા પણ તેની સ્પીચથી ઈમ્પ્રેસ થઇ છે, તો પણ સૌમિત્રના મનમાંથી આ ભય નીકળી જવાનું નામ નહોતો લેતો.

***

“શું વાત છે, સૌમિત્ર? તમે આ રસ્તે?” રોજની જેમ આજે પણ કોલેજ પૂરી થયા બાદ યુનિવર્સીટી બસ સ્ટેન્ડ તરફ જઈ રહેલી ભૂમિનો પીછો કરી રહેલા સૌમિત્રને આજે ભૂમિએ પકડી પાડ્યો.

“અમ્મ્મ..હા મારે પણ ત્યાંથી જ બસ પકડવાની ને? ત્રણસો નંબર.” સૌમિત્રએ આ વખતે સ્વસ્થતા ન ગુમાવી.

સૌમિત્ર આમ પણ હવે ભૂમિને જોઇને કે તેની સાથે વાત કરવાથી શરમાતો કે ગભરાતો ન હતો. ડિબેટમાં તેને મળેલી અભૂતપૂર્વ જીતે સૌમિત્ર વિષે ભૂમિનો આખો વિચારજ બદલી નાખ્યો હતો. હવે તેઓ કોલેજમાં કે કોલેજની બહાર આવેલા ગાર્ડનમાં કે પછી કેન્ટિનમાં પણ ભટકાઈ જાય તો એકબીજા સાથે બે મિનીટ વાતો તો જરૂરથી કરી લેતા. પરંતુ સૌમિત્રની રોજની તેની પાછળ પાછળ આવવાની પ્રવૃત્તિની ભૂમિને લગભગ કોલેજનું આ પહેલું વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે ખબર પડી.

“ઓહ ઓકે, પણ તમે તો રોજ મોડા ઘરે જતા હશોને? વ્રજેશભાઈ અને ગઢવીભાઈ સાથે વાતો પતાવીને?” ભૂમિએ સૌમિત્રના રોજ તેનો પીછો કરવા બાબતનું અજ્ઞાન જાહેર કર્યું અને સૌમિત્રને પણ હાશ થઇ કે તેને પોતાનો પીછો કરતા ભૂમિએ કોઈ દિવસ જોયો નથી.

‘ના ના હું તો કોલેજ પતે એટલે સીધો ઘેર જ. એ લોકો પણ છેક ગાંધીનગરથી આવે એટલે બને તેટલી વહેલી બસ લઇ લે. મને પાછી ભૂખ પણ ખુબ લાગે!” સૌમિત્ર હવે નિશ્ચિંત થઇ ગયો હતો એટલે એણે હસતાંહસતાં કહ્યું.

“ઓહો, તો પછી કેન્ટિનમાં કશું ખાઈ લેતા હોવ તો?” હવે ભૂમિ અને સૌમિત્ર લગભગ સાથેસાથે ચાલી રહ્યા હતા અને સંગીતા ભૂમિની બીજી તરફ સહેજ દૂર ચાલી રહી હતી અને સૌમિત્રને એ જોઇને શાંતિ થતી હતી.

“પંદર વીસ મિનિટમાં શું ખવાય? નોર્મલી મારે રોજ રિસેસ પછી લેક્ચર હોય જ છે એટલે પછી એ ઉતાવળમાં ન ફાવે. હા કોઈવાર નસીબજોગે રિસેસ પછી જો કોઈ પ્રોફેસર ન આવ્યા હોય અને ફ્રી લેક્ચર હોય તો અમે ત્રણેય કઈક ખાઈ લઇએ.” સૌમિત્રએ આત્મવિશ્વાસ દેખાડ્યો.

“હમમ.. એ પણ બરાબર છે. તમે ત્રણ તો પાછા ડાહ્યા અને હોશિયાર સ્ટુડન્ટ્સ છો એટલે અમારી જેમ લેક્ચર્સ બંક પણ ન કરો ને?” ભૂમિના મોઢા પર તોફાની સ્મિત હતું અને એને જોઇને સૌમિત્રનું હ્રદય એક ધબકારો વધુ ધબકી ગયું.

ભૂમિ તેના અને તેના જીગરી મિત્રો વિષે આવો ઉંચો અભિપ્રાય ધરાવે છે એ જાણીને સૌમિત્રને ખુબ આનંદ થયો. જો કે તેણે ભૂમિને એમ કહેવાની મૂર્ખતા ન કરી કે મન થાય તો એ ત્રણે મિત્રો પણ ઘણીવાર લેક્ચર્સ બંક કરી ચૂક્યા છે. અત્યારે પોતાની ઈમેજ જે ભૂમિના દિલમાં બની ગઈ હતી તેને કોઇપણ આંચ આવે તે સૌમિત્રને જરાય પોસાય તેવું ન હતું.

વાતો કરતાં કરતાં પાંચેક મિનિટમાં તો બસ સ્ટેન્ડ પણ આવી ગયું અને બંનેની બસો સામસામે આવેલા સ્ટેન્ડ પરથી ઉપડતી હોવાથી સૌમિત્ર અને ભૂમિ છુટા પડ્યા. કાયમની જેમ સૌમિત્ર દૂરથી ભૂમિને તેના સ્ટેન્ડ પર પોતાની બસ આવવાની રાહ જોતી જોઈ રહ્યો. ભૂમિ અને સંગીતા એકબીજા સાથે હસી હસીને વાતો કરતા હતા પણ સૌમિત્ર માત્ર ભૂમિને જ જોઈ રહ્યો હતો. ત્યાંજ ભૂમિની સાઈઠ નંબરની બસ આવી જતા ભૂમિ તેમાં બેસી ગઈ અને સંગીતા પોતાની બસની રાહ જોતી ઉભી રહી. અત્યારસુધી ભૂમિને સતત નીરખવા માટે બે બસ જતી કરનાર સૌમિત્રને સંગીતાને જોવામાં કોઈજ રસ નહોતો એટલે તે તરતજ આવેલી તેની ૩૦૦ નંબરની બસમાં બેસી ગયો.

***

હવે સૌમિત્ર અને ભૂમિ અઠવાડિયામાં બે-ત્રણ વાર કોલેજ પત્યા પછી વાતો કરતા કરતા બસ સ્ટેન્ડ જતા. આ સમગ્ર સમય દરમ્યાન સંગીતા મૂંગીજ રહેતી, પણ સૌમિત્રને એ તોયે આંખમાં ખટકતી. સંગીતાની હાજરીજ આમતો સૌમિત્રને નહોતી ગમતી. આવી ફિલિંગ થવા પાછળ સૌમિત્ર પાસે કોઈ યોગ્ય કારણ પણ નહોતું, પણ તોયે તેને સંગીતા નહોતી જ ગમતી.

૧૯૯૨નો માર્ચ મહિનો અડધો પૂરો થઇ ગયો હતો અને આ વર્ષ માટેનું કોલેજનું છેલ્લું અઠવાડિયું આજે શરુ થયું હતું. સૌમિત્ર આ અઠવાડિયામાં ભૂમિને પોતાના દિલની વાત કહી દે એવું દબાણ વ્રજેશ અને હિતુદાન સૌમિત્ર પર કરી રહ્યા હતા. પણ સૌમિત્ર એમ કહીને ટાળી દેતો કે જો ભૂમિ ના પાડશે તો તેને અને પોતાને બંનેને કદાચ પરિક્ષામાં એ વાત માનસિકરીતે નડી શકે છે. પણ હા સૌમિત્ર આ એક અઠવાડિયું ભૂમિને મનભરીને જોઈ લેવા માંગતો હતો અને તેની સાથે વાતો કરી લેવા જરૂર માંગતો હતો, કારણકે પછી તે બે અઢી મહિને તેને મળવાની હતી.

પણ પેલું કહે છે ને કે “Man proposes and god disposes”? એજ ન્યાયે કોલેજના છેલ્લા અઠવાડિયાના પહેલા જ દિવસે ભૂમિ કોલેજમાં ન દેખાઈ. સૌમિત્ર વિચલિત થયો, પણ એને થયું કે બીજે દિવસે તે તેને મળી લેશે. પરંતુ જ્યારે બીજે દિવસે પણ ભૂમિ ન દેખાઈ એટલે સૌમિત્રની ચિંતા વધી ગઈ. વ્રજેશ અને હિતુદાન તેને સલાહ આપ્યા સીવાય બીજું કશું કરી શકે એમ ન હતા એટલે તેણે પોતેજ રસ્તા વિચાર્યા અને છેવટે સૌમિત્રને પોતાને ન ગમતી ક્રિયા જ કરવી પડી...

બીજા દિવસે કોલેજ પત્યા પછી બસ સ્ટેન્ડ તરફ જતા તેણે સંગીતાને ભૂમિ વિષે પૂછવાનું નક્કી કર્યું. સંગીતા આજે એકલી જ હતી એટલે તે રોજ કરતા સહેજ વધુ ફાસ્ટ ચાલતી હતી. શરીરે સહેજ ભરેલો એવો સૌમિત્ર રીતસર તેની પાછળ દોડી રહ્યો હોય એવું લાગતું હતું.

“એક્સક્યુઝ મી...” અડધોઅડધ હાંફી રહેલા સૌમિત્રએ સંગીતાને પાછળથી બોલાવી.

જવાબમાં સંગીતાએ પાછળ જોયું પણ તે કશું બોલી નહીં, કદાચ તેને સૌમિત્રના આવનારા સવાલ વિષે ખબર હતી.

“ભૂ..ભૂમિ નથી દેખાતા બે-ત્રણ દિવસથી?” સૌમિત્ર થોડોક શ્વાસ લેતો બોલ્યો.

“બે દિવસથી..” સંગીતાએ સૌમિત્રની ભૂલ થોડા રુક્ષ અને સપાટ અવાજમાં સુધારી.

“હા એમજ...” સૌમિત્ર બોલ્યો.

“મે મહિનામાં ભૂમિની મોટી બેનના મેરેજ છે, એટલે એ એની બેન અને મમ્મી જોડે બે દિવસ શોપિંગમાં બિઝી છે, કાલે આઈ જશે.” સંગીતાએ પોતાના ચહેરાના કે પછી પોતાના શબ્દોના હાવભાવ બદલ્યા વિનાજ જવાબ આપ્યો અને જાણેકે સૌમિત્રને હવે કશુંજ કહેવાનું કે પૂછવાનું નથી એમ માનીને ચાલવા લાગી.

બસ! સૌમિત્રને આ કારણોસરજ સંગીતાની બીક લાગતી હતી કે તે ભવિષ્યમાં તેના અને ભૂમિ કોઈ સંબંધ બંધાશે તો વચ્ચે આવી શકે તેમ છે કારણકે તે રુક્ષ હતી અને આજે તેની આ બીક જાણેકે કન્ફર્મ થઇ ગઈ હોય એવું તેને લાગ્યું.

***

“હાઈ!” ફર્સ્ટ યરના છેલ્લા અઠવાડિયાના ત્રીજા દિવસે રિસેસ દરમ્યાન જ્યારે સૌમિત્ર કોલેજના ફર્સ્ટ ફ્લોર પર આવેલા લેડિઝ રૂમની આસપાસ ભૂમિની ભાળ મેળવવા આંટા મારી રહ્યો હતો અને ત્યારેજ ભૂમિએ તેને પાછળથી હાઈ કર્યું.

“ઓહ હાઈ! કેમ છો? ક્યાં હતા બે દિવસથી?” સૌમિત્રના ચહેરા પર આનંદ છવાઈ ગયો અને ભૂમિને જોઇને તેનું હ્રદય ફરીથી ફાસ્ટ ચાલવા લાગ્યું.

“અરે, મારી બેનના મેરેજ છે મે મહિનામાં એટલે એની થોડી દોડાદોડી છે. કાલે અમે શોપિંગમાં ગયા હતા, ઢાલગરવાડ અને માણેકચોકને બધે. ખુબ બધી સાડીઓ લીધી અને ડ્રેસ પણ. સંગીતાએ તમને કીધું હતુંને કાલે?” ભૂમિએ સૌમિત્રને પોતાનું બે દિવસ ગેરહાજર રહેવાનું કારણ તો આપ્યું જ પણ સાથે સાથે તેને સંગીતાની વાત કરીને કોર્નર પણ કર્યો કે તેને ખબર હતી કે પોતે કેમ નથી આવી તોપણ સૌમિત્રએ તેનું ન આવવાનું કારણ કેમ પૂછ્યું?

“હા..હા..કીધું હતું ને? પણ આ તો તમને અચાનક જોયા એટલે અચાનકજ પૂછી લીધું. પણ મે મહિનામાં મેરેજ છે તો અત્યારથી તૈયારી?” સૌમિત્રએ ભૂમિનું ધ્યાન વાળવા બીજો સવાલ પૂછ્યો.

“હા, યાર પછી માર્ચ એન્ડમાં આપણી એક્ઝામ હશે એટલે મમ્મી-પપ્પાએ કીધું કે અત્યારે બે દિવસ રજા રાખી લે પછી તું પછી બિઝી થઇ જઈશ.” ભૂમિએ પોતાના પ્રશ્નનો જવાબ તેને યાર કહીને આપ્યો એ સૌમિત્રને ખુબ ગમ્યું.

“હા એ તો બરોબર જ છે. મને એમ હતું કે તમે ક્યાંક બિમાર ન પડ્યા હોવ એટલે..” સૌમિત્રએ સંગીતાને ભૂમિ વિષે પૂછવાનું કારણ તો કહ્યું પરતું તેણે બાકીનું વાક્ય પૂરું ન કર્યું, જાણીજોઈને.

“ના ના આપણને કશું ના થાય. અરે! તમને મોડું નથી થતું ને? લેક્ચર નથી ને? મારે તમારું થોડુંક કામ છે.” ભૂમિએ સૌમિત્રને આમ કહેતાંજ સૌમિત્ર એકદમ ખુશ થઇ ગયો કે ભૂમિને તેનું કોઈક કામ પડ્યું.

“અરે ના આજે પઢિયાર સર નથી આવ્યા એટલે નેક્સ્ટ લેક્ચર ફ્રી જ છે, બોલોને?” સૌમિત્ર ખોટું બોલ્યો કે એના પ્રોફેસર નથી આવ્યા કારણકે એ ભૂમિનું કોઈ કામ કરવા માટે એ વર્ષના છેલ્લા દિવસોમાં અતિ મહત્ત્વના લેક્ચર્સ બંક કરવા પણ તૈયાર હતો.

“ઓકે મારે તમારી કમ્પલસરી ઈંગ્લીશની નોટ્સ જોઈએ છીએ, ગઈકાલે લેક્ચર હતુંને? વિભા મેડમે શોર્ટ સ્ટોરીઝ પર નોટ્સ લખાવી છે એવી મને ખબર પડી. સંગીતાએ કાલે એ લેક્ચર બંક કર્યું હતું એટલે મને થયું કે તમારી પાસે તો નોટ્સ હશે જ કારણકે તમે તો એકપણ લેક્ચર છોડતા જ નથી.” ભૂમિના મોઢા પર સ્મિત જોઇને અને પોતાના પર આટલોબધો વિશ્વાસ જોઇને સૌમિત્ર વધુ ખુશ થયો.

“અરે લો ને? કેમ નહીં..” એમ કરીને સૌમિત્રએ પોતાની એકમાત્ર ફૂલસ્કેપ નોટબૂક ભૂમિ સામે ધરી દીધી.

“અરે પણ હજીતો બે લેક્ચર્સ બાકી છે ને? તમારે જરૂર પડશે.” ભૂમિએ મુદ્દાની વાત કરી.

“હા પણ પઢિયાર સર નથી આવ્યા એટલે...” સૌમિત્રને આ તક હવે જવા દેવી ન હતી.

“એ તો ફોર્થ લેક્ચર, પણ લાસ્ટમાં તો જોઈશેજ ને?” ભૂમિએ ફરીથી સૌમિત્રને ન ગમે તેવી વાત કરી.

“હેં? હા.. તો?” સૌમિત્રને જવાબ સુજી રહ્યો ન હતો.

“તો પછી એક કામ કરીએ, રોજની જેમ જ્યારે કોલેજ પતે ત્યારે આપણે સાથે સાથે બસ સ્ટેન્ડ જઈએ ત્યારે આપી દેજો.” ભૂમિએ સૌમિત્રની સમસ્યાનો ઉકેલ શોધી આપ્યો.

“હાઆઆઆઆ .. એ બરોબર છે.” સૌમિત્રનો હાશકારો એની જીભ ઉપર પણ આવી ગયો.

‘હા એ જ બરોબર છે, અને હું કાલે સવારે જ તમને પછી આપી દઈશ ઓકે? તો મળીએ સાડા બારે, પાછળના ગેટ પર ઓકે?” રિસેસ પૂરી થવાનો બેલ વાગતાં જ ભૂમિએ સૌમિત્ર સામે હાથ ધર્યો જે તેણે તરતજ પકડી લીધો.

“પાક્કું, અને તમને કોઈ બીજા પાસેથી નોટ્સ મળી જાય તો પણ મને કહ્યા વગર જતા નહીં, હું તમારી રાહ જોઇશ.” સૌમિત્ર બે બાબતો પાકી કરવા માંગતો હતો. એક તો એ કે ભૂમિ તેના સીવાય બીજી કોઈ વ્યક્તિ પાસેથી પણ નોટ્સ લેવાનું વિચારે છે કે નહીં અને બીજું એમ કે જો તે કોઈ બીજા પાસેથી નોટ્સ લઇ પણ લે તો પણ આજે તે એની સાથેજ બસ સ્ટેન્ડ સુધી વાતો કરતા કરતા આવશે.

“અરે ના ના, હું નોટ્સ તો તમારી પાસેથી જ લઈશ.” ભૂમિએ હવે સામેથી સૌમિત્રનો હાથ પકડ્યો અને એક સ્મિત આપીને પોતાના ક્લાસ તરફ જતી રહી અને સૌમિત્રને હાશ થઇ.

***

“આના જેવો મોકો કોઈ દી’ નો મરે, હું કિયો વીજે ભાય?” હિતુદાને વ્રજેશને ઉદ્દેશી ને કહ્યું. સૌમિત્રએ તેના બે ખાસ મિત્રોને છેલ્લું લેક્ચર બંક કરાવીને કેન્ટિનમાં બોલાવ્યા અને ભૂમિએ એની નોટ્સ મંગાવી છે એની માહિતી આપી.

“ગઢવીની વાત સાચી છે સૌમિત્ર, આજે થઇ જ જાય.” વ્રજેશે હિતુદાનની વાત સાથે સહમત થતા કહ્યું.

“અરે, મેં તમને આ સારા સમાચાર આપવા અને કટલેસ ખાવા બોલાવ્યા છે તમે ક્યાં પાછું આ પુરાણ ચાલુ કરી દીધું?” સૌમિત્ર ફરીથી ગભરાઈ ગયો. એને લાગ્યું કે ક્યાંક એના આ બે ખાસ મિત્રો આજે તેને ભૂમિને પ્રપોઝલ કરવાનો ફોર્સ ન કરી દે.

“લે?” સૌમિત્રના જવાબમાં હિતુદાન ફક્ત આટલુંજ બોલી શક્યો.

“એક કામ કર, નોટબૂકમાંથી એક કાગળ ફાડી ને આઈ લવ યુ, લખીને એમાં છુપાવી દે. જો એનું ધ્યાન પડ્યું અને તને એ કાલે ગુસ્સામાં પૂછે તો કહેવાનું કે એ તારું નહોતું, સિમ્પલ.” વ્રજેશે સૌમિત્રને આઈડિયા આપ્યો.

સૌમિત્રને વ્રજેશના આઈડિયામાં દમ લાગ્યો. એણે બે-ત્રણ બીજા બહાના પણ વિચારી લીધા. લાગે તો તીર નહીં તો તુક્કો એમ વિચારીને સૌમિત્રએ પોતાની ફૂલસ્કેપ બૂકનું છેલ્લું પાનું ફાડ્યું અને એના પર ‘આઈ લવ યુ’ લખીને બૂકના શરુઆતના અમુક પાનાઓ છોડીને વાળીને મૂકી દીધું. છેલ્લે કે વચ્ચે રાખે તો ભૂમિને શંકા જાય એવું હતું કારણકે તેને જોઈતી નોટ્સ બૂકના એ હિસ્સામાં જ લખેલી હતી.

કોલેજ પતવાનો બેલ વાગતાંજ વ્રજેશ અને હિતુદાને સૌમિત્રને ઓલ ધ બેસ્ટ કહ્યા અને સૌમિત્ર ભારે હૈયે કોલેજના પાછળના દરવાજે ભૂમિની રાહ જોતા ઉભો રહ્યો. લગભગ પંદરેક મિનીટ પછી ભૂમિ તેને દૂરથી દેખાઈ.

ભૂમિની નજર પણ સૌમિત્રને જ શોધી રહી હતી અને જેવો તેને સૌમિત્ર ગેટ પર દેખાયો કે ભૂમિએ પોતાનો હાથ ઉંચો કર્યો અને હલાવ્યો! સૌમિત્રએ પણ ભૂમિને જોઇને આપો આપ પોતાનો હાથ હલાવ્યો અને તેનું હ્રદય હવે જોરજોરથી ધડકવા લાગ્યું. સૌમિત્ર પોતાની નોટની કિનારીએ પોતાની પહેલી આંગળી ફેરવવા લાગ્યો.

“હાઈ! એકદમ ટાઈમ ટુ ટાઈમ હોં કે? કહેવું પડે!” ભૂમિએ સૌમિત્રને સમયસર નક્કી કરેલી જગ્યાએ જોતા તેના વખાણ કર્યા. જવાબમાં સૌમિત્ર ટેન્શનમાં ફિક્કું હસ્યો.

“હા, આપણે વાત થઇ જ હતી એટલે...” સૌમિત્ર જબરદસ્ત ટેન્શન અનુભવી રહ્યો હતો. તેની પાસે ભૂમિ જો તેનો પેલો આઈ લવ યુ લખેલો કાગળ વાંચીને આવતીકાલે ગુસ્સે પણ થાય તો પણ તેને ખાળવા બે-ત્રણ લોજીકલ કારણો હતાં જ પણ તોયે...

“અરે, ક્યાં ગઈ હતી? મેં લેડિઝ રૂમ પાસે દસ મિનીટ રાહ જોઈ તારી... કાવ્યાને પણ પૂછ્યું તો એનેય ખબર નહોતી. સૌમિત્રને મેં કહી રાખેલું તને ખબર હતી ને?” સૌમિત્ર અને ભૂમિ હજી આગળ વાત કરે ત્યારેજ સંગીતા આવતા ભૂમિએ તેને રીતસરની વઢી નાખી.

સૌમિત્રને આ જોઇને ખ્યાલ આવી ગયો અને વિચારવા લાગ્યો કે ભૂમિ જેટલી મજાક મસ્તી કરતી હોય છે એટલી કદાચ ગુસ્સાવાળી પણ છે તો જો તેનો પેલો કાગળ ભૂમિ જોઈ જાય તો તેની શી હાલત થશે અને સંગીતા કેવું રીએક્ટ કરશે?

“એક્સક્યુઝ મી, સૌમિત્ર! અહિંયા જ છો ને?” સૌમિત્રને વિચારોમાં ખોવાઈ ગયેલો જોઇને ભૂમિએ તેના ચહેરા સામે ચપટી વગાડીને પૂછ્યું.

સૌમિત્ર જાગી ગયો અને ફિક્કું હસ્યો.

“મને હવે નોટ્સ આપશો, એટલે આપણે બસ સ્ટેન્ડ તરફ જઈએ?” ભૂમિ હસી.

“હેં? હા કેમ નહીં...” સૌમિત્રએ પોતાના હાથમાં રહેલી ફૂલ સ્કેપ નોટબૂક ભૂમિ સામે ધરી.

***

પ્રકરણ ૩

સૌમિત્ર અને ભૂમિ બસ સ્ટેન્ડ જવાના રસ્તે સાથેસાથે ચાલી રહ્યા હતા અને સંગીતા તેમનાથી સહેજ દૂર. ભૂમિ સૌમિત્રની ફૂલસ્કેપ નોટના પાનાં ફટાફટ ફેરવી રહી હતી. સૌમિત્રની આ નોટમાં તે તેના તમામ લેક્ચર્સની જરૂરી નોટ્સ રાખતો અને એ પણ ઉપર તારીખ અને વાર સાથે. આ ઉપરાંત એ તારીખે એ લેક્ચરનો કયો નંબર હતો, પ્રોફેસર કોણ હતા વગેરે માહિતી પણ તે ઉપર, જમણા ખૂણા પર અચૂક નોંધતો એટલે ભૂમિને તેણે મીસ કરેલા લેક્ચરની માહિતી શોધવામાં જરાય તકલીફ ન પડી.

“તમે ખુબ પંક્ચ્યુઅલ છો સૌમિત્ર, મને તરતજ ગઈકાલની લેકચરની નોટ્સ મળી ગઈ. તારીખ, વાર, પ્રોફેસરનું નામ. વાહ! તમે જો મારી નોટ લીધી હોત તો અડધો દિવસ તો તમને જરૂરી નોટ્સ શોધવામાં જ જતો રહેત.” આટલું કહીને ભૂમિ ખુબ હસી અને એના હાસ્યને જોવામાં બીઝી એવા સૌમિત્રએ ફક્ત સ્મિત આપ્યું.

આખે રસ્તે ભૂમિ પેલી નોટ્સ બે-ત્રણ વખત વાંચી ગઈ અને એને એકાદ લાઈનમાં ખબર ન પડતાં તેણે સૌમિત્રને પૂછી લીધું અને બંનેના છૂટા પડવાની જગ્યા આવી ગઈ.

“તો હું કાલે તમને સવારના જ આપી દઈશ. આપણે કાલે ક્યાં મળીશું?” ભૂમિએ તેને સતત જોઈ રહેલા સૌમિત્રને પૂછ્યું.

“નીચે મેઈન હોલમાં?” સૌમિત્રએ સ્થળ બતાવ્યું.

“પણ સવાર સવારમાં ત્યાં કેટલી ભીડ હશે? મારી બસ મોડી પડી અને હું સહેજ મોડી આવી તો નોટ વગર તમારું ફર્સ્ટ લેક્ચર મીસ થાય એ મને નહીં ગમે.” ભૂમિએ વ્યાજબી કારણ બતાવ્યું.

“તો પછી એન સી સી રૂમ પાસે મળીએ?” સૌમિત્ર એ ઓલરેડી બીજું સ્થળ શોધી લીધું હતું.

“હા એ જગ્યા એકદમ બરોબર છે. તો કાલે સવારે સવા સાત વાગે આપણે એન સી સી રૂમ પાસે જ મળીએ અને જો હું થોડીક મોડી પડું તો અત્યારથી જ સોરી!” ભૂમિએ હસતાંહસતાં કન્ફર્મ કર્યું.

“ના ના ઇટ્સ ઓકે!” આ વખતે સૌમિત્રએ પોતાનો હાથ લાંબો કર્યો અને ભૂમિએ શેઈક હેન્ડ્સ કરીને પોતાના સ્ટેન્ડ તરફ વળી.

ભૂમિના રસ્તો ક્રોસ કરીને પોતાના બસ સ્ટેન્ડ તરફ પહોંચતાજ સૌમિત્ર પોતાના બસ સ્ટેન્ડ તરફ ભૂમિને ક્રોસ કરતા અને બસ સ્ટોપ પર ઉભી રહેતા, સંગીતા સાથે વાતો કરતી જોઈ રહ્યો અને પોતાના પેન્ટના ખિસ્સામાંથી પેલો આઈ લવ યુ વાળો કાગળ કાઢીને તેનો ડૂચો વાળીને બસ સ્ટેન્ડની પાછળ ફેંકી દીધો.

***

“તમે નય માનો વીજેભાય પણ મને આયાં... ગળા હુધીન ખાતરી હતી કે આ માંણા ઓલીને લેટર નય જ આપે.” હિતુદાન પોતાના ગળા પર આંગળીઓ મુકીને ગુસ્સામાં બોલ્યો.

“સૌમિત્ર વિષે આ પ્રકારની ખાતરીઓ આપોઆપ થઈજ જાય ગઢવી, એમાં તારે તારા ગળાના સમ ખાવાની જરૂર નથી..” વ્રજેશ પણ થોડો નિરાશ દેખાતો હતો.

“પહેલી વાત તો એ કે એ લેટર નહોતો. જો હું કોઈ બહાનું નથી બનાવતો, પણ મને એ ટાઈમે એ બરોબર ન લાગ્યું એટલે મેં એ કાગળ કાઢીને ખીસામાં મૂકી દીધો હતો.” સૌમિત્ર હવે આ મામલે ચર્ચા કરવા માંગતો ન હતો એટલે એણે ફૂલસ્ટોપ મુકવાની કોશિશ કરી.

“તે હવે હેને તે તને જે’દી કાંઇક બ્રોબર લાગેને તંઈએ જ મારી ને વીજેભાયની સલ્લા લેવા આવજે, હઈમ્જો?” હિતુદાન સહેજ વધુ ગુસ્સામાં હતો.

પણ હિતુદાનની વાતનો સૌમિત્રએ કોઈજ જવાબ ન આપ્યો. એવું નહોતું કે તેને હિતુદાને કરેલા ગુસ્સાથી ખોટું લાગ્યું હતું પણ દૂર સામેથી ભૂમિ તેની તરફ આવી રહી હતી. પાંચ સેકન્ડ્સ પછી વ્રજેશ અને હિતુદાને પણ ભૂમિને આવતા જોઈ એટલે એ બંને કોલેજના મેઈન હોલ તરફ જતા રહ્યા જેથી સૌમિત્ર ભૂમિ સાથે એકલો વાત કરી શકે.

“હાઈ, ગૂડ મોર્નિંગ!” ભૂમિ હજી સૌમિત્રથી અમુક ફૂટ દૂર હતી ત્યાંજ તેણે હાથ હલાવીને સૌમિત્રને ગૂડ મોર્નિંગ વિશ કર્યું. ભૂમિ આજે બાંધણી પ્રિન્ટનો લીલા કલરનો ડ્રેસ પહેરીને આવી હતી. વાળ સવારેજ શેમ્પૂ કર્યા હોય એમ હવામાં મસ્ત લહેરાતા હતા. સૌમિત્રએ ફરીથી જાતસાથે કન્ફર્મ કરી લીધું કે ભૂમિ તેને માટેજ બની છે.

“ગૂડ મોર્નિંગ..” ભૂમિના નજીક આવતાંજ સૌમિત્રએ તેનો હાથ આગળ વધાર્યો અને ભૂમિએ તેનો કુદરતી જવાબ આપતા સૌમિત્ર સાથે શેઈક હેન્ડ કર્યું.

“આ લો તમારી નોટ અને થેંક્યું વેરી મચ.” ભૂમિ સૌમિત્ર તરફ નોટ આગળ વધારતાં સ્મિત સાથે બોલી.

“અરે એમાં થેંક્યું શેના?” સૌમિત્રએ વિવેક કર્યો.

“મને મારી નોટ્સ મળી ગઈ કારણકે તમે મને હેલ્પ કરી એટલે!” ભૂમિ તેની મોટી મોટી આંખો નચાવતા એક અનોખા લહેકામાં બોલી.

“ઓહ, એમાં શું...” સૌમિત્ર બોલ્યો

“એ તો મારી ફરજ હતી રાઈટ?” સૌમિત્રને વચ્ચેથી જ રોકીને ભૂમિ ખડખડાટ હસી પડી અને આ વખતે સૌમિત્ર પણ તેની સાથે હસ્યો.

“હા એતો ખરુંજ પણ ફ્રેન્ડ્સ વચ્ચે તો આવું ચાલે રાખે.” સૌમિત્રનો જવાબ તૈયાર હતો.

“હાઉ સ્વીટ! પણ એક વાત કહું? મને તમારી નોટ્સ લખવાની સ્ટાઈલ ખુબ પસંદ આવી. જે રીતે તમે પોઈન્ટ્સ લખ્યા છે સૌમિત્ર, મને લાગ્યું જ નહીં કે મેં એ લેક્ચર મીસ કર્યું હતું. મને એમજ લાગ્યું કે મેડમ બોલી રહ્યા છે અને હું સાંભળી રહી છું. મને સમજવામાં જરાય તકલીફ ન પડી.” ડિબેટ જીત પછી ભૂમિ સૌમિત્રથી હવે વધારે ઈમ્પ્રેસ થઇ ગઈ હતી એ જોઇને સૌમિત્ર વધુ ખુશ થયો.

“થેન્ક્સ..હું કોઈ અલગથી એવી ટ્રાય નથી કરતો....” સૌમિત્ર અડધું વાક્ય જ બોલી શક્યો.

“પણ તમારાથી એવું થઇ જાય છે બરોબરને?” ભૂમિ ફરીથી સૌમિત્રને બોલતા અટકાવીને હસવા લાગી અને સૌમિત્ર પણ.

“હા એવું જ કશુંક. સારું થયું આર્ટ્સ કર્યું, નહીં તો પપ્પાએ ફોર્સ કરીને કોમર્સમાં મુક્યો હોત તો આવો મૂડ ન આવત.” સૌમિત્રએ પોતાનું પર્ટીક્યુલર હોવાનું કારણ આપ્યું.

“હમમ..વાત સાચી છે. સોરી, પણ મેં તમારી નોટ્સમાં તમારા હિસ્ટ્રી અને પોલિટીકસ ની પણ અમુક નોટ્સ વાંચી. મસ્ત લખ્યું છે. આઈ એમ શ્યોર કે તમે જે લખ્યું છે એવું તો તમારા પ્રોફેસર્સ નહીં જ બોલ્યા હોય, પણ તમે એને તમારી સમજ પ્રમાણે એટલું સરળ લખ્યું છે કે મારા જેવી જેને હિસ્ટ્રીમાં કંટાળો આવે એને પણ વાંચવાની મજા આવી ગઈ.” ભૂમિ સૌમિત્રથી પૂરેપૂરી ઈમ્પ્રેસ થઇ ગઈ હતી એ હવે સાબિત થઇ ચૂક્યું હતું.

સૌમિત્ર આગળ કોઈ જવાબ આપે એ પહેલાં જ કોલેજ શરુ થવાનો બેલ વાગી ગયો.

“ચલો, સૌમિત્ર, તમારે લેક્ચર હશે, હું કેન્ટીનમાં સંગીતાની રાહ જોવું છું, મારે ફર્સ્ટ લેક્ચર નથી આજે... બાય.” બેલ વાગતાંજ ભૂમિએ સૌમિત્રને બાય કર્યું. સૌમિત્રએ ફરીથી તેનો હાથ લાંબો કર્યો અને ભૂમિએ યંત્રવત તેને પકડી લીધો.

સૌમિત્ર અને ભૂમિ છુટા પડ્યા. ભૂમિને પહેલું લેક્ચર નથી અને તે પુરેપુરી પિસ્તાલીસ મિનીટ કેન્ટીનમાં એકલી રહેશે અને પોતાને લેક્ચર ભરવું પડશે એ વાતથી સૌમિત્ર ખુદ સાથે નારાજ થયો. જો કે આ નિર્ણય ભૂમિએ જાતેજ લઇ લીધો હતો, એણે સૌમિત્રને પૂછ્યું પણ નહીં કે એને લેક્ચર છે કે નહીં? જો પૂછ્યું હોત તો એ ના પાડીને બંક કરત અને ભૂમિ સાથે કેન્ટીનમાં હજી પણ વાતો કરત.

ભૂમિએ પોતાની નોટ્સ સિવાય સૌમિત્રની અન્ય વિષયોની નોટ્સ પણ વાંચી અને ઈમ્પ્રેસ થઇ એ જાણીને સૌમિત્રને ખુબ મજા પડી ગઈ અને વિચાર્યું કે જો ગઈકાલે એણે પેલો લેટર નોટમાં મૂકી રાખ્યો હોત અને ભૂમિએ એને જોઈ લીધો હોત તો આજની સવાર સાવ જુદી રીતેજ પડી હોત અને ભૂમિ સાથે તેને આટલી સરસ વાતો કરવાનો મોકો ન મળત બલ્કે એણે કેટકેટલા ખુલાસા કરવા પડત અને એમાંજ સમયની બરબાદી થઇ જાત. હજીતો બીજા બે વર્ષ બાકી છે ને? એમ વિચારીને સૌમિત્રએ ભૂમિને પ્રપોઝ કરવાનો પ્લાન હાલપૂરતો પડતો મુક્યો અને પોતાની નોટ એક આખી રાત ભૂમિને ઘેર એના રૂમમાં રહી આવી છે એવો વિચાર આવતાં જ સૌમિત્રએ એની નોટને એક હળવું ચુંબન કરી અને પછી તેને બેય હાથમાં ભીંસીને લેક્ચર રૂમ તરફ ચાલવા લાગ્યો.

***

આમને આમ ફર્સ્ટ યરનો છેલ્લો દિવસ પણ આવી ગયો. ભૂમિ, સૌમિત્ર, વ્રજેશ, હિતુદાન, સંગીતા અને પૂર્વીએ છેલ્લે દિવસે રિસેસ પછી એકપણ લેક્ચર ન ભર્યું અને કોલેજ નજીક આવેલી રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ખુબ ગપ્પા માર્યા અને ‘સોલ્જરીમાં’ નાસ્તો કર્યો. કાયમની જેમ વ્રજેશ અને હિતુદાન તેમના ગાંધીનગર ના બસસ્ટેન્ડે ગયા અને સૌમિત્ર, ભૂમિ અને સંગીતા યુનિવર્સીટીના સિટી બસસ્ટેન્ડ તરફ વળ્યા. જો કે જતાજતા હિતુદાને સૌમિત્રના કાનમાં ભૂમિને આજે પ્રપોઝ કરી દેવાની સલાહ આપી પણ સૌમિત્રએ તેની સામે ગુસ્સાથી જોયું એટલે હિતુદાને વધુ ફોર્સ ન કર્યો. યુનિવર્સીટી બસસ્ટેન્ડ નજીક આવતા સૌમિત્ર અને ભૂમિએ એક બીજાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ કહ્યા અને આવતે વર્ષે ફરીથી મળવાનો વાયદો પણ આપ્યો. સૌમિત્રએ ભૂમિને તેની બહેનના લગ્ન માટે પણ વિશ કર્યા. ભૂમિને વિદાય આપી સૌમિત્ર આ વર્ષમાં છેલ્લી વખત તેને દૂરથી નિહારવા લાગ્યો, પણ આ વખતે તેની આંખ ભીની હતી કારણકે ભૂમિ હવે તેને લગભગ ત્રણ મહિના પછી મળવાની હતી.

કોલેજ પત્યા પછી લગભગ વીસેક દિવસે સૌમિત્રની પરિક્ષા શરુ થઇ જે લગભગ પંદર દિવસ ચાલી.

***

“હવે અઢી મહિના રખડપટ્ટી બરોબરને?” છેલ્લું પેપર આપીને હજી સૌમિત્ર એના ઘરમાં ઘૂસ્યો કે તરતજ એના પિતા જનકભાઈએ એને પોંખ્યો.

“હજી એને શ્વાસ તો લેવા દો, તમે પણ ભૈશાબ...” ઘરનાં આંગણાનો દરવાજો ખોલતા સૌમિત્રને જોઇને તરતજ એના માતા અંબાબેને ફ્રીઝનું ઠંડુ પાણી ભરી લીધું હતું અને લિવિંગ રૂમમાં સૌમિત્ર અંદર આવે કે તરતજ એને એપ્રિલ મહિનાની અમદાવાદી ગરમીથી રાહત આપવા તેની તરફ ગ્લાસ લંબાવતા અને જનકભાઈને ઠપકો આપતા જણાવ્યું.

“હા ભાઈ હા..બાપના પૈસા છે કોણ રોકે છે? એકનો એક દિકરો બગાડો મારે શું?” કહેતાંજ જનકભાઈ છાપું લઈને ઉપરના માળે પોતાના બેડરૂમમાં જતા રહ્યા.

સૌમિત્રના પિતા જનક પંડ્યા ખુબ કડક સ્વભાવના હતા તેમના મતે હંમેશા A પછી B અને B પછી C જ આવવો જોઈએ, કોઈવાર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને C ને A અથવા Bથી આગળ મૂકીજ ન શકાય. જીવનમાં ભણતર જ મહત્ત્વનું છે અને ઈતર પ્રવૃત્તિનું તેમાં કોઈજ સ્થાન નથી એવું માનતા જનકભાઈને સૌમિત્ર ઘણીવાર તેની વકતૃત્વ સ્પર્ધાના જીતેલા ઇનામો દેખાડતા પણ ગભરાતો હતો, કારણકે એ જ્યારે પોતાનું પ્રાઈઝ દેખાડતો ત્યારે જનકભાઈ તેને ગઈ એક્ઝામમાં તેને કેટલા માર્ક્સ આવ્યા હતા એ યાદ દેવડાવતા નહીં કે એને શાબાશી આપતા. નિયમના કડક એવા જનકભાઈના કડક અનુશાસન હેઠળ જ સૌમિત્ર ઉછર્યો હતો અને એટલેજ એ આટલો અંતર્મુખી બની ગયો હતો.

સૌમિત્રના માતા અંબાબેન આમ ઓછું ભણેલા, પણ ગણેલા ખુબ. મોટી ઉંમરે જન્મેલો સૌમિત્ર એમની જિંદગી બની ગયો હતો. લગ્નના ઘણા વર્ષો સુધી એમણે જનકભાઈના કડક સ્વભાવને લીધે સહન કર્યું, પરંતુ જેમજેમ સૌમિત્ર મોટો થતો ગયો અને ખાસકરીને જ્યારે એ યુવાનીમાં પ્રવેશ્યો ત્યારે તેઓ જનકભાઈને જવાબ આપતા થયા હતા, કારણકે તેમને ચિંતા હતી કે સૌમિત્રનો સ્વભાવ જો ખુલશે નહીં તો તે આમને આમ અંદરને અંદર મુંજાતો રહેશે. આથી સમય આવે અંબાબેન સૌમિત્રની પડખે ઉભા રહેતા. બે વર્ષ અગાઉજ ગુજરાત સરકારના મહેસુલ ખાતાના ઓફિસર તરીકે રિટાયર થઇ ચુકેલા જનકભાઈને આ ગમતુંતો નહીં પણ અંબાબેનની મક્કમતા સામે એ મજબુર હતા એટલે હમણાં કર્યું તેમ એ લડાઈનું મેદાન છોડીને જતા રહેતા.

પણ, દોઢ-બે મહિના પછી જયારે સૌમિત્રનું FYBAનું રિઝલ્ટ આવ્યું અને તે સિત્તેર ટકાએ પાસ થયો ત્યારે જનકભાઈની આંખો પહોળી જરૂર થઇ ગઈ. બારમા ધોરણમાં માત્ર બાવન ટકા લાવનાર સૌમિત્રએ એક વર્ષમાં જબરી ફલાંગ લગાવી હતી. સૌમિત્ર જાણતો હતો કે આ બધું એકતો તેને ગમતા વિષય ભણવાનું મળ્યું એટલે અને ઈશ્વરની કૃપાથી તેને વ્રજેશ અને હિતુદાન જેવા મહેનતુ મિત્રો મળ્યા, જેમના ભણવા માટેના ખંતને જોઇને પોતાને પણ સતત પ્રેરણા મળતી. વળી, ભૂમિ તો એક કારણ હતી જ, એને ઈમ્પ્રેસ કરવા માટે પણ સૌમિત્રએ ખુબ મહેનત કરીને સારા માર્કે પાસ થવાનું નક્કી કરી લીધું હતું અને આજે એની મહેનત રંગ લાવી હતી. સૌમિત્રને ખાતરી હતી કે જેમ તેના રિઝલ્ટે જનકભાઈને કામચલાઉ મૂંગા કરી દીધા છે એમ જ્યારે ભૂમિ તેના રિઝલ્ટ વિષે જાણશે ત્યારે તે એનાથી વધુ ઈમ્પ્રેસ થશેજ.

રિઝલ્ટ આવ્યાના બે-ચાર દિવસ પછીજ SYBAમાં એડમીશન લેવાનો દિવસ આવી ગયો. સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાન ફરીથી મળ્યા અને સૌમિત્રની નજર કેમ્પસમાં આમતેમ ફરવા લાગી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ભૂમિ જો ફોર્મ ભરવાની લાઈનમાં ભેગી થઇ જાય તો મજા પડી જાય, એમ વિચારતા સૌમિત્રએ બે-ત્રણ વખતતો વ્રજેશ અને હિતુદાનને એ લાઈનમાં ઉભા રહેતા રોકી લીધા, પરંતુ જ્યારે એક કલાક ઉપર થઇ ગયો અને લાઈન લાંબી થતી ગઈ અને ભૂમિ દેખાઈ નહીં એટલે છેવટે એ ત્રણેય મિત્રો લાઈનમાં ઉભા રહી ગયા. સૌમિત્ર સતત એવું વિચારી રહ્યો હતો કે, ક્યાંક ભૂમિએ ખુબ સારા માર્ક આવતા કોઈ બીજી સારી કોલેજમાં તો એડમીશન નહીં લઇ લીધું હોય?

***

લાઈન આગળ વધતી જતી હતી અને ભૂમિનો કોઈજ પત્તો ન હતો. લાઈનમાં આગળ આગળ જવાની સાથે સૌમિત્રનું ટેન્શન પણ વધતું જતું હતું. વ્રજેશ અને હિતુદાન તેને સતત થોડા દિવસ રાહ જોવાનું કહી રહ્યા હતા કારણકે એડમિશન પ્રક્રિયાતો ઘણા દિવસ ચાલવાની હતી.

“બસને? આ વર્ષે મને એકલી મુકીને હેં ને?” સૌમિત્ર વ્રજેશ અને હિતુદાન સાથે વાતો કરી રહ્યો હતો ત્યાંજ પાછળથી ભૂમિ નો અવાજ આવ્યો અને સૌમિત્ર ચોંક્યો.

“અરે? તમે આવ્યા છો? અમે તમને કેટલા શોધ્યા, પૂછો વ્રજેશને. તમે દેખાયા હોત તો અમે ચોક્કસ રાહ જોઈ હોત. સોરી હોં કે?” સૌમિત્ર ભૂમિને જોઇને અત્યંત ખુશ થઇ ગયો અને એ બધું એક જ ફ્લોમાં બકી ગયો. અચાનક એના ટેન્શન પર કોઈ ધીમેધીમે ઠંડુ પાણી રેડી રહ્યું હોય એવું તેને લાગવા માંડ્યું.

“અરે ના ના, સોરી તો મારે કહેવાનું હોય સૌમિત્ર. એકચ્યુઅલી કાલે મારી બેન..જેના ગયા મહિને મેરેજ થયા ને? એ યુએસ જાય છે એટલે એનું ફાઈનલ પેકિંગ ચાલે છે. એટલે મને જ એવું લાગ્યું કે હું જ વહેલી જઈને એડમીશન ફોર્મ લઈને ભરી દઉં. હું તો સાડા સાતની લાઈનમાં આવીને ઉભી રહી ગઈ હતી.” ભૂમિએ કહ્યું.

“તો અમે તમને જોયા કેમ નહીં?” વ્રજેશે વળતો સવાલ કર્યો.

“કદાચ તમે લોકો મને અહીં કેમ્પસ શોધી રહ્યા હશો ત્યારે હું લાઈનમાં છેક અંદર પહોંચી ગઈ હોઈશ ફોર્મ રી-ચેકિંગ કરવાના રૂમમાં.” ભૂમિએ કારણ આપ્યું.

“હા બની શકે. તો તમે રોકાવ છો ને? બસ અમારો વારો પણ હવે દસેક મિનીટમાં આવીજ જશે.” સૌમિત્રને હવે ભૂમિ સાથે ત્રણ મહિનાની કસર પૂરી કરવી હતી.

“નો સોરી યાર, પણ મારે જવું પડશે. ઓલરેડી સાડા દસ થઇ ગયા છે અને હું મારી દસ પચાસની બસ મીસ કરી દઈશ તો પછી કલાક રાહ જોવી પડશે.” ભૂમિએ પોતાની મજબુરી જણાવી.

“ઓહ મને એમ કે આપણે થોડીવાર વાતો કરીશું, બસ સ્ટેન્ડ જતાં જતાં...” સૌમિત્રના અવાજમાં સહેજ નિરાશા હતી. આજે સંગીતા પણ નહોતી એટલે એને ભૂમિ સાથે છૂટથી વાત કરવાનો પણ મોકો હતો.

“તે એમાં હું, કાલે ભૂમિની બેન અમેરિકા ઝાય છે તો તું ય ઝા ને એરપોટે મિતલા? ન્યા અઢળક વાત્યું કરજો.” હિતુદાને અચાનક ટમકું મુક્યું જેની કોઈને પણ આશા નહોતી. સૌમિત્ર અને વ્રજેશ હિતુદાનના આ બંને સડક થઇ ગયા અને વિચારવા લાગ્યા કે ભૂમિનું રિએકશન કેવું હશે?

“હિતુભાઈનો આઈડિયા ખોટો નથી, જો તમને દૂર ન પડતું હોય તો આવોને એરપોર્ટ? પપ્પાને અચાનક યુકે જવાનું થયું છે, તો મને અને મમ્મીને પણ થોડી હેલ્પ થઇ જશે....બે હેવી બેગ્સ છે.” સૌમિત્રને હિતુદાનના લોચાનો ભૂમિ આટલો પોઝિટીવ જવાબ આપશે એની બિલકુલ આશા ન હતી. ભૂમિના જવાબથી એ કન્ફયુઝ થઇ ગયો કે તેણે રિલેક્સ થવું કે ખુશ થવું.

“હા તો બોલોને ક્યારે આવું?” સૌમિત્ર હવે ભૂમિ સાથે આવતીકાલની મિટિંગ કન્ફર્મ જ કરી લેવા માંગતો હતો.

“એક્ચ્યુલી, કાલે સાડા ચારની મુંબઈની ફ્લાઈટ છે અને ત્યાંથી પછી રાત્રે દસ વાગ્યે ન્યૂયોર્કની ફ્લાઈટમાં દીદી જવાની છે. અમે બે વાગ્યે એરપોર્ટ પહોંચી જઈશું. જો તમે ત્યારે ત્યાં હાજર હોવ તો...” ભૂમિના અવાજમાં અત્યારે રિક્વેસ્ટ હતી.

“ચોક્કસ કેમ નહીં?” હું ત્યાં બે વાગ્યે નહીં દોઢ વાગ્યે આવી જઈશ. તમે ચિંતા ન કરો.” સૌમિત્રએ વગર કશું વિચારે ભૂમિને હા પાડી દીધી.

“થેંક્યું વેરી મચ. તમે મારી ખુબ મોટી ચિંતા ઓછી કરી દીધી સૌમિત્ર. મને ખ્યાલજ નહોતો આવતો કે હું, દીદી અને મમ્મી એરપોર્ટ પર આ બધું કેવીરીતે મેનેજ કરીશું?” ભૂમિના ચહેરા પર રાહત દેખાઈ રહી હતી.

“અરે એમાં શું, મિત્ર જ મિત્રની મદદે આવે ને?” સૌમિત્રએ સ્મિત સાથે વળતો જવાબ આપ્યો.

ભૂમિ તો ત્યાંથી નીકળી ગઈ. સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાનના સેકન્ડ યરની ફિસ અને ફોર્મ્સ પણ ભરાઈ ગયા. હિતુદાને ભલે એની ટેવ મુજબ લોચો માર્યો હતો પણ સૌમિત્ર માટે એ લોચો બરોબર પાર પડ્યો હતો એટલે ખુશ થઈને સૌમિત્રએ હિતુદાનને એની ફેવરિટ સિગરેટ પિવડાવી પણ સિગરેટના પૈસા ચૂકવવા પર્સ ખોલતાંજ એને ખ્યાલ આવ્યો કે અઠવાડિયાના માત્ર પચાસ રૂપિયાની એની પોકેટમનીમાંથી એ પાંત્રીસ રૂપિયા ઓલરેડી ખર્ચ કરી ચૂક્યો હતો તો હવે આવતીકાલે એ એરપોર્ટ ભલે સિટી બસમાં જાય તો પણ ત્યાં એરપોર્ટ પર અચાનક કોઈ ખર્ચો આવી જાય અને ભૂમિને ઈમ્પ્રેસ કરવા માટે તેણે પોતાનું પર્સ કાઢવું પડે તો એ કેવીરીતે શક્ય બનશે? જનકભાઈ તો એને સોમવાર સીવાય બીજા પચાસ રૂપિયા આપશે નહીં અને મમ્મી પાસેથી વારંવાર પૈસા લેવાનું અને એ પણ પપ્પાથી છુપાઈને, ખોટું બોલીને એ હવે સૌમિત્રને ગમતું ન હતું.

હિતુદાન ઘણાં દિવસે મળેલી એની ફેવરિટ સિગરેટ ના કશ લઇ રહ્યો હતો જ્યારે વ્રજેશ તેને અતિપ્રિય એવું ભગત અને ચુટકી માઉથ ફ્રેશનર મિક્સ કરીને એની મજા માણી રહ્યો હતો. આ ત્રણેય ખાસ મિત્રોમાંથી જો કોઈ ટેન્શનમાં હતું તો એ માત્ર સૌમિત્ર હતો.એ સતત વિચારી રહ્યો હતો કે આવતીકાલે એક એક્સ્ટ્રા સો ની નોટની વ્યવસ્થા એ કેવીરીતે કરશે ?

***

પ્રકરણ ૪

“હું થ્યું મિતલા?” સૌમિત્રને સતત એના પર્સ તરફ જોઇને અને કોઈક વિચારોમાં ખોવાયેલો જોઇને હિતુદાને સિગરેટનો એક કશ ખેંચીને પૂછ્યું. પણ સૌમિત્ર એના ખયાલોમાં જ વ્યસ્ત હતો.

“સૌમિત્ર, સાઈઠ નંબરની બસમાં બેઠો લાગે છે!” વર્જેશે સૌમિત્રને ખોવાયેલો જોઇને ભૂમિ જે નંબરની બસમાં રોજ કોલેજ આવ-જા કરતી હતી તેનો નંબર બોલ્યો.

“એ મોટા...ક્યાં સો?” હિતુદાને સૌમિત્રનો ખભો પકડીને હલાવ્યો અને સૌમિત્ર જાગ્યો.

“હેં?? શું?” અચાનકજ સૌમિત્ર જાગ્યો હોવાથી એણે કુદરતી રિએક્શન આપ્યું.

“આમ કાં પરસ હામે ઝોયે રાખ? કાંક પડી ગ્યું કે હું?” હિતુદાને હવે સિગરેટ પૂરી કરી લીધી હતી અને નિયમ પ્રમાણે વ્રજેશની ચુટકીમાંથી ચાર દાણા લઈને ખાઈ રહ્યો હતો.

“ના, ના કશું નથી પડ્યું. કેમ?” સૌમિત્ર હવે પુરા ભાનમાં આવી ચુક્યો હતો.

“તો તું આમ સતત પર્સ સામે જોઇને શું વિચારતો હતો સૌમિત્ર?” વ્રજેશે સૌમિત્રને સીધો સવાલ કર્યો.

“ના ના એ તો એમજ.” સૌમિત્રને પોતાની સમસ્યા એના ખાસ મિત્રોથી છુપાવવી હતી.

“ભારતની આર્થિક શમશ્યાઓ બાય સોમિતર પંડ્યા!” હિતુદાન હસતાંહસતાં બોલ્યો અને વ્રજેશે એના ખભે ટપલી મારી. બંને સૌમિત્ર સામે જોઇને હસી રહ્યા હતા.

સૌમિત્રને રીતસર નવાઈ લાગી કે તેના મિત્રોને કેવીરીતે ખબર પડી ગઈ કે એ પૈસાની તકલીફ બાબતે વિચારી રહ્યો હતો!!?? પણ એ વધારે કશું બોલ્યો નહીં અને ફક્ત ફિક્કું સ્મિત આપીને ઉભો રહ્યો.

“અંકલ તને સોમવાર સુધી પૈસા આપશે નહીં અને આન્ટી પાસેથી લેવા તને ગમશે નહીં, બરોબરને સૌમિત્ર?” સૌમિત્રની ઘરની પરિસ્થિતિથી વાકેફ એવા વ્રજેશે એની ચિતપરિચિત ઠંડકથી કહ્યું.

“હમમ...” સૌમિત્રને વ્રજેશનું એને કહ્યા વગર જ એની તકલીફ સમજવું તો ગમ્યું, પરંતુ એ એની સમસ્યાનો અંત નહોતો એટલે એનું ફિક્કું સ્મિત એણે ચાલુ રાખવું પડ્યું.

“તે તું હેની ચંત્યા કરસ? કાલ્ય ભૂમિને એરપોટ પર ઈમ્પ્રેસ જ કરવીછ ને તારે?” હિતુદાને સૌમિત્ર ના ખભા ફરતે હાથ મૂક્યો.

“પણ ગઢવી તકલીફ એક જ છે કે આપણા આ મિત્ર પાસે ગણતરીના જ પૈસા છે એમાં કાલે બસની આવવા-જવા ની ટિકિટ ઉપરાંત ત્યાં ભૂમિને ઈમરજન્સીમાં કઈક ખરીદવાનું આવે તો હું છું ને? એમ કહીને એને ઈમ્પ્રેસ કરવા માટે આટલા પૈસા ઓછા પડે.” વ્રજેશે બીજી તરફથી સૌમિત્રના ખભાની ફરતે હાથ મુક્યો.

આમ હિતુદાન અને વ્રજેશ બંનેની વચ્ચે સૌમિત્ર ઉભોઉભો વિચારી રહ્યો હતો કે એના જણાવ્યા વગર જ એના મિત્રોને એની તકલીફ વિષે કેટલી ડીટેઇલમાં ખબર છે? કદાચ આનું નામ જ ફ્રેન્ડશીપ કહેવાતું હશે.

“તે તારે ચંત્યા કરવાની હું ઝરૂર સે? ભારતની આર્થિક શમશ્યા હાટુ તો એક ઝ વર્લ્ડ બેંક સે પણ અમારા આ સોમિતર હાટુ તો બબે વર્લ્ડ બેંકુ સે!” આટલું કહેતાંની સાથેજ હિતુદાને પોતાનું પર્સ કાઢ્યું અને એમાંથી સો રૂપિયાની એક નોટ કાઢીને સૌમિત્ર તરફ ધરી.

સૌમિત્ર ઘા ખાઈ ગયો. હજી એ વધુ વિચારે ત્યાંતો વ્રજેશે પણ પોતાના પેન્ટના પોકેટમાંથી પર્સ કાઢ્યું અને એણે પણ સો ની નોટ કાઢીને સૌમિત્ર સામે ધરી દીધી. હજી બે મિનીટ અગાઉ તો એ માત્ર પચાસ રૂપિયાની વ્યવસ્થા કેવીરીતે કરશે એની ચિંતા કરતો હતો ત્યાં અચાનકજ તેની નજર સામે સો-સો રૂપિયાની બે નોટો રમી રહી હતી. સૌમિત્રની આંખો સહેજ ભીની થઇ ગઈ કારણકે એના બંને મિત્રોએ આજે એને ખુબ મોટી સમસ્યામાંથી ચપટી વગાડતાંજ મુક્ત કરી દીધો હતો.

“એ મોટા નોટું નો લેવી હોય તો નો લે પણ આમ રોવાબોવાનું નય, હઈમજ્યો?” આટલું કહીને હિતુદાન સૌમિત્રને વળગી પડ્યો.

“જો બધા વાપરી ન નાખતો. બચે એટલા પરમદિવસે પાછા આપી દેજે ભાઈ. નહીં તો પછી અમારે વર્લ્ડ બેંક પાસે જવું પડશે.” હિતુદાનના હાથમાંથી છુટા પડેલા સૌમિત્રને વ્રજેશ હસતાંહસતાં બોલ્યો.

“ના ના, જરૂર પડશે તો જ વાપરીશ.” સૌમિત્રના ચહેરા પર ફાઈનલી સાચું સ્મિત આવ્યું.

“ના એમ કાંય હાલે? ઓલીને હારું લગાડવા હાટુ ન્યા એરપોટે ઓલી મોંઘા માઇલી શેન્ડવીસ ખવરાવવાની ઓફ્ફર કરી જ દેજે તું મિતલા, કાં વીજે ભાય? આવો મોકો ફરી નય મરે.” હિતુદાને વ્રજેશ સામે જોઇને કહ્યું.

“હા કાલતો એની મમ્મી અને બહેન પણ હશે એટલે તું તારે સેન્ડવિચ કે કોલ્ડ ડ્રિંકની ઓફર સામેથી કરી દેજે. પૈસા પાછા આપવાની ઉતાવળ જરાય ન કરતો. અમારે જોઈતા પણ નથી.” વ્રજેશે સૌમિત્રને આંખ મારતાં વળી સરપ્રાઈઝ આપ્યું.

“ના વ્રજેશ, ભૂમિ ઓલરેડી ઈમ્પ્રેસ છે જ એટલે વધારે જરૂર નથી. એ ઈમ્પ્રેસ છે એટલેજ તો એણે મને એરપોર્ટ બોલાવ્યો? હવે એ ઈમ્પ્રેસ તો એનું ફેમિલી પણ ઈમ્પ્રેસ! એટલે મારે હવે વધુ કોશિશ કરવાની જરૂર નથી. બસ ઈમરજન્સી માટે જ પૈસા જોઈતા હતા એટલે હું પરમદિવસે પાછા આપી જ દઈશ.” ભૂમિને ઈમ્પ્રેસ કરવા માટે જ પૈસા શોધી રહેલો સૌમિત્ર અચાનકજ જવાબદાર બનીને બોલ્યો.

“ના, પૈસા તો તું પાછા આપીશ તોય અમે નહીં લઈએ, કેમ ગઢવી? પણ એક કામ કર. આમાંથી જેટલા વધેને એટલા પૈસાથી બેંકમાં ખાતું ખોલાવી દે. પછી તારી પોકેટમનીમાંથી ભલે ને દર અઠવાડિયે દસ-દસ રૂપિયા વધે? એને એક ગલ્લામાં ભેગા કરતા રહેવાના અને જ્યારે સો રૂપિયા થાય એટલે વળી બેન્કમાં ભરી દેવાના.” વ્રજેશે આઈડિયા આપ્યો.

“વાત તમારી હાવ હાસી વીજેભાય.” હિતુદાને વ્રજેશના સૂરમાં સૂર પુરાવ્યો.

“હું અને ગઢવી આમ જ કરીએ છીએ. તને સો રૂપિયા આપવામાં અને તને રાખી મુકવાનું કેમ કહું છું? કારણકે નાનપણથી જ બેંકમાં કરેલું મારું સેવિંગ્સ એટલું તો છે કે સો-બસ્સો રૂપિયા મને અડે પણ નહીં. ગઢવીને તો દર મહીને એના પપ્પા ડ્રાફ્ટ મોકલે છે, તોપણ એ જરૂર પૂરતા જ વાપરીને બાકીના બચત માટે મૂકી દે છે. મેં પણ નાની ઉંમરથી જ પપ્પા પાસે આ શીખી લીધું હતું. આમ નાનું મોટું સેવિંગ્સ કરીશ તો કરોડપતિ નહીં થઈ જવાય પણ જો ભૂમિ સાથેના સંબંધમાં આગળ વધીશ તો એના પતિ બનવામાં હેલ્પ જરૂર થશે.” વ્રજેશ હસી રહ્યો હતો.

“અને ભવિસ્યમાં તારા પપા પાહેન મુસ્કેલીમાં હાથેય લાંબો નય કરવો પડે.” હિતુદાને એની સોનેરી સલાહ આપી.

કમાલના મિત્રો છે સૌમિત્રના! તકલીફમાં એને મદદ તો કરી જ અને હવે એવી જબરદસ્ત સલાહ આપી કે જેનાથી ભવિષ્યમાં એને એટલીસ્ટ આર્થિકરીતે ફરીથી મુંજાવાનો વારો ન આવે.

“તો પછી પરમદિવસે આપણે, ત્રણેય મારા ઘર પાસે નેશનલ બેંક છે ત્યાં જઈને ખાતું ખોલાવી જ દઈએ. મારી મમ્મીનું ખાતું છે એટલે એની ઓળખાણ ચાલી જશે. મારા રેશનકાર્ડ કે ઈલેક્ટ્રીસીટીના બીલની ઝેરોક્સ પણ સાથે લઇ લેશું!” સૌમિત્ર ખાતું ખોલાવવા તૈયાર થઇ ગયો.

“તે પરમ’દી એના હાટુ કોલેજમાં રઝા રાખવાનીછ?” હિતુદાન બોલ્યો.

“ના ગઢવી હાફ ડે રાખીએ. રિસેસ પછી જઈએ, એટલે સવારે ભૂમિ અને આપણા મિત્ર વચ્ચે કાલે એરપોર્ટ પર શું થયું એની ખબર પણ પડી જાય!” વ્રજેશે આઈડિયા આપ્યો.

“તો પછી જમવાનું મારે ઘેર!” સૌમિત્રએ હક્કથી કહ્યું અને બંને મિત્રો માની ગયા.

“પણ આન્ટીને કે’જે કે એમની સ્પેશિયલ કઢી બનાવે.” આ અગાઉ પણ સૌમિત્રને ત્યાં એકાદ વાર જમી ચૂકેલા વ્રજેશે પોતાની ફરમાઇશ કહી અને સૌમિત્રના ચહેરા પર ફરીથી સ્મિત આવી ગયું.

***

બીજે દિવસે સવારથીજ સૌમિત્ર ખુબ ઉત્સાહમાં હતો. આજે એ ભૂમિ સાથે ઓછામાં ઓછા ત્રણેક કલાકતો ગાળશેજ એ વિચારે જ એને આનંદિત કરી દીધો હતો. ઉપરાંત એને ભૂમિના ફેમિલીને પણ મળવાની તક મળવાની હતી અને એ જો બધુંજ સંભાળી લેશે તો ભૂમિના ફેમિલી પર પણ એની સારી છાપ પડશે એવો વિચાર આવતાની સાથેજ સૌમિત્રનો ઉત્સાહ અને આનંદ બેવડાઈ ગયો. જનકભાઈ એમના ખાસ મિત્રના પિતાનું અવસાન થયું હોવાથી સૌમિત્રના ઉઠવા પહેલાજ નવસારી જવા રવાના થઇ ગયા હતા અને બીજે દિવસે પરત આવવાના હતા એવું અંબાબેને જ્યારે સૌમિત્રને જણાવ્યું ત્યારે એને રાહત થઇ કે એણે એના પપ્પાને કોઈજ ખુલાસો કરવો નહીં પડે કે આજે તે કોલેજેથી કેમ મોડો આવશે?

અંબાબેનને સૌમિત્રએ તેના કોલેજના ‘મિત્ર’ની બહેન અમેરિકા જવાની હોવાથી પોતે એને મદદ કરવા એરપોર્ટ જવાનો છે એમ કહી દીધું હતું. અંબાબેને એમના સ્વભાવ પ્રમાણે કોઈજ સવાલ ન કર્યો, બસ એટલું જરૂર કીધું કે એ ઘરમાં એકલા હોવાથી સૌમિત્ર સાંજે બને તેટલો વહેલો ઘરે આવી જાય. ઉપરાંત અંબાબેને ઘઉંના ડબ્બામાં છુપાવીને રાખેલી પચાસ-પચાસની દસેક નોટ શોધી અને એમાંથી બે નોટ કાઢીને સૌમિત્રને આપી અને કીધું કે એને કદાચ જરૂર પડશે એટલે એ એને રાખે અને સાંજે જો ખુબ મોડું થવાનું હોય એવું લાગે તો રિક્ષામાં ઘેર આવતાં પણ અચકાય નહીં. સૌમિત્ર ખુબ ખુશ થયો કારણકે હવે તેની પાસે પૂરા ત્રણસો પંદર રૂપિયા હતા! પણ એજ ઘડીએ સૌમિત્રએ નિર્ણય કરી લીધો કે એ એરપોર્ટથી ઘેર આવતા ભલે બે બસો બદલવી પડે પણ આવશે તો બસમાંજ અને અંબાબેને આપેલા પૈસા અને વ્રજેશ અને હિતુદાને આપેલા પૈસામાંથી જે કાઈ પણ બચશે એ આવતિકાલે બેંકમાં જમા કરી દેશે.

આટલું વિચારીને સૌમિત્ર કોલેજે જવા નીકળ્યો. કોલેજમાં આજે ભૂમિ આવવાની નથી એની ખબર હોવાથી સૌમિત્રએ વગર કોઈ ચિંતા કરે ચાર લેક્ચર્સ ભર્યા અને પછી વ્રજેશ અને હિતુદાનને મળીને યુનિવર્સીટીથી લાલદરવાજા અને પછી સરદાર નગરની બીજી બસ પકડીને એ એરપોર્ટ તરફ રવાના થયો. સરદાર નગરથી સૌમિત્રએ શટલ રિક્ષામાં બેસીને એરપોર્ટ પહોંચ્યો ત્યારે સવા વાગ્યો હતો. પોતે ભૂમિને આપેલા વચન કરતાં પણ પંદર મિનીટ વહેલો પહોંચ્યો હોવાથી સૌમિત્રને સંતોષ થયો.

ભૂમિએ કહેલા સમય પ્રમાણે તે, તેની બહેન અને તેની મમ્મી બે વાગે આવવાના હતા એટલે પોણો કલાક સૌમિત્રએ ભવિષ્યમાં આવો મોકો ક્યારે મળે એમ વિચારીને એરપોર્ટની અંદર આંટા મારવાનું નક્કી કર્યું. ટિકિટબારી પરથી પાંચ રૂપિયાની ટિકિટ લઈને સૌમિત્ર એરપોર્ટમાં ઘુસ્યો અને એરપોર્ટ પર આવેલી પુસ્તકોની દુકાન કે પછી ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતી એક અન્ય દુકાનની તેણે મુલાકાત લીધી. ત્યાંજ દિલ્હીથી આવનાર ફ્લાઈટના અરાઈવલની જાહેરાત થઇ અને માત્ર અમુકજ મિનિટમાં કાન ફાડી નાખે એવો અવાજ આવ્યો અને સૌમિત્ર રનવે ની ઝલક દેખાડતી એક બારી તરફ રીતસર દોડ્યો. પોતાના જીવનમાં આ સૌમિત્રનું પહેલું ‘વિમાન દર્શન’ હતું. અત્યારસુધી ફિલ્મોમાં જ આ બધું જોતો સૌમિત્ર આભો બનીને બારીની બહાર જે ખરેખર બની રહ્યું હતું તેને જોતો રહ્યો. અચાનક તેણે પોતાની કાંડા ઘડિયાળ તરફ જોયું અને તેમાં એક ને પંચાવનનો સમય જોઇને તેણે એરપોર્ટની બહાર કદમ માંડ્યા.

***

સૌમિત્રની જેમ કદાચ ભૂમિ પણ સમયનું સન્માન કરતી હશે, એટલે સૌમિત્રના એરપોર્ટની બહાર આવવાની ગણતરીની મિનિટોમાં જ એક મોટી હોન્ડા કાર તેની સામે આવીને ઉભી રહી અને પાછલો દરવાજો ખુલતાંજ ભૂમિ એમાંથી બહાર નીકળી અને સૌમિત્ર સામે એનું એ સ્મિત રેલાવીને જોરથી એનો હાથ હલાવ્યો જે સ્ટાઈલનો સૌમિત્ર કાયલ બની ચુક્યો હતો. સૌમિત્રએ પણ યંત્રવત પોતાનો હાથ હલાવ્યો અને ભૂમિને સ્મિત આપ્યું, પણ સાથેસાથે વિચાર પણ આવ્યો કે “આવી જબરી લકઝરી કાર કોની હશે? ભૂમિ તો રોજ બસમાં આવ-જા કરે છે? પણ એ સવાલ એ ભૂમિને ફરી ક્યારેક પૂછશે કારણકે અત્યારેતો એણે સામાનની હેરફેરમાં ભૂમિ અને એની બહેનને મદદ કરવાની હતી. સૌમિત્ર કાર તરફ આગળ વધ્યો અને ડ્રાઈવરની બાજુનો દરવાજો ખુલ્યો અને એમાંથી ભૂમિની બહેન બહાર આવી અને સૌમિત્ર એને જોઇને એ જ્યાં હતો ત્યાંજ ખોડાઈ ગયો અને એના મનમાં બોલ્યો, “કરિશ્મા કપૂર!!”

“હાઈ, કેમ છે?” ભૂમિએ પોતાની બહેન તરફ સતત નજર રાખી રહેલા સૌમિત્ર સામે હાથ લંબાવ્યો.

સૌમિત્રએ ભૂમિ સામે બે સેકન્ડ જોઇને એનો હાથ તો પકડીને હલાવ્યો પરંતુ તેનું ધ્યાન ફરીથી એની બહેન તરફ જતું રહ્યું કારણકે એ ખરેખર કરિશ્મા કપૂર જેવીજ લગતી હતી અને એ સૌમિત્રની ફેવરીટ હિરોઈન પણ હતી. ખરેખર વ્હાઈટ ટ્રાઉઝર અને આછા પીળા ટી-શર્ટમાં ભૂમિની બહેન ખુબ આકર્ષક લાગી રહી હતી.

“લાગે છે ને કરિશ્મા કપૂર? પણ એ કરિશ્મા નથી હોં પણ મારી નિલમ દીદી છે.” સૌમિત્ર ક્યાં જોઈ રહ્યો છે એનો હવે ભૂમિને પણ ખ્યાલ આવ્યો એટલે એણે તરતજ એને પકડી પાડ્યો!

“હેં?” સૌમિત્ર ચોંક્યો કે ભૂમિને કેવીરીતે ખબર પડી ગઈ? પણ પછી તે પણ હસી પડ્યો. આ તરફ ભૂમિની વાતથી તેની બાજુમાં જ આવીને ઉભી રહી ગયેલી તેની બહેન ના ચહેરા પર શરમમિશ્રિત સ્મિત આવી ગયું.

“બધાં એવું જ કહે છે એટલે તું પણ કહીજ દે સૌમિત્ર, જરાય વાંધો નથી.” ભૂમિ હસી રહી હતી.

“એ આપણે સમાન લાઉન્જમાં મૂકી દઈએ પછી કરીએ તો?” નિલમ સાથે હાથ મેળવતા સૌમિત્રએ સ્વસ્થતા ભેગી કરીને કીધું.

“હવે બરોબર, આ તેં કીધુને બેટા એટલે હવે આગળ જવાશે, નહીં તો આ બે માતાજીઓ તો એકવાર કોઈ એમના વખાણ કરવાનું ચાલુ કરે એટલે પછી એક કલાક સીવાય ત્યાંથી ખસે જ નહીં.” ભૂમિના મમ્મી પણ હવે એલોકો સાથે જોડાયા. સૌમિત્ર એમને યંત્રવત પગે લાગ્યો.

“અરે હા! ચાલો પહેલા સામાન ફેરવી લઈએ અને મમ્મીની વાત સાવ સાચી પણ છે હોં કે સૌમિત્ર?” આટલું કહીને ભૂમિએ સૌમિત્ર સામે ફરીથી એનું તોફાની સ્મિત કર્યું.

સૌમિત્ર, ભૂમિ કારની ડીકી તરફ વળ્યા અને એમાંથી બે મોટી મોટી બેગો સૌમિત્ર અને ભૂમિએ ભેગામળીને માંડમાંડ નીચે ઉતારી અને એવામાં નિલમ એક ટ્રોલી લઈને આવી. પછી ત્રણેયે ભેગા મળીને એ બંને બેગ એ ટ્રોલી પર મૂકી. બેગ ટ્રોલી પર મુકીને ચારેય જણા ડિપાર્ચર લાઉન્જ તરફ વળ્યા. ભૂમિએ ડ્રાઈવરને ગાડી પાર્કિંગમાં લઇ જવાનું કહ્યું અને પોતે બહાર જ ઉભો રહે એવી સુચના પણ આપી જેથી પાછા ફરતી વખતે શોધતા તકલીફ ન પડે. ડિપાર્ચર લાઉન્જમાં પહોંચતાની સાથેજ નિલમે એરલાઇન્સના કાઉન્ટર પર જઈને ચેક-ઇન કરાવી લીધું. લગભગ એક કલાક સૌમિત્ર, ભૂમિ, નિલમ અને ભૂમિના મમ્મી વાતો કરતા રહ્યા. ભૂમિએ એની બહેન અને મમ્મી પાસે સૌમિત્રના વખાણ કર્યા અને સૌમિત્ર એને સસ્મિત સાંભળતો રહ્યો. સૌમિત્ર કેટલો સારો વક્તા છે અને એની નોટ્સ કેટલી નીટ એન્ડ ક્લીન હોય છે એ બાબતતો ભૂમિએ એલોકોને ખાસ કહી.

આ દરમ્યાન સૌમિત્રએ બે-ત્રણ વખત નાસ્તો કે પછી કોલ્ડ ડ્રીંકની ઓફર કરી પણ ત્રણેયે એની ના પાડી, પછી ભૂમિ પોતેજ સૌમિત્રને લઈને એરપોર્ટની રેસ્ટોરન્ટમાં ગઈ અને ચારેય માટે કોલ્ડ ડ્રીંક્સ લીધા અને સૌમિત્રને એક પૈસો પણ ખર્ચવા ન દીધો. ત્યાંતો મુંબઈ જવાની ફ્લાઈટ પણ આવી ગઈ અને પેસેન્જરોને ફ્લાઈટમાં બેસવાની અનાઉન્સમેન્ટ થઇ. નિલમનું ઈમિગ્રેશન વગેરે મુંબઈમાં થવાનું હતું એટલે અનાઉન્સમેન્ટ થતાંજ તે ઉભી થઇ. નિલમના ઉભા થતાંજ ભૂમિ તેને વળગી પડી અને ખુબ રડવા લાગી. નિલમ અને ભૂમિની પાછળ ઉભેલા તેના મમ્મીની આંખોમાં પણ આંસુ હતા. સૌમિત્રનું હ્રદય આ જોઇને ભારે જરૂર થઇ ગયું પણ તેણે સ્વસ્થતા જાળવી. નિલમ તેની મમ્મીને પણ ભેટીને ખુબ રડી અને પછી તેણે પ્રસ્થાન કર્યું.

નિલમની ફ્લાઈટ ઉપડી જતા સૌમિત્ર, ભૂમિ અને ભૂમિની મમ્મી એરપોર્ટની બહાર નીકળ્યા. ભૂમિએ સૌમિત્રને કારમાં દિલ્હી દરવાજા સુધી સાથે આવવાનું કહ્યું અને લાલદરવાજાને બદલે ત્યાંથી જ બસ લઇ લેવાની સલાહ આપી. સૌમિત્ર ભૂમિ સાથે વધુ સમય રહેવા માટે કશું પણ કરવા તૈયાર હતો. પણ કારમાં પણ ભૂમિ અને એની મમ્મી સાથે વાત કરતા કરતા એ સતત વિચારી રહ્યો હતો કે આ કાર જેમાં એ બેઠો છે એ કોની હશે? સાથેસાથે એ એમ પણ વિચારી લેતો કે સમય આવ્યે એ ભૂમિને જ પૂછી લેશે.

***

બીજા દિવસે સૌમિત્રએ વ્રજેશ અને હિતુદાનને ગઈકાલે શું બન્યું એનો આખો રિપોર્ટ આપી દીધો. સૌમિત્ર અને ભૂમિ બંને હવે સાચી દિશામાં આગળ વધી રહ્યા છે એનો બંનેને સંતોષ થયો. સૌમિત્રએ પણ એમને સમજાવ્યા કે જો તેણે ઉતાવળ કરી હોત તો કદાચ આવો મોકો એને ન પણ મળત. જેની સાથે એ બંને સહમત થયા. પછી નક્કી કર્યા પ્રમાણે ત્રણેય જણા સૌમિત્રને ઘેર ગયા અને જમ્યા પછી સૌમિત્રના ઘર પાસે આવેલી નેશનલ બેંકમાં ખાતું ખોલાવવા ગયા. સૌમિત્રએ પૂરા અઢીસો રૂપિયાથી પોતાના નામે ખાતું ખોલાવ્યું.

આ તરફ સૌમિત્ર અને ભૂમિ વચ્ચેની દોસ્તી હવે વધુને વધુ ઘેરો રંગ પકડતી જતી હતી. દિવાળી પહેલાની ટર્મિનલ એક્ઝામ નજીક આવતી હતી. સૌમિત્રને તો હવે ભણવામાં પણ મહેનત કરવાની ટેવ પડી ગઈ હતી. પણ આ વખતે ભૂમિએ પણ એની પાસેથી એક્ઝામ માટે કેવીરીતે તૈયારી કરી એની ટીપ્સ લીધી. કોલેજની કેન્ટીનમાં ભેગા બેસીને કલાકો કોઇપણ વિષય વગર ચર્ચા કરવી એ સૌમિત્ર અને ભૂમિ માટે કાયમી બની ગયું હતું. આમને આમ પહેલી ટર્મની એક્ઝામ આવી ગઈ અને આજે એનું છેલ્લું પેપર હતું. વ્રજેશ અને હિતુદાન બે દિવસથી સૌમિત્રને ફરીથી કહી રહ્યા હતા કે હવે તો એ અને ભૂમિ ખુબ નજીક આવી ગયા હતા તો સૌમિત્રએ ભૂમિને પોતાની લાગણી કહી દેવી જોઈએ. પછી વળી દિવાળી વેકેશન પડશે અને પાછી સૌમિત્ર તારીખ પાડશે. પણ સૌમિત્રએ ના પાડતા યોગ્ય મોકો મળશે એટલે તરતજ એ ભૂમિને પ્રપોઝ કરી દેશે એવી ખાતરી તેના બન્ને ખાસ મિત્રોને આપી દીધી.

સામાન્યતઃ કોલેજનું છેલ્લું લેક્ચર બપોરે બાર-સાડાબાર વાગે પતતું હોય છે, પરંતુ એક્ઝામ ચાલતી હોવાથી તમામ સ્ટુડન્ટ્સ સાડા દસે નવરા થઇ જતા. આજે વેકેશન પહેલાનો છેલ્લો દિવસ હોવાથી સૌમિત્રની ઈચ્છા હતી કે એ ભૂમિ સાથે એકાદ કલાક કેન્ટીનમાં બેસે.

“હાઈ, કેવું હતું પેપર?” વ્રજેશ અને હિતુદાન સાથે વાતો કરી રહેલો સૌમિત્ર કેન્ટીન તરફ જઈ રહ્યો હતો, ત્યાં જ ભૂમિએ એની આદત મુજબ પાછળથી એના ખભા પર ટપલી મારીને બોલાવ્યો.

“ફર્સ્ટક્લાસ! અને તમારું?” સૌમિત્રએ પાછું વળીને ભૂમિ સામે જોયું.

“ઓકે ઓકે હતું, પણ ચાલે... પાસ થઇ જઈશ.” ભૂમિએ સ્મિત કર્યું પણ એ એનું ટ્રેડમાર્ક એવું રમતિયાળ સ્મિત નહોતું એની નોંધ સૌમિત્રએ લીધી.

“તો વાંધો નહીં. ચાલો કેન્ટીનમાં. આજે છેલ્લો દિવસ છે દિવાળી વેકેશન પહેલાં, તો આપણે ચારેય સેલિબ્રેશન કરીએ.” સૌમિત્રએ ભૂમિને આમંત્રણ આપ્યું.

“એક્ચ્યુલી સૌમિત્ર મારે તમારી સાથે થોડીક પર્સનલ વાત કરવી છે, જો તમને વાંધો ન હોય તો આપણે કેન્ટીનને બદલે રોઝ ગાર્ડનમાં જઈએ તો?” ભૂમિએ વિનંતીના હાવભાવ સાથે કીધું.

સૌમિત્ર અચાનક ડઘાઈ ગયો! ભૂમિને એવું શું કામ હશે? શું એ કોઈ તકલીફમાં હશે? કે પછી એ સૌમિત્ર વિષે પોતે શું ધારે છે એ બાબતે કશું કહેશે? આમ વિચારતા વિચારતા એણે વ્રજેશ અને હિતુદાન સામે જોયું. વ્રજેશે એને આંખના ઇશારાથી ભૂમિ સાથે જવાનું કહ્યું.

“અરે, હા હા, કેમ નહીં તમે બંને જાવ અને શાંતિથી વાતો કરો. અમે અમારી બસનો ટાઈમ થશે એટલે નીકળી જઈશું.” વ્રજેશે સૌમિત્ર એનો આંખનો ઈશારો ન સમજતા બોલ્યો.

“હાલો તો જય માતાજી!” હિતુદાનને સૌમિત્ર અને ભૂમિ રોઝ ગાર્ડન જવા તાત્કાલિક નીકળી જાય એની વધુ ઉતાવળ હતી.

“ઓકે, તો પછી...હું જાઉં?” સૌમિત્ર હજી કન્ફયુઝ હતો.

“એ હા, તું ને ભૂમિ નીકરો, અમે હાઈલા અને હાઈંજે વીજેભાયને ફોન કરી દેજે ઈને તારું કાંક કામ સે?” હિતુદાને સૌમિત્ર અને ભૂમિ વચ્ચે શું વાતો થઇ એનો રિપોર્ટ સાંજે વ્રજેશને આપવાનો ગર્ભિત ઈશારો કરી દીધો.

“શું કામ છે વ્રજેશ બોલને અત્યારે જ...” સૌમિત્રએ વ્રજેશ સામે જોઈ રહ્યો.

વ્રજેશને ગુસ્સો આવ્યો કે સૌમિત્ર કેમ નહોતો સમજી રહ્યો કે એ અને હિતુદાન બેય એવું ઈચ્છે છે કે એ ભૂમિ સાથે જલ્દીથી રોઝ ગાર્ડન જાય અને એની સાથે વાતો કરે તો કદાચ આજે એનો મેળ ખાઈ જાય.

“એ હું સાંજે જ કહીશ, મારે અગિયાર ને દસની બસ છે, ચાલો હેપ્પી દિવાલી અને હેપ્પી ન્યૂ યર ... બંને ને.” એમ કહીને વ્રજેશ અને હિતુદાન, સૌમિત્ર અને ભૂમિને દિવાળીનું એડવાન્સમાં વિશ કરીને ચાલવા જ લાગ્યા એટલે સૌમિત્ર બીજો કોઈ સવાલ કરીને પોતાનોજ ટાઈમ ન બગાડે.

“તો આપણે જઈશું સૌમિત્ર?” ભૂમિએ સૌમિત્ર સામે જોયું.

પોતાને આમ મઝધારમાં છોડીને જતા રહેલા વ્રજેશ અને હિતુદાનને જોતા જોતા સૌમિત્ર યંત્રવત ભૂમિ સાથે કોલેજના દરવાજા તરફ ચાલવા લાગ્યો. મનમાં એકજ વિચાર કે એવું તે શું હશે કે ભૂમિને આજે સામેથી તેની સાથે વાત કરવાનું મન થયું? જો એ એને સામેથી પ્રપોઝ કરશે તો એ શું જવાબ આપશે?

રસ્તો ક્રોસ કરીને સૌમિત્ર અને ભૂમિ રોઝ ગાર્ડનમાં બહાર ન બેઠા પરંતુ ભૂમિના કહેવાથી અંદરના રૂમમાં ગયા. થોડીવારમાં વેઈટર પાણી પીરસી ગયો.

“હા બોલો ભૂમિ... તમારે મને શું કહેવું હતું?” સૌમિત્ર એના હ્રદયના ધબકારા ખુદ સાંભળી રહ્યો હતો અને

ભૂમિ હવે શું બોલશે એના માટે એ પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો.

***

પ્રકરણ ૫

સૌમિત્રના પૂછવા પછી પણ ભૂમિ થોડીવાર મૂંગી રહી. સૌમિત્રથી ભૂમિનું આ મૌન જરાય સહન નહોતું થઇ રહ્યું. પરંતુ તેમ છતાં તેની પાસે ભૂમિ કશુંક બોલે એની રાહ જોવા સીવાય બીજો કોઈજ રસ્તો હતો પણ નહીં એટલે એ મૂંગો જ રહ્યો. થોડીવાર પછી સૌમિત્રએ જોયું તો ભૂમિની આંખમાંથી આંસુઓ ટપકવા લાગ્યા અને પછી તો અમુક સેંકડો પછી આવતા આંસુઓ હવે નદીની જેમ સતત વહેવાના શરુ થઇ ગયા.

“અરે શું થયું ભૂમિ? બધું ઓકે છે ને?” સૌમિત્રને પણ ખ્યાલ નહોતો આવતો કે એ ભૂમિના આમ અચાનક રડવાનું કેવીરીતે રિએક્શન આપે. એણે ફક્ત પોતાનો રૂમાલ ભૂમિ સામે ધર્યો.

“થેન્ક્સ! હા, બધું ઓકે જ છે પણ મને આજકાલ નિલમ દીદીની ખુબ યાદ આવે છે. એ મારી દીદી કરતાં મારી સૌથી મોટી દોસ્ત છે.” ભૂમિએ સૌમિત્રએ આપેલા રૂમાલથી પોતાના આંસુ લુછવાની સાથેસાથે પરાણે પોતાના ચહેરા પર સ્મિત લાવવાની કોશિશ કરી.

“હમમ...હું સમજી શકું છું ભૂમિ, પણ આમાં શું થઇ શકે? એમના લગ્ન થઇ ગયા એટલે એમણે જવું તો પડે જ ને?” કાયમ હસતી ભૂમિના આમ અચાનક રડી પડવાથી સહેજ અસ્વસ્થ થઇ ગયેલા સૌમિત્રએ એને એ સમયે જે યોગ્ય લાગ્યું એ બોલી દીધું.

“એમ હોત તો પણ ક્યાં વાંધો હતો? તો તો હું પણ એમના લગ્ન પછી કે એમના યુએસએ ગયા પછી આટલા બધા દિવસે આટલું રડત નહીં.” ભૂમિએ હવે સસ્પેન્સ ઉભું કર્યું.

“એટલે? હું સમજ્યો નહીં.” ભૂમિ શું કહેવા માંગે છે એ સૌમિત્ર ખરેખર સમજી શક્યો ન હતો.

“એટલે એમ કે નિલમ દીદીના મેરેજ એમની મરજીથી નથી થયા.” ભૂમિએ હવે રીતસર બોમ્બ ફોડ્યો.

“ઓહ! તો?” સૌમિત્ર પણ ભૂમિના બોમ્બથી ડઘાઈ ગયો.

“દીદી, એમની કોલેજના ફ્રેન્ડ મયંકને ખુબ પ્રેમ કરતી હતી પણ પપ્પાને એ પસંદ નહોતું.” ભૂમિએ વાત આગળ વધારી.

“એટલે દીદીના લગ્ન...” સૌમિત્રને ભૂમિને રોકવી ન હતી અને તેને પણ હવે રસ જાગ્યો હતો, નિલમની વાતમાં.

“મારા પપ્પાનું નામ તો કદાચ તમે જાણતા જ હશો... પ્રભુદાસ અમીન!” ભૂમિએ હવે બીજો બોમ્બ ફોડ્યો.

“હેં? એટલે પેલા મેઘદૂત કેમિકલ્સ, મેઘદૂત સિરામિક્સ વગેરે વગેરે વાળા પ્રભુદાસ અમીન???” સૌમિત્ર એકદમ આશ્ચર્યચકિત થઇ ગયો. એ માની જ નહોતો શકતો કે એ અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત આખાના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક એવા પ્રભુદાસ અમીનની પુત્રી સાથે અત્યારે અમદાવાદના કોઈ ખૂણે એક સાવ નાના રેસ્ટોરન્ટમાં બેસીને એની બહેન વિષેની વાત સાંભળી રહ્યો છે. અત્યારસુધી એવો મોકોજ નહોતો મળ્યો કે ભૂમિ અને સૌમિત્ર બંને એકબીજાના કુટુંબ વિષે કોઈ ચર્ચા કરે અને એવી જરૂર પણ નહોતી ઉભી થઇ.

“હા એ જ.” સૌમિત્રના બંને સવાલનો ભૂમિએ આટલોજ જવાબ આપ્યો, જો કે હવે તે થોડી સ્વસ્થ જણાતી હતી.

“એ...એ તો ગયા વખતે મણિનગરથી એમ એલ એ પણ હતા ને?” સૌમિત્ર હજી ભૂમિના પિતા વિષે પાક્કું કરવા માંગતો હતો.

“હા, સૌમિત્ર...” ભૂમિએ ફરીથી સૌમિત્રના લાંબા સવાલનો ટૂંકો જવાબ આપ્યો, કારણકે એને કદાચ ખ્યાલ હતો કે સૌમિત્ર આવું જ કશુંક રિએક્શન આપશે એટલે એ ધીમેધીમે સૌમિત્રને સેટલ કરાવવા માંગતી હતી.

સૌમિત્રએ હવે તાળો મેળવ્યો કે એરપોર્ટ પર જ્યારે ભૂમિ એની નિલમ દીદીને મુકવા આવી ત્યારે ઈમ્પોર્ટેડ હોન્ડા કારમાં કેમ આવી હતી. એના પિતા એટલેકે ‘ધી પ્રભુદાસ અમીન’ હોય, પછીતો એ આવી મોંઘી કારમાં જ આવે ને? અરે કદાચ એમની પાસે આવી તો ડઝનબંધ કારો છે એવુંપણ એ ઘણીવાર છાપાઓમાં વાંચી ચુક્યો હતો. તો પછી ભૂમિ કેમ રોજ બસમાં આવ-જા કરતી હતી? સૌમિત્રને લાગ્યું કે આ સવાલ એ ભૂમિને પછીથી કરશે, અત્યારે એની પહેલી ફરજ છે ભૂમિને સાંભળવાની અને તેનું દુઃખ હળવું કરી આપવાની.

“ઓકે...” સૌમિત્ર હવે ભૂમિ શું કહેશે એ જાણવા માટે ઉત્સુક બની ચુક્યો હતો.

“તમને નવાઈ લાગે છે ને સૌમિત્ર? આપણે દીદીના યુએસએ ગયા પછી આટલુબધું મળ્યા, લગભગ રોજ વાતો કરી પણ મેં તમને મારા વિષે કોઈ અણસાર પણ ન આવવા દીધો, હેં ને?” ભૂમિ હવે સ્મિત આપી રહી હતી.

“હા, હું ખોટું નહીં બોલું, પણ આપણે અત્યારસુધી ફક્ત આપણી સ્ટડીઝ વિષે કે પછી બીજીબધી વાતો જ કરતા હતા. મેં પણ તમને મારા ફેમિલી વિષે કશું કીધું નથી. હવે મને ખરેખર નવાઈ લાગે છે કે આ બે-ત્રણ મહિનામાં આપણે એકપણ વાર આપણા અંગત લોકો વિષે કેમ કોઈ ચર્ચા ન કરી?” સૌમિત્રએ સ્વિકારી લીધું.

“હમમ..પણ આજે મારે મારું દિલ તમારી સામે ખોલી નાખવું છે. દીદીના ગયા પછી મને ખુબ એકલું એકલું લાગે છે. દીદી હતી તો હું એને બધુંજ કહેતી. મારી ખુશી, મારું દુઃખ અરે ઇવન મારો ગુસ્સો પણ એના પર જ ઉતારતી. સંગીતા છે, પણ એ તમારા જેટલી મેચ્યોર નથી, અને સાચું કહુંતો એ કદાચ મને કોઈ રસ્તો કે કોઈ હુંફ પણ આપી શકે એમ નથી. તમે જેરીતે સામેથી એરપોર્ટ આવ્યા અને એરપોર્ટથી માંડીને આજસુધી આપણે જે રીતે વાતો કરી, મને લાગ્યું કે તમે એટલા મેચ્યોર તો છો જ સૌમિત્ર કે તમે મને સમજી શકો. મારે તમારી પાસે રોદણાં નથી રડવા પણ મારે એક એવો મિત્ર જોઈએ છીએ જેની સાથે હું એ બધું જ શેર કરું જે હું દીદી સાથે શેર કરતી હતી. મને ખબર છે દીદી સાથે હું ફોન પર આઈ એસ ડી પર કલાક વાત કરું તોયે પપ્પા મને ના લડે, પણ હું છું જ એવી, હું ક્યારેય સામેથી દીદીને ફોન નથી કરતી. હા, પપ્પા કે મમ્મી વિકેન્ડમાં યુએસ કોલ કરે તો હું દીદી સાથે વાત કરી લઉં, પણ એકલી તો ક્યારેય નહીં.” ભૂમિ હવે રિલેક્સ લાગતી હતી અને હવે વધારે ખુલી રહી હતી.

“ચોક્કસ, ભૂમિ. આપણે ફ્રેન્ડ્સ હોવાનું સર્ટીફિકેટ લેવાની કોઈજ જરૂર નથી. તમે મારા પર વિશ્વાસ મૂક્યો અને પોતાની અંગત વાતો મારી સાથે શેર કરવાનું નક્કી કર્યું એ મારા માટે અભિમાનની વાત છે. બેધડક થઈને આજે તમારું દિલ ખોલી નાખો.” સૌમિત્રના ચહેરા પર અભિમાન મિશ્રિત સ્મીત હતું. તેના માટે તેની મંઝીલ તરફ આજે ભૂમિએ ખુદે તેને એક મોટું પગલું માંડી આપ્યું હતું.

સૌમિત્રએ બે કોફીનો ઓર્ડર આપ્યો અને ભૂમિ સામે એ રીતે જોયું, જાણેકે એ ભૂમિને પોતાની સ્ટોરી કહેવાનું શરુ કરવાનું કહેતો હોય.

“તમને નવાઈ તો લાગી હશેને સૌમિત્ર કે પ્રભુદાસ અમીન જેવા બિઝનેસમેન જે કદાચ ગુજરાતમાં પહેલાં પાંચ ઉદ્યોગપતિઓમાંથી એક છે એમની દિકરી એટલેકે ભૂમિ રોજ બસમાં આવનજાવન કરે છે, સિમ્પલ ડ્રેસીઝ પહેરે છે અને આમ રોડ ઉપર લારીઓ પાસે ઉભી રહીને દાબેલી કે પફ કેમ ખાતી હશે, હેં ને?” ભૂમિએ પોતાની વાતની શરૂઆત સૌમિત્રના મનમાં લાંબા સમયથી રમી રહેલા સવાલથી જ કરી.

“હા, મને તો ત્યારેજ નવાઈ લાગી હતી જ્યારે એરપોર્ટ પર તમે, નિલમ દીદી અને તમારા મમ્મી હોન્ડામાં આવ્યા હતા.” સૌમિત્ર પણ હવે સહજ બની રહ્યો હતો.

“આઈ નો! સૌમિત્ર, પણ હું પહેલેથીજ અલગારી છું. મને મારા પપ્પાની દુનિયાએ ક્યારેય આકર્ષિત કરી નથી. દીદી અલગ છે. એ કાયમ પાર્ટીઓમાં જાય, મોંઘી રેસ્ટોરન્ટમાં કે હોટલોમાં જાય અને કાર વીના તો એ ઘરની બહાર પગ પણ ના મુકે. હા મયંકભાઈએ એને જરૂર બદલી નાખી હતી, પણ એ પહેલાં તો એ એવી નહોતી જ. જ્યારે હું? મને બસમાં જ બધે ફરવાનું ગમે. મને ટ્રેકિંગ કરવાનું ગમે અને પાર્ટીઓ તો બિલકુલ ના ગમે. અમે ફર્સ્ટ યરના વેકેશનમાં દીદીના મેરેજ પછી ગિરનાર ફરવા ગયા હતા. મમ્મી-પપ્પા ત્યાં એક રિસોર્ટમાં રહ્યા હતા જ્યારે હું અને સંગીતા જૈન ધર્મશાળામાં. પપ્પા ખુબ લડ્યા, પણ હું છું જ જિદ્દી એટલે બિલકુલ ન માની.”

“હાહાહા...” સૌમિત્ર હસી પડ્યો, કારણકે હવે ભૂમિ પણ હસી રહી હતી.

“પણ, દીદીની જીદ પપ્પા સામે ન ચાલી. ખરેખર તો એ જીદ હતી જ નહીં, એ વિનંતી હતી. દીદી પપ્પાના પગે પડી ગઈ હતી, રિતસર ભીખ માંગી હતી એણે મયંકભાઈ માટે. પણ પપ્પા ન માન્યા. એમણે તો ઉલટી દીદીને ધમકી આપી દીધી કે જો એ મયંકભાઈને નહીં છોડી દે તો બે દિવસ પછી મયંકભાઈનો અતોપતો પણ નહીં મળે.” ભૂમિ ફેમિલી રૂમના બંધ દરવાજા સામે સતત જોઇને બોલી રહી હતી. એની આંખો ફરીથી ભીની થઇ ગઈ હતી.

“તો પછી એ બંને એ ભાગીને...?” સૌમિત્રને હવે ભૂમિનું દિલ પૂરેપૂરું ખાલી થઇ જાય એ જોઈતું હતું.

“ના, એ બંને ખુબ ગભરુ છે સૌમિત્ર. દીદી એટલા લાડમાં ઉછરી છે કે હિંમત તો એની આસપાસ ફરકે પણ નહીં અને મયંકભાઈ મૂળ ચિત્રકાર એટલે એમપણ સાવ નરમ દિલના, એટલે ભાગી જવાનું તો એલોકો સપનામાં પણ ન વિચારી શકત.” ભૂમિએ સૌમિત્રના સવાલનો જવાબ આપ્યો.

“પછી..?’ સૌમિત્રએ આગલો સવાલ કર્યો.

“પછી દીદીએ પપ્પા પાસે મયંકભાઈને છેલ્લી વાર મળવા દેવાની પરમીશન માંગી. દીદી અને મયંકભાઈ આશ્રમ રોડ પાસે પેલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ને ત્યાં મળ્યા...છેલ્લી વાર. હું પણ દીદી સાથે ગઈ હતી. બંને એકબીજાનો હાથ પકડીને ખુબ રડ્યા. બંને એ કોઈજ વાત ન કરી અને બસ રડતા જ રહ્યા, અને અચાનકજ દીદી મયંકભાઈનો હાથ છોડીને બહાર આવી ગઈ અને અમે ઘેરે પાછા આવી ગયા. એ ગઈ સાલની ચોથી ઓગસ્ટ હતી અને હમણાં બે મહિના પહેલા, ચોથી ઓગસ્ટે જ આપણે દીદીને યુએસ જતા જોઈ ત્યાંસુધી દીદીએ મયંકભાઈનું નામ સુદ્ધાં લીધું નહોતું. જાણેકે એ સાવ ભૂલી જ ગઈ હોય એમને. હા, મયંકભાઈ કોઈક વાર આપણી કોલેજ બાજુ નીકળે અને મને જોઈ જાય તો મને જરૂર મળે છે અને દીદીની ખબર પૂછે. પણ દીદી....” ભૂમિએ છેલ્લે નિશ્વાસ નાખ્યો.

“તો નિલમ દીદી અત્યારે ખુશ નથી?” સૌમિત્રને હજીપણ ભૂમિના રડવાનું કારણ સમજાતું નહોતું.

“અરે ના, એવું જરાય નથી. જીગર જીજુ દીદીને ખુબ ખુશ રાખે છે અને દીદી પણ હવે ખુશ છે..કદાચ.” ભૂમિએ સૌમિત્રને વધુ કન્ફયુઝ કર્યો.

“તો પછી તમારા રડવાનું કારણ?” સૌમિત્રએ હવે સીધેસીધું પૂછી જ લીધું.

“દીદી અને મયંકભાઈ જ્યારે છુટા પડ્યા ત્યારથી માંડીને દીદીના લગ્ન સુધી મેં દીદીની માનસિક હાલત જોઈ છે સૌમિત્ર. તમે નહીં માનો સૌમિત્ર પણ મયંકભાઈને અમે મળીને આવ્યા એના બીજા જ દિવસથી પપ્પાએ ફટાફટ છોકરાઓ દેખાડવાનું શરુ કરી દીધું હતું, જાણેકે એમની દિકરી ક્યાંક ભાગી ન જાય. દીદીને કમને આ બધું કરવું પડતું. બે-ત્રણ છોકરાઓને મળ્યા પછી દીદીએ મને કહી દીધું હતું કે હવે બસ, હવે જે છોકરો આવશે એને એ હા પાડી દેશે. હું એને ખુબ લડી, પણ એ ના માની. કદાચ એના બલિદાને એને વધુ દુઃખ સહન કરવાથી દુર રાખી હશે અને એમને જીગર જીજુ જેવો એકદમ હેન્ડસમ અને મેચ્યોર હસબંડ એ ચોથા છોકરા તરીકે મળવા આવ્યો. દીદીને તો હા જ પાડવી હતી અને દીદીને જોયા પછી જીગર જીજુનો ના પાડવાનો કોઈ સવાલ જ નહોતો? બસ એમના મેરેજ થઇ ગયા. પણ મને દીદીનું દુઃખ જે એણે ગયા ઓગસ્ટથી સહન કરવાનું શરુ કર્યું હતું એ બધું આજકાલ બહુ યાદ આવતું હતું એટલે મારે મન મૂકીને રડવું હતું. આજે સવારે જ્યારે તમને કમ્પલસરી ઈંગ્લીશના લેક્ચરમાં જોયા ત્યારેજ નક્કી કરી લીધું કે હું સૌમિત્ર સામે જ દિલ ખોલી નાખીશ, નહીં તો આ દિવાળી વેકેશનના વીસ દિવસ મારાથી કેમ નીકળશે?” ભૂમિના ચહેરા પરનું સ્મિત પરત થયું.

“થેન્ક્સ, હું લકી કહેવાઉં કે તમે મને તમારી લાઈફ વિષે કહેવાનું નક્કી કર્યું.” સૌમિત્ર પણ હવે ભૂમિ સામે સ્મિત રેલાવી રહ્યો હતો.

“હવે આપણે એકબીજાને આમ તમે-તમે કહેવાનું બંધ કરીએ તો? બહુ ઓકવર્ડ લાગે છે મને. અત્યારસુધી તો બરોબર હતું પણ હવે તો આપણે ફ્રેન્ડશીપ પાક્કી કરી દીધી છે, તો હવે તો આપણે એકબીજાને તું કહીને બોલાવી જ શકીએ ને?” ભૂમિ હવે ફરીથી એનું જાણિતું અને સૌમિત્રનું માનીતું તોફાની સ્મિત આપી રહી હતી.

“હા ચોક્કસ કેમ નહીં, મને થોડીક વાર લાગશે, પણ આપણે વેકેશન પછી ફરીથી મળીશું ત્યાંસુધીમાં ટેવ પડી જશે.” સૌમિત્રએ હવે હસતાંહસતાં જવાબ આપ્યો.

“પણ હું તો છું જ બેશરમ, ચલ સૌમિત્ર આપણે નીકળીએ? પોણો વાગ્યો. મમ્મી ચિંતા કરતી હશે.” ભૂમિ અચાનક જ એની ખુરશી પરથી ઉભી થઇ અને એનું જોઇને સૌમિત્ર પણ તરત જ ઉભો થઇ ગયો.

“ફ્રેન્ડસ?” સૌમિત્રની હિંમત હવે ખુલી ગઈ હતી એણે ભૂમિ સામે પોતાનો હાથ ધર્યો.

“ના... બેસ્ટ ફ્રેન્ડસ!” ભૂમિએ સૌમિત્રનો હાથ પકડ્યો અને દબાવ્યો. બંને એકબીજા સામે થોડીવાર સ્મિત આપતા રહ્યા.

આજે સૌમિત્ર અને ભૂમિ એકલાં સાથેસાથે યુનિવર્સીટી બસ સ્ટેન્ડ ગયા. સૌમિત્ર ભૂમિના બસ સ્ટેન્ડ સુધી ગયો અને જ્યાંસુધી ભૂમિની સાઈઠ નંબરની બસ ન આવી ત્યાંસુધી એ અને ભૂમિ એકબીજા સાથે વાતો કરતા રહ્યાં. સૌમિત્ર અને ભૂમિએ એકબીજાના ફોન નંબર પણ લીધા અને દિવાળી અને નવા વર્ષે એકબીજાને ફોન પર વિશ કરશે એવું પ્રોમિસ પણ આપ્યું.

***

“તું કેમ આવી ભૂમિ? ખબર નથી સિટીમાં કેટલું ટેન્શન છે?” સાતમી ડિસેમ્બર ૧૯૯૨ની સવારે રિસેસમાં ભૂમિને મેઈન હોલમાં એની સખીઓ સાથે ઉભેલી જોતાં જ સૌમિત્ર રિતસર બુમ પાડી ઉઠ્યો.

“અરે એતો થયા રાખે, આવતે અઠવાડિયે ટર્મિનલ એક્ઝામ્સ આવે છે યાર અને પછી જાન્યુઆરીમાં પ્રિલીમ. એકપણ લેક્ચર મીસ ના કરાય મિત્ર!” ભૂમિએ એની બિન્દાસ અદામાં જણાવ્યું. ઘણીવાર હવે એ સૌમિત્રને ફક્ત ‘મિત્ર’ કહીને બોલાવતી જે સૌમિત્રને ખુબ ગમતું અને મીઠું પણ લાગતું.

“અરે પણ આજે કઈ એક્ઝામ હતી? પંદરમી પછી છે ને?” સૌમિત્ર હવે વ્યાકુળ થઈને બોલી રહ્યો હતો અત્યારે એને ભૂમિ શું બોલી રહી છે એનું કોઈજ ભાન નહોતું એને ફક્ત ભૂમિ આજે કોલેજ કેમ આવી એની જ ચિંતા હતી.

“હા તો તું કેમ આવ્યો છે? તું કોઈ અલગ સિટીમાં રહે છે?” ભૂમિ સૌમિત્રની ચિંતા સમજી નહોતી રહી અને હસી રહી હતી.

“અરે અમારા નવરંગપુરામાં કશું ના થાય.” સૌમિત્ર બોલ્યો.

“એટલે અમારા મણિનગરમાં જ બધું થાય એમને?” ભૂમિ પોતાની આંખો નચાવતા બોલી.

“નહીં થતું હોય પણ અહિયાંથી તમારા મણિનગર જતી વખતે વચ્ચે ખમાસા, રાયપુર અને ખાડિયા ચાર રસ્તા તો આવે ને?” સૌમિત્ર એ ભૂમિને યાદ દેવડાવ્યું.

“અરે કશું ના થાય યાર.” ભૂમિ હજીપણ પરિસ્થિતિની ગંભીરતા સમજી નહોતી રહી.

આજે સાતમી ડિસેમ્બર ૧૯૯૨ હતી. આગલે દિવસેજ અયોધ્યામાં બાબરી મસ્જીદને તોડી પાડવામાં આવી હતી અને આખા દેશની જેમ અમદાવાદમાં પણ કોમી ગુસ્સો અને ઉન્માદ એકસાથે અને એકસરખો ધુંધવાઈ રહ્યો હતો. સૌમિત્રનો નવરંગપુરા વિસ્તાર અમદાવાદના ‘સેઈફ’ એરિયામાં આવતો હતો. ભૂમિનો મણિનગર વિસ્તાર પણ સેઈફ જ હતો, પરંતુ કોલેજથી મણિનગર પહોંચતા પહેલાં એણે આવી પરિસ્થિતિમાં અત્યંત ભયજનક બની જતા વિસ્તારોમાંથી પસાર થવાનું રહેતું. સૌમિત્રને આ વિચારે જ વ્યાકુળ બનાવી દીધો હતો, જ્યારે ભૂમિ એની વાત સમજી જ નહોતી રહી.

“મિતલા, બાય્ણે હાલ, ઓલો કુણાલીયો નાટક કરેસ ન્યા કેન્ટીનમાં. આખું ગામ ન્યા ભેગું થ્યું સ.” સૌમિત્ર ભૂમિને સમજાવવાનું શરુ જ કરી રહ્યો હતો ત્યાંજ હિતુદાને પાછળથી સૌમિત્રને બુમ પાડી.

હિતુદાનની બુમ સાંભળતાની સાથેજ સૌમિત્ર અને ભૂમિ તેની પાછળ પાછળ યંત્રવત કેન્ટીન તરફ ચાલવા લાગ્યા.

વાત એમ બની હતી કે કોલેજમાં અફવા ફેલાઈ ચુકી હતી કે પુલની પેલી તરફ પરીસ્થિતિ દર મિનિટે ખરાબ થઇ રહી હતી અને કૃણાલની ગર્લફ્રેન્ડ કોમલ શાહીબાગ વિસ્તારમાંથી કોલેજ આવતી અને એને હવે ઘેર જવું હતું પરંતુ ગાંધી બ્રીજ પછીના વિસ્તારમાંથી ઘેરે બસમાં પણ જતા તેને બીક લાગતી હતી. કોમલની ઈચ્છા એવી હતી કે કૃણાલ એને ઘેર સુધી મુકવા આવે, પણ રોજ કોમલને પોતાના ‘કહેવાતા’ પ્રેમ માટે કશું પણ કરી છૂટવાનું પ્રોમિસ આપતો કૃણાલ એકદમ ડરપોક નિકળ્યો એણે કોમલને ચોખ્ખી ના પાડી દીધી અને કોમલે રડીરડીને આખી કોલેજ કેન્ટીનમાં ભેગી કરી દીધી.

સૌમિત્ર અને ભૂમિ ત્યાં પહોંચ્યા અને ભૂમિને હવે પરિસ્થિતિ કેટલી ગંભીર છે અથવાતો કેટલી ગંભીર બની શકે છે એનું બંનેને ભાન થયું. ભૂમિ હવે સૌમિત્ર સામે જોઈ રહી હતી. એની મોટીમોટી આંખો જાણેકે સૌમિત્રને સોરી કહી રહી હતી.

“ચલ ભૂમિ!” સૌમિત્ર બે જ સેકન્ડમાં ભૂમિની આંખોની આજીજી જાણેકે સમજી ગયો અને ભૂમિનો હાથ પકડીને ચાલવા લાગ્યો.

“ક્યાં?” ભૂમિ સૌમિત્રની પાછળ ખેંચાવા લાગી.

“પહેલા મારે ઘેર. પપ્પાનું સ્કુટર લેવા અને પછી હું તને તારે ઘેર મૂકી આવું.” સૌમિત્ર ભૂમિ સામે જોયા વીના એનો હાથ પકડીને ચાલી રહ્યો હતો.

“મિતલા, તારું અને ભૂમિનું ધ્યાન રાખજે અને વીજેભાયને ઘીરે મેસેજ મૂકી દેજે તું ઘીરે પાસો આવી ઝા ઈ ટાણે.” સાથેજ ચાલી રહેલા હિતુદાન બોલ્યો.

“હા..” સૌમિત્ર આટલુંજ બોલ્યો અને ઝડપથી ચાલવા લાગ્યો.

“પણ, તું આટલું મોટું રિસ્ક કેમ લે છે? હું જતી રહીશ બસમાં.” ભૂમિ બોલી રહી હતી.

“તું સેઈફલી ઘેર પહોંચી જાય એટલે બસ, રિસ્ક વિસ્કની મને ખબર નથી.” સૌમિત્ર હવે રોકાયો અને ભૂમિની આંખોમાં આંખ નાખીને બોલ્યો.

“પણ...” ભૂમિ સૌમિત્રને રોકવા માંગતી હતી.

“પણ ને બણ, ચાલ. ફ્રેન્ડ માને છે ને? તો બસ મૂંગી રહે અને હું જેમ કહું એમ જ કર. સિટીના તોફાનનો સામનો કરતા પહેલા પહેલા એનાથી પણ મોટા તોફાનનો સામનો આપણે મારે ઘેર કરવાનો છે.” સૌમિત્ર ભૂમિ સામે હસ્યો.

“એટલે?” ભૂમિને સમજણ ન પડી.

“તું ઘેર ચાલ, તને ખબર પડી જશે.” સૌમિત્ર ફક્ત આટલું જ બોલ્યો.

***

“સ્કુટરની ચાવી નહીં મળે, તારે એને બસમાં મૂકી આવી હોય તો મૂકી આવ. આ લે વીસ રૂપિયા.” જનકભાઈ ગુસ્સામાં બોલી રહ્યા હતા. સૌમિત્રને ખાતરી જ હતી કે ભૂમિને મુકવા જવા માટે એ જનકભાઈ સામે જેવી સ્કુટરની માંગણી કરશે એવી એ ના જ પાડશે.

“તમેય શું ભૈશાબ, દિકરો આવામાં કોઈ બિચારી છોકરીને મદદ કરવા માંગે છે અને તમે...?” અંબાબેન વચ્ચે પડ્યા.

“એને કુહાડી પર પગ મુકવાનો શોખ હોય તો ભલે, મને નથી. બસમાં મૂકી આવે. ખબર નથી કેટલું ટેન્શન છે સિટીમાં? સ્કુટરને કશું થઇ ગયું તો? સ્કુટર નહીં મળે.” જનકભાઈ અંબાબેન અને ખૂણામાં ઉભી રહેલી ભૂમિ સામે વારાફરતી જોઇને બોલી રહ્યા હતા.

જનકભાઈને કદાચ સૌમિત્રના સ્કુટર લઇ જવાનો જેટલો વાંધો નહોતો એનાથી વધુ વાંધો સૌમિત્રએ આજે એમની સામે બોલવાની અને સ્કુટર માંગવાની હિંમત દેખાડી એનો હતો. આજે એમના સરમુખત્યાર શાસનના અભેદ્ય કિલ્લાનો એકાદો કાંગરો એમની નજર સામે ખરી રહ્યો હોય એવું તેમને લાગી રહ્યું હતું. આથી જ તે સૌમિત્રને પોતાનું સ્કુટર ન લઇ જવા માટે હુકમ પર હુકમ કરીને પોતાની સત્તા બચાવવાની કોશિશ કરી રહ્યા હતા.

આ તરફ ભૂમિને પણ સૌમિત્ર દ્વારા જનકભાઈના સ્વભાવ વિષે હવે ખબર હતી એટલે એને પણ નવાઈ લાગી રહી હતી કે સૌમિત્રમાં અચાનક જ આટલીબધી હિંમત કેવીરીતે આવી ગઈ? અંબાબેનને નવાઈ તો લાગીજ હતી, પરંતુ અત્યારે એમના માટે એમના લાડકા દિકરાની માંગણી પૂરી કરવાનું અને એ એની મિત્રને ઘેરે મુકીને એ પોતે સુરક્ષિત પાછો આવી જાય એનું વધારે મહત્ત્વ હતું.

“ભૂમિ, તું દરવાજા બહાર ઉભી રહે, હું આવું છું.” સૌમિત્રએ ભૂમિને કીધું અને જનકભાઈ સામે ગુસ્સાથી જોતજોતા રસોડા તરફ ચાલવા લાગ્યો.

ભૂમિ તરતજ સૌમિત્રના ઘરના મેઈન દરવાજાની બહાર જઈને ઉભી રહી. આ તરફ જનકભાઈ અને અંબાબેન સૌમિત્ર રસોડામાં કેમ ગયો હશે એમ વિચારીને એકબીજાની સામે જોઈ રહ્યા હતા.

“તમારે ચાવી ન આપવી હોય તો કશો વાંધો નહીં. મમ્મી ડુપ્લિકેટ ચાવી ખાંડના ડબ્બામાં છુપાવે છે એની મને ખબર હતી, આ રહી..હું જાઉં છું ભૂમિને મુકવા. પાછો આવું ત્યારે મને ઘરમાં ઘુસવા દેવો કે નહીં તે નક્કી કરી લેજો, પણ તમારું લાડકું સ્કુટર સાંભળીને અંદર જરૂરથી લઇ લેજો. મને કશું નહીં થાય મમ્મી, તું ચિંતા ન કરતી.” સૌમિત્ર જનકભાઈના ચહેરા સામે સ્કુટરની ચાવી લહેરાવતા બોલ્યો અને બીજીજ મિનિટે ઘરની બહાર નીકળી ગયો.

“નાલાયક!!” ઓટલાના પગથીયા ઉતરતા સૌમિત્રને એની પીઠ પાછળ માત્ર જનકભાઈની ત્રાડ સંભળાઈ પણ આજે એના માટે ભૂમિની સુરક્ષા સર્વસ્વ હતી અને એના માટે આજે એણે એની વીસ વર્ષની ગુલામીને પણ ફાડીને ફેંકી દીધી હતી.

“તેં મારા માટે થઈને તારા પપ્પા સામે..? કેમ મિત્ર?” સ્કુટરની કિક મારીને સૌમિત્ર ઘરના દરવાજાની બહાર એની રાહ જોઇને ઉભી રહેલી ભૂમિ પાસે પહોંચ્યો કે તરતજ ભૂમિએ આંખમાં આંસુ સાથે સૌમિત્રને પૂછ્યું.

સૌમિત્રને લાગ્યું કે તે અત્યારેજ ભૂમિ સમક્ષ તેનો પ્રેમનો ઈઝહાર કરી દે કારણકે અત્યારે ભૂમિ એકદમ એના પ્રત્યે ઈમોશનલ થઇ ગઈ હતી. એણે સ્કુટર પર બેઠાબેઠા જ પાસે ઉભી રહેલી ભૂમિના ગાલ પર સહેજ હાથ ફેરવ્યો અને બોલ્યો…

***

પ્રકરણ ૬

“એકબાજુ મિત્ર બોલે છે અને પછી તારું-મારું કહે છે? ચલ બેસી જા એટલે આપણે ભાગીયે, લોર્ડ કર્ઝનનો કર્ફ્યું લાગશે તો નહીં ભાગવા દે.”

“પાગલ છે તું સાવ...” ભૂમિએ સૌમિત્રના માથે ટપલી મારી અને પાછળની સીટ પર બેસી ગઈ.

“તારા જેટલો નથી ઓકે?” સૌમિત્રએ સ્કુટર પર બેઠાબેઠા જ કિક મારી અને એને હંકારી મુક્યું.

“એ તો તું થઇ પણ નહીં શકે.” પાછળ બેઠેલી ભૂમિએ હસતાંહસતાં કહ્યું.

નવરંગપુરામાં આવેલી સૌમિત્રની સોસાયટીથી સૌમિત્ર ભૂમિને લઈને સીજી રોડ થઈને પંચવટી ચાર રસ્તા ગયો અને ત્યાંથી લો ગાર્ડનની ખાઉં ગલીમાંથી નીકળી, મીઠાખળી ગામમાંથી થઈને નહેરુ બ્રિજ ચડ્યો અને જેવો વિક્ટોરિયા ગાર્ડન પહોંચ્યો કે તરતજ એણે સ્કુટર એક સાઈડ લઇ લીધું. ઘેરથી અહીં સુધી ટ્રાફિક ખુબ ઓછો હતો. સામાન્યરીતે સવારના અગિયાર – સાડા અગિયાર વાગે આ તમામ વિસ્તારો ટ્રાફિકથી ભરેલા હોય પરંતુ ગઈકાલની ઘટનાને લીધે આજે કદાચ અમંગળ બનશે એવી શહેરીજનોને બીક હતી એટલેજ કદાચ બધા ઘરમાં પુરાઈ રહ્યા હતા અને ગણતરીના જ વાહનો રસ્તા પર મોજુદ હતા.

સૌમિત્ર પણ જો રસ્તામાં તકલીફ આવે એની તૈયારી કરી રહ્યો હતો. તેણે સ્કુટર સાઈડમાં લઈને પહેલાતો એનો કોક રિઝર્વમાં કરી દીધો એટલે જો રસ્તામાં કોઈ એવી પરિસ્થિતિ આવે કે સ્કુટર રોકી શકાય એમ ન હોય તો વાંધો ન આવે.

“ભૂમિ, પ્લીઝ કાઈ બીજું ન સમજતી પણ હવે તારે મને ફીટ પકડીને બેસવું પડશે. આપણે ખમાસા તરફ વળીએ એટલે થોડીક તકલીફવાળો વિસ્તાર આવશે. તને ખ્યાલ તો આવી ગયો હશે કે હું શું કહેવા માંગું છું.” સૌમિત્રએ પાછળ વળીને ભૂમિને કીધું.

“હા, હું સમજી ગઈ મિત્ર, અને તે ન કીધું હોત તોપણ હું એમજ કરત. મને તારી કોઈજ વાતનું ખોટું ન લાગે. ચલ હવે જઈએ?” ભૂમિના અવાજમાં ચિંતા અને ઘેર પહોંચવાની ઉતાવળ હતી તે સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

સૌમિત્રએ સ્કુટરને કિક મારી અને નહેરુ બ્રિજથી લાલદરવાજા બસ સ્ટેન્ડ થઈને ખમાસા તરફ મારી મુક્યું. ખમાસા ચાર રસ્તા સુધી વગર જાહેર કરેલો કર્ફ્યું હોય એવું લાગતું હતું. સૌમિત્રને હાંશ થાય એ પહેલાંજ તેણે સહેજ દુર રસ્તા પર જ કશુંક બળતું હોય એવું દેખાયું અને આસપાસ કેટલાક લોકો પણ જમા થયા હોય એવું તેને લાગ્યું.

“ભૂમિ, કચકચાવીને મને પકડી લે, આગળ થોડીક તકલીફ જેવું લાગે છે, હું સ્કૂટરની સ્પીડ વધારું છું.” સૌમિત્રએ ભૂમિને આગાહ કરી.

“ઓકે” ભૂમિ માત્ર આટલુંજ બોલી અને સૌમિત્રને કમરથી વળગી અને કસોકસ પકડી લીધો.

સૌમિત્રએ સ્કુટર ચોથા ગિયરમાં પાડીને સ્પીડ વધારી દીધી. સ્પીડ વધુ હોવાથી સ્કુટર બહુ જલ્દીથી પેલા સ્થળ સુધી પહોંચી ગયું. સૌમિત્ર અને ભૂમિએ જોયું કે કોઈકે ટાયર બાળ્યું હતું અને લોકો લાકડીઓ લઈને તેની આસપાસ ઉભા હતા. સૌમિત્રએ ભૂમિને એ તરફ ધ્યાન ન આપવાનું કીધું અને ગણતરીની સેકન્ડ્સમાં જ એલોકો આસ્ટોડિયા દરવાજા પાસે પહોંચી ગયા અને બંનેને હાંશ થઇ.

પણ એમનો હાશકારો બહુ લાંબો સમય ટક્યો નહીં. થોડેજ દુર ફરીથી તેમણે કશુંક બળતું જોયું અને આ વખતે આ આગ પણ મોટી હતી અને તેની આસપાસ લોકો પણ ઘણા હતા. પોલીસનું તો નામોનિશાન નહોતું. ભૂમિ સૌમિત્રને વળગેલી જ હતી પણ તેને ખ્યાલ આવી જતા તેને પોતાની પકડ વધુ મજબુત કરી. જેવા પેલા ટોળા પાસે સૌમિત્રનું સ્કુટર રોકાયું કે બે-ત્રણ જણાએ એમને રોક્યા.

“હિન્દુ કે મુસલમાન?” ટોળાનો લીડર જેવો લાગતો એક ઉંચો પહોળો લગભગ ત્રીસેક વર્ષના વ્યક્તિએ સૌમિત્રના સ્કુટરને પકડીને એક જ સવાલ કર્યો. સૌમિત્રએ બ્રેક પર બરોબર પગ મુક્યો હતો અને એક્સેલેટર સતત વધારે રાખતો હતો.

“મિત્ર” સૌમિત્રએ પેલાની આંખોમાં આંખ નાખીને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.

“એટલે?” કદાચ એ વ્યક્તિને આવા જવાબની આશા નહોતી.

“જુવો હું આનો ફ્રેન્ડ છું અને એને એના ઘેરે મુકવા જાઉં છું. મારી ફ્રેન્ડ માંદી છે અને ખુબ તકલીફમાં છે એટલે અત્યારે હું ખાલી એનો મિત્ર જ છું અને મને હિન્દુ કે મુસલમાન બનવાનો ટાઈમ નથી.” પેલો હજી કશું સમજે એ પહેલાજ સૌમિત્રએ સ્કુટર પર પેલાની પકડ ઢીલી પડેલી જોઇને સ્કુટર જોરથી મારી મુક્યું અને થોડીજ સેકન્ડોમાં ત્યાંથી દુર જતા રહ્યા. પેલા લોકો બુમો પાડતા રહ્યા. રાયપુર ચાર રસ્તા પછી કાંકરિયાનો વિસ્તાર સેઈફ હતો એટલે સૌમિત્ર અને ભૂમિ બંનેને શાંતિ થઇ.

કૃષ્ણબાગ આવતાજ ભૂમિ સૌમિત્રને પોતાના ઘરનો રસ્તો ગાઈડ કરાવવા લાગી અને મણિનગર ચાર રસ્તે આવતાજ એક સોસાયટીમાં આવેલા એક વિશાળ બંગલા પાસે ભૂમિએ સૌમિત્રને રોકાવાનું કીધું.

“ચલ અંદર, થોડો ફ્રેશ થઈને જા. મમ્મીને પણ ગમશે.” સ્કુટર પરથી ઉતરતાજ ભૂમિ બોલી.

“ના ભૂમિ, જેમજેમ ટાઈમ વધે છે એમ તકલીફ પણ વધશે. પેલા લોકોએ જે પ્રકારનો સવાલ આપણને કર્યો એનાથી લાગે છે કે એલોકો કશુંક ખુબ મોટું કરવાના છે આજે... પ્લીઝ, મને ઘેરે જવાદે. મારી મમ્મી ચિંતા કરતી હશે.” સૌમિત્રએ પોતાની મજબુરી જણાવી.

“ઠીક છે, આજે તને નહીં રોકું. પણ ઘરે પહોંચીને પહેલો ફોન મને કરજે અને જ્યારે બધું સરખું થઇ જાય પછી તું ચોક્કસ ઘરે આવે છે, ઓકે?” ભૂમિએ સૌમિત્રને હુકમના સ્વરમાં કહ્યું.

“પાક્કું, આવજે.” આટલું કહીને સૌમિત્રએ સ્કુટર વાળી દીધું અને ફરીથી ઘર તરફ ચાલી નીકળ્યો. ભૂમિ સૌમિત્ર જ્યાંસુધી દેખાયો ત્યાંસુધી તેને હાથ હલાવીને આવજો કરતી રહી.

***

ભૂમિના જ ઘરથી થોડે દૂર આવેલા એક પેટ્રોલપંપમાંથી સૌમિત્રએ સ્કુટરની ટાંકી ફૂલ કરવી દીધી. વ્રજેશની પૈસા ભેગા કરવાની અને બચત કરવાની સલાહ આજે એને બરોબર કામમાં આવી હતી અને માત્ર નેવું રૂપિયામાં આજે એની ટાંકી ફૂલ થઇ ગઈ હતી. વળતી વખતે સૌમિત્રએ નક્કી કર્યું કે એ જ રસ્તે નથી જવું કારણકે રાયપુર ચાર રસ્તા નજીક મળેલું પેલું ટોળું તેને કદાચ ઓળખી જાય. એટલે આ વખતે એણે જસોદા નગર ચાર રસ્તેથી સરખેજનો હાઈવે પકડ્યો અને સરખેજ સુધી કોઈજ વાંધો નહીં આવે એવું વિચારીને સહેજ લાંબા એવા રસ્તે ઘર તરફ નીકળી પડ્યો. સૌમિત્રનું માનવું સાચું પડ્યું અને સરખેજ ચાર રસ્તા પર પોલીસની ફોજ જોઇને તેને હાંશ થઇ. આ પોલીસવાળાઓને ચીરીને સૌમિત્ર પાલડી તરફ વળ્યો અને મહાલક્ષ્મી ચાર રસ્તેથી સીજી રોડ તરફ જઈને આરામથી ઘેરે પહોંચી ગયો.

***

ઘરના આંગણામાં પહોચ્યો ત્યારે સૌમિત્રને યાદ આવ્યું કે એ જનકભાઈનું ન માનીને ભૂમિને એમનું સ્કુટર લઈને ગયો હતો. સ્કુટરની ઘોડી ચડાવતા ચડાવતા એ વિચારવા લાગ્યો કે હવે તે જનકભાઈનો સામનો કેવીરીતે કરશે. પણ ભૂમિને સહી સલામત ઘરે પહોંચાડવાની તેના મનમાં અચાનક જ આવી ચડેલી જીદે તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ ઉભો કરી લીધો હતો. સૌમિત્રએ આજે એક વાત નક્કી કરી લીધી હતી કે તે હવે જનકભાઈથી દબાઈને નહીં રહે, એટલે “પડશે એવા દેવાશે” એમ વિચારીને સૌમિત્ર ઘરના ઓટલાના પગથીયા ચડવા લાગ્યો.

ઘણીવાર આપણે ધારીએ છીએ એનાથી વિરુદ્ધ થવા લાગતું હોય છે. સૌમિત્રએ ધાર્યું હતું કે પોતે દેખાડેલી હિંમતને લીધે જનકભાઈ એને ખુબ વઢશે અને એણે એટલે સુધી વિચારી લીધું કે કદાચ એને ઘરમાંથી બહાર પણ કાઢી મુકે. પણ સૌમિત્રને અંબાબેન પણ યાદ આવ્યા અને વિચાર્યું કે ગમેતે થાય પણ મમ્મી એને જરૂર બચાવી લેશે. પરંતુ એવું કશુંજ બન્યું નહીં. સૌમિત્ર જ્યારે ઘરમાં ઘુસ્યો ત્યારે તેને જોતાંજ કોઈ મેગેઝીન વાંચી રહેલા જનકભાઈ એને જોઇને થોડા ગુસ્સાવાળા ચહેરે કશુંજ બોલ્યા વગર સીધાજ ઉપરના માળે એમના રૂમમાં જતા રહ્યા અને અંબાબેને કાયમની જેમ સૌમિત્રને હસીને આવકાર આપ્યો અને એને પાણી ધર્યું.

“કશું બોલ્યા’તા?” સૌમિત્રએ આંખના ઈશારે ઉપરના રૂમ તરફ ઈશારો કરીને અને જનકભાઈનું નામ લીધા વગર અંબાબેનને પૂછ્યું.

“શું બોલે? બસ મનમાં ને મનમાં થોડીવાર ધુંધવાયા, ફળિયામાં એક-બે આંટા માર્યા. કલાક થયો એટલે દરવાજાની બહાર બે વાર જોઈ આવ્યા કે તું આવે છે કે નહીં? એમ તો તને ખુબ પ્રેમ કરે છે એ બસ તારા ઉપરથી એમની પકડ એમને ઢીલી નહોતી કરવી.” સૌમિત્ર પાસેથી સ્ટિલનો ગ્લાસ પાછો લેતા અંબાબેન બોલ્યા.

“હાશ!” સૌમિત્રના મોઢા પર આજે પહેલીવાર સ્મીત આવી ગયું.

“પણ તે સારું કર્યું બેટા, થોડી હિંમતની તો જરૂર હતીજ. ક્યાંસુધી તું એમનાથી દબાયેલો રહેત? મને ખબર છે કે તું ક્યારેય અમને શરમ આવે એવું પગલું નહીં ભરે, તો તને થોડી છૂટછાટ મળે તો વાંધો શું છે? છોકરા જુવાન થાય એટલે એમને રમતા મૂકી દેવા જોઈએ, પણ એમને કોણ સમજાવે?” અંબાબેન રસોડા તરફ જતાજતા બોલવા લાગ્યા.

સૌમિત્રએ ભૂમિને ફોન કરીને પોતે સુખરૂપ ઘરે પહોંચી ગયો છે તેના ખબર આપી દીધા.

***

સૌમિત્ર ભૂમિને ટેન્શનવાળા વાતાવરણમાં ઘેરે સહીસલામત મૂકી આવ્યો તેના અમુક કલાકોમાં જ સૌમિત્રને જેનો ડર હતો એમ જ શહેરમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા. સૌમિત્રના વિસ્તારમાં પણ થોડીઘણી હિંસા થતા લગભગ દસેક દિવસ કર્ફ્યું રહ્યો. ત્યારબાદ પરિસ્થિતિ થાળે પડતા એ કોલેજ જવા લાગ્યો. વ્રજેશ અને હિતુદાનને પણ ગાંધીનગરથી કોલેજ આવતા કોઈ ખાસ તકલીફ નહોતી એટલે એ બંને પણ કોલેજ આવતા. ભૂમિને જો કે તકલીફવાળા વિસ્તારોમાંથી આવવું પડતું એટલે એ કોલેજે નહોતી આવતી.

આમને આમ એક બીજું અઠવાડિયું પણ વીતી ગયું. શહેરમાં પરિસ્થિતિ થાળે પડવા માંડી હતી અને એટલે ભૂમિ પણ હવે રેગ્યુલર કોલેજમાં આવવા લાગી હતી. સૌમિત્ર અને ભૂમિ હવે વારંવાર એકબીજાને મળતા. રોઝ ગાર્ડનમાં ઘણીવાર સાથે કોફી પીવા જતા અને પોતાના અંગત જીવનની વાતો શેર કરતા. એક-બે વાર તો ફિલ્મો જોવા પણ આ બંને સાથે ગયા હતા. તોફાનોને લીધે કોલેજની ટર્મિનલ એક્ઝામ્સ રદ્દ થઇ હતી અને પ્રિલીમીનરી પરિક્ષા ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું એટલે હવે સાથે ફરવાનું થોડું ઓછું કરીને ભણવા પર વધુ ધ્યાન આપવાનું બંનેએ નક્કી કર્યું.

***

“એલા, હવે આ બીજો વેલેન્ટાઇન ડે આવી ગ્યો. મિતલા હવે તારે હું કરવું હે?” બધુંજ નોર્મલ થઇ જતા હિતુદાને ફરીથી સૌમિત્રને એણે ભૂમિને પ્રપોઝ કરવાનું બાકી છે એ યાદ દેવડાવ્યું.

“શેનું શું કરવાનું છે?” સૌમિત્રએ અજાણ્યા બનીને પૂછ્યું, જો કે એને ખબર તો પડી જ ગઈ હતી કે હિતુદાન એને શું કહેવાનો છે.

“ભૂમિને પ્રપોઝ કરવાનું.” કેન્ટીનની કટલેસ ખાતાખાતા વ્રજેશ ધીમેકથી બોલ્યો.

“પણ આવખતે તો રવિવાર છે.” સૌમિત્ર ભલે ભૂમિની ખુબ નજીક આવી ગયો હતો, પણ હજીયે એને ગુમાવી દેવાની બીકે એને પ્રપોઝ કરતા તો ડરતો જ હતો અને એટલેજ એણે ફરીથી બહાનું વિચારી લીધું હતું.

“પણ કોલેઝ આખી સનીવારે ઉજવવાની હે, બોલ હવે તારે હું કરવુંસ?” હિતુદાન એમ સૌમિત્રને છટકવા દેવા માંગતો ન હતો.

“અરે, તેરમીએ તો મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધા છે, અત્યારે હું એનીજ તૈયારી કરું છું. તે દિવસે કેવીરીતે પોસિબલ થાય ગઢવી?” સૌમિત્રએ ફરીથી બહાનું ઉભું કર્યું.

“આ વખતે પણ જીતીને ભૂમિને એકદમ ફ્લેટ કરી નાખ. અમસ્તાય હવે તમે એકદમ ગાઢ મિત્રો થઇ ગયા છો. આઈ એમ શ્યોર કે એને ખરાબ નહીં લાગે સૌમિત્ર. તું કહી જ દે.” વ્રજેશે સ્મિત સાથે એના ઠંડા અવાજથી સૌમિત્રને સલાહ આપી.

“હં..અને જો ઈને ખોટું લાગ્યે તો ઈ તારી અમારા ઝેવી મિત્ર નય એવું તારે હમઝી લેવાનું.” હિતુદાને શોટ માર્યો અને સૌમિત્ર ગભરાઈ ગયો.

“હું સ્પર્ધા જીતું કે ન જીતું, પણ ચૌદમીએ એને ક્યાંક બોલાવીને પ્રપોઝ કરીશ. મારી જીત કે હારની અસર મારા પ્રેમ પર ન પડવી જોઈએ.” સૌમિત્ર થોડીવાર વિચારીને બોલ્યો.

“યે હુઈના બાત..” વ્રજેશે સૌમિત્રનો હાથ પકડી લીધો અને હિતુદાન એની આદત મુજબ સૌમિત્રને ભેટી પડ્યો.

***

તેરમી ફેબ્રુઆરી ૧૯૯૩ આવી ગઈ અને એચ ડી. આર્ટ્સ કોલેજના નાક સમી મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધા આજે ફરીથી યોજાવાની હતી. આ વર્ષે તો કોલેજ ગત વર્ષની ચેમ્પિયન તરીકે ભાગ લઇ રહી હતી એટલે સૌમિત્ર પર તેના પ્રિન્સીપાલ, મેન્ટર, પ્રોફેસર્સ અને સ્ટુડન્ટ્સની આશાઓ વધી ગઈ હતી. પરંતુ સૌમિત્રએ નક્કી કરી લીધું હતું કે તે આ આશાઓનો બોજ પોતાના મન પર નહીં પડવા દે. તેણે એકદમ સ્વસ્થતાથી ગયા વર્ષની જેમજ તૈયારીઓ કરી અને ભૂમિ વ્રજેશ અને હિતુદાનની સાથે પ્રોફેસર્સ પછીની સૌથી આગલી હરોળમાં બેસીને તેને સાંભળી રહી હતી તો પણ સૌમિત્રનું એકવાર પણ ધ્યાનભંગ ન થયું.

પરિણામ ફરીથી સૌમિત્રના પક્ષે આવ્યું. સતત બે વર્ષ મહાત્મા ગાંધી શિલ્ડ જીત્યો હોય તેવી એચ ડી આર્ટ્સ કોલેજના ઇતિહાસમાં પહેલીવાર બન્યું. ફરીથી કોલેજ આખી ઇમોશનલ થઇ અને ફરીથી વિદ્યાર્થીઓ સૌમિત્રને ઘેરી વળ્યા. ભૂમિ તો સૌમિત્રના એની પાસે આવતાવેંત ભેટી પડી.

સૌમિત્રને અભિનંદન અપાઈ ગયા પછી, હિતુદાન અને વ્રજેશે સૌમિત્રને આંખના ઈશારે એની બાજુમાં જ ઉભેલીને એણે શું કહેવાનું છે એની યાદ અપાવી. સૌમિત્ર હવે થોડો ટેન્સ થયો.

“ભૂમિ...હું શું કહેતો’તો?” સૌમિત્ર વ્રજેશ અને હિતુદાન સામે જોતજોતા બોલ્યો, સહેજ ગભરાયેલા અવાજમાં.

“કંઇજ નહીં.” ભૂમિ હસતાંહસતાં બોલી એ તોફાનના મૂડમાં હતી.

“હેં?” સૌમિત્ર વધારે ગભરાયો એને ખબર ન પડી કે ભૂમિ શું કહેવા માંગતી હતી.

“અરે બુધ્ધુ, બે મિનીટથી તું મૂંગો ઉભો છે તો પછી તું શું કહેવાનો?” ભૂમિ હજીપણ હસી રહી હતી.

“ઓહ એમ? ના.. હું એમ કે’તો તો કે મારે કશું કહેવું છે.” સૌમિત્ર ફરીથી વાતનું મૂળ પકડતા બોલ્યો.

“ડિબેટ તો પતી ગયું મિત્ર, તારે હજીપણ બોલવું છે?” ભૂમિ આજે ફૂલ મસ્તીના મૂડમાં હતી.

“અરે...બી સિરિયસ યા..” સૌમિત્ર યાર બોલે ત્યાંજ સંગીતા ભૂમિની બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને સૌમિત્ર ફરીથી કોન્સીઅસ થઇ ગયો. બીજી તરફ વ્રજેશ અને હિતુદાન મનમાં હસતાંહસતાં બધો તાલ જોઈ રહ્યા હતા.

“ઓકે, ઓકે... સિરિયસ થઇ ગઈ બોલ.” ભૂમિએ પોતાનો ચહેરો ગંભીર બનાવી લીધો અને એકદમ સીધી ઉભી રહી ગઈ અને અદબ વાળી લીધી.

“કાલે..કૃણાલ..નટરાજની સામે...સવારે દસ વાગ્યે... મળવું છે?” સૌમિત્ર એક જ વાક્યના પાંચ ટુકડાઓ કરીને બોલ્યો. એણે ભૂમિને આટલું કહેવા માટે ભેગી કરેલી હિંમત સંગીતાને જોઇને તૂટી રહી હતી.

“સૌમિત્ર, આપણે નક્કી કર્યું છે ને કે હવે આપણે ભણવામાં ધ્યાન આપવાનું છે, નેક્સ્ટ વિકથી પ્રિલિમ્સ છે યાર.” ભૂમિએ સૌમિત્રને યાદ દેવડાવ્યું.

“હા....પણ ખાલી કાલે જ..બસ, પછી નહીં બોલાવું.. એટલે નહીં મળું... પ્રોમિસ?” સૌમિત્ર હજીપણ વારેવારે સંગીતા તરફ જોઈ રહ્યો હતો.

“અને ભલું હઈસે તો કાલ પસી મળવા વારોય નો આવે એવુંય બને કાં વીજેભાય?” હિતુદાને ફરીથી બાફ્યું, અજાણતાંજ. વર્જેશે એનીસામે ગુસ્સાથી જોયું એટલે હિતુદાનને ખ્યાલ આવી ગયો કે એણે કાઈક બાફ્યું લાગે છે.

“એટલે?” ભૂમિ આશ્ચર્યના ભાવ સાથે હિતુદાન અને સૌમિત્ર તરફ એકપછી એક જોવા લાગી.

“અરે, કશું નહીં, કાલે મળીએ ખાલી અડધો કલાક, પ્લીઝ?” સૌમિત્રએ દોર સાંધી લીધો અને એવીરીતે ભૂમિને રિક્વેસ્ટ કરી કે ભૂમિથી ના પડાય એવું ન હતું.

“ઠીક છે, હું બી ખાલી મજાક કરતી હતી. કાલે હું વાંચવાની જ નહોતી. રોજેરોજ એકનું એક વાંચીને કંટાળી ગઈ છું. મારે બી ફ્રેશ થવું હતું. ચોક્કસ મળીએ સૌમિત્ર.” ભૂમિ હવે સિરિયસ થઈને બોલી રહી હતી.

“હા તો હું પોણાદસે ત્યાં આવી જઈશ.” સૌમિત્ર બોલ્યો.

“હા..હું પણ બને તેટલી ટાઈમસર આવી જઈશ.” ભૂમિએ હા પાડી દીધી.

“પણ કાલે તો તારે મારી ઘેર કથામાં આવવાનું છે.” બાજુમાં ઉભેલી સંગીતા બોલી અને સૌમિત્ર ફરીથી ટેન્શનમાં આવી ગયો.

“અરે એ તો સાંજે ચાર વાગ્યેને? હું ને મિત્ર તો સવારે મળવાના છીએ, રાઈટ?” ભૂમિ સંગીતા સામે જોઇને બોલી અને સૌમિત્રને “આવજે” કહીને જતી રહી.

“એવું કેમ હોતું હશે કે આપણને સૌથી વધુ ગમતી છોકરીની ખાસ ફ્રેન્ડ જ આપણને ન ગમે?” ભૂમિ અને સંગીતાને રૂમની બહાર જતા જોઈ રહેલો સૌમિત્ર બોલ્યો.

“એને મૂક પડતી દોસ્ત, હવે કાલ પર ધ્યાન આપ. બસ કહી જ દેજે. બહુ બહુ તો ના પાડશે ને? હા પાડશે તો એક સરસ જીવનસાથી મળશે અને જો ના પાડશે તો જિંદગીભરની એક સારી મિત્ર મળશે. તારે ગુમાવવાનું કશુંજ નથી સૌમિત્ર.” વ્રજેશ બોલ્યો.

“પણ એને ખોટું લાગશે તો?” સૌમિત્રએ પોતાનો ડર જાહેર કર્યો.

“એ તને પોતાનો ખાસ મિત્ર માને છે ને? જો આવડીક વાતથી એને ખોટું લાગે તો એવી મિત્રતાનું શું કામ? તે જે રીતે એને તે દિવસે તોફાનોની ચિંતા કર્યા વગર હિંમતભેર એને એના ઘેરે પહોંચાડી હતી અને એપણ સુખરૂપ...મને નથી લાગતું એને ખરાબ લાગશે. હા, કદાચ એની કોઈ મજબુરી હશે કે એ તને એ નજરે નહીં જોતી હોય તો ના પાડશે. બીજું કશુંજ નહીં થાય સૌમિત્ર. ઓલ ધ બેસ્ટ!” વ્રજેશે સૌમિત્રને સમજાવ્યું.

સૌમિત્રને ધરપત તો થઇ ગઈ, પણ વ્રજેશનું છેલ્લું વાક્ય, “કદાચ એની કોઈ મજબુરી હશે કે એ તને એ નજરે નહીં જોતી હોય તો ના પાડશે.” થી એને ફરીથી ચિંતા થવા લાગી.

***

બીજે દિવસે એટલેકે વેલેન્ટાઇન્સ ડે ના દિવસે સૌમિત્ર થોડો નર્વસ હતો, પણ તેણે આજે આર યા પાર જવાનું નક્કી કરી જ લીધું હતું. એણે ભૂમિને આજે પ્રપોઝ તો કરવુંજ હતું પરંતુ ગુલાબ આપીને એમ બધા કરે એમ નહોતું કરવું. એણે પોતાના ઘરની સામે આવેલા પ્રોવિઝન સ્ટોરમાંથી ફાઈવ સ્ટાર લીધી જે ભૂમિને ખુબ ભાવતી હતી અને બસમાં બેસીને નટરાજ સિનેમા તરફ ઉપડી ગયો.

સૌમિત્ર બસ સ્ટેન્ડે ઉતર્યો અને સામેજ કૃણાલ રેસ્ટોરન્ટ હતું તે તરફ વળ્યો કે એને બહાર ભૂમિ એની રાહ જોતી ઉભેલી જોઈ. સૌમિત્રને જોતાંજ ભૂમિએ એની સામે હાથ હલાવ્યો અને સૌમિત્રનું હ્રદય ધબકારાની ગણતરી ભૂલવા માંડ્યું. રસ્તો ક્રોસ કરીને એ રેસ્ટોરન્ટ પહોંચ્યો.

“હાઈ, હેપ્પી વેલેન્ટાઇન્સ ડે” ભૂમિએ એના ચિતપરિચિત સ્માઈલ સાથે સૌમિત્ર સામે હાથ ધર્યો અને બંને એ હાથ મેળવ્યા.

“સેઈમ ટુ યુ ટુ ભૂમિ. અંદર જઈશું?” સૌમિત્ર નર્વસ હતો, પણ અત્યારે એની નર્વસનેસ એના કન્ટ્રોલમાં હતી.

સૌમિત્ર અને ભૂમિ રેસ્ટોરન્ટની અંદર ગયા અને સાવ ખાલી હોવા છતાં સૌમિત્ર ભૂમિને છેક છેલ્લા ટેબલે ખૂણા તરફ દોરી ગયો.

“અહીનાં મેંદુવડા ખુબ મસ્ત આવે છે.” ખુરશી પર બેસતાંજ ભૂમિ બોલી.

સૌમિત્રએ વેઈટરને બોલાવીને બે મેંદુવડાનો ઓર્ડર આપી દીધો.

“બોલ, તારે શું કહેવું હતું?” ભૂમિ સીધી પોઈન્ટ પર જ આવી.

“આમતો મારે આ ઘણા દિવસથી કહેવું હતું, સાચું કહું તો ફર્સ્ટ યરમાં જ. પણ હિંમત નહોતી થતી કારણકે આપણે એકબીજાને એટલું ઓળખતા પણ નહોતા. પણ છેલ્લા લગભગ એક વર્ષથી આપણે એકબીજાને હવે ખુબ સારીરીતે ઓળખીએ છીએ અને તોફાનવાળા દિવસ પછી તો આપણે એકબીજાની એકદમ નજીક આવી ગયા છીએ...” સૌમિત્ર એકદમ ફાસ્ટ ધબકારા સાથે બોલતો હતો.

“...એટલે હું તને પ્રેમ કરું છું રાઈટ?” સૌમિત્રને અધવચ્ચે જ અટકાવીને ભૂમિ બોલી.

સૌમિત્રને આવું થશે એની આશા નહોતી એટલે એ ડઘાઈ ગયો અને ભૂમિના ચહેરા સામે જોઈ રહ્યો. ભૂમિ હસી રહી હતી એટલે એને એક વાતની તો શાંતિ થઇજ કે ભૂમિને ખોટું નહોતું લાગ્યું. બસ બે જ મિનિટમાં સૌમિત્રનું બધુંજ ટેન્શન જાણેકે ઉતરી ગયું અને એકદમ હળવું ફિલ કરવા લાગ્યો.

“હા, આઈ રિયલી લવ યુ ભૂમિ, પણ તું પ્લીઝ એમ ના કહેતી કે મેં તને એ નજરે જોયોજ નથી, હું તો તને મારો સારો મિત્ર જ ગણું છું..વગેરે વગેરે..” સૌમિત્રના મનમાં વ્રજેશે ગઈકાલે કરેલી વાતની છેલ્લી લાઈન હજીપણ રમી રહી હતી એટલે એણે પોતાની પ્રપોઝલ સાથે એ લાઈન પણ કડકડાટ બોલી નાખી.

આટલું સાંભળતાજ ભૂમિ ખડખડાટ હસી પડી. સૌમિત્ર મુંજાઈ ગયો અને વિચારવા લાગ્યો કે શું ભૂમિ એની પ્રપોઝલને મજાક સમજી રહી છે કે હવે એની પ્રપોઝલની એ મજાક બનાવવાની છે કોઈ જોક મારીને? જે એની આદત હતી.

સૌમિત્ર ભૂમિના જવાબની રાહ જોતાં એની સામે ટગરટગર જોઈ રહ્યો…

***

પ્રકરણ ૭

“પણ મેં તને એ જ નજરે જોયો હોય તો?” ભૂમિનું ખડખડાટ હાસ્ય હવે એક ગંભીર સ્મિત બની ગયું હતું.

“મને ખબર જ હતી...મારા નસીબ જ કાંણા છે. મેં જેની ઈચ્છા કરી એ મને ક્યારેય મળ્યું નથી. પણ તોયે આજે મેં હિંમત કરીને તને કહી દીધું. પણ પ્લીઝ તું ગુસ્સે ના થતી ભૂમિ, આપણે ફ્રેન્ડ્સ તો રહીશું જ. હું તને હવે ક્યારેય આ બાબતે કશું જ નહીં કહું પ્રોમિસ.” સૌમિત્ર એક શ્વાસે બોલી ગયો.

“મિત્ર...મિત્ર....મિત્ર...જરાક શ્વાસ લે યાર અને સમજ તો ખરો કે મેં શું કીધું?” ટેબલ તરફ નીચી નજર નાખીને જોઈ રહેલા સૌમિત્ર સાથે પોતાની નજર મેળવવા ભૂમિ સહેજ ઝૂકી.

“એ જ કે તું મને એ નજરે જ જુવે છે.” સૌમિત્ર હજીપણ કશું બીજું જ સમજી રહ્યો હતો.

“અરે તું પાગલ થઇ ગયો છે કે શું મિત્ર? પાછો ફર જ્યાં હોય ત્યાંથી!” ભૂમિએ સૌમિત્રના ચહેરા સામે બે ચપટી વગાડી.

“એટલે? હું સમજ્યો નહીં.” ભૂમિ સામે નિરાશ ચહેરે જોતા સૌમિત્ર બોલ્યો.

“તેં મને છેલ્લે શું કીધું? કે પ્લીઝ એમ ન બોલતી કે હું તને એ નજરે નથી જોતી.” ભૂમિએ હવે સૌમિત્રને સ્પષ્ટતા કરવાનું શરુ કર્યું.

“હા અને તે કીધું કે તું એ જ નજરે જ જુવે છે.” સૌમિત્ર હજીપણ નિરાશ સૂરમાં બોલી રહ્યો હતો.

“તો એનો મતલબ શું થયો?” ભૂમિના ચહેરા પર ફરીથી સ્મિત આવી ગયું.

“એમ જ કે તું મને પ્રેમ કરે છે.” સૌમિત્રના શબ્દોમાં અનાયાસેજ દોર ફરીથી સંધાઈ ગયો.

“તો શું કરવા આટલો ડીસ્ટર્બ થઇ ગયો?” ભૂમિ હવે હસી રહી હતી.

“એટલે? એટલે તે હા પાડી?” સૌમિત્રને ખ્યાલ આવતાં જ એનો ચહેરો ખીલવા લાગ્યો.

“હા બુદ્ધુરામ...હા...” ભૂમિ ફરીથી ખડખડાટ હસવા લાગી.

“ઓહ ગોડ....સાચ્ચે જ?” સૌમિત્ર હવે વિશ્વાસ જ નહોતો કરી શકતો કે ભૂમિએ એની પ્રપોઝલ સ્વિકારી લીધી છે.

“ના ખોટ્ટે!” ભૂમિએ ખોટેખોટું મોઢું બગડતા કહ્યું અને ટેબલ પર રહેલી સૌમિત્રની બંને હથેળીઓ પકડી લીધી.

“મને તો એમ જ હતું કે તું ના જ પાડી દઈશ એટલે મેં...” હવે સૌમિત્ર ભૂમિની આંખમાં આંખ નાખીને જોઈ રહ્યો હતો.

“તને ના પાડવાનો સવાલ જ નથી...તે જો આજકાલમાં પ્રપોઝ ના કર્યું હોતને તો થર્ડ યરમાં હું તો કરી જ દેત!” ભૂમિના ચહેરા પર ફરીથી એનું તોફાની સ્મિત આવ્યું અને એણે સૌમિત્રને આંખ મારી.

“કેમ એવું?” સૌમિત્ર પણ હસી રહ્યો હતો.

“છોકરીને એના પ્રેમી કે એના જીવનસાથીમાં શું જોઈએ? એક તો એ હોશિયાર હોય, એને ખુબ પ્રેમ કરે અને બીજું એને સપોર્ટ કરે એનું રક્ષણ કરે.” ભૂમિએ હજીપણ સૌમિત્રની હથેળીઓ છોડી ન હતી.

“તો મારામાં તને એ બધું ક્યારે દેખાયું?” સૌમિત્ર હવે પોતાના વખાણ સાંભળવા માંગતો હતો.

“સાતમી ડિસેમ્બર ઓગણીસસો બાણું ના દિવસે.” ભૂમિએ આંખ મારી.

“એટલે?” સૌમિત્ર ભૂમિની વાત સમજ્યો નહીં.

ત્યાંજ વેઈટર બે ડીશ ગરમાગરમ મેંદુવડા પીરસી ગયો.

“ડિબેટમાં તું જોરદાર છે જ એ તો તે બે વર્ષ સતત જીતીને બતાડી દીધું. તને પહેલીવાર મેં ખાલી બે મિનીટ જ સાંભળ્યો હતો, પણ બધા જે તારા વખાણ કરતા હતા તેનાથી તો હું ઈમ્પ્રેસ થઇ જ ગઈ હતી. પણ તે દિવસે કોલેજમાં શહેરમાં તોફાનો થશે એવી વાત બહુ ફરતી હતી, પણ મને એમ કે મારા એરિયામાં તો કશુંજ ના થાય. પણ તે મને આવીને પહેલા સમજાવી કે ઘરે જવા માટે ટેન્શનવાળા એરિયામાંથી જ જવું પડશે. ત્યારે મને સહેજ અછડતો ખ્યાલ આવી ગયો કે તને મારી ખુબ ચિંતા છે. તારો ચહેરોજ કહેતો હતો.” ભૂમિ બોલી અને છરી-કાંટાથી મેંદુવડું તોડી અને ખાવા માટે સહેજ અટકી.

“હમમ.. પછી.” સૌમિત્રએ પણ ભૂમિની જેમજ એની ડીશનું મેંદુવડું ખાવાનું શરુ કર્યું.

“ત્યાં હિતુભાઈ આપણને કૃણાલ પાસે લઇ ગયા. એની ગર્લફ્રેન્ડને ઘેરે સુખરૂપ મુકવા ને બદલે કૃણાલતો ફસકી ગયો હતો, પણ તેં હિંમત દેખાડી ત્યારે તો તું મને તારી ગર્લફ્રેન્ડ પણ નહોતો માનતો અને મને આટલાબધા ટેન્શનમાં અને ડરના વાતાવરણમાં પણ ઘેર મૂકી ગયો.” ભૂમિ ખાતાખાતા જ બોલી રહી હતી.

“એ તો ખાસ ફ્રેન્ડ પણ કરે.” સૌમિત્રએ મુદ્દો ઉઠાવ્યો.

“કરે જ, પણ જ્યારે તું મને ઘરે લઇ ગયો અને મારા માટે ખાસ તે તારા પપ્પા સાથે ઝઘડો કરીને સ્કૂટર રીતસર લઇ જ લીધું અને તું મને એકદમ સંભાળીને ઘરે મૂકી ગયો હતો ને?” ભૂમિએ યાદ દેવડાવ્યું

“એ પણ ફ્રેન્ડ કરે.” સૌમિત્રને હજીપણ જાણવું હતું કે ભૂમિને એનામાં એવો કયો ગુણ દેખાયો કે એ એના પર મોહી પડી.

“પણ તારા પપ્પા વિષે તે મને જે વાતો કરી હતી..ખોટું ન લગાડતો, પણ એ ખુબ મોટી હિંમત કહેવાય મિત્ર. આ બધું હું તારા મને તે દિવસે ઘરે મૂકીને ગયા પછી ખુબ વિચારતી હતી. એ આખો દિવસ તું મારા મનમાં ને મનમાં જ આવતો રહ્યો. મને ખબર નહીં કેમ એક અલગ જ ફીલિંગ તારા માટે આવવા લાગી.” ભૂમિ બોલી રહી હતી.

“હમમ...” સૌમિત્રને હજી સાંભળવું હતું.

“લગભગ વીસ થી પચ્ચીસ દિવસ આપણે ના મળ્યા, તારા પપ્પાના ડરથી મેં ફોન બી ના કર્યો અને કદાચ તું બી એટલે જ ફોન કરી ના શક્યો. પણ મારે તને રોજ મળવું હતું. મારે તારી સાથે વાતો કરવી હતી. હું સતત વિચારતી હતી કે તે દિવસે મેં તને જ દીદીની વાત કેમ કરી? કેમ હું તારી પાસે જ રડી પડી? એટલેકે મેં એ બધું કહેવા તને જ કેમ પસંદ કર્યો? ત્યારે મેં તને એક મેચ્યોર્ડ ફ્રેન્ડ જ ગણ્યો હતો, પણ તારામાં એવું શું છે કે...” ભૂમિ પાણી પીવા અટકી.

“પછી?” સૌમિત્રની ભૂમિના મોઢે પોતાના વખાણ સાંભળતા રહેવાનું ગમી રહ્યું હતું. જીવનમાં પહેલીવાર અંબાબેન સીવાય કોઈએ એના વિષે આટલી સારીસારી વાતો કરી હતી.

“તું મને ત્યારેજ ગમી ગયો હતો, પણ મારે તારું મન જાણવું હતું. હા આપણે ફરીથી મળ્યા ત્યારે જ મને લાગ્યું કે આપણે ખુબ નજીક આવી ગયા છીએ અને કદાચ તું પણ એવું જ સમજતો હશે. પણ મેં રાહ જોવાનું નક્કી કર્યું. જો આ વેકેશન સુધીમાં તે ન કીધું હોય તો લાસ્ટ યરમાં હું તો તને તરતજ પૂછી લેવાની હતી, પણ થેન્ક ગોડ...તે પૂછી લીધું.” બાજુમાં પડેલા પેપર નેપકીનથી પોતાની આંગળીઓ અને હોઠ લૂછતાં ભૂમિ બોલી.

“થેન્ક્સ.” ભૂમિની વાતથી સૌમિત્રથી અનાયાસે બોલાઈ ગયું.

“હમમ.. ફ્રેન્ડસ હતા ત્યારે મેં તને એકવાર મૈને પ્યાર કિયાનો ડાયલોગ કીધો હતો કે દોસ્તીમેં નો સોરી નો થેંક્યું. પણ હવે આપણે..યુ નો... એટલે હવે તારે મને થેન્ક્સ અને સોરી કહેવાની ટેવ પાડવી જ પડશે.” ભૂમિ ફરીથી ખડખડાટ હસી પડી.

“હા યાર, પણ મને આમાં બહુ ખબર નથી પડતી, પહેલીવાર છે ને? એટલે કોઈ ભૂલ થઇ જાય તો માફ કરી દેજે.” બીલ સાથે આવેલી વરીયાળી ખાતા અને પોતાના પર્સમાંથી સો ની નોટ કાઢતા સૌમિત્ર બોલ્યો.

“હા, એટલે જાણેકે મેં તો ચાર-પાંચ છોકરા ફેરવ્યા હોય એવી વાત કરે છે તું..” ભૂમિએ હસતાંહસતાં આંખ મારી.

“ના, યાર એવું નથી, પણ હવે મારે તને કોઇકાળે ગુમાવવી નથી. આજે તે ના પાડી હોત તો ઠીક હતું, પણ હવે તારાથી દુર નહીં જ રહેવાય.” હવે સૌમિત્રએ ભૂમિના બંને હાથ પકડી લીધા અને એની આંગળીઓમાં પોતાની આંગળી ભેરવીને લોક કરી દીધી.

એકબીજાને આવી રીતે પહેલીવાર સ્પર્શ કરતાં, સૌમિત્ર અને ભૂમિ બંનેને કોઈ અલગ પ્રકારની લાગણી થઇ. બંનેના શરીરમાં જાણેકે વિજળીનો કરંટ લાગ્યો હોય એવી લાગ્યું.

“હજી આજે તો મળ્યા મિત્ર અને ત્યાં તું....” ભૂમિની આંખો સહેજ ભીની થઇ ગઈ.

“હા પણ...” સૌમિત્ર ભૂમિની ભીની આંખો જોઇને બોલતા બોલતા રોકાઈ ગયો.

“આપણે જેમ છીએ એમ જ રહીશું મિત્ર તો કોઈજ વાંધો નહીં આવે.” ભૂમિ સૌમિત્રને આશ્વાસન આપતા બોલી.

“હા, પણ તારા પપ્પા.” સૌમિત્રને ભૂમિની બહેન નિલમ સાથે જે થયું હતું એ યાદ આવી ગયું.

“બહુ ઉતાવળો સૌમિત્ર. હજી આજે તો આપણે મળ્યા. હજી ખુબ ભણવાનું છે અને પછી પગભર થવાનું છે. ત્યારે વિચારીશું. મેં પપ્પાને છવ્વીસ-સત્યાવીસ વર્ષ સુધી મેરેજનો મ પણ ન બોલવાનું ક્યારનુંયે કહી દીધું છે. એટલે તું હમણાં એ બધું ના વિચાર.” ભૂમિ બોલી.

“ઠીક છે, કશેક બીજે જઈએ? અહીં ખાધા પછી બહુ બેસવું કદાચ સારું નહીં લાગે.” સૌમિત્રએ વેઈટર તરફ ઈશારો કરીને ભૂમિને પૂછ્યું.

“હા, પણ બહુ વાર નહીં મારે ઘરે જવું પડશે.” ભૂમિ પોતાના કાંડા ઘડિયાળ જોતા બોલી. ભૂમિ પોતાની કાંડા ઘડિયાળ ઉંધી પહેરતી હતી એટલે સમય જોવા તેણે પોતાનું કાંડું વાળવું પડતું.

“અરે..હજી થોડીવાર..આટલું જલ્દી?” સૌમિત્રને ભૂમિ સાથે વધુ સમય ગાળવો હતો.

“મને પણ હવે ઈચ્છા નથી ઘરે જવાની, પણ મેં મમ્મીને દોઢ બે કલાકમાં આવી જઈશ એમ કીધું છે અને મને એવો તો ખ્યાલ જ નહોતો કે મારો મિત્ર આવો ધડાકો કરવાનો છે.” રેસ્ટોરન્ટની બહાર આવતા આવતા ભૂમિ બોલી એના ચહેરા પર પેલું સ્મિત બરકરાર હતું.

“મને પણ તું આટલી જલ્દી હા પાડી દઈશ એવી આશા નહોતી..” સૌમિત્રને ભૂમિએ ‘મારો મિત્ર’ કહીને બોલાવ્યો એ એને ખુબ ગમ્યું.

“કશો વાંધો નહીં, હવે આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. નોર્મલ રહીશું તો વધારે મજા આવશે.” ભૂમિ એ જવાબ આપ્યો.

“અફકોર્સ, હું તો એવો જ રહીશ જેવો છું, તું ન બદલાતી.” સૌમિત્રએ હસીને કીધું.

“હોય કાઈ? હું તો હવે સાવ બદલાઈ જઈશ. હું ખુબ જ ડીમાન્ડીંગ થઈ જઈશ. તને તારી પ્રેમિકાને સાચવવી અઘરી પડશે મિત્ર!” ભૂમિ ફરીથી ખડખડાટ હસી પડી.

“બંદા હાઝીર હૈ!” સૌમિત્ર એર ઇન્ડિયાના મહારાજાની જેમ વાંકો વળીને બોલ્યો અને પેલી ફાઈવ સ્ટાર ચોકલેટ ભૂમિ સામે ધરી.

“અરે વાહ, મારા માટે? તને ખબર છે ને કે મને ફાઈવ સ્ટાર ખુબ ભાવે છે?” ભૂમિ ખુશ થઇને બોલી.

“હા, પણ તે ના પાડી હોત તો ના આપત.” સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

“એક નંબરનો જુઠ્ઠો.” ભૂમિએ મોઢું બગાડ્યું.

જવાબમાં સૌમિત્ર ફક્ત હસ્યો. એને ભૂમિની અદાઓ હવે ઓફિશિયલી જોવાની અને ગમાડવાની છૂટ મળી ગઈ હતી અને તેને એનો પુરેપુરો લાભ લેવો હતો.

ચલ, ઇન્કમટેક્સ સુધી ચાલતા અને વાતો કરતા જઈએ, ત્યાંથી બસ પકડીને ઘરે જઉં.” ભૂમિએ સૌમિત્રની એની સાથે વધુ સમય ગાળવાની ઈચ્છા પૂરી કરી.

બંને જણા નટરાજથી ઇન્કમટેક્સ સુધી ચાલતા ગયા અને ખુબ વાતો કરી. સૌમિત્રને હજીપણ વિશ્વાસ નહોતો આવતો કે ભૂમિએ તેની પ્રેમ પ્રપોઝલને આટલી જલ્દીથી સ્વીકારી લીધી. સૌમિત્ર ભૂમિને પ્રપોઝ કરવા માટે જેટલી આનાકાની કરતો હતો તેનાથી વિરુદ્ધ તેને પરિણામ મળ્યું એટલે એ જરાક કન્ફયુઝ થઇ ગયો હતો કે હવે તે આગળ કેમ વધે. પણ ત્યાંજ એને ભૂમિએ થોડા સમય પહેલા કહેલી વાત યાદ આવી કે જો એ બંને નોર્મલ એટલેકે અત્યારે છે એવા જ રહેશે તો કોઈ જ તકલીફ નહીં પડે.

***

“ખબર્ય નથ્ય પડતી વીજેભાય ભગવાને આ માંણાને હેમાંથી બનાયવોસ? ઓલીને પ્રપોજ કરવાને બદલે ભાઈ એને મેંદુવડું ખવરાવીને હાલ્યા આયવા. હું ન્યા હોતને તો આને ન્યા ને ન્યા વગર પાવડરે ધોય નાખત.” હિતુદાન ગુસ્સામાં હતો.

હિતુદાનનો ગુસ્સો વ્યાજબી હતો. સૌમિત્રએ એના બંને મિત્રોને ચીડવવા માટે એમને કેન્ટીનમાં બોલાવીને એમની સામે એવી ખોટી વાર્તા કરી કે ગઈકાલે એ ફરીથી ભૂમિને પ્રપોઝ કરવામાં નિષ્ફળ ગયો અને એ બંને માત્ર થોડી વાતો કરીને અને મેંદુવડાની એક એક ડીશ ખાઈને છૂટા પડી ગયા હતા. આટલું સાંભળીને હિતુદાન કાયમની જેમ ગુસ્સે થઇ ગયો અને વ્રજેશ નિરાશ થઇ ગયો.

“કાલે તો હું પણ તારી સાથે હોત ને ગઢવી? તો આના પર મારો હાથ જરૂર સાફ કરત.” વ્રજેશ બોલ્યો.

“તૈય્હું? આટઆટલા મોકા ઉપરવારો કો’ક ને જ દીયે ને આ માંણાને હઝીયે પરીક્સા લેવી સે અને ઇયે ઉપરવારાની. હવે આવતે મોકે અમે બેય તારી હાયરે ઝ આવસું અને તારે અમને જીરીકે ના નથ્ય પાડવાની હઈમજ્યો?” હિતુદાનનો અવાજ મોટો થઇ રહ્યો હતો અને કેન્ટીનમાં આસપાસ બેઠેલા લોકોમાંથી થોડાંક એની સામે જોઈ રહ્યા હતા.

“આપણે એની જોડે જઈશું તો ય આ વ્યક્તિ એવી છે કે ભૂમિ સામે આપણને ખોટા કહી દેશે અને કહેશે કે હું તો આવું એમને ખોટેખોટું કહેતો હતો. મને તો હવે સૌમિત્ર પર કોઈ જ વિશ્વાસ નથી રહ્યો. મને નથી લાગતું કે એ કોલેજ પતે ત્યાંસુધીમાં ભૂમિને કોઈ વાત કરે.” વ્રજેશની નિરાશામાં પણ ગુસ્સો હતો અને સૌમિત્ર મૂછમાં હસી રહ્યો હતો.

“હાઈ કેમ છો બધાં?” અચાનક જ ભૂમિ ત્યાં આવી ચડી અને એણે સૌમિત્રની પાછળ થી એના ગળામાં પોતાના બંને હાથ નાખી દીધા અને વ્રજેશ અને હિતુદાનની સામે વારાફરતી જોવા લાગી. સૌમિત્રએ પણ એના હાથ પકડી લીધા.

“તમાર ઝેવું હોય?” હિતુદાન ગુસ્સામાં બોલ્યો.

“તો વ્રજેશભાઈ મારું નામ કેમ બોલ્યા?” જ્યારે વ્રજેશ ભૂમિ વિષે બોલી રહ્યો હતો ત્યારે ભૂમિ ઓલરેડી કેન્ટીનમાં આવી ગઈ હતી અને આ મિત્રોના ટેબલની નજીક હતી એટલે એણે પકડી પાડ્યું.

“અરે એ તો આ સૌમિત્રની વાત થતી હતી એટલે તમારું નામ આવ્યું, બેસો.” વ્રજેશે એની અને સૌમિત્ર વચ્ચેની ખુરશી ખેંચીને ભૂમિને બેસવા આમંત્રણ આપ્યું.

“થેંક્યું. તો તમે એવી તો કઈ વાત કરતા હતા કે મારું અને મિત્રનું નામ એકસાથે આવ્યું?” ભૂમિએ ફરીથી સવાલ કર્યો અને વ્રજેશ અને હિતુદાન થોડીક અસમંજસમાં આવી ગયા.

“ઝાવા દે ને બેનડી, સા પી ને પસે લેક્ચરમાં ઝાંય.” હિતુદાન ભૂમિ સામે જોયા વગર બોલ્યો.

“ઓહો બેનડી? મિત્ર તો હવે હિતુભાઈ મારા જેઠજી નહીં બને પણ તારા સાળા બની ગયા રાઈટ?” ભૂમિ ખડખડાટ હસી પડી.

હવે સૌમિત્રથી પણ પોતાનું હસવું રોકવું મુશ્કેલ થઇ ગયું અને એ પણ મુક્તપણે હસવા લાગ્યો. સૌમિત્ર હસતાંહસતાં તાળીઓ પાડી રહ્યો હતો. ભૂમિ, વ્રજેશ અને હિતુદાનને ખબર જ નહોતી પડતી કે સૌમિત્ર આમ કેમ હસી રહ્યો છે. વળી, વ્રજેશ અને હિતુદાનને તો ભૂમિ જે બોલી એનાથી પણ આંચકો લાગ્યો હતો એટલે એલોકો ડબલ કન્ફયુઝનમાં આવી ગયા હતા.

“લાગે છે સૌમિત્રએ આપણી ગેમ કરી નાખી છે.” વ્રજેશને હવે થોડી ખબર પડવા લાગી.

“એટલે?” હિતુદાન કાયમની જેમ કશું સમજી શક્યો ન હતો.

“એટલે એમ ગઢવી કે કાલે આખરે સૌમિત્રએ ભૂમિને પ્રપોઝ કરી દીધું અને ભૂમિએ આ લબાડને હા પાડી દીધી છે.” વ્રજેશના ચહેરા પર સ્મીત હતું.

“એલા હાચેકાને?” હિતુદાનનો ગુસ્સો અચાનક ઓગળી ગયો અને હસીહસીને થાકી ગયેલા સૌમિત્રને પૂછ્યું.

“એટલે? સૌમિત્ર? તે હજી તારા ફાસ્ટ ફ્રેન્ડ્સને આપણી વાત નથી કરી? વેરી બેડ બોય!” ભૂમિએ પોતાના હોઠ પહોળા કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“ના, કારણકે આ બેય મહાનુભાવોના ચહેરા જે અત્યારે જેવા છે એવા જોવાનો લાભ મને એમનેમ એમને કહી દીધું હોત તો ન મળત ભૂમિ!” સૌમિત્ર હવે હસવાનું બંધ કરીને થોડોક ગંભીર થઇ ગયો પણ તેના ચહેરા પર સ્મીત જરૂર હતું.

“એન્ની માં ને માસી કવ, મિતલા....” આટલું બોલીને હિતુદાન ખુરશીએથી ઉભો થઇ ગયો અને સૌમિત્રને ખેંચીને ઉભો કર્યો અને ભેટી પડ્યો.

હિતુદાનના સૌમિત્રને મનભરીને ભેટી લીધા પછી વ્રજેશે પણ સૌમિત્રને બાથ ભરી લીધી. ત્રણેયની આંખો ભીની થઇ ગઈ હતી અને એમની ભરેલી આંખો જોઇને ભૂમિની આંખો પણ ભરાઈ આવી. આ આંસુમાં ખુશી હતી. થોડીવાર પછી ત્રણેય ફરીથી પોતપોતાની ખુરશીઓ પર બેસી ગયા.

“તો હવે પાક્કું, વ્રજેશભાઈ તારા તરફથી અને હિતુભાઈ મારી તરફથી, આજથી એ મારા ભાઈ.” ભૂમિ બોલી.

“હા પાક્કું. આલે હાલ બનેવીલાલ પાર્ટી આપ્ય હવે.” હિતુદાન બોલ્યો.

“અત્યારે નહીં, કોઈ સરસ જગ્યાએ આપણે જશું. એક્ઝામ્સ પછી.” સૌમિત્ર એ વચન આપ્યું.

“ઠીક છે, છેલ્લા પેપર પછી ક્યાંક જઈએ. જગ્યા આપણે નિરાંતે નક્કી કરીશું.” વ્રજેશ બોલ્યો.

“તને તો વાંધો નથીને ભૂમિ?” સૌમિત્રએ ભૂમિને પૂછ્યું.

“ના રે ના, મને શો વાંધો હોય? આપણે તૈયાર જ હોઈએ.” ભૂમિ હસી રહી હતી.

“પણ ઇગીયાર અને બારમી મેં ના દિવસે કોઈ પોગરામ નથ્ય રાખવાનો, કય દવ સું.” હિતુદાન બોલ્યો.

“કેમ કાંઈ ખાસ?” વ્રજેશે પૂછ્યું.

“દહમીએ હું બાવી વરહનો થઇસ અટલે બાપાએ બારમીની તારીખ નક્કી કર દીધી.” હિતુદાન કદાચ પહેલીવાર શરમાઈ રહ્યો હતો.

“ઓહો, શું વાત છે!” સૌમિત્રએ હિતુદાનની પીઠ પર ધબ્બો માર્યો.

“શું? મને તો કોઈ સમજાવો?” ભૂમિને ખબર નહોતી પડી રહી.

“સાલેસા’બ પરણવા જઈ રહ્યા છે.” સૌમિત્ર ભૂમિ સામે આંખો નચાવતા બોલ્યો.

“અરે...વાહ!! બે મિનીટ પહેલાંતો હજી ભાઈ મળ્યો અને ત્યાં ભાભી પણ બોનસમાં? શું લક છે મારાં હેં કે?ક્યાં છે લગ્ન અમદાવાદમાં?” ભૂમિએ હિતુદાન સામે જોયું અને હિતુદાન હજીપણ શરમાઈ રહ્યો હતો.

“ના, ઝામનગર કોર હાપા ગામ સે, ન્યા ગાંધીનગરથી ઝાન જોડીને ઇગીયારમી હવારે નીકરવાનું ને મોડી રાઈતે લગન. અમે તો બારમી હાઈંજે પાસા નીકરસુ, પણ તમારે તણે ઝો બારમીએ હવારે નીકરી આવવું હોય તો વાંધો નથ્ય.” હિતુદાન બોલ્યો.

“એમ નહીં ગઢવી. વેકેશન છે એટલે અમને તો કોઈ વાંધો નહીં આવે ભૂમિ પણ તારે ન આવવું હોય તો અમને કોઈને કે ગઢવીને પણ ખરાબ નહીં લાગે. તારા પપ્પા મમ્મી તને ના પાડે તો બહુ ફોર્સ ન કરતા.” વ્રજેશે પોતાની પીઢતા દેખાડી.

“ના શું કામ? હું મારી ભાભીને લેવા શું કામ ન આવું? હું તો આઇશ. મમ્મી તો ક્યારેય ના નહીં પાડે. પપ્પાને સમજાવવાની જવાબદારી મારી.” ભૂમિ સ્મીત રેલાવતા બોલી અને સૌમિત્ર એને જોઈજ રહ્યો.

***

“તો અગિયારમીએ સવારે પથિકા મળીયે ઓકે?” વ્રજેશ બોલ્યો.

સેકન્ડ યરની પરિક્ષાઓ આજે જ પતી હતી. સૌમિત્ર, ભૂમિ, વ્રજેશ અને હિતુદાન, સૌમિત્રએ આપેલી તેની સક્સેસફૂલ પ્રપોઝલની પાર્ટી માણીને આશ્રમરોડ પર આવેલા કોઈ રેસ્ટોરન્ટની બહાર હિતુદાનની જાનમાં કેવીરીતે જવું એનો પ્લાન બનાવી રહ્યા હતા અને છેવટે નક્કી થયું કે અગિયારમીએ સૌમિત્ર અને ભૂમિ અમદાવાદથી ગાંધીનગરના પથિકાશ્રમ બસ સ્ટેન્ડ આવશે અને ત્યાંથી વ્રજેશ એમને હિતુદાનને ઘેરે લઇ જશે અને લગભગ દસેક વાગ્યે જાનમાં બધા સાથે હાપા જશે. આટલું નક્કી કરીને વ્રજેશ અને હિતુદાન ઇન્કમ ટેક્સ તરફ વળ્યા.

“મિત્ર, એક પ્રોબ્લેમ છે.” વ્રજેશ અને હિતુદાનના ગયા પછી ભૂમિ બોલી.

“શું?” સૌમિત્રએ પૂછ્યું.

“મેં હજી પપ્પાને પૂછ્યું નથી. આમ તો એ ના નહીં જ પાડે, પણ કોઈવાર હું એકલી નથી ગઈ. અત્યારસુધી સંગીતા જોડે જ જતી અને તમને એ ઓળખતા પણ નથી. જો ના પાડશે તો?” ભૂમિના અવાજમાં અને ચહેરા પર ડર હતો.

“તો વાંધો નથી, આપણે ગઢવીને સોરી કહી દઈશું.” સૌમિત્ર ભૂમિને ધરપત આપતા બોલ્યો.

“ના પણ મારે આવવું છે. વેકેશનમાં તને મળવાનું અને તારી સાથે બે દિવસ રહેવાનો મોકો હું ગુમાવવા નથી માંગતી.” ભૂમિએ સૌમિત્રનો હાથ પકડી લીધો.

“તો પપ્પાને બિન્દાસ કહી દે, જરાય ડર્યા વીના. ખોટું તો બિલકુલ ન બોલતી.” સૌમિત્રએ ભૂમિનો હાથ દબાવ્યો.

“ખોટું બોલવું તો મને પણ નહીં ગમે મિત્ર. પણ ખોટું પણ ન બોલવું પડે અને આપણું કામ પણ થઇ જાય એવું કંઈક કરીએ તો?” ભૂમિની આંખમાં હવે તોફાન હતું.

“શું? બોલ” સૌમિત્રને એવું થાય તો કોઈ વાંધો જ નહતો.

“હિતુભાઈને તું પૂછી લે ને કે જાનમાં એક વધારાની વ્યક્તિ આપણી જોડે આવે તો એમને કોઈ વાંધો ખરો?” ભૂમિએ રસ્તો બતાવવાની શરૂઆત કરી.

“એક વધારે વ્યક્તિ? એ કોણ?” સૌમિત્રની ઉત્કંઠા વધી ગઈ.

“જો, હું અત્યારસુધી સંગીતા સાથે જ બધે ગઈ છું અને ઘરે બધા જ એને ઓળખે છે. તો જો હું ઘરે એમ કહું કે હું સંગીતા સાથે જામનગર કોલેજ ફ્રેન્ડના લગ્નમાં જઉં છું તો ઘરે કોઈજ મને ના નહીં પાડે. બોલ શું કહે છે મિત્ર?” ભૂમિએ આઈડિયા બતાવ્યો.

“સંગીતા???” સૌમિત્ર સંગીતાનું નામ સાંભળતા જ ગભરાઈ ગયો.

***

પ્રકરણ ૮

“કેમ તને સંગીતા સાથે કોઈ વાંધો છે?” સૌમિત્રના સવાલ અને તેનો ચહેરો જે રીતે એક અજીબ એક્સપ્રેશન આપી રહ્યો હતો તેનાથી ભૂમિને નવાઈ લાગી.

“નાનાનાનાના...મને શો વાંધો હોય?” સૌમિત્રને ભૂમિને જણાવવું ન હતું કે તેને કાયમ ઊંડે ઊંડેથી સંગીતાનો ડર લાગે છે કે એ કદાચ એમની બાજી બગાડી શકે છે.

“તો પછી સવાલ કેમ કર્યો?” ભૂમિ હજીપણ મુદ્દાને વળગી રહી હતી.

“અરે એ તો તે અચાનક જ સંગીતાને સાથે લઇ જવાનું કીધું અને એને સાથે લઇ જવા માટે મારે ગઢવીને શું પૂછવું એ બધું એક સાથે વિચારતો હતો એટલે હું જરાક....” સૌમિત્રએ વાત વાળી.

“હમમ... ઠીક છે. તો હું કાલે જ પપ્પાનો મૂડ જોઇને વાત કરી લઉં અને પછી તને ફોન કરીશ.” ભૂમિના ચહેરા પર હવે ચમક આવી ગઈ હતી.

“કેમ ફોન? કાલે મળીએ ને ક્યાંક?” સૌમિત્ર બોલ્યો.

“અરે, હવે એક્ઝામ્સ પતી ગઈ મિત્ર, હવે કયું બહાનું શોધવું?” ભૂમિએ એની મજબૂરી કહી.

“આ સાલી તકલીફ છે. તો શું આપણે હવે ગઢવીના લગ્ન સુધી મળીશું જ નહીં? હજી તો વીસ દિવસ બાકી છે.” સૌમિત્રના અવાજમાં સહેજ ગુસ્સો હતો.

“ના યાર મારાથી એટલા બધા દિવસ તને જોયા વગર નહીં રહી શકાય મિત્ર.” સૌમિત્રના હાથમાં હાથ નાખીને ચાલી રહેલી ભૂમિએ બે-ત્રણ સેકન્ડ એના ખભા પર પોતાનું માથું મૂકી દીધું.

“મને પણ.. એટલે તો મેં કીધું. અને હવે તો વેકેશન છે. કોઈને કોઈ બહાનું બનાવી લે ને? પછી મને કોલ કરજે.” સૌમિત્રએ રસ્તો બતાવ્યો.

“તો પછી હું સંગીતાને લઈને ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવીને ઘરે કઈ ને તને કોલ કરી દઈશ ઓકે?” ભૂમિને આઈડિયા આવ્યો.

“આમાંયે સંગીતા?” સૌમિત્ર ફરીથી ગભરાયો.

“પણ તો હું શું કહીને ઘરેથી નીકળું?” ભૂમિએ ફરીથી મજબૂરી કહી.

“જો એમ સંગીતાનું નામ વારેવારે યુઝ કરીશું તો પછી તારા મમ્મી-પપ્પા પાસે એની અસર નહીં રહે. તું કે છે ને કે તું બિન્દાસ છે. એક દિવસ કહી દે ને કે તને બહાર ફરવા જવાનું મન છે? ઉપડી પડ.” સૌમિત્ર ભૂમિને સમજાવી તો રહ્યો જ હતો પણ સાથે સાથે એ પણ પાકું કરી રહ્યો હતો કે એ સંગીતાને લઈને તો ન જ આવે.

“હા એ છે. આવતે અઠવાડિયે હું કહીશ કે આખો દિવસ ઘરમાં બેસીને બોર થાઉં છું તો લો ગાર્ડન ફરી આવું, પેલી ચણિયાચોળીની બજાર છે ને? ફરતી આવું.” ભૂમિને હવે રસ્તો સુજ્યો.

“હવે તું બરોબર સમજી. બસ પછી મને કોલ કરી દે જે. આપણે બે-ત્રણ કલાક લો ગાર્ડનમાં બેસીશું.” સૌમિત્ર બોલ્યો.

“રાઈટ. એમ જ કરીએ. હવે હું જઉં? નવ વાગે છે. મમ્મી ચિંતા કરતી હશે.” સૌમિત્રના હાથને તેની બંને હથેળીઓમાં લઈને ભૂમિ બોલી. તેનો એક અંગુઠો સતત સૌમિત્રની હથેલી પર ફરી રહ્યો હતો.

“બસ દસ મિનીટ?” સૌમિત્રને ભૂમિથી છુટું પડવું ન હતું.

“મમ્મી માટે મિત્ર?” ભૂમિના અવાજમાં આજીજી હતી.

“મારા માટે ભૂમિ...” સૌમિત્રએ પણ વિનંતી કરી.

“પ્લીઝ....” ભૂમિએ સૌમિત્રની આંખમાં આંખ નાખીને કીધું.

“ઓકે, જેમ તું કહે તેમ. પણ આવતા અઠવાડિયાનું પાકું હોં કે? લો ગાર્ડન.” સૌમિત્ર છેવટે માની ગયો.

“હા અને રોજ તો આપણે ફોન પર વાત કરીશું જ.” ભૂમિ બોલી.

“ચોક્કસ, અને સાંભળ. મમ્મી કે પપ્પા કોઇપણ ફોન ઉપાડે તો ગભરાતી નહીં, એ બંને તને જાણે છે કે તું મારી ફ્રેન્ડ છે. તું તારે મારા વિષે પૂછી જ લેજે. જો હું આસપાસ જ હોઈશ તો વાત કરીશું. જો બહાર હોઈશ તો ઘેરે આવીને તને કોલ કરીશ.” સૌમિત્રએ ભૂમિને જરાય ડર્યા વગર ફોન કરવાનું કહ્યું.

“બસ ખાલી ફ્રેન્ડ? બહુ જુઠ્ઠું બોલવા લાગ્યો છે હોં મિત્ર તું આજકાલ?” ભૂમિએ આંખ મારી અનેહસતાંહસતાં બોલી.

“તારા માટે ને?” સૌમિત્ર પર ભૂમિની મસ્તીની કોઈજ અસર ન થઇ એને હજીપણ ભૂમિના જવાનું દુઃખ હતું.

“એટલેજ તો લવ યુ મિત્ર! તું મારા માટે ગમેતે કરવા કાયમ તૈયાર હોય છે.” ભૂમિ હવે સ્મીત વેરી રહી હતી.

“અને કાયમ એમ કરતો પણ રહીશ. પ્રોમિસ!” સૌમિત્ર બોલ્યો.

ભૂમિએ પોતાના હાથ સૌમિત્રના હાથમાંથી છોડાવ્યા અને પછી એકબીજાને આવજો નજીકમાં જ ઉભેલી એક રિક્ષામાં બેસીને ભૂમિ ત્યાંથી નીકળી ગઈ. સૌમિત્ર જ્યાંસુધી ભૂમિની રિક્ષા એની આંખોથી દૂર ન થઈ ત્યાંસુધી એને જોતો રહ્યો.

***

આમતો રોજ સૌમિત્ર અને ભૂમિ એકબીજા સાથે થોડીવાર ફોન પર વાત કરી લેતા હતા, પરંતુ નક્કી કર્યા પ્રમાણે બીજે અઠવાડિયે ભૂમિનો કોલ લો ગાર્ડનની એમની મુલાકાત બાબતે આવ્યો. સૌમિત્ર એના રૂમમાં જ હતો પણ ફોન પાસે જનકભાઈ બેઠા હતા એટલે એમણે રિસીવ કરીને સૌમિત્રને બોલાવ્યો.

“છોકરીઓના ફોન આવવા લાગ્યા એમને?” ભૂમિનો કોલ પૂરો થઇ જતા જનકભાઈ બોલ્યા. કાયમની જેમ સૌમિત્ર જ્યારે ખુશ હોય ત્યારે જ જનકભાઈ એને ટોકતા અને સૌમિત્રનો મૂડ ખરાબ થઇ જતો.

“તે હવે મોટો થયો તમારો દિકરો, આવે જ ને?” જમીન પર જ ઘઉં મોઈ રહેલા અંબાબેને પણ કાયમની જેમજ સૌમિત્રનો પક્ષ લીધો.

પણ સૌમિત્ર મૂંગો જ રહ્યો. તે દિવસે ભૂમિ માટે એ જનકભાઈની વિરુદ્ધ ગયો હતો ત્યાર પછી એ અને જનકભાઈ ભાગ્યે જ એકબીજા સાથે કશું બોલતા. પણ જનકભાઈ સૌમિત્રને ટોકવાનો એકપણ મોકો છોડતા નહીં.

“મોટો થયો એટલે છોકરીઓ ફેરવવાની?” જનકભાઈએ સૌમિત્રને ન ગમતી વાત કહી.

“હાય હાય કેવું બોલો છો તમે તો ભૈશાબ? મારો તમારો જમાનો નથી રહ્યો સાહેબ.” અંબાબેને વાત વાળી.

“હા, એ જ તો તકલીફ છે. ક્યાં જાવ છો કાલે?” જનકભાઈએ સૌમિત્ર ભૂમિને ફોન પર જે કહી રહ્યો હતો તે બરોબર સાંભળી ચૂક્યા હતા એટલે એમને ખબર હતી કે સૌમિત્ર ‘એ છોકરી’ સાથે આવતિકાલે ક્યાંક જવાનું નક્કી કરી ચૂક્યો હતો.

“તમારે બધી પંચાત. વેકેશન છે, મિત્રો સાથે હળેમળે નહીં તો આખો દિવસ ઘરમાં શું કરે?” અંબાબેન સૌમિત્રના ઓફિશિયલ વકીલ હતા.

“હા અને એમ ના કરતા હોય ત્યારે સવાર સાંજ બેટ ટીચવાનું. અમે તો વેકેશનમાં કોઈ કામ શોધી લેતા અને બાપાને બે પૈસાની મદદ કરી આપતા.” જનકભાઈનું લેક્ચર ચાલુ જ હતું.

“તમારા બાપા અંગ્રેજોના પટાવાળા હતા, મારા દિકરાના બાપા ફર્સ્ટક્લાસ ઓફિસર હતા. મારો દિકરો શું કામ એનું વેકેશન બગાડે?” અંબાબેન પાસે જનકભાઈની દલીલ સામેની દલીલો હાજર જ હતી.

“તો છોકરાને બગાડો બીજું શું?” જનકભાઈએ એમનું છેલ્લું હથીયાર વાપર્યું અને કાયમની જેમ ઉપરના માળે પગ પછાડતા જતા રહ્યા.

“પપ્પા કેમ આવા છે મમ્મી?” જનકભાઈના ઉપર ગયા પછી સૌમિત્ર બોલ્યો.

“તું ચિંતા ન કર બટા. હું છું ને?” અંબાબેન હસીને બોલ્યા.

“એમ નહીં, એ આટલા કડવા કેમ છે? હું એમનો દિકરો છું, દુશ્મન નથી. જરાક તો વિશ્વાસ કરે ને મારા પર? હવે તો હું પહેલાની જેમ પોકેટમની સામેથી પણ નથી માંગતો. એ જ દર સોમવારે આપે છે અને મારું સેવિંગ્સ એટલું છે કે એકાદ સોમવારે એ ભૂલી પણ જાય તો પણ હું સામેથી માંગતો નથી.” સૌમિત્ર થોડોક ખિન્ન થઇ ગયો હતો.

“દિકરા એમણે ખુબ ગરીબી જોઈ છે. તારા દાદી એ નાના હતા ત્યાંજ ઉપરવાળાને ત્યાં સિધાવી ગ્યા’તા. તારા દાદા તો તારા પપ્પાને પણ સારા કહેવડાવે એવા એકદમ પેલા દુર્વાસા મુનિ જેવા. એટલે બેટા એમણે જે જોયું હોય એમ જ કરે ને?” અંબાબેને સૌમિત્રને સમજાવવાની કોશિશ કરી.

“હમમ.. પણ સાચું કહું મમ્મી? તે દિવસે હું ભૂમિ માટે સ્કૂટર લઈને એને ઘેરે મુકવા ગયો હતો ને? પછી મને એમની બીક નથી લાગતી.” સૌમિત્રના મોઢા પર સ્મીત હતું.

“હા તે એમાં બીવાનું શું? બાપ છે સાપ થોડો છે? અને તું કોઈ બિચારી છોકરીને મદદ જ કરવાનો હતો ને?” અંબાબેન બોલ્યા.

“હાસ્તો. એને પણ કેટલું સારું લાગ્યું કે હું આટલું મોટું રિસ્ક લઈને પણ એને એના ઘેરે મૂકી આવ્યો.” ભૂમિની વાત નીકળતાં જ સૌમિત્રના ચહેરા પર તેજ આવી ગયું.

“કેટલું હારું લાગ્યું?” અંબાબેન ઘઉં ડબ્બામાંથી લેતાલેતા હસી રહ્યા હતા.

“એટલે?” સૌમિત્ર કન્ફયુઝ થયો, એને અંબાબેનનો સવાલ સમજાયો નહીં.

“એટલે એમ કે એને તું ય હારો નથી લાગી ગ્યો ને એમ પૂછું છું?” અંબાબેન હજીપણ હસી રહ્યા હતા.

“અરે...ના ના, મમ્મી અમે ખાલી ફ્રેન્ડ્સ જ છીએ. કાલે એટલે જ લો ગાર્ડન મળવાના છીએ.” સૌમિત્રને પકડાઈ જવાની બીક લાગી.

“હા શરૂઆતમાં બધાંય આમ જ કે, પછી એક દિવસ અચાનક ધડાકો કરે.” અંબાબેન હસતાંહસતાં બોલ્યા.

“અરે ના મમ્મી શું તું પણ યાર.” સૌમિત્રને હવે આ વાત પૂરી કરવી હતી.

“હા..ઠીક છે ઠીક છે..જુવાની છે, જમાનોય આગળ વધી ગ્યો છે. તારી ખુશીમાં હું ય ખુશ બટા.” સૌમિત્ર સામે જોઇને અંબાબેને તેલવાળા હાથે એના ઓવારણાં લીધા.

***

આખરે અગિયારમી મે આવી ગઈ. સૌમિત્ર, ભૂમિ અને સંગીતા અમદાવાદથી ગાંધીનગર વહેલી સવારની બસમાં બેસીને પહોંચી ગયા. વ્રજેશ એમને પથિકાશ્રમ લેવા આવ્યો હતો. આ તમામ ત્યાર પછી હિતુદાનના સેક્ટર પાંચમાં આવેલા ઘેરે પહોંચ્યા જ્યાં જબરી ઝાકઝમાળ હતી. આ બધાના ત્યાં પહોચ્યાં પછી બધાને ચા – નાસ્તો આપવામાં આવ્યા. વરરાજાના ખાસ મિત્રો હોવાને લીધે એમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ એની ખાસ સૂચના ઘરના વડીલોએ ઘરના યુવાનોને આપી જ દીધી હતી અને કાનો જે હિતુદાનના મોટા કાકાનો દિકરો હતો તેને આ ચારેયનું ધ્યાન રાખવાનો ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. કાનો હતોય રસપ્રદ માણસ એટલે સૌમિત્ર, ભૂમિ અને વ્રજેશને એની સાથે વાતો કરવાની મજા પડવા લાગી. સંગીતા એના સ્વભાવ મુજબ મૂંગીમૂંગી બેસી રહી. થોડીવારમાં હિતુદાનના પિતા પણ આવ્યા અને ચારેય જણા એમને પગે લાગ્યા. જાનની બસ પણ રેડી હતી. બરોબર મૂરતનો સમય થયો એટલે ગોર મહારાજે હિતુદાનને વિધિ કરવા બહાર બોલાવ્યો અને બીજાબધાને બસમાં બેસવાનું કીધું. સૌમિત્ર અને ભૂમિ પણ બધાની પાછળ પાછળ બસમાં ચડવા જ લાગ્યા હતા કે...

“એ તમે સારેય એમાં કાં સડો?” કાનાએ બૂમ પાડી.

“બધાની ભેગા...” સૌમિત્ર અડધો બસમાં અને અડધો બહાર એવી અવસ્થામાં હતો અને એમ જ એણે જવાબ આપ્યો.

“અરે ઈ તો મને ખબર્ય પડી ગય, પણ આપણે એમાં નથ્ય ઝાવાનું.” કાનાએ સ્પષ્ટતા કરી.

“તો?” ભૂમિ કાના તરફ જોઇને બોલી.

“એ તમારા સારેય હાટુ તો પેસીયલ વ્યવસ્થા સે...હાલો મારી હાઈરે.” આટલું બોલીને કાનો બસની વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો.

ચારેય મિત્રો કાનાની પાછળ સુધી થોડે સુધી ચાલ્યા અને ત્યાં કાનો પેલી કેદીઓને લઇ જાય એવી એક વાન પાસે ઉભો રહ્યો.

“આ સે આપણા બધાય હાટુ..હેયને આમાં આપણે પાંસેય ભેળા થયને આમાં ધૂબાકા મારહું.” વાનનો પાછળનો દરવાજો ખોલીને હિતુદાન બોલ્યો.

હિતુદાનના પિતા પોલીસ ખાતામાં હતા અને આથી એમણે હિતુદાનના ખાસ મિત્રો માટે આ ખાસ વ્યસ્થા કરી હતી, કારણકે એમના સગાંઓ સાથે કદાચ આ ‘શહેરીલોકો’ બરોબર સેટ ન થઇ શકે એવી એમની શંકા હતી એટલે એમણે ખાસ પોલીસની વાનમાં ચારેય મિત્રોને અલગથી લઇ જવાનું નક્કી કર્યું હતું. સૌમિત્ર અને વ્રજેશને આ વાનમાં જવાની વાત થોડી ઓડ લાગી, પણ એમની પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો. પણ ભૂમિ આ નવા વાહનમાં સફર કરવા માટે એકદમ એક્સાઈટેડ હતી અને એ એના ચહેરા પરથી સાફ દેખાઈ આવતું હતું.

“હમ તો તેરે પ્યારકી જેલમેં તેરે ચલે સાજન!” સૌમિત્રના કાન પાસે આવીને ભૂમિ ગણગણી.

પોલીસ વાનમાં જવાનું છે હકીકતને હજી ગળે ઉતારી રહેલો સૌમિત્ર અચાનકજ ભૂમિના આ આક્રમણને સમજી શક્યો નહીં એટલે એણે ભૂમિ સામે આશ્ચર્યથી જોયું. ભૂમિ એની મસ્તીમાં જ હતી એટલે એણે આંખ મારી. સૌમિત્ર ભૂમિની મસ્તી સમજી ગયો અને એણે પણ સામે આંખ મારી. સૌમિત્રના ચહેરા પણ સ્મિત આવી ગયું, એને થયું કે હિતુદાનના લગ્નમાં જવાની સફર બરોબર શરુ થઇ છે.

ગાંધીનગરથી હાપા લગભગ આઠ કલાકની મુસાફરી હતી. પણ વચ્ચે લીમડી પાસે અને રાજકોટ પસાર કર્યા પછી કલાક કલાકના બ્રેક લેવાનો હોવાથી આ સફર દસ કલાકની થઇ જવાની હતી. આખી સફરમાં કાનાનું બોલવું સતત ચાલુ હતું. કાનો એકરીતે હિતુદાનની જ ફોટોકોપી હતો. આ પાંચેયમાં જો કોઈ સૌથી મૂંગું હતું તો તે હતી સંગીતા.

“તે હેં કાનાભાઈ તમારા લગ્ન થઇ ગયા?” ભૂમિએ કાનાને પૂછ્યું.

“ના.. બેના. હજી તો હું બાયરમાં માં જ સું.” કાનો હસતાંહસતાં બોલ્યો.

ભૂમિને અને બાકી બધાને નવાઈ લાગી કારણકે કાનો બારમાં ધોરણમાં હોય એવું લાગતું ન હતું.

“ઓહ, મને એમ કે તમેય હિતુભાઈની જેમ કોલેજમાં હશો.” ભૂમિ કન્ફર્મ કરવા માંગતી હતી.

“હા તે હું ને હિતલો એક હરખા જ, પણ ઈ તમારી હાયરે કોલેઝના બીજા વરહમાં સે ને હું હજી બાયરમાં જ સું સેલ્લા ત્રણ વરહથી, અટલે હઝી હું લગન માઈટે નાનો કે’વાવ.” કાનાના ચહેરા પર હાસ્ય હતું.

ભૂમિ, સૌમિત્ર અને વ્રજેશ કાનાના ભોળપણથી ભરપૂર મજાકથી હસી પડ્યા, સંગીતાના મોઢા પર સ્મિત હતું જેની સૌમિત્રએ નોંધ લીધી.

“પણ હિતુભાયની જેમ રિવાજ પ્રમાણે તમારાં પણ નાનપણમાં જ લગન નક્કી થઇ ગયા હશે ને?” ભૂમિએ વાત આગળ વધારી.

“હકનને...થ્યા’તાં ને! પણ ઈ દોઢેક વરહ પેલાં દેવ થય ગય.” કાનો બારીની બહાર જોઇને બોલ્યો.

“ઓહ, આઈ એમ સોરી.” ભૂમિને આઘાત લાગ્યો. સૌમિત્ર અને વ્રજેશ પણ એકબીજાની સામે જોવા લાગ્યા.

“ના.. એમાં તમે હુંકામ સોરી થાવ સો... ઓલો ઉપરવારો એને લય ગ્યો તોય કાંય નો બોલ્યો.” કાનાની આંખ હવે ભરાઈ ગઈ હતી.

“સોરી, તમે રડો નહીં. મારો ઈરાદો...” ભૂમિને હવે દુઃખ થયું કે એણે ક્યાં આ વાત ઉપાડી?

“કાના તમે રડો નહીં. આપણેય શું કરીએ?” સૌમિત્ર ઉઠીને કાનાની બાજુમાં બેઠો અને એના ખભે હાથ મૂકી દીધો.

“પણ ઈને તો ખબર્ય પડે ને કે એકાબીજાને બવ પ્રેમ કરતાં હોય ઈને આમ હેરાન નો કરાય?” કાનાની આંખ લાલ થઇ ગઈ હતી.

“તમે એમને મળ્યા હતા?” કાનાની વાત સાંભળીને ભૂમિથી ન રહેવાયું કારણકે હિતુદાન એની થનાર પત્નીને ક્યારેય નહોતો મળ્યો એવું એણે ભૂમિને એકવાર કહ્યું હતું.

“હકનને. મારા બાપા કાંય હિતલાના બાપા ઝેવા કડક નય. એના બાપાય એવાજ સે. ઈ મારા ગામની. અમે રોઝ મળતાં.” કાનાએ જવાબ આપ્યો.

“તો તો તમને એની યાદ આવે જ, કોઈ સવાલ નથી.” ભૂમિ બોલી.

“યાદ? મારા માથાના વાર થી પગના અંગૂઠા હુધીન હંધુય ઈ ઝ સે. હવે બેના તમેજ ક્યો, મને હવે લગન કરવાનું મન થાય? હંધાય મને રોઝ કીયે સે કે રાઝલને ભૂલી ઝા...પણ એમ કરું તો ઈ મિનિટે હું ય એની પાંહે જતો રવ, તો મારી માડી ને બાપાને કોણ હાસવે?” કાનો તેના આંસુ લૂછતાં બોલ્યો.

કાના ની વાત સાંભળીને સૌમિત્ર અને ભૂમિ એકબીજા સામે જોઈ રહ્યા. એ બંનેને ખ્યાલ આવી ગયો હતો કે પ્રેમની ડગર એટલી સરળ નથી. કાના ના પ્રેમ પ્રત્યે બંને ને ખુબ માન થઇ ગયું.

***

સાંજે લગભગ સાત વાગ્યે અંતે જાન હાપા પહોંચી. ગામના પાદરે જ જાનનું સામૈયું કરવામાં આવ્યું. કાનાના શબ્દોમાં સૌમિત્ર, ભૂમિ, વ્રજેશ અને સંગીતા જેવા ‘શહેરના લોકો’ને આ બધું જોવાની ખુબ મજા આવી. સામૈયું પત્યા પછી એમને ગામમાં લઇ જવામાં આવ્યા. આમતો હાપા એક નાનકડું ગામ હતું, પરંતુ હજી થોડા વર્ષ અગાઉ સુધી જામનગર ટ્રેઈનમાં જવા માટે તે છેલ્લું સ્ટેશન હતું એટલે એનું મહત્ત્વ ઘણું હતું. વેવાઈને ઘેર પણ હિતુદાનના મિત્રો અંગેનો સંદેશો પહોંચી ગયો હશે એટલે એમના માટે બધાના ઉતારા કરતા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વેવાઈએ એક આખું ઘર જ એમને આપી દીધું હતું. કાનાની ડ્યુટી અહીં પણ ચાલુ રહી હતી, પણ હવે તે આ ચારેયનો મિત્ર બની ગયો હતો.

રાત્રે દસ-સાડા દસ વાગ્યે લગ્નની વિધિ શરુ થઇ કે તરતજ બધાને જમાડવાનું શરુ થઇ ગયું. વરરાજાના મિત્રોને આમ બધાની સાથે પણ ટેબલ ખુરશી પર જમાડવાનું નક્કી કર્યું હતું, પણ હવે સૌમિત્ર, ભૂમિ અને વ્રજેશને આ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ગમતી નહોતી. એમને બીજા લોકો સાથે ભળી જવું હતું એટલે એમણે કાનાને સમજાવ્યો અને બધાની સાથે જ જમવા બેઠા.

“હવે તારો શું પ્રોગ્રામ?” જમીને એક ખાટલા ઉપર બેસતાં વ્રજેશે સૌમિત્રને પૂછ્યું.

“શું?” સૌમિત્રને ખ્યાલ ન આવ્યો કે વ્રજેશ એને શું પૂછી રહ્યો છે.

“અહીંયા તું ગઢવીના લગ્ન માટે આવ્યો છે કે ભૂમિ સાથે સમય ગાળવા?” વ્રજેશે બીજો સવાલ કર્યો.

“બેય..” સૌમિત્ર હસ્યો.

“તો પછી મારી જોડે શુંકામ બેઠો છે? ઉપડી જ એને લઈને ક્યાંક.” વ્રજેશ બોલ્યો.

“અરે પણ એમ કેવીરીતે? ક્યાં?” સૌમિત્ર ઓસંખાયો.

“હાથ પકડીને. આપણો ઉતારો ખાલી જ છે. વિધિ હજી ત્રણેક કલાક ચાલશે.” વ્રજેશે આઈડિયા આપ્યો.

“અરે પણ પેલી સંગીતા...” સૌમિત્રને એનું મુખ્ય ભયસ્થાન દેખાયું.

“એને હું સાંભળી લઉં છું ને? તું સરક અહીંથી ભૂમિને લઇને.” વ્રજેશના અવાજમાં હવે કડકાઈ હતી.

“એટલે તારે સંગીતા સાથે સેટિંગ કરવું છે એમને?” સૌમિત્રએ આંખ મારી.

“જતો હોય તો જા ને યાર?” વ્રજેશે સૌમિત્રને ધક્કો માર્યો.

સૌમિત્ર વિધિમાં ચોરીની બાજુમાં મહિલાઓ સાથે બેઠેલી ભૂમિ તરફ ગયો અને એને ઈશારો કર્યો. લાલ બાંધણીવાળી ચણીયા-ચોળીમાં ભૂમિ ખુબ સુંદર લાગતી હતી. ભૂમિએ પણ સામેથી શું કામ છે એવો ઈશારો કર્યો. સૌમિત્રએ ફરીથી ભૂમિને પાસે આવવાનો ઈશારો કર્યો. ભૂમિ ઉભી થઈને સૌમિત્ર પાસે આવી.

“શું થયું?” સૌમિત્ર પાસે આવતાંવેંત ભૂમિ બોલી.

“આપણે ખાલી ગઢવીના લગ્ન જોવા આવ્યા છીએ?” સૌમિત્ર ધીરેક થી બોલ્યો.

ભૂમિ સમજી ગઈ અને હસવા લાગી. સૌમિત્ર એ આંખના ઈશારે એને પોતાની પાછળ આવવાનું કીધું અને પછી બંને લગ્નના સ્થળથી થોડે જ દુર એમના ખાસ ઉતારે આવી ગયા. બારણાને ફક્ત કડી જ મારી હતી એટલે બંનેને અંદર જવામાં કોઈ તકલીફ ન પડી. સૌમિત્રએ બારણું અટકાવી દીધું પણ બંધ ન કર્યું, ક્યાંક કોઈક આવી ચડે તો એને શંકા ન જાય એટલા માટે.

“ખરેખર, કાના ભાઈની વાત સાંભળીને મને તો ખૂબ રડવું આવી ગયું મિત્ર.” રૂમમાં મુકવામાં આવેલા ખાટલા પર બેસતાંની સાથે જ ભૂમિએ વાત શરુ કરી.

“મને તો એના પ્રેમને સલામ કરવાનું મન થાય છે. એ રાજલભાભીને ભૂલી શક્યો નથી.” સૌમિત્રએ પણ બેસીને ભૂમિનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું.

“ભાભી? એ બંને ક્યાં પરણ્યા હતા?” ભૂમિને આશ્ચર્ય થયું.

“કાનાનો પ્રેમ એવો છે ને ભૂમિ કે એ તો રાજલભાભીને મનમાં તો પરણી જ ચૂક્યો છે. હવે એ એની જગ્યાએ બીજી કોઈને જોઈ નહીં શકે. એટલે આપણા બધા માટે તો એ ભાભી જ થયાને?” સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

“પ્રેમ કરવો સહેલો છે મિત્ર, પણ નિભાવવો આવું મેં વાચ્યું છે પણ જોયું... આપણી સાથે ક્યાંક આવું થશે તો? મને તો બીક લાગે છે.” ભૂમિ બોલી.

“શું યાર તું બી? એવું ના બોલ.” સૌમિત્ર સહેજ ખીજાયો.

“હું મરવાની વાત નથી કરતી, કદાચ એવું કશુંક થાય અને આપણે છૂટા..” ભૂમિની આંખો સહેજ ભીંજાઈ.

“કશું જ નહીં થાય. અને આપણે આ બધી વાતો કરવા છેક અમદાવાદથી આવ્યા છીએ?” સૌમિત્ર હવે સહેજ વઢવાના અંદાજમાં બોલ્યો.

“તો શું કરવા આવ્યા છીએ?” ભૂમિના ચહેરા પર તોફાન પરત આવ્યું.

“તું જેની ના પાડીશ એ બધું.” સૌમિત્રએ આંખ મારી.

“અને હા પાડું તો?” ભૂમિનું તોફાન ચાલુ જ હતું.

“તો પણ હું લિમીટ ક્રોસ નહીં કરું ભૂમિ. મેં તને એટલા માટે પ્રેમ નથી કર્યો.” સૌમિત્રએ ભૂમિના બંને હાથ પોતાના હાથમાં લઈને દબાવ્યા.

“હમમ..” ભૂમિ સૌમિત્ર સામે ટગર ટગર જોઈ રહી, એને સૌમિત્ર થોડીક છૂટછાટ લે તો વાંધો ન હતો.

“પણ, ખોટું નહીં કહું, મારે એક અનુભવ તો લેવો જ છે, તું જ્યારે પણ કમ્ફર્ટેબલ ફીલ કરે ત્યારે.” સૌમિત્ર ભૂમિની આંખમાં આંખ નાખીને સહેજ ધીરા અવાજે બોલ્યો.

“કઈ?” ભૂમિની ઉત્કંઠા વધી ગઈ, એને હવે સૌમિત્રના સ્પર્શની ઈચ્છા થઇ આવી હતી.

“મારે કિસનો અનુભવ કરવો છે. સાંભળ્યું છે કે જો બંને વ્યક્તિ એકબીજાને ખુબ પ્રેમ કરતા હોય, તો કિસ એ ઈશ્વરના આશિર્વાદ મળતા હોય એવો અનુભવ કરાવે?” સૌમિત્ર સહેજ ખચકાટ સાથે બોલ્યો.

“આપણે પણ એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ ને મિત્ર?” ભૂમિએ હવે સૌમિત્રના ડાબા હાથની કોણીથી ઉપરનો ભાગ પકડી લીધો.

સૌમિત્ર ભૂમિની સામે જોઈ રહ્યો. ભૂમિની પકડ મજબૂત થઇ રહી હતી. બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા. બંનેને ખબર હતી કે તેમને શું જોઈએ છીએ, પણ તેને શબ્દો સાથે કે ક્રિયા સાથે વ્યક્ત કરી શકતા ન હતા.

“બારણું ખાલી અટકાવેલું જ છે.” સૌમિત્રના અવાજમાં ધ્રુજારી હતી.

“આખું ગામ ત્યાં જ છે મિત્ર...કોઈ નહીં આવે.” ભૂમિ બોલી.

સૌમિત્રનું ગળું હવે સુકાવા લાગ્યું. ભૂમિ સૌમિત્રના હાથને ઉપરથી નીચે પસવારી રહી હતી. ધીરેધીરે બંને એકબીજાની નજીક આવ્યા.

“એ લાઈટ ગય......” અચાનક જ રૂમમાં અંધારું છવાઈ ગયું અને બહાર કોઈની બૂમ સંભળાઈ.

સૌમિત્ર અને ભૂમિ એકબીજાને વળગી પડ્યા. સૌમિત્રએ પાછલી બારીમાંથી આવતા પૂર્ણ ચંદ્રના પ્રકાશમાં ભૂમિનો ચહેરો જોયો અને તેને પોતાની બંને હથેળીઓમાં સમાવી દીધો. પોતાના ગાલ પર સૌમિત્રનો સ્પર્શ થતાં જ ભૂમિની આંખો આપોઆપ બંધ થઇ ગઈ અને એના હોઠ અડધા ખુલ્લા થઇ ગયા. સૌમિત્રને એમાં આમંત્રણ દેખાયું અને એણે પોતાનો ચહેરો ભૂમિના ચહેરાની એકદમ નજીક લાવી દીધો. બંનેના ગરમ શ્વાસ એકબીજાના શ્વાસ સાથે અથડાઈ રહ્યા હતા. બંને એકબીજાના ધબકારા સાંભળી શકતા હતા. સૌમિત્ર અને ભૂમિના હોઠ વચ્ચે હવે કહેવાપુરતું જ અંતર હતું.

સૌમિત્ર એ પોતાના હોઠ ખોલ્યા અને એને ભૂમિના હોઠ ની એકદમ નજીક લઇ ગયો.…

***

પ્રકરણ ૯

થોડીવાર સુધી સૌમિત્ર એ જ પરિસ્થિતિમાં રહ્યો. સૌમિત્રને દૂધિયા ચાંદનીમાં સ્પષ્ટ દેખાતો ભૂમિનો એ ચહેરો, એની બંધ આંખો અને હોઠ સૌમિત્રના હોઠના મળવાની રાહ જોઇને અધખુલ્લા રહી ગયા હતા તેને સતત જોયે રાખવાનું મન થઇ રહ્યું હતું. આ તરફ ભૂમિને તો સૌમિત્રના હોંઠની કામના હતીજ. દરેક સેકન્ડે ભૂમિના શ્વાસની ગતી વધી રહી હતી. તે સતત સૌમિત્રની પીઠ પર હાથ ફેરવી રહી હતી અને તેને સતત પોતાના હોઠ પર એના હોઠ મૂકી દેવાનું આમંત્રણ આપી રહી હતી. સૌમિત્ર એના જ પાગલપનમાં મસ્ત હતો અને ભૂમિને સતત જોયે રાખતો હતો. એના ગરમ ઉચ્છવાસ પણ ભૂમિના ચહેરા પર ફરી વળ્યા હતા. ભૂમિએ અચાનક જ સૌમિત્રની ગરદનના પાછળના ભાગ પર પોતાની હથેળી મુકીને એને પોતાની તરફ ખેંચ્યો અને પોતાના હોઠ સૌમિત્રના હોઠ ઉપર મૂકી દીધા, ભૂમિથી હવે એ તરસ સહન નહોતી થઇ રહી. ધીરેધીરે બંને એકાકાર થઇ ગયા અને લાંબા સમય સુધી એકબીજાથી દૂર ન થયા.

એ ક્ષણની અસર જ એવી હતી કે સૌમિત્રને આપોઆપ હવે આગળ વધવાનું મન થઇ રહ્યું હતું. ભૂમિના હોઠનું પાન કર્યા પછી સૌમિત્ર એની એ મોટી અને સુંદર પણ બંધ આંખો અને સમગ્ર ચહેરા પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યો હતો અને ધીરેધીરે એ તેની ગરદન તરફ વળ્યો. આ દરમ્યાનમાં જ સૌમિત્રનો હાથ ભૂમિના ડાબા સ્તનને અડ્યો અને ભૂમિને અચાનક જ પરિસ્થિતિનું ભાન થયું.

“ચલ બસ હવે બહુ થયું.” અચાનક જ ભૂમિ સૌમિત્રથી છૂટા પડીને એને સહેજ ધક્કો મારીને ખાટલા પરથી ઉભી થઇ ગઈ અને નજીકની બારી જ્યાંથી પેલો દૂધમલ ચંદ્રપ્રકાશ આવી રહ્યો હતો ત્યાં જઈને ઉભી રહી.

“સોરી... બધું ઓટોમેટિક જ થવા લાગ્યું, મેં જાણીજોઈને..” સૌમિત્ર ભૂમિની પાછળ જ ઉભો રહ્યો.

“એમાં સોરી શું? ઇટ્સ ઓકે...” ભૂમિ ખરેખર તો શરમાઈ રહી હતી અને એને પોતાનો ચહેરો હવે થોડો સમય સૌમિત્રને દેખાડવો નહોતો.

“ચલ જઈએ...” સૌમિત્રને પણ હવે શરમ આવી રહી હતી એને પણ ભૂમિની આંખમાં આંખ નાખીને બોલવાની હિંમત નહોતી થતી એટલે એ આટલું બોલીને એ રૂમની બહાર જઈને ભૂમિની રાહ જોવા લાગ્યો.

ભૂમિએ રૂમમાં પડેલા માટલામાંથી લોટી અને પ્યાલાની મદદથી પાણી પીધું, ઘરનું બારણું પહેલાની જેમજ અટકાવી દીધું અને સૌમિત્ર પાસે પહોંચી અને ભૂમિના પગલાં સાંભળીને સૌમિત્ર પણ ચાલવા લાગ્યો.

***

લગભગ રાતના બાર વાગી ગયા હતા અને હિતુદાનના લગ્નની વિધિ હજીપણ ચાલી રહી હતી. સૌમિત્ર અને ભૂમિ એમના ઉતારાથી લગ્નની જગ્યા સુધી તદ્દન મૂંગા રહ્યા. લગ્નના મંડપમાં ઘૂસતાંની સાથે જ સૌમિત્ર વ્રજેશને શોધીને એની બાજુમાં બેસી ગયો અને ભૂમિએ પણ સંગીતાને શોધી લીધી.

“કેવું રહ્યું?” વ્રજેશના ચહેરા પર તોફાન હતું.

“સારું.” સૌમિત્ર આટલું જ બોલ્યો.

“કેટલું સારું?” વ્રજેશને વધારે માહિતી જોઈતી હતી.

“ઘણું સારું.” સૌમિત્રને વધુ જવાબ આપવો નહોતો.

“બે ના કહેવું હોય તો ના પાડી દે યાર.” વ્રજેશ હવે થોડોક ખિજાયો.

“ના એવું નથી, ફરી ક્યારેક. અત્યારે મૂડ નથી.” સૌમિત્રએ ફરીથી ટૂંકાણમાં જ પતાવ્યું.

“બંને વચ્ચે ઝઘડો થયો?” વ્રજેશને નવાઈ લાગી.

“ના.” સૌમિત્રએ ફરીથી એક શબ્દનો જવાબ આપ્યો.

“ઠીક છે મૂડ આવે ત્યારે જવાબ આપજે.” વ્રજેશે આખરે વાત પડતી મૂકી.

સૌમિત્રને તેના પહેલા ચુંબનની ખુશી તો હતી પરંતુ છેલ્લે એનો હાથ આપોઆપ જે રીતે ભૂમિના સ્તન પર અડી ગયો એની એને ગિલ્ટ ફિલ થઇ રહી હતી. જો કે આ ગિલ્ટમાં શરમની લાગણી વધુ હતી અને આથી જ તે વ્રજેશના સવાલોનો સામનો કરવા નહોતો માંગતો.

બીજી તરફ ભૂમિ લગ્નના મંડપમાં પહોંચ્યા પછી થોડા સમય બાદ સ્વસ્થ થઇ ચૂકી હતી. ભૂમિને સૌમિત્રને જેમ કોઈજ શરમ કે ગિલ્ટની લાગણી નહોતી થતી. બલ્કે ભૂમિને એ બાબતનો સંતોષ થઇ રહ્યો હતો કે તેણે જેને દિલથી ચાહ્યો છે એ વ્યક્તિએ તેનું પ્રથમ ચુંબન લીધું છે.

***

વહેલી સવારે લગભગ અઢી વાગ્યે હિતુદાનના લગ્ન સંપન્ન થયા. જાનને તો એ દિવસે છેક સાંજે વળાવવાની હતી અને હિતુદાને એના ત્રણેય મિત્રોને વહેલા જવાની છૂટ આપી દીધી હતી એટલે હિતુદાનને મળીને અને થોડોક આરામ કરીને સવારે પાંચ વાગ્યે હાપાથી જામનગર જઈને અમદાવાદની બસ પકડવી એવું સૌમિત્ર અને વ્રજેશે નક્કી કર્યું. આ તમામને ઊંઘ ચડી ન જાય અને અમદાવાદ જવામાં મોડું ન થાય એટલે કાનાએ એમને સમયસર ઉઠાડી દેવાની જવાબદારી લીધી. બરોબર પાંચ વાગ્યે કાનાએ સૌમિત્ર અને વ્રજેશને ઉઠાડ્યા અને સૌમિત્રએ બીજા રૂમમાં સુઈ રહેલી ભૂમિને ઉઠાડી. ચારેય જણા હજી બ્રશ પતાવે ત્યાંતો અડાળી અને ચા આવી ગઈ. ભરપૂર માત્રામાં દૂધ હોય એવી ચા પીને આ ચારેય અમદાવાદીઓ એકદમ ફ્રેશ થઇ ગયા અને જવા માટે તૈયાર થઇ ગયા.

“હાલો તમને મૂકી ઝાંવ, ઠેબા હુધીન.” ચારેય મિત્રો પોતપોતાનો સામાન લઈને બહાર આવ્યા કે તરત જ કાનો બોલ્યો.

“અરે ના કાના તું આખી રાત અમારી માટે જાગ્યો છે હવે તું આરામ કર અમે જતા રહીશું.” વ્રજેશે કાનાને ના પાડી.

“લે એમ કાંય હોય? એમ મેમાનને એમનેમ ઝાવા દેવાય? અમારું કટમ્બ લાજે.” કાનો બોલ્યો.

“તમે મને બેન ક્યો છો કાનાભાઈ અને હવે મહેમાન ગણી લીધી? તમારે ક્યાંય આવવાનું નથી. તમે આરામ કરો.” ભૂમિએ હુકમ કર્યો.

“વાત્યુંમાં તમને સેરવારાને નો પોંચાય પણ બેનડી, અટાણે અંધારું સે ને ખેતરેથી ઝાવાનું સે ક્યાંક ભૂલા પડી જવાય અટલે કવ સું કે મને ભેળો આવ્વા દ્યો.” કાનાએ મુદ્દાની વાત કરી.

“ભૂલા પડી જશું એવું લાગશે તો અમે અજવાળું થાય ત્યાં સુધી ત્યાંને ત્યાં જ ઉભા રહીશું. તું અમારી ચિંતા ન કર કાના અને આરામ કર. ગઈકાલનો અમારી સેવામાં લાગ્યો છે.” હવે સૌમિત્રએ પણ સૂર પુરાવ્યો.

“એક બાજુ બેના મને ભાય બનાવેસ ને સોમિતર ભાય એમ ક્યે સે કે મેં એની સેવા કયરી.” કાનો હસવા લાગ્યો.

“એક કામ કર. અમને રસ્તો બતાવી દે કે અમારે ક્યાંથી જાવું એટલે અમે ભૂલા ન પડીએ. બાકી ભૂલા પડશું તો સૌમિત્રએ કીધું એમ ત્યાંને ત્યાં જ ઉભા રહીને અજવાળું થવાની રાહ જોઈશું.” વ્રજેશે વચલો રસ્તો કાઢ્યો.

કાનો છેવટે માની ગયો અને આ તમામને રસ્તો બતાવીને એના ઉતારે પરત થવા માટે રાજી થઇ ગયો.

“જો આ કેડી રયને? ઇના પર હીધે હીધા વયા જાવ, હેયને નાકની દાંડીએ. અડધીક કલાક હાલસોને એટલે કાલાવડ રોડ આવી જાહેં. રોડની હામીકોર જ ઠેબાનું પાટિયું સે ન્યાંથી જ પંદર પંદર મિનિટે તમને બસું મળસે.” એક નિર્જન ખેતર પાસે આવીને કાનો બોલ્યો.

“થેન્ક્સ કાના, તારી સાથે બહુ મજા આવી. ગાંધીનગર ગઢવીને ઘેર આવ ત્યારે જરૂર કહેજે હું મળવા આવીશ.” સૌમિત્ર કાનાને ભેટી પડ્યો.

“કેમ ગાંધીનગર? ના કાનાભાઈ તમારે ખાસ અમદાવાદ આવવાનું છે આપણે બધા... પેલું તમે શું ક્યો છો કાઠીયાવાડીમાં? હા.. હાયરે મોજ્ય કરશું!” આટલું બોલીને ભૂમિ ખડખડાટ હસી પડી અને એનું હાસ્ય જોઇને બાકીના બધાં પણ હસ્યા, સંગીતા પણ.

***

કાનાથી છૂટા પડીને એણે દેખાડેલી કેડી પર જ ચારેય મિત્રો ચાલવા લાગ્યા, “નાકની દાંડીએ”. સૌમિત્ર આમ તો રિલેક્સ હતો પરંતુ તેને વારેવારે પેલી ગિલ્ટ ફિલિંગનો અહેસાસ થતો રહેતો હતો એટલે એ ભૂમિથી સલામત અંતર રાખીને એની આગળ ચાલી રહ્યો હતો. સૌથી આગળ વ્રજેશ, પછી સૌમિત્ર અને પછી ભૂમિ અને સંગીતા વાતો કરતા ચાલી રહ્યા હતા. કાનાએ કહ્યા પ્રમાણે જ લગભગ પચીસથી ત્રીસ મિનીટમાં આ તમામ જામનગર – કાલાવડ હાઈવે પર પહોંચી ગયા અને ઠેબા પાટિયાનીચે ઉભા રહ્યા. પાંચ જ મિનીટમાં બસ આવી ગઈ અને લગભગ બીજા અડધા કલાક પછી તમામ જામનગરના એસટી બસસ્ટેન્ડ પર પહોંચી ગયા.

બસ સ્ટેન્ડ પર પહોંચ્યા પછી સૌમિત્રની ફરમાઈશ પર બધાએ સ્ટેન્ડની બહાર આખા સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગાંઠિયા અને જલેબી પર હાથ અજમાવ્યો. લગભગ સાડા સાત વાગ્યે એમને જામખંભાળિયા – અમદાવાદ ની બસ મળી. સૌમિત્ર અને વ્રજેશ એક સીટ પર અને ભૂમિ અને સંગીતા એમની આગળની સીટ પર બેઠા. બે દિવસનો થાક તો હતો જ એટલે આખી સફરમાં ખાસ વાત ન કરતા લગભગ ચારેયએ બેઠાબેઠા આવે એટલી ઊંઘ ખેંચી લીધી અને દોઢ વાગ્યે અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદ એસટી બસસ્ટેન્ડથી ચારેય છૂટા પડ્યા. વ્રજેશ ગાંધીનગર તરફ વળ્યો અને સૌમિત્ર ભૂમિ અને સંગીતાને રિક્ષામાં બેસાડીને પોતાને ઘેર ગયો.

***

“જામનગરથી આવ્યા ત્યારથી જોવું છું કે તું મારાથી દૂરદૂર રહે છે. કેમ?” હિતુદાનના લગ્ન પછી લગભગ દસેક દિવસે ભૂમિએ સૌમિત્રને ફોર્સ કરીને લો ગાર્ડન બોલાવ્યો હતો.

“ના ના એવું કશું નથી.” સૌમિત્ર નીચું જોઇને બોલ્યો.

“એવું જ છે. આપણે હિતુભાઈના લગ્નમાંથી આવ્યા ત્યાંથી આજસુધી એટલેકે દસ દિવસ સુધી તે મને એકેય વખત કોલ કર્યો? મેં જ તને કદાચ ત્રણેક વખત કોલ કર્યો હશે અને એમાં પણ તું દર બીજી મીનીટે, બોલ બીજું? બોલ બીજું? એવું જ બોલે રાખતો હતો.” ભૂમિએ સૌમિત્રને કોર્નર કર્યો.

“અરે એતો મમ્મી-પપ્પા આજુબાજુ હોય એટલે.” સૌમિત્ર બચવાની કોશિશ કરી રહ્યો હતો.

“બપોરે? મિત્ર ખોટું બોલતા ન આવડતું હોય તો શું કરવા બોલે છે? મને ખબર છે તારા મમ્મી પપ્પા બપોરે બે થી ચાર વિધાઉટ ફેઈલ સુઈ જાય છે અને એટલેજ મેં બંને વખત એ ટાઈમમાં જ કોલ કર્યા હતા કે આપણે શાંતિથી વાતો કરી શકીએ.” ભૂમિએ સૌમિત્ર સામે ધારદાર દલીલ કરી.

“જો એવું કશું નથી...” સૌમિત્ર પાસે બીજો કોઈજ જવાબ નહોતો.

“મારાથી મન ભરાઈ ગયું હોય તો પણ કહી દે.” ભૂમિ સૌમિત્ર સામે ધારદાર નજરે જોઈ રહી હતી.

“એવું તો હું મરીશ ત્યાંસુધી નહીં બને.” હવે સૌમિત્રએ ભૂમિ સામે જોયું.

“તો આટલો મૂંગો કેમ થઇ ગયો છે મિત્ર? મને ખુબ તકલીફ થાય છે, તને ખબર પડે છે?” ભૂમિની આંખો હવે ભીની થઇ ગઈ.

“મને ગિલ્ટી ફીલ થાય છે ભૂમિ.” સૌમિત્રએ છેવટે હથિયાર હેઠા મૂકી દીધા.

“શેની ગિલ્ટ?” હવે ભૂમિને નવાઈ લાગી કારણકે તેની નજરમાં સૌમિત્રએ આટલા દિવસોમાં એવું તો કશું નહોતું કર્યું જેનાથી એને ગિલ્ટ ફીલ થાય.

“તે રાત્રે જ્યારે મેં તને... એટલે તે અને મેં...” સૌમિત્રને શબ્દો નહોતા મળી રહ્યા.

“ખુલીને બોલ મિત્ર.” ભૂમિથી હવે રહેવાતું ન હતું.

“એટલે આપણે.. કિસ કરી ત્યારે...છેલ્લે મારો હાથ...” સૌમિત્ર આટલું બોલતા જ ફરીથી નીચું જોઈ ગયો.

“ઓહ માય ગોડ! તને એનું ગિલ્ટી ફીલ થાય છે? ગજબ છે હોં મિત્ર તું બી!” ભૂમિના ચહેરા પર હવે આશ્ચર્ય મિશ્રિત સ્મિત હતું.

“મને ખબર છે મારાથી ભૂલ થઇ ગઈ અને તું પણ તરતજ મને દૂર ખસેડીને ઉભી થઇ ગઈ હતી. મને લાગ્યું કે મેં કશુંક ખોટું કર્યું છે જે મારે નહોતું કરવું જોઈતું. એટલે અંદર અંદરથી મને...” સૌમિત્રએ હવે બધુંજ કહી દીધું.

“મને યાદ છે. તે મને ત્યારેજ સોરી કીધું હતું અને મેં પણ ઇટ્સ ઓકે કહી જ દીધું હતું ને? મસ્તીમાં તો હું પણ આવી ગઈ હતી મિત્ર. મને પણ એવું લાગતું હતું કે તું ન રોકાય, પણ ક્યાંક તો કોઈએ તો લિમીટ બાંધવી પડે ને? તે દિવસે મેં લિમીટ બાંધી ક્યારેક તું બાંધી લેજે.” સૌમિત્રનો હાથ પોતાના હાથમાં લેતી ભૂમિ બોલી.

“મને તો લિમીટની ખબર જ નહીં પડે, ક્યારેય...તું જ સાંભળી લેજે.” સૌમિત્રના ચહેરા પર લગભગ દસ દિવસ પછી હાસ્ય પરત થયું.

“ગાંડો!” આટલું બોલીને ભૂમિએ જીભ કાઢી અને સૌમિત્રના માથામાં ટપલી મારી.

સૌમિત્રનું બધુંજ ટેન્શન એક મિનિટમાં ગાયબ થઇ ગયું. આ મૂલાકાત પછી સૌમિત્ર અને ભૂમિ અઠવાડિયામાં બે થી ત્રણ વાર જુદીજુદી જગ્યાએ મળવા લાગ્યા. થોડા દિવસોમાં SYBAનું પરિણામ પણ આવી ગયું. તમામ મિત્રો આશા પ્રમાણે સારા માર્કે પાસ થયા હતા. ત્રીજા વર્ષમાં પણ સૌમિત્ર, વ્રજેશ, હિતુદાન અને ભૂમિએ એક સાથે એક જ લાઈનમાં ઉભા રહીને એડમીશન ફોર્મ ભર્યા. ત્રણ વર્ષમાં આ ચારેય અજાણ્યા જીવો એકબીજાની કેટલા નજીક આવી ગયા હતા. એમાંય સૌમિત્ર અને ભૂમિએ તો હવે જીવનભર સાથે રહેવાનું પ્રોમિસ આપી દીધું હતું.

***

“મને હજીપણ લાગે છે કે તારે આ કોમ્પિટિશનમાં ભાગ લેવો જ જોઈએ.” ભૂમિ ચા નો એક ઘૂંટડો ભરતા બોલી.

“જો મને કદાચ સારું બોલતા આવડે પણ લખતા ન આવડે.” સૌમિત્રએ ફરીથી ભૂમિની વિનંતીને જાકારો આપ્યો.

“આ માણાં હવારનો આ એકની એક રેકડ વગાડે રાયખેસ. એલા ટ્રાય મારવામાં હું ઝાય જનકકાકાનું?” હિતુદાને પણ ટાપશી પૂરાવી એની ઓરીજીનલ સ્ટાઈલમાં.

“મને લાગે છે આપણા સૌમિત્રભાઈને હારવાની બીક લાગે છે.” વ્રજેશ કાયમની જેમ એકદમ ઠંડકથી બોલ્યો.

“મને કોઈનોય ડર નથી લાગતો ઓકે?” સૌમિત્રના અવાજમાં સહેજ ખીજ હતી.

“તો પછી લખી નાખને એક સ્ટોરી!” ભૂમિ બોલી.

“અરે કેટલીવાર કહું કે બોલવાની વાત જૂદી છે લખવાની વાત... તમે લોકો સમજતા કેમ નથી?” સૌમિત્ર હવે અકળાયો હતો.

“એ અમારામાં તારા જેવડી અકલ નથ્યને અટલે. અમને હંધાયને એવું લાગેસ કે તું આરામથી આ શોર્ટ સ્ટોરીની હરીફાયમાં જીતી સકસ કારણકે તારામાં લોકના મનમાં હું હાલે સે ઈ જાણીને એને કે’વાની કળા સે ભાય.” હિતુદાને કટલેસનો કટકો મોઢામાં નાખતા કીધું.

સૌમિત્રની કોલેજે ગઈકાલે જ જાહેર કર્યું હતું કે હવેથી દર મહિને એ એક મેગેઝિન બહાર પાડશે અને તેના પહેલા અંક માટે કોલેજે ગુજરાતી, હિન્દી અને ઈંગ્લીશ એમ ત્રણ ભાષાઓ માટે શોર્ટ સ્ટોરી કોમ્પિટિશન આયોજિત કરી હતી. આ કોમ્પિટિશનમાં પ્રથમ સ્થાને આવનાર ત્રણેય સ્ટોરીઓને એ મેગેઝિનના પ્રથમ અંકમાં સ્થાન મળવાનું હતું. આથી જ સૌમિત્રના ત્રણેય દિલોજાન વ્યક્તિઓ તેને સ્ટોરી લખવા માટે ફોર્સ કરી રહ્યા હતા.

“લાગે છે નહીં હિતુભાઈ વિશ્વાસ છે. સૌમિત્ર એની સ્પિચની સ્ક્રિપ્ટ લખીને જ તૈયાર કરે છે ને? તો આમાં શું વાંધો? અને કોશિશ કરવામાં શું જાય છે?” ભૂમિએ પોતાનો કેસ મજબૂતીથી આગળ કર્યો અને હિતુદાન અને વ્રજેશે મોઢું હલાવીને સહમતી પણ આપી.

“અરે પણ એમાં જમીન આસમાનનો ફેર છે ભૂમિ...” સૌમિત્ર હજી માનવા માટે તૈયાર નહતો.

“સો તારી રામ દુહાઇ અને એક મારું ઊહું! જવા દો આ માણસને પોતાના મિત્રોના સન્માન કરતા પોતાની હારનો ડર વધુ છે. હવે કન્ફર્મ થઇ ગયું.” વ્રજેશે હવે કાતિલ શસ્ત્ર છોડ્યું.

“સાચી વાત છે વ્રજેશભાઈ. હું અગ્રી કરું છું તમારી સાથે.” ભૂમિએ પણ વ્રજેશનો સાથ આપ્યો.

“તમે લોકો બ્લેકમેઈલીંગ કરો છો.” સૌમિત્ર હસી રહ્યો હતો.

“હા કરીયેસ બોલ.. તું હું કરી લેવાનો કે?” હિતુદાન દાદાગીરીથી બોલ્યો.

“શોર્ટ સ્ટોરી લખી નાખીશ બીજું શું?” સૌમિત્ર વધારે હસવા લાગ્યો.

“યે હુઈ ના બાત!” વ્રજેશે તાલી પાડી.

“સાચ્ચે જ?” ભૂમિ પણ ખુશ થઇ ગઈ.

“ના ખોટ્ટે!” સૌમિત્ર ભૂમિની જ સ્ટાઈલમાં બોલ્યો અને જીભ પણ કાઢી.

“હાલો તંય એક સેન્ડવિચ મંગાઈવ ભૂરા, હા પાડી એના હાટુ!” હિતુદાને રીતસર હુકમ કર્યો.

“કેમ કેન્ટીનમાં જ બધું પતાવી લેવાનું છે આજે? ઘરે ભાભીને મોકો નથી આપવો જમાડવાનો?” સૌમિત્રએ કટાક્ષ કર્યો.

“ઘીરે એને આયા તને, હાલ મંગાવ હાલ!” હિતુદાને આંખ મારી. સૌમિત્રએ બધા માટે સેન્ડવિચ ઓર્ડર કરી.

“શું લખું એની ખબર નથી પડતી મને. હવે તમે લોકોએ ઘોડે ચડાવ્યો જ છે તો આટલી મદદ તો કરો?” સૌમિત્રએ પોતાની સમસ્યા બતાવી.

“હવે એ પણ અમારે બતાવવાનું?” વ્રજેશ આશ્ચર્યચકિત થઈને બોલ્યો એનું મોઢું ખુલ્લું જ રહી ગયું હતું.

“હું કહું?” ભૂમિ વચ્ચે પડી.

“હા પ્લીઝ.” સૌમિત્રને જાણેકે લાઈફ લાઈન મળી.

“અમમ...મેં ક્યાંક એવું વાંચ્યું હતું કે જો કોઈ લેખક શરૂઆતમાં પોતાની આસપાસ બનેલી ઘટના પર કશું લખેને તો એને લખવામાં પણ સરળતા રહે છે અને એના લખાણમાં એની સાચી ફીલિંગ દેખાય છે અને એટલે એ એના વાચક સાથે પ[પહેલી રચનાથી જ સીધી સંપર્ક સાધી લે છે. તો તું કશુંક એવું લખ કે જે તારી આસપાસ બન્યું હોય. કોઈ એવી નાનકડી ઘટના, કોઈ એવો નાનકડો પ્રસંગ યુ નો?” ભૂમિએ આઈડિયા આપ્યો.

“પરફેક્ટ!” વ્રજેશે આઈડિયા વધાવી લીધો.

સૌમિત્રને પણ ભૂમિનો આઈડિયા ગમી ગયો. ઘેરે પહોંચતાની સાથેજ એ વિચારવા લાગ્યો કે એ એવી કઈ ઘટના પર લખે જે તેની આસપાસ બની હોય અને એના દિલની ખૂબ નજીક હોય. પહેલા એણે અંબાબેન પર લખવાનું વિચાર્યું પણ પછી એવું વિચાર્યું કે એ ઘરેડમાં પડવા માંગતો નથી અને કોલેજનું મેગેઝિન છે એટલે એની ઉંમરના છોકરા-છોકરીઓને અપીલ કરી જાય એવું કશુંક લખવું. છેવટે સૌમિત્રને હિતુદાનના લગ્ન સમયે તેની અને ભૂમિના ચુંબનની યાદ આવી ગઈ અને સૌમિત્રએ નક્કી કરી લીધું કે તે એ ઘટના પર જ શોર્ટ સ્ટોરી લખશે કારણકે આ ઘટના એની પોતાની છે અને તેના દિલની ખુબ નજીક પણ છે. પોતાની આ શોર્ટ સ્ટોરીને સૌમિત્રએ નામ આપ્યું, “પ્રથમ રસપાન”!

***

મેગેઝિન બહાર પડવાનો દિવસ આવી ગયો. સૌમિત્ર અને હિતુદાન પહેલેથી જ કોલેજની લાયબ્રેરીના દરવાજે ઉભા રહી ગયા હતા એટલે એમને બીજા વિદ્યાર્થીઓ તરફથી પરિણામની જાણકારી ન મળે અને પોતેજ તેને જાણી લે. સૌમિત્ર અમસ્તોય પહેલો ઉભો હતો એટલે લાયબ્રેરીમાં મેગેઝિનનું વેચાણ શરુ થયું કે પહેલીજ કોપી સૌમિત્રએ ખરીદી લીધી. સૌમિત્ર અને હિતુદાન પોતપોતાની કોપી લઈને કોલેજના હોલમાં આવી ગયા જ્યાં ભૂમિ અને વ્રજેશ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

“શું થયું?” ભૂમિની ઉત્કંઠા વધી ગઈ હતી.

“એ જ જોવું છું..” સૌમિત્ર મેગેઝિનના પાનાં ઉથલાવી રહ્યો હતો.

મેગેઝીનના ચોથા પાને સૌથી પહેલા વિજેતા બનેલી ઈંગ્લીશ સ્ટોરી હતી. થોડા આર્ટીકલ્સ પછી હિન્દીનો વારો આવ્યો....હવે ગુજરાતીનો વારો આવશે એમ વિચારીને સૌમિત્રએ મેગેઝીનના પાનાં ઉથલાવવાની સ્પિડ વધારી દીધી.

***

પ્રકરણ ૧૦

“છે?” ભૂમિ હવે ઉતાવળી થઇ રહી હતી.

“જોવું છું ને યાર?” સૌમિત્રને સહેજ ચીડ ચડી ગઈ.

“મનેય નથ્ય દેખાતી.” હિતુદાન પણ એના મેગેઝિનના પાનાં ઉથલાવતો બોલ્યો.

“મળી?” ભૂમિ ફરીથી બોલી અને સૌમિત્રએ એને એક ગુસ્સાવાળું લૂક આપ્યું એટલે ભૂમિ એ પોતાના હોઠ પર આંગળી મૂકીને હવે તે ચૂપ રહેશે એવો ઈશારો કરી દીધો.

“નથી....” અચાનક સૌમિત્ર એક પાના પર આવીને રોકાઈ ગયો.

“સું?” હિતુદાને એનું મેગેઝિન બંધ કર્યું અને સૌમિત્રના હાથમાં રહેલા મેગેઝિનમાં પોતાનું માથું ખોસ્યું જ્યાં ભૂમિ અને વ્રજેશ ઓલરેડી પોતપોતાના માથાં ભરાવીને ઉભા હતા.

“મારી સ્ટોરી.” સૌમિત્ર બોલ્યો.

“ધ્યાનથી જો હશે.” વ્રજેશે સૌમિત્રને સલાહ આપી.

“નથી યાર બે વાર જોઈ લીધું.” સૌમિત્રએ મેગેઝિન બંધ કરી દીધું.

“એમ કેમ ના હોય?” ભૂમિથી માનવામાં જ આવતું નહોતું.

“અરે ના હોય હોય, કોઈ જનક ઠાકર જીતી ગયો છે, FYનો છે.” સૌમિત્રએ ફોડ પાડ્યો.

“તે આયાં ય જનકકાકા નયડા તને કાં સોમિતર?” હિતુદાને સિક્સર મારી.

“તું આમાં મજાક ન કર યાર મારો તો મૂડ ઓફ્ફ થઇ ગયો.” સૌમિત્રએ હિતુદાન સામે નિરાશા મિશ્રિત ગુસ્સાથી જોયું.

“લાવ તો..મને જોવા દે એકવાર.” ભૂમિએ સૌમિત્ર પાસે મેગેઝિન માંગ્યું.

“મેં કીધું કે નથી..હું ખોટું બોલું છું?” સૌમિત્ર હવે ભૂમિ પર ભડક્યો.

“ના, પણ મારે જોવું છે, લાવ તો.” ભૂમિએ હવે ફોર્સ કર્યો.

“ના, હું નહીં આપું. મેં કીધું જ હતું કે લખવા બખવાનું કામ મારું નહીં, પણ ત્રણેય મંડી પડ્યા હતા.” સૌમિત્ર હજી નિરાશામાંથી બહાર નહોતો આવ્યો.

“તારે ન આપવું હોય તો કાંઈ નહીં, હિતુભાઈ આપશે. લાવો તો હિતુભાઈ?” ભૂમિ હિતુદાન તરફ વળી અને હિતુદાનનું મેગેઝિન રીતસર ખેંચી જ લીધું.

“બેય એક સરખા જ છે. આમાં નથી એટલે એમાંય નહીં જ હોય.” સૌમિત્ર ભૂમિ તરફ જોઇને બોલ્યો.

ભૂમિ શાંતિથી એક પછી એક પાનું જોવા લાગી. ગુજરાતીમાં પહેલી આવેલી વાર્તા પણ એણે જોઈ એના વિજેતાનું નામ પણ વાંચ્યું પણ તેમ છતાં આગળના પાનાં પણ જોવા લાગી અને અચાનક જ મેગેઝિનના છેલ્લા ત્રણ પાના બાકી હતા ત્યાંજ રોકાઈ ગઈ.

“આ રહી....મેં તને કીધું તું ને?” ભૂમિથી લગભગ ચીસ પડાઈ ગઈ. ભૂમિની મોટીમોટી આંખો વધુ મોટી થઇ ગઈ હતી, એનો ચહેરો હસુહસું થઇ રહ્યો હતો જાણેકે એને કોઈ ખજાનો અચાનક જ મળી ગયો હોય.

“ક્યાં?” સૌમિત્રને નવાઈ લાગી.

હવે સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાન ભૂમિએ પકડી રાખેલા મેગેઝિનમાં ઘૂસ્યા.

“સ્પેશિયલ મેન્શન છે મિત્ર..સ્પેશિયલ મેન્શન. આ જો. તું ગુજરાતીની વિજેતા વાર્તાવાળા પેજ પરથી આગળ ન વધ્યો પણ છેક છેલ્લા ત્રણ પાનામાં તારી સ્ટોરી છે અને એ પણ સ્પેશિયલ મેન્શન સાથે.” ભૂમિ અત્યંત ઉત્સાહિત હતી.

“હા યાર, તે તો શોધી કાઢી! બતાવતો..” હવે સૌમિત્ર પણ રાજીનો રેડ થઇ ગયો હતો એણે ભૂમિના હાથમાંથી મેગેઝિન ખેંચવાની કોશિશ કરી.

“તારા મેગેઝિનમાં વાંચને? બેય સરખા જ છે. આમાં છે એટલે એમાંય હશે જ.” ભૂમિએ સૌમિત્ર પાસેથી બદલો લીધો.

“બરોબર સે બેના. કાં મિતલા?? બવ ડાયો થાતો’તોને? લે હવે ઝોઈ લે તારા મેગેજીનમાં, હાલ્ય!” હિતુદાને તરતજ ભૂમિનો પક્ષ લીધો.

“જો આ નીચે કર્ણિકસરે કેટલું સરસ લખ્યું છે....

... આમ તો આ સ્પર્ધામાં એક જ વિજેતા નક્કી કરવાનો નિયમ હતો પરંતુ વિદ્યાર્થીમિત્ર સૌમિત્ર પંડ્યાની આ લઘુકથાને જો અમે અવગણી હોત તો એક ઉભરતા લેખક પ્રત્યે અમે અન્યાય જરૂર કર્યો હોત. કહે છે કે કોઇપણ વ્યક્તિ પછી તે સ્ત્રી હોય કે પુરુષ, એનું પ્રથમ ચુંબન એને જીવનભર યાદ રહી જાય છે, પરંતુ એને વ્યક્ત કરવાનું બધા માટે એટલું સહેલું નથી હોતું. આપણા આ મિત્ર સૌમિત્રએ જે ભાષામાં એને એમની આ લઘુકથા પ્રથમ રસપાનમાં વ્યક્ત કર્યું છે તેને વાંચીને મને ખાતરી છે કે તમને બધાંને પોતપોતાનું પ્રથમ ચુંબન યાદ આવી જ ગયું હશે. સૌમિત્ર પંડ્યાના નામથી આપણી કોલેજના વિદ્યાર્થીઓ કદાચ જ અજાણ હોય. સતત છેલ્લા બે વર્ષથી પ્રતિષ્ઠિત મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધા જીતનાર અને પોતાની વકતૃત્વકળાથી આપણા સૌના દિલ જીતી લેનાર સૌમિત્ર પંડ્યા આટલું સારું લખી પણ શકતા હશે એ જાણીને અને એ વાંચીને આશ્ચર્ય સાથે આનંદ થયો. હું મારા તમામ નિર્ણાયક મિત્રો વતી સૌમિત્ર પંડ્યાને ખાસ અભિનંદન આપું છું. સૌમિત્ર પંડ્યાની આ લઘુકથા પ્રથમ સ્થાન માટે નહીં પરંતુ તેનાથી પણ કોઈ અગ્રક્રમ હોય તો તેને લાયક છે. આથી આ વર્ષે કોલેજના યુથ ફેસ્ટીવલમાં જ્યારે આ સ્પર્ધા માટે ઇનામ આપવામાં આવશે ત્યારે સૌમિત્ર પંડ્યાને તેમની આ લઘુકથા માટે ખાસ ઇનામ કોલેજ તરફથી એનાયત કરવામાં આવશે.” ભૂમિ એકજ શ્વાસે બોલી ગઈ.

સૌમિત્રતો માની જ નહોતો શકતો કે તેના પ્રથમ પ્રયાસે જ તેને આટલુબધું સન્માન મળી જશે. વ્રજેશ અને હિતુદાન સ્વાભાવિકપણે સૌમિત્રને મળેલા સ્પેશિયલ મેન્શનથી ગૌરવ અનુભવી રહ્યા હતા. ભૂમિતો લગભગ પાગલ થઇ રહી હતી, પરંતુ તે થોડીક ગુસ્સામાં પણ હતી.

“વા વા વા મિતલા વા.. તે તો ગાભા કાઢી નાયખા.” હિતુદાન એની આદત પ્રમાણે સૌમિત્રને ભેટી પડ્યો.

“અને ડૂચા પણ.” વ્રજેશ પણ સૌમિત્રને ભેટ્યો અને તેને અભિનંદન આપ્યા.

“કોન્ગ્રેટ્સ સૌમિત્ર!” આટલું કહીને ભૂમિએ હોલના દરવાજા તરફ ચાલવા માંડ્યું.

“લે! આને વળી હું થ્યું?” હિતુદાન હોલની બહાર જઈ રહેલી ભૂમિ તરફ જોઇને બોલ્યો.

“સૌમિત્રએ એને મેગેઝિન વાંચવા ન આપ્યું એટલે ગુસ્સે થઇ લાગે છે.” વ્રજેશ બોલ્યો.

“અરે પણ જ્યારે ઓલરેડી વિજેતા સ્ટોરી કોઈ બીજાની હતી તો હું શું કરવા આગળ જોવું?” સૌમિત્ર પણ ભૂમિ તરફ જોઇને બોલ્યો.

“એ બધું અમને નહીં ભૂમિને કે, ચલ ભાગ હવે મનાવ એને.” વ્રજેશે સૌમિત્રને રીતસર ધક્કો માર્યો.

***

“ભૂમિ...ભૂમિ...ભૂમિ...” સૌમિત્ર તેની આગળ ઝડપથી ચાલી રહેલી ભૂમિને બોલાવી રહ્યો હતો.

સૌમિત્રની આ ત્રણેય બૂમોની ભૂમિ પર તો જાણે કોઈ અસર જ નહોતી થઇ રહી. સૌમિત્રએ એને મેગેઝિન જોવા ન આપ્યું એનો એને ખરેખર ગુસ્સો હતો કે એ સૌમિત્રને મળેલા સ્પેશિયલ મેન્શન પછી ખુબ ખુશ થઇ ગઈ હતી અને ફક્ત ગુસ્સે હોવાનું નાટક કરતી હતી એ તો ભૂમિ જ કહી શકે એમ હતી. આમ ભૂમિ પાછળ દોડતા દોડતા છેવટે સૌમિત્રએ એની નજીક જઈને એને પકડી લીધી. સૌમિત્ર એ ભૂમિને એની કોણીએથી પકડી અને પોતાના તરફ ખેંચી.

“શું છે તારે?” ભૂમિના ચહેરા પર ગુસ્સો હતો.

“જો, હું ખુબ ટેન્શનમાં હતો એટલે મેં...” સૌમિત્રએ ખુલાસો આપવાની કોશિશ શરુ કરી.

“એટલે તે મને મેગેઝિન ન આપ્યું? વાહ કમાલ છે હોં તું?” ભૂમિના અવાજમાં ગુસ્સો હતો.

“ના એટલે એમ નહીં પણ તું સમજ ને? હું નિરાશ થઇ ગયો હતો.” સૌમિત્ર બોલ્યો.

“તું ગુસ્સે થઇ ગયો, તું નિરાશ થઇ ગયો પણ મારું શું? મને ગળા સુધી ખાતરી હતી કે તું જ જીતીશ, મને એકવાર મારા સંતોષ ખાતર મેગેઝિન આપી દીધું હોત તો? બીજીવાર કન્ફર્મ કરવામાં તને વાંધો શું હતો સૌમિત્ર?” ભૂમિ અસ્ખલિતપણે બોલી રહી હતી.

“હા પણ ત્યારે મને કશું સુજતું જ નહોતું ભૂમિ...મને એમ કે બધું પતી ગયું. આઈ એમ સોરી યાર...” સૌમિત્રની આંખોમાં યાચના હતી.

“મેં બીજીવાર જોયું તો મળ્યું ને? મેં જોયું હોત અને કદાચ તારું નામ ન પણ હોત, તો મને કશો જ વાંધો નહોતો, પણ તારે એક વખત મને મેગેઝિન આપી દેવું જોઈતું હતું. તને ખબર છે ને કે આપણે કોણ છીએ?” ભૂમિ હજીસુધી એની વાતને વળગી રહી હતી.

“હા યાર મને ખબર છે કે આપણે કોણ છીએ... અને મેં કીધુંને કે આઈ એમ સોરી?” સૌમિત્રએ ફરીથી વિનંતી કરી.

“બસ સોરી કહી દીધું એટલે...” ભૂમિ ના ચહેરા પર હવે ગુસ્સો નહોતો.

“પ્લીઝ....?” હવે સૌમિત્ર એ પોતાના બંને હાથ જોડ્યા.

“બસ બસ હવે એટલી સિરિયસ મેટર પણ નથી. મને શરમાવ નહીં. હું કાંઈ એટલી ખરાબ નથી.” કહીને ભૂમિએ હસતાંહસતાં સૌમિત્રના બંને હાથ છોડી દીધા.

“ઓકે પણ મારે મારી ભૂલનો દંડ તો ભરવો જ પડશે.” ભૂમિને હસતાં જોઇને સૌમિત્રને શાંતિ થઇ.

“ના, ભૂલનો કોઈજ દંડ નહીં કારણકે તે કોઈ ભૂલ જ નથી કરી, પણ ખુશીની પાર્ટી જરૂર આપવી પડશે.” ભૂમિ અને સૌમિત્ર ચાલતા ચાલતાં હવે કોલેજના ગાર્ડનમાં આવી ગયા હતા.

“હા ચોક્કસ! કાલે આપણે ચારેય રોઝ ગાર્ડનમાં હેવી નાસ્તો કરીએ.” સૌમિત્ર બોલ્યો.

“અને મારી પાર્ટી?” ભૂમિની ભમ્મરો જોડાઈ ગઈ એ સૌમિત્ર પાસે કશુંક હક્કથી માંગી રહી હતી.

“હા તો આપણે ચારેય એટલે હું, તું, વ્રજેશ અને ગઢવી. તું પણ એમાં આવી ગઈ ને?” સૌમિત્રએ એકદમ સ્વાભાવિક બનીને ભૂમિના સવાલનો જવાબ આપ્યો.

“અક્કલનો આંધળો છે તું. તને જો આની ખબર ન હોય તો હું આજે કહી જ દઉં છું.” ભૂમિ ફરીથી સહેજ ગુસ્સે થઇ.

“એટલે?” સૌમિત્રને હજીપણ ખબર નહોતી પડી રહી કે ભૂમિ ખરેખર શું ઈચ્છે છે.

“હે ભગવાન...આ કેવા માણસ સાથે તેં મને ભટકાડી દીધી? ભૂમિ આકાશ તરફ બંને હાથ જોડીને બોલી.

“અરે યાર સમજાય એમ બોલને?” સૌમિત્રને હવે ચોખવટ જોઈતી હતી.

“તું અને હું એકબીજા માટે સ્પેશિયલ છીએ કે નહીં?” ભૂમિ હવે મુદ્દા ઉપર આવી.

“હાસ્તો..” સૌમિત્રએ તરતજ જવાબ આપ્યો.

“તો વ્રજેશભાઈ અને હિતુભાઈ સાથે તો ફ્રેન્ડ્સ પાર્ટી થઇ, તને નથી લાગતું કે તારે તારી આ સુંદર અને એકદમ યુનિક પ્રેમિકા માટે એક સ્પેશિયલ પાર્ટી રાખવી જોઈએ?” ભૂમિ પોતાની આંખો નચાવતા બોલી.

“અરે હા...કેમ નહીં. તો એમ સીધેસીધું બોલને? આમ છેક વડોદરા સુધી ફેરવીને પાછો અમદાવાદ ક્યાં લઇ આવી?” સૌમિત્ર હસવા લાગ્યો.

“વાહ વાહ વાહ...લેખક મહાશય. એક એવોર્ડની ઘોષણા શું થઇ તમે તો લેખકની જેમ ઉદાહરણો આપીને બોલવા લાગ્યા!” આટલું બોલીને ભૂમિ ખુબ હસી... અને સૌમિત્ર પણ.

“ઠીક છે, પણ એક શરતે.” હવે સૌમિત્રના ચહેરા પર તોફાન હતું.

“કઈ શરત?” ભૂમિને ઉત્કંઠા થઇ.

“તું મારી સ્ટોરી વાંચીને તને ખરેખર કેવી લાગી એ મને કહીશ તો પરમદિવસે આપણે ભેગા લંચ કરીશું.” સૌમિત્રએ હવે પોતાના હાથમાં રહેલું મેગેઝિન ભૂમિ તરફ ધરતા બોલ્યો.

“અરે...હા એ તો હું ભૂલી જ ગઈ! તેં મને તારી સ્ટોરી વાંચવા પણ નથી આપી કારણકે તારે એને પબ્લિશ થયેલી જોવી હતી, તારા નામ સાથે! હા ચલ હમણાંજ વાંચી લઉં.” ભૂમિએ સૌમિત્રએ ધરેલું મેગેઝિન તરત લઇ લીધું.

બંને જણા કોલેજના ગાર્ડનમાં મૂકેલી બેન્ચોમાંથી એક ખાલી બેન્ચ પસંદ કરીને બેઠા. ભૂમિ ધ્યાનથી સૌમિત્રની વાર્તા વાંચવા લાગી. સૌમિત્ર પોતાની વાર્તા વાંચતી ભૂમિને નીરખતો રહ્યો. થોડીક વાર્તા વાંચ્યા પછી ભૂમિએ પોતાના જમણા હાથની પહેલી આંગળી પોતાના દાંત વચ્ચે દબાવીને વાંચવા લાગી. સૌમિત્રને લાગ્યું કે એ પળ ત્યાંજ ઉભી રહી જાય અને ભૂમિની એ અદા નો એ ફોટો લઇ લે. પણ એ શક્ય નહોતું એટલે સૌમિત્રએ પાંચ સેકન્ડ્સ પોતાની આંખો બંધ કરીને ભૂમિની એ તસ્વીર પોતાની આંખોમાં જ ખેંચી લીધી.

“આ તો આપણી જ સ્ટોરી..” વાર્તા પૂરી કરીને ભૂમિએ સૌમિત્ર સામે જોઇને પોતાનું પહેલું રિએક્શન આપ્યું.

“તારી સલાહને જ અનુસર્યો છું.” સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

“એટલે?” ભૂમિને સૌમિત્રની વાતનો ખ્યાલ ન આવ્યો.

“તેં જ મને કહ્યું હતું ને કે જો પોતાના અનુભવો નવોસવો લેખક એની શૈલીમાં લખે તો એ વાચકોના દિલમાં તરત પહોંચી જાય છે? મેં બસ એમ જ કર્યું ભૂમિ.” સૌમિત્રનું સ્મિત બરકરાર રહ્યું હવે તેની આંખો પણ હસી રહી હતી.

“આપણી ફર્સ્ટ કીસનું તે પરફેક્ટ વર્ણન કર્યું છે મિત્ર..કર્ણિક સરે એને બરોબર સમજી લીધું અને એટલેજ એમણે... તે તો તારી સફળતામાં મને પણ ઇન્વોલ્વ કરી દીધી મિત્ર.” ભૂમિની આંખ સહેજ ભીની થઇ ગઈ.

ક્યાં હજી પંદર મિનીટ અગાઉની ગુસ્સાથી સરાબોળ ભૂમિ અને ક્યાં સૌમિત્રએ લખેલી લઘુકથા વાંચીને લાગણીશીલ થઇ ગયેલી ભૂમિ?

“ઇન્વોલ્વ?કોલેજનું મેગેઝિન હતું એટલે મેં જાણીજોઈને હિરોઈનને તારું નામ નથી આપ્યું ભૂમિ.” સૌમિત્ર બોલ્યો.

“પણ એ તારી હિરોઈન સારિકા તો હું જ છું ને? મારી લાગણીને તે બરોબર ઝીલી છે મિત્ર. તે વખતે જ નહીં પરતું તે પહેલા પણ હું જે અનુભવતી હતી તે જ તે અહીંયા લખ્યું છે અને એપણ એકદમ પરફેક્ટ.” ભૂમિએ સૌમિત્રના માથામાં પોતાની આંગળી ફેરવીને તેના વાળ અવ્યવસ્થિત કરી દીધા.

“સાચે જ? થેન્ક્સ!” સૌમિત્રની ખુશી એના ચહેરા પર વર્તાઈ રહી હતી.

“કોઈએ સાચું જ કહ્યું છે મિત્ર, તમારો પ્રેમી જો એક લેખક હશે તો તમે અમર થઇ જશો!” ભૂમિના ચહેરા પર સ્મિત હતું.

***

“સૌમિત્ર તને નિકી બોલાવે છે, પાછળ પાર્કિંગમાં.”

સૌમિત્ર, ભૂમિ, વ્રજેશ અને હિતુદાન કોલેજના ગાર્ડનમાં વાતો કરી રહ્યા હતા ત્યાં જ કોઈ છોકરો એમની પાસે આવીને બોલ્યો.

“કોણ નિકી?” સૌમિત્રએ એને વળતો સવાલ કર્યો.

“નિકીતા આસુદાની.” પેલાએ નિકીનું આખું નામ આપ્યું.

“કોણ પેલી ગયા વર્ષે મિસ યુનિવર્સીટી થઇ હતી એ?” સૌમિત્રએ કન્ફર્મ કર્યું.

“હા એ જ.” પેલો બોલ્યો.

‘એને વળી મારું શું કામ પડ્યું?” સૌમિત્રને આશ્ચર્ય થયું.

“એ તું એને પૂછી લે. મને તો એણે કીધું કે સૌમિત્ર પંડ્યાને શોધીને અહિંયા પાર્કિંગમાં મોકલ હું એની રાહ જોવું છું એટલે મેં તને કહી દીધું. હું જાઉં છું.” આટલું બોલીને પેલો નીકળી ગયો.

સૌમિત્રને કશી ખબર ન પડી. આજ સુધી તો નિકિતાએ એનો ભાવ પણ નહોતો પૂછ્યો. પોતે મિસ યુનિવર્સીટી થઇ હતી એટલે આખી કોલેજના છોકરાઓ એની પાછળ, એની સુંદરતા પાછળ લટ્ટુ તો હતા જ, પરંતુ સૌમિત્રએ ખાસ ધ્યાન આપ્યું ન હતું. એ હવે એના મિત્રો તરફ જોવા લાગ્યો.

“મને શું કામ બોલાવ્યો હશે?” સૌમિત્રએ ત્રણેયને સવાલ કર્યો.

“જઈને મળી આવ એટલે ખબર પડે.” વ્રજેશ બોલ્યો.

“હા, પણ...” સૌમિત્ર કન્ફ્યુઝ થઇ રહ્યો હતો.

“જઈ આવ મિત્ર. અમે અહિંયા તારી રાહ જોઈએ છીએ. પછી આવીને કે’જે ને કે એણે તને શું કીધું.” ભૂમિએ સૌમિત્રને સલાહ આપી.

“હમમ.. જવું તો પડશે જ, નહીં તો આ કન્ફયુઝન ક્લીયર નહીં થાય અને ખરાબ પણ લાગે. આવું હમણાં.” આટલું બોલીને સૌમિત્ર ઉભો થયો અને કોલેજની પાછળ આવેલા પાર્કિંગ તરફ જવા લાગ્યો.

“હિતુભાઈ, મને કઈક લોચો લાગે છે.” સૌમિત્રના ઓઝલ થવાની સાથે જ ભૂમિ બોલી.

“લોસો સે? મને તો કાંક બરવાની વાયસ આવે સે કાં વીજેભાય?” વ્રજેશ તરફ હસતાંહસતાં હિતુદાન બોલ્યો.

“હા હવે એ જ..તમે બી શું યાર..” ભૂમિના ચહેરા પર શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“આ હા હા હા..આનો ચહેરો તો જો વીજેભાય? લાલઘૂમ થય ગ્યો સ.” હિતુદાને ફરીથી ભૂમિની મશ્કરી કરી.

“એ જવાદો ને, કઈક રસ્તો શોધોને? મને તો ચળ ઉપડી છે. મારે જોવું છે પેલી મિસ યુનિવર્સીટીને મિત્રનું અચાનક શું કામ પડ્યું?” ભૂમિના અવાજમાં નિકિતા પ્રત્યેની બળતરા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“તમે લોકો જાવ, મારે જરાક લાયબ્રેરીમાં કામ છે.” વ્રજેશ બોલ્યો.

“હાલ્ય બેના..ઈ પાસલા ગેટથી ગ્યોસ ને ઓલીને મળવા, આપણે પીટી રૂમ કોર્યથી ઝાંય અટલે એને ઝરાય ખબર્ય નય પડે.” હિતુદાન તરતજ ઉભો થઇ ગયો.

***

“આમ તો હું ગુજરાતી નથી વાંચતી યુ નો? પણ મને મારી ફ્રેન્ડ્સે રેકોમેન્ડ કર્યું કે સૌમિત્ર પંડ્યાની આ સ્ટોરી વાંચને વાંચ એટલે મને થયું કે ચલો વાંચી લઈએ યુનો? બટ ઈટ વોઝ ઓસ્સ્મ, આઈ મસ્ટ એડમીટ.” નિકિતા સૌમિત્રને કહી રહી હતી.

નિકિતા અને સૌમિત્ર જ્યાં વાત કરી રહ્યા હતા એ જગ્યાની બિલકુલ પાછળ કોલેજનો પીટી રૂમ હતો અને ત્યાંથી પાર્કિંગ તરફ જવાનો રસ્તો બંધ હતો કારણકે ત્યાં ઘણા ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતા અને નાના-મોટા છોડ પણ વાવેલા હતા. ભૂમિ અને હિતુદાન આ રસ્તે નીચા નમીને છેક સૌમિત્ર અને નિકિતાની વાતો સંભળાય એટલા નજીક પહોંચી ગયા.

“થેન્ક્સ વેરી મચ. મને ખબર નહીં કે તમને એટલેકે મિસ યુનિવર્સીટીને મારી સ્ટોરી આટલીબધી ગમશે.” સૌમિત્ર નિકિતાની સુંદરતાથી ચકાચૌંધ થઇ ગયો હતો.

“અરે ના, યુ ડિઝર્વ ઈટ યુનો?” નિકિતા હસીને બોલી.

“તો તમને એમાં ખાસ શું ગમ્યું?” સૌમિત્રને હવે જાણવું હતું કે એની શોર્ટ સ્ટોરીમાં એવું તો નિકિતાને શું ગમી ગયું કે એણે એને ખાસ આમ એકાંતમાં બોલાવ્યો?

“મને એમાં જે બે પ્રેમીઓ એટલેકે નવા નવા પ્રેમીઓ વચ્ચેનું પેશન છે એ બહુ ગમ્યું યુ નો? સ્પેશિયલી તેં જે એમાં ફર્સ્ટ કીસને ડીસ્કરાઈબ કરી છે એ તો ઓસ્સ્મ છે. આઈ મીન ઈટ ફેલ્ટ સો રીયલ યુનો? મને એમ લાગ્યું કે આ બધું મારી સાથે થઇ રહ્યું છે.” નિકિતા પોતાના બંને હાથોથી ઈશારા કરી રહી હતી.

“ઓહ થેન્ક્સ. આવી કોમ્પ્લીમેન્ટ આપનારા તમે સૌથી પહેલા છો.” સૌમિત્ર ભાવવિભોર થઇ ગયો હતો. આટલી સુંદર અને કોલેજની સૌથી પ્રસિદ્ધ છોકરી તેને આટલી મોટી કોમ્પ્લીમેન્ટ આપી રહી છે તે એને માન્યામાં પણ નહોતું આવતું.

“ઓહ રિયલી? અને આ તમે તમે શું? તું બોલ, હું તો તને અત્યારસુધી તું જ કહીને બોલાવી રહી છું. લેટ્સ બી ફ્રેન્ક એન્ડ ઓપન મિત્ર, કેન વી બી ફ્રેન્ડ્સ?” નિકિતાએ એનો હાથ સૌમિત્ર તરફ લંબાવ્યો.

“ઓહ શ્યોર કેમ નહીં? સૌમિત્રએ તરતજ એનો હાથ પકડી લીધો.

“થેન્ક્સ મિત્ર, મને તારી ક્લોઝ ફ્રેન્ડ બનવાનું ખુબ ગમશે યુનો?” નિકિતા સૌમિત્રની હથેળીનો પાછલો ભાગ પોતાના અંગૂઠાથી સહેલાવવા લાગી.

આ તરફ ઝાડીઓમાં છૂપાયેલી અને અંદરથી ખુબ બળી રહેલી ભૂમિથી નિકિતાનું સૌમિત્રને ‘મિત્ર’ કહીને બોલાવવું જરાય પસંદ ન પડ્યું. અત્યારસુધી નિકિતા જે રીતે પોતાના શરીરના તમામ અંગો આમતેમ હલાવીને સૌમિત્ર સાથે વાતો કરી હતી અને સૌમિત્ર પણ તેને હસીને જવાબ આપી રહ્યો હતો એમાં નિકિતાનું સૌમિત્રને ‘મિત્ર’ કહીને બોલાવવું અને એ પણ બે વખત, એ ભૂમિ માટે ઉંટની પીઠ પર ના છેલ્લા તણખલા જેવું હતું. ‘મિત્ર’ શબ્દ ભૂમિએ ખાસ સૌમિત્ર માટેજ ઈજાદ કર્યો હતો અને જ્યારે એને સૌમિત્ર પર ખુબ પ્રેમ આવી જતો ત્યારે તે એને મિત્ર કહીને જ સંબોધતી અને એટલેજ એ એવું માનતી હતી કે તેના સિવાય ‘મિત્ર’ શબ્દનો ઉપયોગ બીજું કોઈજ ન કરી શકે. હવે જ્યારે નિકિતાએ એનો આ પ્રિય શબ્દ સૌમિત્રને બોલાવવા માટે એકજ મિનિટમાં બે વખત વાપર્યો એ ભૂમિથી સહન ન થયું.

ભૂમિ અચાનક જ ઝાડીઓમાંથી ઉભી થઇ ગઈ. પકડાઈ જવાની બીકે હિતુદાને ભૂમિનો હાથ પકડીને નીચે તરફ ખેંચવાની કોશિશ કરી પણ ભૂમિએ એક ઝાટકે હિતુદાનનો હાથ છોડાવી દીધો. ભૂમિના બંને હાથ હવે કોણીએથી વળીને તેની કમર પર હતા એના ચહેરા પર ગુસ્સો ટપ.. ટપ.. ટપ.. ટપકી રહ્યો હતો. સૌમિત્રએ નિકિતાની બરોબર પાછળ થોડેજ અંતરે ભૂમિને આ રીતે ઉભેલી જોઈ. બંનેની આંખો મળી. સૌમિત્રને ખ્યાલ આવી ગયો કે એણે અને નિકિતાએ અત્યારસુધી જે વાતો કરી તે બધીજ વાતો ભૂમિએ સાંભળી લીધી છે અને કદાચ એટલેજ એ અત્યારે બળી રહી છે અને એનાથી ગુસ્સે છે. જો કે સૌમિત્રએ એવી કશીજ વાત નહોતી કરી જેનાથી ભૂમિને જેલસી ફીલ થાય, પણ આ તો પ્રેમિકા છે એને ક્યારે શું ફીલ થશે એ દુનિયાનો કોઇપણ પ્રેમી આજસુધી નક્કી નથી કરી શક્યો.

“ભૂમિ?” સૌમિત્રથી બોલાઈ ગયું.

“વ્હોટ? ભૂમિ? વ્હુ ઈઝ શી? વ્હોટ હેપન્ડ?” સૌમિત્રના અચાનક ભૂમિ બોલવાથી નિકિતા ચોંકી અને એ આસપાસ જોવા લાગી.

“કશું નહીં, સોરી મારે જવું પડશે.” નિકિતાની પીઠ પાછળ ઝાડીઓમાંથી ભૂમિ અને હિતુદાનને પીટી રૂમ તરફ જતા જોઈ રહેલો સૌમિત્ર બોલ્યો.

“અરે બટ, લેટ્સ ગો ફોર સમ ટી ઓર કોફી ના? આપણે આજે તો ફ્રેન્ડ્સ થયા છીએ લેટ્સ સેલિબ્રેટ.” નિકિતાને અચાનક જ સૌમિત્રના વ્યવહારમાં આવેલા પરિવર્તનથી આશ્ચર્ય થયું.

“ના આજે નહીં ફરી ક્યારેક, આજે હું તમારી સાથે ચા કે કોફી પીવા આવીશ તો મારો ઉકાળો થઇ જશે. આવજો” સૌમિત્ર પાર્કિંગની બહાર એટલેકે કોલેજના પાછળના ગેઇટ તરફ જવા લાગ્યો.

“ઉકાળો? વ્હોટ ઈઝ ધેટ?” નિકિતાને હજીપણ કશીજ સમજણ નહોતી પડી રહી કે સૌમિત્ર આમ કેમ કરી રહ્યો છે.

“એની રેસિપી હું પછી આપીશ.” આટલું કહીને સૌમિત્રએ દોટ મૂકી.

કોલેજના પાછલા દરવાજેથી વચ્ચેના દરવાજેનું અંતર ખાસુએવું લાંબુ હતું, પણ આજે સૌમિત્રને એની પડી નહોતી એણે ગમેતેમ ભૂમિનો ગુસ્સો ઉતારવો જ હતો. એ દોડીને વચલા દરવાજેથી અંદર ઘુસ્યો અને એની સીધી નજર ભૂમિ અને હિતુદાન પર પડી આ બંને મેઈન ગેઇટ તરફ જઈ રહ્યા હતા કદાચ કોલેજના ગાર્ડન તરફ. સૌમિત્ર ફરીથી દોડવા લાગ્યો.

“ભૂમિઈઈઈઈ.......” ભૂમિ અને સૌમિત્ર વચ્ચેનું અંતર સાવ ઓછું થતાં જ હાંફી રહેલા સૌમિત્રએ બૂમ પાડી.

***

પ્રકરણ ૧૧

“ભૂમિ...મારી વાત તો સાંભળ?” ભૂમિની એકદમ નજીક પહોંચી ગયેલા સૌમિત્રએ એને કોણીએથી પકડીને ઉભી રાખી. ભૂમિ સાથે ચાલી રહેલો હિતુદાન પણ ઉભો રહી ગયો.

“હવે શું છે તારે?” ભૂમિનો ગુસ્સો આસમાને હતો.

“તું કેમ આમ અચાનક ત્યાં આવી?” સૌમિત્રએ પૂછ્યું.

“ઓહ..અચ્છા તો મારે ત્યાં નહોતું આવવું જોઈતું એમને?” ભૂમિએ એની આંખો ઝીણી કરીને સૌમિત્ર તરફ તીર છોડ્યું.

“અરે એમ નહીં, પણ એવું કશું નહતું.” સૌમિત્રએ સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો.

“જે હતું એ મેં જોઈ લીધું. મિસ યુનિવર્સીટી એ બે મીઠા શબ્દો કહ્યા એટલે તમે લટુડા પટુડા થતા હતા એ મેં જોયું ઓકે?” ભૂમિ ગુસ્સામાં સહેજ જોરથી બોલી.

હિતુદાને બંનેને ધીમેથી બોલવાનો ઈશારો કર્યો.

“અરે પણ એને મારી સ્ટોરી ગમી એટલે વખાણ કરતી હતી બસ.” સૌમિત્ર હવે ધીરેથી બોલ્યો.

“અને એના વખાણ એટલાબધા ગમી ગયા કે એમણે લાંબો કરેલો હાથ તમારે પકડી જ રાખવો હતો.” ભૂમિએ હવે સૌમિત્રને કોર્નર કરી લીધો.

“અરે પણ કોઈ સામેથી હાથ આપે તો..” સૌમિત્ર ચોખવટ કરવા માંગતો હતો.

“જો સૌમિત્ર, તારે કોઈજ ચોખવટ કરવાની જરૂર નથી. આજથી મારી સાથે વાત કરવાની જરૂર નથી.” આટલું કહેતાની સાથેજ ભૂમિ સૌમિત્રની વિરુદ્ધની દિશા તરફ ફરી અને ચાલવાનું શરુ કર્યું.

“અરે પણ બેના..આમ ..” હવે હિતુદાનથી ન રહેવાયું એ પણ બોલ્યો.

“હિતુભાઈ, તમે પ્લીઝ તમારા ફ્રેન્ડનો પક્ષ ન લ્યો, આપણા બેય વચ્ચે બહેન-ભાઈનો સંબંધ ચાલુ રહેશે એના મારા અને સૌમિત્રના છૂટા પડવાની કોઈજ અસર નહીં પડે. વ્રજેશભાઈને પણ કહી દેજો કે એમની સાથે પણ મને કોઈજ વાંધો નથી.” ભૂમિ હિતુદાન તરફ જોઇને બોલી રહી હતી.

“એટલે તને વાંધો મારી સાથે જ પડ્યો છે.” સૌમિત્ર બોલ્યો.

“એ તારે જે સમજવું હોય તે સમજી લે.” ભૂમિ સૌમિત્ર તરફ જોયા વગર જ બોલી.

“પણ એમાં આટલી હદે કેમ જાય છે? એવું કશું જ સિરિયસ નથી થયું યાર! તું સમજ.” સૌમિત્રએ હવે છેલ્લો દાવ માંડ્યો.

“મારે જે સમજવું હતું તે મેં સમજી લીધું છે. અત્યારે મારે ઘરે જવું છે.” આટલું કહીને ભૂમિ ફરીથી કોલેજના પાછલા દરવાજા તરફ ચાલવા લાગી.

સૌમિત્ર હવે કશું જ ન બોલ્યો. ખરેખર તો એ હજી પોતાને અને નિકિતાને વાત કરતા જોઈ ગયેલી ભૂમિને જોઇને અનુભવેલા આઘાતમાંથી બહાર પણ આવ્યો ન હતો અને ત્યાં ભૂમિએ એની સાથે ઝઘડો કરી દીધો. આમ ડબલ આઘાતને લીધે સૌમિત્રને સમજાઈ નહોતું રહ્યું કે તે ભૂમિને કેવીરીતે સમજાવે કે એ આરીતે એક નાની વાત માટે તેને મોટી સજા આપી રહી છે.

***

“ઈર્ષા છે દોસ્ત.. ઈર્ષા. જેમજેમ આ ઈર્ષાની અસર ઓછી થતી જશે તેમતેમ ભૂમિને ખ્યાલ આવશે કે તેણે તારી સાથે ખોટું કર્યું છે.” વ્રજેશ સૌમિત્રને કહી રહ્યો હતો.

“પણ ત્રણ દિવસ થયા વ્રજેશ. મારી સામે જોઇને રસ્તો બદલી લે છે.” સૌમિત્રના ચહેરા પર નિરાશા હતી.

“યે ઈશ્ક નહીં આસાં બસ ઇતના સમજ લીજે સૌમિત્ર ભાઈ..” વ્રજેશે નિરાશ સૌમિત્રના ખભે હાથ મુકીને એને સમજાવવાની કોશિશ કરી.

“પણ આમાં તો ભૂમિ જ ખોટી સે વીજેભાય. આમાં સોમિતરનો કાંય વાંકગનો નથ્ય. હું ન્યા જ હતો. ઓલી સોમિતર પોતાની પાંહે આવે એવું બધું બોયલે રાખતી’તી. સોમિતર તો એની વારતા ઈને કેમ ગયમી ઈમાં જ રસ દેખાડતો’તો. આ માંણા આ વખતે હાવ એટલે હાવ નીર્દોસ સે.” હિતુદાને સૂર પુરાવ્યો.

“જો ભાઈ ગઢવી, પ્રેમમાં આવું જ હોય. કોણ કેટલું જેલસ ફીલ કરે છે એના પર આધાર છે. ભૂમિને ભલે સૌમિત્રથી ગુસ્સે થવાનું કોઈજ દેખીતું કારણ નહોતું પણ આ જેલસીની ફીલિંગ અજીબ હોય છે. મગજના બધા જ દ્વાર બંધ કરી દે છે.” વ્રજેશ નિશ્વાસ નાખતા બોલ્યો.

“તો હવે?” સૌમિત્રએ ઉપાય પૂછ્યો.

“હવે કશું નહીં સૌમિત્ર, બસ રાહ જો. ભૂમિના પ્રેમ પર અત્યારે ઈર્ષા કન્ટ્રોલ કરી રહી છે. જે દિવસે ભૂમિ આ ઈર્ષાને પોતાની પીઠ પરથી ધક્કો મારીને નીચે પાડી દેશે ત્યારે એ સામેથી તારી પાસે આવશે.” વ્રજેશે ઉપાય બતાવ્યો.

“પ્રેમ આટલો નબળો? એને મારા પર જરાય વિશ્વાસ નહીં પડ્યો હોય? માત્ર આટલી નાની બાબતે ગુસ્સે થઇ જવાનું? ના વ્રજેશ, કદાચ એનો નહીં પણ મારો પ્રેમ કાચો પડ્યો હશે. નહીં તો એનો મારા પરનો વિશ્વાસ મજબૂત હોત.” સૌમિત્રની આંખ ભીની થઇ ગઈ.

“અરે આમ કાં રોવસ? કાંય નય થાય. હું એને હમજાવી દઈસ. તું હુકામ ચ્યન્તા કરસ? મને ભાય કીયે સે, મારું તો માનસે જ.” હિતુદાન સૌમિત્રની નજીક આવીને બેઠો અને એનો ખભો દબાવ્યો.

“એવી ભૂલ જરાય ન કરતો ગઢવી.” અચાનક વ્રજેશ બોલ્યો.

“લે કાં? સોમિતરને મદદ તો કરવી ને? આપણે એના ભાયબંધ સીંયે.” હિતુદાને વ્રજેશની વાતને કાપી.

“એક્ઝેક્ટલી! એટલે જ તું ભૂમિને સમજાવવાની કોશિશ ન કરતો. એ પણ અત્યારે આપણને સૌમિત્રના ફ્રેન્ડ જ માનતી હશે એટલે તું એનો ભાઈ થઈને સમજાવવા જઈશ તો એ એવું જ માનશે કે તું સૌમિત્રની વકીલાત કરવા આવ્યો છે કારણકે તું એનો ખાસ એનો મિત્ર છે!” વ્રજેશે. સમજાવવાની કોશિશ કરી.

“પણ ક્યાં સુધી યાર? આ ત્રણ દિવસ મેં કેવીરીતે કાઢ્યા છે એ હું જ જાણું છું.” સૌમિત્ર બોલ્યો.

“એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ!” વ્રજેશે થોડીવાર અગાઉ બોલેલી લાઈન્સ પૂરી કરી, એના ચહેરા પર સ્મિત હતું.

“ક્યાંક એને ઈગો તો નહીં નડે ને? કદાચ ગુસ્સો ઉતરી ગયો હોય પણ એ એવું ઈચ્છતી હોય કે હું પહેલા એની સાથે વાત કરું??” સૌમિત્રએ વ્રજેશને પૂછ્યું.

“અત્યારે કશું જ વિચાર નહીં સૌમિત્ર. જેમ ચાલે છે એમ ચાલવા દે. આજે શુક્રવાર થયો ને? સોમ-મંગળ સુધી રાહ જો, પછી આપણે મળીને કશુંક વિચારીએ છીએ.” વ્રજેશે ફરી સલાહ આપી.

***

“ભાઈ, આજે બુધવાર થયો. હજી એ એમની એમ જ છે.” સૌમિત્રની ચિંતા વ્યાજબી હતી.

“હા વીજેભાય, હવે કાંક કરવું પડે. અઠવાડિયું થય ગ્યું.” હિતુદાને સૌમિત્રની ચિંતામાં પોતાનો સૂર પુરાવ્યો.

“હમમ.. વિચારીએ કે શું કરવું. મારા ખ્યાલથી...” વ્રજેશ હજી બોલવા જ જતો હતો.

“સૌમિત્ર, તને કર્ણિક સર બોલાવે છે, ગુજરાતી ડીપાર્ટમેન્ટમાં.” અચાનક જ કૃણાલ આ ત્રિપુટીની સામે આવીને ઉભો રહ્યો.

“મને? મારું શું કામ પડ્યું એમને? ગુજરાતી મારો સબજેક્ટ નથી યાર, તારી સાંભળવામાં ભૂલ થઇ હશે.” સૌમિત્ર બોલ્યો.

“અરે ના બે, તને જ બોલાયો છે યાર. એમણે મને એમની સ્પેશિયલ સ્ટાઈલમાં જ કીધું કે પેલા સિદ્ધહસ્ત લેખક અને અદભુત વક્તૃત્વશક્તિના માલિક એવા શ્રી સૌમિત્ર પંડ્યા જો આપને આપણી વિદ્યાપીઠના પ્રાંગણમાં દ્રશ્યમાન થાય તો એમને તુરંત ગુજરાતી વિભાગમાં પધારવા માટેનો મારો સંદેશ જરૂર પહોંચાડશો.” કૃણાલ હસી રહ્યો હતો.

“ઓહ..તો તો મારે જવું જ પડશે.” સૌમિત્ર એના બંને મિત્રો તરફ જોઇને બોલ્યો.

વ્રજેશ અને હિતુદાને પોતપોતાના માથા હલાવીને સૌમિત્રને જવાનું કહ્યું.

***

પ્રોફેસર જયદેવ કર્ણિક માત્ર બત્રીસ વર્ષના હતા અને સૌમિત્રની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા. યુવાન વિચારોવાળા હોવાથી કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓમાં એકસરખા લોકપ્રિય હતા પછી ભલેને કોઈનો વિષય ગુજરાતી હોય કે ન હોય. વિદ્યાર્થીઓ સાથે જાણીજોઈને બને તેટલું શુદ્ધ ગુજરાતી બોલીને વાતાવરણ હળવું રાખતા અને તેમની સાથે કાયમ મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખતા. કોલેજની મોટાભાગની સાહિત્યિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં તે કોઈને કોઈ રીતે સામેલ રહેતા. સૌમિત્ર પણ કોલેજના ગાર્ડનથી પ્રોફેસર્સ રૂમ તરફ જતા વિચારી રહ્યો હતો કે અચાનક જ કર્ણિક સરને એમનું શું કામ પડ્યું હશે?

“આવો બંધુ આપની જ પ્રતીક્ષા કરી રહ્યો હતો.” સૌમિત્રના પ્રોફેસર્સ રૂમના એકદમ ડાબા ખૂણે આવેલા ડીપાર્ટમેન્ટ ઓફ ગુજરાતીના પાર્ટીશનમાં ઘૂસતાં વેંત જયદેવ કર્ણિક બોલ્યા.

“હા મને કૃણાલે હમણાંજ મેસેજ આપ્યો.” સૌમિત્ર ભૂમિના ગુસ્સે થવાના આટલા ટેન્શન વચ્ચે પણ કર્ણિક સરને એક સ્મિત આપી શક્યો.

“હા બંધુ, મારે તમને એ બાબતની જાણકારી આપવી હતી કે દર વર્ષની જેમજ આ વર્ષે પણ આપણી કોલેજમાં ટ્રેડીશનલ ડે કોમ્પિટિશન એટલેકે પરંપરાગત પોષાક અંગેની એક સ્પર્ધા આવનારા સોમવારે યોજવાનો નિર્ણય ગઈકાલે મોડી સાંજે અધ્યાપક મંડળની એક બેઠકમાં લેવામાં આવ્યો છે.” જયદેવ કર્ણિક એમની પ્રખ્યાત સ્ટાઈલમાં બોલવા લાગ્યા.

“જી સર, પણ મેં ક્યારેય એમાં ભાગ લીધો નથી.” સૌમિત્રને હવે કોઈ સ્પર્ધામાં કોઈ ફોર્સ કરે તો પણ ભાગ નહોતો લેવો અને એમાંય ભૂમિ જ્યાંસુધી તેની સાથે ન બોલે ત્યાંસુધી તો એ કોઇપણ આવી પ્રવૃત્તિમાં ધ્યાન આપી શકે એમ ન હતો.

“બંધુ તમારે એમાં ભાગ લેવાનો પણ નથી.” કર્ણિક સરના ચહેરા પર સ્મિત હતું.

“તો?” હવે સૌમિત્ર કન્ફયુઝ થયો.

“બંધુ તમારે એમાં એક સ્પર્ધક તરીકે નહીં પરંતુ મારી સાથે એક નિર્ણાયક તરીકે તમારું પ્રદાન આપવાનું છે.” કર્ણિક સર બોલ્યા.

“એટલે?” સૌમિત્રનું કન્ફયુઝન વધ્યું.

“બંધુ આપણી વિદ્યાપીઠની એક પરંપરા રહી છે કે આવી કેટલીક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પણ નિર્ણય લેવાની ભૂમિકાનો ભાગ બને જેથી તેમને ભવિષ્યની એક તાલીમ મળે, ઉપરાંત જો વિદ્યાર્થીઓનો સર્વસ્વીકૃત પ્રતિનિધિ પણ નિર્ણાયક મંડળમાં સામેલ હોય તો સ્પર્ધામાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓને પણ અંતિમ નિર્ણય પ્રત્યે વિશ્વાસનો અનુભવ થાય.” કર્ણિક સરે સૌમિત્રને સમજાવ્યું.

“ઓહ...પણ મને એ બધું નહીં આવડે સર.” સૌમિત્રનું ટેન્શન એટલું મોટું હતું કે તેને આ પ્રકારની પ્રવૃત્તિ ન કરતા ભૂમિને કેમ મનાવવી તેના પર વિચાર કરવાનો સમય જોઈતો હતો.

“બંધુ, તમને તો કદાચ લખતા પણ નહોતું આવડતું, પરંતુ તમે લખ્યું અને એવી તો સુંદર રજૂઆત કરી કે તમારી લઘુકથાનો અમે ઉલ્લેખ કરીને તેને આપણા સામાયિકમાં વિશેષ સ્થાન આપ્યું.” કર્ણિક સરે સૌમિત્રને લાજવાબ કરી દેતી દલીલ કરી.

સૌમિત્રને તરતજ ભૂમિ યાદ આવી ગઈ. તેણે જ સૌમિત્રને ફોર્સ કર્યો હતો કે ભલે તેને લખતા ન આવડે પણ તેનામાં અભિવ્યક્તિની કળા ઠાંસીઠાંસીને ભરી છે અને એટલેજ તેણે શોર્ટ સ્ટોરી કોમ્પિટિશનમાં ભાગ લેવો જોઈએ. એટલું ઓછું હોય એમ સૌમિત્રએ જ્યારે પરિણામ જોયું અને પોતે નથી જીત્યો એવું કહ્યા પછી પણ ભૂમિને વિશ્વાસ હતો કે સૌમિત્રની શોર્ટ સ્ટોરી મેગેઝિનમાં ન છપાઈ હોય એવું બને જ નહીં. સૌમિત્રને એ પણ યાદ આવી ગયું કે આ જ શોર્ટ સ્ટોરીને લીધે પેલી નિકિતા તેના લખાણથી આકર્ષાઈ અને તેને એકાંતમાં બોલાવ્યો અને ભૂમિ ગુસ્સે થઇ ગઈ.

ફક્ત બે થી અઢી સેકન્ડ્સમાં આ આખી ઘટના સૌમિત્રની આંખ સામેથી પસાર થઇ ગઈ.

“હા, સર પણ હું જ કેમ? આઈ મીન.. હું હજી કહું છું કે મને ન ફાવે, કોઈ બીજાને શોધોને? મને ખરેખર નહીં આવડે.” સૌમિત્રને હવે અહીંથી નીકળવું હતું.

“જુવો બંધુ, આપણી વિદ્યાપીઠના વિદ્યાર્થી મંડળના અધ્યક્ષ શ્રીમાન શક્તિસિંહજી ઝાલા એ પણ મને તમારું નામ જ સૂચવ્યું છે અને કહ્યું છે કે ભાઈ સૌમિત્રની લોકપ્રિયતા આપણી વિદ્યાપીઠમાં એટલીબધી છે કે જો એ નિર્ણાયક મંડળમાં હશે તો અંતિમ નિર્ણય પ્રત્યે કોઈને પણ દલીલ કરવાનો મોકો જ નહીં મળે. હું ઘણી સ્પર્ધાઓમાં નિર્ણાયક રહ્યો છું, સ્પર્ધાના આગલા દિવસે આપણે અહીં જ એ ચર્ચા જરૂરથી કરીશું કે એક નિર્ણાયકની કઈ જવાબદારીઓ હોય છે અને તમારે તેને કેવીરીતે સૂપેરે પાર પાડવી.” કર્ણિક સરે હવે સૌમિત્ર માટે કોઈજ દલીલ બાકી રાખી ન હતી.

“ઠીક છે સર, તમે આટલું બધું કહો છો અને શક્તિસિંહજીએ પણ કહ્યું છે તો મારે હવે ના પાડીને તમારા બંનેનું અપમાન નથી કરવું.” સૌમિત્રએ હથિયાર હેઠા મૂકી દીધા.

“અતિસુંદર અને યોગ્ય નિર્ણય લીધો તમે બંધુ. આ સાબિત કરે છે કે તમારી નિર્ણયશક્તિ સર્વથા યોગ્ય છે.” કર્ણિક સર હસ્યા.

“થેન્ક્....ધન્યવાદ સર.” ગુજરાતી પ્રોફેસર એવા કર્ણિક સર સામે ગુજરાતી જ બોલવું જોઈએ એવો વિચાર અચાનક જ સૌમિત્રને આવ્યો એટલે એણે એણે થેંક્યું અડધે મુકીને તેમને ધન્યવાદ કહ્યા.

“હવે આપને મારી એક વિનંતી છે કે આ બાબતની જાણ તમે બહાર કોઈને પણ નહીં કરો. તમારા અત્યારથી જાહેર કરી દેવાથી કે તમે આ સ્પર્ધાના નિર્ણાયક મંડળમાં સામેલ છો, કેટલાક સ્પર્ધકો તેમની અનેક યાચિકાઓ તેમજ પ્રલોભનો દ્વારા તમારા પર વણજોઈતું દબાણ લાવી શકે છે. આશા છે તમે મારી વાત બરોબર સમજી શક્યા હશો.” કર્ણિક સરે સૌમિત્રને ચેતવણી આપી.

“ચોક્કસ સર, પણ વ્રજેશ ભટ્ટ અને હિતુદાન ગઢવી મારા ખાસ મિત્રો છે એમને તો મારે જણાવવું જ પડશે. એ લોકો કોઈને નહીં કહે પ્રોમિસ.” સૌમિત્રએ મંજૂરી માંગી.

“ઠીક છે, તમને જે યોગ્ય લાગે તે કરી શકો છો પરંતુ વસ્તુસ્થિતિની ગંભીરતા જરૂરથી સમજશો. તો શનિવારે આપણે કોલેજનો સમય પૂર્ણ થાય પછી અહીં મળીએ છીએ. અધ્યાપિકા કુમારી મીનળ પરમાર પણ આ નિર્ણાયક મંડળમાં આપણા સાથીદાર છે એટલે આપણે ત્રણેય અમુક સમય સાથે બેસીને સ્પર્ધાના નિયમો તેમજ અન્ય કાર્યપદ્ધતીઓ અંગેની વિસ્તૃત અને વિષદ ચર્ચા કરી લઈશું.” કર્ણિક સર પોતાની ખુરશીમાંથી ઉભા થતા બોલ્યા.

“ઠીક છે સર, હું સમયસર આવી જઈશ.” સૌમિત્ર પણ પોતાની ખુરશીમાંથી ઉભા થતા બોલ્યો.

“નિર્ણાયક મંડળમાં તમારું સ્વાગત છે શ્રીમાન સૌમિત્ર પંડ્યા!” આટલું કહીને જયદેવ કર્ણિકે એમનો હાથ લંબાવ્યો જેને સૌમિત્ર એ પકડી લીધો.

***

ભૂમિ સૌમિત્રને સતત અવોઇડ કરી રહી હતી. સૌમિત્રની સામે એ ખુદ ન આવી જાય એનું એ ધ્યાન રાખતી હતી અને જો એ બંને ટકરાઈ પણ જાય તો પણ નીચું જોઇને પોતાનો રસ્તો બદલી નાખતી. સૌમિત્રને ભૂમિ તેની સાથે વાત કરવાનો એકપણ મોકો આપતી ન હતી. છેલ્લા કેટલાક દિવસોથી તો ભૂમિએ પોતાનો ઘેર જવાનો રસ્તો પણ બદલી નાખ્યો હતો. હવે તે કોલેજના પાછલા દરવાજેથી નહીં પરંતુ આગલે દરવાજેથી જતી, કારણકે તેને ખ્યાલ હતો કે સૌમિત્ર એ જ રસ્તેથી કોલેજ આવ-જા કરે છે. વ્રજેશ અને હિતુદાન સાથે ભૂમિ પહેલાની જેમજ વાતો કરતી, પરંતુ સૌમિત્રની ગેરહાજરીમાં. હિતુદાનને ખુબ ઈચ્છા થતી કે તે સૌમિત્ર અને ભૂમિ વચ્ચેનું આ ‘શીતયુદ્ધ’ કોઈરીતે સમાપ્ત કરે પણ તેને વ્રજેશે એમ કહીને રોકી રાખ્યો હતો કે બહુ જલ્દીથી એ દિવસ આવશે જ્યારે સૌમિત્ર અથવા ભૂમિ બે માંથી એક જણાએ તો સામે ચાલીને કોઈક એકને તો બોલાવવા જ પડશે. સૌમિત્રને ભૂમિ સાથે વાત કરવી હતી પણ ભૂમિ જે રીતે એને અવોઇડ કરી રહી હતી તે એને ન ગમ્યું. સૌમિત્ર આ બે-ત્રણ દિવસમાં એ બાબતે સ્પષ્ટ થઇ ગયો હતો કે એણે એવી મોટી ભૂલ નથી કરી કે ભૂમિએ તેની સાથે આવું કઠોર વર્તન કરવું જોઈએ, એટલે એ હવે ભૂમિ એને સામેથી ક્યારે બોલાવે છે એની રાહ જોઈ રહ્યો હતો. પણ હા, સૌમિત્રનું હ્રદય અંદર અંદરથી ભૂમિને યાદ કરીને ખુબ રડતું હતું.

ટ્રેડીશનલ ડ્રેસ કોમ્પિટિશનના વિજેતાની જાહેરાત કોલેજના હોલમાં રાખવામાં આવી હતી અને સ્પર્ધકો માટે સ્ટેજની બાજુમાં જ ખુરશીઓ મૂકવામાં આવી હતી. હોલ અત્યારે ખાસ ભરાયેલો નહોતો કારણકે કોમ્પિટિશનના જજીસને એક અલગ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. સ્ટેજ પરથી જે સ્પર્ધકનું નામ બોલવામાં આવે એને હોલની બરોબર બાજુમાં આવેલા રૂમમાં જઈને જજીસ સામે પોતે પહેરેલા ડ્રેસનું પ્રદર્શન કરવાનું હતું અને પોતાની ઓળખાણ આપવાની હતી. જજીસને તેમના ડ્રેસીઝ જોઇને તેમને દસમાંથી માર્કસ આપવાના હતા. એક પછી એક સ્પર્ધકો આવતા હતા અને પ્રોફેસર જયદેવ કર્ણિક, પ્રોફેસર મીનળ પરમાર અને સૌમિત્ર તેમને યોગ્ય લાગે એટલા માર્કસ આપતા જતા હતા.

“તમામ સ્પર્ધકોએ ખુબ મહેનત કરી છે.” એક સ્પર્ધક બહાર જતાં જ પ્રોફેસર કર્ણિક બોલ્યા.

“હા સર, પેલા મેહુલ સુથારનો ડ્રેસ મને ખુબ ગમી ગયો, અદ્દલ કાઠીયાવાડી દેખાય છે.” સૌમિત્રએ પોતાનો અભિપ્રાય આપ્યો.

“અરે બંધુ, હજી તો સાત સ્પર્ધકો જ આવ્યા છે અને તમે તમારો વિજેતા અત્યારથી જ પસંદ કરી લીધો?” કર્ણિક સર હસ્યા.

“હા, સર એટલીસ્ટ...એટલે વિદ્યાર્થીઓમાં તો કદાચ જ હવે કોઈ મેહુલને ટક્કર મારી શકે એવો આવે. વિદ્યાર્થીનીઓમાં જોઈએ, હજી એમનો વારો બાકી છે.” સૌમિત્ર કર્ણિક સર સાથે બોલતી વખતે ખાસ ધ્યાન રાખી રહ્યો હતો કે તે અંગ્રેજી શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરે.

“હા બસ હવે ચાર વિદ્યાર્થીઓ બાદ વિદ્યાર્થીનીઓનો જ વારો છે. અને બંધુ આપને મારી એક વિનંતી છે કે પરંપરાગત પોષાકમાં સજ્જ થયેલી વિદ્યાર્થીનીઓના પોષાકને તમારે મત આપવાનો છે એના ચહેરાની સુંદરતાને નહીં.” કર્ણિક સરે સૌમિત્ર સામે હસીને કહ્યું.

સૌમિત્ર પણ કર્ણિક સરની મજાક સમજી ગયો અને એણે વળતું સ્મિત આપ્યું. ચાર વિદ્યાર્થી સ્પર્ધકોએ પોતપોતાના ડ્રેસીઝ દેખાડ્યા બાદ હવે વિદ્યાર્થીનીઓ એક પછી એક રૂમમાં આવતી ગઈ અને જજીસ એમને એમના માર્કસ આપવા લાગ્યા.

“હવે આપણે ટોટલ કરી લઈએ અને પછી બહાર જઇને એનાઉન્સમેન્ટ કરીએ? બધા રાહ જોતા હશે.” સ્પર્ધકોના લિસ્ટમાં લખેલા તમામ સ્પર્ધકોએ પોતાના ટ્રેડીશનલ ડ્રેસીઝ બતાવી દેતા પ્રોફેસર મીનળ બોલ્યા.

“અરે ના, એક સ્પર્ધકે અમુક કારણોસર હજી બે શનિવારે જ પોતાનું નામ લખાવ્યું છે એમને આવવા દો, પછી આપણે ગુણોની ગણતરી કરીએ.” કર્ણિક સરે માહિતી આપી.

“કેમ મોડી એન્ટ્રી? ડેડલાઇન પતી જાય પછી કોઈને પણ એન્ટ્રી ન અપાય કર્ણિક સર.” પ્રોફેસર મીનળે એમનો વાંધો નોંધાવ્યો અને દલીલ કરી.

“એ વિદ્યાર્થીનીનો પોષાક તૈયાર થવામાં અઢળક સમય વ્યતીત થયો છે એમણે મને પહેલેથી જ કહી દીધું હતું કે એ સ્વયં પોતનો અભ્યાસ અને ગૃહકાર્ય સમાપ્ત કર્યા બાદ મળતા સમય દરમ્યાન પોતાનો પોષાક તૈયાર કરી રહ્યા છે એટલે એમણે મારી પાસે બે દિવસ વધારે માંગ્યા હતા. મારે તમને અને બંધુ સૌમિત્રને આ વિષય બાબતે માહિતગાર કરવા જોઈતા હતા પરંતુ અન્ય મહત્ત્વના કાર્યોમાં કાર્યરત હોવાને લીધે હું આ બે-ત્રણ દિવસ અત્યંત વ્યસ્ત રહ્યો આથી એમ ન કરી શક્યો, આથી હું આપ બંનેનો ક્ષમાપ્રાર્થી છું.” આટલું બોલીને કર્ણિક સરે સૌમિત્ર અને પ્રોફેસર મીનળ સામે પોતાના બંને હાથ જોડ્યા.

“અરે ઇટ્સ ઓકે સર, મને ખબર નહીં કે એ સ્ટુડન્ટે જાતે મહેનત કરીને ડ્રેસ બનાવ્યો હશે. તમે સારું કર્યું કે એને બે દિવસ વધારે આપ્યા. આપણે એની મહેનત અને ટેલેન્ટને આટલું માન તો આપવું જ જોઈએ.” પ્રોફેસર મીનળે હસીને જવાબ આપ્યો.

સૌમિત્રએ તો કશું બોલવાનું હતું જ નહી કારણકે એ વિદ્યાર્થી હતો અને એણે પોતાના પ્રોફેસર્સનું ડિસીઝન કોઇપણ સમયે સ્વિકારવાનું જ હતું.

“મે આય કમ ઇન સર?” ત્યાંજ રૂમના બારણા પર ટકોરા વાગ્યા અને એક અવાજ સંભળાયો.

“જી કુમારી ભૂમિ આપ અંદર આવી શકો છો.” કર્ણિક સરે સહેજ મોટા અવાજે બહાર દરવાજાને ટકોરા મારનારને આવકારી.

કર્ણિક સરના મોઢેથી ભૂમિનું નામ બોલાવાને લીધે સૌમિત્ર સડક થઇ ગયો એને મનમાં એક સેકન્ડમાં સવાલ આવી ગયો કે ભૂમિ એટલે ક્યાંક એની ભૂમિ તો નહીં? અવાજ પણ ભૂમિ જેવો લાગતો હતો ખરો.

ત્યાંજ રૂમનું બારણું ખુલ્યું અને સૌમિત્રની જ ભૂમિ અંદર આવી. સૌમિત્ર રીતસર ડઘાઈ ગયો. એ ભૂમિ સામે જોઈ રહ્યો અને સૌમિત્રને જજની પેનલમાં જોઇને કદાચ ભૂમિને પણ આશ્ચર્ય થયું.

છેલ્લા દસેક દિવસથી એકબીજાને જાણીજોઈને અવોઇડ કરી રહેલા સૌમિત્ર અને ભૂમિનો સામનો આજે અચાનક જ થઇ જતા સૌમિત્રને ખ્યાલ નહોતો આવી રહ્યો કે તે કેવું રિએક્શન આપે. તો સામે પક્ષે ભૂમિ પણ લગભગ સ્થિર થઇ ગઈ હતી. સૌમિત્રને અંદરોઅંદર વિચાર આવ્યો કે તે હવે ભૂમિના ડ્રેસને કેવીરીતે જજ કરી શકશે? અને ભૂમિને મનમાં કોઈ બીજોજ વિચાર આવી રહ્યો હતો જે જરાય પોઝિટીવ નહોતો.

આગળ શું કરવું તેની સૌમિત્ર અને ભૂમિ બંનેને ખબર નહોતી પડી રહી અને તેઓ આમને આમ એકબીજાને ટગર ટગર જોઈ રહ્યા હતા.

***

પ્રકરણ ૧૨

“ખુબ સરસ ભૂમિ, તેં તારા ડ્રેસ પર કરેલી મહેનત દેખાઈ આવે છે.” અચાનક પ્રોફેસર મીનળે સૌમિત્ર અને ભૂમિનું ધ્યાનભંગ કર્યું.

“હમમ.. મેં કુમારી ભૂમિને વધારે સમય આપ્યો એનો તેમણે સદુપયોગ કર્યો હોવાનું દેખાઈ આવે છે.” કર્ણિક સરે પણ ભૂમિના ડ્રેસના વખાણ કર્યા.

“થેન્કયુ સર, થેન્કયુ મેડમ.” ભૂમિએ હસીને બંને પ્રોફેસર્સને ધન્યવાદ આપ્યા.

આ તરફ સૌમિત્ર હવે આઘાતમાંથી બહાર આવી રહ્યો હતો અને તે હવે ભૂમિએ જાતે બનાવેલા ગુજરાતી ચણીયા ચોળી માં અતિશય સુંદર લાગી રહેલી પોતાની પ્રેમિકાને ધ્યાનથી નીરખવા લાગ્યો હતો. અત્યારે એ ભૂલી ગયો હતો કે તે અને ભૂમિ અત્યારે એકબીજા સાથે બોલી નથી રહ્યા.

“ભૂમિ તારું પૂરું નામ જણાવીશ? કર્ણિક સરે તને છેલ્લી એન્ટ્રી તો આપી પણ તારી કોઈજ ડીટેઇલ એમણે લખી નથી.” પ્રોફેસર મીનળે કર્ણિક સર સામે જોઇને એક સ્મિત સાથે ભૂમિને તેનું નામ જણાવવા કહ્યું.

“ભૂમિ પ્રભુદાસ અમીન” હજી ભૂમિ બોલે તે પહેલાં જ સૌમિત્ર બોલી પડ્યો. સૌમિત્ર ભૂમિ સામે જ જોઈ રહ્યો હતો અને એના રૂપથી પૂરેપૂરો અચંબિત થઇ ગયો હતો આથી કર્ણિક સર જવાબ આપે એ પહેલાં એ જ બોલી પડ્યો.

“તું ઓળખતો લાગે છે ભૂમિ ને હેં?” પ્રોફેસર મીનળ તરત જ સૌમિત્ર તરફ જોઇને બોલ્યાં

“ના એટલે હા, ખાસ નહીં પણ.. હાઈ હેલ્લો કરીએ...” સૌમિત્રએ બાજી સંભાળવાની કોશિશ કરી.

સૌમિત્રની આ હરકતથી ભૂમિને હસવું આવી રહ્યું હતું પણ એણે ગમેતેમ તેના પર કાબુ મેળવીને પ્રોફેસર મીનળને તેની તમામ વિગતો લખાવી.

“ઠીક છે, કુમારી ભૂમિ તમે જઈ શકો છો.” કર્ણિક સરે ભૂમિને જવાનું કહ્યું.

ભૂમિ રૂમના દરવાજા તરફ ચાલવા લાગી અને દરવાજો બંધ કરતા પહેલા તેણે સૌમિત્ર તરફ જોયું. સૌમિત્ર એ પણ ભૂમિ સામે નર્વસનેસ સાથે જોયું. ભૂમિએ સૌમિત્રને એક સ્મિત આપીને દરવાજો બંધ કરી દીધો અને સૌમિત્રનું ભારે હ્રદય કુણું પડવા લાગ્યું.

***

ભૂમિ છેલ્લી સ્પર્ધક હતી એટલે ત્રણેય નિર્ણાયકોએ ફરીથી પોતે દરેક સ્પર્ધકને આપેલા માર્કસ જોઈ લીધા. ત્યારબાદ કર્ણિક સરે પોતે આપેલા માર્કસ અને પ્રોફેસર મીનળ અને સૌમિત્રએ આપેલા માર્કસનું ટોટલ કર્યું. ટોટલ કર્યા બાદ કર્ણિક સરે સૌમિત્ર તરફ એક માર્મિક સ્મિત આપ્યું. સૌમિત્રને ખ્યાલ ન આવ્યો કે કર્ણિક સર તેની સામે આમ કેમ હસ્યા. ત્યારબાદ ત્રણેય નિર્ણાયકો કોલેજના હોલમાં આવ્યા જ્યાં સ્પર્ધકો નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા અને હવે હોલ પણ ભરાઈ ચૂક્યો હતો.

“વિદ્યાર્થી મિત્રો અને સખીઓ. આજની આ પરંપરાગત પોષાકની સ્પર્ધા અનોખી હતી. અનોખી એટલા માટે નહીં કારણકે દર વર્ષ કરતાં આ વર્ષે વધારે સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર તેમાં ભાગ લીધો, પરંતુ એટલા માટે કારણકે વિદ્યાર્થીનીઓની સ્પર્ધા ખુબજ કઠીન રહી હતી અને આ સ્પર્ધાની વિજેતા બહુ પાતળા અંતરથી વિજેતા બની છે. તો હું પહેલા વિદ્યાર્થી સ્પર્ધકોમાંથી વિજેતાનું નામ ઘોષિત કરું છું.” કર્ણિક સરે વિજેતાઓના નામની ઘોષણા કરતા અગાઉ થોડી પૂર્વભૂમિકા બાંધી.

હોલમાં પરિણામ સાંભળવા માટે એકદમ સન્નાટો છવાઈ ગયો. ત્યાં બેસેલા તમામની નજર જાણેકે કર્ણિક સર પર સ્થિર થઇ ગઈ હતી. સ્પર્ધકોના ચહેરા પર ટેન્શન સ્પષ્ટ દેખાઈ આવતું હતું પણ ભૂમિના ચહેરા પર કોઈજ ટેન્શન ન હતું.

“તો... વિદ્યાર્થીઓમાંથી પરંપરાગત પોષાક સ્પર્ધાના વિજેતા છે...........મેહુલ સુથાર!!” કર્ણિક સરે નામ જાહેર કરતાંજ હોલ આખો તાળીઓ અને ચિચિયારીઓથી ભરાઈ ગયો.

મેહુલ સુથાર એની જગ્યાએથી દોડતો દોડતો સ્ટેજ તરફ આવ્યો અને કર્ણિક સર તેમજ પ્રોફેસર મીનળને પગે લાગ્યો અને સૌમિત્ર સાથે હાથ મેળવ્યા. આખા વર્ષમાં થતી તમામ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ તો કોલેજના વાર્ષિકોત્સવમાં જ અપાતા એટલે મેહુલ તરતજ તેની જગ્યા તરફ પરત જવા લાગ્યો.

“તો હવે આવીએ આ સ્પર્ધાની વિદ્યાર્થીની વિજેતા તરફ. મેં આગળ કહ્યું તેમ આ સ્પર્ધા અત્યંત કઠીન રહી હતી. અમને ત્રણેયને ગુણ આપવામાં ખુબ મહેનત પડી છે. જે વિદ્યાર્થીની આ સ્પર્ધામાં વિજેતા બન્યા છે તેણે અમારા નિર્ણાયક મંડળમાં વિદ્યાર્થીઓના જ પ્રતિનિધિ એવા શ્રીમાન સૌમિત્ર પંડ્યાનો આભાર માનવો ઘટશે કારણકે તેમના એક વધારાના ગુણને લીધે જ તે વિજેતાપદ પામી શક્યા છે. જો એવું ન થયું હોત તો આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન માટે ગાંઠ બંધાઈ ગઈ હોત.” કર્ણિક સર એમની આગવી અદામાં બોલી રહ્યા હતા.

કર્ણિક સરે જે રીતે વાતાવરણ બાંધ્યું તેને લીધે હોલમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ તેમજ તમામ સ્પર્ધકો હવે અત્યંત એકાગ્રતાથી તેમની તરફ જોઈ રહ્યા હતા.

“પરંપરાગત પોષાકના વિદ્યાર્થીની વિભાગના વિજેતા છે.......... કુમારી ભૂમિ અમીન.” કર્ણિક સરે ભૂમિના નામની ઘોષણા કરી અને ફરીથી આખા હોલમાં તાળીઓનો ગડગડાટ થઇ ગયો.

ભૂમિના ચહેરા પર આશ્ચર્ય હતું તો સૌમિત્રનું આશ્ચર્ય પણ તેના ચહેરા પર દેખાઈ રહ્યું હતું. સૌમિત્રને પોતે દરેક સ્પર્ધકને કેટલા માર્કસ તેણે આપ્યા હતા એની જાણ તો હતી પરંતુ ગ્રાન્ડ ટોટલ માત્ર કર્ણિક સરને ખબર હતી. આથી સૌમિત્રને હવે ખ્યાલ આવ્યો કે ટોટલ કર્યા બાદ કર્ણિક સર તેની સામે કેમ અલગરીતે હસ્યા હતા. ભૂમિ પણ ધીમી ચાલે સ્ટેજ પર આવી અને પહેલાં પ્રોફેસર મીનળને પગે લાગી અને પછી કર્ણિક સરને પણ પગે લાગી. હોલમાં હજીપણ વિદ્યાર્થીઓનો શોરબકોર જારી હતો.

“તમારે ભાઈ સૌમિત્રનો ખાસ આભાર માનવો જોઈએ ભૂમિ, એમણે તમને દસમાંથી દસ ગુણ આપ્યા ન હોત તો તમારે આ વિજેતાનું સ્થાન કોઈ અન્ય વિદ્યાર્થીની સાથે વહેંચી લેવું પડત.” કર્ણિક સરે ભૂમિને કાનમાં કહ્યું કારણકે વિદ્યાર્થીઓ ખૂબ શોર મચાવી રહ્યા હતા.

કર્ણિક સરની સલાહ સાંભળીને ભૂમિના ચહેરા પર સ્મિત આવ્યું અને તે સૌથી છેલ્લે ઉભેલા સૌમિત્ર તરફ વળી અને એની પાસે ગઈ.

“કોલેજ પત્યા પછી રોઝ ગાર્ડનમાં મળીએ.” સૌમિત્ર સાથે હાથ મેળવતા મેળવતા ભૂમિએ તેને થેન્ક્સ ન કહ્યું પણ આટલું બોલીને અને એને એક સ્મિત આપીને બીજી તરફથી સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ.

સૌમિત્રને આટલા બધા દિવસના ટેન્શનમાંથી રાહત તો થઇ જ પણ ભૂમિએ તેને બીજે ક્યાંય નહીં પણ કોલેજ નજીક આવેલા રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટમાં કેમ બોલાવ્યો એ સવાલે હવે ઘેરી લીધો.

નિર્ણયની જાહેરાત થઇ જતા, સૌમિત્ર કર્ણિક સર અને પ્રોફેસર મીનળનો આભાર માનીને હોલમાં વ્રજેશ અને હિતુદાનને શોધવા લાગ્યો, પરંતુ બંને ત્યાં દેખાયા નહીં. કદાચ મેઈન હોલમાં કે પછી કોલેજના ગાર્ડનમાં હશે એમ વિચારીને સૌમિત્ર એમને શોધવા નીકળી પડ્યો. એને ભૂમિ સાથેના અબોલા લગભગ તૂટી ગયા છે અને ભૂમિએ કોલેજ પત્યા પછી રોઝ ગાર્ડનમાં મળવા બોલાવ્યો છે એ વાત પણ પોતાના બે ખાસ મિત્રોને કહેવી હતી.

પણ સૌમિત્રના એ બંને ખાસ મિત્રો ન તો કોલેજના મેઈન હોલમાં દેખાયા કે ન તો કોલેજના ગાર્ડનમાં મળ્યા. સૌમિત્રએ કોલેજનો લાંબો રાઉન્ડ લઈને પાછલા દરવાજે છે પાર્કિંગ સુધી બધું ચેક કરી લીધું. રસ્તામાં મળેલા કેટલાક વિદ્યાર્થીઓને પણ તેણે આ બંને વિષે પૂછ્યું પણ કોઈને પણ ખબર નહોતી કે વ્રજેશ અને હિતુદાન ક્યાં છે. આટલામાં કોલેજનો ફાઈનલ બેલ પણ વાગી ગયો.

સૌમિત્રએ વિચાર્યું કે આ સમયે તો તે બંને કદાચ ગાંધીનગર જવા પણ ઉપડી ગયા હશે એટલે હવે તે આવતીકાલે જ તેમની સાથે બધી વાત શેર કરશે. અને જો ભૂમિ અત્યારે એની સાથે ફરીથી બોલવાનું શરુ કરી જ દેશે તો એ સારા સમાચાર પણ તે પોતાના બંને મિત્રો સાથે શેર કરશે.

***

સૌમિત્ર રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટ પહોંચ્યો. એનું દિલ આમતો જોરથી ધબકતું હતું કારણકે તેને ખ્યાલતો આવી ગયો હતો કે ભૂમિનો ગુસ્સો ઉતરી ગયો છે, પણ ભૂમિ તેને શું કહેશે એ સસ્પેન્સ એનાથી હજી છૂપું જ હતું. રેસ્ટોરન્ટમાં બહાર પડેલા ચારેક ટેબલ પર કોઈજ નહોતું એટલે સૌમિત્રને લાગ્યું કે ભૂમિ કદાચ આવી નહીં હોય એટલે એણે રાહ જોવાનું નક્કી કર્યું. પછી એને યાદ આવ્યું કે રોઝ ગાર્ડનમાં તો ફેમીલી રૂમ પણ છે એટલે એ તરતજ એ તરફ ધસ્યો અને કાળી પટ્ટી લગાવેલો દરવાજો ખોલ્યો તો જોયું કે ભૂમિ છેક છેલ્લા ટેબલે બેઠી હતી. સૌમિત્રના રૂમમાં પ્રવેશતાં જ ભૂમિએ તેને સ્મિત આપ્યું. સૌમિત્રનું બાકીનું ટેન્શન પણ લગભગ પૂરું થઇ ગયું. એને લાગ્યું કે ભૂમિ છે તો સારા મૂડમાં.

“કોન્ગ્રેચ્યુલેશન્સ” સૌમિત્ર ભૂમિની સામે બેસતાં બોલ્યો.

“થેન્ક્સ, તારા એક્સ્ટ્રા એક માર્કને લીધે જ હું જીતી છું.” ભૂમિએ તરતજ જવાબ આપ્યો.

“તું નહીં માને મને ખબર જ નથી કે મેં તને કેટલા માર્કસ આપ્યા હતા. હું તો તને જોવામાં જ...” સૌમિત્રએ રહસ્ય ખોલ્યું.

“મને ખબર છે તારું ધ્યાન મારા ડ્રેસને જોવામાં નહીં પણ મને જોવામાં હતું. તું ડઘાઈ ગયો હતો ને મને જોઇને?” ભૂમિના મોઢા પર એનું અસલી અને રમતિયાળ સ્મિત આવી ગયું હતું.

“હા કારણકે...” સૌમિત્ર આટલું જ બોલી શક્યો.

“કારણકે?” ભૂમિએ વળતો સવાલ કર્યો.

“મને એમ હતું કે આપણે હવે ક્યારેય....” આટલું બોલતાં જ સૌમિત્રને ડૂમો બાજી ગયો.

“ચલ હટ્ટ, એમ હું મારા મિત્રને આટલી ઇઝીલી છોડી દઉં? મારો ગુસ્સો તો એજ દિવસે ઘરે પહોંચ્યા પહેલાંજ ઉતરી ગયો હતો.” ભૂમિએ હસતાંહસતાં સૌમિત્રના બંને હાથ પકડી લીધા.

“તો.. આ બધું? આટલા બધા દિવસ મારી સાથે કેમ ન બોલી?” સૌમિત્રના અવાજમાં હવે ફેર આવ્યો, એણે પણ ભૂમિની આંગળીઓમાં પોતાની આંગળીઓ ભેરવી દીધી.

“સાચું કહું? તો મને એ વખતે ખુબ જેલસી થઇ હતી પણ ખાલી એક-બે કલાક જ મારો ગુસ્સો ટક્યો. ખરેખર તો મને ખુબ ઈચ્છા હતી કે તું મારી આસપાસ ફરે, મને મનાવવાની કોશિશ કરે, કોઈ જોડે મેસેજ મોકલે કે ભૂમિ મારે તને મળવું છે. પણ મારા સદનસીબે મને એવો બુદ્ધુરામ મળ્યો છે કે જેને અક્કલ જ નથી કે પ્રેમ કેમ કરાય? અને ગુસ્સે થયેલી પ્રેમિકાને કેમ મનાવાય?” આટલું બોલતાં જ ભૂમિ હસી પડી અને સૌમિત્રના ગાલે એક હળવી ટપલી મારી લીધી.

“હે ભગવાન અને હું? આ દસ દિવસમાં રોજ દસ વખત મર્યો હોઈશ ભૂમિ.” સૌમિત્રએ હવે રાહતનો શ્વાસ લીધો.

“મને ખબર છે બુદ્ધુરામ, આઈ એમ સોરી!” ભૂમિના ચહેરા પર સ્મિત બરકરાર હતું.

“તને એ પણ ખબર છે ને કે આ બધું મારે માટે પહેલીવાર છે. મને આ બધામાં ખબર નથી પડતી.” સૌમિત્રએ પોતાનું ભૂમિની ઈચ્છા ન પૂરી કરી શકવાનું કારણ કહ્યું.

“હા, પણ મને થયું કે થોડુંક ફિલ્મી ટાઈપ થાય તો મજા આવે, પણ તમે ભાઈસાહેબ બસ આખો દિવસ કોલેજમાં દેવદાસ બનીને ફરતા હતા. અઠવાડિયાથી દાઢી નથી કરીને? કેટલો ગંદો દેખાય છે તું મિત્ર! હું સામે આવતી અને રસ્તો બદલી નાખતી તો એક વાર પણ તે મને બોલાવી નહીં. એટલે પછી તો હું પણ કન્ફયુઝ થઇ ગઈ કે મારે શું કરવું?મને થયું કે મિત્રને બોલાવવો કેવી રીતે?” ભૂમિ એની ટેવ મુજબ અસ્ખલિત બોલવા લાગી.

“તો તારે મને સામેથી કહેવું હતું ને? તો વાત ત્યાંની ત્યાં જ પતી જાત.” સૌમિત્ર એ રસ્તો બતાવ્યો.

‘તો એમાં મજા કેમ આવે?” ભૂમિએ આંખ મારી.

“તારે મજા લેવી હતી અને અહીંયા... છોડ પછી?” સૌમિત્ર ને હવે ઉત્કંઠા થઇ.

“ત્રીજા દિવસે તો મનેય બેચેની થવા લાગી. તું નહીં માને એ દિવસ હું ઘરે સરખું જમી પણ નહીં. પેટમાં દુઃખે છે એમ કહીને આખો દિવસ મારા રૂમમાં ભરાઈને સુતી રહી. તને ખુબ યાદ કરીને રડતી રહી. મને થયું કે મારી આ મૂર્ખાઈને લીધે ક્યાંક તું...” હવે ભૂમિના ગળે ડૂમો બાજી ગયો અને એની આંખના ખૂણા ભીના થઇ ગયા.

“તો મને ફોન કરવો હતો ને?” સૌમિત્રએ ભૂમિની બંને હાથની આંગળીઓ જોરથી દબાવી.

“મેં તને કીધુંને કે તો મજા ક્યાંથી આવે?” ભૂમિના ચહેરાનું સ્મિત પરત થયું.

“કમાલ છે હોં તું? એક તરફ મને યાદ કરીને ભૂખે પેટે આખો દિવસ રડે છે અને બીજી તરફ મજા પણ લેવી છે? પછી?” સૌમિત્ર બોલ્યો.

“પછી બીજે દિવસે ભૂમિ અમારી પાસે આવી અને એ પણ રડતાં રડતાં...” અચાનક પાછળથી વ્રજેશે સૌમિત્રનો ખભો દબાવ્યો, એની સાથે હિતુદાન પણ ઉભો હતો.

“અરે તમે? મને એમ કે તમે લોકો ગાંધીનગર જતા રહ્યા હશો.” સૌમિત્રએ ઉભા થઈને વારાફરતી તેના બંને મિત્રોને ભેટી લીધું.

વ્રજેશ સૌમિત્રની બાજુમાં બેઠો તો હિતુદાને ભૂમિની બાજુમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

“મારા જેવો સિદ્ધહસ્ત ડિરેક્ટર એમ અધૂરી ફિલ્મ મુકીને ભાગી ન જાય.” વ્રજેશ હસતાંહસતાં બોલ્યો.

“એટલે?” સૌમિત્ર હવે વધુ કન્ફયુઝ થયો.

“ભૂમિ ત્રીજે જ દિવસે અમારી પાસે ગાર્ડનમાં આવી. તારે લેક્ચર હતું. એણે અમને બધુંજ કહી દીધું અને પાછું એમ પણ કીધું કે એમ એને રેગ્યુલર જેમ થતું હોય છે એમ સોરી નથી કહેવું.” વ્રજેશે પોતાની વાત શરુ કરી.

“અમે વિચારતા જ ‘તા કે કેમ કરીને તમને બેયને ભેગા કરવા ન્યા તું અઠવાડિયા પસી આ ટેડીશનલ કપડાંની વાત્ય લઈને આયવો.” હવે હિતુદાને પણ ઝુકાવ્યું.

“મેં ભૂમિને આઈડિયા આપ્યો કે એણે આ કોમ્પિટિશનમાં ભાગ લેવો જોઈએ. સૌમિત્ર જજ છે એટલે તારે એની સામે આવવાનું થશે જ એટલે તને જોઇને જ આપોઆપ અમારા સાહેબ પીગળી જશે.” વ્રજેશે સૌમિત્ર સામે આંખ મારી.

“ઓકે એટલે તું મને કાયમ રાહ જોવાનું કહેતો હતો, રાઈટ?” હવે સૌમિત્રને તાળો મળવા લાગ્યો.

“એકદમ રાઈટ દોસ્ત!” વ્રજેશે પોતાની બાજુમાં બેસેલા સૌમિત્ર ના ખભે હાથ મૂકી દીધો.

“પણ નામ લખાવવાની તારીખ ઓલરેડી જતી રહી હતી એ એક મોટો પ્રશ્ન હતો. પછી વ્રજેશભાઈએ કર્ણિક સર સાથે મારી મૂલાકાત કરાવી દીધી અને એમને સમજાવ્યા કે હું એક ખાસ ડ્રેસ ડીઝાઈન કરી રહી છું અને હવે મને લાગે છે કે કોમ્પિટિશન પહેલા મારો ડ્રેસ પૂરો થઇ જશે અને એટલેજ મેં મોડી એન્ટ્રી લેવાનો વિચાર કર્યો છે.” ભૂમિએ વાત આગળ વધારી.

“ઓક્કે...પછી?” સૌમિત્ર બોલ્યો.

“કર્ણિક સર એમપણ કોપરેટિવ છે એટલે એમણે તરત જ હા પાડી દીધી.” વ્રજેશે કહ્યું.

“પણ એમ તરતજ કેવી રીતે હા પાડી? જ્યારે તે કીધું કે તું ખાસ ડ્રેસ ડીઝાઈન કરી રહી છે તો એમણે એને જોવા ન માંગ્યો?” સૌમિત્રએ વ્યાજબી સવાલ ઉભો કર્યો.

“હું આ ચણીયા ચોળી પર ઓલરેડી ભરતકામ કરી જ રહી હતી મિત્ર, અને લગભગ નેવું ટકા કામ પતી પણ ગયું હતું. આ કાગને બેસવું ને ઝાડને પડવા જેવી વાત હતી. કર્ણિક સરને મળતી વખતે મેં એ ડ્રેસ સાથે જ રાખ્યો હતો. કર્ણિક સરે ડ્રેસ પર અછડતી નજર જ નાખી અને હા પાડી દીધી” ભૂમિએ રહસ્ય ખોલ્યું.

“ઓહ માય ગોડ, તમે બધા કેટલું ખતરનાક પ્લાનિંગ કરી શકો છો? મારે તમારા બધાથી બચવું પડશે.” સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો અને બાકીના ત્રણેય પણ તેની સાથે જ હસી પડ્યા.

“જીત-હાર મારે માટે કોઈજ મહત્ત્વના નહોતા મિત્ર, મારે ખાલી આપણા બંને વચ્ચેનો જામી ગયેલો બરફ જ તોડવો હતો, પણ તોયે એક ટેન્શન તો હતું જ.” વાક્ય બોલવાની શરૂઆતમાં ઈમોશનલ દેખાતી ભૂમિના અવાજમાં અચાનક તોફાન આવ્યું અને એ હિતુદાન તરફ જોઇને હસવા લાગી.

“આમ મારી હામું કા ઝોવસ બેના?” હિતુદાનને ભૂમિ એની સામે જોઇને જે રીતે હસી રહી હતી તેનાથી નવાઈ લાગી.

“મેં ટેન્શનવાળી વાત કીધી એ ખોટી કીધી વ્રજેશભાઈ?” ભૂમિએ વ્રજેશ તરફ પોતાની હથેળી લંબાવી.

“ના બિલકુલ નહીં.” વ્રજેશે ભૂમિને તાળી આપી.

“એ મોટા? આ તમે બેય હું ક્યોસ? મને કાંય હમઝાય એવું બોલો.” હિતુદાનના મોઢા પર ટેન્શન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

“એમજ કે આપણે આટલી મહેનતથી પ્લાન બનાવ્યો છે અને ક્યાંક તમે સૌમિત્ર પાસે બધું ખુલ્લું ન પાડી દો. પણ થેન્ક ગોડ, કે તમે તમારા આ ફ્રેન્ડ કરતા આ વખતે તમારી બેનને તમે સાથ આપ્યો.” ભૂમિ ખડખડાટ હસી પડી.

“આમ આ ભોળાનાથની મજાક ન ઉડાવો તમે બંને ઓકે?” સૌમિત્રએ હિતુદાનનો પક્ષ ખેંચ્યો.

“તું નો હોત તો મારું હું થાત સોમિતર?” હિતુદાને પણ સૌમિત્રની વાતનો હસીને જવાબ આપ્યો.

“પછી આજે જે થયું એની તો તને ખબર જ છે.” વ્રજેશે પોતાનો સમગ્ર પ્લાન સૌમિત્રને સમજાવીને પૂર્ણવિરામ મુક્યું.

“ખરેખર, તમારા જેવા મિત્રો કોઈ નસીબદારને જ મળે. ભૂમિનો ગુસ્સો ભલે ખોટો હતો પણ જો એ ખરેખર ગુસ્સે થઇ હોય તો પણ તમે બંનેએ એને સમજાવવામાં કોઈજ કમી ન છોડી હોત એનો મને આજે પૂરેપૂરો વિશ્વાસ છે.” સૌમિત્ર ગળગળો થઇ ગયો.

“હાલ તય ચણાપૂરી મંગાવ, બવ ભુઈખ લાયગી સ.” હિતુદાને સૌમિત્રને રીતસર ઓર્ડર જ કર્યો.

“કેમ નહીં ચોક્કસ.” સૌમિત્રએ આટલું કહીને ચારેય માટે રોઝ ગાર્ડનની સ્પેશિયલ ડીશ, ચણાપૂરીનો ઓર્ડર આપ્યો.

“હું પણ લકી છું, મને મિત્ર તો મળ્યો જ પણ તેની સાથે હિતુભાઈ જેવો ભાઈ અને વ્રજેશભાઈ જેવા જેઠજી પણ મળી ગયા.” ભૂમિએ હસીને કહ્યું.

“એ બધું છોડ ભૂમિ.. વ્રજેશ મને અત્યારેજ એક વિચાર આવ્યો છે અને મારે તારી પાસેથી એનો જવાબ જોઈએ છીએ અને એ પણ અત્યારે જ.” સૌમિત્રના ચહેરા પર હવે તોફાન હતું.

ભૂમિ અને હિતુદાનને સૌમિત્ર હવે વ્રજેશને શું પૂછશે તેમાં રસ પડ્યો.

“પૂછને જે પૂછવું હોય તે?” વ્રજેશ સૌમિત્ર તરફ જોઇને બોલ્યો.

“તેં કીધું કે તું આ બધું જે થયું તેનો ડિરેક્ટર છે, રાઈટ?” સૌમિત્રએ પહેલો સવાલ કર્યો.

“રાઈટ.” વ્રજેશે જવાબ આપ્યો.

“તો તને આવી બધી બાબતોમાં કેમ આટલીબધી ખબર પડે છે?” સૌમિત્રનો આ બીજો સવાલ હતો.

“એટલે?” વ્રજેશ ગૂંચવાયો.

“પ્રેમની આંટીઘૂટી મહાશય, ઝઘડી પડેલા પ્રેમી કે પ્રેમિકા વચ્ચે સંધી કેમ કરાવવી એનું સોલ્યુશન તારી પાસે કેવી રીતે આવ્યું? આ અત્યારની વાત નથી. જ્યારથી મને ભૂમિ ગમી ગઈ હતી ત્યારથી તું મને બરોબર સલાહ આપતો રહ્યો છે એક એક્સપર્ટની જેમ. ગઢવી, હું ખોટું બોલું છું?” સૌમિત્રએ ગઢવી તરફ જોયું.

“ભૂરો હાવ હાચું બોલે હે વીજેભાય. તમે પ્રેમના ઓલો હું કે’વાય? હા.. પંડિત, પંડિતની ઝેમ સોમિતરને કાયમ સલાહું આપતા હોવ સો. આ સોમિતર અટાણે બોયલો તંઈએ મને લાઈટ થય. હાલો હવે ઝવાબ આપો.” હિતુદાનને સૌમિત્રના સૂરમાં સૂર પૂરાવ્યો.

“અરે એ તો એમ જ યાર. મને જે સમયે લોજીકલી જે યોગ્ય લાગ્યું એ મેં તને કીધું અને આપણા નસીબ સારા કે તને ભૂમિ મળી અને પછી આ કોમ્પિટિશનમાં પણ મારા લોજીકથી મેળ પડી ગયો.” વ્રજેશ જાણેકે તેના ત્રણેય મિત્રોથી આંખ ચોરીને બોલતો હોય એમ બોલવા લાગ્યો. એના ચહેરા અને અવાજમાં જરાય આત્મવિશ્વાસ નહોતો દેખાતો.

“વ્રજેશભાઈ, કોઈ ટેન્શન છે? અમને નહીં ક્યો તો કોને કહેશો?” ભૂમિએ આંખો ચોરી રહેલા વ્રજેશની આંખમાં આંખ મેળવીને કહ્યું.

“વ્રજેશ, કોઈ છે ને તારી લાઈફ માં, જેને તું અમારા બધાંથી, એટલેકે તારા જીગરજાન મિત્રોથી છૂપાવી રહ્યો છે?” સૌમિત્રએ હવે વ્રજેશને સીધો જ સવાલ કરી દીધો અને ત્યાંજ વેઈટર ચાર ડીશમાં ચણાપૂરી ટેબલ પર સર્વ કરી ગયો, પણ બધાને હવે ચણાપૂરી ખાવામાં જરાય રસ નહોતો.

સૌમિત્ર, ભૂમિ અને હિતુદાન હવે વ્રજેશ સામે એકીટશે જોવા લાગ્યા અને વ્રજેશ સૌમિત્રના સીધા સવાલનો શો જવાબ આપે છે તેની રાહ જોવા લાગ્યા.

***

પ્રકરણ ૧૩

“એનું નામ નિશા કુટ્ટી છે. મારી સાથે પહેલા ધોરણથી જ સ્કુલમાં એક જ ક્લાસમાં ભણતી.” વ્રજેશ લગભગ દોઢ બે મિનીટ બાદ બોલ્યો. એનો અવાજ ભારે હતો.

“ઓહ! એટલે ગુજરાતી નથી?” સૌમિત્ર બોલ્યો.

“ના કેરાલિયન છે. એના પપ્પા અમદાવાદ ઇસરોમાં નોકરી કરે છે પણ રહે છે ગાંધીનગરમાં. લગભગ દસમાં ધોરણથી અમે એકબીજાને ગમવા લાગ્યા હતા.” વ્રજેશના ચહેરા પર સ્મિત આવી ગયું.

“ઓહો વીજેભાય તો બવ ઝૂના ખેલાડી નીકર્યા.” હિતુદાને પૂરી તોડીને એમાં થોડા ચણા લીધા.

“અગિયારમાં ધોરણમાં એણે સામેથી મને કીધું કે હું એને ખુબ પસંદ છું. મારે પણ ના પાડવાનો કોઈ સવાલ જ નહોતો પણ, અમે બંનેએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી અમે બંને પગભર ન થઈએ ત્યાં સુધી કોઈને પણ ન જણાવવું અને એટલે જ મેં તમને કોઈને હજી સુધી આ બાબતે કહ્યું નહતું, પણ આજે ભૂમિએ જે રીતે ઈમોશનલ થઈને મને પૂછ્યું, પછી મારાથી ન રહેવાયું.” વ્રજેશના ચહેરા પર સ્મિત હતું.

“તારી પાસેથી આ જ આશા હતી વ્રજેશ. તું છે જ મેચ્યોર, પણ તેં અમને પહેલાં પણ કીધું હોત તો પણ વાત તો અમારી વચ્ચે જ રહેત.” સૌમિત્ર વ્રજેશ સામે હસીને બોલ્યો.

“એની મને ખબર છે સૌમિત્ર, પણ આ બધું જેટલું દેખાય છે એટલું સહેલું નથી.” વ્રજેશનો અવાજ જરા ભારે થયો.

“કાકા-કાકી ના પાડસે એની બીક લાગે સે વીજેભાય? હું હમઝાવી દઈસ ઈ લોકોને. તમે એની ચ્યનતા સોડો.” હિતુદાન ચણાપૂરી ચાવતાં ચાવતાં બોલ્યો.

“એ એકલો પ્રોબ્લેમ નથી ગઢવી. અમારા બંનેના માતા-પિતા ઓર્થોડોક્સ છે એટલે એ લોકો પહેલા ધડાકે તો ના પાડવાના જ છે, પણ એમને તો અમે કોઇપણ રીતે મનાવી લઈશું. સૌથી મોટો પ્રોબ્લેમ નિશા ના બે મોટા ભાઈઓથી થઇ શકે છે.” વ્રજેશના અવાજમાં રીતસર ગભરાટ જણાઈ રહ્યો હતો.

“એટલે? જરાક સમજાય એવું બોલ.” સૌમિત્રએ વ્રજેશને કહ્યું.

“નિશા ના બંને ભાઈઓ અહીં નથી રહેતા એલોકો કેરેલામાં અલેપ્પી પાસે કોઈ નાનકડું શહેર છે ત્યાં રહે છે, અને એ બંને ત્યાંના બે સૌથી મોટા ગુંડા છે. ત્યાંની લેફ્ટ પાર્ટી સાથે એમના ખુબ સારા સંબંધ છે. નિશા ના કહેવા પ્રમાણે તેના બંને ભાઈઓને કયારેય મનાવી તો નહીં જ શકાય પણ એ લોકો મારા અને નિશા ના સંબંધથી ગુસ્સે થઈને કદાચ મને મારી નાખે એવું બને.” વ્રજેશનો ગભરાટ હવે તેના ચહેરા પર પણ નજરે ચડી રહ્યો હતો.

“એમ કાંય ઈ ઈડલી-સંભાર વારાવને આયાં આવીને ખિચડી ને કઢી બનાવવાના સે લે? હું આયાં બેઠો હોઉં ને તમને કોઈ આંગરીય અડારી જાય, એવું બને વીજેભાય?” હિતુદાન એના ચિતપરિચિત અંદાજમાં બોલ્યો.

“એટલું સરળ નથી ગઢવી. આ બંને ભાઈઓએ નિશા માટે ઓલરેડી પોતાની પાર્ટીના કોઈ મોટા લિડરના દિકરાને પસંદ કરી લીધો છે અને નિશા ને તેની સાથે જ પરણાવવાનું વચન પણ આપી દીધું છે. એ બંને નિશા ક્યારે ગ્રેજ્યુએટ થાય એની રાહ જોઈ રહ્યા છે. નિશા પણ આપણી જેમ જ લાસ્ટ યરમાં છે એટલે હવે લાંબો સમય પણ બાકી નથી રહ્યો.” વ્રજેશે પોતાની તકલીફને વિસ્તારથી જણાવી.

“તો નિશા ને તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરાવોને વ્રજેશભાઈ? એટલો સમય આપણને વધારે મળી જશે.” ભૂમિએ આઈડિયા આપ્યો.

“ના, એ બંનેએ નિશાના મમ્મી પપ્પાને કહી દીધું છે કે હવે નિશા આગળ નહીં ભણે અને પરીક્ષા પતે કે તરતજ દસ-પંદર દિવસમાં તેના લગ્ન અલેપ્પીમાં કરાવી દેવાના છે પેલા લિડરના દિકરા સાથે.” વ્રજેશે ભૂમિના આઈડિયાને નકારી દીધો.

“હમમ.. તકલીફ તો છે.” સૌમિત્ર જાણે કશુંક વિચારી રહ્યો હોય એમ બોલ્યો.

“આ તકલીફથી પણ એક મોટી તકલીફ છે સૌમિત્ર. નિશા ને ભૂલી જવી એ હવે મારી માટે પોસિબલ નથી.” આટલા વર્ષોમાં પહેલીવાર સૌમિત્ર અને હિતુદાને વ્રજેશની આંખોમાં ભીનાશ જોઈ.

હિતુદાને તરત જ વ્રજેશને પોતાની તરફ ખેંચી લીધો અને એનો ખભો દબાવ્યો.

“રસ્તો આપણે બધા ભેગા મળીને જ શોધી શકીશું. વ્રજેશભાઈ જો તમને વાંધો ન હોય તો આપણે બધા એકસાથે નિશા ને મળીએ?” ભૂમિએ પ્રસ્તાવ મૂક્યો.

“હવે તમને બધાને ખબર પડી જ ગઈ છે તો એને મેળવવામાં મને કોઈજ વાંધો નથી, પણ તમારે બંને એ ગાંધીનગર આવવું પડશે. આજે હું એને કહી દઉં, પછી આવતા રવિવારે મળવાનું ગોઠવીએ.” વ્રજેશને કદાચ તેના મિત્રોની વાતોથી સધિયારો મળ્યો હોય એમ તેના અવાજમાં હવે આત્મવિશ્વાસ હતો.

“હા પાક્કું એમ જ રાખીએ, વ્રજેશ. જરાય ચિંતા ન કરીશ. હજી આપણી પાસે ઘણો સમય છે, કોઈને કોઈ રસ્તો તો નીકળી જ આવશે.” સૌમિત્રએ પોતાનો હાથ તેની સામે બેસેલા વ્રજેશના હાથ પર મૂકીને તેને દબાવ્યો.

“તમે લોકો છો પછી હવે મને કોઈજ ચિંતા નથી.” વ્રજેશની આંખમાં ફરીથી આંસુ આવી ગયા.

***

“સૌમિત્ર એટલે તો પેલો જ છોકરો ને જે દોઢ વર્ષ પહેલાં હું યુએસ જવા નીકળી ત્યારે આપણને મદદ કરવા માટે એરપોર્ટ આવ્યો હતો?” નિલમ ચ્હાનો એક ઘૂંટડો ભરતા બોલી.

“હા એ જ, પણ ત્યારે એવું કશું નહોતું, એટલીસ્ટ મારી તરફથી.” ભૂમિના ચહેરા પર શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“તારા તરફથી એટલે? હું સમજી નહીં.” બાજુના ટેબલ પર ચ્હાનો ખાલી કપ મુકતાં નિલમે ભૂમિને સવાલ કર્યો.

“એટલે એમ કે એ તો તે દિવસે પણ મને પ્રેમ કરતો હતો અને એરપોર્ટ મને મદદ કરીને આપણને બધાંને અને ખાસ મને ઈમ્પ્રેસ કરવા જ આવ્યો હતો.” ભૂમિના ચહેરા પર સ્મિત હતું.

“વાહ બહુ સ્માર્ટ છોકરો કહેવાય હોં કે? પણ તું તો હમણાં બે મિનીટ પહેલાં મને કહેતી હતી કે બહુ ભોળો છે?” હસી રહેલી નિલમે હવે ભૂમિની ફીરકી લેવાનું શરુ કર્યું.

“દીદી, તમે મને ચીડવવાના હોવ તો મારે તમને કશું જ નથી કહેવું.” ભૂમિએ ખોટેખોટો ગુસ્સો કર્યો.

લગ્ન પછી યુએસ જઈને પહેલીવાર ઇન્ડિયા આવેલી પોતાની મોટી બહેન નિલમ સાથે ભૂમિ એના બેડરૂમમાં એના બેડ પર બેઠાબેઠા પોતાની પ્રેમકહાણીની ડીટેઈલ્સ જણાવી રહી હતી.

“ઓકે ઓકે ઓકે... નહીં ચીડવું. દોઢ-બે વર્ષે તને મળી છું એમ તને ગુસ્સે કરીને મારે આ પ્રેશિયસ ટાઈમ વેસ્ટ નથી કરવો. પણ...” બોલતાં બોલતાં નિલમ થોડું રોકાઈ.

“પણ શું દીદી?” ભૂમિ હવે નિલમના ખોળામાં સૂતી.

“તને પપ્પાનો સ્વભાવ ખબર છે છતાં અને મારા અને મયંક સાથે એમણે જે કર્યું તે પછી પણ તે આવું કરવાની હિંમત દેખાડી?” નિલમે પોતાના ખોળામાં સુઈ ગયેલી ભૂમિના માથાના વાળ સહેલાવ્યા.

“સાચું કહું તો મને એવો કોઈજ વિચાર નહોતો આવ્યો દીદી. સૌમિત્ર જ્યારે પહેલીવાર ડિબેટ જીત્યો ને? ત્યારથીજ એ મને સારો લાગવા માંડ્યો હતો. આમ તો અમે કોલેજના પહેલા દિવસથી જ એકબીજાને ઓળખતા હતા, પણ પેલા ડિબેટે સૌમિત્ર તરફ જોવાની મારી આખી દ્રષ્ટિ જ બદલી નાખી. એ મને પરાણે ગમવા લાગ્યો. એરપોર્ટ પર જ્યારે એ આપણને મદદ કરવાના બહાને આવ્યો ત્યારે મને એ બરોબર ઈમ્પ્રેસ કરી ગયો.” ભૂમિના ચહેરા પર સ્મિત હતું.

“મતલબ કે એનો પ્લાન સફળ ગયો.” નિલમ હસી.

“હા, પણ કદાચ એને એવા પ્લાનની જરૂર પણ નહોતી. એ એકદમ સરળ છે અને સાથે હિંમતવાળો પણ. ખબર છે દીદી? એ મને ગયે વર્ષે તોફાનમાંથી બચાવીને કોલેજથી છેક આપણે ઘેર લઇ આવ્યો હતો અને પોતાની બિલકુલ પરવા નહોતી કરી. મને ઘેર છોડીને એ ખબર નહીં કેવીરીતે પણ પોતાને ઘેર એકલો પેલા બધા ડેન્જર એરિયામાંથી નીકળીને પહોંચી ગયો હતો.” આટલું બોલતી વખતે ભૂમિના ચહેરા પર સૌમિત્ર માટે જબરો અહોભાવ દેખાઈ રહ્યો હતો.

“હા તે મને લેટરમાં એ આખો કિસ્સો લખ્યો હતો, મને બરોબર યાદ છે. સારું છે તને કોઈ હિંમત કરી શકે એવો છોકરો મળ્યો. મયંકે થોડીક હિંમત દેખાડી હોત તો...” નિલમને ગળે ડૂમો બાજી ગયો.

“તને હજીયે મયંકભાઈ યાદ આવે છે દીદી?” ભૂમિ હવે નિલમના ખોળામાંથી બેઠી થઇ ગઈ અને પોતાના જમણા હાથના અંગુઠાથી નિલમની બંને આંખોની બહાર આવી ચૂકેલા આંસુઓને લૂછી નાખ્યા.

“લોકો સાચું જ કહે છે કે પહેલો પ્રેમ ક્યારેય ન ભૂલાય. જીગર મને ખૂબ પ્રેમ કરે છે ભૂમિ. મારો પડ્યો બોલ ઝીલે છે. હું ખોટું નહીં કહું, પણ ઘણીવાર મને એવું લાગે કે જો આ જ પ્રેમ મને મયંક તરફથી મળ્યો હોત તો? ખરેખર મને જીગર માટે કોઈકવાર ગિલ્ટી ફીલ થાય છે કારણકે હું એનામાં મયંક શોધું છું.” નિલમ બોલી રહી હતી તેના ચહેરા પર એક ફિક્કું સ્મિત પણ આવી ગયું.

“તો મયંકભાઈનો પ્રેમ જીજુને આપો ને?” ભૂમિ બોલી.

“એટલે?” નિલમના ચહેરા પર આશ્ચર્ય હતું.

“એટલે એમ દીદી કે તમે મયંકભાઈને જે પ્રેમ નથી આપી શક્યા અથવાતો હવે નથી આપી શકવાના એ પ્રેમ જીજુ પર વરસાવોને? મયંકભાઈ તમને ભૂલાવાના નથી એ પાક્કું છે, પણ જો જીજુ તમને આટલોબધો પ્રેમ કરતા હોય તો જીજુમાં મયંકભાઈને ન શોધો, જીજુ જ મયંકભાઈ છે એમ વિચારીને એમને પ્રેમ કરો, પછી જુવો તમારી વિચારવાની ક્રિયામાં કેવો ફરક આવે છે દીદી.” ભૂમિએ નિલમના ગાલ પર હાથ મુકીને એને બે-ત્રણ વખત સહેલાવતા સમજાવવાની કોશિશ કરી.

“અરે યાર ... ભૂમલી, તું મારી મોટી બેન છે કે હું? તેં તો મારું આખું ટેન્શન જ દૂર કરી દીધું.” નિલમનો ચહેરો અચાનક જ ખીલી ઉઠ્યો.

“એટલે?” હવે આશ્ચર્ય કરવાનો વારો ભૂમિનો હતો.

“એટલે એમ કે મને આ દોઢ-બે વર્ષ મને ખબર જ નહોતી પડતી કે મારે જીગરના અઢળક પ્રેમનું રિએક્શન કેવીરીતે આપવું? એ જ્યારે પણ મને પ્રેમ કરતા એમનેમ કે પછી ઇવન બેડમાં... મને કાયમ મયંક યાદ આવતો અને મને ગિલ્ટ ફીલ થતી કે હું આ વ્યક્તિ સાથે બરોબર નથી કરી રહી. ક્યારેક તો મને એમ પણ લાગ્યું હતું કે હું એમને ના પાડી દઉં, કે નો સેક્સ પ્લીઝ મને નથી ગમતું. પણ તે મને નવો રસ્તો દેખાડી દીધો ભૂમિ. હું જીગરમાં મયંક શોધી રહી હતી પણ હવે એટલેકે આજથી જીગર જ મારો મયંક છે. થેન્ક્સ યાર!” આટલું કહીને નિલમ ભૂમિને વળગી પડી.

“તમે ખુશ રહો એમાં જ હું ખુશ છું એમાં થેન્ક્સ શેના દીદી?” ભૂમિએ પોતાને વળગી પડેલી નિલમની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું.

“ચલ હવે મને સૌમિત્ર સાથે મેળવ, મારાથી હવે એને મળ્યા વિના નહીં રહેવાય. એણે મારી રમકડા જેવી ભૂમિને કેટલી મેચ્યોર કરી દીધી?” નિલમે ભૂમિને રીતસર હુકમ કર્યો.

“અમમ... ઠીક છે, પણ આપણે ઘેરે શું બહાનું આપીશું?” ભૂમિએ નિલમને સવાલ કર્યો.

“તો તું અત્યારસુધી ઘરે કહીને સૌમિત્રને મળવા જાય છે?” નિલમ હસી રહી હતી.

“તમે બી દીદી....” આટલું કહીને ભૂમિ શરમાઈને ફરીથી નિલમને વળગી પડી.

નિલમે ભૂમિના માથા પર એક નાનકડું ચુંબન કર્યું.

***

“જો મારા અને મયંક જેવી પોઝિશન આવીને ઉભી રહેશે તો? તો તું શું કરીશ?” નિલમે સૌમિત્રને સવાલ કર્યો.

સૌમિત્રને મેળવવા ભૂમિ નિલમને લઈને તેની કોલેજ પાસે આવેલી તેની અને સૌમિત્રની ફેવરિટ રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવી હતી. નિલમને પોતાની સાથે તેના પિતાએ જે કર્યું એ હવે તેની બહેન ભૂમિ સાથે ન થાય તેની ચિંતા હતી અને આથી જ તેણે રેસ્ટોરન્ટમાં સૌમિત્રને મળવાની સાથેજ પહેલો સવાલ આ પ્રમાણે કર્યો.

“દીદી ખોટું ન લગાડતાં પણ તમારા કિસ્સામાં તમે અને મયંકભાઈ બંને ઢીલા પડ્યા હતા. અમારા કિસ્સામાં મને જ્યાંસુધી ખાતરી છે, હું અને ભૂમિ ખુબ કઠણ છીએ. કોઇપણ સંજોગોનો સામનો કરવા માટે કદાચ અમે વધુ તૈયાર છીએ, કેમ ભૂમિ?” સૌમિત્ર ભૂમિ સામે જોઇને બોલ્યો.

ભૂમિએ સૌમિત્રની વાત સાથે સહમત થતાં હકારમાં ડોકું હલાવ્યું.

“તારી વાત સાચી છે સૌમિત્ર, વાંક કદાચ અમારા બંનેનો હતો. અમારામાંથી કોઈ એક પણ જો મજબૂત હોત તો...ખેર, આ બાબતે તે કોઈ પ્લાનિંગ વિચારી રાખ્યું છે?” નિલમ બોલી.

“ના દીદી, હજીતો અમે ભણીએ છીએ અને હજી ઘણું ભણવાનું બાકી છે. મારે અને ભૂમિ બંનેને એમ.એ તો કરવું જ છે, પછી જોઈએ આગળ શું થાય છે.” સૌમિત્રએ સસ્મિત જવાબ આપ્યો.

“તું ખરેખર ખુબ ડાહ્યો અને મેચ્યોર છે સૌમિત્ર. મને હવે ખાતરી થઇ ગઈ છે કે મારી ભૂમિ, તારી સાથે ખૂબ ખુશ રહેશે. બસ, તમારા લગ્ન...” આટલું બોલીને નિલમ અટકી ગઈ.

“તમે ચિંતા ન કરો દીદી, બધું જ સરસ થઇ જશે.” ભૂમિએ તેની બાજુમાં બેઠેલી નિલમનો હાથ દબાવ્યો.

“ચિંતા ન કરત જો હું ઇન્ડિયામાં હોત. ત્યાં બેઠાબેઠા ખબર તો બધી જ મળી જાય છે પણ જ્યારે કોઈ ઈમરજન્સી આવી જાય ત્યારે ત્યાંથી અહિયાનું અંતર કાપવું ખુબ અઘરું થઇ જાય છે.” નિલમે ભૂમિને જવાબ આપ્યો.

“અત્યારે તો આપણી પાસે ઘણો સમય છે દીદી, પછી તો પડશે એવા દેવાશે.” સૌમિત્ર નિલમ સામે હસીને બોલ્યો.

***

“ભાભી તો ભારે મોંઘા હોં વ્રજેશભાઈ?”

નક્કી કર્યા પ્રમાણે નિશા ને મળવા સૌમિત્ર અને ભૂમિ ગાંધીનગર આવી ગયા હતા. એ બંને અને વ્રજેશ ઘ – પ સર્કલ પાસે નિશા ના આવવાની રાહ છેલ્લા અડધા કલાકથી જોઈ રહ્યા હતા અને એથી જ નિશા ની રાહ જોઇને થાકેલી ભૂમિએ વ્રજેશને કહ્યું.

“નીકળતાં પહેલાં મેં એને ઘેર ફોન કર્યો હતો ત્યારે એણે કીધું હતું કે એ પાંચ મિનીટમાં જ નીકળે છે.” વ્રજેશ દૂર દૂર નજર નાંખતા બોલ્યો.

“તમને આવે પણ અડધો કલાક થઇ ગયો વ્રજેશભાઈ.” ભૂમિના અવાજમાં કંટાળો સ્પષ્ટ હતો પણ તેના ચહેરા પર સ્મિત હતું.

“તમને લોકોને તૈયાર થતાં કેટલી વાર લાગે? પાંચ મિનીટનું ક્યો એટલે પાંત્રીસમિનીટ તો મિનીમમ ગણી જ લેવાની.” સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

“બહુ સારું હવે. તને બધી બહુ ખબર પડે.” ભૂમિ ચિડાઈને બોલી.

“તું પાછો ક્યાં નિશા ને આમતેમ શોધે છે? તમારા ગાંધીનગરમાં તો ચાર માણસ ભેગા થાય તોય ભીડ થઇ જાય અને દૂર દૂર સુધી અહિયાં તો રસ્તો ખાલીખમ્મ છે. આવશે એટલે દેખાશે જ યાર?” સૌમિત્રએ હવે વ્રજેશને ચીડવ્યો.

“મજાકની વાત નથી સૌમિત્ર. એને ઘરમાંથી નીકળવું એટલું ઇઝી નથી અને એ પણ રવિવારે.” વ્રજેશ હજીપણ નિશા ને એની સામે રહેલા ગાંધીનગરના સૂના સૂના રાજમાર્ગ પર શોધી રહ્યો હતો.

“ફરીએકવાર ફોન કરી લે ને? સામે જ શોપિંગ સેન્ટરમાં તો પીસીઓ છે!” સૌમિત્ર બોલ્યો.

“અરે, કોઈ બીજું ઉપાડશે તો ઘેરે જઇને એને પછી હજાર સવાલોના જવાબ આપવા પડશે.” વ્રજેશનો ચહેરો હવે ચિંતાથી ભરપૂર હતો.

“એટલે?” સૌમિત્રને વ્રજેશનો કહેવાનો મતલબ સમજાયો નહીં.

“અરે એને કોઈપણ છોકરા સાથે મળવાની કે વાત કરવાની છૂટ નથી. એના બંને ભાઈઓ ભલે હજારો કિલોમીટર દૂર રહેતા હોય પણ નિશા ના મમ્મી-પપ્પા પર એ બંનેનો જબરદસ્ત હાઉ છે. નિશા ના ભાઈઓ એ જ આ હુકમ કર્યો છે.” વ્રજેશે સ્પષ્ટ કર્યું.

“છોકરા સાથે વાંધો છે, છોકરી સાથે તો કોઈ વાંધો નથી ને? ભૂમિના ચહેરા પર અચાનક જ તાજગી આવી ગઈ.

“એટલે?” વ્રજેશ હજીપણ દૂર દૂર જોઈ રહ્યો હતો.

“એટલે એમ કે નિશા ને હું કોલ કરું તો?” ભૂમિ બોલી.

“અરે વાહ, આ આઈડિયા સારો છે.” સૌમિત્ર તરતજ બોલી ઉઠ્યો.

“ના એની જરૂર નથી.” વ્રજેશ રસ્તા તરફ જ જોઇને બોલ્યો.

“અરે પણ તો ક્યાં સુધી રાહ જોઈશું યાર? સાંજે પાછું ભૂમિને પણ ઘરે વહેલા પહોંચાડવાની છે.” સૌમિત્ર સહેજ ગુસ્સે થઈને બોલ્યો.

“અરે જ્યારે નિશા સામે દેખાય જ છે તો પછી એને કોલ કરવાની શું જરૂર છે?” છેવટે વ્રજેશના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે આંગળી ચીંધીને સૌમિત્ર અને ભૂમિને દૂરથી ચાલીને આવી રહેલી નિશા દેખાડી.

“ચાલો નિશા તો આવી ગઈ, પણ તમારા ભાઈ સાહેબ ક્યાં?” સૌમિત્રએ ભૂમિને પૂછ્યું.

“અરે હા, હિતુભાઈ હજી નથી આવ્યા.” ભૂમિને અચાનક જ ખ્યાલ આવ્યો.

“એ તો મારાથી પહેલાં જ આવી જવાનો હતો.” વ્રજેશે ભૂમિને જવાબ તો આપ્યો પણ એની નજર હજી સુધી તેની તરફ ચાલતી આવતી નિશા તરફ જ હતી.

“કાં તો ભૂલી ગયો હશે અને કાં તો ક્યાંક ખાવા બેસી ગયો હશે, એની ટેવ પ્રમાણે.” સૌમિત્ર હસ્યો.

“ના એને પણ નિશા ને મળવાની ખુબ ઈચ્છા હતી, મને વઢ્યો પણ ખરો કે ગાંધીનગરમાં જ છે તો મને કેમ ન મેળવી?” વ્રજેશના ચહેરા પર સ્મિત હતું.

આ ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ નિશા સામેથી રસ્તો ક્રોસ કરીને આ ત્રણેય મિત્રો તરફ આવી પહોંચી અને હિતુદાન પણ એના બાઈક પર આવીને ઉભો રહ્યો. હિતુદાને સાઈડ સ્ટેન્ડથી બાઈકને પાર્ક કરી.

“એવરી થિંગ ઓકે?” વ્રજેશે નિશા તેની પાસે પહોંચતાં જ એનો હાથ પકડીને પૂછ્યું. ચાલી ચાલીને સહેજ થાકી ગયેલી દેખાઈ રહેલી સહેજ નિશા એ જવાબમાં માત્ર હસીને પોતાનું ડોકું ધુણાવીને હા પાડી.

“હું, વીજેભાય અને નિસા અમે હંધાય ગાંધીનગરમાં રંઈસી અટલે નિસા ને સવ થી પહેલી ઓરખાણ હિતુદાન જીતુદાન ગઢવી જ આપસે. કય દવ સું.” વ્રજેશ નિશાને લઈને સૌમિત્ર અને ભૂમિ તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં જ હિતુદાને એનો રસ્તો રોક્યો.

“એ તો બરોબર પણ આ હિતુદાન ગઢવી કોણ? એને બોલાવો એટલે વાત આગળ વધે.” સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

“ઈ તને હમણાં કવ ઈ...” હિતુદાને હસીને સૌમિત્રને ધક્કો માર્યો.

“ચાલોને હિતુભાઈ જલ્દી તમારી ઓળખાણ આપો, મારે પછી નિશા ને મળવું છે.” ભૂમિથી હવે રાહ નહોતી જોવાતી.

“નિસા.. મેરા નામ હિતુદાન ગઢવી હે, ઓર મેં તમેરે વ્રજેસ કા ખાસ દોસ્તાર હે. અમેરા મેરેજ હો ગયા હે ઔર અમેરે કો એ તમેરા ઓર વીજેભાય કા મેરેજ કે હંગાથે યે સોમિતર ઓર ભૂમિ કા મેરેજ પણ કરવાને કા હૈ, તમેરે સે મિલ કે અમેરે કુ બહોત રાજી રાજી હો રહા હે. ઓર હમ તમ દોનો કો સુખી હોને કી સુભેચ્છા દેતા હે.” હિતુદાને એની સ્ટાઈલમાં નિશા ને પોતાની ઓળખાણ આપીને એનો હાથ લાંબો કર્યો.

હિતુદાને જેવી પોતાની ઓળખાણ આપી કે વ્રજેશ, નિશા ની સાથે સાથે સૌમિત્ર અને ભૂમિ પણ ખડખડાટ હસવા લાગ્યા. આ જોઇને હિતુદાન ડઘાઈને ચારેય તરફ જોવા લાગ્યો. એનો હાથ હજી નિશા તરફ લંબાવેલો જ હતો.

હિતુદાનને ખબર નહોતી પડી રહી કે આ ચારેય કેમ આટલું બધું હસી રહ્યા છે?

***

પ્રકરણ ૧૪

“આમ કાં હંધાય દાંત કાઢો સો? મને કાંક ખબર્ય તો પાડો?” હિતુદાન અકળાયો.

“તારું હિન્દી સાંભળીને.” સૌમિત્ર હસતાં હસતાં બોલ્યો.

“તે અમને આવરે એવું બોયલા, એમાં દાંત કાઢવાના?” હિતુદાન થોડોક ગુસ્સે હતો.

“મને તો બીજી વાત પર પણ હસું આવે છે.” વ્રજેશ પણ હસી રહ્યો હતો.

“હવે કી વાત સે વીજેભાય?” હિતુદાન વ્રજેશ સામે જોઇને બોલ્યો.

“આપણે જ્યારે પહેલીવાર નિશા વિષે વાત કરી ત્યારેજ મેં કીધું હતું કે એ કેરાલિયન છે પણ નાનપણથી જ ગાંધીનગરમાં રહે છે અને મારી સાથે પહેલેથી જ એટલે કે સ્કૂલના ટાઈમથી જ સાથે છે. તોય ગઢવી તે હિન્દીમાં શરુ કર્યું એટલે મને વધારે હસવું આવ્યું.” વ્રજેશે ખૂલાસો કર્યો.

“મારું હારું ઈ તો ભૂલાય જ ગ્યું!” હિતુદાન પોતાનું માથું ખંજવાળતો બોલ્યો.

“અને બીજું, નિશા ગુજરાતીમાં બી.એ કરે છે અને ઇટ્સ ઓકે ગઢવી, આ તો બે ઘડી ગમ્મત.” વ્રજેશ હિતુદાનના ખભે ટપલી મારતો બોલ્યો.

“અરે, પણ ભૂમિ અને નિશા ક્યાં?” બધાનું હસવાનું પતવાની સાથેજ સૌમિત્રનું ધ્યાન ગયું.

“હમણાં તો આપણી સાથે હસી રહ્યા હતા?” વ્રજેશ પણ સૌમિત્રની સાથે સાથે આમતેમ જોવા લાગ્યો.

“ઓ રયા બેય, ઓની કોર...” હિતુદાને થોડેક દૂર એક બાંકડા પર બેસેલા ભૂમિ અને નિશા તરફ આંગળી ચીંધતા કહ્યું.

“નિશાભાભી ની એક ફરિયાદ છે વ્રજેશભાઈ, તમે કેમ એમને હિતુભાઈના મેરેજમાં ના લઇ આવ્યા?” સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાનના તેની અને નિશા ની નજીક પહોંચતા જ ભૂમિ બોલી.

“અરે તને ખબર તો છે જ ભૂમિ, નિશા ને ઘેરે કેટલી તકલીફ છે?” વ્રજેશે જવાબ આપ્યો.

“અરે ના ના.. ફરિયાદ નહીં, બસ મને થોડુંક પેઈન થયું કે સૌમિત્ર અને ભૂમિ સાથે હતા અને હું... અને આ શું ભાભી-ભાભી? હું ખાલી નિશા જ છું વ્રજેશની જેમજ તમારા ત્રણેયની ફ્રેન્ડ.” નિશા ભૂમિ સામે હસીને બોલી.

“અરે તમે મને પેલાં કીધું હોત ને વીજેભાય, તો મારા લગનમાં આવવા હાટુ નિસાભાભી હાટુ કાંક ને કાંક તો કરત હોં?” હિતુદાન થોડોક નિરાશ થઈને બોલ્યો.

“હવે જે થઇ ગયું એ થઇ ગયું. આપણે અહીંયા બધા વાતો કરવા ભેગા થયા છીએ ને?” વ્રજેશ હસીને બોલ્યો.

થોડો સમય બધાંએ પોતપોતાની મનગમતી વાતો કરી અને પછી ભૂમિએ મહત્ત્વનો મુદ્દો ઉપાડ્યો.

“નિશા, તારા અને વ્રજેશભાઈના કાયમ માટે મળવા બાબતે મોટો પ્રોબ્લેમ છે એની અમને પણ જાણ છે. તે કશું વિચાર્યું છે? એટલે તેં અને વ્રજેશભાઈ બંનેએ? કારણકે હવે બે મહિના પછી એકઝામ્સ આવશે અને...” ભૂમિના અવાજમાં સહેજ ચિંતા હતી.

“સાચું કહું તો કશું જ નથી વિચાર્યું. અત્યારે તો એવું જ નક્કી કર્યું છે કે જ્યારે જે સંજોગો ઉભા થશે, ત્યારે જોયું જશે.” નિશા એ સ્મિત સાથે જવાબ તો આપ્યો પણ એ સ્મિત કુદરતી નહોતું.

“તેં પણ એમ જ વિચાર્યું છે વ્રજેશ?” સૌમિત્રએ વ્રજેશ સામે જોઇને પૂછ્યું.

“હા, અત્યારે તો એમ જ કહી શકાય.” વ્રજેશે જવાબ આપ્યો.

“તું આવું બોલે છે વ્રજેશ? મને નવાઈ લાગે છે.” સૌમિત્રને આશ્ચર્ય થયું.

“એટલે?” વ્રજેશને ખ્યાલ ન આવ્યો.

“એટલે એમ કે તું આપણા ત્રણેય મિત્રોમાં સૌથી વધુ ઓર્ગનાઈઝ્ડ છે અને તું પણ એવું વિચારે છે કે જ્યારે જે થશે તે જોયું જશે?” સૌમિત્ર એ વળતો સવાલ કર્યો અને વ્રજેશ આડું જોઈ ગયો.

“તો શું કરીએ સૌમિત્રભાઈ? અમને કાંઈ સુજતું જ નથી.” નિશા વ્રજેશની મદદે આવી.

“ઈ તો અટાણ લગી અમને કોયને ખબર્ય નો’તી અટલે. હવે આપણે હંધાય ભેગા મરીને કાં’ક વિચારસું, કાં સોમિતર?” હિતુદાને જાણેકે બધાંને સધિયારો આપ્યો.

“એ તો છે જ. વ્રજેશ માટે નહીં કરીએ તો કોને માટે કરશું?” સૌમિત્ર હસીને બોલ્યો.

“મારા મામલામાં અનુભવ થઇ જાય તો પછી જ્યારે સૌમિત્રનો વારો આવશે ત્યારે આપણે બધા વધુ તૈયાર રહીશું.” વ્રજેશ હસતાં હસતાં બોલ્યો.

“એટલે તમારા લોકોમાં પણ...” નિશાએ ભૂમિ સામે જોયું. જવાબમાં ભૂમિએ હકારમાં માત્ર એનું ડોકું હલાવ્યું.

“અમારા મામલામાં અમારી સાથે સમય છે નિશા. બીએ પછી એમએ અને કદાચ આગળ પણ. અમે હજી બીજા ત્રણ-ચાર વર્ષ કાઢી શકીએ તેમ છીએ.” સૌમિત્રએ નિશા ને જવાબ આપ્યો. ભૂમિએ માત્ર ફિક્કું સ્મિત આપ્યું. કદાચ એને તેના અને સૌમિત્રના ભવિષ્ય વિષે થોડીક ચિંતા થઇ ગઈ.

“નો પોબ્લેમ, આપણે કાંક વચારી લેહું. ચ્યનતા ન કરો. હાલો હવે મને બવ ભૂખ લાયગી સે, એનું કાંક કરો.” હિતુદાને પોતાની મજબૂરી જણાવી દીધી.

“તને ભૂખ સિવાય બીજું કાંય સુજે છે?” સૌમિત્ર હસી પડ્યો.

“ના, નથ્ય સુજતું, પણ ઘીરે સીરો ને પૂરી બનાયવા હોય ને તો મારાથી તો ઝરાય નો રે’વાય. હાલો બધા ઉભા થાવ, આપણે મારે ઘીરે ઝમવા ઝાવાનું હે, તમારી ભાભી રાહ ઝોતી હઈસે.” હિતુદાને ધડાકો કર્યો.

“અરે ના ના, આપણે અહિયાં જ કોઈક રેસ્ટોરન્ટમાં જમી લઈશું.” વ્રજેશ બોલ્યો.

“ના, મારે સીરો પૂરી ગા ને નથ્ય નાખવી, હાલો ઝટ ઉભા થાવ.” આટલું બોલતાં જ હિતુદાન ઉભો થઇ ગયો અને પોતાની બાઈક તરફ ચાલવા લાગ્યો.

હિતુદાનના હુકમ સામે કોઈનું ચાલવાનું નહોતું જ એટલે બાકીના મિત્રો પણ ઉભા થયા. ભૂમિને સમજાવીને સૌમિત્ર હિતુદાન પાછળ બાઈક પર ગોઠવાયો જેથી વ્રજેશ અને નિશા વધુ સમય એકબીજા સાથે ગાળી શકે. ભૂમિ વ્રજેશ અને નિશા સાથે રિક્ષામાં તો ગઈ પણ એણે એ બાબતનું પણ ધ્યાન રાખ્યું કે વ્રજેશ અને નિશા સાથે બેસે. સાંજે સૌમિત્ર અને ભૂમિ અમદાવાદ જવા રવાના થયા આ અનોખા દિવસથી મીઠી યાદો સાથે.

***

“પણ શું કરું? આ વખતે પપ્પાનું ખુબ પ્રેશર છે.” ભૂમિ સૌમિત્રને મનાવી રહી હતી.

“તો બે મહિના હું શું કરીશ ભૂમિ? મારો તો વિચાર કર?” સૌમિત્રના અવાજમાં નિરાશા હતી.

“પપ્પાએ ચોખ્ખું કીધું છે કે આ વખતે ભૂમિએ મારું માનવું જ પડશે એ કાયમ છટકી જતી હોય છે. મારી પાસે ના પાડવાનું કોઈજ કારણ નથી મિત્ર.” ભૂમિએ પોતાની મજબૂરી જણાવી.

“લંડનની જગ્યાએ લોનાવાલા હોત તો કદાચ હું આટલું અકળાતો ન હોત. તારી યાદ આવત તો ટ્રેન પકડીને પણ આવી ગયો હોત. આ તો લંડન છે, મારાથી વિચાર પણ ન કરાય કે જો તું મને ખુબ યાદ આવે તો હું દોડીને તારી પાસે આવી જાઉં.” સૌમિત્રનો ચહેરો સાવ પડી ગયો હતો.

“તું અત્યારથી આટલી ચિંતા ન કરને યાર. આવતા શનિવારે ડિબેટ છે અને તારે હેટ્રિક કરવાની છે, બાકી બધું તું ભૂલી જા. મારી જ ભૂલ થઇ કે મે તને આટલું જલ્દી કહી દીધું.” ભૂમિએ આટલું કહીને સૌમિત્રના ખભે પોતાનું માથું ઢાળી દીધું.

“હેટ્રિકની હવે મને એટલી ચિંતા નથી, જેટલી તારા વિના હું હવે બે મહિના કેવી રીતે કાઢીશ એની છે. અને તું શું કામ તારો વાંક કાઢે છે? એક દિવસ તો તારે મને કહેવાનું જ હતું? ત્યારે પણ મારી આ જ હાલત થઇ હોત. ત્યારે કદાચ ડિબેટની જગ્યાએ એક્ઝામ્સ હોત. તું ક્યાં સુધી મારાથી છુપાવત ભૂમિ?” સૌમિત્ર હવે ભૂમિના માથામાં પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યો.

“હું શું કરું? મમ્મી પણ જાય છે અને એલોકો કોઇપણ હિસાબે મને અહિંયા બે મહિના સુધી એકલી મૂકીને જવા નથી માંગતા. મારે બી નથી જવું. તારા વિના મને ત્યાં ગમશે? બોલ?” ભૂમિની આંખો ભીની થઇ ગઈ.

“અરે, તું એમ ઈમોશનલ ન થા ભૂમિ. જો હું તારો વાંક નથી કાઢતો, પણ મને ખ્યાલ જ નથી આવતો કે હું શું કરીશ, એટલે આટલો અકળાઉં છું બસ.” સૌમિત્ર ભૂમિને સાંત્વના આપતાં બોલ્યો.

“તું મારા માટે નાની-નાની લવ સ્ટોરીઝ લખજે.” અચાનક જ ભૂમિ પલાંઠી વાળીને સૌમિત્રની સામે બેસી ગઈ.

“એટલે?” સૌમિત્રને સમજાયું નહીં.

“કોલેજના મેગેઝિન માટે તેં શોર્ટ સ્ટોરી લખી હતી, પછી તે એકપણ નવી સ્ટોરી લખી નથી. બે મહિનામાં તું બને તેટલી શોર્ટ સ્ટોરીઝ લખ. હું લંડનથી આવીને વાંચીશ.” ભૂમિએ સૌમિત્રને સ્મિત આપ્યું.

“પણ એ તો આપણો અનુભવ હતો એટલે લખાયું. એમ હું કેવી રીતે?” સૌમિત્રને કદાચ સમજાઈ નહોતું રહ્યું કે ભૂમિ એને શું કહેવા માંગે છે.

“તો તારી કલ્પનાશક્તિના ઘોડા દોડાવને? મને ખાતરી છે મિતુ કે તું બહુ મસ્ત સ્ટોરીઝ લખી શકીશ અને એ પણ લવ સ્ટોરીઝ. સાચું કહું તો કદાચ દુનિયાની બધીજ છોકરીઓ તારા જેવા પ્રેમીને ઈચ્છે છે. તારામાં જે લખલૂટ પ્રેમ ભર્યો છે અને તે તું મારા પર વરસાવતો રહે છે, હું ઈચ્છું છું કે એ દુનિયાની બીજી છોકરીઓ પણ જાણે. એમને પણ ખબર પડે કે ભૂમિ અમીનની ચોઈસ કેટલી જોરદાર છે.” ભૂમિ નો આખો ચહેરો ચમકી રહ્યો હતો.

“તું એમ મને ચણાના ઝાડ પર ન ચડાવ. હું લખી તો નાખું પણ કોઈ પબ્લિશ કરે તો દુનિયાની બધી છોકરીઓ વાંચશે ને?” સૌમિત્ર હસતાં હસતાં બોલ્યો.

“એની ફિકર તું ના કર. મારા એક કઝિન અંકલ છે, એ પબ્લિશર છે એમને હું કહીશ એટલે એમનો ના પાડવાનો કોઈ સવાલ જ નથી. બસ તું લખ બીજી કોઈજ લપ્પન છપ્પનમાં ના પડ અત્યારે.” ભૂમિએ સૌમિત્રના બંને હાથ પકડી લીધા.

“ઠીક છે, હું બને તેટલી શોર્ટ સ્ટોરીઝ આ બે મહિનામાં લખીશ ફક્ત ભૂમિ માટે....મારી ભૂમિ માટે. એ પબ્લિશ થાય કે ન થાય એ અલગ વાત છે.” સૌમિત્ર ભૂમિની આંખોમાં આંખ નાખીને બોલ્યો, એના ચહેરા પર સ્મિત હતું.

“ચાલો છેવટે મારો મિતુ હસ્યો તો ખરો.” ભૂમિએ એનો એક હાથ સૌમિત્રના હાથમાંથી છોડાવીને એના માથાના વાળ આગળથી ડીસ્ટર્બ કર્યા.

“તું કોઈ ઈચ્છા કરે અને હું પૂરી ન કરું એવું બને? પણ એટલું ખરું કે તે મને આ બે મહિના હું શું કરીશ એ પ્રોબ્લેમમાંથી બહાર કાઢી દીધો ખરો હોં કે?” સૌમિત્ર હસી રહ્યો હતો.

“મને જે સુજ્યું એ કીધું અને તે પણ તરત સ્વિકારી લીધું ને?” ભૂમિએ જવાબ આપ્યો.

“હા જે રીતે તને હું મેગેઝિન માટે સ્ટોરી લખું એવી જ રીતે. પણ ભૂમિ તું મને ત્યાંથી ફોન તો કરી જ શકે ને?” સૌમિત્ર બોલ્યો.

“અફકોર્સ, હું તને કરીશ. અહીંની જેમ ઈચ્છા થાય ત્યારે તો નહીં કરી શકાય, પણ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ તો ખરો જ. મમ્મી-પપ્પા ક્યાંક ગયા હશે ત્યારે તો હું ખાસ કરીશ.” ભૂમિએ સૌમિત્રને સધિયારો આપ્યો.

સૌમિત્ર અને ભૂમિ ઉભા થયા અને એકબીજાને વળગી પડ્યા. થોડો સમય આ પ્રમાણે વળગેલા રહીને પાર્કની બહાર નીકળ્યા.

***

“સમય વીતતાં વાર નથી લાગતી” આ વાક્ય ભલે ચવાઈ ચવાઈને કુથ્થો થઇ ગયું હોય પણ એની સત્યતા જરાય ઓછી નથી થતી. સૌમિત્ર અને ભૂમિના મળ્યા બાદના અઠવાડિયે એચડી આર્ટ્સ કોલેજમાં ફરીથી મહાત્મા ગાંધી વકતૃત્વ સ્પર્ધા થઇ અને ભૂમિ, વ્રજેશ અને હિતુદાનની ઈચ્છા અને પ્રાર્થના ફળી કારણકે સૌમિત્ર આ સ્પર્ધાના વર્ષો જૂના ઇતિહાસમાં હેટ્રિક બનાવનાર પ્રથમ સ્પર્ધક બન્યો. તે દિવસે સૌમિત્રએ તેના ત્રણેય મિત્રોને એક મોંઘી રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી. બીએ ના ત્રીજા વર્ષમાં હોવાને લીધે આ વર્ષે આ તમામ મિત્રોની ફાઈનલ એક્ઝામ છેક એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હતી. એક્ઝામ પતવાના છેલ્લા દિવસે ફરીથી આ ચારેય સાથે બેસીને જમ્યાં અને છુટા પડ્યા. છુટા પડતી વખતે ચારેયની આંખો ભીની થઇ ગઈ હતી.

વેકેશન શરુ થયે હજી માત્ર અઠવાડિયું જ થયું હતું કે ભૂમિનો લંડન જવાનો દિવસ પણ આવી ગયો. આ વખતે ભૂમિના પિતા એટલેકે પ્રભુદાસ અમીન પણ તેની સાથે જવાના હતા એટલે સૌમિત્રના ભૂમિને આવજો કહેવા માટે એરપોર્ટ જવાનો કોઈજ સવાલ ન હતો. ભૂમિના લંડન જવાના આગલા દિવસે જ જનકભાઈ અને અંબાબેન ત્રણ દિવસ માટે જનકભાઈના બિમાર મોટાભાઈની ખબર પૂછવા માટે ભાવનગર ગયા. સૌમિત્રએ તકનો લાભ લેવાનું નક્કી કરી લીધું અને ભૂમિને પોતાને ઘેર જ બોલાવી લીધી.

***

“તો? બધી તૈયારી થઇ ગઈ? બેગ બરોબર પેક કરી દીધી?” સોફા પર પોતાના ખોળામાં સુતેલી ભૂમિના વાળમાં વહાલથી પોતાની આંગળીઓ ફેરવતાં ફેરવતાં સૌમિત્ર બોલ્યો.

“છેલ્લી દસ મિનિટમાં તેં ચોથીવાર આ એકનો એક સવાલ કર્યો મિત્ર.” ભૂમિએ જવાબ આપ્યો.

“હમમમ...” સૌમિત્ર ફક્ત આટલું જ બોલ્યો.

“શું હમમમ? તારે જે બોલવું છે એ બોલ ને? અને પ્લીઝ હવે મને રડવું આવે એવું ન બોલતો, મારે આજે રડવું નથી. તારી સાથે મારે હસતાં હસતાં છૂટા પડીને કાલે લંડન જવું છે.” ભૂમિએ એનો ચહેરો સતત બદલતાં બદલતાં કહ્યું.

“ના તને નહીં રડાવું. તું આજે રડીને જઈશ તો મારે માટે પણ બે મહિના કાઢવા ખુબ અઘરા થઇ જશે.” સૌમિત્રએ ભૂમિને સ્મિત આપ્યું, કદાચ પરાણે કારણકે અંદરખાને એને ભૂમિથી બે મહિના અલગ રહેવાનું ખુબ દુઃખ હતું.

“તો પછી હવે ફટાફટ બોલ તારે શું કહેવું છે જે તું મારાથી છૂપાવી રહ્યો છે, તને ખબર છે કે આવી પરિસ્થિતિમાં મારાથી રાહ નથી જોવાતી.” ભૂમિએ સૌમિત્રના ખોળામાં સુતાસુતા જ એનો કાન ખેંચ્યો.

“મારે કશુંજ કહેવું નથી. બસ હું તને આમને આમ સતત જોતો રહું અને સમય આમને આમ ઉભો રહી જાય...” સૌમિત્ર બોલ્યો.

“..અને મારી લંડનની ફ્લાઈટ જતી રહે એટલે ભૂમિના આ લેખક મહાશયને મજા પડી જાય નહીં?” ભૂમિ ખડખડાટ હસી પડી. સૌમિત્રના બંધ ઘરમાં ભૂમિનું એ ખડખડાટ હાસ્ય ગુંજી ઉઠ્યું.

“હા, અને જો એમ ના થાય, તો હું પ્લેનને હાઈજેક કરી નાખું.” સૌમિત્ર હસ્યો.

“પછી તું જેલમાં અને હું કોઈ બીજા વ્યક્તિના મહેલમાં.” ભૂમિ ફરીથી હસી.

“ના, એ આપણને ના પોસાય, ચલો હાઈજેકનો પ્લાન કેન્સલ.” સૌમિત્ર ફરીથી હસીને બોલ્યો.

“તો તારો જે પ્લાન છે એ બોલને?” ભૂમિ હવે સૌમિત્રના ચહેરા પર પોતાની આંગળીઓ ફેરવી રહી હતી.

“કોઈજ પ્લાન નથી યાર.” સૌમિત્રએ ભૂમિથી પોતાની આંખો ચોરી.

“ખોટું ન બોલ મિતુ, તારી આંખો કશુંક બોલી રહી છે, આમ તો મને ખબર પડી જ ગઈ છે, પણ તોયે મારે તારી પાસેથી જાણવું છે.” ભૂમિ હસતાં હસતાં બોલી.

“જો તને ખબર પડી જ ગઈ હોય તો પછી, તું જ....” સૌમિત્ર હવે ભૂમિની આંખોમાં પોતાની આંખો નાખીને બોલ્યો.

ભૂમિએ પોતાનો જમણો હાથ લંબાવીને સૌમિત્રની ડોક પાછળ મૂક્યો અને એના ચહેરાને પોતાની તરફ સહેજ ખેંચ્યો. સૌમિત્રનો ચહેરો જ્યારે ભૂમિના ચહેરાની લગોલગ આવી ગયો ત્યારે તેણે પોતાના હોઠ સૌમિત્રના હોઠ પર મૂકી દીધા. સૌમિત્ર અને ભૂમિના હોઠ ઘણા સમય સુધી એકાકાર રહ્યા. બંને એકબીજાના વાળમાં સતત આંગળીઓ ફેરવી રહ્યા હતા. લગભગ બે થી ત્રણ મિનીટ સુધી બંને આ જ પોઝિશનમાં રહ્યા અને પછી છૂટા પડ્યા.

“તો હવે તારી નેક્સ્ટ શોર્ટ સ્ટોરીનું નામ હશે મારું બીજું રસપાન...” સૌમિત્રના ખોળામાંથી ઉભા થઈને એની બાજુમાં બેસતાં બોલી.

આટલું સાંભળતાં જ સૌમિત્ર ખડખડાટ હસી પડ્યો અને ભૂમિ પણ. ત્યારબાદ બંને લાંબો સમય સુધી એકબીજા સાથે વાતો કરતા રહ્યા. આ દરમ્યાન બંને વચ્ચે વારંવાર લાંબા ટૂંકા ચુંબનોની આપ-લે થતી રહી. બાદમાં સૌમિત્ર ભૂમિને એના ઘરથી નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડ સુધી મૂકી ગયો. બીજે દિવસે ભૂમિ પણ સૌમિત્રને કોલ કરીને લંડન જવા રવાના થઇ ગઈ.

***

ભૂમિના લંડન જવાને અઠવાડિયું થઇ ગયું. સૌમિત્રએ હવે શોર્ટ સ્ટોરીઝ લખવાનું શરુ કરવાનું નક્કી કર્યું. એક દિવસે વહેલી સવારે સૌમિત્રએ એની કોલેજની વણવપરાયેલી ફૂલસ્કેપ બૂક હાથમાં લીધી જ હતી અને ડ્રોઈંગરૂમમાં ફોનની બેલ વાગી. જનકભાઈએ સૌમિત્રના નામની બૂમ પાડી.

“હલ્લો?” ફોન ઉપાડતાં જ સૌમિત્ર બોલ્યો.

“મિતલા....મિતલા... વીજેભાય....” સામેથી હિતુદાનનો ગભરાયેલો અવાજ આવ્યો.

“શું થયું ગઢવી? તું આટલો ગભરાયેલો કેમ છે? વ્રજેશ ઠીક છે ને?” સૌમિત્રને પણ સ્વાભાવિકપણે ચિંતા થઇ.

“ના વીજેભાય ઝરાય ઠીક નથ્ય, તું ઝટ ગાંધીનગર આવી ઝા.” હિતુદાને રીતસર વિનંતી કરી.

“હા, હું હમણાંજ નીકળું છું, પણ તું મને કે તો ખરો કે મામલો શું છે?” સૌમિત્રની ચિંતા વ્યાજબી હતી, એને જાણવું હતું કે વ્રજેશ સાથે એવું તો શું થયું કે હિતુદાન જેવો મજબૂત મનનો વ્યક્તિ પણ આટલો ગભરાઈ ગયો?

“તું બસ નીકરીને સીધો પથિકા આવી ઝા હું ન્યા ઝ તારી રાહ ઝોઈને ઉભો સું.” હિતુદાન બોલ્યો.

“ઠીક છે. હું આવું છું.” આટલું કહીને સૌમિત્રએ ફોન મૂક્યો અને કુદકો મારીને પોતાના રૂમ તરફ દોડ્યો. જનકભાઈ અને અંબાબેન સૌમિત્ર તરફ જોઈ રહ્યા.

***

પ્રકરણ ૧૫

‘શું થયું વ્રજેશને? તું કેમ આમ અચાનક ગાંધીનગર જાય છે?’ પોતાના રૂમમાં ઉતાવળે તૈયાર થઈને સૌમિત્ર બહાર આવ્યો કે તરત જ અંબાબેને તેને આ બંને સ્વાભાવિક પ્રશ્નો પૂછી લીધા.

‘શું થયું એ એક્ઝેક્ટલી તો નથી ખબર પણ ગઢવીનો ફોન હતો, એ ખુબ ગભરાયેલો હતો અને એણે મને તરતજ ગાંધીનગર આવી જવા કીધું. લાગે છે કોઈ મોટો લોચો છે.’ સૌમિત્રએ બારણા પાછળથી પોતાના સ્પોર્ટ્સ શૂઝ લીધા અને તેની દોરી ઉતાવળે બાંધવા લાગ્યો.

‘હશે કોઈ પ્રેમપ્રકરણ. આ ઉંમરના છોકરાઓને બીજો કયો લોચો હોય? માં-બાપને શરમ આવે એવું કઈક કર્યું હશે.’ જનકભાઈ છાપું વાંચતા બોલ્યા.

સૌમિત્રએ શૂઝની દોરી બાંધતા બાંધતા જ જનકભાઈ સામે કાતિલ નજરે જોયું, પણ તે વ્યર્થ હતું કારણકે જનકભાઈએ જાણીજોઈને પોતાનો ચહેરો છાપામાં ખોંસી દીધો હતો.

‘આય હાય, તમે પણ શું ભૈશાબ આવું આડું અવળું બોલો છો? છોકરો આટલો ટેન્શનમાં છે અને તમે પાછા એમાં વધારો કરો છો.’ અંબાબેન જનકભાઈને સહેજ વઢવાના લહેકામાં બોલ્યા.

‘જે સાચું છે એ છે. કાલે સવારે તમારો આ લાડકવાયો પણ કોઈને ઘેરે લઈને આવશે અને હું અને તમે કશું જ બોલી નહીં શકીએ, લખી લો.’ જનકભાઈ એમની આદત મૂજબ ઉભા થઈને ઉપરના રૂમ તરફ ચાલવા લાગ્યા.

‘મારી પાસે અત્યારે આ બધી ચર્ચાનો ટાઈમ નથી. મમ્મી, હું જાઉં છું, ત્યાં પહોંચીને જે હશે તે તને કહીશ, પણ મારા ફોનની રાહ ના જોતી કારણકે મારે પીસીઓ શોધવો પડશે.’ સૌમિત્ર ઉભા થતા બોલ્યો એની નજર સીડી ચડી રહેલા જનકભાઈ તરફ જ હતી.

‘હા ભલે દીકરા, જે હોય ઈ આખા દિવસમાં મને કે’જે ખરો. અને ત્યાં તારી જરૂર હોય તો રાત રોકાઈ જજે.’ અંબાબેન સૌમિત્રને છેક આંગણા સુધી વળાવવા આવ્યા.

સૌમિત્ર એની સોસાયટીના દરવાજાની બહાર નીકળીને સામે આવેલા રિક્ષા સ્ટેન્ડ તરફ વળ્યો.

***

‘હવે તો કે’ કે વ્રજેશને શું થયું? એ ઠીક તો છે ને?’ પથિકાશ્રમ બસ સ્ટેન્ડ પર બસમાંથી ઉતરતાં વેંત તેને લેવા આવેલા હિતુદાનને સૌમિત્રએ સવાલ કર્યો.

‘નિસાના ભાયુંએ વીજેભાયને બવ માયરા કાલ રાઈતે.’ હિતુદાન આટલું જ બોલી શક્યો અને સૌમિત્રને વળગીને ખુબ રોવા લાગ્યો.

કઠણ હ્રદય અને મન ધરાવતા હિતુદાનને આમ અઢળક રોતા જોઇને સૌમિત્રને ખ્યાલ આવી ગયો કે વ્રજેશની હાલત ખરેખર ગંભીર લાગે છે. થોડીવાર બાદ હિતુદાન રડતો બંધ થયો. સૌમિત્રએ બસ સ્ટેન્ડની બહાર ઉભેલી રિક્ષામાં હિતુદાનને બેસવાનું કીધું અને હિતુદાનના બેઠા પછી સૌમિત્ર પણ એની બાજુમાં બેઠો. હિતુદાને સેક્ટર ૨૩ની કોઈ પ્રાઈવેટ હોસ્પિટલ તરફ લઇ જવા રિક્ષાવાળાને કહ્યું.

‘હવે મને માંડીને વાત કર કે શું થયું.’ સૌમિત્રએ હિતુદાનને પૂછ્યું.

‘નિસા ને વીજેભાયે આપણને કીધું’તું ઈ રીતે જ પરીક્સા પતી કે તરતજ નિસાના ભાયુંનો નિસાને ઘીરે ફોન આયવો કે ઈ લોકો બે દી’માં ગાંધીનગર આવવા નીકરે સે અને પસે ઈ પાંચેય નિસા ને એના લગન કરાવા કેરલ જાસે.’ હિતુદાન બોલ્યો.

‘એમાં એલોકોને અહીં આવવાની શું જરૂર પડી? નિશા અને એના મમ્મી-પપ્પાને બોલાવી લીધા હોત?’ સૌમિત્રને આશ્ચર્ય થયું.

‘અરે બવ પાકા સે ઈ લોકો. ન્યા ઈ લોકો ના કારા કામું એવા સે કે હઝાર દુસ્મનો સે અટલે નિસા એના માં-બાપુજી હાયરે ઝાય ને રસ્તામાં આયાંથી છેક વાં હુધીન કોઈ ઉપાડી નો ઝાય ઈનું બ્રોબર ધ્યાન રાખવા ઈ બેય આયાં આયવા’તા.’ હિતુદાને સૌમિત્રના સવાલનો ખૂલાસો કર્યો.

‘સમજી ગયો, પછી?’ સૌમિત્ર બોલ્યો.

‘પસે, નિસાએ વીજેભાયને વાત્ય કયરી હઈસે. ખબર્ય નય ક્યારે પણ બેય જણાએ એવું નક્કી કયરું કે નિસા પે’લાં એના ભાયુંને વીજેભાય વિસે કે અને પસે વીજેભાય ઈ લોકોને મરવા ઝાય.વીજેભાયે કાયલ હવારે કાકા-કાકીનેય કીધું, નિસા બાબ્તે ને કાકા-કાકીતો ફટ માની ગ્યા. હાઈંજે વીજેભાય નિસા ને ઘીરે એના ભાયુંને મયળાય ખરા. ન્યાહુધી ઈ નકટાંઉ કાંય બોયલા ય નય અને વીજેભાયને કે કે અમે બે-તન દી’ માં ઝવાબ દેસું. નિસાનું ઘર મારા ઘરથી ઝાઝું દૂર નથ્ય, અટલે ન્યાંથી ઈ મારે ઘીરે પણ આયવા, બવ ખુસ લાગતા’તા વીજેભાય. મને કે’ કે આપણે બીતા’તા એવું કાંય નથ્ય. ઈ લોકો બવ હારા સે ને બે દી’ માં હંધુંય હારું થઇ જાહે.’ હિતુદાને વાત આગળ વધારી.

‘તો પછી તકલીફ ક્યાં પડી?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘ઈ તો ઈને ખબર્ય. રાઈતે દોઢક વાયગે બેય વીજેભાયને ઘીરે આયવા અને વીજેભાયને ઘરની બાર બોલાયવાને પછી બેય હોકી પર હોકી....’ આટલું બોલતાં હિતુદાનની આંખો ફરીથી ભીની થઇ ગઈ.

‘તો અત્યારે વ્રજેશ?’ સૌમિત્રને વ્રજેશની હાલત વિષે જાણવું’તું.

‘આખું સરીર ભાંગી નાય્ખું સે ગોલકીનાઓએ. બેભાન સે. દાગતરે બોંતેર કલાક આય્પા સે.’ હિતુદાન લગભગ રડવા લાગ્યો.

થોડીવારમાં રિક્ષા હોસ્પિટલે પહોંચી ગઈ.

***

હોસ્પિટલના બીજે માળે આઈસીયુ હતું, હિતુદાન સૌમિત્રને એ તરફ દોરી ગયો. આઈસીયુમાં આમપણ કોઈને અંદર જવાની છૂટ નહોતી આથી વ્રજેશના માતા-પિતા ભારતીબેન અને યશવંતભાઈ બહાર બેઠા હતા. સૌમિત્ર એમની પાસે જઈને ઉભો રહ્યો અને એને જોઇને ભારતીબેનની આંખમાંથી આંસુઓની ધાર વહેવા માંડી જે કદાચ સૌમિત્રના આવવાની અમૂક મીનીટો અગાઉ જ બંધ થઇ હતી. કોણ શું બોલે? કોણ કોને સાંત્વના આપે? એટલે ચારેય મૂંગા રહ્યા. થોડીવાર પછી સૌમિત્ર અને હિતુદાને કાચમાંથી આઈસીયુના છેક છેડે બેભાનાવસ્થામાં અને આખા શરીરે પ્લાસ્ટરમાં બંધાયેલા વ્રજેશને જોયો. સૌમિત્રની આંખ ભીની થઇ ગઈ, આ વખતે હિતુદાને એને સાંભળી લીધો.

બહાર આવીને સૌમિત્ર અને હિતુદાન સામેની બેન્ચ પર બેઠા. બપોર પડતાં સૌમિત્ર અને હિતુદાન હોસ્પિટલની નજીકમાં આવેલી એક લારીમાંથી બધાં માટે દાબેલી અને સેન્ડવીચ લેતા આવ્યા. ભારતીબેન અને યશવંતભાઈએ ખુબ ના પાડી પણ છેવટે સૌમિત્રએ એમને સમજાવતાં એમણે એક-એક સેન્ડવીચ ખાધી. સાંજે સૌમિત્રએ ઘેરે કોલ કરીને અંબાબેનને તમામ બાબતે માહિતગાર કર્યા અને પોતે હજી એક દિવસ રોકાઈ જશે એમ જણાવ્યું.

લગભગ બીજે દિવસે સાંજે વ્રજેશને ભાન આવ્યું અને ડોક્ટરે એને એ રાત્રે ભયમુક્ત જાહેર કર્યો અને તમામે રાહતનો શ્વાસ લીધો. વર્જેશના માતા-પિતાએ સૌમિત્ર અને હિતુદાનને હવે ઘેરે જવાનું કહ્યું કારણકે વ્રજેશ હજીપણ થોડા દિવસ હોસ્પિટલમાં જ રોકાવાનો હતો. જતાં પહેલાં સૌમિત્ર અને હિતુદાને ડોક્ટર પાસે વ્રજેશને બે મિનીટ મળીને જવાની પરવાનગી માંગી. ડોક્ટરે બે મિનીટ એટલે બે જ મિનીટ એમ કહીને હસીને એમને માટે આઈસીયુનો દરવાજો ખોલી આપ્યો.

‘હવે રડવાનો કોઈજ ફાયદો નથી, વ્રજેશ.’ સૌમિત્ર અને હિતુદાનને જોતાં જ વ્રજેશની આંખોમાંથી આંસુ નીચે ઉતરવા લાગ્યા.

સૌમિત્ર પોતાના રૂમાલથી વ્રજેશના આંસુ લુછવા જતો જ હતો ત્યાં સામે બેસેલી નર્સે આંખો કાઢી અને ઉભી થઈને એણે સૌમિત્ર સામે મેડિકેટેડ કોટન ધર્યું. સૌમિત્રએ વ્રજેશના આંસુ એનાથી લૂછી લીધા. વ્રજેશથી આવી હાલતમાં જરા પણ બોલી શકાય એમ ન હતું. થોડો સમય આવી જ રીતે સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાન એકબીજા સામે જોઇ રહ્યા. સૌમિત્રએ એ બાબતનું ધ્યાન રાખ્યું કે તે વ્રજેશ સામે સતત સ્મિત કરતો રહે. છેવટે જ્યારે સૌમિત્ર અને હિતુદાન બહાર જવા લાગ્યા ત્યારે વ્રજેશે સૌમિત્રને સામું સ્મિત આપ્યું અને સૌમિત્રનો જીવ નીચે બેઠો.

***

‘બસ તું એમ વિચાર કે આપણો વ્રજેશ સ્વર્ગના દરવાજે ટકોરા મારીને પાછો આવી ગયો.’ ભૂમિ સાથે ફોન પર વાતો કરતા કરતા સૌમિત્રનો અવાજ ભારે થઇ રહ્યો હતો.

લંડન પહોંચ્યા બાદ ભૂમિ નક્કી કર્યા મૂજબ દર બે-ત્રણ દિવસે સૌમિત્રને કોલ કરતી હતી, ત્યારે જ્યારે એ ઘરમાં સાવ એકલી હોય. ભૂમિના પિતા પ્રભુદાસ અમીનનું ખુદનું એક ઘર લંડનમાં હતું કારણકે તેમનો બિઝનેસ યુકે અને અમેરિકા ઉપરાંત આફ્રિકાના કેટલાક દેશો સુધી ફેલાયેલો હતો. ત્યાં દિવસ દરમ્યાન જ્યારે પણ પ્રભુદાસ પોતાની ઓફિસે જાય અને ભૂમિની મમ્મી શોપિંગ પર નીકળે ત્યારે ભૂમિ એકાદ વખત કંટાળાનું બહાનું કરીને સૌમિત્ર સાથે વાત કરી લેતી. બે દિવસ પહેલાં જ્યારે ભૂમિએ સૌમિત્રને કોલ કર્યો હતો અને અંબાબેને એ કોલ રીસીવ કરીને તેને સૌમિત્ર વ્રજેશના ખબર પૂછવા ગાંધીનગર કેમ ગયો છે એ માહિતી આપતાં જ ભૂમિ અત્યંત વ્યાકુળ થઇ ગઈ હતી અને બીજેજ દિવસે ફરીથી તેણે સૌમિત્રને કોલ કર્યો અને આ વખતે સૌમિત્રએ જ આ કોલ રીસીવ કરતાં ભૂમિને વ્રજેશ સાથે શું બન્યું હતું એની પૂરેપૂરી માહિતી આપી.

‘પછી નિશાભાભી?’ ભૂમિએ સૌમિત્રની વ્રજેશ વિષેની વાત પૂરી થતાંજ સવાલ કર્યો.

‘કઈ ભાભી? કોની ભાભી? પ્રેમ કર્યો હોય અને જરાક પણ ડેરિંગ નહીં બતાવવાનું? વ્રજેશે આટલી હોકી ખાધી તો નિશાએ બે-ત્રણ લાફા ખાવાની પણ હિંમત ન બતાવી?’ સૌમિત્રએ નિશા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો.

‘નિશા ની હાલત આપણે અહીં બેઠાબેઠા કેવી રીતે કહી શકીએ મિત્ર?’ ભૂમિએ દલીલ કરી.

‘જો ભૂમિ, આપણે આપણા મિત્ર વ્રજેશ વિષે ચિંતા કરવાની, જેણે એ છોકરી માટે આટલો માર ખાધો અને બોંતેર કલાક મોત સામે લડાઈ કરીને આપણી પાસે પાછો આવ્યો છે. નિશા એ જરાક હિંમત બતાવી હોય તો બેયને આપણે ક્યાંક ભગાડી દેત. ગઢવીની બહુ ઓળખાણ છે જામનગર બાજુના ગામડાઓમાં. છ મહિના સુધી કોઈને ખબર પણ ન પડત કે એ લોકો ક્યાં છે.’ સૌમિત્રનો નિશા પ્રત્યેનો ગુસ્સો યથાવત રહ્યો હતો.

‘અને છ મહિના પછી? નિશા ની હાલતનો અંદાજ મને આવે છે મિત્ર કારણકે હું પણ એક સ્ત્રી છું અને મોડા વહેલું મારે પણ એની સ્થિતિમાંથી પસાર થવાનું જ છે. એ તે દિવસે જ કહેતી હતીને કે એ કન્ફયુઝ છે કે એ શું કરશે? આપણી પાસે ભલે ટાઈમ હોય પણ આપણેય હજીસુધી ક્યાં નક્કી કરી શક્યા છીએ કે આપણે શું કરવું? અને આપણે જ્યારે આપણા મમ્મી પપ્પા સામે બોલવાનો વારો આવશે ત્યારે શું આપણે બિનધાસ્ત બની શકીશું? અને બે માંથી એકના પણ મમ્મી પપ્પાએ ના પાડી તો હું અને તું શું કરીશું એનો અંદાજ છે તને?’ ભૂમિએ સૌમિત્રની વાતનો જવાબ આપ્યો.

‘અરે આપણે એવું નહીં થાય, તું અને હું બંને હિંમતવાળા છીએ, ભાગી જઈશું પણ લગ્ન જરૂરથી કરીશું.’ સૌમિત્રના અવાજમાં સહેજ વધારે પડતો આત્મવિશ્વાસ હતો.

‘તને બે હોકી પડે કે મને મારા પપ્પા ક્યાંક મોકલી દેશે, ત્યારે આપણી આ હિંમતની કસોટી થશે મિત્ર. જ્યાંસુધી આપણે કોઈ પરિસ્થિતિમાંથી પસાર ન થઈએ ત્યાંસુધી આપણી શક્તિનો અંદાજ નથી આવતો અને એટલેજ નિશા નો પક્ષ સાંભળ્યા વગર હું એને દોષિત નહીં માનું. મને ખાતરી છે કે વ્રજેશભાઈ પણ આવું જ માનતા હશે. એમને સહેજ સાજા થવા દે, આઈ એમ શ્યોર કે એ તને આમ જ કહેશે.’ ભૂમિએ મુદ્દાની વાત કરી.

‘હમમ... મને વ્રજેશ વિષે દુઃખ થાય એટલે, બાકી નિશા સાથે મારે ક્યાં કોઈ પર્સનલ દુશ્મની છે યાર. તું તો નિશા ની વકીલ બનીને મારા પર ચડી બેઠી.’ ઘણા દિવસો બાદ સૌમિત્રએ મજાક કરી.

‘હા હા હા ... ચલ મમ્મી આવતી જ હશે. હું મુકું?’ ભૂમિએ હસતાં હસતાં કહ્યું.

‘અરે હું ત્રણ કલાક એકલો જ છું આજે, મમ્મી પપ્પા મામાને ઘેર કથામાં ગયા છે. થોડીવાર વાત કરને?’ સૌમિત્રએ ભૂમિને વિનંતી કરી.

‘મમ્મી અચાનક આવશેને તો અઠવાડિયામાં એક જ વખત વાત થઇ શકશે. હું પરમદિવસે ફરીથી કોલ કરીશ, પાક્કું. વ્રજેશભાઈના સમાચાર આપતો રહેજે અને એમને કહેજે કે બધું જ સારું થઇ જશે.’ ભૂમિ બોલી.

***

લગભગ દસેક દિવસ બાદ વ્રજેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો. વ્રજેશના બંને પગના નળા તૂટી ગયા હતા અને એની ગરદનમાં પણ લચક આવી ગઈ હતી એટલે ત્યાં એણે પેલો મોટો પટ્ટો પહેર્યો હતો. તેનો ડાબો હાથ પણ પ્લાસ્ટરમાં જ હતો. ડોક્ટરે વ્રજેશને બધી રીતે સાજા થતા ત્રણથી ચાર મહિનાનો સમય આપ્યો હતો. આ દરમ્યાન સૌમિત્ર અને હિતુદાન બંને શનિ-રવિ વ્રજેશને ઘેર જતા, પણ નિશા સિવાયની જ બધી વાતો કરતા. લગભગ દોઢેક મહિના બાદ વ્રજેશને બોલવાની શક્તિ આવી.

‘એટલે હવે કોઈજ ચાન્સ નથી એમ ને?’ પોતાના ટેકે બેઠેલા વ્રજેશને ઓરેન્જ જ્યુસ પીવડાવતા સૌમિત્ર બોલ્યો.

‘ક્યાંથી હોય સૌમિત્ર? બે મહિના થઇ ગયા. એ લોકો નો પ્લાન તો અલેપ્પી પહોંચીને એક અઠવાડિયામાં જ નિશા ના લગ્ન કરાવી દેવાનો હતો, એટલે હવે તો એના લગ્નના પણ બે મહિના થઇ ગયા હશે.’ વ્રજેશે ફિક્કું સ્મિત આપ્યું.

‘ગમેતે હોય તારી હિંમતને દાદ આપવી પડે.’ સૌમિત્ર વ્રજેશને ટેકો આપીને સુવડાવતા બોલ્યો.

‘સાચું કહું સૌમિત્ર? તો માનસિક રીતે તો હું ક્યારનોય આ માટે તૈયાર હતો. મને ખબર હતી કે હું અંધારા પાછળ દોડી રહ્યો છું. પણ પ્રેમ ચીજ એવી છે ને.. હવે તને વધુ તો શું કહું? તું ખુદ ભૂમિને પ્રેમ કરે છે.’ વ્રજેશે પોતાનું સ્મિત જાળવી રાખ્યું.

‘હા, પણ તારી સાથે જે થયું એ જોઇને સાલી મારી હિંમત પણ થોડીક નબળી પડી ગઈ છે.’ સૌમિત્રએ પોતાની ગભરામણ રજૂ કરી.

‘કેમ? કોઈ પ્રોબ્લેમ? ભૂમિના પપ્પાને ખબર પડી ગઈ કે શું?’ વ્રજેશને પણ ચિંતા થઇ.

‘અરે, ના ના હજી તો એમ એ કરીશું ત્યાંસુધી તો અમે કોઈને પણ નથી કહેવાના.’ સૌમિત્ર વ્રજેશ સામે મુકેલી ખુરશી પર બેસતાં બોલ્યો.

‘તો પછી પ્રોબ્લેમ શો છે?’ વ્રજેશને નવાઈ લાગી.

‘એ જ કે આજે નહીં તો બે વર્ષે તો અમારે કહેવું જ પડશે? મારા પપ્પાનો સ્વભાવ તને ખબર છે અને ભૂમિના પપ્પાએ ઓલરેડી એની બહેન નિલમને મયંકભાઈ થી છૂટી કરીને બીજે પરણાવી દીધી છે એટલે મારી સાથે પણ એ એવું જ કરવાના.’ સૌમિત્રએ પોતાની તકલીફ સમજાવી.

‘યે ઈશ્ક નહીં આસાં...આહ...’ વ્રજેશ પોતાની ફેવરિટ લાઈન્સ ફરીથી બોલવા તો ગયો પણ ક્યાંક એને દુઃખ્યું એટલે અડધીજ બોલી શક્યો.

‘શું થયું? દુઃખે છે?’ સૌમિત્ર તરત જ ઉભો થઇ ગયો.

‘એ તો હવે જીવનભર રહેવાનું. તું ક્યાંસુધી ચિંતા કરીશ મારી? અને તું કાયમ મારી સામે થોડો હોવાનો?’ વ્રજેશની આંખો ભીની થઇ ગઈ.

‘તું અવાજ કરજે ને યાર, સૌમિત્ર હાજર થઇ જશે.’ સૌમિત્રએ વ્રજેશ સામે જોઇને સ્મિત આપ્યું.

‘ના, યાર બસ હવે તો કરિયર પર જ ધ્યાન આપવું છે. એમએ કરીને પછી પ્રોફેસર થઇ જવું છે. કોઈ પ્રોબ્લેમ જ ન જોઈએ. સીધી સરળ જિંદગી જ્યાંસુધી જીવાશે ત્યાંસુધી જીવી લઈશ. કોઈનેય ફરિયાદ કરવાનો કે બોલાવવાનો મોકો જ નથી આપવો, ન તને કે ન મમ્મી પપ્પાને.’ વ્રજેશની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

‘અત્યારે તારી હાલત એવી છે દોસ્ત એટલે, એક વખત તું સ્વસ્થ થઇ જઈશ ભણીશ અને નોકરી કરીશ, લગ્ન કરીશ પછી બધુંજ સેટ થઇ જશે.’ સૌમિત્ર વ્રજેશના આંસુ લૂછતાં બોલ્યો.

‘લગ્ન કોને કરવા છે યાર? બસ હવે હું અને મારી કરિયર.’ વ્રજેશે ફરીથી સ્મિત આપ્યું.

‘એટલે...?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘હા તું જે સમજ્યો છે એ જ. નિશા સિવાય હું મારો પ્રેમ બીજી કઇપણ વ્યક્તિને નહીં આપી શકું. કમને કે પછી મમ્મી પપ્પાને સારું લગાડવા હું કોઈની જિંદગી શું માટે ખરાબ કરું? સમય આવશે ત્યારે મમ્મી પપ્પાને પણ કહી દઈશ.’ વ્રજેશ બોલ્યો.

‘હમમમ... હું સમજી શકું છું. તારી જગ્યાએ હું હોત તો કદાચ હું પણ... સારું થયું ગઢવી નથી નહીં તો આપણને બેયને આવી ઈમોશનલ વાતો કરતા સાંભળીને એના શબ્દોમાં આપણને બેયને ધોકાવી નાખત.’ આટલું બોલતાં જ સૌમિત્ર હસી પડ્યો અને વ્રજેશ પણ ઘણા વખતે ખડખડાટ હસ્યો.

‘ભૂમિ ક્યારે આવે છે લંડનથી? પંદરમી જૂને તો આપણા રિઝલ્ટ્સ આવી જશે.’ વ્રજેશ બોલ્યો.

‘લગભગ આજકાલમાં આવી જવી જોઈએ. આમ તો દર અઠવાડિયે બે ત્રણ વખત કોલ કરે છે પણ ખબર નહીં કેમ દસ દિવસથી એકવાર પણ નથી આવ્યો. આવશે એટલે મારી બે ખાશે.’ સૌમિત્ર હસીને બોલ્યો.

‘હમમમ... આવે અને થોડી ફ્રેશ થાય એટલે એને અહીં લઇ આવજે, મને એને મળવાનું ખુબ મન થયું છે. ખુબ મેચ્યોર છે તારી ભૂમિ, મારી હકીકત તારા અને ગઢવી કરતા એ વધુ સમજી શકશે.’ વ્રજેશે ભૂમિના વખાણ કર્યા અને સૌમિત્રના ચહેરા પર સ્મિત આવી ગયું.

***

‘તો મેડમને અમદાવાદ આવ્યે અઠવાડિયું થઇ ગયું છે અને છેક હવે એમને એમના મિત્રની યાદ આવી. કેમ લંડન ભૂલાતું નથી?’ વ્રજેશને મળ્યા પછી પંદર દિવસે ભૂમિનો સૌમિત્રને અમદાવાદથી જ કોલ આવ્યો પણ સૌમિત્રએ કોઈજ ફરિયાદ ન કરી.

‘વાત જ એવી હતી કે... આજે સાંજે લો ગાર્ડન આવીશ? મારે તારું કામ છે.’ ભૂમિ બોલી.

‘હા કેમ નહીં? બધું ઓકે છે ને?’ સૌમિત્રને ભૂમિના અવાજમાં સહેજ ગભરામણ દેખાઈ.

‘ના બધું ઓકે નથી મિત્ર.’ આટલું બોલીને ભૂમિ રડવા લાગી.

‘અરે? શું થયું? મમ્મી-પપ્પા મજામાં છે ને?’ હવે સૌમિત્રને ભૂમિની ચિંતા થઇ.

‘સૌમિત્ર, લંડનમાં પપ્પાએ...’ રડતા રડતા ભૂમિ આટલું જ બોલી શકી.

‘પપ્પાએ શું ભૂમિ? તું રડવાનું બંધ કર પ્લીઝ અને મને ડીટેઇલમાં જણાવ કે પપ્પાએ શું કર્યું?’ સૌમિત્ર એના સોફા પર રીતસર ઉભડક બેસી ગયો.

‘લંડનમાં પપ્પાએ મારી સગાઈ નક્કી કરી નાખી છે....’ આટલું બોલતાં જ ભૂમિ અઢળક રડવા લાગી.

***

પ્રકરણ ૧૬

‘શુંઉંઉઉઉ?’ સૌમિત્રથી રીતસર રાડ પડાઈ ગઈ. ઘરે કોઈ નહોતું નહીં તો સૌમિત્રનો અવાજ સાંભળીને અંબાબેન તો જ્યાં હોત ત્યાંથી રીતસર દોડી જ આવ્યા હોત.

‘હા, મિત્ર...બસ મારે તને મળવું છે આજે જ.’ ભૂમિ ખૂબ રડી રહી હતી.

‘તો દસ દિવસ સુધી કેમ કોલ ન કર્યો તે? દસ દિવસ કોની રાહ જોઈ? આટલું બધું થઇ ગયું અને તે મને છેક આજે કોલ કર્યો?’ સૌમિત્ર હવે ગુસ્સામાં હતો.

જવાબમાં ભૂમિ માત્ર રડતી રહી. ભૂમિના રુદનનો કોઈજ જવાબ સૌમિત્ર પાસે નહોતો. અત્યારે તો જાણેકે ભૂમિના માથે આભ તૂટી પડ્યું હોય એવી એની હાલત હતી અથવાતો એની સગાઈ નક્કી થઇ ગઈ એ બાબતે એ પોતાને દોષી માની રહી હતી. સૌમિત્ર એના સોફાની ગાદી પર પોતાની મુઠ્ઠી પછાડી રહ્યો હતો. સૌમિત્ર અને ભૂમિને એમ હતું કે જ્યાંસુધી એ બંને ભણે છે ત્યાંસુધી એમને કોઈજ વાંધો નહીં આવે, પણ અચાનક જ ભૂમિના પપ્પા ભૂમિની સગાઈ નક્કી કરી લેશે એની તો એ બંનેમાંથી કોઈને પણ કલ્પના ન હતી.

‘રડવામાંથી ઉંચી આવું તો તને કોલ કરું ને? મારી હિંમત જ નહોતી થતી, આજે માંડમાંડ હિંમત ભેગી કરીને તને કોલ કર્યો અને તું મને લડ્યો....’ ભૂમિ ફરીથી રડવા લાગી.

‘શું કરું યાર? આઈ એમ સોરી, પણ એકતો દસ બાર દિવસથી તારા કોઈ જ ખબર નહીં, આજે અચાનક તારો ફોન આવ્યો અને કીધું કે તું આઠ દિવસથી ભારત આવી ગઈ છે અને પછી આ સગાઈ ના... તું એમ રડ નહીં, આપણે સાંજે શું કરવા અત્યારેજ મળીએ.’ સૌમિત્ર હવે ઉતાવળો થયો.

‘હા, હવે તો મારાથી પણ નહીં રહેવાય. કલાક પછી લો ગાર્ડન આપણી જગ્યાએ...’ આટલું કહીને ભૂમિએ કોલ કટ કરી દીધો.

સૌમિત્ર કપડા બદલ્યા વિના એનું પર્સ લઈને ઘરને તાળું મારીને ચાવી અંબાબેનના નિયમ પ્રમાણે દરવાજાની બાજુના એક નાનકડા ગોખલામાં મૂકી દીધી. સોસાયટીના દરવાજે રિક્ષા મળી એમાં બેસીને સીધો જ લો ગાર્ડન ઉપડી ગયો.

***

લો ગાર્ડનમાં સૌમિત્ર અને ભૂમિની ખાસ જગ્યા એટલેકે ખાસ ખૂણો નક્કી કરેલો હતો. અહીં તેઓ કલાકો સુધી કોઈ દ્વારા ડીસ્ટર્બ થયા વિના વાતો કરી શકતા. પોતાનું ઘર નજીક હોવાને લીધે સૌમિત્ર ભૂમિ કરતા વહેલો ત્યાં પહોંચી ગયો હતો. ભૂમિ હવે ક્યારે આવે અને એને બધીજ વાતો ડીટેઇલમાં કહે તેની સૌમિત્રને ઉતાવળ હતી આથી તે વારેવારે જ્યાંથી ભૂમિ આવવાની હતી એ દરવાજા તરફ જોયે રાખતો હતો અને આંટા મારતો હતો. આ ઉપરાંત ભૂમિ અને એ જો હવે નહીં મળી શકે તો શું થશે? એ વિચારે પણ તેને ઘેરી લીધો હતો અને આ વિચારને લીધે સૌમિત્રના હાથ પગ એક રીતે તો સાવ ઢીલા પડી ગયા હતા. સૌમિત્રને આ દરમ્યાન ભૂમિની બહેન નિલમ અને તેને જેની સાથે પ્રેમ હતો તે મયંક પણ યાદ આવી ગયો. ટૂંકમાં હાલમાં સૌમિત્રના વિચારો સંપૂર્ણપણે નેગેટિવ હતા.

થોડી જ વારમાં દૂરથી સૌમિત્રને ભૂમિ દેખાઈ, એ કદાચ રિક્ષાવાળાએ આપેલા છૂટ્ટા પૈસાને પોતાના પર્સમાં નાખતી નાખતી ચાલી આવી રહી હતી. ચાલતાં ચાલતાં ભૂમિનું ધ્યાન પણ સૌમિત્ર તરફ ગયું અને એને જોઇને એની ચાલવાની સ્પીડ ધીમેધીમે વધવા લાગી અને જેવો સૌમિત્ર નજીક દેખાયો કે એ રીતસર દોડીને સૌમિત્ર પાસે આવીને વળગી પડી અને અઢળક રડવા લાવી. એક તો બે મહિના પછી સૌમિત્ર તેને મળ્યો હતો એમાં પોતાની સગાઈ નક્કી થઇ જવાનું ટેન્શન પણ એમાં ભળ્યું હતું. સૌમિત્ર પાસે પણ બીજો કોઈ જ ઉપાય ન હતો સિવાય કે ભૂમિની પીઠ પર હાથ ફેરવીને એના આ રુદનનો અંત ક્યારે આવે તેની રાહ જોવાનો. જો કે ભૂમિના રડવાથી લાગતું ન હતું કે એ આજે રડવાનું બંધ કરે.

‘બસ ભૂમિ..બસ કર હવે. મને ખબર છે કે જેવું અત્યારે મને ફિલ થાય છે એવુંજ તને પણ ફિલ થઇ રહ્યું હશે. પણ આટલું બધું રડવું એ કોઈ ઉપાય તો નથી ને?’ ઘણી મીનીટો વીત્યા પછી સૌમિત્ર બોલ્યો. સૌમિત્રએ ભૂમિના માથા પર એક હળવું ચુંબન પણ કરી લીધું.

‘ખરેખર મિત્ર, હું સાચું કહું છું. મને બિલકુલ ખબર નહોતી જ્યારે હું લંડન ગઈ હતી.’ ડૂસકાં ભરતાં ભૂમિ બોલી.

‘મને ખ્યાલ છે ભૂમિ. અને હું શા માટે તારા પર ડાઉટ કરું? બીજું કે જો તને આમ થશે તો એવી ખબર હોત તો તું લંડન ગઈ જ ન હોત. તારા પપ્પાએ પણ આ બધું વિચારીને જ પ્લાન બનાવ્યો હતો.’ ભૂમિને બેન્ચ પર બેસાડતા સૌમિત્ર બોલ્યો અને પછી તે એની બાજુમાં બેઠો એના ખભા પર હાથ મૂકીને.

‘અહીં આવવાના લાસ્ટ વિકેન્ડમાં એ અને એના પપ્પા મમ્મી અચાનક જ અમારે ઘેર આવ્યા અને એ દિવસે સવારે જ પપ્પાએ મને કીધું કે વરુણ સાથે તારા આજે ગોળ ધાણા કરીએ છીએ.’ ભૂમિના ડૂસકાં હવે ધીરેધીરે ઓછાં થઇ રહ્યા છે.

‘ઓહ..એટલે એ પહેલાં તમે લોકો મળ્યા જ નહોતા?’ સૌમિત્રએ પૂછ્યું.

‘ના અમે એના ઘરે ગયા હતા ને? પછી ગુજરાતી સમાજની પાર્ટીમાં પણ મળ્યા હતા. જનરલ વાતોચીતો કરી હતી. એને બધીજ ખબર હતી કે એ મારી સાથે કેમ વાતો કરી રહ્યો છે પણ મને પપ્પાએ સાવ અંધારામાં રાખી હતી.’ આટલું કહેતા ભૂમિની એક આંખમાંથી આંસુ સરી પડ્યું.

‘એટલે તને તારા પપ્પાએ સીધું તે દિવસ જ કીધું?’ સૌમિત્ર બોલ્યો.

‘હા, એ દિવસે સવારે હું નાહીને ફ્રેશ થઈને બહાર બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠી અને પપ્પા મમ્મી મારી પાસે આવ્યા અને પૂછ્યું કે દશરથ કાકાનો વરુણ મને કેવો લાગે છે? હું તો હેબતાઈ જ ગઈ. મને ડાઉટ તો ગયો જ કે ક્યાંક આ લોકોનો વિચાર....’ ભૂમિએ પોતાની વાત શરુ કરી.

‘પછી?’ સૌમિત્રએ સ્વાભાવિક સવાલ કર્યો.

‘મેં મારી આદત મૂજબ હસતાં હસતાં જવાબ આપ્યો કે મેરેજ કરવા જેવો નથી લાગ્યો. પછી એ બંને હસી પડ્યા અને કીધું કે હમણાં એવો નથી લાગતો, પછી તને જરૂર એવો લાગશે. એટલે મેં સામો સવાલ કર્યો કે એમનો કહેવાનો મતલબ શો છે એ મને ચોખ્ખું જણાવી દે. એટલે પછી પપ્પાએ કીધું કે આજે સાંજે તારા અને વરુણના ગોળ ધાણા કરવાના છે.’ ભૂમિ બોલી.

‘પણ તેં વિરોધ ન કર્યો?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘કર્યો જ હોયને મિત્ર? મે કીધું કે મારે તો હજી એમએ કરવું છે અને પછી જો મારી ઈચ્છા હશે તો પીએચડી પણ કરીશ એટલે હમણાં મારે મેરેજ નથી કરવા. પણ, પપ્પાનો પ્લાન પરફેક્ટ હતો. એમણે તરતજ કીધું કે તું શાંતિથી બધું કરજે ને? આજે તો ખાલી ગોળ ધાણાજ કરવાના છે, પછી ઇન્ડિયા જઈને સગાઈ અને લગ્નતો ત્રણ વર્ષ પછી જ કરવાના છે કારણકે વરુણની જોબ પણ નવી છે એટલે એને પણ હજી રાહ જોવી છે.’ ભૂમિએ સૌમિત્રના સવાલનો જવાબ આપ્યો.

‘જોબ? કેમ તારા પપ્પાને કોઈ બિઝનેસમેનનો બેટો ન મળ્યો? જેમ એમણે નિલમદીદી માટે જીગરભાઈ શોધી કાઢ્યા હતા એમ?’ સૌમિત્રને વરુણ જોબ કરતો હોવાની વાત જાણીને આશ્ચર્ય થયું.

‘મિત્ર વરુણ એમબીએ છે અને જમશેદપુરમાં ટાટા સ્ટીલમાં ખુબ સારી પોઝિશન પર છે. એના પપ્પા એટલેકે દશરથકાકા એક ટાઈમમાં કેમિકલ કિંગ ગણાતા હતા પણ વરુણને એમાં નહોતું પડવું એટલે દશરથ કાકાએ પાંચ કે સાત વર્ષ પહેલાં પોતાનો આખો બિઝનેસ આટોપીને કોઈને વેંચી દીધો. કરોડપતિ છે એ લોકો એટલે પપ્પાને પછી વરુણ જોબ કરે કે ન કરે એનાથી શું વાંધો હોય?’ ભૂમિએ સ્પષ્ટતા કરી.

‘એમબીએ છે અને જોબ કરે છે તો, તારાથી તો ખૂબ મોટો હશે.’ સૌમિત્રને એક ઔર આશ્ચર્ય થયું.

‘સાત વર્ષ. વરુણ આપણાથી સાત વર્ષ મોટો છે. પણ મારે એનાથી શું? મારે એની સાથે લગ્ન નથી કરવા બસ ફાઈનલ.’ સૌમિત્રને કોલ કર્યા બાદ કદાચ પહેલીવાર ભૂમિના અવાજમાં આત્મવિશ્વાસ છલકાયો.

‘તારે એની સાથે લગ્ન નથી કરવા અને મારે તારા લગ્ન એની સાથે થવા નથી દેવા એ બધું તો બરોબર છે ભૂમિ પણ આપણું માનશે કોણ? તારા પપ્પાએ જે ધમકી મયંકભાઈને આપી હતી એ ધમકી એ મને પણ આપી શકે છે અને જો હું તો પણ તને છોડવાની ના પાડીશ તો વ્રજેશની જેમ કાલ સવારે હું પણ કોઈ હોસ્પિટલમાં ભાંગેલી હાલતમાં પડ્યો હોઈશ અને વધારે માર સહન નહીં થાય તો ક્યાંક...’ સૌમિત્રએ પોતાની બંને કોણીઓ વાળીને પોતાના ઘૂંટણ પર મૂકી અને જમીન તરફ સતત જોવા લાગ્યો.

‘આટલું નેગેટિવ ના વિચાર સૌમિત્ર.’ ભૂમિએ પોતાની હથેળી સૌમિત્રની પીઠ પર મૂકી.

ગજબની પરિસ્થિતિ હતી. એક તરફ તો સૌમિત્ર અને ભૂમિને પોઝિટીવ રહેવું હતું જેથી એ હવે શું કરી શકે તેના વિષે સ્વસ્થતાથી વિચાર કરી શકે તો બીજી તરફ એમને એવું લાગતું હતું કે હવે બધું જ પતી ગયું છે. આનું કારણ હતું ભૂમિના પિતા પ્રભુદાસ અમીનનો કડક સ્વભાવ અને એમની પાસે રહેલી સત્તા, જેના બળથી એ ધાર્યું કામ કરાવી શકતા હતા. પણ તેમ છતાં બંને એકબીજાને પોઝિટીવ રહેવાની સલાહ આપી રહ્યા હતા.

‘તો શું વિચારું ભૂમિ? હાલની પોઝિશનમાં તો મને કોઈજ રસ્તો નથી દેખાતો. આપણને એમ હતું કે હજી આપણે ભણી રહીશું ત્યાં સુધી કોઈજ વાંધો નહીં આવે. હું પણ કદાચ એમએ કરીને ક્યાંક પ્રોફેસર બની જઈશ તો પછી વટ કે સાથ તારા પપ્પાને મળીને આપણી વાત કરીશ, પણ હવે તો મારે એમને મળી પણ ન શકાય. એમણે ઓલરેડી તારી સગાઈ નક્કી કરી દીધી છે.

‘મિતુ હજી ગોળ ધાણા જ થયા છે, સગાઈ તો નેક્સ્ટ વિક છે. ગોળ ધાણા એટલે સગાઈ નહીં.’ ભૂમિ બોલી.

‘તોયે હું શું કરી લેવાનો હતો ભૂમિ? મારા માટે તો હવે તારા ગોળ ધાણા, સગાઈ કે લગ્ન બધું એક જ છે. જ્યારથી તે મને ફોન પર આ વાત કરી છે ને, મને એવું લાગી રહ્યું છે કે હું તને હવે ઓલમોસ્ટ ગૂમાવી ચૂક્યો છું.’ સૌમિત્રથી છેલ્લું વાક્ય માંડ બોલાયું એની આંખ પણ હવે ભીની થઇ રહી હતી.

‘એવું ના બોલ, જ્યાં સુધી આપણી પાસે ચાન્સ છે ત્યાં સુધી આપણે એ ચાન્સનો લાભ લેવો જ જોઈએ.’ ભૂમિએ સૌમિત્રને સધિયારો આપવાની કોશિશ કરી.

‘જ્યાં સુધી આપણી પાસે...એટલે તને પણ ડાઉટ તો છે જ ને ભૂમિ કે હવે ખાસ કોઈ ચાન્સ નથી?’ સૌમિત્ર ભૂમિ તરફ જોઇને બોલ્યો.

‘ના મને કોઈજ ડાઉટ નથી. અત્યારે જ મને એક વિચાર આવ્યો છે જો તને ગમે તો પછી....’ ભૂમિ અધવચ્ચે જ અટકી.

‘કયો વિચાર?’ સૌમિત્ર બોલ્યો.

‘તું એક વખત પપ્પાને મળ, મારી સગાઈ પહેલાં. એમને જે બોલવું હોય તે બોલવા દે પણ પછી તું મને કેવી રીતે સુખી રાખીશ એનો પ્લાન એટલેકે તે મને જે અત્યારે જણાવ્યું પ્રોફેસર બનવાનો, એ એમને જણાવ. પપ્પા ભલે કડક સ્વભાવના હોય પરંતુ એમને પોતાનું ભવિષ્યનો પ્લાન બનાવીને અને એક લક્ષ્ય તરફ આગળ વધતા યંગસ્ટર્સ ખૂબ ગમે છે. કદાચ...કદાચ એવું બને, જો આપણું લક હોય તો, તું એમને ગમી જાય અને વરુણ સાથે મારા ગોળ ધાણા ફોક કરીને તને સ્વિકારી લે.’ ભૂમિ ફરીથી આત્મવિશ્વાસથી ભરપૂર લાગી.

‘કેવી ગાંડા જેવી વાત કરે છે ભૂમિ? એવા યંગસ્ટર્સ એમને જરૂર ગમતા હશે પણ એ બધા યંગસ્ટર્સ એમની દીકરીના પ્રેમમાં નથી હોતા.’ સૌમિત્રને એકદમ મુદ્દાની વાત કરી.

‘ચાન્સ લેવામાં શું જાય છે? તું એટલીસ્ટ એક વખત એમને મળ તો ખરો? મારે કોઇપણ હિસાબે આ સગાઈ રોકવી છે, એટલે કે નથી કરવી, પણ એમનેમ નહીં. પપ્પાને બધુંજ સાચું જણાવીને.’ ભૂમિએ સૌમિત્રની આંખમાં આંખ નાખીને કહ્યું.

‘અને એમણે ના પાડી તો? ના પાડવાના જ છે એની અત્યારથી જ ખબર છે.’ સૌમિત્રના અવાજમાં નિરાશા હતી.

‘તો આપણે ભાગી જઈશું.’ ભૂમિએ પોતાનો નિર્ણય જાહેર કર્યો.

‘શું? ક્યાં ભાગી જઈશું?’ સૌમિત્રનો અવાજ સહેજ મોટો થઇ ગયો.

‘એની તો મનેય ખબર નથી. પણ ક્યાંક જતા રહીશું. પપ્પાની પહોંચની બહાર અને લગ્ન કરી લઈશું. તું નાનીમોટી નોકરી શોધી લેજે. થોડા વખત પછી આપણે પપ્પાને બધું કહીને પાછા અમદાવાદ આવી જઈશું અને પછી આપણે બેય એમએ કરીશું.’ ભૂમિ પાસે જાણેકે આખો પ્લાન તૈયાર જ હતો.

‘કેવી બચ્ચા જેવી વાત કરે છે ભૂમિ? આ બધું એટલું સહેલું છે? ભાગી જઈશું, નોકરી કરી લેજે? અને મારા મમ્મી પપ્પાનું શું? એમને શું કહીશું? મમ્મી તો મારા સુખમાં સુખી થશે પણ પપ્પા? એ આપણા ભાગી ગયા પછી મમ્મીને રોજ સંભળાવશે અને મમ્મી મારી ચિંતામાં અડધી થઇ જશે.’ સૌમિત્ર સહેજ ગુસ્સામાં હતો.

‘હું મળીશ મમ્મી પપ્પાને. સૌમિત્ર હવે આપણી પાસે ટાઈમ નથી. તું સમજ.’ ભૂમિને હવે લગ્ન કરવાની ઉતાવળ હતી. જો કે ન હોય તો જ નવાઈ કારણકે એને કે સૌમિત્ર બંનેને એકબીજાને ગુમાવવા ન હતા.

‘મમ્મીનો વાંધો નથી, પણ પપ્પા.... ઠીક છે. જો મને તારા પપ્પાનો કોઈજ ડર નથી. મને મળવાનો પણ વાંધો નથી. પણ હું જે હશે તે સાચું કહી દઈશ. મને એમને સારી લાગે એવી વાતો કરવી નહીં ગમે, ટૂંકમાં કહું તો ચમચાગીરી હું નહીં કરું.’ સૌમિત્રએ સ્પષ્ટતા કરી.

‘તારે એવું કશું કરવાની જરૂર પણ નથી. તું ફક્ત સૌમિત્ર જ રહેજે, મારો સૌમિત્ર! અને હું પણ ત્યાં હોઈશ જ ને? તું ભલે પપ્પાને મળવાનો છે પણ એક્ચ્યુલી તો આપણે બંનેએ આપણા ફ્યુચર વિષે એમને વાત કરવાની છે ને?’ ભૂમિએ હવે સૌમિત્રનો હાથ પકડ્યો અને તેની સામે આજે પહેલી વાર હસી.

‘તું એમને શું કહેવાની છે મારા વિષે?’ સૌમિત્ર પોતાના ભૂમિના ઘેર આવવા પહેલાં ભૂમિ એના પપ્પાને એના વિષે શું કહેશે એ જાણવું હતું.

‘ગુરુવારે તું મારે ઘેર આવ. ગુરુવારે પપ્પા બપોર પછી ફેક્ટરી કે ઓફીસ નથી જતા. તું ચારેક વાગ્યે આવ હું એમને ફક્ત એટલુંજ કહીશ કે મારો એક ફ્રેન્ડ છે જેને મારે તમને મેળવવો છે. હું મમ્મીને પણ જોડે રાખીશ. દીદીએ આ ભૂલ કરી હતી અને એટલેજ પપ્પાએ મયંકભાઈને મારવાની ધમકી આપી હતી. મમ્મી જોડે હશે તો એ કશું જ નહીં બોલે.’ ભૂમિનો પ્લાન તૈયાર હતો.

‘પણ મારે કેવી રીતે વાત શરુ કરવી કે હું તને પ્રેમ કરું છું અને...’ સૌમિત્ર હજી સ્પષ્ટ ન હતો.

‘તું આવીશ પછી હું મમ્મી પપ્પાની સામે જ કહીશ કે એક્ચ્યુલી અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારા ભવિષ્ય માટે ડિસ્કસ કરવા જ મે તેને બોલાવ્યો છે. પછી તું હમણાં આપણે વાત થઇ એ બધું કહેજે અને હું પણ વચ્ચે બધું એડ કરીશ. આઈ હોપ કે પપ્પા માની જશે. એમને માનવું જ પડશે. એમ એ પોતાની દીકરીને એની ઈચ્છા વિરુદ્ધ પરણાવીને દુઃખી થોડી જોઈ શકવાના છે? બસ બધું સરખું થઇ જશે તો નેક્સ્ટ વિકની મારી સગાઈ ફોક થઇ જશે.’ જે ભૂમિ હજી એક કલાક અગાઉ રડીરડીને અડધી થઇ ગઈ હતી તે અત્યારે આત્મવિશ્વાસથી એટલી ભરપૂર હતી કે જાણે એના પપ્પાએ એના અને સૌમિત્રના લગ્ન વિષે હા પાડી દીધી હોય.

‘આટલું એડવાન્સમાં ના વિચાર ભૂમિ. હું નેગેટિવ નથી, પણ .... ઠીક છે પડશે એવા દેવાશે. હું લગભગ ચાર-સાડાચારે આવી જઈશ.’ આટલું કહીને ભૂમિએ સૌમિત્રનો હાથ પકડ્યો હતો તેને સૌમિત્રએ દબાવ્યો.

***

ગુરુવારે લગભગ સવાચાર વાગ્યે સૌમિત્ર ભૂમિના ઘરની એકદમ સામે આવેલા એએમટીએસ ના બસસ્ટોપ પર ઉતર્યો. મેઈન ગેટ પર ઉભેલા સિક્યોરીટીએ ઇન્ટરકોમથી અંદર ભૂમિને પૂછ્યા બાદ સૌમિત્રને અંદર જવાની પરમીશન આપી અને ધડકતા હૈયે એણે ભૂમિના ઘરમાં પ્રવેશ કર્યો. ભૂમિનું ઘર આલિશાન શબ્દને ઝાંખો પાડી દે એવું હતું, ખાસકરીને એનો લીવીંગ રૂમ તો અત્યંત શાનદાર હતો. આટલા મોટા પિતાની પુત્રી ભૂમિ આટલી સીધીસાદી અને સરળ કેવી રીતે છે? અને એ એના નસીબમાં કેવી રીતે આવી ગઈ એવો વિચાર પણ સૌમિત્રને બે ઘડી આવી ગયો.

‘આવ સૌમિત્ર.’ ભૂમિ સૌમિત્રને જોતાં જ સોફા પરથી ઉભી થઈને તેની સામે આવી.

અત્યારસુધી ભૂમિના લીવીંગ રૂમને જોઈ રહેલો સૌમિત્ર ભૂમિને એની સામેજ ઉભેલી જોતાં ટેન્શનમાં ફિક્કું હસ્યો.

‘જો મિત્ર પછી મને લાગ્યું કે આપણે અંદર જઈએ પછી પપ્પાને હું આપણી વાત કરું તો કદાચ એમનું રિએક્શન પોઝિટીવ ના હોય તો? અને એ વિચારવાનો સમય માંગીને તને અત્યારે મળવાની ના પાડે અને પછી સગાઈના દિવસો ઓછા રહે એટલે મેં હમણાંજ એમને આપણી બધી વાત કરી દીધી છે.’ ભૂમિ દબાયેલા સ્વરે બોલી.

‘શ્શશ્શ્શ....શું? અરે યાર, આમ ઉતાવળ કેમ કરી? હવે?’ ઓલરેડી ટેન્શનમાં રહેલા સૌમિત્રને ભૂમિની આ વાત કાને પડતાંજ ડઘાઈ ગયો.

‘તું ચિંતા ન કર. પપ્પાનો મૂડ જરાય બદલાયો નથી. એમણે મને હસીને કહ્યું કે એને આવવા દે એટલે આપણે મળી લઈએ. આપણે ફિફ્ટી પર્સન્ટ જીતી ચૂક્યા છીએ મિત્ર, બસ હવે તું ગોટાળો ન કરતો પ્લીઝ. બસ મારો સૌમિત્ર જ રહેજે બાકી બધું એનીમેળે જ સરખું થઇ જશે.’ ભૂમિ ખુબ ઉત્સાહમાં લાગી રહી હતી.

‘તું આવે છે ને? અને તારા મમ્મી?’ સૌમિત્ર હજીપણ ગભરાયેલો હતો.

‘હા, હું આવું જ છું, મમ્મી પણ ઓલરેડી ઓફિસમાં જ છે.’ ભૂમિ બોલી.

‘ઓફિસ??’ સૌમિત્રને નવાઈ લાગી.

‘અરે, ઘરમાં જ પપ્પાએ એક નાનકડી ઓફિસ રાખી છે, રજાના દિવસે કે પછી અચાનક કામ આવી જાય એના માટે.’ ભૂમિએ ચોખવટ કરી.

‘ઓહ...’ સૌમિત્રને શું રિએક્શન આપવું એની સૂઝ ન પડી.

‘ચલ...’ આટલું કહીને ભૂમિએ સૌમિત્રના આંગળામાં પોતાના આંગળા ભરાવીને એને દબાવ્યા અને સૌમિત્ર સામે જોઇને હસીને પોતાની બંને આંખો મીંચકારી અને રૂમના બીજા છેડા તરફ સૌમિત્રને રીતસર ખેંચવા લાગી.

ભૂમિના ચહેરા પર અને તેના વર્તનમાં જબરો આત્મવિશ્વાસ જોઇને સૌમિત્રને સહેજ રાહત તો થઇ, પરંતુ હજીપણ એ એના હ્રદયના ધબકારા સાંભળી રહ્યો હતો. ભૂમિ સૌમિત્રને એના વિશાળ લીવીંગ રૂમના એક ખૂણા તરફ દોરી ગઈ અને કાચના દરવાજા પર નોક કર્યું.

‘પપ્પા? ભૂમિ. સૌમિત્ર આવી ગયો છે.’ ભૂમિએ નોક કરતા કહ્યું.

‘આવી જાવ.’ અંદરથી અવાજ આવ્યો.

સૌમિત્ર અને ભૂમિ પ્રભુદાસ અમીનની એ ટેમ્પરરી પણ ભવ્ય ઓફિસમાં દાખલ થયા. પ્રભુદાસ અમીન બેઠી દડીના અને એકદમ ઉજળો વાન ધરાવતા વ્યક્તિ હતા. માથા પર એકપણ વાળ નહોતો અને એમનું માથું ઓફિસની લાઈટ્સના રીફ્લેક્શનથી રીતસર ચમકતું હતું. પાન ખાવાની કદાચ એમને આદત હશે એટલે એમના હોઠ પણ એકદમ લાલચટક હતા. એમના ટેબલની સામે ત્રણ ખુરશીઓ હતી જેમાંથી એક ખુરશી પર ભૂમિના મમ્મી બેઠા હતા.

‘બેસો સૌમિત્ર.’ ભૂમિ અને સૌમિત્રના ઓફિસમાં દાખલ થવાની સાથે જ ખાલી ખુરશી તરફ પોતાનો હાથ લંબાવીને પ્રભુદાસ બોલ્યા.

પ્રભુદાસનો આદેશ મળતાં જ સૌમિત્ર ખૂણા પરની ખુરશી પર ઓટોમેટીકલી બેસી ગયો.

‘હું ન કહું ત્યાંસુધી મારા કોઈજ કોલ ટ્રાન્સફર ન કરતી, કોઈ ઈમરજન્સી હોય તો પણ કહી દેજે કે સર વીસેક મિનીટ પછી સામેથી કોલ કરશે.’ જમણી તરફ પડેલા પાંચ ફોનમાંથી એક ફોન ઉપાડીને પ્રભુદાસે એમની ઓપરેટરને કહી દીધું.

‘પપ્પા આ સૌમિત્ર, જેની મેં હમણાં તમને અને મમ્મીને વાત કરી.’ સૌમિત્રની બાજુની ખુરશીમાં બેસતાં ભૂમિએ સૌમિત્રની ઓળખાણ કરાવી.

‘હમમમ... તારે અને મમ્મીને અહીંયા બેસવાની જરૂર નથી. તેં મને સૌમિત્રને મળવાનું કીધું છે ને? તો મને જ મળી લેવા દે. તમે બંને અત્યારે બહાર જાવ.’ પ્રભુદાસ અમીનના સ્વરમાં ઓથોરીટી હતી.

‘પણ પપ્પા...આપણે તો....’ ભૂમિએ સામો સવાલ કરવાની કોશિશ કરી.

‘ભૂમિ, પ્લીઝ બહાર જઈશ? તમે ભૂમિને બહાર લઇ જાવ તો?’ પ્રભુદાસે ભૂમિના મમ્મી તરફ ઈશારો કર્યો.

ભૂમિ કમને પોતાની ખુરશી પરથી ઉભી થઇ, એની આંખો ભીની થઇ ગઈ. એ અને એની મમ્મી પાછળના દરવાજા તરફ ચાલવા લાગ્યા. સૌમિત્ર પાછળ વળીને ભૂમિને જોતો રહ્યો.

ભૂમિના પ્લાનનું પહેલું પગથીયું જ કાચું નીકળ્યું હતું.

સૌમિત્રના ધબકારા જે માંડમાંડ થોડા શાંત થયા હતા એ હવે પોતાને પ્રભુદાસ અમીનનો સામનો એકલો જ કરવો પડશે એ વિચારે ફરીથી જોરજોરથી ધબકવા માંડ્યા.

સૌમિત્ર ભૂમિ અને એના મમ્મીના ઓફીસની બહાર જતાં રહેવા છતાં એમણે બંધ કરેલા દરવાજા તરફ જોઈ રહ્યો હતો અને હવે તે એકલો પ્રભુદાસ અમીનનો સામનો કેવી રીતે કરશે એ વિચારી રહ્યો હતો.

***

પ્રકરણ ૧૭

‘તમારા પપ્પા શું કરે છે સૌમિત્ર?’ ભૂમિ અને એની મમ્મીના રૂમની બહાર ગયા બાદ પ્રભુદાસે બે મિનીટ બાદ મૌન તોડ્યું.

‘જી, એ રિટાયર થઇ ગયા છે. રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં ક્લાસ વન ઓફિસર હતા.’ પાછળ વળીને ભૂમિએ બંધ કરેલું બારણું જોઈ રહેલા સૌમિત્રએ અચાનક જ ધ્યાનભંગ થતા પ્રભુદાસ સામે જોઇને જવાબ આપ્યો.

‘રેવન્યુ...હમમ..એમાં તો ઘણું ખાવા મળે.’ પ્રભુદાસે પોતાના ચહેરા પર કોઈજ હાવભાવ આવવા ન દીધા.

‘એટલે?’ સૌમિત્રને આશ્ચર્ય થયું.

‘એટલે એમ જ કે તમે લોકો ખાધેપીધે સુખી હશો.’ પ્રભુદાસ એમની ચેરનો ટેકો લેતા બોલ્યા.

‘હા એમ તો કોઈજ વાંધો નથી.’ પ્રભુદાસનો ‘ખાવા’ શબ્દનો મતલબ સૌમિત્ર બરોબર સમજી ગયો હતો પણ એ અત્યારે શાંત રહ્યો.

‘પપ્પા રિટાયર છે, તમે હજી ભણો છો. ભૂમિએ કીધું કે તમારે કોઈ મોટો ભાઈ કે બહેન પણ નથી, તો પછી ઘર કેમ ચાલે છે?’ પ્રભુદાસનો બીજો સવાલ સૌમિત્રને ખૂંચ્યો.

‘જી, પપ્પાને પેન્શન સારું આવે છે. પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ પણ આવે છે અને અમારા કોઈ એવા ખાસ ખર્ચા નથી એટલે વાંધો નથી આવતો.’ સૌમિત્રએ શાંતિથી જવાબ આપ્યો.

‘એ સાચું અને પાછું તમારા લેવલે તો ખાસ ખર્ચો થાય પણ નહીં. જો ભૂમિ તમારા ઘરમાં આવે તો એનો ખર્ચો પોસાશે? એના વિષે કોઈ વિચાર કર્યો છે કે પછી જય જય રામ?’ પ્રભુદાસના અવાજમાં હવે રુક્ષતા ભળી રહી હતી.

‘અમારે હમણાં લગ્ન નથી કરવા, હું નોકરી કરવા લાગું પછી જ લગ્ન કરવા છે.’ સૌમિત્ર બોલ્યો.

‘હમમ.. આ યોગ્ય ડિસીઝન છે. તો નોકરી ક્યારે શરુ કરશો? તમે તો વળી હિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએટ થવાના. ટૂંકમાં કોઇપણ સ્કોપ વગરની લાઈન.’ પ્રભુદાસે પોતાના બંને હાથ પોતાની ડોક પાછળ ભેગા કરીને એના પર પોતાનું માથું મૂક્યું અને ચેર પર આગળ પાછળ ઝૂલવા લાગ્યા.

‘જી મારો વિચાર એમએ કરવાનો છે. પછી પ્રોફેસર થઇને જોબ ચાલુ કરી દઈશ. આપણે ત્યાં હિસ્ટ્રીમાં પ્રોફેસર્સની ઘણી કમી છે. અમારી કોલેજમાં જ હિસ્ટ્રી માટે બે પ્રોફેસર્સની ખોટ છે અને ગુજરાતમાં તો આવી ઘણી કોલેજો હશે.’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘અચ્છા હજી તો વિચાર છે, નક્કર કશુંજ નથી. એચડી આર્ટ્સમાં હિસ્ટ્રી પ્રોફેસર્સની બે જગ્યા ખાલી છે પણ એ ઈંગ્લીશ મિડિયમમાં, તમે જેમાં ગ્રેજ્યુએટ થવાના છો એ ગુજરાતી મિડીયમમાં નહીં અને ગુજરાતમાં દર વર્ષે હિસ્ટ્રીના સ્ટુડન્ટ્સની સંખ્યામાં મિનીમમ દસ ટકાનો ઘટાડો થાય છે. ધેટ મીન્સ કે તમે જ્યારે એમએ થઈને બહાર પડશો ત્યારે આજ કરતા જગ્યા ઓછી હોવાને લીધે સ્પર્ધા વધી ગઈ હશે અને જો આ સ્પર્ધામાં આગળ આવવું હોય તો પછી તમારે એમફીલ અને પછી પીએચડી કરવું પડે એટલે ત્રણ-ચાર વર્ષ બીજા.’ પ્રભુદાસે એમની સામે રહેલી પાનની પેટી ખોલતા પોતાનો સમગ્ર અનુભવ આ બાબતે સાવ બિનઅનુભવી એવા સૌમિત્ર સામે મૂકી દીધો.

‘ભૂમિ પણ એમએ કરવાની છે એટલે....’ સૌમિત્ર હવે બચાવની મુદ્રામાં આવી ગયો હતો.

‘ભૂમિ તો આવતા શનિવારે સગાઈ પણ કરવાની છે. પછી એ અને એનો થનાર હસબન્ડ જે નક્કી કરે તે એમાં આપણે બંને એ વચ્ચે પડવાની જરૂર નથી.’ પ્રભુદાસે પાનની પેટીમાંથી એક પાન કાઢીને પોતાના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે લેતાં સૌમિત્ર સામે જોયું.

‘અંકલ, મને એક ચાન્સ તો આપો પ્લીઝ. હું ભૂમિને ખૂબ સુખી રાખીશ. બસ ત્રણ વર્ષ રાહ જુવો, હું પ્રોમિસ કરું છું.’ સૌમિત્ર પ્રભુદાસ અમીનની ઓફિસમાં હવે સંપૂર્ણપણે તેમની આભાની અસરમાં આવી ગયો હતો અને એને પ્રભુદાસના આ છેલ્લા વાક્યથી ખ્યાલ આવી ગયો હતો કે એમનો કોઈજ વિચાર નથી કે એ ભૂમિની સગાઈ રોકે અને આથીજ તેણે રીતસર આજીજી કરી.

પ્રભુદાસ અમીને જે રીતે મુદ્દાસર વાત કરી હતી તેનો સૌમિત્ર પાસે કોઈજ જવાબ ન હતો. તેને ભૂમિને પણ ગુમાવવી ન હતી આવા સંજોગોમાં તે પ્રભુદાસને વિનંતી માત્ર કરી શકતો હતો.

‘સુખી રાખીશ? હવામાં? હું એમએ કરીશ, પછી નોકરી કરીશ, પછી જો નોકરી નહીં મળે તો એમફીલ પણ કરીશ અને પછી પીએચડી પણ કરી જ નાખીશ. કોઈજ નક્કર પ્લાન નથી. એમાંય જો એકાદ વર્ષ ફેઈલ થયા તો બીજું એક વર્ષ એક્સ્ટ્રા! ચલો ફેઈલ ન પણ થાવ અને સારા માર્કસ સાથે પાસ પણ થાવ પણ નોકરી આપનારા જાણેકે મિસ્ટર સૌમિત્ર પંડ્યાની રાહ જોઇને જ ચાર રસ્તે બેઠા છે નહીં? વરુણ ઓલરેડી મહીને ત્રીસ હજારનો સેલરી ડ્રો કરે છે. એ જોબ ન કરત તો પણ એના ખાતામાં કરોડો રૂપિયા છે. તમારા જોબના તો શું હજી ભણવાના પણ કોઈજ ઠેકાણા નથી અને તમને મારી દીકરી જોઈએ છીએ?’ મોઢામાં પાન ચાવતાં ચાવતાં પ્રભુદાસ ઠંડી શાંતિ રાખીને બોલ્યા.

‘એવું કશુંજ નહીં થાય, મારો વિશ્વાસ કરો અંકલ.’ સૌમિત્રને હવે ખ્યાલ આવી ગયો હતો કે ભૂમિને વરુણ સાથેજ પરણાવવાનું નક્કી કરી ચૂકેલા પ્રભુદાસને વિશ્વાસ અપાવવા તેની પાસે કોઈજ શસ્ત્ર ન હતું.

સૌમિત્રને ધીરેધીરે ખ્યાલ આવી રહ્યો હતો કે પ્રભુદાસે ભૂમિને કેમ પોતાની આ ટેમ્પરરી ઓફિસની બહાર મોકલી દીધી હતી. કારણકે જો ભૂમિ અહીં હાજર હોત અને પ્રભુદાસે આ રીતે પોતાની સાથે વાત કરી હોત તો ભૂમિ એની આદત પ્રમાણે એમની સાથે દલીલ કરત અને કદાચ ઈમોશનલી એમને બ્લેકમેઈલ પણ કરત.

‘ના મને જરાપણ વિશ્વાસ નથી અને એવું જ થશે ભાઈ અને તું મારો આ બાબતે જરૂરથી વિશ્વાસ કરી શકે છે. ખબર નહીં પણ આજની પેઢીને પ્રેમ કરવો તો ખૂબ ગમે છે કારણકે એ ઇઝી છે, પણ લાઈફ વિષે તમારામાંથી કોઇપણ કોઈજ પ્લાનિંગ નથી કરતું. મારી મોટી દીકરીએ પણ કોઈ પેઈન્ટર જ શોધ્યો હતો. આ જ ઓફિસમાં, અહિંયા જ મારે પગે પડી ગયો હતો કે મને નિલમ આપી દો, મને નિલમ આપી દો! મેં એને ચોખ્ખું જ કહી દીધું હતું કે હું લાખ રૂપિયા આપીને એનું પેઇન્ટિંગ ખરીદી શકું પણ મારી દીકરી એને ન આપી શકું એટલે કાં તો એ મારી દીકરીને પસંદ કરે અને કાં તો પોતાની જિંદગી. એ ડાહ્યો નીકળ્યો, એણે જિંદગી પસંદ કરી.’ પ્રભુદાસ હવે સીધા તુંકારા પર આવી ગયા અને એમના અવાજમાં પણ ધમકી હતી.

‘એટલે?’ હવે સૌમિત્ર ગભરાયો.

‘એટલે એમ જ કે તું તો પેલા પેઈન્ટર કરતા વધારે સ્માર્ટ દેખાય છે, મારે તને કોઈ ઓપ્શન આપવાની જરૂર નથી લગતી.’ પ્રભુદાસે પોતાના પાનના કલરથી રંગાયેલી આંગળીઓ એમની ચેરના હેન્ડરેસ્ટ પર પડેલા નેપકીનથી લૂછ્યા અને સૌમિત્રને સ્પષ્ટ કહ્યા વગર જે મયંકને જે ધમકી આપી હતી તે પણ આપી દીધી.

‘અંકલ પ્લીઝ એક વખત ભૂમિને તો બોલાવો.’ સૌમિત્રએ હાથ જોડ્યા.

‘એની કોઈજ જરૂર નથી. ભૂમિએ હવે શું કરવું અને શું નહીં એ મારો પ્રોબ્લેમ છે. મેં મારી ઓપરેટરને વીસ મિનીટ આપી હતી, મારે ઘણું કામ બાકી છે.’ આટલું કહીને પ્રભુદાસે પોતાનો જમણો હાથ હલાવીને સૌમિત્રને જતા રહેવાનો ઈશારો કરીને એ એમની જમણી તરફ પડેલા ઢગલાબંધ ફોન તરફ વળ્યા અને એક ફોનનું હેન્ડલ ક્રેડલ પરથી ઉપાડ્યું.

સૌમિત્રની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. પ્રભુદાસ અમીનની સત્તાવાહી વાતો, એમની અસ્પષ્ટ ધમકી, પોતાના પ્રેમ સામે એમની ધારદાર દલીલ અને એમની બરફ જેવી ઠંડી તાકાત સામે સૌમિત્ર પોતાને ખૂબ નાનો અનુભવી રહ્યો હતો. તેમ છતાં સૌમિત્ર ફોન પર ઓપરેટર સાથે વાત કરી રહેલા પ્રભુદાસ સામે નમસ્તે કર્યા અને ઓફીસના બારણા તરફ વળ્યો જ્યાંથી ભૂમિ એને અંદર લઇ આવી હતી, એક વખત ભૂમિને મળીને જવાની ઈચ્છા સાથે.

‘હં હં હં... ત્યાંથી નહીં સૌમિત્ર અહિયાંથી. ત્યાં બહાર હોલમાં ભૂમિ તારી રાહ જોઇને ઉભી હશે અને આપણે અત્યારે જે ડિસીઝન લીધું છે, એ તું એને આવી હાલતમાં કેવી રીતે કહી શકીશ? આ દરવાજેથી તું સીધો જ મેઈન ગેઇટ પર પહોંચી જઈશ. પેલા પેઈન્ટરને પણ મેં અહીંથી જ ભગાડ્યો હતો.’ પ્રભુદાસે પોતાની ડાબી તરફ દેખાતા એક દરવાજા તરફ હાથ લંબાવીને સૌમિત્રને ત્યાંથી જવાનું કહ્યું. પ્રભુદાસના ચહેરા પર એક ખંધુ પરંતુ વિજયી સ્મિત હતું.

સૌમિત્રના પગ પર દસ-બાર કિલોનું વજન મૂકી દેવામાં આવ્યું હોય એમ એ પેલા દરવાજા તરફ પગ માંડી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ ભૂમિ સાથે જે પ્રમાણે તેની વાત થઇ હતી અને જે પ્લાન બનાવ્યો હતો તે રીતે તે પ્રભુદાસને સમજાવી ન શક્યો એટલે કદાચ હવે એને પણ ભૂમિનો સામનો કરવો ન હતો. પ્રભુદાસ દ્વારા લગભગ અપમાનિત થઈને ભૂમિથી ડરીને અને પાછલા દરવાજેથી પોતાની જ પ્રેમિકાથી ભાગી રહેલા સૌમિત્રએ આ રસ્તો બતાવવા માટે મનોમન પ્રભુદાસ અમીનનો આભાર પણ માની લીધો.

***

‘એલા પે’લાં અમને તો કે’વું તું? આમ કાંય નકી કયરા વગર હાયલો ગ્યો અટલે જ ઓલ્યા પરભુએ બુચ માયરો તને.’ હિતુદાન એની આદત મૂજબ ગુસ્સામાં હતો.

ભૂમિના ઘરમાંથી બહાર નીકળીને સૌમિત્ર પહેલાં તો ત્યાં નજીકમાં જ આવેલા ઉત્તમનગરના બગીચામાં ગયો અને ખૂણાની એક બેન્ચ પર બેસીને ખૂબ રડ્યો, કદાચ સૌમિત્ર તેની અત્યારસુધીની જિંદગીમાં આટલું નહીં રડ્યો હોય. રડતાં રડતાં એને સતત ભૂમિ યાદ આવી રહી હતી અને તે વિચારી રહ્યો હતો કે પ્રભુદાસ સાથે ચર્ચા પૂરી કર્યા બાદ જે રીતે એ પાછલા બારણેથી ભાગી ગયો એની ખબર જ્યારે ભૂમિને પડી હશે ત્યારે તેની હાલત શું થઇ હશે? બે ઘડી સૌમિત્રને લાગ્યું કે તેણે પ્રભુદાસ ને મળ્યા પછી ભૂમિને ન મળીને તેની સાથે અન્યાય કર્યો છે અને એને ગિલ્ટની લાગણી થવા લાગી.

આવા સમયે એને પોતાના પરમમિત્રોની યાદ આવી ગઈ અને આથી જ તેણે પહેલાં નજીકના પીસીઓ પરથી પોતાને ઘેર કોલ કરીને અંબાબેનને કહી દીધું કે તે વ્રજેશની ખબર પૂછવા ગાંધીનગર જાય છે અને ત્યારબાદ વ્રજેશને કોલ કરીને મહત્ત્વનું કામ છે એમ કહીને તે ગાંધીનગર પહોંચી ગયો. આ દરમ્યાન વ્રજેશે હિતુદાનને પણ બોલાવી લીધો હતો. સૌમિત્રએ ભૂમિ લંડનથી આવી ત્યારથી માંડીને આજે સવારે પોતાની અને પ્રભુદાસ અમીન વચ્ચે શું વાતો થઇ એ તમામ ઘટનાઓ પોતાના આ ખાસ મિત્રો સાથે શેર કરી અને આથી જ હિતુદાન ગુસ્સે હતો કે સૌમિત્રએ તેમને પહેલા આ બાબતે જો જણાવ્યું હોત તો કોઈને કોઈ રસ્તો જરૂરથી નીકળી જાત.

‘એલા ઝવાબ તો દે? આમ મૂંગો મૂંગો કાં બેઠો?’ વ્રજેશના રૂમની બારીની બહાર આંખોમાં આંસુ સાથે સતત જોઈ રહેલા સૌમિત્રએ હિતુદાનની અગાઉની દલીલનો કોઈ જવાબ ન આપતાં હિતુદાન વધારે ખિજાયો.

‘ગઢવી, અત્યારે આપણો મિત્ર શેમાંથી પસાર થઇ રહ્યો છે એની કદાચ આપણને ખબર નહીં પડે. એ એનું મન હળવું કરવા આવ્યો છે એને કરી લેવા દે.’ ખાટલામાં બેઠાબેઠા વ્રજેશ બોલ્યો.

‘પણ ઝો મને કાને વાય્ત નાઈખી હોત તો હું આમ નો થાવા દત. સોમિતર તો હમજ્યા કે હાવ ગાંડો સે, પણ ભુમલી ડાય સે ને? મને વરી મોટોભાય ગણે સે ને એણેય મને નો કીધું?’ હિતુદાન વ્રજેશના ખાટલા અને સૌમિત્ર જે બારી નજીક બેસીને બહાર જોઈ રહ્યો હતો તેની વચ્ચે સતત આંટા મારી રહ્યો હતો.

‘આવા સમયે કશું જ સુજતું નથી ગઢવી. નહીં તો હું પણ રાત્રે બે વાગે ઘરની બહાર ન નીકળ્યો હોત. બસ મમ્મીએ ઉંઘમાંથી જગાડીને કીધું કે નિશા ના ભાઈઓ નીચે મળવા આવ્યા છે અને તારું ખાસ કામ છે અને હું ઉપડી જ ગયો હતો ને માર ખાવા? બે મિનીટ વિચાર પણ ન આવ્યો કે આમ અડધી રાત્રે એમને મારું શું કામ પડ્યું હશે? એમના બેકગ્રાઉન્ડ વિષે ખબર હતી તો પણ... બસ દોડવા જ માંડ્યો અને...’ વ્રજેશના ચહેરા પર સ્મિત હતું.

કદાચ એ પરાણે લાવેલું સ્મિત હતું કારણકે અત્યારે જો એની આંખમાં આંસુ આવે તો સૌમિત્રને એ કેવી રીતે આશ્વાસન આપી શકે? પણ એને અત્યારે એની નિશા જરૂર યાદ આવી રહી હતી.

‘હા પણ મને જરીક કાને વાત્ય તો નાખવી’તી વીજેભાય? પોરબંદરમાં ઘણાય ખારવા મિત્રો સે. પરભુ તો સું? પરભુનો બાપેય આને ને ભુમલીને સોધી ન સકત. હેયને દોઢક વરહ ન્યા રયને પરભુ હામે બેય ઝણ નાનકડું બારક લયને ઝાત તો એનો ગુસો સાંત થય ઝાત.’ હિતુદાનનો પ્લાન તૈયાર જ હતો.

‘જે થઇ ગયું એ થઇ ગયું. હવે શું થઇ શક્યું હોત એ વિચારીને શું ફાયદો ગઢવી? તારી સૌમિત્ર અને ભૂમિ પ્રત્યેની લાગણી હું સમજી શકું છું, પણ અત્યારે આ બધાનો સમય નથી. આપણે સૌમિત્રને સાચવવાનો છે.’ વ્રજેશે હિતુદાનને શાંત પાડતા જણાવ્યું.

‘બધું એક ઝાટકે પૂરું થઇ ગયું. ભૂમિએ ઉતાવળ કરવા જેવી ન હતી. સગાઈ જ થવાની હતી ને? મેરેજ તો નહીં ને? ત્રણ વર્ષ મળત વિચારવા માટે કે શું કરવું, પણ સાલું નસીબ જ જ્યારે કાણું હોય ત્યારે આપણે શું કરી શકીએ? એનીમેળે બધા ખોટા પગલા લેવા મંડ્યા... અમે બેય જણા.’ સૌમિત્ર બારીની બહાર જોતાજોતા બોલ્યો.

‘હવે તારો વચાર હું સે ઈ ક્યે. અને હવે તારે ઝે કરવું હોય ઈ અમને બેયને ઝરાક કયને કરજે બાપલીયા અટલે તું હાસું કરસ કે ખોટું ઈની અમનેય ખબર્ય પડે ને તને હાસી સલ્લા આપવાનો મેર પડે.’ હિતુદાન હવે સૌમિત્રની બાજુમાં પડેલી પ્લાસ્ટિકની ખુરશી પર બેઠો.

‘કશો જ નહીં. ઓલ ઓવર. ભૂમિ એને રસ્તે અને હું મારે. મને ખબર નથી કે હું શું કરીશ. અત્યારે તો કશું સુજતું જ નથી. ભૂમિના પપ્પાને મળ્યા પછી મારી તો હિંમત નથી જ એમની સામે પડવાની. બહુજ ખતરનાક માણસ છે.’ સૌમિત્રના રડી રડીને ભારે થઇ ગયેલા અવાજમાં પણ પ્રભુદાસ અમીનનો ભય બરોબર સંભળાઈ રહ્યો હતો.

‘તી અમે ઓસા ખતરનાક સીં? ઈ પરભુનેય આખો હલબલાવી દય. પણ ઈની હાટુ તું ને ભૂમિ કઠણ ઝોય. આયાં તું ઝ ઢીલો પડસ એમાં હું ક્યાંથી મદદ કરું? નકર હજી ચાનસ સે, હું કવ ન્યા ભાગી ઝાવ બેય માંણા, પરભુનો પરભુય નય પકડી સકે.’ હિતુદાને સૌમિત્રના ખભા પર હાથ મૂકીને કીધું.

‘ના...મારામાં એટલી હિંમત નથી. વ્રજેશ અત્યારે, આ ઘડીએ પણ મારી નજર સામે પાટા બાંધીને બેઠો છે. મારી હિંમત માર ખાવાની નથી. સાચું કહું તો મને મમ્મીની પણ એટલીજ ચિંતા છે. આંટીને તો અંકલનો ટેકો હતો એટલે વ્રજેશ સાથે આ બધું થયા બાદ એ ટકી ગયા. મારે તો તું જાણે જ છે. હું જો આમ માર ખાઈને છ મહિનાનો ખાટલો કરું કે મરી જાઉં તો મારા પપ્પા તો મારી મમ્મીને સુખેથી જીવવા પણ ન દે. અહં... ભૂમિ ભલે વરુણ સાથે લગ્ન કરી લે, મને વાંધો નથી.’ સૌમિત્ર આંખમાં આંસુ સાથે બોલ્યો.

‘વાહ, વાહ, વાહ બલિદાનના પૂજારી!’ વ્રજેશે પોતાના ફ્રેક્ચર થયેલા હાથ પર સાજા હાથથી તાળી પાડી.

‘કાં અચાનક હું થ્યું તમને વીજેભાય?’ હિતુદાનને નવાઈ લાગી. એમતો સૌમિત્રને પણ નવાઈ જ લાગી હતી.

‘આ સેલ્ફીશ માણસને જોઇને તાળી પાડવાનું મન થઇ ગયું ગઢવી. બસ મારામાં હિંમત નથી, મારે કશું નથી કરવું, ભૂમિને જે કરવું હોય એ કરે. અલ્યા ભૂમિને તો એક વખત પૂછ તો ખરો કે તારા ગયા પછી એની શી હાલત થઇ હતી? તે એકલાએ પ્રેમ કર્યો હતો કે પછી ભૂમિએ પણ તને પ્રેમ કર્યો હતો? ભાઈ, તું તો દોડીને અહિયાં આવી ગયો, એ કોની પાસે રડી રહી હશે? વાહ સેલ્ફીશ ઇન્સાન વાહ!’ વ્રજેશના અવાજમાં ગુસ્સો હતો.

વ્રજેશની કડવી વાત સૌમિત્રને સીધી દિલ પર વાગી અને એને અચાનક જ વિચાર આવ્યો કે ભૂમિના ઘેરથી નીકળ્યા બાદ એને જરૂર એક વખત એનો વિચાર આવી ગયો હતો પરંતુ અહીં મિત્રોએ સાંત્વના આપી કે તરતજ ભૂમિની ચિંતા કરતો બંધ થઇ ગયો હતો અને માત્ર પોતે શું કરશે એ જ વિચારી રહ્યો હતો. વ્રજેશની વાત સાચી હતી કે તેણે અત્યારે ભૂમિની પરિસ્થિતિ વિષે પણ વિચાર કરવો જોઈતો હતો, પણ એ વિચાર સિવાય બીજું કરી પણ શું શકત?

***

લગભગ સાત-સાડાસાતની આસપાસ સૌમિત્ર પોતાના ઘેર પાછો આવ્યો. અંબાબેને આદત મૂજબ સૌમિત્ર સોફા પર બેસીને પોતાના શૂઝ ઉતારે એ પહેલાંજ ઠંડુ પાણી લઈને આવ્યા.

‘કેમ છે હવે વ્રજેશને?’ સૌમિત્રને પાણી આપતાં અંબાબેને પૂછ્યું.

‘હવે સારું છે. પપ્પા?’ સૌમિત્રએ જાણીજોઈને અંબાબેનની આંખમાં પોતાની રડી રડીને સુજી ગયેલી આંખ નાખીને વાત ન કરતા પાણી પીધું અને એમ જ નીચે જોઇને ગ્લાસ પાછો આપ્યો.

‘એ એમના રીટાયર્ડ મિત્રોની મીટીંગમાં ગયા છે. અરે હા, તારી પેલી ફ્રેન્ડ છે ને? તું જેને તોફાન વખતે એને ઘેર મૂકવા ગયો હતો, શું નામ બળ્યું હું તો ભૂલી જ ગઈ...’ રસોડા તરફ જતાં અંબાબેન રસ્તામાં જ ઉભા રહી ગયા.

‘ભૂમિ?’ સૌમિત્ર સફાળો જ ઉભો થઇ ગયો સોફામાંથી.

‘હા..એ જ ભૂમિ. બેટા બપોરથી એના ચાર થી પાંચ ફોન આવી ગયા. વ્રજેશનો નંબરેય મે આલ્યો પણ એનો ફોન ડેડ હોય એવું લાગ્યું. બચારી કોઈ મોટી ચિંતામાં હોય એવું એના અવાજ પરથી લાગતું’તું.’ અંબાબેન રસોડા તરફ જવાને બદલે સૌમિત્ર તરફ પાછા વળ્યા.

‘પછી?’ સૌમિત્રને સમજાતું ન હતું કે એ અંબાબેન સામે શું રિએક્શન આપે.

‘એ એની કોઈ ફ્રેન્ડ છે સંગીતા, એને ઘેર છે અને એનો નંબરેય આલ્યો છે, જો મે ત્યાં ફોન પાસે ડાયરીમાં કાગળ દબાવ્યો છે એમાં લખ્યો છે. એણે કીધું છે કે સૌમિત્ર આઠ વાગ્યા સુધી આવે તો આ નંબરે ફોન કરાવજો. જલ્દી કરી લે દીકરા હજી આઠ વાગવામાં વાર છે.’ અંબાબેન હસીને બોલ્યા.

સૌમિત્ર દોડીને ફોન પાસે પહોંચ્યો અને ફોનની ડાયરીમાં અંબાબેને જે ચિઠ્ઠી પર સંગીતાના ઘરનો નંબર લખ્યો હતો એ ચિઠ્ઠી હાથમાં લઈને સૌમિત્રએ ધ્રુજતા હાથે એ નંબર ડાયલ કર્યો.

***

પ્રકરણ ૧૮

‘હલો?’ કોલ રિસીવ થતાંજ સૌમિત્ર બોલ્યો.

‘હલો કોણ?’ સામેથી અવાજ આવ્યો.

‘સંગીતા?’ સૌમિત્રએ સવાલ કર્યો.

‘સૌમિત્ર?’ સામેથી સંગીતાએ જવાબ આપ્યો.

‘હા!’ સૌમિત્ર બસ આટલું જ બોલી શક્યો.

‘એક મિનીટ હું ભૂમિને આપું. ભૂમિ...સૌમિત્ર...’ સામેથી સંગીતા ભૂમિ બાજુમાં જ બેઠી હોય અને એને ફોન આપી રહી હોય એવું એના અવાજ પરથી લાગ્યું.

‘હલો, ભૂમિ...હલો...ભૂમિ... ભૂમિ...તું જ છે ને? ભૂમિ.....’ સંગીતાના ભૂમિને ફોન આપ્યા બાદ સામેથી માત્ર ડૂસકાંનો જ અવાજ આવી રહ્યો હતો. સૌમિત્રને ખ્યાલ આવી ગયો હતો કે એ ભૂમિ જ હતી અને તે ખૂબ રડી રહી હતી. અહીં સૌમિત્રની આંખમાંથી પણ આંસુ વહી રહ્યા હતા અને તેના સિવાય એ કશુંજ કરી શકે તેમ ન હતો, કારણકે અંબાબેન સામે રસોડામાં જ હોવાથી તેણે એ ખ્યાલ પણ રાખવાનો હતો કે એનું રુદન જરાપણ અવાજ ન કરે.

લગભગ ચારથી પાંચ મિનીટ સૌમિત્ર અને ભૂમિ કશુંજ બોલ્યા વગર રડતા રહ્યા. સામેથી સંગીતાનો અવાજ પણ આવી રહ્યો હતો. એ કદાચ ત્યાં ભૂમિને શાંત પાડવાની કોશિશ કરી રહી હતી.

‘તારા ગયા પછી પપ્પાએ આવતા શનિવારે સગાઈ અને લગ્ન બંને નક્કી કરી નાખ્યા છે.’ ડૂસકાં ભરતાં ભરતાં ભૂમિ બસ આટલું જ બોલી શકી.

‘શું? આટલું જલ્દી? પણ કેમ?’ સૌમિત્રને જબરો આઘાત લાગ્યો.

‘તારા ગયા પછી એમણે મને બોલાવી અને મને ખૂબ સંભળાવ્યું. હું પણ એમની સામે ખૂબ બોલી એટલે એમણે ગુસ્સે થઈને તને પણ મારી નાખવાની ધમકી આપી જેમ એમણે પાસ્ટમાં નિલમદીદી સામે મયંકભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. મિત્ર, હું ત્યારે ખૂબ ડરી ગઈ. મને ખબર છે કે પોતાની જીદ પૂરી કરવા પપ્પા કશું પણ કરી શકે છે, કશું પણ! એટલે પછી હું મૂંગી થઇ ગઈ. પછી એમણે લાંબો ટાઈમ મમ્મી સાથે ખુબ બધું ડિસ્કસ કરીને દશરથકાકાને કોલ કર્યો અને એમને સાવ ખોટું બોલ્યા કે સવારે એમને છાતીમાં દુઃખાવો થયો હતો એટલે ડોક્ટરોએ નેક્સ્ટ વિક બાયપાસ કરવાનું કીધું છે. જિંદગીનો શો ભરોસો? એમ કહીને શનિવારે જ સવારે સગાઈ અને સાંજે સાદાઈથી લગ્ન કરી લેવા માટે દશરથ કાકા અને વરુણને મનાવી લીધા. આવતે મહીને મોટા પાયે રિસેપ્શન કરશે એમ પણ કીધું. મને તો કશી જ ખબર નથી પડતી મિત્ર.’ આટલું બોલીને ભૂમિ ફરીથી રડવા લાગી.

‘હું પણ શું કહું ભૂમિ? મારી પણ હિંમત નથી ચાલતી તારા પપ્પા સામે જવાની. હું જરાય ખોટું નથી બોલતો. હું સાવ બાયલો છું, તું વરુણને પરણી જા, હું તારે લાયક નથી.’ સૌમિત્ર ધીમા અવાજે બોલી રહ્યો હતો.

‘એવું ના બોલ મિત્ર તે જે કીધું એવું બોલવામાં પણ ખૂબ હિંમત જોઈએ. કદાચ આપણું નસીબ જ એવું છે. અત્યારે જે સંજોગો છે એને તારી સેફટી માટે આપણે સ્વિકારી લેવા પડશે મિત્ર, આપણે છૂટા પડવું પડશે, બીજો કોઈજ રસ્તો નથી દેખાતો. પણ આપણે છૂટા પડીએ એ પહેલાં મારે એક વખત તો તને મળવું જ છે. અહીંયા સંગીતાને ઘેર. પરમદિવસ સુધી મને સંગીતાના ઘર સિવાય બીજે કશે જવાની છૂટ નથી. પરમદિવસે દીદી આવે છે પછી હું તને નહીં મળી શકું કારણકે પછી પપ્પા મને સંગીતાને ઘેર પણ નહીં આવવા દે એટલે તું કાલે બપોરે સંગીતાને ઘેર આવી જા.’ ભૂમિના અવાજમાં માંગણી હતી.

સૌમિત્રને આઘાત ઉપર આઘાત મળી રહ્યા હતા. ભૂમિના લગ્ન આટલા જલ્દીથી નક્કી થઇ જશે તેની તેને કલ્પના પણ ન હતી. એમતો આ બધું એક જ દિવસમાં બની જશે અને પોતાના અને ભૂમિના આવનારા ત્રણ વર્ષના તમામ પ્લાન્સ પર એકસાથે પાણી ફરી વળશે એની પણ એને ક્યાં કલ્પના હતી? સૌમિત્રને ત્યારે ખબર નહોતી પડી રહી કે તે શું કરે? પણ એને એક બાબતે થોડી શાંતિ થઇ ગઈ હતી કે ભૂમિ હવે કદાચ ભાગી જવાની જીદ નહીં કરે, જે કામ કરવાથી એ ડરી રહ્યો હતો. ભૂમિની વાત પરથી એક બાબત સ્પષ્ટ હતી કે તે હવે સ્વિકારી ચૂકી છે કે તેનું અને સૌમિત્રનું એક થવું હવે અશક્ય છે.

પણ સૌમિત્રને સામે છેડે ફોન પર પોતાની આવતીકાલની મૂલાકાત અંગેના નિર્ણયની રાહ જોઈ રહેલી ભૂમિને જવાબ તો તેણે આપવાનો જ હતો...

‘મળીને પણ શું કરીશું ભૂમિ? ભાગીને લગ્ન કરવાની મારામાં જરાય હિંમત નથી, મેં તને હમણાંજ કીધુને?’ સૌમિત્રએ સ્પષ્ટ કહી દીધું.

‘મેં પણ નસીબ સાથે સમાધાન કરી જ લીધું છે મિત્ર એટલે ભાગવાનો તો કોઈ સવાલ જ નથી, પણ લગ્ન પહેલાં એક વખત તો આપણે મળી જ શકીએ ને? બસ એકવાર મનભરીને ખૂબ વાતો કરી લઈએ અને પછી એકબીજાથી કાયમ માટે દૂર થઇ જઈશું.’ આટલું બોલતાં જ ભૂમિ ફરીથી રડવા લાગી.

‘જો તું રડ નહીં. તને હું ગૂમાવી ચૂક્યો છું એની મને ખબર છે, પણ તને કરેલો પ્રેમ એમ ક્યારેય ઓછો નહીં થાય અને એ કશે જ નહીં જાય એ કાયમ મારી પાસે જ રહેશે એને તો તારા પપ્પા મારાથી દૂર પણ નહીં કરી શકે. અત્યારે અને પછી પણ તારી ઈચ્છા મારા માટે કાયમ ઇમ્પોર્ટન્ટ રહેવાની જ છે. બોલ કાલે ક્યારે આવું?’ સૌમિત્રને ખ્યાલ આવી ગયો હતો કે ભૂમિ પર પ્રભુદાસે કદાચ એટલું પ્રેશર નાખ્યું છે કે ભૂમિને પણ એનો લડાયક સ્વભાવ પરાણે બાજુમાં મૂકી દઈને હથિયાર હેઠા મૂકી દેવા પડ્યા હતા.

‘કાલે બપોરે એક વાગ્યે આપણે સંગીતાને ઘેર મળીશું, બે-ત્રણ કલાક સાથે રહીશું અને પછી....’ આટલું બોલતાં જ ભૂમિ ખૂબ જ રડવા લાગી.

ભૂમિ આ આ વખતે એટલું બધું રડી કે તેણે ફોન પણ બાજુમાં મૂકી દેવો પડ્યો. સૌમિત્ર સામેથી ‘હલો’ હલો’ કરતો રહ્યો. ભૂમિને શાંત પાડવાની કોશિશ કરતી સંગીતાનું ધ્યાન પડતા જ તેણે ફોન હાથમાં લીધો અને સૌમિત્રને પોતાના ઘરનું એડ્રેસ લખાવ્યું.

***

ઘણો વિચાર કર્યા બાદ સૌમિત્રએ નક્કી કર્યું કે તે આવતીકાલે ભૂમિને છેલ્લી વખત મળવા જરૂર જશે, તેની સાથે બે-ત્રણ કલાક મનભરીને વાતો કરશે અને પછી કાયમ ખાતે તેને ભૂલી જવાની કોશિશ કરશે.

ના.. એમ કાંઈ કોઈ પોતાના પ્રથમ પ્રેમને આટલી સરળતાથી ભૂલી શકે? લોકો તો એમ પણ કહે છે કે તમે જીવો ત્યાંસુધી તમારા પ્રથમ પ્રેમને તો નથી જ ભૂલી શકતા, તો એ આમ તરતજ ભૂમિને કેવી રીતે ભૂલી શક્શે? વક્રતા કઈક એવી હતી કે, પોતે અને ભૂમિ આવતીકાલ બાદ હવે ક્યારેય ફરીથી નહીં મળી શકે એ વાત નક્કી થઇ જતા અને અસમંજસની સ્થિતિ દૂર થતા સવાર પછી કદાચ પહેલી વખત સૌમિત્ર થોડીક રાહત જરૂરથી મહેસૂસ કરી રહ્યો હતો, પણ એનું હ્રદય જોરથી રડી રહ્યું હતું.

લગભગ આઠ-સાડાઆઠ વાગ્યે સૌમિત્ર નાહ્યા પછી નિયમ અનુસાર ડાઈનીંગ ટેબલ પર જનકભાઈ અને અંબાબેન સાથે જમવા બેઠો. સૌમિત્રએ આજે સવારથી લગભગ કશુંજ ખાધું ન હતું, પણ તોયે એને ભૂખ નહોતી લાગી. પણ, અંબાબેનને ચિંતા ન થાય અને એ જમવાની ના પાડે તો અંબાબેન પોતાના સવાલોનો મારો તેના પર ન ચલાવે એટલે સૌમિત્ર લૂસલૂસ બે ભાખરી અને શાક ખાઈને ઉભો થઇ ગયો.

જમીને સૌમિત્ર સીધો જ પોતાના રૂમમાં ઘલાઈ ગયો અને બેડ પર સૂતાસૂતા રડતા, રડતા અને ભૂમિને યાદ કરતા કરતા એને ક્યારે ઊંઘ આવી ગઈ એની તેને ખબર જ ન પડી.

***

‘એમ પપ્પા જેમ કહે એમ મારે મારી લાઈફ નથી જીવવી. એ કાયમ દાદાગીરી કરતા હોય છે. પહેલાં દીદીને મયંકભાઈથી જુદા કર્યા હવે મને અને મિત્રને જુદા કરી રહ્યા છે. સમજે છે શું એમના મનમાં? પોતાના પાવર અને પૈસાને લીધે મિત્રને ડરાવી દીધો એટલે એનો એવો મતલબ હરગીજ નથી કે એ મને પણ જીતી ગયા છે. હું ખાલી મિત્રને આંચ પણ ન આવે એની ગેરંટી મળે એ રિઝનને લીધેજ આ લગ્ન કરી રહી છું. મિત્ર સાથે હું ભાગી જઉં તો પણ પપ્પા અમને ગમે ત્યાંથી શોધી લે એમ છે. પછી એ મિત્રના શા હાલ કરે એની મને ખબર હોવાથી જ હું ડરી જઈને વરુણ સાથે લગ્ન કરવા તૈયાર થઇ છું. પણ એમ તો હું પણ પપ્પાની જ દીકરી છું ને? પ્રભુદાસ અમીનની દીકરી. હું પણ એમના જેવીજ જીદ્દી છું. હું મારા મિત્રને એમ સાવ ખાલી હાથે મારાથી દૂર નહીં જવા દઉં. હા..બસ હું એમ જ કરીશ. એનાથી મિત્રને પણ થોડો સંતોષ થશે કે એની ભૂમિએ સેલ્ફીશ બનીને એને સાવ એમનેમ છોડી નથી દીધો અને ભલે ઇનડીરેક્ટલી પણ પપ્પાએ મારી લાઈફ સાથે જે રમત રમી છે એનો બદલો પણ હું લઇ લઈશ. પપ્પાને મારા આ બદલાની ક્યારેય ખબર નહીં પડે પણ મને તો સંતોષ થશે ને કે મેં પ્રભુદાસ અમીનને બરોબરનો તમાચો માર્યો છે?

હું નિલમદીદી નથી પપ્પા! હું ભૂમિ છું...ભૂમિ પ્રભુદાસ અમીન. જો તમે જીદ્દી છો તો હું મહાજીદ્દી છું. તમે ડરાવી અને ધમકાવીને મને અને મિત્રને અલગ કરી રહ્યા છો ને? તો જુવો હું હવે શું કરું છું. હું હવે રડીશ પણ નહીં અને ડરીશ પણ નહીં. એવું કશુંક એવું કરી જઈશ કે જેનાથી મને આખી જિંદગી વરુણને સહન કરવાની શક્તિ મળશે. વરુણને મારો પ્રેમ તો કદી નહીં મળે એ નક્કી જ છે. પપ્પા, યાદ રાખજો, તમારી જીદ અને મિત્રને ડરાવવાની અને ધમકી આપવાની કિંમત હવે વરુણ ભોગવશે. એને પત્ની મળશે અને એ પણ કામગરી પત્ની, પણ એને પ્રેમિકા ક્યારેય નહીં મળે અને એના માટે તમે જવાબદાર હશો મિસ્ટર પ્રભુદાસ અમીન! આજે હું જે પગલું ઉઠાવવા જઈ રહી છું એની તમને ક્યારેય ખબર તો નહીં જ પડે, પરંતુ તેનાથી મારો તમારી સામે લેવાનો બદલો જરૂર લેવાઈ જશે. હું ભૂમિ પ્રભુદાસ અમીન આજે મારી જાતને વચન આપું છું કે હવે હું ક્યારેય નહીં રડું. અને પપ્પા હું તમને પ્રોમિસ આપું છું કે જ્યાંસુધી આપણે બેય જીવીએ છીએ ત્યાંસુધી હું તમને નફરત કરતી રહીશ. તમારા પ્રત્યે મારી નફરત આજથી શરુ થાય છે. કારણકે તમેજ એ વ્યક્તિને મારાથી દૂર કરી દીધો છે જેના પ્રત્યે મને અઢળક પ્રેમ છે, જેની સાથે મેં મારી આવનારી જિંદગીના કરોડો સ્વપ્ના જોયા હતા. એના પ્રેમમાં હું જીવી લેત પણ તમને માત્ર પૈસામાં જ પોતાની દીકરીઓનું સુખ દેખાયું છે એટલે તમને એની ખબર નથી કે પ્રેમમાં પણ કેટલું સુખ છે. તમે મારા મિત્રને મારાથી દુર કરી દીધો હોવાથી મારા દિલમાં હવે પ્રેમ તો બચ્યો જ નથી. બસ! પપ્પા આજથી તમારા પ્રત્યે મારી નફરત અને બદલો શરુ થાય છે.’

વહેલી સવારે નહાઈને પોતાના ખભા સુધી ટોવેલ વીટીને ભૂમિ ડ્રેસિંગ ટેબલના અરીસા સામે બેસીને સ્વગત બોલી રહી હતી. ભૂમિની આંખમાં એકપણ આંસુ ન હતું. તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે નહીં જ રડે અને પોતાના સૌમિત્ર પ્રત્યેના પ્રેમની કુરબાની એ સાવ અલગ રીતે આપશે. ભૂમિ હવે પોતાના પિતાથી નફરત કરવા લાગી હતી.

જે માતાપિતા પોતાના સંતાનોની જિંદગી પોતેજ સારીરીતે નક્કી કરી શકે છે એવું વિચારીને અને તેમના પર દબાણ લાવીને કે ધમકી આપીને તેમના મનપસંદ પાત્રથી દૂર કરી દેતા હોય છે તેઓ કદાચ એ હકીકત ભૂલી જતા હોય છે કે આમ કરીને તેઓ પોતાના સંતાનોના મનમાં જ પોતાના પ્રત્યે અણગમો ઉભો કરી દેતા હોય છે. ભૂમિના મનમાં આ અણગમો તેના પિતા પ્રભુદાસ અમીન પ્રત્યેની નફરત સુધી પહોંચી ગયો હતો અને એણે કશુંક એવું નક્કી કરી લીધું હતું કે જેનાથી તે આડકતરી રીતે તે પ્રભુદાસ અમીન અને તેનો થનારો જીવનસાથી વરુણ સાથે બદલો લઇ શકે.

***

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ગવર્મેન્ટ કોલોનીમાં સંગીતાનું ઘર હતું. સૌમિત્ર લગભગ એક વાગ્યાની આસપાસ પહોંચી ગયો. સંગીતાએ એડ્રેસ પરફેક્ટ આપ્યું હતું એટલે ઘર શોધવામાં સૌમિત્રને જરાય તકલીફ ન પડી. ડોરબેલ વગાડતાજ સંગીતાએ દરવાજો ખોલ્યો.

‘ભૂમિ પેલા રૂમમાં તારી રાહ જોઈ રહી છે.’ સંગીતા તેની કાયમની આદત મૂજબ ભાવવિહીન ચહેરા અને અવાજ દ્વારા સૌમિત્રને પોતાની પાછળ આવેલા રૂમ તરફ આંગળી કરીને બોલી.

સૌમિત્ર રૂમમાં દાખલ થયો અને આભો જ થઇ ગયો. ભૂમિએ જાણેકે સોળ શણગાર સજ્યા હોય એમ તૈયાર થઇ હતી. લાલચટક બાંધણી, અસંખ્ય દાગીના અને થોડોઘણો મેકઅપ કરેલી ભૂમિની સુંદરતાએ તરતજ સૌમિત્રને એની સામે સતત જોવા માટે મજબૂર કરી દીધો. આ સંગીતાનો બેડરૂમ હતો અને અત્યારે એ કોઈક અદભુત સુગંધથી મઘમઘી રહ્યો હતો. સૌમિત્રને કાચી સેકન્ડમાં ખ્યાલ આવી ગયો કે ભૂમિએ બધુંજ પ્લાન કરીને તેની અને પોતાની છેલ્લી મૂલાકાતને યાદગાર બનાવવા માટે ખૂબ મહેનત કરી છે.

‘બારણું બંધ કરી દે મિત્ર.’ એક નાનકડા બેડ પર બેસેલી ભૂમિએ સૌમિત્રને જોતાં જ કહ્યું.

સૌમિત્ર ભૂમિના આ નવા રૂપથી તેની સાથે બંધાઈ ગયો હતો. ભૂમિ ક્યારેય આટલીબધી તૈયાર નહોતી થતી. કાયમ મેકઅપ ન કરવાનો દુરાગ્રહ રાખતી અને પોતાના નેચરલ લૂકમાં જ દેખાવાની જીદ કરતી ભૂમિને આજે કદાચ સૌમિત્ર પણ ઓળખી ન શક્યો હોત જો તેને ભૂમિએ સામેથી મળવા ન બોલાવ્યો હોત તો.

‘આ બધું શું છે ભૂમિ?’ ભૂમિ સામે જ જોતા જોતા રૂમનો દરવાજો બંધ કરતા સૌમિત્ર બોલ્યો.

‘મારા મિત્ર માટે હું છેલ્લી વખત દિલથી તૈયાર થઇ છું. આવ બેસ.’ સહેજ ખસીને પોતાની બાજુમાં હથેળી મૂકીને ભૂમિએ સૌમિત્રને બેસવાનું કહ્યું.

સૌમિત્રના ભૂમિની બાજુમાં બેસતાં જ ભૂમિએ એના બંને હાથ પકડી લીધા અને એની આંખમાં આંખ નાખીને સતત જોવા લાગી, કદાચ ભૂમિને એમ લાગી રહ્યું હતું કે હવે તેને આ મોકો તેની બાકીની જિંદગીમાં ક્યારેય નહીં મળે. બીજી તરફ સૌમિત્ર પણ ભૂમિની આંખમાં ડૂબી રહ્યો હતો, પણ થોડીજ વારમાં સૌમિત્રની આંખો ભીની થવા લાગી અને આંસુ આપોઆપ એની આંખમાંથી બહાર આવવા લાગ્યા.

‘ના, મિત્ર. આજે આપણા બંનેમાંથી કોઈજ નહીં રડે. આજે આપણે ફક્ત આનંદ કરીશું, વાતો કરીશું. આપણે બેય જણાએ એક મેચ્યોર ડિસીઝન લીધું જ છે તો હવે રડવાનો કોઈ પ્રશ્ન જ નથી.’ સૌમિત્રની બંને આંખો પોતાના અંગૂઠાથી એક પછી એક લૂછતાં ભૂમિ બોલી.

‘મને તો હજીપણ વિશ્વાસ નથી થતો કે બધું આટલું ઝડપથી થઇ ગયું તેમ છતાં મારા જેવો જાડી બુદ્ધિનો વ્યક્તિ આવું ડિસીઝન કેવી રીતે લઇ શક્યો? કદાચ તારા પપ્પાનો ડર...હા કદાચ એમજ. જો એમ ન હોત તો હું આ હકીકતને ક્યારેય સ્વિકારી ન શક્યો હોત.’ સૌમિત્ર રડી નહોતો રહ્યો પણ તેની આંખો હજીપણ છલકાઈ રહી હતી.

‘શશશશશ....આજે હવે દુઃખની કોઈજ વાત નહીં. આજે ફક્ત હું અને તું. રડવા માટે હવે આજે સાંજથી આપણી પાસે આખી જિંદગી પડી છે. તું અહિયાં અમદાવાદમાં રડજે, હું ત્યાં જમશેદપુરમાં રડીશ.’ સૌમિત્રના હોઠ પર પોતાની આંગળી મુકતા ભૂમિનું પેલું જાણીતું તોફાની સ્મિત ફરીથી તેના ચહેરા પર આવી ગયું.

‘બહુ દૂર જઈ રહી છે તું છે યાર..એટલીસ્ટ અહીં ગુજરાતમાં હોત તો..’ સૌમિત્ર બોલ્યો.

‘ના, મિત્ર કોઈજ રિસ્ક ન લેતો. ગુજરાતમાં હોત તો પણ હું તને હવે ન મળત. તારી સેફ્ટી ખાતર.’ ભૂમિએ સૌમિત્રના જમણા ગાલ પર રહેલું એક આંસુ લૂછતાં કહ્યું.

‘હમમ.. તારી વાત સાચી છે અને તને આપેલું પ્રોમિસ હું તોડું એવું બને જ નહીં. તેં કીધું કે હવે આપણે નહીં મળવાનું એટલે નહીં જ મળવાનું.’ સૌમિત્રએ હવે એના ખભે પોતાનું માથું રાખી ચૂકેલી ભૂમિના માથા પર હાથ પસવારતા કહ્યું.

‘તો મને તારે બીજા ત્રણ પ્રોમિસ આપવા પડશે.’ ભૂમિ અચાનક જ સૌમિત્રના ખોળામાં સુઈ ગઈ અને એના ચહેરા પર ધીરેધીરે પોતાની આંગળીઓ ફેરવવા લાગી.

‘બોલને..ત્રણ શું ત્રણસો પ્રોમિસ આપીશ મારી ભૂમિને.’ સૌમિત્ર એ ભૂમિનો ગાલ ખેંચતા હસીને કહ્યું.

‘પહેલું પ્રોમિસ કે તું હવે લખવાનું સિરિયસલી શરુ કરીશ. આવનારા પાંચ વર્ષ પછી હું જ્યારે અમદાવાદ પપ્પા મમ્મીને મળવા આવું ત્યારે મને સૌમિત્ર પંડ્યા એક મોટો લેખક થઇ ગયો છે એવા સમાચાર મળવા જોઈએ.’ ભૂમિ સૌમિત્રની આંખમાં જોઇને બોલી.

‘તું મારું માથું ખાવા માટે સામે નહીં હોય તો હું શું લખીશ?’ સૌમિત્રને ભૂમિને આ પ્રોમિસ નહોતું આપવું કારણકે તેને ઊંડેઊંડે ખ્યાલ હતો કે તે ભૂમિના વિરહમાં લખવા પ્રત્યે ધ્યાન નહીં જ આપી શકે.

‘આપણી લવ સ્ટોરી લખજે. મને સો ટકા વિશ્વાસ છે કે એ હીટ જશે જ. અને હા એમાં મારા પપ્પાને એકદમ અમરીશ પૂરી જેવા વિલન બતાવજે ઓકે? અને તું એટલેકે મારો હિરો એકદમ હિંમતવાળો હોય એવું બતાવજે.’ ભૂમિ હસી રહી હતી.

‘કમાલ છે ભૂમિ આટલું ટેન્શન છે, મનગમતું ભવિષ્ય મળવાનું નથી એની ખબર છે તો પણ તું આરામથી મજાક કરી રહી છે?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘ત્રણ કલાક માટે હું બધું જ ભૂલી ગઈ છું મિત્ર. અને હા, તારી સ્ટોરીમાં તો એટલીસ્ટ આપણું મિલન કરાવજે ઓકે? નો સેડ એન્ડ.’ હસી રહેલી ભૂમિની આંખના છેડા હવે ભીના થયા.

‘ઠીક છે, હું પ્રોમિસ કરું છું, બીજું પ્રોમિસ?’ સૌમિત્રએ પૂછ્યું.

‘જ્યારે તું લાઇફમાં બરોબર સેટલ થઇ જાય ત્યારે લગ્ન કરી લેજે અને ભૂમિ માટે સાચવી રાખેલો પ્રેમ એ લકી ગર્લને આપજે.’ ભૂમિ બોલી.

‘સોરી આ પ્રોમિસ મારાથી નહીં અપાય.’ સૌમિત્રના અવાજમાં કડકાઈ આવી ગઈ.

‘મને ખબર જ હતી કે તું નહીં માને, પણ તારે આ પ્રોમિસ આપવું જ પડશે અને મને ખાતરી છે કે તું મને નિરાશ નહીં જ કરે. હું તો ગમેતેમ રીતે વરુણ સાથે જીવી લઈશ, પણ મને સતત તારી ચિંતા રહેશે એટલે તારે એકલા નથી રહેવાનું ઓકે? અને તને ખ્યાલ તો છે જ કે તારી ભૂમિ કેટલી જીદ્દી છે એટલીસ્ટ તારી પાસે તો એ પોતાની જીદ પૂરી કરાવીને જ રહેશે.’ ભૂમિએ આંખ મારી.

‘ઓકે યાર, પ્રોમિસ પણ એના માટે કોઈ ટાઈમ ફિક્સ ન કરતી પ્લીઝ. આ બધામાંથી બહાર આવતા મને ખુબ ટાઈમ લાગશે અને મારે એના માટે ખુબ વિચારવું પડશે. તું સમજી શકે છે ને?’ સૌમિત્રએ પોતાની મજબૂરી જણાવી.

‘હા, પણ તું લગ્ન જરૂરથી કરીશ. હા, ક્યારેક જો મને તારા લગ્નના સમાચાર ક્યાંકથી મળશે તો મને એ છોકરીની ઈર્ષા જરૂર થશે જે દિવસ રાત મારા મિત્ર સાથે રહેશે અને એ પણ મારી જગ્યાએ , પણ હું ચલાવી લઈશ.’ સૌમિત્રના ખોળામાં સુતાસુતા જ ભૂમિએ એના ગાલ પર હળવી ટપલી મારી.

‘હાહાહા..પાક્કું! અને ત્રીજું પ્રોમિસ?’ સૌમિત્રને હવે તેણે ભૂમિને જોઈતા ત્રણ પ્રોમિસમાંથી છેલ્લું પ્રોમિસ જાણવાની પણ ઉત્કંઠા હતી.

સૌમિત્રનો સવાલ સાંભળતાંજ ભૂમિ એના ખોળામાંથી ઉભી થઇ ગઈ અને બેડની એક તરફ જે દીવાલ હતી તેનો ટેકો લઈને બેસી ગઈ અને સૌમિત્રને હવે પોતાના ખોળામાં સૂવાનો ઈશારો કર્યો. સૌમિત્ર આપોઆપ ભૂમિના ખોળામાં સૂતો.

‘મિત્ર, તને અને મને ન મળવા દઈને પપ્પાએ ખૂબ મોટી ભૂલ કરી છે. એમને એમ છે કે એમની દીકરીઓનું સુખ માત્ર પૈસા અને બધીજ લક્ઝરી આપનાર છોકરામાં જ છે, નહીં કે એને ભરપૂર પ્રેમ કરનાર છોકરામાં. એમણે તારા અને મારા પર ખૂબ પ્રેશર મૂકીને આપણને છૂટા થવા માટે મજબૂર કરી દીધા. પણ મારે એનો બદલો લેવો છે.’ ભૂમિ સૌમિત્રના માથામાં પોતાની આંગળી ફેરવી રહી હતી.

‘બદલો? કેવી રીતે?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘વરુણ સાથે મારા લગ્ન મારી મરજી વિરુદ્ધ થઇ રહ્યા છે અને મેં નક્કી કરી લીધું છે કે એને મારો પ્રેમ તો નહીં જ મળે કારણકે એ પ્રેમ મે તને આપી દીધો છે. હું વરુણની વાઈફ તરીકે બધીજ ડ્યુટી નિભાવીશ, ઇવન એના બેડરૂમની ડ્યુટી પણ. પણ મનથી નહીં અને એને ભૂમિ સંપૂર્ણ સ્વરૂપમાં તો નહીં જ મળે.’ ભૂમિ હવે કોઈ અલગજ રીતે સૌમિત્રના ચહેરા પર પોતાની આંગળીઓ ફેરવી રહી હતી, કદાચ તે સૌમિત્રને ઉશ્કેરી રહી હતી.

‘એટલે?’ સૌમિત્રને ભૂમિની વાત ન સમજાઈ.

‘એટલે એમ સૌમિત્ર કે વરુણ અને મારા લગ્ન પછીની ફર્સ્ટ નાઈટે મારે વર્જિન રહીને એની સામે નથી આવવું, કારણકે એ એને લાયક નથી. મારે મારી વર્જિનીટી તને આપવી છે, કારણકે તું જ એનો હક્કદાર છે, વરુણ નહીં. મેં તને પ્રેમ કર્યો છે મિત્ર, અને વરુણને તો હું ક્યારેય પ્રેમ નથી કરવાની એ નક્કી જ છે.’ ભૂમિના અવાજમાં ગજબનો આત્મવિશ્વાસ હતો.

ભૂમિએ હવે સૌમિત્રના શર્ટના ઉપરના બે બટનો ખોલી નાખ્યા અને પોતાના ખભા પરથી બાંધણી હટાવી લીધી. ભૂમિના ખોળામાં સુતેલા સૌમિત્રની નજર આપોઆપ ભૂમિના શ્વાસોશ્વાસથી ઉપર નીચે થઇ રહેલા તેના સ્તનોના ઉભાર પર ગઈ. સૌમિત્ર ભૂમિના ખોળામાંથી ઉભો થઇ ગયો. હવે તેને ભૂમિની છાતી અને તેના લાલ કલરના બ્લાઉઝમાંથી બહાર આવવાની કોશિશ કરી રહેલા સ્તનોની વચ્ચેની ખીણ સ્પષ્ટ દેખાવા લાગી. ભૂમિની આંખમાં હવે એક અનોખી મસ્તી હતી જે સૌમિત્રએ કદાચ હિતુદાનના લગ્નની રાત્રે અંધારામાં ભૂમિને કિસ કરતી વખતે નહોતો જોઈ શક્યો.

સૌમિત્રના શર્ટના ઉપલા બે બટન ખૂલી જવાથી સૌમિત્રની છાતીના વાળ ભૂમિ જોઈ રહી હતી અને તેને જોતા જોતાજ ભૂમિએ પોતાના બ્લાઉઝના પહેલાં બે હૂક દૂર કર્યા અને ત્રીજું હુક દૂર કરવાની સાથે અચાનક જ તેણે સૌમિત્રનો ચહેરો પોતાની બંને હથેળીઓમાં લઈને તેના સ્તનોની બરોબર વચ્ચે ગોઠવી દીધો.

***

પ્રકરણ ૧૯

સૌમિત્ર પણ ભૂમિનું ખૂલ્લું આમંત્રણ મળતાં પોતાને રોકી ન શક્યો અને ભૂમિના બંને સ્તનોને જૂદા પાડતા વિસ્તારને આક્રમક બનીને ચૂમવા લાગ્યો. ત્યાંથી તે બ્રેસિયરના કપમાંથી બહાર દેખાઈ રહેલા ભૂમિના સ્તનોના ઉપલા હિસ્સાને જેને ભૂમિએ સૌમિત્ર માટે ખુદ ખૂલ્લો કરી આપ્યો હતો તેના પર ચુંબનોનો વરસાદ વરસાવવા લાગ્યો. સૌમિત્ર આગળ વધીને ભૂમિની આકર્ષક ગરદન પર પોતાની જીભના લસરકા મારીને પ્રેમ વરસાવવા લાગ્યો. ભૂમિ પણ હવે સૌમિત્રમય બની ગઈ હતી. તેની આંખો બંધ હતી અને તે સૌમિત્રના એકએક ચુંબનને માણી રહી હતી. આ જ મદહોશીમાં સૌમિત્રને જેવો તેણે જોરથી પોતાની બાહોંમાં લીધો કે સૌમિત્રએ ભૂમિના અડધા ખુલેલા હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને તેનું પાન કરવા લાગ્યો. ભૂમિએ પણ મોકો મળતાંજ સૌમિત્રના નીચલા હોઠને પોતાના હોઠમાં સમાવીને તેનો રસ માણવા લાગી. સૌમિત્રએ પોતાનું વજન ભૂમિ પર મૂકી દેતાં ભૂમિ આપોઆપ બેડ પર સુઈ ગઈ અને સૌમિત્ર ભૂમિ પર છવાઈ ગયો.

બંને પ્રેમીઓ જાણેકે તેમના પ્રથમ અને છેલ્લા શારીરિક મિલનને યાદગાર બનાવવા માંગતા હતા. ખાસ કરીને ભૂમિને સૌમિત્રને તેમની આ છેલ્લી મૂલાકાત દરમિયાન સંપૂર્ણ સંતોષ પણ આપવો હતો અને પોતાનો બદલો પણ પૂરો કરવો હતો, આથી ભૂમિ સૌમિત્રને લગાતાર ઉશ્કેરી રહી હતી. સૌમિત્ર જે વખતે ભૂમિના શરીરના જે પ્રદેશો તેની સામે ખૂલ્લા નજરે પડ્યા હતા તેના પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યો હતો તે દરમિયાન ભૂમિએ સૌમિત્રના શર્ટના બટન એક પછી એક ખોલીને શર્ટને કાઢીને પાછળ ક્યાંક ફેંકી દીધું હતું. હવે ભૂમિને એવી ઈચ્છા થઇ ગઈ હતી કે એ પોતાના શરીરને સૌમિત્રના શરીર સાથે સ્પર્શ કરાવે અને પોતાના ‘મિત્ર’ ના શરીરને પૂરેપૂરું અનુભવે. તે પોતાનું બ્લાઉઝના બાકીના હૂક તો કાઢી શકી પરંતુ સૌમિત્ર પોતાનું વહાલ વરસાવવામાં એટલો તો વ્યસ્ત હતો કે ભૂમિના લાખ ઈશારા છતાં તે એની બ્રેસિયર કાઢી રહ્યો ન હતો. ભૂમિ મનોમન સૌમિત્રની આ ‘નિર્દોષતા’ પ્રત્યે હસી રહી હતી અને સાથે સાથે તેને પોતાની બ્રેસિયર હટાવવા માટે ઈશારાઓ પણ કરી રહી હતી.

ત્યાં અચાનક જ સૌમિત્ર રોકાઈ ગયો. અસ્તવ્યસ્ત માથાના વાળ અને આંખોમાં ભૂમિ પ્રત્યેની વાસના સાથે ભૂમિની આંખમાં આંખ નાખીને જોઈ રહ્યો હતો. થોડો સમય તે આમને આમ ભૂમિ સામે જોઈ રહ્યો, તો ભૂમિ સૌમિત્રને સતત સ્મિત આપતી રહી અને તેના છાતીના વાળમાં પોતાની આંગળીઓ ફેરવતી રહી. બે-ત્રણ મિનીટ આ રીતે ભૂમિ સામે જોઈ રહ્યા બાદ સૌમિત્ર બેડ પરથી ઉભો થઇ ગયો અને ભૂમિએ જમીન પર ફેંકી દીધેલા તેના શર્ટને ઉપાડીને ફરીથી પહેરવા લાગ્યો.

‘શું થયું મિત્ર? કેમ કશું બોલતો નથી?’ ભૂમિ માત્ર તેની બ્રેસિયર અને ચણીયામાં જ બેડ ઉપર બેઠી થઇ ગઈ.

‘ના, મારે આમ તને નથી ભોગવવી.’ સૌમિત્ર જમીન તરફ જોવા લાગ્યો, તે જાણીજોઈને ભૂમિ તરફ નહોતો જોઈ રહ્યો.

‘એટલે?’ સૌમિત્રની વાતથી આશ્ચર્ય પામેલી ભૂમિએ તેની બાજુમાં જ પડેલી સાડીથી પોતાની ખુલ્લી છાતી ઢાંકતા બોલી.

‘ભૂમિ મે તને આના માટે પ્રેમ નથી કર્યો.’ સૌમિત્ર હજીપણ ભૂમિ સામે જોયા વગર બોલ્યો.

‘મેં પણ તને આના માટે પ્રેમ નથી કર્યો મિત્ર, પણ હવે આપણે ફરી ક્યારેય નથી મળવાના એટલે છેલ્લી વખત મનભરીને મળી લઈએ, પ્લીઝ.’ ભૂમિના સ્વરમાં આજીજી હતી.

‘પણ એના માટે આ બધું કરવું મને જરૂરી નથી લાગતું. આપણે ત્રણેક કલાક એકબીજાની હુંફમાં ખૂબ વાતો પણ કરી શક્યા હોત. હું તને પ્રેમ કરું છું તારા શરીરને નહીં.’ સૌમિત્ર પહેલીવાર ભૂમિ સામે જોઇને બોલ્યો.

‘તો શું આપણે લગ્ન કર્યા હોત તો તું મને અડકત પણ નહીં?’ ભૂમિએ સૌમિત્રની દલીલ સામે તીર ચલાવ્યુ.

‘એ વાત જૂદી હતી હવે તું મારી નથી એની મને ખબર છે અને અત્યારે જે આપણે કરવા જઈ રહ્યા હતા એ મને એટલેજ બરોબર નથી લાગતું. તું મારી થઇ ગઈ હોત તો હું તને પૂરેપૂરી સ્વિકારી લેત ભૂમિ, પણ હવે નહીં.’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘તું કેમ સમજતો નથી? પ્રેમ એટલે પ્રેમ સૌમિત્ર એમાં બરોબર અને ખરાબ એવું કશુંજ ન હોય. શું આજ પછી તું મને જરાય પ્રેમ નહીં કરે?’ ભૂમિ ઉભી થઇ અને સૌમિત્ર સામે ઉભી રહી.

‘મરીશ ત્યાં સુધી તને પ્રેમ કરીશ.’ સૌમિત્રની આંખ ભીની થઇ.

‘તો પછી આ પણ પ્રેમનો જ એક પ્રકાર છે ને? પ્રેમ ઈમોશનલી, મેન્ટલી અને ફિઝીકલી એમ ત્રણેય રીતે થાય. આપણે પહેલી બે રીતે પ્રેમ કરી ચૂક્યા છે હવે ત્રીજો પ્રકાર જ બાકી છે જેને આપણે નિભાવીને પૂર્ણ પ્રેમી બની જઈશું અને પછીજ છૂટા પડીશું, સૌમિત્ર.’ ભૂમિએ સૌમિત્રના બંને હાથ પોતાના હાથમાં લઈને એની આંગળીઓમાં પોતાની આંગળીઓ ભરાવી.

‘તો પછી તારા બદલાનું અને વરુણને તારી વર્જિનીટી ન આપવાનું શું?’ સૌમિત્રનો અવાજ થોડો કડક બન્યો.

‘એ બદલો આપણે જ્યારે એક થઇ જઈશું ત્યારે એનીમેળે લેવાઈ જશે અને વરુણની તું ચિંતા ન કર એને મારે હવે આખી જિંદગી કેમ નિભાવવાનો છે એની મને ખબર છે.’ ભૂમિના સ્વરમાં મક્કમતા હતી.

‘એટલે તું મારો ઉપયોગ કરીને તારા પપ્પા સાથે બદલો લેવા માંગે છે અને એમની ભૂલને લીધે તું પેલા નિર્દોષ છોકરાને હેરાન કરવા માંગે છે?’ સૌમિત્રનો સૂર અચાનક જ બદલાયો.

‘વ્હોટ નોનસેન્સ સૌમિત્ર? આ...આ તું શું બોલી રહ્યો છે?’ ભૂમિને સૌમિત્ર પાસેથી આ પ્રકારના જવાબની આશા નહોતી.

‘જે તે સાંભળ્યું ભૂમિ એ જ હું બોલી રહ્યો છું. વરુણ તો હજી તારી જિંદગીમાં પૂરેપૂરો આવ્યો નથી. એને હજી ખબર પણ નથી કે ભૂમિ કોણ છે? શું છે? એ બિચારાનો શું વાંક? વર્જિનીટીના ટીસ્યુનો ઈશ્યુ ન બનવો જોઈએ એ તો હું પણ માનું છું, પણ આ મુદ્દો મેં નહીં પણ તે આપણા પ્રેમ સાથે જોડીને મહત્ત્વનો બનાવી દીધો છે એટલે મારે આમ કહેવું પડે છે. જસ્ટ વિચાર કે જો વરુણ ખૂબ સારો વ્યક્તિ નીકળ્યો અને લગ્ન બાદ એ તને ખૂબ પ્રેમ કરવા માંડશે તો શું તને આજના આ દિવસનો તારો ગુનો આખી જિંદગી હેરાન નહીં કરે? તારે અત્યારથી જ વરુણ વિષે ગમે તે વિચારી લેવાની શી જરૂર છે?’ સૌમિત્ર હવે સતત ભૂમિની આંખમાં આંખ નાખીને બોલી રહ્યો હતો.

‘તારી સાથે તનથી પણ એક થઇ જવાને તું ગુનો માને છે? પણ તું શું કરવા વરૂણનું આટલું બધું ખેંચે છે? તું તો એને મળ્યો પણ નથી! તારા માટે ભૂમિનો નિર્ણય મહત્ત્વનો છે કે વરુણ સાથે હું શું વર્તન કરવાની છું એનો? તું મને પ્રેમ કરે છે ને?’ ભૂમિ હવે સહેજ ગુસ્સામાં હતી. એક તો તેને પોતાના પ્લાન પર પાણી ફરી વળતું લાગી રહ્યું હતું અને સૌમિત્રના અચાનક જ તેના પર એ જે પ્રેમની વર્ષા વરસાવી રહ્યો હતો તેને બંધ કરી દેવાથી તેની તરસ અધૂરી રહી ગઈ હતી એણે પણ ભૂમિમાં ગુસ્સો ભરી દીધો હતો.

‘હું તને પ્રેમ કરું છું એટલેજ તને કહું છું કે તું વરુણના સ્વભાવને સમજ, પછીજ કોઈ નિર્ણય લે. જો કે મને ખબર છે કે આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ, પરંતુ તેમ છતાં આમ કોઈ નિર્દોષ વ્યક્તિને આડકતરી રીતે હેરાન કરવાના કાવતરામાં હું સામેલ થવા નથી માંગતો.’ સૌમિત્ર બોલ્યો.

‘અને મારા પપ્પા? એમણે તો તારું બરોબરનું ઈન્સલ્ટ કર્યું હતું ને? એમની સામે તું બદલો લેવા નથી માંગતો?’ ભૂમિએ સૌમિત્રના બંને કાંડા એકદમ જોરથી પકડી લીધા.

‘મારે કોઈનો બદલો નથી લેવો, ભૂમિ. મને તું જોઈતી હતી... પણ તું મને નહીં મળે, ઠીક છે જેવી ઉપરવાળાની મરજી. આજ પછી હું મારે રસ્તે અને તું તારે રસ્તે. આમાં બદલો, પ્લાન આ બધું મારા માટે બિનજરૂરી ચીજો છે. તારા જવાનું દુઃખ જ મને એટલું લાગવાનું છે કે એમાં હું તારા પપ્પા સાથે લીધેલા બદલાનો ડર અને વરુણને ચીટ કરવાની ગિલ્ટ ઉમેરવા નથી માંગતો.’ સૌમિત્રએ સ્પષ્ટ કહી દીધું.

‘એટલે તું મારી સાથે ફિઝીકલ નથી થવા માંગતો એમ જ ને?’ ભૂમિની આંખોમાં હવે ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

‘ના, આ રીતે તો નહીં જ. જો આ બધું ન થયું હોત અને કોઈક વખત આપણે પ્રેમના આવેશમાં ફિઝીકલ થઇ ગયા હોત તો વાત જૂદી હતી...’ સૌમિત્રએ પરાણે સ્મિત આપ્યું. તેને ખબર હતી કે ભૂમિ ગુસ્સામાં છે અને ભૂમિ ગુસ્સામાં કશું પણ કરી શકે છે. સૌમિત્ર ભૂમિની આગલી પ્રતિક્રિયા માટે તૈયાર હતો.

‘ઠીક છે, તો હવે નીકળ અહીંથી, બે મિનીટ પણ ઉભો ના રહેતો. તું મને પ્રેમ કરતો હતો પણ હવે નહીં. પોતાની પ્રેમિકાની એક ઈચ્છાને પણ પૂરી કરવાની તાકાત નથી તારામાં. તું તે દિવસે ફોનમાં સાચુંજ કહેતો હતો મિત્ર, કે તું બાયલો છે. તારામાં હિંમત હોત તો તું મારા આ પ્લાનમાં તું મને બરોબર મદદ કરી શક્યો હોત, પણ તું ડરી ગયો અને મારે આવા ડરપોક વ્યક્તિનું કોઈજ કામ નથી. ચલ જતો રહે અહીંથી અને ફરી વખત ક્યારેય મને મળતો નહીં.’ ભૂમિએ ચપટી વગાડતા સૌમિત્રને તેની પાછળ રહેલા દરવાજા તરફ આંગળી બતાવીને ત્યાંથી જતા રહેવાનું કહ્યું.

‘ખુબ સરસ ભૂમિ. આટલો બધો પ્રેમ કર્યા પછી અને તને ખોટા રસ્તે જતી રોકવાની કોશિશ કર્યા પછી મારે આ જ સાંભળવાનું હતું એમ ને? ઠીક છે. મને જરાય ખોટું કે ખરાબ નહીં લાગે. અત્યારે તું તારા મનના કંટ્રોલમાં નથી. હું જાઉં છું પણ તું તારી સંભાળ રાખજે અને એટલું જરૂર યાદ રાખજે કે, ભૂમિ પ્રત્યે સૌમિત્રનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. અત્યારે તારા મનમાં બદલાની ભાવના એટલીબધી હાવી થઇ ગઈ છે કે મારી આ સિમ્પલ વાત તને નહીં સમજાય. મને બરોબર વિશ્વાસ છે જ્યારે તું શાંતિથી મારી આ વાત વિચારીશ ત્યારે તને સાચાખોટાનો ખ્યાલ આવશે....જરૂર આવશે.’ સૌમિત્ર રૂમનું બારણું ખોલતા બોલ્યો.

‘તું પ્લીઝ જા ને સૌમિત્ર, મને મારા હાલ પર છોડી દે હવે. મેં તારા માટે ખુબ સહન કર્યું, આ દોઢ વર્ષ હું સતત પપ્પાથી ડરતી રહી તે દિવસે તારા માટે મેં એમની કડવી વાતો પણ સાંભળી અને તું હવે... ચલ નીકળ જલ્દી.’ ભૂમિએ હવે સૌમિત્ર સામે પીઠ દેખાડીને ઉભી રહી ગઈ.

‘ઓકે, હું જાઉં છું અને હા, તારું ત્રીજું પ્રોમિસ મે તોડ્યું છે કારણકે મને એ યોગ્ય ન લાગ્યું, પણ તારા બાકીના બંને પ્રોમિસ હું જરૂર પૂરા કરીશ.’ સૌમિત્ર હવે લગભગ બારણાની બહાર આવી ગયો હતો.

‘આઈ ડોન્ટ કેર સૌમિત્ર, જસ્ટ ગેટ લોસ્ટ...’ ભૂમિનો અવાજ સહેજ મોટો થયો.

‘ઓકે આવજે ભૂમિ. ગમે તે હોય બટ આઈ સ્ટીલ લવ યુ, ખુદથી પણ વધારે.’ સૌમિત્ર છેલ્લી વખત ભૂમિને જોઈ લેવા માંગતો હતો એટલે પોતાની તરફ પીઠ ફેરવીને ઉભેલી ભૂમિને એ કોઇપણ રીતે પોતાની તરફ ફેરવવા માંગતો હતો.

‘આઈ સેઇડ ગેટ લોસ્ટ....’ ભૂમિએ સૌમિત્ર તરફ વળીને જોયું એની આંખોમાંથી આંસુ સાથે રીતસર અંગાર વરસી રહ્યા હતા.

સૌમિત્ર બારણું એમને એમ ખૂલ્લું મૂકીને સંગીતાના ઘરના મુખ્ય દરવાજા તરફ જવા લાગ્યો અને એને પાછળથી ભૂમિએ બૂમ પાડીને કહેલું ‘આઈ હેઈટ યુ સૌમિત્ર...આઈ હેઈટ યુ.’ સંભળાયું અને તે દરવાજા બહાર નીકળી ગયો.

ભૂમિની છેલ્લી ચીસ સાંભળીને સંગીતા બીજા રૂમમાંથી દોડતી આવી અને તે પોતાના ઘરમાંથી બહાર જઈ રહેલા સૌમિત્રને અને ભૂમિ જે રૂમમાં હતી તેના અધખુલ્લા બારણાને વારાફરતી જોઈ રહી.

***

‘તને ખરેખર લાગે છે કે ભૂમિ હવે તને નફરત કરવા લાગી હશે?’ લિવિંગરૂમમાંથી પોતાના બેડરૂમ તરફ સૌમિત્રની મદદથી આવી રહેલા વ્રજેશે સૌમિત્રને પૂછ્યું.

‘ના, જરાય નહીં. તે સમયે તેના પર બદલાની ભાવના ઉપરાંત વાસના સવાર હતી અને હું આમ અચાનક જ તેની ઈચ્છા વિરુદ્ધ ગયો એટલે એણે જે કહ્યું એ એનો ગુસ્સો માત્ર હતો. એ જીવશે ત્યાંસુધી મને પ્રેમ કરશે અને એ પણ બિલકુલ મારી જેમ જ, એની મને ગળા સુધી ખાતરી છે.’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘સારું થયું તું અહિયાં આવી ગયો. હું પણ બોર થઇ રહ્યો હતો.’ વ્રજેશ લાકડીને ટેકે અને સૌમિત્રના ખભાનો સહારો લઈને એની બેડ પર બેસતાં બોલ્યો.

‘મારે તો ખાલી આજનો દિવસ જ શાંતિથી પસાર કરવાનો છે અને તારા અને ગઢવી સિવાય બીજું કોણ છે જે મને એમાં મદદ કરે?’ સૌમિત્રની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.

આજે શનિવાર હતો. સવારે ભૂમિની વરુણ સાથે સગાઈ હતી અને સાંજે લગ્ન. સૌમિત્રએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે આ દિવસે તે ઘરમાં નહીં રહે પરંતુ આખો દિવસ પોતાના મિત્રો સાથે જ વિતાવશે. ઘરમાં એને સતત ભૂમિ યાદ આવત અને અંબાબેન એમના કામમાં વ્યસ્ત હોય. જનકભાઈ તો સૌમિત્ર સાથે બોલવાથી રહ્યા, અને જો બોલત તો કોઈને કોઈ મુદ્દે સૌમિત્ર વિષે આડું જ બોલત. એટલે ઘા પર મીઠું ન લાગવું જોઈએ એમ વિચારીને સૌમિત્રને વહેલી સવારે જ બસ પકડીને ગાંધીનગર આવી જવાનું વધારે યોગ્ય લાગ્યું. વ્રજેશ પણ ધીમેધીમે એની શારીરિક તેમજ માનસિક ઇજામાંથી બહાર આવી રહ્યો હતો. લગભગ એકાદ-બે મહિનાના ગાળામાં જ સૌમિત્ર અને વ્રજેશ, બે ખાસ મિત્રોનો પ્રણયભંગ થયો હતો આથી આવનારા દિવસોમાં બંને એકબીજાનો ટેકો બનીને રહેવાના હતા.

‘એક વાત કહું સૌમિત્ર? જરાપણ ખોટું ન લગાડતો.’ વ્રજેશ પોતાની લાકડી બાજુમાં મુકતા અને ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઉપાડતાં બોલ્યો.

‘ખોટું લગાડવા જેવી નાની વાતો હવે મને જરાય અસર નહીં કરે વ્રજેશ અને તારી અને ગઢવીની વાતથી મને ક્યારેય ખોટું ન લાગે. બોલ.’ સૌમિત્રએ સ્મિત આપીને વ્રજેશને કહ્યું.

‘તેં બહાર મને પેલી વાત કરી ને? મને લાગે છે કે તેં જો ભૂમિએ કહ્યું એમ કર્યું હોત તો જરાય વાંધો ન હતો. એટલીસ્ટ તને આજે એટલું દુઃખ ન લાગત. મને ખબર છે તું અત્યારે અંદર ને અંદર કેટલો કોચવાઈ રહ્યો છે.’ વ્રજેશે સૌમિત્રના હાથ પર પોતાનો હાથ મૂક્યો.

‘હું તને પણ એમ જ કહીશ વ્રજેશ જે મેં તે દિવસે ભૂમિને કીધું હતું. જો પ્રેમમાં તણાઈને અમે એકમેકમાં ખોવાઈ ગયા હોત તો વાત અલગ હતી. પ્રેમ એ પૂરેપૂરી પોઝિટીવ ઘટના છે વ્રજેશ. એમાં બદલો, ચાલ, ઈર્ષા આવી બધી બાબત ન હોય. એટલીસ્ટ કોઈની સામે ખુદના પ્રેમનો યુઝ ન થાય. ભૂમિ એની જગ્યાએ કદાચ સાચી હશે, હશે શું છે જ. એણે સાચું જ કહ્યું હતું કે મારા ગયા પછી એના પપ્પાએ એને શું નું શું નહીં કીધું હોય? પોતાના ગમતા પાત્રને ફોર્સફૂલી છોડીને અચાનક જ કોઈ અજાણ્યા કે અણગમતા પાત્ર સાથે જિંદગી વિતાવવાની આવે તો ચીડ તો ચડે જ, પણ ભૂમિનો ઉપાય એ મારી દ્રષ્ટીએ યોગ્ય ઉપાય નહોતો.’ સૌમિત્રએ પોતાનો મત વ્યક્ત કર્યો.

‘મતલબ સેક્સ એ ખરાબ વસ્તુ છે અને પ્રેમમાં એનું કોઈજ સ્થાન નથી એવું તું માને છે?’ વ્રજેશે વળતો સવાલ કર્યો.

‘ના, બલ્કે મારા માટે સેક્સ એ પ્રેમ વ્યક્ત કરવાનો સહુથી સુંદર રસ્તો છે. વાત કરીને તમે કદાચ તમારા પ્રિયપાત્રને તમારો પ્રેમ સો ટકા વ્યક્ત ન કરી શકો એવું બને, પરંતુ તમારા પ્રેમભર્યા સ્પર્શથી અને લાગણીના વરસાદથી તમે એને જરૂરથી કન્વીન્સ કરી શકો છો કે તમે એને કેટલો પ્રેમ કરો છો અને આ કામ સેક્સ સિવાય કોણ સરળ બનાવી શકવાનું? જો હું મારા પ્રિય પાત્રના શરીરને પ્રેમ ન કરી શકું તો એના આત્માને કેવી રીતે પ્રેમ કરીશ? પણ ફરીથી, એનો ઉપયોગ કોઈની સાથે બદલો લેવા તો ન જ થાય ને? પ્રેમ, લાગણી, સેક્સ આ બધું ઈશ્વરે આપેલી ભેટ છે. કોઈ તમને સોનાની કટારી ભેટમાં આપે તો એનો ઉપયોગ કોઈનું ખૂન કરવા તો ન જ થાય ને?’ સૌમિત્રએ સ્પષ્ટતા કરી.

‘વાહ મારા દોસ્ત! માન ગયે!! તું જ્યારે ફર્સ્ટ યરની એડમીશનની લાઈનમાં મને અને ગઢવીને મળ્યોને ત્યારે મને જરાય નહોતું લાગતું કે તું આટલું ગૂઢ અને આવું ઉંચાઈવાળું વિચારી શકતો હોઈશ. હું ફક્ત તારા દિલને એકવાર જોવા માંગતો હતો કે એ ઘટનાને બે-ત્રણ દિવસ વીતી ગયા બાદ શું તારા વિચારમાં કોઈ ફેરફાર આવ્યો છે? શું તને હવે એવું લાગે છે કે તારો તે દિવસનો એ નિર્ણય ખોટો હતો? પણ ના, તું તારા એ નિર્ણય પર અફર રહ્યો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ! હું તારી એકેએક વાત સાથે સો ટકા સહમત છું મિત્ર!’ વ્રજેશે બાજુમાં બેઠેલા સૌમિત્રનો ખભો થાબડ્યો.

‘તું મિત્ર કહીને ના બોલાય યાર...મને ભૂમિ પણ મિત્ર કહીને ....’ આટલું બોલતાં જ સૌમિત્ર વ્રજેશને વળગી પડ્યો અને ખૂબ જોરથી રડવા લાગ્યો.

સૌમિત્રના રડવાનો અવાજ સાંભળીને બાજુના રૂમમાંથી વ્રજેશના માતાપિતા પણ દોડી આવ્યા. વ્રજેશે એમને ઈશારો કરીને ચિંતા ન કરવાનું કહ્યું એટલે તેઓ જતા રહ્યા. ઘણા સમય સુધી રડ્યા બાદ સૌમિત્ર શાંત થયો. વ્રજેશે તેને પાણી આપ્યું.

‘તો હવે? હવે શું પ્લાન છે દોસ્ત?’ સૌમિત્રના સ્વસ્થ થતાંજ વ્રજેશે સવાલ કર્યો.

‘હવે ભૂમિના બાકીના બે પ્રોમિસ પૂરા કરવા છે.’ સૌમિત્ર ઉભો થઈને સામે મૂકેલી પ્લાસ્ટિકની ખુરશી પર બેઠો.

‘કયા બે પ્રોમિસ?’ વ્રજેશને સમજાયું નહીં.

‘એક તો એની અને મારી લવસ્ટોરી પર એક નોવેલ લખવાનું પ્રોમિસ. હું કાલથી જ એ લખવાની શરુ કરી દઈશ.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

‘વાહ, અને બીજું?’ વ્રજેશનો બીજો સવાલ.

‘એમાં હજી ઘણી વાર લાગે એમ છે. નોકરી કરીશ, બે પૈસા કમાઈશ પછી...એટલેકે લગ્ન. ભૂમિએ આ બીજું પ્રોમિસ મારી પાસેથી લીધું છે.’ સૌમિત્રના ચહેરા પર હવે સ્મિત ટકી રહ્યું હતું.

‘તું પૂરેપૂરો બદલાઈ ગયો છે સૌમિત્ર. ખરેખર, મને તારા પર ખૂબ ગર્વ થઇ રહ્યો છે.’ વ્રજેશે પણ હસીને કહ્યું.

‘પ્રેમ બધુંજ શીખવાડી દે છે અને એ સત્ય તારા અને મારા સિવાય બીજું કોણ જાણી શકે વ્રજેશ?’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘સાવ સાચી વાત. પ્રેમ બધું શીખવાડી તો દે જ છે, પણ પ્રેમ એક સાવ બેફીકર વ્યક્તિને એકદમ મેચ્યોર પણ બનાવી શકે છે, તારા ઉદાહરણ પરથી એ પણ આજે જાણવા મળ્યું.’ વ્રજેશે સૌમિત્ર સામે પોતાનો હાથ લંબાવ્યો જેને સૌમિત્રએ ઉભા થઈને પકડી લીધો.

‘લેખક અને નવલકથાકાર સૌમિત્ર પંડ્યા, તમે મને વેલકમ કરવા તૈયાર રહો હું આવી રહ્યો છું તમને મળવા!’ ખુરશી પરથી ઉભા થઈને સૌમિત્ર તેના રૂમની બારી પાસે જઈને ઉભો રહ્યો અને ચહેરા પર એક લાંબા સ્મિત સાથે બહાર જોતજોતા બોલ્યો.

***

પ્રકરણ ૨૦

‘રિઝલ્ટ આવે ચાર મહિના થઇ ગયા અને આખો દિવસ ઘરમાં નહીં તો બહાર રખડવું છે. જ્યારે હર્ષદભાઈ તને બીકોમ ની જગ્યાએ બીએ કરાવવા માટે મને સમજાવતા હતા ત્યારે તો હું પછી એમએ કરીશ, એમ ફીલ કરીશ અને પછી પ્રોફેસર થઈશ એવું કહેતો હતો. એમએ કરવાની વાત તો દૂર રહી તે એનું ફોર્મ પણ ના ભર્યું અને હવે ચાર મહિના જતા રહ્યા એટલે આખું વરસ બગડ્યું.’ જનકભાઈ એક દિવસ સવારના પહોરમાં સૌમિત્ર પર ગુસ્સો કરી રહ્યા હતા.

‘મેં તમને ગયે મહીને પણ કીધું હતું કે મારો પ્લાન તૈયાર જ છે, એમાં વાર લાગશે પણ જ્યારે આ પ્લાન વ્યવસ્થિત રીતે આગળ વધશે ત્યારે હું તમને સામેથી કહીશ. મેં બધું વિચારી લીધું છે તમે ચિંતા ન કરો.’ સૌમિત્રએ સામો જવાબ આપ્યો.

‘પ્લાન શું હોય? અને વાર શેની? બસ કામ કશું કરવું નથી એમ બોલ ને? આખો દિવસ રોટલા તોડવાના નહીં તો રૂમમાં ભરાઈ રહીને લખ લખ કરવાનું અને પછી અચાનક મન થાય એટલે ક્યાંક ઉપડી જવાનું નહીં તો ગાંધીનગરના નવરા મિત્રો તો છે જ?ત્યાં જતું રહેવાનું. બાપની કમાણી વાપરવા માટે જ છે ને? ઉડાડો!’ જનકભાઈ પોતાની વ્યથા ઠાલવી રહ્યા હતા.

‘એવું કશું નથી. બધું જ બરોબર થઇ જશે.’ સૌમિત્રએ બારીની બહાર જોતા જોતા જવાબ આપ્યો.

‘ધૂળ બરોબર થઇ જશે? પેલા તારા બે મિત્રોએ તો એમએ ભણવાનું પણ શરુ પણ કરી દીધું અને ટર્મ પૂરી થઇ એટલે એની એક્ઝામ પણ આપી દીધી હશે અને હવે દિવાળી વેકેશનની રાહ જોતા હશે. પાક્કા મિત્રો થઈને પણ એ લોકો તને કશું નથી કહેતા એની મને નવાઈ લાગે છે.’ જનકભાઈ અંબાબેનના ઘરમાં ન હોવાનો બરોબર ફાયદો ઉઠાવી રહ્યા હતા અને સૌમિત્રને ન ગમે તેવી વાતો સતત કરી રહ્યા હતા.

‘એ લોકોને મારા પર વિશ્વાસ છે સાવ તમારી જેમ નથી.’ આટલું બોલીને સૌમિત્ર ઘરની બહાર નીકળી ગયો.

જનકભાઈને હજીપણ ઘણું બોલવું હતું પણ સૌમિત્રનું આમ અચાનક રણ છોડીને જતા રહેવાથી એમના મનની મનમાં જ રહી ગઈ.

પણ જનકભાઈનો ઉભરો સાવ ખોટો પણ ન હતો. સૌમિત્ર ગ્રેજ્યુએટ થયા બાદ એમએ કરવાને બદલે ઘરમાં જ રહ્યો અને આખો દિવસ પોતાના રૂમમાં ભરાઈ રહીને લખે રાખતો. જ્યારે પણ મન થાય ત્યારે અચાનક ક્યાંક જતો રહેતો અથવાતો વ્રજેશ અને હિતુદાનને મળવા માટે ગાંધીનગર જતો રહેતો. પોતાને આગળ શું કરવું છે એનો કોઈજ પ્લાન સૌમિત્ર જનકભાઈને જણાવતો ન હતો. હા એ જનકભાઈને એમ જરૂર કહેતો કે તેની પાસે એક પ્લાન છે અને તેનો ખુલાસો એ યોગ્ય સમયે કરશે પણ એ યોગ્ય સમય ક્યારે આવશે એનો ફોડ એ આ ચાર મહિનામાં પાડી શક્યો ન હતો. તો શું સૌમિત્ર પાસે ખરેખર કોઈ પ્લાન હતો ખરો?

ભૂમિથી જુદા થયા બાદ સૌમિત્રએ નક્કી કરી લીધું હતું કે એ હવે આગળ ભણશે નહીં. એને હવે પોતાની અને ભૂમિની લવસ્ટોરી પર એક નવલકથા લખવી હતી. સૌમિત્રએ આ નવલકથા લખવાની હજી હાલમાં જ પૂરી કરી હતી. તેનો વિચાર એવો હતો કે તે હવે માત્ર લેખક બનીને જ પોતાનું જીવન વ્યતીત કરશે. આ નવલકથા બાદ બીજી પછી ત્રીજી એમ એ લખતો જ રહેશે અને એમાંથી એ કમાણી કરશે. સૌમિત્રને લગ્ન કરી લેવાનું ભૂમિને આપેલું બીજું પ્રોમિસ પણ યાદ હતું, પરંતુ તેને પૂરું કરવા માટે હજી વાર હતી. જનકભાઈને એ પોતાનો પ્લાન જણાવી શકે તેમ ન હતો કારણકે જનકભાઈ લેખક બનીને પણ કોઈ વ્યક્તિ મોટી કમાણી કરી શકે એવું વિચારવા માટે સક્ષમ ન હતા.

જો કે જનકભાઈ જો એવું વિચારત તો એ સાવ ખોટા પણ ન હોત. ભારતમાં લેખક અને એ પણ જો ગુજરાતી નવલકથાકાર હોય તો માત્ર લેખન દ્વારા એનું ગુજરાન ચાલે એ બાબત કોઇપણ રીતે શક્ય નથી હોતી. સૌમિત્રએ હજી તો એની સૌથી પહેલી નવલકથા પૂરી જ કરી હતી એટલે તેને આ હકીકતનો પરચો મળવાનો હજી બાકી હતો. આજે સાંજે વ્રજેશની ઓળખાણવાળા એક પબ્લીશરને મળવા સૌમિત્ર જવાનો હતો અને ત્યાં તેની ધીરજની પ્રથમ પરીક્ષા થવાની હતી.

***

‘પણ લગ્ન પછીની પહેલી દિવાળી તો સાસરામાં જ હોય ને?’ વરુણના ટોસ્ટ પર બટર લગાડતા ભૂમિ બોલી.

‘એ બધી મને ખબર નથી યાર. હું દિવાળીના દિવસોમાં યુએસ હોઈશ મોમ અને ડેડ દર વર્ષે દિવાળીએ વેકેશન્સ માટે ક્યાંક જાય છે આ વખતે કદાચ એલોકો ન્યુઝીલેન્ડ જવાના છે એટલે એ પણ ઇન્ડિયામાં નહીં હોય. તું અહીંયા જમશેદપુરમાં એકલી શું કરીશ?’ વરુણ પોતાની ફાઈલમાં જોતા જોતા બોલ્યો.

‘આમ પણ હું એકલી જ હોઉં છું ને વરુણ? આપણા લગ્ન થયા પછી બીજે જ દિવસે આપણે અહીંયા આવી ગયા. પછી જ્યારે બીજે મહીને રિસેપ્શન થયું ત્યારે ખાલી બે જ દિવસ માટે અમદાવાદ ગયા હતા. મમ્મી-પપ્પા પણ આપણા લગ્ન પછી અહિયાં આવ્યા નથી. તે મને પણ એમએ કરવાની ના પણ પાડી. આપણે હજી હનીમૂન પર પણ નથી ગયા. તો તું યુએસ જાય પંદર દિવસ માટે અને હું અહિયાં જ રહું તો શો ફેર પડે છે?’ વરુણને ટોસ્ટ આપતાં ભૂમિ બોલી.

‘એમએ કરવા તારે કોલકાતા જવું પડે, અહીં કોઈ એવી સારી કોલેજ નથી. એ બહુ મોટું શહેર છે હું એવું રિસ્ક ના લઉં એન્ડ ડોન્ટ બી સો ટીપિકલ હાઉસ વાઈફ ભૂમિ. દિવાળીની વાત અલગ હોય છે. તને પણ તારા મમ્મી-પપ્પા સાથે રહેવાનું મન થતું હશે. જતી આવને પંદર-વીસ દિવસ? અહિયાં તારી કોઈ ફ્રેન્ડ પણ નથી કે નેઈબર્સ સાથે પણ તારી બોલચાલ નથી. જતી આવ.’ ટોસ્ટનો બાઈટ લેતા વરુણે જવાબ આપ્યો.

‘એ હું ચલાવી લઈશ. પણ મારે અમદાવાદ નથી જવું. મને નથી ગમતું ત્યાં. તું મને રોજ કોલ કરજે ને કે હું ઠીક છું કે નહીં? એટલે તને પણ ચિંતા નહીં થાય.’ ભૂમિના અવાજમાં મક્કમતા તો હતી જ પરંતુ એક વિનંતી પણ હતી. ભૂમિને કોઇપણ હિસાબે અમદાવાદ નહોતું જવું કારણકે અમદાવાદમાં સૌમિત્ર રહે છે જેને તે હાડોહાડ નફરત કરે છે.

‘ઠીક છે એઝ યુ વિશ. અત્યારે મારી પાસે વધારે ડિસ્કસ કરવાનો ટાઈમ નથી મારે સાડાનવની એક અપોઈન્ટમેન્ટ છે. મારી ડલાસની ટિકિટ્સ તો આવી ગઈ છે એટલે હું તો જવાનો.’ વરુણે ફાઈલ બ્રિફકેસમાં મૂકી અને ટોસ્ટ ખાતા ખાતા જ ઉભો થઇ ગયો અને મેઈન ડોર તરફ ચાલવા લાગ્યો.

‘શાંતિથી નાસ્તો તો કરો વરુણ? મારે રોજ તમને ટોકવા પડે છે.’ ભૂમિએ રોજની જેમ વરુણને ટોક્યો.

‘બાય ડાર્લિંગ, રાત્રે ઊંઘી જજે, મને મોડું થશે અને ચાવી મેં લીધી છે.’ મોઢામાં ટોસ્ટ અને એક હાથમાં બ્રિફકેસ લઈને જઈ રહેલા વરુણે ટર્ન લીધો અને ભૂમિના ગાલ પર ટપલી મારીને ઘરની બહાર નીકળી ગયો.

***

‘સાહેબને ક્યો ને યાર? હું બે કલાકથી બેઠો છું.’ સૌમિત્રએ પબ્લીશરના પટાવાળાને બે કલાકમાં લગભગ સાતમી વખત રિક્વેસ્ટ કરી.

‘ભઈ મે કીધું ને કે એ મિટિંગમાં છ તોય તમ હમજતા નહીં?’ પેલાએ કરડી નજરે સૌમિત્ર સામે જોયું.

‘હું પણ અપોઈન્ટમેન્ટ લઈને જ આયો છું ભાઈ. પાંચ વાગે બોલાયો તો સાતને દસ થઇ યાર.’ સૌમિત્ર હવે અકળાયો.

‘તે દસન સાત બી થાય એતો. સાહેબ મોડી રાત હુધી બેહ સ.’ પટાવાળાએ ખિસ્સામાંથી તમાકુની નાનકડી ડબ્બી ખોલી અને એમાંથી તમાકુ અને ચૂનો લઈને હથેળીમાં મસળવા લાગ્યો.

‘એવી તે કઈ મિટિંગ ચાલે છે અંદર કે બે કલાક થઇ ગયા?’ સૌમિત્રએ પેલાને પૂછ્યું.

‘નિનાદ ભટ્ટ બેઠોં સ અંદર, બઉ મોટા લેખક સ અને સાહેબના ફ્રેન્ડ હોઉ સ. એ આવ અટલ તમાર ત્રણ-ચાર કલાક તો હમજી જ લેવાના.’ પટાવાળાએ તમાકુ એના ડાબા ગલેફામાં છેક અંદર મૂકીને દબાવી.

‘ત્રણ-ચાર કલાક? એટલે હજી...’ સૌમિત્ર એનું વાક્ય પૂરું કરે ત્યાંજ કેબીનનું બારણું ખુલ્યું એટલે સૌમિત્રનું ધ્યાન એ તરફ ગયું.

કેબીનમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળી. બંને આધેડ વયની હતી. એક જણાએ હીરો જેવી હેરસ્ટાઈલ કરવી હતી અને એકદમ મોંઘા કપડા પહેર્યા હતા. બહાર આવતાની સાથે જ એ વ્યક્તિએ ચહેરા પર રેબનના ગોગલ્સ ચડાવી દીધા. એ કદાચ નિનાદ ભટ્ટ હતો, ગુજરાતી સાહિત્યના ગણ્યાગાંઠ્યા લોકપ્રિય નવલકથાકારોમાંથી એક. બીજી વ્યક્તિ બેઠી દડીની હતી એ પરમાનંદ વખારીયા હતા જે વ્રજેશને ઓળખતા હતા અને એ પબ્લીશર હતા. પરમાનંદ અને નિનાદ એકબીજાને આવજો કહીને છૂટા પડ્યા. સૌમિત્ર પાસેથી પસાર થતી વખતે નિનાદે એના પર એક અછડતી નજર એના ગોગલ્સમાંથી જ નાખી અને ઓફીસની બહાર નીકળી ગયો.

‘તમે?’ નિનાદ તરફ નજર કરીને પોતાનું સફળ અને લોકપ્રિય લેખક બનવાનું ભવિષ્ય જોઈ રહેલા સૌમિત્રને પરમાનંદે ઢંઢોળ્યો.

‘હું સૌમિત્ર પંડ્યા, આપણી ફોન ઉપર કાલે વાત થઇ હતી. વ્રજેશનો મિત્ર?’ સૌમિત્ર પરમાનંદ તરફ ગયો અને પોતાનો હાથ લંબાવ્યો.

‘અરે હા, હા, હા, હા... સોરી હોં તમને મે રાહ જોવડાવી. પણ નિનાદભાઈ જ્યારે આવેને ત્યારે એમની સાથે સમય ક્યાં પસાર થઇ જાય એની ખબર જ ન પડે. એમની નવી નોવેલ તૈયાર થઇ ગઈ છે એટલે એનું ડિસ્કશન કરવા આવ્યા હતા.’ પરમાનંદે સૌમિત્રએ લંબાવેલો હાથ પકડી લીધો.

‘ના ઇટ્સ ઓકે.’ સૌમિત્રએ પરાણે હસીને જવાબ આપ્યો.

‘મારે તમને બીજી વખત સોરી કહેવું પડશે. મારે અત્યારે જરા ઘરે જવું પડશે. મહેમાન આવવાના છે.’ પરમાનંદે વ્રજેશને ઝાટકો આપ્યો.

‘પણ સર હું લગભગ અઢી કલાકથી તમારી રાહ જોઇને... કોઈ વાંધો નહીં આપણે કાલે મળીએ? તમે ક્યો ત્યારે.’ સૌમિત્રએ વાત વાળી.

‘ના ભાઈ રાતની ટ્રેનમાં હું બોમ્બે જાઉં છું. મારી ત્યાં પણ એક ઓફીસ છે. આપણે નેક્સ્ટ મન્થ મળીએ. તમે મને ફોન કરીને આવજો. હું જરૂરથી તમારી નોવેલનો પ્લોટ સાંભળીશ.’ પરમાનંદ આટલું બોલીને એમની કેબીન તરફ બે ડગલાં પાછળ ગયા.

સૌમિત્રને ઈશારો મળી ગયો કે આજે પરમાનંદને એની સાથે વાત કરવામાં જરાય રસ નથી. બહેતર છે એ એમના કહેલા સમયે જ એમને મળવા આવે અને તો જ એ ધ્યાનપૂર્વક એની નોવેલનો પ્લોટ સાંભળશે અને તો જ કદાચ એ એને પબ્લીશ કરવા માટે રાજી થશે. સૌમિત્રએ ફરીથી પોતાના ચહેરા પર સ્મિત લાવીને પરમાનંદની વિદાય લીધી.

***

‘પ્રેમ તો કરે છે ને તને?’ અમેરિકાથી ભૂમિ સાથે ફોન પર વાત કરી રહેલી નીલમે પૂછ્યું.

‘ખબર નથી. આ ચાર મહિનામાં મારી જોડે પૂરા ચાલીસ કલાક પણ રહ્યો નથી. સવારે આઠ-સાડાઆઠે જતો રહે તો રાત્રે હું ઊંઘી જાઉં પછી આવે. કોઈજ રજા નહીં, રવિવારે પણ નહીં.’ ભૂમિના અવાજમાં નિરાશા હતી.

‘સેક્સ?’ નીલમે બીજો મહત્ત્વનો સવાલ કર્યો.

‘ઓફીસેથી આવે ત્યારે હું તો ઉંઘી ગઈ હોઉં, પણ એ કપડા બદલે અને સેક્સનું મન થાય તો મને અહીં તહીં હાથ ફેરવીને જગાડે. પહેલા તો મને ખ્યાલ નહોતો આવતો, પણ પછી મને ખબર પડી ગઈ એટલે એ હાથ ફેરવવા માંડે અને મારી ઊંઘ ઉડે એટલે હું મારી નાઈટી ઉપર કરી દઉં, એ મને ભોગવી લે એટલે એ જ હાલતમાં એ એક તરફ પડખું ફરીને સુઈ જાય અને હું પણ બીજી તરફ પડખું ફરીને સુઈ જાઉં.’ ભૂમિ હસતાંહસતાં બોલી.

‘શું યાર? તું હસે છે?’ નીલમને નવાઈ લાગી.

‘મારી લાઈફ જ હસવા જેવી થઇ ગઈ છે દીદી.’ ભૂમિના અવાજમાં સહેજ ભાર આવ્યો, એની આંખોમાં આંસુ આવી ગયા.

‘તમે બંને એ સહેજ હિંમત કરી હોત પપ્પા સામે તો આજે તું સૌમિત્ર સાથે હોત અને એ તને ખૂબ પ્રેમ કરત એની મને ખાતરી છે.’ નીલમ બોલી.

‘તું પ્લીઝ એનું નામ ના લે, મેં તને ના પાડી છે ને? અને પપ્પા સામે હિંમત કરવાની કોની હિંમત છે? તેં કરી હતી?’ ભૂમિ સૌમિત્રનું નામ આવતાં જ ગુસ્સે થઇ ગઈ.

‘સોરી મારો એ ઈરાદો નહોતો, પણ હું એને એક વખત જ મળી છું, તમારાથી આટલી દૂર છું અને તોયે કહી શકું કે એ તને ખૂબ પ્રેમ કરત. કરત શું? આજે પણ તને એ એટલો જ પ્રેમ કરે છે. એ સાચો હતો જ્યારે એણે તારી વાત ન માની ભૂમિ. ભરપૂર પ્રેમ કરનાર પુરુષ જ એની પ્રેમિકા તરફથી સામેથી ઓફર થયેલા સેક્સની બેધડક ના પાડી શકે બાકી વરુણ જેવા પતિઓની કમી ક્યાં છે જેમના માટે સેક્સ એ ઓફીસની હજારો ફાઈલ જેવી જ એક ફાઈલ છે જે તેણે જોઇને પૂરી કરવાની ફરજીયાત હોય છે.’ ભૂમિની મનાઈ છતાં નીલમ સૌમિત્ર વિષે ફક્ત બોલી જ નહોતી રહી, પરંતુ તેના વખાણ પણ કરી રહી હતી.

‘દીદી ફોન હું મુકું કે તું પેલાના વખાણ કરવાના બંધ કરે છે? મારા માટે મારી લાઈફમાં હવે માત્ર વરુણ જ એક પુરુષ છે જેના માટે હું મારી બાકીની લાઈફ જીવીશ. એ ભલે ગમે તેવો હોય પણ મારો પતિ છે અને હવે એને જે ગમશે એ જ હું કરીશ, જ્યાં સુધી હું જીવીશ. જેમ તારા માટે જીજુ છે એમ જ મારા માટે વરુણ છે. એટલે હવે પ્લીઝ ભવિષ્યમાં પણ તું પેલા વ્યક્તિનું નામ પણ મારી સામે ન લેતી જેને હું ખુબ નફરત કરું છું, નહીં તો આપણે બેય ને નહીં બને.’ ભૂમિ ગુસ્સામાં બોલી રહી હતી પણ દૂર બેઠેલી નીલમ અત્યારે ભૂમિની આંખોમાંથી વહી રહેલા આંસુઓ થી અજાણ હતી.

અત્યારે ભૂમિની પરિસ્થિતિ એવી હતી કે એને બંને તરફથી નિરાશા જ મળી હતી. નીલમે જ્યારે સૌમિત્રનું નામ લીધું ત્યારે એ ગુસ્સે જરૂર થઇ હતી, પરંતુ આ ગુસ્સો એ સૌમિત્ર તરફની એની નફરતને લીધે નહીં પરંતુ બધેથી મળેલી નિરાશામાંથી ઉદભવેલી હતાશાને લીધે આવ્યો હતો જેને ભૂમિ સ્વીકારવા તૈયાર ન હતી.

***

‘એટલે તમે પરમાનંદભાઈને મળી આવ્યા છો એમને?’ નીતિ પબ્લિકેશનના માલિક નીલેશ શાહ સૌમિત્રની નવલકથાની ફાઈલ ઉથલાવતાં બોલ્યા.

‘હા, પણ એક જ વાર અને એ પણ એમની કેબીનની બહાર. પછી એમણે મને આગલે મહીને આવવાનું કહ્યું પરંતુ કોઈને કોઈ બહાને મને અવોઇડ કરી રહ્યા છે.’ સૌમિત્રએ નીલેશને સ્પષ્ટતા કરતા કહ્યું.

‘ભાઈ તમે નવા લેખક છો એટલે પરમાનંદ જેવા વ્યક્તિઓ આમ કરે જ. એમને તો બસ કમાઈ જ લેવું છે.’ ફાઈલમાંથી નજર ઉંચી કરતા નીલેશ બોલ્યો.

‘તો પછી તમે તો મને મદદ કરશો ને?” સૌમિત્રએ મોકો જોતાં જ નીલેશને બાંધવાની કોશિશ કરી.

‘નવલકથા આજકાલ કોણ વાંચે છે યાર?’ સૌમિત્રની વાત સાંભળતા નીલેશે તરતજ ફાઈલ બંધ કરીને ટેબલ પર મૂકી દીધી જાણેકે એને કોઈએ ઇલેક્ટ્રિક શોક આપ્યો હોય.

‘કેમ પેલા નિનાદ ભટ્ટ છે, કબીર ચૌધરી છે અને તમે જેમની નોવેલ્સ પબ્લીશ કરો છો એ રાજેશ પટેલ પણ નોવેલ જ લખે છે. આ બધા પ્રખ્યાત છે, તો લોકો એમની નોવેલ્સ વાંચતા તો હશે જ ને?’ સૌમિત્રએ દલીલ કરી.

‘એ બધા બેસ્ટ સેલર્સ છે, તમારે હજી શરૂઆત કરવાની છે.’ નીલેશે સૌમિત્રની ફાઈલ થોડી આઘી કરી.

‘બેસ્ટ સેલર્સ બન્યા પહેલા મારી જેમ જ અહીં તહીં ફરતા હશે ને? અને શરૂઆત કરવામાં કોઈકે તો હેલ્પ કરવી પડશે ને સર?’ સૌમિત્રના સ્વરમાં હવે આશા જ હતી વિશ્વાસ નહીં કારણકે એ નીલેશનો ચહેરો વાંચી શકતો હતો.

‘હેલ્પનું તો એવું છે ને, કે તમે સામેથી રોકાણ કરો તો હું છાપી આપું. બારસો કોપી છાપું અને પછી આગે જેવી ઉપરવાળાની ઈચ્છા.’ નીલેશે પેટછૂટી વાત કરી.

‘રોકાણ? એટલે કેટલું?’

‘અમમ...બધું ગણું તો લગભગ વીસ હજાર. વધુ ઓછું હું જોઈ લઈશ. તમને પર કોપી ત્રીસ-ચાલીસ રૂપિયા મળશે. મંજુર હોય તો બોલો. અરે વસરામભાઈ, સૌમિત્રભાઈને ચા પીવડાવ્યા વગર ના મોકલતા.’ નીલેશે સૌમિત્રને જવાનો સ્પષ્ટ ઈશારો કરી દીધો.

‘વીસ હજારતો મારા માટે બહુ મોટી રકમ કહેવાય. કશો વાંધો નહીં, જ્યારે એટલી મોટી રકમ મારી પાસે હશે ત્યારે મળીશું. આવજો.’ આટલું કહીને સૌમિત્ર નીલેશની કેબીનમાંથી બહાર નીકળી ગયો.

***

‘હવે તો એક જ રસ્તો છે સૌમિત્ર.’ ગુજરાત યુનિવર્સીટીની કેન્ટીનની ચ્હાની ચૂસકી લેતા વ્રજેશ બોલ્યો.

‘નોકરી સાલુ કરી દે.’ સૌમિત્ર જવાબ આપે એ પહેલા હિતુદાન વચ્ચે બોલ્યો.

‘તને ખબર છે ને ગઢવી કે મારે નોકરી નથી કરવી? અને તું બે મિનીટ પ્લીઝ ચૂપ રે.’ સૌમિત્રએ હિતુદાન સામે કરડી નજરે જોયું.

‘એલા અટાણથી નોકરી કરીસ તો તન વરહે ઠેકાણું પડહે તારું. હું ને વીજેભાય તો એમએ કરસું ને તરતજ પ્રોફેસર થય જાહું. તને વાર્ય લાગસે ઠેકાણે પડતા હઈમજો?’ હિતુદાને સૌમિત્રની વાત કાને ન ધરી હોય એમ એનું ભાષણ શરુ કર્યું.

‘તું પ્લીઝ બંધ થા ને ભાઈ, આપણે એ બધું પછી ડિસ્કસ કરીશું, અત્યારે વ્રજેશને બોલવા દે.’ સૌમિત્રએ હિતુદાન સામે બે હાથ જોડ્યા.

‘જો સૌમિત્ર, પરમાનંદ અંકલ તને અવોઇડ કરે છે એટલે એનો મતલબ એ છે કે એ નવા લેખકમાં રિસ્ક લેવા માંગતા. નીલેશ તો જ રિસ્ક લેવા તૈયાર છે જો તું પૈસા રોકે એટલે તારા પૈસે એને મોજ કરવી છે. જ્યારે પેલા નવા પબ્લીશર ભાર્ગવને તારી સ્ટોરી વધારે પડતી બોલ્ડ લાગે છે એટલે એ છાપતા ડરે છે જો કે એને એક નવા નવલકથાકાર પર રિસ્ક લેવામાં કોઈજ વાંધો નથી.’ વ્રજેશ ચ્હામાં ટોસ્ટ બોળીને ખાઈ રહ્યો હતો.

‘હા તો?’ સૌમિત્ર હવે વ્રજેશનો આઈડિયા સાંભળવા અધીરો બન્યો હતો.

‘મેં તારી નોવેલ વાંચી છે અને હું કેટલેક અંશે ભાર્ગવ સાથે અગ્રી થઈશ કે તારી નોવેલ થોડી બોલ્ડ તો છે જ, પણ એ ગુજરાતી પબ્લીશર માટે, ગુજરાતી વાચક તેને બે હાથે ઉપાડશે એની મને ખાતરી છે.’ વ્રજેશ શાંતિથી પોતાની ચ્હા અને ટોસ્ટ માણી રહ્યો હતો.

‘જો છપાય જ નહીં તો ગુજરાતીઓ વાંચશે કેવી રીતે અને એને બે હાથે ઉપાડશે કેવી રીતે?’ સૌમિત્ર બોલ્યો.

‘એક્ઝેક્ટલી! એટલે આપણે નવો રસ્તો શોધવો પડશે અને જમણો કાન ડાબે હાથે પકડવો પડશે.’ વ્રજેશે ખાલી કપ રકાબી અને ટોસ્ટની ખાલી ડીશ બાજુમાં મુકતા કહ્યું.

‘મને કશી જ સમજણ નથી પડતી વ્રજેશ.’ સૌમિત્રએ પોતાની અકળામણ જાહેર કરી.

‘હું સમજાવું. ગુજરાતી પબ્લીશર્સ તો તારી આ નોવેલ વાંચશે કે તરતજ ના પાડશે કારણકે એમને એવું જ લાગશે કે આટલી બધી બોલ્ડ નોવેલ છાપીને એલોકો ક્યાંક મુસીબતમાં ન મુકાઈ જાય, પણ મને ખાતરી છે કે જો એક વખત આ નોવેલ છપાય અને ગુજરાતીઓ એને વાંચે તો એ ગરમાગરમ ફાફડા જલેબીની જેમ વેંચાશે. પણ અત્યારે એ શક્ય નથી એટલે તું હવે તારી આ નોવેલને ફરીથી ઈંગ્લીશમાં લખ.’ વ્રજેશના ચહેરા પર સ્મીત હતું.

‘શું? ઈંગ્લીશમાં? વ્રજેશ? તું ગાંડો થયો છે કે શું?’ સૌમિત્રને રીતસર આઘાત લાગ્યો.

‘ના હું જરાય ગાંડો નથી થયો. હજી બીજા છ-સાત મહિના લાગશે. હજીપણ એકાદ વરસ જનકકાકાની કડવી વાણી તારે સાંભળવી પડશે, પણ આના સિવાય આપણી પાસે બીજો કોઈજ રસ્તો નથી.’ વ્રજેશે શાંતિથી જવાબ આપ્યો.

‘અરે પણ મારું ઈંગ્લીશ...’ સૌમિત્ર એ હથીયાર હેઠાં મૂકી દીધા.

‘એ મારા કરતાં તો હારુંઝ સે, ઓલે દી, કોલેજમાં ઓલી લટકાળી ફોરેનર આઈવી’તી તો ઈને તે ગાંધી આસરમનું હરનામું કેવું ટોપના પેટ જેવું હમજાયવું’તું?’ હિતુદાને વ્રજેશના સૂરમાં સૂર પૂરાવ્યો.

‘એક્ઝેક્ટલી! તું ધારે છે એટલું તારું ઈંગ્લીશ ખરાબ નથી સૌમિત્ર, મને ખબર છે તું ક્રિકેટ મેચો ખુબ જોવે છે અને ઈંગ્લીશ સિરીયલો પણ જોવે છે એટલે સાંભળેલું ઈંગ્લીશ તારા મનમાં જ છે. તું એમ સમજ ને કે આ તારી ડીબેટ કોમ્પિટિશનની તૈયારી છે. બાકી તારી લખેલી ભાષા અને ગ્રેમર ફેર કરવા માટે તારો આ બીએ વિથ ઈંગ્લીશ ફ્રેન્ડ ક્યારે કામમાં આવશે?’ વ્રજેશે સૌમિત્રનો ટેબલ પર રહેલો હાથ દબાવ્યો.

‘ઠીક છે, હું આજે જ પપ્પા પાસેથી આવતા વર્ષના ડિસેમ્બર સુધીનો ટાઈમ લઇ લઉં છું અને એક વર્ષ પછી પણ જો આ દાવ પણ સફળ નહીં જાય તો મેં ભૂમિને આપેલું પ્રોમિસ તોડી દઈને રાઈટીંગને કાયમ માટે અલવિદા કહી દઈશ અને કોઈ નાની-મોટી નોકરી શરુ કરી દઈશ.’ વ્રજેશના હાથ પર પોતાનો હાથ મૂકીને સંપૂર્ણ ભીની આંખે સૌમિત્ર બોલ્યો.

***

પ્રકરણ ૨૧

‘એક વાત કહું? પ્લીઝ ના ન પાડતો.’ વરુણના ખભે માથું ઢાળીને બેસેલી ભૂમિ બોલી.

‘બોલને ડાર્લિંગ, તને મેં આજ સુધી કશી ના પાડી છે? તું જ ના પાડે છે બધી. ફોર એક્ઝામ્પલ અમદાવાદ જવાની.’ વરુણ એના હાથમાં રહેલા ચ્હાના કપમાંથી ચ્હાની ચૂસકી લેતા બોલ્યો.

‘હું જઈશ અમદાવાદ પ્રોમિસ, પણ તું જો મારી વાતની હા પાડે તો જ.’ ભૂમિએ વરુણનો હાથ પોતાના હાથમાં લીધો.

ભૂમિ અને વરુણના લગ્નને લગભગ એક વર્ષ થવા આવ્યું હતું અને આટલા મહિનાઓમાં આજે પહેલી વખત વરુણ રવિવારે ઘરે હતો અને બપોરે જમ્યા બાદ એ અને ભૂમિ સોફા પર બેઠાબેઠા વાતો કરી રહ્યા હતા.

‘નો કન્ડીશન પ્લીઝ. મને બરોબર લાગશે તો જ હા પાડીશ.’ વરુણે કપ સામે પડેલા ટેબલ પર મૂક્યો.

‘તો મારે નથી કહેવું કશું જા.’ ભૂમિએ જાણીજોઈને મોઢું બગાડ્યું.

‘તમારા છોકરીઓનો આ જ પ્રોબ્લેમ છે. બધીજ કંડીશન તમારી અને અમારે એને માનવાની જ.’ વરુણે પણ હવે ભૂમિના માથાના વાળમાં આંગળીઓ ફેરવવાનું શરુ કર્યું.

‘હા એ તો એવું જ રહેવાનું. બોલ પ્રોમિસ આપે છે?’ ભૂમિએ પોતાનું માથું ઊંચું કરીને વરુણ સામે જોયું.

‘એક વર્ષે પહેલીવાર આપણે એકબીજા સાથે નિરાંતે વાતો કરી રહ્યા છીએ એટલે પ્રોમિસ તો આપવું જ પડશે.’ વરુણે હસીને જવાબ આપ્યો.

‘એના માટે કોણ જવાબદાર?’ ભૂમિ બોલી.

‘હવે એ બધું શરુ કરીને મૂડની પથારી ના ફેરવ ભૂમિ. ચલ બોલ શેનું પ્રોમિસ જોઈએ છીએ તારે?’ વરુણે છાશિયું કર્યું.

‘મારે એમએ કરવું છે.’ ભૂમિએ વરુણના હાથ સહેલાવતા કહ્યું.

‘તો કર ને? પણ કોલકાતા જવાનું નામ ના લેતી પ્લીઝ.’ વરુણે હજી ભૂમિ પૂરી વાત કરે એ પહેલા જ પોતાની શરત મૂકી દીધી.

‘નો પ્લીઝ, વરુણ તું તારી કન્ડીશન ના મુકીશ હવે.’ ભૂમિએ મોઢું બગાડ્યું.

‘અરે કન્ડીશન શેની યાર? કોરસ્પોન્ડન્સ કોર્સ કરી લે ને? મારી ઘણી ઓળખાણ છે કોલકાતા યુનિવર્સીટીમાં કાલે જ બધું મટીરીયલ મંગાવી લઉં. ઘરે બેઠા એમએ થઇ જઈશ.’ વરુણ હવે ભૂમિનો ખભો સહેલાવી રહ્યો હતો.

‘ના એ જ તો મારે નથી કરવું વરુણ.’ ભૂમિ બોલી.

‘એટલે?’ વરુણને ખબર ન પડી ભૂમિ શું કહેવા માંગે છે.

‘એજ કે હું એક વર્ષથી ઘરમાં રહી રહીને કંટાળી ગઈ છું. મને કોલકાતા જવા દે પ્લીઝ. હું એમએ થઇ જઈશ પછી તું જેમ કહીશ એમ કરીશ. પ્રોમિસ. મને થોડું ફરી લેવા દે. મને માત્ર બે વર્ષ આપ વરુણ.પ્લીઝ??’ ભૂમિએ વરુણ સામે હાથ જોડ્યા.

ભૂમિના ચહેરા પર રીતસર આજીજી હતી. ભૂમિ લગ્ન પહેલા એકદમ આઝાદ હતી અને એ લગભગ એક વર્ષથી ઘરથી દૂર છેક જમશેદપુરની વિશ્વવિખ્યાત સ્ટીલ ફેક્ટરીની કોલોનીમાં પોતાના એક્ઝીક્યુટીવ કવાર્ટરમાં એકલી એકલી રહેતી હતી. અડોશી પાડોશી સાથે કોઈજ સંબંધ નહોતો અને આથી આ બંધિયાર વાતાવરણમાંથી તેને ભાગવું હતું.

‘આપણે લગ્ન વખતે નક્કી કર્યું હતું કે એક વર્ષ સુધી નો કિડ્સ. એનું શું થશે?’ વરુણે ભૂમિએ જોડેલા હાથ પકડી લીધા અને એની આંખોમાં આંખ નાખીને બોલ્યો.

‘કિડ્સ કેન વેઇટ ને વરુણ? હજી આપણે નાના છીએ, બે વર્ષ વધુ રોકાઈશું તો કશું ખાટુંમોળું નહીં થાય.’ વરુણે સહેજ પોઝીટીવ સંકેત આપ્યો એટલે ભૂમિના અવાજમાં આત્મવિશ્વાસ એનીમેળે વધી ગયો.

‘પણ એમએ થઈને કરીશ શું?’ વરુણે ભૂમિને સવાલ કર્યો.

‘અહીં કોઈ કોલેજમાં જોબ કરીશ, કદાચ. મારે હવે ઘરમાં ભરાઈ નથી રહેવું એન્ડ ધેટ્સ ફાઈનલ.’ ભૂમિએ ભારપૂર્વક કહ્યું.

‘જોબ? એટલે કિડ્સ માટે ફરીથી રાહ જોવાની?’ વરુણને ભૂમિની નોકરી કરવાની વાત કદાચ ન ગમી.

‘તને કિડ્સની કેમ આટલી ઉતાવળ છે વરુણ? હું ખાલી એકવીસ વર્ષની છું. એમએ કરીશ એટલામાં ત્રેવીસની થઈશ પછી કદાચ જોબ જો તરતજ મળી જાય તો બે-ત્રણ વર્ષે હું છવ્વીસની થઈશ ત્યારે પણ આપણે બાળક પ્લાન કરી શકીએ ને? હું ફરીથી કહું છું વરુણ, ઉંમર આપણી સાથે છે, તો એનો ફાયદો કેમ ન ઉઠાવીએ?’ ભૂમિએ મક્કમતાથી પોતાની વાત રજુ કરી.

‘અને હું તને બે વર્ષ મીસ કરીશ એનું શું?’ વરુણે તોફાની હાસ્ય સાથે જવાબ આપ્યો.

‘બે વર્ષ માટે શોધી લેજે કોઈ મીસ જમશેદપુર!’ ભૂમિ હસતાંહસતાં બોલી.

‘એટલે તું પણ બે વર્ષ માટે કોલકાતાનો કોઈ બંગાળીબાબુ શોધી લેવાનો પ્લાન કરી રહી છે એમ ને?’ વરુણે ભૂમિના ગાલ પર’ હળવેક ટપલી મારી.

‘યુ નેવર નો વરુણ...’ આટલું કહીને ભૂમિએ વરુણને આંખ મારી.

‘તો પછી જવા દે, નથી જવું કોલકાતા.’ વરુણે પણ હસીને જવાબ આપ્યો.

‘અરે શનિ-રવિ રજા હોય છે યુનિવર્સીટીમાં હું દર શુક્રવારે બપોરે લેક્ચર્સ પતાવીને સાંજે આવી જઈશ. તું ખાલી અઠવાડિયાના પાંચ દિવસ સંભાળી લેજે.’ ભૂમિએ વરુણનો હાથ પકડતા કહ્યું.

‘એટલે મેડમ બધું પહેલેથી જ નક્કી કરીને બેઠા છે એમ ને?’ વરુણના ચહેરા પર સ્મિત હતું.

‘હાસ્તો, લાસ્ટ વિક જ મે કુરિયરથી કોલકાતા યુનિવર્સીટીનું બ્રોશર મંગાવી લીધું હતું.’ ભૂમિએ ફરીથી આંખ મારી.

‘ઠીક છે, જ્યારે તું આટલી બધી પ્રીપેરેશન કરીને બેઠી છે તો મારે ના પાડવાનું કોઈ રીઝન નથી. મને અમસ્તીયે કરિયર ઓરિયેન્ટેડ વિમેન ગમે છે. મેરેજ પછી તું જ બધી ના ના કરતી હતી એટલે મેં કશાનો ફોર્સ ન કર્યો. આઈ હેવ નો પ્રોબ્લેમ. બસ વિકેન્ડ્સનું ધ્યાન રાખ'જે, નહીં તો હું આવી જઈશ ત્યાં તને લેવા.’ વરુણે ભૂમિને એમએ કરવા કોલકાતા જવાની મંજૂરી આપી દીધી.

‘ઓહ માય ગોડ એટલે તેં હા પાડી દીધી? આઈ કાન્ટ બીલીવ ધીસ. થેન્કયુ, વરુણ... થેન્કયુ વેરી મચ!’ આટલું બોલતાં જ ભૂમિ વરુણને વળગી પડી.

‘એકલા થેન્ક્સથી કામ નહીં ચાલે...’ ભૂમિને ભેટેલી અવસ્થામાં જ વરુણ બોલ્યો.

‘એટલે?’ ભૂમિ વરુણથી અળગી થઇ અને એની સામે જોઇને બોલી.

‘એટલે એમ કે મારે હા પાડવાની ફી તો તારી પાસેથી લેવી જ પડશે ને?’ આટલું બોલીને વરુણે ભૂમિના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને ધીમેધીમે એનું પાન કરવા લાગ્યો.

વરુણના હાથ ભૂમિના શરીર પર ફરવા લાગ્યા. એક વર્ષમાં વરુણ અને ભૂમિ એકબીજાની નજીક જરૂર આવ્યા હતા પરંતુ તેને માટે ભૂમિની હવે વરુણ જ હવે તેનું સર્વસ્વ છે એ નિર્ણય હતો અને એ કાયમ વરુણની હા માં હા મેળવતી. એવું નહોતું કે આજે વરુણમાં અચાનક જ લાગણીઓ ઉમટી પડી હતી, પરંતુ એક દિવસ અગાઉ તેના દ્વારા હોંગકોંગમાં કોઈ મોટી ડીલ સાઈન કરી હતી એટલે એ ખુશ હતો અને એના બોસે તેને અને તેના કલીગ્સને આજે ફરજીયાત ઘરે રહેવાનો અને ફેમીલી સાથે એન્જોય કરવાનો આદેશ આપ્યો હતો અને એટલે જ ભૂમિએ વરુણનો સારો મૂડ જોઇને પોતાની ઈચ્છા એની પાસે મનાવી લીધી હતી.

‘કોન્ડોમ તો લઇ લે?’ પોતાના ગળા પર ચુંબનોનો વરસાદ વરસાવી રહેલા વરુણને ભૂમિએ યાદ અપાવ્યું.

‘બેડરૂમમાં છે....’ વરુણ પાગલની જેમ ભૂમિ પર વરસી રહ્યો હતો.

‘તો પછી....?’ ભૂમિએ પૂછ્યું.

‘લેટ્સ ગો ધેર...’ આટલું કહીને વરુણ સોફા પરથી ઉભો થયો અને એણે બંને હાથે ભૂમિને ઉંચકી લીધી અને એને એ જ સ્થિતિમાં ઉપાડીને બેડરૂમ તરફ વળ્યો.

***

‘ધેટ્સ ઈટ! તારી પહેલી નોવેલ જ તને સુપર સ્ટાર ન બનાવી દે તો મારું નામ બદલી નાખજે!’ વ્રજેશ અત્યંત ઉત્સાહમાં બોલી રહ્યો હતો.

‘તારી મહેનત પણ એમાં સામેલ છે ગુરુ.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

‘ગુરુ?’ વ્રજેશને આશ્ચર્ય થયું.

‘હા.. ગુરુ. આ છ થી સાત મહિનામાં મે મારી નોવેલનું ટ્રાન્સલેશન કર્યું એ દરમિયાન તેં મને મારા અધકચરા ઈંગ્લીશને ફેયર કરી કરીને મારું ઈંગ્લીશ પણ એનીમેળે સુધારી દીધું એટલે થયોને તું મારો ગુરુ?’ સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

‘અરે ના યાર. આ તારી મહેનત છે કે તું રાત-દિવસ ટ્રાન્સલેશનમાં લાગી પડ્યો હતો અને હું ગમે તેટલી ભૂલો કાઢતો’તો પણ તે કોઈ વખત કંટાળો બતાવ્યો નથી. મને ખબર છે સૌમિત્ર તું ઘણી વખત રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી કામ કરતો અને પાછો વહેલી સવારે ઉઠીને ફરીથી ટ્રાન્સલેશન કરવાનું શરુ કરી દેતો. તને સલામ છે તારા પેશનને યાર!’ વ્રજેશ સૌમિત્રને ભેટી પડ્યો.

‘સાચું કહું તો મને એક લગની લાગી ગઈ છે કે કશું પણ થાય મારી આ નોવેલ પબ્લીશ જરૂરથી થવી જોઈએ, ચાહે ગુજરાતીમાં થાય કે ઇંગ્લીશમાં. અને મને તારા ફેયર કરેલા ફકરાઓ ફરીથી લખવાનો જરાય કંટાળો નહોતો આવતો જેટલો પપ્પાની એકની એક વાત સાંભળવાનો આવતો હતો. મોડી રાત સુધી જાગતો એ એમને જરાય નહોતું ગમતું. એમને એ જોવાની જરાય દરકાર નહોતી કે એમનો દીકરો કશુંક નવું કરી રહ્યો છે અને એની પાછળ જબરી મહેનત કરી રહ્યો છે. એમને તો બસ એમના લાઈટ બીલની ચિંતા હતી.’ સૌમિત્રનું સ્મિત બરકરાર હતું.

‘અરે જનક અંકલને તો આપણે બધા જાણીએ જ છીએ ને? ફિકર નોટ. હવે આપણા પ્રોજેક્ટનો એ સૌથી અઘરો પીરીયડ પૂરો થઇ ગયો છે. હવે જે થશે એ બધું સારું જ થશે’ વ્રજેશે સૌમિત્રને સધિયારો આપતા કહ્યું.

‘હમમ.. એ પણ ઇઝી તો નહીં જ હોય. અને આ બધું મમ્મીના ટેકા વગર પોસીબલ નહોતું. એ મૂંગા મોઢે મારી મહેનતને વખાણતી. એનો ચહેરો જોઇને જ મને ખબર પડી જતી. રાત્રે ઘણીવાર બે વાગ્યે પણ એની આંખ ઉઘડી જાય અને મને લખતા જૂવે કે તરતજ ખાનગીમાં મારા માટે ચા બનાવીને લાવે.’ સૌમિત્ર હસી રહ્યો હતો, પણ એના ચહેરા પર અંબાબેન પ્રત્યે અત્યંત માનની લાગણી જોઈ શકાતી હતી.

‘કેમ ખાનગીમાં?’ વ્રજેશ સૌમિત્રની વાત સમજી ન શક્યો.

‘જો એ મને પૂછે કે મારે ચા પીવી છે કે નહીં તો હું ના જ પાડીશ એની એને ખાતરી હોય જ. પણ દીકરો આટલી મહેનત કરી રહ્યો હોય અને એ પણ મોડી રાત સુધી એટલે એને માટે ચા તો બનાવવી જ જોઈએને? એટલે મને પૂછ્યા વગર ખાનગીમાં ચા બનાવે અને મારી બેડની બાજુના ટેબલ પર મૂકીને કશું પણ બોલ્યા વગર મારા માથે હાથ ફેરવીને જતી રહે.’ સૌમિત્ર થોડો ઈમોશનલ બન્યો.

‘મમ્મીઓ હોય જ એવી.’ વ્રજેશ હસીને બોલ્યો.

‘હા યાર.. તો હવે? ટ્રાન્સલેશન તો મસ્ત પતી ગયું. આગળ શું?’ સૌમિત્ર બોલ્યો.

‘આગળ વડાપાંઉની પાર્ટી.’ વ્રજેશ હસી રહ્યો હતો.

‘અરે એ તો આપણે હમણાં જઈએ જ છીએ. નોવેલનું શું?’ સૌમિત્ર પણ હસીને બોલ્યો,

‘મુંબઈ.’ વ્રજેશ ઠંડકથી બોલ્યો.

‘મુંબઈ?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘યેસ, મુંબઈ!’ વ્રજેશના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘સમજણ પડે એમ બોલને યાર.’ સૌમિત્ર સહેજ અકળાયો.

‘નિશા ની કોલેજમાં એક ખાસ ફ્રેન્ડ હતી, રાધર છે. ધરા, ધરા સોની. એ મુંબઈના ગ્રાન્ડ પબ્લીકેશન્સમાં ક્રિએટીવ ડીપાર્ટમેન્ટમાં છે અને મુંબઈમાં જ રહે છે. એની જોડે મારે લાસ્ટ વિક વાત થઇ છે અને તારે આ તારી નોવેલના કોઇપણ ત્રણ ચેપ્ટરની ઝેરોક્સ કાઢીને એને કુરિયર કરવાના છે. ધરા તારા આ ત્રણ ચેપ્ટર્સને વાંચશે એને ગમશે તો ઓકે કરીને એના બોસને રેકમેન્ડ કરશે. પછી એક દિવસ નક્કી કરીને તારે એ બંનેને મળવા મુંબઈ જવું પડશે અને પછી બધું તારા અને એ બંને પર છે કે તારી નોવેલ એ લોકો પબ્લીશ કરશે કે નહીં કરે.’ વ્રજેશ એક શ્વાસે બોલી ગયો.

‘હે ભગવાન, તેં આટલી બધી તૈયારીઓ કરી રાખી છે મારા માટે? થેન્કયુ યાર!’ આટલું બોલતાની સાથેજ સૌમિત્ર વ્રજેશને વળગી પડ્યો અને રીતસર રડવા લાગ્યો.

‘અરે યાર રડે છે શું કરવા? હવે જ તો પોઝીટીવ રહેવાનું છે. ચલ શાંત થઇ જા.’ વ્રજેશ સૌમિત્રની પીઠ પર હાથ ફેરવતા બોલ્યો.

‘ખરેખર વ્રજેશ મને આજે ખાતરી થઇ ગઈ કે દોસ્તી જેવો મજબૂત સંબંધ કોઈ જ નથી હોતો, પ્રેમ પણ નહીં. સૌમિત્ર પોતાની આંખ લૂછતાં બોલ્યો.

‘ચલ ચલ હવે પાગલ જેવી વાતો ના કર. અમદાવાદ જઈને પહેલા આ અડ્રેસ પર ધરાને તને ગમતા કોઇપણ ત્રણ ચેપ્ટર્સ કુરિયર કરી દેજે. અને હા તારા વિષે થોડી માહિતી અને નોવેલ વિષેની ટૂંકી માહિતી અલગ અલગ કાગળો પર જરૂરથી લખજે.’ વ્રજેશે ધરાનું એડ્રેસ સૌમિત્રને આપતા કહ્યું.

‘તેં આટલું બધું કરી નાખ્યું અને આટલું બધું કહી દીધું પણ એક વાત પર તારું ધ્યાન નથી ગયું લાગતું.’ સૌમિત્ર હસીને બોલ્યો.

‘કઈ વાત?’ વ્રજેશને નવાઈ લાગી.

‘ધરા... મારી નોવેલનું નામ પણ ધરા જ છે ને?’ સૌમિત્રએ સ્મિત સાથે કહ્યું.

‘અરરે હા યાર.... મારું તો ધ્યાન જ ન ગયું એના પર! વ્હોટ અ કો-ઇન્સીડ્ન્સ!!’ વ્રજેશ રીતસર ઉછળી પડ્યો.

‘હા યાર.. જબરો યોગાનુયોગ થયો છે. નોવેલનું નામ પણ ધરા અને એને કદાચ અપ્રુવ કરનારી વ્યક્તિનું નામ પણ ધરા!’ સૌમિત્ર હસી પડ્યો.

‘પણ આ તો તારી લાઈફની વાર્તા છે ને? હું સમજી શકું છું કે હિરો-હિરોઈનનું નામ સૌમિત્ર અને ભૂમિ ન આપી શકાય પણ ધરા પાછળ કયું લોજીક છે દોસ્ત?’ વ્રજેશે પૂછ્યું,

‘ભૂમિ... ધરા... બંનેના મતલબ તો એક જ ને?’ સૌમિત્રએ સ્મિત સાથે જવાબ આપ્યો.

‘જબરદસ્ત યાર! માની ગયા તને!! પૂરેપૂરો લેખક થઇ ગયો તું તો.’ આટલું કહેતાની સાથેજ વ્રજેશે સૌમિત્રનો હાથ લઈને ખુબ દબાવ્યો.

***

કોલકાતા....

આમ તો ભારતના ચાર મહાનગરોમાં એનું નામ આવે, પરંતુ બાકીના ત્રણ મહાનગરોથી એનો સાવ અલગ સ્વભાવ. અન્ય મેટ્રો સીટીઝની જેમ કોલકાતા મોડું સુવે જરૂર પણ એમની જેમ વહેલું નહીં પરંતુ ઘણું મોડું ઉઠે. જૂન મહિનાનું તાપમાન આમ તો ત્રીસીમાં રહે પરંતુ બંગાળની ખાડી પડોશમાં હોવાને લીધે ભેજ એટલો બધો કે તમને આખો દિવસ પરસેવો પડાવી પડાવીને સાંજે રૂની પૂણી જેવા બનાવી દે.

વરુણની મંજૂરી મળ્યા બાદ ભૂમિએ મે મહિનાની શરૂઆતમાં જ કોલકાતા યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સમાં એડમીશન લઇ લીધું હતું. વરુણ, ભૂમિ કોલકાતામાં આવનારા બે વર્ષ અઠવાડિયામાં પાંચ દિવસ એકલી રહેવાની હોવાથી કોઈજ ચાન્સ લેવા નહોતો માંગતો અને પૈસેટકે પણ એને કોઈ વાંધો ન હતો એટલે એક દિવસ એ પોતે અને ભૂમિ પોતાની ઓફીસના કોઈ મોટી પોસ્ટ ઉપર રહેલા સહકર્મચારીનો એરપોર્ટ વિસ્તારમાં ખાલી પડી રહેલો પોશ ફ્લેટ જોઈ ગયા અને ભૂમિ માટે તેને ભાડે પણ રાખી લીધો. પરંતુ આજે ભૂમિ પોતાના એમએ ના ક્લાસીસ શરુ કરવાની હતી એટલે એ સીધી જ હાવડા રેલ્વે સ્ટેશનેથી કોલકાતા યુનિવર્સીટી આવી હતી. પરંતુ એને ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સના આવડા મોટા બિલ્ડીંગમાં પોતાનો ક્લાસ નહોતો મળી રહ્યો એટલે એને શોધી રહી હતી અને આમ કરતાં કરતાં એને ખૂબ વાર લાગી રહી હતી.

ભૂમિની ઘડિયાળ ક્લાસ શરુ થવાને માત્ર પંદર મિનીટ જ બાકી હોવાનું બતાવતી હતી એટલે એ થોડી હાંફળીફાંફળી થઇને અહીં તહીં દોડી રહી હતી.

‘હેલ્પ જોઈછી મેડોમ?’ અચાનક જ પાછળથી કોઈએ ભૂમિને પૂછ્યું.

‘ઓહ યેસ, વ્હેર ઈઝ ક્લાસ ફોર ફર્સ્ટ યર એમએ?’ ભૂમિએ પેલા વ્યક્તિ તરફ વળીને એની સામે જોઇને પૂછ્યું.

‘ફાર્સ્ટ ફ્લોર, શેકોંડ રૂમ ફ્રામ લેફ્ટ.’ પેલા વ્યક્તિએ હસીને તેના બંગાળી ઉચ્ચારમાં જવાબ આપ્યો. આ વ્યક્તિ પણ લગભગ ભૂમિની ઉંમરનો જ હતો. ભૂમિથી લાંબો અને એકદમ પાતળા બાંધાનો હતો. ખાદીનો લાઈટ કેસરી ઝભ્ભો અને જીન્સ પહેરેલા આ વ્યક્તિએ પોતાના ચહેરા પર દાઢી વધારી હતી પણ એને સરસ ટ્રીમ પણ કરી હતી. એનો ચહેરો અને એના ઉચ્ચારો એના બંગાળી હોવાની ચાડી ખાતા હતા.

‘ઓકે, થેન્ક્સ.’ ભૂમિ તેને થેન્ક્સ કહીને આગળ વધી.

‘તોમાર નામ કી મેડોમ?’ પેલો વ્યક્તિ ભૂમિની પાછળ પાછળ જ ચાલી રહ્યો હતો.

‘નન ઓફ યોર બીઝનેસ.’ ભૂમિએ પેલા તરફ જોયા વગર જ બિલ્ડીંગ તરફ ચાલવાનું ચાલુ રાખ્યું.

‘નોન બેંગોલી?’ પેલાએ બીજો સવાલ કર્યો.

‘નન ઓફ યોર બીઝનેસ આઇધર.’ ભૂમિ હજીપણ બિલ્ડીંગ તરફ આગળ વધી રહી હતી અને થોડા ગુસ્સામાં પણ હતી. એકબાજુ એને પહેલા દિવસે પહેલા જ લેક્ચરમાં મોડું નહોતું પહોંચવું અને બીજીબાજુ આ અજાણ્યો વ્યક્તિ જેને એણે એનો ક્લાસ ક્યાં છે એટલું પૂછ્યું ત્યાં તો એની પાછળ જ પડી ગયો હતો.

‘ભી આર હિયર ટુ લાર્ન ઇકોનોમિક્સ મેડોમ એન્ડ નાટ ફાર લાર્નીંગ ભીજનેસ.’ પેલા બંગાળીએ હજીપણ બોલવાનું અને ભૂમિનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને હવે એ એના જ નબળા જોક પર હસી પણ રહ્યો હતો જેણે ભૂમિને વધારે ઇરીટેટ કરી.

હવે ભૂમિ રોકાઈ. એ ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સના ભવ્ય બિલ્ડીંગના દાદરાની સાવ નજીક આવી ગઈ હતી.

‘વ્હોટ યુ વોન્ટ મિસ્ટર? મૈ આપકો જાનતી તક નહીં ઔર આપ મેરા પીછા કર રહે હૈ? આજ ફર્સ્ટ ડે હૈ, ક્યા આપ ચાહતે હૈ કી મૈ ફર્સ્ટ ડે પર હી આપકી કમ્પલેંટ કર દું?’ ભૂમિએ મક્કમતાથી પેલાને કહ્યું એના ચહેરા પર પણ એવી જ સખ્તાઈ હતી જે એના શબ્દોમાં હતી.

‘કોમ્પ્લેંટ કોરના ચાહો તો કોર શોકતી હો, બટ ધ લોસ ભીલ ભી યોર્સ મિસ ભૂમિ પોટેલ!’ પેલાને ભૂમિનું નામ પણ ખબર હતી.

‘આપ કો મેરા નામ કૈસે પતા હૈ?’ ભૂમિ આઘાતમાં હતી. જે વ્યક્તિને આજે તેણે એની જિંદગીમાં પહેલી વખત જોયો હતો એને એના નામની ખબર કેવી રીતે પડી?

‘યે...આપકે આઈકાર્ડ સે...’ પેલાએ એના ઝભ્ભાના ખીસામાંથી ભૂમિનું આઇકાર્ડ કાઢીને એની સામે ધર્યું.

‘ઓહ માય ગોડ...યે આપ કો કિધર સે મિલા.’ ભૂમિએ પળવારની પણ રાહ જોયા વિના તરતજ પેલાની આંગળીઓ વચ્ચેથી ખેંચી લીધું એના અવાજમાં હવે નરમાશ આવી ગઈ.

‘ઉધર મેઈન ગેટ પોર ગીરા પોડા થા તો હમને ઉઠા લીયા. પહીલા આમી શોચી કે ડીપાર્ટમેન્ટમે શોબમીટ કોર દું, ફિર આપકો ઇધોર કી તોરોફ ચોલતે હુએ દેખા ઔર આઇકાર્ડકે ફોટોસે આપકો મેચ કિયા.. પર કોન્ફર્મ કોરને કે લિયે આપના નામ એન્ડ આપ નોન બેંગોલી હો કે નેહી વો પૂછ રોહા થા..’ હવે પેલાએ ભૂમિની પાછળ પડવાનું ખરું કારણ બતાવ્યું.

‘ઓહ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મુજે માલુમ નહીં થા આપ ઇસ લિયે મેરે પીછેપીછે આ રહે થે. થેન્ક્સ વેરી મચ..મિસ્ટર...મિસ્ટર...’ ભૂમિએ પેલાને સોરી કહ્યા બાદ એને એનું આઈકાર્ડ સાચવીને એને પરત કરવા માટે થેન્ક્સ કહેવા હતા, પણ પેલાનું નામ એને ખબર ન હતું.

‘શોમિત્રો... આમી શોમિત્રો... શોમિત્રો બેનરજી...’ પેલાએ હસીને એનો હાથ ભૂમિ તરફ લંબાવ્યો અને ભૂમિ એનું નામ સાંભળીને રીતસર હેબતાઈ ગઈ અને એ આપોઆપ બે ડગલાં પાછળ જતી રહી.

***

પ્રકરણ ૨૨

‘હેલ્લો ઈઝ ધીસ સૌમિત્ર પંડ્યા?’ સવારના અગિયાર વાગ્યા હતા. સૌમિત્ર હજી ઉઠ્યો જ હતો અને છાપાં ઉથલાવી રહ્યો હતો ત્યાં જ એની બાજુમાં પડેલો ફોન વાગ્યો અને સામેથી એક મીઠો અવાજ આવ્યો.

‘હા જી, આપ કોણ?’ સૌમિત્ર એના ઊંઘરેટા અવાજમાં જ બોલ્યો.

‘હાઈ, આઈ એમ ધરા સોની ફ્રોમ બોમ્બે. તમે મને તમારી નોવેલના ત્રણ ચેપ્ટર્સ મોકલ્યા હતા.’ સામેથી ધરા બોલી.

‘અરે હા, હા, હા. ઓળખી ગયો, બોલો બોલો ધરા.’ ધરાનું નામ સાંભળતા જ ઉત્સાહિત થઇ ગયેલા સૌમિત્રએ છાપાને એવી રીતે બાજુમાં મુક્યું કે એનો સાવ ડૂચો થઇ ગયો અને સામે બેઠેલા જનકભાઈનું નાકનું ટીચકું ચડ્યું. એક તો સૌમિત્ર આજે છેક અગિયાર વાગે ઉઠ્યો હતો એનો ગુસ્સો તો એમને હતો જ, એમાં આ...પણ એ મૂંગા રહ્યા.

‘મને તમારા ત્રણેય ચેપ્ટર્સ ખૂબ ગમ્યા છે સૌમિત્ર. ઇન ફેક્ટ મને તો હવે આખી નોવેલ વાંચવાનું મન થઇ ગયું છે.’ ધરાના અવાજમાં ઉત્સાહ હતો.

‘ખરેખર? થેન્ક્સ!’ સૌમિત્ર ધરાના ઉત્સાહભર્યા અવાજથી ખુદ પણ ઉત્સાહ ફીલ કરવા લાગ્યો. એને અંદર અંદરથી એવું લાગવા માંડ્યું કે ધરા એને કદાચ બહુ જલ્દીથી ખુબ સારા સમાચાર કહેવા જઈ રહી છે.

‘મે મારા બોસને તમારી નોવેલ રેકમેન્ડ કરી છે. અમમ... તમે નેક્સ્ટ વીક બોમ્બે આવી શકો? આપણે બોસ સાથે વન ટુ વન મિટિંગ કરી લઈએ.’ ધરાએ સૌમિત્રને જણાવ્યું.

‘હા હા કેમ નહીં, બોલો ક્યારે આવું?’ સૌમિત્રને એની નોવેલ લખ્યા પછી પહેલી વખત આટલો પોઝીટીવ રિસ્પોન્સ કોઈ પબ્લીશર પાસેથી મળ્યો હતો એટલે એ કોઈજ ચાન્સ લેવા માંગતો ન હતો.

‘બને તેટલું વહેલું. આઈ નો કે તમને ટિકિટ મળવામાં તકલીફ પડશે, બટ આઈ અડવાઈઝ કે તમે બને તો એક-બે દિવસમાં જ બોમ્બે આવી જાવ, બોસનું નક્કી નહીં એમને ક્યાંક કોઈ બિઝનેસ મિટિંગ ફિક્સ થઇ જાય તો? એટલે એ ગમે ત્યારે ક્યાંક ભાગી જશે.’ ધરાએ સૌમિત્ર સામે એને પડી શકનારી તકલીફ જણાવી.

‘એક કામ કરોને? મને તમારો નંબર લખાવો, હું તમને સાંજ સુધીમાં કહી દઉં તો ચાલે?’ સૌમિત્રએ ધરાને પૂછ્યું.

‘હા હું તમને મારા ઘરનો નંબર આપું છું કારણકે આજે સન્ડે છે એટલે હું ઘરે જ છું. પણ સાંજે મને કોલ કરો તો નવ પછી કરજો, કારણકે સન્ડે છે એટલે હું બહાર હોઈશ.’ આટલું કહીને ધરાએ એના ઘરનો નંબર લખાવ્યો અને પછી ઓફીસનો નંબર પણ લખાવ્યો.

‘હું એટલો ટાઈમ નહીં લઉં. બને એટલો વહેલો જ કોલ કરીશ.’ સૌમિત્રએ ધરાને ધરપત આપી.

‘ગ્રેટ. તો હું તમારા ફોનની રાહ જોઇશ. આઈ હોપ કે વી વિલ મીટ ઇન નેક્સ્ટ ટુ ઓર થ્રી ડેયઝ.’ ધરાએ ફરીથી સૌમિત્રને ફરીથી બને તેટલું વહેલું મુંબઈ આવી જવાનું યાદ અપાવ્યું.

‘પાક્કું.’ સૌમિત્રએ ધરાને ખાતરી આપી.

‘ઓકે ધેન, એન્જોય યોર સન્ડે. બાય.’ આટલું કહીને ધરાએ ફોન કટ કરી દીધો.

***

‘કાલે ફરીથી પેલાનું મોઢું જોવું પડશે. મારે એના નામથી પણ દૂર રહેવું હતું પણ અમદાવાદથી આટલે દૂર આવ્યા છતાંયે એના નામે મારો પીછો નથી છોડ્યો. મને જો યાદ હોત કે બંગાળીઓમાં એ નામ હોય છે તો હું ક્યારેય કોલકાતા એડમીશન લેવાની જીદ ન કરત. અરે અહીં જમશેદપુરમાં પણ એમએ કરી શકી હોત ને? કે પછી વરુણનું માનીને કોરસ્પોન્ડન્સ કોર્સ કરી લીધો હોત તો પણ શું વાંધો હતો? પણ ના આપણને તો ક્લાસમાં ભણવાની અને પ્રોફેસરો પાસેથી ડાયરેક્ટ શીખવાની મહાન ઈચ્છા થઇ આવી હતી ને? હવે ભોગવો બે વરસ! પેલાના નામધારી બંગાળી તો પાછો પીછો જ છોડતો નથી, આખો દિવસ મેડોમ મેડોમ કરીને પાછળને પાછળ જ ફરતો રહે છે. એણે મારું આઇકાર્ડ જોયું છે એટલે એને ખબર જ હશે કે હું મેરીડ છું તો પણ ખબર નહીં એને કેમ મારામાં આટલો બધો રસ છે? એટલીસ્ટ એનું નામ બીજું હોત તો પણ હું એની સાથે થોડી વખત વાત કરી લેત આ તો એ જેવો સામે આવે છે કે મને તરતજ પેલો દેખાઈ આવે છે. મને લાગે છે કે મારે કોઈ છોકરીને ફ્રેન્ડ બનાવી લેવી પડશે એટલે આનાથી છૂટકારો થાય અને મારો પણ ટાઈમપાસ થાય. વરુણ પણ આપણે વિકેન્ડમાં સાથે રહીશુંની મોટી મોટી વાતો જ કરતો હતો. બસ કાલે હું ફર્સ્ટ વિકેન્ડમાં આવી અને ભાઈસાહેબ ઉપડી ગયા બોમ્બે ચાર દિવસ માટે. એ હોત તો એનું માથું ખાઈને પણ પેલાને બે દિવસ ભૂલી જવાની ટ્રાય કરત, પણ એકલા એકલા એનો જ ચહેરો સામે દેખાય છે અને એનું મેડોમ મેડોમ કાનમાં અફળાય છે.’

વિકેન્ડમાં જમશેદપુર આવેલી ભૂમિ ઘરમાં એકલી એકલી પોતાની સાથે વાત કરી રહી હતી. એને કદાચ સ્વપ્નેય ખ્યાલ નહોતો કે જે સૌમિત્રના નામથી જ એને આટલી નફરત છે એ જ સૌમિત્રનું નામ અમદાવાદથી બે હજાર કિલોમીટર દુર શોમિત્રો તરીકે એની સામે ફરીથી આવીને ઉભું રહેશે. ભૂમિને ખબર નથી પણ એની અને સૌમિત્ર વચ્ચે કોઈ એવું બંધન જરૂર છે જે કોઈને કોઈ રીતે એમને એકબીજાથી લાંબો સમય દૂર થવા નથી દેતા.

***

‘હા ધરા? હું સૌમિત્ર બોલું છું. હું આવતીકાલે સવારે જ ગુજરાત એક્સપ્રેસમાં નીકળું તો?’ નક્કી થયા મુજબ સૌમિત્રએ ધરાને એ જ દિવસે રાત્રે નવ-સાડાનવ ની આસપાસ કોલ કર્યો.

‘ધેટ્સ ગ્રેટ, તમને ટિકિટ મળી ગઈ આટલી જલ્દી?’ ધરાને નવાઈ લાગી.

‘અરે ના, હું જનરલ બોગીમાં જ બેસી જઈશ.’ સૌમિત્રએ પોતાનો પ્લાન જણાવ્યો.

‘ઓહ, પણ તમને બહુ તકલીફ પડશે એમાં?’ ધરાના અવાજમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

‘આ એક વર્ષમાં જે તકલીફ વેઠી છે એનાથી તો એ ઓછી જ હશે અને મુંબઈ આવીને તમને તમારા બોસને મળીને મારી નોવેલ એક્સ્પ્લેન કરવાના ઉત્સાહમાં રસ્તો કેવી રીતે કપાઈ જશે એની ખબર પણ નહીં પડે.’ સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

‘ગૂડ, આઈ લાઈક યોર સ્પિરિટ. પણ તમે ગુજરાત એક્સપ્રેસમાં આવો છો તો તમે તો બપોરે લગભગ ત્રણ વાગ્યે બોરીવલી ઉતરશો ને?’ ધરાએ પૂછ્યું.

‘હા, હું તો પહેલી વખત મુંબઈ આવું છું, પણ મારા પપ્પા કહેતા હતા કે એટલા તો વાગી જ જશે.’ સૌમિત્ર બોલ્યો.

‘તો આપણે મિટિંગ ટ્યુઝ ડે ની રાખવી પડશે કારણકે સાંજે એમ ઉતાવળમાં બોસ પાસે બેસીને મજા નહીં આવે.’ ધરા બોલી.

‘મંગળવારે કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને?’ સૌમિત્રને ચિંતા થઇ ક્યાંક ધરાનો બોસ મંગળવારે ક્યાંક જવાનો હોય તો એને વળી મોડું જવાનું આવે.

‘અરે ના, પણ તમે પછી રાત્રે રોકાશો ક્યાં?’ ધરાએ મહત્ત્વનો સવાલ કર્યો.

‘મારો વિચાર તો સાંજે મિટિંગ પતાવીને સેન્ટ્રલ જતા રહેવાનો હતો. ત્યાં કોઈક નાનકડા ગેસ્ટહાઉસમાં રાત રોકાઈ ને બીજે દિવસે તમારા બોસનું ડીસીઝન જાણીને રાતની ટ્રેનમાં જ અમદાવાદ પાછા આવવાનું વિચાર્યું હતું . પપ્પા ઘણી વખત મુંબઈ ગયા છે એમની પાસે એક-બે કાર્ડ છે આવા ગેસ્ટહાઉસના.’ સૌમિત્રએ ધરાને પોતે ક્યાં રોકાશે એ નક્કી જ હોવાનું જણાવ્યું.

‘અરે ના ના પાછું ટ્યુઝ ડે તમે સેન્ટ્રલથી અંધેરી આપણી ઓફીસ આવશો? સવારે તો કેટલી ભીડ હોય અને પાછું તમે કહો છો એમ તમે ફર્સ્ટ ટાઈમ બોમ્બે આવો છો.’ ધરાનો અવાજ વધારે ચિંતિત બન્યો.

‘અરે એમાં શું, થઇ પડશે.’ સૌમિત્ર નિશ્ચિંત હતો.

‘નો વેઝ. આ મહિનામાં મુંબઈમાં ગમેત્યારે વરસાદ પડે છે. હજી હમણાં જ એક ઝાપટું આવી ગયું. તમે એક કામ કરો.’ ધરાએ સૌમિત્રને આગાહ કર્યો.

‘બોલો.’ સૌમિત્રને ધરા હવે શું કહેશે તેમાં રસ હતો.

‘તમે બોરીવલી જ ઉતરી જાવ અને પછી મને ઓફીસના નંબર પર કોલ કરજો. હું તમારી વ્યવસ્થા કરાવી દઈશ.’ ધરાએ રીતસર હુકમના સ્વરમાં કહ્યું.

‘અરે ના, તમે શું કરવા તકલીફ લ્યો છો?’ સૌમિત્રને કોઈના પણ ઉપકાર નીચે દબાવું ન હતું.

‘હવે આમાં તકલીફ શેની? તમે અમારી કંપનીના પોટેન્શીયલ રાઈટર છો અને તમારું અકાઉન્ટ મારે જ હેન્ડલ કરવાનું છે. જો તમારી ધરા બેસ્ટ સેલર થઇ ગઈ તો આ ધરાને પણ ફાયદો થશે જ ને? એટલે હું આ બધું મારા ફાયદા માટે પણ કરું છું.’ ધરા બોલતાં બોલતાં જરૂર હસી રહી હશે એવું સૌમિત્રને લાગ્યું.

‘ઠીક છે, પણ બહુ મોંઘી હોટલમાં રૂમ બૂક ન કરતા પ્લીઝ, મને નહીં ગમે.’ સૌમિત્રએ પોતાની શરત મૂકી.

‘એની ચિંતા તમે ન કરો. બસ કાલે આવી જાવ. હું રાહ જોઇશ. અને હા! નોવેલની આખી ફાઈલ લાવવાનું ન ભૂલતા.’ ધરાએ સૌમિત્રને તાકીદ કરી.

***

‘મુંબઈનું કામ ન થયું તો?’ રાત્રે વ્રજેશ અને હિતુદાનને પોતાના મુંબઈ જવા બાબતે સૌમિત્ર કોલ કરીને એના રૂમમાં એની બેગ પેક કરતો હતો ત્યારે જ જનકભાઈ એના રૂમમાં આવ્યા અને બોલ્યા.

‘ભૈશાબ, તમે એને જતા પહેલાં જ કેમ અપશકન કરાવો છો.’ જનકભાઈને સૌમિત્રના રૂમમાં જતા જોઇને અંબાબેન તરતજ તેમની પાછળ દોડ્યા હતા.

‘આમને આમ વરસ થયું. એણે મને કીધું હતું કે જો વરસમાં એ સેટલ નહીં થાય તો પછી નોકરી કરશે, એટલે મારે એને યાદ તો દેવડાવવું પડે ને?’ જનકભાઈ એમની આદત મુજબ દાઢમાં બોલી રહ્યા હતા.

‘આમ તો મેં તમારી પાસે આ ડિસેમ્બર સુધીનો ટાઈમ લીધો હતો, પણ જે રીતે બધું ચાલી રહ્યું છે, આ ખરેખર મારી લાસ્ટ ટ્રાય છે, એટલે જો મુંબઈથી ના આવશે તો હું નોકરી જ શોધવા લાગીશ.’ સૌમિત્રએ એની આદત મુજબ જનકભાઈને રુક્ષતાથી જવાબ આપ્યો.

‘ના ના સવ સારાવાનાં થશે. મારો દીકરો ફતે કરીને જ મુંબઈથી પાછો આવશે, મને વિશ્વાસ છે.’ અંબાબેને એમનાથી સારએવા ઊંચા એવા સૌમિત્રના માથે હાથ ફેરવતા કહ્યું.

‘બસ આમ જ તમે એને બગાડ્યો છે.’ જનકભાઈએ એમની આદત મૂજબ અંબાબેન પર એ જ જૂનો આરોપ ફરીથી મૂકીને રણ છોડી દીધું અને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યા.

‘તું ન હોત ને મમ્મી તો હું....’ આટલું બોલીને સૌમિત્ર અંબાબેનને ભેટી પડ્યો, એની આંખ ભીની હતી.

‘ના મારા બટા, તને મુસીબત આવે એ પહેલાં એણે મને મળવું પડે. તું ચિંતા ન કર મારા દીકરા, તારી મમ્મી તારી સાથેજ છે, જ્યાં સુધી જીવશે ત્યાં સુધી.’ સૌમિત્રની પીઠ પર હાથ ફેરવતાં અંબાબેન બોલ્યા.

‘ભગવાન કરે તું ખૂબ લાંબુ જીવે.’ સૌમિત્ર બોલ્યો.

***

‘અરે તું?’ લગભગ સવારે સાડા પાંચ વાગ્યે પોતાના રૂમમાં તૈયાર થઈને બેગ લઈને લીવીંગ રૂમમાં આવેલા સૌમિત્રએ સોફા પર વ્રજેશને બેસેલો જોયો અને આશ્ચર્ય સાથે એનું મોઢું ખુલ્લું રહી ગયું.

‘તું તારી લાઈફનું સૌથી મોટું કામ કરવા જઈ રહ્યો છે, તો તને વિશ કરવા તો મારે આવવું જ પડે ને?’ વ્રજેશે સૌમિત્રને ગળે વળગાડી લીધો.

‘પાંચ વાગ્યાનો આવી ગયો છે. મને કે’ કે સૌમિત્રને તૈયાર થવા દો માસી, અત્યારે એને કહેશો તો વાતો કરવામાં નાહક સમય બગડશે. લ્યો તમે બેય શાંતિથી ચા પીઓ હવે.’ અંબાબેને પોતાના બંને હાથમાં રહેલા ચા ના કપ રકાબી સૌમિત્ર અને વ્રજેશ સામે ધર્યા.

‘પાંચ વાગ્યે આવી ગયો તો ગાંધીનગરથી નીકળ્યો ક્યારે?’ સૌમિત્ર કપ રકાબી સાથે સોફા પર બેસતાં બોલ્યો.

‘સાડાત્રણની આસપાસ. ગાડી ફ્રી હતી એટલે પપ્પાની પરમીશન લઈને હું ને ગઢવી બેય નીકળી પડ્યા તને વિશ કરવા.’ વ્રજેશ હસીને બોલ્યો.

‘તો આપણો હીરો ક્યાં?’ સૌમિત્ર હિતુદાનને શોધવા લાગ્યો.

‘એને મે સ્ટેશને ઉતારી દીધો. એ જેવી ગુજરાત એક્સપ્રેસ પ્લેટફોર્મ પર લાગશે એટલે જનરલ બોગીમાં એની મજબૂત કોણીઓનો યોગ્ય ઉપયોગ કરીને તારી જગ્યા રોકી રાખશે.’ વ્રજેશ ચ્હાની ચૂસકી લેતા બોલ્યો એ હસી રહ્યો હતો.

‘તમે બેય તો યાર ગજબ છો!’ સૌમિત્રને આશ્ચર્ય થયું.

‘દોસ્ત માટે આટલું તો કરાય એમાં ગજબ શેનું?’ વ્રજેશે સૌમિત્રનો હાથ દબાવ્યો અને કપ રકાબી નજીક પડેલા ટેબલ પર મુક્યા.

‘આટલું પણ કોણ કરે છે યાર... બે સેકન્ડમાં પાકો સંબંધ તોડીને નફરત કરનારા પણ જોયા છે મેં.’ સૌમિત્રનો સ્પષ્ટ ઈશારો ભૂમિ તરફ હતો, એના ચહેરા પર સ્મિત હતું પણ અંદરથી એને દુઃખ થઇ રહ્યું હતું.

‘ચલ હવે નીકળીએ સાત ને પાંચની ટ્રેન છે પણ આપણે નીકળી જવું જોઈએ.’ વ્રજેશે સૌમિત્રનું ધ્યાન બીજે વાળવાનો પ્રયાસ કર્યો.

‘હા હા ચલ નીકળીએ.’ સૌમિત્ર પણ પોતાના કપ રકાબી ટેબલ પર મુકતાની સાથેજ ઉભો થઇ ગયો.

‘પૂરતા પૈસા છે ને તારી પાસે?’ વ્રજેશ ખિસ્સામાં હાથ નાખતા બોલ્યો. જવાબમાં સૌમિત્રએ એનો હાથ પકડીને દબાવ્યો અને આંખના ઈશારે જ હા પાડી દીધી.

‘મમ્મી અમે નીકળીએ.’ રસોડામાં કોઈ કામ કરી રહેલા અંબાબેનને સૌમિત્રએ હળવેકથી બૂમ પાડીને કહ્યું.

‘એ ઉભો રે બટા.’ આટલું કહીને અંબાબેન રસોડામાંથી બહાર આવ્યા અને ડાઈનીંગ ટેબલ પર રાખેલું એક કવર લઈને આવ્યા અને સૌમિત્રની સામે ધર્યું.

‘આ શું છે મમ્મી?’ સૌમિત્રએ કવર સામે જોતા પૂછ્યું.

‘તારા પપ્પાએ રાત્રે તારા માટે પાંચ હજાર રૂપિયાનું કવર બનાવીને મને આપી દીધું હતું. મને કે’ કે મુંબઈ મોંઘુ ઘણું, સૌમિત્રને જરૂર પડશે.’ અંબાબેનના ચહેરા પર ખૂશી હતી કારણકે જનકભાઈએ પહેલી વખત સૌમિત્ર માટે ચિંતા કરી હતી.

‘પપ્પાએ?’ સૌમિત્રને અડધા કલાકમાં જ બીજું સરપ્રાઈઝ મળ્યું. પણ આ સરપ્રાઈઝને એ માની જ નહોતો શકતો.

‘હા બટા, હવે તને મોડું થાય છે. તારું ધ્યાન રાખજે.’ અંબાબેન માત્ર આટલું જ બોલી શક્યા.

કવર બેગમાં મૂકીને સૌમિત્ર અંબાબેનને પગે લાગ્યો, એની આંખ ભીની હતી. ભણતર પૂરું કર્યા બાદ ખુદની કરિયર બાબતે એ કદાચ સૌથી પહેલું અને મહત્ત્વનું પગલું ભરી રહ્યો હતો. સૌમિત્ર એની મમ્મીની સૌથી નજીક તો હતો એટલે આ પ્રસંગે એના આશિર્વાદ લેતી વખતે એ ઈમોશનલ થઇ જાય એ સમજી શકાય એવું હતું પરંતુ પિતા જનકભાઈએ પણ એની ચિંતા કરીને એને પાંચ હજાર જેવી મોટી રકમ મુંબઈ પ્રવાસ દરમિયાન ખર્ચ કરવા આપી એણે સૌમિત્રને વધારે ઈમોશનલ કરી દીધો હતો.

અંબાબેનના ચરણસ્પર્શ કરીને સૌમિત્ર અને વ્રજેશ આંગણામાં પાર્ક કરેલી વ્રજેશની કારમાં બેસીને સ્ટેશન તરફ ઉપડી ગયા.

***

‘હાં, હેલ્લો ધરા? હું સૌમિત્ર. હું બોરીવલી સ્ટેશને ઉતરી ગયો છું.’ સૌમિત્ર બોરીવલી સ્ટેશનના STD-PCO બૂથ પરથી ધરા સાથે વાત કરી રહ્યો હતો.

‘અરે, હું તમારા કોલની જ રાહ જોઈ રહી હતી. ટ્રેઈન લેઇટ હતી કે?’ ધરાએ સૌમિત્રને મોડા કોલ કરવાનું કારણ પૂછ્યું.

‘હા, વાપી પછી ખૂબ વરસાદ હતો એટલે ટ્રેઈન ખૂબ ધીમી પડી ગઈ અને દોઢ કલાક મોડી થઇ ગઈ.’ સૌમિત્રએ પોતાના મોડા પહોંચવાનું કારણ જણાવ્યું.

‘ચાલો નો પ્રોબ્લેમ. તમે હવે એક કામ કરો. તમે બોરીવલી સ્ટેશનની વેસ્ટ બાજુ બહાર નીકળો અને ઓટો કે ટેક્સી કરીને અંધેરીમાં જનહિત નગરમાં સ્કાયલાર્ક એવન્યુ આવી જાવ. જનહિત નગર પોસ્ટ ઓફીસ પાસે કોઈને પણ પૂછજો એ બતાવી દેશે ત્યાંથી ખાલી બે મિનીટ જ દૂર છે અમારું બિલ્ડીંગ. અત્યારે ફાઈવ ફિફ્ટીન થયા છે તમે અહીં આવશો ત્યાંસુધીમાં સિક્સ તો થઇ જ જશે અને મારી જોબનો ટાઈમ પણ પૂરો થઇ જશે એટલે તમે સ્કાયલાર્કની સિક્યોરિટી કેબીન પાસે જ ઉભા રહેજો હું ત્યાં આવી ગઈ હોઈશ. જો તમે વહેલા આવી જાવ તો સિક્યોરીટીને જ કહેજો કે ગ્રાન્ડ પબ્લિકેશનમાં વાત કરાવે, હું તરતજ નીચે આવી જઈશ.’ ધરાએ સૌમિત્રને કેવી રીતે પોતાની ઓફીસે આવવું એ સમજાવ્યું.

‘ઓકે પણ પછી મારું રહેવાનું? તમે નક્કી કર્યું?’ સૌ મિત્રને ધરાએ એ ક્યાં રહેશે એ નહોતું કીધું એટલે એણે પૂછવું પડ્યું.

‘હા, નક્કી થઇ ગયું છે તમે અહીં આવી જાવ, નજીકમાં જ છે એટલે હું જ તમને લઇ જઈશ.’ ધરાએ સૌમિત્રને સાધીયારો આપ્યો.

‘ચાલો થેન્ક્સ. ઠીક છે તો હું આવું છું.’ આટલું કહીને સૌમિત્રએ કોલ કટ કરી નાખ્યો.

ધરા સાથે વાત કરીને સૌમિત્ર બોરીવલી સ્ટેશનની વેસ્ટ સાઈડ તરફથી બહાર નીકળ્યો અને એને દેખાયેલા પહેલા રિક્ષાવાળાની રિક્ષા એણે ભાડે કરી લીધી. ધરાનો અંદાજો સાચો હતો. સાંજનો સમય હતો એટલે ઓફીસથી પણ લોકો પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા એટલે અનહદ ટ્રાફિક હતો. બાવીસ વર્ષના સૌમિત્ર માટે મુંબઈનો આ પહેલો અનુભવ હતો, પરંતુ અમદાવાદમાં સ્ટેશન સુધી પહોંચતા સુધીમાં વ્રજેશે એને મુંબઈની ભૂગોળની અને ખાસ કરીને બોરીવલીથી અંધેરી સુધી બીજા કયા સબર્બ આવે છે એની વિગતવાર માહિતી એક ચિઠ્ઠીમાં લખાવી દીધી હતી. સૌમિત્ર રિક્ષાની બહાર દુકાનોના પાટિયાઓ પર લખેલા એરિયાના નામ સતત વાંચતો ગયો. બોરીવલી પછી કાંદીવલી, મલાડ, ગોરેગાંવ અને છેવટે જ્યારે જોગેશ્વરી ના પાટિયા શરુ થયા ત્યારે સૌમિત્ર એકદમ એટેન્શનમાં આવી ગયો કારણે વ્રજેશે લખેલી ચિઠ્ઠીમાં અંધેરી પહેલા જોગેશ્વરી છેલ્લો વિસ્તાર હતો.

તો પણ લગભગ દસેક મિનીટ બાદ અંધેરીના પાટિયા દેખાવા લાગ્યા અને રિક્ષાવાળો જાણીતો હોવાને લીધે એણે જનહિત નગર પોસ્ટ ઓફીસ જ એની રિક્ષા ઉભી રાખી અને ત્યાં જ એક વ્યક્તિને સ્કાયલાર્ક બિલ્ડીંગ ક્યાં આવ્યું એ પૂછીને સૌમિત્રને એકદમ યોગ્ય જગ્યાએ જ ઉતાર્યો. રિક્ષાભાડાના એકસો પંચોતેર રૂપિયા આપતી વખતે સૌમિત્રએ મનોમન જનકભાઈનો આભાર માન્યો કારણકે એને કલ્પના પણ નહોતી કે મુંબઈ આટલું બધું મોંઘુ હશે. સૌમિત્રએ રિક્ષાવાળાને પૈસા ચૂકવ્યા અને ધરાએ કીધું હતું એ મૂજબ જ એ બિલ્ડીંગની સિક્યોરીટી ઓફીસ તરફ વળ્યો.

‘મુજે ગ્રાન્ડ પબ્લિકેશન્સમેં જાના હૈ.’ સૌમિત્રએ કેબીનમાં બેસેલા ત્રણ-ચાર વ્યક્તિઓમાંથી એક ને કીધું.

‘આપ અહમદાબાદ સે આયે હૈ ના?’ પેલા એ તરતજ સૌમિત્રને જવાબ આપ્યો.

‘જી જી જી.’ સૌમિત્રને સિક્યોરીટી ઓફિસર પાસેથી આવા જવાબની આશા ન હતી.

‘હાં અભી ધરા મૈડમ કા ફોન થા બસ દસ મિનીટ પેહલે, બોલી કે મેરે ગેસ્ટ આને વાલે હૈ કરકે! આપ દો મિનીટ રુકો મૈ ઉનકો બુલા લેતા હૂં.’ પેલા ઓફિસરે એના ટીપિકલ બમ્બૈયા હિન્દી ઉચ્ચારમાં સૌમિત્રને રાહ જોવાનું જણાવ્યું.

સિક્યોરીટી ઓફિસરે ધરાને કોલ કરીને સૌમિત્રના આવી જવાના સમાચાર આપ્યા અને બાદમાં ધરાએ એને કહ્યા મુજબ સૌમિત્રને પાંચ મિનીટ રાહ જોવાનું જણાવ્યું.

સૌમિત્રએ સિક્યોરીટી ઓફીસ કમ કેબીનની બહાર જ પોતાની બેગ મૂકી અને સ્કાયલાર્ક એવન્યુ તરફ એક નજર નાખી. બાવીસ માળનું એ ભવ્ય બિલ્ડીંગ જોઇને અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેતો સૌમિત્ર પણ આશ્ચર્યચકિત થઇ ગયો. એ સતત બિલ્ડીંગને નીરખતો રહ્યો.

‘વાઉ! યુ લૂક સો હેન્ડસમ!!’ અચાનક જ ધરાએ પાછળથી સૌમિત્રના ખભે ટપલી મારી અને જેવો સૌમિત્ર ફર્યો કે એને જોઇને જ ધરા એને જોઇને ઈમ્પ્રેસ થઇ ગઈ.

‘ઓહ હાઈ..ધરા?’ આમ અચાનક જ ધરાએ બોલાવતા અને પોતાના વખાણ કરતા સહેજ મુંજાયેલા અને સહેજ શરમાયેલા સૌમિત્રએ પૂછવા ખાતર પૂછ્યું.

‘યેસ. અત્યારે આખા મુંબઈમાં તમને ઓળખનાર મારા સિવાય બીજું કોઈ છે?’ ધરા હસી પડી અને એનો હાથ સૌમિત્ર તરફ એણે લંબાવ્યો.

‘ના, બિલકુલ નહીં!’ સૌમિત્રએ ધરાનો હાથ પકડી લીધો અને એની સામે જોવા માંડ્યો.

ધરા હતી પણ ખૂબ સુંદર. લગભગ સૌમિત્ર જેટલીજ ઉંચાઈ, એકદમ ગોરી, આંખે નાકે અત્યંત નમણી અને પોતાના શરીરનું અને દેખાવનું ખાસ ધ્યાન રાખતી હોય એવું તેના પહેરવેશ અને શરીરના ઢોળાવો પરથી સૌમિત્રને સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું. ડાર્ક બ્લ્યુ કલરના જીન્સ પર ધરાએ સફેદ ટીશર્ટ પહેર્યું હતું. જીન્સ અને એમાં ખોસેલું ટીશર્ટ બંને ધરાના શરીર સાથે એવા વળગી પડ્યા હતા કે ધરાના શરીરનો એકેએક ઉભાર સૌમિત્રને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સૌમિત્ર ધરાને સતત નીરખી રહ્યો હતો અને એનામાં રહેલો એક લેખક ધરાના શરીરનું એની આંખોથી પાન કરી રહ્યો હતો. ભૂમિની વિદાય બાદ કદાચ સૌમિત્ર આજે પહેલી વખત કોઈ છોકરી માટે એક છોકરાના મનમાં જેવા વિચારો આવે એવા વિચારો વિચારી રહ્યો હતો.

‘તમે કશું ખાધું સૌમિત્ર?’ ધરાએ ફરીથી સૌમિત્રનું ધ્યાન ભંગ કર્યું.

‘હા રસ્તામાં બધું ઘણું આચરકૂચર ખાધું છે.’ સૌમિત્રએ હવે ધરાને કોઈ શક ન જાય એટલે એને જોવાનું બંધ કરવાનું નક્કી કરતા એને જવાબ આપ્યો.

‘જો શરમાતા નહીં હજી ડીનરને વાર છે. જો ભૂખ હોય તો આપણે અહીં જ નજીકમાં એક મસ્ત રેસ્ટોરન્ટ છે ત્યાં ઈડલી કે સાદો ઢોંસો ખાઈ લઈએ.’ ધરાએ સૌમિત્રને ઓફર કરી.

‘અરે ના તમે ચિંતા ન કરો. મારે આજની રાત ક્યાં રહેવાનું છે એ જગ્યા બતાવી દો પછી હું રાત્રે ત્યાં જ ખાઈ લઈશ.’ સૌમિત્રને હવે પોતે ક્યાં રહેવાનો છે એ જાણવાની ઇન્તેજારી હતી.

‘તમારે મારી સાથે જ રહેવાનું છે સૌમિત્ર! મારે ઘરે.’ ધરાએ એક સ્મિત સાથે કહ્યું.

‘તમારી સાથે? તમારે ઘેર?’ સૌમિત્ર ડઘાઈ ગયો કારણકે વ્રજેશે તેને કહ્યું હતું કે ધરા મુંબઈમાં સાવ એકલી રહે છે.

***

પ્રકરણ ૨૩

‘હા, મારી સાથે, મારી ઘેર!’ ધરાએ સૌમિત્રના સવાલના સૂરમાં જ પોતાનો જવાબ આપ્યો. એના ચહેરા પર સ્મિત હતું.

‘એમ હું તમારી સાથે કેવી રીતે આવી શકું?’ સૌમિત્રના અવાજમાં થોડોક ગભરાટ હતો.

‘આમ ચાલીને!’ ધરાએ પોતાના જમણા હાથની પહેલી બંને આંગળીઓથી ચાલવાની મુદ્રા કરી બતાવી. એ હસી રહી હતી.

‘પણ તમે તો એકલા રહો છો ને?’ સૌમિત્રએ હવે પોતાની ધરા સાથે રહેવાની અનિચ્છાનું સાચું કારણ બતાવી દીધું.

‘તો? હું તમને ખાઈ નહીં જાઉં. હું પ્યોર વેજીટેરીયન છું.’ ધરા હજીપણ હસી રહી હતી.

‘અરે! એમ નહીં...’ સૌમિત્ર પોતાની તકલીફ ધરાને સમજાવવા માંગતો હતો પરંતુ શરમને લીધે સમજાવી શકતો ન હતો.

‘તો કેમ? તમને એમ લાગે છે કે હું તમારો રેપ કરી નાખીશ?’ આટલું બોલતાં જ ધરા ખડખડાટ હસી પડી.

‘અરે, ના ના. આ તો તમારા મમ્મી પપ્પા, તમારા પડોશીઓ...’ સૌમિત્રએ ઈશારામાં ધરાને પોતાનો મુદ્દો સમજાવવાની કોશિશ કરી.

‘આ મુંબઈ છે યાર, અહીંયા તમારા ઘરની બાજુમાં કોણ રહે છે એની પણ કોઈને ખબર નથી હોતી. અને જ્યાંસુધી મારા મમ્મી-પપ્પાની વાત છે એમના વિશ્વાસે તો હું અહિયાં રહું છું અને ટ્રસ્ટ મી, મને મારા મમ્મી-પપ્પા પર ખૂબ પ્રેમ છે.’ ધરાનું હાસ્ય હવે ગંભીર સ્મિતમાં પલટ્યું.

‘ઠીક છે, ધરા. તમે આટલું કહો છો તો ના નહીં પાડું, ચાલો.’ સૌમિત્ર ધરાનો વિશ્વાસ જોઇને એને ઘેર જવા માટે તૈયાર થઇ ગયો.

‘સામે ફર્સ્ટ નહીં ને બીજો સિગ્નલ દેખાય છે ને? ત્યાંજ આપણે જવાનું છે, ઓટો કરી લઈએ, તમે થાકેલા પણ છો અને તમારી પાસે સમાન પણ છે.’ ધરાએ સૌમિત્રની બેગ જોઇને કહ્યું.

‘અરે, ના એટલો ભાર નથી. કાલ સુધીનો જ સમાન છે. કાલે રાતની ટ્રેઈનની ટિકિટ છે મારી. આટલું તો ચાલી નખાશે.’ સૌમિત્ર સિક્યોરીટી ઓફીસના ખૂણે મુકેલી એની બેગ ઉપાડતા બોલ્યો.

‘પણ એક પ્રોબ્લેમ છે.’ ધરા હસતાંહસતાં બોલી.

‘શું?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘તમારે આ દસ પંદર મિનીટ મારી બકબક સહન કરવી પડશે.’ આટલું બોલતાં જ ધરા હસી પડી.

‘મને એની આદત છે એટલે કોઈજ વાંધો નથી.’ સૌમિત્ર મનમાં જ ભૂમિને યાદ કરતા બોલ્યો, ધરા સામે એણે માત્ર સ્મિત કર્યું.

સૌમિત્ર અને ધરા હજી થોડુંક ચાલ્યા જ હતા ત્યાં જ અચાનક વરસાદ તૂટી પડ્યો અને બંને એ એક ઝાડ નીચે શરણું લીધું. થોડી વાર રાહ જોયા પછી ધરાની ધીરજ ખૂટી.

‘સૌમિત્ર, તમને વાંધો ન હોય તો આપણે ચાલી નાખીએ તો? ક્યાં સુધી રાહ જોઈશું? અને બહુ દુર પણ નથી મારું ઘર.’ ધરા સતત પડી રહેલા વરસાદ સામે જોતા બોલી.

‘હા, મને વાંધો નથી. આમ પણ મારે ફ્રેશ થઈને નાઈટ ડ્રેસ જ પહેરવાનો છે.’ સૌમિત્ર વરસતા વરસાદમાં ધરાના ઘર સુધી ચાલવા માટે તૈયાર થઇ ગયો.

‘ગ્રેટ, આ મુંબઈનો વરસાદ છે એનું કશું જ નક્કી નહીં. બંધ થઇ જશે તો હમણાંજ બંધ થઇ જશે નહીં તો એક-બે કલાક પણ થાય.’ ધરાએ ઝાડનીચે થી નીકળીને ચાલવાનું શરુ કર્યું. સૌમિત્ર ધરાની સાથેજ ચાલવા લાગ્યો.

***

‘અગર આપકો પ્રોબ્લેમ ના હો તો આપ અમાર શોંગે ચોલો.’ શોમિત્રો ભૂમિને પોતાની સાથે પોતાની કારમાં આવવાની ઓફર કરી રહ્યો હતો.

‘અરે મેં એરપોર્ટ એરિયા મેં રેહતી હૂં.’ ભૂમિને કાયમની જેમ શોમિત્રોથી પીછો છોડાવવો હતો.

પરંતુ આજના બધા જ લેક્ચર પત્યા બાદ ઘરે જવા નીકળેલી ભૂમિ છેલ્લા પોણા કલાકથી એના ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સના કેમ્પસની બહાર આવેલી એક દુકાનની નીચે ઉભી ઉભી સામે વરસી રહેલા અનરાધાર વરસાદને બંધ થવાની રાહ જોઈ રહી હતી. પણ વરસાદ એમ તરત બંધ થઇ જશે એવી કોઈજ શક્યતા દેખાઈ રહી ન હતી. રોજ તો ભૂમિ ટેક્સીમાં ઘરે જતી રહેતી પરંતુ આજે તો ટેક્સી પણ દેખાઈ રહી નહોતી. એક તરફ ભૂમિને પોતે ઘેર કેમ પહોંચશે એની ચિંતા હતી તો બીજી તરફ શોમિત્રો એને પોતાની કારમાં ઘેરે લઇ જવાની ઓફર વારેવારે મૂકીને એને પરેશાન કરી રહ્યો હતો.

‘હેં... તો અમરા બાડી શોલ્ટ લેક શીટી મેં હી હૈ.’ શોમિત્રોના ચહેરા પર આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

‘બાડી?’ વરસતા વરસાદથી બે સેકન્ડ નજર હટાવીને ભૂમિ શોમિત્રો સામે જોઇને બોલી.

‘બાડી મતલોબ ઘોર. અમરા ઘોર શોલ્ટ લેક શીટી મેં હૈ, આપકે ઘોર સે બીશ મિનીટ દૂર. આપ ચિંતા નેહી કોરો. આમી આપકો શેફ્ટી કે શાથ આપકે ઘોર તોક આપકો પહોંચા દેગા.’ શોમિત્રોએ ફરીથી ભૂમિને પોતાની સાથે આવવાની ઓફર કરી.

હવે તો ભૂમિએ પણ વિચાર કર્યો કે વરસાદના બંધ થવાની રાહ એ ક્યાં સુધી જોશે? અને એમ શોમિત્રો પર વિશ્વાસ ન કરવાનું પણ કોઈ કારણ ન હતું. ડીપાર્ટમેન્ટમાં પણ એના વિષે બધા સારી સારી જ વાતો કરી છે, હા ફક્ત સ્ટુડન્ટ યુનિયનનો લીડર છે એટલુંજ બાકી એમ ખરાબ છોકરો ન હતો.

‘ઠીક હૈ, પર આપ મુજે લાસ્ટ ક્રોસ રોડ પર છોડ દેંગે, મેરે ફ્લેટ તક નહીં આયેંગે.’ ધરાએ શોમિત્રો સાથે જવાની હા તો પાડી પણ એને એ પોતાનું ઘર દેખાડવા નહોતી માંગતી. ખાસકરીને ત્યારે જ્યારે એને હવે ખબર પડી ગઈ હતી કે શોમિત્રો એના ઘરથી ખાસ દૂર રહેતો ન હતો.

‘ઠીક આછે..એકદોમ ભાલો ડીશીઝોન. આપ ઇધોર ભેઇટ કોરો. આમી કાર લેકોર આતા હૈ.’ શોમિત્રો ભૂમિના નિર્ણયથી એકદમ ખુશ થઇ ગયો અને ડીપાર્ટમેન્ટના પાર્કિંગ તરફ એણે દોટ મૂકી.

***

લગભગ દસ-પંદર મિનીટ બેફામ વરસાદમાં પલળતાં પલળતાં ધરા અને સૌમિત્ર ધરાના બિલ્ડીંગ સુધી પહોંચ્યા. ધરાનું ઘરનું બિલ્ડીંગ પણ તેની ઓફીસના બિલ્ડીંગ જેટલું જ ઊંચું હતું. ધરાનો ફ્લેટ છઠ્ઠે માળે હતો. લીફ્ટમાં બંને ઉપર આવ્યા. વરસાદને લીધે સૌમિત્ર અને ધરા સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. ભીંજાવાને ધરાનું ટીશર્ટ એના શરીર સાથે પહેલાં કરતાં પણ વધારે ચોંટી ગયું હતું. પોતાના ઘરનું તાળું ખોલી રહેલી ધરાની પીઠ સાથે ચપોચપ ચોંટી ગયેલા ટીશર્ટના સફેદ કલરને લીધે ધરાની લાઈટ લેમન કલરની બ્રેસીયર સૌમિત્રને સ્પષ્ટ દેખાઈ રહી હતી. સૌમિત્રને ઘણા સમય પછી કોઈ છોકરીને જોઇને આ પ્રકારની અજીબ લાગણી સતત થઇ રહી હતી. કદાચ ભૂમિએ એને પોતાની સાથે શરીરનું સુખ માણવા માટે ઉત્તેજીત કર્યા બાદ પહેલી વખત. સૌમિત્રએ તે દિવસે પણ જે રીતે પોતાને સંભાળી લીધો હતો એમ અત્યારે પણ તેણે પોતાને સંભાળી લીધો અને ધરા સામેથી નજર હટાવી લીધી.

ઘરમાં પ્રવેશ્યા બાદ ધરાએ સૌમિત્રને ગેસ્ટરૂમ બતાવ્યો અને એ રૂમનું બાથરૂમ ખોલીને એને ફ્રેશ થઇ જવા જણાવ્યું અને પોતે પોતાના રૂમમાં ફ્રેશ થવા ગઈ. સૌમિત્ર થોડું નાહ્યો અને પોતાના શરીરને વરસાદી પાણીથી સ્વચ્છ કર્યું. પછી રૂમમાં આવીને નાઈટ ડ્રેસ પહેરી લીધો. લીવીંગરૂમમાં આવવાની સાથેજ સૌમિત્રનું ધ્યાન એ રૂમના રાચરચીલા પર ગયું અને એને લાગ્યું કે ધરાનું કુટુંબ પૈસેટકે અત્યંત સુખી હશે. કારણકે મુંબઈ જેવા શહેરમાં, મોંઘા વિસ્તારમાં મોંઘો ફ્લેટ અને એમાંપણ આટલું મોંઘુ રાચરચીલું ધરાવવું એ સામાન્ય માણસ વિચારી પણ ન શકે.

સૌમિત્ર આમ વિચારી જ રહ્યો હતો ત્યાં અચાનકજ તેને ભૂખ લગાડી દે એવી સુગંધ આવી. સૌમિત્રને ખ્યાલ આવી ગયો કે ધરા રસોડામાં કશુંક બનાવી રહી હતી.

‘ઢેનટેણેન! ગરમાગરમ ચાય સાથે મસ્ત મસ્ત પ્યાઝ પકોડા હાજર છે!’ ધરા રસોડામાંથી લીવીંગરૂમમાં આવતાની સાથેજ બોલી એના બંને હાથમાં એકએક પ્લેટ હતી. એક પ્લેટમાં ચ્હા ના બે કપ અને બે રકાબી અને બીજી પ્લેટમાં ભજીયાં હતા. ગુલાબી કલરનું લૂઝ ટીશર્ટ અને કોફી કલરના લૂઝ પાયજામામાં અને ખુલ્લા પણ ભીના વાળ સાથે ધરા અત્યંત આકર્ષક લાગી રહી હતી.

‘અરે! આટલીબધી ધમાલ શું કરવા કરી?’ ધરાને ફરીથી ટીકીટીકીને જોવા માટે મજબૂર થઇ ગયેલો સૌમિત્ર પરિસ્થિતિનું ભાન થતા અચાનક જ બોલી પડ્યો.

‘તમે ભલે ગમે તે કહો પણ આચરકૂચરથી પેટ ન જ ભરાય એની મારા જેવી નંબર વન ભુખ્ખડને જ ખબર હોય. અને વરસાદમાં તો ચા અને ભજીયા તો દરેક ગુજરાતીને ઘેર હોય જ ને?’ ધરા હસતાંહસતાં બોલી.

‘અરે પણ આ તો બહુ છે.’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘વ્હોટ ઈઝ ધીસ સૌમિત્ર? તમને ભજીયાની ક્વોન્ટીટીની ચિંતા છે પણ એની ભારેખમ પ્લેટ પકડીને ઉભેલી એક નાજુક અને સુંદર છોકરીની જરાય ચિંતા નથી થતી?’ ધરા ખોટેખોટું મોઢું બગાડીને બોલી અને પછી હસી પડી.

‘ઓહ, આઈ એમ સોરી!’ આટલું કહેતાં જ સૌમિત્રને જાણે કોઈએ સ્વીચ દબાવીને ધક્કો માર્યો હોય એમ એ ધરા તરફ સ્વગત આગળ વધ્યો અને એની પાસેથી બંને પ્લેટ્સ લઇ લીધી.

ધરાએ નજીક પડેલું નાનકડું ટેબલ ખેસવ્યું અને સૌમિત્રને બંને પ્લેટ એના પર મૂકી દેવા જણાવ્યું. પછી એ જમીન પર બિછાવેલા ગાલીચા પર જ બેસી ગઈ અને એ જોઇને સૌમિત્ર પણ ધરાની જેમજ એની સામે ગોઠવાયો. ભજીયાં અને ચ્હાની મજા માણતા સૌમિત્ર અને ધરાએ ખૂબ વાતો કરી. ધરાની વાતો પરથી સૌમિત્રને ખબર પડી કે તેના પિતા રાજકોટના એક મોટા ઉદ્યોગપતિ છે અને ધરા એમની એકની એક પુત્રી છે, પરંતુ ધરાને એમના બિઝનેસમાં કોઈજ રસ નહતો અને એને માત્ર ક્રિએટીવ કામમાં જ રસ હોવાથી એણે કોલેજ કર્યા બાદ મુંબઈ આવી જવાનું નક્કી કર્યું અને જાતેજ આ ગ્રાન્ડ પબ્લિકેશન્સમાં નોકરી શોધી લીધી. ધરાને વધુ તકલીફ ન પડે એટલે એના માતાપિતાએ જ નોકરીના સ્થળથી સહેજ દુર જ એને આ ફ્લેટ લઇ આપ્યો હતો.

***

‘પર આપ તો મોના કર રહા થા?’ શોમિત્રોના ચહેરા પર આશ્ચર્ય હતું.

‘હાં પર અબ મેં હી કેહ રહી હું કી આપ ઉપર આઇએ. પાર્કિંગમે કાર લેને ગયે ઉસમેં આપ બહુત ભીગ ગયે હૈં ઔર પૂરા રાસ્તા છીંકતે રહે. ઉપર આઇયે, ગરમાગરમ ચાય પીજીયે ફિર ઘર જાઈએ આરામસે...’ ભૂમિએ સ્મિત આપતાં શોમિત્રોને ભારપૂર્વક પોતાને ઘેર આવવાનું જણાવ્યું.

ભૂમિને ઘેર પહોંચાડવા ડીપાર્ટમેન્ટના પાર્કિંગ સુધી પોતાની કાર લેવા જતી વખતે શોમિત્રો ખૂબ ભીંજાઈ ગયો હતો અને એણે આખા રસ્તા દરમ્યાન છીંક ખાધે રાખી હતી. રસ્તામાં જ ભૂમિએ વિચાર્યું કે એણે આટલું બધું ક્રૂર ન થવું જોઈએ, ખાસકરીને એ વ્યક્તિ સાથે જે એને આટલા વરસતા વરસાદમાં એને સુખરૂપ ઘેર પહોંચાડી રહ્યો છે. એટલે ભૂમિએ પોતેજ મુકેલી શરત તોડી અને શોમિત્રોને છેક પોતાના ફ્લેટ સુધી લઇ આવી અને હવે તેને એ પોતાને ઘેર આવવાનું જણાવી રહી હતી.

‘ઠીક આછે. આમી પાર્કિંગ કોર કે આતા હું.’ શોમિત્રોના ચહેરા પર અજીબ ખુશી હતી.

ભૂમિ કારમાંથી નીચે ઉતરી અને શોમિત્રો કાર પાર્ક કરીને આવે એની રાહ જોવા લાગી. વરસાદ હજીપણ ચાલી રહ્યો હતો એટલે શોમિત્રો કાર પાર્ક કરીને આવ્યો ત્યાંસુધી ફરીથી ભીંજાઈ ગયો. શોમિત્રોના આવતાંજ ભૂમિ અને શોમિત્રો દાદરા ચડીને પહેલા માળે આવેલા ભૂમિના ફ્લેટમાં ગયા. ભૂમિએ ફ્લેટમાં આવતાની સાથેજ પોતાના રૂમમાં જઈને પોતાનો એક્સ્ટ્રા ટોવેલ શોમિત્રોને આપ્યો અને એને એનું માથું બરોબર લુછી લેવાનું કહ્યું. ટોવેલથી પોતાનું માથું લૂછતાં લૂછતાં શોમિત્રોએ એના ભીના થઇ ગયેલા ઝભ્ભાના ખિસ્સામાંથી પોતાનું પાકીટ, એમાંથી બહાર કાઢેલી ઘણીબધી નોટો અને લાઈસન્સનું પ્લાસ્ટિકનું કવર ટેબલ પર સૂકવવા મુક્યા.

થોડીવાર પછી ભૂમિ ચ્હાના બે કપ લઈને આવી અને એ અને શોમિત્રો સામસામા સોફા પર બેઠા.

‘યે કૌન હૈ?’ ટેબલ પર પડેલા શોમિત્રોના પાકીટમાં દેખાતી એક તસ્વીરને જોઇને ભૂમિથી એમ જ પૂછાઈ ગયું.

‘માય ભાઈફ.’ શોમિત્રો બોલ્યો.

‘ઓહ! આપકી શાદી હો ગઈ હૈ?’ ભૂમિને શોમિત્રોના લગ્ન થઇ ગયા છે એ જાણીને અચાનક જ શાંતિ થઇ ગઈ પણ પછી તરતજ એને સવાલ થયો કે તો એ કેમ એની પાછળ પડ્યો રહેતો હોય છે?

‘યસ, બટ શી ઈઝ નો મોર!’ શોમિત્રો બારી તરફ જોઇને બોલ્યો. ધરાને આઘાત લાગ્યો.

‘નાઈસ ટી.’ શોમિત્રોએ જ સતત બે મિનીટ જળવાઈ રહેલી શાંતિનો ભંગ કર્યો.

‘આપકો પસંદ આઈ? ગુજરાતી સ્ટાઈલમે બનાઈ હૈ. મસાલાવાલી ઔર એકદમ મીઠી. મુજે લગા આપકો શાયદ ઝ્યાદા મીઠી લગી હો ઔર પસંદ ના આયી હો.’ ભૂમિ આટલું બોલીને ફરીથી મૂંગી થઇ ગઈ.

‘ના, આદોત થી, માય ભાઈફ વ્હોજ ઓલ્સો ગુજરાટી. બોશુન્ધોરા શાહ.’ શોમિત્રોએ ભૂમિને બીજો આંચકો આપ્યો.

‘ક્યા હુઆ થા વસુંધરાજી કો?’ ભૂમિને હવે શોમિત્રોની પત્ની વિષે જાણવાની ઈચ્છા થઇ આવી.

‘છોરીએ ના ભૂમિજી, એઈ દુખ્ખો અમને અમરા હાર્ટમેં કોહીં દોબા દિયા હૈ, અબ ઉશકો ઉધોર હી...’ શોમિત્રોનો અવાજ ભારે થઇ ગયો.

‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મૈ ભી આપકો ફોર્સ નહીં કરુંગી.’ ભૂમિએ હસીને જવાબ આપ્યો પણ એનું હાસ્ય ફિક્કું હતું. એને ખબર હતી કે શોમિત્રોના કોઈ ઉંડા ઘા ને એણે અત્યારે જગાડી દીધો હતો.

ચ્હા પી ને શોમિત્રોએ ભૂમિની વિદાય લીધી, એના ગયા બાદ ભૂમિને સતત એવું લાગવા માંડ્યું કે વસુંધરા વિષે પૂછીને ક્યાંક એણે શોમિત્રોને દુઃખી કરીને એને ખૂબ ડીસ્ટર્બ ન કરી દીધો હોય. છેવટે ભૂમિએ નક્કી કર્યું કે આવતીકાલે એ શોમિત્રોને આ બાબતે સીધું જ પૂછી લેશે અને એના મનની શંકાનું સમાધાન કરી લેશે, પણ તેમછતાં ભૂમિને ચેન પડ્યું નહીં. છેક સાંજ સુધી શોમિત્રોને અવોઇડ કરનારી ભૂમિ હવે એની જ ચિંતા કરી રહી હતી.

***

‘ખૂબ મસ્ત નોવેલ છે તમારી. મને તો એમ કે ઉપર ઉપરથી નજર ફેરવી લઈશ, પણ શરુ કરી પછી રાત્રે અઢી વાગ્યે પૂરી કરીને જ સુતી.’ સવારની ચ્હા પીતાં પીતાં ધરાએ સૌમિત્રને કહ્યું.

‘થેન્ક્સ!’ સૌમિત્રને સવારના પહોરમાં જ ધરાએ આ પ્રમાણે કહેતા એને લાગવા લાગ્યું કે એનો મુંબઈનો ધક્કો કદાચ સફળ જશે.

‘તમે જે ત્રણ ચેપ્ટર્સ મોકલ્યા હતા એના પરથી મને લાગ્યું તો હતું જ કે આ અલગ જ સ્ટોરી હશે. યુ નો, હું અઠવાડિયામાં ચાર અલગ અલગ નોવેલના ત્રણ-ત્રણ ચેપ્ટર્સ વાંચું છું અને બધા જ રાઈટર્સ નવા હોય છે. ઘણી વખત તો ફક્ત ચાર પેઈજ વાંચીને જ રિજેક્ટ નોટ આપી દઉં છું. જ્યારે તમારી નોવેલનું ટાઈટલ વાંચ્યું ત્યારેજ મને થઇ ગયું કે આમાં કશુંક તો અલગ હશે જ. પ્લસ એ મારું નામ પણ છે! એન્ડ યુ નો? હવે તો આ મારી મોસ્ટ ફેવરીટ નોવેલ બની ગઈ છે.’ ધરાએ ચ્હાની ચૂસ્કી લેતા કહ્યું.

‘થેન્ક્સ. તમને નોવેલમાં શું સૌથી વધારે ગમ્યું?’ સૌમિત્રએ સવાલ કર્યો.

‘નેચરલ ફ્લો. તમારા રાઈટીંગમાં બધુંજ નેચરલ છે. કોઈજ કેરેક્ટર કે ડીસ્ક્રીપ્શન ઓવર રીએક્ટ નથી કરતું. મને ખુબ ગમે છે એવો બોલ્ડ સબજેક્ટ છે, કેટલાક સીન્સનું ડીસ્ક્રીપ્શન પણ તમે જરાય શરમાયા વગર લખ્યું છે. પ્લસ એન્ડમાં જે હિંમત તમારી ધરાએ બતાવી છે એ લાજવાબ છે!’ નોવેલ વિષે ધરાએ પોતાનું મંતવ્ય સૌમિત્રને જણાવ્યું.

પોતાની નવલકથાના વખાણ એક એવી વ્યક્તિ પાસેથી સાંભળીને જે રોજની આવી કેટલીયે નોવેલ વાંચીને તેને રિજેક્ટ કરી દે છે, સૌમિત્ર ખૂબ ખુશ થયો.

‘તો તમને શું લાગે છે તમારા બોસ હા પાડશે?’ સૌમિત્ર હવે કન્ફર્મ કરવા માંગતો હતો.

‘અરે એ જગ્ગુડાએ હા પાડવી જ પડશે અને હું તો છું જ ને?’ ધરા હસી પડી.

‘જગ્ગુડો?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘જગદીશચંદ્ર અગ્રવાલ. મારો બોસ. આમતો એનો સન પ્રતિક ફિક્શન સેક્શન જોવે છે પણ એ લંડન વર્લ્ડ બૂક ફેયરમાં ગયો છે. અમે પણ એમાં પાર્ટીસીપેટ કર્યું છે.’ ધરા ખાલી કપ-રકાબી ઉપાડતા બોલી.

‘ઓહ ઓકે.’ સૌમિત્રને એનો જવાબ મળી ગયો.

સૌમિત્રને ખ્યાલ આવી રહ્યો હતો કે તે કેટલા મોટા પબ્લિકેશન સાથે જોડાઈ શકે છે જો જગદીશચંદ્ર અગ્રવાલને એની નોવેલ પસંદ આવશે તો.

ન્હાઈને સૌમિત્ર પોતાની ફાઈલ લઈને ધરાની રાહ જોવા લાગ્યો. ધરા એના રૂમમાંથી બહાર આવી. ઘેરા પીળા રંગના સ્લીવલેસ પંજાબી ડ્રેસમાં ધરાએ સૌમિત્રને બસ ઘાયલ કરવાનું જ બાકી રાખ્યું હતું. ગઈકાલે સાંજથી અત્યારસુધી ધરાનો દેખાવ, એનો સીધોસાદો અને સરળ સ્વભાવ અને એની ક્યારેય ખૂટે નહીં તેવી વાતોથી સૌમિત્ર એના તરફ ખાસોએવો આકર્ષિત થયો હતો. રાત્રે સુતી વખતે પણ એ ધરા વિષે વિચારી રહ્યો હતો, પરંતુ બાદમાં તેને ખ્યાલ આવ્યો કે અહીં પણ એનું મધ્યમવર્ગીય હોવું નડી શકે છે કારણકે ધરાના પિતા પણ ભૂમિના પિતા પ્રભુદાસ અમીનની જેમ જ એક મોટા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ હતા એટલે સૌમિત્રએ આ વિષે આગળ વિચારવાનું બંધ જ કરી દેવાનું નક્કી કરી લીધું.

સૌમિત્ર અને ધરા ચાલતા ચાલતા ધરાની ઓફીસ ગયા અને રસ્તામાં ગઈકાલે ધરાએ કહેલી રેસ્ટોરન્ટમાં બંનેએ પેટભરીને નાસ્તો કર્યો. ધરાની ઓફીસમાં પ્રવેશતાની સાથેજ સૌમિત્ર એને જોઇને આભો બની ગયો. એને ખરેખર હવે ગભરામણ થવા લાગી કે આવડા મોટા પબ્લિશર એની નોવેલ ખરેખર પબ્લીશ કરશે? અને એ પણ ધરાના કહેવા માત્રથી?

ધરાએ થોડો સમય સૌમિત્રને રિસેપ્શન પર રાહ જોવાની કહી. લગભગ પંદરથી વીસ મિનીટ બાદ ધરાએ સૌમિત્રને બોલાવ્યો.

‘એક કામ કરતે હૈ પ્રતિક કી ચેમ્બરમેં બૈઠતે હૈ, ઇધર એસી વર્ક નહીં કર રહા.’ હજી સૌમિત્ર અને ધરા જગદીશચંદ્ર અગ્રવાલની કેબીનમાં ઘુસી જ રહ્યા હતા ત્યાંજ જગદીશચંદ્ર બોલ્યા.

સૌમિત્ર અને ધરા જગદીશચંદ્રની કેબીનના દરવાજે જ ઉભા રહ્યા. જગદીશચંદ્ર ભારે શરીર ધરાવતા હોવાથી માંડ પોતાના ટેબલ અને આરામદાયક ખુરશી વચ્ચેની જગ્યામાંથી બહાર નીકળી શક્યા અને કેબીનનો દરવાજો ખોલીને બાજુની જ એમના પુત્ર પ્રતિકની કેબીનમાં ગયા. સૌમિત્ર અને ધરા જગદીશચંદ્રની પાછળ પાછળ પ્રતિકની કેબીનમાં ગયા. જગદીશચંદ્રએ કેબીનનું એસી ચાલુ કર્યું અને એમની ખુરશી કરતાં પણ વધારે આરામદાયક ખુરશીમાં ગોઠવાયા. સૌમિત્ર અને ધરા એમની સામે મુકેલી ચાર ખુરશીઓમાંથી બે ખુરશીમાં બાજુબાજુમાં બેઠા.

‘આપ પૂરી નોવેલ લાયે હૈ?’ સૌમિત્ર અને ધરાના ખુરશી પર બેસતાં જ જગદીશચંદ્ર બોલ્યા.

‘જી સર, યે લીજીયે.’ આટલું કહીને સૌમિત્રએ પ્લાસ્ટિકની થેલીમાંથી ઝેરોક્સ કરેલી પોતાની નોવેલની ફાઈલ જગદીશચંદ્રને આપી.

‘વૈસે તો ધરાને મુજે તીન ચેપ્ટર્સ પઢકર પોઝીટીવ કોમેન્ટ દિયા હૈ, પર મૈ ભી એક નઝર દેખ લેતા હૂં.’ જગદીશચંદ્ર સૌમિત્ર સામે હસીને બોલ્યા.

‘ઝરૂર સર.’ સૌમિત્રએ પણ સ્મિત આપ્યું.

પણ સૌમિત્રનું હ્રદય હવે જોરથી ધબકવા માંડ્યું હતું. એને ખબર હતી કે જેટલી મિનીટ જગદીશચંદ્ર નોવેલ ભલે ઉપર ઉપરથી વાંચશે, પણ એની જિંદગીની એ સૌથી મહત્ત્વની મીનીટો હશે. જગદીશચંદ્રનો ફેંસલો જ એ નક્કી કરશે કે સૌમિત્રનું લેખક બનવાનું સ્વપ્ન પૂરું થશે કે એણે નાછૂટકે કોઈ નોકરી કરવી પડશે. આ જ ટેન્શનને કારણે એસીની પાવરફૂલ ઠંડી કેબીનમાં છવાઈ ગઈ હોવા છતાં દસેક મિનીટ બાદ સૌમિત્રના લમણેથી પરસેવાનું એક ટીપું નીચે એના ગાલ તરફ સફર કરવા લાગ્યું. સૌમિત્રની બાજુમાં જ બેઠેલી ધરાનું ધ્યાન પણ એ સરકી રહેલા ટીપાં તરફ ગયું અને એને સૌમિત્રની નર્વસનેસનો ખ્યાલ આવી ગયો. એણે સૌમિત્રની આંગળીઓ પર પોતાની હથેળી મૂકીને એની બધીજ આંગળીઓ દબાવી.

ધરાનો સ્પર્શ થતાંજ સૌમિત્રએ એની સામે જોયું, ધરાએ પોતાની આંખો બે વખત બંધ અને ખોલીને સૌમિત્રને ચિંતા ન કરવાનો ઈશારો કર્યો અને પોતાનું સ્મિત પણ આપ્યું. જવાબમાં સૌમિત્રએ પણ સામે ફિક્કું સ્મિત આપ્યું,

‘આપ એક દસ મિનીટ બહાર બેઠીયે, મૈ ધરાસે બાત કર લેતા હૂં, ઔર મેરા જો ભી ડિસીઝન હૈ વો ધરા આપકો બતા દેગી, ઠીક હૈ?’ લગભગ વીસેક મિનીટ બાદ જગદીશચંદ્ર બોલ્યા.

સૌમિત્ર જવાબમાં પોતાનું ડોકું હકારમાં ધુણાવ્યું અને કેબીનની બહાર નીકળી ગયો. સૌમિત્ર ફરીથી રિસેપ્શનમાં મુકેલા વિશાળકાય સોફા પર બેઠો. એકએક મિનીટ હવે સૌમિત્ર માટે ભારે લાગી રહી હતી. એ વારેઘડીએ પોતાની ઘડિયાળ તરફ નજર માંડી રહ્યો હતો અને ચેક કરી રહ્યો હતો કે ક્યાંક એની ઘડિયાળ બંધ તો નથી થઇ ગઈ. સૌમિત્રની નજર પ્રતિકની કેબીનના દરવાજા પર ‘Pratik Aggarwal M.D’ લખેલી પ્લેટ પર જ ચોંટી ગઈ હતી. એ ફક્ત કલ્પના જ કરી શકતો હતો કે અંદર ધરા અને જગદીશચંદ્ર શું ચર્ચા કરી રહ્યા હશે. સૌમિત્ર જ્યારે કેબીનમાં બેઠો હતો તેના કરતા પણ અત્યારે એના હ્રદયના ધબકારા બમણી ગતિએ દોડી રહ્યા હતા.

લગભગ પંદર મિનીટ બાદ કેબીનનું બારણું ખુલ્યું અને ધરા એમાંથી બહાર નીકળી. ધરાને જોતાંજ સૌમિત્ર સોફા પરથી ઉભો થઇ ગયો અને ધરા જેમજેમ નજીક આવવા લાગી એમએમ સૌમિત્ર એનો ચહેરો વાંચવાની કોશિશ કરવા લાગ્યો કે ક્યાંક એને જગદીશચંદ્રના નિર્ણયની કોઈ હિન્ટ મળી જાય!

***

પ્રકરણ ૨૪

છેલ્લી પંદર મિનીટથી ભૂમિ શોમિત્રોને શોધી રહી હતી. ભૂમિને શોમિત્રોને પોતાની ગઈકાલની હરકતથી ખોટું તો નથી લાગ્યું એ કન્ફર્મ કરવું હતું, પણ શોમિત્રો ક્યાંય દેખાઈ રહ્યો ન હતો. એક રીતે ભૂમિ અત્યારસુધી ડીપાર્ટમેન્ટમાં શોમિત્રો સિવાય બીજા કોઈ સ્ટુડન્ટને ખાસ ઓળખતી પણ ન હતી. એના ડીપાર્ટમેન્ટની એની સાથી ફીમેલ સ્ટુડન્ટ્સ થોડી રીઝર્વ હોય એવું ભૂમિને લાગ્યું એટલે એ એમની સાથે વાત કરતાં પણ અચકાતી હતી. શોમિત્રોનું ઘણી મીનીટો સુધી ભૂમિને ન દેખાવું અને ભૂમિને તેને સતત શોધતા રહેવું, ભૂમિ સમક્ષ શોમિત્રોનું મહત્ત્વ સાબિત કરી રહ્યું હતું.

‘અમાકે તોલાશ કોર રોહી હો?’ ભૂમિ છેલ્લા ઉપાય તરીકે કેન્ટીન તરફ જઈ જ રહી હતી ત્યાં જ પાછળથી શોમિત્રોનો અવાજ આવ્યો.

‘હાઈ.. કેમોન આછો?’ આટલા દિવસમાં ભૂમિ આટલું બંગાળીતો શીખી ગઈ હતી.

‘ખુબ ભાલો.. આપ બેંગોલીમે કોથા કિયા? ક્યા બાત હૈ!’ શોમિત્રોનો ચહેરો એની ખુશીની ચાડી ખાઈ રહ્યો હતો. લગભગ એક-દોઢ મહિના પછી પહેલી વખત ભૂમિએ એનીસાથે વ્યવસ્થિત અને લાગણી સહીત વાત કરી હતી અને એ પણ એની ભાષામાં.

‘મૈ આપ હી કો ઢૂંઢ રહી થી.’ ભૂમિએ શોમિત્રોથી કારણ છુપાવ્યું નહીં.

‘આમી જાની... મતલોબ મુજે માલુમ હૈ. ઉધોર શે આપકો મેં દોશ પોન્દ્રા મીનીટ શે દેખ રોહા થા, બટ યુનીયોન લીડોર્સ શોંગમેં થા તો મિટિંગ છોર કે નીકોલ નેહી શોકા.’ શોમિત્રોએ પણ ભૂમિને સત્ય કહી દીધું.

‘કોઈ બાત નહીં, મુજે આપસે કુછ ઝરૂરી બાત કરની હૈ.’ ભૂમિ સીધી મુદ્દા પર જ આવી.

‘તો ચોલીયે કેન્ટીન મેં..’ શોમિત્રોએ કેન્ટીન તરફ હાથ લંબાવ્યો.

ભૂમિ અને શોમિત્રો એકસાથે કેન્ટીન તરફ ચાલવા લાગ્યા.

***

‘ચલો નીચે જઈએ?’ સૌમિત્રની નજીક પહોંચતા જ ધરા બોલી.

‘શું થયું?’ સૌમિત્રએ જે ઈચ્છા રાખી હતી એ પ્રકારનો એને કોઈજ જવાબ ન મળતા એને આશ્ચર્ય થયું.

‘આપણે નીચે જઈને વાત કરીએ તો? હું બે મીનીટમાં આવું મારી બેગ લઈને.’ આટલું બોલીને ધરા એના ટેબલ તરફ વળી અને પોતાની બેગ લઈને ફરીથી રિસેપ્શન પર આવી અને સૌમિત્ર તરફ જોઇને ઓફીસના દરવાજા તરફ ચાલવા લાગી.

સૌમિત્ર પણ બીજો કોઈ વિકલ્પ ન હોવાને કારણે ધરાની પાછળ જ દોરાયો. લીફ્ટમાં પણ સૌમિત્રએ એક વખત ધરા પાસેથી જગદીશચંદ્રનો નિર્ણય જાણવાની કોશિશ કરી પરંતુ ધરાએ એની સામે હાથ ધરીને બે મિનીટ રાહ જોવાનું કહ્યું. ધરા અને સૌમિત્ર નીચે આવ્યા અને ગઈકાલે જે સિક્યોરીટી ઓફીસ પાસે બંનેની પહેલી મૂલાકાત થઇ હતી ત્યાં ધરા રોકાઈ.

‘જગ્ગુડાએ ના પાડી દીધી.’ ધરાના ચહેરા પર રીતસર નિરાશા મિશ્રિત ગુસ્સો દેખાઈ રહ્યો હતો.

‘ઓહ..’ આઘાત લાગતા સૌમિત્ર આટલું જ બોલી શક્યો.

‘મેં એમને સમજાવવાની કેટલી ટ્રાય કરી. મેં કીધું પણ ખરું કે મેં ગઈકાલે રાત્રે આખી નોવેલ વાંચી, મને એક સેકન્ડ પણ ફાઈલ નીચે મુકવાનું મન ન થઇ એવું સ્ટુપેન્ડસ રાઈટીંગ છે સૌમિત્રનું પણ....’ ધરાનો ગુસ્સો હજી બરકરાર હતો.

‘એમને વાંધો ક્યાં આવ્યો?’ સૌમિત્રએ કારણ જાણવાની કોશિશ કરી.

‘એમને આ એકદમ ટીપિકલ ઇન્ડીયન સ્ટોરી લાગી. ઈંગ્લીશમાં એટલીસ્ટ અમે પબ્લીશ કરેલી નોવેલ્સમાં બધું આમ ગ્લોસી, ચમકતું અને પોશ બેકગ્રાઉન્ડ આવતું હતું. તમારી નોવેલમાં એક મિડલકલાસ ફીલિંગ આવે છે જે કદાચ એમની માટે નોર્મલ નથી, પણ ડિફરન્ટ તો છે જ. મને તો એ જ ફીલિંગ ગમી પણ જગદીશચંદ્ર અગ્રવાલ એમ માને છે કે મિડલકલાસ બેકગ્રાઉન્ડ આપણે ત્યાં ન ચાલે કારણકે ઈંગ્લીશ નોવેલ વાંચનારાને આવું બધું ન ગમે. માય ફૂટ!’ ધરાએ જમીન પર પોતાનો પગ પછાડ્યો. એનો ગુસ્સો ચરમસીમાએ હતો.

‘ચાલો કોઈ વાંધો નહીં. ઉપરવાળાની મરજી એ જ છે કે હું લેખક નહીં પણ કોઈ નાનીમોટી નોકરી કરું. કાલે અમદાવાદ પહોંચીને જ મારે નોકરી શોધવા લાગવી પડશે.’ સૌમિત્ર ગળગળો થઇ ગયો, એની આંખ ભીની થઇ ગઈ.

સૌમિત્રને તો મન થતું હતું કે એ આજે સવારથી એના હ્રદય પર ટેન્શનનો જે પહાડ હતો તે રડીને હળવો કરી નાખે, પરંતુ હજી ગઈકાલે જ મળેલી ધરા સામે રડવું એને યોગ્ય ન લાગ્યું. અત્યારે એને વ્રજેશ અને હિતુદાનની જરૂર હતી.

‘આઈ એમ રીયલી સોરી, સૌમિત્ર. મને આવો ડાઉટ જ નહોતો કે બોસને તમારી નોવેલ નહીં ગમે. એમાં ન ગમવા જેવું કશું છે જ નહીં. કાશ! આ ડીસીઝન મારા હાથમાં હોત....’ સૌમિત્રને ઢીલો પડેલો જોઇને ધરાએ એના ખભા પર પોતાનો હાથ મૂક્યો.

***

‘આપ શોમોશા ઔર રોશોગોલ્લા લોગી?’ શોમિત્રોએ ભૂમિને ઓફર કરી.

‘અરે નહીં બહોત હેવી હો જાયેગા.’ ભૂમિએ સ્મિત સાથે ના પાડી.

‘દોનો ઓર્ડર કોરતે હેં. દોનો થોરાથોરા ટેશ્ટ કોરતે હૈ. પૂરા ભારતબોર્ષમેં એશા શોમોશા નેહી મિલેગા.’ શોમિત્રોએ આટલું કહીને ભૂમિની હા કે ના ની રાહ જોયા વગર જ ઓર્ડર આપી દીધો.

‘મુજે આપસે કુછ પૂછના હૈ.’ ભૂમિને પોતાના દિલનો ભાર હળવો કરવો હતો જે એ ગઈકાલે સાંજથી સહન કરી રહી હતી.

‘હાં, હાં, બોલુન.’ શોમિત્રોએ પોતાના હાથના ઈશારા વડે ભૂમિને બોલવાનું કહ્યું.

‘કલ મૈને જો કિયા ઉસસે આપ હર્ટ હુએ ના?’ ભૂમિએ શબ્દો ચોર્યા વગર કે કોઇપણ પૂર્વભૂમિકા ઉભી કર્યા વગર પોતાની આદત પ્રમાણે શોમિત્રોને સીધો જ સવાલ કરી દીધો.

‘ના ભૂમિ જી. હાર્ટ તો આમી ઉશ દિન ભી નેહી હુઆ થા જોબ વોશુ, માય ભાઈફ વોશુન્ધોરા કા લાશ હોમને ઓપની દ્રોષ્ટિ શે શિયાલદા શ્ટેશોન થાકે દેખા થા. હાર્ટ હમ ઉશ દિન હુઆ થા જાબ હોમકો પોતા ચોલા કી વોશુન્ધોરા કો અમાર બાબાને શુપારી દેકોર મોરવાયા હૈ.’ શોમિત્રોની આંખ ભીની થઇ.

‘મતલબ? મૈ સમજી નહીં.’ ભૂમિને આંચકો લાગ્યો.

‘વોશુન્ધોરા ઔર આમી એક દુશરે કો ભીશોન ભાલોબાશા... પ્યાર કોરતા થા. આમાર બાબા કોલકાતાર ટેક્શટાઈલ કિંગ. વોશુન્ધોરા શોરકારી એમ્પ્લોયી કી મિડલકલાશ લોરકી. હોમને ઓપને બાબા કો બોહુત શોમજાયા પર વો નેહી માના. કોલેજેર શેકોંડ યોર મેં હી હોમારે લીયે માં બાબા લોરકી ઢૂંઢને લોગા. કિન્તુ હોમ તોઈયાર નેહી થા.’ શોમિત્રોએ તેની અને વસુંધરાની વાત શરુ કરી.

‘મતલબ ઇધર ભી પૈસાવાલા ઔર મિડલકલાસ કી જંગ.’ ભૂમિને શોમિત્રોની વાતમાં પોતાની સ્ટોરી દેખાવા લાગી.

‘હેં, એકદોમ ફિલ્મો જેશા, પોર યે રીયોલ થા.’ શોમિત્રો એ ભૂમિની હા માં હા મેળવી.

‘ફિર?’ ભૂમિને શોમિત્રોની આખી વાત સાંભળવી હતી.

‘ફિર આમી ઔર વોશુન્ધોરાભી ડેશપોરેટ હો ગોયે. બોહુત પ્લાન બોનાને કે બાદ હોમલોગને ડીશીઝોન લીયા કી વોશુન્ધોરા માં બોનને વાલી હૈ ઐશા ખોબોર જોબ આમાર માં બાબા શુનેંગે તો વો ઈમોશનોલી અગ્રી કોર દેંગે. પોર હમ ગોલોત થે. જોબ હોમને વોશુન્ધોરા થ્રી મોન્થ્સ પ્રેગનેન્ટ હૈ એશી બાત બાબા કો બોતાઈ તો નેક્શટ ડે આર્લી મોર્નિંગ પોલીશ કા ફોન આયા કી વોશુન્ધોરાકી લાશ શિયાલદા શ્ટેશોન કે પાશ મિલી હૈ. ઉશ્કે માં ઔર બાબા શાદીમે ગુજરાટ ગોયે થે તો પોલીશને નેક્શટ નોમ્બોર મેરા ઘોર કા હી લોગાયા.’ શોમિત્રોની આંખો આટલું કહેતા વધારે ભીની થઇ, પણ એ આંખો ખબર નહીં કેમ પણ છલકાઈ નહીં.

‘પર આપને તો કહા થા આપ દોનોકી શાદી હો ગઈ થી?’ ભૂમિએ પૂછ્યું.

‘દુઈઠો દેહો એક હો ગોયે થે... ઉ બીબાહ હી હોતા હૈ ના ભૂમિ જી?’ શોમિત્રોએ ફિક્કું સ્મિત કર્યું.

‘આપને કહા આપકે ફાધરને વસુંધરા કો...’ ભૂમિએ આગલો સવાલ કર્યો.

‘કેનો મોતલોબ નેહી ઉ કોથા ફિર શે યાદ કોરકે. કાલ આપ વોશુન્ધોરા કા છોબી ઠીક શે દેખા નેહી, આજ દેખો.’ શોમિત્રોએ પોતાનું પર્સ કાઢ્યું અને ભૂમિ સામે વસુંધરાનો ફોટો મૂકી દીધો.

ભૂમિ વસુંધરાનો ફોટો ધ્યાનથી જોઇને આભી જ બની ગઈ. ભૂમિની આંખો પહોળી થઇ ગઈ કારણકે માત્ર હેરસ્ટાઈલના નજીવા ફેરફાર ને બાદ કરતા વસુંધરા ભૂમિ જેવી જ દેખાઈ રહી હતી. ભૂમિને તરતજ ખ્યાલ આવી ગયો કે શોમિત્રો કેમ પહેલા દિવસથી જ એની આસપાસ ફરતો રહેતો હતો અને કાયમ એની મદદ કરવા માટે તૈયાર રહેતો કારણકે એને ભૂમિમાં એની વસુંધરા દેખાતી હતી.

***

‘થેન્ક્સ!’ મુંબઈ સેન્ટ્રલના પ્લેટફોર્મ પર પોતાના કંપાર્ટમેન્ટ ની બહાર ઉભા ઉભા સૌમિત્ર બોલ્યો. ટ્રેનના એન્જીને બે વખત પોતાનું હોર્ન મારી દીધું હતું એટલે હવે ગમે ત્યારે ટ્રેન ઉપડવાની હતી.

‘સાંજે જુહુ બીચ પર આપણે નક્કી કર્યું હતું કે હવે આપણે બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડસ છીએ. વ્રજેશ, ગઢવી અને સૌમિત્રની જેમજ ધરા. તમે વ્રજેશ કે હિતુદાનને થેન્ક્સ કીધું છે ક્યારેય?’ ધરા હસીને બોલી.

‘વ્રજેશની તો ખબર નથી પણ ગઢવી મને આટલી લાંબી સરસ્વતી ચોક્કસ સંભળાવત એ પાક્કું છે. પણ મારો મતલબ એટલો જ હતો કે મને જરાય આશા નથી કે નિશાની ફ્રેન્ડ મને આટલીબધી મદદ કરશે.’ સૌમિત્ર એ ધરાને જવાબ આપ્યો.

‘હવે હું ડાયરેક્ટ તમારી જ ફ્રેન્ડ છું. વચ્ચે નો નિશા વિશા.’ ધરા હસતાંહસતાં બોલી.

‘તો હવે તમે પણ એક વાત ભૂલી ગયા.’ સૌમિત્રના ચહેરા પર પણ તોફાની સ્મિત હતું.

‘કઈ?’ ધરાના ચહેરા પર આશ્ચર્ય હતું.

‘એ જ કે તમે નહીં પણ હવે આપણે એકબીજાને તું કહીશું? આ પણ આપણે જુહુ બીચ પર ભેળ ખાતાં જ નક્કી કર્યું હતું ને?’ સૌમિત્ર બોલ્યો.

‘અરે હા! જીભ વળતા થોડી વાર લાગશે પણ પછી ટેવ પડી જશે.’ ધરાએ પણ હસીને જવાબ આપ્યો.

‘ટેવ ક્યાં પડશે? આપણે હવે ક્યારે મળવાના?’ સૌમિત્ર ફરીથી નિરાશ થઇ ગયો.

‘કેમ નહીં મળીએ? હું બીજા પબ્લીશર પાસે તમારી...સોરી તારી નોવેલ પબ્લીશ કરવાની ટ્રાય કરીશ અને જો એમાં સક્સેસ ગઈ તો તારે ફરીથી મુંબઈ આવવું જ પડશે ને? અને દિવાળીમાં હું રાજકોટ આવવાની છું. તું ત્યાં આવી જજે ને બે-ત્રણ દિવસ?’ ધરા બોલી.

‘ત્યારે તો નોકરી કરતો હોઈશ એટલે રજા મળશે તો શ્યોર આવીશ. અને હા, તમારી નોકરીને તકલીફ થાય એ રીતે બીજા પબ્લીશરને મારી નોવેલ વિષે વાત ન કરતા. આ મારી, એક ફ્રેન્ડની રિક્વેસ્ટ છે.’ સૌમિત્ર એ ધરાને વિનંતી કરી.

ત્યાંજ ટ્રેન ચાલવા લાગી.

‘વાઉ સૌમિત્ર તારું હાર્ટ કેટલું પ્યોર છે? પ્રોમિસ, હું બધું ધ્યાન રાખીશ અને પછીજ કોઈ બીજા પબ્લીશરને વાત કરીશ. ફીલિંગ સો લકી કે મને તારા જેવો ફ્રેન્ડ મળ્યો. કેન આઈ હગ યુ?’ ધરાએ પોતાના બંને હાથ ફેલાવીને કીધું.

સૌમિત્રએ હસીને પોતાના હાથ પણ ફેલાવ્યા અને એ અને ધરા બંને એકબીજાને અમુક સેકન્ડ્સ ભેટી પડ્યા. ટ્રેન ચાલવા માંડી હતી એટલે સૌમિત્ર થોડું આગળ ઝડપથી ચાલીને દરવાજામાં ઘુસી ગયો.

‘કાલે સવારે પહોંચીને તરત જ હું ઘેરે કોલ કરું છું. શાંતિથી પહોંચી જજો.’ સૌમિત્રએ ધરાને કીધું.

ધરાએ પોતાનું માથું હલાવીને હા પાડી. સૌમિત્ર જ્યાંસુધી દેખાયો ત્યાંસુધી ધરાએ હાથ હલાવી હલાવીને તેને આવજો કર્યું. જેવી ટ્રેન ધરાની આંખેથી ઓઝલ થઇ કે ધરા એની પાછળ રહેલી બેંચ પર બેસી ગઈ અને પોતાની બંને હથેળીમાં પોતાનો ચહેરો છુપાવીને રડવા લાગી.

***

‘સવારના પો’રમાં સાહેબ ક્યાં ઉપડ્યા ટાઈ પે’રી ને?’ રૂમમાંથી બહાર નીકળેલા સૌમિત્રને જનકભાઈએ એક સેકન્ડ પણ બગાડ્યા વગર પોંખ્યો.

મુંબઈથી અમદાવાદ આવ્યાના બીજેજ દિવસે સૌમિત્ર સવારે વહેલો ઉઠી ગયો હતો અને છાપાની કલાસીફાઈડ્સમાંથી પોતે કરી શકે એવી બે-ત્રણ નોકરીઓની જાહેરાત કાપીને ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર થઇ ગયો હતો અને અંબાબેનની સૂચના મુજબ થોડો ચ્હા-નાસ્તો કરીને નીકળવાનો જ હતો અને ત્યાં જનકભાઈએ એમની આદત મૂજબજ સૌમિત્રને ટોક્યા વગર ન રહી શક્યા.

‘ઇન્ટરવ્યુ માટે જાઉં છું. તમે આ પકડો.’ સૌમિત્રએ ટેબલ પર એક કવર મુક્યું.

‘પાંચ હજાર પૂરા? કેમ વાપર્યા નહીં?’ કવર ખોલીને પોતે સૌમિત્રને મુંબઈ જતી વખતે આપેલી તમામ નોટો એમની એમ જોતા જનકભાઈને નવાઈ લાગી.

‘ના, જરૂર ન પડી.’ સૌમિત્રનું ધ્યાન રસોડા તરફ હતું. એને જલ્દીથી અંબાબેન ચ્હા નાસ્તો લાવે અને એ જનકભાઈ સામેથી નીકળી જાય એની ચિંતા હતી.

‘એક રાત ક્યાં રોકાયા હતા? હોટલનું ભાડું ન ચુકવ્યું?’ જનકભાઈની પ્રશ્નોત્તરી જારી રહી.

‘એમના ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા હતી.’ સૌમિત્રએ કાયમની જેમ જરૂર પુરતો જ જવાબ આપ્યો. એણે જાણીજોઈને પોતે ધરા સાથે એને ઘેર રહ્યો હતો એમ ન કહ્યું નહીં તો જનકભાઈની જીભને કાબુમાં લેવાનું અશક્ય બની જાત એની સૌમિત્રને ખબર હતી. આ વાત તો એણે જોકે અંબાબેનને પણ નહોતી કરી.

‘તો ખાવા-પીવાનું?’ જનકભાઈએ ફરીથી સવાલ કર્યો.

‘એટલા તો મારી પાસે હતા.’ સૌમિત્રએ ફરીથી મુદ્દાસર જવાબ આપ્યો.

‘ઇન્ટરવ્યુ ક્યાં છે?’ જનકભાઈનો આગલો સવાલ.

‘એક વેક્યુમ ક્લીનરની કંપની છે આશ્રમ રોડ, બીજી સેન્ટ અને અગરબત્તી બનાવે છે એ વટવામાં છે અને ત્રીજી સ્ટેશનરીની સીજી રોડ પર છે. ત્રણેય માર્કેટિંગની નોકરીઓ છે.’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘એક ક્લાસ વન ઓફિસરનો દીકરો હવે આવી સેલ્સમેનની નોકરીઓ કરશે એમને? ભણવામાં સરખું ધ્યાન રાખ્યું હોત તો?’ જનકભાઈએ ફરીથી સૌમિત્રને ટોણો માર્યો.

‘મમ્મી નાસ્તો તૈયાર છે કે હું જાઉં?’ સૌમિત્રની સહનશક્તિની હદ હવે નજીક આવી રહી હતી. એ જનકભાઈ સામે કશું બોલી જાય એ પહેલા એને ઘરમાંથી બહાર નીકળી જવું હતું પરંતુ અંબાબેનની આજ્ઞાનું પાલન એના માટે વધારે મહત્ત્વનું હતું.

‘તું ટેબલે બેસ હું લઇ આવી બેટા. અને તમે જરાક છોકરાને શાંતિથી ચ્હા નાસ્તો કરવા દેશો? બચારો આખો દિવસ બહાર રહેવાનો છે આજે.’ અંબાબેન રસોડામાંથી બોલ્યા.

‘એમએ કરી લીધું હોત તો પણ હું માથું ઊંચું રાખી શક્યો હોત. આ તો સેલ્સમેનની નોકરી, કેટલું શોષણ થાય છે એમનું એની ખબર છે? ભીખ માંગવી સારી આના કરતા તો.’ જનકભાઈ આટલું બોલતાં બોલતાં ઉપર પોતાના રૂમના દાદરા ચડવા લાગ્યા.

સૌમિત્રને જનકભાઈનો આ છેલ્લો ટોણો ગુસ્સો અપાવી ગયો. એ સોફા પરથી ટેબલ તરફ જતાં જતાં દાદરો ચડી રહેલા જનકભાઈ તરફ ગુસ્સાભરી નજરે જોવા લાગ્યો.

નાસ્તો પતાવીને સૌમિત્ર ઇન્ટરવ્યુ માટે ઉપડી ગયો. આમ તો એના ત્રણેય ઇન્ટરવ્યુ સારા ગયા પરંતુ સ્ટેશનરી વેંચતી કંપનીને સૌમિત્રમાં સૌથી વધુ વિશ્વાસ પડ્યો એટલે એમણે સૌમિત્રને મહીને બે હજાર રૂપિયા, પેટ્રોલ અલાઉંસ અને વેચાણ ઉપર કમીશન આપવાની શરતે નોકરી ઓફર કરી. સૌમિત્ર પાસે હવે બીજો કોઈજ ઉપાય હતો નહીં. એ હવે પોતાનું લેખન કાયમ ભૂલી જઈને નોકરી જ કરવા માંગતો હતો. સૌમિત્રનું એવું માનવું હતું કે અનુભવે એને વધારે પગારવાળી નોકરી એક-બે વર્ષમાં જરૂરથી મળી જશે એટલે એણે માત્ર નોકરી પર જ ધ્યાન આપવાનું નક્કી કરી લીધું હતું. સૌમિત્રને એક વાતનો સંતોષ હતો કે વ્રજેશ અને હિતુદાનની સલાહ કે હજી એક-બે પબ્લીશર્સ સાથે વાત કરે અને ડિસેમ્બરની એણે જનકભાઈને આપેલી ડેડલાઇનની રાહ જોઇને જ નોકરી શોધે, એને ન માનીને વહેલી નોકરી લઇ લીધી. આમ થવાથી એ શાંતિથી નોકરી કરી શકશે કારણકે એ મહીને દિવસે એકાદ હજાર જનકભાઈને આપીને એમનું મોઢું બંધ રાખી શક્શે.

સૌમિત્રએ સ્ટેશનરીવાળાની નોકરી સ્વિકારી લીધી અને આગલા સોમવારથી તેણે નોકરી શરુ કરવી એમ નક્કી કરી લીધું. નોકરી શરુ થવાના બે-ત્રણ દિવસ અગાઉ મિત્રો સાથે સૌમિત્રએ અમદાવાદ અને ગાંધીનગરમાં ખૂબ સમય ગાળ્યો કારણકે હવે આવો સમય ફરી ક્યારે આવશે એની એને જરાય ખબર ન હતી.

નોકરીએ જવાના આગલા દિવસે એટલેકે રવિવારે સૌમિત્ર સવારે લગભગ નવ વાગ્યે છાપું વાંચતો હતો ત્યાંજ એની બાજુમાં પડેલો ફોન રણક્યો.

‘હલ્લો?’ સૌમિત્રએ ફોન ઉપાડ્યો.

‘હાઈ, ધરા બોલું છું.’ સામેથી ધરાનો અતિઉત્સાહમાં અવાજ આવ્યો.

‘અરે બોલો બોલો, ગૂડ મોર્નિંગ, કેમ છો? આજે સવાર સવારમાં?’ ધરાનો અવાજ સાંભળીને સૌમિત્ર પણ ખૂશ થઇ ગયો. જનકભાઈ ઘરની બહાર હોવાથી પણ સૌમિત્રને શાંતિ થઇ કે એ ધરા સાથે નિશ્ચિંત થઈને વાત કરી શકશે.

‘એ બધું બાજુમાં મુક સૌમિત્ર અને આજે રાત્રે જ મુંબઈ આવવા નીકળી જા! ભલે ઉભા ઉભા આવવું પડે.’ ધરાએ રીતસર હુકમ કર્યો.

‘હેં? શું? અચાનક? કેમ?’ ધરાના હુકમમાં જવાબમાં સૌમિત્ર માત્ર સવાલો જ કરી શક્યો.

***

પ્રકરણ ૨૫

‘તારી નોવેલ અપ્રૂવ થઇ ગઈ છે યાર...આઈ એમ સો એક્સાઈટેડ!’ ધરાના અવાજમાં ખરેખર મણ મણનો ઉત્સાહ ભરેલો હોય એવું સંભળાઈ શકાતું હતું.

‘શું વાત કરો છો? આટલા દિવસમાં તમે બીજો પબ્લીશર શોધી પણ નાખ્યો? મેં તમને ઉતાવળ કરવાની ના પાડી હતી ને? તો કેમ રીસ્ક લીધું?’ સૌમિત્રને હજી ખબર નહોતી પડી રહી કે ધરાએ આપેલા સમાચારને એ કેવી રીતે રીએક્ટ કરે.

‘અરે કોઈ બીજો પબ્લીશર નહીં પણ અમે જ એટલેકે ગ્રાન્ડ પબ્લિકેશન્સ જ તારી ધરાને પબ્લીશ કરશે.’ ધરાએ સૌમિત્રને બીજું સરપ્રાઈઝ આપ્યું.

‘પણ જગદીશભાઈએ તો ના પાડી હતી ને?’ સૌમિત્રને ધરાએ આપેલી માહિતી બાબતે નવાઈ લાગી.

‘પણ પ્રતિકે હા પાડીને?’ ધરાએ હસતાંહસતાં કીધું.

‘પ્રતિક? એ તો લંડન હતા ને?’ સૌમિત્રનું આશ્ચર્ય ચાલુ જ રહ્યું.

‘તો એ કાયમ માટે લંડન રહેવા નહોતો ગયો ઓકે? અચ્છા પહેલા તો તું મને એમ કે’ કે તારી નોવેલની ફાઈલ ક્યાં છે જે તું મુંબઈ તારી સાથે લઈને આવ્યો હતો?’ ધરાએ સૌમિત્રને પ્રશ્ન કર્યો.

‘તમારી પાસે જ હશે ને? તમે બધા પબ્લીશર્સને બતાવવાના હતા?’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘અચ્છા? તેં મને જતા પહેલાં એ ફાઈલ આપી હતી? યાદ કર.’ ધરાએ મસ્તીભર્યા ટોનમાં બીજો પ્રશ્ન કર્યો.

‘અમમ... જો આપણે બેય જગદીશભાઈને મળીને નીચે આવ્યા ત્યારે તો...’ સૌમિત્ર યાદ કરવા લાગ્યો.

‘ત્યારે તો એ તારી પાસે નહોતી રાઈટ?’ ધરાએ સૌમિત્રને યાદ દેવડાવવાની કોશિશ કરી.

‘હા કદાચ...પણ હું તો ભૂલી જ ગયો હતો કે એ ફાઈલ મેં તમને નથી આપી.’ સૌમિત્રને હવે બરોબર યાદ આવી ગયું.

‘એક્ઝેક્ટલી! તું નહીં માને હું પણ ભૂલી જ ગઈ હતી. તું મને સ્ટુપીડ કહીશ કારણકે આટલા બધા દિવસ નીકળી ગયા તો પણ મને યાદ ન આવ્યું’. પણ એક્ચ્યુલી એના લીધે જે થયું એ બ્લેસીન્ગ્સ ઇન ડીસગાઈઝ જેવું થયું.’ ધરાનો ઉત્સાહ હજી પણ બરકરાર હતો.

‘એટલે?’ સૌમિત્રને ખ્યાલ ન આવ્યો કે ધરા શું કહેવા માંગી રહી છે.

‘જો, આપણે જગ્ગુડાની કેબીનનું એસી બંધ હતું એટલે આપણે બધાએ પ્રતિકની કેબીનમાં બેસીને બધું ડિસ્કસ કર્યું હતું રાઈટ?’ ધરાએ સૌમિત્રને યાદ દેવડાવ્યું.

‘હા, રાઈટ.’ સૌમિત્રએ બરોબર યાદ કરીને કીધું.

‘પછી તો હું અને તું નીચે આવી ગયા અને મેં રજા લઇ લીધી હતી એટલે આપણે મારા ઘરે જતા રહ્યા. જગ્ગુડો પણ અડધા કલાક પછી એના કામે જતો રહ્યો અને આખો દિવસ બહાર જ રહ્યો. બીજે દિવસે એની કેબીનનું એસી બરોબર ચાલવા માંડ્યું એટલે એ એની કેબીનમાં જ રહ્યો અને ફાઈલ પ્રતિકના ટેબલ પર એમનેમ પડી હતી આ ત્રણ ચાર દિવસ.’ ધરાએ સૌમિત્રને વાત સમજાવતા કીધું.

‘ઓહ! ઓકે...’ સૌમિત્ર ધરાની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

‘પછી ગઈકાલે સવારે મુંબઈ લેન્ડ થઈને બપોરે પ્રતિક ઓફિસે આવ્યો. આમ તો સેટરડે સન્ડે અમારે રજા હોય છે, પણ એ આટલા દિવસ લંડન હતો એટલે જરાક આટલા દિવસ ઓફિસમાં શું ચાલ્યું એ જોવા બે-ત્રણ કલાક આવ્યો હતો. એનું કામ પતાવ્યા પછી એની નજર ટેબલ પર પડેલી તારી ફાઈલ પર પડી.’ ધરા સહેજ અટકી.

‘પછી?’ સૌમિત્રને હવે તાલાવેલી લાગવા માંડી કે ધરા આગળ શું કહેશે.

‘પછી હમણાં પંદર મિનીટ પહેલા પ્રતિકે મને ફોન પર જે કીધું એ હું તને કહું.’ ધરાના અવાજમાં ખૂબ જ ઉત્સાહ હતો.

‘હા પ્લીઝ.’ સૌમિત્રને પણ હવે ધરા જે કાંઈ પણ કહે તે સાંભળવું હતું.

‘પ્રતિકે મને કીધું કે એણે જેવી ફાઈલ જોઈ એટલે આઉટ ઓફ ક્યુરીઓસીટી એણે એ ફાઈલને ખોલી અને ફર્સ્ટ બે પેઈજ ઉથલાવ્યા. ફર્સ્ટ પેઈજ પર મારી અપ્રૂવલ નોટ અને મારી સિગ્નેચર જોઈ એટલે એણે વાંચવાનું ચાલુ કર્યું. પ્રતિકના ખુદના વર્ડ્સમાં કહું તો એને એમ કે એક-બે પેઈજ એ જરા જોઈ લે, પણ યુ નો એને પણ એક્ઝેક્ટલી મારી જેમ જ થયું. વન્સ એણે ફર્સ્ટ પેઈજથી વાંચવાનું શરુ કર્યું પછી એ ફાઈલ મૂકી જ ન શક્યો. એણે મને કીધું કે એક કલાક તો એ સળંગ વાંચી ગયો. પછી એને લાગ્યું કે મોડું થશે તો ઘરે બધા ચિંતા કરશે એટલે એ ઘેર જઈને એ શાંતિથી વાંચશે. પણ એનું મન ન માન્યું રસ્તામાં એણે કારમાં પણ વાંચવાનું ચાલુ જ રાખ્યું. સાંજ સુધીમાં તો એણે અડધી નોવેલ પૂરી કરી દીધી અને બાકીની રાત્રે જમીને બાર વાગ્યા સુધીમાં પતાવી, એકદમ મારી જેમ એક જ સીટીંગમાં.’ ધરા એક શ્વાસે બધું બોલી ગઈ.

‘પછી...’ સૌમિત્રને હવે પરિણામ જાણવાની ઈચ્છા હતી.

‘રાતના બાર વાગ્યા હતા એટલે એણે મને ડીસ્ટર્બ ન કરવાનું વિચાર્યું પણ હમણાં થોડી વાર પહેલાં જ પ્રતિકનો મારે ઘરે કોલ આવ્યો. યુ નો મેં જેવો ફોન ઉપાડ્યો કે પ્રતિકનો પહેલો સવાલ કયો હતો?’ ધરાએ સૌમિત્રને પૂછ્યું?

‘શું પૂછ્યું?’ સૌમિત્ર બોલ્યો.

‘એમ જ કે તે અપ્રૂવ કરેલી આટલી મસ્ત નોવેલ આપણે ત્યાં પ્રિન્ટ થઇ રહી છે અને તે મને એની રફ કોપી એક વખત પણ વાંચવા આપી નહીં?’ ધરા બોલી.

‘પછી?’ સૌમિત્રએ વળતો સવાલ કર્યો.

‘એટલે મેં તો ચોખ્ખું કહી દીધું કે મેં ભલે અપ્રૂવ કરેલી એ નોવેલ તમારા ડેડીએ રિજેક્ટ કરી દીધી છે એટલે પ્રિન્ટ નથી થઇ રહી. તો પ્રતિક એકદમ ગુસ્સામાં આવીને બોલ્યો કે માય ડેડ હેઝ ગોન મેડ! આ નોવેલ તો આગ લગાવી દેશે માર્કેટમાં. પહેલી વખત કોઈ એવી ઈંગ્લીશ નોવેલ આવી છે અને એ પણ ઇન્ડીયન રાઈટરની કે જેમાં ઇન્ડીયન ફીલ હોય, આપણી લાગતી હોય. આટલું બોલીને પ્રતિકે મને સીધો જ ઓર્ડર કરી દીધો કે આવતીકાલે અગિયાર વાગે મિસ્ટર સૌમિત્ર પંડ્યા એની હાઉ મારી કેબીનમાં હાજર જોઈએ. કેવી રીતે એ તારો પ્રોબ્લેમ છે.’ ધરાનું આ છેલ્લું વાક્ય સાંભળીને કોઈને પણ સમજાઈ જાય કે એ કેટલી ખુશ હતી.

‘તો હું રાતની ટ્રેઈનમાં નીકળું?’ સૌમિત્રને હજી પણ ખ્યાલ નહોતો આવી રહ્યો કે એ એની ખુશી કેવી રીતે વ્યક્ત કરે.

‘ના.’ ધરાએ મક્કમ અવાજે ના પાડી દીધી.

‘ના? પણ હમણાં તો તમે...’ ધરાની ના થી સૌમિત્ર ગૂંચવાયો.

‘અરે મિસ્ટર રાઈટર હવે તમારે ટ્રેઈનના સેકન્ડ ક્લાસ ડબ્બામાં મુસાફરી કરીને ન અવાય, અમારા ગ્રાન્ડ પબ્લિકેશન્સનું નાક કપાય યુ નો? હું તારી એર ટીકીટ અરેન્જ કરું છું. પ્રતિકે મને બધીજ લિબર્ટી આપી દીધી છે. અહિયાં અમારો ટ્રાવેલ એજન્ટ છે એને હું એકાદ કલાકમાં કોલ કરું છું. પછી તને કોલ બેક કરું ઓકે?’ ધરાએ સૌમિત્રને જણાવ્યું.

‘ઠીક છે. થેન્ક્સ.’ અચાનક જ આટલી બધી ખુશી લઈને આવેલા સમાચારને લીધે ડઘાઈ ગયેલો સૌમિત્ર આટલું જ બોલી શક્યો.

‘થેન્ક્સ? આપણે શું નક્કી થયું હતું? તું કાલે આવ ને તને તો હું ટીપી નાખીશ એરપોર્ટ પર જ. એક તો ક્યારનો તમે તમે બોલે છે અને હવે છેલ્લે થેન્ક્સ બોલીને ફ્રેન્ડશીપનું ઈન્સલ્ટ કરે છે?’ ધરાએ પોતાના અવાજમાં સાવ ખોટેખોટી કડકાઈ બતાવી.

‘સોરી!’ ધરાની વઢથી સૌમિત્રથી બોલી પડાયું.

‘જો વળી? કાલે તો તું ગયો કામથી સૌમિત્ર! તારું ખૂન થઇ જશે મારા હાથેથી.’ ધરા હસી પડી.

‘ઓકે ઓકે ઓકે, તમારે...તારે મને કાલે જેટલો મારવો હોય એટલો મારજે પણ કોન્ટ્રેક્ટ સાઈન કરી શકું એ હાલતમાં રાખજે પ્લીઝ!’ હવે સૌમિત્ર પણ મસ્તીના મૂડમાં આવી ગયો.

‘હાઉ સ્વીટ? અને ઈન્ટેલીજન્ટ પણ હેં ને સૌમિત્ર? ચાલ તને બાર વાગ્યા સુધીમાં કોલ કરું છું, તારે હું અમદાવાદમાં જે અડ્રેસ આપું ત્યાંથી ટીકીટ કલેક્ટ કરવાની આવશે ઓકે?’ ધરા બોલી.

‘જો હુકુમ મેડમ!’ સૌમિત્ર હસીને બોલ્યો.

‘બસ બસ હવે. મુકું છું.’ ધરાના અવાજ પરથી લાગ્યું કે એ પોતાનું મોઢું મચકોડીને જ આમ બોલી હશે અને પછી હસી પડી હશે.

ધરાના કોલ કટ કરતાં જ સૌમિત્ર રસોડામાં દોડ્યો અને અંબાબેનને પાછળથી વળગી પડ્યો.

***

લગભગ એક કલાક પછી ધરાનો ફરીથી કોલ આવ્યો અને એણે સીજી રોડ પર આવેલા કોઈ ટ્રાવેલ એજન્ટનું એડ્રેસ આપ્યું જ્યાં સૌમિત્રએ જઈને તેની મુંબઈ જવાની ટીકીટ લેવાની હતી. ધરાના કહેવા મુજબ બીજે દિવસે પ્રતિકને મળ્યા પછી જ તેની વળવાની ટીકીટ એ મુંબઈથી બૂક કરાવી દેશે. સૌમિત્ર તરત જ સીજી રોડ જવા નીકળ્યો અને ટ્રાવેલ એજન્ટને મળીને એણે પોતાની એજ દિવસની સાંજે સાડાચારની ફ્લાઈટની ટીકીટ કલેક્ટ કરી લીધી. ઘરે આવીને એણે ધરાને કોલ કરીને પોતાનું આવવાનું કન્ફર્મ પણ કરી દીધું. ધરાએ સૌમિત્રને એ પોતે એને લેવા એરપોર્ટ આવશે એમ જણાવ્યું.

સ્વાભાવિકપણે સૌમિત્ર ખૂબ ખુશ હતો અને સૌમિત્રની ખુશી જોઇને અંબાબેન પણ ખુશ થયા હતા. બપોરે જનકભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે અંબાબેને આ ખુશખબર એમને આપ્યા. જનકભાઈએ પોતાની આદત અનુસાર અણગમો દર્શાવ્યો પણ પછી વળી પોતાના રૂમમાં જઈને તેમણે સૌમિત્રને આપેલું અને થોડા દિવસ અગાઉ સૌમિત્રએ તેમને પરત આપેલું પાંચ હજાર રૂપિયાનું કવર મૂંગા મોઢે ફરીથી સૌમિત્રને આપી દીધું. સૌમિત્રને જનકભાઈના આ વર્તનથી આશ્ચર્ય જરૂર લાગ્યું પરંતુ અત્યારે તેણે મૂંગા રહેવાનું નક્કી કર્યું.

***

જમીને તરત જ સૌમિત્ર એરપોર્ટ જવા ઉપડ્યો. ફ્લાઈટ એક કલાક મોડી હતી એટલે લગભગ સાડા છ વાગ્યે એ મુંબઈ પહોંચ્યો અને જેવો એ પોતાનો સમાન લઈને બહાર આવ્યો કે ધરા એની સામે જ ઉભી હતી. બ્લેક જીન્સ અને પીસ્તા કલરના શર્ટમાં ધરા ખૂબજ સુંદર લાગી રહી હતી.

‘કોન્ગ્રેચ્યુલેશન્સ, મિસ્ટર નોવેલીસ્ટ!!’ આટલું બોલીને ધરા સૌમિત્રને વળગી પડી.

સૌમિત્રના એક હાથમાં બેગ હતી અને આ વખતે પરત આવવાનું નક્કી ન હોવાથી એણે વધુ કપડા લીધા હતા અને આથી બેગનો ભાર પણ ખૂબ હતો અને એમાં ધરા એને વળગી એટલે સૌમિત્રનું બેલેન્સ સહેજ ડગમગી ગયું, પણ એણે બેગ નીચે મૂકીને સાંભળી લીધું. સૌમિત્ર પણ ધરાને વળગ્યો.

‘ધેર આર મેની સ્લીપ્સ બીટવીન ધ કપ એન્ડ ધ લીપ્સ, હજી નોવેલ છપાવા તો દો? પછી નોવેલીસ્ટ કહેજો.’ ધરાને વળગેલી હાલતમાં જ સૌમિત્ર બોલ્યો.

‘એટલે તને મારા પર ટ્રસ્ટ નથી?’ ધરા સૌમિત્રથી છૂટી પડી અને ચહેરા પર ખોટો ગુસ્સો લાવીને બોલી.

‘તમે મારી આખી જિંદગી બદલવા જઈ રહ્યા છો, તમારા પર વિશ્વાસ ન હોય એવું બને ધરા?’ સૌમિત્ર સ્મિત સાથે બોલ્યો.

‘મારી સોટી ક્યાં છે? વળી તેં તમે તમે શરુ કર્યું?’ ધરા ફરીથી ગુસ્સો કરતા બોલી, અલબત્ત ખોટો જ.

‘ઓકે હવે નહીં બોલું, હવે જો સોરી કહીશ તો પણ તું પાછી સોટી ગોતવા લાગીશ.’ આટલું બોલતાં જ સૌમિત્ર હસ્યો.

‘વાહ, તું મને બરોબર ઓળખી ગયો છે હોં કે?’ ધરા પણ ખડખડાટ હસી પડી.

‘છોકરીને કોણ ઓળખી શકે?’ સૌમિત્રએ આંખ મારી.

‘ઓહો એમ્મ્મ? ચલ હવે થોડી સીરીયસ ટોક્સ કરીએ?’ ધરાએ ગંભીરતા ધારણ કરી.

‘ચોક્કસ બોલ.’ સૌમિત્રએ ધ્યાન રાખીને ધરાને તુંકારે બોલાવી.

‘મને પ્રતિકે તને કોઈ સારી હોટલમાં સ્ટે આપવાનું કીધું છે, પણ મારું ઘર તારા માટે ઓપન જ છે એટલે તું ફરીથી મારે ઘેર રહે તો મને કોઈજ વાંધો નથી. ચોઈસ ઈઝ યોર્સ.’ ધરાએ સૌમિત્રને બે વિકલ્પ આપ્યા તો ખરા પરંતુ એની અંદરની ઈચ્છા એવી હતી કે સૌમિત્ર એની સાથે એના ઘરમાં જ રહે.

‘પ્રતિકનો ઓર્ડર માનવો તારા માટે જરૂરી છે?’ સૌમિત્રએ સામો સવાલ કર્યો.

‘અફકોર્સ, બટ જો તું કોઈ બીજો ઓપ્શન સામેથી ન આપે તો જ.’ ધરાને હવે સૌમિત્ર શું નિર્ણય લે છે એ જાણવાની ઈચ્છા હતી.

‘મુંબઈ બહુ મોટું શહેર છે અને અહીં ઘણાબધા ગુજરાતીઓ રહે છે નહીં?’ સૌમિત્રએ ધરાને પૂછ્યું.

‘સૌમિત્ર? વ્હોટ? અચાનક શું થયું તને?’ ધરા ગૂંચવાઈ.

‘એમ જ કે આટલા મોટા સીટીમાં આટલા બધા ગુજરાતીઓ રહેતા હોય તો એમાં આ અમદાવાદીનું કોઈને કોઈ સગું તો રહેતું જ હોય ને? તો હું હોટલમાં રહેવાને બદલે આજની રાત મારા એ સગાને ત્યાં રોકાવું વધારે પસંદ કરીશ.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

‘ગ્રેટ!! એટલે તું મારા ઘેર આવે છે ને?’ ધરાને ખ્યાલ તો આવી જ ગયો હતો કે સૌમિત્ર શું કહેવા માંગે છે પરંતુ તેમ છતાં એ એની પાસે જ કન્ફર્મ કરાવવા માંગતી હતી.

‘મુંબઈમાં તારા સિવાય મારું કોણ સગું છે ધરા?’ સૌમિત્રએ પોતાનો હાથ ધરા સામે ધર્યો.

‘તો ચલ તારી આ સગલીને ત્યાં!’ ધરાએ સૌમિત્રનો હાથ પકડીને ખડખડાટ હસવાનું ચાલુ કર્યું.

સૌમિત્ર અને ધરા નજીકમાં જ આવેલા ટેક્સી સ્ટેન્ડમાંથી એક ટેક્સીમાં બેઠા અને ધરાના ઘર તરફ ઉપડી ગયા.

***

‘એનું નામ ભૂમિ છે. કોલેજના પહેલા જ દિવસે એને જોઈ અને સૌમિત્ર, સૌમિત્ર ન રહ્યો.’ રાત્રે જમ્યા પછી લગભગ અગિયાર વાગ્યે ધરા સાથે કોફી પીતાંપીતા સૌમિત્ર બોલ્યો.

‘હમમ.. મને લાગ્યું જ કે આ તારી રીયલ સ્ટોરી હોવી જોઈએ નહીં તો આટલી રીયલ ફીલ ન આવે. આ આખી નોવેલ તારી જ સ્ટોરી છે ને?’ ધરાએ પૂછ્યું.

‘કોઇપણ લેખકે ફર્સ્ટ ટ્રાય હંમેશા પર્સનલ એક્સપીરીયન્સને જ આપવો જોઈએ એ સલાહ પણ મને ભૂમિએ જ આપી હતી. કોલેજ શોર્ટ સ્ટોરી કોમ્પિટિશનનું જે ચેપ્ટર છે એ આખું મેં ખરેખર જીવ્યું છે. એમાં જે ફર્સ્ટ કીસની શોર્ટ સ્ટોરીનો રેફરન્સ છે એ મેં અને ભૂમિએ હિતુદાનના લગ્ન વખતે અનુભવી હતી. હા આ આખી મારી જ સ્ટોરી છે. ફક્ત એન્ડ અને એન્ડ તરફ લઇ જતા છેલ્લા કેટલાક ચેપ્ટર્સ સાચા નથી બટ મારી ઈમેજીનેશન છે.’ સૌમિત્ર બોલ્યો.

‘એટલે તું અને ભૂમિ?’ ધરાએ એવો સવાલ કર્યો જે કદાચ સૌમિત્રને છેલ્લા દોઢેક વર્ષથી કોઈએ પૂછ્યો ન હતો.

‘એના લગ્ન થઇ ગયા છે. નોવેલનો હીરો સૌમિલ જે હિંમત દેખાડે છે એ હું ન દેખાડી શક્યો ધરા. અને તને ખબર છે છુટા પડતા પહેલા ભૂમિએ જ મારી પાસેથી પ્રોમિસ લીધું હતું કે હું અમારી લાઈફ પરથી નોવેલ લખું અને એનો એન્ડ હેપ્પી હોય.’ સૌમિત્રનો અવાજ ભારે થયો.

એક વર્ષથી પણ લાંબા સમયથી સૌમિત્ર ભૂમિને દિવસ-રાત યાદ કરતો હતો, પણ તેણે પોતાનો આ ધૂંધવાટ પોતાના હ્રદયમાં જ ધરબી દીધો હતો. ખબર નહીં પણ કેમ આજે ધરા સામે સૌમિત્રનું આ દુઃખ બહાર આવવા માટે અંદરથી જ ધક્કા મારી રહ્યું હોય એવું સૌમિત્રને સતત ફીલ થઇ રહ્યું હતું.

‘ઓહ માય ગોડ! આઈ એમ સોરી સૌમિત્ર જો મેં તને હર્ટ કર્યો હોય આ બધું પૂછીને. મારો એવો કોઈજ ઇન્ટેન્શન નહોતો.’ ધરા પોતાનો સોફો છોડીને સૌમિત્ર જ્યાં બેઠો હતો એ સોફા પર સૌમિત્રની બાજુમાં આવીને બેઠી અને એણે સૌમિત્રનો હાથ પકડી લીધો.

‘ના ધરા, ઉલટું મને તો એવું લાગે છે કે આ દોઢ વર્ષથી મારી અંદર જે કાંઈ પણ ધરબાઈ રહ્યું છે એને હું તારી સામે ખુલ્લું પાડી દઉં. મારે હવે આ ભાર હવે હળવો કરવો છે.’ સૌમિત્રની આંખો ભીની હતી.

‘તો આજે તારું દિલ સાવ હળવું કરી દે, હું બધું જ સાંભળવા તૈયાર છું. બોલ, તું અને ભૂમિ છુટા કેમ પડ્યા?’ ધરા સૌમિત્રના હાથ પર પોતાનો બીજો હાથ ફેરવવા માંડી.

‘ભૂમિના પપ્પા ખૂબ સ્ટ્રોંગ છે અને પોલીટીશીયન પણ રહી ચૂક્યા છે. મારા એમને ભૂમિના ઘેર મળ્યા બાદ હું અને ભૂમિ એમના એ પાવરથી ખૂબ ડરી ગયા હતા. અમે ભાગીને લગ્ન કર્યા હોત તો પણ એ એમના નેટવર્કનો ઉપયોગ કરીને અમને ગમેત્યાંથી શોધી કાઢત અને મારી શું હાલત કરત એને ઈમેજીન પણ ન કરી શકાય. એટલે અમે બંનેએ નક્કી કર્યું કે બેટર છે અમે ભેગા ન થઈએ.’ સૌમિત્ર બોલી રહ્યો હતો અને એની આંખો ધીમેધીમે ભીની થઇ રહી હતી.

‘આઈ થીંક જે રીતની તમારા બંનેની મેન્ટલ કંડીશન તે વખતે હશે એમાં ધીસ ઈઝ ધ બેસ્ટ ડીસીઝન. તો તમે છેલ્લે ક્યાં મળ્યા?’ ધરાએ આગલો સવાલ કર્યો.

‘એની ફ્રેન્ડને ઘેર. અમે આખો દિવસ એકસાથે પસાર કરવાનું નક્કી કર્યું હતું. ભૂમિ રીતસર દુલ્હનની જેમ તૈયાર થઈને આવી હતી, ફક્ત મારા માટે.’ ભીની આંખે પણ સૌમિત્રને એ દિવસ નજરે આવતા તેના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘વાઉ! પછી?’ ધરાએ પૂછ્યું.

‘એણે એનો પ્લાન કહ્યો જેમાં એના પપ્પા સાથે એને નેચરલ બદલો લેવો હતો.’ સૌમિત્ર હસ્યો.

‘નેચરલ બદલો? એટલે?’ ધરાની ભ્રમરો ખેંચાઈ.

‘એટલે વરુણ એના પપ્પાની ચોઈસ હતો અને એના પપ્પા સામે બળવો કરવા માટે ધરાને મારી સાથે તે દિવસે સેક્સ કરવો હતો એટલે એ ફર્સ્ટ નાઈટ વખતે વરુણ પાસે વર્જિન રહીને ન જાય.’ સૌમિત્ર ધરાની આંખમાં આંખ નાખીને બોલ્યો.

‘ઓહ માય ગોડ! એકદમ બોલ્ડ ગર્લ. આઈ લાઈક ઈટ. પછી?’ ધરા હસીને બોલી.

‘પછી, અમે ધીરેધીરે એકબીજામાં ખોવાઈ પણ ગયા, પણ હું થોડી વાર પછી રોકાઈ ગયો.’ સૌમિત્રએ વાત આગળ વધારી.

‘વ્હાય?’ ધરાને આશ્ચર્ય થયું જે એના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

‘જેવું તને સરપ્રાઈઝ થાય છે એવું ભૂમિને પણ થયું. પણ મને એ વખતે એમ લાગ્યું કે આ યોગ્ય નથી. મારી, ભૂમિ અને ભૂમિના પપ્પા વચ્ચેની લડાઈમાં વરુણનો શો વાંક? લેડીઝ વર્જીનીટી જેવી નાખી દેવા જેવી વાતોમાં હું જરાય માનતો નથી અને મેં ભૂમિને તે વખતે આમ જ કહ્યું હતું, પણ જો ઠંડા દિમાગથી વિચારીએ તો ભૂમિ એના પપ્પા સાથે નહીં પણ વરુણ સાથે બદલો લઇ રહી હતીને? ભૂમિ વર્જિન રહે કે ન રહે એના પપ્પાને શો ફરક પડવાનો હતો?’ સૌમિત્રએ પોતાનો મુદ્દો ધરાને સ્પષ્ટરીતે કહ્યો.

‘હમમ.. આઈ થીંક તમે બંને ખોટા નહોતા, બટ યુ વેર મોર કરેક્ટ. એટલે તમે લોકો એકબીજામાં ઇન્વોલ્વ થઇ ગયા પછી પણ તું ત્યાં જ સ્ટોપ થઇ ગયો?’ ધરાને નવાઈ લાગી.

‘હા, અને મેં ભૂમિને પણ એ જ કહ્યું જે મેં તને કીધું, અને એ ખૂબ ગુસ્સે થઇ ગઈ, એટલી ગુસ્સે થઇ ગઈ કે એણે મને ત્યાંથી ત્યારે જ જતું રહેવાનું કીધું એટલુંજ નહીં પણ મારી પીઠ પાછળ આઈ હેઇટ યુ પણ કહી દીધું.’ સૌમિત્રના આંસુઓ હવે છલકાઈ જવા માટે ખૂબ દબાણ કરી રહ્યા હતા પણ સૌમિત્ર એમને દબાવીને બેઠો હતો.

‘ઇટ્સ નેચરલ સૌમિત્ર ફોર અસ ધ ગર્લ્સ. જ્યારે અમે સામેથી કોઈ પુરુષને અમારું શરીર સોંપવા તૈયાર હોઈએ છીએ અને એ પણ ભૂમિ જેવા મોટીવને ધ્યાનમાં લઈને અને પછી એમાં એક વખત ઇન્વોલ્વ થયા પછી જો પેલો મેઈલ હા-ના કરે કે તારી જેમ વીથડ્રો કરી લે તો પછી અમારા જેવું ખતરનાક એનીમલ બીજું કોઈજ ન હોય. હું એમ નથી કહેતી કે તેં જે કર્યું એ ખોટું કર્યું તું તારી જગ્યાએ સાચો છે, પણ તે વખતે ભૂમિ શું ફીલ કરી રહી હશે એ હું અત્યારે, આ મીનીટે અને આ સેકન્ડે એક્ઝેક્ટ એ જ ફીલ કરી શકું છું.’ ધરાએ પોતાનું મંતવ્ય આપ્યું.

અને ધરા સૌમિત્રને બિન્ધાસ્ત પોતાનું મંતવ્ય આપી શકતી હતી કારણકે માત્ર એક અઠવાડિયું જૂની એમની દોસ્તીએ છેલ્લા ચાર-પાંચ કલાકમાં ઘેરો રંગ પકડી લીધો હતો.

‘પણ ઘણી વખત મને રહી રહીને એવો વિચાર આવે રાખે છે કે જો મેં ભૂમિની વાત માની લીધી હોત તો શું ખાટુંમોળું થઇ જવાનું હતું? ભૂમિ જેને હું મારા જીવથી પણ વધુ પ્રેમ કરું છું અને એણે મને કાયમ યોગ્ય રસ્તો આપ્યો હતો. ઇવન આજે જ્યારે એ મારી સાથે નથી ત્યારે પણ એના કારણેજ મારી ફર્સ્ટ નોવેલ પબ્લીશ થવા જઈ રહી છે અને કાલ સવારથી મારી લાઈફ કદાચ સાવ બદલાઈ પણ જવાની છે, તો એની નાનકડી અને એકમાત્ર ઈચ્છા મેં કેમ પૂરી ન કરી? યુ નો ધરા હવે હું અંદરથી ખૂબ ગીલ્ટ ફીલ કરું છું. મને પાકેપાયે એમ લાગે છે કે મેં ભૂમિ સાથે ખૂબ અન્યાય કર્યો છે અને હું મારી જાતને એના માટે ક્યારેય માફ નહીં કરી શકું.’ આટલું બોલતાની સાથેજ સૌમિત્રની લાગણીઓનો ડેમ તૂટી પડ્યો.

સૌમિત્રએ અનરાધાર રડવાનું શરુ કરી દીધું એ રીતસર ડૂસકાં ભરી રહ્યો હતો. શરૂઆતમાં ધરાએ એની પીઠ પર હાથ ફેરવીને એણે શાંત કરવાની કોશિશ કરી. પરંતુ સૌમિત્રનું રુદન બંધ ન થયું. અંબાબેન અને જનકભાઈ સામે કે પછી જેમને સૌમિત્ર વિષે ઈંચેઇંચની ખબર હતી એવા એના જીગરજાન મિત્રો વ્રજેશ અને હિતુદાન સામે પણ સૌમિત્ર નોર્મલ હોવાનો દેખાવ કરતો હતો પણ ખરેખર તો એ ભૂમિ પ્રત્યે એના અપરાધભાવમાં જીવી રહ્યો હતો.આજે લગભગ દોઢ વર્ષ પછી ધરાએ બતાવેલી લાગણીએ સૌમિત્રને પોતાના હ્રદય પર મૂકી રાખેલો પથ્થર હટાવવા માટે મજબૂર કરી દીધો હતો.

હિબકે ચડેલા સૌમિત્રનું રડવાનું ચાલુ રહેતા ધરાએ હવે એને સોફા પર બેઠાબેઠાજ પોતાની બાહોંમાં લીધો અને એને પોતાના બંને હાથમાં જકડી લીધો.

‘શાંત થઇ જા સૌમિત્ર, એકદમ શાંત થઇ જા. તું જરાય ખોટો નહોતો. ભૂમિને પણ કદાચ અત્યારસુધીમાં એની ભૂલનો ખ્યાલ આવી ગયો હશે. હમમ? બસ... હવે રડવાનું બંધ કરી દે.’ ધરા સૌમિત્રની પીઠ પર હાથ ફેરવતા બોલી.

થોડી વખત પછી ધરાએ પોતાના રૂમાલથી સૌમિત્રના આંસુ લૂછ્યા અને એને એક સ્મિત આપીને એના ચહેરાને ચૂમવા લાગી. થોડો સમય આ રીતે સૌમિત્રના સમગ્ર ચહેરાને ચૂમીને ધરાએ સૌમિત્રના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. ધરાના શરીરના દબાણથી અત્યારસુધી પોતાના શરીરને ઢીલું રાખનાર સૌમિત્ર એ મોટા સોફા પર જ સુઈ જવા માટે મજબૂર થઇ ગયો અને ધરા સૌમિત્રના હોઠોનું પાન કરતી એના પર જ સુઈ ગઈ અને ધીરેધીરે બંને ભાન ભૂલવા લાગ્યા અને થોડી જ મીનીટોમાં એકબીજામાં ખોવાઈ ગયા.

***

પ્રકરણ ૨૬

‘ડોન્ટ ટેલ મી કે દસ મિનીટ પહેલાં સુધી તું વર્જિન હતો.’ સોફા પર સૌમિત્રના ખભા પર પોતાનું માથું ઢાળીને સૌમિત્રની છાતીના વાળમાં પોતાની લાંબી લાંબી આંગળીઓ ફેરવતાં ધરાએ પૂછ્યું.

‘હું સાચું કહું છું યાર, બીલીવ મી. મારી હાલત જોઇને તને નથી લાગતું?’ ધરાના માથાને સૌમિત્ર સહેલાવી રહ્યો હતો.

‘ખરેખર મને નવાઈ લાગે છે. આજકાલ તો બોયઝ કોલેજ શરુ થતાં જ આ ચક્કરમાં પડી જાય છે અને તે કોલેજ એમનેમ સાવ કોરી પસાર કરી? આવી ગૂડી ગૂડી ગર્લ તો હું પણ નથી.’ સૌમિત્ર તરફ જોઇને ધરાએ આંખ મારી.

‘ભૂમિના પ્રેમમાં એ બધું વિચારવાનો મોકો જ ન મળ્યો.’ સૌમિત્રએ પણ ધરા સામે જોયું.

‘લાયર! તો નોવેલમાં તારા સૌમિલ અને તારી ધરાનું હનીમૂનનું ચેપ્ટર છે એમાં અને બીજી ઘણીબધી જગ્યાએ તું સેક્સ પોઝીશન્સ વિષે આટલું ડીટેઇલમાં કેવી રીતે લખી શક્યો? તારું એ ડીટેઇલીંગ વાંચીને બે સેંકડ તો મને એવું લાગ્યું કે કદાચ ઋષિ વાત્સ્યાયન પણ તારી પાસે ટ્યુશન લેવા આવતા હશે.’ ધરા હસી પડી.

‘ઈમેજીનેશન. બસ બીજું કશું નહીં. હનીમૂનવાળા ચેપ્ટરમાં મારી જાતને સામે મૂકી અને વિચાર્યું કે આ જગ્યાએ જો હું પોતે હોઉં તો મારી ભૂમિને અમારી ફર્સ્ટ નાઈટે કેવી રીતે પ્રેમ કરું અને બીજી જગ્યાએ જે કેરેક્ટર છે એને ધ્યાનમાં લઈને બધું ઈમેજીન કર્યું.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

‘અમેઝિંગ! હું પણ તારાથી કશુંજ નહીં છુપાવું. મારે કોલેજમાં એક બોયફ્રેન્ડ હતો અને જસ્ટ આઉટ ઓફ ક્યુરીઓસીટી અમે એક વખત સેક્સ એન્જોય કર્યું. એ તો કદાચ પહેલીવારમાં જ ધરાઈ ગયો કે જે કોઇપણ રીઝન હોય પછી એ કાયમ ના પાડવા લાગ્યો. પણ મને ખબર નહીં સેક્સ કાયમ અટ્રેક્ટ કરતો રહ્યોછે, પણ એમ કાંઈ હું ડેસ્પરેટ પણ નથી. એટલે સેફટી શોધવામાં જ કોલેજ પૂરી થઇ ગઈ. પછી બોમ્બે આવી અને સ્ટ્રગલ કરી એ ટાઈમમાં એક બીજો બોયફ્રેન્ડ...અમમ બોયફ્રેન્ડ તો નહીં કહું પણ એક ક્રશ થયો અને હું બોરીવલીમાં જ્યાં રેન્ટ પર રહેતી હતી ત્યાં અમે એક જ વાર એન્જોય કર્યું. એટલે આજનું એન્જોયમેન્ટ મારી લાઈફનું ત્રીજું જ પણ સૌથી સેટીસફેક્ટરી એન્જોયમેન્ટ છે કારણકે આપણે બંને ઈમોશનલી ઇન્વોલ્વ થઇ ગયા હતા.’ આમ કહીને ધરાએ થોડી વાર સૌમિત્રની છાતીમાં પોતાનો ચહેરો ફેરવ્યો અને ત્યાં હળવું ચુંબન કર્યું.

‘પણ મારી સાથે કેમ?’ સૌમિત્રએ ધરાના વાળ સહેલાવ્યા.

‘ખબર નહીં. તું જ્યારથી મળ્યો છે ત્યારથી જ તું મને ગમે કરે છે. સાચું કહું તો ફિઝીકલી નહીં પણ ઈમોશનલી કારણકે તારું હાર્ટ ખૂબ પ્યોર છે. એમાં પણ તું જ્યારે ભૂમિની વાત કરતા ઇમોશનલ થઈને રડવા લાગ્યો એટલે મને આમ અંદરથી જ અચાનક એવું લાગ્યું કે તને મારે સપોર્ટ કરવો જોઈએ.’ ધરાએ જવાબ આપ્યો.

‘એટલે તું મને...’ સૌમિત્રએ એનો સવાલ અડધેથી જ રોકી લીધો કારણકે એને ખબર હતી કે ધરાને બાકીનો સવાલ સમજાઈ ગયો હશે.

‘અત્યારે ખબર નથી. કદાચ હા કદાચ ના. હા તું મને ગમે છે, ઈનફેક્ટ ખૂબ ગમે છે. બટ લવ અને મેરેજ એ બહુ મોટી વાત છે. અને આપણે ફ્રેન્ડસ તો છીએ જ ને? કેમ બે અલગ જેન્ડરના ફ્રેન્ડસ એકબીજાને ઈમોશનલી સપોર્ટ કરવા સેક્સની હેલ્પ ન આપી શકે? સેક્સ ઈઝ અ બીગ મેન્ટલ સ્ટ્રેસ રિલીવર ને?’ ધરાએ દલીલ કરી.

‘હમમ... ગયા અઠવાડીએ મુંબઈ આવ્યો ત્યારથી તું પણ મને ખૂબ ગમે છે પણ હું પણ કન્ફયુઝ તો છું જ કારણકે ભૂમિ હજીપણ મારા દિલમાં છે. બહેતર એ રહેશે કે આપણે એકબીજાને થોડો સમય આપીએ. હજી મારે તો કરિયર બનાવવાની છે. એક નોવેલથી કશું ન થાય એટલે બીજી નોવેલ માટે આઈડીયાઝ વિચારવા પડશે એને લખવી પડશે. એક વખત બધું સરખું થઇ જાય પછી આપણે આ અંગે ફરીથી વિચારી શકીએ હેં ને?’ સૌમિત્ર ધરાના કપાળને ચૂમતા બોલ્યો.

‘જે રીતે પ્રતિકે તારી નોવેલના વખાણ કર્યા છે, હું એક વાતે શ્યોર છું સૌમિત્ર કે આવતીકાલ પછી તને એક મિનીટ માટે પણ આરામ નહીં મળે, એટલીસ્ટ આવનારા પાંચ વર્ષ માટે. એક બીજી વાતે પણ હું શ્યોર છું કે આપણે ફ્યુચરમાં કોઇપણ ડીસીઝન લઈશું આપણે ફ્રેન્ડસ તો રહીશું જ. વી વીલ હેવ એન ઓપન ફ્રેન્ડશીપ, જેમાં કોઈજ બંધન ન હોય, એકબીજાથી કોઈ કશું જ ન છુપાવે.... પોતાનું શરીર પણ નહીં. પ્રોમિસ?’ આટલું કહીને ધરાએ પોતાનો હાથ સૌમિત્ર સામે લંબાવ્યો.

‘પ્રોમિસ.’ સૌમિત્રએ ધરાના હાથને ચૂમીને પોતાનો હાથ તેની સાથે મેળવ્યો.

‘એક બીજી પણ એવી વાત છે જેના માટે હું ડેમ શ્યોર છું.’ ધરાના ચહેરા પર હવે તોફાન રમી રહ્યું હતું.

‘કઈ?’ સૌમિત્ર ધરા સામે જોઈ રહ્યો.

‘એ જ કે અત્યારે રાતનો દોઢ વાગ્યો છે અને કાલે આપણે બંને એ મારી ઓફિસે વહેલા જવાનું છે અને અત્યારે તે મને ખૂબ થકવી નાખી છે એટલે મારે હવે સુઈ જવું છે.’ ધરા હસી રહી હતી.

‘થાક તો મને પણ લાગ્યો છે. જો ને આપણે અડધા પોણા કલાકથી આમને આમ સોફા પર બેઠા છીએ અને બંનેમાંથી કોઈનેય નીચે પડેલા કપડા પહેરવાનું પણ મન નથી થતું. હું તો અહીં સોફા પર જ સુઈ જઈશ. તું જા તારા બેડરૂમમાં, સવારે મને ઉઠાડજે, હવે મારાથી એક પગલું પણ નહીં ચલાય.’ સૌમિત્રએ પણ ધરાને આંખ મારી.

‘ના, આજે આપણા બે માંથી કોઇપણ કપડા નહીં પહેરે અને આપણે બંને મારા જ બેડરૂમમાં સુઈ જશું, એકબીજાને ફીલ કરતા કરતા...’ ધરાએ આટલું બોલીને સૌમિત્રના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.

થોડો સમય બાદ સૌમિત્ર અને ધરા સોફા પરથી ઉભા થયા અને એકબીજાને સહારો આપતા આપતા ધીમેધીમે ધરાના બેડરૂમ તરફ ચાલવા લાગ્યા. સોફા પાસે બંનેના કપડાં અસ્તવ્યસ્ત હાલતમાં જ પડ્યા રહ્યાં, આખી રાત.....

***

‘આજ પઢાઈ કા મૂડ નહીં હૈ, ચલોના આજ કહીં ઘૂમને ચલતે હૈ.’ કેન્ટીનમાં ચા પીતાંપીતા ભૂમિ બોલી.

‘કીધોર? આજ શોકાળે કોલ કીયા આમકો ઇધોર જોલ્દી જોલ્દી બુલા લીયા. કી હોઈછે ભૂમિ?’ શોમિત્રોને ભૂમિના વર્તનથી નવાઈ લાગી.

‘તુમને મુજે અભી તક કોલકાતા નહીં દીખાયા. ચલો આજ કોલકાતા દેખતે હૈ.’ આટલું બોલતાં જ ભૂમિએ ચ્હા પીવાની ઝડપ વધારી દીધી.

‘આપ થોક નેહી ગોયા? આપ તો આર્લી મોર્નિંગ ટ્રેન શે જોમશેદપુર શે આયા હોગા ના?’ શોમિત્રોને હજી નવાઈ લાગી રહી હતી.

‘અરે મેં ઇધર કોલકાતા મેં હી થી વિકેન્ડ મેં. હસબન્ડ સાઉથ આફ્રિકા ટૂર પર હૈ તો જમશેદપુર મેં અકેલી રહું યા ઇધર અપને ફ્લેટ મેં, ક્યા ફરક પડતા હૈ?’ ભૂમિએ જવાબ આપ્યો.

‘અરે, તો કાલ યા પોરશો કોલ કોર દીયા હોતા, અમરે પાશ દુઈઠો દિન હોતા તો કોલકાતા ઘૂમને કે વાશ્તે?’ શોમિત્રો ફરિયાદના સ્વરમાં બોલ્યો.

‘મૈને સોચા તુમ બીઝી હોંગે, વિકેન્ડમેં ફેમીલી કે સાથ..’ ભૂમિએ સ્મિત સાથે જવાબ આપ્યો.

‘ના.. વોશુન્ધોરા કે શાથ જો આમરા મા બાબાને જો કીયા ઉશકે બાદ અમ ઉનકે શાથ ઝ્યાદા કોથા નેહી કોરતા. કોઈ કાજ હો તો હી બાત કોરતા હૈ. કાલ તો અમ પૂરા દિન બોર હોતા રહા આપ બોલતી તો આમ એક દોનો શાથશાથ કોલકાતા ઘૂમતે.’ શોમિત્રના ચહેરા પર આખો રવિવાર ભૂમિ સાથે વિતાવી શકવાનો મોકો હાથમાંથી જતો રહ્યો તેનો રંજ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

‘ક્યા ફરક પડતા હૈ? આજ દેખતે હૈ ના કોલકાતા?’ ભૂમિની આંખો નાચી રહી હતી.

‘ઓરે બાબા ના ના, આજ તો ભાર્લ્ડ ફેમાશ ઈકોનોમિશ્ટ જ્યોતીર્ગોમોય રોયચોધરી કા ઈમ્પોર્ટાન્ટ ગેશ્ટ લેક્ચોર હૈ ના? બોહુત બોરા પોંડીટ હૈ ઇકોનોમિકસ કા. આમી શુની કી તીન બોર્ષો શે ડીપાર્ટમેન્ટ ચેષ્ટા કોર રહા થા પાર વો એપોઇન્ટમેન્ટ હી નેહી દે રોહા થા. આઈ થીંક ભી સુડ નોટ મીશ ઈટ ભૂમિ.’ શોમિત્રોને આજનું મહત્ત્વનું લેક્ચર નહોતું છોડવું.

‘ઓકે, તુમ લેક્ચર અટેન્ડ કરો ફીર તુમ્હે મેરી અપોઈન્ટમેન્ટ ભી તીન સાલ તક નહીં મિલેગી.’ ભૂમિ મોઢું બગડતા બોલી.

‘મોરી ગેલો. ફીર તો ભૂમિ પોટેલ કે શામને મેં જ્યોતીર્ગોમોય રોયચોધરી પોરાજીત હોઈ ગોયા.’ શોમિત્રો પણ હસતાંહસતાં બોલ્યો.

‘તો ફીર ચલો દેર કીસ બાત કી?’ ભૂમિ પોતાની ખુરશીમાંથી ઉભી થઇ ગઈ.

‘એકઠો શોમોશ્યા હોઈ.’ શોમિત્રો પણ એની ખુરશીમાંથી પોતાનું માથું ખંજવાળતા ખંજવાળતા ઉભો થયો.

‘ક્યા?’ ભૂમિએ પોતાની બંને ભમરો ભેગી કરીને પૂછ્યું.

‘આમી આજ આમરા કાર નેહી લાયા, આમી બાઈક લેકોર આયા હૈ. આપ ઓગોર આમકો આર્લી માર્નીગ જબ ફોન કીયા થા તોભી આપ કા પ્લાન બોલતા તો આમી કાર લેકોર આતા ના?’ શોમિત્રોએ પોતાની સમસ્યા જણાવતા કહ્યું.

‘તો?’ ભૂમિના ચહેરા પર આશ્ચર્ય હતું.

‘તો? પૂરા દિન આપ બાઈક પર... થોક નેહી જાયેગા?’ શોમિત્રોને જે પ્રશ્ન નડી રહ્યો હતો એ તેણે જણાવી દીધો.

‘મુજે કોઈ પ્રોબ્લેમ નહીં હૈ અગર તુમ્હે અચ્છે સે બાઈક ચલાની આતી હો તો!’ આટલું કહેતા ભૂમિએ શોમિત્રોને આંખ મારી.

‘આજ તુમી ફૂલ મોજાક કે મૂડ મૈ હૈ હાં?’ શોમિત્રોને ભૂમિની મજાક મસ્તી કરવી ગમી રહી હતી.

‘અભીતક તુમને મુજે એકદમ ફૂલ મસ્તી કે મૂડ મેં તુમને દેખા હી કહાં હૈ? જાઓ અબ બાઈક લે કર આઓ મૈ મેઈન ગેઇટ કે બહાર ખડી હું.’ ભૂમિએ રીતસર હુકમ કર્યો.

‘બટ એકઠો ઔર શોમોશ્યા હૈ.’ શોમિત્રો ફરીથી કન્ફયુઝ થઇ ગયો હોય એવું લાગ્યું.

‘અબ ક્યા હૈ?’ ભૂમિએ પોતાના કપાળ પર બે ત્રણ વખત પોતાની હથેળી ઠોકીને અને કંટાળીને શોમિત્રો સામે જોતા પૂછ્યું.

‘દાખો ઉપોર દાખો, બ્રિષ્ટિ આઈ મીન બોરશાત હોને વાલી હૈ તો બાઈક પોર તુમ ભીગ જાઓગી.’ શોમિત્રોએ કેન્ટીનના દરવાજામાંથી દેખાતા આકાશ તરફ આંગળી કરીને ઉપર રહેલા કાળાડીબાંગ વાદળો તરફ જોઇને કહ્યું.

‘મુજે બારીશ મેં ભીગના પસંદ હૈ અબ ચલેં?’ ભૂમિએ શોમિત્રો તરફ ખોટો ગુસ્સો કરતા કીધું.

‘ઠીક આછે, પોર એકઠો ઔર ભી શોમોશ્યા ...’ શોમિત્રો બોલવા જ જતો હતો.

‘અબ જાઓ....’ ત્યાં જ ભૂમિએ હસતાંહસતાં એને ધક્કો માર્યો એને ખબર હતી કે હવે શોમિત્રો એની મશ્કરી કરી રહ્યો હતો.

શોમિત્રો પણ હસતાંહસતાં પાર્કિંગ તરફ ચાલવા લાગ્યો. જ્યારથી એ ભૂમિને ઘેરે વરસતા વરસાદમાં ચ્હા પીવા ગયો હતો અને બીજે દિવસે એણે ભૂમિને પોતાની અને વસુંધરાની વાત કરી હતી ત્યારથી ભૂમિ એની સાથે ખૂબ વાતો કરવા લાગી હતી. લગભગ બે વર્ષના લાંબા ગાળા પછી શોમિત્રોને પણ પોતાની જિંદગી ગમવા લાગી હતી. વળી ભૂમિનો વસુંધરા સાથે લગભગ મળતો આવતો ચહેરો પણ શોમિત્રોને સતત ભૂમિની સાથે રહેવા માટે મજબૂર કરી દેતો હતો, પરંતુ એને ખબર હતી કે ભૂમિ પરણેલી હતી એટલે એ પોતે પણ લીમીટમાં જ રહેવા માંગતો હતો. આજની ભૂમિની મસ્તી અને એણે જે રીતે પોતાની પાસે કોલકાતા જોવાની માંગણી પૂરા હક્ક સાથે કરી તેનાથી શોમિત્રોને ખ્યાલ આવી ગયો કે ભૂમિ હવે એના પર પૂરેપૂરો વિશ્વાસ કરવા લાગી છે અને આથી જ શોમિત્રો આજે ખુશ હતો...ના ના ખૂબ ખુશ હતો.

***

‘વેલકમ, વેલકમ સૌમિત્ર. તમે તો યાર ખૂબ યંગ છો?’ પોતાની કેબીનમાં સૌમિત્ર અને ધરાને પ્રવેશતા જોઇને ખુરશીમાંથી ઉભા થઈને પ્રતિક સૌમિત્ર સામે ઝડપથી ચાલીને આવ્યો અને એના બંને હાથ પકડીને એનું સ્વાગત કર્યું.

'કેમ મારે યંગ નહોતું હોવું જોઈતું?’ સૌમિત્ર પણ હસીને બોલ્યો.

‘અરે ના ના.. તમારી નોવેલમાં તમારા થોટ્સ વાંચીને એમ લાગ્યું કે તમે એટલીસ્ટ થર્ટી ફાઈવ પ્લસ તો જરૂર હશો. બટ આઈ એમ ગ્લેડ કે આટલી નાની એઈજમાં પણ તમે આટલું સારું વિચારી શકો છો અને લખી શકો છો. ઇન્ડીયન લિટરેચરનું ફ્યુચર બ્રાઈટ છે. બેસો.’ સૌમિત્રને નજીકની ખુરશી ઓફર કરતા પ્રતિક બોલ્યો.

‘થેન્ક્સ તમે મને આટલો બધો યોગ્ય ગણ્યો. બાકી ગુજરાતી પબ્લીશર્સે તો મને સ્ટેશનરી વેંચવા માટે મજબૂર કરી દીધો હતો. તમે જો મને આજે ન બોલાવ્યો હોત તો અત્યારે હું અમદાવાદના ગાંધી રોડ પર કોઈક સ્ટેશનરીની દુકાને મારી લાઈફનો પહેલો સેલ્સ કોલ આપી રહ્યો હોત.’ સૌમિત્રના અવાજમાં ગજબનો આત્મવિશ્વાસ આવી ગયો હતો. કદાચ સફળતા માણસને આપોઆપ આત્મવિશ્વાસ અપાવી દેતી હશે.

‘યુ ડિઝર્વ ઈટ મેન! અરે હા ધરાએ તમને સારી હોટલમાં સ્ટે આપ્યો છે ને?’ પ્રતિક ધરા સામે હસતાંહસતાં બોલ્યો.

‘ના, હું મારી કઝીનને ઘેર રોકાયો છું. ગયે વખતે પણ ત્યાં જ રોકાયો હતો. એને બહુ ખોટું લાગી જાય છે કે જો હું મુંબઈ આવ્યો હોઉં અને એના ઘેરે ન રોકાઉં તો. એ મને ખૂબ પ્રેમ કરે છે.’ સૌમિત્રએ પ્રતિકને જવાબ આપ્યો અને એની એકદમ બાજુમાં બેસેલી ધરાએ આ સાંભળતા જ સૌમિત્રને પોતાની કોણી મારી.

‘ગ્રેટ, તો હવે ધંધાની વાત કરીએ? કારણકે ટેબલની એક તરફ એક ગુજરાતી બેઠો હોય અને બીજી તરફ એક મારવાડી અને બંને ધંધા સિવાયની વાત કરે તો બંનેને શરમાવાનો વખત આવે.’ પ્રતિક હસીને બોલ્યો.

સૌમિત્રને પ્રતિકના સ્વભાવની સરળતા ખૂબ ગમી ગઈ. સૌમિત્ર મનોમન એમ વિચારી રહ્યો હતો કે ગયા અઠવાડીએ આ જ કેબીનમાં પ્રતિકના પિતા જગદીશચંદ્ર અગ્રવાલની સામે એ કેવો ડરીડરીને બેઠો હતો અને આજે માત્ર આઠ દિવસ પછી એ જ કેબીનમાં પ્રતિક સાથે પોતાની પહેલી નોવેલના પબ્લીશીંગ માટે પૂરા આત્મવિશ્વાસ સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છે.

‘ચોક્કસ.’ સૌમિત્ર જવાબમાં માત્ર આટલું જ બોલ્યો.

‘કાલે ધરાને સવારે કોલ કરીને મેં મારા વકીલ પાસે કોન્ટ્રેક્ટના પેપર્સ તૈયાર કરાવી લીધા હતા. યુ નો મારે તમારા જેવા બ્રાઈટ રાઈટરને બિલકુલ ગુમાવવા ન હતા. તમારે અત્યારે ને અત્યારે જ સાઈન કરવાની જરૂર નથી, તમે અમદાવાદ જઈને શાંતિથી તમારા કોઈ વકીલને પેપર્સ દેખાડીને, સાઈન કરીને મને કુરિયર કરી દેજો. પણ હું તમને એની હાઈલાઈટ આપી દઉં?’ પોતાના ડ્રોઅરમાંથી કેટલાક કાગળો કાઢીને સૌમિત્ર સામે મૂકતા પ્રતિક બોલ્યો.

‘જરૂર.’ સૌમિત્રની ઉત્કંઠા વધવા લાગી.

‘તમારી નોવેલ ધરા એ ગ્રાન્ડ પબ્લિકેશન્સ એક્સક્લુઝિવલી પબ્લીશ કરશે. અત્યારે મારા પ્લાન પ્રમાણે અમે બે હજાર કોપીઝ પ્રિન્ટ કરીશું. નોર્મલી જો સાવ નવો રાઈટર હોય તો એની થાઉઝંડની આસપાસ કોપીઝ પ્રિન્ટ કરીએ, પણ તમારી નોવેલમાં મને એટલો દમ દેખાય છે કે આ બે હજાર કોપીઝ સાત દિવસમાં ઉપડી જશે એની મને ખાતરી છે. અમારી આખી ડીસ્ટ્રીબ્યુશન ચેનલ છે એટલે મને આવો વિશ્વાસ છે. આના બદલામાં તમને હું ફર્સ્ટ ટુ થાઉઝંડ કોપીઝ માટે આજે જ એક લાખ રૂપિયાનો ડી ડી આપી દઉં છું. નંબર ટુ, જેવી આ બે હજાર કોપીઝ વેંચાઈ જશે એટલે આ જ રેશિયોમાં પાંચ હજાર કોપીઝની જે અમાઉન્ટ થશે એટલાનો ડી ડી તમારા ઘરે એડવાન્સમાં પહોંચી જશે. નંબર થ્રી, જેવી એ પાંચ હજાર કોપીઝ પણ સેલ થઇ જશે પછી આપણે ફરીથી અહીં બેસીને તમને પર કોપી કેટલી રોયલ્ટી આપવી એ નક્કી કરી લઈશું. આઈ હોપ યુ આર ઓકે વિથ ધીસ.’ પ્રતિકે સૌમિત્રને ઓફર કરેલા કોન્ટ્રેક્ટના મુખ્ય મુદ્દાઓ સમજાવી દીધા.

‘મને શું વાંધો હોય? મારા માટે તો આ સપનું જ છે.’ સૌમિત્ર ફક્ત બોલવા ખાતર જ બોલ્યો કારણકે તેને પેલા એક લાખના ડી ડી પછીની પ્રતિકની બીજી કોઈજ વાત સમજાઈ નહોતી.

‘ગ્રેટ, પંકજભાઈ હમણાં બેન્કમાંથી આવે એટલે તમને ડી ડી તો આપી જ દઉં છું. કોન્ટ્રેક્ટ તમે અમદાવાદ જઈને શાંતિથી સાઈન કરીને મોકલાવી આપજો.’ પ્રતિકે સૌમિત્રને કહ્યું.

‘તમે મારા જેવા નવાસવા લેખક પર આટલોબધો વિશ્વાસ કરીને આટલી મોટી રકમ આપી રહ્યા છો તો પછી મારે તમારા પર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ બનતું નથી અને ધરા જેવી મિત્ર જ્યારે તમારી સાથે હોય ત્યારે તો ખાસ.’ સૌમિત્રએ ધરા સામે જોઇને સ્મિત આપ્યું અને પોતાના ખિસ્સામાંથી પેન કાઢીને કોન્ટ્રેક્ટના દરેક પાનાં પર જ્યાં જ્યાં ચોકડી કરી હતી ત્યાં ત્યાં એણે પોતાની સહી કરી દીધી.

‘આઈ રીયલી અપ્રીશીએટ સૌમિત્ર. ગુજરાતીમાં કહેવત છે ને કે વિશ્વાસે જ વહાણ ચાલે. તમે એ સાબિત કરી દીધું.’ આટલું કહીને પ્રતિકે સૌમિત્ર સામે પોતાનો હાથ લંબાવ્યો.

‘વિશ્વાસના એ વહાણને હંકારવાની શરૂઆત તમે કરી છે પ્રતિકભાઈ.’ સૌમિત્રએ તરત જ પ્રતિકનો હાથ પકડી લીધો.

ધરા સૌમિત્ર અને પ્રતિકની ચર્ચા અને વ્યવહાર જોઇને મંદમંદ મુસ્કુરાવા લાગી.

‘નો ભાઈ વાઈ. ઓન્લી પ્રતિક, હજી તો આપણે બહુ લાંબુ જવાનું છે અને હું તમારાથી બહુ મોટો નહીં હોઉં. અને તમને ખબર છે ને અમારા મુંબઈમાં ભાઈનો શું મતલબ થાય છે?’ પ્રતિકે પણ રમતિયાળ સ્મિત કરીને સૌમિત્રને આંખ મારી.

‘હા હા હા એ સાચું. પણ એક વાત પૂછવાની મને ખૂબ ઈચ્છા થાય છે, પૂછું?’ થોડો સમય હસ્યા બાદ સૌમિત્ર બોલ્યો.

‘પ્લીઝ, મને ગમશે તમારી કોઇપણ ક્વેરીનો એન્સર આપવાનું.’ પ્રતિકે હસીને જવાબ આપ્યો.

‘તમે પ્રતિક અગ્રવાલ, એટલે મારવાડી. લાસ્ટ વીક તમારા પપ્પાને મળ્યો હતો તો એ તો હિન્દીમાં વાત કરતા હતા અને તમે ગુજરાતીમાં બોલો છો અને એ પણ આટલું સરસ. એવું કેવી રીતે?’ સૌમિત્રએ પ્રતિકને પૂછ્યું.

‘તમારો વાંક નથી, મને ઘણા ગુજરાતીઓ આવું પૂછે છે. જુવો એક તો હું અહિયાં કાંદીવલીમાં જ બોર્ન એન્ડ બ્રોટ અપ થ્યો છું અને અમારી આખી કોલોનીમાં એઇટી પર્સન્ટ ગુજરાતીઓ હતા એટલે બાળપણથી જ ગુજરાતી ફ્રેન્ડસ બન્યા અને બીજું મેં આઈ આઈ એમ અમદાવાદથી બીઝનેસ મેનેજમેન્ટ કર્યું છે એટલે હું પણ તમારી જેમ જ અમદાવાદી છું ભાઈ!’ પ્રતિકે સૌમિત્રને હસીને જવાબ આપ્યો.

‘શું વાત છે? વાહ!’ સૌમિત્રને એ જાણીને ખૂબ આનંદ થયો કે પ્રતિકે પણ એના પ્રિય શહેરમાં અમુક વર્ષો વિતાવ્યા હતા.

‘કમેંટેટર હર્ષ ભોગલે છે ને? અમે બંને એક જ યરના ઓલ્મનીઝ છીએ. હા અમારા સ્પેશીયલાઈઝેશન્સના સબ્જેક્ટ્સ અલગ અલગ હતા. સાચું કહું તો મને ગુજરાતી બોલવું ખૂબ ગમે છે. ધરાને પૂછો? હું એની જોડે કાયમ ગુજરાતીમાં જ બોલતો હોઉં છું.’ પ્રતિકે છેલ્લું વાક્ય બોલતાં ધરા સામે ઈશારો કર્યો અને ધરાએ પણ હકારમાં પોતાનું માથું હલાવ્યું.

‘ખરેખર હું નસીબદાર છું કે મને પબ્લીશર તરીકે તમારા જેવો સરળ વ્યક્તિ મળ્યો.’ સૌમિત્રએ દિલથી પ્રતિકના વખાણ કર્યા.

‘જો સૌમિત્ર પેલું કહે છે ને કે આપ ભલા તો સબ ભલા. આપણે આપણી ભલાઈ ન છોડીએ તો આપણને સામેથી સારા માણસો મળી જ આવે છે. અત્યારે તમને ભલે એવું લાગતું હશે કે મેં તમારા પર કોઈ મોટો ઉપકાર કરી દીધો છે, પણ ગોડ વિલિંગ, છ મહિના પછી એવું પણ બને કે તમારી નોવેલનું સેલ એટલું બધું વધી જાય કે તે વખતે હું મારી જાતને તમારી સાથે એસોશીએટ કરવા બદલ લકી સમજું અને મને મારા આજના નિર્ણય પર ગર્વ થાય.’ પ્રતિકે એના સરળ સ્વભાવ પ્રમાણે જ જવાબ આપ્યો.

‘આપણા વિચારો ખૂબ મળતા આવે છે.’ સૌમિત્ર એ જવાબ આપ્યો.

‘અરે પંકજભાઈ આયે યા નહીં? તો તુમ લોગ કીસ કા વેઇટ કર રહે હો? ભેજો ઉનકો અંદર ડી ડી લે કર.’ પ્રતિકે ઇન્ટરકોમ પર કોઈને ખખડાવ્યો.

ડી ડી નું નામ સાંભળતાજ સૌમિત્રને પેટમાં પતંગીયા રમવા લાગ્યા, કારણકે તેના જીવનની પહેલી કમાણી અને એ પણ એક લાખ રૂપિયા જેવી મોટી રકમનો ડી ડી એની નજર સામે આવવાનો હતો. થોડી જ વારમાં એક પાંત્રીસ-ચાલીસ વર્ષના વ્યક્તિ પ્રતિકની કેબીનમાં આવ્યા સૌમિત્રએ માની લીધું કે એ જ પંકજભાઈ હશે. એમણે પ્રતિકને એક લેધર ફોલ્ડર આપ્યું. પ્રતિકે એ ફોલ્ડર ખોલ્યું અને એમાં પડેલા બે ડી ડી ને ધ્યાનથી જોયા અને તેને ફોલ્ડરમાંથી બહાર કાઢ્યા.

‘આ લ્યો સૌમિત્ર, ગ્રાન્ડ પબ્લિકેશન્સ તરફથી તમારા જેવા જબરદસ્ત લેખકને એક તુચ્છ ભેટ.’ પ્રતિકે સૌમિત્ર તરફ એક લાખ રૂપિયાનો ડી ડી લંબાવતા કહ્યું.

‘થેંક યુ વેરી મચ અને આ તુચ્છ ભેટ બિલકુલ નથી. મારા માટે આ ડી ડી કાયમ પાયાનો પથ્થર બની રહેશે. આની હું ઝેરોક્સ કઢાવીને મારા રૂમમાં ફ્રેમ કરાવીને કાયમ માટે રાખીશ.’ સૌમિત્રએ પ્રતિકને ધન્યવાદ કહ્યા.

‘એ મારું સૌભાગ્ય બની રહેશે. અને આ લો બીજો ડી ડી.’ પ્રતિકે સૌમિત્રને બીજો ડી ડી આપતા કહ્યું.

‘આ પચાસ હજાર શેના?’ બીજો ડી ડી જોઇને સૌમિત્ર ગૂંચવાયો.

‘મને ધરાએ કીધું હતું કે તમારી નોવેલ ઓરીજીનલ ગુજરાતીમાં લખાયેલી છે. અમે તો ગુજરાતીમાં પબ્લિશ નથી કરતા પણ મારો ખાસ મિત્ર છે દેવાંગ જોબનપુત્રા, તમે ન્યૂ ઇન્ડિયા પબ્લિકેશન્સનું નામ તો જાણતા જ હશો. મુંબઈમાં ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો પબ્લિશર છે એને મેં ગઈકાલે જ ફોન કરીને કીધું છે કે તમારી ગુજરાતી નોવેલ એણે જ છાપવાની છે. હવે એ તમારી પાસે કઈ ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ સાથે કોન્ટ્રેક્ટ કરે એનો તો મને ખ્યાલ નથી પણ હું મારા અકાઉન્ટમાંથી તમને આ પચાસ હજાર આપી રહ્યો છું. એ તમને જ્યારે પેમેન્ટ કરે ત્યારે મને પાછા આપી દેજો!’ પ્રતિકના ચહેરા પર સ્મિત હતું.

સૌમિત્ર ડઘાઈ ગયો. સૌમિત્રને પ્રતિક પહેલી જ મૂલાકાતમાં તેના પર વિશ્વાસ મૂકીને આટલો મોટો પ્રતિસાદ આપશે એની કલ્પના જ ન હતી. સૌથી પહેલા ગુજરાતીમાં પોતાની નવલકથા છપાય એ સૌમિત્રનું સપનું હતું, પણ અમદાવાદના કોઇપણ પબ્લીશરે એનો હાથ ન પકડતા વ્રજેશની સલાહથી સૌમિત્રએ એને ઈંગ્લીશમાં ભાષાંતરિત કરી અને હવે સામેથી પ્રતિકે પોતાના સંપર્ક દ્વારા સૌમિત્રની નોવેલ ગુજરાતીમાં પણ છાપવાની ઓફર કરી દીધી.

સૌમિત્રએ ધરા સામે જોયું. ધરાએ સ્મિત સાથે બીજો ડી ડી પણ લઇ લેવાનો ઈશારો કર્યો. સૌમિત્ર પોતાની ખુરશીમાંથી ઉભો થઇને ટેબલની બીજી તરફ ઉભા રહેલા પ્રતિકને વળગી પડ્યો અને બાળકની જેમ રડવા લાગ્યો.

***

પ્રકરણ ૨૭

‘અરે મૈને ફ્રેશ લેમન બોલા થા ઔર તુમ લેમન સોડા લે આયે? લગતા હૈ તુમ્હારે નામવાલે લોગોં મેં યે કોમન પ્રોબ્લેમ હૈ.’ ભૂમિ હસતાંહસતાં શોમિત્રો સામે જોઇને બોલી.

ભૂમિ અને શોમિત્રો અત્યારે એમના લેક્ચર્સ બંક કરીને ગંગા નદીના કિનારે આવેલા પ્રિન્સેપ ઘાટ ગાર્ડનની હરિયાળી લોન પર ઝરમર વરસતા વરસાદની વચ્ચે બેઠાબેઠા વાતો કરી રહ્યા હતા. ભૂમિને તરસ લાગી હતી એટલે એણે ગાર્ડનની બહાર મળતા ફ્રેશ લેમન પીવાની ઈચ્છા કરી તો ઉત્સાહમાં આવી ગયેલો શોમિત્રો ઊંધું સમજ્યો અને એના માટે લેમન સોડા લઇ આવ્યો. ભૂમિને શોમિત્રોના આમ કરવાથી સૌમિત્ર યાદ આવી ગયો જે કાયમ તેના કીધા કરતા ઊંધું જ કામ કરતો. તે વખતે તો ભૂમિને સૌમિત્ર પર ચીઢ ચડતી પરંતુ અંતે તો તેને સૌમિત્રનું એ વખતનું ઘોઘાપણું જ ખૂબ ગમતું.

‘ઓરે બાબા, મોરી ગેલો. આમ તો ઠીક શે શુના નેહી. ઓભી લેકોર આતા હૈ ફ્રેશ લેમોન, આપ દુઈઠો મિનીટ રુકો.’ શોમિત્રો પાછો બહાર જવા લાગ્યો.

‘અરે નહીં નહીં... યે ભી ચલેગા. સોડા કા ઈફેક્ટ કમ હો જાને દો તો મૈ પી લૂંગી. ખામખા મની વેસ્ટ કરનેકા કોઈ મતલબ નહીં.’ લોન પર બેસેલી ભૂમિએ શોમિત્રોને એના જીન્સ પેન્ટની ચાળ પકડીને ખેંચ્યો અને ફ્રેશ લેમન લેવા જતા રોક્યો.

‘ગુજરાટી લોગ ટાકા કે બારે મેં ભીશોન ચિંતા કોરતા હૈ ના? ચારઠો ટાકા મેં ક્યા હો જાતા ભૂમિજી.’ શોમિત્રો હસતાંહસતાં ભૂમિની બાજુમાં બેઠો.

‘બાત પૈસે કી નહીં હૈ, મુજે અચ્છા નહીં લગતા કી તુમ મૈ જો બોલું વોહી કરો તુમ મેરે દોસ્ત હો, કોઈ નોકર નહીં. એન્ડ આઈ એમ ઓકે વિથ ધીસ.’ ભૂમિએ સ્મિત સાથે શોમિત્રોનેપોતાની પરિસ્થિતિ સમજાવી.

‘ઓભી આપને બોલા કી આપ આમરા મિત્રો હૈ, તો આપકી ઈચ્છા પૂરી કરના આમરા દાયિત્વો બોનતા હૈ.’ શોમિત્રોના ચહેરા પર એક પહોળું સ્મિત હતું.

‘હાઉ સ્વીટ.’ ભૂમિએ પણ શોમિત્રોને સ્મિત આપ્યું.

‘અચ્છા અમરા નામ મેં ક્યા ગોન્ડોગોલ માને ક્યા ગોડબોડ હૈ?’ શોમિત્રોએ ભૂમિને પૂછ્યું.

‘અરે કુછ નહીં ઐસે હી.’ ભૂમિએ શોમિત્રોને ટાળવાની કોશિશ કરી.

‘ના. ભૂમિજી જબ કુછ કોથા કોરતી હૈ તો વો ઐશે હી નેહી હોતા. ભાલે હી અમરા દોશ્તી દો શોપ્તાહ પહેલે હી મોજબૂત હુઆ હૈ, પોર હમને ઇતના તો ઓબ્ઝાર્વ જોરુર કીયા હૈ. આપકો નેહી બોતાના હૈ તો આમી આપકો ફોર્શ નેહી કોરેગા, પર આમરા નામ કે બારેમેં આપને કુછ કોથા કીયા તો થોરા શા ઇન્ટોરેશ્ટ જોરુર હૈ.’ શોમિત્રોએ ભૂમિને તેના નામમાં શી ખરાબી છે એ જાણવું હતું.

‘તુમ્હારે નામવાલા એક ઔર કોઈ હૈ જીસકો મૈ જાનતી હું ઔર વો ભી તુમ્હારી તરહ પૂરા ગોન્ડોગોલ હૈ.’ ભૂમિનું ખડખડાટ હાસ્ય અચાનક જ નીકળી ગયું.

‘ઓહ શોમિત્રો? એકઠો ઔર?’ શોમિત્રોને ભૂમિનું આ ખડખડાટ હાસ્ય ખૂબ ગમ્યું.

‘નહીં સૌમિત્ર.’ ભૂમિએ શોમિત્રોનો ઉચ્ચાર સુધારતા લગભગ દોઢ વર્ષે સૌમિત્રનું નામ પોતાના હોઠમાંથી બહાર લાવી.

‘ગુજરાટી?’ શોમિત્રોને રસ પડ્યો.

‘હમમ..’ ભૂમિની નજર સામે એનો ભૂતકાળ પસાર થવા લાગ્યો જે એણે મહામહેનતે ક્યાંક દબાવી દીધો હતો.

‘ઉ ગુજરાટી શોમિત્રોબાબુ આપ કા દોશ્ત હૈ તો?’ શોમિત્રોને જાણવું હતું કે એના જ નામના બીજા વ્યક્તિને ભૂમિ કેવી રીતે જાણતી હતી.

‘મુજે બહોત ભૂખ લગી હૈ, અપની ઇસ દોસ્ત કો સારા દિન ભૂખા રખ્ખોગે ક્યા?’ ભૂમિ અચાનક જ બોલી પડી. કદાચ એણે શોમિત્રોના આ સવાલ અને તેના પછી આવનારા પેટા સવાલોનો સામનો નહોતો કરવો.

‘ઓરે આપકા લેમોન તો ઐશા હી પોરા હૈ. અભી તો વિક્ટોરિયા મેમોરીયાલ દેખને જાના હૈ. ભોજોન તો બાદ મેં કોર લીજીયેગા ના? અભી તો શીર્ફ દાબોશ મોતબોલ કી બારા હી બોજા હૈ.’ શોમિત્રોને ભૂમિના આમ અચાનક વિષય બદલવાથી નવાઈ લાગી.

‘પર મુજે તો બહોત ભૂખ લગી હૈ. યે સોડા પીયુંગી તો ઔર લગ જાયેગી. બતાઓના નિયરેસ્ટ રેસ્ટોરન્ટ યહાં સે કિતના દૂર હૈ?’ ભૂમિને હવે જાણે જમવાની ખૂબ ઉતાવળ આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું.

‘તાજ બોંગો ચોલ્તે હૈ.’ શોમિત્રો ઉભો થયો.

‘નહીં ફાઈવ સ્ટાર નહીં, કોઈ સીધાસાદા રેસ્ટોરન્ટ. બોર હો ગઈ હું મૈ ફાઈવ સ્ટાર કા ખાના ખા કર.’ ભૂમિએ મોઢું બગાડ્યું.

‘તો ફીર એસ્પ્લનેડ ચોલ્તે હૈ, ઉધોર એકઠો ઓછ્છા નીરામીશ રેસ્ટોરન્ટ હૈ.’ શોમિત્રો બોલ્યો.

‘નીરામીશ?’ ભૂમિને એ બંગાળી શબ્દનો અર્થ ન સમજાયો.

‘ભેજ..ભેજીટેરીયોન કો બાંગ્લામેં નીરામીશ બોલતે હૈ.’ શોમિત્રોએ સ્પષ્ટતા કરી.

‘બહોત દૂર તો નહી?’ ભૂમિએ ફરીથી પ્રશ્ન કર્યો.

‘અરે નેહી નેહી શીર્ફ દોશ મિનીટ. ચાલો’ શોમિત્રો એ ભૂમિને ચાલવાનો ઈશારો કર્યો.

પ્રિન્સેપ ગાર્ડનની બહાર પાર્ક કરેલી શોમિત્રોની બાઈક પર શોમિત્રો અને ભૂમિ બેઠા અને શોમિત્રોએ બાઈક કોલકાતાના પોશ વિસ્તારોમાંથી એક એવા એસ્પ્લનેડ તરફ પોતાની બાઈક મારી મૂકી.

***

‘આજે તે ફરીથી મારા માટે રજા લીધી ને? હું એકલો એકલો મુંબઈ ફરી લેત અને સાંજે અમદાવાદ જવા સીધો જ એરપોર્ટ જતો રહેત?’ અંધેરીમાં જૂહુ બીચ પાસે આવેલી એક પ્રતિષ્ઠિત સ્ટાર હોટલના દરવાજે ટેક્સીમાંથી ઉતરતાવેંત સૌમિત્ર ધરા સામે જોઇને બોલ્યો.

‘અરે મારા એક ખાસ કઝીન માટે હું આટલું તો કરું ને યાર?’ ટેક્સી ડ્રાઈવરને પૈસા ચૂકવીને સૌમિત્ર તરફ ફરીને ધરાએ એના માથા પર ટપલી મારી અને હસવા લાગી.

‘હાહા, તને યાદ રહી ગયું?’ સૌમિત્ર પણ હસી પડ્યો.

‘હાસ્તો વળી, બહુ જબરો છે તું. પ્રતિકને કેવું તરતજ કહી દીધું કે મારી કઝીનને ત્યાં રોકાયો છું? હવે તો જ્યારે પણ તું યાદ આવીશ ત્યારે આ કઝીનવાળી વાત પણ સાથેજ યાદ આવી જશે, આઈ બેટ!’ ધરા હોટેલ તરફ ચાલવા લાગી અને સૌમિત્ર પણ તેની સાથેસાથે જ ચાલી રહ્યો હતો.

‘થેન્ક્સ, પણ આટલી મોંઘી હોટલમાં જમવા કેમ લઇ આવી? આટલો બધો ખર્ચો કરવાની શી જરૂર છે? આપણે અહીં ક્યાંક ચાટવાટ કે પછી વડાપાઉં ખાઈ લીધા હોત, તોયે ચાલત.’ હોટલમાં ઘૂસતાંજ સૌમિત્રએ ધીમે સાદે ધરાને કીધું.

ધરા આ હોટલમાં વારંવાર આવતી હોય એવું લાગ્યું એટલેજ એ સૌમિત્રને જવાબ આપ્યા વગર રેસ્ટોરન્ટ તરફ ચાલવા લાગી અને સૌમિત્ર પણ તેની પાછળ જ ચાલી રહ્યો હતો. રેસ્ટોરન્ટમાં ખાલી ટેબલ દેખાતાં જ ધરા અને સૌમિત્ર એ તરફ ગયા અને ધરાએ સૌમિત્રને ટેબલ પર બેસવાનું કહ્યું.

‘જો આ પ્રતિકનો હુકમ છે. તું જ્યારે એની કેબીનની બહાર ગયો ત્યારે એણે મને પૂછ્યું કે તેં સરખો બ્રેકફાસ્ટ કર્યો છે કે નહીં? ત્યારે મેં કીધું કે આપણે બહાર ઈડલી વડા ખાઈને આવ્યા છીએ તો મને એણે રીતસર વઢી નાખી અને સ્ટ્રીક્ટ ઓર્ડર આપ્યો કે તને લંચ તો અહિયાં મેરિયટમાં જ કરાવવાનું છે.’ ધરાએ હસીને સૌમિત્રને કહ્યું.

‘પણ મને આ બધાની આદત નથી, મને સિમ્પલ ખાવાનું જ પચે છે.’ સૌમિત્ર બળ્યો.

‘તો હવે એ આદત પાડી દે સૌમિત્ર. બસ આ નોવેલ હીટ થઇ જવા દે પછી અડધું વીક ફાઈવ સ્ટારમાં જ જમવું પડશે. એન્ડ સેકન્ડ થિંગ. તને મેં રેકમેન્ડ કર્યો છે એટલે હવે ગ્રાન્ડ પબ્લિકેશન્સ વતી તને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન મારે રાખવાનું છે અને હું બીલ મુકીશ એટલે મને એનો ખર્ચો પણ મળી જશે એટલે તું જરાય ચિંતા ન કર.’ ધરાએ સૌમિત્રનો ટેબલ પર મુકેલો હાથ દબાવતા કહ્યું.

‘ચાલો મોસાળે જમણ અને મા પીરસનાર.’ સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

‘હવે તું કઝીનમાંથી મને તારી મમ્મી ના બનાવ પ્લીઝ.’ ધરાએ મોઢું મચકોડ્યું અને પછી એ પણ હસી પડી.

‘અરે હું મજાક કરતો હતો યાર.’ સૌમિત્ર પણ ધરાના હાથ પર પોતાનો હાથ મૂકીને બોલ્યો.

‘પણ તારે આજે જ જવું છે અને એ પણ સાત વાગ્યાની ફ્લાઈટમાં? કેમ? મારી ઈચ્છા તો હજી તારી સાથે બે દિવસ રહેવાની હતી. કાલે સવારે પણ જવાત ને?’ ધરાએ નિરાશ ચહેરો બતાવ્યો.

‘સાચું કહું ધરા? મને મારી મમ્મીને આ બંને ડી ડી બતાવવાની ખૂબ જ ઉતાવળ છે. મારા પપ્પાના કડક સ્વભાવ સામે એ કાયમ અડીખમ દિવાલ બનીને ઉભી અને મને કાયમ પપ્પાના ગુસ્સાથી બચાવતી રહી છે. બીજું મારા પપ્પાને પણ આ બંને ડી ડી મારે ખાસ બતાવવા છે અને કહેવું છે કે જુવો જે દીકરાને તમે કોઈ કામનો નહોતા ગણતા એની જીવનની પહેલી જ કમાણી દોઢ લાખની અને હવે એ દર બે ત્રણ મહીને એમાં લાખ રૂપિયા ઉમેરશે.’ સૌમિત્રના ચહેરા પર અંબાબેનની વાત કરતા જે નિર્મળતા આવી હતી એ જનકભાઈને યાદ કરતાની સાથેજ અચાનક ગૂમ થઇ ગઈ અને તેના ચહેરા પર ગુસ્સો આવી ગયો.

‘એટલે તારા પપ્પા..’ ધરાને સૌમિત્રની વાત જાણવી હતી.

‘ના એટલા ખરાબ પણ નથી, પણ એમને ક્યારેય મારી ક્ષમતા પર વિશ્વાસ ન હતો. આ તો મમ્મી, વ્રજેશ અને હિતુદાન હતા તો હું આટલે સુધી પહોંચી શક્યો નહીં તો પપ્પાનું દિમાગ તો કાયમ નેગેટીવ જ વિચારતું રહેતું હોય છે, જો એમના ટોણાઓ ને લીધે નિરાશ થઇ ગયો હોત તો મારા રૂમના ખૂણામાં જ અત્યારે પડ્યો હોત.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત પરત થયું.

‘અને ભૂમિ નહીં? એને કેમ ભૂલી ગયો?’ ધરાએ સૌમિત્રને યાદ અપાવ્યું.

‘એ તો પાયો છે મારી આ સફળતાનો. એણે જો મને કોલેજમાં શોર્ટ સ્ટોરી લખવાનો ફોર્સ ન કર્યો હોત તો મને ખબર જ ન હોત કે મારામાં ક્યાંક ઊંડે ઊંડે એક લેખક ઉછરી રહ્યો છે.’ સૌમિત્ર ગળગળો થઇ ગયો.

‘મેં તને રોવડાવવા ભૂમિનું નામ નહોતું લીધું. આઈ એમ સોરી!’ ધરાએ સૌમિત્રને નજીકમાં પડેલો પાણીનો ગ્લાસ આપતા કહ્યું.

‘મને ખબર છે યાર. ઇટ્સ ઓકે. તને હવે હું થોડીઘણી તો જાણી જ ગયો છું.’ સૌમિત્ર પણ પાણીના બે-ત્રણ ઘૂંટડા પી ને સ્વસ્થ થઇ ગયો.

‘સો સ્વીટ. ચલ હવે મને બહુ ભૂખ લાગી છે. આપણે ઓર્ડર કરીએ પેલો વેઈટર પણ ક્યારનો વેઇટ કરતો ઉભો છે.’ ધરા બોલી.

‘મને આ ફાઈવ સ્ટાર ડીશીઝમાં ખબર નહીં પડે, તું જ કશુંક મસ્ત ઓર્ડર કરી દે.’ સૌમિત્રએ હોટલનું ભારેખમ મેન્યુ ધરા તરફ ખસેડતા કહ્યું.

સૌમિત્રએ મેન્યુ સરકાવતા જ ધરાએ તેને હાથમાં લીધું અને વેઈટરને તેમના ટેબલ પાસે આવવાનો ઈશારો કર્યો.

***

‘લગતા હૈ તુમ્હારે નસીબમેં મેરે ઘર પર ભીગ કર આના હી લીખા હૈ.’ શોમિત્રોને ટોવેલ પકડાવતા ભૂમિ હસીને બોલી.

આખો દિવસ કોલકાતામાં રખડ્યા પછી સાંજે ઘરે આવતી વખતે અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને શોમિત્રોની લાખ વિનંતી છતાં ભૂમિએ ભીના થવાનું જ પસંદ કર્યું અને બંને જણા ફરીથી એકદમ ભીના થઈને ભૂમિને ઘરે પહોંચ્યા એટલે ભૂમિએ આ ટકોર કરી.

‘આપ આમરા બાત માના હી નેહી, એકદોમ વોશુન્ધોરા જેશા હો આપ. બ્રિષ્ટિમેં ભીગના બોહુત પશોન્દ હૈ ના આપકો?’ શોમિત્રો ભૂમિએ આપેલા ટોવેલથી પોતાના માથાના વાળ લૂછતાં બોલ્યો.

‘ચલો, આજ ચાય કે સાથ કુછ ગરમાગરમ ખાતે હૈ, ભજીયા ખાઓગે? બારીશમેં ભજીયા ઔર ચાય મઝા આ જાયેગા.’ ભૂમિએ ફરીથી શોમિત્રોની વાત કરતા અલગ જ વાત કરી. શોમિત્રોએ તેને વસુંધરા જેવી કહી એટલે એ થોડી ઓસંખાઈ અને એણે વાત ફેરવી નાખી.

‘આપ જો ભી ભાલો શોમજે, આપ બોના લો. આજ આપ કે હાથ શે બના કૂછ ખાને કો મિલેગા. ફીલિંગ લોકી.’ સોફા પર બેસતાં શોમિત્રો બોલ્યો. ભૂમિને હાથે બનેલા ભજીયાં ખાવા મળશે એ વિચારે જ એને ઉત્સાહિત કરી દીધો હતો.

‘પતા હૈ અગર અહમદાબાદ હોતા ના તો હમ ઇતની જબરદસ્ત બારીશમેં ભી બહાર જા કર દાલવડા ખાતે. આઈ રીયલી મીસ અહમદાબાદ રાઈટ નાઉ.’ એક સમયે અમદાવાદ જવાની વરુણને સ્પષ્ટ ના પાડી દેનાર ભૂમિને અત્યારે અમદાવાદની યાદ આવી રહી હતી. કદાચ શોમિત્રોની આટલા દિવસોની સંગતે ભૂમિની રુક્ષ જિંદગીમાં પ્રાણ પૂરવાનું કામ કર્યું હતું.

‘હેં દાલબોડા? એ તો આમી પ્રોથોમ શોમોય શુના હૈ. લોગતા હે આપકા ફેબોરીટ ડીશ હૈ.’ શોમિત્રો પોતાના ભીના વાળને ટુવાલથી ઝાટકીને સુકવતી ભૂમિને જોઈ રહ્યો.

‘તુમ દાલવડા ખાઓગે? મેરે પાસ ઉસકી ખાસ દાલ હૈ. બોલો બના દું? યા ભજીયા ખાના હૈ?’ ભૂમિ ચપટી વગાડીને શોમિત્રો સામે આંગળી કરીને બોલી.

‘આપ જો બનાઓ, અમકો તો ખાને શે મોતલોબ હૈ ના?’ શોમિત્રોએ ભોળેભાવે જવાબ આપ્યો.

‘હાઉ સ્વીટ! તો મૈ દોનો થોડાથોડા બનાતી હું. ઓકે?’ ભૂમિ એકદમ ઉત્સાહમાં આવીને બોલી.

‘ઠીક આછે, જો આપ બોલો.’ શોમિત્રો પાસે બીજો કોઈજ ઓપ્શન ન હતો.

ભૂમિ તરત જ રસોડા તરફ વળી અને ભજીયા અને અમદાવાદની એની ફેવરીટ ડીશ એટલેકે દાળવડા બનાવવાની શરૂઆત કરવા લાગી.

***

‘કાશ આજે રાત્રે આપણે તારી સક્સેસ એન્જોય કરી શક્યા હોત.’ એરપોર્ટના ડિપાર્ચર લાઉન્જમાં સૌમિત્રની બાજુમાં બેસેલી ધરા રીતસર નિરાશ દેખાતી હતી.

‘ગઈકાલ રાતની જેમ?’ સૌમિત્રએ ધરા સામે આંખ મારી એના ચહેરા પર તોફાન હતું.

‘મારા મોઢાંની સાંભળવી લાગે છે તારે.’ ધરા પણ હસીને બોલી.

‘હવે તો તું જે બોલીશ એ મને ગમશે.’ સૌમિત્રનું હાસ્ય વધારે તોફાની બન્યું.

‘ઓહો હો હો હો... વાયડો.’ ધરાએ સૌમિત્રના હાથ પર ચૂંટી ખણી.

‘જો પ્રતિકે ડી ડી ન આપ્યા હોત અને ખાલી કોન્ટ્રેક્ટ પર જ સાઈન કરાવી હોત તો હું એક શું બે દિવસ રોકાઈ જાત પણ હવે મારે મારી મમ્મીના ચહેરા પરનો સંતોષ જોવાની ખૂબ ઉતાવળ થઇ છે.’ સૌમિત્ર ગંભીર થઈને બોલ્યો.

‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ સૌમિત્ર એટલેજ હું તને ફોર્સ નથી કરતી.’ ધરાએ સ્મિત કર્યું.

‘નહીં તો તું કેવી રીતે ફોર્સ કરવાની હતી?’ સૌમિત્રના ચહેરા પર આશ્ચર્ય હતું.

‘બસ તને જવા ના દેત, જ્યાંસુધી મને મન ન થાત.’ ધરા થોડી ગંભીર લાગી રહી હતી.

‘અને જો ક્યારેય મન ન થાત તો?’ સૌમિત્રએ ધરાની આંખમાં આંખ પરોવી.

‘તો હું તારાથી બોર થઈને તને સામેચાલીને પ્લેનમાં બેસાડીને અમદાવાદ રવાના કરી દેત. બહુ આઈડીયાઝ લેવાની જરૂર નથી ઓકે?’ ધરાએ ફરીથી સૌમિત્રને ચૂંટી ખણી અને ખડખડાટ હસી પડી.

સૌમિત્રને આ વખતની ચૂંટી ખરેખર દુઃખી એટલે એ ત્યાં ઘસવા લાગ્યો અને ત્યાંજ અમદાવાદની ફ્લાઈટની એનાઉન્સમેન્ટ થઇ એટલે સૌમિત્ર પ્લાસ્ટિકની ખુરશીમાંથી ઉભો થયો. ધરા પણ ઉભી થઇ અને સૌમિત્રને વળગી પડી. સૌમિત્ર ધરાની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. બે-ત્રણ મિનીટ પછી જ્યારે ધરા સૌમિત્રથી સહેજ અલગ થઇ ત્યારે સૌમિત્રએ એની આંખમાં આંસુ જોયા. સૌમિત્રએ તેના આંસુ પોતાના અંગુઠાથી લૂછ્યા.

‘ડીસીઝન લેવામાં બહુ ટાઈમ ન લેતી. આવતા મહીને નોવેલ લોન્ચ છે, ત્યાંસુધીમાં નક્કી કરી લેજે, અને હા મને જરાય વાંધો નથી.’ ધરાને એક સ્મિત સાથે ગર્ભિત ઈશારો કરીને સૌમિત્રએ તેના કોરા વાળ અસ્તવ્યસ્ત કર્યા અને તેને આવજો કરીને તે વિરુદ્ધ દિશામાં ઝડપથી ચાલવા લાગ્યો.

ધરા પણ સૌમિત્રનો ઈશારો સમજી ગઈ અને એનો ચહેરો અત્યારે શરમથી ગુલાબી ગુલાબી થઇ રહ્યો હતો અને એના આખા શરીરમાં ઝણઝણાટી ફરી વળી હતી.

***

‘યે આલુ કા ભજીયા હૈ, યે પ્યાઝ કા ઔર યે મિર્ચી કા. ઔર યે હૈ અહમદાબાદ કા મોનસૂન સ્પેશીયલ... દાલવડા.’ ભૂમિ શોમિત્રોને સામે મુકેલા ભાતભાતના ભજીયા અને દાળવડા બતાવતા બોલી રહી હતી.

‘અરે ઇતના શારા શોબ બોના લીયા? કેનો દોરકાર નેહી થા? એક ટાઈપ કા ભોજીયા ઔર દાલબોરા ઠીક તો થા. બોહુત હાર્ડવાર્ક કીયા આપને’ શોમિત્રો ભૂમિ એના માટે આટલું બધું બનાવીને લાવી એટલે થોડો ક્ષોભ અનુભવી રહ્યો હતો.

‘કોઈ મેહનત નહીં કી હૈ. દેખો દાલવડા કે સાથ પ્યાઝ ઔર મિર્ચી તો હોની હી ચાહીએ તો થોડા ઔર પ્યાઝ ઔર મિર્ચી કાટ ડાલી ઔર ઉસકા ભજીયા ભી બના દિયા. ઘર પર કેલા નહીં હૈ વરના ઉસકા ભી ભજીયા બના ડાલતી.’ ભૂમિ હસતાંહસતાં બોલી.

શોમિત્રો એક પછી એક ભજીયું ખાવા લાગ્યો અને ભૂમિના વખાણ કરવા લાગ્યો, પણ જેવું તેણે દાળવડું મોઢામાં લીધું કે તરત જ ભૂમિએ એને રોક્યો અને દાળવડું ડુંગળી અને મરચા સાથે કેમ ખવાય એ શીખવાડ્યું.

‘લોગતા હૈ આપકે હસબાન્ડ કો એઈ દાલબોરા ભીશોન પોશોન્દ હૈ.’ શોમિત્રો બીજું દાળવડું ખાતા ખાતા બોલ્યો.

‘નહીં, વો ઠીક સે ઘરમેં રહે તો ઉનકી પસંદ કા કુછ બનાઉં ના? આજ પતા નહીં કયું, મન કીયા તો યે સબ બના દિયા. દાલવડા તો ઉસકો બહોત પસંદ થા. કોલેજ સે ઘર જાને કે ટાઈમ અગર ગલતીસે થોડીસી ભી બારીશ હોતી ના તો બગૈર દાળવડા ખિલાયે મુજે ઘર નહીં જાને દેતા થા.’ ભૂમિની આંગળીઓ વચ્ચે એક દાળવડું એમને એમ રહી ગયું અને એ ટાઈલ્સ તરફ નજર તાકીને જોવા લાગી.

‘કોન? ઉ આપકા મિત્રો? જીશકે બારેમેં આપ નૂનમેં ભી બોલા થા. અમરે નામવાલા ના?’ શોમિત્રો ભૂમિ સામે જોઇને બોલ્યો.

‘હાં, વોહી તુમ્હારે જૈસા ગોન્ડોગોલ.’ ભૂમિની નજર હજીપણ ટાઈલ્સ પર સ્થિર થઇ ગઈ હતી પણ હવે એનો ચહેરો હસી રહ્યો હતો.

‘આમી જાની, આપને શડનલી ઉ શોબ્જેક્ટ ચેન્જ કોર દીયા. શાયોદ આપકો ઉશકે બીષોયમેં કોથા નેહી કોરની થી ઈશી લિયે આમી એકદોમ ચૂપ રોહા.’ શોમિત્રોએ ભૂમિને કહી દીધું કે એણે બપોરે અચાનક જ જમવાની વાત કરી ત્યારે એને ખ્યાલ આવી ગયો હતો કે તે સૌમિત્ર બાબતે કશું બોલવા નહોતી માંગતી.

‘ઉસકા નામ સૌમિત્ર હૈ, તુમ્હારા હી નામ. પતા હૈ હમ દોનોં ના ફર્સ્ટ યર કી કોલેજ કે એડમીશનકી લાઈન મેં એકસાથ હી ખડે થે....’ ભૂમિએ આખરે શોમિત્રો સામે પોતાની જિંદગીની કિતાબ ખોલવાની શરુ કરી.

***

પ્રકરણ ૨૮

‘દોઢ લાખ રૂપિયામાં આખી જિંદગી ન નીકળે.’ સૌમિત્રને બંને ડી ડી પાછા આપતા જનકભાઈ બોલી રહ્યા હતા.

‘તમેય શું ભૈશાબ, દીકરો એની જિંદગીની પેલ્લી કમાણી તમને બતાવે છે તો ખુશ થવાનું હોય કે આમ ટોણા મારવાના હોય?’ અંબાબેન કાયમની જેમ સૌમિત્રનો પક્ષ લઈને બોલ્યા.

‘બોલવા દે મમ્મી, મને હવે આ સાંભળવાની આદત પડી ગઈ છે. પહેલાં મને એમ હતું કે આમને હું કમાતો નથી એની તકલીફ છે કારણકે પૈસા જ એમને માટે સર્વસ્વ છે એટલે આવું બોલતા હશે, પણ હવે મને લાગે છે કે એમને મારાથી જ તકલીફ છે, એટલે તું અને હું ગમે તેટલું સમજાવીશું કે ચર્ચા કરીશું એમને કોઈજ ફરક નહીં પડે.’ સૌમિત્ર હવે ખુલીને જનકભાઈ વિરુદ્ધ બોલ્યો.

‘આ બધું પળવારમાં ઉડી જશેને તો ખબર પણ નહીં પડે. લખવા બખવાનું સાઈડમાં કરો તો ચાલે પણ એક ફિક્સ નોકરી તો હોવી જ જોઈએ.’ જનકભાઈ છણકો કરતા બોલ્યા.

‘જ્યારે આ નોવેલ લખતો હતો ત્યારે તમને હું આખો દિવસ ઘેરે બેઠો રહું છું એ તકલીફ હતી. જ્યારે બધેથી નોવેલ રિજેક્ટ થઇ ઇવન ઈંગ્લીશ પણ ત્યારે મેં તમને પ્રોમિસ કરેલી મુદત પૂરી થાય એના છ મહિના પહેલા નોકરી શોધી લીધી તો સેલ્સમેનની નોકરી કેમ છે એવો પ્રોબ્લેમ તમને નડ્યો. હવે જ્યારે મેં દોઢ લાખ રૂપિયાની કમાણી કરી બતાવી અને હું કહી રહ્યો છું કે આમાં કાયમ વધારો થતો રહેશે અને મને બીજી નોવેલ લખવાની પણ ઓફર મળી ચૂકી છે તો પણ તમને તકલીફ છે. જ્યારે દર બે મહીને લાખ રૂપિયાની આવક થાય પછી મારે નોકરી કરવાની જરૂર શી છે એ મને નથી સમજાતું. અને બીજું મને તમારી જેમ નેગેટીવ રહીને બીજાને નેગેટીવ બનાવતા નથી આવડતું. હું પડશે એવા દેવાશેમાં માનતો હતો અને આ ચમત્કાર પછી તો હું એમાં વધારે માનવા લાગ્યો છું એટલે હવેથી પ્લીઝ તમે મારી કરિયર બાબતે પોતાનો મહામુલો અભિપ્રાય આપવાથી દૂર રહેજો.’ સૌમિત્ર સોફા પરથી ઉભો થયો અને એક હાથમાં બંને ડી ડી લીધા અને બીજા હાથમાં બેગ લઈને પગ પછાડતો પોતાના રૂમમાં જતો રહ્યો.

***

માતાપિતા સાથે, ખરેખર તો માત્ર માતા એટલે કે અંબાબેન સાથે જ પોતાની ખુશી શેર કરીને સૌમિત્રને પોતાના જીગરજાન મિત્રો વ્રજેશ અને હિતુદાન સાથે પણ આ આનંદના સમાચાર શેર કરવાનું મન થયું. એટલે સૌમિત્રએ નક્કી કર્યું કે એ વ્રજેશ અને હિતુદાનને બંને ડી ડી બતાવીને જ તેને બેંકમાં જમા કરાવવા જશે. અંબાબેને બનાવેલા ચ્હા અને નાસ્તો પતાવીને સૌમિત્ર ઉપડ્યો ગુજરાત યુનિવર્સીટી જ્યાં બે જુદાજુદા ભવનોમાં તેના ખાસમખાસ મિત્રો એમ એનો અભ્યાસ કરી રહ્યા હતા. ત્રણેય મિત્રો અત્યારે યુનિવર્સીટીની કેન્ટીનમાં અડ્ડો જમાવીને બેઠા હતા.

‘એન્ની મા ને મિતલા તેં તો ધડાકો કરી દીધો આ લે લે...’ સૌમિત્રના નામના બે-બે ડી ડી વારાફરતી જોતા જોતા હિતુદાન ખુરશી પર બેઠાબેઠા પણ નાચી રહ્યો હતો.

‘કોન્ગ્રેચ્યુલેશન્સ સૌમિત્ર. આખરે તે જે ધાર્યું હતું એ તે કરી બતાવ્યું.’ વ્રજેશ સૌમિત્રના બંને હાથ પકડીને તેમને ખૂબ હલાવી રહ્યો હતો.

‘તારા વગર એ શક્ય નહોતું. પહેલાં તે જ મને નોવેલ ઈંગ્લીશમાં ટ્રાન્સલેટ કરવાનો આઈડિયા આપ્યો અને પછી ધરાની પણ ઓળખાણ કરાવી.’ સૌમિત્રના શબ્દે શબ્દમાં વ્રજેશ માટે આભાર પ્રગટ થતો હતો.

‘એ મોટા ભલે મેં કાય નો કયરું હોય પણ વીજેભાયની હાયરે મનેય પાર્ટી તો જોહેં જ કય દવ સું.’ હિતુદાને આદત પ્રમાણે હુકમ કર્યો.

‘હા તે બોલને આજે તને કેન્ટીનની સ્પેશીયલ નવ રૂપિયાવાળી ચા પીવડાવું.’ સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

‘હાવ ગાલાવેલો થા માં. કોક મોટી હોટલમાં ઝમાંડવો પડહે.’ હિતુદાને સૌમિત્રને ધબ્બો મારીને કીધું.

‘પાક્કું, તમે બે જ છો ને મારા માટે જે હક્કથી પાર્ટી માંગી શકો.’ સૌમિત્રએ સ્મિત સાથે જવાબ આપ્યો.

‘કેમ અંકલ આન્ટી પણ ખરાને?’ વ્રજેશ બોલ્યો.

‘ખાલી મમ્મી. પપ્પાએ તો આ દોઢલાખની કમાણીમાંથી પણ પોરાં કાઢ્યા. ખબર નહીં એમને મારી સાથે શું પ્રોબ્લેમ છે? સાચું કહું? ઘણી વખત તો મને એમ વિચારતો હોઉં છું કે હું એમનું સંતાન જ નથી અને મમ્મીને ખુશ કરવા પપ્પા મને કોઈક અનાથ આશ્રમમાંથી લઇ આવ્યા હશે.’ સૌમિત્રના ચહેરા પર વ્યથા સ્પષ્ટ દેખાતી હતી.

‘એવું ન બોલ. હોય યાર દરેક માણસનો સ્વભાવ અલગ હોય. ચાલ હવે મૂડ ઠીક કરી દે અને મને એમ કે’ કે ધરા કેવી લાગી?’ વ્રજેશનો ચહેરો અચાનક તોફાની બની ગયો.

‘કેવી લાગી એટલે? સારી છોકરી છે.’ સૌમિત્રને ખ્યાલ આવી ગયો કે વ્રજેશ એની ફીરકી લેવાની તૈયારી કરી રહ્યો છે.

‘સારી છોકરી? બસ? જો એવું જ હોય તો તું સળંગ બે વખત એના ઘેર રાત ના રોકાયો હોત.’ વ્રજેશ હસી રહ્યો હતો.

‘બે વખત? સોકરીને ઘીરે? સોમીતર?? આ હું હું હાંભળુ સું?’ હિતુદાનને તો મોટો આઘાત લાગ્યો હોય એવો એનો ચહેરો થઇ ગયો.

‘હા એટલે લાસ્ટ ટાઈમ તો વરસાદ ખૂબ હતો એટલે પ્લસ મને ખબર નહોતી કે એ મને એના ઘરે લઇ જવાની છે.’ હવે સૌમિત્ર થોડો ગભરાયો, થોડો શરમાયો.

‘તે મને આની ખબર્ય અટાણે કાં પયડી? તમે બેય ઝણાએ મને કાં નો કીધું?’ હિતુદાન હવે સૌમિત્ર અને વ્રજેશને રિમાન્ડ પર લેવા માંગતો હતો.

‘એમાં એવું છે ને કે સૌમિત્રએ મને તો પહેલી વખતે જ મુંબઈથી આવીને આ બધું કીધું હતું, અને મેં જ એને કીધું હતું કે હું ગઢવીને કહી દઈશ. પણ પછી આપણે બેય આપણા પ્રોજેક્ટમાં બીઝી થઇ ગયા એટલે રહી ગયું. અને હવે ક્યાં મોડું થયું છે. સૌમિત્ર પરમદિવસે રાત્રે પણ ધરાને ઘેર જ હતો રાઈટ?’ વ્રજેશે હિતુદાનનું મગજ બીજી તરફ વાળી દીધું.

‘હા હતો, હવે એક વખત રહ્યો તો બીજી વખત શું વાંધો? એ મને એરપોર્ટ લેવા આવી હતી, હું એને ઘેર ગયો, અમે જમ્યા થોડી આમતેમ વાતો કરી અને પછી સુઈ ગયા.’ સૌમિત્ર હવે આ મુદ્દે થઇ રહેલી ચર્ચાને ગમે તે રીતે પૂરી કરવા માંગતો હતો.

‘તો આમ આંખમાં આંખ મેળવીને બોલને ભાઈ, આજુબાજુ અને ટેબલ સામે જોઇને બોલવું પડે છે?’ વ્રજેશ એમ સહેલાઇથી સૌમિત્રને જવા દેવા માંગતો ન હતો.

‘અરે સાચું બોલું છું યાર.’ સૌમિત્રએ એના બંને મિત્રો સામે જોઇને એમને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી.

‘જો સૌમિત્ર તને અમે બંને હવે લગભગ ચાર વર્ષથી ઓળખીએ છીએ. તારો ચહેરો તારા મન જેવો જ એટલેકે એકદમ અરીસા જેવો છે. મને ખબર છે કે તને અત્યારે એ બધું કહેવામાં શરમ આવે છે. પણ મને ધરા વિષે બધી ખબર છે. નિશાની ખાસ ફ્રેન્ડ હતી યાર. એ બોલ્ડ છે, બ્યુટીફૂલ તો છે જ કોઈ સવાલ નથી. એટલે તું ભલે અત્યારે અમારાથી છુપાવ પણ મને ધરાના સ્વભાવ પર વિશ્વાસ છે અને તારો આટલો સરળ સ્વભાવ જોઇને એ તારાથી ઈમ્પ્રેસ ન થઇ હોય અને કોઇપણ રીતે તમારા બંને વચ્ચે કશું ન થયું હોય તો જ નવાઈ.’ વ્રજેશ એક વકીલની અદા સાથે બોલ્યો.

સૌમિત્રને વ્રજેશની આ સાફ વાતથી એમ લાગ્યું કે તે હવે વધારે સમય તેના મિત્રોથી સત્ય નહીં છુપાવી શકે અને ધરા સાથે બે રાત પહેલાં જે બન્યું એનો ઉમળકો એ આ બંને સીવાય કોઈની સમક્ષ ઠાલવી શકે તેમ ન હતો. એક ઊંડો શ્વાસ લઈને સૌમિત્રએ વ્રજેશ અને હિતુદાનને બે રાત્રી અગાઉ તેની અને ભૂમિની વાત ધરા સમક્ષ કરતાં કેવી રીતે ભાવુક થઇ ગયો અને ધરાએ એને કેવી રીતે શારીરિક સંબંધ બાંધીને માનસિક રાહત આપી એ બધીજ વાત કહી દીધી.

‘તે સાવ એમનેમ? પછે કોઈ વાંધો નય આવે ને મિતલા?’ હિતુદાને સાવ ધીમા અવાજે સૌમિત્રને અત્યંત મહત્ત્વનો સવાલ પૂછ્યો.

‘મારું તો પહેલી વખત હતું પણ તોયે મેં એ વખતે એને કીધું પણ ખરું, પણ ધરાએ કીધું કે એના સેઈફ ડેઝ ચાલી રહ્યા છે એટલે મારે ચિંતા કરવાની કોઈજ જરૂર નથી. હવે આ સેઈફ ડેઝ એટલે શું એ મને ન પૂછતાં મને એની ખબર નથી.’ સૌમિત્ર રીતસર શરમાઈ રહ્યો હતો.

‘એન્ની મા ને.. આનું મોઢું તો ઝોવો વીજેભાય? હેય ને હરમની નદીયું દોડે સે. હારું કયરું કે ધરા હામે ઈ વખ્તે નો હરમાંણો.’ હિતુદાને સૌમિત્રને ગાલે ટપલી મારી.

‘તું અને ધરા એકબીજા માટે સીરીયસ છો?’ વ્રજેશે તરત જ વાતાવરણનું વહેણ બદલી નાખતો સવાલ કર્યો.

‘લગભગ. પણ અમે એકબીજાને સમય આપ્યો છે. મેં એને હિન્ટ આપી દીધી છે કે મને વાંધો નથી અને બને તો આવતા મહીને લોન્ચ વખતે મને એ એનો નિર્ણય પણ જણાવી દે. જોઈએ એ શું કહે છે. કશું નહીં થાય તો અમે મિત્રો તો રહીશું જ એ પાક્કું જ છે’ સૌમિત્રએ વ્રજેશને જવાબ આપ્યો.

‘ગૂડ, તમે બંને ક્લીયર છો એટલે ગંગા નાહ્યા. બસ હવે એ નેક્સ્ટ મન્થ હા પાડે તો જલસા થઇ જાય.’ વ્રજેશના ચહેરા પર ખુશી દોડી રહી હતી.

‘તે આ તારી સોપડીનું ઉદઘાટન થાહે એમાં અમારે અમારા ખરસે આવાનું સે?’ હિતુદાને હવે મુદ્દાનો સવાલ કર્યો.

‘ના તમે બંને અને મમ્મી-પપ્પાને હું લઇ જઈશ. પંદરમી ઓગસ્ટે લોન્ચ છે. હમણાં ઘેરેથી તમને મળવા આવતો હતો ત્યાં જ ધરાનો ઓફીસેથી ફોન હતો.’ સૌમિત્રએ કીધું.

‘ધરાનું નામ બોલતાં આનું મોઢું તો ઝો લાપસી ઝેવું થાય વીજેભાય?’ હિતુદાને ફરીથી સૌમિત્રની મશ્કરી કરી.

‘જીવન ચલને કા નામ ગઢવી. સૌમિત્ર ભૂમિ સાથેના પ્રેમભંગ પછી આગળ વધી ગયો એનો આપણને આનંદ હોવો જોઈએ.’ વ્રજેશ હિતુદાનના ખભે હાથ મૂકીને બોલ્યો.

‘મારે એકલા એ જ આગળ વધવાનું છે વ્રજેશ? નિશાના દૂર જવાને પણ ઘણો ટાઈમ થયો ને?’ સૌમિત્ર વ્રજેશ સામે આંખમાં આંખ નાખીને બોલ્યો.

ચહેરા પર સ્મિત લાવીને પણ વ્રજેશ કોઇપણ જવાબ ન આપી શક્યો અને મૂંગો જ રહ્યો.

***

‘તો વોરુણજી આપકો પ્યાર તો કોરતા હૈ ના?’ ભૂમિ પાસેથી એના અને સૌમિત્રના સંબંધ વિષે બધીજ વાત સાંભળ્યા પછી શોમિત્રો બોલ્યો.

‘સચ કહું તો મુજે બિલકુલ પતા નહીં. કભી ઐસા લગતા હૈ કી હમ દોનો જૈસે હસબંડ વાઈફકી સિર્ફ ડ્યુટી કર રહે હૈ. વરુણ એક તો બહોત કમ સમય સાથમેં હોતા હૈ, અગર હોતા હૈ તો જબ એકદમ મૂડમેં હો તો ઇતના પ્યાર બરસાતા હૈ કી મુજે લગતા હૈ કી મેરા જીવન સૌમિત્ર કે બાદ આગે બઢ ગયા હૈ, પર જબ પ્યાર કી એક બારીશ કે બાદ દો તીન મહીને કા સૂખા પડતા હૈ, તો લગતા હૈ કી વો વરુણ કા ઇતના સારા પ્યાર બરસાના સિર્ફ મેરા ભ્રમ થા ઔર હકીકત મેં મૈ બિલકુલ અકેલી હું.’ ભૂમિના ચહેરા પર સ્મિત હતું પણ એની આંખો ભીની હતી.

‘આમરા માં ને આમરા બાબા કે બારેમેં એશા હી બોતાયા થા શાલોં આગે. ઉન દોનોકા ભી પ્રેમ બિબાહ થા. આમાર જોન્મો મા બાબા કે બિબાહ કે એક શાલ મેં હી હો ગીયા થા. ઉ દિનો બાબા બોહુત સ્ટ્રોગોલ કોરતા થા. મા બોલતા હૈ આમરા જોન્મો પાર બાબા જેશે શોન્યાશી હો ગીયા. બીઝનેશ બોઢાને મેં બાબા ઇતના બીઝી હો ગીયા કી ઉનકા બૈબાહીક જીબોન દો શાલ મેં હી ખોતોમ હો ગીયા. લોગતા હૈ આપકે જીબોનમેં ભી એશા હી હુઆ હૈ. પોર આપકા તો કો બોચ્ચાભી નેહી હૈ કી આપ ઉશકે શોંગ ઓપના શોમોય બીતા શોકે.’ શોમિત્રોએ પોતાના માતાપિતા અને ભૂમિના જીવન વચ્ચેની સમાનતા વિચારી.

‘ઉનકા તો પ્રેમ વિવાહ થા ના? યહાં તો પ્રેમ કિસી ઔર કો કીયા, ઔર વિવાહ કિસી ઔર સે...’ ભૂમિ અધૂરા વાક્યે જ હસી પડી.

‘આપ ઓભી ભી શોમિત્રોબાબુ સે પ્યાર કોરતા હૈ ના?’ શોમિત્રોએ ભૂમિને એવો સવાલ કર્યો જે ભૂમિ આટલા વર્ષોથી પોતાને પૂછતાં પણ ડરતી હતી.

‘બિલકુલ નહીં. આઈ જસ્ટ હેઇટ હિમ.’ ભૂમિના હસતા ચહેરા પર અચાનક ગુસ્સો આવી ગયો.

‘શોમિત્રોબાબુ આપ કા બાત નેહી માના ઈશ લિયે તો?’ શોમિત્રોએ એક બીજો અઘરો સવાલ કર્યો.

‘નહીં ઐસા નહીં હૈ. જો મેરે પ્યાર કા સન્માન નહીં કરતા ઉસકો મેં નફરત કરતી હું,’ ભૂમિનો ગુસ્સો વધી ગયો હતો.

‘ઔર શોમિત્રોબાબુ કે પ્યાર કા શોન્માન નેહી હુઆ ઉશકા?’ શોમિત્રોના ચહેરા પર એક શાંત સ્મિત આવી ગયું.

‘મતલબ?’ ભૂમિ બોલી.

‘મોતલોબ આપકો આપકે બાબા શે બોદલા લેને વાશ્તે શોમિત્રો કો આપકે શાથ સેક્સ કોરને કો બોલા, ઉ નેહી માના તો ઉ આપકો આપકે પ્યાર કા ઓપમાન લોગતા હૈ. પોર ના કોરને વાશ્તે શોમિત્રો ને જો રીઝાન દિયા ઉશકે બારેમેં આપને એકઠો બાર ભી નેહી શોચા ઔર ઉશકા ભીશોન ઓપમાન કોર દિયા. ઉશકો ઘોર શે નીકાલ દિયા ઔર આજ તોક ઉશકો નોફરત કોરતી હો. એકઠો બાર ભી આપને એ નેહી શોચા કી શોમિત્રોબાબુને આપકો કીતોના પ્યાર દિયા? ઓર કોભી ભી આપશે કુછ નેહી માંગા. ઓર સેક્સ કે લીયા મોના કીયા ઉ ભી આપકી શુબીધા કે લિયે. તો શોમિત્રોબાબુ કો નોફરત કોરના, ક્યા એ શોમિત્રોબાબુ કે પ્યાર કા ઓપમાન નેહી હૈ?’ શોમિત્રોએ દલીલ કરી.

‘યાર તુમ મેરે દોસ્ત હો યા ઉસકે? તુમ્હે મેરા સાથ દેના ચાહિયે.’ શોમિત્રોની સચોટ દલીલ સામે ભૂમિ પાસે કોઈ જ જવાબ ન હતો.

‘મેં શોત્તી બોલને મેં જોરા ભી શોરમાતા નેહી ભૂમિ. ઓર રીયાલ દોશ્ત ઓ હી હૈ જો દોશ્ત કો શોત્તી શોત્તી બોલે. એકઠો બાત તો જોરુર હૈ. આપ ઓભી ભી ઉ શોમિત્રો શે ભીશોન પ્યાર કોરતા હૈ. વૈશે હી જેશે આમી બોશુન્ધોરા શે. કિન્તુ આપ લકી હો કી શોમિત્રો ઓભી જિન્દા હૈ. બશ મુજે ઔર કુછ નેહી કેહના. આપ બોહુત શોમોજદાર હો.’ શોમિત્રો એ ચર્ચા પર પૂર્ણવિરામ મુક્યું.

છેલ્લે આટલું કહીને શોમિત્રોએ વિદાય લીધી. પણ તેની દલીલોએ ભૂમિને વિચારતી કરી દીધી. શું એ હજીપણ સૌમિત્રને પ્રેમ કરે છે? કદાચ હા કારણકે તેને આજે શોમિત્રો સામે પોતાની પ્રેમકથા સામેથી કહેવાનું મન થયું હતું. અને સૌમિત્ર વિષે તેણે અથ થી ઇતિ બધી જ વાત તેણે કેમ કરી? કારણકે તેને એ બધું કહેવાનું ગમી રહ્યું હતું. જો એને સૌમિત્ર સાથે ખરેખર નફરત હોત તો એ આમ ન કરત અને એને સૌમિત્રની દરેક વાત શોમિત્રોને કહેતી વખતે જે આનંદ આવતો હતો એ પણ ન થાત. તો શું સૌમિત્રએ માત્ર એની વાત ન માની કે એના બદલામાં ભાગ ન લઈને એ એની નફરતને લાયક થઇ ગયો? જે વ્યક્તિને તેણે ભરપૂર પ્રેમ કર્યો અને એણે પણ સામેથી ભૂમિને અઢળક પ્રેમ આપ્યો એ માત્ર એક ઇનકારથી નફરતને લાયક કેવી રીતે બની જાય? તો શું તે દિવસે સંગીતાના ઘેરથી સૌમિત્રને અપમાનિત કરીને મોકલી દેવાનો એનો નિર્ણય ખોટો હતો?

‘ના, એ એને જ લાયક હતો. આઈ હેઇટ હિમ...આઈ સ્ટીલ હેઇટ હિમ!.’ ભૂમિ જોરથી બરાડી ઉઠી પણ એને સાંભળનાર ત્યાં કોઈજ ન હતું.

***

પ્રકરણ ૨૯

મુંબઈના સબર્બમાં આવેલી એક મોટી હોટલમાં સૌમિત્રની પ્રથમ નોવેલ ‘ધરા’નું ઇનોગ્યુરેશન રાખવામાં આવ્યું હતું. સૌમિત્ર અને તેના પરિવાર તેમજ બંને મિત્રોની રહેવાની વ્યવસ્થા એ જ હોટલમાં પ્રતિકે કરી હતી. કાર્યક્રમ શરુ થવાને હજી વાર હતી એટલે બધા વાતો કરી રહ્યા હતા. સૌમિત્ર પોતે ખાસ સિવડાવેલા લાઈટ કોફી કલરના સુટમાં અત્યંત શોભી રહ્યો હતો. અંબાબેન સૂટમાં શોભી રહેલા અને અત્યંત ખુશ લાગી રહેલા પોતાના પુત્રને વારંવાર જોઇને ખૂબ હરખાઇ રહ્યા હતા. જનકભાઈ સ્થિતપ્રજ્ઞ બનીને સ્ટેજ સામે સતત જોતા જોતા અદબ વાળીને અંબાબેનની બાજુની ખુરશી પર બેઠા હતા. સૌમિત્ર આ જગ્યાએથી થોડે દૂર ઉભેલા વ્રજેશ અને હિતુદાન સાથે વાત કરતો અને વારેવારે પોતાની ઘડિયાળમાં જોઈ લેતો. કાર્યક્રમ સાંજે સાત વાગ્યે શરુ થવાનો હતો છને ચાલીસ થઇ હતી, મહેમાનો આવવા લાગ્યા હતા, તો પણ ધરાનો કોઈજ અતોપતો ન હતો.

સૌમિત્ર ઘડિયાળમાં જોઇને એન્ટ્રન્સ તરફ પણ જોઈ લેતો હતો. ત્યાં જ પ્રતિકની એન્ટ્રી થઇ. પ્રતિક પોતાના સમગ્ર પરિવાર સાથે આવ્યો હતો. પ્રતિક સૌમિત્રને જોતાં જ સીધો એની તરફ દોડી આવ્યો. સૌમિત્ર સૌથી પહેલા જગદીશચંદ્રને પગે લાગ્યો તો જગદીશચંદ્રએ સૌમિત્રને ઉભો કરીને તેની સાથે ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું, જાણેકે તેઓ એમ કહેવા માંગતા હતા કે સૌમિત્રની કલમને પારખવામાં તેઓએ ભૂલ ખાધી હતી. ત્યારબાદ વારો આવ્યો પ્રતિક નો અને સૌમિત્ર સાથે હાથ મેળવીને પ્રતિક એને ભેટી પડ્યો.

‘યુ નો મેં બે બૂક ક્રિટીક્સને તમારી નોવેલ વાંચવા આપી હતી, અને એમનો રીપોર્ટ એકદમ પોઝીટીવ છે. સૌમિત્ર હવે તમે ચેક ગણવાના શરુ કરી દો.’ પ્રતિકે સૌમિત્રને ભેટેલી અવસ્થામાં જ એના કાનમાં ધીમેકથી કીધું.

‘થેન્ક્સ વેરી મચ. ચાલો મારા મમ્મી પપ્પાને મેળવું.’ આમ કહીને સૌમિત્ર એ આગલી રો માં બેસેલા અંબાબેન અને જનકભાઈ તરફ ઈશારો કર્યો.

સૌમિત્રએ પ્રતિકની ઓળખાણ અંબાબેન અને જનકભાઈને કરાવી.

‘તમારા દીકરાએ કમાલ કરી દીધી છે આન્ટી અને હું તમને ખાતરી આપીને કહું છું કે આવનારા દિવસોમાં એ વધારેને વધારે કમાલ કરશે. અરે કમાલ જ નહીં પણ એકદમ ધમાલ મચાવી દેશે.’ પ્રતિકના દરેક શબ્દમાં સૌમિત્ર પ્રત્યે આદર, ઉત્સાહ અને આત્મવિશ્વાસ દેખાતો હતો.

‘બધું તમારા લીધે છે ભાઈ. તમે જો મારા દીકરાને ટેકો ન કર્યો હોત તો એ આ બધું ક્યાં પામી શકવાનો હતો?’ અંબાબેને પણ પ્રતિકનો આભાર માન્યો.

‘આન્ટી, સૌમિત્રમાં ટેલેન્ટ છે, મારું કામ ફક્ત એને એક સ્ટેજ આપવાનું છે અને એના થકી હું પણ આગળ આવીશ ને?’ પ્રતિકે પોતાની નમ્રતા ન છોડી.

આટલું કહીને પ્રતિકે ફરીથી સૌમિત્રને ગળે વળગાડ્યો અને સૌમિત્રનું ધ્યાન ગેઇટમાંથી પ્રવેશી રહેલી ધરા પર પડ્યું અને ત્યાં જ સ્થિર થઇ ગયું. પ્રતિક તો સૌમિત્ર ને હમણાં આવું એમ કહીને જતો રહ્યો પરંતુ સૌમિત્ર ધરાને જોતા જોતા ત્યાંને ત્યાં જ કોઈ વેક્સ મ્યુઝીયમની મૂર્તિ થઈને ઉભો રહી ગયો અને પ્રતિક એણે શું કહીને ગયો છે તેના પર એનું બિલકુલ ધ્યાન નહોતું ગયું. ઓરેન્જ કલરની ડીઝાઈનર બોર્ડરવાળી સફેદ રંગની સિલ્કની સાડી અને ઓરેન્જ રંગના શોર્ટ સ્લીવ બ્લાઉઝમાં પોતાના સુંદર શરીરને ધરાએ બરોબરનું વીંટી લીધું હતું અને તેને પહોળી આંખે સતત જોઈ રહેલા સૌમિત્રના દિલના અજાણતામાં જ તે સેકન્ડે સેકન્ડે કટકે કટકા કરી રહી હતી. ધરાએ વળી વાળ પણ ખુલ્લા રાખ્યા હતા અને એના મોટા કપાળની બરોબર વચ્ચે જ એણે લીલા કલરની બિંદી પર ઓરેન્જ કલરની જ બિંદી ચોંટાડી હતી. તૈયાર થવા માટે ધરાએ આજે બરોબરનો સમય લીધો હશે એવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. એને જોઇને સૌમિત્રની અત્યારે જે હાલત થઇ રહી હતી એણે ધરાની તૈયાર થવાના સમય અને મહેનતના પૂરેપૂરા ‘પૈસા વસૂલ’ કરી દીધા હતા.

‘ઓ હીરો! ક્યાં ખોવાઈ ગયો?’ ધરા સૌમિત્રની એકદમ સામે આવીને ઉભી રહી ગઈ તો પણ સૌમિત્રનું ધ્યાનભંગ ન થયું એટલે ધરાએ સૌમિત્રની આંખો સામે ચપટી વગાડીને પૂછ્યું, એના ચહેરા પર સ્મિત હતું.

‘તારામાં...’ ભાન આવતાં જ સૌમિત્રએ એની સ્માર્ટનેસ પર ફરીથી કબજો જમાવી લીધો.

‘શટ અપ... બધા વચ્ચે? આ એક દોઢ મહિનામાં તું સાવ બેશરમ થઇ ગયો છે હોં.’ ધીમા અવાજે ધરાએ ગુસ્સો તો કર્યો પણ એ સાવ ખોટો હતો.

‘મને બેશરમ બનાવવા પાછળ કોનો હાથ છે?’ સૌમિત્ર આંખ મારીને હસતાંહસતાં બોલ્યો.

‘તું એકલો પડને તને તો હું બરોબરનો ધીબેડી નાખીશ.’ ધરા ફરીથી ખોટેખોટી ગુસ્સે થઇ.

‘મને ખબર છે કે તું અને હું એકલા હોઈશ ત્યારે તું મને મારીશ નહીં પણ કશુંક બીજું જ કરીશ.’ સૌમિત્ર પણ ઘણાબધા દિવસે મળેલી ધરાને ખીજવવામાં કશું બાકી રાખવા નહોતો માંગતો.

‘આઈ પ્રોમિસ યુ સૌમિત્ર, આઈ વિલ કિલ યુ ફોર શ્યોર. બસ તું એક વખત એકલો પડ.’ ધરા હવે હસીને બોલી.

‘વિથ પ્લેઝર. પણ એ પોસીબલ નથી કારણકે અમે બધા કાલે સવારે જ શતાબ્દીમાં અમદાવાદ જતા રહેવાના છીએ એટલે હું એકલો નથી પડવાનો, જસ્ટ તારી જાણ ખાતર.’ સૌમિત્ર પણ હસીને બોલ્યો.

‘ના, તું કાલે નથી જવાનો. જસ્ટ તારી જાણ ખાતર કે, તારી કાલની ટીકીટ કેન્સલ કરીને પ્રતિકે પરમદિવસની કરી છે અને એ પણ રાતની ટ્રેઈનની એટલે તું કાલે સવારથી પરમદિવસ રાત સુધી મારા એટલેકે ખુદ ગબ્બર કબ્જામાં હોઈશ, મિસ્ટર ઠાકુર!’ ધરાએ હવે સૌમિત્રને કન્ફયુઝ કરવાનું શરુ કર્યું.

‘એટલે? હું સમજ્યો નહીં.’ ધરાના પાસા પોબાર પડ્યા, સૌમિત્ર સમજી ન શક્યો કે ધરા શું કહી રહી હતી.

‘બસ આગે આગે દેખતે જાઓ. ઇટ્સ અ સરપ્રાઈઝ ફોર યુ.’ ધરાએ આંખ મારી.

‘હવે પાછું શું સરપ્રાઈઝ છે? બોલને યાર? મારાથી હવે રાહ નહીં જોવાય.’ સૌમિત્રએ ધરાને ભારપૂર્વક સરપ્રાઈઝ કહી દેવાનું કીધું.

‘એ પ્રતિક તને કહેશે આ પ્રોગ્રામ પત્યા પછી. મને તો એણે તને કોઈ હિન્ટ આપવાની પણ ના પાડી હતી, પણ શું કરું મને તારી દયા આવી ગઈ, તારી ખાસમખાસ ફ્રેન્ડ છું ને?’ ધરાએ પોતાના ચહેરા પર એવા હાવભાવ લાવ્યા કે એ સૌમિત્રની ખરેખર દયા ખાઈ રહી હોય.

‘તો પછી તારી કિટ્ટા.’ સૌમિત્રએ હવે ખોટો ગુસ્સો કર્યો.

‘કિટ્ટા તો કિટ્ટા બાવાજીની બુચ્ચા, ચાલ હવે તારા મમ્મી પપ્પાને તો મેળવ, પછી મારે હોસ્ટીંગ કરવાનું છે એટલે મને ટાઈમ નહીં મળે.’ હસી રહેલી ધરાએ સૌમિત્ર તરફ હક્કથી માંગણી કરી.

અંબાબેનને ધરાની ઓળખાણ પોતે કેવી રીતે કરાવશે એ વિચારતો વિચારતો સૌમિત્ર ધરાને એમની તરફ દોરી રહ્યો હતો. પણ ધરાએ જ અંબાબેન અને જનકભાઈને સામેથી જ પગે લાગી લેતા સૌમિત્રની સમસ્યા આપોઆપ દૂર કરી દીધી.

***

‘તુમ તો કેહ રહે થે તુમ્હારે ઔર દોસ્ત ભી આને વાલે હૈ?’ આવડા મોટા રૂમમાં કોઈને પણ ન જોતાં ભૂમિ બોલી.

‘આમરા શોચ્ચા દોશ્તો એક આપ હી તો હો!’ શોમિત્રોએ એનું ચિતપરિચિત જેવું હાસ્ય કર્યું જેને ભૂમિ બોઘા જેવું હાસ્ય કહેતી હતી.

‘મતલબ તુમને મુજસે જૂઠ બોલા.’ ભૂમિના અવાજમાં જરા ગુસ્સો હતો.

‘આમી જૂઠ નેહી બોલતા તો ક્યા આપ આમાર શોંગે એકલા એકલા શીટી શે ઇતોના દૂર આતા? બોલૂન?’ શોમિત્રોએ પૂછ્યું.

‘મૈ સિર્ફ વસુંધરાકા બર્થડે હૈ ઇસ લિયે આઈ થી, મુજે તુમ્હે ઈમોશનલી સપોર્ટ કરના થા એઝ અ ફ્રેન્ડ. અગર તુમ સચ ભી બોલતે તો ભી મેં આતી.’ ભૂમિએ સ્પષ્ટતા કરી.

‘તો ફીર પ્રોબ્લેમ નેહી હૈ. ઓભી તો આપ જાની ના કી ઇધોર મેં કોઈ નેહી હૈ? માઈન્ડ યુ, મેરા કોઈ ગોલોત ઈરાદા નેહી થા. બોશ શીર્ફ કેક કાટેગા ઔર થોરા ખાના ખાયેગા ફીર આપકો આમી આપકે બાડી છોર આયેગા.’ શોમિત્રોના ચહેરા પર સ્મિત હતું.

‘પ્રોબ્લેમ સિર્ફ સચ નહીં બોલનેકા હૈ શોમિત્રો. તુમ સચ કહેતે તો મુજે ઝ્યાદા અચ્છા લગતા. ઔર મુજે તુમ્હારે ઈરાદે કભી બુરે નહીં લગે. યુ આર વેરી પ્યોર બાય હાર્ટ તો યેહ સબ મત બોલો.’ ભૂમિ હવે સ્વસ્થ થઇ હોય એવું એના અવાજ પરથી લાગ્યું.

‘ઓકે બાબા, આઈ એમ સોરી.’ શોમિત્રો બોલ્યો, ખરેખર એના અવાજમાં ખૂબ આનંદ હતો કારણકે ભૂમિએ એના વખાણ કર્યા હતા.

‘સોરી કી કોઈ ઝરૂરત નહીં હૈ શોમિત્રો, બસ આગે સે ખયાલ રખના.’ આટલું કહીને ભૂમિએ સ્મિત આપ્યું.

‘ચાલો આપકો કુછ દિખાતા હું.’ આટલું કહીને શોમિત્રો સામેની તરફ એક રૂમ તરફ ચાલ્યો.

‘ક્યા? કહાં?’ ભૂમિ બોલતાં બોલતાં ભૂમિ શોમિત્રો પાછળ દોરવાઈ.

‘આઇએ, આમરા બાબા કે ઈશ ગ્રાન્ડ કોટેજકા શોબશે શુન્દોર રૂમ આપકો દિખાતા હું.’ શોમિત્રોએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી એક ચાવી કાઢી અને પેલા રૂમ પર લગાવેલું તાળું ખોલ્યું અને પોતાના હાથથી ભૂમિએ આદરપૂર્વક અંદર આવવાનો ઈશારો કર્યો.

‘નાટકબાઝ...’ ભૂમિ હસતાંહસતાં શોમિત્રો સામે જોઇને બોલી પણ રૂમમાં ઘૂસતાં જ એની નજર સ્થિર થઇ ગઈ અને એનો ચહેરો ગંભીર થઇ ગયો.

***

‘છોકરી બઉ રૂડી છે હોં?’ ધરાના ગયા બાદ અંબાબેને હળવેકથી સૌમિત્રને કાનમાં કીધું.

ધરાને બૂક લોન્ચ પ્રોગ્રામનું હોસ્ટીંગ કરવાનું હતું એટલે એ અંબાબેન અને જનકભાઈ સાથે થોડીઘણી વાતો કરીને જતી રહી. પ્રોગ્રામ હવે થોડીવારમાં શરુ થશે એમ જાણીને બધા મહેમાનો સાથે સૌમિત્ર ઉપરાંત વ્રજેશ અને હિતુદાને પણ પોતાની જગ્યા લઇ લીધી હતી.

‘તારી વહુ તરીકે જામે કે નહીં?’ સૌમિત્રએ અંબાબેન સામે જોઇને હસતાંહસતાં કહી જ દીધું.

‘હેં? સાચ્ચે જ?’ અંબાબેનને ખ્યાલ જ ન હતો કે સૌમિત્ર તેમને આટલું મોટું સરપ્રાઈઝ આપશે.

‘હા, પણ હજી એની ઈચ્છા છે કે નહીં એની ખબર નથી એટલે તું બહુ ઉતાવળી ન થતી અને મહેરબાની કરીને કોઈ પ્લાન્સ ના બનાવવા લગતી.’ સૌમિત્ર હજીપણ હસી રહ્યો હતો પણ તેણે અંબાબેનને આ મામલે ધીરજ ધરવાનું જરૂર કહી દીધું.

‘એટલું તો હું હમજું ને મારા વાલા? બસ બધુંય નક્કી થઇ જાય એટલે સૌથી પેલ્લાં મને કે’જે.’ અંબાબેને પણ સૌમિત્રને ધરપત આપી.

‘તને નહીં કહું તો બીજા કોને કઈશ? મને તો એ ખૂબ ગમે છે એને વિચારવા માટે સમય જોઈએ છે. મોડર્ન છે એટલે એમ તરત નિર્ણય નહીં લે, ખૂબ વિચારશે.’ સૌમિત્ર બોલ્યો.

‘મોડર્ન હોય કે ગમેતેવી, બસ તને હાચવી લે એટલે બસ.’ અંબાબેને સૌમિત્રની બાજુમાં બેઠાબેઠા જ એના ઓવારણાં લઇ લીધાં.

‘પણ આમનું શું?’ સૌમિત્રએ આંખ અને ચહેરાની હલચલથી જનકભાઈ તરફ ઈશારો કર્યો.

‘છોકરીની હા થઇ જવા દે ને? આમને તો હું સંભાળી લઈશ.’ અંબાબેને આટલું કહીને સૌમિત્રનો હાથ દબાવ્યો.

***

શોમિત્રોના એ ખાસ રૂમમાં ચારેતરફ વસુંધરાના જ ફોટા હતા. સ્ટેમ્પ સાઈઝથી માંડીને લાઈફ સાઈઝના ફોટાઓ થી આ રૂમની એક એક દિવાલ અને છત પણ ભરેલી હતી. વસુંધરાની એકેએક અદાઓ દરેક તસ્વીરમાં કેદ થઇ ગઈ હતી. ક્યાંક એ ખડખડાટ હસતી હોય તો એક ફોટામાં એનો ગુસ્સો તો અન્ય ફોટામાં એના આંસુ તો કેટલાક ફોટાઓમાં તેનો મસ્તીભર્યો અંદાજ વસુંધરાના સ્વભાવને જાણેકે શબ્દાર્થ આપી રહ્યો હતો. આ ઉપરાંત ભૂમિને સતત એવું લાગી રહ્યું હતું કે તે પોતાને જ એક અજાણ્યા રૂપમાં જોઈ રહી હતી કારણકે વસુંધરાનો ચહેરો ભૂમિના ચહેરા સાથે લગભગ મળતો આવતો હતો.

‘અમેઝિંગ...’ તમામ ફોટાઓ પર ઉડતી નજર નાખ્યા બાદ ભૂમિના હોઠમાંથી આ એક જ શબ્દ નીકળી શક્યો. એ હજીપણ આમતેમ જોઈ રહી હતી.

‘ફોટોગ્રાફી આમરા શોખ થા. બોચપોન શે હી આમકો ફોટોગ્રાફોર હી બોનના થા, પોર બાબા કા પ્રેશોર થા કી આમ ઉનકા બીઝનેશ હેન્ડોલ કોરે. ઈશી લીયે તો આમી કેમેરા છોર કે કોલેજ ગીયા. ઉધોર બોશુન્ધોરા મિલા તો ઉશકો દેખકે આમરા ફોટોગ્રાફી ભીતોર શે ફીરશે ગુદગુદી કોરને લગા. આમી ઉશકો મોડેલ બોના શોકતા હૈ એહી બોહાના બોના કોર બોશુન્ધોરા શે મેલ મિલાપ શુરુ કીયા થા.’ શોમિત્રો પણ વસુંધરાના ફોટાઓ તરફ નજીર નાખીને સ્મિત આપતાં બોલી રહ્યો હતો.

‘લગતા હૈ, સારે શોમિત્રો સિર્ફ ગોન્ડોગોલ હી નહીં હોતે પર ઉનમેં કોઈ કલા ભી કૂટ કૂટ કે ભરી પડી હોતી હૈ.’ વસુંધરાના એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાને ધ્યાનથી જોતા ભૂમિ બોલી એના ચહેરા પર ગજબનો આનંદ હતો.

‘હાં ઉ ગુજરાટી શોમિત્રોબાબુ રાઈટોર ઓર ઈ બાંગાલી શોમિત્રો ફોટોગ્રાફોર.’ શોમિત્રો હસી પડ્યો.

‘હમમ... પર પતા નહીં અભી લિખતા ભી હોગા કે નહીં...’ ભૂમિ અચાનક જ વસુંધરાનો ફોટો જોતા જોતા ક્યાંક બીજે જ ખોવાઈ ગઈ.

***

‘એન્ડ આઈ નાઉ ઓફીશીયલી પ્રોનાઉન્સ યુ એઝ અ રાઈટર!’ સૌમિત્રની બૂક લોન્ચ થયા બાદ પ્રતિકના કહેવાથી તેની નોવેલ પહેલેથી જ વાંચી લેનાર સિદ્ધહસ્ત બૂક ક્રિટિક સરલા મીરચંદાનીએ આ વાક્ય બોલીને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું અને હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો.

આમ ભૂમિની અટકળથી સાવ વિરુદ્ધ સૌમિત્ર હવે આધિકારિક રીતે લેખક બની ગયો હતો. પ્રતિકે હોલના એક ખૂણામાં સૌમિત્રને બેસવાની ખાસ વ્યવસ્થા કરી હતી જ્યાં તે એ જ સમયે જેમણે તેની નોવેલ ખરીદી હતી તેવા ભવિષ્યના વાચકોને પોતાના ઓટોગ્રાફ આપવાનો હતો. સૌમિત્રના પેટમાં અત્યારે રીતસર પતંગિયા ઉડી રહ્યા હતા. જે સ્વપ્ન એ રોજ જોઈ રહ્યો હતો તે અત્યારે તેની નજર સમક્ષ ખરેખર પસાર થઇ રહ્યું હતું. પ્રતિકે નોવેલના વેંચાણની શરૂઆત સારીરીતે થાય એટલે ખાસુએવું મોટું ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યું હતું અને એ જાહેરાતની અસર હેઠળ લગભગ પાંચસો જણાના ઓડીયન્સમાંથી લગભગ બસો જણા વારાફરતી લાઈન લગાવીને સૌમિત્રનો ઓટોગ્રાફ લઇ રહ્યા હતા.

‘એય મને ચૂંટી ખણ તો?’ છેલ્લી બૂક પર ઓટોગ્રાફ આપીને સૌમિત્ર ઉભો થયો અને તેણે બાજુમાં ઉભેલી ધરાને ચૂંટી ખણવાનું કીધું.

‘કેમ?’ ધરાને નવાઈ લાગી.

‘કારણકે મને એમ લાગે છે કે હું ફરીથી જાગી જઈશ અને મારું આ સપનું ફરીથી તૂટી જશે.’ સૌમિત્ર બોલ્યો.

‘હાહાહા... કેમ નહીં? આવો મોકો હું જવા દઉં?’ ખડખડાટ હસીને ધરાએ સૌમિત્રને જોરથી ચૂંટી ખણી લીધી.

‘ઓહ માં... આટલી જોરથી ખણવાનું નો’તું કીધું. મોકાનો ફાયદો ઉઠાવે છે તું નાલાયક?’ સૌમિત્રએ ધરા પર ગુસ્સો કર્યો પણ બીજી તરફ એ પોતાનું હસવું પણ રોકી ન શક્યો.

‘આ તો હજી સાંજના બદલાની શરૂઆત છે ઠાકુર બલદેવ સિંઘ. કાલે રાત્રે પૂરેપૂરો બદલો લેવામાં આવશે.’ ધરાએ આંખ મારીને કહ્યું.

‘અરે હા, સાંજની વાત પરથી યાદ આવ્યું. પેલું સરપ્રાઈઝ શું છે? હવે તો કે? પ્રોગ્રામ પણ પૂરો થઇ ગયો.’ સૌમિત્રને અચાનક જ યાદ આવ્યું.

‘નો નો નો, એ તો પ્રતિક જ તને કહેશે. સોરી, હું તને આ બાબતે કોઈજ હેલ્પ નહીં કરી શકું.’ ધરા પોતાના બંને કાન પકડીને બોલી.

‘પેલા રહ્યા પ્રતિકભાઈ હું જ એને પૂછી લઉં છું.’ સૌમિત્રએ આમતેમ જોતા જોતા પ્રતિકને શોધી લીધો એ કોઈ જોડે વાત કરી રહ્યો હતો.

‘હેય... પ્લીઝ નો, પ્લીઝ, તું એને પૂછીશ તો એ મને વઢશે કે તારા પેટમાં આટલી વાત પણ ન રહી?’ ધરાએ સૌમિત્રને વિનંતીના સ્વરમાં જણાવ્યું.

‘હું ખાલી એને એટલુંજ પૂછીશ કે મારે અમદાવાદ કેમ મોડું જવાનું છે? એટલે એમને નહીં ખબર પડે, ડોન્ટ વરી. મારાથી હવે રાહ નહીં જોવાય, ચલ મારી સાથે.’ આટલું કહીને સૌમિત્રએ ધરાનો હાથ પકડ્યો અને પ્રતિક જ્યાં કોઈ સાથે વાત કરી રહ્યો હતો ત્યાં પહોંચ્યો.

‘અરે પ્લીઝ કમ સૌમિત્ર, હું તમને જ શોધી રહ્યો હતો. લેટમી ઇન્ટ્રોડ્યુસ ટુ અ વેરી સ્પેશીયલ પર્સન. હી ઈઝ મિસ્ટર વરુણ પટેલ, જમશેદપુર સ્ટીલ કંપનીમાં હી ઈઝ અ જનરલ મેનેજર માર્કેટિંગ એન્ડ સેલ્સ, અને બહુ જલ્દીથી એમ ડી પણ બનવા જઈ રહ્યા છે. આમ તો એ બીઝનેસમેન છે પણ આપણા માટે વરુણ એટલે ઈમ્પોર્ટન્ટ છે કારણકે એમને વાંચવાનો ગાંડો શોખ છે. હું લાસ્ટ ટાઈમ જ્યારે લંડન બૂક ફેયરમાં ગયો હતો ત્યારે મારી સાથેજ ફ્લાઈટમાં હતા અને અમારી ઓળખાણ થઇ. એ વખતે એ મારી જ પબ્લીશ કરેલી કોઈ બૂક વાંચી રહ્યા હતા અને પછી અમે દોસ્ત બની ગયા. એમને મેં તમારી નોવેલ ધરા સ્ટ્રોંગલી રેકેમેન્ડ કરી છે અને એમણે પરચેઝ પણ કરી લીધી છે. એમને તમારો ઓટોગ્રાફ જોઈતો હતો એટલેજ હું તમને શોધી રહ્યો હતો.’ પ્રતિક અત્યારસુધી વરુણ સાથે વાત કરી રહ્યો હતો અને સૌમિત્રના આવતાં જ તેણે વરુણની ઓળખાણ કરાવી.

પ્રતિકની વાતનો સૌમિત્રએ સ્વાભાવિક પ્રતિસાદ આપતાં સ્મિત સાથે વરુણ સામે પોતાનો હાથ લંબાવ્યો અને વરુણે પણ એક સેકન્ડની પણ રાહ જોયા વગર સૌમિત્ર ના હાથ સાથે પોતાનો હાથ મેળવ્યો અને એને વળતું સ્મિત આપ્યું. છૂટાં પડતાં અગાઉ ભૂમિએ વરુણ વિષે બધું જ જણાવ્યું હોવા છતાં અત્યારે પોતાની નોવેલ લોન્ચ થઇ છે એના ઉત્સાહમાં સૌમિત્ર વરુણ પટેલ અને જમશેદપુર સ્ટીલ ફેક્ટરીનો સરળ સરવાળો ન જોડી શક્યો.

એક તરફ પોતાના પૂર્વ પ્રેમી સૌમિત્ર અને પતિ વરુણ મુંબઈમાં એકબીજાના હાથ મેળવી રહ્યા હતા તો તો બીજી તરફ આ બંનેને જોડતી કડી એટલેકે ભૂમિ અત્યારે મુંબઈથી ખૂબ દૂર આવેલા કોલકાતા શહેરની હદની બહાર આવેલા એક ભવ્ય ફાર્મહાઉસમાં તેના અંતરંગ મિત્ર બની ચૂકેલા શોમિત્રોની મૃત પત્નીની જન્મતિથી ઉજવી રહી હતી.

પ્રકરણ ૩૦

‘ગોન્ડોગોલ, અબ વસુંધરાકે બર્થડે કા સેલિબ્રેશન કા ભી કોઈ પ્લાન કીયા હૈ તુમને યા સિર્ફ મુજે યહાં બુલાને કા હી પ્લાન થા?’ ભૂમિ વસુંધરાના એક ફોટાને ધ્યાનથી નીરખી રહેલા શોમિત્રોના ખભાને હલાવીને બોલી.

‘બોશુન્ધોરા કા જોન્મોદિન હો ઔર આમી શેલીભ્રેટ ના કોરે એ શોમ્ભોબ હી નેહી હૈ. દુઈઠો મિનીટ રુકીએ આમી આતા હૈ.” આટલું કહીને શોમિત્રોએ રૂમના દરવાજા તરફ રીતસર દોટ મૂકી.

ભૂમિ ફરીથી વસુંધરાના ફોટા જોવા લાગી.

‘હુહ ગોન્ડોગોલ...” એક ફોટામાં વસુંધરા અને શોમિત્રોએ પોતપોતાના કપાળ અડાડીને વિચિત્ર ચહેરા બનાવ્યા હતા આ ફોટામાં શોમિત્રોજે જોઇને ભૂમિ આપોઆપ હસી અને બોલી પડી.

લગભગ ત્રણેક મિનીટ બાદ શોમિત્રો એક નાનકડી કેક લઈને રૂમમાં દાખલ થયો. આ કેક પર Happy Birthday Boshundhara લખ્યું હતું અને કેકની બરોબર વચ્ચે એક કેન્ડલ પણ ખોંસેલી હતી.

શોમિત્રોએ પોતાના બીજા હાથે રૂમની બરોબર વચ્ચે એક નાનકડું ટેબલ મુક્યું અને તેના પર તેણે કેક મૂકી. પછી તે થોડી વખત આમતેમ જોવા લાગ્યો અને પછી રૂમમાં રહેલા બેડની બાજુમાં મુકેલા વસુંધરાના એક ફોટાને લઈને તેણે કેકની સામે મૂક્યો. ભૂમિ શોમિત્રોની આ તમામ ગતિવિધિઓને ધ્યાનથી જોઈ રહી હતી અને સ્મિત કરી રહી હતી. ભૂમિને શોમિત્રો પર માન થઇ ગયું કે પોતાની પ્રેમિકાને પામવા માટે આટલી બધી તકલીફો ભોગવી છતાં તેને પોતાની પ્રેમિકા ન મળી પરંતુ તો પણ એ એને એની વિદાય પછી પણ એટલો જ પ્રેમ કરે છે.

‘બોશુન.’ અચાનક શોમિત્રોએ ભૂમિનું ધ્યાનભંગ કર્યું.

શોમિત્રો પેલા નાનકડા ટેબલની સામેજ જમીન પર બેસી ગયો હતો અને ભૂમિને ઇશારાથી પોતાની બાજુમાં બેસવાનું કહ્યું. ભૂમિ શોમિત્રોની લગોલગ બેસી ગઈ અને પછી શોમિત્રોએ પહેલા તો કેક પર લાગેલી કેન્ડલ સળગાવી અને પછી તેને એક જ ફૂંકે બૂઝાવી દીધી. શોમિત્રો અને ભૂમિ એક જ સૂરમાં હેપ્પી બર્થડે ટુ ... વસુંધરા ગાઈ ઉઠ્યા. શોમિત્રોએ કેકના બે નાના નાના હિસ્સા કર્યા અને એમાંથી એક ટૂકડો લઈને તેણે ભૂમિને ખવડાવવા માટે તેના ચહેરા નજીક લઇ ગયો. ભૂમિએ હસીને એ કેકના ટુકડાનો નાનકડો હિસ્સો ખાધો. પછી શોમિત્રોના હાથમાંથી જ એ કેક લઈને જેવો ભૂમિએ શોમિત્રોને ખવડાવ્યો કે શોમિત્રો રડવા લાગ્યો અને ધીરેધીરે એનું રુદન વધવા લાગ્યું.

‘અરે ક્યા હુઆ?’ ભૂમિએ કેકનો બચેલો ટુકડો ટેબલ પર પડેલી કેકની બાજુમાં મૂકી દીધો.

શોમિત્રો પોતાનું ડોકું નકારમાં હલાવતા હલાવતા રડી રહ્યો હતો. ભૂમિને ખ્યાલ તો આવી ગયો કે શોમિત્રો વસુંધરાને ત્યારે ખૂબ મીસ કરી રહ્યો છે, પરંતુ તે રડી રહેલા શોમિત્રોને કેમ શાંત કરે તેની તેને ખબર નહોતી પડતી. જો અત્યારે શોમિત્રોની જગ્યાએ સૌમિત્ર હોત તો તે એને ગળે વળગાડી દેત, પણ અહીં તેને એમ કરતાં કોઈક રોકી રહ્યું હતું. પણ શોમિત્રોનું રડવાનું પૂરું તો શું ધીમું પણ પડતું ન હતું. શોમિત્રોએ પોતાના પગ વાળીને તેની વચ્ચે પોતાનું માથું મૂકી દીધું અને રડવાનું ચાલુ રાખ્યું. ભૂમિ પુરેપુરી અસમંજસમાં હતી. તેણે શોમિત્રોનો ખભો પકડ્યો, શોમિત્રોના વાંસે હાથ પણ ફેરવ્યો, પણ શોમિત્રો શાંત ન થયો.

શોમિત્રોના રુદનનો અવાજ ધીરેધીરે વધી રહ્યો હતો આથી એને સાંભળીને ક્યાંક કોટેજનો સ્ટાફ દોડતો દોડતો રૂમમાં ન આવી જાય એમ ધારીને ભૂમિએ રૂમનો દરવાજો ઉપરથી બંધ કરી દીધો અને ફરીથી તે શોમિત્રોની બાજુમાં બેસી ગઈ અને તેના વાંસા પર હાથ ફેરવવા લાગી.

‘બસ, શોમિત્રો...બસ. અબ હમ ક્યા કર સકતે હૈ? જો સચ હૈ વો યહી હૈ ના? વો તો ચલી ગઈ અબ તુમ ઐસે રોને લગોગે તો કૈસે ચલેગા? મેં સમજ સકતી હું કી યે ઇતના આસાન નહીં હૈ પર....’ ભૂમિએ શોમિત્રોને શાંત કરવાની ફરીથી કોશિશ કરી.

‘એ શોબ મેરે નોશીબ મેં હી ક્યૂં હૈ ભૂમિ? અમને ભીશોન પ્યાર કીયા ઉશકો ક્યા એઈ આમરા ગોલોતી હૈ? ભોગવાન બોહુત બુરા હૈ, બોહુત બુરા...’ અત્યારસુધી પોતાના ઘૂંટણ પર ટેકવી રાખેલું માથું હટાવીને ભૂમિ સામે રડતા રડતા આટલું બોલીને શોમિત્રો ફરીથી રડવા લાગ્યો.

‘ના ના શોમિત્રો, ઐસા નહીં હૈ... પ્લીઝ રોના બંધ કર દો....પ્લીઝ....’ ભૂમિ હવે શોમિત્રોને ખરેખર શાંત પાડવા માંગતી હતી.

શોમિત્રોને આમ રડતા જોઇને ભૂમિનું હ્રદય પણ ભારે થઇ રહ્યું હતું અને એની આંખો ભીની થઇ ગઈ અને અચાનક જ તેણે રડી રહેલા શોમિત્રોનો દૂરનો ખભો પકડ્યો અને પોતાની તરફ ખેંચ્યો. શોમિત્રો રડતા રડતાજ ભૂમિ તરફ ખેંચાયો અને ભૂમિએ એને ભેટી પડી. શોમિત્રો ભૂમિને વળગીને એના ખભે માથું મૂકીને રડી રહ્યો હતો અને ભૂમિ પણ શોમિત્રોને શાંત કરવાની કોશિશમાં માથામાં ધીરેધીરે પોતાનો હાથ ફેરવી રહી હતી.

***

‘સોરી સૌમિત્ર મેં તમને એક દિવસ વધારે રોકી રાખ્યા.’ પ્રતિકની કેબીનમાં સૌમિત્ર અને ધરા પ્રવેશ્યા કે તરતજ પ્રતિક ટેબલ પાછળથી નીકળીને તેમની તરફ ગયો અને સૌમિત્રના બંને હાથ પકડીને એની માફી માંગી.

‘અરે, એમાં શું સોરી યાર. હવે આપણે આ બધી ફોર્માલીટીઝમાંથી બહાર આવીએ તો સારું, બરોબરને ધરા?’ સૌમિત્ર ધરા સામે જોઇને બોલ્યો. જવાબમાં ધરાએ માત્ર સ્મિત સાથે પોતાનું ડોકું હલાવ્યું.

‘હું તો બીજું સોરી પણ કહેવા માંગતો હતો.’ સૌમિત્ર માટે ખુરશી ખેંચીને પ્રતિકે તેને બેસવાનો ઈશારો કર્યો અને પોતે ટેબલની બીજી તરફ જવા લાગ્યો.

‘હું તમને એક સોરી કહેવાની ના પાડું છું અને તમે વળી બીજું સોરી લઇ આવ્યા?’ સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

‘હા, એક તો તમને ફેમીલી સાથે અમદાવાદ જવા ન દીધા એનું સોરી અને બીજું તમારાથી આપણે અત્યારે શું ડિસ્કસ કરવાના છીએ એ વાત ખાનગી રાખી એનું બીજું સોરી.’ પ્રતિકે પોતાની ઝૂલતી ખુરશીમાં બેસતાં જ કહ્યું.

‘ચાલો, તો પછી તમે અત્યારેને અત્યારે જ એ સિક્રેટ રીવીલ કરો તો હું તમને માફ કરવા માટે વિચારી શકું છું.’ સૌમિત્રનું હાસ્ય ચાલુ જ હતું.

‘શ્યોર, પણ પહેલા મારે તમને કોન્ગ્રેચ્યુલેશન આપવા છે. બસ પછી હું તમને બધું કહીજ દઉં છું.’ આટલું બોલીને પ્રતિકે સૌમિત્ર તરફ પોતાનો હાથ લંબાવ્યો અને સૌમિત્રએ ઉભા થઈને તેને પકડી લીધો.

‘શેના કોન્ગ્રેચ્યુલેશન્સ?’ પ્રતિકનો હાથ હલાવતાં સૌમિત્રએ પૂછ્યું.

‘ગઈકાલે પહેલા દિવસે જ તમારી ધરાની સિક્સ હન્ડ્રેડ એન્ડ ટ્વેંટી થ્રી કોપીઝ સેલ થઇ ગઈ જે કદાચ ગ્રાન્ડ પબ્લિકેશન્સનો ફર્સ્ટ ડેનો એક રેકોર્ડ છે. લગભગ ટુ ફિફ્ટી તમે લોન્ચ પછી સાઈન કરી બાકી બધીજ કોપીઝ સેલ કરવાની ક્રેડીટ તમારી બાજુમાં બેઠેલી ધરાને જાય છે, એણે એની સ્માર્ટનેસથી અમારા ઘણા ક્લાયન્ટ્સને તમારી નોવેલનું એડવાન્સ બુકિંગ કરવા માટે કન્વીન્સ કરી લીધા. માઈન્ડ યુ આ બધા જ અમારા ડાયરેક્ટ ક્લાયન્ટ્સ છે અને હાર્ડકોર રીડર્સ છે.’ સૌમિત્ર અને ધરા સામે વારાફરતી જોતા પ્રતિક બોલ્યો.

‘ધરા એટલે ધરા, મને હવે એ તમારી રાઈટર્સ ફેસીલીટી એક્ઝીક્યુટીવ નથી લાગતી , એ મારી દોસ્ત જ છે, બિલકુલ તમારી જેમજ.’ સૌમિત્રએ ધરા સામે જોઇને કહ્યું. ધરાના ચહેરા પર અભિમાન મિશ્રિત શરમ આવી ગઈ.

‘ગ્રેટ! ક્યા બાત હૈ! ચાલો તો હવે તમને વધારે રાહ નહીં જોવડાવું, તમને જે માટે રોક્યા છે તે સસ્પેન્સ રીવીલ કરી દઉં.’ પ્રતિક છેવટે મુદ્દા પર આવ્યો.

‘હા, હવે તો મારાથી પણ નથી રહેવાતું.’ સૌમિત્રની ઉત્કંઠા વધી ગઈ હતી.

‘સૌમિત્ર, સામાન્યરીતે જે મોટા રાઈટર્સ હોય તેમના ખુદના કેટલાક પી આર એટલેકે પબ્લિક રિલેશન્સના કન્સલ્ટન્ટ હોય છે અને એ લોકો આ રાઈટર્સનું ઘણીબધી જગ્યાએ બૂક રીડીંગ ગોઠવી આપતા હોય છે. રાઈટર્સ માટે ઇન્ક્મનો આ બીજો પણ સોર્સ છે. હવે તમારી નોવેલ મેં જે બે-ત્રણ બૂક ક્રિટીક્સને તેમનો ઓપિનિયન જાણવા આપી હતી, તેમણે મને સામેથી તમારી ધરાનું બૂક રીડીંગ ગોઠવી આપવાની ઓફર કરી છે.’ પ્રતિકે શ્વાસ લીધો.

‘ઓહ, ઓકે!’ સૌમિત્રને પ્રતિક હવે કોઈક સારા સમાચાર આપશે એવું લાગવા માંડ્યું.

‘જન્મે અને કર્મે મારવાડી છું એટલે પછી મેં જ વિચાર્યું કે તમારાથી જ હું પોતે આ પ્રકારનું પી આર કેમ શરુ ન કરું? મેં ધરાની પણ અડવાઈઝ લીધી અને શી ઇઝ ક્વાઈટ રેડી ફોર ઈટ. ધરાએ ગ્રીન સિગ્નલ આપી દીધો એટલે હું પણ રેડી થઇ ગયો છું. હવે જો તમને બૂક રીડીંગમાં વાંધો ન હોય તો આપણે ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ નક્કી કરી લઈએ? તમારું ફર્સ્ટ બૂક રીડીંગ આપણે નેક્સ્ટ મન્થ અહીં મુંબઈમાં જ ગોઠવીશું. બોલો શું કો’ છો?’ પ્રતિક સૌમિત્ર સામે એવી રીતે જોઈ રહ્યો હતો કે જાણેકે એણે ખાતરી હતી કે સૌમિત્ર ના નહીં જ પાડે.

‘જો દરેક બૂક રીડીંગમાં ધરા મારી સાથે આવે તો મને કોઈજ વાંધો નથી.’ સૌમિત્રએ પ્રતિકની ઓફર શરત સાથે સ્વિકારી.

‘તમે મારો ધંધો બંધ કરાવશો....એની વેઝ આઈ એમ ઓકે વિથ ઈટ. ધરા તમારા બધાં જ બૂક રીડીંગમાં તમારી સાથેજ હશે, પછી એ મુંબઈ હોય, દિલ્હી હોય, અમદાવાદ હોય, વિશાખાપટ્ટનમ હોય કે પછી જમશેદપુર.’ પ્રતિકે સ્મિત સાથે સૌમિત્રની શરત પર મંજૂરીની મહોર મારી દીધી.

‘જમશેદપુર?’ સૌમિત્ર જાણેકે ચમક્યો.

‘જી, હા લગભગ બે મહિના પછી તમારું બૂક રીડીંગ જમશેદપુર સ્ટીલ ફેક્ટરીમાં ગોઠવવાનું છે. કાલે તમે વરુણ પટેલને મળ્યાને? જેમણે તમારી બૂક પરચેઝ કરી લીધી હતી? એમણે પણ મારી જેમજ બૂક કાલે એમની હોટલે પહોંચીને વન સીટીંગમાં જ વાંચી લીધી! પંદર વીસ મિનીટ પહેલાં જ હું જ્યારે મારી કેબીનમાં એન્ટર થયો ત્યાંજ એમનો કોલ આવ્યો અને એમણે તો તમારા અને ધરાના જે વખાણ કર્યા છે કે હું તમને મારા શબ્દોમાં તો નહીં જ સમજાવી શકું. પણ એમણે તમારી બૂક રીડીંગની ઓફર મને સામેથી આપી કારણકે એમની ઈચ્છા છે કે એમની ત્યાંની સ્ટાફ રીક્રીએશન ક્લબ પણ તમારી નોવેલ શું છે એ જાણે બીકોઝ એઝ પર હીમ, ઈટ ઇસ વેરી મચ ક્લોઝ ટુ રીયાલીટી એટલે લોકોને પણ એ ગમશે. આપણે જમશેદપુરમાં પણ તમારી નોવેલની કોપીઝ સેલ કરીશું, આફ્ટર યોર રીડીંગ ગેટ્સ ઓવર, એટલે એક પંથ ને દો કાજ. તો આર યુ રેડી ફોર જમશેદપુર?’ પ્રતિકે સૌમિત્રને પૂછ્યું.

સૌમિત્રના ચહેરા પર રેખાઓ ખેંચાઈ ગઈ, એણે ધરા સામે જોયું? ધરાએ પોતાની ભમરો ઉંચી કરીને સૌમિત્ર ને શું થયું એવો મૌન પ્રશ્ન કર્યો.

‘ઠીક છે, આઈ એમ રેડી.’ સૌમિત્રએ કદાચ ભારે હ્રદયે પ્રતિકને જમશેદપુર બૂક રીડીંગ માટે હા પાડી.

***

ભૂમિના આગોશમાં આવેલા શોમિત્રોને જાણેકે મહિનાઓ બાદ થોડીઘણી માનસિક શાંતિ મળી રહી હોય એમ એનું રડવાનું ધીમેધીમે બંધ થવા લાગ્યું.

‘મૈ કિચન મેં સે પાની લે આતી હું.’ શોમિત્રોને હળવેકથી પોતાનાથી અળગો કરીને ભૂમિ ઉભી થઇ.

‘અરે, નેહી આઈ એમ ઓકે નાઉ. વો થોરા બોશુન્ધોરા કા યાદ આ ગીયા થા તો...’ શોમિત્રોએ નીચે બેઠાબેઠા જ ભૂમિનો હાથ પકડ્યો અને તેને સહેજ ખેંચી.

‘મુજે પતા હૈ શોમિત્રો, બટ થોડા પાની પીને સે તુમ્હેં અચ્છા લગેગા. મેં લે આતી હું.’ ભૂમિએ સહેજ નીચા વળીને શોમિત્રોનો હાથ છોડાવ્યો.

‘અચ્છા તો હમેં દુઈઠો મિનોટ પહેલે હી લોગ રહા થા, પાની કી જોગાહ ઉ ચોલ્બે.’ શોમિત્રોના ચહેરા પર હવે મસ્તી હતી.

‘શટ અપ ગોન્ડોગોલ.’ ભૂમિ પણ હસતાંહસતાં રૂમની બહાર ગઈ.

શોમિત્રોના રૂમની બહાર નીકળતાં જ એક વિશાળ હોલ હતો અને એના દૂરના ખૂણે રસોડું હતું. રસોડાનું બારણું પાછળની તરફ હતું પરંતુ હોલમાં રસોડાની નાનકડી બારી પડતી હતી એટલે ભૂમિ એ બારી પર ટકોરા માર્યા અને મહારાજે સ્લાઈડીંગવાળી બારી ખોલી.

‘ફીઝ મેં સે પાની કી એક ઠંડી બોટલ દેંગે પ્લીઝ?’ ભૂમિએ સ્મિત સાથે મહારાજને કહ્યું.

‘હાં હાં ક્યૂં નહીં.’ મહારાજ રસોડામાં જ્યાં ફ્રીજ રાખ્યું હતું તે તરફ ગયા.

ભૂમિની નજર રસોડામાં ફરવા લાગી. મહારાજ જ્યાં પહેલા ઉભા હતા ત્યાં લોટની કણક બંધાઈને પડી હતી. અંગ્રેજી એલ આકારના પ્લેટફોર્મની બીજી બાજુએ એક યુવાન છોકરી ગેસ પર મુકેલા વાસણમાં કશુંક બનાવી રહી હતી અને એમાંથી નીકળી રહેલી વરાળમાંથી કોઈની પણ ભૂખ ઉઘડી જાય એવી જબરદસ્ત સુગંધ આવી રહી હતી. છોકરીનો માત્ર સાઈડ ફેસ જ ભૂમિને દેખાયો. એકાદ વખત તેને જોઇને ભૂમિને લાગ્યું કે એ છોકરીનો સાઈડ ફેસ જાણીતો છે. મહારાજ ફ્રીઝમાંથી બોટલ લઈને આવ્યા ત્યાં સુધી ભૂમિને ખાતરી થવા લાગી હતી કે એ છોકરીને તેણે ક્યાંક જરૂરથી જોઈ છે. મહારાજે બોટલ બારી પર મૂકી એટલે ભૂમિએ વધારે સમય પેલી છોકરીને જોવા માટે મહારાજ પાસે પાણી પીવાના બે ગ્લાસ પણ માંગ્યા. મહારાજ વળી રસોડાની બીજી તરફ ગયા એટલે ભૂમિએ ફરીથી પેલી છોકરીને નીરખવાનું શરુ કરી દીધું. હવે એ ચોક્કસ થઇ ગઈ હતી કે તે ભૂતકાળમાં આ છોકરીને ખરેખર ક્યાંક મળી છે, પણ ક્યાં મળી છે એનો એને ખ્યાલ નહોતો આવી રહ્યો. આ દરમિયાન મહારાજે બે કાચના ગ્લાસ બારી પર મૂક્યા એટલે ભૂમિ પાસે હવે શોમિત્રોના રૂમ તરફ જવા સિવાય બીજો કોઈજ ઓપ્શન ન હતો. પણ શોમિત્રોના રૂમમાં દાખલ થવા સુધી ભૂમિ સતત વિચારી રહી હતી કે એ છોકરીને તેણે અગાઉ ક્યાં જોઈ છે.

***

‘તને ખબર છે ધરા, કે વરુણ પટેલ ખરેખર કોણ છે?’ ધરા સાથે મુંબઈના એક પોશ રેસ્ટોરન્ટમાં પોતાની ખુરશી પર બેસતાં જ સૌમિત્રએ પૂછ્યું.

‘પ્રતિકના ફ્રેન્ડ છે. એણે જ તો કાલે કીધું હતું ને કે એમને ફ્લાઈટમાં મળ્યા હતા અને એ હાર્ડકોર રીડર છે?’ ધરાએ સૌમિત્રને સ્વાભાવિક જવાબ આપ્યો.

‘પ્રતિકની એ વાતે તો મને પણ આડે પાટે ચડાવી દીધો હતો એમાં પાછો બૂક લોન્ચનો નશો ભળ્યો.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

‘તું શું બોલે છે ને એની મને જરાય ખબર નથી પડતી.’ ધરાએ સ્પષ્ટ વાત કરી.

‘એમાં તારો વાંક નથી કારણકે તારા અને વરૂણનું કોઈજ કનેક્શન નથી, જ્યારે મારું છે અને એ પણ જબરું.’ સૌમિત્રએ ધરાની આંખમાં આંખ નાખીને કીધું.

‘તું હવે મારી સામે નોવેલીસ્ટ ના બન પ્લીઝ, અત્યારે તારા મનમાં જે પ્લોટ હોયને એ મને કહી દે.’ ધરાએ ગુસ્સા મિશ્રિત હાસ્ય સાથે સૌમિત્રને રીતસર હુકમ આપ્યો.

‘ઓકે, તો લીસન... વરુણ પટેલ એટલે મિસિસ ભૂમિ પટેલના પતિદેવ, એજ ભૂમિ પટેલ જે પહેલાં ભૂમિ પ્રભુદાસ અમીન હતા અને જેના પ્રેમમાં આ બંદા પાગલ હતા અને એટલેજ એમણે પોતાના પ્રેમના અનુભવો પર એક આખી નોવેલ લખી અને ફક્ત ભૂમિનું નામ બદલીને ધરા કરી નાખ્યું અને ગઈકાલે એજ ભૂમિ પટેલના પતિએ એ નોવેલ ફક્ત ખરીદી જ નહીં પરંતુ એને વાંચી અને વખાણી પણ ખરી અને મને સામે ચાલીને બૂક રીડીંગ માટે પોતાના શહેરમાં આમંત્રણ આપ્યું.’ સૌમિત્રએ ધરા સમક્ષ આટલું મોટું સસ્પેન્સ ખોલ્યું પણ છતાં એનો ચહેરો (અને કદાચ મગજ પણ) અત્યારે એકદમ શાંત લાગી રહ્યો હતો.

‘ઓહ માય ગોડ!! સાચ્ચેજ?’ ધરાનું મોઢું બે-ત્રણ સેકન્ડ્સ માટે ખુલ્લું જ રહી ગયું.

‘હા યાર. સાચ્ચે જ.’ સૌમિત્રએ ગંભીર સ્મિત આપ્યું.

‘ધેટ મીન્સ કે બે મહિના પછી તું કદાચ તારી ભૂમિને લગભગ બે વર્ષ પછી મળીશ અને એ પણ ફેઈસ ટુ ફેઈસ! વાઉ!’ ધરાના અવાજમાં ઉત્તેજના હતી.

‘પ્રતિકે જ્યારે બૂક રીડીંગની ઓફર મૂકી ત્યારે મેં ફક્ત એમજ દાવ રમ્યો હતો કે તું જો મારા દરેક બૂક રીડીંગમાં હશે તો જ હું આ ઓફર માટે રેડી છું, કારણકે હું તારી સાથે વધુને વધુ રહેવા માંગતો હતો. પણ હવે મને એવું લાગી રહ્યું છે કે મારા એ દાવ લગાવવામાં એક ઈશ્વરી સંકેત પણ છે.’ સૌમિત્ર બોલ્યો.

‘કેવી રીતે?’ ધરાએ જાણવાની ઈચ્છા કરી.

‘જો, વરુણની ઓળખાણ બૂક લોન્ચ વખતે પ્રતિકે કરાવી ત્યારે હું મારી ફર્સ્ટ નોવેલના પબ્લીશીંગને લીધે એટલો બધો એક્સાઈટમેન્ટમાં હતો કે તે વખતે તો મને ખ્યાલજ ન આવ્યો કે વરુણ કોણ છે અથવાતો કોણ હોઈ શકે છે. રાત્રે હોટલના રૂમમાં સુતી વખતે આખા દિવસમાં શું બન્યું એ બધું વાગોળ્યું ત્યારે મને અચાનકજ સ્ટ્રાઈક થયું કે અલ્યા મૂરખ! વરુણ પટેલ વત્તા જમશેદપુર સ્ટીલ ફેક્ટરી મતલબ મિસ્ટર ભૂમિ પટેલ થાય! પછી આજે પ્રતિકે પહેલા મને બૂક રીડીંગની ઓફર કરી અને મેં તને સાથે લઇ જવાનું કહ્યું પછી એણે જમશેદપુરની વાત કરી.’ સૌમિત્રએ ધરાને સમજાવવાની કોશિશ કરી.

‘તો?’ ધરાનો સવાલ હાજર જ હતો.

‘તો એમ કે હવે જ્યારે આપણે જમશેદપુર જઈશું ત્યારે ભૂમિ પણ ત્યાં હશેજ, કારણકે એનો પતિ મારો આટલો મોટો ફેન થઇ ગયો છે તો એ એને સાથે લઈજ આવશેને? ત્યારે તું મારી સાથે હશે, હું તારી સાથે હસીને વાતો કરીશ પણ ભૂમિ સામે એકદમ નોર્મલ જ રહીશ એટલે એને ખ્યાલ આવી જશે કે એણે ભલે સૌમિત્રને છોડી દીધો છે પણ સૌમિત્રને એનો કોઈજ ફરક પડ્યો નથી કારણકે સૌમિત્ર હવે ખૂશ પણ છે અને એને કોઈ બીજું મળી પણ ગયું છે. થયોને ઈશ્વરી સંકેત?’ સૌમિત્રએ આટલું કહીને ટેબલ પર રહેલા ધરાના હાથની આંગળીઓમાં પોતાની આંગળીઓ ભેરવી દીધી.

‘પણ મેં ક્યાં હજી તને હા પાડી છે.’ ધરાએ આંખ મીંચકારી.

‘એની ભૂમિને ક્યાં ખબર છે?’ હવે આંખ મારવાનો વારો સૌમિત્રનો હતો.

‘ઓહો તો જનાબ મારો ઉપયોગ કરીને પોતાની એક્સ ગર્લફ્રેન્ડને બળતરા આપવા માંગે છે?’ ધરા હસી રહી હતી.

‘હા અને ના. હા એટલા માટે કારણકે તું સાચી છે અને ના એટલા માટે કારણકે હવે મેં નક્કી કરી લીધું છે કે તું જો ના પાડીશ તો હવે હું લગ્ન નહીં કરું. જો ભગવાન મારા માટે બે-બે સારી છોકરીઓ બનાવે પણ એમાંથી એક સાથે પણ મારે જો જિંદગી ન વિતાવવાની મળે તો પછી મારે મારા નસીબ સાથે બીજી ટ્રાય નથી કરવી.એટલે તારી અટકળ સાવ સાચી પણ નથી.’ સૌમિત્ર હવે ગંભીર બની ગયો.

‘ઓહો, મારો સૌમિત્ર તો સીરીયસ થઇ ગયો! ચલ, આજે હું તને એક પ્રોમિસ આપું છું. જમશેદપુરનું બૂક રીડીંગ થાય, આપણે ભૂમિને મળીએ પછી હું તને મારું ફાઈનલ ડીસીઝન આપી દઈશ.’ હવે ધરાએ પણ સૌમિત્રનો હાથ પકડી લીધો.

‘સાચ્ચેજ?’ સૌમિત્રએ ધરાના સાચ્ચેજ બોલવાના ટોનની નકલ કરી.

‘હા બાબા સાચ્ચેજ. બસ બે મહિના રાહ જોઈ લેજે.’ ધરા હસી પડી.

‘જોઈ લઈશ, પણ ફક્ત મારા સંતોષ માટે મને એટલું કહીશ કે કેમ જમશેદપુર બૂક રીડીંગ પછીજ? તું મને આવતા વર્ષની ડેડલાઇન આપીશ તોપણ મને વાંધો નથી એની તને ખબર છે, પણ તે ખાસ જમશેદપુર કીધું એટલે મારે જાણવું છે.’ સૌમિત્રના ચહેરા પર ઉત્કંઠા દેખાઈ રહી હતી.

‘એ હું તને ત્યારેજ કહું તો?’ ધરા જાણેકે વિનંતી કરી રહી હોય એવા સ્વરમાં બોલી.

‘તો.... મને કોઈજ વાંધો નથી.’ સૌમિત્રએ ધરાના બંને હાથ પકડ્યા હતા અને એની સામે એણે પોતાની બંને આંખો મીંચકારી.

***

‘શોમિત્રો વો લડકી કૌન હૈ કિચનમેં?’ ધરાએ શોમિત્રોને પાણી ભરેલો ગ્લાસ આપવાની સાથેજ પૂછી લીધું.

‘કૌન લેડકી?’ શોમિત્રો પાણી પીતાંપીતા બોલ્યો.

‘વો જો કિચનમેં મહારાજ કી હેલ્પ કરતી હૈ?’ ભૂમિએ આમ બોલતી વખતે પણ કિચન તરફ જોયું જો કે રૂમનો દરવાજો આપમેળે બંધ થઇ ગયો હતો.

‘ઇધોર કા શ્ટાફ તો બાબા કે એકદોમ ખાશ આદમી બુદ્ધોબાબુ ડીશાઈડ કોરતા હૈ તો આમી જાની ના. ઉ લેડકીને આપકો કુછ ગોલોત શોલોત કહા ક્યા?’ શોમિત્રોએ ભૂમિને પૂછ્યું.

‘અરે નહીં, મુજે લગતા હૈ મૈને ઉસે કહીં દેખા હૈ.’ ભૂમિએ પોતાની મુંજવણ શોમિત્રોને જણાવી.

‘તો ફીર ભાય ભેઈટીંગ? ચોલો કીચોનમેં આપ ખુદ પૂછલો?’ શોમિત્રોએ પોતાનો ગ્લાસ કેકની બાજુમાં મૂક્યો અને દરવાજા તરફ ચાલવા લાગ્યો.

ભૂમિ પણ શોમિત્રોની પાછળ દોરવાઈ. શોમિત્રો અને ભૂમિ હોલ અને બાદમાં પેસેજ પસાર કર્યા અને કોટેજની પાછલી બાજુ જ્યાં રસોડાનો દરવાજો હતો ત્યાં આવ્યા. શોમિત્રોએ દરવાજો ખોલ્યો.

‘લીજીયે ભૂમિજી આપકો જીશ્કો જો પૂછના હૈ પૂછ લીજીએ.’ દરવાજો ખોલીને અંદર આવતાં જ શોમિત્રો એ ભૂમિ માટે રસોડામાં વધારે અંદર જવા માટે રસ્તો કરી આપતાં કહ્યું.

‘હલ્લો, ક્યા મૈ આપકો દેખ સકતી હું?’ પેલી છોકરી અત્યારે એક તવામાં પૂરી તળી રહી હતી અને એની પીઠ ભૂમિ તરફ હતી એટલે ભૂમિ તેનું ધ્યાન દોરવા સહેજ જોરથી બોલી.

ભૂમિનો સવાલ કાને પડતાં જ એ છોકરી ભૂમિ તરફ વળી. અમુક સેકન્ડ્સ ભૂમિ અને એ છોકરી એકબીજાને ધ્યાનપૂર્વક જોઈ રહ્યા અને એકસાથે જ એ બંને એકબીજાને ઓળખી ગયા.

એ છોકરીની ઓળખ પાક્કી થતાં જ ભૂમિના પગ એ જ્યાં ઉભી હતી ત્યાંજ ખોડાઈ ગયા જ્યારે પેલી છોકરી પણ ભૂમિને ઓળખી જતાં એ એક ડગલું પાછળ ગઈ પણ ત્યાંજ તે પ્લેટફોર્મ ને અડી જતાં ત્યાંને ત્યાં ઉભી રહી ગઈ. એકબીજા સામે જોતાંજોતા ભૂમિ અને પેલી છોકરી બંનેની આંખો અત્યારે પહોળી થઇ ગઈ હતી, પરંતુ ભૂમિને જોયા બાદ પેલી છોકરીની આંખોમાંથી દડદડ આંસુઓ વહેવાના ચાલુ થઇ ગયા.

***

પ્રકરણ ૩૧

“નિશા.....?” ભૂમિ પેલી છોકરી તરફ બે ડગલાં આગળ વધતાં બોલી.

“ભૂમિ...” પેલી છોકરી દોડીને નિશાને વળગી પડી અને રડવા લાગી.

શોમિત્રો અને મહારાજ આશ્ચર્યચકિત થઈને આ દ્રશ્ય જોવા લાગ્યા. નિશાને તો જાણેકે પોતાનું કોઈ વ્યક્તિ વર્ષો બાદ મળ્યું હોય એ રીતે તે ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હતી. આંખમાં આંસુ સાથે ભૂમિ પણ નિશાના વાંસા પર હાથ ફેરવી રહી હતી પરંતુ તેને એ શાંત પાડવાની કોશિશ બિલકુલ નહોતી કરી રહી. થોડીવાર બાદ જ્યારે નિશા થોડી શાંત પડી ત્યારે ભૂમિએ શોમિત્રોને પોતે નિશા સાથે તેના અને વસુંધરાના રૂમમાં એકલી વાત કરવા માંગે છે એમ જણાવ્યું. શોમિત્રો હા પાડી અને ભૂમિ નિશાને શોમિત્રોના રૂમમાં લઇ ગઈ.

ભૂમિએ નિશાને બેડ પર બેસાડી અને પોતે એની બાજુમાં બેઠી. ત્યાંજ શોમિત્રો પાણીની મોટી બોટલ અને બે ગ્લાસ મૂકીને બહાર જતો રહ્યો. ભૂમિએ નિશાને પાણી પીવડાવ્યું.

‘નિશા તને વાંધો ન હોય તો હવે મને બધુંજ ડીટેઇલમાં કહે કે તું અહિયાં છેક કોલકાતા કેવી રીતે આવી?’ નિશાના હાથમાંથી ખાલી ગ્લાસ બાજુમાં પડેલા ટેબલ પર મૂકતા ભૂમિ બોલી.

‘વ્રજેશને ઢોરમાર માર્યાની બીજીજ સવારે પોલીસથી બચવા મને મારા બંને ભાઈઓ મમ્મી પપ્પા સાથે અચાનક જ અલેપ્પી લઇ ગયા અને ત્યાં પહોંચ્યાના બીજેજ દિવસે પેલા પોલીટીશીયનના દીકરા બાબુકુટ્ટી સાથે મારા લગ્ન કરાવી દીધા. પણ મારું નસીબ હજીપણ મને વધારે બદનસીબી તરફ લઇ જઈ રહ્યું હતું ભૂમિ, અમે લોકો વિધિ પતાવીને મંદિરથી ઘરે પહોંચ્યા અને બાબુની મોટી બહેન મને ઉપરના રૂમમાં લઇ ગઈ. હું ત્રણ દિવસથી સુઈ શકી ન હતી એટલે ખૂબ થાકી ગઈ હતી. રાત્રે બાબુ કદાચ મારા થાકને અવગણીને પણ મારી સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કરશે તો? એમ વિચારીને હું થાક ઉતારવા બાથરૂમમાં ગઈ અને શાવર ચાલુ કરી દીધો. ચાલુ શાવરે જ મને એક ધડાકાનો અવાજ આવ્યો જાણેકે ગન ફાયર થયો હોય. મેં શાવર બંધ કર્યો અને ફરીથી બીજા ત્રણ ચાર ધડાકા થયા. આ બધા અવાજો નીચેથી આવતા હતા.’ આટલું બોલતાં જ નિશાના ચહેરા પર ગભરાટ આવી ગયો અને એના કપાળ પર પરસેવો બાઝી ગયો.

‘પછી?’ ભૂમિ પણ નિશાના ભય સાથે જોડાઈ ચૂકી હતી.

‘પછી હું જે બાથરૂમમાં હતી એ રૂમમાં મેં ચહેલપહેલ સાંભળી. એ રૂમમાં જે કોઇપણ હતું એને મારી જ તલાશ હતી. એ અને બીજો વ્યક્તિ વાત કરી રહ્યા હતા કે બાબુકુટ્ટીની નવી પરિણીતાને હજી મારવાની બાકી છે જે અહીં જ હોવી જોઈએ. પણ કદાચ મારું નસીબ એટલુંબધું ખરાબ નથી ભૂમિ. અચાનક જ નીચેથી એમને કોઈએ બોલાવ્યા અને એ બંને દોડતા દોડતા નીચે જતા રહ્યા. દાદરો લાકડાનો હોવાથી મને એમના એકેએક ડગલાં બરોબર સંભળાયા. એ બંનેની વાતો પરથી મને થોડોક તો અંદાજ આવી ગયો હતો કે નીચેના રૂમમાં કશુંક ભયંકર થયું છે. એટલે હું લગભગ પંદરથી વીસ મિનીટ બાથરૂમમાં જ પુરાઈ રહી.’ નિશાએ પોતાની કથા આગળ વધારતા કહ્યું.

‘તો પછી તું બહાર કેવી રીતે નીકળી શકી?’ ભૂમિએ પ્રશ્ન કર્યો.

‘આ રૂમ કદાચ મારી નણંદનો હશે જે મને આ રૂમમાં લઇ આવી હતી, બાથરૂમની ત્રણ છાજલીઓમાંથી એકમાં એની સાડી, બ્લાઉઝ અને પેટીકોટ હતા. મેં એ પહેર્યા અને બેડ પર હું મારું પર્સ મૂકીને ન્હાવા ગઈ હતી એ લઇ અને હિંમત કરીને હું ધીમેધીમે એકેએક પગલું અવાજ ન થાય એમ માંડીને નીચે ઉતરી. દાદરની એક બાજુએ મેઈન ડોર હતું એ આંગણામાં પડતું હતું અને એની બરોબર વિરુદ્ધ દિશામાં હોલ હતો જ્યાંથી પેલા ધડાકાઓના અવાજ આવ્યા હતા. અંદર જવાની મારી હિંમત ન થઇ એટલે મેં દાદરની પાછળ જોયું તો ત્યાંથી એક બીજો દરવાજો પણ હતો જે આંગણાની એક સાઈડ પડતો હતો. એટલે હું એ દરવાજાની બહાર નીકળી અને ઘરનું આંગણું પસાર કરીને દરવાજાની બહાર નીકળી ગઈ. પાછળ વળીને જોયું તો હોલમાં મારા પતિ મારા સસરા, સાસુ અને નણંદ અને નણંદોઈની લાશો પડી હતી. મેં બીજું કશુંજ ન વિચાર્યું અને સ્ટેશન તરફ દોડી પડી.’ નિશાના અવાજમાં રીતસર ગભરામણ હતી.

‘તને કોઈએ જોઈ નહીં?’ ભૂમિએ સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો.

‘મેં કીધુંને કે કદાચ મારા નસીબ હજી એટલા ખરાબ નહતા. આ એમનું ફાર્મહાઉસ હતું અને શહેરથી લગભગ પાંચ કિલોમીટર દૂર હતું. કદાચ આ જ તકનો લાભ લઈને મારા સાસરાના દુશ્મનોએ તેમને અહીંજ મારી નાખવાનો પ્લાન બનાવ્યો હશે કારણકે દૂરદૂર સુધી કોઈજ રહેતું ન હતું. ભૂમિ હું પાંચ કિલોમીટર ખુલ્લા પગે ચાલી અને જ્યારે હું સ્ટેશને પહોંચી ત્યારે એક ટ્રેઈન ઉપડી જ રહી હતી. મેં વગર વિચારે એ જ ટ્રેઈનમાં બેસી જવાનું નક્કી કર્યું. પપ્પાએ ગાંધીનગરથી નીકળતા પહેલા મને સાચવવા આપેલા લગભગ પચ્ચીસેક હજાર રૂપિયા તો મારી પાસે મારા પર્સમાં જ હતા એટલે એની કોઈજ ચિંતા ન હતી.’ નિશાનો ચહેરો અને અવાજ હવે સ્થિર થવા લાગ્યો.

‘તો તું અહિયાં છેક અલેપ્પીથી કોલકાતા કેવી રીતે આવી?’ નિશાને જોઇને ભૂમિને જે સવાલ સૌથી પહેલા થયો હતો એ એણે છેવટે પૂછ્યો.

‘એ ટ્રેઈન મને વહેલી સવારે નાગપુર લઇ આવી. નાગપુર પહોંચીને મને હાશ તો થઇ પણ મને હજી મારા ભાઈઓની બીક હતી. વળી કદાચ પોલીસ પણ મને શોધતા શોધતા આવી ચડે તો? એટલે મેં નાગપુરથી પણ વધારે દૂર જતા રહેવાનું નક્કી કરી લીધું. ટીકીટ લેવા માટે હું સ્ટેશનના પહેલા પ્લેટફોર્મ પર આવી ત્યારે જે અમદાવાદથી ત્રણ દિવસ અગાઉ હું ભાગીને આવી હતી એજ અમદાવાદથી આવેલી હાવડા એક્સપ્રેસ ત્યાં ઉભી હતી. મેં ત્યાં ઉભેલા ટી સીને ટ્રેઈન ઉપડવાનો ટાઈમ પૂછ્યો તો એણે સાત વીસનો ટાઈમ કીધો એટલે હું તરતજ બહાર નીકળી અને હાવડાની ટીકીટ કઢાવીને શાંતિથી મારી બર્થમાં જઈને સુઈજ ગઈ. બીજે દિવસે વહેલી સવારે ચાર વાગ્યે જ્યારે હાવડા આવ્યું ત્યાંસુધી હું મોટેભાગે સુતી જ રહી.’ અને નિશાએ ગ્લાસમાંથી પાણીનો ઘૂંટડો ભર્યો.

‘તો અહીંયા શોમિત્રોના કોટેજમાં?’ ભૂમિએ બીજો સવાલ કર્યો જે તેને પરેશાન કરી રહ્યો હતો.

‘હું તો ઘસઘસાટ ઊંઘી રહી હતી, જાણેકે વર્ષોથી થાકેલી હું મારો થાક ઉતારતી હતી. મહારાજ મારા જ કંપાર્ટમેન્ટમાં હતા. એ છેક રાયપુરથી ટ્રેઈનમાં બેઠા હતા. આખો ડબ્બો ખાલી થઇ ગયો પણ હું ન ઉઠી એટલે એમણે મને જગાડી. અમે બંને હાવડા સ્ટેશનની બહાર આવ્યા ત્યારે મહારાજે મને પૂછ્યું કે જો હું એમના એરિયામાં જ જતી હોઉં તો એ મને એમની ટેક્સીમાં લઇ જાય. મને આદમી ભલો લાગ્યો એટલે મેં એમને કહી દીધું કે હું મારા ઘરના લોકોથી કંટાળીને ભાગી આવી છું. મહારાજે બીજું કશુંજ ન પૂછ્યું અને સીધા જ મને કોલકાતામાં બુદ્ધોબાબુને ઘરે લઇ ગયા અને મારી અહીંની નોકરી પાકી કરી દીધી.

‘પણ હવે તું અહિયાં નહીં રહે, ચલ મારી સાથે.’ ભૂમિએ નિશાનો હાથ પકડ્યો અને રૂમના બારણા તરફ ચાલવા લાગી.

‘અરે, પણ ક્યાં?’ ભૂમિની પાછળ ખેંચાઈ રહેલી નિશા બોલી.

‘શોમિત્રો, નિશા અબ યહાં નહીં રહેગી, વો મેરે સાથ મેરે ફ્લેટ પર રહેગી, ઔર ફીર ઉસકા આગે ક્યા કરના હૈ વો કલ ડીપાર્ટમેન્ટ મેં જબ હમ મિલેંગે તબ ડીસાઈડ કરેંગે ઓકે?’ રૂમની બહાર નીકળતાં જ સોફામાં બેઠોબેઠો કોફી પી રહેલા શોમિત્રોને ભૂમિએ રીતસર ઓર્ડર કર્યો.

‘ઠીક આછે, જો આપ બોલો.’ શોમિત્રો પણ ભૂમિના આ અચાનક થયેલા અટેકથી ડઘાઈ જઈને બોલ્યો.

***

‘પેલું કહે છે ને કે હિસ્ટ્રી રીપીટ્સ ઈટ સેલ્ફ? મારી સાથે પણ એવુંજ થયું.’ વ્રજેશના ચહેરા પર અનોખો આનંદ હતો.

‘એટલે તું હવે આપણી જ કોલેજ... ધ એચ ડી આર્ટ્સ કોલેજમાં જ ભણાવીશ એ પાક્કું ને?’ સૌમિત્રનો હરખ પણ સમાતો ન હતો.

‘યેસ્સ... એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર! કાશ ગઢવી પણ અત્યારે હાજર હોત તો.. પણ સાલાને આજેજ હાપા જવાનું સુજ્યું.’ વ્રજેશે હિતુદાનને યાદ કર્યો.

‘એને તેં ફોન તો કર્યો ને? નહીં તો ગાંધીનગર આવતાની સાથેજ તને ધીબેડી નાખશે.’ સૌમિત્ર હસી પડ્યો.

‘અરે એ તો પહેલાં જ કરી દીધો. આવો ચાન્સ ના લેવાય.’ વ્રજેશે સૌમિત્રના હાસ્યમાં પોતાનો સૂર પૂરાવ્યો.

‘બસ તો હવે અમારા બંને માટે એક સરસ મજાની ભાભી શોધીને પૂરેપૂરો સેટલ થઇ જા.’ સૌમિત્ર ગંભીર બન્યો, પણ એના ચહેરા પર સ્મિત હતું.

‘ના યાર.. નિશાને હું એમ દગો કેવી રીતે દઈ શકું?’ વ્રજેશ કોફીનો એક ઘૂંટડો પીતા બોલ્યો.

‘એમાં દગો શું? નિશા તને છોડીને જતી રહી છે, ભલે કારણ ગમેતે હોય. જો બીજા લગ્ન કરીને તું નિશાને દગો આપીશ તો જો કદાચ હું ધરા સાથે લગ્ન કરું તો શું મેં ભૂમિને દગો આપ્યો કહેવાય? બોલ?’ સૌમિત્રએ દલીલ કરી.

‘ના, ભૂમિએ તને કહીને છોડ્યો હતો એટલે તું તારો નિર્ણય લેવા માટે આઝાદ છે. નિશાને તો હું મળ્યો પણ નથી.’ વ્રજેશે જવાબ આપ્યો.

‘આપણને બધાંને ખબર છે વ્રજેશ, નિશાએ લગ્ન કરી લીધા છે. એ હવે એની ગૃહસ્થીમાં સુખી જ હશે એવું માની લઈએ તો તારે આખી જિંદગી આમ એકલા રહેવાની શી જરૂર છે, ભાઈ? એક જીવનસાથી વગર બધું અધૂરું હોય છે વ્રજેશ.’ સૌમિત્રએ બીજી દલીલ કરી.

‘પ્રેમ એક જ વખત થાય યાર. હવે હું કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કર્યા વગર મારા જીવનમાં લાવવા નથી માંગતો. ફક્ત લગ્ન કરીને મને જીવનસાથી મળે એવો સેલ્ફીશ થઈને હું કોઈ છોકરીની જિંદગી શુંકામ બગાડું?’ વ્રજેશે પોતાની પરિસ્થિતિ સ્પષ્ટ કરી.

‘પ્રેમ ઘણીબધી વખત અને ઘણાબધા લોકો સાથે થઇ શકે છે. મારો જ કિસ્સો લે ને? હું ભૂમિને ભૂલી નથી શક્યો પણ ધરાને હું પ્રેમ નથી જ કરતો એવું હું છાતી ઠોકીને ન કહી શકું. બસ જ્યારે જે સમયે જેની સાથે દિલ જોડાઈ જાય એ પ્રેમ જ છે.’ સૌમિત્રએ હસીને કહ્યું.

‘સોરી, મને ખબર છે તું ધરાને ખૂબ અને દિલથી પ્રેમ કરે છે, પણ મારી દ્રષ્ટિએ જો વારંવાર પ્રેમ થાય તેને લવ નહીં પણ લસ્ટ કહેવાય.’ વ્રજેશ બોલ્યો.

‘આઈ ડીસઅગ્રી. જેના પ્રત્યે તમને લસ્ટ હોય તેની સાથે લવ થવાની કોઈજ ગેરંટી નથી, પણ હા જેના પ્રત્યે તમને લવ હોય તેમાં લસ્ટની પણ જરૂર હોય છે. મેં ધરા સાથે હવે ઘણીબધી વખત સેક્સ માણ્યો છે, પણ એના પ્રત્યેનો મારો પ્રેમ એવોને એવો જ છે. બલ્કે મને હવે એવું લાગે છે કે સેક્સ એ પણ પોતાના પ્રેમને દર્શાવવાનો એક રસ્તો છે અને કદાચ શ્રેષ્ઠ રસ્તો છે.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

‘તું કદાચ તારી જગ્યાએ સાચો હોઈશ, પણ હું નિશા સિવાય બીજી કોઈજ વ્યક્તિને પ્રેમ નહીં કરી શકું. સોરી દોસ્ત!’ વ્રજેશે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું.

***

‘આ બે વર્ષમાં તેં વ્રજેશભાઈનો કોન્ટેક્ટ કેમ ન કર્યો?’ પોતાના કોલકાતાના ફ્લેટમાં નિશા સાથે ચર્ચા કરતાં ભૂમિએ તેને સવાલ કર્યો.

‘એની સાથે મેં વિશ્વાસઘાત કર્યો છે ભૂમિ. હું કેવી રીતે એને ફરીથી બોલાવું?’ નિશાએ જવાબ આપ્યો.

‘કમોન યાર. જે થયું એ તારા ભાઈઓને લીધે થયું એમાં તે વ્રજેશભાઈને વિશ્વાસઘાત કર્યો છે એવી વાત ક્યાંથી આવી?’ ભૂમિએ નિશા સામે દલીલ કરી.

‘સાચું કહું તો મારી હિંમત જ નથી. મારે મારો ભૂતકાળ ભૂલી જવો હતો અને સંજોગો સાથે સમાધાન કરીને હું ભૂલી પણ ગઈ હતી, પણ કાલે તું મળી ગઈ અને ફરીથી બધુંજ નજર સામે આવી ગયું.’ નિશા જમીન તરફ સતત જોઈને બોલી.

‘એક રીતે તું સાચી છે નિશા. ભૂતકાળ ભૂલવો એમ આસાન નથી આપણે ભૂલવા માંગીએ તો પણ ભૂલી શકાય તેમ નથી.’ ભૂમિને પણ કશુંક યાદ આવી ગયું હોય એમ બોલી.

‘પણ મારે આમ નવરા નથી બેસી રહેવું ભૂમિ. ત્યાં કોટેજમાં તો કોઈને કોઈ કામ કરીને હું બીઝી રહેતી. અહીંયા હું શું કરીશ? તું પણ સોમ થી શુક્ર બપોરે ડીપાર્ટમેન્ટ જતી રહીશ અને શનિ રવિ જમશેદપુર.’ નિશાએ એની સમસ્યા જણાવી.

‘અરે તું એની ચિંતા ન કર. મેં શોમિત્રોને આજે ડીપાર્ટમેન્ટમાં જ વાત કરી છે. એ કોઈ રસ્તો જરૂર કાઢશે. પણ, જો તારે એમ એ કરવું હશે તો તારે હજી છ-સાત મહિના રાહ જોવી પડશે.’ ભૂમિએ નિશાનો હાથ પકડ્યો.

‘ના હવે મારાથી નહીં ભણાય, પણ કશુંક અલગ જરૂરથી કરવું છે મારે.’ નિશાએ ઉત્સાહ દેખાડ્યો.

‘ચોક્કસ! અને તું પૈસાની જરાય ચિંતા ન કરતી. તું અને હું હવે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ.’ ભૂમિએ નિશાના માથાના વાળમાં હાથ ફેરવ્યો.

‘હા વ્રજેશ અને સૌમિત્રની જેમ.’ નિશા બોલી.

‘હમમ...’ ભૂમિને એણે બે મિનીટ અગાઉ કહેલી જ વાત યાદ આવી ગઈ કે ભૂતકાળને ભૂલવા માંગીએ તો પણ ભૂલાય તેમ નથી હોતો.

‘મને એમ કે તું અને સૌમિત્ર પરણી ગયા હશો, પણ તું તો કોઈ બીજા સાથે...કેમ? શું થયું હતું તમારા બંને વચ્ચે?’ નિશાએ એની સામે પડેલા ટેબલ પર મુકેલી ફોટોફ્રેમમાં ભૂમિ અને વરુણના લગ્નનો ફોટો જોઇને પૂછ્યું.

‘તારી પાસે વ્રજેશભાઈનો નંબર છે ને?’ ભૂમિએ વાત ફેરવવાની કોશિશ કરી.

‘તારે જવાબ નથી આપવો તો હું ફોર્સ નહીં કરું. વ્રજેશના ઘરનો નંબર મારી પાસે નહીં પણ મને મોઢે છે. પણ હું એને મળવા નથી માંગતી.’ નિશાએ ભૂમિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

‘હું તને બધુંજ કહીશ નિશા, પણ આજે નહીં.’ ભૂમિએ નિશાને વચન આપ્યું.

***

‘વરુણ તમારો આ જ ત્રાસ છે. એક તો લાંબી ટૂર પરથી આવો અને આવ્યા પછી સમાન જ્યાં ત્યાં રખડવા મૂકી દો છો. મને પણ શનિ-રવિની રજામાં તમારી સાથે રહેવું હોય પણ જ્યારે જ્યારે તમે આવો ત્યારે હું તમારો સામાન સરખો કરવામાંથી જ ઉંચી નથી આવતી.’ ભૂમિ વરુણની બેગ અનપેક કરતાં બોલી રહી હતી.

‘અરે હું આવું છું જ કેટલા દિવસ ડાર્લિંગ? બે દિવસ પછી પાછો ઝૂમ...’ વરુણ બાથરૂમમાં દાઢી કરી રહ્યો હતો.

‘બસ દર ત્રણ મહીને બે જ દિવસ આપણે મળીએ છીએ અને એમાં તમારો સમાન અનપેક અને પછી પેક કરવામાં જ મારી તો અડધી રજા પૂરી થઇ જાય છે. વળી રવિવારે સવારે જાપટ જુપટ તો ખરી જ.’ ભૂમિ હવે બેડરૂમમાંથી ડ્રોઈંગરૂમમાં આવીને ફર્નીચર પર ઝાપટીયું લઈને ઝાપટી રહી હતી.

‘તું એકલી એકલી બોલબોલ કરવાનું બંધ કરી દે અને મને ક્રિટિસાઈઝ કરવાનું બંધ કરી દેને ભૂમિ તો પણ આપણી પાસે વાતો કરવાનો અને પ્રેમ કરવાનો ઘણો સમય બચે. આમ તો તું મને જ દોષ દેતી હોય છે કે મારી પાસે ટાઈમ નથી હોતો, પણ તું મને કેટલો ટાઈમ આપે છે એનો તને ખ્યાલ છે?’ દાઢી છોલતાં છોલતાં વરુણ બોલ્યો.

‘હા દોષ તો બધો મારો જ છે. ઘર પણ મારે જ ચોખ્ખું રાખવાનું. તમે ત્રણ મહીને એક વખત આવો એટલે મારે તમારી સેવા પણ કરવાની અને...’ અચાનક ધરાનું ધ્યાન ટેબલ પર પડેલી એક ચોપડી પર પડ્યું અને તે રોકાઈ ગઈ.

‘તારો પતિદેવ છું એમ તું મારી સેવા ન કરે એવું ચાલે?’ વરુણ હસી રહ્યો હતો.

ડ્રોઈંગરૂમમાં સોફા સામેના ટેબલ પર વરુણે મૂકેલી સૌમિત્રની નોવેલ ધરા પડી હતી. આ ટેબલ ઝાપટતી વખતે ભૂમિનું ધ્યાન અચાનક જ તેના પર પડ્યું અને તેને એક વખત તો એમ થયું કે તેણે ચોપડી પર ભૂલથી Saumitra Pandya વાંચી લીધું છે, પણ જ્યારે તેણે ધ્યાનથી વાંચ્યું ત્યારે તે માની જ ન શકી. તેણે ચોપડી હાથમાં લીધી અને ઝાપટીયું ટેબલ પર મૂકીને પોતે સોફા પર લગભગ ફસડાઈ પડી.

‘Dhara – by Saumitra Pandya’ આ શબ્દોને ભૂમિ વારંવાર વાંચવા માંડી. ભૂમિને હજીપણ વિશ્વાસ નહોતો થતો. તેણે ચોપડીના શરૂઆતના પાનાં ઉથલાવ્યા, પણ એને કોઈજ ક્લુ ન મળ્યો. અચાનક જ ભૂમિએ ચોપડીને ઉલટાવી અને તેના બેક કવર પર સૌમિત્રનો ફોટો અને તેના વિષે માહિતી લખેલી જોઈ અને ભૂમિના હ્રદય પણ જાણેકે એક ટનનો પથ્થર કોઈએ અચાનક જ મૂકી દીધો હોય એવું તેને લાગ્યું. એ માની જ નહોતી શકતી કે આ બૂક એ સૌમિત્રએ લખી છે જે એક જમાનામાં એને લખલૂટ પ્રેમ કરતો હતો અને એ પણ એને દિલ ફાડીને પ્રેમ કરતી હતી.

‘વરુણ આઆઆઆ શું છે?’ સોફા પર બેઠાબેઠા જ ભૂમિ બોલી ઉઠી.

‘હવે શું મળી ગયું તને?’ વરુણ નેપકીનથી પોતાનો ચહેરો લૂછતો લૂછતો ડ્રોઈંગરૂમમાં આવ્યો.

‘આ બૂક....’ ભૂમિના ચહેરા પર રીતસર ભય હતો.

‘અરે, આ? આ તો માસ્ટરપીસ છે! ધરા બાય સૌમિત્ર પંડ્યા. આપણો ગુજ્જુ રાઈટર જ છે. પણ સાલાએ એનું દિલ નીચોવી નાખ્યું છે. ફર્સ્ટ અટેમ્પ્ટ યુ નો? હું તો દીવાનો થઇ ગયો છું આ ધરાનો અને એના સૌમિત્રનો. યુ મસ્ટ રીડ ઈટ ભૂમિ! એક કામ કરજે મેં તો ત્રણ વખત વાંચી લીધી છે એટલે તું મન્ડે તારી સાથેજ એને કોલકાતા લઇ જજે અને શાંતિથી વાંચજે. આઈ એમ શ્યોર તું પણ મારી જેમ જ એક જ સીટીંગમાં વાંચી લઈશ. મેં ભલે અત્યારસુધી ત્રણ વખત વાંચી લીધી હોય પણ યુ નો? મને દર વખતે આમાંથી કોઈને કોઈ નવો મેસેજ મળે છે. ધરા વાંચ્યા પછી સાચું કહું તો મને લવ એટલે શું એની સાચી સમજ પડી છે અને એટલેજ આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ માય ટાઈમ એન્ડ આઈ વોન્ટ ટુ લવ યુ... આજે આખો દિવસ.’ છેલ્લું વાક્ય બોલવાની સાથેજ ભૂમિની બાજુમાં બેસી ગયેલા વરુણે ભૂમિને પોતાના આગોશમાં લઇ લીધી અને તેના ગળા પર એક હળવું ચુંબન કરી લીધું.

‘એટલીબધી સારી છે?’ ભૂમિ પર વરુણના ચુંબનની કોઈજ અસર ન થઇ વરુણ સૌમિત્રના લેખનના વખાણ કરી રહ્યો હતો એનો ભૂમિને હજી વિશ્વાસ જ નહોતો થઇ રહ્યો, એ હજીપણ બૂક તરફ એકીટસે જોઈ રહી હતી.

‘નોવેલ પણ સારી છે અને એને લખનારા મિસ્ટર સૌમિત્ર પંડ્યા પણ એટલાજ મસ્ત માણસ છે. હું લાસ્ટ મન્થ જ એમને બોમ્બેમાં આ બૂક લોન્ચ વખતે મળ્યો હતો અને અમે ખૂબ બધી વાતો કરી હતી.’ વરુણે ભૂમિ સામે જોઇને કીધું. ભૂમિના ગાલ પર ભીનાભીના ચુંબનો કરતાં વરુણે હજી પોતાના હાથની પકડ ઢીલી નહોતી કરી.

‘શું? તું સૌમ... આ રાઈટરને રૂબરૂ મળ્યો છે?’ ભૂમિને લાગ્યું ક્યાંક એનું હ્રદય બેસી ન જાય.

કદાચ સૌમિત્ર વરુણને ઓળખી ગયો હશે તો? અને એણે વરુણને જાણે અજાણે પોતાના સંબંધ વિષે કોઈ હિન્ટ આપી દીધી હશે તો? ભૂમિનું મન હવે આવા સવાલોથી ઘેરાવા લાગ્યું.

‘યસ આઈ હેવ મેટ હિમ એન્ડ ડોન્ટ વરી તું પણ એને મળી શકીશ, આવતા મહીને અહીં જ આપણી રીક્રીએશન ક્લબમાં મેં એમને બૂક રીડીંગ માટે ઇન્વાઇટ કર્યા છે એન્ડ હી હેઝ એક્સેપ્ટેડ માય ઇન્વીટેશન. બસ તું એ પહેલાં આ નોવેલ વાંચી લે, એટલે તારે પણ મારી જેમ એમને ક્વેશ્ચન્સ કરવા હોય તો તું રેડી રહે.’ ભૂમિનો ગાલ ખેંચતા વરુણ બોલ્યો.

સૌમિત્ર આવતે મહીને જમશેદપુર આવવાનો છે અને એપણ વરુણના બોલાવવાથી એ સાંભળીને ભૂમિને લાગ્યું કે તે કદાચ આ આઘાત જીરવી નહીં શકે. ખુદના હ્રદયના ધબકારા ભૂમિ ખુદ સાંભળી રહી હતી. એનું ગળું સુકાઈ ગયું હતું અને એના હાથપગ ઢીલા થઇ ગયા હતા.

એક તરફ વરુણ ભૂમિ પર પ્રેમ વરસાવી રહ્યો હતો તો બીજી તરફ ભૂમિ ના મનમાં એક જ સવાલ હતો કે તે આટલા વર્ષે સૌમિત્રનો સામનો કેવી રીતે કરી શકશે?

***

પ્રકરણ ૩૨

‘આમ અચાનક તારે રાજકોટનો પ્લાન નહોતો બનાવવો જોઈતો હતો.’ સૌમિત્ર રાજકોટ જતી એક પ્રાઈવેટ લક્ઝરી બસમાં પોતાની બાજુની જ સીટમાં બેસેલી ધરાને કહી રહ્યો હતો.

‘કેમ? તારે કોની રજા લેવાની જરૂર છે?’ ધરાએ બસની બારીની બહાર જોતાં જોતાં જવાબ આપ્યો.

‘રજા તો કોઈનીય નથી લેવાની પણ મમ્મી સામે શું બહાનું બનાવું એ નક્કી કરવાનું ભારે પડી ગયું. હું મમ્મી સામે ક્યારેય ખોટું નથી બોલ્યો.’ સૌમિત્રએ પોતાની મજબુરી જણાવી.

‘એમાં મમ્મી સામે ખોટ્ટું બોલવાની શું જરૂર? કહી દેવાનું કે બે દિવસ રાજકોટ ફ્રેન્ડને મળવા જાઉં છું.’ ધરાએ સૌમિત્ર સામે બે સેકન્ડ્સ જોયું અને ફરીથી બારીની બહાર જોવા લાગી.

‘આટલો મોટો થયો પણ અત્યારસુધી હું એકવાર પણ રાજકોટ ગયો નથી. અરે, અમારું કોઈ સગું પણ ત્યાં નથી રહેતું, અને મમ્મીને મારા બધા જ ફ્રેન્ડ્સની ખબર છે.’ સૌમિત્ર બોલ્યો.

‘તો પછી તેં મમ્મીને શું કીધું કે તને આવવા દીધો?’ ધરાને હવે સૌમિત્રની વાતમાં રસ જાગ્યો એટલે એ સૌમિત્ર તરફ ફરીને બેઠી.

‘પછી કશું જ ન સુજતા મેં...મેં એમ કીધું કે ત્યાં બૂક રીડીંગનો પ્રોગ્રામ નક્કી થાય એમ છે એટલે હું પાર્ટીને મળવા જાઉં છું.’ સૌમિત્ર ધરા સામે જોઇને બોલ્યો.

‘વાહ! આ સરસ બહાનું શોધ્યું હોં? ગણીને હજી મુંબઈમાં બે જ બૂક રીડીંગ થયા છે અને નેક્સ્ટ બૂક રીડીંગ આવતે મહીને જમશેદપુરમાં થવાનું છે, પણ ભાઈસાહેબ નવરી બજાર હોવા છતાં પોતાની મેળે બૂક રીડીન્ગ્સ ગોઠવવા માંડ્યા.’ ધરા હવે સૌમિત્રની મશ્કરી કરી રહી હતી.

‘તો બીજું તો શું કહું યાર? અને બાય ધ વે વ્હોટ ડુ યુ મીન બાય નવરી બજાર?’ સૌમિત્રના ભવાં તણાયા.

‘એમ જ કે ધરાના પબ્લીશ થયા બાદ તે બીજી નોવેલ લખવાની હજી શરુ નથી કરી અને ફક્ત બૂક રીડીન્ગ્સ કર્યા છે એ પણ બે જ એટલે આખો દિવસ ઘરમાં નવરો બેઠો રહે છે એટલે અમારી રાજકોટની ભાષામાં નવરી બજાર કહેવાય.’ ધરાએ હસતાંહસતાં સૌમિત્ર સામે આંખ મારી.

‘બીજી નોવેલનો પ્લોટ તૈયાર કરું છું મેડમ. તમારે વાંચવો હોય તો બ્લ્યુ પ્રિન્ટ મારી બેગમાં જ છે. કદાચ રાજકોટમાં કોઈ આઈડિયા આવી જાય તો નોંધી લેવા કામમાં આવે એટલે નોટબુક ભેગી જ રાખી છે. આખો દિવસ આ પ્લોટ વિષે જ વિચારતો હોઉં છું. સમજ્યા?’ આટલું કહીને સૌમિત્રએ ધરાનો કાન પકડ્યો.

‘આઉચ..ધીરે યાર.’ ધરા પોતાનો કાન છોડાવતા બોલી.

‘અચ્છા, ચલ એટલું તો કે’ કે આમ અચાનક તારા ફેમીલીને મેળવવાનો પ્લાન કેમ બનાવ્યો? ક્યાંક મમ્મી-પપ્પાને મારી સાથે મેળવીને એમને ઈમ્પ્રેસ કરીને આપણા લગ્નની વાત તો નથી કરવાની ને?’ સૌમિત્ર હસી રહ્યો હતો.

‘લગ્નની વાત તો જમશેદપુર બૂક રીડીંગ પછી જ. બસ મને ત્રણ-ચાર દિવસની રજા જોઈતી હતી. છેલ્લા દોઢ વર્ષથી મેં એક પણ રજા નહોતી લીધી એટલે મૂડ ચેન્જ કરવો હતો, પ્લસ મમ્મી ડેડીની ખૂબ યાદ આવતી હતી આ બધામાં બે દિવસ તારા જેવા મસ્ત મિત્રનો સાથ મળે તો મજા આવી જાય ને?’ ધરાએ સૌમિત્રનો હાથ પકડી લીધો.

‘પણ હું તારા ઘરમાં કેવી રીતે?’ સૌમિત્રએ પ્રશ્ન કર્યો.

‘વિચારતો પણ નહીં. તું મારા ઘરમાં નહીં પણ હોટલમાં રહીશ. ઢેબર રોડ પર એક હોટલમાં તારું બુકિંગ કરાવી લીધું છે. તું બે દિવસ ત્યાં જ રોકાઈશ. હું તને ત્યાંથી જ મારે ઘેર લઇ જઈશ અને બાકીના સમયમાં રાજકોટ દેખાડીશ.’ ધરાએ સૌમિત્રના સવાલનો જવાબ આપ્યો.

‘વાહ! દોસ્ત હો તો ઐસી. આવવા-જવાનો ખર્ચો, રહેવાની તેમજ ખાવાપીવાની વ્યવસ્થા!! મારે માટે તો પેઈડ વેકેશન થઇ ગયું.’ સૌમિત્ર ધરા સામે જોઇને હસ્યો.

‘મેં ખાલી બુકિંગ જ કરાવ્યું છે મિસ્ટર, ચેક આઉટ કરતી વખતે તારે જ પેમેન્ટ કરવાનું છે.’ ધરાએ સૌમિત્રના હાથ પર ચીટીયો ભર્યો.

***

‘વરુણ પટેલ, જે જમશેદપુરની સ્ટીલ ફેક્ટરીમાં ખુબ મોટા હોદ્દા પર છે એટલે એ ભૂમિનો જ પતિ હોવો જોઈએ, આટલું સમજી ન શકે એવો બુદ્ધુ તો સૌમિત્ર ક્યારેય ન હતો. તો શું એણે જાણીજોઈને વરુણ સાથે સારી સારી વાતો કરી હશે જેથી વરુણ તેનાથી ઈમ્પ્રેસ થઈને એનું બૂક રીડીંગ જમશેદપુરમાં ગોઠવી આપે? એટલે સૌમિત્ર મને ફરીથી મળવા માંગતો હશે? જો એવું હશે તો ક્યાંક એ વરુણની સામે મને તકલીફ પડે એવું તો કશું નહીં બોલે ને? મુંબઈમાં તો એ કશું બોલ્યો નહીં જ હોય નહીં તો વરુણ શનિ-રવિ આટલો બધો રોમેન્ટિક ન થયો હોત. તો શું સૌમિત્ર જમશેદપુરના ફંકશનમાં આવીને કોઈ ભવાડો કરવા માંગે છે અને એ પણ સો-બસો લોકો સામે? શું એણે લગ્ન નહીં કરી લીધા હોય? નહીં જ કર્યા હોય, જો કર્યા હોત તો એ પણ મારાથી દૂર રહેવા માટે વરુણની ઓફરને સ્વીકારત નહીં. એટલે એનો મતલબ એ જ છે કે એણે લગ્ન નથી કર્યા અને હવે મને હેરાન કરવા માંગે છે. પણ એ આવો તો ન હતો, કોઈનું ખરાબ ઇચ્છવું, કે કોઈનું ખરાબ કરવું એ એના સ્વભાવમાં જ ન હતું. હા, કદાચ મેં એનું ઈન્સલ્ટ કર્યું એનો એક વખત પૂરેપૂરો બદલો લઇ લેવા માંગતો હોય તો એ જરૂર બધા સામે મારા અને એના સંબંધ વિષે બોલશે.’

જમશેદપુરથી કોલકાતા આવી ગયા બાદ ભૂમિ સતત સૌમિત્ર વિષે વિચારી રહી હતી. ભૂમિને ચિંતા એ હતી કે આવતે મહીને જ્યારે સૌમિત્રનો સામનો થશે ત્યારે તે એની સામે કેવી રીતે વર્તન કરશે. શું સૌમિત્રનો ઈરાદો તેના અને વરુણના જીવનમાં આગ ચાંપવાનો હશે? ભૂમિને વરુણે ફોર્સ કરીને સૌમિત્રની નવલકથા ધરા વાંચવા આપી હતી પરંતુ ટ્રેનમાં, આખો દિવસ એમનેમ વીતી જવા છતાં કે પછી અત્યારે બેડરૂમમાં સુવાનો સમય થયો હોવા છતાં ભૂમિએ એ નવલકથા સામે જોયું સુદ્ધાં ન હતું. એ સતત સૌમિત્ર અને એ જ્યારે આમનેસામને થશે ત્યારે શું થઇ શકે છે એ જ વિચારી રહી હતી.

‘ત્રીજીએ અમસ્તોય શનિવાર છે એટલે હું કોઈ બહાનું શોધીને જમશેદપુર નહીં જાઉં અને અહીંયા જ રહી જઈશ. મને ત્યાં નહીં જુવે તો સૌમિત્ર શું કરી લેવાનો? પણ...ના...મારી ગેરહાજરીને કારણે જો એ ફ્રસ્ટ્રેશનમાં આવી જઈને વરુણ સામે એલફેલ બોલી નાખશે તો? હું જો ત્યાં હાજર હોઉં અને જો સિચ્યુએશન આઉટ ઓફ કન્ટ્રોલ જાય તો એટલીસ્ટ મારી પાસે એને સાંભળી લેવાનો એક મોકો તો હાથમાં રહે? પણ, મારી આ મજબૂરીનો લાભ લઈને સૌમિત્ર મને ફ્યુચરમાં બ્લેકમેઈલ કરે તો? કાંઈજ ખબર નથી પડતી. શું કરું? નિશા ને પૂછું? હમણાંજ રૂમમાં ગઈ છે, એની આંખ મળી ગઈ હશેતો? કાચી ઊંઘમાંથી ઉઠાડું?હા, એમ જ કરું, એ ખુબ મેચ્યોર છોકરી છે. આટલી નાની ઉંમરમાં એણે કેટલું બધું જોઈ લીધું છે. એમ જ કરું, એ જ મને સાચો રસ્તો દેખાડશે. ના, ના આજે નહીં કાલે સવારે, ડીપાર્ટમેન્ટમાં જતા પહેલાં નાસ્તો કરતાં કરતાં એને પૂછીશ.’

આમ ભૂમિએ પોતાની સમસ્યાના સમાધાન માટે નિશા નું શરણું લેવાનું નક્કી કર્યું. જ્યારે કોઈ સમસ્યાનું સમાધાન ન મળતું હોય અને અચાનક જ કોઈ એક આશાનું કિરણ દેખાઈ જાય તો જાણેકે હ્રદય પરથી મોટો બોજ અચાનક જ હટી ગયો હોય એવું લાગવા માંડે છે. ભૂમિ અત્યારે એકદમ એવું જ ફિલ કરવા લાગી અને તેની આંખ ક્યારે મળી ગઈ એની એનેય ખબર ન પડી.

***

‘બે યાર સવારના છ વાગ્યામાં તું ક્યાં ટપકી પડી? હજી રાત્રે સાડાબારે તો આપણે રાજકોટ પહોંચ્યા અને હું માંડ માંડ એક-સવા વાગે સુતો.’ સવારના છ વાગ્યે ધરાએ સૌમિત્રની હોટલના રૂમમાં પ્રવેશ કર્યો અને સૌમિત્રએ ઊંઘરેટી આંખો, ઊંઘરેટા અવાજ અને થોડાક ગુસ્સા સાથે તેનું સ્વાગત કર્યું.

‘જો સૌમિત્ર, રાજકોટમાં આવીયે એટલે અહીંયાના ગરમાગરમ ગાંઠિયા તો ખાવા જ પડે અને એ પણ વહેલી સવારમાં, તોજ મજા આવે. પપ્પા નવ વાગ્યે ફેક્ટરી જવા નીકળી જાય છે એટલે સાડાસાત આઠ વાગ્યે બ્રેકફાસ્ટ લેવા ડાઈનીંગ ટેબલ પર બેસી જાય. મારે એમને અને તને મારી ફેવરીટ જગ્યાના ગાંઠીયા ખવડાવવા છે એટલે તને વહેલો ઉઠાડી, તૈયાર કરીને પછી આપણે ગાંઠીયા લઈને ઘરે બરોબર સાડાસાત વાગ્યે ઘરે પહોંચી જવાનું છે.’ ધરા અત્યંત ઉત્સાહમાં આવીને ફટાફટ બોલી ગઈ.

‘તું શું બોલે છે એની મને કશીજ ખબર નથી પડતી. તું એક કામ કર, રિસેપ્શનમાં વાત કરીને છાપા-બાપા મંગાવ ત્યાંસુધી હું એક કલાકની મસ્ત ઊંઘ ખેચી કાઢું.’ સૌમિત્રએ સીધું જ બેડમાં ઝંપલાવ્યું.

‘અરે ઓય! છાપા-બાપાની સગલી, મારે અહીંયા મારા બાપા સાથે તને મેળવવો છે અને તારે ઊંઘ ખેચવી છે? નો વેઝ, ચલ બ્રશ કર અને પછી નહાવા જા. અડધો કલાક આપું છું તને. સાડા છને પાંચે તું મને રૂમની બહાર જોઈએ અને એ પણ એકદમ હેન્ડસમ બનીને સમજ્યો?’ આટલું બોલીને ધરા રૂમના બારણા તરફ ચાલવા લાગી.

ધરાને રૂમની બહાર જતાં જોઇને સૌમિત્રએ બેડ પરથી રીતસર કુદકો માર્યો અને એનો હાથ પકડ્યો.

‘આમ મને એકલો અટૂલો, અજાણ્યા શહેરની અજાણી હોટેલના અજાણ્યા રૂમમાં મુકીને ક્યાં ચાલ્યા રાજકોટના રાણી? જરાક મને નહાવામાં મદદ તો કરો.’ સૌમિત્રની ઊંઘ અચાનક જ જાણેકે ગાયબ થઇ ગઈ હતી અને તેના ચહેરા પર તોફાન રમી રહ્યું હતું.

‘જસ્ટ શટ અપ એન્ડ ગો ટુ ધ બાથરૂમ. હું રિસેપ્શન પર તારી રાહ જોવું છું. સાડાછ સુધી જો તું નીચે ન આવ્યો તો હું ઘેરે જતી રહીશ, પછી રહેજે આખો દિવસ એકલો અટૂલો, અજાણ્યા શહેરની આ અજાણી હોટલના એક અજાણ્યા રૂમમાં. જો આજે તું સાડા છએ નીચે ન આવ્યો તો પછી સીધા કાલે સાંજે લીમડા ચોક બસ સ્ટેન્ડે જ મળશું, અમદાવાદ જવા માટે.’ સૌમિત્રનો હાથ છોડાવી ને ધરા ફટાફટ રૂમની બહાર નીકળી ગઈ.

‘અરે, વાત તો સાડાછ ને પાંચની થઇ હતી, આમ પાંચ મિનીટ ઓછી કેમ કરી દીધી? આ તો ચીટીંગ કહેવાય, ધરા? સાંભળે છે?’

સૌમિત્ર હસતાંહસતાં બોલી રહ્યો હતો પણ હોટલના દાદરા ઉતરી રહેલી ધરા પર તેની કોઈજ અસર ન પડી, હા એ સ્મિત જરૂર રેલાવી રહી હતી.

***

‘તને ખરેખર એવું લાગે છે ભૂમિ કે સૌમિત્રભાઈ આવું કરી શકે?’ ભૂમિ સાથે ચ્હા પીતાંપીતા નિશાએ સવાલ કર્યો.

‘ખબર નહીં યાર પણ મેં જે રીતે છેલ્લે એની સાથે વર્તન કર્યું હતું એનો ગુસ્સો એને હજીપણ હશે તો એ ગમે તે કરી શકે છે.’ ભૂમિ એ બિસ્કીટ ખાતાખાતા કીધું.

‘મતલબ કે આખરે તું સ્વીકારે છે કે તારી પણ ભૂલ હતી.’ નિશાના ચહેરા પર સ્મિત હતું.

‘ના ભૂલ તો એની જ હતી મારી લાગણીઓને હર્ટ કરી હતી એણે. હી ડિઝર્વ્ડ વ્હોટ હી ગોટ!’ ભૂમિ હજીપણ પોતાની એ દિવસની વર્તણુક પર કાયમ હતી.

‘તો પછી બીક શેની?’ નિશા બોલી.

‘એટલે?’ ભૂમિ સમજી શકી નહીં કે નિશા શું કહેવા માંગે છે.

‘એટલે એમ જ કે તને તારું સ્ટેન્ડ બરોબર લાગે છે, પણ તું એ સ્વીકારે છે કે તે સૌમિત્રભાઈનું છુટા પડતા પહેલા ઈન્સલ્ટ કર્યું હતું. તો પછી ફેઈસ ઈટ ના? હવે સૌમિત્રભાઈને તારું અપમાન કરવા દે? દુનિયા આપણી મરજી થી જ ચાલે એવું જરૂરી છે? એમને પણ એમનું આ બે-અઢી વર્ષથી સંભાળી રાખેલું ફસ્ટ્રેશન દૂર કરી દેવા દે ને?’ નિશા એ પણ ચ્હાની ચુસ્કી લેતાં કહ્યું.

‘એ મને એકાંતમાં કશું કહેશે તો મને કોઈજ વાંધો નથી, પણ બધાંની સામે...અને બદલો લેવા એ જો અમારો પાસ્ટ બધા સામે ખાસ તો વરુણની હાજરીમાં બહાર લાવશે તો? મને ખરેખર તો એની જ બીક છે. એક વખત તો મેં એમ પણ વિચારી લીધું હતું કે હું કોલકાતા જ રહું અને એના બૂક રીડીંગના દિવસે જમશેદપુર ન જાઉં. પણ પછી મારો દિવસ અહિયાં કેવી રીતે જાય જ્યાં સુધી હું એ દિવસે વરુણ સાથે વાત કરીને કન્ફર્મ ન કરું કે સૌમિત્રએ એને કશું જ નથી કીધું? એટલે મારે જવું તો છે જ, પણ પેલી બીક મારો પીછો નથી છોડતી નિશા.’ ભૂમિએ પોતાની મજબૂરી નિશા સામે ખુલ્લી કરી દીધી.

‘મને એમ કે’ ભૂમિ, છુટા પડ્યા પહેલાંની ઘડી સુધી તું સૌમિત્રભાઈને અને સૌમિત્રભાઈ તને કેટલો પ્રેમ કરતાં હતા? એકદમ સાચું અને દિલ પર હાથ મૂકીને કે’જે.’ નિશાએ સવાલ કર્યો.

‘ખૂબ, ભરપૂર, અખૂટ...’ ભૂમિના ચહેરા પર અચાનક લાલાશ આવી ગઈ, એ બારીની બહાર જોઇને આછું સ્મિત આપી રહી હતી.

‘હમમ... એટલે એનો મતલબ એમ જ થાય કે તમારા બંનેનો એકબીજા પર એ ઘડી સુધી વિશ્વાસ પણ ખૂબ જ હશેને?’ નિશાએ ભૂમિને બીજો સવાલ કર્યો.

‘ઓફકોર્સ, ખુદથી પણ વધારે.’ ભૂમિના અવાજમાં હવે વધારે સ્પષ્ટતા હતી.

‘એટલે ફક્ત જ્યારે સૌમિત્રભાઈએ તારી ઈચ્છા પૂરી ન કરી અને તને એને લીધે જે ગુસ્સો આવી ગયો ત્યાંસુધી તમારો પ્રેમ અતૂટ હતો ભૂમિ.’ નિશા ભૂમિની બાજુમાં આવીને બેઠી.

‘તું એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે નિશા?’ ભૂમિના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

‘હું એક્ઝેક્ટલી એમ કહેવા માંગું છું ગાંડી, કે સાચો પ્રેમ એટલો મજબૂર ક્યારેય ન હોઈ શકે કે કોઈ એક પાત્રની એક મિનીટની હતાશા કે ગુસ્સાને લીધે આમ ત્રણસો સાઈઠ ડિગ્રીએ ફરીને એને જ નફરત કરવા લાગે અને જો એમ થાય તો એ સાચો પ્રેમ નથી જ.’ નિશાએ ભૂમિનો હાથ પકડી લીધો.

‘હમમ...’ ભૂમિ નિશા શું કહેવા માંગે છે એ સમજવાની કોશિશ કરી રહી હતી.

‘જ્યાંસુધી વ્રજેશે મને સૌમિત્રભાઈ વિષે કહ્યું હતું, એ ખુબ ઈમોશનલ છે. એટલે મારા હિસાબે એ એવું જરાય નહીં કરે જેનાથી એમના ફર્સ્ટ લવને એટલે કે તને એમના કારણે કોઈપણ જાતની માનસિક કે શારીરિક તકલીફ પડે. બીજું, એ હવે એક મોટા લેખક બનવા જઈ રહ્યા છે એટલે એમને એમની ઈમેજની પણ પડી હોય. અને એમને એક સફળ લેખક તરીકે જોવાની તારી ઈચ્છા છે એ પણ તેં જ કહ્યું હતું ને જ્યારે તમે લોકો છુટા પડવાના હતા? તો તારા પ્રેમના પ્રસાદનો એ દુરુપયોગ કેમ કરે ભૂમિ? એમનું તારા બદલામાં ભાગ ન લેવો એ જ એમના પ્રેમનો સૌથી મોટો સાક્ષી છે. તું હજીપણ એમની એ વખતની ના ને પકડીને બેસી રહી છે પણ અત્યારે જ્યારે તું સૌમિત્રભાઈના પ્રેમને યાદ કરી રહી હતી ત્યારે તારા ચહેરા પરની લાલાશ એમના પ્રત્યે તારી લાગણી હજીપણ કેટલી અકબંધ છે એ સાબિત કરે છે. મને ખબર છે ભૂમિ કે તું એ નહીં જ સ્વીકારે, પણ એ સમજવા માટે તારે નિશા અને મારે ભૂમિ બનવું પડે. એટલે ડોન્ટ વરી. એવું કશું જ નહીં થાય જેવું તું અત્યારે વિચારી રહી છે. હેવ ફેઈથ ઇન સૌમિત્રભાઈ, હેવ ફેઈથ ઇન હીઝ લવ.’ નિશાએ ભૂમિના ગાલ પર પોતાની હથેળી મૂકીને એને બે વખત ટપારી.

‘હમમ.. થેન્ક્સ નિશા, તે મારું મોટું ટેન્શન દૂર કરી દીધું.’ આટલું કહીને ભૂમિ નિશાને વળગી પડી.

‘એમાં થેન્ક્સ શેના ભૂમિ. હવે આપણે ફ્રેન્ડ્સ છીએ અને તેં મારા માટે જેટલું કર્યું છે... એનીવેઝ. જો હજીપણ તને સૌમિત્રભાઈ પ્રત્યે જરાક પણ ડાઉટ હોય તો એમની નોવેલ એક વખત વાંચી જા, આઈ એમ શ્યોર એમાંથી તને એમના અત્યારના સ્વભાવ અંગે અને એ તારા વિષે શું વિચારે છે એના વિષે જરૂરથી કોઈ ક્લુ મળશે.’ આટલું કહીને નિશા સોફા પરથી ઉભી થઇ અને ટેબલ પડેલા કપ-રકાબી અને નાસ્તાની ડીશો લઈને રસોડા તરફ વળી.

ભૂમિ પણ પોતાના રૂમમાં ગઈ અને એની હેન્ડીમાંથી એણે સૌમિત્રની નોવેલ બહાર કાઢી અને સતત એની સામે જોવા લાગી. બાદમાં નોવેલ ઉંધી ફેરવીને એનાં બેક કવર પર રહેલા સૌમિત્રના ફોટા સામે ભૂમિએ જોયું અને સ્વગત બોલી પડી...

‘આજે હું ડીપાર્ટમેન્ટ નહીં જાઉં પણ આટલા બધા વર્ષો પછી તને ફરીથી વાંચીશ, તને બીજી વખત સમજવાની કોશિશ કરીશ...તું આવને જમશેદપુર, આવતા મહીને? જોઉં છું તું કેટલો બદલાઈ ગયો છે.’

***

પ્રકરણ ૩૩

ધરાએ આપેલી ચીમકીની સૌમિત્ર પર બરોબર અસર થઇ અને વીસ થી પચીસ મિનીટમાં સૌમિત્ર તૈયાર થઈને હોટલના રિસેપ્શન પર આવી ગયો. ધરાએ તેના જમણા હાથની પહેલી બે આંગળી અને અંગુઠો ભેગા કરીને સૌમિત્ર ખૂબ સરસ દેખાય છે એવો ઈશારો કર્યો. સૌમિત્રએ કાયમની જેમ ધરાના માથા પર એક હળવી ટપલી મારી એટલે ધરાએ ખોટો ગુસ્સો કર્યો અને પછી બંને હસતાંહસતાં હોટલની બહાર આવી ગયા.

હોટલની બહારથી જ ધરા અને સૌમિત્ર રીક્ષામાં બેઠા અને ધરાના ઘર તરફ રવાના થયા. રસ્તામાં ધરાએ તેની ફેવરીટ દુકાનેથી વણેલા અને ફાફડા ગાંઠીયા લીધા. લગભગ પંદરેક મિનીટ બાદ રીક્ષા ધરાના ઘર પાસે આવીને ઉભી રહી. ધરા જ્યારે રીક્ષાવાળાને પૈસા આપી રહી હતી ત્યારે સૌમિત્રએ બહારથી જ અત્યંત વિશાળ દેખાઈ રહેલા તેના ઘર પર નજર માંડી. ઘરની સૌથી ઉંચી ટોચ પર મોટા અક્ષરે ‘ધરા’ લખેલું જોઇને સૌમિત્રના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘મારી નોવેલનું નામ પણ ધરા, મને આગળ આવવામાં મદદ કરનાર પણ ધરા, મારા દિલમાં પણ ધરા,અહીં પણ ધરા, ત્યાં પણ ધરા, બસ જ્યાં જુઓ ત્યાં ધરા, ધરા ધરા...’ પૈસા ચૂકવીને ધરાને પોતાની તરફ આવતી જોતાં જ સૌમિત્ર એની સામે આંખ મારતા બોલ્યો.

‘પપ્પા સામે આમ બહુ ગાંડાવેડા ન કરતો. હમણાં આ સબ્જેક્ટ પર કાંઇજ નહીં મતલબ કાંઈજ નહીં, સમજ્યો?’ સૌમિત્રને કોણી મારીને ઘરના દરવાજા તરફ આગળ વધતા ધરા બોલી.

‘અરે, પણ માણસ વખાણ પણ ના કરે? જબરી હિટલરશાહી છે હો તારી.’ સૌમિત્ર હસતોહસતો ધરા પાછળ દોરવાયો.

‘બસ હવે ચૂપ થઇ જા.’ પોતાની આંખો મોટી કરીને ધરા વઢતી હોય એમ સૌમિત્રને બોલી.

ધરાની પાછળ પાછળ સૌમિત્ર એના ઘરમાં પ્રવેશ્યો. પ્રવેશદ્વાર પાસે જ બૂટ-ચંપલ મૂકવાનો ઘોડો હતો એ જગ્યા પાસે ધરાએ એક હાથે ગાંઠિયાવાળી પ્લાસ્ટિકની થેલી અને બીજે હાથે ભીંતને પકડીને બેલેન્સ જાળવ્યું અને પોતાના સેન્ડલ ઉતાર્યા. ધરાને જોઇને સૌમિત્રએ પણ પોતાના પાર્ટી શૂઝ ઉતાર્યા. પ્રવેશદ્વાર પછી તરતજ એક ખૂબ મોટો હોલ હતો અને એની બરોબર મધ્યમાં સંખેડાના હીંચકા પર ધરાના પિતા પરસોતમદાસ સોની ઝૂલી રહ્યા હતા. આમતો આ બેઠકખંડ આખાનું ફર્નીચર સંખેડા સ્ટાઈલનું જ હતું અને અત્યંત ભવ્ય લાગી રહ્યું હતું.

રૂમમાં પ્રવેશવાની બીજી જ સેકન્ડે સૌમિત્રની નજર સામેથી એ જ્યારે પ્રભુદાસ અમીનને મળવા આવા જ એક ભવ્ય મહેલ સમાન ઘરમાં પ્રવેશ્યો હતો એ દ્રશ્ય પસાર થઇ ગયું. જો કે એ વખતે સૌમિત્ર અત્યંત ટેન્સ હતો જ્યારે અત્યારે એ સાવ હળવોફૂલ હતો કારણકે એ ધરાના ખાસ મિત્ર તરીકે જ તેના ઘરમાં આવ્યો હતો અને થોડીવારમાં ધરા સાથેજ રાજકોટ જોવા માટે નીકળી જવાનો હતો.

‘આવો આવો સોમિતર ભાય...’ પરસોતમદાસ જાતેજ હીંચકા પરથી ઉભા થયા અને સૌમિત્ર એમને પગે લાગવા નીચો વળે એ પહેલાં જ એને વળગી પડ્યા.

સૌમિત્રને પરસોતમદાસના પોતાને ‘સોમિતર’ તરીકે બોલવતાં જ હિતુદાનની યાદ આવી ગઈ. સૌમિત્રને એમણે જે લાગણી વરસાવી તેની જરૂર નવાઈ લાગી, કારણકે પ્રભુદાસ અમીનને મળ્યા બાદ એને એક છાપ પડી ગઈ હતી કે પૈસાદાર બાપની પરણવા લાયક છોકરીનો બાપ પ્રભુદાસ અમીન જેવો જ રુક્ષ હોતો હશે. બે મિનીટ પછી ધરા એના મમ્મી ઉમાબેનને લઈને આવી. સૌમિત્ર એમને પણ પગે લાગ્યો. ધરાએ સૌમિત્ર અને પરસોતમભાઈને ડાઈનીંગ ટેબલે આવવાનું કહ્યું. ટેબલની આસપાસ મૂકેલી ખુરશીઓ પર બેસવાની સાથેજ એક સાથે બે-બે નોકરો પરસોતમદાસ અને સૌમિત્રની સેવામાં લાગી ગયા. એક નોકરે ગાંઠીયા અને સંભારો ભરેલી બે ડીશો મૂકી તો બીજો નોકર ગરમાગરમ ચ્હા લાવ્યો. સૌમિત્ર પોતાની થઇ રહેલી સરભરાથી ઈમ્પ્રેસ થઇ ગયો.

‘મને ગુડીએ તમારા વિસે વાય્ત કઈરી. મને બોવ આનંદ થ્યો હોં કે તમે હો એ હો ટકા લેખક બનવાનું જ નક્કી કરી લીધું હું? આ ઝમાનામાં આવો મોટો નિર્ણય કો’ક જ લય હકે હું?’ પરસોતમદાસે ગાંઠીયા ખાવાની શરૂઆત કરતાં જ એમની અને સૌમિત્ર વચ્ચેનું મૌન તોડ્યું.

સૌમિત્રને પરસોતમદાસે એના વખાણ કર્યા એ ગમ્યું પણ બે સેકન્ડ એને એ સમજતાં વાર જરૂર લાગી કે ધરાને એના માતા-પિતા લાડમાં કદાચ ગુડ્ડી કહેતા હશે.

‘જી, હું તો અકસ્માતે જ આવો નિર્ણય લેવા માટે મજબૂર થયો છું, બાકી જો ધરા ન હોત તો હું અત્યારે તમારી સામે હાજર ન હોત અને અમદાવાદમાં જ નોકરીએ જવાની તૈયારી કરી રહ્યો હોત.’ સૌમિત્રએ પણ ગાંઠીયા ખાવાની શરૂઆત કરી.

‘ઈ તો ધાર્યું ધણીનું થાય હું? મેં ને ગુડીની મમીએ ઈને પે’લેથીન જ એવા સંસ્કાર આયપા સે કે બધાનું હારું કરીને પોતાનું હારું કરવું હું? ઇને તમને મદદ ભલે કયરી હઈસે પણ હામે એને તમારા જેવો હારો દોસ્દાર પણ મયળો ને? હું કિયો સો?’ આટલું કહીને પરસોતમદાસે સ્મિત કર્યું.

‘પણ ધરા જેવી મિત્ર નસીબદારને જ મળે.’ સૌમિત્ર રસોડાના દરવાજે ઉભેલી ધરા સામે જોઇને બોલ્યો. ધરાએ જવાબમાં એની સામે જીભ કાઢી.

‘મનેય વાંસવાનો બવ સોખ હું? પણ ગુજરાતીમાં હોં? અંગરેજીમાં આપણને ટપો ઓસો પડે.આપણા ઘર્યના ઉપરના મારે મોટી લાયબ્રેરી સે, ઇમાં ઝેટલી બુકું સે ઈ બધીય બુકું મેં વાંસી લીધી સે હું? મેઘાણી થી લયને પેટલીકર, કાલેલકર, બક્સી, હરકિસન મે’તા, તમારા ઓલ્યા અસ્વીની ભટ. ગાંધીજી હોતેન ને નથ્ય સોયડા હું? મારી ઓફીસની સેમ્બરમાં મારા ટેબલ પાહેય બે-ત્રણ બુકું કાયમ પયડી જ હોય હું? નવરો પયડો નથ્ય કે હેયને વાંસવાનું સરુ કયરું નથ્ય. લોકો માવા-દારૂના વ્યસનું કરે, મને સોપડીનું વ્યસન.’ પરસોતમદાસ આમતો હસી રહ્યા હતા પણ એમના એકેએક શબ્દમાં એમના વાંચનની રેન્જ પર એમને જે ગર્વ થઇ રહ્યો હતો એ ટપકી રહ્યો હતો.

સૌમિત્રની ધારણાની સાવ વિરુદ્ધ પરસોતમદાસ કરોડપતિ હોવા છતાં જમીન સાથે જોડાયેલા અને એના જેવા જ ઇન્સાન નીકળ્યા. હવે એને ખ્યાલ આવ્યો કે ધરાને પણ પૈસાનું જરાય અભિમાન કેમ નથી અને તે કેમ નોકરી કરે છે. નાસ્તો પતાવીને પણ એ બંનેએ ખૂબ વાતો કરી. એક તરફ પરસોતમદાસની લાગણી અને બીજી તરફ ધરાના માતા ઉમાબેન જે રીતે સતત સૌમિત્ર સામે લાગણીભરી નજરે જોઈ રહ્યા હતા એ જોઇને સૌમિત્રને બે ઘડી લાગ્યું કે ધરાએ ભલે એના માતા-પિતાને હજીસુધી સૌમિત્ર પ્રત્યેની પોતાની લાગણી જણાવી ન હોય પણ આ બંનેની અનુભવી નજરોએ સૌમિત્રને ઓલરેડી પોતાના કુટુંબના થનારા સભ્ય તરીકે જરૂરથી પારખી લીધો છે.

***

‘હેવ યુ ગોન મેડ? મિસ્ટર પંડ્યાને કેટલું ખરાબ લાગશે?’ વરુણે લગભગ બૂમ પાડી.

‘પણ મને અહિયાં બે સેકન્ડ પણ બેસી નથી શકાતું. તું કેમ સમજતો નથી? અને મેં બૂક રીડીંગમાં આવવાની ક્યાં ના પાડી છે?’ ભૂમિએ પણ લગભગ વરુણના સૂરમાં જ સૂર મેળવીને જવાબ આપ્યો.

‘પણ પ્રોગ્રામ આખો એમને સ્ટેશને રીસીવ કરવા થી શરુ કરીને બૂક રીડીંગ પછી ક્વેશ્ચન એન્સર અને છેલ્લે ડીનર સુધીનો ડીસાઈડ કરેલો છે. વી આર ધ હોસ્ટ ડેમ ઈટ! જરા આટલી અક્કલ તો વાપર?’ વરુણ હવે ગુસ્સામાં હતો.

‘તું મારી હાલત તો સમજ? પેટમાં ખૂબ દુઃખે છે અને મારાથી બેસી શકાય એમ નથી.’ ભૂમિ બોલી ઉઠી.

‘પ્રોગ્રામ તો આજે સાંજે છે ને? તો તું કોલોનીના ડોક્ટર પાસેથી દવા લેતી આવને? સાંજ સુધીમાં યુ વીલ બી ઓલરાઈટ.’ વરુણ થોડો ઠંડો પડ્યો.

‘હું કાલે તારા આવવા પહેલાં જ દવા લઇ આવી હતી. ડોકટરે કીધું છે કે ઈટ વીલ ટેઈક સમ ટાઈમ. જ્યાંસુધી પીરીયડ બરોબર નહીં આવે ત્યાંસુધી આ દુઃખાવો રહેશે જ. સાચું કહું છું વરુણ મને સુઈ રહેવાથી ખૂબ રાહત મળે છે અને ખાલી તારું માન રાખવા જ હું બૂક રીડીંગ વખતે હાજર રહીશ. ’ ભૂમિ વરુણની નજીક ગઈ અને એણે એનો હાથ પકડ્યો અને એની આંખમાં આંખ મેળવીને જાણે કે અરજ કરી રહી હોય એમ બોલી.

‘તારે જેમ કરવું હોય એમ કરજે. અત્યારે તો હું ઓફીસ જાઉં છું. મારે તો તને મિસ્ટર પંડ્યાને રીસીવ કરવા સ્ટેશને પણ લઇ જવી હતી પણ.. હવે તું સીધી જ ક્લબ હાઉસમાં આવી જજે હું તને લેવા નહીં આવું.’ આટલું બોલીને વરુણે ભૂમિનો હાથ એક ઝાટકા સાથે છોડાવી દીધો અને પગ પછાડતો ઘરની બહાર નીકળી ગયો.

‘તને કેવી રીતે સમજાવું વરુણ? પેટનો દુઃખાવો ફક્ત બહાનું છે, મારાથી સૌમિત્રનો સામનો નહીં થઇ શકે....નહીં થઇ શકે....નહીં...’ આટલું બોલતાં જ ભૂમિ ખૂબ રડવા લાગી.

***

જમશેદપુર જવા માટે પોતાની બેગ પેક કરતી વખતે સૌમિત્રએ સૌથી છેલ્લે પોતાનો એ સૂટ મૂક્યો જે એ બૂક રીડીંગ વખતે પહેરવાનો હતો. સૌમિત્રને ખ્યાલ હતો કે જ્યારે જ્યારે એ લાઈટ ક્રીમ કલરનો શર્ટ પહેરીને કોલેજ જતો ત્યારે ભૂમિ એના પર વિશેષ પ્રેમ વરસાવતી અને આથી જ સૌમિત્રએ જમશેદપુરના બૂક રીડીંગ માટે ખાસ લાઈટ ક્રીમ કલરનું જ બ્લેઝર સીવડાવ્યું હતું.

‘ભૂમિને આ કલર ખૂબ ગમે છે, ભલે અત્યારે અમારાં વચ્ચે કોઈજ સંબંધ નથી, પણ ભૂમિ પ્રત્યે મારો પ્રેમ તો જરાય ઓછો નથી થયોને? ઓહ ગોડ! મને ખૂબ એક્સાઈટમેન્ટ ફીલ થઇ રહી છે. બસ આઠેક કલાક પછી હું ભૂમિને લગભગ અઢી વર્ષે મારી નજર સામે જોઇશ. પણ યાર, એ હવે પરણેલી છે હોં કે? તારે ધ્યાન રાખવું પડશે કે વરુણને તારા અને ભૂમિના ભૂતકાળ વિષે જરાય ડાઉટ ન પડવો જોઈએ. હા હા હવે હું એનો બરોબર ખ્યાલ રાખીશ અને ભૂમિને જાણેકે સાવ પહેલી વખત જ મળતો હોઉં એવું જ વર્તન કરીશ. પણ આ ધરાડી ક્યાંક ભાંગરો ન વાટે તો સારું, બહુ ઉત્સાહી છે. ભૂમિ તારે સૌમિત્રને એકલામાં મળવું છે? ગાંડી હરખમાં આવી જઈને ભૂમિને મારી સાથે મેળવવાના પ્લાન ન બનાવી દે. ના ના, સૌમિત્ર એને તારે પહેલેથી જ સમજાવી દેવી પડશે. હા, કોલકાતા એરપોર્ટ પર જ્યારે અમે મળીશું ને ત્યારેજ એને હું કહી દઈશ ....

... પણ ભૂમિનું વર્તન કેવું હશે? એ હજીપણ મારાથી ગુસ્સે હશે? ના ના એનો ગુસ્સો તો તરતજ પીગળી જાય એવો છે. કોલેજમાં પણ પેલી મીસ યુનિવર્સીટી નીકી આસુદાની જ્યારે મારી પાછળ પડી હતી અને ભૂમિ મને એની સાથે પાર્કિંગમાં જોઈ ગઈ હતી ત્યારે પણ એ કેટલી ગુસ્સે થઇ ગઈ હતી? પણ પછી તો એ તરતજ શાંત થઇ ગઈ હતી એટલે અઢી વર્ષે પણ એ પેલા દિવસની વાતને લઈને ગુસ્સામાં રહે એવું મને તો નથી લાગતું. કદાચ એવું પણ બને કે, સમય જતાં એને એની ભૂલ સમજાઈ હોય અને અત્યારે એ પશ્ચાતાપ કરી રહી હોય. આઈ હોપ કે એ અત્યારે ખુબ સુખી હોય. ખબર નહીં એની મેરીડ લાઈફ કેવી હશે? મારે કેટલા ટકા યાર? મારે તો આ બૂક રીડીંગ પતે પછી મારી આવનારી મેરીડ લાઈફ વિષે ધરાનું ડીસીઝન સાંભળવાનું છે. તો હવે નક્કી, ભૂમિ સામે હું એકદમ નોર્મલ રહીશ અને એની સાથે એકલામાં વાત કરવાની વાત પણ નહીં કરું, પણ હા જો મોકો મળશે તો....’

સૌમિત્રનું આમ મનોમંથન ચાલી જ રહ્યું હતું ત્યાંજ એની બેડ પર પડેલો કોર્ડલેસ ફોન રણક્યો અને એનું ધ્યાનભંગ થયું.

‘હા બોલ, બસ નીકળું જ છું. મારી સવા અગિયારની ફ્લાઈટ છે, તારી? ઓકે ગૂડ ગૂડ. તો કોલકાતા એરપોર્ટ પર મળીયે. જે કોઇપણ વહેલું પહોંચે એ ઇન્ડીયન એરલાઇન્સના ડેસ્ક પાસે જ ઉભું રહેશે ઓકે? ઠીક છે ચલ બાય.’ ધરાના એ કોલને રીસીવ કરીને સૌમિત્રએ પોતાની બેગ ઉપાડી ને લીવીંગ રૂમ તરફ ચાલ્યો.

***

‘સૌમિત્ર જ્યારે પણ મને બાંધણીવાળા ડ્રેસમાં જોતો ત્યારે બસ જોઈજ રહેતો. પણ શું કરું? અત્યારે તો બાંધણીવાળો કોઈજ ડ્રેસ નથી મારી પાસે? હું પણ પાગલ છું, ગયે વખતે અમદાવાદ ગઈ ત્યારે મમ્મીએ કેટલો ફોર્સ કર્યો હતો પેલો બાંધણીવાળો ડ્રેસ લેવાનો? પણ મેં જ સૌમિત્રને એ ડીઝાઈન ગમે છે એટલે ગુસ્સામાં આવી જઇને ના પાડી દીધી હતી. હવે અત્યારે જ્યારે મને સૌમિત્રની નોવેલ વાંચીને એના પ્રત્યેનો ગુસ્સો સાવ જતો રહ્યો છે અને ઉલટાણી મને એનો સામનો કરવાની પણ બીક લાગે છે ત્યારે મને એ બાંધણીની ડીઝાઈનવાળો ડ્રેસ પહેરવાનું મન થાય છે. પણ આવું ન થવું જોઈએને? સૌમિત્ર ભલે હજી પરણ્યો નથી, પણ હું તો પરણી ગઈ છું ને? મારે સૌમિત્ર સામે સુંદર દેખાઈને શું મેળવી લેવું છે? કદાચ તે દિવસે જે રીતે મેં એને ધુત્કાર્યો હતો એટલે હવે એનું વળતર ચુકવવા માટે મને કદાચ આવો વિચાર આવતો હશે. જે હોય તે પણ અત્યારે મારે બાંધણીની ડીઝાઈનવાળો ડ્રેસ ક્યાંથી લાવવો? હે ભગવાન કોઈ રસ્તો સુઝાડ તો? અરે હા... બાંધણીની ડીઝાઈનવાળો ડ્રેસ નથી પણ બાંધણી તો છે ને? થેંક્યું ભગવાન!’ પોતાના મનના વિચારો સાથે લડતાં લડતાં ભૂમિને અચાનક જ યાદ આવ્યું કે તેની પાસે એક બાંધણીવાળી સાડી તો છે જ અને તે ખુશ થઇ ગઈ.

ભૂમિએ પાસે પડેલું ટેબલ ઊંચક્યું અને કબાટ ઉપર મૂકેલી મોટી સ્યુટકેસ ઉતારી. બેડ ઉપર આ મોટી સ્યુટકેસ મૂકીને એને ખોલી. આ સ્યુટકેસમાં ભૂમિની અત્યંત મોંઘી સાડીઓ હતી. ભૂમિ એક પછી એક સાડીઓ ઉથલાવવા માંડી અને છેવટે તેને અત્યારે ખૂબ જરૂરી અને સૌમિત્રને ગમતી એવી બાંધણી પણ એને મળી ગઈ. બાંધણીને હાથમાં લેતાંની સાથેજ ભૂમિનો ચહેરા પર સ્મિત આવી ગયું.

એણે સ્યુટકેસ બંધ કરી અને બાંધણીને સ્યુટકેસની ઉપર જ મૂકીને ન્હાવા જતી રહી. ન્હાઈને બ્લાઉઝ અને પેટીકોટ પહેરીને ભૂમિ બહાર આવી અને બાંધણીને પ્લાસ્ટિકના પેકમાંથી બહાર કાઢીને એને અત્યંત કાળજીપૂર્વક પહેરવા લાગી. બાંધણી પહેરીને ભૂમિએ કબાટના લાઈફ સાઈઝ અરીસા સામે જોયું અને પોતાની સુંદરતા પર એને જ માન થઇ ગયું. ભૂમિને એક વખત તો એવો વિચાર પણ આવી ગયો કે આ અઢી વર્ષમાં એને માત્ર સૌમિત્ર સામે તે સારી દેખાય તેના માટે જ આટલી ચીવટથી તૈયાર થવાનું મન કેમ થયું? તેણે વરુણ સામે તે સુંદર દેખાય તેવા તો કોઈજ પ્રયાસ નહોતા કર્યા? તો હવે અચાનક જ કેમ તેની સાથે આમ થઇ રહ્યું છે? ભૂમિ આમ વિચારી જ રહી હતી ત્યાંજ ડોરબેલ વાગી.

ભૂમિ ઝડપથી મેઈન ડોર તરફ દોડી અને બારણું ખોલ્યું તો સામે વરુણ ઉભો હતો.

‘તું? તું તો નહોતો આવવાનો ને? મને લીધા વગર સીધો જ ક્લબ હાઉસ જવાનો હતોને?’ ભૂમિએ છણકો કરીને વરુણ સામે જોયું.

‘સૌમિત્ર પંડ્યાને પ્રોગ્રામ પત્યા પછી જે ડીડી આપવાનો છે એનું કવર મારા સ્ટડી ટેબલના ડ્રોઅરમાં જ રહી ગયું છે એનો મને પછી ખ્યાલ આવ્યો એટલે એવા આવ્યો છું. પણ તું કેમ આટલી સરસ તૈયાર થઇ? તારી તો તબિયત ખરાબ હતીને? અચાનક જ ફ્રેશ કેમ થઇ ગઈ?’ બેડરૂમમાં પડેલા સ્ટડી ટેબલ તરફ ચાલતાં ચાલતાં વરુણ બોલ્યો.

‘તારા ગયા પછી મને વિચાર આવ્યો કે મારે એટલીસ્ટ તારું માન જાળવવા પણ સૌમિત્રને..આઈ મીન મિસ્ટર સૌમિત્ર પંડ્યાને મળવું જોઈએ અને હવે મને થોડું સારું છે, એટલે હું આવીશ, પણ ક્લબ હાઉસ જ રેલ્વે સ્ટેશન નહીં. આઈ હોપ કે તું મારી પોઝીશન સમજી શકીશ.’ ભૂમિએ પણ હજીસુધી કઠોરતા મૂકી ન હતી.

‘ધેટ્સ ગૂડ. આઈ લાઈક ઈટ! ઠીક છે તારે જો સ્ટેશને એમને રીસીવ કરવા ન આવવું હોય તો આઈ વોન્ટ ફોર્સ યુ, પણ ક્લબ હાઉસ અમારા આવ્યા પહેલાં જ પહોંચી જજે અને હવે તબિયત સારી છે તો ક્વેશ્ચન એન્સર સેશનમાં ભાગ નહીં લઈશ તો ચાલશે પણ પ્રેઝન્ટ જરૂર રહેજે પ્લીઝ.’ સ્ટડી ટેબલના ડ્રોઅરમાંથી એક કવર લઈને પોતાના બ્લેઝરના નીચેના ખિસ્સામાં એને મુકતાં વરુણ બોલ્યો અને ફરીથી મેઈન ડોર તરફ ચાલવા લાગ્યો.

‘હા એટલું તો હું સમજી શકું છું. ડોન્ટ વરી હું પણ ક્લબ હાઉસ જવા પંદર-વીસ મિનિટમાં જ નીકળું છું.’ વરુણના ચહેરા પર મંદ સ્મિત જોતાં ભૂમિનો અવાજ પણ નિર્મળ બન્યો.

સવાર પછી પહેલીવાર ભૂમિને સ્મિત આપીને ઘરની બહાર નીકળી રહેલો વરુણ હજી મેઈન ડોર પર પહોંચ્યો જ હતો ત્યાંજ એના ઘરનો ફોન વાગ્યો. ભૂમિ અને વરુણ બંને ફોન તરફ એકસાથે વળ્યા પણ વરુણને સ્ટેશને જવાની ઉતાવળ હતી એટલે એ ફોન પાસે દોડીને પહોંચી ગયો અને એણે ફોન ઉપાડ્યો.

‘હા, યેસ, વરુણ પટેલ બોલું છું? અરે હા, બોલો બોલો. શું? પણ કેમ?’ આટલું બોલતાં જ વરુણના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. ભૂમિ વરુણ સામે ટગર ટગર જોઈ રહી હતી.

***

પ્રકરણ ૩૪

ફ્લાઈટ તો સમયસર જ ઉપડી હતી વરુણ, પણ બંગાળની ખાડીમાં સાયક્લોન આવવાનું છે એટલે કોલકાતા આવતી બધીજ ફ્લાઈટ્સ બીજા શહેરો તરફ ડાયવર્ટ કરી દીધી છે. હું અત્યારે ભોપાલ એરપોર્ટ પરથી તમને કોલ કરી રહ્યો છું. મારી કલીગ ધરાની મુંબઈની ફ્લાઈટ પણ ભોપાલ જ ડાયવર્ટ કરી દીધી છે.’ ફોન પર સૌમિત્રએ વરુણને પોતે હવે જમશેદપુર નહી આવી શકે એમ જણાવ્યું.

‘બીજો કોઈ ઓપ્શન નથી?’ વરુણના અવાજમાં નિરાશા હતી પણ અંદર અંદરથી એને એમ થઇ રહ્યું હતું કે ક્યાંક સૌમિત્ર એને હા પાડી દે તો સારું.

‘ના વરુણ, બે દિવસ સુધી કોલકાતા કોઈજ ફ્લાઈટ નહીં જાય. એટલીસ્ટ કાલે સાંજ સુધી તો નહીંજ. મને પણ ખૂબ દુઃખ થાય છે વરુણ, પણ હું કશું જ કરી શકું એમ નથી. આપણે ફરી ક્યારેક ગોઠવીશું.’ સૌમિત્રને ખુદને દુઃખ થઇ રહ્યું હતું એ સ્વાભાવિક હતું, પણ તો પણ એણે વરુણને ધરપત આપી.

‘Damn! ઠીક છે હું હવે મારું શેડ્યુલ ચેક કરીને તમને જણાવીશ, પછી આપણે ફરીથી તમારું બૂક રીડીંગ ગોઠવીશું.’ આટલું કહીને વરુણે ફોન કટ કર્યો.

ભૂમિએ પ્રશ્નાર્થ ચિન્હ સાથે વરુણ સામે જોયું. વરુણે જે રીતે સૌમિત્ર સાથે વાત કરી તેના પરથી એને ખ્યાલ તો આવી જ ગયો હતો કે સૌમિત્ર હવે જમશેદપુર નથી આવવાનો, પણ તેમ છતાં તેણે વરુણ સામે જોયું. વરુણે જવાબમાં પોતાનું ડોકું નકારમાં હલાવ્યું.

ભૂમિને એક તરફ હાંશકારો થયો તો બીજી તરફ એને સૌમિત્રને ન મળી શકવાનું દુઃખ પણ થઇ રહ્યું હતું.

***

વરુણ સાથે વાત પૂરી કરીને સૌમિત્ર PCO બૂથમાંથી બહાર આવ્યો અને ત્યાંજ કોલકાતા જનારી મુંબઈની ફ્લાઈટ પણ ડાયવર્ટ થઈને ભોપાલ આવી ચૂકી હોવાની જાહેરાત થઇ. સૌમિત્ર તરતજ ધરાને શોધવા માંડ્યો. એક સાથે ત્રણેક ફ્લાઈટ્સ ડાયવર્ટ થઇ હોવાને લીધે અને નાનું એરપોર્ટ હોવાને કારણે ભોપાલ એરપોર્ટ પર આજે ખૂબ ભીડ દેખાઈ રહી હતી. સૌમિત્રએ એરપોર્ટનો ખૂણેખૂણો શોધવાનું નક્કી કર્યું અને ત્યાંજ તેને ઇન્ડીયન એરલાઇન્સના કાઉન્ટર પાસે ધરા ઉભેલી દેખાઈ.

સૌમિત્રએ ધરાને પાછળથી કાનમાં ફૂંક મારી અને ધરા ગભરાઈ ગઈ. એ પાછળ વળી અને એની સામે ખડખડાટ હસી રહેલા સૌમિત્રને જોતાં જ એણે તેને ગુસ્સામાં આવીને ધક્કો માર્યો.

‘હાય રામ! હું કેટલી ડરી ગઈ હતી સૌમિત્ર? આમ કરાય?’ ધરાનો ગુસ્સો કાયમ હતો.

‘સોરી, સોરી, સોરી. મને ખબર નહીં કે તું ડરી જઈશ, હું તો ખાલી મજાક કરતો હતો.’ સૌમિત્ર એ પોતાના બંને હાથ જોડીને કીધું.

‘બસ તું આમ જ એકદમ ઇનોસન્ટ ફેઈસ સાથે માફી માંગે છે અને મારું દિલ જીતી લે છે.’ ધરા પણ હવે હસી.

‘હવે? અમદાવાદની અને બોમ્બેની ફ્લાઈટ્સ ત્રણ ચાર કલાક પછી જ નીકળશે, આપણે શું કરીશું ત્યાંસુધી? ચલ ભોપાલ ફરીએ.’ સૌમિત્રએ કહ્યું.

‘ના યાર, આપણે લગભગ દોઢ કલાક પછી ફરીથી ચેક ઇન કરવાનું છે, મેં હમણાંજ આ લોકોને પૂછ્યું.’ ઇન્ડીયન એરલાઇન્સની કેબીન તરફ આંગળી કરતાં ધરા બોલી.

‘તો પછી? એરપોર્ટની રેસ્ટોરન્ટ તો ભરચક છે.’ સૌમિત્રએ પોતાનું ડોકું એરપોર્ટની રેસ્ટોરન્ટ તરફ ફેરવીને કીધું.

‘આપણે ક્યાં ઉતાવળ છે? આપણે ત્યાં ઉભા તો રહીએ? જ્યારે જગ્યા મળશે ત્યારે બેસીશું. મને તો બહુ ભૂખ લાગી છે. ચાલ, મને કશુંક ખવડાવ.’ આટલું બોલીને ધરા પોતાની ટ્રોલીવાળી બેગ લઈને રેસ્ટોરન્ટ તરફ ચાલવા લાગી.

સૌમિત્રને ધરા આમ તરતજ રેસ્ટોરન્ટ તરફ ચાલવા લાગશે એવો ખ્યાલ ન હતો એટલે એણે ઉતાવળમાં પોતાની બેગ ઉપાડી ને ધરા પાછળ રીતસર દોડ્યો.

એરપોર્ટની એ નાનકડી રેસ્ટોરન્ટ ખરેખર ભરચક લાગી રહી હતી પણ ખબર નહીં કેમ ધરાને અચાનક જ દૂર ખૂણામાં એક ટેબલ ખાલી દેખાયું અને એણે પોતાની બેગ ઉપાડીને એ ટેબલ કોઈ બીજું લઇ લે એ પહેલાંજ એના પર કબજો મેળવવાની ઈચ્છાથી એ તરફ દોડી પડી. સૌમિત્ર પાસે ધરાને ફોલો કર્યા સિવાય કોઈ છૂટકો જ ન હતો. ધરા જેવી એ ટેબલ પાસે પહોંચી કે એણે પોતાની બેગ એ ટેબલને અડીને પડેલી ખુરશી પર લગભગ ફેંકી જ દીધી, રખેને કોઈ ત્યાં બેસી જાય.

‘હાશ! ચાલો બેસવાની જગ્યા તો મળી? હવે ખાવાનું મળે કે ન મળે.’ ધરાની સામેની ખુરશી પર બેસતા સૌમિત્ર બોલ્યો.

‘કંજૂસ અમદાવાદી! નાસ્તો તો તારે જ કરાવવો પડશે.’ ધરા એનું મોઢું બગાડીને બોલી.

‘હા, તે મેં ના ક્યાં પાડી જ છે? એલોકો જો આટલાબધા લોકોને પહોંચી વળતા હોય તો ખરેખર મને ઓર્ડર આપવામાં કોઈજ વાંધો નથી.’ સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

‘એ લોકો આપણને પહોંચી વળે એની જવાબદારી મારી, વેઇટ.’ આટલું બોલીને ધરા પોતાની ખુરશી પર જ પાછળની તરફ ફરી અને આસપાસ જોવા લાગી.

‘એટલે? હું સમજ્યો નહીં.’ સૌમિત્રએ ધરાને પૂછ્યું.

‘એ તને નહીં સમજાય.’ ધરાએ પોતાનો હાથ સૌમિત્ર તરફ લાંબો કર્યો. એ હજીપણ આમતેમ જોઈ રહી હતી.

‘તો સમજાવને?’ સૌમિત્ર હજીપણ સમજી નહોતો રહ્યો.

‘સુનો ભૈયા..અરે...ઇધર ઇધર...’ ધરાએ અચાનક જ થોડેક દૂરથી પસાર થઇ રહેલા એક વેઈટરને બૂમ પાડી.

પેલો વેઈટર પણ ધરાનો અવાજ સાંભળતા આસપાસ જોવા લાગ્યો, ત્યાંજ એને ધરાનો એની તરફ હલી રહેલો હાથ દેખાયો અને એ ધરા તરફ વળ્યો.

‘બોલીએ મેમસાબ, ક્યા લાઉં? દો બાતેં પહેલે સે હી બતા દેતા હૂં. એક તો યે કી સાદા ડોસા હી મિલેગા ઔર દૂસરી યે કી કમ સે કમ આધા ઘંટા લગેગા, અગર આપકો ચલતા હૈ તો મંગવા લો.’ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષનો આ વેઈટર શાંતિથી ધરાને કહી રહ્યો હતો.

‘હાં હાં ચલેગા. દો સાદા ડોસા લે આઓ ઔર ટાઈમ કી કોઈ પરવા નહીં. આરામ સે.’ ધરાએ ઓર્ડર આપી દીધો.

‘એક ડોસે કા આધા ઘંટા તો દો ડોસે બનાને કે લીયે એક ઘંટા તો નહીં લગાઓગે ના મહારાજ?’ સૌમિત્રએ પેલા વેઈટરની મશ્કરી કરી.

‘ક્યા સા’બ આપ કો સુબહ સે મૈ હી મિલા? આપ ભીડ દેખ રહે હો ના?’ વેઈટર થોડો અકળાયો.

‘અરે, અરે સમજ ગયા ભાઈ. તુમ ઇતના કામ કર રહે હો સોચા થોડા તુમ્હે હસા લૂં. આરામ સે લે આઓ.’ સૌમિત્રએ પેલાની અકળામણ જોઇને પેંતરો બદલ્યો.

‘તું પણ સૌમિત્ર...’ ધરા હસી રહી હતી.

‘બસ હું આવો જ છું, તને ખબર તો છે. અરે હા સવારે તું ફોન પર કોઈ ગૂડ ન્યૂઝની વાત કરતી હતી? શું ગૂડ ન્યૂઝ છે?’ સૌમિત્ર બોલ્યો.

‘અરે હા! તને કોલ કર્યો એની પાંચ મિનીટ પહેલાં જ પ્રતિકનો કોલ હતો. એણે ત્રેવીસમી એ તારું બૂક રીડીંગ કાઠમંડુમાં ગોઠવ્યું છે. ઇઝન્ટ ઈટ ગ્રેટ?’ ધરા એકદમ ખુશ લાગી રહી હતી.

‘વાઉ! ખરેખર મસ્ત ન્યૂઝ છે. હું લાઈફમાં પહેલીવાર ભારતની બહાર જઈશ! તેં અને પ્રતિકે મારી લાઈફ સાવ બદલી નાખી છે.’ સૌમિત્રની ઉત્તેજના એના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.

‘બિકોઝ યુ ડિઝર્વ ઈટ.’ ધરા સ્મિત સાથે બોલી.

‘ડુ આઈ ડિઝર્વ યુ?’ સૌમિત્રએ અચાનક જ વાતને નવી દિશા આપી દીધી.

‘મેં તને કીધું હતું ને કે જમશેદપુર બૂક રીડીંગ પછી?’ ધરાનો ચહેરો અચાનક સપાટ થઇ ગયો.

‘પણ એ તો પોસ્ટપોન થયું અને હવે વરુણ જ્યારે નવરો પડશે ત્યારે નક્કી થશે. કમોન ધરા, હવે વધારે લાંબુ ના ખેંચ.’ સૌમિત્રએ ધરાને લગભગ આજીજી કરી.

‘સાચું કહું સૌમિત્ર? મારે તારી સાથે કોઈજ વાત છુપાવવી નથી, હું તને જો આજનું બૂક રીડીંગ થયું હોત તો પણ આ જ વાત કરત. મને એક્ચુલી ડીસીઝન લેતાં પહેલાં એક નજર ભૂમિને મળવું હતું. મને ખબર છે કે શી ઈઝ અ ટફ ગર્લ, જે રીતે તે મને એની વાત કરી છે કે નોવેલમાં તે એનું કેરેક્ટર ડિસ્પ્લે કર્યું છે. મારે ભૂમિની આંખોમાં એ જોવું હતું કે એને તારા પ્રત્યે કોઈ લાગણી હજીપણ છે કે એની નફરત હજીપણ એના મન પર હાવી છે? કે પછી તું જ્યારે મને એની સામે તારી બેસ્ટ ફ્રેન્ડ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવે ત્યારે એના ચહેરા પર જેલસી દેખાય છે કે નહીં?’ ધરાએ વેઈટરે હમણાંજ મુકેલા પાણીના બે ગ્લાસમાંથી એક ગ્લાસ ઉપાડીને પાણી પીધું.

‘એટલે તું ભૂમિની મારી સાથેની મુલાકાત કેવી રહે છે એ જોયા પછી જ ડીસીઝન લેવાની હતી? જો ભૂમિએ તું જે એનો ટેસ્ટ લેવા માંગતી હતી એમાં પાસ કે ફેઈલ થાત તો શું તું મને ના પાડત?’ સૌમિત્રએ ધરાને સવાલ કર્યો.

‘ના, બસ મારે એકવખત જોવું હતું કે આટલા ડિઝર્વિંગ છોકરાને માત્ર પોતાની સેલ્ફીશનેસને લીધે નફરત કરી શકનાર છોકરી ખરેખર કેટલા પાણીમાં છે.’ ધરાએ સૌમિત્રના સવાલનો જવાબ આપ્યો.

‘તો હવે?’ સૌમિત્રએ બીજો સવાલ પૂછ્યો.

‘હવે? હવે મારી પાસે તને હા પાડ્યા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો છે?’ ધરા હસી પડી.

‘એટલે તેં...તું...અને હું....ખરેખર?’ સૌમિત્ર એ તરતજ ધરાના ટેબલ પર મૂકેલા બંને હાથ પકડી લીધા અને એને જોરથી દબાવ્યા.

‘હા બાબા...મારી હા છે અને એ પણ આજથી નહીં જ્યારે આપણે રાજકોટથી અમદાવાદ પાછા વળ્યા ત્યારેજ ઘરના ઉંબરે પપ્પાએ અને મમ્મીએ મને સવાલ કર્યો હતો કે સૌમિત્ર ફક્ત ફ્રેન્ડ છે કે મારો કોઈ બીજો વિચાર પણ છે? જો હોય તો એમને બંનેને કોઈજ વાંધો નથી, ત્યારેજ મેં એમને હા પાડી દીધી હતી!’ ધરાએ રહસ્યોદ્ઘાટન કર્યું.

‘ઓહ માય ગોડ! તું તો જબરી નીકળી ધરા!’ સૌમિત્રનું મોઢું આશ્ચર્યથી પહોળું થઇ ગયું હતું.

‘બસ તો હવે આ મારી જબરનેસની ટેવ પાડી દે, કારણકે હવે તારે મને આખી જિંદગી સહન કરવાની છે.’ ધરાએ આંખ મારી.

‘મને કોઈજ વાંધો નથી, તને ખૂબ પ્રેમ કરીશ ધરા.’ સૌમિત્રએ ધરાની લાંબી આંગળીઓમાં પોતાની આંગળીઓ ભેરવી અને એને સહેલાવવા લાગ્યો.

‘બસ મારે તારી પાસે બીજું કશુંજ નથી જોઈતું. પણ તારા મમ્મી પપ્પા?’ ધરાએ સ્મિત સાથે પૂછ્યું.

‘મમ્મીનો તો કોઈજ પ્રોબ્લેમ નથી, એની પાસેથી તો મેં બૂક લોન્ચ વખતે જ તારા વિષે ઓપીનીયન લઇ લીધો’તો અને એને પણ તું ખૂબ ગમે છે.’ હવે સૌમિત્રએ ધરા સામે રહસ્ય ખોલ્યું.

‘હવે તું પણ જબરો નીકળ્યો કે નહીં?’ ધરા હસી પડી.

‘એ તો જેવો સંગ તેવો રંગ!’ સૌમિત્રએ પણ તોફાની સ્મિત આપ્યું.

‘એ તો બધું ઠીક છે સૌમિત્ર, પણ તારા પપ્પા?’ ધરાએ મુદ્દાનો સવાલ ઉઠાવ્યો.

‘એ આડા ફાટશે જ. પણ મને એની ચિંતા નથી. બહુ બહુ તો મારા ઘરમાં ન રહેતો એમ જ કહેશે ને? તો આપણે અમદાવાદમાં એક નવું ઘર લઇ લઈશું. તારી મદદથી અને ભગવાનના આશિર્વાદથી આપણે એમ પણ કરી શકીશું. રહી વાત મમ્મીની તો એમને અઠવાડિયે દસ દિવસે મળી આવીશું કે પછી એમને આપણે ઘેર બે-ત્રણ દિવસ રોકાવા બોલાવી લઈશું. બાકી પપ્પાની જોહુકમી તો મેં ક્યારનીયે માનવાની મૂકી દીધી છે.’ સૌમિત્રનો આત્મવિશ્વાસ ખુલીને બોલી રહ્યો હતો.

***

‘એકવાર મેં કહી દીધું કે એ છોકરી સાથે તારે લગ્ન નથી કરવાના એટલે બસ! હવે આમાં વધારાની કોઇપણ દલીલ નહીં ચાલે.’ જનકભાઈનો ગુસ્સો આસમાને હતો.

‘તમારા એ એકવારની સામે મેં પણ એક જ વાર જવાબ આપી દીધો છે કે મારા લગ્ન થશે તો ધરા સાથેજ નહીં તો નહીં.’ સૌમિત્ર પણ ઓછો ભડકે નહોતો બળી રહ્યો.

‘કેમ? આપણા સમાજમાં છોકરીઓ ઓછી થઇ ગઈ છે કે બીજા સમાજની છોકરી લઇ આવવાની?’ જનકભાઈ બોલ્યા.

‘વાત સમાજની છે જ નહીં પપ્પા, વાત છે પ્રેમની અને પ્રેમ કરતા પહેલા એ ક્યા સમાજની છોકરી સાથે કરવો કે ન કરવો એવું નક્કી કરવામાં નથી આવતું.’ સૌમિત્રએ પોતાની દલીલ રજૂ કરી.

‘બસ આ પ્રેમે જ બધાને બગાડી નાખ્યા છે.’ જનકભાઈ ફરીથી ગર્જ્યા.

‘કોઈ દિવસ કર્યો હોય તો ખબર પડે ને?’ સૌમિત્રએ છાશિયું કર્યું.

‘એટલે? તું એમ કહેવા માંગે છે કે મેં કોઈને પ્રેમ નથી કર્યો?’ જનકભાઈનો ચહેરો લાલઘૂમ થઇ રહ્યો હતો.

‘હા, ન મમ્મીને કે ન તો મને. તમે કાયમ ફક્ત તમારો જ સ્વાર્થ જોયો છે અને મને ખાત્રી છે કે મારા અને ધરાના લગ્ન ન થાય એ પાછળ પણ તમારો જ કોઈ સ્વાર્થ હશે.’ સૌમિત્રએ તીણી નજરે જનકભાઈ સામે જોયું.

‘જો, ચિતરંજન કાકાની ધરતી તારા માટે બિલકુલ બરોબર છે. હું રીટાયર નહોતો થયો ત્યારેજ મેં એમને વચન આપી દીધું હતું કે આપણે વેવાઈ બનીશું. તું તારા બાપને નીચો બતાવીશ?’ જનકભાઈએ અચાનક જ ધડાકો કર્યો.

‘ઓહોહોહો.....જોયું મમ્મી? કોણ પેલા ચિતરંજન ભટ્ટ? તમારી ઓફિસમાં હતા એ? વાહ! કમાલ છે નહીં? જે છોકરીનું નામ પણ મેં આજે જ સાંભળ્યું છે એની સાથે મારે આખી જિંદગી વિતાવવાની? એક તો તમે મને પૂછ્યા કાછ્યા વગર મારા લગ્ન નક્કી કરી દીધા અને હવે તમારે નીચાજોણું ન થાય એટલે મારે આખી જિંદગી નીચું જોઇને પસાર કરવાની એમ જ ને?’ સૌમિત્રએ સામો ધ્રુજારો કર્યો.

‘અને પેલી આપણા ઘરમાં આવશે ત્યારે મારે અને તારી મમ્મીને નીચું નહીં જોવું પડે? પેલા બોમ્બેના તારા પ્રોગ્રામમાં બધા જોડે કેવા લટુડાપટુડા કરતી હતી એ છોકરી? આવી મોડર્ન છોકરી આપણા ઘરમાં ન પોસાય સૌમિત્ર. તારા માં-બાપની સેવા પણ નહીં કરે અને આખો દિવસ નોકરી કરવા અને રાત્રે પાર્ટીઓ કરવા ઉપડી જશે. આપણા ઘરમાં તો ધરતી જેવી ડાહ્યી અને ઘરરખ્ખુ છોકરી જ ચાલે.’ જનકભાઈ હજીપણ મચક આપવા માટે તૈયાર ન હતા.

‘પપ્પા મારે મારા લગ્ન ખાલી મારા માબાપની સેવા કરાવવા કોઈ નર્સને કાયમમાટે ઘરમાં લાવવા માટે નથી કરવા. બિલીવ મી જો હું તમારી ધરતીને પસંદ કરત તો પણ એમ જ કહેત. ધરા હોંશિયાર છે એ બધુંજ સરસ સંભાળી લેશે એની મને ખાતરી છે. અને તમારે તમારી વહુ પાસે એવી તો શું સેવા કરાવવાની ઈચ્છા છે? મમ્મી પાસે તો તમે આખી જિંદગી મજૂરી કરાવી એટલે હવે વહુનો વારો?’ સૌમિત્રની આ દલીલ સામે જનકભાઈ થોડા મોળા પડ્યા હોય એમ લાગ્યું.

‘ચાલો હવે તમે બંને શાંત થાવ અને ચ્હા નાસ્તો કરી લો. મને તો હતું જ કે જ્યારે સૌમિત્ર તમારી સામે આ વાત કાઢશે ત્યારે બાપ-દીકરા વચ્ચે આવું યુદ્ધ થવાનું જ છે. બેયે પોતાનું મન ખાલી કરી દીધું ને? હવે શાંતિ.’ અંબાબેને સૌમિત્ર અને જનકભાઈ વચ્ચે ત્રણ મિનીટ સુધી લાંબા ચાલેલા યુદ્ધવિરામનો ફાયદો ઉઠાવ્યો.

‘એટલે તમને પહેલેથી જ આણે કહી દીધું લાગે છે કે એ પેલી છોકરી સાથે જ લગ્ન કરશે.’ જનકભાઈએ કરડી નજરે અંબાબેન સામે જોયું.

‘મુંબઈનો એનો પ્રોગરામ શરુ થયોને એ પહેલાં જ. આપણે આપણા છોકરાની ખુશીમાં ખુશ રે’વાનું અને વિચારો તો ખરા આપણે હવે કેટલું જીવવાના? અત્યારે આપણે એને જીદે ભરાઈને એની અણગમતી છોકરી સાથે પરણાવી દઈશું અને આપણા બેયના ગયા પછી એણે તો એની સાથેજ નછૂટકે જિંદગી કાઢવાની ને? ત્યારે દીકરાનો એકેએક ઉંકારો આપણા જ આત્માને કકળાવશે. આ આપણો જમાનો નથી સાહેબ, જરીક સમજો.’ અંબાબેને જનકભાઈના ખભે હાથ મૂકીને કીધું.

‘હવે તમે બેય માં-દીકરો પહેલેથી નક્કી જ કરીને બેઠા છો તો મારું ક્યાં ચાલવાનું છે? પણ લખી રાખજો એ છોકરી પાસેથી તમે કોઈજ આશા ન રાખતા.’ જનકભાઈ ઉભા થઈને ડાઈનીંગ ટેબલ તરફ ચાલવા લાગ્યા.

જનકભાઈની પીઠ ફરતાં જ સૌમિત્ર એ અંબાબેનને ફ્લાઈંગ કિસ આપીને એમનો આભાર માન્યો અને અંબાબેને પણ પોતાનો હાથ હલાવીને સૌમિત્રને હવે શાંત રહેવા કહ્યું.

***

‘ભૂમિ....સૌમિત્રભાઈ!!’ રાત્રે જમ્યા પછી નિશા અને ભૂમિ લીવીંગરૂમમાં બેઠા હતા. ભૂમિ કોઈ પુસ્તક વાંચી રહી હતી અને ચેનલો બદલતાં બદલતાં એક ચેનલ પર સૌમિત્રનો ઇન્ટરવ્યુ આવી રહ્યો હતો એ જોતાં જ નિશા રોકાઈ ગઈ અને એણે ભૂમિનું ધ્યાન ખેંચ્યું.

સૌમિત્ર પોતાની નવલકથા વિષે અને તેને મળેલા અદભુત પ્રતિસાદની વાત કરી રહ્યો હતો. ભૂમિ ટીવીના સ્ક્રીન પર નજર માંડીને સૌમિત્રને જોવા લાગી.

‘તો તમારી આ ધરા એ કોઈ રીયલ લાઈફ કેરેક્ટર પર આધારિત છે કે પછી કોઈ કાલ્પનિક પાત્ર?’ ઇન્ટરવ્યુ લઇ રહેલી એન્કરે સૌમિત્રને પૂછ્યું.

‘મને જેણે લખવા માટે સૌથી પહેલા પ્રેરણા આપી હતી, હું મારી કોલેજની શોર્ટ સ્ટોરી કોમ્પીટીશનની વાત કરી રહ્યો છું, એણે જ મને સલાહ આપી હતી કે કોઇપણ લેખકે જો કમ્ફર્ટેબલ રહીને લખવાની શરૂઆત કરવી હોય તો એ જો સત્યઘટના પર આધારિત હોય તો વધુ સારું. મેં એની એ સલાહ માનીને એ શોર્ટ સ્ટોરી કોમ્પીટીશન જીતી લીધી હતી એટલે એ જ ટીપને મેં મારી ફર્સ્ટ નોવેલ લખતી વખતે પણ યાદ રાખી અને મારા જીવનની સાચી ઈવેન્ટ્સ પર જ લખી.’ સૌમિત્રએ હસીને જવાબ આપ્યો.

સૌમિત્રના આ જવાબથી ભૂમિના હ્રદયમાં ઉમળકો જાગ્યો એના ચહેરા પર મુસ્કુરાહટ આવી. ટીવી કરતાં ભૂમિને સતત જોઈ રહેલી નિશાને પણ ભૂમિનો હસતો ચહેરો જોઇને ખ્યાલ આવી ગયો કે સૌમિત્ર કોના વિષે વાત કરી રહ્યો છે. સૌમિત્રની નોવેલ એની રીયલ લાઈફ સ્ટોરી જ છે એનો ખ્યાલ તો ભૂમિને એને વાંચીને જ આવી ગયો હતો પણ અત્યારે તેને એ બાબતનો ગર્વ થયો કે સૌમિત્રએ એની પહેલી નોવેલ એણે એને કોઈકવાર આપેલી સલાહ યાદ રાખીને લખી એવું એ જાહેરમાં સ્વીકારી રહ્યો છે.

‘તો પછી તમારી એ ધરા વિષે થોડું વધારે જણાવશો? જેની વાત તમે આ નોવેલમાં કરી છે.’ પેલી એન્કરે સૌમિત્રના પ્રામાણિક જવાબનો ફાયદો ઉઠાવીને એને આ સવાલ દ્વારા ભેરવવાની સલાહ આપી. આ તરફ ભૂમિના દિલની ધડકનો વધવા લાગી કે સૌમિત્ર આ સવાલનો શો જવાબ આપશે.

‘મારી ધરા એ હવે કોઈ બીજાના ઘરનું અજવાળું બની ગઈ છે એટલે સોરી!’ સૌમિત્રએ ભૂમિનું નામ લેવાનું ટાળ્યું અને ભૂમિની જમણી આંખમાંથી એક આંસુ નીકળી પડ્યું.

ભૂમિને લાગ્યું કે સૌમિત્ર સાથે એણે જે વર્તન કર્યું હતું ત્યારબાદ સૌમિત્ર પાસે જાહેરમાં એનું નામ લઈને એની જિંદગી બગાડવાની એક મોટી તક હતી પણ સૌમિત્રએ એમ ન કર્યું. ભૂમિને લાગ્યું કે સૌમિત્રનો જાણેકે એક ઉપકાર એના પર ચડી ગયો છે.

‘એટલે તમારું એમની સાથે બ્રેકઅપ...?’ એન્કરે આગલો સવાલ કર્યો.

‘જી, વર્ષો પહેલાં.’ સૌમિત્રએ ટૂંકમાં જ જવાબ આપ્યો.

‘તો હવે શું ઈરાદો છે? લગ્ન કરશો કે પછી જેમ અન્ય પ્રેમીઓ કરે છે એમ તમે પણ એની યાદમાં આખી જિંદગી વિતાવી દેશો?’ એન્કરે પૂછ્યું.

‘ના, હું ઈશ્વરના નિર્ણયમાં ખૂબ માનું છું. ઈશ્વરે કદાચ મને ફક્ત એને પ્રેમ કરવા માટે જ પસંદ કર્યો હશે એનો થઇ જવા માટે નહીં. જીવન ચલને કા નામ. મને મારી જીવનસાથી મળી ગઈ છે. નસીબજોગે એનું નામ પણ ધરા જ છે, પણ એ મને આ નોવેલ લખ્યા પછી મળી છે એટલે કોઈ ગેરસમજણ ન કરતા. બહુ જલ્દી અમે લગ્ન કરી લેવાના છીએ.’ સૌમિત્રએ બને તેટલા સરળ રહીને જવાબ આપ્યો.

સૌમિત્રનો આ જવાબ સાંભળીને જ ભૂમિનું રોમેરોમ સળગવા માંડ્યું. સૌમિત્ર કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે? ભૂમિ અચાનક જ સૌમિત્રની થનારી પત્ની ધરા પ્રત્યે ઈર્ષાની આગમાં બળવા માંડી હતી. એ આ આગમાં બળી રહી હતી એનો અનુભવ તો ભૂમિને થઇ જ રહ્યો હતો પણ, એને આ લાગણી કેમ થઇ રહી હતી એનો એને ખ્યાલ નહોતો આવી રહ્યો કારણકે એ સૌમિત્રને ત્રણેક વર્ષ અગાઉ જ અપમાનિત કરીને છોડી ચુકી હતી અને હવે એનો ક્યારેય વિચાર સુદ્ધાં નહીં કરે એવું એણે નક્કી પણ કરી લીધું હતું પણ તો આ બળવાની લાગણી?? કેમ??...

ભૂમિ પોતાના જ સવાલનો જવાબ શોધી રહી હતી.

***

પ્રકરણ ૩૫

એમ એ ના બીજા વર્ષની પરીક્ષા પૂરી થઇ ગઈ હતી. ભૂમિ શુક્રવારનું પોતાનું છેલ્લું પેપર આપીને સાંજના સમયે જમશેદપુર પરત આવી. નિશાએ આ સમયમાં કોલકાતાના ભવાનીપોર વિસ્તારમાં જ્યાં ગુજરાતીઓ છલોછલ સંખ્યામાં રહે છે ત્યાં તેણે પોતાની ટીફીન સર્વિસ શરુ કરી હતી અને શોમિત્રો છેલ્લું પેપર આપીને એક દિવસ માટે તેની મમ્મીને લઈને દુર્ગાપુર ગયો હતો. વરુણ તો દોઢ મહિનાથી ટૂર પર હતો અને લગભગ એટલા જ સમયથી ભૂમિ કોલકાતામાં પરીક્ષાની તૈયારી સારી રીતે થઇ શકે તેને માટે ત્યાં જ રહી ગઈ હતી. આમ પોતે હવે નવરી બેઠી કોલકાતા એકલી રહીને શું કરશે અને દોઢ મહિનાથી ઘર રેઢું પડ્યું હોવાથી સાફસફાઈ પણ જરૂરી છે એમ વિચારીને ભૂમિએ જમશેદપુર આવવાનું નક્કી કર્યું.

ઘરમાં આવતાવેંત એક તરફ પરીક્ષા સારી ગઈ હોવાનો સંતોષ, એમ એ ફાઈનલનું રિઝલ્ટ શું આવશે એની ઉત્કંઠા અને બીજી તરફ કોલકાતાથી ટ્રેઈનમાં જમશેદપુર સુધી લગભગ ઉભા ઉભા આવવાને લીધે ભૂમિ થાક પણ અનુભવી રહી હતી. ભૂમિને સખત તરસ લાગી હતી અને દોઢેક મહિના સુધી ઘર બંધ રહેવાનું હોવાથી એણે કોલકાતા જતા પહેલાં ફ્રીઝ પણ ખાલી કરી દીધું હતું. ભૂમિએ ઇન્ટરકોમથી સિક્યોરિટી ઓફિસર પાસે કોલોનીના જ સ્ટોરમાંથી ચારેક મિનરલ વોટરની બોટલ મંગાવી. આ બોટલમાંથી એક બોટલ ચિલ્ડ હોવી જોઈએ એવી તાકીદ પણ એણે કરી અને રૂમનું એસી ચાલુ કર્યું.

લગભગ પંદર મિનીટ પછી ભૂમિના દરવાજે નોક થયું અને ભૂમિએ દરવાજો ખોલતા સામે તેણે સિક્યોરીટી ગાર્ડને પ્લાસ્ટિકની થેલીમાં ચાર મિનરલ વોટરની બોટલ જેમાં એક એકદમ ચિલ્ડ હતી એ ઉપરાંત એક કવર લઈને ઉભેલો જોયો.

‘એ લો મેમશાબ આપ કા પાની કા બોટલ ઓર એ આપકા કોવોર.’ સિક્યોરીટી ગાર્ડ જંગબહાદુર એના ટીપીકલ નેપાળી લહેકામાં બોલ્યો.

‘કવર? કિસકા હૈ?’ ભૂમિએ જંગબહાદુર પાસેથી એક હાથમાં પ્લાસ્ટિકની ભારે થેલી અને બીજા હાથમાં પેલું કવર લેતા પૂછ્યું.

‘ઉ તો હમકો નહીં માલુમ મેમશાબ, બોડા શાહબ હમ કો આપકો દેને કો બોલા તો હમ આપકો લા કર દે દીયા.’ જંગબહાદુરે કવર બાબતે પોતાનું અજ્ઞાન જાહેર કર્યું.

‘ઠીક હૈ, રુકો એક સેકન્ડ.’ ભૂમિએ બોટલોની થેલી અને કવર નજીકના ટેબલ પર મૂક્યાં અને પછી સોફા પર પડેલા એના પર્સમાંથી દસ-દસની પાંચ નોટ કાઢી અને જંગબહાદુરને આપી.

‘થેંક્યું મેમશાબ, ઉર કોઈ શેવા હો તો ઈશ ઝોંગબોહાદુર કો કોભી ભી બુલા લેના.’ દસની ચાર નોટ ચાર મિનરલ વોટર બોટલ માટે અને પાંચમી પોતાની બક્ષીસ હોવાનું માલુમ પડતાં જ જંગબહાદુરની આંખો ચમકી ઉઠી અને એણે સલામ કરીને ભૂમિનો આભાર ભવિષ્યમાં પણ તે એનું કામ કરશે એવી ખાતરી આપીને માન્યો.

ભૂમિએ જંગબહાદુરને હા માં ડોકું હલાવીને સ્મિત આપીને વિદાય કર્યો અને સોફા પર બેઠી. ખુબ તરસ લાગી હોવાને લીધે પહેલાં તો ભૂમિએ પેલી ચિલ્ડ મિનરલ વોટર બોટલનું ઢાંકણું તાત્કાલિક તોડીને ખોલી અને એમાંથી એક ઘૂંટડો ભર્યો અને પછી પેલું કવર જે ટેબલ પર ઊંધું પડ્યું હતું એને ઉપાડ્યું. કવરને પલટતાં જે તેણે જોયું કે તે એક વેડિંગ રીસેપ્શનનું કવર હતું જેમાં ચમકતા લાલ અક્ષરે લખ્યું હતું ‘Saumitra with Dhara’. પાણીનો બીજો ઘૂંટડો ભૂમિના ગળામાં જ અટકી ગયો. એની નજર કવરની ચારેતરફ ફરવા લાગી. કવર પર ઉપર “By Courier” અને To, Mr and Mrs Varun Patel લખીને ભૂમિના જમશેદપુરના ઘરનું પૂરું એડ્રેસ લખ્યું હતું. આ અક્ષર સૌમિત્રના જ હતા, ભૂમિ બરોબર ઓળખી ગઈ. ભૂમિએ તરતજ બોટલ ટેબલ પર પાછી મૂકી દીધી અને ફરીથી કવરનું નિરીક્ષણ કરવા લાગી.

ભૂમિની નજર અચાનક જ સૌમિત્ર અને ધરાના નામ નીચે લખેલી તારીખ પર પડી જે ‘22nd May 1997’ સૂચવતી હતી અને આજે તો ચોવીસમી મે હતી. કવર પરની વિગતો વાંચવાની સાથેજ ભૂમિનું ગળું ફરીથી સુકાવા લાગ્યું.

‘સૌમિત્રએ નક્કી મને હેરાન કરવા માટે જ વરુણ પાસેથી ઘરનું અડ્રેસ લઈને આ ઇન્વીટેશન મોકલ્યું હશે નહીં તો માત્ર એક જ મુલાકાતમાં એ વરુણને શા માટે એના લગ્નના રિસેપ્શનમાં ઇન્વાઇટ કરે? રિસેપ્શનની તારીખ પણ બે દિવસ જૂની છે, એટલે એના એક કે બે દિવસ અગાઉ જ સૌમિત્રના મેરેજ થયા હશે... સૌમિત્ર?? પરણી ગયો? ઓહ ગોડ! કોઈ બીજી છોકરી સાથે? નામ ધરા છે...હા એ જ જેનું નામ એણે તે દિવસે ઇન્ટરવ્યુમાં લીધું હતું. બે દિવસ પહેલાની તારીખ છે એટલે નક્કી આ કાર્ડ પંદરેક દિવસ પહેલાં જ આવ્યું હશે. ઘર મહિનાથી લોક હતું એટલે જ સિક્યોરીટીવાળાએ ગેઇટ પર જ કવર લઇ લીધું હશે. ઓહ ગોડ! મને પહેલેથી જ ખબર હોત તો? ખબર પડી પણ ગઈ હોત તો શું હું સૌમિત્રના રિસેપ્શનમાં જવાની હતી?

કોણ હશે આ ધરા? સારી તો હશે જ નહીં તો સૌમિત્રનું લેવલ તો મેં જોયું જ છે ને? એ જેવીતેવી છોકરીને પસંદ કરે જ નહીં. દેખાવમાં અને સ્વભાવમાં મારા જેવી જ હશે? તો જ સૌમિત્રને ગમી હશે. પણ લવ મેરેજ કર્યા હોય તો જ ગમો અણગમો વચ્ચે આવે ને? એટલે સૌમિત્રને મારા પછી ધરા સાથે ફરીથી પ્રેમ થયો હશે? એ છે જ દિલફેંક, તે દિવસે કોલેજના પાર્કિંગમાં પેલી મિસ યુનિવર્સીટી સાથે કેવી લળી લળીને વાતો કરતો હતો? સારું થયું મારે પનારે ન પડ્યો નહીં તો એની સાથે લગ્ન કરીને છ મહીને મારે રોવાનો જ વખત આવત. પણ આ ધરા ચોક્કસ મારાથી પણ સુંદર અને ઇન્ટેલિજન્ટ હશે તો જ સૌમિત્રને બીજી વખત પ્રેમ થયો હશે ને? હા એવું જ લાગે છે, નહીં તો આમ ત્રણ-સાડાત્રણ વર્ષમાં મને સાવ ભૂલી જાય એવો તો એ છે નહીં. ભૂલી ન જાય તો શું મારી પૂજા કરે? મેં જ એનું ઈન્સલ્ટ કરીને... અને હું પણ પરણી ગઈ છું તો એને પણ હક્ક છે કોઈ બીજા સાથે સુખેથી જીવન વિતાવવાનો.

કોણ હશે એ ધરા? મને કેમ એ નથી ગમી રહી? હું સૌમિત્રને ક્યાં પ્રેમ કરું છું? તો પછી મને એની ઈર્ષા કેમ આવે છે? મને કેમ એવું લાગી રહ્યું છે કે કોઈ મારા પોતાના પાત્રને છીનવી ગયું અને એ પણ મારી જાણ બહાર? અત્યારે તો એ બંને કદાચ હનિમૂન માટે પણ નીકળી ગયા હશે નહીં? ક્યાં ગયા હશે? સૌમિત્ર તો હવે મોટો રાઈટર બની ગયો છે. સાંભળ્યું છે એની બીજી બૂક ‘લવ ટ્રાન્ઝીશન’ પણ ખુબ મોટી બેસ્ટ સેલર બની ગઈ છે. એટલે પૈસાનો તો કોઈજ વાંધો નહીં હોય એને. કદાચ કોઈ ફોરેન કન્ટ્રીમાં હનિમૂન માટે એ ધરાને લઇ ગયો હશે. પણ મારે શું? મારે અને સૌમિત્ર વચ્ચે કશું ક્યાં રહ્યું જ છે? ઉપરવાળાને પણ હવે અમે ફરીથી મળીએ નહીં એવી ઈચ્છા છે નહીં તો તે વખતે એની જમશેદપુરની ટ્રીપ આમ અચાનક કેમ કેન્સલ થાય?

મને હિતુભાઈના લગ્નમાં જે રીતે એણે કિસ કરી હતી અને તે દિવસે મને એમનેમ છોડીને જતા રહેવા સુધી એણે જે રીતે મને પ્રેમ કર્યો હતો... અને એની નોવેલ ધરામાં જે રીતે સૌમિત્રએ એના હીરો હિરોઈન વચ્ચેની બેડરૂમની ઘટનાઓનું વર્ણન કર્યું છે એનાથી તો એવું લાગે છે કે સૌમિત્ર એ બધી બાબતોમાં રીતસરનો કલાકાર હશે. આજકાલ એ એની ધરાને પણ એવી રીતે જ પ્રેમ કરતો હશે ને? સૌમિત્ર જ્યારે ધરા પર પોતાની પ્રેમ કરવાની એ કળા અજમાવતો હશે ત્યારે ધરા પોતાની જાતને એ વખતે કેટલી લકી માનતી હશે નહીં?મારા અને વરુણ જેવું થોડું છે કે બે-ત્રણ મહીને એક વખત અને એ પણ જ્યારે એને મન થાય ત્યારે અને મારા સંતોષ કે મારે શું જોઈએ છીએ એની કોઈ ચર્ચા વગર? અત્યારે એ બંને હનિમૂન પર હશે એટલે કદાચ આ સમયે પણ...? હું શું કરવા આ બધું વિચારી રહી છું? મારે અને સૌમિત્રને શું? એ લગ્ન કરે કે ન કરે. એના જીવનમાં ધરા આવે કે બીજી કોઈ છોકરી મારે કેટલા ટકા?

પણ તોયે મને કેમ એવી ફીલિંગ થઇ રહી છે કે અત્યારે ધરાની જગ્યાએ મારે હોવું જોઈતું હતું અને ધરા કરતાં સૌમિત્રને હું વધારે ડિઝર્વ કરું છું? મને કેમ અત્યારે ને અત્યારેજ સૌમિત્ર મારા આખા શરીરને પ્રેમ કરે એવી લાગણી થઇ રહી છે?’

શુક્રવારે સાંજથી આ જ મનોમંથનમાં લાગી પડેલી ભૂમિએ ઘરની સાફસફાઈનો પ્લાન પણ કોરાણે મૂકી દીધો. એના મનમાં સતત સૌમિત્ર અને ધરા જ ઘૂમી રહ્યા હતા. રાત્રે પણ એ સુતી ખરી પણ એને બિલકુલ ઊંઘ ન આવી. જેમતેમ કરીને એણે ત્રણ વગાડ્યા. આ સમયે જ તેણે નક્કી કરી લીધું કે એ સવારની ટ્રેઈનમાં કોલકાતા પાછી જશે અને શોમિત્રોને મળશે અને એને પૂછશે કે પોતાને આવું કેમ થઇ રહ્યું છે? પણ શોમિત્રો તો દુર્ગાપુર ગયો હતો એને કેવી રીતે એ મેસેજ આપશે એવો વિચાર આવતાં જ ધરાએ એક દિવસ મોડું કોલકાતા જવાનું નક્કી કર્યું. પણ અચાનક જ તેને યાદ આવ્યું કે તેની પાસે શોમિત્રોનો પેજર નંબર તો છે!

ભૂમિએ તરતજ પોતાની એડ્રેસ ડાયરી બેગમાંથી કાઢી અને શોમિત્રોના પેજર નંબર શોધીને તરતજ તેણે એને પેજ કર્યું કે સવારે ઉઠતાં વેંત એ તેને જમશેદપુરના નંબર પર કોલ કરે. શોમિત્રોને પેજ કર્યા બાદ ભૂમિને થોડી રાહત થઇ હોય એમ એને ઉંઘ આવી ગઈ.

***

‘તું કેરલા હનિમૂન એન્જોય કરવા આવી છે કે ન્હાવા માટે?’ કેરલાની એક સ્ટાર હોટેલના ભવ્ય બેડરૂમના કિંગ સાઈઝ બેડમાં બેઠાબેઠા હજી વહેલી સવારની જ ફ્લાઈટમાં જ ઉતરેલા સૌમિત્રએ બાથરૂમમાં ન્હાઈ રહેલી એની પત્ની ધરાને બુમ પાડીને કીધું.

‘સોમુ રે...બે જ મિનીટ!!’ ધરાએ એની અને સૌમિત્રની સગાઈ થયા બાદ એણે સૌમિત્રનું પાડેલું ખાસ નામ ઉચ્ચારીને જવાબ આપ્યો.

‘બે મિનીટ બે મિનીટ કરતાં પચ્ચીસ મિનીટ થઇ ગઈ ધરા! બસ હવે.. અને અંદર એકલી એકલી એવું તો શું કરે છે જેમાં તને મારી મદદની જરૂર ના હોય?’ બાથરૂમના દરવાજાની બહાર ઉભા રહી ગયેલા સૌમિત્રએ ધરાની મશ્કરી કરી.

‘ઝરા ઉલજી લટેં સંવાર લૂં, હર અંગ કા રંગ નિખાર લું... સજના હૈ મુજે સજના કે લિયે...’ સૌમિત્રના સવાલના જવાબમાં ધરાએ માત્ર આ ગીતની બે લાઈન જ ગણગણી.

‘ઓહો! પણ હવે હું તને ફક્ત એક જ મિનીટ આપું છું, જે પોઝીશનમાં હોય એ પોઝીશનમાં બહાર આવી જા બસ નહીં તો ફ્લાઈટમાં નક્કી કરેલો આપણો અત્યારનો પ્રેમનો પ્રોગ્રામ એની મેળે જ કેન્સલ થઇ જશે અને હું લંચ ટાઈમ સુધી ઉંઘી જઈશ! આને છેલ્લી વોર્નિંગ ગણવી મિસીઝ ધરા સૌમિત્રકુમાર પંડ્યા!’ સૌમિત્ર આટલું બોલીને બેડ પર પરત થયો.

સૌમિત્રએ બેડ પર પડેલું એકદમ સોફ્ટ ઓશીકું પોતાના ખોળા વચ્ચે લીધું અને સામે રહેલા બાથરૂમના દરવાજા સામે જોઇને ઉંધી ગણતરી કરવા લાગ્યો.

‘પંદર, ચૌદ, તેર, બાર, અગિયાર, દસ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે......એક.... અને આ સાથે આપણો પ્રોગ...’ સૌમિત્ર આગળ કશું બોલે ત્યાં જ બાથરૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો એટલે એ રોકાઈ ગયો.

દરવાજો ધીમેધીમે ખુલ્યો અને એમાંથી ધરા પણ ધીરેધીરે બહાર આવી. ધરાના સમગ્ર શરીરમાંથી પાણી ટપકી રહ્યું હતું અને એણે સૌમિત્રનો જ ઝભ્ભો પહેર્યો હતો. પાતળા કપડામાંથી બનેલો એ ઝભ્ભો ધરાના શરીર સાથે ચપોચપ ચોંટી પડ્યો હતો અને ધરાના દરેક અંગોના ઉભાર અને વળાંક બરોબર દેખાડી રહ્યો હતો. સૌમિત્રએ આપેલી વોર્નિંગ અને એની ઉલટી ગણતરીને લીધે કદાચ ધરા તેના અંત:વસ્ત્રો પણ નહોતી પહેરી શકી.

ધરાની જમણી બાજુએ આવેલી બારીમાંથી વહેલી સવારના સૂર્યનું એક કિરણ અચાનક જ હવાથી હલેલા પડદાને લીધે સીધું જ ધરા પર જ આવી પડ્યું અને એ સાથે જ સૌમિત્રએ એના જ ઝભ્ભા સાથે ચપોચપ ચોંટી ગયેલા ધરાના ઉત્તેજીત સ્તનોના દર્શન કર્યા. સામેજ કિંગ સાઈઝ બેડની બરોબર વચ્ચે બેઠેલા સૌમિત્રની આંખો ધરાના સમગ્ર શરીરને સ્કેન કરવા લાગી. ધરાના ભીંજાયેલા વાળમાંથી ટપકતું પાણી, એની શરમ અને તોફાન મિશ્રિત આંખો જે સતત સૌમિત્રને ઘૂરી રહી હતી, વાળમાંથી નીતરી રહેલું પાણી જે ધરાના મોટા ઉભારવાળા અને યોગ્ય આકારવાળા સ્તનોની ખીણ વચ્ચેથી પસાર થઇ રહ્યું હતું તે પણ સૌમિત્ર ઝભ્ભાના બટન ખુલ્લા હોવાથી સ્પષ્ટ જોઈ રહ્યો હતો. આમ નીચેની તરફ જોતજોતા સૌમિત્રની નજર ધરાના ગોરા અને માંસલ પગ પર પડ્યા જે સૂર્યની પેલી કિરણથી ચમકી રહ્યા હતા અને તેના પર સ્થિર થઇ ગયેલા પાણીના ટીપાં તેને વધારે સુંદર બનાવી રહ્યા હતા.

આ દ્રશ્ય જોઇને સૌમિત્રએ એના ખોળામાં રહેલું ઓશિકું નીચેની તરફ દબાવ્યું અને પોતાના નીચલા હોઠ પર જીભ ફેરવી. ધરાએ પણ સૌમિત્રનું આમ કરવું બરોબર પકડી લીધું અને એણે સૌમિત્ર સામે આંખ મારી અને પોતાનો નીચલો હોઠ પોતાના જ દાંત વચ્ચે દબાવ્યો.

‘તને તો હું નહીં છોડું, આજે તો તું ગઈ....’ આટલું બોલીને સૌમિત્રએ બેડ પરથી રીતસર કુદકો માર્યો અને ધરાને હજી કશી ખબર પડે એ પહેલા જ એને એના બંને ખભેથી પકડીને એને સહેજ ધક્કો મારીને તેની પાછળ રહેલી ભીત સાથે તેને સજ્જડ ચોંટાડી દીધી અને ધરાનું અનોખું રૂપ જોઇને પાગલ થયેલો સૌમિત્ર એના પર તૂટી પડ્યો.

***

‘કી હોલો ભૂમિ, શોબ ઠીક આછે તો?’ ભૂમિના કોટેજના મુખ્ય હોલમાં ઘૂસતાં જ એની રાહ જોઈ રહેલો શોમિત્રો તરતજ સોફા પરથી ઉભો થઈને તેની પાસે આવ્યો.

‘અંદર ચલો સબ બતાતી હું.’ આટલું કહીને ભૂમિ કોટેજમાં આવેલા વસુંધરાના ખાસ રૂમ તરફ ચાલવા લાગી. શોમિત્રો પણ તેની પાછળ જ દોરવાયો.

વસુંધરાના રૂમની ચાવી શોમિત્રો પાસે જ રહેતી હોવાથી ભૂમિ રૂમના દરવાજે આવીને અટકી અને એણે શોમિત્રો સામે જોયું. ભૂમિ તેને શું કહેવા માંગે છે એ સમજવામાં શોમિત્રોને સહેજ વાર થઇ એટલે ભૂમિએ તાળા સામે જોયું. શોમિત્રો ભૂમિનો ઈશારો સમજી ગયો અને એણે તરતજ ખિસ્સામાંથી ચાવી કાઢી અને રૂમ ખુલ્લો કર્યો.

‘દરવાજા બંધ કર દો શોમિત્રો.’ ભૂમિએ રૂમમાં ઘૂસતાંની સાથેજ શોમિત્રોને કીધું.

શોમિત્રોએ પળવારનો વિલંબ કર્યા વગર દરવાજો બંધ કરી દીધો. આ દરમિયાન ભૂમિએ પોતાની એરબેગમાંથી સૌમિત્રના વેડિંગ રિસેપ્શનનું ઇન્વીટેશન કાઢ્યું અને જેવો શોમિત્રો રૂમનો દરવાજો બંધ કરીને તેની તરફ વળ્યો કે ભૂમિએ એ ઇન્વીટેશન શોમિત્રો સામે ધર્યું.

‘ઉડી બાબા એ તો ઉ ગુજરાટી શોમિત્રોબાબુ કા ભેડીંગ રીશેપ્શોન કા ઇન્વીટેશોન હૈ! આપ એમેદાબાદ ગોયે થે કા?’ શોમિત્રો એ કવરમાંથી કાર્ડ કાઢીને વાંચતા વાંચતા હળવા સ્વરે ભૂમિની સામે જોયા વગરજ કહ્યું.

આટલું સાંભળતા જ ભૂમિ દોડીને શોમિત્રોને વળગી પડી અને ખૂબ રડવા લાગી.

‘ઓરે બાબા!! કી હોલો...ઇતના કયું રો રહી હો ભૂમિ?’ શોમિત્રોએ પણ પોતાના હાથ વાળ્યા અને ભૂમિને ભેટી પડ્યો. શોમિત્રો ધીરેધીરે ભૂમિની પીઠને સહેલાવવા માંડ્યો.

‘ઉસને ઐસા ક્યૂં કિયા શોમિત્રો? મુજે ઐસા ક્યૂં લગ રહા હૈ કી ધરા કી જગહ આજ મુજે ઉસકે સાથ હોના ચાહિયે થા? મુજે જવાબ દો શોમિત્રો. મુજે જવાબ ચાહિયે, વર્ના મૈ ઇન દો સવાલો કે બોજ તલે દબ કર મર જાઉંગી.’ ભૂમિ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી.

શોમિત્રોએ ભૂમિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને એના માથે અને પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. એની આંખ પણ ભીની હતી.

‘ભૂમિ, ફાર્સ્ટ આફ આલ આપ શાંત હો જઈએ. આમરા ભૂમિ કી ઇન બોરી બોરી આંખોમેં આશું આમકો બિલકુલ ઓચ્છે નહીં લગતે. આપ ઇધોર બૈઠો.બોશુન..બોશુન.’ શોમિત્રો ભૂમિને પરાણે બેડ પર બેસાડી અને કિચનમાંથી ઠંડુ પાણી લઇ આવ્યો.

ભૂમિની જબરી આનાકાની પછી પણ શોમિત્રોએ એને ફોર્સ કરીને બે ઘૂંટડા પાણી પિવડાવ્યું અને પોતે ભૂમિની બાજુમાં બેઠો.

‘યુ નો ભૂમિ, ટુ સોલ્વ એની પ્રોબ્ભલેમ ફાર્સ્ટ આફ આલ વન નીડ્સ ટુ એક્સેપ્ટ ધ પ્રોબ્ભલેમ. મોત્લોબ જોબ તોક આપ શ્વીકાર નેહી કોરેગા કી આપ પ્રોબ્ભલેમ મેં હૈ, આપકા પ્રોબ્ભલેમ ખુદ ભોગવાન ભી શોલ્વ નેહી કોર પાયેગા.’ આટલું કહીને ભૂમિની લટ જે એના ચહેરા પર આવી ગઈ હતી અને એના આંસુને લીધે એનો છેડો ભીનો થઇ ગયો હતો એને શોમિત્રોએ એને એની તરફ સહેજ ઝૂકીને ખસેડીને એના કાન પાછળ એડજેસ્ટ કરી દીધી અને ભૂમિના બંને ગાલ પર રહેલા આંસુ તેણે પોતાના રૂમાલથી લુછી દીધા .

‘મેં કુછ સમજી નહીં શોમિત્રો.’ ભૂમિ બોલી પણ હજી એનાં ડૂસકાં ચાલુ જ હતા.

‘દાખો, આજ જો તોમરા જો હાલોત હૈ ઉ હાલોત કા જિમ્મેદાર ઓર કોઈ નેહી હૈ ખુદ આપ હો.’ શોમિત્રોએ સ્મિત સાથે ભૂમિને સમજાવતાં કહ્યું.

‘શોમિત્રો મેરે પલ્લે કુછ નહી પડ રહા, ઝરા સિમ્પલ ભાષામે સમજાઓગે પ્લીઝ?’ ભૂમિએ શોમિત્રોને વિનંતી કરી.

‘ભૂમિ દાખો મેં કોઠોર નેહી બોનના ચાહતા, બાટ ટુ કમ આઉટ ઓફ ધીશ શિચ્યુએશન આપકો એઈ બાત એક્સેપ્ટ કોરના પોડેગા, કી આપ આભીભી, ઇવન નાઉ, ઉ ગુજરાટી શોમિત્રોબાબુ કો ઉતનાહી પ્રેમ કોરતા હૈ જૈશા કી પાહીલે કોરતા થા.’ શોમિત્રો એ પોતાની વાત શરુ કરી.

‘નહીં, યે સચ નહીં હૈ, મુજે ઉસસે બિલકુલ પ્યાર નહીં હૈ. નફરત કરતી હું મૈ ઉસસે. ઔર તુમસે મૈ મેરે સવાલો કે જવાબ લેને આઈ થી જો પિછલે પન્દ્રહ ઘંટો સે મેરા પીછા નહીં છોડ રહે. મૈ યે સબ સુનને કે લિયે નહીં આઈ થી, બાય!’ આટલું કહેતાં જ ભૂમિ બેડ પરથી ઉભી થઇ ગઈ અને દરવાજા તરફ ચાલવા લાગી.

‘રુકિયે ભૂમિ, એકઠો બાર આમરા કોથા શુનો, અગોરઉશ્કે બાદ ભી આપકો આપકે દોનો પ્રોશનો કા ઉત્તોર નેહી મિલતા તો ફિર ચોલી જાના.’ શોમિત્રો એ બેડ પર લાંબા પગ કરીને ટેકો લેતાં લેતાં કહ્યું, જાણેકે એને ખાતરી હતી કે ભૂમિ એની પૂરી વાત સાંભળ્યા વગર નહીં જ જાય.

શોમિત્રો તેનાથી બે ડગલાં દુર જઈને રોકાઈ ગયેલી ભૂમિની પીઠ તરફ તાકીને જોઈ રહ્યો હતો અને ભૂમિ આગળ શું કરશે તેની રાહ જોવા લાગ્યો.

***

પ્રકરણ ૩૬

શોમિત્રોનો આત્મવિશ્વાસ રંગ લાવ્યો. ભૂમિ બેડના ખૂણે જ્યાં શોમિત્રોએ પોતાના પગ લાંબા કર્યા હતા ત્યાં આવીને બેસી ગઈ.

‘આભી આમી આપકો જો ભી પ્રોશનો પૂછેગા તુમ્હે ઉશ્કા શોત્તી શોત્તી ઉત્તોર દેના પોરેગા. કારોન એઈ તુમ્હારી લાઈફ લિયે એકદોમ જોરુરી હૈ ભૂમિ.’ શોમિત્રોએ લાંબા પગે બેઠાબેઠા જ એના બેય હાથ એની ડોક પાછળ મુક્યા.

ભૂમિએ ડોકું હલાવીને હા પાડી.

‘ગૂડ, અભી એઈ બોતાઓ ભૂમિ કે તુમી ઉ ગુજરાટી શોમિત્રો બાબુસે પ્યાર કોરતા હૈ ના?’ શોમિત્રોએ પહેલો સવાલ પૂછ્યો.

‘નહીં મૈ ઉસે નફરત કરતી હૂં ઔર ઢેર સારી નફરત કરતી હૂં.’ ભૂમિના રડમસ ચહેરા પર અચાનક ગુસ્સો આવી ગયો.

‘કેનો? આઈ મીન ક્યોં?’ શોમિત્રોનો બીજો સવાલ તૈયાર જ હતો.

‘ક્યૂંકી ઉસને મુજે તબ છોડા જબ મુજે ઉસકી સબસે ઝ્યાદા ઝરૂરત થી ઔર ઉસને મેરી પરવાહ તક નહીં કી. તુમ્હે સબ પતા તો હૈ ફિરભી ક્યૂં પૂછ રહે હો?’ ભૂમિ શોમિત્રોની વિરુદ્ધ દિશામાં જોઇને બોલી.

‘તુમ શીર્ફ આમરા પ્રોશનો કા ઉત્તોર દો. હમમ... અબ એ કોથા બોલો કી ઉશને આપકો છોરા થા યા આપને ઉશ્કો છોરા થા? દાખો જૂઠ નેહી બોલના, ઈ રૂમ બોશુન્ધોરા કા રૂમ હૈ ઓર એક્દોમ પોવિત્રો હૈ ઈશ લિયે ઇધોર પ્રેમ કોરને વાલો કો જૂઠ બોલના મોના હૈ...’ શોમિત્રોએ ભૂમિને ચેતવી.

‘ઉસને.... ઉસને મેરી ઈચ્છા નહીં માની ઇસ લિયે મૈને ઉસ દિન ઉસકો જાને કો બોલ દીયા થા.’ ભૂમિએ સાચેસાચું કહી દીધું.

‘આપકી કૌન શી બાત નેહી માની શોમિત્રોબાબુને?’ શોમિત્રોએ સૌથી વેધક સવાલ કર્યો.

‘મેરે સાથ એક બાર ફીઝીકલ રીલેશન રખને કી.’ શોમિત્રોની ચેતવણી બાદ ભૂમિ હવે કદાચ સાચું જ બોલવાની હતી.

‘ભાલો... ઔર આપકો ઉશ્કે શાથ ફીઝીકોલ ક્યૂં હોના થા? આપકી તો શાદી હોને વાલીથી આફ્ટાર ભન ભીક?’ શોમિત્રોનો આગલો સવાલ.

‘બીકોઝ મૈ પાપા ઔર વરુણ સે બદલા લેના ચાહતી થી. પાપાસે ઇસ લિયે તાકી મૈ સૌમિત્રકો ઉનકી પસંદ વરુણ સે પહેલે અપને આપકો સોંપ દૂં ઔર ઇસ તરહ મૈ મેરે ઉપર થોપી ગઈ ઉનકી ઈચ્છા કા વિરોધ કર સકું, ઔર વરુણસે ઇસ લિયે ક્યૂંકી મૈ ઉસકે સામને વર્જિન રેહ કે નહીં જાના ચાહતી થી, મૈ અપના સબકુછ ઉસકો દે દેના ચાહતી થી જો ઉસ વક્ત મેરે લિયે સબકુછ થા.’ ભૂમિ હવે જરા ટેકામાં આવી.

‘મતલોબ કી આપ શીર્ફ અપના બોદલા લેને કે લિયે ઉ શોમિત્રોબાબુસે ફીઝીકોલ રીલેશન રોખના ચાહતી થી.’ શોમિત્રો એ આગલો સવાલ પૂછ્યો.

‘હા..’ ભૂમિને સમજ નહોતી પડી રહી કે શોમિત્રો એકની એક વાત કેમ પૂછી રહ્યો છે એ મનોમન અકળાઈ રહી હતી, પણ એણે હવે ગુસ્સો ન કર્યો કારણકે એને એવી આશા હતી કે આ ચર્ચાને અંતે કદાચ શોમિત્રો એને ગઈકાલથી જે બે સવાલો ખટકી રહ્યા છે એનો જવાબ આપશે.

‘અચ્છા.. અબ તો ઉ શોમિત્રોબાબુકા બીભાહ હો ગિયા હૈ તો આપકો કેશા લોગતા હૈ?’ શોમિત્રોએ ફરીથી સવાલ કર્યો.

‘મૈને કહા ના? કી મુજે ઉસ પર ગુસ્સા આ રહા હૈ. ઉસકે કારણ આજ મેરી જગહ ધરાને લે લી હૈ.’ ભૂમિ ના ચહેરા પર ફરીથી ગુસ્સો આવી ગયો.

‘ઉશ્કે કારોન? આપ દોનોને તો ઓલોગ હોને કા તીન ઠો શાલ પેહીલે ડીશાઈડ કોર દિયા થા, ફિર ઉશ્મે શોમિત્રોબાબુ કા યા આપકા કોઈ દોષ નેહી હૈ.’ શોમિત્રોએ પહેલીવાર કોઈ પ્રશ્ન ન કર્યો.

‘પર અગર ઉસ દિન હમલોગ ફિઝીકલ રીલેશન રખ લેતે તો તો હમ દોનો હમેશાં એક દુસરે કે હો જાતે ઔર ફિર ચાહે ફિર ઉસકી શાદી ધરા સે હોતી તો મુજે આજ ઇતના ગુસ્સા નહીં હોતા. ઇતના તો ક્યા બિલકુલ હી નહીં આતા ક્યૂંકી મુજે ઓલરેડી વો મિલ ગયા હોતા જો મૈને સૌમિત્ર સે ચાહા થા.’ ભૂમિ બોલી.

‘હમમ... મતલોબ આપ ધરા શે શાદી કોરને કા ક્રાઈમ કોરને કે લીયે અગર ચાંશ મિલે તો ઉ શોમિત્રોબાબુ શે બોદલા લેના ચાહોગી?’ શોમિત્રો ફરીથી સવાલ પૂછવા તરફ વળ્યો.

‘હાં, અગર મેરે બસમેં હોતા તો ઝરૂર. ગુસ્સા તો ઇતના હૈ સૌમિત્ર ઔર ધરા પર કી પૂછો હી મત. પર ક્યા કરું? વો ઉધર અહમદાબાદ મેં ઔર મૈ ઇધર કોલકાતા મેં.’ ભૂમિ પોતાના દાંત ભીંસીને બોલી.

‘નો પ્રોભ્લેમ કોલકાતા મેં રેહ કોર ભી આપ ઉ શોમિત્રોબાબુ શે બોદલા લે શોક્તી હો. આમી તોમાર બોન્ધુ ભૂમિ, આમી તુમકો બોદલા લેને મેં મોદોદ કોરેગા.’ શોમિત્રોએ હવે ભીંતનો ટેકો છોડ્યો અને ભૂમિ તરફ ઝૂક્યો.

‘સચ? કૈસે?’ ભૂમિને પહેલી વખત શોમિત્રોની કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને એની આંખો ચમકી ઉઠી.

‘દાખો. આપ કો ગુસ્સા હૈ કી આજ ઉ ધોરા હોનીમૂન પે ઉ શોમિત્રોબાબુ કે શાથ એભરી ટાઈમ મોશ્તી કોરતા હોગા?’ શોમિત્રોએ ભૂમિની વધારે નજીક આવીને પૂછ્યું.

‘હાં.. ક્યૂંકી આઈ ડિઝર્વ સૌમિત્ર મોર નોટ શી.’ ભૂમિ ફરીથી ગુસ્સાના સ્વરમાં બોલી.

‘રાઈટ, ફિર આપ ઇધોર મેરે શાથ શીર્ફ એકઠો બાર ફીઝીકોલ રીલેશોન રોખ લીજીયે ઔર ઉ શોમિત્રો શે બોદલા લે લીજીયે શીમ્પાલ!’ શોમિત્રોએ લગભગ ભૂમિના કાનમાં આ વાત કરી, એનો સ્વર ધીમો હતો.

‘વ્હોટ???’ ભૂમિને શોમિત્રો આમ કહેશે એની આશા ન હતી એટલે એનાથી જોરથી બોલાઈ ગયું.

‘યેશ...દાખો. તુમ આમરે શાથ શેક્શ કોરકે ઉ શોમિત્રોબાબુ કા બોદલા લો ઔર ઉશ્કો બોતા દો કી દાખો ઓગોર તુમ ઉશ લોરકી કે શાથ શેક્શ કોરતે હો જો તુમકો ડીઝાર્ભ નેહી કોરતી તો આમને ભી ઉશ લોરકે કે શાથ શેક્શ કિયા હૈ જો આમ કો ડીઝાર્ભ નેહી કોરતા.’ શોમિત્રોએ સ્પષ્ટતા કરી.

‘હેવ યુ ગોન મેડ શોમિત્રો? ઐસે કૈસે મૈ તુમ્હારે સાથ? ઔર યે રૂમ? અભી અભી તુમને કહા કી વસુંધરાકી પવિત્ર આત્મા ઇસ રૂમમેં બસતી હૈ ઔર ઇધર તુમ મેરે સાથ? ઔર તુમ્હારે સાથ મૈ ઐસા કર સકતી હૂં વો મેં કભી સોચ ભી નહીં સકતી ક્યૂં કી તુમ મેરે સબસે અચ્છે દોસ્ત હો ઔર તુમને યે કૈસે સોચ લિયા? ’ ભૂમિ સમજી નહોતી શકતી કે અચાનક શોમિત્રોએ આમ કેમ કીધું?

‘ઓરે બાબા, ઈશ્મે શોચના ક્યા હૈ? દાખો..તુમ ન્હાઈન્ટી પરસેન્ટ બોશુન્ધોરા જેશા હી દિખતા હૈ, ઓમી એશે શોચેગા કી તુમ બોશુન્ધોરા હી હૈ. આમી યે શોચેગા કી થોડા શોમોય હમકો અમરા બોશુન્ધોરા ઉશ્કે હી કોમરે મેં બાપીશ મિલ ગયા ઔર શાથ મેં તુમ્હારા બોદલા ભી હો જાયેગા.’ શોમિત્રોએ શોમિત્રોએ ભૂમિનો ખભો દબાવતાં કહ્યું.

‘તુમ પાગલ હો ગયે હો. ઐસે કૈસે મેરા બદલા પૂરા હો સકતા હૈ? સૌમિત્રો ઉધર મૈ ઇધર ઔર અગર હમ ઐસા કરે તો ભી તુમ્હે યે લગતા હૈ કી મૈ ઉસકો સામને સે બતાઉંગી કી મૈને ઉસકા બદલા લેને કે લિયે કિસી ઔર કે સાથ સેક્સ કિયા હૈ?! વ્હોટ રબીશ!!’ ભૂમિએ શોમિત્રોનો હાથ એના ખભેથી પકડીને એક ઝાટકે હટાવી દીધો.

ભૂમિનું આમ કરતાં જ શોમિત્રો બેડ પરથી ઉભો થઈને હસવા લાગ્યો, લગભગ પાગલની જેમ, તાળીઓ પાડતા પાડતા અને આખા રૂમમાં આ જ રીતે હસતાંહસતાં આમથી તેમ ફરવા લાગ્યો. ભૂમિને શોમિત્રોના આ વર્તનની ખૂબ નવાઈ તો લાગી જ રહી હતી પણ હવે તેને શોમિત્રોનો કદાચ ડર પણ લાગી રહ્યો હતો. બે ઘડી એને એમ લાગ્યું કે એની સાથે સેક્સ કરવાની ના પાડી એટલે શોમિત્રો ક્યાંક આમ પાગલ થઈને એના પર બળજબરી ન કરે, એ બેડ પરથી ઉભી થઇ ગઈ ને શોમિત્રોને જોઈ રહી. થોડો સમય આ રીતે હસ્યા બાદ શોમિત્રો એ ટેબલ પર ભૂમિ માટે જે પાણીનો શીશો લાવ્યો હતો એમાંથી એણે પાણી પીધું.

‘બોશુન. ફીકોર નેહી કોરો આમી ફાઈન એન્ડ યુ આર શેફ.’ ભૂમિને બેડ પર બેસવાનું કહીને શોમિત્રો એ નજીક પડેલી પ્લાસ્ટિકની ખુરશી ખેંચી અને પોતે એના પર બેસી ગયો.

‘મેરે કુછ સમજ મેં નહીં આ રહા શોમિત્રો. પ્લીઝ મુજે કહો યે તુમ ક્યા કેહ રહે થે ઔર ઐસે પાગલોં કી તરહ ક્યૂં હસ રહે થે?’ ભૂમિના ચહેરા પર શાંતિ મિશ્રિત ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો.

‘શોમજાતા હૂં. શુનો જેશે મેરે શાથ અભી શેક્શ કોરને શે, ઉ ગુજરાટી શોમિત્રોબાબુ ઇધોર નેહી હોને શે ઔર ઉનકો ઈશ કોથા કા જ્ઞાન નેહી ચોલને શે ઉનકા બોદલા તુમ નેહી લેના ચાહતી વેશે હી ઉ દિન ઓગોર તુમ ઉ શોમિત્રો કે શાથ શેક્શ કોર ભી દેતી તો આપકે બાબા કે શાથ ઔર વોરુણ કે શાથ આપકા રીભેન્જ કેશે પૂરા હો શોકતા થા? ઉ દોનો કો તુમી ક્યા બોતાને વાલા થા કી દાખો આપને તો મેરા જીબોન ખોરાબ કોર દિયા તો ઉશ્કા બોદલા મેને શોમિત્રો શે શેક્શ કોરકે લે લિયા? બોતાતી ક્યા?’ શોમિત્રોનો અત્યારસુધીનો સૌથી ધારદાર સવાલ ભૂમિ સામે આવીને ઉભો રહ્યો.

ભૂમિ શોમિત્રોની આ ધારદાર દલીલથી છક થઇ ગઈ. ભૂમિએ કદીયે આ એન્ગલથી વિચાર્યું જ ન હતું. એના હાથપગ બેડ પર બેઠાબેઠા જ ઠંડા થઇ ગયા જાણેકે એમાંથી લોહી વહેવાનું જ અચાનક બંધ થઇ ગયું હોય એમ એને લાગી રહ્યું હતું.

‘ઉ શોમોય એશા થા ભૂમિજી જોબ આપકો આપકા પ્રેમી નેહી મિલને શે આપકે મોનમેં બોહુત ગુશ્શા થા બીકોઝ યોર ફાધર વોઝ ભેરી ઇન્ફ્લુએન્શાલ એન્ડ પાભરફૂલ ઔર આપકો આપકા બાબા ઉ શોમિત્રોબાબુ કો કૂછ એશાવેશા કોર દે ઉ ભી નેહી ચાહિયે થા શો યુ વાર એન્ઘરી એન્ડ કોન્ફ્યુઝ્ડ ઓલ્શો. જોબ આપકે મોનમેં ગુશ્શા હોતા હૈ ઓર આપ કુછ નેહી કોર શકતે તોબ આપકા કોઈ ભી ડીશીઝોન સેહી નેહી હોતા. આપકા ગુશ્શા આપકે બાબા પોર થા, બાટ આપને ઉશ્કો ઉ ગુજરાટી શોમિત્રોબાબુ પોર નીકાલ દિયા બીકોઝ હી ડીડ નોટ ફૂલફીલ યોર વિશ. કોઈ ભી નારી જોબ ગુશ્શેમે હોતા હૈ ઔર ઉશ્કી વિશ પૂરી નેહી હોતી તો શી એક્ટ્સ લાઈક એ વુન્ડેડ ટાઈગ્રેશ. બાટ પ્રોભ્લેમ એ હુઆ કી આપકા જો વુન્ડ હૈ ઉ તીન શાલ તોક નેહી ભરા, ભીકોઝ આપકો કીશીને શોમજાયા નેહી કી આપ કેશે ગોલોત થી, ના હી આપને ખુદ કોભી કોશીશ કી શાંતિ શે શોચને કી આપ રાઈટ થી યા રોંગ.’

ભૂમિ શોમિત્રોની એકેએક વાત ધ્યાનથી રહી હતી અને એને એની ભૂલ પણ ધીરેધીરે સમજાઈ રહી હતી. ભૂમિને શોમિત્રો હજીપણ બોલતો રહે એવી ઈચ્છા થઇ રહી હતી જેથી એના મનમાં સૌમિત્ર માટે જે ગ્રંથી હતી એ સંપૂર્ણપણે દૂર થઇ જાય.

‘પ્યાર મેં એક શોમોય એશા હોતા જાતા હૈ કી હોમ ઓપને પ્રેમી કો ટેકાન ફોર ગ્રાન્ટેડ લે લેતા હૈ. આપને શોચા કી ઉ શોમિત્રોબાબુ આપ જો બોલેગા વો કોરેગા. ઉશ દિન તોક તો ઉન્હોને શાયોદ એશા કિયા ભી હોગા, પાર ઉશ મોમેન્ટ પોર જબ આપ દોનો એક દૂસરે મેં ખો રહે થે તબ ઉ શોમિત્રોબાબુકો શાયોદ અચાનોક કુછ ખાયાલ આયા હોગા કી એઈ જો તુમ દોનો કોર રહે હો ઉ ગોલોત હૈ. ભાય? ઉ તો ઉ શોમિત્રોબાબુ હી આપકો બોતા શોકતા હૈ. ઉશ દિન અગોર આપ ગુશ્શા નેહી હોતી તો શાયદ ઉ આપકો શોમજા ભી શોકતા થા કી ભાય હી ઈશ શેઈંગ નો. બાટ આપને તો ઉનકો ઉધોર શે નિકાલ દિયા. દાખો આમી તુમ્હારા ફોલ્ટ હૈ એશા નેહી કેહ રોહા હૈ. ઈટ વાઝ એ હીટ ઓફ ધા મોમેન્ટ. બશ ઉશ્મે હી એઈ શોબકુછ હો ગીયા જો નેહી હોના ચાહિયે થા.’ શોમિત્રોએ હવે ખુરશીમાંથી સહેજ વાંકા વળીને ભૂમિના બંને હાથ પોતાના હાથમાં લીધા અને એની આંગળીઓ પોતાની આંગળીઓથી દબાવી.

‘તો અબ?’ એક તોફાનમાંથી પસાર થઈને કોઇપણ વ્યક્તિની હાલત થાય એજ હાલત અનુભવી રહેલી ભૂમિ માત્ર આટલું જ બોલી શકી.

‘દાખો ભૂમિ, એક્શેપ્ટ કોરો કી યુ સ્ટીલ લભ ઉ ગુજરાટી શોમિત્રોબાબુ એન્ડ જો ભી હુઆ થા ઈટ વાઝ અન્ડર હીટ ઓફ મોમેન્ટ. આગોર તુમ યે એકશેપ્ટ કોર લેગી તો તુમ કોઈ પાપ યા વોરુણબાબુ શે કોઈ ચીટીંગ નેહી કોરેગી, બોલ્કી ઉ શોમિત્રોબાબુ શે જો તુમને ઇનજાસ્ટીશ કિયા હૈ, ઉશ્કા ભેઈટ અપને દિલશે થોરા કોમ કોરેગી. ઇનજાસ્ટીશ તુમને ખુદ કે શાથ ભી કિયા હૈ. વોરુણબાબુ શે તોમરા શાદી તોમરા ઈચ્છા કી બીરુધ્ધ હુઆ ઔર આજભી તુમ ઈશ શાદી શે પૂરા ખુશ નેહી હૈ, બાટ ઉ શોમિત્રોબાબુ કા પ્રેમ તુમી અગોર અપને દિલમેં રખોગી તો એટલીશ્ટ તોમરા બાકીકા જીબોન શાંત મોન શે ગુજાર શોકેગા. જાબ ભી ઉ શોમિત્રોબાબુ કા નામ શુનને શે તોમરા મુખો પે જો આનંદો દિખતા હે ભૂમિ ઉ આમી દેખ શોકતા હૈ. આગોર તુમી ઉ ગુજરાટી શોમિત્રો બાબુ શે પ્રેમ નેહી કોરતા તો ઉ દિન તુમ ડીપાર્ટમેન્ટમેં ઉશ્કો ટીભી પોર તીન બોર્ષો બાદ દેખા ઈ આમ કો બોલને કે લિયે આર્લી માર્નિંગ શે આમરા ભેઈટ નેહી કોર રહા હોતા. અગોર તુમ ઉશ શોમિત્રોબાબુ શે પ્રેમ નેહી કોરતા તો ઉશ્કા નાવ્હેલ બિલકુલ નેહી પોઢતા, ઓરે ટાચ ભી નેહી કોરતા. અગોર તુમ ઉશ શોમિત્રોબાબુ શે પ્રેમ નેહી કોરતા તો તુમ ઉ ઇન્ટોર્વ્યુ મેં આપકા નામ નેહી લેને શે ઉશ્કા દિલ શે થેન્ક્શ નેહી બોલતા. લાસ્ટ બાટ નોટ ધ લીશ્ટ અગોર ઉ શોમિત્રોબાબુ શે પ્રેમ નેહી કોરતા તો ધોરા કે શાથ ઉ અભી ક્યા કોર રહા હોગા ઉ શોચ કોર તુમ ધોરા કા જેલોશી નેહી કોરતા ઔર ઉ દો પ્રોશ્નો કા ઉત્તોર લેને તુમ ઇધોર દોડ કે મેરે પાશ નેહી આતા.’ શોમિત્રોએ એક પહોળા સ્મિત સાથે પોતાની વાત પૂરી કરી. એના આંગળા હજીપણ ભૂમિના આંગળા પર ફરી રહ્યા હતા, જાણેકે ભૂમિના મનમાંથી એણે જ ખેંચી ખેંચીને ઉલેચેલા લાવા પછી એ એને આ રીતે શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો.

ભૂમિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ એણે શોમિત્રો સામે સ્મિત કર્યું જેમાં એના પ્રત્યે એનો ભારોભાર આદર અને આભાર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ભૂમિએ છેવટે લગભગ ત્રણ વર્ષનો સમય વીતી ગયા પછી સૌમિત્રના પ્રેમનો દિલથી સ્વીકાર કર્યો હતો અને એના વિષે દિલમાં રહેલી ખોટી નફરતને દૂર કરી દીધી હતી. ખરેખર તો શોમિત્રોએ કહ્યા અનુસાર એણે ક્યારેય સૌમિત્રને નફરત કરી જ ન હતી, પણ એનો ગુસ્સો એના મન પર સવાર થઇ ગયો હતો જેણે એને આ ત્રણ વર્ષ સુધી સતત સૌમિત્રના પ્રેમને નફરતનો અરીસો દેખાડે રાખ્યો હતો. ભૂમિએ શોમિત્રોના હાથ પર હવે પોતાનો જમણો હાથ મુક્યો.

‘યસ, આઈ લવ, આઈ સ્ટીલ લવ સૌમિત્ર એન્ડ થેન્ક્સ ફોર લેટીંગ મી રીયલાઈઝ ધેટ શોમિત્રો. તુમને સચ હી કહા, મૈને ઉસકો ટેકન ફોર ગ્રાન્ટેડ લે લિયા થા, તબ ભી ઔર આજ ભી જબ મૈ યે સોચ રહી થી કી ધરા ઉસકે લાયક નહીં બલકે મૈ હું. મૈને એક બાર ભી નહીં સોચા કી સૌમિત્રને તો હમારે અલગ હોને કે તીન સાલ બાદ શાદી કી, પર મૈ તો જૈસે તૈસે ભી કિસી દૂસરે ઇન્સાન કે સાથ ઓલરેડી જીવન બીતા હી રહી હું. ઉસ વક્ત ભી મેં અપના બદલા લેને કે લિયે સેલ્ફીશ હો ગઈ થી ઔર અબ ભી. ઇન તીન સાલોંમેં મૈને એક બાર ભી નહી સોચા કી મુજે બેહદ પ્યાર કરને વાલા સૌમિત્ર મેરે બગૈર કૈસે રેહતા હોગા? ક્યા કરતા હોગા? યે તો ઉસકી ગ્રેટનેસ હૈ જિસને ઉસકો પોઝીટીવલી જીના સિખાયા ઔર મેરે જાને કે બાદ ઉસને રોનેધોને મેં વક્ત ખરાબ કરને કે બજાય નોવેલ લિખી ઔર વો ભી મેરે ઉપર, ઔર મોકા આને પર મેરા નામ ખરાબ ન હો ઐસા ભી સોચા. આઈ લવ યુ સોમિત્ર.........આઈ રીયલી રીયલી લવ યુ......’ આટલું બોલતાં જ ભૂમિનું ગળું ભરાઈ આવ્યું.

શોમિત્રોની ‘ખરીખરી’ સાંભળીને અત્યારસુધી જે પશ્ચાતાપ માત્ર આંસુ બનીને ભૂમિની આંખોમાંથી બહાર આવી રહ્યો હતો એ જ હવે ભૂમિના ધ્રુસકાં બનીને બહાર આવવા લાગ્યો. ભૂમિને રડતા જોઇને શોમિત્રો બેડ પર એની બાજુમાં જ બેસી ગયો. ભૂમિ શોમિત્રોને વળગીને ખૂબ રડવા લાગી. શોમિત્રો ભૂમિના ખભા અને પીઠ પર હાથ ફેરવવા લાગ્યો અને એને શાંત કરવાની કોશિશ કરવા લાગ્યો. ઘણા સમય પછી ભૂમિ શાંત પડી. શોમિત્રો એ ફરીથી ભૂમિ સામે પાણીની બોટલ ધરી અને ભૂમિએ એમાંથી કેટલાક ઘૂંટડા ભર્યા.

‘ફીલિંગ રીયલી નાઈસ શોમિત્રો. દિલ પર તીન સાલ સે તીન લાખ કિલો કા વઝન તુમ્હારી સચ્ચી બાતોંને પલભર મેં હટા દિયા. આજ મેં ભગવાન સે દો પ્રાર્થના કરુંગી, એક તો મેરા વો સૌમિત્ર આજ જહાં ભી હો, જિસકે સાથ ભી હો સદા ખુશ રહે ઔર ઉસકો ઔરભી ખુશિયાં મિલતી રહે. ઔર મેરી દુસરી પ્રાર્થના યે હોગી કી ભગવાન હર લડકી, હર ઔરત કો મેરે ઇસ શોમિત્રો જૈસા દોસ્ત દે, જો કડવી દવા પીલા કર ભી ઉસકી ઝિંદગી પલભર મેં સંવાર દેને કી હિંમત રખતા હૈ!’ આટલું કહીને ભૂમિએ શોમિત્રોના ગાલ પર વ્હાલથી પોતાના આંગળા ફેરવ્યા.

‘બોન્ધુ હોતે હી હૈ ઈશ લિયે. જબ ઉશ્કા દોશ્ત ખુશ હો તભી ઉશ્કે પીછે રહે પોર જબ વો દુઃખી હો તો ઉશ્કા શહી કારોન શોમ્જાને મેં કોભી ભી પીછે ના હોટે. જીબોન મેં આગે ભી જોબ ભી આમરા મોદોદ ચાહિયે બિલકુલ બોલના ઈ શોમિત્રો અપની દોશ્ત ભૂમિ કે લિયે તૈયાર હોગા.’ શોમિત્રો એ હસીને કીધું.

‘મેરે દિલ કા બોજ હલકા કરને કે લિયે, ઔર અબ મેં સદા કે લિયે કોલકાતા છોડ કે જા રહી હું ઇસ લિયે જાને સે પહેલે મેં અપને ઇસ દોસ્ત કો કુછ ગીફ્ટ દેના ચાહતી હું.’ ભૂમિ એ સ્મિત કર્યું.

‘હેં, કોન્ભોકેશોન કે લિયે આપ બાપીશ ઇધોર નેહી આયેગા ક્યા?’ શોમિત્રોને નવાઈ લાગી કે ભૂમિ કેમ કોલકાતા પરત ન આવવાનું કહી રહી છે.

‘નહીં. આજ તક વરુણકે ઇન્સીસ્ટ કરને પર ભી મેં કભી અહમદાબાદ નહીં ગઈ. ઇન તીન સાલોંમેં સિર્ફ એક બાર અપને કઝીન કી શાદીમે વહાં ગઈ થી. સૌમિત્ર કે સાથસાથ મૈને અપને શહેર સે ભી નફરત કરની શુરુ કર દી થી. અબ મુજે અહમદાબાદ જાના હૈ શોમિત્રો. અબ મુજે દિલ સે, પ્યાર સે ઉસકો અચ્છી તરહ દેખના હૈ, ફિલ કરના હૈ.’ ભૂમિ બેડ પરથી ઉભી થઇ અને બારી તરફ ચાલતા ચાલતા બોલી.

‘ઠીક આછે આમી આપકો મના નેહી કોરેગા. બાટ ગીફ્ટ દેને કી કેનો ઝોરુરત નેહી. એક બોન્ધુ દૂશરે બોન્ધુકો મદોદ કોરને કે લિયે ગીફ્ટ નેહી લેતા.’ શોમિત્રો પણ ચાલીને ભૂમિની બાજુમાં બારી પાસે ઉભો રહી ગયો.

‘શોમિત્રો, જબ મેં ઇસ રૂમમેં પહેલી બાર આયી ઔર વસુંધરા કો દેખા ઔર રીયલાઈઝ કિયા કી વો ઓલમોસ્ટ મેરી તરહ દીખ રહી હૈ તબસે મેને યે મેહસૂસ કરના શુરુ કિયા હૈ કી તુમ મુજમેં અપની વસુંધરા કો હી દેખ રહે હો. બટ યુ વેર અવેર કી મેરી શાદી હો ગઈ હૈ ઔર બાદ મેં તુમ્હે મેરે ઔર સૌમિત્રકે પ્યાર કે બારે મેં ભી પતા ચલ ગયા તો તુમને મેચ્યોરીટી દિખા કર હમારે બીચ મેં એક બોર્ડર બના લી ઔર ઉસકો દોસ્તી કા નામ દે દિયા, પર મુજે માલુમ હૈ કી તુમ મુજમેં અપની વસુંધરા કો દેખ રહે થે ઔર ઇસ લિયે તુમ અપને આપ કો મુજસે પ્યાર કરને સે નહીં રોક સકે. કોઈ ભી લડકી યે બતા સકતી હૈ કી ઉસકે સાથ જો લડકા સબસે ઝ્યાદા સમય ગુઝારતા હૈ વો ઉસકો કિસ નઝર સે દેખતા હૈ. મુજે પતા હૈ શોમિત્રો, કી તુમ મુજે પ્યાર કરતે હો, ઔર અગર મેં મેરીડ ન હોતી તો તુમ શાયદ ઉસકા ઈઝહાર ભી કર દેતે.’ ભૂમિ સૌમિત્ર તરફ જોઇને બોલી.

‘અરે નેહી નેહી બાબા..એશા...’ શોમિત્રોએ ના તો પાડી પણ એના ચહેરા પર હા હતી અને એનો ચહેરોએની શરમની ચાડી ખાઈ રહ્યો હતો.

‘આઈ થીંક તુમને મેરે પ્યાર કા મેરે મેરીટલ સ્ટેટ્સ કા રીસ્પેક્ટ કિયા ઇતના હી નહીં પર મુજસે પ્યાર કરતે હુએ ભી તુમને મેરે દિલમે સૌમિત્ર કા પ્યાર ફિરસે જગા દિયા એન્ડ ફોર ધેટ યુ ડિઝર્વ અ કિસ!’ ભૂમિએ શોમિત્રોનો બારી પર રહેલો હાથ દબાવ્યો.

‘ક્યા?’ શોમિત્રો અચંબામાં પડી ગયો.

‘મેં અબ સેલ્ફીશ નહીં રેહના ચાહતી શોમિત્રો. તુમને દોસ્ત બન કર મેરે પ્યાર કા સન્માન વાપીસ દિલાયા, તો તુમ્હારી દોસ્ત બનને કા એક મૌકા મુજે ભી દો શોમિત્રો. હાં મેં તુમસે વૈસા પ્યાર નહીં કરતી જૈસા તુમ મુજસે કર રહે હો, પર તુમ્હારે લિયે જો મેરે દિલમે રીસ્પેક્ટ હૈ વો તુમ્હારે પ્યાર સે બિલકુલ કમ નહીં. આજ મુજે અપની વસુંધરા નહીં પર ભૂમિ સમજ કર જિસસે તુમ દિલ હી દિલમેં પ્યાર કરતે હો.... ઉસે દિલ સે કિસ કરો.’ આટલું કહીને ભૂમિએ શોમિત્રોના ગળા પાછળ પોતાની હથેળી મૂકીને એને પોતાના તરફ ખેંચ્યો.

શોમિત્રોએ ભીની આંખે ભૂમિનો ચહેરો પોતાની બંને હથેળીઓમાં લીધો. ભૂમિની બંને આંખો બંધ થઇ અને હોઠ ખુલી ગયા. પોતે જેને મનોમન પ્રેમ કરી રહ્યો હતો એનો આવો સુંદર ચહેરો શોમિત્રોએ બે ઘડી સતત નીરખ્યા કર્યો અને પછી પોતાના હોઠ ભૂમિના હોઠ પર ચાંપી દીધા અને એકદમ નજાકતથી એનું પાન કરવા લાગ્યો.

***

પ્રકરણ ૩૭

‘પપ્પુ કે’ ને?’ નવ-સાડાનવ વર્ષનો સુભગ એના પિતા સૌમિત્રને લાડથી પપ્પાને બદલે પપ્પુ કહીને બોલાવતો હતો અને સ્કુલે જવાની કેટલીક મીનીટો અગાઉ જ એને તૈયાર કરી રહેલા એના પિતાને એકનો એક સવાલ પૂછીને પરેશાન કરી રહ્યો હતો.

‘શું દીકરા? શું જાણવું છે તારે?’ સુભગના સતત સવાલ પૂછવાથી કંટાળેલા સૌમિત્રએ સહેજ છણકો કરીને પૂછ્યું.

‘ટુ યર્સથી કોહલી ટીમ ઇન્ડિયાની વનડે ટીમમાં છે તો એને ટેસ્ટ ટીમમાં કેમ નથી લેતા? હે શુડ બી ના?’ સુભગે ફરીથી એ જ સવાલ કર્યો જે એ સૌમિત્રના ધ્યાન બહાર બે થી ત્રણ વખત પૂછી ચૂક્યો હતો.

‘એને થોડો એક્સપીરીયન્સ મળે એટલે લેશે.’ સૌમિત્રએ જમીન પર બેસીને સોફા પર બેઠેલા સુભગની સ્કુલ ડ્રેસની ટાઈ સરખી કરતાં કરતાં કહ્યું.

‘બટ હી ઈઝ પ્લેયિંગ ફોર ટુ યર્સ અને આઈપીએલમાં બી કેટલું મસ્ત રમે છે ને?’ સુભગને એના સવાલનો યોગ્ય જવાબ નહોતો મળ્યો.

‘હમમમ...’ સૌમિત્રને હજીપણ સુભગની ટાઈની નોટ સરખી નહોતી લાગી રહી એટલે એ એને ઠીક કરી રહ્યો હતોએ.

‘વ્હોટ હમમ.. પપ્પા? ધોનીને એમ નથી થતું કે એ મારા કોહલીને ટેસ્ટમાં બી રમાડે? એં આપણી ટીમ કેટલી મસ્ત થઇ જાય જો કોહલી આવે તો? ઓસ્ટ્રેલિયા બી ડરી જાય આપડાથી.’ સુભગના ચહેરા પર અચાનક એટલો બધો આનંદ દેખાઈ રહ્યો હતો કે એનો ફેવરીટ વિરાટ કોહલી ઓલરેડી ભારતની ટેસ્ટ ટીમમાં સિલેક્ટ થઇ ગયો હોય.

‘હું ધોનીને મળીશને ત્યારે એને કઈશ બસ? આને આ શું આપડા, આપડા બોલે છે? ઈંગ્લીશ મીડીયમ હોય એટલે ગુજરાતી ખોટું નહીં બોલવાનું મેં તને કીધું છે ને? આપણા બોલવાનું ઓકે?’ સૌમિત્રને સુભગથી ઉચ્ચારણમાં થયેલી અમસ્તી ભૂલ જરાય ન ગમી.

‘મેં તો સ્કુલમાં બે હાફ સેન્ચુરી કરીને કે તરત જ કોચસરે મને મોટા લોકાની ટીમમાં લઇ લીધો બોલ.’ સુભગે સેન્ડવિચનો એક ટુકડો મોઢામાં લઈને એના સાઈડના દાંતથી કાપતા કીધું.

‘મોટા લોકા નહીં મોટા લોકો, તારું ગુજરાતી એકદમ બેકાર થઇ ગયું છે સુભગ. કોણ છે તારા ફ્રેન્ડ્સ? મારે મળવું પડશે.’ સૌમિત્ર હવે સુભગની શૂ લેસ બાંધી રહ્યો હતો.

‘હા પણ પપ્પુ મને તો મારા કોચસરે તરત જ બીગ બોયઝમાં સિલેક્ટ કરી દીધો તો કોહલીને ધોની કેમ ટુ યર્સ પછી પણ ટેસ્ટની ટીમમાં કેમ નથી લેતો?’ સુભગે પાંચમી વખત એનો એ જ સવાલ દોહરાવ્યો.

‘સ્કુલની ટીમ અને આખા કન્ટ્રીની ટીમની વાત ડિફરન્ટ હોય ને દીકરા?’ સૌમિત્રએ સુભગને એના ગાલ પર વ્હાલથી બે ટપલી મારીને જવાબ તો આપ્યો પણ એને ખાતરી હતી કે એના જવાબથી એનો દીકરો સંતુષ્ટ નહીં જ થયો હોય.

‘હવે તમારી સિલેક્શન કમિટીની મીટીંગ પતી ગઈ હોય તો ઉપડો. પોણાસાત ઓલરેડી થઇ ગયા છે અને સ્કુલ બસ મંદિરે પહોંચતી જ હશે અને સુભગ આ તું પપ્પુ પપ્પુ કેમ બોલે છે? કેટલી વખત તને કહેવાનું કે પપ્પાને પપ્પા જ કહેવાનું? અને સોમુ તને પણ મેં કીધું છે ને કે એને તું જરા ટોક, બહાર કેવું ખરાબ લાગે એ તને પપ્પુ કહીને બોલાવે તો?’ ધરા રસોડામાંથી સુભગ માટે લંચ બોક્સ ભરીને આવી અને એને એની સ્કૂલબેગમાં મુકતા બોલી.

‘તું પપ્પાને સૌમિત્ર ને બદલે સોમુ કે’ તો એનો વાંધો નહીં અને હું એને પપ્પા કહું તો તને પ્રોબ્લેમ છે!’ સુભગે ધરાના આઉટ સ્વીંગર પર કવર ડ્રાઈવ મારી.

ધરા અને સૌમિત્ર સુભગના આ તાત્કાલિક અને ધારદાર જવાબથી લાજવાબ થઇ ગયા અને એક બીજા સામે જોઇને હસી પડ્યા. સૌમિત્રએ સુભગની હાજરજવાબી માટે એની સામે બે હાથ જોડીને એને નમન કર્યા.

સુભગ લગભગ ત્રણેક વર્ષનો હતો ત્યારે જ સૌમિત્રએ અમદાવાદની હદને અડીને આવેલા બોપલ વિસ્તારમાં એક વિશાળ બંગલો બનાવી લીધો હતો. તે સમયે એ વિસ્તારની વસ્તી ખૂબ ઓછી હતી અને હવે સાત વર્ષ પછી સૌમિત્રને એવું લાગી રહ્યું હતું કે તેનું ઘર અમદાવાદના મધ્યમાં આવી ગયું છે. પહેલાં તો સુભગ એના વિસ્તારમાં જ આવેલી એક સ્કુલમાં જતો, પણ હવે એની સ્કુલ છેલ્લા બે વર્ષથી તેના ઘરથી થોડી દૂર ગઈ હતી અને ઇસ્કોન ચાર રસ્તા થી અંદર બોપલ તરફ આવતા રસ્તે એક નાનકડી દેરી પાસે એની સ્કુલ બસ રોજ સવારે સાત વાગ્યે એને લેવા આવતી હતી. સૌમિત્ર રોજ એને કારમાં લઇને સ્કુલ બસ સુધી મુકવા જતો અને ધરા બપોરે ત્રણેક વાગ્યે એને એના કાયનેટીકમાં એ જ જગ્યાએ લેવા જતી. આજે સુભગની છઠ્ઠા ધોરણની એક્ઝામનો છેલ્લો દિવસ હતો અને એટલે એ બાર-સાડાબાર સુધીમાં ઘરે આવી જવાનો હતો.

સૌમિત્ર અને ધરાનો સુખી લગ્ન સંસાર હવે તેર વર્ષ જેટલો લાંબો થઇ ગયો હતો.

***

‘જામનગર?’ ભૂમિને નવાઈ લાગી.

‘હા, જામનગર અને આપણે નેક્સ્ટ મન્થ શિફ્ટ કરવાનું છે. મેં કાલે જ બોસને નોટીસ આપી દીધી છે.’ વરુણ હજી આખી રાત કામ કરીને વહેલી સવારે જ ઘરે આવ્યો હતો.

‘અને તમને મને પૂછવાની જરૂર ન લાગી? મારે પણ કોલેજમાં રીઝાઈન કરવાનું હોય, મારે પણ એક મહિનાની નોટીસ આપવાની હોય. અને જાનકીની સ્કુલની શું? આ તો ઠીક છે એનું વર્ષ પૂરું થઇ ગયું છે નહીં તો અડધે વર્ષે તમે આ ડીસીઝન લીધું હોત તો અમારે મા-દીકરીને અહીં એકલું રહેવું પડ્યું હોત. આટલું મોટું ડીસીઝન લીધા પહેલાં એક વખત તો વરુણ તમારે ને પૂછવું જોઈતું હતું?’ ભૂમિના ચહેરા પર એના દિલનો ઉકળાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

‘એટલે હવે મારી કરિયરના ડીસીઝન મારે તને પૂછીને લેવાના? વ્હોટ રબીશ ભૂમિ. આપણા લગ્નને હવે સોળ વર્ષ થયા અને આપણી વચ્ચે એક અન-રીટન કોન્ટ્રેક્ટ છે કે એકબીજાની કરિયરમાં માથું નહીં મારવાનું. રીફાઇનરીવાળા ત્રણ મહિનાથી મારી પાછળ પડી ગયા હતા. આજે કોર્પોરેટ વર્લ્ડમાં તારા હબીનું આટલું મોટું નામ છે કે આવડી મોટી કંપનીમાંથી સામેથી ઓફર આવે છે અને મોં માગ્યું પેકેજ આપવા માટે રીતસર પગે પડે છે, પણ તને એનાથી પ્રાઉડ થવું જોઈએ એની બદલે તને એની કોઈજ પડી નથી. આઈ એમ રીયલી વેરી ડીસઅપોઈન્ટેડ વિથ યુ ટુડે.’ વરુણે ગુસ્સો તો ન કર્યો પણ એક નિશ્વાસ નાખ્યો અને સોફા પરથી ઉભો થઇ ને બેડરૂમ તરફ ચાલવા લાગ્યો.

‘પણ જ્યારે તું જાણે છે કે હું પણ જોબ કરું છું અને તારું ડીસીઝન મને પણ અસર કરે છે ત્યારે તારે બે મહિના પહેલાં કે એટલીસ્ટ જોબ ચેન્જ કરવાનું ડીસીઝન લેતી વખતે મને કહી દીધું હોત તો હું કોલેજમાં બીજા જ દિવસે નોટીસ આપી દેત જેમ તે કાલે તારી કંપનીને નોટીસ આપી. અત્યારે વેકેશન્સ શરુ થઇ ગયા છે અને પ્રિન્સીપાલ ફરવા માટે સિંગાપોર ગયા છે. વાઈસ-પ્રિન્સીપાલની પ્લેસ ખાલી છે, એટલે મારે હજી પંદર દિવસ વેઇટ કરવું પડશે અને પ્રિન્સીપાલ સર પાછા આવે પછી એમને નોટીસ આપું અને પછી મારો એક મહિનો ગણાવાનો શરુ થશે. થોડું સમજો વરુણ હું શું કહેવા માંગુ છું તે.’ ભૂમિ વરુણની પાછળ પાછળ ચાલતા ચાલતા બોલવા લાગી.

‘ચીલ યાર પંદર દિવસમાં કશું ખાટુંમોળું નથી થવાનું. અમસ્તું ય તારું તો વેકેશન જ છે ને? હું પંદર દિવસ વહેલો જઈશ અને ત્યાં ઘર સેટ કરી દઈશ, તું અને જાનુ મોડા આવજો.’ વરુણ પોતાનું શર્ટ ઉતારતા બોલ્યો.

‘આપણું રહેવાનું શું? એ તમે ત્યાં શોધી લીધું?’ ભૂમિએ પૂછ્યું.

‘ટાઉનશીપ બનતા હજી બે-ત્રણ વર્ષ લાગશે, પણ કંપનીએ આખા જામનગરમાં ફ્લેટ્સ અને બંગલોઝ ભાડે લેવાના શરુ કરી દીધા છે. લોકો કહે એટલા ભાવ આપીને મકાનો ભાડે લઇ લીધા છે. ત્યાં પટેલ કોલોનીમાં આપણા માટે એક બંગલો નક્કી થઇ ગયો છે તું ચિંતા ન કર.’ વરુણે હવે એનો ઘરનો ડ્રેસ પહેરી લીધો હતો.

‘અને જાનુની સ્ટડીઝ?’ ભૂમિનો આગલો સવાલ તૈયાર જ હતો.

‘એ પણ કંપનીએ રેડી રાખ્યું છે. તું આ ખોટી ચિંતા કરવાની બંધ કરી દે પ્લીઝ, ઈટ ઇરીટેટ્સ મી.’ વરુણ હવે ફરીથી લીવીંગ રૂમ તરફ વળ્યો.

‘અને મારું? મારું શું?’ ભૂમિ પણ વરુણ પાછળ ફરીથી દોરાઈ.

‘તારું શું કરવાનું છે હવે?’ વરુણ સોફા પર બેસતા બોલ્યો.

‘મારી કરિયરનું શું? અહીં બધું સરસ સેટ થઇ ગયું હતું, મારે ત્યાં શું કરવાનું છે? જોબ કરવાની છે કે પછી તે મારે માટે હવે હાઉસ વાઈફનો રોલ નક્કી કરી લીધો છે? ભૂમિ વરુણની બિલકુલ સામે આવેલા મોટા સોફા પર બેઠી.

‘જામનગરમાં કદાચ બે આર્ટસ કોલેજ છે, ત્યાં જઈને એમાંથી એકમાં શોધી લેજે ને જોબ એમાં ચિંતા શું કરવાની?’ વરુણે નજીકના ટેબલ પર પડેલું છાપું ઉઠાવ્યું.

‘એટલે ત્યાં એ બંને કોલેજ મારું સ્વાગત કરવા માટે તૈયાર જ ઉભી છે. આપણે જામનગર એરપોર્ટ પર ઉતરીશું એટલે ત્યાં રેડ કાર્પેટ પાથરી ને એ લોકો કે’શે આવો આવો ભૂમિ મેડમ અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા બોલો ક્યારથી જોઈન કરશો?’ ભૂમિએ વરુણને ટોણો માર્યો.

‘તું યાર આવડી નાની વાતને ચ્યુંઈંગગમની જેમ ના ખેંચ. તું તારો બાયો તૈયાર કરી દે અને મને આપી દે હું કાલે ઓફીસથી મેઈલ કરી દઈશ. એ લોકો કોઈ જેક લગાડી જોશે.’ વરુણે છાપામાં મોઢું ખોસીને ચર્ચા પર લગભગ પૂર્ણવિરામ મૂકી દીધું.

***

‘તું જો જે કોઈ દિવસ આપણે નક્કી ફસાઈ જઈશું.’ ઓશિકા પર માથું મુકીને છત સામે જોઇને જોરજોરથી શ્વાસ લઇ રહેલા સૌમિત્રએ કીધું.

‘તેર વર્ષમાં ન ફસાયા તો હવે કેવી રીતે ફસાઈએ સોમુ? હવે તો આપણી પાસે ન ફસાવાનો એક્સપીરીયન્સ છે.’ સૌમિત્રથી પણ બમણા જોરથી શ્વાસ લઇ રહેલી અને એની છાતીના વાળમાં પોતાની આંગળી ફેરવી રહેલી ધરાએ સૌમિત્રના ગાલ પર પ્રેમભર્યું ચુંબન કરતાં કહ્યું.

‘પણ આમ સવાર સવારમાં... કોઈક વખત મમ્મી કે પપ્પાને મારી કે તારી જરૂર હશે અને બૂમ પાડશે અને આપણે અહિયાં એક બીજામાં ખોવાઈ ગયા હઈશું તો બધો પ્રોગ્રામ પડતો મુકીને કપડાં બદલવામાં કેટલી વાર લાગે? મોડું થશે તો વળી પપ્પા સવાલો કરશે એ જુદું.’ સૌમિત્ર એ પણ પોતાનો ચહેરો સહેજ નીચો કરીને ધરાના માથા પર ચુંબન કર્યું.

‘સવાર સવારનો સેક્સ બહુ હેલ્ધી હોય સોમુ રે... અને મમ્મી પપ્પા તો ત્રણ દિવસ અંબાજી ગયા છે ને? છેક કાલે સાંજે પાછા આવવાના છે.’ ધરાએ હવે સૌમિત્રના ખભા પર વ્હાલથી બટકું ભર્યું.

‘સવાર સવારનો સેક્સ એટલે સવારે ચારથી છ નો. સાડાસાત વાગ્યાનો નહીં અને આજે મમ્મી પપ્પા નથી પણ રોજનું શું? તું તો રોજ આમ કરે છે... સમજ યાર.’ સૌમિત્ર પડખું ફર્યો અને ધરાને બરોબર વીંટળાઈ ગયો એને એની સુંવાળી પીઠને સહેલાવવા લાગ્યો.

‘મારા માટે તો ઈચ્છા થાય ત્યારેજ સવાર. અને મેં કીધું ને કે તેર વર્ષમાં તો કોઈ વખત ઈમરજન્સી નથી આવી કે આપણે આપણો આ પ્રોગ્રામ મૂકીને દોડવું પડ્યું હોય. ચીલ યાર!’ ધરાએ સૌમિત્રથી પણ પોતાની પકડ બમણી કરી અને એને વળગી.

‘તારા માટે સવાર, બપોર, સાંજ રાત બધું સરખું જ છે યાર....સુભગ થોડી વખત રમવા જાય તો પણ તું...’ સૌમિત્ર ધરાના હોઠ પર હળવું ચુંબન કરતા હસતાંહસતાં બોલ્યો.

‘આટલું બધું એન્જોય કર્યા પછી પણ મારી કમ્પ્લેઇન કરવાની છે તારે?’ સૌમિત્રનો ગાલ સહેજ જોરથી ખેંચતા ધરા બોલી.

‘ના યાર.. પણ તારી આ સ્ટાઈલ એટલી બધી અનપ્રીડીક્ટેબલ અને થકવી નાખતી હોય છે કે પછી મને બે-ત્રણ કલાક તો લખવાનું મન જ નથી થતું અને ખાસકરીને તું જ્યારે રાજકોટ જાય ત્યારે પછી મને રોજ મન થાય અને પછી મારાથી રહેવાતું નથી.’ સૌમિત્રએ ધરાના ચમકી રહેલા ખભા પર લાંબુ અને ભીનું ચુંબન કર્યું.

‘મેં તને આ માટે લગ્ન પહેલા જ ચેતવી દીધો હતો ને?’ ધરા હસી પડી.

‘હા અને જ્યારે હનીમૂન માં ચારેય દિવસ આપણે હોટલમાં જ પુરાઈ રહ્યા અને કેરલા જોવાની તે ના પાડી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આવનારા દિવસો મારા માટે કેટલા કઠીન છે? સૌમિત્ર ધરાથી છુટો પડ્યો અને ઓશિકા પર માથું મુકીને સુતો.

‘ચાલ જુઠ્ઠો નહીં તો. તને તો જાણે કશું ગમતું જ નથી. લાયર!’ આમ કહીને ધરાએ સૌમિત્રને ધક્કો માર્યો અને બેડ પરથી ઉભી થઇ ગઈ.

‘હવે ક્યાં ચાલી?’ સૌમિત્ર બેડ પર જ થોડો ખસ્યો અને એણે ધરાનો હાથ પકડી લીધો.

‘કેમ? રસોઈ નથી કરવાની મારે? આજે તમારા પ્રિન્સે પંજાબી બનાવવાનો હુકમ કર્યો છે. દાલ ફ્રાય, વેજ પરાઠા અને પનીર મખ્ખનવાલા. મારે હજી પનીર લાવવાની પણ બાકી છે.’ સૌમિત્ર તરફ વળીને ધરા બોલી.

‘એટલે તને મન થાય ત્યારે મારે તને પ્રેમ કરવાનો પણ મને મન થાય એટલે તું આમ બહાના બનાવીને ભાગી જાય એમ?’ સૌમિત્રએ ધરાનો હાથ પોતાના તરફ ખેંચ્યો અને ધરા એની બાજુમાં જ સુઈ ગઈ.

‘ઓહો... તો હવે તમને ફક્ત અડધા કલાકમાં ફરીથી મન થઇ ગયું? તમારી આજે ડેડલાઇન છે ને બોમ્બે મેગેઝીનની?’ ધરાએ સૌમિત્રના વાળમાં હાથ ફેરવતા કીધું.

‘મહારાણી ધરા પંડ્યાને ઈચ્છા થાય એનો વાંધો નહીં પણ ગુલામ સૌમિત્રની ઈચ્છા થાય ત્યારે આમ ડેડલાઇન યાદ કરાવવાની એમ ને? એમને હું સાંજે આર્ટીકલ મેઈલ કરી દઈશ.’ સૌમિત્ર ધરાના ગળા પર વ્હાલ વરસાવવા લાગ્યો.

‘અરે, પણ મારે આજે ખૂબ રસોઈ છે...દાલ ફ્રાય, પરોઠા બનાવવાના છે, પનીર મખ્ખનવાલા...’ ધરાને સૌમિત્રનું વ્હાલ કરવું ગમી તો રહ્યું હતું પણ એને રસોઈ શરુ કરવી પણ જરૂરી હતી.

‘હું મારા ભાગનું મખ્ખન ખાઈ લઉં એટલે પછી તું તારા દીકરા માટે પનીર મખ્ખનવાલા બનાવજે, પછી તને ના નહીં પાડું.’ સૌમિત્રએ હવે ધરાને હવે ખેંચીને પોતાની ઉપર લઇ લીધી હતી અને એના સમગ્ર ચહેરા પર, કાનની બૂટ પર, ગળા પર, ખભા પર, ટૂંકમાં જ્યાં એનું મન થાય ત્યાં એના ભીના ભીના ચુંબનોનો વરસાદ કરી રહ્યો હતો.

‘પછી મને મન થશે તો?’ ધરા સૌમિત્રનું વ્હાલ માણી રહી હતી અને એમ કરતાં કરતાં એણે સૌમિત્રની મસ્તી કરી.

‘તો પાછું એકડે એકથી શરુ કરીશું. વ્હોટ્સ ધ પ્રોબ્લેમ યાર?’ સૌમિત્રએ ધરાના ગાલ પર મીઠી વ્હાલી કરી.

‘તો રસોઈ?’ ધરા એ સૌમિત્રના માથાના વાળ વિખેર્યા.

‘તું પ્રિન્સને લેવા જાય ત્યારે હું કડાઈ બાઝારમાંથી આ બધુંજ ઓર્ડર કરી દઈશ. આજે તારે રસોઈની રજ્જા!!’ સૌમિત્ર એ હસીને કીધું.

‘આ અઠવાડિયામાં આ ત્રીજી વખત તું મને રસોડામાંથી રજા આપી રહ્યો છે હોં? બહુ બહારનું ખાવું સારું નહીં અને સુભગ માટે તો બિલકુલ સારું નથી.’ ધરાએ થોડીક ગંભીરતાથી કીધું.

‘હા, કારણકે આ અઠવાડિયામાં ત્રીજી વખત તુમ પે પ્યાર આયા હૈ, બેહદ ઔર બેહિસાબ આયા હૈ...નાઉ મને મારું કામ કરવા દે એન્ડ ડોન્ટ ડીસ્ટર્બ મી પ્લીઝ!’ આટલું બોલીને સૌમિત્ર એ જોર કરીને ધરાની આસપાસ પોતાના બંને હાથની મજબૂત પકડ બનાવી અને જોરથી ગોળ ફર્યો.

હવે ધરા સૌમિત્રની નીચે આવી ગઈ હતી અને એના જ પ્રેમના વરસાદમાં ન્હાઈ રહી હતી. સૌમિત્ર જે રીતે ધરાના એકેએક અંગને પ્રેમ કરી રહ્યો હતો, ધરાના ચહેરા પર એક સરખી ખુશી અને સંતોષ દેખાઈ રહ્યો હતો.

***

છેલ્લા એક દાયકામાં સૌમિત્ર અને ભૂમિનું લગ્નજીવન તદ્દન જુદીજુદી દિશાઓમાં વહેવા લાગ્યું હતું. સૌમિત્રને એની પ્રેમિકા ભૂમિને પણ ભૂલાવી દેનાર પત્ની ધરા મળી હતી, જ્યારે શરૂઆતના લગ્નજીવનનો ઉન્માદ બહુ જલ્દીથી શમી ગયા બાદ અને વરુણનું વર્કોહોલિક હોવાને લીધે ભૂમિ પોતાની જાતને સાવ એકલી ગણવા લાગી હતી. ભૂમિને પણ આઠ વર્ષની પુત્રી જાનકી હતી, પણ એને જેની હુંફની જરૂર રહેતી એ વરુણ સતત બહાર ફરતો રહેતો અને જો જમશેદપુરમાં હોય તો પણ મોડી રાત સુધી કામ કરતો જ્યારે સૌમિત્ર સતત અને સદા ધરા સાથે જ રહેતો, કારણકે એનો વ્યવસાય એને એમ કરવાની છૂટ આપતો હતો. સૌમિત્રના પ્રેમનો બંધ ધરા દ્વારા સતત છલકાતો રહેતો જ્યારે ભૂમિના પ્રેમની નદીમાં ક્યારેય પાણી તો આવ્યું જ ન હતું પણ જે બે-ચાર ખાબોચિયાં હતાં એ પણ સુકાઈ ગયા હતા.

પોતાના પરમ સખા શોમિત્રો દ્વારા લગભગ દસ વર્ષ અગાઉ સૌમિત્ર વિષેની પોતાની ગેરસમજ દૂર થયા બાદ આ પ્રકારના ખાલીપણા દરમિયાન ભૂમિને સતત સૌમિત્રની યાદ આવતી રહેતી, પણ સૌમિત્રને જે રીતે અપમાન કરીને એણે એનાથી સદાય દૂર કરી દીધો હતો એનો ખ્યાલ આવતા જ તે પોતાની જાતને જ વઢી લેતી અને ગુપચુપ આંસુ વહેવડાવી લેતી.

ભૂમિ હવે સૌમિત્રના જ ગુજરાતમાં પાછી આવી રહી છે. જો કે એના અને સૌમિત્ર વચ્ચે આ તેર વર્ષમાં કોઈજ સંપર્ક નથી થયો અને હજીયે સંપર્ક થશે કે કેમ એ સવાલનો જવાબ આપવો અઘરો છે કારણકે હજીપણ સૌમિત્ર અને ભૂમિ વચ્ચેનું અંતર લગભગ ત્રણસો કિલોમીટર થી પણ વધારે જ રહેવાનું હતું.

***

પ્રકરણ ૩૮

રૂમમાં ઘુસતાની સાથેજ જનકભાઈ એમની બેડની બાજુમાં જ મુકેલી ખુરશીમાં રીતસર દોડીને બેસી ગયા અને એમનાં ખિસ્સામાંથી નાનકડો નેપકીન કાઢીને પોતાનો સમગ્ર ચહેરો લુછવા માંડ્યા.

‘કેમ શું થયું? આજે તો બહુ થાકી ગયાને કાંઈ?’ બેડ પર બેસીને કપડાની ઘડી કરી રહેલા અંબાબેને જનકભાઈને પૂછ્યું.

‘અરે આજની તો વાત જ ના કર. સુભગે ભારે થકવી નાખ્યો મનેતો.’ જનકભાઈ હજી પણ પોતાના શ્વાસ શોધી રહ્યા હતા.

‘કેમ? આજે દાદા અને દીકરા વચ્ચે ફરીથી મેચ રમાઈ હતી કે શું?’ અંબાબેન હસીને બોલ્યા.

‘એની સાથે મેચની ક્યાં નવાઈ છે? જ્યારથી વેકેશન પડ્યું છે ત્યારથી રોજ સાંજે દસ-દસ ઓવરની મેચ રમવાની. પણ આજે તો એણે મને ફિલ્ડીંગ કરાવી કરાવીને થકાવ્યો.’ જનકભાઈ થોડાક સ્વસ્થ થયા હોય એમ લાગ્યું.

‘વેકેશનમાં તો છોકરા રમે જ ને.’ અંબાબેને ફરીથી હસીને જવાબ આપ્યો.

‘એની ક્યાં ના જ છે, પણ એના જેવડા છોકરાઓને પડતા મૂકીને એને ખાલી મારી જોડેજ રમવું હોય છે. મારી હવે ઉંમર છે આખા બગીચામાં બોલ પાછળ દોડવાની? એને તો વિરાટ કોહલી બનવું છે એટલે દરેક બોલે સિક્સર જ મારે, પછી દાદાએ દોડવાનું બધે.’ હવે તો જનકભાઈ પણ હસી રહ્યા હતા.

‘તો જેમ અમને બધાને બધી ચીજોની ના પાડે રાખો છો એમ એને પણ રમવાની ના પાડી દેતા હોવ તો?’ અંબાબેન ઉભા થયા અને બાજુમાં પડેલા ફ્લાસ્કમાંથી ઠંડુ પાણી એક ગ્લાસમાં ભર્યું અને જનકભાઈને આપ્યું.

‘આખી જિંદગી મારી શરતે જ જીવ્યો છું, પણ આને હું શી ખબર કેમ પણ ના નથી પાડી શકતો. નોકરીમાં હતો ત્યારે એક વખત તો સરકારના મોટા મંત્રીના સેક્રેટરીને પણ એક કામ કરવાની ના પાડી દીધી હતી, પણ સુભગ જ્યારે દાદા કહીને બોલાવે એટલે મારું મન ખબર નહીં કેમ એનો ઓર્ડર માનવા તૈયાર જ થઇ જતું હોય છે.’ આટલું બોલીને જનકભાઈએ આખો પાણી ભરેલો આખો ગ્લાસ ખાલી કરી નાખ્યો.

‘જેને કોઈ ન પહોંચે એને પેટ પહોંચે.’ અંબાબેન ગ્લાસને ફરીથી ટેબલ પર મુકેલા ફ્લાસ્ક પાસે મુકતા બોલ્યા.

જનકભાઈ અંબાબેનના આ તીરનો જવાબ તો ન આપી શક્યા પણ એમના ચહેરા પર એક સ્મીત જરૂર આવી ગયું.

‘એક વાત મને નથી સમજાતી, તમને સુભગ સાથે આટલું બને છે પણ એની બિચારી મા ને તમે હજીયે કેમ માફ નથી કરી? બિચારી આટઆટલી સેવા કરે છે આપણી, પણ તેર વરસ સુધી એની સાથે એક અક્ષર પણ તમે નથી બોલ્યા. સૌમિત્રનું તો સમજ્યા, તમારે અને એને પે’લેથી નથી બનતું, પણ આ છોકરીએ આપણા ખાતર આટલી હોંશિયાર છે તોયે નોકરી ન કરી અને ઘર સાંભળી લીધું. કાંઇક તો એની કદર કરો ભૈશાબ?’ પોતાના અને જનકભાઈના કપડા કબાટમાં મુકતા અંબાબેન બોલ્યા.

‘તને ખબર તો છે કે એ મારી પસંદગીની છોકરી નથી. તારા દીકરાએ મેં પસંદ કરેલી છોકરીને જોવા સુદ્ધાંની તસ્દી ન લીધી તો હું એની પસંદગીની છોકરી સાથે વાત પણ શું કરવા કરું? અને આ બધું નોકરી ન કરવી, ઘર સંભાળી લેવું એનાથી તારા જેવા ઈમ્પ્રેસ થઇ જતા હશે, હું નહીં. આ બધું તો એની ફરજમાં આવે છે.’ જનકભાઈ પોતાના મૂળ સ્વભાવમાં પરત આવ્યા.

‘એટલે એણે એની વહુ તરીકેની ફરજ નિભાવવાની પણ આપણે સસરા તરીકેની ફરજ નહીં નિભાવવાની? બીજે જુઓ, વહુને દીકરીની જેમ એના સસરા રાખતા હોય છે, એની સાથે હસી બોલીને વાતો કરતા હોય છે, અરે કોઈક જગ્યાએ તો બંને એકબીજાની મશ્કરી પણ કરી લેતા હોય છે. તમે એ બધું ન કરો પણ એની બિચારી સાથે ખપ પૂરતી વાત તો કરો. બિચારી કેટલી હિજરાય છે.’ અંબાબેન બેડ પર બેસતા બોલ્યા.

‘તને ખબર છે ને કે જનકરાય નરભેશંકર પંડ્યા ના નિર્ણયો અને નિયમો અફર હોય છે? હું એ છોકરી સાથે ક્યારેય વાત નહીં કરું મતલબ કે નહીં જ કરું. બસ વાત પૂરી. હવે મારી ચા ની વ્યવસ્થા કરો તો સારું. મારો થાક ઉતરે.’ જનકભાઈ પાસે અંબાબેનની દલીલનો કોઈજ જવાબ ન હતો એટલે કાયમની જેમ એ છેલ્લા પાટલે બેસી ગયા.

‘તમને ખબર છે? હું આજકાલ ભગવાનને એક જ પ્રાર્થના કરતી હોઉં છું કે હવે અમારી બેયની તારી પાસે આવવાની ઉંમર થઇ ગઈ છે, પણ બને ને તો તમને વહેલા બોલાવી લે, ભલે મારે હવે સિત્તેર વર્ષે વિધવા બનવું પડે, પણ જો હું પહેલી જતી રઈશ તો તમારા આ સ્વભાવ સાથે જુવાન વહુ-દીકરા સાથે બાકીની જિંદગી કાઢવી તમને જ તકલીફ દેશે.’ આટલું બોલતા બોલતા અંબાબેન રૂમની બહાર નીકળી ગયા.

જનકભાઈ અંબાબેનની સ્પષ્ટ વાત સાંભળીને છક થઇ ગયા અને અંબાબેનના રૂમ છોડ્યા પછી પણ ઘણા સમય સુધી રૂમના દરવાજાને જોઈ રહ્યા.

***

‘ભૂમિઈઈઈ.....વ્હોટ અ સરપ્રાઈઝ!!’ ડોરબેલ સાંભળીને દોડીને આવેલી સંગીતાએ દરવાજો ખોલ્યો અને સામે ભૂમિને જોતાં અનાયાસે જ એના મોઢામાંથી એનું આવું રીએક્શન આવી પડ્યું અને એ ભૂમિને વળગી પડી.

ભૂમિ પણ એની ખાસ મિત્રને જોરથી ભેટી પડી અને આટલાબધા વર્ષે મળવાને લીધે પોતાના આંસુ પણ રોકી શકી નહીં.

‘હવે અહીં દરવાજા પર જ રડવું છે તારે કે અંદર પણ થોડું રડીશ?’ સંગીતાએ એના સ્વભાવ અનુસાર સહેજ કડકાઈથી પણ હસીને કહ્યું.

‘સોળ વર્ષે આ ઉંબર ઓળંગવામાં થોડીક તકલીફ તો પડે ને?’ ભૂમિ પોતાના આંસુ લૂછતાં લૂછતાં બોલી.

‘એ નિર્ણય તારો હતો, મેં તને ક્યારેય મારા ઘરમાં આવવાની ના પાડી નથી.’ ભૂમિનો હાથ પકડીને એને અંદર લઇ આવતા સંગીતા બોલી.

સંગીતા અને ભૂમિ મુખ્ય રૂમના સોફા પર બેઠા જેની બરોબર સામે સંગીતાનો બેડરૂમ હતો અને એના દરવાજા પર ભૂમિની નજર સ્થિર થઇ ગઈ.

‘હજી એ દિવસ તું ભૂલી નથી ને ભૂમિ?’ ભૂમિને પોતાના બેડરૂમ તરફ સ્થિર નજરે એકમ જોઈ રહી છે એ સમજીને સંગીતાએ પૂછ્યું.

‘ભૂલી જ ગઈ હોત, જો મને મારી ભૂલ હજીસુધી ન સમજાઈ હોત તો.’ ભૂમિએ સ્મીત સાથે સંગીતાને કીધું.

‘ચાલો, આટલા વર્ષે તારી ભૂલ સમજાઈ ખરી. મેં તે દિવસે પણ તને કહ્યું હતું, કે આવો બદલો ફદલો લેવાની કોઈજ જરૂર નથી. હા, તું મેરેજ પહેલા સૌમિત્રને એક વખત મળવા માંગે છે, તો તારે મળવું જ જોઈએ, પણ એ બધું કરવાની... અને સૌમિત્રને પણ કદાચ આ હકીકત તારાથી વહેલી સમજાઈ ગઈ હશે અને એટલેજ એણે તારી ઈચ્છાને સીધેસીધી ના પાડી દીધી. મેં ધાર્યો હતો એનાથી વધારે હિંમતવાળો નીકળ્યો એ છોકરો.’ સંગીતાએ ભૂમિનો હાથ જોરથી પકડી લીધો હતો.

‘અરે! આના વિષે હું એક લાંબુ લેક્ચર કોલકાતામાં ઓલરેડી સાંભળીને આવી છું, હવે તું પણ પ્લીઝ મને ફરીથી ગિલ્ટી ફીલ ન કરાવતી. હું મારી તે દિવસની ભૂલ ઓલરેડી સ્વીકારી ચૂકી છું અને મારા મનના એ ભારથી મુક્ત થઇ ગઈ છું. અત્યારે તો હું તને મળવા આવી છું અને બે-ત્રણ કલાક ઢગલો વાત કરવાની છું.’ ભૂમિએ સંગીતા સામે જોઇને કહ્યું.

સંગીતા ઉભી થઇ અને રસોડામાં ગઈ. ત્યાં એણે ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ લીધી અને પાણીયારા પાસે મુકેલા ડઝનેક કાચના ગ્લાસમાંથી એક લઈને મુખ્ય રૂમમાં પરત આવી અને ભૂમિને બોટલમાંથી પાણી ગ્લાસમાં રેડીને આપ્યું.

‘તારે કાયમ અહીંયા જ રહેવાનું છે?’ ભૂમિએ પાણી નો ગ્લાસ ખાલી કરીને એને ટેબલ પર મુકતા કહ્યું.

‘મારે ક્યાં જવાનું? પપ્પા તો પહેલેથી જ નહોતા. ગયા વર્ષે મમ્મીએ પણ વિદાય લીધી. પપ્પાએ એમની નોકરી દરમિયાન જ આ નાનકડું ઘર લઈને ખરેખર તો મારા પર ઉપકાર કર્યો છે. સવારથી સાંજ જોબ કરું છું, શનિ-રવિ રજામાં ટીવી જોઉં, પિક્ચર જોવા જાઉં અને જલસા કરું.’ આડોશી પાડોશી પણ સારા છે. સંગીતા ફરીથી ભૂમિની બાજુમાં બેસી ગઈ.

‘લગ્ન નથી કરવા?’ ભૂમિ બોલી.

‘શું તું બી યાર. તને ખબર તો છે કે મને છોકરાઓમાં કોઈજ ઇન્ટરેસ્ટ નથી. મારે લગ્ન જો કરવા હોત તો મારા ફર્સ્ટ લવ એટલેકે તારી સાથે જ ના કરી લેત?’ આટલું કહીને સંગીતા ખડખડાટ હસી પડી.

‘તું એવીને એવી જ રહી. બિન્ધાસ્ત, સાવ છોકરા જેવી.’ ભૂમિએ સંગીતાની આંગળીઓ દબાવીને કહ્યું.

‘પણ તું બદલાઈ ગઈ છે. તારા અને વરુણ વચ્ચે બધું બરોબર નથી એ તો તું મને ફોન પર કાયમ કહેતી જ હોય છે, પણ લાસ્ટ ટાઈમ તું લગભગ દસ-બાર વર્ષ પહેલાં મને મળી હતી ત્યારે તું જિંદગીથી જ સાવ નિરાશ થઇ ગઈ હોય, કે દુઃખી હોય એવું લાગતું હતું. પણ આજે, પ્લીઝ ડોન્ટ માઈન્ડ, તું મને ફ્રેશ લાગી રહી છે.’ સંગીતાએ ભૂમિના ચહેરાને ધારીધારીને જોયો.

‘આ બધો શોમિત્રોનો કમાલ છે. એણે જ મને જિંદગી જીવવાની ચાવી આપી અને એણે જ મને વરુણના ઇગ્નોરન્સ અને એના વર્કોહોલિક સ્વભાવ વચ્ચે પણ ખુશી કેમ મેળવવી એ શીખવાડ્યું.’ ભૂમિના ચહેરા પણ સ્મીત છલકાઈ ગયું.

‘શોમિત્રો કે સૌમિત્ર?’ સંગીતાએ ભૂમિના મોઢે આ નામ પહેલી વખત સાંભળ્યું હતું એટલે જરાક કન્ફયુઝ થઇ.

‘શોમિત્રો, મારો બંગાળી ફ્રેન્ડ. મારી સાથે એમ એ કરતો હતો. ખબર છે? શરૂઆતમાં હું એનાથી ખુબ ડરતી હતી, પણ પછી અમે એકદમ પાક્કા મિત્રો બની ગયા. આજે પણ હું જ્યારે ખુબ મુંજારો ફીલ કરતી હોઉં ને ત્યારે હું શોમિત્રોને જ કોલ કરી લઉં પછી એ દિવસ હોય કે રાત.’ ભૂમિ શોમિત્રોની વાત કરતા કરતા ખૂબ ખુશ લાગી રહી હતી.

‘ઓહો તો મેડમને એક નવો ફ્રેન્ડ મળી ગયો છે એટલે આપણી વિકેટ ડાઉન? તે મને ફોન પર પણ એના વિષે ક્યારેય કીધું નથી એને એટલેજ તું મને લાસ્ટ ટાઈમ મળવા પણ નહોતી આવી ને?.’ સંગીતાએ ફરિયાદના સ્વરમાં કહ્યું.

‘અરે ના, તારી વાત અલગ છે. છેલ્લે જ્યારે હું આવી હતી ત્યારે અમરનાથની યાત્રાએ કોણ ગયું હતું?’ ભૂમિએ સંગીતાને યાદ દેવડાવ્યું.

‘અરે હા યાર એ તો હું ભૂલી જ ગઈ હતી. પણ તું અમદાવાદ પણ દસ વર્ષે આવી. કમોન ભૂમિ આ તારું પિયર છે, તારે તો દર વર્ષે અમદાવાદ આવવું જોઈએ.’ સંગીતાએ ભૂમિ સામે પહેલા તો પોતાની ભૂલ માટે કાન પકડ્યો અને પછી બોલી.

‘સાચું કહુંને તો સૌમિત્ર સાથે અહીં તારા ઘરમાં જ જે થયું પછી પહેલા અમુક વર્ષ તો મને અમદાવાદ આવવાનું મન જ નહોતું થતું. હું સૌમિત્રથી તો ઠીક આખા શહેરથી ગુસ્સે હતી. પપ્પા સાથે તો બોલવાનું ત્યારથી જ ઓછું કરી દીધું હતું જ્યારથી એમણે મને પરાણે વરુણ સાથે પરણાવી દીધી હતી. મમ્મી એમની સોશિયલ સર્વિસમાંથી ઉંચી નથી આવતી. હું અમદાવાદ આવું તો પણ કોના માટે? પછી શોમિત્રોએ જ્યારે મને મારી ભૂલ સમજાવી, ત્યારે હું એટલેકે લગભગ તેર વર્ષ પહેલા અમદાવાદ આવી હતી અને મનભરીને અમદાવાદની માફી માંગી લીધી, ત્યારે તું અમરનાથ ગઈ હતી. પછી ફરીથી એનો એજ પ્રશ્ન, અહીં આવું તો કોના માટે આવું? તું હતી, પણ મારા માટે તું આખા વેકેશન જેટલી રજા તો ન જ લઇ શકે ને?’ ભૂમિએ પોતાની મજબૂરી જણાવી.

‘એ તો મને ખબર છે, તું ફોન પર પણ કાયમ આમ જ કહેતી હોય છે. તો પછી આજે કેમ આવી ચડી?’ સંગીતાએ સવાલ કર્યો.

‘અમે જામનગર શિફ્ટ થઇ રહ્યા છીએ. વરુણે જોબ ચેન્જ કરી. જામનગરમાં રીફાઇનરી બને છે ને? ત્યાં. મારી લેક્ચરરની જોબ પણ ત્યાંની આર્ટસ કોલેજમાં પાક્કી થઇ ગઈ છે.’ ભૂમિ એ હસીને કીધું.

‘અરે વાહ! ચાલો તું સાવ અમદાવાદમાં નહીં પણ નજીક તો આવી. છેક જમશેદપુર જવાનો કંટાળો આવે, પણ હવે મન થાય ત્યારે હું જામનગર તો આવીશ જ.’ સંગીતા બોલી.

‘ચોક્કસ, એની ટાઈમ.’ ભૂમિ બોલી.

‘હમમ.. હવે તેં જાતે જ કીધું છે કે સૌમિત્ર તરફની તારી નફરત સાવ જતી રહી છે, તો હવે તને એને મળવાની જરાય ઈચ્છા નથી થતી?’ સંગીતાએ ભૂમિને પૂછ્યું.

‘ખૂબ થાય છે, પણ એ હવે પરણી ગયો છે સંગીતા, હું શું કરવા એને સામેચાલીને ટેન્શન આપું? એને એની જિંદગી એની ધરા સાથે શાંતિથી જીવવાનો હક્ક છે. છેને?’ ભૂમિએ વળતો સવાલ કર્યો.

‘અરે વાહ, મારી ભૂમિ તો ડાહી ડાહી થઇ ગઈને?’ સંગીતા ભૂમિનો ગાલ ખેંચતા બોલી.

‘એટલી બધી ડાહી પણ નથી થઈ હોં કે?’ ભૂમિએ સંગીતા સામે આંખ મારીને કીધું.

‘એટલે?’ સંગીતા સમજી ન શકી.

‘કાલે જ હું એના ઘરના એરિયામાં ગઈ હતી. મનમાં વિચાર આવ્યો કે બે ઘડી જો એની ઝલક પણ દેખાઈ જાય તો મારો ફેરો સફળ થઇ જશે. એટલે એના ઘરથી સહેજ દુર, પણ મેઈન ડોરની સામે રિક્ષાવાળાને બે મિનીટ ઉભા રહેવાનું કીધું. બે-ત્રણ મિનીટ તો કોઈ હલચલ ના થઇ પછી જ્યારે બારણું ખુલ્યું ત્યારે કોઈ બીજું જ બહાર આવ્યું.’ ભૂમિએ એકદમ ઝડપથી આ બધું વર્ણન કર્યું.

‘પછી?’ સંગીતાને પણ ઇન્ટરેસ્ટ પડ્યો.

‘પછી મારી હિંમત સહેજ ખુલી. રિક્ષાવાળાને એ બંગલા સુધી લઇ જવાનું કહ્યું, બહાર નેઈમ પ્લેટમાં કોઈ જાડેજાનું નામ હતું. એટલે મને ખ્યાલ આવી ગયો કદાચ સૌમિત્રએ એ ઘર વેંચી નાખ્યું હશે. વેંચે જ ને? આટલો મોટો લેખક થઇ ગયો છે, આખા દેશમાં પોપ્યુલર છે તો એના સ્ટેટ્સ મુજબના એરિયામાં રહેવા જાય જ ને?’ ભૂમિના ચહેરા પણ સૌમિત્રને ન મળવાની નિરાશા તો હતી જ પણ એની સાથેસાથે એને સૌમિત્ર પર ગર્વ પણ થઇ રહ્યો હતો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

‘તેં એની નોવેલ વાંચી છે?’ સંગીતાએ પ્રશ્ન કર્યો.

‘સાતેસાત!’ ભૂમિએ જવાબ આપવામાં એક સેકન્ડ પણ ન લગાડી.

‘તો પછી એની નોવેલમાં એના પબ્લીશરનો ફોન નંબર હશે જ ને? એની પાસેથી એનો ફોન નંબર લઇ લે? ભૂમિ, એક વખત તું એને મળી લે.’ સંગીતાએ આઈડિયા આપ્યો.

‘ના, મારે હવે એની લાઈફમાં પાછું નથી ફરવું. એ સુખી છે, એના સુખમાં જ મારું સુખ છે.’ ભૂમિએ જવાબ આપ્યો.

‘મેં ક્યાં તને એની લાઈફમાં પાછું જવાનું કીધું? સાવ ગાંડી જ રહી. અરે, ખાલી એક વખત ફોન કરીને એને ક્યાંક બોલાવીને મોઢામોઢ સોરી કહી દે તે દિવસ બાબતે? તું તો તારા પેલા બંગાળી ફ્રેન્ડની એડવાઈઝને લીધે ફ્રી થઇ ગઈ હોઈશ, પણ સૌમિત્રને હજીયે મુક્ત કરવાનો બાકી છે. એને કદાચ, ક્યાંક એના દિલના કોઈ ખૂણે તને ના પાડીને ગીલ્ટની લાગણી ફીલ થતી હશે તો તારા સોરીને લીધે એ એમાંથી મુક્ત થઇ જશે. ઓકે ચલ, મળવાનું બાજુમાં રાખ, ખાલી ફોન પર સોરી કહી દે ને?’ સંગીતાએ ભૂમિને સલાહ આપી.

‘ના, મારાથી એ નહીં થાય યાર.’ ભૂમિ સંગીતાથી વિરુદ્ધ દિશામાં જોવા લાગી.

‘કેમ? હજી તને ઈગો નડે છે?’ સંગીતાએ મિત્ર દાવે સીધો જ સવાલ કર્યો.

‘ના, બીક લાગે છે, એના રીએક્શનની.’ ભૂમિએ જવાબ આપ્યો.

‘એમાં બીક શેની? જ્યાંસુધી હું તારા દ્વારા સૌમિત્રને જાણું છું અને મેં પણ એની બધીજ નોવેલ્સ વાંચી છે ત્યાંસુધી તો મને નથી લાગતું કે એ તારા પર ગુસ્સે થાય. અને સાચું કહું તો આપણી ભૂલ હતી તો આપણે સામે ગુસ્સો સહન કરવાની તૈયારી પણ રાખવી પડે ભૂમિ.’ સંગીતા એના મુદ્દે સ્પષ્ટ હતી.

‘હા, એમાં કોઈજ ડાઉટ નથી મને, બસ એટલી હિંમત ભેગી કરવાનો સમય જોઈએ છીએ, એક વખત મારી હિંમત ભેગી થઇ ગઈ પછી હું તારી સામે એને કોલ કરીશ બસ? પ્રોમિસ.’ ભૂમિએ સંગીતાના બંને હાથ પકડી લીધા.

‘ઠીક છે, તું એને ના મળ, એને કોલ પણ ન કર પણ તોયે એના સંપર્કમાં તો રહી શકે છે ને?’ સંગીતા બોલી, એના ચહેરા પર રમતિયાળ સ્મીત હતું.

‘એટલે?’ ભૂમિને સંગીતાની વાત ન સમજાઈ.

‘એટલે એમ કે સૌમિત્ર ઓરકુટ પર છે. તું એને મારી જેમ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી શકે છે અને તમે બંને ઓરકુટ ફ્રેન્ડઝ બની શકો છો.’ સંગીતાએ ફોડ પાડ્યો.

‘ઓરકુટ? એ શું છે?’ ભૂમિને હજીપણ ન સમજાયું કે સંગીતા શું કહી રહી છે.

‘હે રામ! તું કઈ દુનિયામાં વસે છે ભૂમિ? ચલ તને બતાવું, સોશિયલ મીડિયાની અનોખી દુનિયા, એટલેકે ઓરકુટ.’ આટલું કહીને સંગીતા એના એ જ બેડરૂમ તરફ ચાલવા લાગી જ્યાં ભૂમિ અને સૌમિત્ર છેલ્લે મળ્યા હતા.

ભૂમિ પણ આશ્ચર્ય સાથે સંગીતાની પાછળ દોરવાઈ.

***

‘જો મેં તને કીધું હતું ને કે એક દિવસ આપણે ભરાઈ જઈશું.’ જમીન પર પડેલું અન્ડરવીયર ઉપાડતાં સૌમિત્ર બોલ્યો.

સવારે છ-સવા છની આસપાસ સુભગને ક્રિકેટ કોચિંગ ક્લાસમાં મૂકીને આવ્યા પછી, કાયમની જેમ ધરાને સૌમિત્રના સંગની ઈચ્છા થઇ જતા એણે કોઈ આર્ટીકલ લખી રહેલા સૌમિત્રને એની અદાઓથી અને શારીરિક સ્પર્શથી ઉત્તેજીત કર્યો અને બાદમાં બંને પ્રેમાલાપમાં પરોવાયા અને જ્યારે બંને ચરમસીમાની નજીક હતા ત્યારે જ અચાનક સૌમિત્રના બેડરૂમનો દરવાજો જનકભાઈએ જોરજોરથી ખખડાવ્યો એટલે સૌમિત્ર અને ધરાને પોતાની પ્રેમપ્રક્રિયા અધવચ્ચે જ પડતી મૂકીને ઉભું થઇ જવું પડ્યું.

‘આવું પપ્પા, એક મિનીટ.’ સૌમિત્રએ જોરથી કીધું.

‘જલ્દી કર, તારી મમ્મીને કાંઇક થાય છે.’ જનકભાઈના અવાજમાં ગભરાટ હતો.

સૌમિત્ર તો કપડા પહેરી ચૂક્યો હતો પણ એ બારણું ખોલતા અગાઉ ધરાના કપડા પહેરવાની રાહ જોઈ રહ્યો હતો. જનકભાઈની વાત સાંભળીને ધરાએ એની ચિંતા ન કરતા સૌમિત્રને દરવાજો ખોલવાનો ઈશારો કર્યો અને પોતે બાકીના કપડા લઈને બાથરૂમમાં જતી રહી.

‘શું થયું મમ્મી?’ સૌમિત્ર બેડ પર સુતાસુતા પોતાની છાતી ઘસી રહેલા અંબાબેન પાસે બેસીને બોલ્યો. રૂમમાં બામની તીવ્ર વાસ આવી રહી હતી.

‘એને છાતીમાં ખુબ દુઃખે છે. મેં એને કીધું કે પટેલ ડોક્ટરને બાજુમાંથી બોલાવી લઈએ, પણ આ ઘરમાં મારું માને છે જ કોણ? અડધા કલાકથી બામ ઘસે છે, પણ હવે દુઃખાવો હદથી વધી ગયો છે.’ જનકભાઈ આમતેમ આંટા મારતા બોલી રહ્યા હતા.

‘તમે એક કામ કરો, મમ્મીનું ધ્યાન રાખો, આ ડોક્ટર પટેલનું કામ નથી, મને લાગે છે આપણે મમ્મીને હોસ્પીટલમાં લઇ જઈએ. હું ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લઉં.’ આટલું કહીને સૌમિત્ર ઉભો થયો.

‘મેં હમણાં જ ફોન કરીને એબ્યુલન્સ બોલાવી લીધી છે સોમુ, આવતી જ હશે.’ ધરાએ પોતાની સમયસુચકતા દેખાડી એટલે સૌમિત્રની બે મિનીટ અગાઉનો ગુસ્સો પણ ઓગળી ગયો.

લગભગ પાંચેક મીનીટમાં જ નજીકમાં આવેલી હેલ્ધી હાર્ટ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચીસો પાડતી સૌમિત્રના કમ્પાઉન્ડમાં આવી ગઈ. સૌમિત્રએ ધરાને સુભગને કોચિંગ ક્લાસમાંથી લાવવાની જવાબદારી સોંપીને પોતે જનકભાઈ સાથે અંબાબેનને લઈને એમ્બ્યુલન્સમાં બેસી ગયો.

ધરા દૂરદૂર જઈ રહેલી એમ્બ્યુલન્સને જોઈ રહી અને મનોમન અંબાબેન જલ્દીથી સાજા થઇ જાય એની કામના કરતી રહી.

***

પ્રકરણ ૩૯

અંગ્રેજીમાં ઈમરજન્સી લખેલા બોર્ડની નીચેનો દરવાજો ખુલ્યો એ સાથે જ સૌમિત્ર અને જનકભાઈ દરવાજાથી થોડે દુર મુકેલી બેન્ચ પરથી ઉભા થયા અને ડોક્ટર બદ્રેશીયા તરફ આપોઆપ ચાલવા લાગ્યા. જનકભાઈ કરતાં સૌમિત્ર આગળ ચાલી રહ્યો હતો પણ જેમ જેમ ડોક્ટર બદ્રેશીયા નજીક આવતા ગયા એમ એમ સૌમિત્રને એમનો સપાટ ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને ડોક્ટર પાસે કોઈ સારા સમાચાર નહીં જ હોય એમ વિચારીને એની ચાલ ધીમી પડી ગઈ. બે થી ત્રણ સેકન્ડ્સમાં જ જનકભાઈ સૌમિત્રથી આગળ થઇ ગયા.

‘તમે પાંચ મિનીટ મોડા પડ્યા મિસ્ટર પંડ્યા. ઈટ વોઝ અ ફટાલ હાર્ટએટેક.’ ડોક્ટર બદ્રેશીયાએ એમનો જમણો હાથ એમની સાવ નજીક આવીને ઉભા રહી ગયેલા જનકભાઈના ખભે મૂક્યો પણ એમની નજર સૌમિત્ર તરફ હતી.

ડોક્ટર પોતે ડેડબોડીને પંદર મીનીટમાં એમ્બ્યુલન્સમાં મુકવાની વ્યવસ્થા કરે છે એમ કહીને જતા રહ્યા અને સૌમિત્ર જનકભાઈને વળગીને રડવા લાગ્યો. જનકભાઈની આંખ કોરી રહી અને એ સૌમિત્રને ભેટ્યા પણ નહીં.

***

અંબાબેનને વળાવીને બધા ઘેરે પરત આવી ગયા હતા. આડોશી-પાડોશી અને દૂરના સગા-સંબંધીઓ તો સ્મશાનમાં જ સૌમિત્ર અને જનકભાઈને હાથ જોડીને જતા રહ્યા હતા. ધરાના માતા-પિતા ધરાના મામાને ઘેર જતા રહ્યા એટલે બાકી રહેલાઓમાં સૌમિત્રનું મોસાળ અને એના ફઇ-ફૂવાના કુટુંબ જ હતા. પુરુષો એકપછી એક ઘરમાં આવેલા ચાર બાથરૂમમાં ન્હાવાનું કામ પતાવતા હતા. મુખ્ય રૂમનું ફર્નીચર અન્ય રૂમોમાં અને ઘરના આંગણામાં મૂકી દીધું હોવાથી એ વિશાળ રૂમ આખેઆખો ખાલી હતો. પુરુષો સ્મશાને ગયા બાદ ધરા સૌથી પહેલી નહાઈ અને એણે એ રૂમમાં બે-ત્રણ મોટી મોટી શેતરંજીઓ પાથરી દીધી હતી. સ્મશાનેથી આવીને તરતજ જનકભાઈ આ રૂમના એક ખૂણામાં જઈને બેસી ગયા. સૌમિત્ર એક પછી એક ચારેય બાથરૂમ ચેક કરી આવ્યો પણ એકેય ખાલી ન હોવાથી એને રાહ જોવી પડે એમ હતી એટલે એ ઘરમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. જનકભાઈ પર સૌથી પહેલી નજર ધરાની પડી એણે સૌમિત્રને ઈશારો કરીને પોતાના રૂમમાં બોલાવ્યો.

‘શું?’ સૌમિત્રએ રૂમમાં ઘૂસતાં જ ધરાને સ્વાભાવિક સવાલ પૂછ્યો.

‘પપ્પા સવારથી એટલેકે મમ્મી ગયાં ત્યાર પછી રડ્યા જ નથી.’ ધરાએ બને તેટલું ધીરે બોલવાની કોશિશ કરી.

‘તો?’ સૌમિત્રને ધરાના આમ કહેવાનો મતલબ સમજાયો નહીં.

‘તું જાણે છે એમનો સ્વભાવ કેટલો જીદ્દી છે. જો એમણે નક્કી કરી જ લીધું હશે કે એ નહીં રડે તો એ નહીં જ રડે. પણ એનાથી એમની તબિયત પર કોઈ ખરાબ અસર ન પડે એ જોવાની જવાબદારી આપણી છે સોમુ. આપણે એમને રડાવવા જ પડશે. આપણને ખબર નથી અત્યારે એમના મનમાં શું ચાલી રહ્યું છે. બસ જ્યારથી તમે મમ્મીને હોસ્પિટલમાંથી લઇ આવ્યા ત્યારથી એ મૂંગા જ છે. ફોઈબા એમને વળગીને રડ્યા પણ એ કશું જ ન બોલ્યા. એકીટશે જમીન પર જોતા રહ્યા.’ ધરાના અવાજમાં એની જનકભાઈ પ્રત્યેની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

‘હમમ... સવારે હોસ્પિટલમાં પણ હું એમને વળગીને ખુબ રડ્યો, પણ એ... થેન્ક્સ.’ સૌમિત્રએ ધરા સામે સ્મિત કર્યું.

‘એ મારા પણ પપ્પા જ છે સોમુ.’ ધરાએ સૌમિત્રનો ખભો દબાવ્યો.

સૌમિત્ર એના બેડરૂમમાંથી બહાર આવ્યો અને ધીરે ધીરે જનકભાઈ લીવીંગ રૂમના જે ખૂણે બેઠા હતા ત્યાં પહોંચ્યો.

જનકભાઈ એ અત્યારે એક પગ ઉભો અને બીજો પગ આડો વાળી દીધો હતો. ઉભા વાળેલા પગના ઘૂંટણ પર એમણે પોતાના જમણા હાથને વાળીને એના પર પોતાનો ચહેરો ટેકવી દીધો હતો. એ એકીટશે સામેની દીવાલ તરફ જોઈ રહ્યા હતા. થોડી વાર થાય એટલે એમની નજર જમીન પર ટકી જતી, ખબર નહીં એ સતત શું વિચારી રહ્યા હશે? કદાચ તે દિવસે અંબાબેને કહેલા એ શબ્દો જેમાં એમના ગયા પછી દીકરા-વહુ સાથે રહેવામાં એમને તકલીફ પડશે એવું એ કહેતા હતા એ એમના મનમાં પડઘાઈ રહ્યા હશે. સૌમિત્ર રૂમમાં બેઠેલા રડ્યા ખડ્યા સગાઓને ચીરીને જનકભાઈની એકદમ સામે જઈને પલાંઠી વાળીને બેસી ગયો. ધરા પણ સૌમિત્રનું પગલેપગલું દબાવતી એની પાછળ જ આવી અને એની પાછળ ઉભી રહી. રૂમમાં થોડે દુર બેઠેલા સૌમિત્રના ફઇની નજર આ ગતિવિધિ પર પડી અને એમની નજર સૌમિત્ર શું કરે છે એના પર સ્થિર થઇ ગઈ.

જમીન પર બેસતાંની સાથે જ સૌમિત્ર એ પોતાનો જમણો હાથ જનકભાઈના વાળેલા હાથ પર મુકીને એને દબાવ્યો. અચાનક જ નિંદ્રામાંથી જાગી ગયા હોય એમ જનકભાઈની નજર સૌમિત્ર પર પડી. સૌમિત્રએ સીધેસીધું જનકભાઈની આંખમાં જોયું અને માત્ર બે થી ત્રણ સેકન્ડ બાદ એમની ડાબી આંખમાંથી આંસુની ધાર વહેવાની શરુ થઇ અને પછી તો જમણી આંખે પણ એનો સાથ આપ્યો અને થોડી જ વારમાં જનકભાઈની વર્ષો જૂની માનસિક મજબૂતીનો બંધ તૂટી ગયો. જનકભાઈ બેઠાબેઠા જ સૌમિત્રને વળગી પડ્યા અને ખૂબ રડવા લાગ્યા.

સૌમિત્ર આમતો આખો દિવસ અને સ્મશાને પણ અંબાબેનને અગ્નિદાહ આપતી વખતે ખૂબ રડ્યો હતો, પણ અત્યારે પણ એનાથી એનું રુદન અટક્યું નહીં. આ બાપ-દીકરાનું રુદન જોઇને ત્યાં રહેલા તમામ ખાસકરીને સ્ત્રીઓની આંખ પણ ભીની થઇ આવી. ધરાને એક તરફ જનકભાઈ રડ્યા અને એમનો ભાર એમણે હળવો કરો એ જોઇને રાહત થઇ, પણ એમનું દુઃખ જોઇને એની આંખ પણ ખૂબ ભીની થઇ ગઈ. નાનકડો સુભગ આ દ્રશ્ય જોઇને મુંજાઈ ગયો, કારણકે એને ખબર નહોતી પડી રહી કે આ બધું શું થઇ રહ્યું છે. ધરાએ નીચા નમી અને સુભગના કાનમાં કશુંક કહ્યું.

સુભગ દોડતો દોડતો રસોડામાં ગયો અને થોડીવાર પછી જયારે એ બહાર આવ્યો ત્યારે એના હાથમાં ઠંડા પાણીની બોટલ અને સ્ટીલના બે પ્યાલા હતા. ધરાએ એમાંથી એક પ્યાલો ભરીને સુભગને આપ્યો અને એને જનકભાઈને આપવાનો ઈશારો કર્યો. સુભગ જનકભાઈ પાસે ગયો અને એમની સામે પ્યાલો ધર્યો. જનકભાઈની નજર પડી અને એમણે સુભગને પણ ગળે વળગાડ્યો. પછી ધરાની સામે જોયું અને ભીની આંખે જાણેકે એની માફી માંગતા હોય એમ બે હાથ જોડ્યા.

‘તમે મારા પપ્પા જ છો. પપ્પા અને દીકરી વચ્ચે તો ઘણીવાર અબોલા થાય, આપણા થોડાક લાંબા ચાલ્યા બસ એટલુંજ.’ આટલું કહીને ધરા જનકભાઈ પાસે આવી અને એમના જોડેલા હાથ પર પોતાના હાથ મૂકી દીધા.

***

‘સોરી, મારાથી રાજકોટ નહીં અવાય.’ ભૂમિ ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરતાં કરતાં બોલી રહી હતી.

‘ડોન્ટ એક્ટ લાઈક સ્ટુપીડ ભુમ્સ. મારી કંપનીએ ફર્સ્ટ ટાઈમ કોઈ મોટું ફંક્શન રાખ્યું છે અને એમાં સ્પાઉસને આવવું ફરજીયાત છે.’ વરુણ છાપું બાજુમાં મુકતા બોલ્યો.

‘એટલે જો સ્પાઉસને લઇ જવાનું ફરજીયાત ન હોત તો તેં મને પૂછ્યું પણ ન હોત રાઈટ?’ ભૂમિએ સીધેસીધું જ વરુણની આંખોમાં જોઇને કીધું.

‘હા, બીકોઝ તારે હવે એક બાઉન્ડ્રીમાં ભરાઈને જ જીવવું છે એ મેં જોઈ લીધું છે. જો કમ્પલસરી ન હોત અને મેં તને મારી સાથે આવવાની ઓફર કરી હોત તો પણ આઈ એમ શ્યોર કે તે મને આ બધું સંભળાવ્યું જ હોત ભૂમિ. મારી પાસે આ બધું સાંભળવાની તૈયારી કે ટાઈમ બંને નથી. લીસન, યુ આર કમિંગ વિથ મી ધીસ સેટરડે. પીરીયડ.’ વરુણ દૂધમાંથી સીરીયલ ચમચીથી ખાતાં ખાતાં બોલ્યો.

‘મને રજા નહીં મળે.’ ભૂમિએ પણ સીધી જ વાત કરી દીધી.

‘હાફ ડે લઇ લે. ફંક્શન છ વાગ્યે છે આપણે ચાર વાગ્યે અહીંયાથી નીકળીશું તો પણ ચાલશે.’ વરુણ ટસનો મસ ન થયો.

‘અને જાનુ? હું એને બાઈ પાસે કે પડોશીને ત્યાં અજાણ્યા શહેરમાં મૂકીને સાત આઠ કલાક કેવી રીતે જાઉં? આપણને હજી છ મહિના પણ થયા નથી અહીંયા આવે. મને કોઈના પર વિશ્વાસ નથી જો તને કહી દઉં છું.’ ભૂમિએ છેલ્લે જાનકીનું કાર્ડ રમ્યું જે એને અત્યારસુધી વરુણ સાથે કોઇપણ નાનામોટા ફંક્શનમાં ન જવા માટે સચોટ સાબિત થતું હતું.

‘અરે એને આપણે ભેગી લઇ જઈશું.’ વરુણે નેપકીનથી પોતાના હોઠ સાફ કરતા કહ્યું.

‘પછી તારા ફંક્શનમાં બોર થશે તો? મારે તો એને લઈને એ હોટલની ગેલેરીમાં ફરવાનું ને? તું તારા કલીગ્સને છોડીને કે બીઝનેસ ફંક્શન હોવાથી તમારા બીઝનેસ રીલેટીવ્ઝને છોડીને તો દીકરીની સેવા ન જ કરી શકે ને? ઓબવિયસલી.’ ભૂમિએ ટોણો માર્યો.

‘શિવલાલ કાકાના ગ્રેંડ સન અને ગ્રેંડ ડોટર સાથે જાનુને ખુબ ફાવે છે. એ લોકો લાસ્ટ મંથ અહિયાં આવ્યા હતા ત્યારે તેં જ મને કહ્યું હતું કે એમની સાથે જાનુ એટલું બધું રમી કે તે તારું આખા દિવસનું કામ ફટોફટ પતાવી દીધું. આપણે શિવલાલ કાકાને ત્યાં જાનુને મૂકી દઈશું. એ હવે પાંચ વર્ષની થઇ છે, એટલી નાની પણ નથી. ઇટ્સ અ મેટર ઓફ જસ્ટ થ્રી આવર્સ ભૂમિ.’ વરુણે જાનકીને ફંક્શન દરમિયાન ક્યાં રાખવી એનો ઉપાય બતાવી દીધો.

‘અને પછી ત્યાં અચાનક એ મને મીસ કરશે તો?’ ભૂમિએ એક બીજી શક્યતા દર્શાવી.

‘તો મારો સેલ છે જ ને? ચલ, રાજકોટ ગયા પહેલાં તને પણ એક સેલ લઈ દઈશ, તારો નંબર એમને આપી દેજે ને?’ વરુણને ગમે તે રીતે ભૂમિને રાજકોટ લઇ જ જવાની હતી.

‘વાહ! ખરો છે હો તું? ફક્ત બે જ કલાક તારું કામ ચાલી જાય એટલે તું મને પંદર વીસ હજાર રૂપિયાનો મોબાઈલ પણ લઇ દેવા માટે તૈયાર છે.’ ભૂમિ પાસે વરુણને ટોણા મારવાની બહુ ઓછી તક મળતી હતી એટલે આજે એ વરુણને છોડવાની ન હતી.

‘ઈનફ ઓફ ધીસ સ્ટુપીડીટી! લેટ્સ કટ ધ ક્રેપ નાઉ ભૂમિ. હું અહિયાં ટોપ રેન્ક્ડ એમ ડી છું. આઈ એમ પાર્ટ ઓફ ધ મેનેજમેન્ટ. ઓકે? મારી આખી ટોપ મેનેજમેન્ટ ટીમે ભેગા મળીને આ ફંક્શન ઓર્ગનાઈઝ કર્યું છે અને એમાં હસબન્ડ વાઈફ બંને નું સાથે રહેવું ખૂબ જરૂરી છે. બધા જ પોતપોતાની વાઈવ્ઝ સાથે આવવાના છે એટલે તારે પણ આવવાનું છે. તને કોઈ તકલીફ નડતી હોય રાજકોટ આવવામાં તો એના બધા જ સોલ્યુશન્સ નીકળી આવશે, બટ યુ આર કમિંગ એન્ડ ધેટ્સ ફાઈનલ.’ આટલું કહીને વરુણ ડાઈનીંગ ટેબલ પરથી ઉભો થયો અને પોતાની બેગ લઈને ઘરની બહાર નીકળી ગયો.

ભૂમિ વરુણની પીઠ સામે જોતા જોતા પોતાના નસીબ પર ગુસ્સે થવા લાગી. એને આ બધું સૌમિત્રનું દિલ દુભાવવાનો બદલો એને મળી રહ્યો છે એમ એને લાગી રહ્યું હતું. ભૂમિ ભગવાનને ખોટા સમયે ખોટી રીતે પોતાને દોરવણી આપવા બદલ ક્યારેય માફ નહીં કરે એમ સતત વિચારી રહી હતી.

***

‘પપ્પા એકલા થઇ જાય સોમુ એમ હું કેવી રીતે? ના ના હું નહીં આવું.’ ધરા સૌમિત્રને જમવાનું પીરસી રહી હતી.

‘ધરા... એક દિવસનો તો સવાલ છે? પપ્પા એકલા રહી શકે એમ છે. અને સુભગ પણ એમની જોડે છે જ ને?’ સૌમિત્ર ધરાનો હાથ પકડીને બોલ્યો.

‘પણ એમની દવાનો ટાઈમ? ત્રણ મહિના પહેલા જ્યારે વાઈનો એટેક થયો ત્યારથી પટેલ અંકલે એમને રેગ્યુલર દવા આપવાની જવાબદારી મને આપી છે.’ ધરા સૌમિત્રની બાજુની ખુરશીમાં બેસતાં બોલી.

‘પપ્પા એક દિવસ એ બધું સાંભળી લેશે. પટેલ અંકલે તો એમ પણ કહ્યું હતું કે દવા રેગ્યુલરલી લેવાશે તો એમને ફરીથી એટેક નહીં આવે.’ સૌમિત્ર જમતાં જમતાં બોલ્યો.

‘પણ મારી તારા લેક્ચરમાં શું જરૂર છે? તું બધે એકલો જ જાય છે ને?’ ધરાએ દલીલ કરી.

‘આ લેક્ચર રાજકોટમાં છે. મમ્મીના ગયે છ મહિના થયા. હું તો બધે ફરતો રહું છું, પણ તું અહીંની અહીં એક જ વાતાવરણમાં રહે છે. તું એક દિવસ મમ્મી-પપ્પાને મળી લે અને થોડી ફ્રેશ થઇ જા, એવી મારી ઈચ્છા છે. અને તારે લેક્ચરમાં આવવાની જરૂર નથી. તું મમ્મી-પપ્પા સાથે ટાઈમ સ્પેન્ડ કરજે.’ સૌમિત્ર એ સ્મીત સાથે કહ્યું.

‘મમ્મી પપ્પા સાથે એક દિવસમાં મારું મન ન ભરાય. નેક્સ્ટ મન્થ સુભગનું ક્રિસમસ વેકેશન છે ને? હું ત્યારે એને લઈને ત્રણ-ચાર દિવસ જઈશ બસ? પ્રોમિસ!’ ધરાએ જવાબ આપ્યો.

‘પ્રોમિસ?’ સૌમિત્રએ પોતાનો ડાબો હાથ ધરાના હાથ પર મુકીને કીધું.

‘હા... પ્રોમિસ.’ ધરાએ પણ સ્મીત સાથે પોતાનું ડોકું હલાવ્યું.

અંદરોઅંદર ધરાને સૌમિત્રનું આમ કહેવું ખુબ ગમી રહ્યું હતું. એ પોતાની જાતને લકી સમજી રહી હતી કે એને સૌમિત્ર જેવો પ્રેમાળ અને પોતાનો અનહદ ખ્યાલ રાખતો જીવનસાથી મળ્યો છે. એણે મનોમન ઈશ્વરનો આભાર માની લીધો.

***

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી એક પ્રખ્યાત સ્ટાર હોટલના રીજન્ટ બેન્કવેટ હોલની બહાર મુકેલા પીન કૂશન બોર્ડ પર લખેલી માહિતી વાંચીને ભૂમિ પોતાના પગ પર જ સ્થિર થઇ ગઈ.

“Takishimo Life Insurance Pvt Ltd Welcomes You All For ‘Love and Life’ Lecture To Be Delivered By Renowned Writer and Thinker Mr. Saumitra Pandya.”

વરુણ તો ભૂમિ એની સાથે હોટલના બેન્કવેટ હોલ સુધી આવી ગઈ હોવાથી હવે એ ક્યાંય નહીં જાય એની ખાતરી થઇ ગઈ હોય એમ એને હોલના દરવાજે જ મૂકીને પોતે હોલમાં પોતાના ક્લીગ્ઝને શોધવા અંદર દાખલ થઇ ગયો. ભૂમિ બોર્ડ તરફ સતત જોઈ રહી હતી અને અચાનક જ એને જે આઘાત એને લાગ્યો હતો એમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી હતી.

આજે તો એનો અને સૌમિત્રનો સામનો થશે જ અને અન્ય કોઈ ઉપાય ન હોવાનું સ્પષ્ટ થઇ જતા ભૂમિ ધીમે ધીમે હોલમાં દાખલ થઇ. અહીં બરોબર સામે એક સ્ટેજ બનાવ્યું હતું જેમાં ઇન્શ્યોરન્સ કંપનીએ પોતાનું મસમોટું બેનર લગાવ્યું હતું. આ બેનરમાં પણ એ જ વાક્ય અતિશય મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું હતું જે ભૂમિએ હોલની બહાર પીન કૂશન બોર્ડ પર વાંચ્યુ હતું. ઝગમગ થઇ રહેલા આ બોર્ડ સામે ભૂમિ સતત જોઈ રહી હતી અને ધીમેધીમે ચાલતાં ચાલતાં એ હોલની મધ્યમાં આવીને ઉભી રહી ગઈ હતી.

‘આપણું ટેબલ ત્રણ નંબરનું છે.’ આખા હોલમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા ગોળાકાર ટેબલોમાંથી પહેલી હરોળમાં મુકવામાં આવેલા એક ટેબલ પર ઈશારો કરીને વરુણે ભૂમિના કાનમાં કીધું.

‘તેં સ્પીકરનું નામ વાંચ્યું?’ ભૂમિએ આંખો દ્વારા બેનર તરફ ઈશારો કરીને વરુણને કહ્યું.

‘હા, સોરી તને કહેવાનું જ ભૂલી ગયો કે મિસ્ટર પંડ્યા લેક્ચર ડીલીવર કરવાના છે.’ વરુણે હસીને કહ્યું.

‘તારે મને કહેવું જોઈતું હતું ને?’ ભૂમિ આમ બોલી તો ખરી પણ એને ખબર તો હતી જ કે વરુણને એનાથી કોઈજ ફરક પડવાનો ન હતો.

‘કહી દેત તો પણ શું થાત? તારે આવવાનું તો હતું જ ને? રીમેમ્બર? ટેન યર્સ બેક વી ઇન્વાઇટેડ મિસ્ટર પંડ્યા એટ જમશેદપુર બટ હી કુડન્ટ એટલે જ આજે દસ વર્ષ પછી મારા ફેવરીટ રાઈટરને મળવાના ઉત્સાહમાં હું તને કહેવાનું ભૂલી ગયો સ્વીટ હાર્ટ. સોરી!’ વરુણના ચહેરા પર સૌમિત્રને, એના પસંદીદા લેખકને મળવાનો એટલો આનંદ અને ઉત્સાહ હતો કે એ ઉત્સાહમાં અને આનંદમાં એણે ભૂમિને પણ સ્વીટ હાર્ટ કહીને બોલાવી દીધી જે એ છેલ્લે ક્યારે બોલ્યો હતો એની એને કે ભૂમિ બંનેને ખબર ન હતી.

‘એટલીસ્ટ હું મેન્ટલી રેડી થઇને તો આવત? સૌમિત્ર સાથેની મુલાકાત તો હું તારી જીદ સામે ટાળી ન જ શકત એની મને ખબર છે, પણ સૌમિત્ર જ્યારે મને મળશે ત્યારે એની સાથે હું કેવી રીતે વર્તીશ કે એ મને કશું કહેશે તો હું એને શું જવાબ આપીશ એટલી તૈયારી તો હું કરીને આવત ને?’ સ્વગત બોલતાં બોલતાં ભૂમિ ત્રણ નંબરના ટેબલ પર બેસી ગઈ જ્યાં બીજી ખુરશીઓ ખાલી હતી.

‘તું બેસ, મિસ્ટર પંડ્યા અહીં આવવા માટે એમના ઇન લોઝના ઘેરથી નીકળી ગયા છે. મારે અને મિસ્ટર બુચે એમનું મેઈન ગેઇટ પર સ્વાગત કરવાનું છે. આઈ વિલ બી બેક સૂન.’ ભૂમિને ટેબલ પર બેસાડીને વરુણે સ્મિત કર્યું અને હોલની બહાર નીકળી ગયો.

ભૂમિ સુનમુન થઈને સ્ટેજ પરના બેનર પર સૌમિત્રનું નામ તરફ એકીટશે જોઈ રહી હતી.

***

‘વેલકમ, મિસ્ટર પંડ્યા... એટ લાસ્ટ દસ વર્ષે આપણે મળ્યા ખરા!’ પાછલી સીટમાંથી સૌમિત્રના ઉતરતાં જ વરુણે એને ગુલદસ્તો આપતાં કહ્યું.

‘ગોડ ઈઝ ગ્રેટ! તમે જમશેદપુરની બદલે રાજકોટમાં મળી જશો એની તો મને કલ્પના પણ નહતી.’ વરુણ પાસેથી ગુલદસ્તો સ્વીકારતાં સૌમિત્ર બોલ્યો કારણકે એના મગજમાં પણ અચાનક વિચાર આવ્યો કે વરુણ અહીં છે એટલે સ્પાઉસ સાથેનું ફંક્શન હોવાથી ભૂમિ પણ એની સાથે જ હશે.

‘યસ હી ઈઝ, પણ આપણે મિસ્ટર બુચને પણ થેન્ક્સ કહેવા જોઈએ કે એમણે જ દસ વર્ષ પછી આપણી મુલાકાત પોસીબલ બનાવી છે. ખાસ કરીને એક ફેનને એના આઇડોલ સાથે મેળવવા માટે મારે એમને પર્સનલી થેન્ક્સ કહેવાના બાકી જ છે.’ વરુણના શબ્દે શબ્દમાં સૌમિત્ર પ્રત્યે અહોભાવ દેખાઈ રહ્યો હતો.

‘તમારા માટે એ મિસ્ટર બુચ હશે. મારા માટે તો એ ઇન્શ્યોરન્સ અડવાઈઝર કરતા એક ફ્રેન્ડ વધારે છે એટલે મારા માટે તો એ શાંતનુ જ છે, ફક્ત શાંતનુ. પણ શાંતનુ છે ક્યાં?’ આમ કહીને સૌમિત્ર શાંતનુને આસપાસ શોધવા લાગ્યો.

***

પ્રકરણ ૪૦

સૌમિત્ર આમ તેમ જોઇને શાંતનુને શોધી જ રહ્યો હતો ત્યાંજ એના ડાબા ખભાને કોઈએ પાછળથી દબાવ્યો. સૌમિત્ર તરત જ પાછળ ફર્યો તો એની સામે શાંતનુ એનું ચિતપરિચિત સ્મીત કરતો ઉભો હતો. સૌમિત્રના પાછળ ફરવાની સાથે જ શાંતનુએ પોતાના બંને હાથ પહોળા કર્યા અને સૌમિત્ર જાણેકે શાંતનુના આમ કરવાની રાહ જ જોતો હોય એમ એને ભેટી પડ્યો. એક સમયે સૌમિત્ર અને શાંતનુ વચ્ચે એક ક્લાયન્ટ અને કોર્પોરેટ ઇન્શ્યોરન્સ અડવાઈઝરના સંબંધ હતા પણ ક્યારે એ સંબંધ મૈત્રીમાં પલટાઈ ગયો એની બંનેમાંથી કોઈને ખબર જ ન પડી. આ બંને સાથે એમનાં પરિવારો પણ લાગણીના બંધનમાં જોડાઈ ગયા હતા. વ્રજેશ અને હિતુદાન અમદાવાદથી દૂર પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત હોવાને લીધે સૌમિત્રને ઘણી વખત એકલતા લાગતી હતી જ્યારે સામેપક્ષે શાંતનુનો ખાસ મિત્ર અક્ષય પણ હવે ઓસ્ટ્રેલિયામાં સ્થિર થઇ ગયો હતો એટલે એને પણ કોઈ પાક્કા મિત્રની ખોટ સાલી રહી હતી. આમ બંનેએ એકબીજાની જરૂરિયાત આપોઆપ પૂરી કરી દીધી હતી.

સૌમિત્રનું શાંતનુ સાથે આમ ઉમળકાભેર ભેટવું એ વરુણને આશ્ચર્ય પમાડી રહ્યું હતું પણ એને આ બંને વચ્ચેની દોસ્તી અને તાલમેલનો કોઈજ ખ્યાલ ન હતો એટલે એને એવી લાગણી થાય તે સ્વાભાવિક હતું.

‘કેમ છે તું?’ ભેટેલી અવસ્થામાં પણ શાંતનુ સામે જોઇને સૌમિત્ર બોલ્યો.

‘બસ જોરમાં અને તમે?’ શાંતનુએ પણ સૌમિત્રના હાલ પૂછ્યા.

‘ટીકટોક!’ સૌમિત્રએ હસીને જવાબ આપ્યો.

‘સોરી, આન્ટીના સમાચાર મળ્યા પણ હું સિંગાપોર હતો. અનુ આવી હતી બેસણામાં.’ શાંતનુએ ધીમેકથી સૌમિત્રના કાનમાં કહ્યું.

‘ઇટ્સ ઓકે, અનુભાભીમાં તું આવી ગયો યાર. અરે ક્યાં છે ભાભીસાહેબ? મારી નેક્સ્ટ કઢી પાર્ટી ક્યારે છે?’ સૌમિત્ર અને શાંતનુ હવે હોટેલ તરફ ચાલવા લાગ્યા.

‘કઢી પાર્ટી?’ વરુણે પણ હવે ચર્ચામાં ઝુકાવ્યું.

‘હા, અનુભાભી...અમમમ.. શાંતનુના વાઈફ મસ્ત ખીચડી-કઢી બનાવે છે. હું કાયમ આંગળા ચાટી જાઉં છું એમની કઢી ખાઈને એટલે મારા માટે તો એ દિવસ એક દાવત એટલેકે પાર્ટીથી કમ નથી હોતો જ્યારે શાંતનુ મને એને ઘેર ખીચડી-કઢી ખાવા બોલાવે. આમતો અમે બંને અમદાવાદમાં જ રહીએ છીએ, પણ છેલ્લા છએક મહિનાથી મને અનુભાભીની કઢી ખાવા નથી મળી.’ સૌમિત્રએ વરુણને જવાબ આપ્યો.

‘એ અંદર જ છે વ્યવસ્થામાં બીઝી છે. તમે જ એને પૂછી લેજો ને?’ શાંતનુએ આંખ મારી.

આમ વાતો કરતા કરતા આખો કાફલો રીજન્ટ બેન્કવેટ હોલના દરવાજા સુધી પહોંચી ગયો. અહિયાં ટાકીશીમો ઇન્શ્યોરન્સ ના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે વરુણની રીફાઇનરીના પણ મોટા અધિકારીઓ સૌમિત્રનું સ્વાગત કરવા માટે ઉભા હતા. સૌમિત્રને બંને કંપનીઓ તરફથી બુકે આપવામાં આવ્યા અને શાંતનુ ટાકીશીમોનો નંબર એક ફ્રીલાન્સ કોર્પોરેટ બિઝનેસ અડવાઈઝર હોવાથી અને આ કાર્યક્રમનો સહઆયોજક હોવાથી તેની પત્ની અનુશ્રીએ સૌમિત્રનું હાર પહેરાવીને સ્વાગત કર્યું.

‘હારથી નહીં ચાલે ભાભીસાહેબ, મારે તો કઢી જોઈએ કઢી.’ સૌમિત્રએ અનુશ્રી જ્યારે હાર પહેરાવી રહી હતી ત્યારે એની સામે હસતાંહસતાં બોલ્યો.

‘આવી જાવ આવતા રવિવારે સવારે ધરાને લઈને. ઈશીને પણ સુભગને મળવાની ખુબ ઈચ્છા છે.’ અનુશ્રીએ પોતાની મોટી મોટી આંખો ચમકાવીને અને એનું ટ્રેડમાર્ક પહોળું સ્મીત કરીને સૌમિત્રને કહ્યું.

‘ચોક્કસ, અમદાવાદ જઈને તરતજ ધરાને કહીશ કે નેક્સ્ટ સન્ડે અનુભાભીના હુકમનું પાલન કરવામાં આવશે.’ સૌમિત્ર હસી પડ્યો.

‘અરે ધરાને કેમ ન લઇ આવ્યા?’ અનુશ્રીએ સૌમિત્રની પાછળ જાણેકે ધરાને શોધી રહી હોય એમ જોઇને બોલી.

‘પપ્પા...એમને એકલા મુકીને અવાય એમ નથી. એપીલેપ્સીનો અટેક હજી બે ત્રણ મહિના પહેલાં જ આવ્યો હતો ને?’ સૌમિત્રએ ધરાની મજબૂરી જણાવી.

‘હા, અમે પણ પછી અંકલને મળવા આવી જઈશું.’ અનુશ્રી બોલી.

‘એની ટાઈમ. બાય ધ વે આ ઓરેન્જ બાંધણીમાં યુ આર લૂકિંગ ગોર્જિયસ અનુભાભી!’ સૌમિત્ર અનુશ્રી સામે જોઇને બોલ્યો.

‘થેન્ક યુ સૌમિત્ર!’ અનુશ્રી પણ હસીને બોલી.

આ બધી ચર્ચા બેન્કવેટ હોલના દરવાજેથી સ્ટેજ તરફ જતી વખતે થઇ રહી હતી. એક તરફ વરુણ એના પસંદીદા લેખકના સંબંધ એની જ કંપનીના કોર્પોરેટ ઇન્શ્યોરન્સ અડવાઈઝર અને તેની પત્ની સાથે આટલા નજીકના હશે એ જાણીને ચોંકી ઉઠ્યો. જ્યારે વરુણની જ બાજુમાં અને સૌમિત્ર અને અનુશ્રીની પાછળ ચાલી રહેલા શાંતનુ મનમાં ને મનમાં મુસ્કરાઈ રહ્યો હતો. એ બંનેની ચાલી રહેલી વાતો પરથી શાંતનુને લાગી રહ્યું હતું કે સૌમિત્રએ અનુશ્રી માટે એક દિયર તરીકેની અક્ષયની ખોટ પૂરી કરી દીધી છે.

***

આ તમામ હવે સ્ટેજ ની નજીક આવી રહ્યા હતા. સ્ટેજની બરોબર સામે મુકેલી પાંચ ટેબલોની હરોળમાં ત્રીજા નંબરના ટેબલ પાસેથી જ આ બધાએ પસાર થવાનું હતું. જેમ જેમ સૌમિત્ર આ બધાની વચ્ચે ચાલતો ચાલતો પોતાના ટેબલ તરફ આવી રહ્યો હતો તેમ તેમ ભૂમિને સંપૂર્ણ એસી હોલમાં પણ પરસેવો થઇ રહ્યો હતો. એને ખ્યાલ નહોતો આવી રહ્યો કે જ્યારે એની અને સૌમિત્રની નજર સોળ વર્ષ બાદ મળશે ત્યારે એની શી હાલત થશે. પોતાની કંપની ઇન્શ્યોરન્સ અડવાઈઝરની પત્ની સાથે પોતાના જ ફેવરીટ લેખક જે આખા દેશમાં પ્રસિદ્ધ છે તેનું મૈત્રીપૂર્ણ લહેકામાં વાત કરવું એ વરુણને થોડીક ઈર્ષા કરાવી ગયું.

‘અમમ.. મિસ્ટર પંડ્યા મીટ માય વાઈફ ભૂમિ.’ જેવું ત્રણ નંબરનું ટેબલ નજીક આવ્યું કે તરત જ વરુણે તક ઝડપી લીધી કારણકે જો એક સામાન્ય ઇન્શ્યોરન્સ અડવાઈઝર શાંતનુની પત્ની અનુશ્રી સૌમિત્ર સાથે વાત કરી શકતી હોય તો પોતાની એટલેકે એમ ડી ની પત્ની સાથે સૌમિત્ર કેમ બે સેકન્ડ પણ વાત ન કરે એવી એની તાત્કાલિક ઉભી થયેલી જીદ એણે પૂરી કરી.

આ તરફ ઓલરેડી ટેન્શનમાં આવી ગયેલી ભૂમિ માટે વરુણનું આમ અચાનક સૌમિત્રને એની સામે ઉભા કરી દેવું અસહ્ય બની ગયું.

‘નાઈસ મીટીંગ યુ, મિસીઝ પટેલ!’ સૌમિત્રએ ભૂમિ સાથે નજર તો ન મેળવી પણ સ્મિત ફરકાવીને બસ આટલું જ બોલ્યો અને એણે સ્ટેજ તરફ આગલું ડગલું માંડી દીધું.

***

નાનકડા સ્ટેજ પર એક તરફ ટાકીશીમો ઇન્સ્યોરન્સના એક મોટા એક્ઝીક્યુટીવ, એમની બાજુમાં વરુણ અને પછી સૌમિત્ર અને શાંતનુ બેઠા હતા. કાર્યક્રમનું સંચાલન અંગ્રેજીમાં એક પ્રોફેશનલ એન્કર કરી રહી હતી. ભૂમિના ગોળાકાર ટેબલ પર છ ખુરશી હતી. અનુશ્રી ભૂમિની સામેની ખુરશીમાં બેઠી અને બંનેએ એકબીજાથી અજાણ્યા હોવાને લીધે એકબીજા સામે માત્ર સ્મિત કર્યું. જો કે અનુશ્રીના પાવરફૂલ સ્મિત ની સામે ભૂમિનું સ્મિત સ્વાભાવિક કારણોસર ફીકું અને ચિંતાતુર લાગી રહ્યું હતું.

‘હું હવે મિસીઝ અનુશ્રી બુચને વિનંતી કરીશ કે તેઓ રીફાઇનરીના ઇન્ટરનેશનલ બિઝનેસ એમ ડી મિસ્ટર વરુણ પટેલનું બુકેથી સ્વાગત કરે.’ સામાન્યરીતે પ્રોફેશનલ એન્કર્સ જે પ્રકારના અંગ્રેજી લહેકામાં બોલતા હોય છે એ જ રીતે પેલી એન્કર બોલી.

પોતાનું નામ સંભળાતા જ અનુશ્રી ઉભી થઇ અને સ્ટેજ પર પહોંચી ત્યાં એને એક વોલેન્ટિયરે બુકે આપ્યો જે લઈને અનુશ્રી વરુણ સામે ઉભી રહી અને એને એ બુકે ભેટ કર્યો. વરુણ સાથે હાથ મેળવ્યા બાદ અનુશ્રી પોતાની ખુરશી પર આવીને બેસી ગઈ.

‘હવે હું આમંત્રણ આપીશ મિસ્ટર વરુણ પટેલના જ પત્ની મિસીઝ ભૂમિ પટેલને કે તેઓ આપણા આજના ખાસ મહેમાન, સ્પીકર, પોપ્યુલર રાઈટર એન્ડ થીન્કર સૌમિત્ર પંડ્યાનું બુકેથી સ્વાગત કરે.’ એન્કર બોલી.

ભૂમિ આ માટે બિલકુલ તૈયાર ન હતી. એક તો એ પહેલેથી જ સૌમિત્રની હાજરીને લીધે ટેન્શનમાં હતી અને એ સૌમિત્રની સામે સૌમિત્રથી દૂર કેવી રીતે રહી શકશે અને સૌમિત્ર ક્યાંક ભૂલથી વરુણની સામે એ બંનેના ભૂતકાળની કોઈ વાત તો નહીં ઉખેળેને એની ભરપૂર ચિંતામાં હતી ત્યાં જ સ્ટેજ પરથી આ પ્રકારની જાહેરાત એ ભૂમિ માટે જાણેકે ઉંટની પીઠ પરના છેલ્લા તણખલા સમાન હતી. પણ ભૂમિ પાસે બીજો કોઈજ ઉપાય ન હતો.

‘મિસીઝ પટેલ? મિસીઝ પટેલ...’ લગભગ સાત-આઠ સેકન્ડ સુધી ભૂમિ ખુરશી પરથી ઉભી ન થતા અનુશ્રીને લાગ્યું કે કદાચ ભૂમિએ સ્ટેજ પરથી થયેલી જાહેરાત બરોબર સાંભળી નથી એટલે એણે ભૂમિને બોલાવી.

‘હં??..હા હા.. જાઉં છું. થેંક્યું.’ અનુશ્રી સામે એક ફિક્કું સ્મિત આપીને ભૂમિ ઉભી થઇ.

ભૂમિએ એના ખોળામાં એનું પર્સ મુક્યું હતું અને ભૂમિના આમ અચાનક ઉભા થઇ જવાને લીધે એ નીચે પડી ગયું. ભૂમિએ એની પરવા ન કરીને આગળ વધતા એ પર્સનો પટ્ટો એના સેન્ડલમાં આવી ગયો અને એ એનું બેલેન્સ બે સેકન્ડ માટે ચુકી ગઈ. એની બિલકુલ નજીક બેઠેલી અનુશ્રીએ ભૂમિનો હાથ પકડીને એનું બેલેન્સ સાચવી લીધું. ભૂમિએ આંખના ઇશારાથી જ અનુશ્રીને થેન્ક્સ કહ્યા અને અનુશ્રીએ પણ આંખના ઇશારે એને જવાબ આપી દીધો. જો કે સ્ટેજ પર બેઠેલા તમામની નજરથી આ સમગ્ર ઘટના બચી શકી ન હતી.

‘આટલું ધ્યાન નથી રાખી શકતી તું?’ વોલેન્ટિયર પાસેથી બુકે લઈને વરુણ નજીકથી જેવી ભૂમિ પસાર થઇ કે તરતજ વરુણ ધીરા સાદે બોલ્યો.

પગમાં જાણેકે હજારો કિલોના વજનીયાં મૂકી દીધા હોય એટલી ઓછી ગતિએ સૌમિત્ર તરફ ચાલી રહેલી ભૂમિએ વરુણનું આમ કહેવાની સાથેજ ગુસ્સેથી જોયું. આમ એ ધીરેધીરે સૌમિત્રની તરફ આગળ વધી. સૌમિત્રની નજરમાં નજર નાખવાની ભૂમિની હિંમત ન હતી એટલે એણે માંડમાંડ જાણેકે પોતે સૌમિત્રની સામે જોઈ રહી હોય એમ પોતાનો ચહેરો ઉંચો કર્યો પણ એની સામે એણે જોયું નહીં અને પોતાના હાથમાં રહેલો બૂકે ધર્યો.

‘થેંક્યું... આર યુ ઓકે?’ સૌમિત્રએ હવે ભૂમિની નજરમાં નજર નાખવાની કોશિશ કરી પણ ભૂમિ એની સામે જોઈ નહોતી રહી.

સૌમિત્રના સવાલના જવાબમાં હકારમાં પોતાનું ડોકું હલાવીને જેવો સૌમિત્રએ બુકે એના હાથમાંથી લીધો કે તરત જ ભૂમિ સ્ટેજના બીજા ભાગ તરફથી નીચે ઉતરવા માટે ચાલવા લાગી.

‘ટેઈક કેર!’ સૌમિત્રની આ શુભેચ્છા ભૂમિની પીઠ પર ભટકાઈ.

***

ભૂમિના એના ટેબલ પર બેસવાની સાથે જ એન્કરે સૌમિત્રને એનું લેક્ચર શરુ કરવાની વિનંતી કરી. સૌમિત્ર એની જગ્યા પરથી ઉભો થયો ત્યારથી જ ભૂમિએ એને એકીટશે જોવાનું શરુ કર્યું.

‘આટલા વર્ષે પણ એને મારી કેટલી બધી ચિંતા છે? થેન્ક્સ કહીને તરતજ મને એણે પૂછી લીધું કે હું બરોબર છું ને? વરુણે તો મારી કેર લેવાને બદલે મને વઢી નાખી. આટલોજ ફર્ક છે સૌમિત્ર અને વરુણમાં. પણ મને એણે ટેઈક કેર કેમ કીધું? હું બેલેન્સ મીસ કરી ગઈ એટલે? કે પછી એણે મારા ફ્યુચર માટે દિલથી આમ કીધું હશે? બાકી જાડો થઇ ગયો છે હોં? કોલેજમાં તો કેટલો પાતળો હતો? ધરા સાથે એની લાઈફ ખૂબ સુખી હશે તો જ આટલો જાડો થાય ને? રિમલેસ ચશ્મામાં જબરી પર્સનાલિટી પડે છે નહીં? એની નોવેલ્સના બુક કવર્સ કે પછી ન્યુઝ પેપર, મેગેઝીન્સ કે ટીવી પર દેખાય છે એનાથી પણ વધારે હેન્ડસમ રિયલમાં લાગે છે. ત્યારે પણ હેન્ડસમ હતો જ પણ એણે ક્યારેય પોતાના લૂકસની પરવા નહોતી કરી. હું એને કેટલું વઢતી કે થોડું તો તારા કપડા પર અને હેરસ્ટાઈલ પર ધ્યાન આપ? તો મને કહેતો કે હવે તારા સિવાય મારે કોની સામે સારું દેખાવું છે? અને તું મને પ્રેમ કરે છે તો મને કોઇપણ રૂપમાં તું સ્વીકારી લઈશ. બોલવામાં તો પહેલેથી જ પાક્કો છે ને? હા..... એની આ બોલવાની આપવાની સ્ટાઈલ પર તો તમે કુરબાન થઇ ગયા હતા મિસ ભૂમિ અમીન? ઉપ્સ.. સોરી હવે તો હું ભૂમિ પટેલ છું, મેરીડ છું. પણ ત્યારે તો તમે ભૂમિ અમીન જ હતા ને જ્યારે આ જ પોપ્યુલર રાઈટર એન્ડ થીન્કર મિસ્ટર સૌમિત્ર પંડ્યા તમારા પ્રેમમાં પાગલ હતા? તો? હવે તો એ પણ પરણી ગયો છે અને હું પણ. હવે એ મિસીઝ ધરા પંડ્યાનો પતિ છે અને હું મિસીઝ ભૂમિ પટેલ બની ચુકી છું. તેં સાંભળ્યું નહીં એન્કરે મને કયા નામથી બોલાવી હતી? પણ બે ઘડી સૌમિત્રને મનમાં ને મનમાં ફરીથી પ્રેમ કરવામાં શો વાંધો છે? એમાં ક્યાં વરુણને કે ધરાને ખબર પડી જવાની છે?’

એક તરફ સૌમિત્રનું લેક્ચર ચાલી રહ્યું હતું અને આ તરફ ભૂમિને સૌમિત્ર શું બોલી રહ્યો છે એના પર એનું બિલકુલ ધ્યાન ન હતું. એ તો માત્ર સૌમિત્રમાં જ ખોવાઈ ગઈ હતી. હજી ત્રીસેક મિનીટ પહેલાં જ સૌમિત્ર સાથે નજર મેળવવાથી પણ ડરી રહેલી ભૂમિ અત્યારે અનિમેષ નજરે એને જ જોઈ રહી હતી. સૌમિત્રને ન જોયાની સોળ વર્ષની તરસ કદાચ એ અત્યારે જ સૌમિત્ર જેટલી મિનીટ સ્ટેજ પર રહે ત્યાંસુધીમાં છીપાવવા માંગી રહી હતી.

***

‘જો! હવે મારે કોઈજ ટ્રબલ નથી જોઈતી. આપણે બંને, મિસ્ટર એન્ડ મિસીઝ બુચ અને મિસ્ટર પંડ્યા આ જ ટેબલ પર ડીનર લેવાના છીએ. બાકી બધાની ડીનરની વ્યવસ્થા માટે હું અને મિસ્ટર પંડ્યા હવે પંદર વીસ મિનીટ કે ઇવન હાફ આવર માટે બીઝી થઇ જઈશું. અત્યારે મિસ્ટર પંડ્યા એમના ફેન્સને મળી રહ્યા છે અને ઓટોગ્રાફ્સ આપી રહ્યા છે, જેવા એ એમાંથી નવરા પડે કે તું પ્લીઝ એમને વિથ ઓલ ધ રીસ્પેક્ટ આ ટેબલ પર લઇ આવજે અને પ્લીઝ આમ ડેડ ડકની જેમ બેઠી ના રહેતી એમની સાથે થોડી વાત પણ કરજે. ભલે તમે એકબીજાને નથી ઓળખતા પણ કોઇપણ સબ્જેક્ટ શોધીને પ્લીઝ અમારા આવ્યા સુધી એમની સાથે વાતો કરતી રહેજે. તેં તો એમની બધીજ નોવેલ્સ વાંચી છે ને? એના પર ડિસ્કસ કરજે.’ સૌમિત્રનું લેક્ચર પતવાની સાથે જ વરુણે ભૂમિને સલાહ આપતાં જણાવ્યું.

“ભલે તમે એકબીજાને નથી ઓળખતા...” વરૂણનું આ વાક્ય ભૂમિને ફરીથી ગભરાવી ગયું.

વરુણે ભૂમિને ભલે બે વખત પ્લીઝ કહ્યું હોય પણ એના બોલવાનો સૂર તો એ હુકમ કરી રહ્યો હોય એવો જ હતો અને એટલે ભૂમિને કમને પણ સૌમિત્ર સાથે વાત કરવી જ પડે એવા સંજોગો ઉભા થઇ ગયા હતા. જેમ સૌમિત્ર સાથેની આજની મૂલાકાત એ ટાળી શકે એમ ન હતી એવી જ રીતે એ હવે સૌમિત્ર સામે માત્ર મૂંગી રહીને બેસી રહે એ પણ શક્ય રહેવાનું ન હતું. અનુશ્રી પણ એના પતિ શાંતનુ સાથે બધા જ મહેમાનોના ડીનરની વ્યવસ્થામાં લાગી ગઈ હતી એટલે ભૂમિને બદલે થોડો સમય અનુશ્રી સૌમિત્ર સાથે વાત કરે એ પણ શક્ય ન હતું.

ભૂમિ એકદમ ટેન્શનમાં આવી ગઈ. એક તરફ એને આટલા વર્ષો બાદ સૌમિત્ર મળ્યો એનો એને ખુબ આનંદ હતો અને એટલે જ એણે સૌમિત્રના પિસ્તાલીસ મિનિટના લેક્ચર દરમિયાન એને મનભરીને જોઈ લીધો હતો, પણ હજી તેને અંદર અંદરથી એણે જે રીતે વર્ષો પહેલાં સૌમિત્રને જાકારો આપ્યો હતો એ બાબતે ગુનાની લાગણી થઇ રહી હતી અને આ જ લાગણી એને સૌમિત્ર સાથે વાત કરતાં રોકી રહી હતી. પણ વરુણના આદેશનું પાલન પણ કરવું જ પડે એમ હતું અને એમ કરતાં ક્યાંક એ અને સૌમિત્ર પકડાઈ ન જાય એનો છૂપો ડર પણ એને સતાવી રહ્યો હતો.

કોલકાતા છોડ્યા પછી ભૂમિને જ્યારે જ્યારે પણ કોઈ રસ્તો ન મળતો અથવાતો એ જ્યારે ખૂબ દુઃખી થતી ત્યારે એ એના પરમ સખા શોમિત્રોને કોલ કરીને એની સલાહ લેતી અથવાતો એની પાસે રડી લેતી. પણ અત્યારે એની પાસે વરુણે અપાવેલો સેલફોન હોવા છતાં એ શોમિત્રો સાથે વાત કરી શકે એમ ન હતી કારણકે એણે સૌમિત્રના નવરા પડવાની સાથેજ એને ડીનર ટેબલ પર લઇ આવવાનો હતો. પણ અચાનક જ ભૂમિને કશુંક યાદ આવ્યું. એણે પોતાનું પર્સ ખોલ્યું અને એમાંથી પોતાનો સેલફોન બહાર કાઢ્યો.

“At a funtion in Rajkot. Gujarati Shomitro is right in front of me. Can’t avoid meeting and talking with him, what to do?” ભૂમિએ શોમિત્રોને ટેક્સ્ટ મેસેજ મોકલ્યો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે શોમિત્રો એને તરતજ કોઈ સલાહ આપે કે જેનાથી એનો ભાર હળવો થાય.

બે મિનીટ સુધી કોઈજ જવાબ ન આવતાં ભૂમિ વ્યાકુળ થવા લાગી, પણ ત્યાં જ એનો ફોન વાઈબ્રેટ થયો અને શોમિત્રોનો જવાબ આવ્યો હોવાનું નોટિફિકેશન એણે વાંચ્યું. એક સેકન્ડની પણ રાહ જોયા વગર જ ભૂમિએ શોમિત્રોનો મેસેજ ઓપન કર્યો.

“Be normal, be what you are. All the best!” શોમિત્રો નો જવાબ ટૂંકોને ટચ હતો પણ એના આ નવ શબ્દોએ ભૂમિમાં જાણેકે નવો ઉત્સાહ ભરી દીધો હોય એમ એના શરીરમાં અચાનક જ આત્મવિશ્વાસના ફુવારા છૂટવાના ચાલુ થઇ ગયા હોય એમ એણે પોતાનો મોબાઈલ લોક કર્યો અને એને પર્સમાં મૂકી, પર્સની ઝીપર બંધ કરી. પર્સને પોતાની ખુરશી પર જ મૂકી અને સૌમિત્ર જ્યાં એના ફેન્સથી ઘેરાયેલો હતો તે ટોળાના એક ખૂણે જઈને ઉભી રહી ગઈ.

ભૂમિ સૌમિત્ર ક્યારે આ બધામાંથી નવરો પડે છે એની રાહ જોવા લાગી. સૌમિત્રને ટોળેવળીને ઉભા રહેલા એના ફેન્સ સાથે વાતો કરતા અચાનક જ સૌમિત્રનું ધ્યાન એ ટોળાની બહાર સહેજ દૂર ઉભી રહેલી અને એની સામે જોઈ રહેલી ભૂમિ પર પડ્યું. વરુણે સૌમિત્રને પહેલેથી જ કહી દીધું હતું કે જેવો એ ઓટોગ્રાફ્સ આપવામાંથી નવરો પડે કે તરત જ એની વાઈફ ભૂમિ એને ડીનર ટેબલ તરફ લઇ જશે. એટલે એને ખ્યાલ આવી ગયો કે ભૂમિ ક્યા કારણથી એની રાહ જોઈ રહી છે.

‘Should we end here? મને હવે ખૂબ ભૂખ લાગી છે.’ ભૂમિને જોઇને સૌમિત્રએ અચાનક જ હસતાંહસતાં એ ટોળાને સંબોધીને કહ્યું અને એમાંથી મોટાભાગનાઓએ કમને હકારમાં ડોકું હલાવ્યું.

સૌમિત્ર બધાને થેન્ક્સ કહીને ભીડને ચીરતો ચીરતો ભૂમિ તરફ આગળ વધવા લાગ્યો.

‘હાઈ! કેમ છો?’ ભીડની બહાર આવતાની સાથે જ સૌમિત્રએ ભૂમિ સામે હાથ લંબાવ્યો અને પૂછ્યું.

ભૂમિએ હવે સૌમિત્રનો હાથ પોતાના હાથમાં લીધો અને એ પણ સૌમિત્ર સામે એકીટશે જોતાં જોતાં જ! સોળ વર્ષે સૌમિત્રનો પ્રથમ સ્પર્શ અનુભવતાં જ ભૂમિની બંને આંખના ખૂણા ભીના થયા.

***

પ્રકરણ ૪૧

ઘણાં વર્ષો થઇ ગયા નહીં?’ સૌમિત્રએ ભૂમિ નો હાથ હલાવતાં કહ્યું.

‘સોળ વર્ષ.’ ભૂમિએ સાચો આંકડો કહ્યો અને પોતાનો બીજો હાથ એના ટેબલ તરફ લંબાવીને એ તરફ ચાલવાનો ઈશારો કર્યો.

‘તમારે મારા તરફથી ચિંતા કરવાની કોઈજ જરૂર નથી. ફીલ ફ્રી.’ સૌમિત્ર એ ભૂમિ સાથે ટેબલ તરફ ચાલતાં ચાલતાં સહેજ ઝૂકીને એના કાનમાં કહ્યું.

ભૂમિ સૌમિત્રનો ઈશારો સમજી ગઈ અને એના હ્રદય પર જે રહ્યોસહ્યો ભાર હતો એ પણ હળવો થઇ ગયો. અચાનક જ ભૂમિ પોતાનું શરીર સાવ હળવુંફૂલ થઇ ગયું હોય એવું મહેસૂસ કરવા લાગી. એણે આભારવશ સૌમિત્ર સામે સ્મિત કર્યું. બંને પેલા ત્રણ નંબરના ટેબલ પાસે આવીને ઉભા રહ્યા, સૌમિત્ર એ ટેબલ નજીકની એક ખુરશી ખસેડી અને માનભેર ઈશારો કરીને ભૂમિને પહેલા બેસવાનું કહ્યું. ભૂમિના બેસવાની સાથે જ સૌમિત્ર એની બરોબર સામેની ખુરશીમાં બેઠો.

‘ઘેરે નાનો સૌમિત્ર છે કે નાની ધરા?’ ભૂમિએ જાણેકે પોતે અજાણ હોય એમ બોલી, પણ એને સૌમિત્રના અંગત જીવનની જેટલી વાતો મીડિયામાં આવતી એની બધીજ ખબર હતી.

‘સુભગ, દસ વર્ષનો છે. તમારે?’ સૌમિત્ર એ વળતો સવાલ કર્યો.

‘જાનુ...આઈ મીન જાનકી. આઠ વર્ષની છે.’ ભૂમિએ જવાબ આપીને કહ્યું.

‘તમે જોબ કરો છો કે ઘર સંભાળો છો?’ સૌમિત્રનો આગલો સવાલ.

‘બંને. જામનગર આર્ટ્સ કોલેજમાં ઇકોનોમિક્સની લેક્ચરર છું અને વરુણ અને જાનકીને પણ સંભાળું છું.’ ભૂમિએ વાક્યના છેલ્લા હિસ્સા પર ખાસ ભાર મૂકી ને કહ્યું.

‘નોકરી અને ઘર બંને સંભાળવા ખુબ અઘરા છે નહીં?’ સૌમિત્રએ સ્મિત સાથે જવાબ આપ્યો.

‘હા, પણ મને ઘરમાં રહેવું નથી ગમતું. ધરા શું કરે છે?’ ભૂમિને ધરા વિષે જાણવાની ઉત્કંઠા હતી અને એ પણ સૌમિત્રના મોઢેથી.

‘એ ચોવીસ કલાકની જોબ કરે છે.’ સૌમિત્ર હસીને બોલ્યો?

‘એટલે?’ ભૂમિને નવાઈ લાગી.

‘મારા જીદ્દી પપ્પા, મારા જેવા ધૂની રાઈટર અને તોફાની ટપુડા જેવા મારા દીકરાને સાચવવાની ચોવીસ કલાકની જોબ.’ સૌમિત્ર હસી પડ્યો.

‘ઓહ હા એ ખરું. મમ્મી?’ ભૂમિ કોમી રમખાણ પહેલાં જ્યારે સૌમિત્ર એને ઘરે મૂકવા પોતાનું સ્કૂટર લઈને ગયો હતો ત્યારે અંબાબેનને મળી હતી.

‘મમ્મી છ મહિના પહેલાં...’ સૌમિત્ર આટલું જ બોલ્યો.

‘ઓહ, આઈ એમ સોરી.’ ભૂમિએ છાપામાં અંબાબેનના અવસાનના સમાચાર સાંભળ્યા હતા પણ છતાં અત્યારે જૂની વાતો યાદ આવતાં એને દુઃખ થયું.

‘નથીંગ ટુ સોરી? તમને ખબર નહોતી એટલે.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત પરત આવ્યું.

‘મને તમે કહીને બોલાવીને આપણા સંબંધને આટલા બધા ફોર્મલ બનાવવાની જરૂર ખરી?’ ભૂમિએ સૌમિત્ર સામે સ્મિત સાથે જોઇને કહ્યું.

‘આપણી વચ્ચે એકબીજાને તુંકારે બોલાવવા જેવા ઇન્ફોર્મલ સંબંધ પણ હવે ક્યાં રહ્યા છે?’ સૌમિત્રએ તરત જ જવાબ આપ્યો.

સૌમિત્રનો જવાબ સાંભળીને ભૂમિ સ્તબ્ધ થઇ ગઈ એનું સ્મિત બે સેકન્ડમાં દૂર થઇ ગયું. એને એમ હતું કે પહેલા જેમ સૌમિત્ર એનો પડ્યો બોલ ઝીલતો એ રીતે જ સૌમિત્ર એની આ વાત પણ માની લેશે અને એને ‘તું’ કહીને સંબોધશે, પણ સૌમિત્રના આ જવાબની એને બિલકુલ ઈચ્છા ન હતી. ભૂમિને સૌમિત્ર એને તમે કહીને બોલાવે એ જરાય પસંદ ન હતું કારણકે એમાં સૌમિત્રની આત્મીયતા નહોતી દેખાતી. અત્યારસુધી સૌમિત્રથી ડરી રહેલી ભૂમિ હવે સૌમિત્રના ચિંતા ન કરવાની બાંહેધરી મળતા એની સાથે ફરીથી સંબંધ વધારવા ઉતાવળી થઇ રહી હતી.

ભૂમિનો પણ વાંક ન હતો. વરુણ સાથે એનું સોળ વર્ષનું લગ્નજીવન સતત ઉતાર ચઢાવ જોયા બાદ હવે પરસ્પરની લાગણીનો જ્યાં અંત આવી જાય એવી ખાઈ તરફ લઇ જતા ઢાળ પર દોડી રહ્યું હતું અને એને અચાનક જ સૌમિત્ર તરફથી એ લાગણીનો ટેકો મળશે જેને તે અત્યારસુધી ગુમાવી રહી છે, એવી આશા ઉભી થઇ ગઈ હતી. પણ ભૂમિને ખબર ન હતી કે સૌમિત્રનો ધરા સાથેનો સંસાર ખૂબ સુખેથી ચાલી રહ્યો હતો. સોળ વર્ષ બાદ કરવા મળેલી માત્ર પાંચ દસ મિનિટની વાતોએ ભૂમિને સૌમિત્રને ફરીથી પામવા માટે તલપાપડ કરી દીધી હતી પણ સામેપક્ષે સૌમિત્ર આવું જરાય વિચારતો ન હતો.

‘મેં તમારી સાતેય નોવેલ વાંચી છે. હું ઓરકુટમાં તમારી ફેન ક્લબમાં પણ છું જ. પણ ક્યાંય પોસ્ટ નથી કરતી. બસ તમારું તમારા ફેન્સ સાથેનું ડાયરેક્ટ ડિસ્કશન સાંભળવાની ખૂબ મજા આવે છે.’ ભૂમિએ વિષય બદલ્યો અને આ વખતે એણે ખાસ ધ્યાન રાખ્યું કે એ હવે ભૂલથી પણ સૌમિત્રને તુંકારે ન બોલાવે.

‘ઓરકુટ ગ્રુપ ફેન્સ માટે છે, આ ફ્રેન્ડ્સ માટે છે એન્ડ સોરી, મારો ઈરાદો તમને હર્ટ કરવાનો ન હતો, પણ આઈ હેવ મુવ્ડ ઓન અને આપણે હજી પણ સારા મિત્રો બની શકીએ છીએ.’ પોતાનું કાર્ડ પર્સમાંથી કાઢીને સૌમિત્રએ ભૂમિ તરફ ખેસવ્યું.

ભૂમિએ તરત જ કાર્ડ લઈને એને બે મિનીટ નીરખીને પોતાના પર્સના ચોરખાનામાં મૂકી દીધું.

‘સોરી મિસ્ટર પંડ્યા, અમને થોડી વાર થઇ ગઈ.’ વરુણે આવતાની સાથે જ કહ્યું.

વરુણ, શાંતનુ અને અનુશ્રી તમામ મહેમાનોના ટેબલે બધું જ બરોબર છે એ નક્કી કરીને આવ્યા. વરુણ ભૂમિની બાજુમાં બેઠો અને શાંતનુ અને અનુશ્રી સૌમિત્રની બાજુમાં બેઠાં. આ ચારેયના બેસવાની સાથે જ વેઈટર્સ એમને એક પછી એક વાનગીઓ પીરસવા લાગ્યા.

‘તમને કદાચ ખબર નહીં હોય મિસ્ટર પટેલ પણ લગ્ન પહેલાં શાંતનુ અને અનુભાભી એકબીજાના ખાસ ફ્રેન્ડ હતા. પેલું બધા કહે છે ને BFF? એ જ, પણ બહુ ઓછા લોકોને એ લક મળે છે કે એના જ BFF સાથે એને જીવનભરનો સાથ મળે.’ સૌમિત્રએ આમ કહીને ભૂમિ તરફ અછડતી નજર કરી.

ભૂમિનો કોળીયો હાથમાં જ રહી ગયો, સૌમિત્ર વારેવારે રંગ બદલી રહ્યો હતો.

‘એટલે અહીં ફક્ત હું અને ભૂમિ જ અરેન્જડ મેરેજ વાળા છીએ. તમારા પણ લવ મેરેજ જ છે ને મિસ્ટર પંડ્યા?’ વરુણે પૂછ્યું.

‘હા, પણ ધરા પણ પહેલાં તો મારી ફ્રેન્ડ જ હતી. કદાચ બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર ન હતી, પણ એનાથી ઓછી પણ ન હતી.’ સૌમિત્રએ ચોખવટ કરી.

‘ફ્રેન્ડશીપ એન્ડ લવ આ બધું મેરેજ પછી બુલશીટ થઇ જાય છે. જે છે એ બધું ફિઝીકલ અટ્રેક્શન જ છે. સોરી મારો કોઈ રોંગ ઇન્ટેન્શન નથી, બટ વ્હોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સજેસ્ટ કે નોટ નેસેસરી કે લોકો ફ્રેન્ડ્સ બને પછી પ્રેમમાં પડે અને પછી જ મેરેજ કરે તો જ એમની મેરીડ લાઈફ સક્સેસફૂલ થાય. યુ વોન્ટ બીલીવ, મારા અને ભૂમિના મેરેજ અમારા મળ્યાનાં દસ દિવસની અંદર જ થઇ ગયા હતા કારણકે એના પપ્પાની તબિયત ખરાબ હતી. અમે સગાઈ વખતે મળ્યા અને પછી સીધા જ લગ્નને દિવસે. બટ અમારા મેરેજને સોળ વર્ષ થઇ ગયા.’ આમ બોલીને વરુણે ભૂમિનો હાથ પકડીને સહેજ ઉંચો કર્યો.

આમ કહીને વરુણનો ઈરાદો એની સાથે બેસેલા એના પ્રિય લેખક અને શાંતનુ તેમજ તેની પત્ની અનુશ્રીને ઈમ્પ્રેસ કરવાનો હતો, પણ એને અને ભૂમિને ખબર હતી કે એમની મેરીડ લાઈફ કેટલી સક્સેસફૂલ છે.

‘ઇનશોર્ટ મેં અને સૌમિત્રએ જે બુલશીટ કરીને મેરેજ કર્યા એ તમે લગ્ન કર્યા બાદ કરો છો, ફર્ક એટલો જ છે.’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘હા હા હા આઈ લાઈક યોર સેન્સ ઓફ હ્યુમર મિસ્ટર બુચ, બટ સ્ટીલ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે લવ ઈઝ ઓકે બટ વન્સ તમે હબી વાઈફ થાવ છો પછી થોડા વર્ષ પછી એમાં ફ્રેન્ડશીપને કોઈજ સ્પેસ નથી હોતી અને લવ તો ક્યાંનો ક્યાંય ખોવાઈ જાય છે.’ વરુણને આમ તો શાંતનુની વાત ન ગમી પણ એણે પોતાનો ગુસ્સો હસીને કન્ટ્રોલમાં લઇ લીધો.

‘ફ્રેન્ડશીપ લવ ને ટકાવી રાખે છે મિસ્ટર પટેલ અને એટલે જ લવ ફ્રેન્ડશીપને પણ ટકાવી શકે છે. જો હસબન્ડ વાઈફે એકબીજાનો લવ ટકાવી રાખવો હોય તો એકબીજાના ફ્રેન્ડ્સ બની રહેવું ખૂબ જરૂરી છે કારણકે લવ જે અપેક્ષાનો ભાર ધરાવે છે એ ફ્રેન્ડશીપ નથી ધરાવતી. એટલે લવ માંથી અપેક્ષાનું કારણ જે લવને ઓછો કરી શકે છે એને ફ્રેન્ડશીપ જ દૂર રાખી શકે છે. ઇન શોર્ટ ફ્રેન્ડશીપ એ લવ માટે ફેવીક્વિક જેવું કામ કરે છે, પછી એ ફ્રેન્ડશીપ લગ્ન પહેલા થઇ હોય કે લગ્ન પછી.’ શાંતનુએ વરુણને જડબાતોડ જવાબ આપ્યો.

‘ફ્રેન્ડશીપથી તો તૂટેલા પ્રેમ સંબંધો પણ ફરીથી જોડાઈ જાય છે.આઈ મીન જો હસબન્ડ વાઈફ વચ્ચે જો કોઈ અણબનાવ થયો હોય તો શાંતનુ કહે છે એમ ફ્રેન્ડશીપ ઈઝ ધ ઓન્લી વે આઉટ.’ સૌમિત્ર બોલ્યો.

‘અને જેમના પ્રેમ સંબંધો તૂટી ગયા હોય પણ એ બંને હસબન્ડ વાઈફ ન હોય તો? શું ફ્રેન્ડશીપ એને પણ ફરીથી જોડી શકે છે?’ ભૂમિએ સૌમિત્રની આંખમાં આંખ નાખીને સવાલ પૂછ્યો.

આ સવાલ પાછળ ભૂમિનો આશય સૌમિત્ર બરોબર સમજી શકતો હતો, પણ એ ચૂપ રહ્યો. હા, દાળ ભાત ખાતાં ખાતાં એની ચમચી બે સેકન્ડ માટે એના હાથમાં ને હાથમાં જ રહી ગઈ. સૌમિત્ર ભૂમિ સામે જોઈ રહ્યો.

***

‘કેવું રહ્યું?’ સૌમિત્રના હાથમાંથી એની બેગ લેતાં ધરાએ પૂછ્યું.

‘સરસ.’ સૌમિત્ર એ ટુંકાણમાં જ પતાવ્યું.

‘હું કોફી બનાવું ત્યાંસુધીમાં તું ફ્રેશ થઇ જા.’ સૌમિત્ર સામે સ્મિત કરીને ધરા બેડરૂમમાંથી બહાર જતી રહી.

જ્યારથી સૌમિત્ર રાજકોટથી અમદાવાદ આવવા નીકળ્યો હતો ત્યારથી જ એના મનમાં અસમંજસ હતી કે એ ધરાને ભૂમિ એને મળી હતી એમ કહે કે નહીં. એક તરફ એને એવો વિચાર આવતો કે એણે કશું જ ખોટું નથી કર્યું તો એણે ધરાથી છુપાવવાનું કોઈજ કારણ નથી, તો બીજી તરફ એણે એમ પણ વિચાર્યું કે ક્યાંક એ સાચું બોલીને ધરાના મનમાં કોઈ નકામી શંકાના બીજ ન વાવી દે. બાથરૂમમાં ફ્રેશ થતી વખતે પણ સૌમિત્રની આ અસમંજસ ચાલુ જ રહી, પણ છેવટે એણે નક્કી કર્યું કે એ ધરાને ભૂમિ સાથેની એની મૂલાકાત વિષે કહી જ દેશે કારણકે જો એને ક્યાંય બીજેથી ખબર પડશે તો એને વધારે શંકા થશે અને મામલો નકામો બગડી જશે. મોઢું, હાથ-પગ ધોઈને સૌમિત્ર બહાર આવ્યો અને ડાઈનીંગ ટેબલ પર બેઠો અને ત્યાં જ ધરા હાથમાં કોફીનો મગ લઈને આવી.

‘પપ્પા?’ મગમાંથી કોફીનો પહેલો ઘૂંટડો ભરતા સૌમિત્રએ ધરાને પૂછ્યું.

‘બસ મજામાં છે. હમણાં જ જમ્યા એટલે સહેજ આડા પડ્યા છે. કોફી બરોબર છે ને?’ ધરાએ પૂછ્યું.

‘સુભગ?’ ભૂમિ વિષે બોલતા પહેલાં સૌમિત્ર એ નક્કી કરવા માંગતો હતો કે ઘરનું કોઈ અન્ય સભ્ય તો હાજર નથી ને? જેથી તે ધરાને કોઈ અડચણ વગર પોતાની વાત કરી શકે.

‘ક્યાં હોય? સન્ડે છે એટલે ભાઈ એના ફ્રેન્ડ્સને ત્યાં રખડે રાખે છે. આપણો જમવાનો ટાઈમ થશે એટલે બોલાવીશ.’ ધરાએ હસીને કહ્યું.

‘ધરા...’ સૌમિત્ર મુદ્દા પર આવ્યો.

‘હં..?ક્યારનો કશુંક કહેવા માંગે છે ને? કશું કહેવું છે? બોલ.’ ધરાને તરત જ ખબર પડી ગઈ કે સૌમિત્ર એને કશું કહેવા માંગે છે.

‘લેક્ચર શાંતનુ સાથે રીફાઇનરીએ કો-ઓર્ગનાઈઝ કર્યું હતું અને એનો એમ ડી વરુણ પટેલ છે.’ સૌમિત્ર એ ત્રીજો ઘૂંટડો પીધો.

‘તો? કોઈ જાણીતો વ્યક્તિ છે?’ ધરાને નવાઈ લાગી.

‘હા.. ભૂમિનો હસબન્ડ.’ આમ કહીને ચોથો ઘૂંટડો ભરતા સૌમિત્રએ ધરાનું રીએક્શન જોવા અને પોતાની ગભરામણ સંતાડવા પોતાનો અડધો ચહેરો મગ પાછળ સંતાડી દીધો પણ એ સતત ધરા સામે જોઈ રહ્યો હતો.

‘તું મળ્યો એને? આઈ મીન ભૂમિ ને?’ ધરાએ પૂછ્યું.

‘મળ્યો, અમે બંનેએ એકલા એકલા દસેક મિનીટ વાત પણ કરી.’ હવે સૌમિત્ર એ મગ ટેબલ પર જ મૂકી દીધો.

‘હમમ...’ ધરાએ આટલો જ જવાબ આપ્યો.

‘શું વાત કરી એમ નહીં પૂછે?’ સૌમિત્રને નવાઈ લાગી કે ધરાએ આ પ્રકારનો પ્રશ્ન એને કેમ ન પૂછ્યો.

‘નહીં પૂછું તો તું મને નહીં કહે?’ ધરાના ચહેરા પર સ્મિત આવ્યું.

‘કહીશને, તને નહીં કહું તો કોને...?’ સૌમિત્ર એ ટેબલ પર ધરાએ મુકેલા હાથ પર પોતાનો હાથ મૂકી દીધો અને એને પંપાળવા લાગ્યો.

‘તો પછી કે’ ને?’ ધરાએ સૌમિત્રની આંખમાં જોયું.

‘હું કશું જ નહીં છુપાવું. અમારી વચ્ચે જે વાત થઇ એ શબ્દશઃ તને કઈશ.’ સૌમિત્ર પણ ધરાની આંખમાં જોઇને બોલ્યો.

‘તારે છુપાવવું હોત તો તું મને અત્યારે આમ, આવી રીતે આ બધી વાત જ ન કરત સૌમિત્ર. તે તારી અને ભૂમિની મૂલાકાત છુપાવી હોત અને મને ખબર પણ ન પડત, એટલે મને કોઈજ શંકા નથી કે તું હવે કશું મારાથી છુપાવીશ.’ ધરાએ હવે સૌમિત્રએ પોતાના હાથ પર મુકેલા હાથ પર પોતાનો બીજો હાથ મૂકી દીધો.

સૌમિત્રએ ધરાને ભૂમિ અને એ પોતે પહેલીવાર સામસામે ક્યારે થયા એનાંથી માંડીને ટેબલ ઉપર જમતી વખતે ભૂમિનો વ્યવહાર કેવો હતો ત્યાંસુધી બધીજ વાત કરી દીધી અને હળવોફૂલ થઇ ગયો.

‘એટલે એને હજીપણ મારા વરમાં ઇન્ટરેસ્ટ છે. હમમ...’ ધરાના ચહેરા પર તોફાની સ્મિત હતું.

‘ખબર નહીં યાર, પણ મને હવે એનામાં કોઈજ ઇન્ટરેસ્ટ નથી. હું ફક્ત ધરાનો છું.’ સૌમિત્ર એ ધરાનો હાથ પોતાના હોંઠ પાસે લાવીને એનું કાંડું ચૂમી લીધું.

‘એય..પપ્પા ફક્ત આડા જ પડ્યા છે, સૂતા નથી.’ ધરાએ એકદમ ધીમા અવાજે સૌમિત્રને ટોક્યો.

‘તો ચલ આપણા રૂમમાં જઈએ અને બાકીનો પ્રોગ્રામ પૂરો કરીએ.’ સૌમિત્ર એ આંખ મારી.

‘ના, નોટ પોસીબલ.’ ધરા હસી.

‘આ સારું, મેડમને મન હોય ત્યારે મારે મારો આર્ટીકલ પણ અડધો મુકવો પડે, પણ મારું મન હોય ત્યારે નોટ પોસીબલ.’ સૌમિત્ર એ ખોટો ગુસ્સો કર્યો.

‘હા, કારણકે આજે બીજો દિવસ છે અને તારે હજી બીજા ત્રણ દિવસ રાહ જોવી પડશે, ઓકે?’ આટલું કહીને સૌમિત્રના હાથમાંથી પોતાનો હાથ છોડાવીને ધરા રસોડામાં જતી રહી.

સૌમિત્ર હસી પડ્યો પણ હસતાંહસતાં અચાનક જ એને યાદ આવ્યું કે એણે ભૂમિને એનું વિઝીટીંગ કાર્ડ આપ્યું છે એ તો એણે ધરાને કહ્યું નહી. હવે જો ભૂમિને ખરેખર એના જૂના સંબંધો ફરીથી તાજા કરવામાં રસ હશે અને એ ગમેત્યારે સૌમિત્રને ફોન કરશે તો? સૌમિત્ર ફરીથી ટેન્શનમાં આવી ગયો. બે ઘડી એને લાગ્યું કે એ ધરાને આ બાબતે કહી દે, પણ પછી ફરીથી એને લાગ્યું કે ક્યાંક ધરા એના પર કોઈ શંકા ન કરે. પછી “પડશે એવા દેવાશે” એમ વિચારીને સૌમિત્ર લીવીંગ રૂમમાં ગયો અને ટેબલ પર પડેલા રિમોટથી ટીવી ચાલુ કર્યું.

***

સોળ વર્ષના લાંબા ગાળા બાદ સૌમિત્રને મળે એક મહિનો થઇ ગયો હતો. અત્યારસુધી સૌમિત્રને અવોઇડ કરી રહેલી ભૂમિના દિલોદિમાગમાં આ મૂલાકાત બાદ સૌમિત્ર હવે રીતસરનો છવાઈ ગયો હતો. રોજેરોજ એને સૌમિત્રની જૂની જૂની વાતો, એના પ્રેમ કરવાની રીત એની દરેક વાત માનવાની ટેવ આ બધું જ એને વારાફરતી યાદ આવતું હતું, આખો દિવસ. એમાંય હવે આવનારા પંદર સુધી વરુણ પણ ભારતમાં નહોતો રહેવાનો એટલે ભૂમિ પાસે સૌમિત્રને યાદ કર્યા સિવાય બીજું કોઈ કામ હતું પણ નહીં.

ભૂમિ અને વરુણ વચ્ચે હવે લાગણીનો કોઈજ સંબંધ બચ્યો ન હતો. આ બંને એકબીજા સાથે પતિ-પત્નીનો અને જાનકી સાથે માતા-પિતાનો સંબંધ માત્ર ફરજ બજાવવાના હેતુથી નિભાવે જતા હતા. વરુણની શારીરિક અને માનસિક જરૂરિયાત ભૂમિ કશું પણ બોલ્યા વગર જ પૂરી કરતી રહેતી હતી. બેડરૂમમાં વરુણ છેલ્લા ઘણાબધા વર્ષોથી પોતાના શરીરની માંગણીને સંતોષવા જ ભૂમિની સાથે સંબંધ બાંધતો અને એની જરૂરિયાત પૂરી થઇ ગયા બાદ પડખું ફેરવીને સુઈ જતો. સામેપક્ષે ભૂમિ પણ આ સમયે લગભગ એક ડેડબોડીની જેમ વર્તન કરતી, પણ.....

જ્યારથી એને સૌમિત્ર મળ્યો હતો ત્યારથી એ જ્યારે જ્યારે વરુણે એની સાથે સંબંધ બાંધ્યો ત્યારે ત્યારે એના મનમાં એ સૌમિત્રની કલ્પના કરવા લાગી હતી અને અચાનક જ વર્ષો બાદ ભૂમિને વરુણ સાથે શારીરિક સંબંધ બાંધવામાં પણ મજા આવવા લાગી હતી. અચાનક જ ભૂમિને રિસ્પોન્સ આપતાં અનુભવીને વરુણને પણ નવાઈ તો લગતી જ પણ એને એની કોઈ ખાસ તમા ન હતી, એને ફક્ત પોતાની જરૂરિયાતનું વધારે મહત્ત્વ હતું.

અત્યારે ભૂમિ સૌમિત્ર સાથે આગલી મૂલાકાત કેવી રીતે ગોઠવાય તે વિચારી રહી હતી.

‘ઓરકુટમાં મેસેજ મોકલું તો? ના ના, આટલો બધો બીઝી રહે છે અને કદાચ ચેક ન કરે તો? તો એસએમએસ મોકલું? પણ જો ધરાએ વાંચી લીધો તો? પણ સૌમિત્રને મેં ક્યાં મારો નંબર આપ્યો છે? ધરાને કેવી રીતે ખબર પડશે કે એ એસએમએસ મેં મોકલ્યો છે? તો પછી કોલ કરું? પણ કારણ શું આપું? જો સૌમિત્રને મારે ફરીથી મળવું હોય કે એની સાથે વારંવાર વાતો કરવાનો કોઈ પોઈન્ટ જોઈતો હોય તો મારે કોઈ નક્કર કારણ આપવું પડે. આટલા વર્ષો એનાથી દૂર રહીને મેં જ કોઈ નક્કર કારણ બાકી નથી રાખ્યું. એમનેમ તો એને કેમ કોલ કરાય? યાદ છે? એણે મને કીધું હતું કે આ કાર્ડ ફ્રેન્ડ્સ માટે છે, એટલે હું એઝ અ ફ્રેન્ડ એને કોલ કરી જ શકું ને? પણ તોયે એને ખબર પડી જ જશે કે કદાચ હું એની પાછળ પડી ગઈ છું. કશુંક સોલીડ રીઝન તો હોવું જ જોઈએ....’ ભૂમિ સૌમિત્રનું કાર્ડ પોતાના અંગૂઠા અને બીજી આંગળી વચ્ચે ભરાવીને પહેલી આંગળીથી ગોળગોળ ફેરવી રહી હતી અને સતત વિચારી રહી હતી.

અચાનક જ ભૂમિના ચહેરા પર સ્મિત આવ્યું, જાણેકે એને એ નક્કર કારણ મળી ગયું હોય જેની મદદથી એ સૌમિત્રને અત્યારે જ કોલ કરી શકે એમ હતી. ભૂમિએ હસતાં ચહેરે પોતાની બાજુમાં પડેલો પોતાનો સેલફોન ઉપાડ્યો અને એમાંથી સૌમિત્રનો નંબર ડાયલ કર્યો અને સેલફોનની ડાબી બાજુ આવેલું લીલું બટન દબાવી દીધું. બે સેકન્ડ પછી એને સૌમિત્રના સેલફોનની કોલરટયુન સંભળાઈ....

“જીવન કે દિન છોટે સહી, હમ ભી બડે દિલવાલે... કલ કી હમેં ફૂરસત કહાં સોચે જો હમ મતવાલે....”

***

પ્રકરણ ૪૨

‘હલ્લો?’ લગભગ આઠથી દસ સેકન્ડ પછી સૌમિત્રએ ભૂમિનો કોલ અટેન્ડ કર્યો.

‘હાઈ..’ સૌમિત્રએ કોલ રીસીવ કરતાં જ ભૂમિ ખુશ થઇ ગઈ જે એના અવાજમાં પણ અનુભવાઈ રહ્યું હતું.

‘વ્હુ ઈઝ ધીસ પ્લીઝ?’ સૌમિત્ર ભૂમિને ઓળખી ન શક્યો.

‘એક મહિનામાં જ અવાજ ભૂલી ગયા, મિસ્ટર પંડ્યા?’ સૌમિત્રનો અવાજ આટલા બધા દિવસે સાંભળ્યાનો ભૂમિને જે આનંદ આવી રહ્યો હતો એનો એ પૂરેપૂરો ઉપયોગ કરવા માંગતી હતી અને એટલે જ એણે સૌમિત્રને થોડો હેરાન કરવાનું નક્કી કર્યું.

‘સોરી, બટ મને ખબર નથી પડી રહી કે આપ કોણ છો.’ સૌમિત્ર થોડો મુંજાયો. આમ તો એને આ પ્રકારના કોલ્સ રીસીવ કરવાની આદત હતી, પણ એની મોટાભાગની લેડી ફેન્સ નોન-ગુજરાતી રહેતી પણ આ કોઈ એવી લેડી ફેન હતી જે ગુજરાતીમાં બોલી રહી હતી અને એવું અત્યારસુધી બહુ ઓછું બન્યું હતું.

‘એક હિન્ટ આપું? કદાચ તમે ઓળખી જશો.’ ભૂમિ બોલતાં બોલતાં પોતાની આંખો નચાવી રહી હતી.

‘શ્યોર, હું ટ્રાય કરીશ.’ સૌમિત્ર હવે ખરેખર નર્વસ થઇ રહ્યો હતો.

‘ઓકે..હું એજ છું જેને તમે ગયા મહીને તમારું કાર્ડ આપ્યું હતું.’ ભૂમિએ હિન્ટ આપી અને એનો ચહેરો હવે સીરીયસ થઇ ગયો.

‘હમમ... સમજી ગયો. બોલો.’ ધરા સૌમિત્રની સામે જ સુભગને ભણાવી રહી હતી એટલે સૌમિત્રએ ભૂમિને ઓળખી લેવા છતાં એનું નામ ન બોલ્યો.

‘મારું નામ તો બોલો? મને ખબર કેવી રીતે પડે કે તમે મને ખરેખર ઓળખ્યા છો કે નહીં?’ ભૂમિને હવે સૌમિત્રના મોઢે પોતાનું નામ સાંભળવું હતું.

‘એની જરૂર નથી. બોલો કોઈ ખાસ કામ?’ સૌમિત્રએ એકદમ સપાટ અવાજમાં જવાબ આપ્યો જેની પાછળ બે કારણ હતા.

એક તો એ કે એ ભૂમિનો કોલ કરવાનો ઈરાદો સમજી ગયો હતો કે એ એની સાથે ફરીથી સંબંધ વધારવા માંગે છે અને બીજું કારણ એ હતું કે અત્યારે સામે ધરા હોવાથી એ ભૂમિનું નામ લઈને ખોટું ટેન્શન ઉભું કરવા નહોતો માંગતો.

‘ઓહ.. ઠીક છે તો હું પોઈન્ટ પર આવું છું.’ સૌમિત્રનો ખરબચડો અવાજ ભૂમિને ગમ્યો તો નહીં જ , પણ પછી એણે પોતાની જાતને સાંભળી લીધી કારણકે એ જાણતી હતી કે સૌમિત્ર એમ તરત એની સાથે પહેલાની જેમ ભળી નહીં જાય.

‘એ જ બરોબર રહેશે.’ સૌમિત્રના સૂરમાં કોઈજ ફરક ન પડ્યો.

‘તમે વ્રજેશભાઈના કોન્ટેક્ટમાં છો હજી?’ ભૂમિએ મુદ્દા પર આવતા પૂછ્યું.

‘બિલકુલ, કેટલાક સંબંધો કાયમી હોય છે.’ સૌમિત્રએ કાયમી શબ્દ પર ભાર મુક્યો.

‘એ અત્યારે ક્યાં છે?’ ભૂમિએ સૌમિત્રના કાયમી શબ્દની નોંધ લીધી પણ એણે પોતાની વાત ચાલુ રાખી.

‘પાટણ કોલેજમાં ઈંગ્લીશનો HOD છે.’ સૌમિત્રએ મુદ્દાસર જવાબ આપ્યો.

‘ખરાબ ન લગાડતાં, પણ... એમના મેરેજ થઇ ગયાં?’ ભૂમિએ એ સવાલ કર્યો જેનો એણે સૌમિત્રને કોલ કરવા માટે બહાના તરીકે ઉપયોગ કર્યો હતો.

‘કેમ? તમારે શું જરૂર પડી?’ સૌમિત્રને ભૂમિએ ખરાબ ન લગાડવાનું કહ્યું હોવા છતાં એને આ સવાલ કોઈના અંગત જીવનમાં ચંચુપાત કરતો હોવાથી ગમ્યો નહીં.

‘મેં કીધું હતું ને ખરાબ ન લગાડતાં, પણ મારી પાસે આ સવાલ પૂછવા માટે એક મજબૂત કારણ છે.’ ભૂમિ હવે પોતાની લાગણીઓ પર કાબુ રાખીને સૌમિત્ર સાથે પોતાની આગલી મૂલાકાત કેમ નક્કી થાય એના પર પૂરેપૂરું ધ્યાન આપવા માંગતી હતી.

‘મને કારણ કહો, પછી જ હું તમારા સવાલનો જવાબ આપીશ.’ સૌમિત્રના સપાટ સૂરમાં કોઈજ ફરક ન પડ્યો.

‘તમને નિશા તો યાદ જ હશે ને?’ ભૂમિએ સીધો જ સવાલ કર્યો.

‘હા કેમ નહીં.’ સૌમિત્રએ ટૂંકમાં જવાબ આપ્યો.

‘હું નિશાના રેગ્યુલર ટચમાં છું.’ ભૂમિએ હવે એવી માહિતી આપી જેનાથી સૌમિત્રએ એની સાથે આગળ વાત કરવી જ પડે એમ હતી.

‘ઓહ! પણ નિશાના લગ્ન થઇ ગયા પછી વ્રજેશને એની લાઈફમાં કોઈજ રસ નથી. હી હેઝ મુવ્ડ ઓન લાઈક અધર્સ. કોઈના સેલ્ફીશ થવાથી જિંદગી થોડી ખરાબ કરાય છે?’ સૌમિત્રએ ફરીથી કડવી વાણી બોલી.

‘નિશાના લગ્ન થયા એ સાંજે જ એના પતિ અને ફેમીલી મેમ્બર્સના એલેપ્પીમાં એમના રાઈવલ પોલીટીશીયન્સે ખૂન કરી નાખ્યા હતા. નિશા હવે કોલકાતામાં એકલી રહે છે અને વ્રજેશભાઈને હજીપણ એટલો જ પ્રેમ કરે છે, પણ કદાચ એમના લગ્ન થઇ ગયા હોય તો? એ ડર ને લીધે એ વ્રજેશભાઈનો સંપર્ક કરવા નહોતી માંગતી.’ ભૂમિએ કહ્યું.

‘તમને આ બધી કેવી રીતે ખબર?’ સૌમિત્રને ભૂમિની વાતથી આઘાત તો લાગ્યો પણ એ કન્ફર્મ કરવા માંગતો હતો.

‘એ લાંબી વાત છે, મને લાગે છે કે એ સાંભળવા માટે તમારી પાસે અત્યારે સમય નથી. જ્યારે વ્રજેશભાઈને માર મારીને નિશાના ભાઈઓ એને લઈને એલેપ્પી ભાગી ગયા હતા ત્યારે હું લંડન હતી અને તમે જ મને કહ્યું હતું કે વ્રજેશભાઈ હવે લગ્ન કરવા નથી માંગતા. મેં સૌથી પહેલા એટલે જ પૂછ્યું કે એમણે લગ્ન કર્યા કે નહીં. જો વ્રજેશભાઈ હજીપણ સિંગલ હોય તો મને આ જ નંબર પર કોલ કરજો. ગૂડ ડે મિસ્ટર પંડ્યા.’ આટલું કહીને ભૂમિએ કોલ કટ કરી નાખ્યો.

ફોન પર સૌમિત્ર અને ભૂમિની ચર્ચા ચાલી એ દરમિયાન સુભગનું હોમવર્ક પતી ગયું હતું એટલે ધરા અને સુભગ એ રૂમમાંથી જતા રહ્યા હતા. ભૂમિની વાત સાંભળીને સૌમિત્રને ખૂબ આનંદ થયો કારણકે વ્રજેશે હજીસુધી લગ્ન નહોતા કર્યા અને નિશા એની ન થઇ એટલે એ કરવા પણ નહોતો માંગતો. પણ હવે જ્યારે નિશા પણ એકલી થઇ ચૂકી છે ત્યારે વ્રજેશ અને નિશાનું પુનર્મિલન થવું જ જોઈએ એમ સૌમિત્ર સ્પષ્ટપણે માની રહ્યો હતો.

પણ, જો આ વાત અત્યારે સૌમિત્ર વ્રજેશને કરે તો એ કદાચ નિશાને એમ મળવાની મનાઈ કરી દે, કારણકે એ સિદ્ધાંતવાદી હતો અને કયા સમયે એ પોતાનો કયો સિદ્ધાંત સૌમિત્ર સામે ધરી દે અને નિશાને મળવાની ના પાડી દે તો આટલા બધા વર્ષો બાદ બે પ્રેમીઓને મળવાની જે આશા ઉભી થઇ છે એ પાણીમાં જતી રહે. હિતુદાનને અત્યારે વિશ્વાસમાં લેવાનો કોઈ જ મતલબ ન હતો કારણકે આટલા વર્ષો બાદ, બે સંતાનોનો પિતા થયા પછી અને જસદણનો ચીફ ઓફિસર થયો હોવા છતાં એની બફાટ કરવાની આદત છૂટી ન હતી. થોડો વધુ સમય વિચાર કર્યા બાદ સૌમિત્રએ ભૂમિને જ કોલ કરીને કોઈ પ્લાન ઘડવાનું નક્કી કર્યું.

ધરા સાંજની રસોઈ બનાવવામાં બીઝી થઇ ગઈ હતી અને સુભગ પણ રમવા બહાર જતો રહ્યો હતો એટલે અત્યારે સૌમિત્ર પોતાના રૂમમાં એકલો જ હતો. જ્યારે વ્રજેશ અને નિશા ફરીથી મળશે અને કોઈ નિર્ણય લેશે ત્યારેજ એ ધરાને પણ કહેશે એમ સૌમિત્રએ નક્કી કર્યું, કારણકે જો વધારે લોકો સાથે આ વાત શેર થાય તો કદાચ વાત બગડી પણ જાય એવું સૌમિત્રનું માનવું હતું. ઉપરાંત આ પ્લાનમાં ભૂમિને સામેલ કરવી જ પડે એમ હતું એટલે પણ સૌમિત્ર ધરાને કશું કહેતા ગભરાઈ રહ્યો હતો.

થોડો સમય વિચાર કર્યા બાદ પોતાનો નિર્ણય સાચો જ છે એમ નક્કી કરીને સૌમિત્રએ ભૂમિના નંબર પર કોલ લગાવ્યો.

***

‘હાઈ!’ ભૂમિએ કોલ રીસીવ કરતાંજ સૌમિત્ર બોલ્યો.

‘હાઈ, મને ખબર જ હતી કે તમે કોલ કરશો જ, પણ આટલો જલ્દી કરશો...’ ભૂમિએ પોતાનું વાક્ય અધૂરું મુક્યું.

‘હમમ.. જુઓ, વ્રજેશને હું નિશા બાબતે કહીશ તો કદાચ એવું બને કે એ એને મળ્યા વગર જ મળવાની ના પાડી દે. એટલે એને કીધા વગર સરપ્રાઈઝ આપીને નિશા સામે ઉભો કરવો પડશે.’ સૌમિત્ર સીધો જ મુદ્દા પર આવ્યો.

‘હા સાચી વાત છે. વ્રજેશભાઈ અમસ્તાં પણ સિદ્ધાંતોના મામલે કોઈજ બાંધછોડ કરે એમ નથી.’ ભૂમિ બોલી અને સૌમિત્રને નવાઈ તો લાગી જ કે ભૂમિને અત્યારસુધી વ્રજેશનો સ્વભાવ બિલકુલ એવો ને એવો યાદ છે.

‘તો આપણે એ બંનેને કોઈક એવી જગ્યાએ ભેગા કરવા પડશે જ્યાં એમને કલ્પના પણ ન હોય કે એ બંને એકબીજાને મળવાના છે. તમારા ધ્યાનમાં કોઈ એવી જગ્યા છે? હું અમદાવાદ પ્રીફર નહીં કરું અને જામનગર પણ નહીં.’ સૌમિત્રએ પોતાની મર્યાદા અત્યારથી જ જણાવી દીધી.

‘હમમ.. આઈ અગ્રી. કોઈ એવા શહેરમાં મળીએ જ્યાં આવવા જવામાં વધારે સમય ન લાગે અને આપણને બંનેને કોઈ ઝડપથી ઓળખે પણ નહીં. પ્લસ મારી દીકરી હજી એમ નાની છે અને હું એને એમ અહીંયા કોઈની પાસે મુકીને આવી શકું એમ નથી, એટલે એ મારી જોડે જ હશે અને લાંબી મુસાફરીથી એ કંટાળી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે.’ ભૂમિએ પોતાની મર્યાદાઓ જણાવી.

‘તો પછી?’ સૌમિત્રએ વ્રજેશ અને નિશા ને ક્યાં મેળવવા એનો નિર્ણય લગભગ ભૂમિ પર જ છોડી દીધો કારણકે એની મજબૂરી વધારે મજબૂત હતી.

‘રાજકોટ કેવું રહેશે? તમારે લગભગ ચારેક કલાકની મુસાફરી થશે, પણ હું બે કલાકમાં આવી-જઈ શકીશ. તમે સવારે વહેલા ત્યાંથી નીકળો અને આપણે રાજકોટમાં મીટીંગ ગોઠવીએ. એ બંને મનભરીને એકબીજાને મળે અને વાતો કરે, કોઈ ડીસીઝન લઇ શકે અને પછી આપણે છૂટા પડીએ, લગભગ બપોરે લંચ લઈને તો?’ ભૂમિએ આઈડિયા આપ્યો.

‘પરફેક્ટ. મારે વ્રજેશને છેક રાજકોટ લઇ આવવાનું બહાનું શોધવું પડશે... ચલો એ તો હું કરી લઈશ. તમારે નિશાને છેક કોલકાતાથી બોલાવવાની છે એમાં સમય લાગશે. શું કરશો?’ સૌમિત્રએ મુદ્દાની વાત કરી.

‘નિશા પણ આવી જશે, આપણે જો કોઈ એક દિવસ નક્કી કરી લઈએ તો હું એ પ્રમાણે નિશાની પ્લેનની ટીકીટ બુક કરી દઈશ અને એને ઈ-ટીકીટ ઈમેઈલ કરી દઈશ.’ ભૂમિએ સૌમિત્રનો ભાર હળવો કરી દીધો.

‘તો પછી આવતો શુક્રવાર એટલેકે અગિયાર નવેમ્બર કેમ રહેશે? પબ્લિક હોલીડે છે એટલે વ્રજેશને રજા નહીં લેવી પડે અને તમારી પાસે આઠ દિવસ પણ છે, નિશા ને બોલાવવાના.’ સૌમિત્રની નજર સામે પ્લાન ઉભો થવા લાગ્યો.

‘ગ્રેટ, પણ ક્યાં મળીશું?’ ભૂમિએ મહત્ત્વનો સવાલ કર્યો.

‘એ જ હોટલમાં, જ્યાં મારું લેક્ચર હતું. હું એક રૂમ બૂક કરી લઈશ, તમે અને નિશા પહેલાં પહોંચી જજો. હું રીસેપ્શનને કહી દઈશ કે તમને રૂમ આપી દે. પછી હું અને વ્રજેશ જ્યારે ત્યાં આવીએ ત્યારે સીધા જ એ રૂમમાં આવીશું અને પછી... સરપ્રાઈઝ!!’ છેલ્લું વાક્ય જ્યારે સૌમિત્ર બોલ્યો ત્યારે એના અવાજમાં ગજબનો ઉત્સાહ અને આનંદ સંભળાઈ રહ્યો હતો.

‘પરફેક્ટ. નો વન્ડર તમે એક સફળ નોવેલીસ્ટ છો. બે મિનિટમાં આખો પ્લોટ ઉભો કરી દીધો.’ ભૂમિએ જાણીજોઈને સૌમિત્રના વખાણ કર્યા.

‘ઓહ! થેન્ક્સ. તો આપણે અગિયારમી એ મળીએ. બટ, પહેલાં તમારે નિશાની હાજરી કન્ફર્મ કરવી પડશે, પછી જ હું વ્રજેશને કહી શકીશ, કારણકે જો વ્રજેશ રેડી થઇ જાય અને કોઈ કારણસર નિશા ન આવે તો...યુ નો.’ સૌમિત્રએ ભયસ્થાન બતાવ્યું.

‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ. હું તમને બહુ જલ્દીથી નિશાની હાજરી કન્ફર્મ કરીશ. એસ એમ એસ કરું તો ચાલશે ને?’ ભૂમિએ કહ્યું.

‘હા, કોલ કરશો તો પણ ચાલશે. બટ સાંજે પાંચ થી સાતમાં કરજો. હું ત્યારે ઘરમાં એકલો જ હોઉં છું.’ સૌમિત્ર બોલ્યો.

‘ડન! બાય એન્ડ ઓલ ધ બેસ્ટ!’ ભૂમિએ સૌમિત્રને વ્રજેશ માટે વિશ કર્યા.

‘યુ ટુ.’ આટલું કહીને સૌમિત્રએ કોલ કટ કર્યો.

કોલ કટ કર્યા બાદ પોતાના સેલફોનના કોલ લોગમાં સૌમિત્ર સતત એ નંબર સામે જોઈ રહ્યો અને વિચારતો રહ્યો કે આ નંબર એ કયા નામે સેવ કરે? જો ધરાની નજરે આ નંબર પડી જાય તો? આમ તો એ કશું બોલશે નહીં પણ કદાચ એને દુઃખ થાય તો? થોડો વિચાર કર્યા બાદ સૌમિત્રએ ભૂમિનો નંબર “Varun Patel (Jamnagar)” લખીને સેવ કર્યો.

***

‘જો મને તારી જરૂર ન હોત તો હું તને આટલું બધું ઇન્સીસ્ટ પણ ન કરત ને નિશા? પ્લીઝ મારે તારી જરૂર છે. જ્યારથી સૌમિત્રને હું મળી છું, ઈમોશનલી ભાંગી ગઈ છું. વરુણ પણ પંદર વીસ દિવસ માટે યુરોપ જતો રહ્યો છે. હું સાવ ભાંગી પડું એ પહેલાં તું પ્લીઝ આવી જા. આઈ નીડ સમ કંપની.’ ભૂમિ ફોન પર નિશા ને લગભગ આજીજી કરી રહી હતી.

‘આઈ નો, પણ મારું કામ? મારા બેય આસિસ્ટન્ટ રજા પર છે.’ નિશાએ એની તકલીફ જણાવી.

‘પ્લીઝ....?’ લગભગ પંદર મિનીટથી નિશાને વિનવી રહેલી ભૂમિ પાસે હવે ફક્ત આ જ રસ્તો બચ્યો હતો.

‘ઠીક છે, હું કૈક કરું છું. એક કામ કર, તું મને ગુરુવારની ટીકીટ મોકલ, એ પણ બપોર પછીની એટલે હું મારું કામ પતાવીને નીકળી શકું. શુક્ર, શનિ, રવિ હું ટીફીન નહીં આપી શકું એવું આજે જ બધાને કહી દઉં છું. પણ રવિવારે મેક્સીમમ સાંજની રીટર્ન ટીકીટ બુક કરજે, પ્લીઝ. હું ત્રણ દિવસથી વધારે નહીં રોકાઈ શકું. હોપ યુ અન્ડરસ્ટેન્ડ.’ નિશા છેવટે રાજકોટ આવવા તૈયાર થઇ.

‘થેન્ક્સ. જો તે હા પાડી એટલામાં જ મને સારું લાગવા માંડ્યું. અને હા, તારી ફ્લાઈટ વાયા બોમ્બે છે કારણકે અમદાવાદથી બાય રોડ લાંબુ પડી જશે. એટલે કોલકાતા – મુંબઈ – રાજકોટ એમ તારી ટીકીટ બુક કરું છું. બપોરે ત્રણ વાગ્યાની છે એટલે લગભગ સાતેક વાગ્યા સુધીમાં તો તું રાજકોટ આવી જઈશ. આપણે એક દિવસ રાજકોટમાં રોકાઈને બીજે દિવસે બપોરે શાંતિથી જામનગર આવીશું. બે દિવસ તું મારી જોડે રહીશ એટલે મને શાંતિ થશે. સન્ડે સવારે જ તું જામનગરથી મુંબઈ અને પછી કોલકાતા જઈ શકીશ. હેપ્પી?’ ભૂમિએ આખો પ્લાન બનાવી દીધો.

***

ભૂમિ અને નિશાની ચર્ચા પતી કે તરત જ ભૂમિએ એ બંને વચ્ચે નક્કી થયા મુજબ નિશાની એર ટીકીટ ઓનલાઈન બુક કરી દીધી અને ભૂમિ એ એ દિવસે સાંજે પાંચ વાગ્યા કે તરત જ સૌમિત્રને કોલ ન કરવાનું નક્કી કરીને એસ એમ એસ કર્યો.

Varun Patel: “Hii” – સૌમિત્રના ફોનમાં ભૂમિનો નંબર Varun Patel તરીકે સેવ થયો હતો.

Mitra: “Hii” – ભૂમિએ એના સેલફોનમાં સૌમિત્રનું નામ Mitra તરીકે સેવ કર્યું હતું જે નામે એ એને પહેલાં કાયમ પ્રેમથી બોલાવતી.

Varun Patel: “Mission is right on track. Nisha is coming to Rajkot on Thursday evening.”

Mitra: “That is great. Vrajesh is also coming. He will be in Gondal on Thursday for Yuth Festival.”

Varun Patel: “Wow.Don’t book room,I am booking it in my name,because we will be staying there only for the previous night.”

Mitra:”Ok, I can understand. Just let me know the room number, once you reach.”

Varun Patel: “Done chhe. Anything else?”

Mitra: “No, Good Night!”

ભૂમિને હજી વાત કરવી હતી, પણ સૌમિત્રએ Good Night કહીને પડદો પાડી દીધો. ભૂમિને દુઃખ થયું કે સૌમિત્રએ માત્ર કામની જ વાત કરી, પણ એને એ સુપેરે ખ્યાલ હતો કે એ એવું કેમ કરી રહ્યો હતો પણ એ સૌમિત્રના હ્રદયમાં આ મુલાકાતના બહાને થોડી લાગણી પણ રોપી દેશે એવું એ નક્કી કરી ચૂકી હતી.

***

‘આજે રજાના દિવસે સવાર સવારમાં તારું લેક્ચર ગોઠવવા માટે કોણ નવરું પડ્યું?’ રાજકોટના યાજ્ઞિક રોડની એ સ્ટાર હોટલના દરવાજે સૌમિત્રએ જેવું વ્રજેશને ગળે મળીને સ્વાગત કર્યું કે તરત જ વ્રજેશ બોલ્યો.

વ્રજેશને રાજકોટ આવવા માટે જ્યારે સૌમિત્રએ કહ્યું હતું ત્યારે એણે એના લેક્ચરનું જ બહાનું આપ્યું હતું. આગલે દિવસે યુથ ફેસ્ટીવલ માટે વ્રજેશ ગોંડલમાં જ હતો એટલે સૌમિત્રનું કાર્ય સાવ આસાન થઇ ગયું હતું.

‘પર્સનલ લેક્ચર છે. તને પણ ગમશે.’ સૌમિત્ર વ્રજેશનો હાથ પકડીને હોટલ તરફ ચાલવા લાગ્યો.

‘પર્સનલ? એટલે?’ વ્રજેશને ખ્યાલ ન આવ્યો.

‘તું અંદર આવ ને તને બધી જ ખબર પડી જશે.’ વ્રજેશ હવે ક્યાંય જવાનો ન હતો એવી ખાતરી થઇ ગઈ હોવાથી સૌમિત્રએ હવે ટૂંકમાં જ જવાબ આપ્યો.

ભૂમિએ 502 નંબરનો સ્વિટ બૂક કરાવ્યો હતો એ એસ એમ એસ સૌમિત્રને અગાઉથી જ કરી દીધો હતો, એટલે સૌમિત્રને રીસેપ્શન પર પણ પૂછવું ન પડ્યું એ વ્રજેશને સીધેસીધો જ 502 નંબરના સ્વિટ તરફ દોરી ગયો અને 502 લખેલા બારણાં પર ત્રણ ટકોરા માર્યા.

‘વ્હુ ઈઝ ધીસ?’ ભૂમિએ અંદરથી પૂછ્યું.

‘ઇટ્સ મી, સૌમિત્ર.’ સૌમિત્ર બોલ્યો.

વર્ષો વીતી જવાને લીધે બહાર વ્રજેશ ભૂમિનો અવાજ ઓળખી શક્યો ન હતો એને એમ હતું કે સૌમિત્રને જેણે લેક્ચર આપવા માટે બોલાવ્યો છે એ વ્યક્તિ હશે. જ્યારે અંદર જાનકી સાથે રમી રહેલી નિશા એ જેવું સૌમિત્રનું નામ સાંભળ્યું કે એ સ્થિર થઇ ગઈ અને એમ થવું સ્વાભાવિક પણ હતું કારણકે એને ભૂમિએ કહ્યું ન હતું કે સૌમિત્ર આવવાનો છે.

‘ભૂમિ????’ દરવાજો ખુલતાં જ ભૂમિને સામે જોતાં વ્રજેશ સડક થઇ ગયો અને વારાફરતી સૌમિત્ર અને ભૂમિ સામે જોવા લાગ્યો.

‘હજી તો તમારે મોટું સરપ્રાઈઝ જોવાનું છે...’ પૂરેપૂરું બારણું ખોલીને ભૂમિએ હસતાંહસતાં કહ્યું.

***

પ્રકરણ ૪૩

ભૂમિના દરવાજા સામેથી ખસતાની સાથે જ નિશા અને વ્રજેશની આંખો મળી. સૌમિત્ર હવે વ્રજેશની પાછળ ઉભો રહી ગયો હતો. ભૂમિ અને સૌમિત્ર અત્યારે એકબીજાને વિજયી સ્મિત આપી રહ્યા હતા જ્યારે વ્રજેશ અને નિશાને ખબર નહોતી પડી રહી કે એલોકો શું રીએક્શન આપે. જેમ સૌમિત્ર અને ભૂમિ ગયા મહીને વર્ષો બાદ એકબીજાને મળ્યા હતા એમ જ અત્યારે વ્રજેશ અને નિશા પણ વર્ષો પછી જ એકબીજાને જોઈ રહ્યા હતા.

નિશા સામે લગભગ એકાદ મિનીટની સંપૂર્ણ શાંતિ પછી વ્રજેશના ચહેરા પર સ્મિત આવ્યું અને એની આંખ ભીની થઇ જાણેકે હવે એને એની આંખો પર વિશ્વાસ થયો હોય કે એની પ્રેમિકા નિશા ખરેખર એની નજર સામે ઉભી હતી. તો સામેપક્ષે નિશાની આંખોમાંથી ચોધાર આંસુઓ વહેવા લાગ્યા હતા. પહેલું પગલું વ્રજેશે ભર્યું અને એ નિશા તરફ ચાલ્યો. નિશા પોતાની જ્ગ્યાએ જ ઉભી ઉભી આંસુ વહેવડાવી રહી હતી. જેવો વ્રજેશ નિશાની નજીક પહોંચ્યો કે તરતજ એ બંને એકબીજામાં બંધાઈ ગયા.

ભૂમિની આંખો પણ ભીની હતી જ્યારે સૌમિત્રના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સૌમિત્રએ ભૂમિને ઈશારો કર્યો એટલે ભૂમિને બેડ પર રમી રહેલી જાનકીને ઉપાડી લીધી અને બંને રૂમમાં વ્રજેશ અને નિશાને એકલા છોડીને બહાર નીકળી ગયા.

***

સૌમિત્ર અને ભૂમિ હોટેલના રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. ભૂમિએ જાનકી થોડો સમય વ્યસ્ત રહે એટલે એના માટે સેન્ડવીચ વગેરે ઓર્ડર કર્યા. ટેબલ પર સૌમિત્ર ભૂમિની બરોબર સામે બેઠો.

‘આઈ એમ સો હેપ્પી.’ ભૂમિની જે ખુશી એના ચહેરા પર દેખાઈ રહી હતી એ જ એના અવાજમાં પણ હતી.

‘સો એમ આઈ.’ સૌમિત્ર પણ હસીને બોલ્યો.

‘હું જ્યારે કોલકાતા હતી અને મને નિશા મળી, એની સ્ટોરી સાંભળી ત્યારથી મને એમ થતું હતું કે એનું અને વ્રજેશભાઈનું મિલન કેવી રીતે થઇ શકે પણ આટલું ઇઝીલી થઇ જશે એવું મને જરાય નહોતું લાગ્યું.’ ભૂમિ પોતાના બંને હાથ જોડીને અને એની મોટી મોટી આંખો નચાવતા બોલી.

‘થેન્ક્સ!’ સૌમિત્ર બોલ્યો.

‘અરે એમાં થેન્ક્સ શેના?’ભૂમિને નવાઈ લાગી.

‘આટલા વર્ષોથી હું જ્યારે જ્યારે વ્રજેશને મળતો ત્યારે એની આંખોમાં એક અજીબ પ્રકારની બેચેની જોતો. એ કદાચ ખુશ હોવાનો ઢોંગ કરતો હતો, એને એના નિર્ણય પર ગર્વ હતો, એ એના કામમાં હંમેશા બીઝી રહેતો, એના સ્ટુડન્ટ્સ એના ફેન છે, પણ એની આંખો કાયમ કહેતી કે એ હજીપણ કશુંક મીસ કરી રહ્યો છે. કદાચ એ નિશા જ હતી અને આજે એની આંખોમાંથી નીકળેલા એક એક આંસુએ કદાચ એનો એ ખાલીપો ભરી દીધો હશે.’ સૌમિત્રનો અવાજ પણ ગળગળો થઇ ગયો.

‘હમમ.. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. પ્રેમ એ કાયમ પ્રેમ રહે છે, એ નવો કે જૂનો નથી થતો. વ્રજેશભાઈએ નિર્ણય લીધો અને એના પર એ આટલા વર્ષો ટકી રહ્યા, હેટ્સ ઓફ ટુ હીમ, રીયલી!’ ભૂમિનો ચહેરો વ્રજેશ પ્રત્યેના સન્માનની ચાડી ખાતો હતો.

‘યુ આર રાઈટ, ઘણી વખત હાર્ટબ્રેક પછી લીધેલા નિર્ણયો પર ટકી રહેવું જરાય ઇઝી નથી હોતું. બટ યા, હેટ્સ ઓફ ટુ વ્રજેશ.’ સૌમિત્રએ પણ ભૂમિના સૂરમાં સૂર પૂરાવ્યો.

‘કોઈનું હાર્ટ બ્રેક કરવાનો નિર્ણય પણ ઇઝી નથી હોતો.’ ભૂમિએ હવે સીધેસીધું સૌમિત્ર સામે જોયું.

‘હમમ...’ સૌમિત્ર સમજી ગયો કે ભૂમિ હવે એ બંનેની વાત કરી રહી છે.

‘મારા માટે પણ ન હતો સૌમિત્ર. તે દિવસે સંગીતાને ઘેર હું એકદમ ઈમોશનલ થઇ ગઈ હતી. બીલીવ મી.’ ભૂમિ હવે ભાવુક થઇ રહી હતી.

‘ઇટ્સ અ પાસ્સે, ભૂમિ. આપણે બંને એ ઘટનાથી ખૂબ આગળ વધી ચૂક્યા છીએ.’ સૌમિત્રએ બને તેટલી કોશિશ કરી કે આમ બોલતા એના ચહેરા પર કોઈજ ભાવ ન આવે અને ભૂમિને એ એ બધું યાદ કરાવતા અટકાવે.

‘આઈ એમ રીયલી સોરી. એ મારી ભૂલ હતી જે મારે નહોતી કરવી જોઈતી.’ ભૂમિએ નીતરતી આંખોથી ટેબલ પર જ પોતાના હાથ મૂકીને સૌમિત્ર સામે જોડ્યા.

‘અરે, ઇટ્સ ઓકે! હું એ બધું ભૂલી ચૂક્યો છું. તમે પણ ભૂલી જાવ.’ ભૂમિનો દયામણો ચહેરો જોતાં સૌમિત્રએ અનાયાસે જ પોતાના બંને હાથ ભૂમિની ટેબલ પર જોડેલી હથેળીઓ પર પોતાની બંને હથેળીઓ મૂકી દીધી.

આટલા બધા વર્ષે સૌમિત્રનો ભાવપૂર્ણ સ્પર્શ થતાં ભૂમિના શરીરમાં વીજળી દોડી ગઈ. એની આંખો એની મેળે જ બંધ થઇ ગઈ. એ ભૂલી ગઈ કે આ એક જાહેર સ્થળ છે અને આસપાસ કેટલાક લોકો બેઠા છે જેમાં એની પુત્રી પણ સામેલ હતી એ આ બધું જોઈ શકે છે.

‘મને માફ કરી દે મિત્ર....’ ભૂમિ હવે રડવા લાગી હતી એણે પુનર્મિલન બાદ પહેલી વખત સૌમિત્રને એની સામે જ મિત્ર કહીને બોલાવ્યો.

સૌમિત્ર પણ ભાવુક થઇ ગયો. એણે ભૂમિની બંધ હથેળીઓ પરથી પોતાની હથેળીઓ લઇ ન લીધી.

‘બીલીવ મી મારા મનમાં તમારા વિષે કોઈજ ગુસ્સો નથી. બલ્કે હું તે દિવસથી એમ જ વિચારું છું કે તમે તમારી જગ્યાએ બિલકુલ સાચા હતા, પણ મને એ રસ્તો ગમ્યો નહીં એટલે હું તમને સાથ ન આપી શક્યો. પ્લીઝ તમે મારા તરફથી કોઈ જ ગેરસમજણ ન રાખશો.’ સૌમિત્ર એ ભૂમિ સામે પડેલો પાણીનો ગ્લાસ ભર્યો.

ભૂમિએ ગ્લાસમાંથી થોડાક ઘૂંટડા ભર્યા. એક તો એણે વર્ષોથી દબાવી રાખેલી લાગણીઓને વહેવા દીધી ઉપરાંત સૌમિત્રને પણ તેના પ્રત્યે કોઈજ ગુસ્સો નથી એવું એના મોઢેથી જ સાંભળ્યું એટલે ભૂમિ અત્યંત હળવાશ મહેસૂસ કરવા લાગી.

‘સાચું કહું તો મને ઘણા વર્ષો સુધી તારા પ્રત્યે ગુસ્સો હતો. હું એને નફરત નહીં કહું. પણ હું તને ભૂલી શકી ન હતી.’ હળવી થયેલી ભૂમિએ હવે સૌમિત્રનું ધ્યાન એના પ્રત્યે વધુ ખેંચવાનો પ્રયાસ કર્યો.

‘હું સમજી શકું છું. જ્યાંસુધી આપણે છુટા નહોતા પડ્યા ત્યાંસુધી હું એ સ્ટોરીઝનો સ્વીકાર નહોતો કરી શકતો કે ફર્સ્ટ લવ ક્યારે ભૂલી નથી શકાતો, પણ પછી મારે એ ફેક્ટ એક્સેપ્ટ કરવું જ પડ્યું.’ સૌમિત્રએ પણ પોતાનું દિલ ખોલ્યું.

‘એટલે તું આજે પણ...?’ ભૂમિ સૌમિત્ર શું કહેવા માંગે છે એ પારખી ગઈ અને એણે સીધો જ સવાલ કરી દીધો.

‘હું ના નહીં પાડું. હું તમને ભૂલી નથી શક્યો, નહીં તો મારી ફર્સ્ટ નોવેલ મેં આપણા વિષે ન લખી હોત અને મારી બધી જ નોવેલમાં હું મારી ફીલિંગ્સ ક્યાંક ને ક્યાંક ન લાવ્યો હોત.’ સૌમિત્રએ નજર ઝુકાવીને કીધું.

‘થેન્ક્સ... યુ વોન્ટ બીલીવ આ સાંભળીને હું કેટલી ખુશ છું.’ સૌમિત્રની કબુલાતે ભૂમિની આંખના આંસુ ગાયબ કરી દીધા અને એનો ચહેરો હસવા લાગ્યો.

‘તમારી ખુશીને કાબુમાં રાખો ભૂમિ. આપણે લાસ્ટ મન્થ અહીં જ એક્સિડન્ટલી મળ્યા હતા ત્યારેજ મને તમારી લાગણીઓની ખબર પડી ગઈ હતી. પછી તમારો અચાનક ફોન આવવો, ભલે વ્રજેશ અને નિશાને મેળવવાનો તમારો ઈરાદો હતો પણ એની પાછળનું સાચું કારણ મને તમારા અવાજ પરથી જ ખ્યાલ આવી ગયું હતું. આપણે હવે કોઈ બીજાની સાથે કમિટેડ છીએ એ આપણે ભૂલવું ન જોઈએને? આપણે બંને હવે કોઈના માતા અને પિતા પણ બની ચૂક્યા છીએ.’ સૌમિત્ર શાંતિથી બોલ્યો.

‘હું વરુણ સાથે ખુશ નથી મિત્ર.’ ભૂમિએ પોતાના લગ્નજીવનને એક જ વાક્યમાં સૌમિત્ર સમક્ષ એના ભૂતપૂર્વ પ્રેમી સમક્ષ રજુ કરી દીધું.

‘પણ હું ધરા સાથે ખુબ ખુશ છું. બલ્કે હાર્ટબ્રેક પછી મને કોઈએ સંભાળી લીધો હોય તો એને માટે મારે મારા રાઈટીંગ અને ધરા આ બંનેનો આભાર મારે માનવો જોઈએ.’ આમ બોલતી વખતે સૌમિત્રના ચહેરા પર ધરા પ્રત્યેનું એનું સન્માન અને ગૌરવ દેખાઈ રહ્યું હતું.

‘લાસ્ટ મન્થ તે તારું કાર્ડ આપતા મને જણાવ્યું હતું કે આ મિત્રો માટે છે. હું પણ મારી જવાબદારી સમજું છું. તો શું આપણે માત્ર મિત્રો, સારા મિત્રો જે જરૂર પડે એકબીજા સાથે બે ત્રણ મિનીટ માટે સુખ-દુઃખની વાતો શેર કરી શકે, ન બની શકીએ?’ ભૂમિની આંખોમાં સૌમિત્રનો સાથ કોઇપણ નામે મળી જાય એની ઈચ્છા હતી.

‘મારા માટે એ શક્ય નથી. હું અને ધરા જ્યારે ખાસ મિત્રો બન્યા ત્યારેજ મેં એને આપણા વિષે વાત કરી હતી. આપણી ગયા મહિનાની મીટીંગ વિષે પણ એ જાણે છે. હું એમ નથી કહેતો કે તમારી સાથે કોઈક દિવસ ફોન પર વાત કરતા જોઇને કે તમારો એસ એમ એસ વાંચીને એ મારા પર શંકા કરશે, પણ મારે હવે એ રસ્તા પર જવાનું રિસ્ક લેવાની કોઈજ ઈચ્છા નથી.’ સૌમિત્રએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

‘હું તને રોજ હેરાન નહીં કરું સૌમિત્ર. બસ કોઈક વાર... મને તારાથી સાવ અલગ ન કર પ્લીઝ?’ ભૂમિએ યાચના કરી.

‘મહિનામાં એકાદ વખત ઇટ્સ ઓકે. પણ આદત ન પાડતાં. તમે મને ફ્રેન્ડશીપ ઓફર કરી છે એટલે... અને તમે સમજી શકો છો કે ફ્રેન્ડને આપણા કારણે કોઈ તકલીફ પડે તો એ ફ્રેન્ડશીપનું અપમાન કહેવાય.’ સૌમિત્રએ ભૂમિને પરમીશન આપી.

‘હવે હું તારું અપમાન ક્યારેય નહીં કરું. આઈ પ્રોમિસ!’ ભૂમિએ સૌમિત્ર તરફ હાથ લંબાવ્યો.

‘લ્યો આ લોકો આવી ગયા.’ ભૂમિએ લંબાવેલા હાથને ઇગ્નોર કરીને સામેથી હસતાંહસતાં આવી રહેલા વ્રજેશ અને નિશાને જોઇને સૌમિત્ર એની ખુરશીમાંથી ઉભો થઇ ગયો.

***

‘વી આર ગેટીંગ મેરીડ નેક્સ્ટ વીક.’ ખુરશીમાં બેસતાં જ વ્રજેશ બોલ્યો.

‘ક્યા બાત હૈ!’ સૌમિત્રએ વ્રજેશના હાથ પકડી લીધા.

‘ઓહો! વાહ નિશા...એટલે મેડમ ક્યારનાં શરમાઈ રહ્યા છે.’ ભૂમિએ નિશાની મશ્કરી કરી.

‘આ બધું તારા અને સૌમિત્રને લીધે પોસીબલ થયું.’ જાનકીને પોતાના ખોળામાં બેસાડતાં નિશા બોલી.

‘જો કશું પણ નડતું ન હોય તો બે પ્રેમીઓએ મળવું જ જોઈએ, ભલેને પછી એમના છુટા પડવાનું કોઇપણ રીઝન હોય કે પછી ગમે તેટલો સમય વીતી ગયો હોય? હું આવું માનું છું નિશા.’ સૌમિત્ર નિશા સામે જોઇને બોલ્યો.

‘અને એવા ઓછા પ્રેમીઓ હોય છે જેને ફરીથી મળવા માટે કોઈજ નડતર ન હોય એટલે ભગવાને તમને આવો મોકો આપ્યો અને આઈ એમ ગ્લેડ કે તમે બંને એ લાંબી લપ્પન છપ્પન કર્યા વગર એને એક્સેપ્ટ કરી લીધો.’ ભૂમિએ સૌમિત્ર સાથે થોડા જ સમય પહેલા થયેલી વાતનો સંદર્ભ આપીને પોતાનું દુઃખ રજુ કર્યું.

‘આવતે અઠવાડીએ? અંકલ આન્ટીને પૂછ્યું?’ સૌમિત્રએ ભૂમિને ફરીથી ઇગ્નોર કરી.

‘હા એમને મેં રૂમમાંથી જ કોલ કર્યો હતો. નિશા સાથે વાત કરીને બંને ખૂબ ખુશ થયા. આવતે અઠવાડિયે અમદાવાદના આર્યસમાજમાં અમે લગ્ન કરીશું અને તમારે બંને એ આવવાનું જ છે.’ વ્રજેશે ભારપૂર્વક કીધું.

‘મારું નક્કી નહીં.’ ભૂમિએ તરતજ જવાબ આપ્યો.

‘શું મારું નક્કી નહીં? મારા તરફથી તો તું એક જ રીલેટીવ છે ભૂમિ. તારે તો આવવું જ પડશે.’ નિશાને ભૂમિની વાતથી નવાઈ લાગી.

‘અરે પણ...’ ભૂમિ આટલું જ બોલી શકી.

‘નો અરે કે બરે..તું નહીં આવે તો વ્રજેશે ફરીથી રાહ જોવી પડશે. બોલ, વ્રજેશ તને મંજૂર છે?’ નિશાએ વ્રજેશને પૂછ્યું.

‘બિલકુલ નહીં. તારે આવવું જ પડશે ભૂમિ. તું અને સૌમિત્ર અમારા મિલનના આઈ શુડ સે, ઇન્જીનીયર્સ છો એટલે તમારા બંનેની હાજરી તો નક્કી જ છે. નહીં તો લગ્ન નહીં થાય.’ વ્રજેશે સ્પષ્ટતા કરી દીધી.

સૌમિત્ર અને ભૂમિ પાસે વ્રજેશ અને નિશાની વાત માન્યા સીવાય કોઈ અન્ય રસ્તો જ ન હતો. ભૂમિને તો આવતા અઠવાડિયે સૌમિત્રને ફરીથી મળવાનો મોકો મળશે એનો આનંદ હતો પણ સૌમિત્રને તરત જ વિચાર આવી ગયો કે ભૂમિ અને ધરાનો જ્યારે આમનો સામનો થશે ત્યારે એનું શું થશે?

***

‘તેં મને વ્રજેશભાઈ માટે તું રાજકોટ જાય છે એમ કીધું હોત તો મને વધારે ગમત.’ રાજકોટથી પરત આવ્યાની બીજી સવારે જ્યારે સૌમિત્રએ ધરાને પોતાનું રાજકોટ જવાનું સાચું કારણ જણાવ્યું ત્યારે ધરાએ આ પ્રમાણે પોતાનું રીએક્શન આપ્યું.

‘એક્ચ્યુલી મેં વ્રજેશને પણ નહોતું કહ્યું. યુ નો હીમ. પ્લસ આ બધું મેં ભૂમિ સાથે મળીને નક્કી કર્યું છે એ જો મેં તને કીધું હોત તો... સાચું કહું ધરા મને ખૂબ બીક લાગી હતી તારી.’ સૌમિત્રએ સાચેસાચું કહી દીધું.

‘સાવ ગાંડો જ છે તું. જ્યારે હું તારી અને ભૂમિની બધીજ હકીકતો જાણું છું, લાસ્ટ મન્થ તું એને મળ્યો હતો એ વાત પણ તેં મને કઈ દીધી હતી તો પછી હવે શેની બીક લાગી તને? આ તો વ્રજેશભાઈ માટે હતું ને?’ ધરાના ચહેરા પર સ્મિત હતું અને એ પણ તોફાની.

‘એક પતિ એની પત્નીથી કાયમ ડરતો જ હોય છે, તને નહીં ખબર પડે.’ સૌમિત્રએ આંખ મારી.

‘જુઠ્ઠો!’ ધરા હસી પડી.

‘વ્રજેશના લગ્ન પછી નો મોર ભૂમિ. પછી એને હું ક્યારેય નહીં મળું. પ્રોમિસ.’ સૌમિત્રએ ધરાની આંગળીઓમાં પોતાની આંગળીઓ ભેરવી.

‘તારે કોઈજ પ્રોમિસ આપવાની જરૂર નથી. સોમુ ફર્સ્ટ લવ ક્યારેય ભૂલાતો નથી. તને ખબર છે મારાં પણ ઘણા અફેર્સ હતા. સો સ્ટોપ એક્ટિંગ લાઈક અ કીડ. તને જ્યારે ઈચ્છા થાય ત્યારે તું ભૂમિને કોલ કર કે પછી એને મેસેજ કર તો મને શું વાંધો હોય? એક્ચ્યુલી આઈ એમ લૂકિંગ ફોરવર્ડ ટુ મીટ ભૂમિ. મને એને મળવાનું એની સાથે વાતો કરવાનું ગમશે.’ ધરા બોલી.

‘હમમ.. તેં મારો ભાર હળવો કરી દીધો ધરા. તારા આ નેચરને લીધે જ હું તને ખૂબ પ્રેમ કરું છું. બટ, ટુ બી ઓનેસ્ટ, મને ભૂમિ પ્રત્યે પહેલાં જેવી કોઈજ ફીલિંગ નથી આવતી. એ ગેપ તેં ક્યારનોય ભરી દીધો છે. યસ, એ મને કોલ કરશે તો હું એની સાથે વાત કરીશ પણ કદાચ પહેલા જેવી વોર્મથ એમાં નહીં હોય. એનો મતલબ એવો નથી કે હું મારો ઈતિહાસ અવોઇડ કરી રહ્યો છું કે એને ભૂલી જઈશ, જેમ તેં કીધું એમ ફર્સ્ટ લવ ભૂલવો ઈઝ નોટ પોસીબલ, બટ આઈ વિલ બી ઇન માય લીમીટ્સ.’ સૌમિત્રએ ધરા સામે સ્મિત આપતાં કહ્યું.

***

‘લગ્ન ધામધૂમથી કરો કે હાદાઈથીન, આ સોકરીયું તયાર થવામાં બે-તન કલાક તો લય જ લે.’ નિશાની રાહ જોઈ રહેલા વ્રજેશ અને સૌમિત્ર સાથે વાતો કરતા હિતુદાન બોલ્યો.

‘વળી એમને તૈયાર કરનારી છોકરી પણ તૈયાર થવા માટે ઓછો ટાઈમ ન લે.’ વ્રજેશ આર્યસમાજ તરફ આવતા રસ્તા પર નજર નાખતાં બોલ્યા.

‘નિશાને કોણ તૈયાર કરી રહ્યું છે?’ સૌમિત્રએ પૂછ્યું.

‘ભૂમિ, બીજું કોણ હોય?’ રસ્તા પર જ નજર નાખતા વ્રજેશ બોલ્યો.

‘ઓહ...’ સૌમિત્રને અચાનક ખ્યાલ આવ્યો કે નિશા સાથે ભૂમિ પણ આવવાની છે.

આ વિચાર આવતાની સાથે જ સૌમિત્રએ પાછળ ધરા સામે જોયું જે પોતાના સેલફોન પર કોઈની સાથે વાતો કરી રહી હતી. સૌમિત્રને અચાનક જ વિચાર આવી ગયો કે ભલે એણે ધરાને ભૂમિ વિષે બધું જ કહી દીધું છે, પરંતુ જ્યારે ભૂમિ અને ધરા મળશે ત્યારે એની હાલત કેવી થશે?

‘અરે, ક્યાં પહોંચ્યા? મહારાજ બુમો પાડે છે. ઓકે, ઓકે. શું? હા...’ વ્રજેશે નિશા સાથે એના સેલફોન પર વાત શરુ કરી.

‘સૌમિત્ર, સૌમિત્ર....’ અચાનક જ ધરા સૌમિત્ર પાસે આવી.

‘હા બોલ, શું થયું?’ ધરાનો ચિંતાતુર ચહેરો જોઇને સૌમિત્ર બોલી પડ્યો.

‘પપ્પા....’ ધરાને અચાનક જ શ્વાસ ચડી ગયો હોય એવું લાગી રહ્યું હતું.

‘શું થયું પપ્પાને?’ સૌમિત્રએ ધરાના બંને ખભા પકડ્યા.

‘એમને પેરા... પેરાલીસીસનો એટેક આવ્યો છે અને વોકહાર્ટમાં દાખલ કરવા લઇ જાય છે, મમ્મીનો એમ્બ્યુલન્સમાંથી હમણાંજ ફોન હતો. આપણે અત્યારે જ રાજકોટ જવું પડશે.’ ધરા હાંફી રહી હતી.

***

પ્રકરણ ૪૪

‘મારે....’ ધરાની વાત સાંભળીને સૌમિત્ર વ્રજેશ સામે જોઇને બોલ્યો.

‘તારે કશું જ કહેવાની જરૂર નથી અને તું અંકલની ચિંતા પણ ન કરતો. વિધિ પતે એટલે એ અમારી સાથે અમારી ઘરે આવી જશે.. તમે લોકો ઉપડો.’ વ્રજેશે સૌમિત્રને કીધું.

‘થેન્ક્સ...’ સૌમિત્રને ખબર હતી કે એના અને વ્રજેશના સંબંધો થેન્ક્સ અને સોરીથી ઘણા કિલોમીટર દૂર પહોંચી ગયા હતા પણ તેમ છતાં તેના મોઢામાંથી અનાયાસે જ આમ નીકળી ગયું, કદાચ સંજોગોની ગંભીરતાને લીધે.

‘અને નિશાને મારા તરફથી સોરી કહેજો. રાજકોટથી આવીને પપ્પાને લેવા આવીશ ત્યારે એની સાથે શાંતિથી વાતો કરીશ.’ ધરાએ વ્રજેશને કીધું.

‘સૌમિત્ર? ભાભી? તમે અત્યારે આ સોરી, થેન્કયુમાં ન પડો અને ફટાફટ ઘરે જઈને સમાન પેક કરીને રાજકોટ જવા ઉપડો.’ વ્રજેશે બંનેને યાદ દેવડાવ્યું.

‘ત્યાં પહોંચીને મને કે વ્રજેશને કોલ કરી દેજો અને મારી જરાય ચિંતા ન કરતા.’ જનકભાઈએ સૌમિત્ર અને ધરાને તાકીદ કરી.

સૌમિત્ર, ધરા અને સુભગ એમની કારમાં બેઠાં અને પોતાના ઘર તરફ હંકારી ગયા. સૌમિત્રની કાર હજી થોડે દૂર જ પહોંચી હતી ત્યાં જ સામેથી નિશા અને ભૂમિ જે કારમાં બેઠા હતા એ કાર એમને પસાર થઇ ગઈ. ભૂમિને બે સેકન્ડ લાગ્યું પણ ખરું કે ક્રોસ થયેલી એ કારમાં સૌમિત્ર પણ હતો. એને લાગ્યું કે કોઈ છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે સૌમિત્ર ક્યાંક જઈ રહ્યો હશે. નિશા અને વ્રજેશના લગ્ન કરતાં ભૂમિને સૌમિત્રને ફરીથી જોવાનો, એની સાથે વાતો કરવાનો ઉત્સાહ વધારે હતો.

‘છેલ્લી ઘડીએ શું ખરીદવા મોકલ્યો તમારા મિત્રને?’ કારમાંથી ઉતરતાં જ ભૂમિએ સામે ઉભેલા હિતુદાનને સવાલ કર્યો.

‘કાંય ખરીદ કરવા નથ્ય મોયક્લો. એના હહરાને પેરાલીસીસ નો એટેક આયવો અટલે ઈ ને ધરા રાઝકોટ ગ્યા.’ હિતુદાને ભૂમિને જવાબ આપ્યો.

હિતુદાનનો જવાબ સાંભળીને ભૂમિ ત્યાં જ સ્થિર થઇ ગઈ. ભલે ધરા આસપાસ રહેવાની હતી, પણ એક આખો દિવસ સૌમિત્રને નજર સામે જોવાનો અને એની સાથે ગાળવાનો એક મહામૂલો અવસર એ ગુમાવી ચુકી હતી એનું અસહ્ય દુઃખ ભૂમિને અત્યારે થઇ રહ્યું હતું. ભૂમિને કદાચ ગુસ્સો પણ આવી રહ્યો હતો, પણ એ કશું જ કરી શકે એમ ન હતી. એને અત્યારે તો નિશા અને વ્રજેશના લગ્ન પ્રસંગને સંભાળી લેવાનો હતો. ખાસકરીને જ્યારે વ્રજેશનો ખાસ મિત્ર સૌમિત્ર હવે ગેરહાજર હતો ત્યારે એની અને હિતુદાનની જવાબદારી હવે વધી ગઈ હતી.

***

‘દાખલ કયરા પછીયે કલાક લગીન જરાય જવાબ નો આપે... આંખ્યું નો ખોલે....મને તો એટલી બીક લાગી.’ ઉમાબેન ધરાને કહી રહ્યા હતા.

‘પછી?’ ભીની આંખે ધરાએ સ્વાભાવિક સવાલ કર્યો.

‘પછી, ખબર નય પણ અચાનક મને બાપુ યાદ આયવા ને મેં તર્ત જ ફોન ક્યરો. બાપુએ અડધી કલાકમાં પ્રસાદી મોયકલી.’ ધીમેધીમે ઉમાબેનનો ચહેરો ખીલવા માંડ્યો હતો.

‘હમમ....’ ધરાએ પ્રતિક્રિયા આપી પણ એનો ચહેરો એને ઉમાબેનની વાત નથી ગમી એવું સ્પષ્ટ કહી રહ્યો હતો.

સૌમિત્ર આ બંનેની સામેની ખુરશીમાં બેસીને એમની વાતો સાંભળી રહ્યો હતો.

‘આ લોકો તો રૂમમાં જાવા જ નોતા દે’તા... પછી ઓલા વોર્ડબોયને પચાની નોય પકડાવી ને એને કીધું કે આ પ્રસાદી તારા પપાના કપાળે લગાડી દે.’ ઉમાબેનનો ચહેરો હવે વધારે આનંદદાયક બન્યો.

‘તું ય શું મમ્મી, આ બધામાં...’ ધરાએ પોતાનો અણગમો વ્યક્ત કર્યો જ ત્યાં...

‘હાંભર તો ખરી... હું આયા કાચમાંથી જોતી’તી, જેવા ઓલાએ તારા પપાના કપાળે જરીક જેટલી પ્રસાદી લગાય્ડી કે તારા પપાની આંખ્યું ખુલી ગય. હવે તો ઈ જાગે ય છે ને જવાબેય દીયે છે. બાપુની પ્રસાદી ક્યારેય ફેલ નો જાય ધરા.’ ઉમાબેને ઉત્સાહપૂર્વક જણાવ્યું.

‘મમ્મી... હમણાંજ આપણે ડોક્ટરને મળ્યા ત્યારે એમણે શું કીધું? આ માઈનોર એટેક છે અને ખાસ ચિંતા કરવા જેવું નથી. ફીઝીયોથેરાપીસ્ટ પાસે રોજ જશે તો કદાચ છ આઠ મહિનામાં પપ્પા નેવું ટકા સાજા પણ થઇ જશે. તું અને પપ્પા આ બાપુ-ફાપુમાં ન પડો પ્લીઝ.’ હોસ્પિટલ હોવાથી ધરાએ ધીમે સ્વરે પણ મક્કમતાથી પોતાનો વિરોધ દર્શાવ્યો.

‘એક વખત તારા પપા ઘેરે આવે એટલે મારે બાપુને બોલાવવા છે. તું જ એમની હાયરે આ બધી વાત્યું કરી લેજે. મેં તો જે જોયું ઈ જ કીધું.’ ઉમાબેન ધરાની વાત માનવા તૈયાર ન હતા.

‘મારે કોઈને નથી મળવું. પપ્પા ઘેરે આવે એટલે બીજે કે ત્રીજે દિવસે હું અમદાવાદ ભેગી થઇ જઈશ.’ ધરા હજી પણ ગુસ્સામાં હતી.

‘કાં? અઠવાડિયું દસ દિ’ રોકાય જાને? તારા પપાને સારું લાગસે.’ ઉમાબેને ફોર્સ કર્યો.

‘મમ્મી, દસ દિવસ પછી સુભગની ટર્મ એક્ઝામ છે. સૌમિત્ર અને સુભગ કાલે જતા રહેશે અને પછી સુભગને પરીક્ષાની તૈયારી કોણ કરાવશે? ત્યાં ત્રણેય પુરુષો રોજ બહારનું ખાઈને પોતપોતાનું પેટ બગાડશે એ મને નહીં પોસાય. ડોક્ટરને મળીને મને તો શાંતિ થઇ ગઈ છે કે પપ્પા પરની ઘાત આસાનીથી ટળી ગઈ. બુધવારે એમને રજા આપશે તો શનિવાર અથવાતો મેક્સીમમ રવિવારે હું ઘરભેગી.’ ધરાએ સ્પષ્ટ શબ્દોમાં ઉમાબેનને પોતાની પ્રાથમિકતા જણાવી દીધી.

‘મમ્મી, હું ય તારી જોડે રવિવારે જ અમદાવાદ આઇશ.’ સુભગે પોતાનો પ્લાન જણાવ્યો.

‘કોઈ જ જરૂર નથી. એક દિવસનું હોમવર્ક ચડી ગયું હશે એ પૂરું કરતા તને અઠવાડિયું લાગશે, તો દસ દિવસનું હોમવર્ક કરતાં તો તું મહિનો લઈશ. તું અને સોમુ કાલે સવારે જ અમદાવાદ જાવ છો એન્ડ ધેટ્સ ફાઈનલ. મંગળવાર સવારે હું તને કોલ કરું ત્યારે તું સ્કુલ જવા માટે રેડી હોવો જોઈએ.’ ધરાએ સહેજ કડકાઈથી સુભગને કહ્યું.

‘શાંતિ રાખ ધરા. આટલી બધી એક્સાઈટ ન થા. અમે કાલે જ અમદાવાદ જતા રહીશું. બધું જ થઇ પડશે. તું શાંતિથી આવજે.’ સૌમિત્રએ ધરાને શાંતિ રાખવા જણાવ્યું.

‘મમ્મી ચાલને નાના બાપુને ઘેર.. મને ભૂખ લાગી છે.’ સુભગ અચાનક બોલ્યો.

‘ચ્હા પીવાની ઈચ્છા તો મને પણ થઇ છે. રસ્તામાં આપણે ક્યાંય બ્રેક પણ નથી લીધો.’ સૌમિત્રએ પણ સુભગના સૂરમાં સૂર પૂરાવ્યો.

‘મમ્મી, અમે કાફેટેરિયામાં જઈએ?’ ધરાએ ઉમાબેનની પરવાનગી માંગી.

‘હા તે જાવ ને? હાંભળ. નીચેથી સીધા જ ઘેરે વયા જાજો. હું તો આયાં રોકાવાની છું. રાયતે ખાવાપીવાની જે ઈચ્છા હોય ઈ મહારાજને કય દેજો.’ ઉમાબેન બોલ્યા.

‘મને એમ હતું કે હું રાત્રે રોકાઉં. તું સવારની આમથી આમ થાય છે. ઘેરે કપડા બદલીને આવી જાઉં. સૌમિત્ર મને મૂકી જશે તને લઈ જશે અને પછી અને કાલે સવારે તને અહિયાં અને મને ઘેરે મુકીને સીધો જ સુભગને લઈને અમદાવાદ જતો રહેશે.’ ધરાએ ઉમાબેનને કીધું.

‘ના.. જ્યાં લગી તારા પપા ઘેરે નય આવે ત્યાં લગી હું આયાં જ રે’વાની. અને પેસીયલ રૂમ લીધો જ છે. કાલ હવારે તારા પપાને રૂમમાં લય આવશે પસી હું આરામ જ કરીસ. તું તારે શાંતિથી ઘેરે જા. આજની રાત આરામ કર અને કાલ બપોરે મારું ટીફીન લયને જ આવજે.’ ઉમાબેને ધરાને ધરપત આપતાં કહ્યું.

ધરાએ સ્મિત આપ્યું પણ કશું બોલી નહીં.

‘તો પછી આપણે સીધા ઘેરે જ જઈએ ને? સુભગ તારે ચિપ્સ ખાવી છે ને? એ તો આપણે રસ્તામાં ક્યાંયથી પણ લઇ લઈશું. હું તો મહારાજના હાથની જ ચ્હા પીશ, એમના હાથની ચ્હા દુનિયા આખીમાં ક્યાંય ન મળે.’ સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

‘હા, એમ જ કરીએ. મમ્મી અમે ઘેરે જઈએ છીએ.કોઇપણ ઈમરજન્સી આવે તો મારો અને સોમુ બેયનો ફોન ઓન જ છે.’ ધરાએ ઉમાબેનના ખભે હાથ મૂકતા કહ્યું.

‘તમતમારે શાંતિથી ઘરે જાવ, બાપુના આસીર્વાદથી હવે તારા પપાને કાંય નય થાય.’ ઉમાબેને ધરાને વળતો જવાબ આપ્યો.

***

‘આ બાપુ કોણ છે? આટલા બધા વર્ષોમાં તારા મોઢે કોઈ વખત એમનું નામ નથી સાંભળ્યું.’ પોતાને વળગીને સુતેલી ધરાની પીઠ સહેલાવતાં સૌમિત્રએ પૂછ્યું.

જમ્યા બાદ થાકેલો સુભગ તો તરત જ સુઈ ગયો હતો અને સૌમિત્ર અને ધરા વાતોએ વળગ્યા હતા.

‘સેવાબાપુ. આમ તો એમનું પૂરું નામ પરમ પૂજ્ય કર્મયોગી પરમ કૃપાળુ સેવાસમર્થજી મહારાજ છે. પણ એમના ભક્તો એમને સેવાબાપુ તરીકે બોલાવે છે. લોધિકા પાસે એમનો મોટો આશ્રમ છે. પપ્પાની લાઈફ ચેન્જ કરવામાં એમનો મોટો હાથ છે એવું પપ્પા કાયમ કહે છે.એ અને મમ્મી એમના પરમ અને સ્પેશિયલ ભક્તોમાંથી એક છે.’ ધરાએ જવાબ આપ્યો.

‘એ બાપુ મમ્મી પપ્પાની આટલી નજીક હોય તો તું કેમ આટલા વર્ષો સુધી બોલી નહીં એની મને નવાઈ લાગી અને હોસ્પિટલમાં મમ્મી જેટલા બાપુના વખાણ કરતા હતા એટલીજ તું ગુસ્સે થતી હતી કેમ?’ સૌમિત્ર ધરાના વાળમાં હાથ ફેરવતા બોલ્યો.

‘મને એ જરાય નથી ગમતાં, એક્ચ્યુલી આઈ હેઇટ હીમ. નાની હતી ત્યારે તો હું મમ્મી પપ્પા સાથે એમના આશ્રમમાં બહુ જતી હતી. કોલેજના થર્ડ યરમાં હતી ત્યારે એક વખત પપ્પાને ખુબ તાવ ચડી ગયો હતો અને ચાર પાંચ દિવસ સુધી ઉતર્યો જ નહીં ત્યારે પપ્પાએ મને એમની પ્રસાદી એટલે કે ભસ્મ લાવવા લોધિકા આશ્રમ મોકલી. એમણે મને જે રીતે સ્કેન કરી અને જે રીતે એમણે મારો હાથ પકડીને ભસ્મની પડીકી મારા હાથમાં આપી ત્યારેજ મને ખબર પડી ગઈ કે આ માણસ લીચડ છે.’ ધરાના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ સંભળાતો હતો.

‘તેં મમ્મી પપ્પાને કીધું નહીં?’ સૌમિત્રએ સ્વાભાવિક સવાલ કર્યો.

‘પપ્પા તો સાંભળે એવી સ્થિતિમાં નહોતા, પણ જ્યારે એ રાત્રે મમ્મીને મેં કીધું ત્યારે ઉલટું એણે મને ધમકાવી કે આવા પૂજનીય વ્યક્તિ વિષે આવું હલકું ન બોલાય. પૂજનીય માય ફૂટ!’ ધરા બોલી.

‘પછી?’ સૌમિત્રનો આગલો સવાલ.

‘પછી પપ્પા જ્યારે સાજા થયા ત્યારે મેં સ્પષ્ટ કહી દીધું કે મને હવે કોઈ વખત બાપુ પાસે મોકલતા નહીં અને મને એમની સામે ઉભી પણ ન કરતા. પપ્પાતો આપણા લગ્ન વખતે પણ એમને આશિર્વાદ આપવા બોલાવવાના હતા પણ મેં કીધું કે મારા લગ્નમાં કાં તો બાપુ અથવા હું બે માંથી એક જ રહી શકશે. છેક સાંજીની રાત સુધી ઘરમાં ટેન્શન હતું, છેવટે પપ્પા પીગળ્યા એટલે બાપુ આપણા લગ્નમાં ન આવ્યા.’ ધરાએ સૌમિત્રની છાતીના વાળમાં પોતાની આંગળીઓ ફેરવતા એને લંબાણપૂર્વક જવાબ આપ્યો.

‘ઇન્ટરેસ્ટિંગ! આના પરથી તો એક આખી નોવેલ લખી શકાય ધરા. તેં તો મને એક મસ્ત પ્લોટ આપી દીધો.’ પોતાની છાતી પર રહેલા ધરાના ચહેરાને દાઢીએથી સહેજ ઉંચો કરીને સૌમિત્રએ એના કપાળ પર એક ચુંબન કરીને એને ધન્યવાદ આપ્યા.

‘અને મારા પ્લોટનું શું?’ ધરાએ પોતાનો ચહેરો ઉંચો કર્યો અને એનો પગ સૌમિત્રના પગ પર ધીરેધીરે ઘસતાં ઘસતાં બોલી.

‘શું? કયો પ્લોટ?’ સૌમિત્ર ધરાની આંખમાં આંખ નાખીને બોલ્યો.

‘હવે છેક આવતા રવિવારે આપણે મળશું.’ ધરા બોલી, એની આંખોમાં મસ્તી હતી.

‘હા, તેં સાંજે મમ્મીને કીધું ત્યારે હું ત્યાં જ હતો.’ સૌમિત્ર હસ્યો.

‘તો રવિવાર સુધી હું ભૂખી કેવી રીતે રહી શકીશ? મને તારે ભોજન તો કરાવવું પડેને?’ ધરાએ મસ્તીભર્યું હાસ્ય કર્યું અને સૌમિત્ર સામે આંખ મારી.

‘હું સમજ્યો નહીં.’ સૌમિત્રએ પોતાનું ભોળપણ બતાવ્યું.

‘શું તું પણ યાર....’ આટલું બોલતાની સાથે જ ધરા સૌમિત્ર પર ચડી બેઠી અને પોતાના હોંઠ સૌમિત્રના હોંઠ પર મૂકીને એનું પાન કરવા લાગી.

સૌમિત્રએ પણ ધરાના હોંઠોને પોતાના હોંઠ વચ્ચે દબાવ્યા અને એની આંગળીઓ ધરાના ટીશર્ટની અંદર ધરાની સુંવાળી પીઠનો અનુભવ કરવા લાગી. ધરાની જીભ હવે સૌમિત્રના મોઢાની સફરે નીકળી ચૂકી હતી. સૌમિત્ર પણ ધરાને બરોબર જવાબ આપી રહ્યો હતો. લગભગ બે થી અઢી મિનીટના દીર્ઘ ચુંબન બાદ બંને છુટા પડ્યા.

‘કમાલ છે તું ધરા... મને એમ કે પપ્પાને લીધે તું ટેન્શનમાં હોઈશ.. પણ તું તો!’ સૌમિત્રએ વ્હાલથી ધરાના ગાલે ટપલી મારી.

‘પપ્પાને તો હવે સારું છે તો એન્જોય કરવામાં શું વાંધો? અને આપણે હવે અઠવાડિયું દૂર રહેવાના છીએ.. એન્ડ યુ નો આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ.’ આટલું બોલતાં જ સૌમિત્ર પર સવાર ધરાએ સૌમિત્રની છાતીના વાળમાં પોતાનો ચહેરો ફેરવ્યો.

‘વિધાઉટ મી ઓર વિધાઉટ સેક્સ?’ સૌમિત્રએ ધરાના વાળ પકડીને એનો ચહેરો હળવેકથી ઉંચો કર્યો અને એની આંખોમાં પોતાની આંખ નાખીને પૂછ્યું. એ હસી રહ્યો હતો.

‘અમ્મ્મ.... બોથ!’ આટલું કહીને ધરાએ હાથ ઊંચા કરીને પોતાનું ટીશર્ટ કાઢી નાખ્યું અને સૌમિત્ર સામે જોવા લાગી.

સૌમિત્ર એની આંખોની બરોબર સામે જ એકબીજા સાથે જોડાયેલા અને એને આમંત્રણ આપી રહેલા ધરાના સ્તનોની બેલડીને જોઈ રહ્યો....

***

‘ગૂડ મોર્નિંગ, કેવું છે તમારા સસરાને? આઈ હોપ હું તમને ડીસ્ટર્બ નથી કરી રહી.’ ભૂમિ બોલી.

‘ના, ના ઇટ્સ ઓકે. એમને સારું છે હવે. પેરાલીસીસ તો છે પણ એટલું સીરીયસ નથી. હું અને સુભગ અત્યારે અમદાવાદ આવવા જ નીકળ્યા છીએ.’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘ઓહ, તો તો તમે ડ્રાઈવ કરતા હશોને?’ ભૂમિએ ફરીથી સૌમિત્રને પોતે કોઈ અગવડરૂપ નથી બની રહી એ સ્પષ્ટ કરવા જણાવ્યું.

‘ના, ના... સુભગને ભૂખ લાગી હતી અને મારે પણ સતત ડ્રાઈવિંગમાંથી બ્રેક લેવો હતો એટલે અત્યારે દર્શને હોલ્ટ લીધો છે. વી કેન ટોક. મારે કાલે બધું શાંતિથી પતી ગયું કે નહીં એ પણ તમને પૂછવું હતું.’ ચ્હાનો ઘૂંટડો ભરતા બોલ્યો.

‘હા, બધુંજ સરસ પતી ગયું. બસ તમને મીસ કર્યા... આઈ મીન બધાએ.’ ભૂમિથી સાચું બોલાઈ ગયું, પણ પછી એણે સુધારી લીધું.

‘હમમ...’ જવાબમાં સૌમિત્ર માત્ર આટલું જ બોલ્યો કારણકે એ ભૂમિનો કહેવાનો મતલબ બરોબર સમજી ચૂક્યો હતો.

‘ધરા ઓકે છે ને? એના પપ્પાને લીધે એને બહુ તકલીફ પડી રહી હશેને? હું એની સાથે વાત કરી શકું?’ ભૂમિએ સૌમિત્રને પૂછ્યું.

‘ખાસ સિરિયસ નથી એટલે શી ઈઝ ફાઈન ટુ. પણ એ અઠવાડિયું રાજકોટ જ રોકાઈ ગઈ છે. આવતા રવિવારે આવી જશે.’ સૌમિત્ર બોલ્યો.

‘હા, એ ત્યાં રહે તો એના મમ્મી પપ્પાને સારું લાગે.’ ભૂમિ બોલી.

‘હા.. આપણે પછી વાત કરીએ? મારે ફરીથી ડ્રાઈવિંગ શરુ કરવાનું છે.’ સૌમિત્રને ભૂમિ સાથે વધારે વાત નહોતી કરવી.

‘હા હા ચોક્કસ. સાંજે વ્રજેશભાઈના રીસેપ્શનમાં તો આવશોને? એ બહાને તમારા ટેણીયાને પણ મળાશે.’ ભૂમિને સૌમિત્ર પાસે જ એ સાંજે રિસેપ્શનમાં આવશે કે નહીં એ કન્ફર્મ કરવા માંગતી હતી.

‘હા, ચોક્કસ. આપણે સાંજે મળીએ. બાય, ટેઈક કેર.’ સૌમિત્રએ ટૂંકમાં જવાબ આપ્યો.

‘યુ ટુ!’ ભૂમિએ આટલું કહીને કોલ કટ કર્યો.

સૌમિત્રનો કોલ કટ કર્યા બાદ ભૂમિના રોમેરોમમાં આનંદ આનંદ થઇ ગયો. સાંજે એ ધરાની ગેરહાજરીમાં સૌમિત્રને મળી શકશે, એની સાથે કોઇપણ ટેન્શન વગર લાંબી લાંબી વાતો કરી શકશે એ વિચારે જ ભૂમિને ઉત્સાહથી ભરી દીધી. ભૂમિએ નક્કી કરી લીધું કે એ કોઈને કોઈ રીતે સૌમિત્રને પોતાની સાથે, પોતાની સામે બેસાડીને વાતો કરવા મજબૂર કરી જ દેશે.

બીજી તરફ ભૂમિની વાત સાંભળીને સૌમિત્ર અવઢવમાં પડી ગયો. એને ભૂમિને બને તેટલી અવોઇડ કરવી હતી. ગઈકાલ સુધી સૌમિત્રને એ ચિંતા હતી કે વ્રજેશના લગ્નમાં જ્યારે ધરા અને ભૂમિ એની નજર સામે એકબીજાને મળશે ત્યારે શું થશે? હવે એને અચાનક જ ધરારૂપી ઢાલની અત્યંત જરૂરીયાત ઉભી થઇ ગઈ હતી.

સુભગનો હાથ પકડીને હોટલથી થોડેક દૂર પડેલી પોતાની કાર તરફ ચાલી રહેલા સૌમિત્રના મનમાં અત્યારે હજારો વિચારો એકસાથે આવી રહ્યા હતા. એ આ જ ટેન્શનમાં ને ટેન્શનમાં પોતાની કી ચેઈન રમાડી રહ્યો હતો. છેવટે એણે નક્કી કર્યું કે સાંજે રિસેપ્શનમાં એ બને તેટલો હિતુદાન અને એના કોલેજના બીજા મિત્રો સાથે રહીને ભૂમિએ અવોઇડ કરશે. સૌમિત્રને અચાનક જ આવેલા આ આઈડિયાથી પોતાના પર માન થઇ ગયું અને એના હોંઠ મલકી ઉઠ્યા.

***

પ્રકરણ ૪૫

વ્રજેશનું રીસેપ્શન એસ જી હાઇવે પર આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટના બેન્કવેટ હોલમાં રાખવામાં આવ્યું હતું. સૌમિત્ર, સુભગ અને જનકભાઈ ત્રણેય એકસાથે આ હોલમાં દાખલ થયા. ધરાની ગેરહાજરીમાં સુભગને સાચવવાની જવાબદારી જનકભાઈએ ઉપાડી લીધી હતી જેથી સૌમિત્ર તેના મિત્રોને છૂટથી મળી શકે. સૌમિત્રને ખબર હતી કે ભૂમિ પણ ત્યાંજ હશે અને એ એની સાથે ગમેતે રીતે વાત કરવાના પૂરતા પ્રયાસ કરશે.

ગઈકાલે જ્યારે દર્શનના પાર્કિંગમાં સૌમિત્રને વિચાર આવ્યો કે એ એના કોલેજના મિત્રો સાથે વાતો કરવાનું બહાનું બતાવીને ભૂમિને અવોઇડ કરશે ત્યારે તેને પોતાના આ આઈડિયા પર માન થઇ ગયું હતું. પરંતુ ત્યારબાદ વીતેલા એક આખા દિવસમાંથી મોટો સમય આ વિષે સતત વિચાર્યા બાદ સૌમિત્રને એમ લાગ્યું કે એ ભૂમિને જેટલી અવોઇડ કરશે એટલા બમણાં જોરથી એ એને ભવિષ્યમાં મળવાનો કે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરશે. આથી જો તે રીસેપ્શનમાં જ એની સાથે પૂરતી વાતો કરે અને એના મનમાં પોતાના વિષે કોઇપણ શંકા હોય એને શાંત કરી દે તો પછી ભૂમિ વારંવાર અથવાતો જામનગર જઈને એની સાથે તરતજ વાત કરવાનું ટાળે એવું બની શકે છે અને વળી, આજેતો ધરા પણ નથી એટલે ભૂમિ સાથે લાંબો સમય વાત કરવાથી એને કોઈ રોકવાનું ન હતું અથવાતો એને એ પ્રકારનો ભય પણ રાખવાની જરૂર ન હતી કે ધરાને એનું ભૂમિ સાથે વાતો કરવાનું ગમશે કે નહીં.

આપણું હ્રદય પણ અજીબ હોય છે. જ્યારે તમે કોઈને અવોઇડ કરવા માંગતા હોવ ત્યારે એ વ્યક્તિ તમારી સામે આવી જશે તો? એવા ભય સાથે એ જોરજોરથી ધબકવા લાગે છે, પરંતુ જ્યારે તમે માનસિક રીતે એ વ્યક્તિનો સામનો કરવા માટે તૈયાર હોવ ત્યારે એજ હ્રદય તમને સામેચાલીને એ વ્યક્તિને શોધવાના પ્રયત્નો કરવાના સૂચનો આપવા માંડે છે. સૌમિત્ર અત્યારે માનસિક હળવાશ અનુભવી રહ્યો હતો અને હોલના ચારે ખૂણે પોતાની નજર ફેરવીને ભૂમિને શોધી રહ્યો હતો.

‘કાં મિતલા, મને સોધસ ને? હું આખા હોલમાં ક્યારુનો તને જ હોધી રયો’તો.’ અચાનક જ હિતુદાને સૌમિત્રને પીઠ પર ધબ્બો માર્યો.

‘હાસ્તો, તારા સિવાય અહિયાં બીજું મને ઓળખે છે જ કોણ?’ સૌમિત્ર દાઢમાં બોલતો બોલતો પાછળ ફર્યો અને સ્વાભાવિક રીતે હિતુદાનને ભેટી પડ્યો.

‘આનું નામ ભાયબંધી. ગમે તેટલા વરહ કે કિલોમીટરના કિલોમીટર દૂર રંઈ પણ એકાબીજાના મન કોઈ દી’ દૂર નો થાય.’ સૌમિત્રનો કહેવાનો મૂળ મતલબ ન સમજેલો હિતુદાન એની મેળેજ એની અને સૌમિત્રની દોસ્તી પર પોરસાયો.

‘ક્યાં ગ્યા વરરાજા? એને તો મેં હજી કોન્ગ્રેચ્યુલેશન્સ પણ નથી કીધા.’ સૌમિત્ર જાણે પોતે વ્રજેશને શોધી રહ્યો હોય એમ આસપાસ જોવા લાગ્યો.

‘ઈ હવે આપણા હાયથમાંથી ગ્યા. ભાભીને પારલરમાં લય ગ્યા સે ને ઈ પોય્તે ન્યા જ તયાર થાહે એમ કીધું મને. તે તું હવારે કાં નો આયવો વીજેભાયને ઘીરે ઝમવા? હંધાયને બોલાયવા’તા.’ હિતુદાને પૂછ્યું.

‘અરે ના યાર, સુભગની સ્કુલ હતી અને એને લેવા મુકવા મારે જ જવાનું હતું. વ્રજેશનું ઘર બહુ દૂર પડી જાય. મેં એને સવારે જ કોલ કરીને કહી દીધું હતું કે હું નહીં આવી શકું.’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘હા વીજેભાયે મને કીધું, પણ ઓલી તારી ભૂમિ છાલ નો’તી છોડતી. મારી વાંહે ને વાંહે જ હોય અને જે વાત્ય કરું એમાંથી થોડી વાર પસી તારી જ વાત્ય કરવા માંડે. થાકી ગ્યો બાપલા એનાથી તો. તું એની હાયરે વાત્ય કરી લેતો હોય તો? એકવાર ના પાડી દે ને કે હવે હું પરણી ગ્યો સું અને મને તારામાં ઠામુકો રહ નથી. વાત્ય પૂરી કયર હવે.’ હિતુદાને ધીમેથી સૌમિત્રના કાનમાં કીધું.

‘હમમ... આજે એ જ વાત કરવી છે. આતો ઠીક છે ધરા નથી, નહીં તો મારી ઇમ્પ્રેશનની તો વાટ જ લાગી જાય ને? જો કે ધરા અહીંયા હોત તો પણ કોઈ વાંધો નહતો. એને બધી ખબર જ છે અને એ મેચ્યોર પણ છે. પણ મારે પણ હવે આ બધામાં પડવું નથી.’ સૌમિત્રએ હિતુદાનને જવાબ આપ્યો.

‘હમમ... બ્રોબર્ય સે... લે નામ લેતાં વિઘન હરે ... લે આવી ગય તારી હિરોઈન. તું હવે એને હંભાળ, હું હાયલો મારી વવ પાહે. બપોરે તારી ભાભી ય મને પૂસતી’તી કે ઓલી તમારો સેડો કાં ન સોડે? તારા હાટુ મારે મારો સંસાર ભંગવો નથ્ય.’ આટલું બોલતા બોલતા દરવાજામાંથી પ્રવેશી રહેલી ભૂમિ તરફ ઈશારો કરીને હિતુદાન સરકી ગયો.

ભૂમિ સૌમિત્રની જેમ જ આવીને સીધી સૌમિત્રને જ શોધવા લાગી. સૌમિત્ર થોડે દૂર આ જોઈ રહ્યો હતો અને થોડી વખત પછી એ જાણેકે કોઈ સાથે વાત કરી રહ્યો હોય એમ એણે ખોટેખોટો પોતાનો સેલફોન કાન પર ધરી દીધો એટલે ભૂમિ જો એને જોવે તો એ પકડાઈ ન જાય. આ બેન્કવેટ હોલ ખાસ મોટો ન હતો એટલે બે જ સેકન્ડમાં ભૂમિએ સૌમિત્રને જોઈ લીધો. સૌમિત્ર સહેજ આડો ફરી ગયો હતો પણ એ પોતાની જમણી આંખના ખૂણેથી ભૂમિ તેની તરફ આવી રહી છે એ જોઈ શકતો હતો.

‘હા, હા.. શ્યોર કેમ નહીં? આપણે કાલે સવારે જ મળીએ.’ ભૂમિ જ્યારે પોતાની સાવ નજીક આવી ત્યારે સૌમિત્ર બોલ્યો અને પાંચેક સેકન્ડ્સ પછી કોલ કટ કર્યો.

‘ગૂડ ઇવનિંગ.’ ભૂમિએ પોતાનું ચિતપરિચિત લાંબુ સ્મિત આપ્યું જેના પર એક સમયે સૌમિત્ર ફિદા હતો.

‘ઓહ..હાઈ..તમે આવી ગયા. ગૂડ ઇવનિંગ!’ સૌમિત્ર જાણે કે બેધ્યાન હોય એ રીતે એણે ભૂમિના ગૂડ ઇવનિંગનો જવાબ આપ્યો.

‘અહિયાં પણ બીઝી બીઝી?’ ભૂમિ હસતાંહસતાં બોલી.

‘ના, ના પબ્લીશરનો કોલ હતો. કાલે એની સાથે મીટીંગ છે.’ સૌમિત્ર ખોટું બોલ્યો.

‘હમમ.. બીગ રાઈટર એટલે મોટા પબ્લીશરનો જ કોલ હોય રાઈટ?’ ભૂમિ ફરીથી હસી.

‘ગોડ્સ ગ્રેસ બસ, બીજું કશું જ નહીં. આવોને ક્યાંક બેસીએ?’ સૌમિત્રએ ખાલી ખુરશીઓ તરફ હાથ લંબાવ્યો. એ ત્યારે પોતાને સાવ હળવોફૂલ મહેસૂસ કરી રહ્યો હતો.

‘હા હા કેમ નહીં?’ સૌમિત્રનો ઉમળકો જોઇને ભૂમિને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું.

સૌમિત્રએ જાણીજોઈને હોલના છેક છેવાડે બે-ત્રણ ખુરશીઓ પડી હતી એ પસંદ કરી. ભૂમિએ રાણી કલરનો કિંમતમાં ભારે કહી શકાય એવો સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો. વાળ ખુલ્લા હતા અને અહીં આવતા પહેલાં જ એણે વાળ શેમ્પુ કર્યા હોય એવું લાગતું હતું કારણકે થોડી થોડી વારે એક લટ ભૂમિના ચહેરા સમક્ષ આવી જતી હતી અને ભૂમિને એ હટાવવી પડતી હતી. ભૂમિની આ અદાએ સૌમિત્રને પણ સતત એની સામે જોવા માટે મજબૂર કરી દીધો, પણ થોડી જ સેકન્ડોમાં સૌમિત્રએ પોતાની જાતને સાંભળી લીધી.

‘જાનકી ન આવી?’ ભૂમિ એકલી આવી છે એ સૌમિત્રએ નોંધ્યું.

‘ના, મારી કઝીનની ડોટર અને એનો સન જાનુની એઈજના જ છે, એણે જાતે જ આવવાની ના પાડી દીધી. સારુંને કોઈક વખત જ આપણને આમ ફ્રી થઈને એકલા એકલા એન્જોય કરવાનો મોકો મળતો હોય છે.’ ભૂમિ ખોટું બોલી.

એણે જ જાનકીને ફોસલાવીને એની કઝીનને ઘેર રોકાઈ જવા માટે મજબૂર કરી હતી, કારણકે એ એવું ઈચ્છતી હતી કે ધરાની ગેરહાજરીમાં એ સૌમિત્ર સાથે મનભરીને વાતો કરે.

‘હા, ખાસ કરીને તમારા જેવી વર્કિંગ વુમન માટે.’ સૌમિત્ર હસીને બોલ્યો.

આ વાત ચાલતી જ હતી કે વ્રજેશ અને નિશાની એન્ટ્રી થઇ. ત્યાં હાજર રહેલા તમામ એટેન્શનમાં આવી ગયા. નિશા એ ભૂમિને જોતાં જ ઈશારો કર્યો.

‘બોલ.’ સૌમિત્ર પાસેથી કમને ઉભી થઈને આવેલી ભૂમિને નિશા સાથે તરત વાત કરીને સૌમિત્ર પાસે પરત થવું હતું.

‘સ્ટેજ પર તું મારી બાજુમાં જ ઉભી રહેજે ઓકે?’ નિશાએ દબાયેલા સ્વરે કહ્યું.

‘ઓયે??!! મેં તારા લગ્ન વ્રજેશભાઈ સાથે કરાવી દીધા એટલે મારી ડ્યુટી પૂરી. હવે કોઈ બીજી હેલ્પર શોધી લે.’ ભૂમિને નિશાને આંખ મારી.

‘ચૂપ રે’! હું અહિયાં તારા સિવાય બીજી કોઈને ઓળખતી નથી.’ નિશા પણ ધીમેકથી પણ કડક સૂરમાં બોલી.

‘એટલીજ વાત છે ને? ચલ તને હું ગોતી દઉં. ક્યાં ગઈ પેલી ચિબાવલી? વ્રજેશભાઈની કઝીન? લગ્નમાં તો તને ભાભી ભાભી કહીને તારી આસપાસ બહુ ફરતી હતી?’ આખા હોલમાં નજર ફેલાવીને ભૂમિ જોઈ રહી હતી.

‘કોણ પાયલ? નો નો પ્લીઝ. બહુ માથું ખાય છે એ. આજે બપોરે પણ મારી આસપાસ જ હતી. તું એકલી જ આવી છો ને? તો તને વાંધો શું છે?’ નિશાએ ભૂમિનો હાથ દબાવ્યો.

‘એટલે જ, મારે જલ્દી ઘરે જવું પડશે. અહીં તમને લોકોને સાડા દસ – અગિયાર આરામથી થઇ જશે. મારે દસ સુધીમાં ઘરે પહોંચવું હોય તો નવ સવાનવે અહીંથી નીકળી જવું પડે. જાનુનો સુવાનો ટાઈમ થાય એ પહેલાં. નહીં તો એ બહુ રડશે.’ ભૂમિએ સૌમિત્ર સાથે એકલા રહેવા માટે ફરીથી જાનકીને હથીયાર બનાવી.

‘ઓહ, ઓકે, તો ઠીક છે. હું પણ ત્રણ કલાક પાયલને સહન કરી લઈશ.’ નિશા પાસે હવે ભૂમિને ના પાડવાનું કોઈજ કારણ ન હતું.

ભૂમિએ તરતજ પાયલને શોધી લીધી અને એને રીસેપ્શન પતે ત્યાંસુધી નિશા સાથે જ રહેવાની તાકીદ કરી. પાયલને તો એ જ જોઈતું હતું એ ખુશ ખુશ થઇ ગઈ.

પાયલને નિશાનો ચાર્જ સોંપીને ભૂમિ ફરીથી સૌમિત્ર અને એ જ્યાં બેઠા હતા એ ખૂણે પહોંચી. અહિયાં સૌમિત્ર અને સુભગ કોઈ બાબતે ચર્ચા કરી રહ્યા હતા.

‘શું ડિસ્કશન ચાલી રહ્યું છે ડેડી અને દીકરા વચ્ચે?’ ભૂમિ હસતાંહસતાં સૌમિત્રની બાજુની ખુરશીમાં બેઠી.

‘ભાઈસાહેબને ભૂખ લાગી છે. મારે આપણા કોલેજના ફ્રેન્ડસને મળવું છે એટલે મેં કીધું કે ફક્ત પંદરથી વીસ મિનીટ રોકાઈ જા, પછી આપણે સાથે જ જમીએ, પણ...’

‘પપ્પુ, ચલને...મને ટમીમાં ગલીગલી થાય છે.’ સૌમિત્રનો હાથ ખેંચતા સુભગ બોલ્યો.

‘આપણે ઘરે તો રોજ સાડાઆઠે જમીએ છીએને? હજીતો આઠ જ વાગ્યા છે. તું ઘરેથી નાસ્તો કરીને આવ્યો છે ને? બસ થોડીજ વાર. પપ્પા એના ફ્રેન્ડસને મળી લે એટલે આપણે તરતજ જમીએ ઓકે?’ સૌમિત્ર એ બેઠાબેઠા પોતાની સામે ઉભેલા સુભગના બંને ખભા પકડીને બોલ્યો.

‘પણ, મારે ઢોંસો ખાવો છે...’ સુભગને જમવામાં અન્ય વાનગીઓ સાથે ઢોંસાનું એક અલગ જ કાઉન્ટર હતું એનો ખ્યાલ આવી ગયો હતો.

‘અચ્છા, તો એમ વાત છે! હવે ખબર પડી. ઢોંસા ભગતને એના ભગવાન દેખાઈ ગયા એમ કયો ને? અચ્છા એક કામ કર. આપણે એક ડીલ કરીએ. તને દાદુ જમાડે તો?’ સૌમિત્રએ સુભગને વચલો રસ્તો દેખાડ્યો.

ભૂમિ સૌમિત્ર અને સુભગની વાતો આનંદપૂર્વક સાંભળી રહી હતી. એની જાનકી જો કે સુભગથી અડધી ઉંમરની હતી પણ વરુણે એની સાથે રમવા માટે ક્યારેય સમય કાઢ્યો હોય અને આવી રીતે એની સાથે વાતો કરી હોય એવો એકપણ પ્રસંગ એણે ખૂબ કોશિશ કરી તો પણ યાદ ન આવ્યો. ભૂમિને ફરીથી પોતાની ભૂલને કારણે સૌમિત્ર એનો ન થઇ શક્યો એનું દુઃખ થયું.

‘ના, દાદુ નહીં. મારે બીજો ઢોંસો ખાવો હોય તો દાદુ થોડા બીજીવાર ઉભા થઇને જાય?’ સુભગે દલીલ કરી.

‘વાહ! સુભગ તમે તો ખૂબ ડાહ્યા છો ને કાંઈ?’ સુભગની એના દાદા વિષેની ચિંતા કરતી દલીલ સાંભળીને ભૂમિથી અનાયાસે બોલાઈ ગયું.

પોતાની અને પોતાના પપ્પુની ચર્ચામાં અચાનક જ ભૂમિની દખલ થતાં સુભગ ભૂમિ સામે ટીકીટીકીને જોવા લાગ્યો.

‘પપ્પાની કોલેજ ફ્રેન્ડ છે સુભગ.’ ભૂમિને એકીટશે જોઈ રહેલો સુભગ કોઈ સવાલ કરે એ પહેલાં જ સૌમિત્રએ ભૂમિની ઓળખાણ કરાવી.

સૌમિત્ર જેવું આમ બોલ્યો કે ભૂમિ તરત જ સુભગ સામે જોવાનું છોડીને સૌમિત્ર સામે જોવા લાગી. એની આંખો અને સમગ્ર ચહેરો પોતાને એની ફ્રેન્ડ તરીકે ઓળખાવવા બદલ જાણેકે સૌમિત્રનો ધન્યવાદ કરી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

‘જો, હજી તો હું એકલી જ તારા પપ્પાને મળી છું અને અમારી કોલેજમાં અમે બધા ટેન ટુ ફિફ્ટીન ફ્રેન્ડ્સ હતા. અત્યારે તારો કોઈ ફ્રેન્ડ અહીંયા મળે તો તું એની સાથે રમે કે નહીં?’ ભૂમિએ ખુરશીમાં બેસીને સુભગ તરફ સહેજ ઝૂકીને એને પૂછ્યું.

સુભગે ભૂમિના સવાલના જવાબમાં પોતાનું માથું હકારમાં હલાવ્યું.

‘તો પછી પપ્પાને તો એના બધા ફ્રેન્ડ્સને મળવાની ઈચ્છા હોય ને? આઈ લાઈક કે યુ ફીલ ફોર યોર દાદુ. યુ આર અ ગૂડ બોય.’ ભૂમિએ સુભગનો ખભો હળવેકથી થાબડ્યો.

‘પણ મારો તો કોઈજ ફ્રેન્ડ અહીંયા નથી, હું ત્યાંસુધી શું કરું?’ સુભગે હવે ભૂમિને જ સીધી ફરિયાદ કરી.

‘ઓહ એવું છે. પણ મને તો એવું લાગે છે તારો કોઈ એક ફ્રેન્ડ તો અહીંયા છે જ. લેટ્સ ફાઈન્ડ....અમ્મ્મ્મ.... અમ્મ્મ્મ.....’ આમ બોલતાં બોલતાં ભૂમિ એની આંગળી આખા હોલની તમામ દિશાઓ તરફ ફેરવવા લાગી.

ભૂમિની આંગળી જે તરફ ફરતી હતી તેની સાથેસાથે જ સુભગની નજર અને ડોકું પણ ફરી રહ્યું હતું. એના ચહેરા પર સ્મિત હતું. ભૂમિએ હોલની ચારેય દિશાઓ તરફ પોતાની આંગળી ફેરવી અને પછી એ આંગળી એની તરફ ફેરવી.

‘આ રહી સુભગની ફ્રેન્ડ... ભૂમિઈઈઈ....’ ભૂમિ હસતાંહસતાં બોલી.

‘પણ તમે તો પપ્પુના ફ્રેન્ડ છો.’ સુભગે તરત જ જવાબ આપ્યો એ પણ હસી રહ્યો હતો.

‘તારા ફ્રેન્ડ્સ તારે ઘરે આવે છે ત્યારે તારા પપ્પુ..આઈ મીન પપ્પા સાથે રમતા નથી?’ ભૂમિએ સુભગના બંને હાથ પકડીને પૂછ્યું.

‘હા, મારી બધીજ ગેમ્સ અમે બધા સાથે જ રમીએ છીએ. સમર વેકેશન્સમાં તો હું, સુકેશ, આર્યન અને પપ્પુ તો લૂડો અને સ્નેક્સ એન્ડ લેડર્સ પણ જોડે જ રમીએ.’ સુભગ ઉત્સાહમાં આવી ગયો.

‘બસ તો પછી પપ્પાને એના કોલેજ ફ્રેન્ડ્સ સાથે વાતો કરવા દે. હું તને જમાડું તો? અને મને મારા આ ન્યૂ એન્ડ ક્યુટ ફ્રેન્ડ માટે ટુ નહીં પણ થાઉઝ્ન્ડ ટાઈમ્સ પણ ઢોંસા લેવા ઉભા થવામાં કોઈજ વાંધો નથી.’ ભૂમિએ પહોળા સ્મિત સાથે કહ્યું.

ભૂમિની ઓફર સાંભળીને સુભગે સૌમિત્ર સામે જોયું. સૌમિત્રએ હસીને એને હા પાડી અને એના માથાના વાળમાં આંગળી ફેરવી.

‘તો જઈએ?’ ભૂમિએ સુભગને પૂછ્યું.

‘થેન્ક્સ.’ સુભગને લઈને ભૂમિ હજી બે ડગલાં જ ચાલી હશે ત્યાં સૌમિત્રએ પાછળથી કહ્યું.

ભૂમિએ તરતજ પાછળ ફરીને પોતાના હોંઠ પર પોતાની પહેલી આંગળી મૂકી અને હસીને સુભગ સાથે ઢોંસાના કાઉન્ટર તરફ ચાલવા લાગી. ચાલતા ચાલતા ભૂમિને લાગી રહ્યું હતું કે એ સૌમિત્ર તરફ એક એક ડગલું આગળ વધી રહી હતી, અલબત્ત સુભગની મદદથી.

***

‘તમે અહિયાં છો? હું આખા હોલમાં શોધી વળી.’ હોલના બીજા છેડે એક મોટી ટેરેસ હતી. સૌમિત્ર ત્યાં જઈને ઉભો હતો.

‘હા, ધરાનો કોલ હતો. અંદર અવાજ ખૂબ હતો એટલે...’ સૌમિત્રએ જવાબ આપ્યો.

‘હમમ.. તો પછી અંદર બેસીએ અને હવે જમી જ લઈએ. તમારા પપ્પાએ પણ જમી લીધું છે એટલે સુભગની ચિંતા નથી.’ ભૂમિના ચહેરા પર આનંદ દેખાઈ રહ્યો હતો.

‘ના ઇટ્સ ઓકે, થોડી વાર અહિયાં જ રહીએ. મારે પણ તમને કશુંક કહેવું છે.’ પોતાની પીઠને ટેરેસની પાળીનો ટેકો આપીને સૌમિત્ર બોલ્યો.

‘શ્યોર. કેમ નહીં.’ ભૂમિ તો તૈયાર જ હતી સૌમિત્રને સાંભળવા માટે.

‘આપણી વચ્ચે શું હતું એ આપણા બંનેમાંથી કોઇપણ ડીનાય કરી શકે એમ નથી. એ આપણા બંનેનો ફર્સ્ટ લવ હતો, અને એઝ ધે સે ફર્સ્ટ લવ ક્યારેય ભૂલાતો નથી. હું જો એમ કહું કે હું ભૂલી ગયો છું તો હું મારી જાતને ચીટ કરીશ. આપણે સોળ વર્ષે ફરીથી મળ્યા ત્યારથી સતત મને લાગે છે કે તમારામાં મારા પ્રત્યેની એ લાગણી ફરીથી જાગૃત થઇ ગઈ છે. જો હું ખોટો હોઉં તો પ્લીઝ, આઈ એમ સોરી.’ સૌમિત્ર અટક્યો.

‘નો યુ આર રાઈટ એન્ડ આઈ એમ ગ્લેડ કે તમે આ સબ્જેક્ટને અડ્રેસ કર્યો.’ ભૂમિ સૌમિત્ર ની સાવ બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને એણે પણ પાળીનો ટેકો લીધો.

‘ડોન્ટ ટેઈક ઈટ અધર વાઈઝ, પણ તમે મને જે થોડીક ક્લ્યુ આપી છે એના પરથી મને લાગ્યું કે તમારા જીવનમાં અત્યારે જ ઘણી બધી જગ્યાઓ ખાલી રહી ગઈ છે. હું એની ડીટેઈલ્સમાં જઈને તમને દુઃખી નહીં કરું, પણ પોઈન્ટ એ છે કે મારા જીવનમાં હવે કોઈજ ખાલી જગ્યા બચી નથી જ્યાં હું તમને એડજસ્ટ કરી શકું. ધરાને બધીજ ખબર છે. ઈનફેક્ટ એ એવી પહેલી વ્યક્તિ હતી જેને મેં આપણા બ્રેકઅપ પછી દિલ ખોલીને આપણા વિષે બધુંજ કહ્યું અને મારી લાઈફનો ટર્નીંગ પોઈન્ટ મને મળી ગયો. તમને મારી લાઈફમાં સ્પેસ આપવામાં હું ક્યાંક ધરાને ગુમાવી દઈશ એવો ડર મને તમને મળ્યા પછી સતત લાગી રહ્યો છે.’ આટલું બોલીને સૌમિત્ર રોકાયો.

‘પણ તમે જ મને કહ્યું હતું કે વી કેન સ્ટીલ બી ગૂડ ફ્રેન્ડ્સ ના?’ ભૂમિએ સૌમિત્ર સામે જોયું.

‘હા, પણ તમારી ડેસ્પરેશનથી મને બીક લાગે છે. અત્યારે સુભગને જમાડવા પાછળ પણ તમારી એ જ ડેસ્પરેશન હતી એન્ડ આઈ કુડ સી ધેટ. મને ગમ્યું કે તમે સુભગને તમારી સાથે લઇ જઈને મને જ હેલ્પ કરી પણ એની પાછળનો રીયલ મોટીવ પણ હું જોઈ શકતો હતો. એટલેજ હું બને તેટલો ઓનેસ્ટ રહીને તમને રીક્વેસ્ટ રહ્યો છું કે પ્લીઝ હવે આપણે એકબીજાના કોન્ટેક્ટમાં ન રહીએ તો સારું. એટલીસ્ટ મારી લાઈફ માટે.’ સૌમિત્ર સતત ટેરેસની ટાઈલ્સ સામે જ જોઇને બોલી રહ્યો હતો.

‘હું ડીનાય નહીં કરું કે તમારી ફર્સ્ટ નોવેલ વાંચી જે આપણી જ સ્ટોરી હતી ત્યારબાદ તમારા વિષેનો મારો ખોટો ગુસ્સો દૂર થયો અને તમે હમણાંજ કહ્યું એમ મારો ફર્સ્ટ લવ મને ફરીથી એની તરફ બોલાવવા લાગ્યો. એમાં વરુણનો ખરાબ અને વર્કોહોલિક સ્વભાવને લીધે ઘરમાં સતત ગેરહાજરી, આ બધું મને તમારા તરફ ડેસ્પરેટ બનાવવા લાગ્યું. એમાં પાછા આપણે રાજકોટમાં તમારા લેક્ચર વખતે મળ્યા એન્ડ આઈ રીયલાઈઝ કે યુ હેવ હાર્ડલી ચેઈન્જડ, એટલા જ સિમ્પલ, એટલા જ બોલકા, એટલા જ ચાર્મિંગ! હું ફરીથી ઈમ્પ્રેસ થઇ ગઈ. ઇટ વોઝ લાઈક ફોલીંગ ઇન લવ વિથ યુ અગેઇન. બટ મને ખબર છે તમે મેરીડ છો અને એ પણ અનલાઈક મી હેપ્પીલી મેરીડ એટલે હું મારી જવાબદારી સમજુ છું. યસ, મારી લાઈફમાં મારી જાનુ સિવાય ઘણી એમ્પ્ટીનેસ છે અને મારે એમાંથી કેટલીક જગ્યા તમારી ફ્રેન્ડશીપથી ભરવી છે. તમે, તમારી ધરા અને તમારો સુભગ... ધે ઓલ આર સેઈફ ફ્રોમ મી. હું તમને કોઈજ બાબતનો કોઈજ ફોર્સ નહીં કરું. હું મારી ડેસ્પરેશન કન્ટ્રોલ કરી લઈશ મિત્ર, પણ તમે મને આમ સાવ છોડીને...પ્લીઝ. આઈ બેગ ઓફ યુ.’ ભૂમિ આટલું બોલીને રડવા લાગી. એણે પોતાના બંને હાથ જોડ્યા હતા.

‘આઈ નો કે તમે તમારી જાતને સાંભળી શકશો, પણ તમે હજીયે મને મિત્ર કહીને બોલાવો છો ધેટ મીન્સ તમને હજી પણ એ ઈચ્છા છે કે હું તમારી લાઈફમાં કોઈને કોઈ રીતે પાછો આવું. નો! સોરી. મારે ડરી ડરીને નથી જીવવું એટલે પ્લીઝ.’ આટલું બોલીને સૌમિત્ર ટેરેસ પરથી હોલ તરફ ચાલવા લાગ્યો.

થોડો સમય છલકાતી આંખે સૌમિત્રને લાઈફમાં બીજી વખત પોતાનાથી દૂર જતાં જોયા બાદ પોતાની બંને હથેળીઓમાં પોતાનો ચહેરો દબાવીને ભૂમિ રડવા લાગી.

‘લાઈફ હંમેશા એકસરખી નથી રહેતી મિત્ર. મારી પણ નહીં રહે અને તારી પણ. પણ જ્યારે તને મારી જરૂર પડશે, ત્યારે હું તને તરતજ મારી લાઈફમાં સ્થાન આપી દઈશ કારણકે મને તારી ખૂબ જરૂર છે. બસ એ દિવસની હું રાહ જોઇશ. રોજ...’ પોતાનાં આંસુ લૂછતાં ભૂમિ આટલું બોલી અને ટેરેસથી જ ‘નીચે જવાનો રસ્તો’ લખેલા બોર્ડ પાસેથી નીચે જતા દાદરા ઉતરી ગઈ.

***

પ્રકરણ ૪૬

‘પપ્પાના હોસ્પિટલથી ઘેર પાછા આવ્યા પછી આ સતત ત્રીજું વિકેન્ડ છે કે તું પાછી રાજકોટ જવાની છે. આ બે દિવસ જ આપણને મળે છે એકબીજા સાથે ટાઈમ પસાર કરવામાં, સુભગને ક્યાંક લઇ જવામાં કે મુવીઝ જોવામાં. આઈ એમ રીયલી મિસિંગ યુ ધરા.’ સૌમિત્ર કિચનમાં રસોઈ કરી રહેલી ધરા સાથે વાત કરી રહ્યો હતો.

‘આઈ નો, પણ પપ્પા માટે મારી પણ કેટલીક ડ્યુટીઝ છે. આપણે જ્યારે રાજકોટમાં હતાં ત્યારે એમ હતું કે પપ્પા છ મહિનામાં પોતાના પગ પર ઉભા થઇ જશે અને ત્યાંસુધી પણ ફેક્ટરીએ તો જઈ જ શકશે, પણ હવે એવું લાગે છે કે એમને ફૂલ રીકવરી મેળવતાં વાર લાગશે અને લાંબો સમય તો આટલો મોટો બિઝનેસ એ બંધ તો ન જ રાખી શકે ને? હું એમની હેલ્પ માટે જ જઉં છું અને એ પણ વિકેન્ડમાં જ્યારે તને અને સુભગને મારી સૌથી ઓછી જરૂર હોય.’ શાકનો વઘાર કરતાં ધરા બોલી.

‘મેં કહ્યું તો ખરું, અમને તારી સતત જરૂર હોય છે ધરા, ચાહે વિકેન્ડ હોય કે પછી બીજો કોઈ દિવસ હોય. તારી સાથે અમે ત્રણેય એવા જોડાઈ ગયા છીએ કે... હવે કાલે જ સુભગને ડ્રોઈંગના હોમવર્કમાં સ્કેચપેન જોઈતી હતી એને પણ ખબર ન હતી કે તું સ્કેચપેન ક્યાં રાખે છે તો મને તો ક્યાંથી ખબર હોય? તને ચાર પાંચ કોલ્સ કર્યા ત્યારે તેં જવાબ આપ્યો અને તેં ત્યાં બેઠાબેઠા કહી દીધું કે સ્કેચપેન એક્ઝેક્ટલી ક્યાં છે. આવી નાની નાની બાબતે પણ અમે બધા તારા પર ડિપેન્ડ રહીએ છીએ તો વિચાર ક્યારેક કોઈ મોટી જરૂરિયાત આવી જશે તો?’ સૌમિત્ર ધરાને સમજાવી રહ્યો હતો.

‘ત્યારે સાઉથ આફ્રિકાથી ક્લાયન્ટ્સ આવ્યા હતા એટલે હું તારો કોલ નહોતો ઉપાડી રહી. આઈ સેઇડ કે આઈ એમ સોરી. બસ સોમુ, બે-ત્રણ મહિનાની જ વાત છે. પછી બધું બરોબર થઇ જશે.’ ધરા પેનમાં શાક હલાવી રહી હતી.

‘બધું સારું થઇ જાય તો સારું. પણ ધરા એક વાત મને કે, તને તો આ બધું નહોતું ગમતું ને? બિઝનેસ, કારીગરો સાથેની માથાકૂટ, બેન્કના ધક્કા. મને એ વાતની નવાઈ લાગે છે કે અચાનક તું... અને ઘરે પણ તું મોટાભાગે તારા સેલ ઉપર તારા પપ્પાના ક્લાયન્ટ્સ કે ઓફીસના લોકો સાથે જ વાતો કરતી રહેતી હોય છે. આઈ ડોન્ટ માઈન્ડ, પણ સાચું કહું તો આ બધાની આપણી લાઈફ પર અસર પડે છે. અમદાવાદમાં જ હોત તો બરોબર હતું, પણ રાજકોટ? તું સમજે તો સારું.’ સૌમિત્ર આટલું બોલીને રસોડાની બહાર નીકળી ગયો.

‘હું આ બધું પપ્પા માટે જ કરું છું સોમુ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ માય પોઝીશન. ફક્ત ત્રણ વિકેન્ડમાં મેં ઘણુંબધું ટ્રેક પર લાવી દીધું છે. બસ મારે થોડો ટાઈમ જ જોઈએ છીએ. તું હમણાં ક્યાંય જતો નથી એટલે મને રાહત છે અને એટલે જ મેં વિકેન્ડમાં રાજકોટ જવાનું પપ્પાને પ્રોમિસ આપ્યું છે.’ ધરા પણ ગેસની સગડી બંધ કરીને સૌમિત્રની પાછળ પાછળ એમના રૂમમાં આવી.

‘તારી હેલ્થનો તેં કોઈ વિચાર કર્યો છે? શનિવારે વહેલી સવારે નીકળી જાય છે પછી મોડી રાત સુધી તું ફેક્ટરીએ હોય, રવિવારે ત્યાં ઘરેથી વહેલી જ ફેક્ટરી જતી રહે છે એ મમ્મીએ મને કીધું અને સાંજે આઠેક વાગ્યે બસમાં અમદાવાદ અને પછી સોમવારે ફરીથી સુભગ માટે વહેલી ઉઠી જાય છે. મને તારી ચિંતા થાય છે ધરા, મારી તકલીફ તો હું સહન કરી લઈશ.’ સૌમિત્રએ વ્હાલથી ધરાના ગાલ પર હાથ ફેરવ્યો.

‘આઈ નો સોમુ. પણ ડોન્ટ વરી તારો સપોર્ટ છે ને? એટલે મને કશું જ નહીં થાય.’ ધરાએ સૌમિત્રના ખભે માથું મૂકી દીધું.

‘તે એક બાબત નોટ કરી?’ સૌમિત્ર ધરાના વાળમાં પોતાની આંગળીઓ ફેરવવા લાગ્યો.

‘શું?’ ધરાએ પૂછ્યું.

‘તે રાત્રે જ્યારે આપણે હોસ્પિટલથી ઘરે આવ્યા હતા ત્યારે આપણે એકબીજાને ભરપૂર પ્રેમ કર્યો હતો, ત્યાર પછી ત્રણ વિક થઇ ગયા આપણે એક વખત પણ... મારું તો છોડ તું કેવી રીતે રહી શકે છે?’ સૌમિત્ર હસી રહ્યો હતો.

‘જુઠ્ઠો...એ પણ એક નંબરનો.’ ધરાએ સૌમિત્રની છાતીમાં હળવેકથી મુક્કો માર્યો.

‘રિયલી... આટલા વર્ષો થયા આપણને ધરા, આઈ નો યુ આર હાયપર એક્ટીવ વ્હેન ઈટ ઈઝ અબાઉટ સેક્સ! આ દોડાદોડીએ તને એનાથી પણ દૂર કરી દીધી છે.’ સૌમિત્રએ ધરાના કપાળ પર હળવું ચુંબન કરતાં કહ્યું.

‘બસ, થોડા જ દિવસ સોમુ. આપણે ફરીથી એવાને એવા જ થઇ જઈશું.’ ધરાએ સૌમિત્ર ના હાથ પર પોતાની આંગળીઓ ફેરવતાં કહ્યું.

‘થોડા દિવસ? અત્યારે પપ્પા અને સુભગ નથી, હજી એમને દોઢેક કલાક લાગશે ગાર્ડનથી ઘેરે આવતાં તો હોજ્જાયે?’ ધરાનો ચહેરો ઉંચો કરીને સૌમિત્રએ એની આંખમાં આંખ નાખીને પૂછ્યું.

‘સોરી, આજે મારો ફર્સ્ટ ડે છે એટલે સેટરડે સિવાય આપણો મેળ નહીં ખાય.’ ધરાએ સૌમિત્રનું નાક પકડીને એનો ચહેરો હલાવ્યો.

‘અને સેટરડે - સન્ડે મેડમ રાજકોટ હશે એટલે સોમવાર સુધી મારું જેસી ક્રસ્ણ એમજ ને? ઊંડો નિશ્વાસ નાખતાં પણ હસતાંહસતાં સૌમિત્ર બોલ્યો.

***

‘કણસાગરાભાઈ મેં તમને ના પાડીને કે હું હોઉં ત્યાંસુધી સેવાબાપુનો પગ આ ઓફિસમાં ન પડવો જોઈએ.’ ધરાએ પોતાની ખુરશી પાછળની તરફ ઝુકાવીને ફેક્ટરીના મેનેજર કણસાગરાને સહેજ ગુસ્સાથી કહ્યું.

‘બેના, આ સોની સાયબનો વણલખ્યો હુકમ છે કે બાપુને જ્યારે પણ હોપીસ આવવું હોય ત્યારે આવે, ઈ હાજર્ય હોય કે નો હોય. આયાં વરસોથી સેવાબાપુ મહિનામાં એક વાર તો જરૂર પગલાં પાડે છે, દસક મિનીટમાં ઓફિસ ને ફેક્ટરીમાં આંટો મારીને વયા જાય. બસ બીજું કાય નથ કરતા.’ કણસાગરાએ ધરાને જવાબ આપ્યો.

‘તો એમને કહો કે જ્યારે પપ્પા ઓફીસ આવવાનું શરુ કરે ત્યારે આવે. હું હોઉં ત્યારે તો નહીં જ.’ ધરા એની વાત પર મક્કમ હતી.

‘એમ નો થાય બેના, જીરીક સમજો. બાપુ લોધિકાથી આયાં આવા નીકરી ગ્યા છ ને એમનો ખાસ સેવાદાર જગતગુરુ આયાં બાયણે ઉભો છ. એમને ના નો પડાય. અને તમે આમ જોરથી બોલ્સો તો ઈ હાંભરી જાહે. તમે ફિકર નો કરો. બાપુ તમારી હાયરે કાંય નય બોલે. અમે તો ત્રી-ત્રી વરહથી જોયે છીએ. બાપુ આવે, ઓફિસમાં ચારેકોર નજર નાખે, પછી ફેક્ટરીમાં જાય ન્યા ય ચારે ખૂણે ફરે ને સીધા મેઈન ગેઇટથી બાયણે વયા જાય. સોની સાયબ હાયરે પણ મૂંગા જ રે. એમના આ છૂપા આસીર્વાદ સે બેના જેને લીધે સોની સાયબનો ધંધો રાત ને દિ’ આટલો વયધો છ.’ કણસાગરા ધરાને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા.

‘તો પછી એ જેટલો ટાઇમ અહિયાં હશે એટલો ટાઈમ હું બહાર જતી રહું છું. એ જાય એટલે મને મારા મોબાઈલ પર કોલ કરી દેજો, હું આવી જઈશ.’ આટલું બોલતા જ ધરા પોતાની ખુરશી પરથી ઉભી થઇ ગઈ.

ધરાએ ડ્રોઅરમાંથી પોતાનો મોબાઈલ લીધો અને ટેબલની બાજુમાં પડેલી પોતાની નાનકડી બેગ ઉપાડી લીધી અને એની ચેમ્બરના દરવાજા તરફ ચાલવા લાગી.

‘બેના, આમ બાપુનું અપમાન નો કરો. ઈ ય મૂંગા રે’સે ને તમારે તો કાંય બોલવાની જરૂર જ ક્યાં છે? અમેય આજ લગણ એમની હાયરે નથ બોયલા.’ કણસાગરા ધરા પાછળ રીતસર દોડતા દોડતા બોલવા લાગ્યો.

‘મારે એનું મોઢું પણ નથી જોવું, બોલવાની તો...’ ધરાએ ચેમ્બરનો મોંઘા કાચ જડેલો દરવાજો ખોલ્યો અને ત્યાં જ સ્થિર થઇ ગઈ કારણકે ધરાની બરોબર સામે સેવાબાપુ ઉભા હતા.

સેવાબાપુ ખુદ શ્યામવર્ણી હતા પણ એમના વસ્ત્રો એકદમ સફેદ હતા. એમની દાઢી ટુંકી હતી અને એમના વાંકડિયા વાળ એમના ગળા સુધી લંબાયેલા હતા. સફેદ ધોતિયું અને એના પર સફેદ રંગની પછેડી ઓઢી હતી. ગળામાં સાતથી આઠ પ્રકારની માળાઓ પહેરી હતી જેમાંથી મોટા મોટા રુદ્રાક્ષની માળા બાકીની માળાઓથી સાવ અલગ તરી આવતી હતી કારણકે રુદ્રાક્ષનો દરેક મણકો એકબીજા સાથે સોનાની કડીથી જોડાયેલો હતો.

ધરાએ જ્યારે ચેમ્બરનો દરવાજો ખોલ્યો ત્યારે સેવાબાપુની આંખો બંધ હતી અને એમનો જમણો હાથ આશિર્વાદની મુદ્રામાં વળેલો હતો.

‘બેન, તમે ભાગસાળી છો. સેવાબાપુ એ આસીર્વાદ માય્ટે હાથ ઉંસો કયરોને હામાં તમે આવી ગ્યા. જટ પગે લાગો હવે.’ સેવાબાપુ કરતાં પંદર મિનીટ કશું વહેલો આવેલો એમનો સેવાદાર જગતગુરુ બોલ્યો.

‘મારે થોડુંક કામ છે, એટલે હું બહાર જાઉં છું. સોરી આપણે વાતો નહીં કરી શકીએ. કણસાગરાભાઈ છે જ એ બાપુને કશું જોઈતું હશે તો મદદ કરશે.’ ધરાએ સેવાદાર સામે જોઇને કહ્યું.

ધરાને બહાર નીકળવું હતું પણ સેવાબાપુ દરવાજાની બિલકુલ સામે જ આંખો બંધ કરીને ઉભા હતા એટલે એ નીકળી શકે એમ ન હતી.

‘ફક્ત ચાર મિનીટ બટા. અત્યારે સમય ખરાબ છે. અકસ્માત પણ થઇ શકે છે. ચાર મિનીટ પછી તને કોઈજ નહીં રોકે.’ સેવાબાપુ નિર્મળતાથી આંખો ખોલીને ધરા સામે જોઇને બોલ્યા.

‘હું આવું બધું માનતી નથી. સોરી. મને જવા દેશો?’ ધરાએ છણકો કર્યો.

‘પરસોતમ તો માને છે ને? ઘણી વાર વડીલોની આમન્યા રાખવાથી પણ જિંદગી જીતી લેવાતી હોય છે.’ સેવાબાપુએ હવે એક ડગલું આગળની તરફ માંડ્યું.

સેવાબાપુએ એની તરફ કદમ માંડતા ધરાને કમને પોતાના ડગ પાછળ લેવા પડ્યા.

‘ઠીક છે. ચાર મિનીટ એટલે ચાર મિનીટ.’ ધરા બાજુમાં જ મુકેલા સોફા પર પોતાની બેગ ખોળામાં મુકીને બેસી ગઈ.

સેવાબાપુ ધીમેધીમે ચેમ્બરમાં ફરવા લાગ્યા. આ ચેમ્બર આમતો પરસોતમભાઇની હતી એટલે એમણે એમના ટેસ્ટ મુજબ એને શણગારી હતી. પરસોતમભાઇની ખુરશી જેમાં થોડા સમય અગાઉ ધરા બેઠી હતી એની બરોબર પાછળ એક નાનકડું મંદિર હતું જેમાં અન્ય ભગવાનોની છબી સાથે સેવાબાપુનો ફોટો પણ હતો. સેવાબાપુ બરોબર એ મંદિર સામે ઉભા રહ્યા અને આંખો બંધ કરીને ધીરેધીરે મંત્રોચ્ચાર કરવા લાગ્યા.

આ તરફ ધરાની નજર સતત એના સેલફોનની ઘડિયાળ પર હતી. બે મિનીટ વીતી ગઈ હતી હવે એણે બીજી બે જ મિનીટ ચેમ્બરમાં રોકાવાનું હતું, પણ એને એક એક સેકન્ડ એક એક કલાક જેવી લાગી રહી હતી.

‘કાલનું અમદાવાદ જાવાનું મુલતવી રાખ બટા.’ મંદિર સામે જોઈ રહેલા સેવાબાપુએ અચાનક જ ધરા તરફ ટર્ન લીધો.

‘મારે શું કરવું, શું ન કરવું એના નિર્ણયો હું જાતેજ લેતી હોઉં છું.’ ધરાએ લગભગ અપમાનજનક સૂરમાં કહ્યું.

‘ના બટા, આ નિર્ણય ઉપરવાળાનો છે અને ઈ જ મને અત્યારે કે છે કે કાલે તારું અમદાવાદ જાવું ઠીક નહીં હોય.’ સેવાબાપુ મંદમંદ સ્મિત રેલાવી રહ્યા હતા.

‘કેમ અમદાવાદ જતાં મારો એક્સીડન્ટ થવાનો છે?’ ધરાએ સેવાબાપુએ ત્રણેક મિનીટ અગાઉ જે કારણ આપીને એને બહાર જતાં રોકી હતી એ કારણ આપીને દાઢમાં બોલી.

‘ના બટા. તું કાલે જો અમદાવાદ જઈશ તો સોમવારે કદાચ પરસોતમને નુકશાન થશે. શારીરિક નહીં પણ આર્થિક અને એ પણ મોટું. દિકરી છો ને બટા? એક દિ’ ન રોકાઈને બાપને નુકશાન પહોંચાડીને ભવિષ્યમાં વસવસો રહી જશે.’ આટલું બોલતા બોલતા સેવાબાપુ સ્મિત રેલાવતા ધરા જ્યાં બેઠી હતી એ સોફા ની બરોબર સામે આવીને બે-ત્રણ સેકન્ડ્સ ઉભા રહ્યા. ધરાને નીરખી અને પછી ઝડપી પગલાં ભરીને ચેમ્બર છોડીને ફેક્ટરી તરફ જતા રહ્યા.

‘તમે ખરેખર નસીબદાર કે’વાવ બેના. તમારી હાયરે આટલી બધી વાત્યું કયરી બાપુ એ. નકર સોની સાયબ હોય ને તોયે ઈ જ્યારે આયાં આવે ત્યારે મૂંગા જ રે.’ કણસાગરાના ચહેરા પર સેવાબાપુ પ્રત્યેનો અહોભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

‘આઈ ડોન્ટ કેયર. હું તો કાયમની જેમ કાલે સાંજે જતી રહીશ. અરે તમે મારી વોલ્વોની ટીકીટ બુક કરાવી કે નહીં?’ ધરાએ કણસાગરાને યાદ કરાવ્યું.

‘બેના, ના ઈ તો રય જ ગ્યું.’ કણસાગરાએ પોતાના જમણા કાનની બૂટ પકડી.

‘શું તમેય? નો પ્રોબ્લેમ, અત્યારે જ કરી દો અને પેલી ભાવનગર એન્ડ સન્સને ઈમેઈલ કરવાનું પાછા ભૂલતા નહીં.’ ધરાએ કણસાગરાને નિર્દેશ આપ્યો.

‘હું એમ કવ છું બેના, આ તમારી ટીકીટ કરાવવાનું ભૂલી ગ્યો એમાં કાંક ઈશ્વરી સંકેત હોય એવું નથ્ય લાગતું?’ કણસાગરા ધરાના ટેબલ નજીક આવીને બોલ્યો.

‘વ્હોટ ઈશ્વરી સંકેત?’ ધરાને નવાઈ લાગી.

‘એમ જ કે બાપુએ તમને સોમવારે જવાની ના પાયડી અને હું તમારી ટીકીટ કરાવવાની ભૂલી ગ્યો. કાંક કનેક્શન જરૂર છે. તમે નો જાવ તો હારું.’ કણસાગરાએ ધરાને વિનંતી કરી.

‘વ્હોટ રબીશ! તમે ઈમેઈલ કરો, હું જ ટીકીટ બૂક કરી લઉં છું.’ ધરાને કણસાગરાની વાત ગમી નથી એવું એના બોલવા પરથી લાગી રહ્યું હતું.

કણસાગરા ધરાની વાતથી નિરાશ થયો અને ચેમ્બરની બહાર નીકળી ગયો.

***

‘થેન્ક્સ મિસ્ટર ડીગ્રૂન ઇફ યુ હેવ નોટ કોલ્ડ મી ટુડે, આઈ ઓનેસ્ટલી કન્ફેસ ધેટ આઈ વુડ હેવ મિસ્ડ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક વિથ યોર ગ્રેટ કંપની. સી યુ ટુમોરો એટ હોટલ વર્ન અલેવન ઇન ધ મોર્નિંગ શાર્પ!’ સાઉથ આફ્રિકાના ક્લાયન્ટ ઝાન્ડર ડીગ્રૂનનો કોલ કટ કરીને ધરાના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘હું કીધું એણે બેના?’ ધરાએ ડીગ્રૂન સાથે વાત કરી અને એ ખૂબ ખુશ લાગતી હતી એટલે કણસાગરાને એ કોલની વિગતો જાણવાની તાલાવેલી થઇ.

‘ડીગ્રૂન એલ. એલ. સી આપણને લગભગ સાડા અગ્યાર કરોડનો કોન્ટ્રેક્ટ આપે છે. એ લોકો કોલકાતા અને છેક ચેન્નાઈ સુધી જઈ આવ્યા પણ આપણા જેવી ક્વોલીટી, ભાવ અને સર્વિસીઝ આપવાનો વાયદો કોઇપણ ન કરી શક્યું. આપણે કાલે એની હોટલે જઈને ઓર્ડર સાઈન કરવાનો છે.’ ધરા ખુશ થતી બોલી.

‘વા, વા, વા બેના. તે’દિ તમારી સ્પીચ હાંભરીને જ મને લાયગું’તું કે દિગુણ (ડીગ્રૂન) બાટલામાં ઉતરી ગ્યો છ, પણ એના નસીબમાં ભારત દરસન કરવાનું હઈસે અટલે છેક કલકત્તા ને મદ્રાસ સુધીન લાંબો થીયો. અભિનંદન બેના તમારી મેં’નત ખરેખર રંગ લાયવી હોં! કાયલ સોની સાયબને પણ હોટલે લય જાહું. હું કયો છ?’ કણસાગરાનો આનંદ પણ સમાતો ન હતો.

‘થેન્ક્સ કણસાગરા ભાઈ. હા,હા કેમ નહીં? ચોક્કસ પપ્પા જરૂર આવશે. એ સહી કરી શકે એમ નથી નહીં તો આટલા મોટા ઓર્ડર પર એમણે જ સહી કરવાની હોય.’ ધરાએ કણસાગરાનું સૂચન સ્વીકારી લીધું.

‘તમે એક વાત્ય નોંધી?’ કણસાગરા ટેબલ પર પડેલી એની ફાઈલ બંધ કરતા બોલ્યો.

‘કઈ વાત?’ ધરાને સમજણ ન પડી કે કણસાગરા શું કહેવા માંગે છે.

‘ઈ તો એમ કે સેવાબાપુએ કાલ્ય તમને બરોબર ચેતવ્યા’તા કે આયજ અમદાવાદ નો જાવ નકર તમારા પપાને મોટું આર્થિક નુકસાન જાહે. વચારો, હવે તમે આજ્ય વયા ગ્યા હોત તો આ દિગુણ પણ વયો જાત ને આપણને આટલો મોટો ઓડર નો મળ્યો હોત. કાં ખરું કીધું ને?’ કણસાગરા સસ્મિત ઉભો થયો અને ચેમ્બરની બહાર નીકળી ગયો.

કણસાગરાની વાત સાંભળીને ધરા ગંભીર થઇ ગઈ. મોટો ઓર્ડર મળવાનો એનો આનંદ થોડો ઓછો થઇ ગયો. એના મનમાં એકપછી એક વિચારો આવવા લાગ્યા અને સંઘર્ષ કરવા લાગ્યા. શું આ બધું સેવાબાપુએ પહેલેથી જ ભાખી લીધું હતું અને એટલે જ એમણે ગઈકાલે ધરાને રાજકોટ ન છોડવાની સલાહ આપી હતી? કે પછી આ એક યોગાનુયોગ માત્ર હતો?

સેવાબાપુના ચમત્કારો વિષે ધરાએ એના માતા-પિતા પાસેથી તો ઘણું સાંભળ્યું હતું પણ સેવાબાપુ પ્રત્યેની એની નફરત એને માનવા માટે તૈયાર ન હતી કરતી, પણ આજે તો એને જાત અનુભવ થઇ ગયો. તેમ છતાં હજી પણ ધરાને આ ચમત્કાર હોય એવું નહોતું લાગી રહ્યું.

અચાનક જ ધરાને સૌમિત્ર અને સુભગ યાદ આવ્યા. આમ તો એણે સાંજે સાત વાગ્યાની વોલ્વોમાં અમદાવાદ પરત થવાનું હતું પરંતુ હવે આવતીકાલે કોન્ટ્રેક્ટ સાઈન કરવાનો હોવાથી ધરાએ અમદાવાદ જવાનો પ્લાન એક દિવસ મુલતવી રાખવો પડે એમ હતો. ધરાએ અત્યારે જ પોતે એકલે હાથે કોન્ટ્રેક્ટ મેળવ્યાના ખુશખબર સૌમિત્ર સાથે ફોન પર શેર કરવાનું નક્કી કર્યું, પણ પોતે હવે ચોવીસ કલાક મોડી આવશે એ જાણીને એના વારંવાર રાજકોટ જવા બાબતે અણગમો વ્યક્ત કરી ચૂકેલો સૌમિત્ર શું રીએક્શન આપશે એ વિચારીને એણે પોતાનો સેલફોન ટેબલ પર પાછો મૂકી દીધો.

***

પ્રકરણ ૪૭

‘તને ખબર હતીને ધરા કે મારે કાલે સવારની ફ્લાઈટમાં રાઈટર્સ મીટ માટે દિલ્હી જવાનું છે?’ સૌમિત્રના અવાજમાં નિરાશા સ્પષ્ટ સંભળાઈ રહી હતી.

‘સોરી, સોરી, સોરી... હું સાવ ભૂલી જ ગઈ હતી. પણ તું ચિંતા શું કરવા કરે છે? કોન્ટ્રેક્ટ સાઈન કરીને કાલે બપોરની જ બસમાં હું રીટર્ન થઇ જઈશ એટલે સાંજ સુધીમાં તો હું ઘરે પહોંચી જઈશ.’ ધરાએ પોતાની ભૂલ સ્વીકારી પણ એણે સૌમિત્રને સધિયારો આપવાની કોશિશ કરી.

‘અને કાલે સવારે સુભગની સ્કૂલ? આપણે બધુંજ નક્કી કરી ચૂક્યા હતા અને હવે આ...’ ધરા સાથે વાત કરતાં સૌમિત્ર એના સ્ટડીરૂમમાં આંટા મારી રહ્યો હતો અને વારેવારે એનું કપાળ ખંજવાળી રહ્યો હતો.

‘અરે હા...એ પ્રોબ્લેમ તો થશે. મારું અહીંથી આવવું પોસીબલ નથી સોમુ.’ ધરાએ પોતાની મજબૂરી જણાવી.

‘એટલે હું દિલ્હીનો પ્રોગ્રામ કેન્સલ કરી દઉં રાઈટ?’ હવે સૌમિત્રના અવાજમાં ગુસ્સો ભરાયો હતો.

‘મેં એમ ક્યાં કીધું?’ ધરાએ મુંજવણમાં જ જવાબ આપ્યો.

‘તો પછી બીજો કોઈ રસ્તો જ ક્યાં છે?’ સૌમિત્ર બોલ્યો.

‘એક કામ કરને પટેલ અંકલનો સન પણ એના કર્ણને બસ સુધી મુકવા કારમાં જાય છે ને? એને કહી દે કે એક દિવસ એ સુભગને પણ લઇ જાય?’ ધરાને અચાનક કાંઇક યાદ આવ્યું હોય એમ બોલી.

‘એ લોકો ગઈકાલે જ મેરેજમાં સુરત ગયા ત્રણ દિવસ માટે. તેં જ મને કહ્યું હતું.’ સૌમિત્રએ ધરાને યાદ દેવડાવ્યું.

‘ઓહ હા... તો પછી તું દિલ્હી જા શાંતિથી અને સુભગને કાલનો દિવસ રજા રાખીએ.’ ધરાએ કદાચ આ છેલ્લો વિકલ્પ આપ્યો.

‘એટલે એનો પ્રોજેક્ટ સબમિટ નહીં કરવાનો રાઈટ? આખું અઠવાડિયું તમે બંનેએ ભેગા મળીને કેટલી મહેનત કરી છે આ પ્રોજેક્ટ પાછળ?’ સૌમિત્ર અકળાઈ ઉઠ્યો.

‘ઓહ શીટ! એ તો હું ભૂલી જ ગઈ. તો હવે?’ હવે ધરા પણ એની ચેમ્બરમાં આંટા મારવા લાગી.

‘હવે હું જ દિલ્હી જવાનું કેન્સલ કરું છું. બીજું શું?’ સૌમિત્રએ પોતાનો નિર્ણય તો સંભળાવ્યો પણ એના અવાજમાં હતાશા મિશ્રિત ગુસ્સો હતો.

‘આઈ એમ રીઅલી સોરી સોમુ. મારા મગજમાંથી તારો દિલ્હીનો પ્રોગ્રામ અને સુભગનો પ્રોજેક્ટ આ બંને નીકળી ગયા હતા.’ ધરાએ દિલથી સૌમિત્રની માફી માંગી.

‘કામની પાછળ દોડતા દોડતા તારા મગજમાંથી અમારા બાપ-દિકરાના પ્રોગ્રામ્સ ભલે નીકળી ગયા પણ હવે અમને બંનેને દિલમાંથી ન કાઢી મુકતી પ્લીઝ.’ આટલું કહીને સૌમિત્રએ પોતાનો કોલ કટ કરી દીધો.

‘કેમ આવું બોલે છે? હલ્લો? સોમુ....’ ધરાને ખ્યાલ આવી ગયો કે સૌમિત્રએ કોલ કટ કરી નાખ્યો છે અને એ પણ ગુસ્સામાં.

વાંક પોતાનો જ હતો એટલે ધરા પાસે દુઃખી થવા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો.

***

‘બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે ને?’ ધરાએ કણસાગરાને પૂછ્યું.

‘હા બેના, બધું રેડી જ છ પણ આપણે હવે દિગુણની હોટલે સાઈન કરવા નથ જાવાનું. આપણે લોધિકા...બાપુના આશ્રમમાં સહી સિક્કા કરવાના છ.’ કણસાગરાએ ધરાને આઘાત આપ્યો.

‘એટલે?’ ધરાને આઘાત લાગ્યો પણ ખરો.

‘દિગુણ હાયરે આપણી ઓળખાણ કરાવનાર અને છેલ્લે છેલ્લે એને હા પડાઈવી ઈ આપણા એજન્ટ ભાણજી લાલજી બાપુના બવ મોટા ભગત છ. ઈ ન્યા સાઉથ આફ્રિકામાં બાપુનો આસરમ સંભાળે છ. અટલે એમની ઈચ્છા છે કે સહી સિક્કા આશ્રમમાં જ થાય. દિગુણે પણ હા પાયડી દીધી છ. ઈ લોકો હાડા દહ વાયગે આશ્રમ પોગી જાહે. અટાણે પોણા દહ થ્યા છ તો આપણેય નીકળવું ઝોય.’ કણસાગરા એક શ્વાસે બોલી ગયો.

‘કણસાગરાભાઈ આ તમે મને છેક છેલ્લી ઘડીએ કેમ ઇન્ફોર્મ કરી રહ્યા છો? ભાણજીભાઈએ તમને ક્યારે કીધું? હવે પપ્પાને કેવી રીતે આશ્રમ લઇ જઈશું? અને તમને ખબર છે ને કે મને સેવાબાપુ દીઠા ય ગમતા નથી? તમારે એક વખત તો મને પૂછવું હતું? એટલીસ્ટ મને સવારે ફોન કર્યો ત્યારે મને કહી દેવું હતું.’ ધરા ગુસ્સે થઈને બોલી.

‘તમને હવારે ફોન કયરા પછી જ ભાણજીબાપાનો ફોન આયવો, અને પછી હું આ કાગળીયા હરખા કરવામાં બેહી ગ્યો તે રય ગ્યું. સોરી બેના તમને મોડું કીધું. અને તમે સોની સાયબની ચિંતા નો કરો. મેં ભાભીને હમણાંજ ફોન પર કય દીધું. ઈ બેય બવ ખુસ થ્યા. ઈ ન્યા પોગી જાહે બીજી ગાડીમાં તમતમારે મોજ્ય કરો.’ કણસાગરાએ બેફિકરાઈથી જવાબ આપ્યો.

ધરાને આ છેલ્લી મિનિટનો બદલાવ બિલકુલ ન ગમ્યો. ગઈકાલની સેવાબાપુ સાથેની એની મુલાકાત લાંબા સમય સુધી એની છેલ્લી મુલાકાત બની રહેશે એવું એને લાગ્યું હતું, પણ ચોવીસ કલાકની અંદર જ એને ફરીથી સેવાબાપુને જોવા પડશે એ વિચારે એને ગુસ્સો તો અપાવ્યો પણ એ મજબૂર હતી કારણકે હવે ના પાડવાનો સમય બચ્યો ન હતો અને જો ના પાડે તો આવી નાની બાબતે કોન્ટ્રેક્ટ હાથમાંથી જતો રહે એવી સ્થિતિ ઉભી થઇ ચૂકી હતી.

***

‘કેમ વહેલો આવી ગયો? એ પણ બાર કલાક વહેલો?’ દરવાજો ખોલતાં જ સામે વરુણને જોતા ભૂમિ બોલી.

‘બારણું બંધ કર પહેલાં.’ વરુણે ઘરમાં ઘૂસતાં જ ઝડપી કદમ માંડ્યા અને સીધો જ સોફા પર બેસી ગયો.

‘શું થયું? કેમ આટલા ખરાબ મૂડમાં દેખાય છે? બધું ઠીક છે ને?’ ભૂમિ પણ વરુણની બાજુમાં આવીને બેસી ગઈ.

‘ના! આઈ હેવ બીન સસ્પેન્ડેડ!’ વરુણ પોતાનો ચહેરો પોતાની બંને હથેળીઓ વચ્ચે લઈને બંને કોણીઓ પગના બંને ઘૂંટણ પર મુકીને બોલ્યો.

‘વ્હોટ? કેમ? આમ અચાનક? કાલ સુધી તો બધું બરોબર હતું? તું પરમદિવસે સિંગાપોર જવાનો હતો ને?’ ભૂમિને પણ આઘાત લાગ્યો.

‘બે મહિના પહેલાં રશિયા ગયો હતો એ દસ હજાર કરોડનો કોન્ટ્રેક્ટ ફેઈલ ગયો. મેં બધું બરોબર જોઇને ડીલ પાકી કરી હતી, પણ પેલાની જ મેન્ટાલીટી પહેલેથી જ ખરાબ હતી. ફર્સ્ટ શિપમેન્ટ બરોબર આવ્યું એટલે એલ સીની શરત મુજબ અમે તેત્રીસ ટકા પેમેન્ટ પણ કરી દીધું. પેમેન્ટ બહુ મોટું હોવાથી એણે એના લેણિયાતોને પૈસા ચૂકવી દીધા અને પોતે પ્લાન્ટ બંધ કરીને ક્યાંક ભાગી ગયો છે. જવાબદારી મારી હતી એટલે મને....’ વરુણ હજી એજ સ્થિતિમાં બેઠો બેઠો બોલી રહ્યો હતો.

‘પણ પાર્ટી ભાગી જાય એમાં તારો શું વાંક? તું એકલો થોડો હતો?’ ભૂમિએ દલીલ કરી.

‘મેં જ ડાહ્યા થઈને બધીજ રિસ્પોન્સિબિલિટી મારા માથે લઇ લીધી હતી. આઈ વોઝ ડેમ્ન શ્યોર કે આનાથી કંપનીને ખુબ મોટો ફાયદો થવાનો છે. કોન્ટ્રેક્ટ ફેઈલ જવાથી તકલીફ નથી પડી પણ મારી વિરુદ્ધ જે લોકો ખાર રાખે છે એમણે ટોપ મેનેજમેન્ટને એવી પટ્ટી પઢાવી છે કે પેલા વિક્ટર પેટ્રોવે મને પણ એ પેમેન્ટનો કેટલોક હિસ્સો આપ્યો છે. હવે જ્યાંસુધી ઈન્કવાયરી પૂરી ન થાય ત્યાંસુધી મારે ઘરે બેસી રહેવાનું અને જામનગર પણ નહીં છોડવાનું, નહીં તો મારા પર પોલીસ કેસ થઇ જશે. આઈ એમ ઇન ડીપ શીટ નાઉ.’ વરુણે એક ઊંડો નિશ્વાસ નાખ્યો.

‘હમમ.. ડોન્ટ વરી. બધુંજ ઠીક થઇ જશે. એ લોકોએ તારા વિરુદ્ધ ખોટા આરોપો મૂક્યા છે એટલે એક દિવસ તો એ ઇન્ક્વાયરીમાં ઉડી જ જશે.’ ભૂમિએ વરુણના ખભે હાથ મૂક્યો.

‘હોપ સો. પણ અત્યારે તો મારું નામ ખરાબ થઇ ગયું ને?’વરુણે ભૂમિ સામે જોતાં કહ્યું.

‘જૂઠનો સમય જેટલો લાંબો લાગે છે એટલો ખરેખર હોતો નથી. કેટલા દિવસમાં ઇન્ક્વાયરી પૂરી થશે વરુણ?’ ભૂમિએ સવાલ કર્યો.

‘મેનેજમેન્ટે બે મહિનાનો ટાઈમ આપ્યો છે. આઈ હોપ કે ત્યાંસુધીમાં એટલીસ્ટ પેલા પેટ્રોવનો અતોપતો લાગી જાય. એ એક વખત એમ કહી દે કે મારું કોઈજ ઈન્વોલ્વમેન્ટ નથી એટલે વાત પૂરી થાય.’ વરુણના સ્વરમાં માત્રને માત્ર આશા જ હતી અને વિશ્વાસનો બિલકુલ અભાવ હતો.

***

‘બાપુ, હંધુય બ્રોબર પતી ગ્યું. ઈ લોકો હમણાંજ નીકળ્યા.’ સેવાબાપુના ખાસ સેવાદાર જગતગુરુએ બાપુને સમાચાર આપતાં કહ્યું.

‘કોઈને કાંઈ શંકા?’ મખમલી સોફા પરથી ઉભા થતાં સેવાબાપુએ જગતગુરુને પૂછ્યું.

‘ના, બધાંયે પોતપોતાનું કામ હરખી રીતે જ કયરું પસે હેની સંકા થાય?’ જગતગુરુએ બાપુને વિશ્વાસ કરાવ્યો.

‘તો પછી... થઇ જાય!’ સેવાબાપુના ચહેરા પર કોઈ અનોખી મસ્તી આવી ગઈ.

જગતગુરુએ પણ તોફાની સ્મિત સાથે પોતાના સફેદ ઝભ્ભાના જમણા ખિસ્સામાંથી સિગરેટ કાઢી અને સેવાબાપુને ધરી. સેવાબાપુએ નજીકના ટેબલ પર પડેલા લાઈટરથી સિગરેટ સળગાવી અને એક લાંબો કશ ખેંચ્યો.

‘મને હજી નથ્ય હમજાતું કે તમે આ બધું હુંકામ કયરું?’ જગતગુરુએ સેવાબાપુને સવાલ કર્યો.

‘તને ખબર તો છે કે હું હિસાબ બાકી નથી રાખતો અને આ ઉધાર તો વર્ષો જૂનું છે. હજી તો મેં આ પહેલો હપ્તો ભર્યો છે. હજી તો ઘણા હપ્તા આપવાના બાકી છે. મજાની વાત એ છે કે મને ઉધાર આપનારને ય ખબર નથી કે એણે મારી પાસેથી કાંઈક લેવાનું છે, પણ હું ભૂલ્યો નો’તો.’ એક લાંબો કશ ખેંચતા સેવાબાપુ બોલ્યા અને પછી એમણે પોતાની સિગરેટ જગતગુરુને ધરી.

‘તમે મને કીધું’તું કે સહી-સિક્કા થાય પસે તમે મને હંધુય કે’સો.’ જગતગુરુના ચહેરા પર કશુંક જાણવાની ઉત્કંઠા જોઈ શકાતી હતી.

‘ચોક્કસ. અત્યારે કોઈ બીજો કાર્યક્રમ તો નથી ને?’ સેવાબાપુએ પૂછ્યું.

‘હવે છેક હાઈંજે આદેસરાભાયની સંસ્થાના વ્યસનમુક્તિ કાર્યક્રમ માટે ગોંડલ જાવાનું છે.’ આટલું બોલતા જગતગુરુએ પણ એક લાંબો કશ ખેંચ્યો અને બાપુને સિગરેટ આપી.

‘કોલેજમાં હતી એ છોકરી જ્યારે પરસોતમે એને પ્રસાદી લેવા માટે અહિયાં મોકલી હતી. મેં એને મારી રીતે પ્રસાદી આપી તો ખબર નહીં મેં એના બાપનું ખૂન કરી નાખ્યું હોય એવી નજરે મને જોયું અને પડીકી મારા હાથમાંથી ખેંચીને જતી રહી. એ તો જતી રહી પણ ઓહ્હ! એનું ભર્યું ભર્યું શરીર મારા મનમાં જ રહી ગયું. તને તો ખબર જ છે કે એક વખત કોઈ હરણ આ સિંહના મનમાં વસી જાય પછી હું એનો શિકાર કરીને એટલેકે એને ભરપૂર માણીનેજ દમ લઉં છું.’ આટલું બોલીને બાપુએ સિગરેટ મોઢામાં લીધી.

‘તો આ કાં સટકી ગઈ? આટલા વરહોમાં મેં એને કોઈ દિ’ આસરમમાં જોય નથ્ય.’ જગતગુરુને નવાઈ લાગી.

‘કદાચ નસીબની બળવાન હતી અને જીદ્દી પણ. પરસોતમનું પણ એની સામે કાંઈ જ નથી ચાલતું. તે દિવસ પછી મેં ઘણી વખત પરસોતમને કીધું કે એક વખત એને આશ્રમ લઇ આવે તો હું એને સમજાવું કે આધ્યાત્મનો માર્ગ કેટલો સુંદર છે. પણ છોકરી એટલી જીદ્દી નીકળી કે...’ સેવાબાપુ સોફામાં બેસતાં બોલ્યા.

‘પછી?’ જગતગુરુને બરોબર રસ પડ્યો.

‘પછી એ ભણવા માટે પહેલાં બેંગ્લોર અને પછી નોકરી માટે મુંબઈ જતી રહી. મેં ગમેતેમ મન મનાવી લીધું. એ જ્યારે જ્યારે રાજકોટ આવતી કે પછી પરસોતમ જ્યારે જયારે મુંબઈ જાતો પછી પરસોતમ જ્યારે અહિયાં આવે ત્યારે એના મોબાઈલમાં એની સાથેના ફોટા બતાવતો ત્યારે ત્યારે એના સફેદ કાચ જેવા શરીર અને એના કપડાની અંદર છુપાયેલા દરેક અંગોની કલ્પના પણ કરી લેતો. હું એને ક્યારેય ભૂલ્યો ન હતો. પણ હા, એને તરતજ પામવાની ઈચ્છા કદાચ ઓછી થઇ ગઈ હતી. ત્યાં એક દિવસ પરસોતમે એના લગ્નની વાત કરી અને થોડા જ દિવસોમાં એની કંકોત્રી પણ દેખાડી. મને એ લેખકની બળતરા થવા લાગી. મારું પુરુષત્વ ફરીથી મને જ પડકારવા લાગ્યું.. તને યાદ હોય તો પરસોતમે મને એને આશિર્વાદ આપવા લગનની આગલી રાત્રે પોતાને ઘેર બોલાવ્યો હતો.’ સેવાબાપુ જગતગુરુનો જવાબ સાંભળવા થોડો સમય રોકાયા.

‘હા, પણ ઈ દિ’ હાયંજે જ પરસોતમભાયનો ફોન આયવો’તો ના પાડવા. બવ રો’તા તા ફોન પર અને તમે ઈને દહ થી પંદર મિનીટ બવ હમજાયવા’તા. મને બ્રોબર યાદ સે.’ જગતગુરુ બોલ્યો.

‘હા.. એણે એના બાપને ચોખ્ખી ના પાડી દીધી હતી કે જો હું ત્યાં આવીશ એ લગનના ફેરા ફરશે જ નહીં. દિકરીની જીદ સામે બાપે માથું જુકાવી દીધું, મને તો એમ હતું કે ત્યારે એને આટલાબધા વર્ષો પછી મનભરીને જોઈ શકીશ, આશિર્વાદ આપવાના બહાને એના ગોરાગોરા શરીરને બે ત્રણ સેકન્ડ અડી લઈશ પણ....’ સેવાબાપુના અવાજમાં નિરાશા હતી.

‘તમે તમારો ગુસ્સો રોકી હક્યા? નકરતો આવી ચંચળ હરણીયુંને તમે ગમેતેમ ભોગવી લ્યો સો. મને કેવાયને?’ જગતગુરુને નવાઈ લાગી.

‘ના. આ પરસોતમ હતો. આપણા આશ્રમને સૌથી વધુ દાન આપનાર વ્યક્તિ, મારો કટ્ટર ભક્ત એટલે મારે મારું આ અપમાન પણ ગળી જઈને અને સંભાળીને ચાલવાનું હતું. લગન પછીની પહેલી રાત એની હતી પણ એ આખી રાત હું જાગ્યો હતો એમ વિચારતા કે જેને સૌથી પહેલાં મારે ભોગવવી હતી અને અત્યારે કોઈ બીજું કેવી રીતે ભોગવી રહ્યું હશે અને એનું એ પોચું પોચું મખમલ જેવું શરીર એનો જવાબ કેવી રીતે આપી રહ્યું હશે. તે રાતે માંડ માંડ મને નિંદર આવી પણ સવારે ઉઠતાં વેંત મેં નિર્ણય લઇ લીધો, કે હવે હું એને ભોગવવાની ઈચ્છા ક્યારેય નહીં રાખું...’ સેવાબાપુએ આટલું કહેતાં જ ગ્લાસમાંથી પાણી પીધું.

‘તો?’ જગતગુરુને આશ્ચર્ય થયું કારણકે સેવાબાપુએ આવું પહેલાં ક્યારેય નહોતું કર્યું.

સેવાબાપુની ઈચ્છા થાય એ સ્ત્રીને એ જરૂર ભોગવતા અને જો કોઈ તકલીફ આવે તો જગતગુરુજ એનો રસ્તો કાઢી આપતો એટલે એને સેવાબાપુનું આમ આસાનીથી હથીયાર મૂકી દેવા જેવી વાતથી આશ્ચર્ય થાય એ સ્વાભાવિક હતું..

‘મેં એને સમય આવ્યે એકલી પાડી દેવાનું નક્કી કર્યું. મને ખબર હતી કે નવા નવા લગ્નજીવનમાં એમ થવું શક્ય નથી એટલે મેં રાહ જોવાનું.... લાંબી રાહ જોવાનું નક્કી કર્યું એક યોગ્ય તકની રાહ જોવાનું...... ઉપરવાળાએ એ તક મને પરસોતમને લકવાનો એટેક આપીને પૂરી પાડી. જ્યારે મને ઉમાએ કીધું કે હમણાં એની દિકરી અઠવાડિયું રાજકોટમાં જ રહેવાની છે... મેં તરતજ મારું મગજ કામે લગાડ્યું. પરસોતમ જેવો ઘેર આવ્યો કે મેં ઉમાને સમજાવી દીધું કે આવા સંજોગોમાં પરસોતમના ગ્રહ કહે છે કે જો એનું સંતાન ધંધામાં એના પિતાને મદદ કરશે તો જ પરસોતમનો ધંધો તો બરોબર ચાલશે જ પણ એની હાજરી થકી જ એ જલ્દીથી સાજો થઇ જશે. ઉમા અને પરસોતમે મારું કામ સરળતાથી પૂરું કરી દીધું. એ પણ પિતૃપ્રેમને લીધે ના ન પાડી શકી.’ સેવાબાપુ ઉભા થયા અને એમના રૂમની બારી પાસે ઉભા રહ્યા.

‘તો આ ભાણજીભાઈ અને આટલો મોટો ઓડર ઈ બધું સું હે?’ જગતગુરુએ સવાલ કર્યો.

‘જેવી એ રાજકોટ દર શનિ રવિ આવવા તૈયાર થઇ છે એવા સમાચાર મને મળ્યા કે મેં ભાણજીને ડર્બન કોલ કર્યો. એને હુકમ જ કર્યો કે બને એટલો વહેલો પરસોતમની વસ્તુઓ મોટા જથ્થામાં લઇ શકે એવો કોઈ ખરીદદાર એના દેશમાં શોધે. ભાણજીએ મારા ધાર્યા કરતાં વહેલું કામ કર્યું.’ સેવાબાપુ બોલ્યા.

‘પણ ઓલાને કલકતા કે મદ્રાસમાંથી ઓડર મળી ગ્યો હોત તો?’ જગતગુરુએ સેવાબાપુને ભયસ્થાનની યાદ દેવડાવી.

‘એટલે જ ભાણજી એની સાથે સાથે બધે જ ફરતો હતો એ જોવા માટે કે ડીગ્રૂનને બીજી કોઈજ પાર્ટીનો માલ પસંદ ન આવે. પછી એ ક્વોલીટી હોય, ભાવ હોય કે બીજી કોઈ બાબત ભાણજી એને સતત ઉંધે રસ્તે ચડાવતો. જેમ પરસોતમ છે એમ જ ભાણજી પણ મારા માટે મરવા માટે તૈયાર છે.’ સેવાબાપુના ચહેરા પર ભાણજી બાબતે વાત કરતાં અભિમાન તરી આવ્યું.

‘અટલે જ તમે સનીવારે બપોર પસી ફેક્ટરી અચાનક ગ્યા કારણકે ભાણજીભાયનો હવારે જ ફોન આયવો’તો.’ જગતગુરુએ તાળો મેળવ્યો.

‘હા, મારે પહેલાં ત્યાં જઈને એના મનમાં મારા પર વિશ્વાસ પડે એવા બીજ રોપવા હતા અને તો જ આજે એ અહિયાં આવી શકી એની ખુદની મરજી વિરુદ્ધ.’ સેવાબાપુએ વિજયી સ્મિત કર્યું.

‘પણ એમ એ માની કેમ ગય? તમે કીધુંકે ઈ એટલી જીદી સે કે એના બાપનું ય નથ્ય માનતી?’ જગતગુરુને ધરાના આશ્રમમાં આવવા અંગે નવાઈ લાગી.

‘કણસાગરા ક્યારે કામ આવવાનો હતો? દર મહીને કોઈ કામ વગર તારી સાથે એને હું એમનેમ પાંચ હજારનું કવર મોકલું છું?’ સેવાબાપુએ પોતાના હોઠનો ડાબો હિસ્સો ઉંચો કરીને ખંધુ સ્મિત કર્યું.

‘તમારી લીલા અપરંપાર સેવાબાપુ!!’ આટલું બોલીને જગતગુરુએ એના બંને હાથ જોડીને સેવાબાપુને પ્રણામ કર્યા.

જગતગુરુને આમ કરતાં જોઇને સેવાબાપુથી પોતાનું અટ્ટહાસ્ય રોકી ન શકાયું.

‘એક વાત મને હજીય નો હમજાણી બાપુ. જેનો ફોટો ઝોયને તમને કાંક થય ઝાય સે આજે ઈ આયાં આપણા આસરમમાં દોઢ કલાક રઈ તોય તમે એની હામે કેમ નો આયવા? તમે તો છેક ઈ લોકોના જાવા ટાણે મારી હાયરે એમ કે’વડાવ્યું કે તમે આજે બપોર હુધીન ધ્યાનમાં સો.’ પોતાનું હસવું પૂરું થતા જગતગુરુએ સેવાબાપુને પૂછ્યું.

‘વર્ષો પહેલા પરસોતમે મને કીધું હતું એ છોકરીએ નક્કી કરી લીધું છે એ જીવનભર આશ્રમમાં પગ નહીં મૂકે. આજે મારે એને એની હારનો અહેસાસ કરાવવો હતો. દોઢ કલાકમાં એ એક એક સેકન્ડ મારા ત્યાં આવવાની રાહ જોતી હશે. મારો સામનો ગમેત્યારે થશે એવો એને ડર હશે અને મને ન આવેલો જોઇને એનું મન વધુ વ્યાકુળ થયું હશે. એને એ આખો દોઢ કલાક મારે એ જ રીતે જીવાડવી હતી.’ સેવાબાપુએ જગતગુરુની શંકાનું સમાધાન કર્યું.

‘પણ હવે તો સહી સિક્કા થય ગ્યા, હવે ઈ શુંકામ આયાં આવે?’ જગતગુરુએ યોગ્ય સવાલ કર્યો.

‘જગતા, પરસોતમ જે વસ્તુ બનાવે છે એની આખા આફ્રિકામાં ખુબ માંગ છે. આફ્રિકાના નહીં નહીં તોયે પંદર દેશોમાં આપણા સાધકો છે. બસ પરસોતમ જેટલો મોડો સાજો થાય એટલું આપણા માટે સારું છે. આજે એ છોકરીના મનમાં મારી ભવિષ્યવાણી સાચી પડી છે એવું તો ઘુસી જ ગયું છે. એક વખત એને મારા સાધકોની મદદથી ધડાધડ ઓર્ડરો મળવા લાગે પછી તો પરસોતમ ખુદ એને રાજકોટ રોકી રાખશે.બસ હવે મારે મારા પ્યાદાં બરોબર ચલાવવાના છે. શતરંજમાં આપણો વિરોધી કોઈ ચાલ વિચારે એ પહેલાં જ જો આપણે એ ચાલને સમજી લઈએ તો જીત પાક્કી થઇ જાય છે. મારે હવે એમ જ કરવાનું છે. કણસાગરાને આ મહિનેથી સાડાસાત હજાર મોકલજે.’ સેવાબાપુ પોતાના લાંબા વાળમાં આંગળીઓ ફેરવતા બોલ્યા.

‘એક વાતનો વિસ્વાસ મને હજી નથ્ય થાતો. આટલા વરસોથી તમારી હાથે સું પણ તમે કોઈ સીકારને આમ વયો જાવા દયો કે ભૂલી જાવ એવું કોઈ દિ’ મેં ભાળ્યું નથ્ય.’ જગતગુરુએ ખિસ્સામાંથી બીજી સિગરેટ કાઢી અને સળગાવી.

‘મેં તને કીધું ને? પરસોતમ છે એટલે મારે ખાસ ધ્યાન રાખવું પડે. આવી બાબતમાં જરાક પણ ઉતાવળ કરું તો પરસોતમ જેવો પૈસાદાર અને વગદાર માણસ મારા હાથમાંથી જતો રહે અને બદનામી થાય એ જુદું. પણ હા ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એની મને કોઈજ ખબર નથી, કદાચ એ હરણાંનું મારણ મારે કરવું પણ પડે. ઈશ્વરેચ્છા બલિયસી!’ આટલું બોલતાં જ સેવાબાપુએ ફરીથી અટ્ટહાસ્ય કર્યું.

આ વખતે આ અટ્ટહાસ્ય સેવાબાપુના રૂમની બહાર સુધી સંભળાતું હતું.

***

પ્રકરણ ૪૮

‘આજકાલ કરતાં દસ મહિના થઇ ગયા ધરા? પપ્પા પણ હવે એમનું બધું કામ કરી શકે છે. આઈ થીંક કે હવે તું રાજકોટ જવાનું ઓછું કરે તો સારું.’ સૌમિત્ર ધરા સાથે ફોન પર ચર્ચા કરી રહ્યો હતો.

‘પણ છેલ્લા ઘણાં મહિનાઓથી હું જ બધું સંભાળું છું એટલે મને પપ્પા કરતાં અહીં શું ચાલી રહ્યું છે એની વધુ ખબર પડે છે સોમુ, તું સમજતો કેમ નથી? એમ તરત જ પપ્પા કમ્પ્લીટ ચાર્જ લઇ લે એવી એમની હાલત તો નથી જ.’ ધરાએ એનો પક્ષ રાખ્યો.

‘હું બધું સમજું છું ધરા. સાચું કહુંને તો તને હવે કામની લત લાગી ગઈ છે. આ વખતે તો હદ થઇ ગઈ, તું વીસ દિવસથી ત્યાં રાજકોટમાં જ છે. દિવસમાં એક ફોન કૉલ પણ તું નથી કરતી. મને તો લાગે છે કે તને હવે સુભગની પણ કોઈ ચિંતા નથી’ સૌમિત્રના અવાજમાં એની હતાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

‘તને ખબર છે સવારે આઠ વાગ્યાથી હું ફેક્ટરી આવી જાઉં છું અને રાત્રે અગિયાર વાગ્યે માંડ માંડ જવાનું થાય છે. સાઉથ આફ્રિકાનો પ્રોજેક્ટ સક્સેસફૂલી કર્યા પછી આફ્રિકાથી હવે એક પછી એક ઓર્ડર આવતા જ જાય છે. મને લત નથી લાગી સોમુ મને આ બધું કરવાની મજા આવે છે, કદાચ મારે આ જ બધું કરવાનું હતું પણ હું બીજા રસ્તે ભટકી ગઈ હતી.’ ધરાના અવાજમાં એક અનોખો ઉત્સાહ જણાઈ રહ્યો હતો.

‘અને અમારી મજાનું શું? મારું છોડ સુભગનું શું? આખો દિવસ મૂંગો મૂંગો ફરતો હોય છે ઘરમાં. એના મિત્રો સાથે રમવાનું પણ એણે ઓછું કરી દીધું છે. હિજરાય છે તારા વગર ધરા.’ સૌમિત્ર બોલ્યો.

‘એનું વેકેશન ચાલે છે ને? તો કોઈ એક્ટીવીટી ક્લાસમાં મૂકી દે ને? તું ક્યાં એની આસપાસ ફરતો રહીશ? પછી તારા રાઈટીંગનું શું?’ ધરાએ જવાબ આપ્યો.

‘ટૂંકમાં હમણાં તારો અમદાવાદ આવવાનો કોઈજ ઈરાદો નથી ને?’ સૌમિત્રએ સીધો સવાલ કર્યો.

‘ના. તારી લાસ્ટ નોવેલનો રિસ્પોન્સ કેવો છે?’ ધરાએ અલગ સવાલ પૂછીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો.

‘ટોટલ ફ્લોપ છે. લોકો કહે છે કે લાગતું જ નથી કે આ મેં લખી છે. ક્યાંથી લાગે? જ્યારે મગજ પચ્ચીસ જગ્યાએ વહેંચાઇ ગયું હોય? નજર સામે દીકરો આખો દિવસ નિરાશ ફરતો હોય. પત્ની સાત-આઠ મહિનાથી દૂર હોય. લખવાની ફીલિંગ જ ન આવતી હોય ત્યાં પબ્લીશરના પ્રેશર વચ્ચે લખીએ તો આવું જ થાયને? પબ્લીશ થયે ત્રણ મહિના થયા અને જે સેલિંગ પહેલા પંદર દિવસ ફક્ત મારા નામને લીધે થયું હતું એ પછી બધું જ એકદમ ડાઉન છે કારણકે માઉથ પબ્લીસીટી બિલકુલ થઇ જ નથી. યુ નો નવી નોવેલનો આઈડિયા ડિસ્કસ કરવા માટે મુંબઈ જવું છે પણ પ્રતિક ન મળવાના બહાના બનાવે છે. આઈ થીંક મારી પંદર નોવેલ્સ પબ્લીશ કર્યા પછી અચાનક એક જ નિષ્ફળતાને લીધે એનો મારા પરનો વિશ્વાસ હલી ગયો છે. આઈ નો એણે પણ મોટો લોસ સહન કર્યો છે પણ આગલી ચૌદ નોવેલ્સમાં એણે કરેલી કમાણી આ લોસ સામે કંઇજ જ નથી.’ સૌમિત્રની નિરાશા એના શબ્દે શબ્દમાં વર્તાઈ રહી હતી.

‘હમમ.. ઓકે ચલ, તારી નોવેલની વાત એક વખત શરુ થાય તો ક્યારેય પૂરી જ ન થાય અને મારે હવે ઘણાં કામ પતાવવાના છે. ઈજીપ્તથી બાયર આવવાનો છે આજે. હું દર બે દિવસે તને શ્યોર કૉલ કરીશ અને સુભગ સાથે પણ વાત કરીશ. ડોન્ટ વરી.’ સૌમિત્રની નિરાશાજનક વાતો સાંભળવામાં ધરાને કોઈ રસ ન હતો એટલે એણે સૌમિત્રની વાત લગભગ વચ્ચેથી કાપી દીધી અને કૉલ કટ કરવાની ઉતાવળ હોય એમ એના અવાજ પરથી લાગી રહ્યું હતું.

‘એક મિનીટ, એક મિનીટ, મિનીટ. કૉલ કટ ન કરતી. તને ખબર છે ને કે આ વિકેન્ડ આપણા બધાં માટે સ્પેશીયલ છે? પ્લીઝ આ વિકેન્ડ તો તું આવી જા?’ સૌમિત્રને ખ્યાલ આવી ગયો કે ધરાને કૉલ પૂરો કરવાની ઉતાવળ હતી એટલે એણે ઝડપથી બોલી નાખ્યું.

‘કેમ શું છે આ વિકેન્ડમાં?’ ધરા વિચારવા લાગી.

‘કમાલ છે... સન્ડે આપણી વેડિંગ એનિવર્સરી છે. ભૂલી ગઈ?’ સૌમિત્રએ ધરાને યાદ અપાવ્યું અને એને ધરા એમની લગ્નતિથિ ભૂલી ગઈ એ જાણીને નવાઈ પણ લાગી.

‘ઓહ હા! પણ મારે કેટલું બધું એડજસ્ટ કરવું પડશે યાર? આ વખતે ન આવું તો ન ચાલે? પ્લીઝ?’ ધરાને આવવાની કોઈજ ઈચ્છા ન હોય એવું લાગી રહ્યું હતું.

‘ધરા? છેલ્લાં ઓગણીસ વર્ષમાં આપણે આપણી એક પણ એનિવર્સરી દૂર રહીને મીસ નથી કરી. આ વીસમી એનિવર્સરી છે, સ્પેશીયલ છે આપણા માટે. પ્લીઝ?’ સૌમિત્રએ આજીજી કરી.

‘ઓકે, તો હું ટ્રાય કરીશ બસ? પણ પ્રોમિસ નહીં.’ ધરા હજીપણ પોતાની વાત પર ટકી રહી હતી.

‘ઠીક છે, હું સેટરડે સાંજ સુધી તારી રાહ જોઇશ. તને હવે હું યાદ દેવડાવવા કૉલ પણ નહીં કરું. તને જે ઠીક લાગે એ કરજે, તારું જ ઘર છે.’ સૌમિત્રની નિરાશા હવે ગુસ્સામાં પરિવર્તિત થઇ રહી હતી.

સૌમિત્રએ આગળ વાત વધાર્યા વગર કે ધરાનો જવાબ સાંભળ્યા વગર જ પોતાનો કૉલ કટ કરી દીધો.

***

‘એકદમ વાહિયાત નોવેલ છે ડીયર હસબન્ડ. લાગે છે તમે ખુબ પૈસા કમાઈ લીધા છે એટલે હવે નોવેલ લખવા માટે આઉટસોર્સિંગ કરવા લાગ્યા છો.’

ફેસબુક પર સૌમિત્રની નોવેલ ડીયર હસબન્ડના પેઈજ પર સૌમિત્રની કોઈ પોસ્ટ પર દેવલ શાહ નામના કોઈ વાચકે આ પ્રકારની કમેન્ટ કરી હતી.

‘જીંદગીમાં ક્યારેય એક ફકરો પણ લખ્યો છે તેં? હું પંદર નોવેલ્સ લખીને બેઠો છું. મારી સલાહ માન તો જ્યાં આપણી ચાંચ ન ડૂબતી હોય ત્યાં તરવાની કોશિશ તો શું વિચારવાનું પણ નહીં.’

ધરા સાથેનો કોલ પતાવીને મન બીજે વાળવા ફેસબુકની મદદ લેવા લેપટોપ સામે બેસેલા સૌમિત્રએ સૌથી પહેલા આ જ કમેન્ટ વાંચી અને એનું મગજ છટક્યું.

‘ચૌદ નોવેલ્સ સુધી અમે તમારા દરેક પ્લેટફોર્મ પર વખાણ કર્યા, અરે તમને રીતસર પૂજ્યા ત્યારે તમને અમે એક ફકરો લખ્યો છે કે એક હજાર ફકરા લખ્યા છે એવો સવાલ કરવાનું મન ન થયું, પણ આજે જ્યારે પહેલી વખત તમારી ટીકા કરી ત્યારે તમારી બળી ગઈ? જો એક વાચક એના ફેવરીટ લેખકને માથે બેસાડી શકે છે તો એની ભૂલ થાય તો એનો કાન પણ પકડી શકે છે.’

દેવલ શાહ પણ ત્યારે ઓનલાઈન જ હતો એટલે એણે આ રીતે સૌમિત્રની કમેન્ટનો તરત જ જવાબ આપ્યો.

‘પોતાને મારા મોટા ફેન હોવાનો દંભ ન કરો, તું પકડાઈ ગયો છે. ફેવરીટ નોવેલીસ્ટની એક નબળી (હું ખરાબ નહીં કહું કારણકે એ ખરાબ તો નથી જ એનું સેલિંગ ઓછું થયું છે.) નોવેલ પર આટલું ખરાબ રીએક્શન એનો ડાયહાર્ડ ફેન તો ન જ આપે. એને એના ગમતા નોવેલીસ્ટ પર વિશ્વાસ હોવો જોઈએ કે નેક્સ્ટ ટાઈમ હી વીલ કમ વિથ અ બેન્ગ! તમારા જેવા ફાસફૂસીયા વાચકોને ખાલી ટીકા કરતા જ આવડે છે. જો તમે મારા ડાયહાર્ડ ફેન હોવ તો આવે વખતે તમે મૂંગા રહીને મને ટેકો આપ્યો હોત.’

સૌમિત્રએ દેવલને વળતો જવાબ આપ્યો. અત્યારે એનું આખું શરીર ગુસ્સામાં ધ્રુજી રહ્યું હતું. જો કે એ માટેનું કારણ દેવલ નહીં પણ કઈક બીજું જ હતું જેની એને ખબર હતી.

‘દંભી તો તમે છો સૌમિત્ર સર, તમને ટીકા પચતી નથી એવું તમારી કમેન્ટની ભાષા પરથી લાગી રહ્યું છે. મેં આગલી કમેન્ટમાં જેમ કીધું એમ કે જો મને નોવેલ ન ગમે તો તમારી ટીકા કરવાનો મને પૂરતો અધિકાર છે. અને મેં તમારી પંદરે પંદર નોવેલ્સ વાંચી છે અને આગલી ચૌદ મેં આગ્રહ કરી કરીને મારા સર્કલમાં વંચાવી છે એ પણ દરેક ફ્રેન્ડ પાસે પરચેઝ કરાવીને મારી કોપી એમને આપીને નહીં. આ વખતે એમનો રીસ્પોન્સ પણ એટલો ખરાબ છે કે મને બધાંય ગાળો આપે છે.’

દેવલે રોકડું પરખાવ્યું.

‘એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે તમારા ફ્રેન્ડસ પાસે મારી બધી નોવેલ્સ પરચેઝ કરાવી એટલે એનું રેકોર્ડ બ્રેકીંગ સેલ થયું છે? આમ કહીને તમે તમારું મહત્ત્વ વધારવા માંગો છો? તમને ભાન નથી કે નોવેલ્સ સેલ કરવી કેટલી અઘરી છે, પણ મારી અત્યારસુધીની બધી જ નોવેલ્સ ૩૦%થી પણ વધારે પ્રી-બુકિંગમાં જ સેલ થઇ ગઈ છે. હું ફરીથી તમને કહું છું કે જ્યાં તમારી ચાંચ ન ડૂબતી હોય ત્યાં મૂંગા રહો.’

સૌમિત્રનો ગુસ્સો સાતમા આસમાને જઈ રહ્યો હતો.

‘સૌમિત્ર સર, તમારી એક નિષ્ફળતાએ તમે સાવ જમીન પર લાવી દીધા છે. તમારા આટલા બધા ઇન્ટરવ્યુઝ જોયા, વાંચ્યા અને અત્યારસુધી તમારો પહેલા ઓરકુટ અને હવે ફેસબુક પરનો બિહેવિયર જોઇને મને એમ લાગતું હતું કે તમે એકદમ નિખાલસ અને નમ્ર વ્યક્તિ છો અને તમે મારી સાચી ટીકા સ્વીકારશો. તમને રૂબરૂમાં મળેલા કેટલાક લોકોની સાથે પણ જ્યારે મારે મળવાનું થયું છે ત્યારે એમણે પણ મને એમ જ કહ્યું હતું કે તમે અત્યંત ડાઉન ટુ અર્થ છો, પણ આજે મને ખાતરી થઇ ગઈ છે કે તમે આ બધું તમારી અલગ છબી ઉભી કરવા માટે કરી રહ્યા હતા. તમે ખરેખર તો એક દંભી અને માટીપગા ઇન્સાન છો જેને વખાણ તો ગમે છે પણ એક નાની અમથી ટીકા પણ સહન નથી થઇ શકતી અને લોકોને જજ કરવા લાગે છે. મને ખાતરી છે કે આ પોસ્ટ પર આપણી જે ચર્ચા થઇ છે એને વાંચનારા તમારા લાખો ચાહકો પણ મારી આ વાત સાથે સહમત થશે.’

દેવલની દલીલ ચાલુ રહી.

‘દેવલ તને કોઈજ નથી ઓળખતું પણ મને બધા જ ઓળખે છે. મને લાગે છે કે તું ફક્ત તારા ૪૭૫ રૂપિયાને લીધે આમ બધા સામે જાહેરમાં રડવા લાગ્યો છે. આ જ કિંમત છે ને ડીયર હસબન્ડની? તારું અડ્રેસ આપ તને મનીઓર્ડર કરી દઉં. બાકી મારા જે ખરા ચાહકો છે એ હજીપણ મારી જોડે જ ઉભા છે. તારી જેમ એક નોવેલ ન ગમી એટલે આમ જાહેરમાં આવીને પોતાનું ફ્રસ્ટ્રેશન બહાર નથી કાઢી રહ્યા. એલોકો આ વાંચશે તો એલોકો ચોક્કસ તારા પર અત્યારે હસતા હશે.’

સૌમિત્રએ નબળી દલીલ કરી. એ અંદરથી એવું ઈચ્છી રહ્યો હતો કે દેવલ હવે જાય તો સારું કારણકે એ જો પોતે જતો રહેશે તો દેવલ એવો આરોપ મૂકશે કે એની પાસે કોઈ દલીલ બચી ન હોવાથી એ ભાગી ગયો.

સૌમિત્ર આમ વિચારી જ રહ્યો હતો ત્યાં એના ફેસબુક ઈનબોક્સમાં એક મેસેજ આવ્યો હોવાનું નોટિફિકેશન આવ્યું. સૌમિત્રએ ઈનબોક્સ ખોલ્યું તો કોઈ પિંકી ઉપાધ્યાયનો મેસેજ હતો.

‘હલ્લો સર, તમે નાહક દેવલ સાથે ચર્ચા કરી રહ્યા છો. એ સાચો છે કે ખોટો છે એ હું નહીં કહી શકું પણ તમારું લેવલ અલગ છે. મારા જેવા તમારા લાખો ચાહકો છે જે ડીયર હસબન્ડ પછી પણ તમને એટલા જ ચાહે છે. પ્લીઝ હવે દેવલને જવાબ ન આપતા. તમારી કમેન્ટ્સથી મારા જેવા તમારા ફેન્સ પણ દુઃખી થશે.’

પિંકીનો મેસેજ વાંચીને સૌમિત્રને નવાઈ તો લાગી. એણે પિંકીની પ્રોફાઈલ જોઈ, તો તમામ ડીટેઈલ્સ જેન્યુઈન લાગતી હતી. હા એનો ખુદનો કોઈ ફોટો ન હતો એની બદલે એની ફેવરીટ ટેનીસ પ્લેયર એન્ના કુર્નીકોવાનું પ્રોફાઈલ પિક્ચર હતું,

‘હવે હું જવાબ નહીં આપું તો એને એમ લાગશે કે હું ભાગી ગયો.’

અચાનક એના ટેકામાં કોઈ આવેલું જોઇને રાહત અનુભવી રહેલા સૌમિત્રએ પિંકીને જવાબ આપ્યો.

‘તો ભલેને લાગે? તમે મોટા રાઈટર છો સર, ફેમીલીમેન પણ છો. તમારે હજાર કામ હોય. તમે અડધો કલાક ઓનલાઈન આવ્યા બહુ થયું. યોર ફેન્સ આર સેટીસ્ફાઈડ.’

પિંકીનો જવાબ આવ્યો અને સૌમિત્રના ચહેરા પર અચાનક જ સ્મિત આવી ગયું.

સૌમિત્ર એ તરતજ પિંકીને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલાવી જેને બીજી સેકન્ડે પિંકીએ એક્સેપ્ટ કરી લીધી.

‘થેન્ક્સ, તમારા જેવા ફેન્સને લીધે જ હું ટકી શકીશ, લડી શકીશ. કીપ ઇન ટચ.’

આટલો મેસેજ મોકલીને સૌમિત્ર ફેસબુકમાંથી લોગઆઉટ થઇ ગયો.

***

શનિવારની રાતના બરોબર ૧૧.૫૫ થયા અને સૌમિત્રના સેલફોનમાં એલાર્મ વાગ્યો. પાંચ મિનીટ પછી રવિવાર થઇ જવાનો હતો. ધરા સૌમિત્રની વિનંતીને માન આપીને એમની વેડિંગ એનિવર્સરી મનાવવા માટે સાંજે જ રાજકોટથી અમદાવાદ આવી હતી. ધરાના અમદાવાદ આવ્યા બાદ એ અને સૌમિત્ર બહુ વાતો કરી શક્યા ન હતા, કારણકે લગભગ વીસ દિવસ પછી અમદાવાદ આવેલી ધરાને આખી સાંજ સુભગે બરોબર પકડી રાખી હતી. સુભગના સુઈ જવા બાદ દસ-સાડાદસે સૌમિત્ર અને ધરા પણ એમના બેડરૂમમાં સુઈ ગયા. છેલ્લા દસેક મહિનાથી ધરાની વ્યસ્તતા અને અમદાવાદમાં એની સતત ગેરહાજરીને લીધે સૌમિત્ર અને ધરા વચ્ચે શારીરિક સંબંધ શૂન્ય થઇ ગયો હતો અને ધરા થાકી ગઈ હશે એમ માનીને સૌમિત્રએ પણ ત્યારે એને પરેશાન ન કરવાનું નક્કી કર્યું હતું.

પણ, સૌમિત્રએ એક બીજો પ્લાન ઘડી લીધો હતો. એ બે દિવસ પહેલાં જ ધરા માટે રીયલ ડાયમંડના ઈયરીંગ્સ લઇ આવ્યો હતો અને એ ધરાને બરોબર બાર વાગ્યે એને ગિફ્ટ કરીને એને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. સૌમિત્રને વિશ્વાસ હતો કે સરપ્રાઈઝ આપવાની અને લેવાની શોખીન એવી ધરા એની આ ગિફ્ટ જોઇને ખુબ ખુશ થઇ જશે અને આટલા દિવસ એ બંને વચ્ચે રહેલું ટેન્શન ભૂલી જઈને એને ભરપૂર વ્હાલથી નવડાવી દેશે.

સૌમિત્ર બેડ પરથી ઉભો થયો અને સ્ટડીમાં જઈને એની લેધર બેગમાંથી સોનીએ પેક કરેલું ઈયરીંગ્સનું પાઉચ લીધું અને બેડરૂમમાં પરત આવ્યો. ધરાની પીઠ સૌમિત્ર તરફ હતી. સેલફોનની ઘડિયાળમાં જેવા ૧૧.૫૯ થયા કે સૌમિત્રએ સાઈડમાં રહેલા નાઈટલેમ્પને ઓન કરી અને પાઉચમાંથી ઈયરીંગ્સ બહાર કાઢ્યા, પાઉચ સાઈડમાં મુક્યું અને ધરાને પાછળથી વળગીને એના કાન પાસે એક ઈયરીંગ મૂકીને હળવેકથી એના કાનમાં ‘હેપ્પી એનિવર્સરી ડીયર વાઈફી!’ કહ્યું.

‘વ્હોટ નોનસેન્સ સૌમિત્ર?’ રાડ નાખીને ધરા અચાનક જ ગુસ્સામાં પડખું ફરીને ઉભી થઇ ગઈ.

ધરાના હડસેલાથી સૌમિત્રએ કાનમાં પકડેલું ઈયરીંગ રૂમમાં ક્યાંક ફેંકાઈ ગયું. ધરાના આવા રીએક્શનની સૌમિત્રને જરા પણ આશા ન હતી. એ ડઘાઈ ગયો અને બેડ પરથી ઉભો થઇ ગયો અને જ્યાં ઉભો હતો ત્યાં જ સ્થીર થઈને નાઈટલેમ્પના પ્રકાશમાં ધરા સામે જોઈ રહ્યો.

‘એક રાત તો મને શાંતિથી સૂવા દે? બસ વાઈફ નજીક આવી નથી કે તમને લોકોને સેક્સ કરવાની ઈચ્છા થઇ જાય છે, રાઈટ? મને ખબર છે કે તું દસ મહિનાથી મારા શરીરનો ભૂખ્યો છે. પણ મને પણ આરામની જરૂર હોય કે નહીં? એનિવર્સરી તો કાલે છે ને તો આ અડધી રાત્રે એના બહાને સેક્સ કરવાની શી જરૂર છે? સ્પેશીયલ ડે માય ફૂટ! મને ડાઉટ તો હતો કે આના માટે જ તેં મને બોલાવી છે, તારા શરીરની ભૂખ સંતોષવા! લીસન સૌમિત્ર, મને હવે આ બધામાં જરાય રસ નથી રહ્યો. સેવાબાપુએ મને આધ્યાત્મનો માર્ગ જ્યારથી દેખાડ્યો છે ત્યારથી મને મારું લક્ષ્ય બરોબર દેખાઈ ગયું છે. મારા માટે હવે માત્ર ધરા મશીન એન્ડ ટૂલ્સ, એટલેકે મારા પપ્પા નો બીઝનેસ કેમ આગળ વધારવો એ જ મેઈન એઇમ છે. હા તારે જો મને ભોગવવી હોય તો ભોગવી લે, સંતોષી લે તારી ભૂખ, પણ મારા તરફથી કોઈજ રિસ્પોન્સ નહીં મળે એની ખાતરી રાખજે.’ આટલું બોલીને ધરા એ પોતાની નાઈટી ઉતારવાની શરુ કરી.

સૌમિત્રને હજી કળ વળતાં વાર લાગવાની હતી. કશું પણ બોલ્યા વગર સૌમિત્રએ બેડ પરથી પોતાનું ઓશીકું ઉપાડ્યું અને રૂમની બહાર જવા લાગ્યો એના બીજા હાથની મુઠ્ઠીમાં એક ઈયરીંગ હતું અને બરોબર બારણા પાસે ધરાએ મારેલા હડસેલાને લીધે પડી ગયેલું બીજું ઈયરીંગ સૌમિત્રને નાઈટલેમ્પના અજવાળામાં દેખાયું એટલે એણે નીચા વળીને એ ઉપાડી લીધું અને સ્ટડીમાં જઈને ટેબલ ઉપર બંને ઈયરીંગ્સ મૂકીને એણે બાજુમાં રહેલા સોફા પર લંબાવી દીધું.

***

‘બહુ ટાઈમ લીધો આ બેને તો.’

‘છુટ્ટા ન હોય તો આ લોકો મોલમાં આવતા જ કેમ હશે?’

‘એજ સ્તો. અને બે રૂપિયા માટે પાછા ઝઘડા કરે. લાગે છે તો સારા ઘરનાં.’

આખા મહિનાનો સમાન એક ટ્રોલીમાં મુકીને સૌમિત્ર બિગ સ્ટાર મોલની લાઈનમાં પેમેન્ટ કરવા ઉભો હતો. ત્યાં આગળ કોઈને કેશિયર સાથે છુટ્ટા અંગે માથાકૂટ થતાં છેલ્લી ચાર-પાંચ મિનીટથી લાઈન આગળ વધવાની અટકી ગઈ હતી અને સૌમિત્રની આગળ રહેલા લોકો આ અંગે ચર્ચા કરી રહ્યા હતા. સૌમિત્રને પણ સાંજ ઢળી ચૂકી હોવાથી ઘરે જવાની ઉતાવળ હતી, કારણકે સુભગ રમીને આવે એટલે તરત જ એને નવડાવીને જમાડવાનો એનો રોજનો કાર્યક્રમ હતો.

બીજી બે મિનીટ આ માથાકૂટ ચાલતાં કંટાળેલા સૌમિત્રએ લાઈનમાં એની પાછળ ઉભેલા એક વ્યક્તિને પોતાના સ્થાનનું ધ્યાન રાખવાનું કહ્યું અને એ પોતાના પેન્ટમાંથી બે રૂપિયાનો સિક્કો કાઢતો કાઢતો કેશ કાઉન્ટર તરફ ચાલવા લાગ્યો.

‘લો, તમારા બે રૂપિયા અને વાત પતાવો. બાકીના બધાને મોડું થાય છે.’ કેશિયરના ટેબલ પર બે રૂપિયાનો સિક્કો મૂકીને સૌમિત્ર બોલ્યો.

‘મિત્ર?’ અચાનક જ આવેલા સૌમિત્રને જોઇને કેશિયર સાથે માથાકૂટ કરી રહેલી ભૂમિનું ધ્યાન સૌમિત્ર તરફ ગયું અને એનું મોઢું આશ્ચર્યથી પહોળું થઇ ગયું અને અનાયસે જ એ સૌમિત્રનું એણે પાડેલું લાડકું નામ બોલી પડી.

***

પ્રકરણ ૪૯

‘કોફી? અહિયાંની કોફી સરસ હોય છે.’ સૌમિત્રનું પેમેન્ટ કરવાની રાહ જોઇને લાઈન થી થોડેક દૂર પોતાની ટ્રોલી લઈને ઉભેલી ભૂમિએ સૌમિત્રના એની નજીક આવતાં જ પૂછ્યું.

‘ફરી ક્યારેક ગોઠવીએ તો? મને ખરેખર ઉતાવળ છે. સાતેક વાગ્યે સુભગ ક્રિકેટ ક્લાસમાંથી ઘરે આવશે એટલે ત્યાંસુધીમાં મારે ઘરે પહોંચી જવું પડશે.’ સૌમિત્રએ પોતાની મજબુરી જણાવી.

‘ઠીક છે, હું તમને ફોર્સ નહીં કરું.’ ભૂમિએ સ્મિત તો આપ્યું પણ એ સ્મિતમાં ભારોભાર નિરાશા હતી.

‘તમે અમદાવાદ આવી ગયાં? આઈ મીન આટલો બધો સમાન લીધો છે એટલે કદાચ અહીં જ રહેવા આવી ગયા હોવ એવું લાગે છે.’ સૌમિત્રએ ભૂમિની ટ્રોલી તરફ નજર કરીને પૂછ્યું.

‘હા, અઢી વર્ષથી અહિયાં જ છીએ. વરુણે જામનગર રીફાઇનરીની જોબ છોડી દીધી. હવે અમદાવાદમાં પોતાની ઇન્ટરનેશનલ ટ્રેડીંગની કન્સલ્ટન્સી ચલાવે છે.’ અચાનક જ ચહેરાની સામે આવી ગયેલી લટને એડજસ્ટ કરતાં ભૂમિ બોલી.

‘અહિયાં ગ્રોસરી લેવા આવ્યા છો તો આ જ એરિયામાં...’ સૌમિત્રએ ભૂમિ ક્યાં રહેતી હશે એનો અંદાજો બાંધવાની કોશિશ શરુ કરી અને ત્યાંજ ભૂમિએ પોતાની લટ સરખી કરતાં સૌમિત્ર એને જોવામાં રોકાઈ ગયો.

‘હા, ગોધાવી પાસે સમર હિલ્સ બંગ્લોઝ છે ને? ત્યાં જ રહું છું. બે મહિના પહેલાં જ દશેરાએ ગૃહપ્રવેશ કર્યો. ત્યાંસુધી પપ્પાના ઘરે હતા.’ સૌમિત્રની નજર એની લટ સરખી કરવા પર છે એ ભૂમિએ જોઈ લીધું.

‘ઓહ, પણ એ એરિયા તો એટલો ડેવલોપ નથી થયો.’ સૌમિત્રએ પૂછ્યું.

‘આઈ નો, પણ અત્યારે બજેટમાં એજ ફીટ બેસતું હતું અને ભવિષ્યમાં બધું ડેવલોપ થઇ જશે. એટલીસ્ટ.... હોપ સો!’ ભૂમિએ એનું ચિતપરિચિત સ્મિત આપ્યું.

‘હું પણ બોપલમાં જ રહું છું. મૂન સીટી.’ વળતું સ્મિત આપતાં સૌમિત્ર બોલ્યો.

‘તો આવો કોઈ વખત ચ્હા પીવા? આપણે હવે ખાસ દૂર નથી રહેતાં.’ ભૂમિએ સૌમિત્ર નામના દરિયાનું પાણી કેટલું ઊંડું છે એ માપવાની કોશિશ કરી.

‘ક્યારેક કેટલાંક લોકો નજીક રહીને પણ દૂર હોય એવું લાગે, તો કેટલાંક દૂર ગયા પછી પણ કાયમ આસપાસ જ રહે છે. અમમ.. ચોક્કસ એક દિવસ તમારી ચ્હા પીવા આવીશ.’ સૌમિત્રએ ભૂમિને લગભગ વચન આપી દીધું.

‘મારો સેલ નંબર બદલાયો નથી.’ ભૂમિએ ટ્રોલી આગળ ધપાવતાં કહ્યું.

‘બદલાવાનું તમારા સ્વભાવમાં નથી, એની મને જાણ છે.’ સૌમિત્ર હસ્યો.

સૌમિત્રનું આટલું કહેવું અને ભૂમિના રોમેરોમમાં આનંદની લાગણી પ્રસરી ગઈ. એ ખુશ થતાં થતાં પાર્કિંગ લોટ તરફ પોતાની ટ્રોલી ધકેલતી ચાલવા લાગી. જ્યારે સૌમિત્રએ પોતાની કાર રોડને અડીને જ પાર્ક કરી હતી એટલે એ બીજી દિશા તરફ વળ્યો.

કારની પાછલી સીટમાં મહિનાભરનો સામાન મૂકીને એ દરવાજો સૌમિત્રએ લોક કર્યો અને ડ્રાઈવર સીટ પર બેઠો. દરવાજો બંધ કરીને પોતાના ખિસ્સામાંથી સૌમિત્રએ પોતાનો સેલફોન કાઢ્યો અને ‘Varun Patel (Jamnagar)’ નો નંબર સર્ચ કર્યો. નંબર મળતાં જ સૌમિત્રએ એને એડિટ કરીને ‘Bhoomi’ ના નામે સેવ કરી દીધો અને હોઠને જમણી બાજુએથી ઉંચો કરીને હસ્યો.

***

‘આ વર્ષે આશ્રમનું હોળી મિલન ફક્ત ધરા મશીન ટૂલ્સ પ્રાઈવેટ લિમિટેડ જ સ્પોન્સર કરે એવી મારી ઈચ્છા છે, બાપુ.’ ધરાએ સેવાબાપુની સામે બે હાથ જોડીને વિનંતીના રૂપમાં જણાવ્યું.

‘બટા, હજી તો જાન્યુઆરી ચાલે છે અને હોળી તો છેક માર્ચ મહિનામાં છે. આટલી ઉતાવળ કેમ કરેછ?’ સેવાબાપુએ સ્મિત સાથે ધરાને પૂછ્યું.

‘બે કારણ છે. એક તો એમ કે હોળી મિલન એટલે સેવા આશ્રમ માટે વર્ષનો સૌથી મોટો દિવસ. એ દિવસે આખા વિશ્વમાંથી આપના સાધકો અહીં આવશે અને એમાં તમારા આફ્રિકા અને લેટીન અમેરિકાના સાધકો પણ ખરાં. આ સમયે જો ધરા મશીન ટૂલ્સ પ્રાઈવેટ લિમિટેડના બેનર્સ બધે લાગ્યા હોય અને તમારા પેમ્ફલેટ અને મહોત્સવના અન્ય કેટેલોગ્સ વગેરેમાં પણ અમારો લોગો હોય તો મને ખૂબ ફાયદો થાય એમ છે, કારણકે એ બે જગ્યાએ જ મારી પ્રોડક્ટ્સની સૌથી વધુ ડિમાંડ છે.’ ધરાએ સેવાબાપુને સમજાવતાં જણાવ્યું.

‘હમમ.. અને બીજું કારણ?’ સેવાબાપુએ પોતાના વાળમાં આંગળી ફેરવતાં પૂછ્યું.

‘છેલ્લા કેટલાય વર્ષોથી તમારા આશિર્વાદને લીધે પપ્પા અને અમારી ફેક્ટરી આ લેવલે પહોંચી શક્યા છે. મને લાગે છે કે હવે એનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. એટલે બીજો કોઈ સ્પોન્સર આવી જાય અથવાતો મારી સ્પોન્સરશીપમાં ભાગ પડાવી જાય એ મને નહીં ગમે.’ ધરાએ સ્મિત કર્યું.

‘ધરાની વાત હો ટકા હાચી સે બાપુ. તમારા આસીર્વાદ વગર્ય તો હું અટાણેય લેથ મસીનજ હલાવતો હોત.’ પરસોતમભાઈએ પણ ધરાની વાતમાં પોતાનો સૂર પૂરાવ્યો.

‘આશિર્વાદ સાથે તારી મહેનત પણ ખરીને પરસોતમ?’ સેવાબાપુએ સોફા પર પલાંઠી વાળતાં કીધું.

‘બાપુ, મહેનત સાથે તમારા આશિર્વાદ પણ જરૂરી હતા એ હું આ અઢી વર્ષમાં બરોબર સમજી ગઈ છું. હું ખોટું નહીં બોલું બાપુ, પણ પહેલાં હું આ બધામાં વિશ્વાસ નહોતી કરતી, પણ પપ્પાને પેરેલીસીસનો અટેક આવ્યો અને પછી મેં ફેક્ટરી સંભાળી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મહેનત સાથે કોઈ ઈશ્વરીય શક્તિ પણ સફળતા લાવવા માટે કામ કરતી હોય છે. તમને યાદ હશે બાપુ, લગભગ અઢી વર્ષ પહેલાં એક દિવસે સાંજે તમે અચાનક જ ફેક્ટરીએ આવ્યા હતા અને મને અમદાવાદ જતાં એમ કહીને રોકી હતી કે હું જઈશ તો પપ્પાને મોટું નુકસાન થશે અને એ પણ આર્થિક. હું રોકાઈ ગઈ અને બીજેજ દિવસે ડીગ્રૂન નો ઓર્ડર ભાણજીભાઈની મદદથી મળી ગયો. આવા તો કેટલાય આશિર્વાદને સફળ થતાં મેં છેલ્લા અઢી વર્ષમાં મારી નજર સામે જોયા છે. તો પછી પપ્પાને છેલ્લા ૪૫ વર્ષમાં તમારા કેટકેટલા આશિર્વાદનો ફાયદો મળ્યો હશે? હું ખોટું તો નથી બોલતીને બાપુ?’ ધરાના ચહેરા પર સ્મિત સાથે વિશ્વાસ દેખાઈ રહ્યો હતો.

‘તારી દિકરીને તારે વકીલ બનાવવા જેવી હતી.’ સેવાબાપુએ પરસોતમભાઇ સામે જોઇને હસતાંહસતાં કહ્યું.

‘તો બાપુ, મારી વિનંતીનો આપ સ્વિકાર કરશો ને?’ ધરાના અવાજમાં આજીજી હતી, એક અદમ્ય ઈચ્છા હતી કે સેવાબાપુ એની વિનંતીનો સ્વિકાર કરે જ.

‘ભાણજીએ ગયા અઠવાડીએ જ આ બાબતે મને ફોન કર્યો હતો, પણ મેં એને કોઈ વચન નહોતું આપ્યું, મેં એને એમ જ કીધું હતું જે મેં અત્યારે તને કીધું બટા.’ સેવાબાપુએ ધરાની મોટી મોટી આંખોમાં આંખ નાખીને કહ્યું.

‘પછી?’ ધરાને સેવાબાપુની આ વાતથી જરા ચિંતા થઇ ગઈ હોય એવું લાગ્યું.

‘પણ પરસોતમ એ પરસોતમ છે. એને મારાથી કેવી રીતે ના પડાય? એક-બે દી’માં જગતને ફેક્ટરીએ બોલાવીને બધું નક્કી કરી લેજે.’ સેવાબાપુના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘ખુબ ખુબ ધન્યવાદ બાપુ.’ આટલું બોલીને ધરા પોતાની ખુરશીમાંથી ઉભી થઇને સેવાબાપુના સોફા તરફ આગળ વધી અને એમના આશિર્વાદ લેવા નીચે ઝૂકી.

‘ખૂબ સુખી થા બટા.’ આશિર્વાદ આપવાના બહાને ધરાના માથા પર અમુક સેકન્ડ પોતાની હથેળી ફેરવતાં સેવાબાપુ બોલ્યા.

ધરાના શરીરનો સ્પર્શ થતાં જ સેવાબાપુએ પોતાની બંને આંખો કોઈ અજાણ્યા આનંદનો અનુભવ કરવા બંધ કરી દીધી.

***

‘ઘરે આવવું હતું ને? આપણે લાસ્ટ ટાઇમ વાત તો થઇ હતી.’ કોફીશોપમાં સૌમિત્રની સામેની ખુરશી પર બેસતાં ભૂમિ બોલી.

‘તમે જ કીધું હતું કે અહીંની કોફી સરસ મળે છે.’ સૌમિત્રએ હસીને કહ્યું.

‘એમ જોવા જઈએ તો હું ખરાબ કોફી નથી બનાવતી.’ ભૂમિ હસી પડી.

‘ઘરમાં શાકભાજી ખૂટી પડ્યા હતા અને બપોરે બહુ ભીડ ન હોય એટલે વિચાર્યું કે અત્યારે જ લઇ આવું. પછી યાદ આવ્યું કે તમે જો ફ્રી હોવ તો આજે મારી પાસે પણ સમય છે, એટલે અહીં જ બોલાવી લીધા.’ સૌમિત્રએ સ્મિત આપ્યું.

‘નો પ્રોબ્લેમ એટ ઓલ. થઇ ગઈ તમારી ખરીદી?’ ભૂમિએ સૌમિત્રના પગ પાસે પડેલી પ્લાસ્ટીકની થેલી પર નજર નાખતાં કહ્યું.

‘હા, તમને આવતાં વાર લાગવાની હતી એટલે વિચાર્યું કે ત્યાંસુધી શાકભાજી લઇ જ લઉં.’ સૌમિત્રએ પણ પોતાની થેલીઓ સામે જોયું.

‘લાગે છે ઘરની નાની મોટી ખરીદી કરવાની જવાબદારી તમે લઇ લીધી છે.’ ભૂમિનો ચહેરો હસી રહ્યો હતો.

‘હા, બસ ઘરમાં થોડી ઘણી મદદ કરું છું. કેમ છે તમારી જાનકી?’ સૌમિત્રએ વાત વાળતાં ભૂમિને પૂછ્યું.

‘બસ જો, સ્કૂલે ગઈ છે. સાંજે પાંચેક વાગ્યે એને હનુમાનની દેરી પાસે લેવા જઈશ. એની બસ ત્યાં જ આવે છે.’ ભૂમિએ કહ્યું.

‘ઓહ કોન્વેન્ટ સ્કૂલ?’ ભૂમિની વાત સાંભળીને સૌમિત્રએ સવાલ કર્યો.

‘હા, કેમ?’ ભૂમિને આશ્ચર્ય થયું.

‘સુભગ પહેલાં એમાં જ ભણતો. રોજ સવારે હું પણ એને હનુમાનની દેરીએ મૂકી આવતો અને સાંજે પાંચ વાગ્યે જ ધરા એને લઇ આવતી.’ સૌમિત્ર ક્યાંક ખોવાઈ ગયો હોય અને વાત કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.

આ ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ વેઈટર ઓર્ડર લેવા આવ્યો.

‘હું કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ લઈશ તમે?’ વેઈટરે આપેલા મેન્યુમાં નજર નાખતાં સૌમિત્રએ ભૂમિને પૂછ્યું અને પછી મેન્યુ એની તરફ ધર્યું.

‘મને અહિયાની એસ્પ્રેસો બહુ ભાવે છે.’ ભૂમિએ મેન્યુ હાથમાં લીધા વગર જ વેઈટરને પોતાનો ઓર્ડર આપી દીધો.

સૌમિત્ર અને ભૂમિને થેન્ક્સ કહીને વેઈટર જતો રહ્યો.

‘તો પછી સ્કૂલ કેમ બદલાવી? એટલી બધી ખરાબ છે?’ ભૂમિએ સૌમિત્રને જણાવ્યું.

‘ના, ના. મારે નજીકની સ્કૂલ જોઈતી હતી. ધરા રાજકોટ બીઝી થઇ ગઈ એટલે પછી મને દિવસમાં બે વખત એને લેવા મૂકવા જવાનો પછી પાછું ક્રિકેટ કોચિંગમાં મુકવા જવો, લેવા જવો એ ફાવતું ન હતું એટલે અહીં ઘરની નજીક જ ટ્રસ્ટ હાયર સેકન્ડરીમાં સુભગને દાખલ કરી દીધો. કોન્વેન્ટ ખૂબ સરસ સ્કૂલ છે, તમે જરાય ચિંતા ન કરો. મેં તો મજબૂરીને લીધે સુભગની સ્કૂલ બદલી છે.’ સૌમિત્રએ ભૂમિને હૈયાધારણ આપી.

‘ઓહ ઓકે.. ધરા રાજકોટમાં બીઝી થઇ ગઈ એટલે? હું સમજી નહીં.’ ભૂમિએ સૌમિત્રને અત્યારસુધીનો સૌથી મહત્ત્વનો સવાલ કર્યો.

‘તમને કદાચ યાદ હશે કે વ્રજેશના લગ્નના દિવસે જ ધરાના પપ્પાને પેરેલીસીસનો અટેક આવ્યો હતો અને અમે રાજકોટ ગયા હતા.’ સૌમિત્રએ ભૂમિના સવાલનો જવાબ આપવાનું શરુ કર્યું.

‘હા અને પછી રિસેપ્શનમાં તમે, સુભગ અને તમારા પપ્પા જ આવ્યા હતા, ધરા નહોતા આવ્યાં.’ ભૂમિએ યાદ કર્યું.

આ સમયે ભૂમિને સૌમિત્રની એ વાત પણ યાદ આવી જેમાં એ દિવસે એણે ભૂમિને હવે એ ક્યારેય ફરીથી નહીં મળે એમ કહ્યું હતું. અત્યારે એ ઘટનાના બરોબર અઢી વર્ષે સૌમિત્ર અને ભૂમિ ફરીથી એકબીજા સામે બેસીને કોફીશોપમાં વાતો કરી રહ્યા હતા.

‘હમમ.. ધરાના પપ્પાને છ થી આઠ મહિના માટે રેસ્ટ લેવાનો હતો એટલે એમની ગેરહાજરીમાં ફેક્ટરી ચલાવવા કોઈ વિશ્વાસુ વ્યક્તિની ખાસ જરૂર હતી એટલે ધરા શરૂઆતમાં એક અઠવાડિયું ત્યાં જ રોકાઈ ગઈ, પછી દર શનિ-રવિ જવા લાગી, પછી આખું અઠવાડિયું, પછી સતત દસથી પંદર દિવસ, મહિનો અને હવે એને મન થાય તો જ અમદાવાદ આવે છે.’ છેલ્લું વાક્ય બોલતાં સૌમિત્રનો અવાજ ભારે થઇ ગયો અને એની આંખ ભીની થઇ ગઈ.

‘ઓહ..’ ભૂમિને આઘાત એ બાબતનો લાગ્યો કે સૌમિત્રની આંખો ભીની છે, નહીં કે એ બાબતનો કે એનું લગ્નજીવન છિન્નભિન્ન થઇ ચૂક્યું હતું, બિલકુલ એના લગ્નજીવનની જેમજ.

‘એટલે જ તો ગ્રોસરી લાવવી, શાકભાજી ખરીદવા. રસોઈ કરવી. સુભગને લેવા-મૂકવા જવો એ બધું કામ આ બંદાના મજબૂત ખભા પર આવી ગયું છે.’ સૌમિત્રએ ખોટું સ્મિત વેર્યું.

‘એ ખરેખર મજબૂત ખભા હશે. ઘરને એકલે હાથે ઉપાડી લેવાને કારણે નહીં પણ જે કારણે ઘરની જવાબદારી આ ખભાઓ પર આવી ગઈ છે એ વિચારીને કહી રહી છું.’ ભૂમિએ સૌમિત્રની આંખમાં આંખ નાખીને કહ્યું.

‘થેન્ક્સ. ટાઈમ ભલભલાનાં ખભા મજબૂત કરી દે છે, બસ તમારામાં ગમે તેટલા મણનું વજન સહન કરવાની હિંમત હોવી જોઈએ.’ હવે સૌમિત્રએ ફિક્કું સ્મિત આપ્યું.

‘તો પછી તમારું રાઈટીંગ? એના માટે ક્યાંથી સમય કાઢો છો?’ ભૂમિએ સવાલ કર્યો.

‘ડીયર હસબન્ડ ફ્લોપ ગઈ પછી મારો ખુદનો પબ્લીશર મારો હાથ પકડવા તૈયાર નથી એટલે આજકાલ નવરો બેઠો છું. જો કે બે વર્ષની નવરાશમાં એક નોવેલ તો લખી લીધી. પણ પબ્લીશ થવાની કોઈ તક દેખાતી નથી એટલે ઘરનાં નાનામોટા કામ કરીને ટાઈમ પાસ કરી લઉં છું.’ સૌમિત્રએ ભૂમિના સવાલનો પ્રામાણિક જવાબ આપ્યો.

‘એમ થોડું ચાલે?’ ભૂમિના અવાજમાં થોડો રોષ હતો.

‘જે પબ્લીશર તમારી સતત પંદર નોવેલ્સ આંખ મીંચીએ પબ્લીશ કરે એ જ પબ્લીશર તમારી સોળમી નોવેલ સામે જોવા પણ તૈયાર ન હોય તો બીજું શું કરી શકીએ?’ સૌમિત્રના અવાજમાં ભારોભાર નિરાશા હતી.

‘આખી દુનિયામાં એ એકલો જ પબ્લીશર થોડો છે? અને સૌમિત્ર પંડ્યાનું નામ પણ કોઈ ઈમ્પોર્ટન્સ ધરાવે છે. તમે આટલા પોપ્યુલર છો યુથમાં...એક નોવેલ ફ્લોપ જાય એટલે આટલા વર્ષોથી કમાયેલા નામને એમ કાઈ થોડો જાકારો આપી દેવાય? અને તમારા ભવિષ્યનું શું સૌમિત્ર? મની ઈઝ નોટ એવરીથિંગ બટ ઈટ ઈઝ ધ ફર્સ્ટ આઈટમ ઇન અવર લીસ્ટ ઓફ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ્સ!’ ભૂમિના અવાજમાં રોષ જળવાઈ રહ્યો હતો.

‘મની ઈઝ નોટ એટ ઓલ અ પ્રોબ્લેમ. પંદર નોવેલ્સથી એટલું તો કમાઈ લીધું છે કે સાત પેઢી તો નહીં પણ સુભગ પછીની પેઢીને પણ કદાચ કમાવાની જરૂર નહીં પડે. બટ પ્રોબ્લેમ ઈઝ કીપિંગ માયસેલ્ફ અવે ફ્રોમ રાઈટીંગ. કશું જ લખવાનું મન નથી થતું.’ સૌમિત્રએ નિરાશાથી કહ્યું.

આ વાતો ચાલી રહી હતી. ત્યાં જ વેઈટર બંનેની કોફી સર્વ કરી ગયો.

‘તો લેક્ચર્સ આપવાનું શરુ કરો ને? આજકાલ તો એ ઇન-થિંગ છે.’ કોફીનો પહેલો ઘૂંટ ભરતા ભૂમિએ આઈડિયા આપ્યો.

‘મને કોણ બોલાવે? અને મને ભીખ માંગવાનું પસંદ નથી.’ સૌમિત્રએ સ્પષ્ટ સ્વરમાં કહ્યું અને પછી પોતાની કોલ્ડ કોફી પર તરી રહેલા આઈસ્ક્રીમને ચમચીમાં લઈને ખાવાનું શરુ કર્યું.

‘હું બોલાવીશ.’ ભૂમિએ સ્મિત સાથે કહ્યું.

‘એટલે?’ સૌમિત્રની બંને ભમરો ભેગી થઇ ગઈ.

‘હું અહિયાની એચ ડી આર્ટ્સ કોલેજની કલ્ચરલ કમિટીની હેડ છું.’ ભૂમિએ હસતાંહસતાં કહ્યું.

‘એચ ડી આર્ટ્સ? એટલે આપણી કોલેજ? ડોન્ટ ટેલ મી!’ સૌમિત્રના અવાજમાં ભારોભાર આશ્ચર્ય હતું.

‘ઓફકોર્સ આપણી કોલેજ. એન્ડ આર યુ અવેર કે અત્યારે આપણી કોલેજના પ્રિન્સીપાલ કોણ છે?’ ભૂમિએ પોતાની આંખો નચાવતા પૂછ્યું.

‘કોણ?’ સૌમિત્રના અવાજમાં ઉત્કંઠા હતી.

‘કર્ણિક સર!’ ભૂમિનો ચહેરો હસું હસું થઇ રહ્યો હતો.

‘આપણા કર્ણિક સર? જયદેવ કર્ણિક?’ સૌમિત્રનો ચહેરો આશ્ચર્યથી પહોળો થઇ રહ્યો હતો.

‘હા, સૌમિત્ર આપણા કર્ણિક સર... જયદેવ કર્ણિક સર. બોલો હવે તમને કોઈ પ્રોબ્લેમ છે?’ ભૂમિએ હસીને પૂછ્યું.

‘શું કરવા હોય? આપણી જ કોલેજમાં જ્યાં મેં મારું ફર્સ્ટ લેક્ચર આપ્યું હતું ત્યાં જ ફરીથી, એઝ ઓલ્મની.. વાઉ! હું અત્યારથી જ એક્સાઈટ થઇ ગયો છું, ભૂમિ.’ સૌમિત્રનો નિરાશાજનક અવાજ અચાનક જ ઉત્સાહથી ભરપૂર થઇ ગયો અને એનો ચહેરો પ્રફુલ્લિત થઇ ગયો.

‘બસ તો પછી પાક્કું. વેલેન્ટાઇન્સ ડે ના દિવસે જ તમારું લેક્ચર ગોઠવીએ.’ ભૂમિએ વિશ્વાસપૂર્વક કહ્યું.

‘પણ સબ્જેક્ટ?’ સૌમિત્રની ભમરો ફરીથી ભેગી થઇ.

‘હજી તમે એવા જ છો સૌમિત્ર. વેલેન્ટાઇન્સ ડે હોય પછી સબ્જેક્ટ શોધવો પડે?’ ભૂમિનું સ્મિત વધુ પહોળું થયું.

‘લવ?’ સૌમિત્ર પોતે બરોબર સમજ્યો છે કે કેમ એ કન્ફર્મ કરવા પૂછ્યું.

‘અફકોર્સ, જેમાં તમે માહેર છો. આઈ મીન એ ફીલિંગને એક્સ્પ્લેઇન કરવામાં.’ ભૂમિએ સ્મિત કર્યું.

‘તમે નહીં તું.’ સૌમિત્રએ ભૂમિની આંખમાં જોયું.

‘કેમ અચાનક તું?’ ભૂમિ ગંભીર થઇ ગઈ.

‘બસ એમ જ. હોપ તમને વાંધો નહીં હોય.’ સૌમિત્રએ ભૂમિને પૂછ્યું.

‘વાંધો તો છે અને એક શરત પણ છે.’ હવે ભૂમિએ સૌમિત્રની આંખમાં જોયું.

‘શું?’ સૌમિત્રને ઉત્કંઠા જાગી.

‘મારે તમને તું કહેવાનું અને તમારે મને તમે કહીને બોલાવવી હોય તો એનો મને મોટો વાંધો છે.’ ભૂમિ હસી પડી.

‘ઓકે, સોરી! હું હવેથી ધ્યાન રાખીશ, ઓકે? અને પેલી શરતનું શું છે?’ સૌમિત્રને બાકીનો જવાબ પણ જોઈતો હતો.

‘મને તમને મિત્ર કહીને બોલાવવાની છૂટ ફરીથી મળવી જોઈએ. આ શરત મંજૂર હોય તો જ હું તમને હવેથી તુંકારે બોલાવીશ.’ આટલું કહીને હસતાંહસતાં ભૂમિએ પોતાનો ડાબો હાથ ટેબલ પર જ સૌમિત્રના જમણા હાથ તરફ સરકાવ્યો અને એના પર મૂકી દીધો.

‘મને મંજૂર છે.’ સૌમિત્રએ હસીને ભૂમિના હાથ પર પોતાનો ડાબો હાથ મૂક્યો અને ભૂમિએ એના પર પોતાનો બીજો હાથ મુકીને આ બંધન લોક કરી દીધું.

***

પ્રકરણ ૫૦

પ્રેમ નો મતલબ અને પ્રેમ સંબંધોના આટાપાટા સમજાવતું સૌમિત્રનું લેક્ચર સમાપ્ત થતાંની સાથેજ એચ ડી આર્ટ્સ કોલેજનો સેન્ટ્રલ હોલ વિદ્યાર્થીઓની તાળીઓ, સીટીઓ અને ચિચિયારીઓથી ભરાઈ ગયો. દરેક વિદ્યાર્થી એની જગ્યાએથી ઉભો થઇ ગયો અને સૌમિત્રને વધાવવા લાગ્યો. આ બધું જોઇને સૌમિત્રની આંખોનાં ખુણાઓ ભીના થઇ ગયા. એને લાગ્યું જાણે કે અઢી વર્ષે એને ફરીથી એના જૂના દિવસો પરત મળી ગયા છે જ્યારે એના દરેક લેક્ચર કે પછી બૂક રીડીંગ બાદ આ જ પ્રમાણે એને સ્ટેન્ડિંગ ઓવેશન મળતું.

સૌમિત્ર વારાફરતી ઓડિયન્સને નમસ્કાર કરીને કે એમના તરફ હાથ હલાવીને અભિવાદન કરી રહ્યો હતો. આ તમામ તાળીઓમાં સૌથી વધારે જોશથી કોઈ તાળીઓ પાડી રહ્યું હોય તો સૌમિત્રની જમણી બાજુ પ્રોફેસર્સની દીર્ધામાં ઉભી રહેલી ભૂમિ હતી. એ પણ સૌમિત્રને ખુશ જોઇને અને એનું લેક્ચર વિદ્યાર્થીઓના દિલમાં ઉતરી ગયું હોવાનું પ્રમાણ સામે દેખાતા અત્યંત આનંદમાં આવી ગઈ હતી. સૌમિત્ર પછી સ્ટેજ પર એની સાથે જ બેસેલા એચ ડી આર્ટ્સ કોલેજનાં પ્રિન્સીપાલ જયદેવ કર્ણિકને પગે લાગ્યો તો કર્ણિકસરે એને ગળે વળગાડી દીધો. એમને પણ જાણેકે એમના પૂર્વ વિદ્યાર્થી પર અત્યારે ગર્વ થઇ રહ્યો હોય એવું એમના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું.

સૌમિત્ર જેવો સ્ટેજ પરથી નીચે ઉતર્યો કે તરતજ વિદ્યાર્થીઓના ટોળાએ એને ઘેરી લીધો. આ જોઇને ભૂમિને એ દિવસ યાદ આવી ગયો જ્યારે સૌમિત્ર આ જ હોલમાં પહેલીવાર ડિબેટ જીત્યો હતો અને ત્યારે એના સાથી વિદ્યાર્થીઓએ એને આમ જ ઘેરી લીધો હતો. ભૂમિની આંખો સામે એ દ્રશ્યો આવી ગયા જ્યારે એ આ વિદ્યાર્થીઓ ક્યારે સૌમિત્રથી દૂર થાય અને એ પોતે એને અભિનંદન આપે એની રાહ જોતી ઉભી હતી. એ દિવસે સૌમિત્ર વિષે એ લગભગ અજાણ હતી જ્યારે આજે એ એના ગળાડૂબ પ્રેમમાં હતી.

‘સર, સર, સર... સૌમિત્ર સર.... આ બાજુ પ્લીઝ.’ સૌમિત્ર વિદ્યાર્થીઓને પોતાના ઓટોગ્રાફ્સ આપી રહ્યો હતો ત્યાં જ અચાનક જ એક અવાજ આવ્યો.

અવાજ સાંભળતાં જ સૌમિત્ર આસપાસ જોવા લાગ્યો અને ભીડથી સહેજ દૂર એક પાતળો સરખો વિદ્યાર્થી પોતાનો હાથ ઉંચો કરીને સૌમિત્રનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની કોશિશ કરતો દેખાયો. સૌમિત્ર એ હસીને એને બે સેકન્ડ રોકાવાનો ઈશારો કર્યો અને પછી એ ધીરેધીરે ભીડ ચીરીને એની તરફ ગયો.

જેવો સૌમિત્ર પેલા વિદ્યાર્થી પાસે પહોંચ્યો કે એણે સૌમિત્રની પ્રથમ નોવેલ ‘ધરા’ નું કવરપેજ હટાવીને એની સામે ઓટોગ્રાફ માટે ધરી.

‘સર, માય ઓલ ટાઈમ ફેવરીટ નોવેલ છે.’ પેલા વિદ્યાર્થીએ સન્માન મિશ્રિત સ્મિત સાથે સૌમિત્ર સામે જોયું.

‘અરે તમે કદાચ સ્કુલમાં હશો ત્યારે આ પબ્લીશ થઇ હશે અને તોયે ઓલ ટાઈમ ફેવરીટ?’ સૌમિત્ર પેલા સામે હસીને બોલ્યો.

‘એક્ચ્યુલી મારા પાપાએ આ નોવેલ પરચેઝ કરી હતી અને એ પણ મુંબઈમાં તમારું બુક લોન્ચ હતું ત્યારે. જુવો, અહીંયા તમારો ઓટોગ્રાફ ડેઇટ સાથે છે.’ પેલા વિદ્યાર્થીએ સૌમિત્રના જૂના ઓટોગ્રાફ પર પોતાની આંગળી મૂકીને કહ્યું.

‘ઓહ વાઉ! તો તમારે ફરીથી ઓટોગ્રાફ કેમ લેવો છે? અને બાય ધ વે તમારું નામ?’ સૌમિત્રએ હસીને પૂછ્યું.

‘સંકેત, એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ બી પાર્ટ ઓફ ધીસ બૂક ઓલ્સો. હું જ્યારે લાસ્ટ યર એઇટીનનો થયો ત્યારે પાપાએ મને આ મારા બર્થડેની મોર્નિંગમાં જ આ નોવેલ ગિફ્ટ કરી અને કહ્યું કે તારી ઉંમર માટે આ નોવેલ એકદમ ફીટ બેસે છે. એ દિવસે સન્ડે હતો અને બપોર સુધીમાં મેં એક જ બેઠકમાં ફિનીશ કરી દીધી. સર, આ જ નોવેલે મને લવ શું છે એ શીખવી દીધું. બટ....’ આટલું કહીને સંકેત રોકાયો એનું ગળું કદાચ ભરાઈ ગયું હતું.

‘બટ?’ સૌમિત્રએ સંકેતના ખભા પર હાથ મૂક્યો.

‘મારી ગર્લફ્રેન્ડ હતી. લાસ્ટ વિક એ મને છોડીને જતી રહી. એને કોઈ મારાથી પણ સારો, વધારે હેન્ડસમ છોકરો મળી ગયો. અત્યારસુધી બધું એટલું નોર્મલ હતું સર કે આવું કશું થશે એનો મને કોઈ ડાઉટ જ ન હતો. મને તો એમ હતું કે એ પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને. અને લાસ્ટ વિક એણે મને અચાનક જ કહી દીધું કે વી આર બ્રેકિંગ અપ. સર, મને એમ લાગતું હતું કે હું પણ એક ધરાને પ્રેમ કરું છું જેમ તમારો સુમિત કરે છે, પણ અહીં તો ધરા એ મને કહી દીધું કે એ એનો પ્રેમ ભૂલી જશે એટલે હું પણ એનો પ્રેમ ભૂલી જઉં. સર કોઈ દિવસ કોઈને દિલથી કરેલો પ્રેમ ભૂલી જઈ શકાય?’ સંકેતે સૌમિત્રને પૂછ્યું.

‘આસાનીથી ભૂલી જઈ શકાય એને પ્રેમ કહેવાય? શું તું એને આ અઠવાડિયામાં ભૂલી ગયો?’ સૌમિત્રએ સંકેતનો ખભો દબાવ્યો.

સંકેતે નકારમાં ડોકું ધુણાવ્યું એની આંખો ભીની હતી.

‘બસ, આઈ થિંક તને તારા સવાલનો જવાબ મળી ગયો હશે. પહેલો પ્રેમ નથી ભૂલાતો. તને કદાચ ભવિષ્યમાં કોઈ વધુ સારી છોકરી સાથે ફરીથી પ્રેમ થશે, તું ગમે તે કર અને ભલે તારી ગર્લફ્રેન્ડે તને ભલે ડીચ કર્યો છે પણ તને એ ક્યારેય નહીં ભૂલાય, ભલેને આવનારા વર્ષોમાં તું તારી નેક્સ્ટ ગર્લફ્રેન્ડને કે પત્નીને ખૂબ પ્રેમ કરવા લાગીશ. બસ, આપણે એ પહેલા પ્રેમને યાદગીરીની કોઈ પેટીમાં સંઘરીને એ પેટી મગજના દૂરના ખૂણે મૂકી દેવી છે કે પછી આપણી આસપાસ મુકીને એને રોજેરોજ કે વારંવાર ખોલીને જોતા રહેવી છે એ નિર્ણય આપણે જ લેવાનો છે. એને ભૂલવાની કોશિશ બિલકુલ ન કરતો, નહીં તો એ બમણા જોરથી તારા દિલોદિમાગ પર હાવી થઇ જશે. એક્સેપ્ટ કર કે તું હજી એને પ્રેમ કરે છે, લેટ ધેટ ફિલિંગ કમ નેચરલી ટુ યુ. એ જેટલી નેચરલી આવશે એટલી જ આસાનીથી અને ઝડપથી જઈ શકશે... ટેમ્પરરી. એના વિચારો રોજ આવશે, ફરી ફરીને આવશે, પણ એના વિચાર સાથે કોઈજ સંઘર્ષ ન કરતો. એમને આવવા દેજે, મહેમાન બનીને એ જતા રહેશે. હા, એ છોકરીને લીધે જીવનભર એકલા રહેવાનો નિર્ણય બિલકુલ ન કરતો. કદાચ કોઈ બીજું તારા સાચા પ્રેમને માંગતું હશે. એને આ પ્રેમ આપજે. બસ આટલું કરીશ તો તું તારા આવનારા લાઈફ પાર્ટનરને જ નહીં પણ તારા માતા-પિતા ને પણ અન્યાય નહીં કરે જેમણે તારા માટે જરૂર આટલાં બધાં સપનાંઓ જોયા હશે. રાઈટ?’ સૌમિત્રએ સ્મિત સાથે સંકેતમાં આત્મવિશ્વાસ ભરવાની કોશિશ કરી.

‘થેક્યું વેરી મચ સર... આઈ એમ રિયલી ફીલિંગ બેટર. હું હવે ફાઈટ કરી લઈશ મારી લાઈફ સાથે.’ સંકેતે સૌમિત્રનો હાથ પકડી લીધો.

‘અં .. અં... લાઈફ આપણી જ છે એની સાથે ફાઈટ ન કરાય, એની સાથે કાયમ સમજૂતી કરી લેવાની દોસ્ત! ઓલ ધ બેસ્ટ!’ આટલું કહીને સૌમિત્ર સ્ટેજ તરફ વળ્યો.

સ્ટેજ તરફ ચાલતાં ચાલતાં સૌમિત્રને અચાનક જ વિચાર આવ્યો કે હમણાં એણે જે સંકેતને સલાહ આપી એ તો એની જિંદગી સાથે પણ જોડાયેલી હકીકત છે. કદાચ એ ભૂમિના પ્રેમને પણ એક પેટીમાં બંધ કરીને એના મગજના દૂરના ખૂણામાં મૂકીને આવ્યો હતો અને એને એમ લાગી રહ્યું હતું કે આમ કરવાથી એ ભૂમિના પ્રેમને ધીરેધીરે ભૂલી જશે અને આ પેટી એનાથી સદાય દૂર જ રહે એવા વિચાર સાથે એ સતત સંઘર્ષ કરતો રહ્યો કારણકે એને ડર હતો કે ભૂમિનો પ્રેમ એને જો યાદ આવશે તો એ પોતાના કુટુંબ સાથે અન્યાય કરી બેસશે. પણ જો એણે ભૂમિના વિચારોને કુદરતી રીતે આવ-જા કરવા દીધા હોત તો કદાચ એને એટલીબધી તકલીફ ન પડી હોત જે એને ધરાના દૂર ગયા બાદ પડી રહી છે.

આમ વિચારતાં સૌમિત્રને તરતજ ભૂમિનો વિચાર આવ્યો કે એ પણ ક્યાં એના પ્રથમ પ્રેમને એટલે કે સૌમિત્રને ખુદને ભૂલી શકી હતી. બલ્કે ભૂમિતો સૌમિત્રની સાથે રહેવા માટે કાયમ મથામણ કરી રહી હતી એ એને સ્પષ્ટ દેખાતું હતું પણ ધરાનું રિએક્શન શું હશે એ વિચારે એણે ભૂમિને સતત અવોઇડ કરી. હવે ધરા એના પિતાની મદદના બહાને સૌમિત્રથી સંપૂર્ણપણે અળગી થઇ ગઈ છે ત્યારે ભૂમિ ફરીથી એનો ભાવનાત્મક સહારો બનીને આવી છે જેની એને અત્યારે એના નબળા સમયમાં ખુબ જરૂર હતી.

સંકેત જ્યાં ઉભો હતો ત્યાંથી સ્ટેજ માત્ર અમુક ડગલાં જ દૂર હતું, પણ આ દરમિયાન સૌમિત્રના મનમાં પ્રકાશની ગતિથી પણ વધારે ઝડપથી આ તમામ વિચારો આવી ગયા અને સ્ટેજ પર પહેલું કદમ મૂકતાની સાથે જ એણે નિર્ણય કરી લીધો કે હવે તે ભૂમિને બિલકુલ નહીં ટટળાવે પણ હવે એ અને ભૂમિ એકબીજાનો ટેકો બની રહેશે.

‘સર, હવે મારે વિદાય લેવી જોઈએ.’ કર્ણિક સર સાથે હાથ મેળવતાં સૌમિત્ર બોલ્યો.

‘વિદાયની વેળા કાયમ વસમી હોય છે શ્રીમાન સૌમિત્ર. તમારા જેવા આદર્શ વિદ્યાર્થીઓ જ્યારે અપ્રતિમ લોકપ્રિયતા પામીને આપણા વિશ્વવિદ્યાલયનું નામ વૈશ્વિક ફલક પર ઝળહળતું રાખે ત્યારે એમ કોઇપણ પ્રકારનો યથાર્થ વાર્તાલાપ કર્યા વગર આમ ત્વરિતતાથી એમની વિદાય લેવી ગમે નહીં. પરંતુ, તમારો સમય પણ કિંમતી છે એ મને જ્ઞાત છે. બસ આવી જ રીતે કોઈ વખત સમયનો ખાસ પ્રબંધ કરીને ફરીથી વિશ્વવિદ્યાલય મધ્યે કે મારા નિવાસસ્થાને આવશો તો ચર્ચા કરવાની મજા આવશે. પ્રાધ્યાપિકા ભૂમિ, આપ શ્રીમાન સૌમિત્રને એમના નિવાસસ્થાને મૂકી આવવાની આપણી પ્રથાનું પાલન કરશો અને શ્રીમાન જ્યારે ફરીથી અમારી સાથે વાર્તાલાપ કરવાની ઈચ્છા દર્શાવે ત્યારે આપ પણ એમની સાથે જરૂર પધારશો તો અમારો આનંદ બેવડાશે.’ પ્રોફેસર જયદેવ કર્ણિકે આટલા વર્ષે પણ પોતાનો આગવો અંદાજ છોડ્યો ન હતો.

‘જરૂર સર, હું બહુ જલ્દીથી તમારો..... સંપર્ક કરીશ.’ સૌમિત્ર કોન્ટેક્ટ બોલવા જતો હતો ત્યાં જ એને અચાનક જ કર્ણિક સરને ગમે એટલે સંપર્ક શબ્દ બોલવો જોઈએ એમ યાદ આવી ગયું, એ એમને પગે લાગ્યો.

ભૂમિ પણ કર્ણિક સરને પગે લાગી.

‘ઘરે જઈશું?’ સૌમિત્ર ભૂમિની કારમાં આવ્યો હોવાથી એણે ભૂમિને પૂછ્યું.

‘હજી એક સરપ્રાઈઝ બાકી છે. આપણે લંચ સાથે કરીએતો?’ ભૂમિએ સૌમિત્ર સામે જોયું.

‘મને લંચનો વાંધો નથી પણ સરપ્રાઈઝ? હવે શું છે ભૂમિ?’ સૌમિત્ર હસી પડ્યો.

‘મારે રજીસ્ટરમાં સાઈન કરીને અને કાલનો થોડોક પ્રોગ્રામ નક્કી કરવામાં પંદર વીસ મિનીટ લાગશે. તું નીચે પાર્કિંગમાં મારી રાહ જોઇશ?’ ભૂમિએ સૌમિત્રને વિનંતીના સ્વરમાં કહ્યું.

‘શ્યોર.’ સૌમિત્ર હસીને દાદરા તરફ વળ્યો.

સેન્ટ્રલ હોલ કોલેજના ત્રીજે માળે હતો અને ત્યાંથી સૌમિત્ર એકએક દાદરો ઉતરતા એની કોલેજકાળની તમામ યાદોને વાગોળવા લાગ્યો. વ્રજેશ, હિતુદાન અને એની એમ ત્રણેય મિત્રોની વાતો એમની મસ્તી જે એમણે આ દાદરા પર ત્રણ ત્રણ વર્ષ સુધી કરી હતી એ બધુંજ એને યાદ આવી ગયું. એક વખત એણે ભૂમિનો પીછો પણ અહીં આ દાદરાથી જ છેક યુનિવર્સીટી બસ સ્ટેન્ડ સુધી કર્યો કર્યો હતો એ પણ એણે યાદ કર્યું. આમ વિચારતાં વિચારતાં એ પહેલા માળે આવ્યો અને જમણી તરફ જોયું જ્યાં ખૂણાના એક રૂમનું બારણું અધખુલ્લું હતું. આ એ જ રૂમ હતો જ્યાં એણે ભૂમિને જજ તરીકે ટ્રેડીશનલ ડ્રેસ કોમ્પીટીશનમાં વિજેતા તરીકેના માર્ક્સ આપ્યા હતા અને એ સમયે એના અને ભૂમિના અબોલા ચાલી રહ્યા હતા.

ગ્રાઉન્ડ ફ્લોર પર આવતાં સૌમિત્ર પરસાળ પસાર કરીને પાર્કિંગ તરફ ચાલી રહ્યો હતો. આ રસ્તો અને કોલેજનું મુખ્ય દ્વાર જ્યાં મળતાં હતા એ મોટો હોલ આવ્યો અહીંયા સૌમિત્રને ભૂમિએ સૌમિત્રને કોલેજની શોર્ટ સ્ટોરી કોમ્પિટિશનમાં એને કર્ણિકસરે સ્પેશિયલ મેન્શન આપ્યું છે એ સમાચાર કોલેજ મેગેઝીનમાંથી વાંચીને સંભળાવ્યા હતા એ સ્થળ દેખાયું. સૌમિત્રએ એ ભીંત જ્યાં તે દિવસે ભૂમિ ટેકો દઈને એ મેગેઝીનમાં સૌમિત્રનું નામ શોધી રહી હતી એને સહેજ સહેલાવી.

આમ આખરે સૌમિત્ર પાર્કિંગમાં આવી પહોંચ્યો અને ભૂમિની કાર પાસે ઉભો રહ્યો. કોલેજ અને ભૂમિની યાદગીરી અહીં પણ એની સાથે જ આવી. આ એજ સ્થળ હતું જ્યાં ઝાડીઓ પાછળ હિતુદાન સાથે છુપાઈને સૌમિત્રને મિસ યુનિવર્સીટી સાથે વાતો કરતા જોઇને ભૂમિ પગથી માથા સુધી બળી ગઈ હતી અને એણે એની સાથે બોલવાનું સાવ બંધ કરી દીધું હતું. સૌમિત્ર આ યાદ કરતાં જ હસી પડ્યો અને એણે હસતાંહસતાં પોતાનું ડોકું ધુણાવ્યું અને બોલી પડ્યો, ‘ગાંડી તે સાવ જ ગાંડી!’

***

‘હોળી મિલનને હવે દોઢ મહિનો રહ્યો જગતા...’ એક હાથથી સિગરેટ અને બીજા હાથની હથેળી ઉંચા થઇ ગયેલા ધોતિયાને વધારે ઊંચું ખસેડીને પોતાની જમણી જાંઘ પર ફેરવતા સેવાબાપુ એ જગતગુરુને યાદ દેવડાવ્યું.

‘એની ફિકર નો કરો બાપુ. હંધુય હારી રીતે પતી જાહેં.’ સેવાબાપુએ ધરેલી સિગરેટમાંથી કશ ખેંચીને જગતગુરુએ જવાબ આપ્યો.

‘મને હોળી મિલન ઉત્સવની જરાય ચિંતા નથી જગતા મને તો બીજા મિલનની રાહ છે જે હવે નથી જોવાતી.’ સેવાબાપુની આંખો બંધ હતી. ચહેરા પર મંદમંદ મુસ્કાન હતી.

‘લાગે સે અંતે હાવજે ઓલ્યા હરણનો સીકાર કરવાનું નક્કી કરી દીધું હેં ને?’ જગતગુરુ પણ હસીને બોલ્યો.

‘હા જગતા.. હમણાં તો લગભગ રોજ મળવાનું થાય છે, હોળી મિલનની તૈયારી કરવા આશ્રમમાં આવે એટલે એને રોજ અહીં CCTVમાં જોવું છું અને મારા મનની મનમાં રહી જાય છે. જબરા કપડા પહેરે છે. આજ તો વળી સ્લીવલેસ ટોપ અને નીચે ચસોચસ જીન્સ પેન્ટ પહેર્યું હતું. ઉફ્ફ એના એ ગોરા ગોરા હાથ, પાછળથી એને ચોંટી વળેલા જીન્સમાંથી દેખાતા સુંદર અને વ્યવસ્થિત આકારવાળા એના .....હોળી મિલનની રાત્રે જ કાઈક કરવું પડશે જગતા.... હવે મારાથી નહીં રહેવાય.’ આટલું બોલીને સેવાબાપુએ એક લાંબો કશ ખેંચ્યો.

‘ઈ બધું આ જગતા પર સોડી દ્યો બાપુ. હું હંભાળી લઇસ. તમે બસ ઈ રાયતે ઈની હાયરે હું હું કરહો ઈ વસારે રાખો અટલે ઈ વખતે તમારે જાજું વસારવું નય.’ જગતગુરુએ સેવાબાપુને ધરપત આપી.

‘બસ, તો આ હોળીએ સવારે આ સેવાબાપુ ભક્તો સાથે આત્મા અને પરમાત્માનું મિલન કરશે અને રાત્રે ધરા સાથે અમારા એના અને મારા શરીરોનું મિલન કરાવશે.’ આટલું બોલતાં જ સેવાબાપુએ પોતાની બંને આંખો સજ્જડ બંધ કરી દીધી અને જાણેકે વર્ષો બાદ ધરાનું નામ એમની જીભેથી આમ અચાનક જ નીકળી ગયું એની ઉત્તેજનાને એમણે આ રીતે કાબૂમાં લીધી.

***

‘વાહ! હોટલ ઓલીવ? લાગે છે મેડમ આજે ખર્ચો કરવાના મૂડમાં છે.’ ભૂમિએ એસ જી હાઈવેની પ્રમાણમાં મોંઘી કહેવાતી હોટલ ઓલીવ પાસે પોતાની કાર રોકતાં જ સૌમિત્ર બોલી પડ્યો.

‘આપણી કોલેજના એરિયામાં કોઈ સારી હોટેલ નથી અને જે સરપ્રાઈઝ મારે તને આપવું છે એના માટે આનાથી વધુ સારી હોટેલ નહીં મળે એટલે પછી અહીંયા લઇ આવી.’ ભૂમિએ હસીને જવાબ વાળ્યો.

‘હવે મારાથી આ એક્સાઈટમેન્ટ નહીં સહન થાય. આખા રસ્તે તું થોડી વાર રાહ જો, થોડી વાર રાહ જો એમ બોલતી રહી, પણ હવે આપણે ટેબલ પર બેસીએ એટલે તારે મને તરતજ આ સરપ્રાઈઝ શું છે એ કહી દેવાનું છે.’ સૌમિત્ર રેસ્ટોરન્ટની સીડી ચડતાં રોકાઈ ગયો.

‘ના આપણે લંચનો ઓર્ડર આપીએ પછી હું કહીશ, પ્રોમિસ!’ ભૂમિએ પોતાની આંખો નચાવી.

‘તો હું નથી આવતો.’ સૌમિત્ર હસીને એક પગથીયું ઉતરી ગયો.

‘ઓકે બાબા, તું જીત્યો. આપણે બેસીએ કે તરત જ કહીશ. હવે તો આપશ્રી આવો છો ને?’ ભૂમિ હસી પડી.

જવાબમાં સૌમિત્રએ હસીને પોતાનું ડોકું હકારમાં ધુણાવ્યું અને હાથ લાંબો કરીને ભૂમિના માથા ના વાળ વિખેરી દીધા અને સીડી ફરીથી ચડવા લાગ્યો.

ભૂમિ બે-પાંચ સેકન્ડ ત્યાં જ ઉભી રહી. વર્ષો બાદ સૌમિત્રએ એના વાળ આ રીતે વિખેર્યા હતા. ભૂમિએ નજરો ઉંચી કરીને એની સામે આવી ગયેલી એની લટોને જોઈએ હસવા લાગી.

‘ચલ વળી ક્યાં ઉભી રહી ગઈ?’ ભૂમિ સાથે ન આવતાં સૌમિત્રએ પાછળ વળીને કહ્યું.

‘હેં? ઓહ હા..’ ભૂમિ અચાનક જ ભાનમાં આવી અને સીડી ચડવા લાગી.

ઓલીવ રેસ્ટોરન્ટનો આકાર ગોળાકાર હતો. ભૂમિએ દૂર પડેલા એક ટેબલ પર નજર નાખી જે એને અત્યારે સૌમિત્ર સાથે વાતો કરવા માટે યોગ્ય લાગ્યું અને એ તરફ ચાલવા લાગી. સૌમિત્ર પણ ભૂમિ પાછળ દોરવાયો.

‘યસ... હવે બોલ શું સરપ્રાઈઝ છે.’ સોફા પર બેસતાં જ સૌમિત્રએ ભૂમિને પૂછ્યું.

‘એક મિનીટ!’ આટલું બોલીને ભૂમિએ પોતાની હેન્ડીની ચેઈન ખોલી.

હેન્ડીના વચ્ચેના ખાનામાંથી ભૂમિએ એક સફેદ કલરનું કવર કાઢ્યું અને હસીને ટેબલ પર મૂકી અને સૌમિત્ર તરફ સરકાવ્યું.

‘આ શું છે?’ કવર તરફ નજર નાખતાં સૌમિત્રએ ભૂમિને પૂછ્યું.

‘સરપ્રાઈઝ!’ ભૂમિએ પોતાની મોટીમોટી આંખો પોતાના સમગ્ર ચહેરા સાથે ગોળગોળ ફેરવી.

‘અચ્છા જી! ચલો તો જોઈએ તમારું આ સરપ્રાઈઝ શું છે.’ આટલું બોલીને સૌમિત્રએ કવર હાથમાં લીધું.

સૌમિત્રએ કવર ખોલ્યું અને એમાં પોતાની પહેલી બંને આંગળીઓ નાખી અને એમાં રહેલા જાડા સરખા કાગળને પકડીને બહાર કાઢ્યો અને એને ઉલટાવીને જોયો તો એ એના નામનો અઢી લાખ રૂપિયાનો એક ચેક હતો જે XYZ Publications Pvt. Ltd. ના ડિરેક્ટર તરુણ પટેલે સાઈન કર્યો હતો.

સૌમિત્ર અવાચક બનીને ભૂમિ સામે જોઈ રહ્યો અને ભૂમિ સૌમિત્ર સામે સ્મિત રેલાવતી રહી.

***

પ્રકરણ ૫૧

‘આ..આ.. ચેક શેનો છે ભૂમિ?’ સૌમિત્રને ખબર નહોતી પડી રહી કે આ ચેક લખનાર પબ્લીશરને એ ઓળખતો પણ નથી અને એણે એને માટે કશું લખ્યું પણ નથી તો પછી એણે એના નામનો ચેક કેવી રીતે મોકલ્યો અને એ પણ ભૂમિ લઇ આવી?

‘તરુણ પટેલ મારા કઝીન છે સૌમિત્ર. તને યાદ હોય તો કોલેજમાં જ્યારે તને રાઈટીંગ પ્રત્યે રસ જાગ્યો હતો ત્યારે મેં જ તને કહ્યું હતું કે તું મહેનત કર અને મારા કઝીન પબ્લીશર છે એ તારી શોર્ટ સ્ટોરીઝ પબ્લીશ કરશે?’ ભૂમિ સૌમિત્રને જાણેકે કશુંક યાદ દેવડાવવા માંગતી હોય એવા સ્વરમાં બોલી.

‘હા... હા.... હા... મને યાદ આવ્યું.’ સૌમિત્રને પણ એ દિવસ યાદ આવી ગયો.

‘બસ, તો મેં ફક્ત મારું પ્રોમિસ પૂરું કર્યું છે મિત્ર.’ ભૂમિએ ટેબલ પર સૌમિત્રએ મુકેલા હાથ પર પોતાનો હાથ મૂકીને એને દબાવ્યો.

‘હું શું કરું? શું રીએક્શન આપું, એની મને ખબર નથી પડી રહી, ભૂમિ? તને થેન્ક્સ કહું તો એ તારું, તારા આ સપોર્ટનું અને આપણા સંબંધનું અપમાન હશે.’ સૌમિત્રની આંખમાં આંસુ હતા.

‘તું કોઈજ રીએક્શન ન આપ મિત્ર. તું અને હું અલગ થોડા છીએ? આપણે એકબીજા માટે કશું કરીએ એ આપણા ખુદ માટે જ કરીએ છીએને?’ ભૂમિએ સૌમિત્રના આંગળા વધુ દબાવ્યા અને પછી પોતાની આંગળીઓ એના પર ધીરેધીરે ફેરવવા લાગી.

‘ઠીક છે, હું કશું જ નહીં કહું. પણ મારે તરુણભાઈને મળવું તો પડશે ને? મને જોયા જાણ્યા વગર આમ અઢી લાખનો ચેક આપી દેનાર વ્યક્તિ કોણ છે એ મારે જાણવું છે.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

‘ચોક્કસ, તું કે’ ત્યારે આપણે તરુણભાઈને મળીશું. અને હા! એમણે એક મેસેજ પણ આપ્યો છે તારા માટે.’ ભૂમિએ પોતાની લટ કાન પાછળ સરકાવતાં કહ્યું.

‘બોલ ને? કયો મેસેજ?’ સૌમિત્ર ભૂમિ સામે જોઇને બોલ્યો.

‘એ જ કે એ બહુ મોટા પબ્લીશર નથી એટલે તને અત્યારે તો માત્ર ટોકન જ આપી રહ્યા છે. પછી જ્યારે આપણે એમને મળવા જઈએ ત્યારે બાકીની ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ આપણે સામસામે બેસીને નક્કી કરી લઈશું, પણ જો નોવેલ હીટ થશે તો તારે પૈસાની કોઈજ ચિંતા કરવાની જરૂર નથી.’ ભૂમિએ તરુણ પટેલનો મેસેજ આપતાં કહ્યું.

‘મારા માટે તો અત્યારે તરુણભાઈ સૌથી મોટા પબ્લીશર છે કારણકે મારી એક માત્ર નિષ્ફળતાથી મારો વર્ષોજૂનો પબ્લીશર મારાથી દૂર થઇ ગયો અને બીજો કોઈજ મારો હાથ પકડવા સામે ન આવ્યો, ત્યારે માત્ર તારા વિશ્વાસે એમણે મને આટલી મોટી સાઈનિંગ અમાઉન્ટ આપી દીધી. ભૂમિ, આ ચેક હું જમા નહીં કરું.’ સૌમિત્રએ સ્મિત સાથે કહ્યું.

‘અરે! પણ કેમ?’ ભૂમિના ચહેરા પર ભારોભાર આશ્ચર્ય હતું.

‘આપણે જ્યારે એમને મળવા જઈશું ત્યારે હું એમને મારી નેક્સ્ટ નોવેલ ધ ડર્ટી દેવની સોફ્ટ કોપી સાથે આ ચેક પાછો આપીશ અને કહીશ કે એ આ નોવેલ પબ્લીશ કરે અને એમનો ખર્ચો એમને મળી જાય પછી એમના નફામાંથી મને માત્ર દસ ટકા મારી રોયલ્ટી આપે. મને વિશ્વાસ છે કે આ નોવેલથી હું આ અઢી લાખથી પણ ખૂબ વધારે અમાઉન્ટનો ચેક તરુણભાઈ પાસેથી આજથી છ મહીને કે એક વર્ષ બાદ લઈશ.’ સૌમિત્રનો આત્મવિશ્વાસ એના શબ્દે શબ્દમાં ટપકતો હતો.

‘વાઉ! અત્યારસુધી આ કોન્ફિડન્સ ક્યાં હતો મિત્ર?’ ભૂમિએ હસીને પૂછ્યું.

‘ક્યાંક ખોવાઈ ગયો હતો જેને તે શોધી આપ્યો.’ સૌમિત્રએ જવાબ આપ્યો.

સૌમિત્રનો જવાબ સાંભળીને ભૂમિના ચહેરા પર ગર્વસભર સ્મિત આવ્યું અને એ બંને એકબીજા સામે જોવા લાગ્યા.

***

‘હોળી મિલન દર વરહની ઝેમ હાઈંજે હોલિકા દહન પસી પૂરું થાહે. પરસોતમભાયને પ્રસાદ લયને અને રાય્તે આયાં જ રોકાઈ જવાનો આગ્રહ તમારે કરવાનો સે બાપુ, કારણકે ઈ તમારા સીવાય કોયનું નય માને.’ જગતગુરુ સેવાબાપુને સમજાવી રહ્યો હતો.

‘એ મારો પડ્યો બોલ ઝીલે છે જગતા તને ખબર તો છે, પણ એની છોકરી... હવે ભલે એ મારા કાબુમાં છે પણ એને જો ઘેર જવાની ઈચ્છા હશે તો એ પૂરી કરશે જ. ખૂબ જીદ્દી છે.’ પોતાના સિંહાસન પર પલાંઠી મારીને બોલ્યા.

‘એની ઇસ્સા હોય કે નો હોય ઈ પણ આયાં જ રેસે ઈની ફિકર તમે નો કરો. તમારે પરસોતમભાયને મનાવી લેવાના સે બહ.’ જગતગુરુએ હસતાંહસતાં કીધું.

‘એટલે તારો પ્લાન શું છે?’ સેવાબાપુએ પોતાની ભ્રમરો ભેગી કરીને પૂછ્યું.

‘ઈ જ કે ધરાના દૂધપાકમાં ઘસારો ભેરવી દેવાનો અટલે ઈ પોતે જ એના બાપને કે’સે કે આયજ આયાં જ આશ્રમમાં રઈએ.’ જગતગુરુએ આંખ મારતાં કહ્યું.

‘ના..ના..ના.. આટલા બધા વર્ષની તપસ્યા બાદ મને એ ભોગવવા મળવાની છે, મારે એને આમ બેભાનાવસ્થામાં નથી ભોગવવી જગતા. મારા માટે એની સામી ક્રિયા-પ્રતિક્રિયા બહુ જરૂરી છે.’ સેવાબાપુએ પોતાનું માથું નકારમાં ધુણાવતા કહ્યું.

‘બાપુ, ઘસારો પૂરેપૂરો નય નાખું. ઈ અરધી ભાનમાં જ રેહે, પણ એને ઈ વખતે ખબર નય પડે કે ઈને કોણ ભોગવે સ. તમારા નસીબ સારા હઈસે તો તમને સાથ પણ આપસે. તમે સીન્તા નો કરો.’ જગતગુરુના મોઢા પર હાસ્ય અકબંધ રહ્યું હતું.

જગતગુરુનો આખો પ્લાન સમજાઈ જતાં સેવાબાપુએ એની સામે લુચ્ચું સ્મિત કરીને આંખ મારી.

***

‘અને આ થઇ ગઈ તારી સ્પીચ લાઈવ.’ યુટ્યુબ પર સૌમિત્રની એચ ડી આર્ટ્સની સ્પીચ લાઈવ કરતાં જ ભૂમિ બોલી.

‘વાહ! બસ તો હવે હું એને ફેસબુક પેઈજ પર શેર કરી દઉં રાઈટ?’ સૌમિત્રએ ભૂમિનું લેપટોપ પોતાની તરફ સરકાવતાં પૂછ્યું.

‘યેસ.. તું લીંક શેર કર ત્યાંસુધીમાં હું આપણા માટે મસ્ત કોફી બનાવી આવું.’ આમ કહેતાં જ ભૂમિ રસોડા તરફ ચાલવા લાગી.

સૌમિત્ર છેલ્લા દસ દિવસમાં ત્રીજી વખત ભૂમિને ઘરે આવ્યો હતો. પોતાના ઘરે તો જનકભાઈ અને સુભગ હાજર હોય એટલે એ ભૂમિને મળી શકે એમ ન હતો. આજકાલ વરુણ એના ક્લાયન્ટ સાથે ચાઈનાની વિઝીટે હતો એટલે ભૂમિએ જ બપોરે જ્યારે પણ સૌમિત્રનું મન થાય ત્યારે ઘેરે આવી જવા માટે કહ્યું હતું. જાનકીની ઉંમર સુભગ કરતાં નાની એટલે એ ભૂમિને વધુ કશું પૂછે એમ ન હતી. ઉપરાંત બપોરના સમયે એ એના રૂમમાં બે કલાક સુઈ જતી હતી. આમ સૌમિત્ર પોતાની અને ભૂમિની એકલતા ભાંગવા હમણાં હમણાં બે-ત્રણ દિવસના અંતરે ભૂમિને ઘરે આવતો હતો.

ભૂમિએ જ સૌમિત્રને એની એચ ડી આર્ટ્સની સ્પીચ યુટ્યુબ પર લોડ કરવાની સલાહ આપી હતી. ભૂમિનું સ્પષ્ટ પણે માનવું હતું કે એની કમબેક નોવેલ આવે ત્યાંસુધીમાં એણે એના રીડર્સ સાથે ફરીથી સંબંધ બાંધવો ખૂબ જરૂરી હતો અને આથી જ એ રોજ અમુક કલાક સોશિયલ મીડિયા પર ગાળે અને બને તો રોજ અથવાતો એકાંતરે બ્લોગ પણ લખે અને ફેસબુક અને ટ્વીટર પર એને શેર પણ કરે. સોશિયલ મીડિયા અવેરનેસ સૌમિત્ર કરતાં ભૂમિમાં વધારે હતી આથી સૌમિત્રએ ભૂમિની સલાહ માનવાનું નક્કી કર્યું હતું.

‘કોફી ઈઝ રેડી...’ રસોડામાંથી ટ્રેમાં બે મોટા કોફી મગ લઈને આવેલી ભૂમિએ ટ્રે ને ટેબલ પર મુકતાં કહ્યું.

‘થેન્કયુ... મચ નીડેડ! ક્યારની તલબ લાગી હતી. ઘણા વખતથી સારી કોફી માટે તરસી રહ્યો હતો.’ સૌમિત્રએ હસીને કહ્યું.

‘તો લીજીયે જનાબ આપ આરામથી કોફી પીઓ. શું કરે છે?’ લેપટોપ પોતાની વિરુદ્ધ દિશામાં હતું અને સૌમિત્ર કશું લખી રહ્યો હોય એવું ભૂમિને લાગતાં એણે પૂછ્યું.

‘અરે કશું નહીં મારો એક રીડર છે, દેવલ શાહ. ગાંડો છે સાવ.’ સૌમિત્ર લેપટોપના સ્ક્રીન તરફ જોઇને હસતાંહસતાં બોલ્યો.

‘ગાંડો એટલે? સમજી નહીં.’ ભૂમિએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

‘એને મારી લાસ્ટ નોવેલ ડીયર હસબન્ડ જરાય નહોતી ગમી.’ સૌમિત્ર બોલ્યો.

‘એ તો આખા ઇન્ડિયામાં કોઈનેય નહોતી ગમી.’ ભૂમિએ આંખ મારી.

‘જસ્ટ શટઅપ ઓકે?’ સૌમિત્ર પણ હસ્યો.

‘ઓકે, ઓકે.. પછી?’ ભૂમિએ પૂછ્યું.

‘પછી એક દિવસ એ ફેસબુક પર મારી સાથે ઝઘડી પડ્યો. અમે એકબીજાની સામે આવી ગયા. બસ ગાળો દેવાની જ બાકી રાખી હતી.’ સૌમિત્ર હજીપણ હસી રહ્યો હતો.

‘ઓહ, અચ્છા? પછી?’ ભૂમિને ઉત્કંઠા થઇ.

‘હવે આજે એણે મેં હમણાં જે મારી સ્પીચ પર પેઈજ પર શેર કરી એ એણે થોડી જોઈ અને કમેન્ટ કરી દીધી કે એને ખબર જ હતી કે એના ફેવરીટ રાઈટર જરૂરથી કમબેક કરશે અને એ મારી નેક્સ્ટ નોવેલ બહુ જલ્દીથી આવે એની રાહ જોશે કારણકે આ સ્પીચમાં એને મારો એ કોન્ફીડન્સ દેખાયો જે એને ડીયર હસબન્ડમાં નહોતો દેખાયો.’ સૌમિત્ર હજીપણ એની સામેના ટેબલ પર પડેલા લેપટોપ પર જોઇને બોલી રહ્યો હતો.

‘વાઉ! પણ તમે લોકોએ જો એકબીજાને ગાળો આપવાની જ બાકી રાખી હતી તો એનામાં આ ચેઈન્જ કેવી રીતે આવ્યો?’ કોફીનો ઘૂંટ પીતા ભૂમિએ પૂછ્યું.

‘મારી એક બીજી રીડર ફેન છે એને કારણે. એનું નામ પિંકી ઉપાધ્યાય છે. અમારી આ લડાઈ જ્યારે ચરમસીમાએ હતી ત્યારેજ પિંકીએ મને ઈનબોક્સમાં મેસેજ મોકલીને મને સમજાવ્યું કે હું જે લેવલે છું એ લેવલે પછી દેવલ જેવા લોકોને બહુ એન્ટરટેઈન ન કરાય. બીજી જ મિનિટે મારો ગુસ્સો ઓગળી ગયો. મેં દેવલને ઇગ્નોર કરવાનું શરુ કર્યું. પણ એ દિવસથી હું અને પિંકી રેગ્યુલર ટચમાં છીએ. એણે મારી તમામ નોવેલ્સ વાંચી છે અને એના એકેએક કેરેક્ટર્સ યાદ છે. અહીં અમદાવાદમાં જ રહે છે, પણ મળવાની ના પાડે છે, કદાચ એ મેરીડ હશે એટલે... એનીવેઝ, પણ પિંકી જેવા રીડર્સથી જ મારા જેવા રાઈટર્સ ટકી શકે છે અને આ દેવલને જો, જ્યારે હું ડાઉન હતો ત્યારે મને ગાળો દીધી અને હવે જરાક મારી સ્પીચ સાંભળી અને એમાં મારો કોન્ફિડન્સ જોયો એટલે એણે પાટલી બદલી.’ સૌમિત્રએ હસીને પોતાનું ડોકું ડાબે-જમણે હલાવ્યું.

‘પિંકી ઉપાધ્યાય મેરીડ છે, હું એને ઓળખું છું. તારે એને મળવું હોય તો અત્યારે જ મેળવી આપું.’ પોતાની કોફી પૂરી કરતાં ભૂમિ બોલી.

‘એટલે?’ સૌમિત્ર એ હજીતો એની કોફીનો મગ હાથમાં જ લીધો હતો ત્યાંજ ભૂમિની વાત સાંભળતા એ ચોંકી ઉઠ્યો અને મગ ફરીથી ટેબલ પર મૂકી દીધો.

‘આ રહી પિંકી ઉપાધ્યાય...તારી સામે જ બેઠી છે!’ ભૂમિના ચહેરા પર સ્મિત હતું.

‘એટલે? મને તું બરોબર સમજાવ, હું કન્ફયુઝ થઇ ગયો છું. તું પિંકી ઉપાધ્યાય કેવી રીતે હોઈ શકે?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘એ મારી ફેક પ્રોફાઈલ છે મિત્ર. તે દિવસે વ્રજેશભાઈના રીસેપ્શનમાં તે મને ફરીથી ન મળવાની ફરજ પાડી તે પછી પણ હું તને ભૂલી ન શકી. હું માનું છું કે તારી તરફ સતત ખેંચાણ અનુભવવા પાછળ વરુણનું ઇગ્નોરન્સ મોટાભાગે જવાબદાર છે પણ સાથેસાથે મને એક સેકન્ડ પણ એમ નહતું લાગતું કે મારો તારા પ્રત્યેનો પ્રેમ ઓછો થયો હોય કે ઓછો થઇ શકે એમ છે. એટલે થોડા દિવસ પછી મેં નક્કી કર્યું કે હું કોઈને કોઈ રીતે તને ફોલો કરીશ અને ફેસબુકમાં તું એક્ટીવ છો અને તમામ વાચકોને તું જવાબ આપતો રહે છે એની મને ખબર હતી. પણ મને એ પણ ખબર હતી કે તું મને મારા રીયલ નેઈમ સાથે ક્યારેય જવાબ નહીં આપે એટલે પછી મેં પિંકી ઉપાધ્યાયની ફેક પ્રોફાઈલ બનાવી અને તારા પેઈજને ફોલો કર્યું. પ્રોફાઈલ જેન્યુઈન લાગે એટલે દસ-બાર અજાણ્યા લોકોને એડ પણ કર્યા.’ ભૂમિ શ્વાસ લેવા થોડી વખત રોકાઈ.

‘પછી?’ સૌમિત્રને ભૂમિનું શ્વાસ લેવા રોકાવું પણ કઠ્યું.

‘પછી તારી દરેક પોસ્ટને લાઈક કરવી એના પર કમેન્ટ કરવી એ મારો રોજનો ક્રમ બની ગયો. તે દિવસે દેવલ સાથે તું જે રીતે ઝઘડી પડ્યો એ જોઇને મને લાગ્યું કે આ તું નથી, તને કશુંક ખૂંચે છે, કશુંક નડે છે, બાકી એક નિષ્ફળતા તને આટલો તોડી ન નાખે. પણ ત્યારે તો મારે તારી ઈમેજ બચાવવી હતી એટલે મેં હિંમત કરીને તને ઈનબોક્સમાં મેસેજ કરીને શાંત પાડયો. પછી તેં મને સામેથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી, હું તો રડવા જ લાગી હતી. પણ પછી થયું કે ભગવાનની આ જ મરજી છે કે હું તારી સાથે ખોટા નામે કનેક્ટેડ રહું એટલે પછી તારી સાથે સતત ઈનબોક્સમાં વાતો કરતી રહેતી હતી. પણ... આપણું મળવું, ખરેખરું મળવું એ જ કદાચ ભગવાનની સૌથી મોટી મરજી હતી અને એટલેજ આજે આપણે એકબીજાની સામે ફરીથી બેસી શક્યા છીએ.’ ભૂમિએ ભારે થઇ ગયેલા ગળે પોતાની વાત પૂરી કરી.

‘સામે નહીં, પાસે...એકબીજાની પાસે બેસી શક્યા છીએ.’ આમ બોલતાં સૌમિત્ર ભૂમિ જ્યાં બેઠી હતી એ સોફા પર એની બાજુમાં લગોલગ બેસી ગયો.

‘મિત્ર, હું ક્યારેય તને નહોતી ભૂલી. એ મારો ગુસ્સો હતો પણ તારા પ્રત્યેનો મારો પ્રેમ કાયમ મારા ગુસ્સા પર ભારે પડતો. બીલીવ મી... આઈ સ્ટીલ લવ યુ, એટલો જ જ્યારે આપણે છૂટા પડ્યા હતા એ વખતે હતો.’ ભૂમિએ સૌમિત્રના હાથ પકડી લીધા.

ભૂમિની આંખમાંથી આંસુઓની ધાર વહેવા લાગી.

‘મેં અત્યારસુધી જે કર્યું એ મારા ફેમિલીને જોડી રાખવા માટે કર્યું ભૂમિ બાકી તને ભૂલી જવી એ મારા માટે બિલકુલ શક્ય ન હતું. હું ખોટું નહીં કહું, પણ ધરાએ મને ખૂબ પ્રેમ આપ્યો અને એણે જ મને તારાથી દૂર રહી શકવાની શક્તિ આપી હતી અને એટલે જ મેં તને તે દિવસે મારાથી દૂર રહેવાનું કહ્યું હતું. પણ જ્યારે ધરાએ મને સાવ એકલો પાડી દીધો હું પાછો કોઈના પ્રેમ માટે ઝૂરવા લાગ્યો અને તું મને ફરીથી મળી ગઈ. હવે મારે તને છોડવી ન હતી પણ, તેં તો મને ફરીથી જૂનો સૌમિત્ર બનાવી દીધો. મારું લેક્ચર સેટ કર્યું, મારી નોવેલ પબ્લીશ કરાવવામાં મદદ કરી અને હવે આ સોશિયલ મીડિયામાં પ્રચારનો આઈડિયા. મને એમ લાગે છે કે મેં તને ખૂબ અન્યાય કર્યો છે ભૂમિ. આઈ એમ..’ આટલું બોલતાં સૌમિત્ર રડી પડ્યો એણે પોતાના બંને હાથ જોડીને ભૂમિની માફી માંગી.

‘ગાંડો થયો છે મિત્ર? તું ભૂમિની માફી માંગીશ?’ આમ કહેતાં જ ભૂમિ સૌમિત્રને વળગી પડી.

સૌમિત્ર ભૂમિને વળગીને ખૂબ રડ્યો. થોડી વાર પછી ભૂમિએ પોતાના ખભેથી સૌમિત્રને દૂર કર્યો અને એના આંસુ પોતાના રૂમાલથી લૂછ્યા. સૌમિત્ર અને ભૂમિ એકબીજાની આંખોમાં લાંબો સમય સુધી જોવા લાગ્યા અને કશું જ ન બોલ્યા.

પછી સૌમિત્રએ ભૂમિના ચહેરાને પોતાની બંને હથેળીઓમાં લઈને એના કપાળ પર હળવું ચુંબન કર્યું અને પછી એના બંને ગાલો પર પણ વારાફરતી ચુંબન કરીને પોતાના હોંઠ ભૂમિના હોંઠ પર મૂકી દીધા. ભૂમિએ સૌમિત્રને છાતી સરસો ચાંપી દીધો અને આ બંને ગાઢ ચુંબનમાં સરી પડ્યા.

અમુક મીનીટો પછી સૌમિત્ર અને ભૂમિ છુટા પડ્યા.

‘હું હવે જાઉ?’ સૌમિત્રએ ભૂમિના જમણા ગાલે ફરીથી હળવું ચુંબન કર્યું.

‘જરૂરી છે?’ ભૂમિએ સૌમિત્રના ખભે માથું મુકીને એનું કાંડું જોરથી પકડી રાખ્યું.

‘હા..આપણી ફરજો આપણે બજાવતા રહેવાની છે.’ સૌમિત્રએ બીજા હાથે ભૂમિના માથામાં આંગળી ફેરવી.

‘ઠીક છે લેખક મહાશય, આપ જઈ શકો છો. હવે ક્યારે મળીશું? વરુણતો હજી નેક્સ્ટ વીક આવવાનો છે.’ ભૂમિએ સૌમિત્રનું કાંડું છોડી દેતા પૂછ્યું,

‘બે-ત્રણ દિવસમાં જ તને મેસેજ કરું.’ આટલું બોલીને સૌમિત્ર સોફામાંથી ઉભો થયો.

સૌમિત્રના જવા અગાઉ એ અને ભૂમિ ફરીથી ગળે વળગ્યા અને સૌમિત્રએ ભૂમિના હોંઠ પર એક હળવું ચુંબન કરીને ઘરની બહાર ચાલવા લાગ્યો.

ભૂમિના રો-હાઉસની બહાર પડેલી પોતાની કારમાં સૌમિત્ર બેઠો અને કાર સ્ટાર્ટ કરી અને ભૂમિને આવજો કર્યું. ભૂમિએ પણ એને હસીને વિદાય આપી. સૌમિત્રની કાર જેવી ગઈ એટલે ભૂમિ ઘરમાં આવી.

સૌમિત્રની કાર ભૂમિની સોસાયટીના એન્ટ્રન્સની બહાર નીકળી અને એરપોર્ટથી ઘરે આવી રહેલા વરુણની ટેક્સી અંદર આવી. ટેક્સી ડ્રાઈવરની બાજુમાં બેઠેલા વરુણે સોસાયટીના એન્ટ્રન્સની બહાર વિરુદ્ધ દિશામાં જઈ રહેલા સૌમિત્રની ઝલક જોઈ. વરુણને આશ્ચર્ય થયું કે સૌમિત્ર, એનો એક સમયનો સૌથી પ્રિય લેખક એની સોસાયટીમાં કોને મળવા આવ્યો હશે?

***

પ્રકરણ ૫૨

વર્ષો બાદ સૌમિત્ર તરફથી મળેલા ઉત્કટ ચુંબનને લીધે ભૂમિ અત્યંત ખુશ હતી અને એટલે એ પોતાનું મનપસંદ ગીત ગણગણતી ડાઈનીંગ ટેબલ પર શાક સમારી રહી હતી. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી વરુણ ઘરમાં આવી ગયો હતો.

‘આમ ઘર ખુલ્લું રાખીશ તો કોઈ ચોર ચોરી કરી જશે.’ વરુણ આસપાસ કશું શોધી રહ્યો હોય એમ નજર નાખીને બોલ્યો.

‘અરે! તું? તું તો નેક્સ્ટ વીક આવવાનો હતો ને?’ સૌમિત્રએ આપેલો આનંદ વરુણની અચાનક એન્ટ્રીથી બે જ મિનિટમાં દૂર થઇ ગયો અને ભૂમિને સહેજ આઘાત લાગ્યો.

ભૂમિને તરત જ વિચાર આવી ગયો કે માત્ર પાંચ કે છ મિનીટ અગાઉ જ જો વરુણ આવી ગયો હોત તો એનું અને સૌમિત્રનું શું થાત? ભૂમિને સહેજ ધ્રુજારી પણ છૂટી ગઈ.

‘ચાઇનીઝ ક્લાયન્ટ ધાર્યા કરતા વહેલો માની ગયો એટલે ત્યાં વધારે રોકાવાનો કોઈ મતલબ ન હતો. બાય ધ વે મારા જ ઘરમાં મારે કોઈને પૂછીને થોડું આવવાનું હોય?’ શુઝ ઉતારતા વરુણે છાશિયું કર્યું.

‘મેં એમ ક્યાં કીધું? આ તો વહેલો આવ્યો એટલે જસ્ટ નવાઈ લાગી એટલે આમ બોલાઈ ગયું. બોલ, ફ્રેશ થઈને ચ્હા લઈશ કે કોફી?’ ભૂમિએ વાત વધશે તો એને જ તકલીફ પડી શકે છે એમ સમજી જતા એને ત્યાં જ અટકાવી દીધી.

‘ચા બનાવ અને એ પણ મસાલાવાળી. ઘણા દિવસથી તલબ થઇ છે ઘરની મસાલાવાળી ચા પીવાની.’ આટલું બોલીને વરુણ ડાઈનીંગ ટેબલ નજીક આવેલા વોશબેઝિન પાસે ગયો.

વરુણે વોશબેઝિનમાં મોઢું ધોયું અને ત્યાંજ પડેલા નેપકીનથી મોઢું લૂછતાં લૂછતાં લીવીંગ રૂમમાં આવ્યો અને સોફા પર બેઠો. સોફા સામે જ ટેબલ પર ભૂમિનું લેપટોપ ઓન હતું પણ લાંબા સમય સુધી કોઈએ વાપર્યું ન હોવાથી સ્લીપ મોડમાં જતું રહ્યું હતું. લેપટોપને આ રીતે ટેબલ પર જોતા વરુણને સહજ કુતુહલ થયું અને એણે લેપટોપની મધ્યમાં આવેલી માઉસની જગ્યા પર સહેજ પોતાની આંગળી ફેરવી અને લેપટોપનો સ્ક્રીન ઝળહળી ઉઠ્યો. વરુણની નજર યુટ્યુબ પર લોડ થયેલા સૌમિત્રની સ્પીચવાળા વિડીયો પર સ્થિર થઇ ગઈ. વિડીયો તો પૂરો થઇ ગયો હતો પરંતુ તેની વિગતો મોટા અક્ષરોમાં બરોબર વંચાઈ રહી હતી.

વરુણે સોફા પાછળ રસોડા તરફ જોયું તો ભૂમિ ચ્હા બનાવવામાં વ્યસ્ત હતી અને પછી વરુણની નજર એની સામે જ ઘરના ખુલ્લા દરવાજા પર પડી. દરવાજા સામે જોઇને વરુણે યાદ કર્યું કે, એ જ્યારે સોસાયટીમાં ટેક્સીમાં ઘુસ્યો અને સામે જ સૌમિત્ર એની કારમાં બહાર નીકળ્યો ત્યારે એને જે સવાલ થયો હતો કે સૌમિત્ર એની સોસાયટીમાં કોને ઘેર આવ્યો હશે એનો જવાબ એને આ લેપટોપ જોતાં આપોઆપ મળી ગયો છે. પરંતુ ભૂમિ અને સૌમિત્ર એકબીજાને કેવી રીતે ઓળખે છે એની એને ખબર નહોતી પડી રહી.

પણ, આ તાળો મેળવવામાં પણ વરુણને ખાસ વાંધો ન આવ્યો. વરુણને યાદ આવ્યું કે અમુક વર્ષો અગાઉ રાજકોટમાં એની જામનગરની રિફાયનરીના કાર્યક્રમમાં સૌમિત્ર મુખ્ય મહેમાન થઈને આવ્યો હતો અને પોતાના કહેવાથી જ સૌમિત્ર અને ભૂમિએ ઘણો સમય એક ટેબલ પર બેસીને વાતો કરી હતી. વરુણને એમ લાગ્યું કે ભૂમિ અને સૌમિત્રની ઓળખાણ ત્યારેજ થઇ હશે અને પછી એ બંનેનો સંપર્ક ગાઢ બન્યો હશે. પરંતુ એનો મતલબ એવો બિલકુલ ન હતો કે ભૂમિ એની ગેરહાજરીનો કોઈ ફાયદો ઉઠાવી રહી હોય. પણ તેમ છતાં વરુણે એના આ વિચારનો પણ ખુલાસો કરવાનું નક્કી કર્યું.

‘લે તારી ચા.’ વિચારમગ્ન વરૂણનું ચ્હા લઈને આવેલી ભૂમિએ ધ્યાન ભંગ કર્યું.

‘ઓહ..હા થેન્ક્સ. મારી એબસન્સમાં એનીથિંગ સ્પેશીયલ હેપન્ડ?’ ચ્હાનો પહેલો ઘૂંટડો ભરતા વરુણ બોલ્યો, પણ એણે ધ્યાન રાખ્યું કે એ ભૂમિ સામે ન જોવે નહીં તો ભૂમિને એ કશુંક ચેક કરવા માંગે છે એની શંકા જશે.

‘ના રે ના... ગામથી આટલે દૂર આપણે ઘર લઇ રાખ્યું છે કોણ આવે?’ ભૂમિને પણ બે ઘડી બીક લાગી પણ તેમ છતાં એણે હિંમતભેર જવાબ આપ્યો.

ભૂમિના જવાબથી વરુણની શંકા પાકી થઇ ગઈ અને એણે હવે આ મુદ્દે વધારે સીરીયસ થવાનું નક્કી કર્યું.

***

‘આ વખતે સેવાબાપુના આશ્રમનું હોળી મિલન અમે સ્પોન્સર કરીએ છીએ. મારા માટે આ સૌથી મોટો પ્રોજેક્ટ છે. આઈ એમ સો એક્સાઈટેડ!’ રાજકોટ જવા માટે પોતાની બેગ પેક કરી રહેલી ધરા અત્યંત ઉત્સાહ સાથે બોલી રહી હતી.

‘હમમમ...’ કોઈ મેગેઝીન ધ્યાનથી વાંચી રહેલા સૌમિત્રએ માત્ર આટલો જ જવાબ આપ્યો.

‘બસ.. આ વખતે હું સળંગ મહિનો રાજકોટ રહી લઉં, આ હોળી મિલન સક્સેસફૂલ થાય... થાય શું થશેજ! એટલે ધીમેધીમે બીઝનેસ એટલોબધો વધી જશે કે ધરા મશીન એન્ડ ટૂલ્સ ગુજરાતની ફાર્મિંગ ટૂલ્સમાં સૌથી મોટી એક્સપોર્ટર બની જશે.’ ધરા બેડ પર સૌમિત્રની સાવ નજીક આવીને બોલી.

‘હમમમ...’ સૌમિત્રનું ધ્યાન હજી મેગેઝીનના કોઈ આર્ટીકલમાં જ ચોંટેલું હતું.

‘તને કહું છું સોમુ...’ ધરાથી હવે સૌમિત્રનું બેધ્યાનપણું સહન નહોતું થઇ રહ્યું.

‘હા, શું કે’ છે બોલ?’ સૌમિત્ર અચાનક જાગ્યો હોય એમ બોલ્યો.

‘બસ આ જ તારો પ્રોબ્લેમ છે. તને તારી વાઈફ આટલી પ્રોગ્રેસીવ છે એની કોઈજ પડી નથી. હું મારા આવનારા અચીવમેન્ટ વિષે તને કહું છું અને તું આ મેગેઝીનમાં કોઈ નકામો આર્ટીકલ વાંચે છે.’ ધરા સહેજ ગુસ્સામાં બોલી.

‘પોતાના ફેઇલ્યોર વખતે બાજુમાં ઉભા ન રહેનારના અચીવમેન્ટ સેલીબ્રેટ કરવામાં મન મોળું જ પડે ધરા. તું હવે એક મહિનો તો શું, પણ બે મહિના પણ ઇન્ફોર્મ કર્યા વગર નહીં આવેને તોયે આ ઘરમાં કોઈને કોઈજ ફરક નહી પડે. અમે બધા તારા વગર સેટ થઇ ગયા છીએ. અને આ આર્ટીકલ નકામો નથી, આમાંથી મને મારી નેક્સ્ટ નોવેલનો આઈડિયા મળ્યો છે એટલે ધ્યાનથી વાંચતો હતો.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું પણ એણે જે કહ્યું એમાં એનું દર્દ અને એનો ગુસ્સો બંને મિશ્રિત હતા.

‘તને ભલે ફેર ન પડતો હોય પણ સુભગને તો પડે જ. એને પ્લીઝ જરાક સમજાવી દેજે કે આ વખતે મમ્મી મહિનો નહીં આવે. અને હા, હોળી મિલન વખતે બંને આવી જજો ઓકે? એને પણ ખબર પડેને કે એની મમ્મી એકલેહાથે શું શું કરી શકે છે?’ ધરાએ ગર્વભેર કહ્યું. ધરાની ડોક સહેજ ઉંચી થઇ.

‘સુભગને કોઈ ફરક પડતો હોય તો એ અત્યારે પહેલાની જેમ તારી આસપાસ ફરી રહ્યો હોત, પણ એવું નથી થયું. આમ તો એ દિવસોમાં સુભગની ટર્મિનલ એક્ઝામ્સ હોય છે પણ જો આ વખતે મોડી હશે તો હોળી મિલન જે દિવસે હોય એ તારીખ મને કહી દે એટલે હું આગલે દિવસે સુભગને રાજકોટ મૂકી જઈશ. મને આવા કોઈજ પ્રોગ્રામમાં રસ નથી. પ્રોગ્રામ પતે એટલે ધૂળેટીના દિવસે કે એના પછીના દિવસે સુભગને અમદાવાદ પાછો મૂકી જવાની જવાબદારી તારી. એની માતા તરીકે તારે એટલો સમયતો તારા સેલિબ્રેશનમાંથી એની સ્ટડીઝ બગડે નહીં એના માટે કાઢવો પડેને? બાકી તારા પ્રોગ્રામ અને એની પ્રીપેરેશન માટે ઓલ ધ બેસ્ટ!’ આટલું બોલીને સૌમિત્ર મેગેઝીનને ગોળ વાળીને ઉભો થયો અને રૂમની બહાર નીકળી ગયો.

ધરા સૌમિત્રના સાવ બદલાઈ ગયેલા સ્વભાવને અનુભવીને હબક ખાઈ ગઈ અને એનાથી દૂર જઈ રહેલા સૌમિત્રને જોતી રહી.

***

‘ખુબ સુંદર આયોજન છે બટા. હું ત્રીસેક વર્ષથી દર વર્ષે આશ્રમમાં હોળી મિલન આયોજીત કરું છું. દર વર્ષે લોકોની સંખ્યા વધતી જાય છે પરંતુ આયોજન એમનું એમ જ હોય છે. ઘણીવાર તો ભક્તોને કન્ટ્રોલ કરવા અઘરા થઇ જાય છે, પણ આ વખતે આ છ કલાકમાં જ ખબર પડી ગઈ કે તારું આયોજન એકદમ જડબેસલાક છે.’ હોળી મિલનની બપોરે આશ્રમમાં જમવા ભેગા થયેલા ખાસ લોકો સમક્ષ સેવાબાપુએ ધરાના વખાણ કર્યા.

‘છેલ્લા બે મઈનાથી અમદાવાદેય નથ ગઈ ને આયાં ને આયાં જ લાયગી’તી. નો ઘરનું ભાન નો ફેક્ટરીનું ભાન. બસ આ હોળી મિલન બ્રોબર ને રંગેચંગે પતી જાય ઈ જ ધૂનમાં હતી.’ પરસોતમભાઇએ પણ ધરાના વખાણ કર્યા, એમની આંખોમાં પોતાની પુત્રી તરફ ભારોભાર અભિમાન દેખાઈ રહ્યું હતું.

‘મને ખબર છે પરસોતમ. ભલે હું પણ આશ્રમ તરફથી તૈયારીમાં લાગ્યો હોઉં પણ મારી નજર બધેજ ફરતી હતી. તારી દીકરીએ તનમન ખપાવી દીધું છે અને એ ધન્યવાદને પાત્ર છે. મારા આશિર્વાદ છે કે એ ખુબ પ્રગતી કરે.’ સેવાબાપુએ ધરા તરફ પોતાનો જમણો હાથ ઉંચો કર્યો.

‘પપ્પા ત્રીસ વર્ષથી તમારી સાથે સંકળાયેલા છે અને એમને આ પરિસ્થિતિએ પહોંચાડવામાં તમારા આશિર્વાદ ખૂબ કામમાં આવ્યા છે બાપુ હું એ જાણું છું બાપુ. હું અને પપ્પા તો ફક્ત તમારું ઋણ ચુકવવાની કોશિશ કરી રહ્યા છીએ.’ ધરાએ જમતાં જમતાં જ સેવાબાપુ તરફ નમીને પ્રણામ કર્યા અને સેવાબાપુને જવાબ આપ્યો.

‘ખુબ સુંદર. પરસોતમ, તારી દીકરી જેવી દીકરી ભગવાન બધાને દે. એ જેટલી સુંદર છે એટલીજ સમજદાર પણ છે.’ સેવાબાપુએ સુંદર શબ્દ પર ભાર મુકતાં પોતાની દાઢીમાં હાથ ફેરવ્યો.

‘સમજદારેય છે ને હોંસીયાર પણ છે. આ બે મહિનાથી આયાં આયોજનમાં લાયગી’તી તે એણે આડી રીતે મારી આળસ દૂર કરી દીધી. હવે હું વરી પાસો રોઝ ફેક્ટરી ઝાવા લાગ્યો સું. હું કરું ધરાની ગેરહાજરીમાં કોય તો ઝોયને કામકાજ સંભાળવામાં?’ પરસોતમભાઈએ હસતાંહસતાં કહ્યું.

‘રાત્રે પ્રસાદ લઈને અહિયાં જ રોકાઈ જજો પરસોતમ.’ પરસોતમભાઇને ખુશ જોઇને સેવાબાપુએ લાગ જોતાં પોતાનો દાવ રમ્યો.

‘અરે.. ના ના અમે રાત્રે ઘરે જતાં રહીશું. અમે કાર લઈને જ આવ્યા છીએ, પ્રસાદ જરૂર લઈશું.’ ધરા બોલી.

‘દિકરો ઘેરે છે?’ સેવાબાપુ કન્ફર્મ કરતા હોય એમ બોલ્યા.

‘ના ના એને એક્ઝામ્સ છે એટલે એ તો અમદાવાદ જ છે.’ ધરાએ જવાબ આપીને બાપુની રહીસહી શંકા પણ દૂર કરી દીધી.

‘બાપુનો આદેશ સે ધરા. હવે મારાથી તો ક્યાંય નો જવાય.’ પરસોતમભાઇ બોલ્યા.

‘અહીંયા રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે બટા. આપણી આશ્રમશાળાના તમારા દાનથી જ ઉભા થયેલા રૂમ સંપૂર્ણપણે વાતાનુકુલિત છે. અને તમારા ત્રણેય માટે અલગ રૂમની વ્યવસ્થા જગતગુરુએ કરી દીધી છે.’ સેવાબાપુ હવે હાથમાં આવેલી તકને જવા દેવા નહોતા માંગતા.

‘ઠીક છે બાપુ, જેવી આપની આજ્ઞા.’ પરસોતમભાઇનો ઈશારો સમજી જતાં માની ગયેલી ધરાએ ફરીથી સેવાબાપુને વંદન કર્યા અને જમવા લાગી.

***

હોળીની સાંજ થાઉં થાઉં કરી રહી હતી. સૌમિત્ર એના રૂમમાં કોઈ આર્ટીકલ લખી રહ્યો હતો. સૌમિત્રએ આ વખતે નવી સ્ટ્રેટેજી અપનાવતા પોતાની પહેલી નોવેલની જેમ જ આવનારી નોવેલની કોપી કેટલાક જાણીતા ક્રિટીક્સને વાંચવા આપી હતી અને એમણે ન્યુઝપેપર્સમાં એના અત્યંત પોઝીટીવ રિવ્યુઝ લખ્યા હતા. આથી હવે આવનારા બે-ત્રણ મહિનામાં સૌમિત્રનું માર્કેટ ફરીથી ઉંચકાશે એવો ખ્યાલ આવતાં જ તેને ફરીથી એક અખબારમાં કોલમ લખવાનું આમંત્રણ મળ્યું હતું.

સૌમિત્ર આર્ટીકલ લખી રહ્યો હતો ત્યાં જ એના સેલફોન પર રીંગ વાગી અને નંબર અજાણ્યો હતો. સૌમિત્રએ કોલ રીસીવ કર્યો.

‘હલ્લો મિસ્ટર સૌમિત્ર પંડ્યા?’ સૌમિત્ર એ જેવો કોલ રીસીવ કર્યો કે તરતજ કોલ કરનાર બોલ્યો જાણેકે એ સૌમિત્રના કોલ રીસીવ કરવાની ટાંપીને રાહ જ જોઈ રહ્યો હતો.

‘યસ.. મે આઈ નો વ્હુ ઈઝ ધીસ પ્લીઝ?’ સૌમિત્રએ એના સ્વભાવ પ્રમાણે એકદમ નમ્રતાથી પૂછ્યું.

‘હાઈ ધીસ ઈઝ વરુણ પટેલ...અમમ... જમશેદપુર, જામનગર..રાજકોટ... યાદ આવ્યું સર?’ વરુણે પોતાની ઓળખાણ આપવા માટે એણે સૌમિત્રનો કઈ કઈ જગ્યાએથી અગાઉ સંપર્ક કર્યો હતો અને એને ક્યાં મળ્યો હતો એ શહેરોના નામ વારાફરતી બોલી ગયો.

‘અરે! યસ... યસ... યસ... એમ તમને કેવી રીતે ભૂલાય.’ સૌમિત્રને વરુણ ઓળખાઈ તો ગયો પરંતુ એણે તરતજ પોતાના મન પર કન્ટ્રોલ કરી લીધો કારણકે હવે એ ભૂમિ એટલેકે વરુણની પત્ની સાથે અત્યંત ગાઢ અને પ્રેમના સંબંધથી ફરીથી બંધાઈ ચૂક્યો હતો આથી એની કોઇપણ શબ્દચૂક ભૂમિને તકલીફ આપી શકે એમ હતી.

‘કેમ છો? વર્ષો થયા તમારી સાથે કોઈ વાત નથી થઇ અને પોતાના ફેવરીટ નોવેલીસ્ટ સાથે એનો બીગ ફેન આટલો લાંબો સમય સુધી વાત ન કરે અને એ પણ એક જ સિટીમાં સાથે રહીને, ધેટ ઈઝ નોટ ડન મિસ્ટર પંડ્યા.’ સૌમિત્ર અને ભૂમિના સંબંધોને લગભગ સમજી ચૂકેલા વરુણે પોતાની શબ્દજાળ પાથરવાની શરુ કરી.

‘હું એકદમ મજામાં. તમે કેમ છો? આજે આટલા વર્ષો પછી અચાનક કોલ કર્યો? સોરી તમારો આ નંબર મારી પાસે નહોતો. મારી પાસે તમારો નંબર સેવ તો છે પણ કદાચ કોઈ બીજો નંબર છે.’ સૌમિત્ર બોલ્યો.

‘એ, રિફાયનરીનો નંબર હશે. એ તો મેં ક્યારની છોડી દીધી. હવે હું અહીં અમદાવાદમાં ઇન્ટરનેશનલ ટ્રેડ કન્સલ્ટન્ટ છું, ફ્રીલાન્સ.’ વરૂણે ચોખવટ કરી.

‘ધેટ્સ ગ્રેટ! બોલો શું ચાલે છે?’ કન્ફ્યુઝ્ડ સૌમિત્રને ખબર નહોતી પડી રહી કે વરુણ સાથે એ વાત આગળ કેવી રીતે વધારે.

‘એક્ચ્યુલી મારે તમને મળવું છે. ડીયર હસબન્ડ કાલે જ પૂરી કરી.’ વરુણે પોતાનો પહેલો પાસો ફેંક્યો.

‘તો તો તમારે મને મારવા માટે મળવું હશે.’ સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો કારણકે ડીયર હસબન્ડ સૌમિત્રની એકમાત્ર નિષ્ફળ નોવેલ હતી.

‘અરે...ના ના ઓન ધ કોન્ટરરી મને તો તમારી બધીજ નોવેલની જેમ આ પણ ખુબ ગમી. અને અમસ્તુંય ઇટ્સ બીન લોંગ એટલે મને લાગે છે કે આપણે હવે મળવું જોઈએ.’ વરુણે એવો સૂર વાપર્યો કે સૌમિત્રને ના પાડવી લગભગ અશક્ય થઇ જાય.

‘યુ આર અ રેર સ્પીશી મિસ્ટર વરુણ. બહુ ઓછા લોકોને ડીયર હસબન્ડ ગમી છે.’ સૌમિત્રને નવાઈ લાગી અને આનંદ પણ થયો કે એની ફ્લોપ નોવેલ કોઈને તો ગમી.

‘બસ એ રીઝન કહેવા જ તમને મળવું છે.’ વરુણનો અવાજ હવે મક્કમ બન્યો.

‘શ્યોર, બોલો ક્યાં મળશું?’ સૌમિત્ર વરુણની શબ્દજાળમાં આવી ગયો.

‘હોટલ તાજ એરપોર્ટ? હું ત્યાં રૂમ બુક કરાવી લઉં આજે રાત્રે.’ વરુણ બોલ્યો.

‘કેમ એટલે દૂર?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘વેલ, મને ડ્રીન્કની આદત છે. પરમીટ છે મારી પાસે એટલે ફાઈવ સ્ટાર સિવાય મેળ નહીં પડે. હું તમને કલાક પછી તમારા ઘેરથી પીકઅપ કરી લઉં. ત્યાં રૂમમાં જ ડીનર લઈએ થોડુંક ડ્રીંક લઈએ. વાતો કરીએ અને છૂટા પડીએ.’ વરુણનો પ્લાન તૈયાર હતો.

‘પણ હું ડ્રીંક...’ સૌમિત્ર અચકાયો.

‘નો પ્રોબ્લેમ હું ફોર્સ નહીં કરું. પણ મને તો પીવા દેશો ને?’ વરુણ હસ્યો.

‘અરે શ્યોર! પણ પછી કાર હું ચલાવીશ. ડ્રીંક એન્ડ ડ્રાઈવ નોટ ગૂડ રાઈટ?’ સૌમિત્રએ શરત મૂકી.

‘ડન! આઈ એમ ઓકે વિથ ધીસ.’ વરુણને તો સૌમિત્રને મળવા માટે એની કોઇપણ શરત માન્ય હતી.

‘તો મને વાંધો નથી. અત્યારે સાડા પાંચ થયા છે, તમે સાડા છ વાગ્યે આવી જાવ. મારું અડ્રેસ ...’ સૌમિત્ર એનું અડ્રેસ આપવા લાગ્યો.

‘તમારી બુકમાં છે જ તમારું અડ્રેસ અને તમે મારા ઘરની પણ ખુબ નજીક રહો છો. હું શાર્પ સાડા છ વાગ્યે આવું. પછી મર્દો કી મીટીંગ કરીએ.’ ઘરની બહુ નજીક રહો છો પર વરુણે ખાસ ભાર મુક્યો અને પછી હસ્યો.

વરુણનો કૉલ પત્યા બાદ સૌમિત્રને થયું કે એ ભૂમિને આ મીટીંગ અંગે એસએમએસ કરીને જણાવી દે, પણ પછી એને થયું કે જો વરુણ એની આસપાસ હશે તો ક્યાંક ભૂમિ તકલીફમાં ન આવી જાય એટલે એણે ભૂમિને વાત કરવાનું માંડી વાળ્યું.

બરોબર સાડા છ વાગ્યે સૌમિત્રના સેલફોન પર વરુણનો કોલ આવ્યો.

‘સર, તમારા ઘરના ગેટની બિલકુલ સામે લાલ કલરની હોન્ડા સિટીમાં બેઠો છું.’ સૌમિત્રએ કોલ ઉપાડતાં જ વરુણે સીધું જ કહ્યું.

‘ઠીક છે, હું આવ્યો, બસ બે મિનીટ.’ સૌમિત્રએ આટલું કહીને કોલ કટ કર્યો.

સફેદ ટીશર્ટ અને જીન્સમાં સૌમિત્ર ઘરની બહાર આવ્યો અને મેઈન ગેઇટ ખોલી, રસ્તો ક્રોસ કરીને સામે ઉભેલી વરુણની કાર તરફ ચાલવા લાગ્યો.

‘વેલકમ સૌમિત્ર સર. ઇટ્સ ઓલ્વેઝ એન ઓનર ટુ મીટ યુ.’ કારનો દરવાજો ખોલીને પોતાની બાજુમાં જ બેઠેલા સૌમિત્રનું સ્વાગત કરતાં વરુણે હાથ લંબાવ્યો.

‘ફક્ત સૌમિત્ર કહેશો તો ચાલશે.’ વરુણનો હાથ પકડતા સૌમિત્ર બોલ્યો.

‘શ્યોર, હું ખ્યાલ રાખીશ.’ સૌમિત્રને સ્મીત આપતાં આટલું કહીને વરુણે કાર એરપોર્ટ તરફ હંકારી મૂકી.

***

પ્રકરણ ૫૩

‘મને તમારી ફર્સ્ટ નોવેલ ધરા તો ગમી જ હતી, પણ પછીની બધીજ નોવેલ્સ એટલીજ ગમી છે.’ તાજ એરપોર્ટના પોશ રૂમના સોફા પર બેઠાબેઠા વરુણે સૌમિત્રને કીધું.

વરુણના મોટાભાગના દેશી તેમજ વિદેશી ક્લાયન્ટ્સને તે આ જ હોટલમાં ઉતારો આપતો જેથી ગુજરાત બહારના એના ક્લાયન્ટ્સને એમની શરાબની તરસ છીપાવવામાં તકલીફ ન પડે. વરુણ અત્યારે જે રીતે સૌમિત્રને હોટલના એક રૂમમાં મળ્યો એ રીતે પણ એણે ઘણાં મહત્ત્વના ક્લાયન્ટ્સ સાથે વન-ટુ-વન મીટીંગ કરી ચૂક્યો હતો એટલે એના માટે કે હોટલના સ્ટાફ માટે નવાઈ ન હતી.

‘થેન્ક્સ, પણ મને એ જાણવામાં રસ વધારે છે કે તમને ડીયર હસબન્ડ કેમ ગમી?’ સૌમિત્રએ એની ઉત્કંઠા જતાવી.

‘એમાં ન ગમવા જેવું શું છે સૌમિત્ર?’ વરુણે એની જમણી ભમર ઉંચી કરતાં પૂછ્યું.

‘વેલ, ઈટ વોઝ અ ટોટલ ફ્લોપ. ઘણા રીડર્સે તો મને ફેસબુક પર રીતસર અબ્યુઝ કર્યો છે. ટુ ટેલ યુ ધ ટ્રુથ, તમે કદાચ ફક્ત પાંચમાં કે છઠ્ઠા રીડર છો જેમણે હિંમત કરીને મને કહ્યું છે કે તમને ડીયર હસબન્ડ ગમી છે.’ સૌમિત્રએ વરુણને હકીકત જણાવી.

‘એ તો લોકો કેવી રીતે વાંચે છે એના પર પણ ડિપેન્ડ કરે છેને સૌમિત્ર? મારું તમારા ફેન થવા પાછળનું કારણ એ છે કે તમે વર્સેટાઈલ રાઈટર છો. તમારી દરેક નવી નોવેલમાં આગલી બધીજ નોવેલ્સ કરતાં કશુંક અલગ હોય જ છે. નહીં તો મેં ઘણા સ્ટીરીઓ ટાઈપ રાઈટર્સને પણ વાંચ્યા છે જે એક જ જોનર પર લખી લખીને એમની લાઈફ પૂરી કરી દે છે. એવું નથી એમની નોવેલ્સમાં મજા નથી આવતી, પણ જો દર વખતે કશું અલગ વાંચવા મળે તો મારા જેવાને મજા પડી જાય. કદાચ એટલે મને બીજા કરતાં એ વધુ ગમી હોય એ પોસીબલ છે.’ વરુણે બને એટલી કોશિશ કરી સૌમિત્રની શંકાનું સમાધાન કરવાની.

‘હમમ..’ સૌમિત્ર કદાચ હજી પણ વરુણના જવાબથી સંતુષ્ટ ન હતો.

‘સીધી ડીયર હસબન્ડની જ વાત કરું તો એ એક ઓલ્ડ વાઈન જેવી છે. કદાચ તમારા એ અબ્યુસીવ રીડર્સને ખ્યાલ ન આવ્યો હોય એવું બને કારણકે તમારી સ્ટાઈલ વિરુદ્ધ એની શરૂઆત અને મિડલ ધીમા છે, બટ જ્યારે ઈટ મુવ્ઝ ટુવર્ડ્સ ઇટ્સ ક્લાઈમેક્સ એ તમને નશો અપાવી દે છે. મારામાં કદાચ બીજાઓ કરતા ખૂબ પેશન્સ છે એટલે હું એ સમજી શક્યો, આજની જનરેશનમાં કદાચ એ નથી એટલે એમને ન ગમી હોય, ધેટ ઈઝ ઓલ્સો અ પોસીબીલીટી.’ વરુણે પોતાના મંતવ્યને વધુ ધારદાર બનાવીને સૌમિત્રને કહ્યું.

‘હા, એ રીઝન વધારે પોસીબલ લાગે છે. ઘણી વાર રીડરને અને રાઈટર વચ્ચે કોઇપણ કારણથી કનેક્ટ નથી રહી શકતું. એમાં બંનેમાંથી કોઈનો પણ વાંક મોટેભાગે નથી હોતો, એવું બસ થઇ જાય છે. જેમ તમે કીધું એમ ડીયર હસબન્ડએ મારી બીજી નોવેલ્સ કરતાં વધારે સ્લો પણ પ્રીસાઈઝ હતી. રીડર્સ કદાચ મારી આ નવી સ્ટાઈલથી ખુશ ન થયા અને વચ્ચે થી રીડર્સ સાથેનો કનેક્ટ જતો રહ્યો, નાઈધર બીકોઝ ઓફ મી ઓર બીકોઝ ઓફ ધેમ, અને એમને ન ગમી. થેન્ક્સ વરુણ મને એક્ચ્યુલી આ પ્રકારના જ લોજીકલ મંતવ્યની રાહ હતી જે મને આટલો સમય ન મળ્યું.’ સૌમિત્રએ અંગૂઠો ઉંચો કરીને વરુણના મંતવ્યને છેવટે સહમતી આપી.

***

હોળીની રાત્રીના આઠ વાગી ચૂક્યા હતા. સેવાબાપુના આશ્રમમાં વહેલી સવારથી શરુ થયેલા હોળી મિલનનો અંત જગતગુરુએ આધિકારિક રીતે માઈક પર જાહેર કરી દેતાં, ભાવિકો અને સેવાબાપુના ભક્તો વિખેરાવા લાગ્યા હતા. આશ્રમથી દૂર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા બાપુના ઘણા ભક્તો તો સાંજ પડતાં જ ચાલ્યા ગયા હતા. હવે બાપુના ખાસ ભક્તો જેમાં પરસોતમ સોનીનો પરિવાર પણ સામેલ હતો એ સેવાબાપુ સાથે આશ્રમના ખાસ ખંડમાં પ્રસાદ ગ્રહણ કરવાના હતા.

સેવાબાપુનો અંગત રૂમ જેમાં લગભગ એમના ખાસ દસેક ભક્તો પ્રસાદ લેવા એકઠા થયા હતા એ તમામ માટે જમીન પર સળંગ લાઈનમાં સામસામે પાટલા મુકવામાં આવ્યા હતા. એક પાટલા પર થાળીઓ મૂકી હતી જ્યારે પ્રસાદ ગ્રહણ કરવા માટે ભક્તોએ સામેના પાટલે બેસવાનું હતું. આ કતારમાં સેવાબાપુના ખાસ સેવાદારો પણ સામેલ હતા. આમ સામસામે લાગેલી થાળીઓ અને પાટલાઓની કતારોની બરોબર વચ્ચે સેવાબાપુનું સિંહાસન મુકેલું હતું જેની સામે સાગના ભવ્ય ટેબલ પર ચાંદીની થાળી અને એમાં ચાંદીના જ વાટકાઓ અને ચમચીઓ મુકેલા હતા.

જેમજેમ ભક્તો અને સેવાદારો રૂમમાં દાખલ થવા લાગ્યા જગતગુરુના ખાસ સેવકો એમને એમના અગાઉથી નક્કી કરેલા પાટલાઓ પર બેસાડવા લાગ્યા. ધરા, પરસોતમભાઇ અને ઉમાબેનને સેવાબાપુના સિંહાસનની સૌથી નજીકના પાટલાઓ પર બેસાડ્યા. જગતગુરુએ આ વ્યવસ્થા ગોઠવતી વખતે ખાસ ધ્યાન રાખ્યું હતું કે સેવાબાપુ અને ધરા વચ્ચે કોઇપણ જાતનું નડતર ન હોય. સેવાબાપુ જમતા જમતા પણ ધરાની સુંદરતાનું પાન કરી શકે.

રૂમમાં જેવા સેવાબાપુ પ્રવેશ્યા કે તમામ ભક્તો એમના પાટલા પરથી ઉભા થઇ ગયા અને એમને પ્રણામ કર્યા. સેવાબાપુએ એમની જાણીતી પદ્ધતિથી એટલેકે પોતાનો જમણો હાથ ઉંચો કરીને “જય જય” બોલીને આ તમામને આશિર્વાદ આપ્યા. સેવાબાપુએ આસન ગ્રહણ કરતાંની સાથેજ ધરા તરફ નજર નાંખી. આખા દિવસની થાકેલી ધરાના માથાના વાળ અસ્તવ્યસ્ત હતા, પરંતુ તોયે એના ઢાળ અને ઢોળાવવાળા શરીર પર ચપોચપ શલવાર કમીઝને લીધે એ એટલીજ ઉત્તેજક લાગી રહી હતી. સેવાબાપુને લાગ્યું કે કદાચ એના થાકવાળા દેખાવને લીધેજ એમને એ વધારે ઉત્તેજના પૂરી પાડી રહી હતી.

ધીમેધીમે બધા જ વ્યંજનો પીરસવાના શરુ થઇ ગયા. સેવાબાપુના સેવકો ઝડપથી પીરસામણી કરી રહ્યા હતા. બધાની થાળીઓ ભરાઈ ગઈ એટલે જગતગુરુએ ઈશારો કર્યો અને એક મોટા થાળમાં એક સેવક ખીરની વાટકીઓ લઈને આવ્યો. જગતગુરુ પોતાના હાથે એકપછી એક ભક્તો અને સેવાદારોની થાળીઓમાં આ વાટકીઓ મુકવા લાગ્યો. જગતગુરુએ ધરા માટે ખાસ વાટકી નક્કી કરી હતી. આ વાટકીની બહારની તરફે એણે એક દિવસ અગાઉ જ પેઈન્ટબ્રશથી લાલ રંગનું નાનકડું ટપકું કર્યું હતું જેથી એ અન્ય તમામ વાટકીઓથી અલગ તરી આવે.

આ ખીરમાં જગતગુરુએ પ્રમાણસર અફીણનો ઘસારો ભેળવ્યો હતો અને સાથેસાથે એ ધ્યાન પણ રાખ્યું હતું કે ખીરના સ્વાદમાં કોઈ ફેર ન પડે. ધરાની થાળીમાં આ વાટકી મૂકીને જગતગુરુએ સેવાબાપુ સામે જોઇને પોતાનું માથું હલાવ્યું. સેવાબાપુએ જવાબમાં દાઢીમાં હાથ ફેરવ્યો.

***

‘થેંક્યું!’ હોટલના સર્વિંગ બોયે ટેબલ પર વરુણની ફેવરીટ બ્લેક લેબલની બોટલ અને બાર્બેક્યુમાંથી તાજા અને ગરમાગરમ ચીઝ ઉપરાંત રોસ્ટેડ કાજુ ની પ્લેટ્સ મુકતાં જ વરુણ બોલ્યો અને ખિસ્સામાંથી પાંચસો રૂપિયાની નોટ કાઢીને એને ટીપ આપી.

બોય વરુણ અને સૌમિત્રને વારાફરતી સલામ કરીને રૂમની બહાર જતો રહ્યો.

વરુણ ઉભો થયો અને બોટલ લઈને રૂમમાં રાખેલા ફ્રીજ પાસે મુકવામાં સર્વિંગ ટેબલ પરથી બે ગ્લાસ લીધા.

‘હું નહીં પીવું. મેં તમને ઓલરેડી કહી દીધું હતું.’ સૌમિત્રએ વરુણને યાદ દેવડાવ્યું.

‘શું યાર તમે પણ? મને એમ કે તમે કદાચ શરમાતા હશો. ખરેખર નહીં પીવો? શ્યોર?’ વરુણે પાછળ ફરતા સૌમિત્રને પૂછ્યું.

‘ના, વરુણ. ખાવા અને પીવાની બાબતે હું ક્યારેય શરમાતો નથી. હું નથી પીતો. આઈ એમ શ્યોર!’ સૌમિત્રએ ભારપૂર્વક જવાબ આપ્યો.

‘નોટ ગુડ. મને એમ કે હું મારા મોસ્ટ ફેવરીટ રાઈટર સાથે મારી ફેવરીટ બ્રાંડ એન્જોય કરતા કરતા ખૂબ વાતો કરીશ. તમે તો મારો મૂડ ખરાબ કરી નાખ્યો.’ વરુણે હસતાંહસતાં કહ્યું.

‘સોરી, મારો એવો ઈરાદો ન હતો પણ મને નથી પસંદ. આઈ એમ સોરી.’ સૌમિત્ર એની વાત પર અડગ રહ્યો.

‘સોફ્ટડ્રીંક તો લેશો ને? એમાં તો કોઈ વાંધો નથીને? જોડેજોડે ચખના પણ શેર કરજો, મેં આટલું બધું મંગાવ્યું છે.’ વરુણે લગભગ વિનંતીના સ્વરમાં કહ્યું.

‘ચોક્કસ એમાં હું કંપની આપીશ. આ બધું તો મને પણ ભાવશે.’ સૌમિત્ર હસીને બોલ્યો.

‘બસ, તો મને એ જ ફાવશે. બોલો શું લેશો?’ ફ્રીઝ ખોલીને એની એક તરફ ઉભો રહીને વરુણ દાઢમાં બોલ્યો.

‘કૉક ચાલશે.’ ફ્રીજમાં પડેલી સોફ્ટડ્રીંક્સની પાંચ-છ બોટલ્સ જોઇને સૌમિત્રએ જવાબ આપ્યો.

વરુણે સર્વિંગ ટેબલ પર હવે ગ્લાસ એ રીતે મૂક્યા કે એ એના શરીરની પાછળ ઢંકાઈ જાય. સૌમિત્રનું સમગ્ર ધ્યાન ટીવીમાં ચાલી રહેલા ન્યૂઝ પર હોવાની ખાતરી થતાં જ વરુણે સૌમિત્રના સોફ્ટડ્રીંકમાં પ્રમાણસર બ્લેક લેબલનું મિશ્રણ ઉમેર્યું. વરૂણને ખ્યાલ આવી ગયો હતો કે સૌમિત્ર પાસેથી એણે જે ઈચ્છ્યું છે એ વાત કઢાવવા માટે એણે હજી એક વખત આવું મિશ્રણ એને પીવડાવવું પડશે, કારણકે સૌમિત્રએ આજસુધી જો શરાબને હાથ ન લગાડ્યો હોય તો એટલા ઓછા પ્રમાણમાં શરાબ લેવાથી પણ એને નશો જરૂર ચડશે. વરુણે નક્કી કર્યું કે વધારે પ્રમાણમાં એ સૌમિત્રને શરાબ નહીં પીવડાવે કારણકે એમ કરવાથી તો એ ઢળી પડશે અને એને જે વાત સૌમિત્ર પાસેથી જાણવી છે એ તે નહીં જાણી શકે.

***

પ્રસાદ ગ્રહણ કર્યા બાદ સેવાબાપુ અને એમના ખાસ ભક્તો અને સેવાદારો આશ્રમના બગીચામાં વાતચીત કરી રહ્યા હતા. સેવાબાપુએ એમના ભવ્ય હીંચકા પર સ્થાન જમાવ્યું હતું જ્યારે ભક્તો અને સેવાદારો માટે આરામ ખુરશીની વ્યવસ્થા કરી હતી. આ વખતનું હોળી મિલન દર વખત કરતાં અનોખું અને ભવ્ય હતું આ બાબત આ તમામ લોકોના હોઠે હતી.

‘ધરાએ ખુબ મહેનત કરી છે, આવું હું અત્યારસુધી અને વારંવાર કહી ચૂક્યો છું અને હજીપણ આવનારા દિવસોમાં કહેતો રહીશ.’ સેવાબાપુ સૂડી હાથમાં લેતાં બોલ્યા.

‘બાપુ, ઇણે ઈની ફરઝ બજાયવી સે. તમે અમારા પર કાયમ પોતાના આસીર્વાદ રાયખા હવે ઋણ ચૂકવવાનો અમારો વારો. હુંય ઝોકે આ ઘણીયવાર કય સૂક્યો સું.’ પરસોતમભાઇએ પોતાના બંને હાથ જોડીને સેવાબાપુને કીધું.

‘તારું ઋણ તારી દીકરી ચૂકવે અને એ પણ કૌટુંબિક જવાબદારીઓ વહન કરતાં કરતાં એ બહુ કહેવાય.’ સેવાબાપુ પાનની પેટીમાંથી સોપારી પસંદ કરી રહ્યા હતા.

‘તે મારું ઋણ મારો વારસ જ સૂકવે ને બાપુ. મારી આ દીકરી સો દીકરાની ગરજ હારે સે. કાં ધરા દીકરા?’ બાજુમાં બેઠેલી ધરા તરફ જોઇને પરસોતમભાઇ અભિમાન કરતા બોલ્યા.

‘હમમ..’ ધરા જવાબમાં માત્ર ફિક્કું હસી.

‘હું થ્યું દીકરા આમ હાવ મોરો જવાબ દીધો?’ ધરાની બીજી તરફ બેઠેલા ઉમાબેને પૂછ્યું.

‘ખબર નહીં અચાનક માથું ભારે ભારે લાગે છે.’ ધરાના અવાજમાં પરેશાની હતી.

‘આટલા દિવસની મહેનતનો થાક હવે લાગ્યો લાગે છે બટા.’ પહેલા ધરા સામે અને પછી જગતગુરુ સામે સ્મિત કરીને સેવાબાપુએ સૂડી વચ્ચે મૂકેલી સોપારીના જોર લગાવીને બે કટકા કરી નાખ્યા.

‘હા, એવું જ લાગે છે. બાપુ, તમને વાંધો ન હોય તો હું મારા રૂમમાં...’ ધરાએ સેવાબાપુની આજ્ઞા માંગી.

‘અરે, હા, કેમ નહીં. જગતગુરુ કોઈ સેવિકાને ધરાબટા સાથે એના રૂમમાં મોકલી આપો.’ સેવાબાપુએ આંખના ઈશારા કરતા જગતગુરુને હુકમ કર્યો.

‘જી બાપુ. એમના અને પરસોતમભાઇના રૂમ તૈયાર જ છે.’ જગતગુરુએ પણ આંખનો વળતો ઈશારો કર્યો.

‘અરે, અમે ત્રણેય એક રૂમમાં લય રે’ત બાપુ. બીજા ભક્તોને અગવડ કાં પાયડી?’ પરસોતમભાઇએ બાપુને પૂછ્યું.

‘એમાં અગવડ શેની. હજી આપણો સત્સંગ તો ચાલશે. ધરાને આરામની જરૂર છે તમે વળી બે કલાક પછી જાવ અને દરવાજો ખખડાવો તો એની નિંદરમાં ખલેલ પહોંચે. અને આપણી પાસે પૂરતા રૂમ છે.’ સેવાબાપુ સોપારીના વધુ કટકા કરતા બોલ્યા.

જગતગુરુએ બોલાવેલી સેવિકા ધરાને આશ્રમના બીજા હિસ્સામાં આવેલા ખાસ રૂમ તરફ દોરી ગઈ. ધરાનું માથું ભારે થવા ઉપરાંત એની ખુબ પરસેવો પણ થઇ રહ્યો હતો. ધરાએ સેવિકાના જતાની સાથેજ રૂમ બંધ કર્યો અને પોતાની બેગમાંથી નાઈટી કાઢી અને કપડા બદલી લીધા. પથારીમાં પડતાંની સાથેજ ધરાની આંખ મળી ગઈ.

***

‘હું એને માંડમાંડ કહી શક્યો યુ નો કે હું તેને પ્રેમ કરું છું.’ સૌમિત્ર પોતાના ગ્લાસમાંથી એક ઘૂંટડો લઈને બોલ્યો.

‘પછી એ તરતજ માની ગઈ કે વાર લગાડી?’ વરુણના હાથમાં મોબાઈલ હતો અને એ સૌમિત્ર નશામાં જે પણ બોલી રહ્યો હતો એને રેકોર્ડ કરી રહ્યો હતો.

‘માની જવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે, એને પહેલેથી જ ખ્યાલ આવી જ ગ્યો’તો એટલે એણે સામેથી મને કહી દીધું કે એ પણ મને પ્રેમ કરે છે. પણ.... એનો એ બાપ...એનો બાપ બહુ જબરો હતો. શું નામ એનું? પ્ર...પ્ર.....પ્રભુદાસ્સ્સસ અમીઈઈન. મારા બેટાએ અમને મળવા જ ના દીધા. વેરી પાવરફુલ મેન. ના ના.. વેરી વેરી પાવરફુલ મેન. જેવી એને મારા અને ભૂમિના અફેરની ખબર પડી...આમ એક અઠવાડિયામાં તારી સાથે લગન નનક્કી કરાવી દીધા.’ સૌમિત્ર છેલ્લા વાક્યે ચપટી વગાડતા બોલ્યો.

‘એટલે તમે એને પહેલા પ્રેમ કરતા હતા, હવે નથી કરતા રાઈટ?’ વરુણે વિડીયો ઉતારવાનો ચાલુ રાખ્યો અને સૌમિત્રને સવાલ કર્યો.

‘ના...ભૂમિ... મારી ભુમલીને તો હું આજે પણ એટલો જ પર...પ્રેમ કરું છું. ઈનફેક્ટ હું ક્યારેય એને પ્રેમ કરવાનો ચૂક્યો નહોતો યાર. હા, અમે છુટા પડ્યા હતા એને તમારા બેયના લગન પહેલાં કમ્પ્લીટલી મારી થઇ જવું હતું....યુ નો...ફિઝીકલ રીલેશનથી, બટ મેં ના પાડી એટલે જરાક ગુસ્સે થઇ ગઈ. એનો આ ગુસ્સો બાર તેર વરસ ચાલ્યો પણ નાઉ વી આર બેક... એ તો મને ક્યારેય ભૂલી નહતી, હું જરાક આડે રસ્તે જતો રહ્યો હતો.અમે હજીપણ એકબીજાને પ્રેમ કરીએ જ છીએ. યુ નો જ્યારે તું, ચાઈના હતો વર્રુણ... ત્યારે વી ફાઈનલી કિસ્ડ એન્ડ મેઈડ અપ.’ વરુણે પીરસેલા નશામાં સૌમિત્રએ બાકી રહ્યું હતું એ પણ ભરડી નાખ્યું.

‘વાઉ! થેન્કયુ, રાઈટર સાહેબ. તમે તો આજે મારી ઘણી મદદ કરી છે. મારું કામ થઇ ગયું, ચાલો ઘરે જઈએ?’ મોબાઈલમાં કેમરા ઓફ કરતા વરુણ બોલ્યો અને પોતાના સોફા પરથી ઉભો થયો.

‘શ્યોર... પણ ગાડી હું ચલાવવાનો છું યાદ છે ને? ડોન્ટ ડ્રીંક એન્ડ ડ્રાઈવ...મને પસંદ નથી.’ સૌમિત્ર સોફા પરથી ઉભો તો થયો પણ બેલેન્સ જાળવવામાં એને તકલીફ પડી રહી હતી.

વરુણે પોતાનો પ્લાન અમલ કરવા માટે સૌમિત્રને સોફ્ટડ્રીંકમાં ભલે થોડી જ શરાબ મેળવી હતી પણ એ સૌમિત્રને નશામાં લાવવા માટે પૂરતી હતી. સામેપક્ષે વરુણે એક ટીપું પણ શરાબ નહોતો પીધો જેથી એ સૌમિત્ર પાસે એના અને ભૂમિના સંબંધોનું કન્ફેશન રેકોર્ડ કરી શકે.

‘ચોક્કસ, ગાડી તમે જ ચલાવશો મિસ્ટર પંડ્યા, મારાથી કેવી રીતે ડ્રાઈવ કરાય? નો ડ્રીંક એન્ડ ડ્રાઈવ. ચલો.’ સૌમિત્રને ટેકો આપીને વરુણ રૂમની બહાર નીકળ્યો અને દરવાજો ખેંચીને લોક કર્યો અને લીફ્ટમાં બંને નીચે ગયા. અહીં હોટલના મેઈન ગેઇટ પાસે ત્યાંનો બોય વરુણની કાર લઇ આવ્યો એટલે સૌમિત્રને એક સાઈડ બેસાડીને વરુણે ગાડી સૌમિત્રના ઘર તરફ હંકારી મૂકી.

સૌમિત્રને ઘરે પહોંચીને જ્યારે વરુણે ડોરબેલ વગાડી ત્યારે જનકભાઈએ બારણું ખોલ્યું. સૌમિત્ર હજીપણ નશામાં હતો એટલે વરુણ એને ઘરની અંદર ટેકો આપીને આવ્યો અને જનકભાઈને સૌમિત્રનો રૂમ ક્યાં હોવાનું પૂછ્યું. જનકભાઈએ રૂમ બતાવતા વરુણ સૌમિત્રને એના રૂમમાં લઇ ગયો અને બેડ પર સુવાડી દીધો. બાજુમાં સુભગ ગાઢ નિંદ્રામાં સુતો હતો.

‘મેં બહુ ના પાડી પણ... કદાચ ભાભીને બહુ મીસ કરતા હતા એટલે વધુ પીવાઈ ગયું છે... સવાર સુધીમાં ઠીક થઇ જશે, ચિંતા ન કરતા.’ સૌમિત્રને સુવાડી અને જનકભાઈ સામે બંને હાથ જોડીને વરુણે વિદાય લીધી.

જનકભાઈએ પણ વરુણ સામે હાથ જોડ્યા અને વરુણના જતાંની સાથે જ એમણે સૌમિત્રના શૂઝ કાઢ્યા અને પોતાનું ડોકું ડાબે-જમણે હલાવતા હલાવતા શૂઝ લઈને રૂમની બહાર નીકળી ગયા.

***

રાતના અઢી વાગે છે. સેવાબાપુના આશ્રમમાં સુનકાર પણ સંભળાઈ શકતો હતો. આશ્રમમાં મહેમાનો માટે બનાવેલા ખાસ અને ભવ્ય રૂમ તરફ લઇ જતી પરસાળમાં સેવાબાપુ ઝડપભેર પગલાં માંડતા ચાલી રહ્યા છે. છેલ્લો રૂમ એટલેકે રૂમ નંબર ૧૧ જગતગુરુએ ધરા માટે નક્કી કર્યો હતો. સેવાબાપુ એ રૂમ સામે ઉભા રહ્યા અને પોતાની ડાબી તરફ જોઇને નક્કી કરી લીધું કે બીજું કોઈ આવતું નથીને? બાજુના રૂમમાંથી પરસોતમભાઈના નસકોરાનો અવાજ જોરજોરથી આવી રહ્યો હતો.

સેવાબાપુએ જગતગુરુએ આપેલી રૂમની ચાવી લોકમાં ભરાવીને રૂમ ખોલ્યો અને એમાં પ્રવેશ કર્યો અને ડીમ લાઈટ ઓન કરી. લાઈટ ઓન થતાં જ સેવાબાપુની નજર બેડ પર સુતેલી ધરા પર પડી. સેવાબાપુએ પાછળ રહેલા બારણાને પગથી ધક્કો મારીને બંધ કરી દીધું.

છેલ્લા ત્રણ ચાર કલાકથી અફીણની અસરમાં ભાન ભૂલીને ધરા ગાઢ નિંદ્રામાં હતી. જમણે પડખે સુઈ રહેલી ધરાએ પોતાનો ડાબો પગ વાળીને ઉંચો કર્યો હતો અને જમણો પગ સીધો જ હતો અને આથી જ એની નાઈટી એના સાથળ સુધી ઉપર ચડી ગઈ હતી. ડીમ લાઈટમાં ધરાના દૂધથી પણ સફેદ સાથળો ચમકી રહ્યા હતા અને એના પર જ સેવાબાપુની નજર સ્થિર થઇ ગઈ અને એમણે સુકાઈ ગયેલા નીચલા હોઠ પર એમની ભીની જીભ ફેરવી.

***

પ્રકરણ ૫૪

સવારના સાડા આઠ, ધૂળેટીની સવાર પડી. ધરા જે રૂમમાં સુતી હતી એની એક બારીની તિરાડમાંથી સૂર્યનું એક કિરણ અચાનકજ પ્રવેશ્યું અને સીધું જ ધરાની આંખ પર પડ્યું. ધરાની આંખ ખુલી ગઈ. એ સફાળી ઉભી થઇ ગઈ અને આસપાસ જોયું અને એને લાગ્યું કે એ કદાચ બે-ત્રણ દિવસની ઉંઘ પછી ઉઠી છે. અફીણનો જે થોડો ઘણો નશો જગતગુરુએ ધરાને એના ધ્યાન બહાર આપ્યો હતો એ નશો હવે સંપૂર્ણપણે ઉતરી ચૂક્યો હતો. ધરાને હવે ભાન આવી ચુક્યું હતું અને આળસ મરડતાં એણે જોયું કે એની પેન્ટી એના પગની પાસે પડી હતી.

અચાનક જ ધરાને લાગવા લાગ્યું કે એની સાથે કશુંક અજુગતું બની ચૂક્યું છે. ધરાને ખ્યાલ આવ્યો કે સૂર્યના કિરણના આંખમાં પડવાને લીધે એ જ્યારે બેડ પર બેઠી થઇ ત્યારે એની નાઈટી પણ એની કમર સુધી ઉંચી હતી એટલુંજ નહીં નાઈટીનો એક હિસ્સો એના ડાબા ખભા પરથી ઉતરી ગયો હતો અને ઉપરના તમામ બટન પણ ખુલ્લા હતા. ધરાને એ હવે એ બાબતનો ખ્યાલ આવતા વાર ન લાગી કે ગઈકાલે રાત્રે એને કોઈકે એની મરજી વિરુદ્ધ ભોગવી છે. ધરા હાંફળી ફાંફળી થવા લાગી અને બેડ પરથી ઉભી થઇ ગઈ, પણ અચાનક જાણેકે એને નબળાઇ આવી ગઈ હોય એમ એ બેડ પર ફરીથી બેસી ગઈ.

ધરા આસપાસ જોવા લાગી અને મન પર જોર દઈને યાદ દેવા લાગી કે રાત્રે એની સાથે શું થયું હતું. ધરાએ બાજુમાં પડેલી પેન્ટીને ઉઠાવી અને બેડ પર બેઠાબેઠા જ પહેરી લીધી. ધરાએ એજ અવસ્થામાં આંખો બંધ કરી દીધી અને એને સેવાબાપુનો ચહેરો ધૂંધળો ધૂંધળો દેખાવા લાગ્યો. સેવાબાપુ ધરાના શરીર પર છવાઈ ગયા હતા એવું ધરાને યાદ આવવા લાગ્યું. ધરાને હવે ડર લાગવા લાગ્યો હતો એની સેવાબાપુ પ્રત્યેની આસ્થા એને યાદ આવી રહેલા એક એક ધૂંધળા દ્રશ્યો પછી ધૂળ થવા લાગી હતી.

ધરાએ ડરતાં ડરતાં નાઈટી ખભા પરથી ઉતરી જવાને લીધે અડધા ખુલ્લા પડી ગયેલા પોતાના ડાબા સ્તન તરફ નજર કરી જેના પર કોઈના... કોઈના શું સેવાબાપુના જ નખના અને દાંતના નિશાન હતા. હવે ધરાને એમ પણ લાગવા લાગ્યું કે એના જમણા સ્તન પર પણ આવા જ નિશાન છે. અચાનક ધરાને એની ડુંટી પર કશુંક ફીલ થયું. એણે નાઈટીની અંદરથી એની ડુંટીની આસપાસ આંગળી ફેરવી તો ખ્યાલ આવ્યું કે ત્યાં પણ સેવાબાપુએ એને બચકાં ભર્યા છે. હવે તો ધરા એ જાતેજ નાઈટી ઉંચી કરીને અને એની નજર અને એની આંગળીઓ એના આખા શરીર પર ફરવા લાગી અને એના પગ પર ગઈ તો ત્યાં પણ એના બંને પગના ગોટલાથી માંડીને જાંઘો સુધી સેવાબાપુએ એમના દાંતના નિશાન પાડી દીધા હતા.

ધરાને ખ્યાલ આવ્યો કે એ રાત્રે ઉંઘમાં, ‘બસ, સોમુ બસ... આજે તને શું થઇ ગયું છે? તું તો ગાંડો થઇ ગયો છે.’ એવું પણ બોલી હતી. પણ એ એનો સોમુ એટલેકે સૌમિત્ર ન હતો પરંતુ સેવાબાપુ હતા જેણે એને કોઈ રીતે ઘેનમાં રાખીને ભોગવી હતી. ધરાનો આઘાત હવે ગુસ્સામાં પરિવર્તિત થયો અને એણે આ વાત અત્યારે એના માતાપિતાને અને પછી અમદાવાદ કૉલ કરીને સૌમિત્રને પણ અહીં બોલાવીને સેવાબાપુ સામે પોલીસમાં બળાત્કારની ફરિયાદ કરવાનું નક્કી કર્યું.

ધરાએ એની નાઈટી સરખી કરી અને રૂમનું બારણું જોરથી ખોલ્યું અને બાજુના રૂમમાં જ્યાં પરસોતમભાઇ અને ઉમાબેનને ઉતારો આપવામાં આવ્યો હતો એને ખખડાવ્યો.

‘સાયબ ને બેન તો હવારે વેલા રાય્જ્કોટ વયા ગ્યા.’ નજીકમાં જ પોતું કરી રહેલો એક સેવક બોલ્યો.

‘કેમ?’ ધરાને નવાઈ લાગી.

‘તે ઈમણે તમારું બાય્ણું હવાર હવારમાં બે તન વાર ખખડાયવું પણ તમે બવ નિંદરમાં હસો અટલે જગતબાપુએ સલ્લા આપી કે ઈ લોકો ભલે ઝાય, તમે તમારી મેરે રાય્જ્કોટ વયા આવસો.’ સેવક એ જાણતો હતો એવો જવાબ આપ્યો.

હવે ધરાનું માથું ફાટવા લાગ્યું હતું એણે સેવાબાપુના રૂમ તરફ ઝડપભેર પગલાં માંડ્યા.

ધરા હજી અડધે રસ્તે પણ નહોતી પહોંચી ત્યાં એને સામે જગતગુરુ મળ્યો.

‘બાપુ છે?’ ગુસ્સો, શરમ અને હતાશાથી ફાટફાટ થઇ રહેલી ધરાને હવે સેવાબાપુનું પૂરું નામ પણ નહોતું લેવું પણ અત્યારે એની પાસે એમને બાપુ કહ્યા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો.

‘બાપુ તો સવારની ફ્લાઈટમાં મુંબય વયા ગ્યા.’ જગતગુરુને બધીજ બાબતનું જ્ઞાન હતું પણ એણે પોતાના ચહેરા પર જાણકારીની એક નાની અમથી રેખા પણ ઉપસવા ન દીધી.

‘મુંબઈ? કેમ?’ ધરાનો અવાજ ફાટી પડ્યો કારણકે એને આમ થવાની જરાય આશા ન હતી.

‘કાય્લથી ન્યા મુલુંડમાં બાપુની સપ્તા સાલુ થાવાની સે. હુંય આય્જ રાયતની સૌરાષ્ટ્રમાં જૈસ.’ જગતગુરુએ ફરીથી પુરેપુરી સ્વસ્થતા જાળવીને જવાબ આપ્યો.

ધરાને એમ લાગ્યું કે હવે એનું માથું અહીં જ ફાટી પડશે. એને સેવાબાપુને એની સાથે એમણે આવું કેમ કર્યું અને એના પિતાની વર્ષોજુની સેવાદારીનું આ ફળ કેમ આપ્યું એ પૂછવું હતું અને બાદમાં એ સેવાબાપુને પાઠ ભણાવશે એવી ચેતવણી આપવાનું પણ નક્કી કરી ચૂકી હતી. આમાંનું કશું પણ એ હવે બોલી શકવાની નથી એવો ખ્યાલ ધરાને સેવાબાપુની ગેરહાજરીના સમાચાર મળવાને લીધે આવી ગયો હતો.

ધરાએ એના કદમ પાછા વાળ્યા અને બંને હોઠને જમણી હથેળીથી દબાવીને પોતાના રૂમ તરફ ઝડપથી દોડવા લાગી. ધરા જેવી પોતાના રૂમમાં ઘુસી કે એણે દરવાજાને ધક્કો મારીને એને લોક કરી દીધો અને બેડ પર બેસીને પોતાના ચહેરાને બંને હાથમાં સમાવીને રડવા લાગી. ધરાનું રુદન ધીમેધીમે વધવા લાગ્યું અને બહાર પણ સંભળાવવા લાગ્યું હતું પણ આસપાસના તમામ રૂમ ખાલી હતા.

જગતગુરુ ધીમા પગલા માંડતો ધરાના રૂમના દરવાજા પાસે ઉભો રહ્યો. એણે રૂમનું લેચ ખોલવા પ્રયત્ન કર્યો પરંતુ ઓટોમેટીક લોક હોવાથી ધરાએ જ્યારે દરવાજો ધક્કો મારીને બંધ કર્યો ત્યારે આપોઆપ એ બંધ થઇ ગયું હતું. જગતગુરુએ પોતાના સફેદ કુર્તાના ડાબા ખિસ્સામાંથી માસ્ટર કી કાઢી અને રૂમનું લોક ખોલ્યું. જગતગુરુ રૂમમાં પ્રવેશ્યો અને જોયું તો ધરા બેડ પર પગ નીચે લટકાવી અને પોતાની હથેળીઓમાં ચહેરો છુપાવીને રડી રહી હતી. જગતગુરુએ ઓટોલોક ફરીથી દબાવ્યું અને દરવાજો બંધ કરી દીધો.

‘આને બાપુના આસીર્વાદ સમઝ ધરા અને હંધુય ભૂલી ઝા.’ ધરાની નજીક ઉભેલા જગતગુરુએ એનો ખભો પોતાની આંગળીઓથી દબાવ્યો.

ધરાએ રડતાં રડતાં હથેળીઓમાંથી ચહેરો બહાર કાઢીને જગતગુરુ સામે ગુસ્સાથી જોયું અને જમણે હાથેથી જગતગુરુનું કાંડું પકડીને એના હાથને હડસેલો મારી દીધો જે એના ખભા પર હતો.

‘બાપુના ખાસ આસીર્વાદ લેવા તો બાયું આમ પાણી વનાની માસ્લીની ઝેમ તડફ ફડફ થાતી હોય સે, ઝ્યારે તને તો બાપુએ હામે સાલીને બવ પ્રેમથી એના ખાસ આસીર્વાદ આય્પા સે. હવે રોવાનું મૂકી દે ને પસે ઝો બાપુનો કમાલ. મને પાંસ ભક્તોના નામ, એડ્રેસ અને ફોન નંબર બાપુ આપતા ગ્યા સે. આ પાંસેય બાપુના પરમ ભગતો સે અને બ્રાજીલના બવ મોટા વેપારીઓ સે. બાપુએ કીધું સે કે ઝો ધરા ઈમના આસીર્વાદ સ્વીકારે તો આ પાંસેય નામ મારે તને આપવા. મોટા મોટા ઓડરું મલસે તને ધરા. બાપુએ પાંસેયને હમઝાવી દીધા સે.’ જગતગુરુની સ્વસ્થતા ગજબની હતી.

જાણેકે ધરા આ બધું થયા પછી અને થોડુંક દુઃખી થયા પછી બધુંજ ભૂલી જઈને માની જશે એવું જગતગુરુના ચહેરા પરથી અને એની વાત પરથી લાગી રહ્યું હતું.

‘આશિર્વાદ માય ફૂટ. એણે મારો રેપ કર્યો છે. હું અહિયાંથી સીધી જ પોલીસ સ્ટેશને જાઉ છું.’ ધરા જોરથી બોલી અને બેડ પરથી ઉભી થઇ.

જેવી ધરા બેડ પરથી ઉભી થઇ કે જગતગુરુએ એને ધક્કો માર્યો અને એ ફરીથી બેડ પર ફસડાઈ પડી. જગતગુરુ એ ધરાનું ગળું પકડ્યું અને એના પર સવાર થઇ ગયો.

‘ઝો ધરા. તને ઝે રીતે અટાણ હુધીન ઓડરું મયળા સે ને ઈ બાપુની જ કારીગરી થી મયળા સે. ઝો તને એમ લાગતું વોય કે તારી માલ વેંસવાની કળા કામ આય્વી સે તો ઈ ભૂલી ઝા. આ હંધાય બાપુના ખાસ ભક્તો સે જે બાપુનો પડ્યો બોલ ઝીલે સે. તારી ફેક્ટરી કરતાંય હઝારગણો હારો માલ બીજેથીન પણ મલે સે ને ઈય હારા ભાવે, પણ બાપુના કે’વાથી આ હંધાયે તને ઓડર આય્પા’તા. હવે વસાર કરી લેજે, બાપુના હાથ જો વિદેસ લગીન પોંચી હકતા વોય તો રાઝકોટ ને અમદાવાદ તો બવ નજીક સે. તું પોલીસ ટેસને તો પસી જૈસ પણ તું રસ્તામાં હોઇસ ને મારો એક ફોન રાઝકોટમાં પરસોતમ ને અમદાવાદમાં તારા વર ને દીકરાને મારી નાખવા હાટુ પુરતો સે. મારા માણસું અટાણે તારા બેય ઘરની આસપાસ જ મંડાણા સે અને મારા ઇસારાની રા’ ઝોવે સે. હવે તારું ડોકું ડાબે ઝમણે હલાવીને મને કે’ કે તું પોલીસ ફર્યાદ નય કરે પસી જ હું તારું ગળું છોડીસ.’ જગતગુરુનો અંગુઠો ધરાના હડીયાને ધીરેધીરે દબાવી રહ્યો હતો.

જગતગુરુની ભીંસ ધરાના ગળા પર વધી રહી હતી. ધરાને હવે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ધરાએ છેવટે પોતાનો ચહેરો પહેલાં ડાબીબાજુ અને પછી જમણીબાજુ હલાવ્યો. જગતગુરુને ખાતરી થતાં એણે ધરાનું ગળું છોડ્યું અને એના શરીર પરથી ઉભો થઇ ગયો.

‘તું બાપુનું મન કળ ધરા. આમતો બાપુના પેસીયલ આસીર્વાદ લે ઈ બાયુંને બાપુ મનેય પરસાદી તરીકે આપે, પણ ઈ તને દિલથી અને વરસોથી પ્રેમ કરેસ ધરા. મને સોખ્ખી ના પાડીને ગ્યા સે કે મારે તને હાથેય નો લગાડવો. તું હમઝી હકે હે કે બાપુની ગેરહાજરીમાં હું એના કે’વા સતાય તારી હાયરે ગમેતે કરી હક્યો હોત. પણ મારા હાટુ બાપુનો સબ્દેસબ્દ હુકમ સે. તું ય હંધુય ભૂલી ઝા, બાપુના પ્રેમનો સ્વીકાર કર, ઈ જે કે ઈમ વરત તો તારો ધંધો સારગણો વધી જાય્સે, ઈ ય એક જ વરહમાં. જીરિક વસાર તો કર આ ઉમ્રે પરસોતમભાઇ એના ધંધાને આકાસે અડતો જોસે તો કેટલા રાઝી થાસે? જતે દી’ એનો જ ઝીવ અવગતે જાહે. એકની એક દીકરી થયને તું તારા બાપ હાટુ આટલું તો કરી જ સક. બસ બાપુને ને એના પ્રેમને સ્વીકારી લે. તારે કાંય ગુમાવાનું નથી.’ જગતગુરુએ ધરાને ચેતવણીમિશ્રિત સ્વરમાં સલાહ આપી.

‘હા, હવે મારી પાસે ગુમાવવા જેવું છે જ શું? પપ્પાને મદદ કરવાના ઉદ્દેશથી હું થોડાક દિવસો માટે રાજકોટ આવી હતી. પણ મારી મદદ કરવાની ઇચ્છા એ ક્યારે મને પપ્પાનો બિઝનેસ વધારવાની લત લગાડી દીધી એનો મને ખ્યાલ પણ ન આવ્યો. પણ આ ધૂનમાંને ધૂનમાં મેં મારો સોમુ અને મારો સુભગ ગુમાવી દીધો. એ લોકોને તો હવે હું ઘરમાં હોઉં કે ન હોઉં કોઈજ ફરક નથી પડતો. એટલે ઘરમાં મારી હાજરી પણ મેં ગુમાવી. કાલે રાત્રે વર્ષો પછી માંડમાંડ સેવાબાપુ પ્રત્યે જાગેલા મારા વિશ્વાસને મારી લતને કારણે ગુમાવ્યો. મારું શરીર ગુમાવ્યું. હવે મારી પાસે ગુમાવવા લાયક કશું જ નથી જગતગુરુ, તમે સાચું કીધું. હવે તમે જો બહાર જાવ તો હું કપડા બદલીને ઘરે જાઉં? ચિંતા ન કરતાં હું ઘરે પહોંચીને બધુંજ ભૂલી જઈશ અને બપોરે જ અમદાવાદ જવા રવાના થઇ જઈશ. મારે હવે સેવાબાપુની અઢળક તાકાત અને કોન્ટેક્ટ્સ સામે લડીને મારા માતાપિતા અને મારા કુટુંબને કાયમ માટે ગુમાવવા નથી.’ ધરા બેડ પરથી ઉભી થઇ અને એણે પોતાની બેગ હાથમાં લીધી.

જગતગુરુને ધરાની વાત પર વિશ્વાસ થતાં એણે હકારમાં ડોકું હલાવ્યું અને રૂમનું લોક ખોલીને બહાર જતો રહ્યો.

રડતાં રડતાં કપડાં બદલીને ધરા પોતાની બેગ લઈને આશ્રમના પાર્કિંગમાં પડેલી પોતાની કાર લઈને રાજકોટ તરફ નીકળી ગઈ. રાજકોટ પહોંચીને ધરાએ પરસોતમભાઇને એ રીતે સમજાવ્યા કે હવે એમનો બિઝનેસ પાટે ચડી ગયો છે અને એ હોળી મિલનના પતવાની જ રાહ જોઈ રહી હતી. ધરાએ પરસોતમભાઇને એમ પણ કહ્યું કે એને એવું લાગે છે કે હવે એણે અમદાવાદ રહીને ફરીથી કૌટુંબિક જવાબદારીઓ નિભાવવી જોઈએ.

ધરાએ આશ્રમથી રાજકોટ આવતાં વિચારી રાખેલી વાત મુદ્દાસર કહેતાં પરસોતમભાઇ અને ઉમાબેનને એને ના પાડવાનો કે એના નિર્ણય પર ફરીથી વિચાર કરવાનો કોઈ મોકો જ ન મળ્યો અને આમ પણ એ બંનેના મતે ધરા પહેલેથી જ જીદ્દી છે અને એટલે પણ એને એનો નિર્ણય બદલવા માટે સમજાવીને કોઈ ફાયદો ન હતો.

પણ, ગઈરાત્રે આશ્રમમાં ધરા સાથે બનેલી ઘટનાની અજાણ ધરાના માતાપિતાને એ બિલકુલ ખ્યાલ ન હતો કે એ ઘટનાએ જ ધરાને પૂરેપૂરી બદલી નાખી હતી.

***

‘વરુણ આસપાસ તો નથીને?’ ગભરાયેલા અવાજમાં સૌમિત્ર બોલ્યો.

‘ના, એ સવારનો જ ક્યાંક નીકળી ગયો છે. મેં સવારથી કેટલા બધા ફોન કર્યા તને? નહીં નહીં તોયે પંદરથી વીસ મિસ્ડ કોલ્સ હશે, જોઈ લે. શું થયું? બધું ઠીક છે ને? અને તારા અવાજમાં આટલો ગભરાટ કેમ છે?’ ભૂમિના અવાજમાં ચિંતા હતી અને એણે એ ચિંતામાં ને ચિંતામાં સૌમિત્રને એકસાથે બે ત્રણ સવાલો પૂછી લીધા.

‘એ હું તને પછી કહું, પણ તું મને એમ કે’ કે તને કાલે વરુણ ક્યાં હતો એનો કોઈ ખ્યાલ છે?’ સૌમિત્રએ પૂછ્યું.

‘એનો કોઈ ક્લાયન્ટ આવ્યો હતો એટલે કાયમની જેમ એરપોર્ટની ફાઈવ સ્ટાર હોટલમાં એને મળવા ગયો હતો. પણ તું વરુણ વિષે કેમ આટલી બધી ઈન્કવાયરી કરે છે મિત્ર? મને ચોખ્ખે ચોખ્ખું કે’ મને હવે બીક લાગે છે.’ ભૂમિની ગભરામણ એના અવાજમાં સ્પષ્ટ દેખાતી હતી.

‘એક્ચ્યુલી વરુણ એના કોઈ ક્લાયન્ટને મળવા નહીં પણ મને લઈને એ હોટલમાં ગયો હતો.’ સૌમિત્રએ ફોડ પાડ્યો.

‘ઓહ માય ગોડ! તને? કેમ?’ ફોન પર વાત કરી રહેલી ભૂમિનું મોઢું પહોળું થઇ ગયું.

‘તને ખબર તો છે એ મારો મોટો ફેન છે એટલે એણે એ બહાને મારી સાથે થોડો સમય વિતાવવાની અને મારી નોવેલ પર ડિસ્કસ કરવાના બહાને કાલે જ ફોન કર્યો હતો અને મેં એને હા પાડી દીધી.’ સૌમિત્રએ વાત શરુ કરી.

‘તો તારે મને કહેવું તો જોઈતું હતું?’ ભૂમિએ સૌમિત્રને સવાલ કર્યો જેની સૌમિત્રને અપેક્ષા હતી જ.

‘વરુણનો કૉલ કટ કર્યા પછી હું તરતજ તને કૉલ કરવાનો હતો, પણ પછી થયું કે એ અમદાવાદમાં જ છે એટલે નક્કી આખો સમય તારી જોડે જ હશે. પાછો હોળીનો દિવસ હતો એટલે તું પણ ઘરે જ હોય. એટલે તને પછી કહીશ એવું વિચાર્યું.’ સૌમિત્રએ ભૂમિના સવાલનો યોગ્ય જવાબ આપ્યો.

‘એટલીસ્ટ, મને એસએમએસ તો... એનીવેઝ.. પછી શું થયું?’ ભૂમિની ઉત્કંઠા વધી રહી હતી.

‘એ મને સાંજે ઘરેથી પીકઅપ કરીને એરપોર્ટ હોટલ લઇ ગયો. શરૂશરૂમાં તો નોવેલ વગેરેની જ વાતો કરી, પણ પછી એણે ડ્રીંક મંગાવ્યું. મેં એને ના જ પાડી હતી કે હું ડ્રીંક નથી લેતો અને એણે પણ મને પ્રોમિસ કર્યું હતું કે એ મને ફોર્સ નહીં કરે.’ સૌમિત્રએ ગઈરાત્રે શું બન્યું હતું એ કહેવાનું શરુ કર્યું.

‘પછી?’ ભૂમિએ આગલો સવાલ કર્યો.

‘પણ, મને લાગે છે... લાગે છે શું ખાતરી જ છે કે એણે મારા સોફ્ટડ્રીંકમાં દારૂ ભેળવી દીધો હતો.’ સૌમિત્રએ વાત આગળ વધારી.

‘ઓહ ગોડ! પછી?’ ભૂમિની ચિંતા વધી ગઈ.

‘પછી... મને ખ્યાલ નથી કે મારી સાથે શું થયું પણ અત્યારે આછું પાતળું યાદ આવે છે કે હું વરુણ સામે વારંવાર તારું નામ લઇ રહ્યો હતો. હવે મને એવું પણ દેખાય છે કે વરુણના હાથમાં એનો સેલફોન હતો. ભૂમિ સોરી, પણ મને લાગે છે કે હું શરાબના નશામાં કદાચ આપણા વિષે બધુંજ બકી ગયો છું. આઈ એમ રિયલી સોરી. હું નશામાં હતો પણ મને ખ્યાલ નહતો કે મારા સોફ્ટડ્રીંકમાં વરુણે એની બ્લેક લેબલ મિક્સ કરી છે. એ જ મને રાત્રે ઘરે મૂકી ગયો અને અત્યારે... દોઢ વાગ્યે હું જાગ્યો ત્યારે પપ્પાએ મને કહ્યું કે મારો કોઈ મિત્ર મને રાત્રે મૂકી ગયો હતો. તે સવારથી કોલ્સ કર્યા હશે પણ હું એટલી ઉંઘમાં હતો કે મને ખ્યાલ જ ન આવ્યો.’ સૌમિત્ર એ પોતાની પરિસ્થતિ સ્પષ્ટ કરી.

‘હમમ...’ ભૂમિ બસ આટલું જ બોલી શકી.

લગભગ અડધી મિનીટ સુધી સૌમિત્ર કે ભૂમિ બંને મૂંગા રહ્યા.

‘ભૂમિ?? ભૂમિ?? આર યુ ધેર?’ ભૂમિ આટલો સમય મૂંગી રહેતા સૌમિત્ર બોલ્યો.

‘હા.’ ભૂમિએ ફરીથી ટૂંકમાં જ જવાબ આપ્યો.

‘હવે શું?’ સૌમિત્ર પણ ગભરાયેલો હતો.

‘મારા લગ્ન પહેલાં આપણે સંગીતાના ઘેર મળ્યા ત્યારે તું વીક પડ્યો હતો, હવે પરીક્ષાની ઘડી આવે તો વીક પડીશ?’ ભૂમિએ સીધો જ સવાલ કર્યો.

‘એ વખતના સંજોગો જૂદા હતા ભૂમિ અને હવેના જૂદા છે. ધરા પણ મારાથી ઈમોશનલી અલગ થઇ ગઈ છે અને મને તારા પ્રેમની ખાતરી થઇ ચુકી છે. હું તારા વગર હવે તો એક સેકન્ડ પણ જીવી શકવાનો નથી, એટલે હવે મારા વીક થવાનો કોઈજ સવાલ નથી આવતો.’ જેમજેમ સૌમિત્ર બોલ્યો એમ એના અવાજમાં મક્કમતા વધી રહી હતી.

‘બસ તો પછી, મિત્ર! જબ પ્યાર કિયા તો ડરના ક્યા!’ ભૂમિએ આટલું કહીને કૉલ કટ કરી દીધો.

***

પ્રકરણ ૫૫

‘ઓહો તું? પતી ગયો તારો હોળી મિલનનો કાર્યક્રમ?’ ધૂળેટીની સાંજે ઘરની ડોરબેલ વાગતા સૌમિત્રએ બારણું ખોલ્યું અને સામે ધરાને જોતાં અનાયાસે જ એનાથી આમ બોલાઈ ગયું.

ડોરબેલનો અવાજ સાંભળીને સુભગ પણ એના રૂમમાં ગેમ રમવાનું પડતું મૂકીને દોડતો દોડતો આવ્યો.

‘હા, બધુંજ પતી ગયું. હવે હું પાછી રાજકોટ નથી જવાની. હવે અહીં ઘરે જ રહીશ, તારી અને મારા સુભગની સાથે.’ ધરાએ એની બંને બેગો નીચે મૂકીને સૌમિત્રની બાજુમાં જ ઉભેલા સુભગને નીચે વળીને ભેટતાં કહ્યું.

‘તો પછી પપ્પાની ફેક્ટરી?’ સૌમિત્રએ સ્વાભાવિક સવાલ કર્યો.

‘એને મેં પાટા ઉપર લાવી દીધી છે. હવે એમને મારી જરૂર નથી. મારા માટે હવે મારું ફેમીલી ફર્સ્ટ.’ સૌમિત્ર અને સુભગને ખ્યાલ ન આવે એ રીતે આંખમાંથી આંસુ લૂછીને ધરા ઉભી થઇ અને સ્મિત સાથે સૌમિત્રને જવાબ આપ્યો.

સૌમિત્રને બદલાયેલી ધરાને જોઇને નવાઈ લાગે છે, પણ હવે એ ધરાથી લાગણીના બંધનથી ખાસ જોડાયેલો નહોતો રહ્યો એટલે એણે ‘જેવી ધરાની ઈચ્છા’ એમ વિચાર્યું અને ફરીથી સોફા પર બેસીને છાપું વાંચવા લાગ્યો.

***

એરપોર્ટ હોટલમાં વરુણે એની સાથે શું કર્યું હતું એ વાત ભૂમિને કર્યા બાદ અને ધરાના અમદાવાદ કાયમ માટે પરત આવ્યા બાદ બે દિવસે સૌમિત્ર અને ભૂમિ, ભૂમિની કોલેજની નજીકની એક રેસ્ટોરન્ટમાં મળ્યા.

‘ખબર નથી પડતી ભૂમિ, મારી લાઈફ અચાનક એકસાથે આટલા બધા ટ્વિસ્ટ અને ટર્ન કેમ લઇ રહી છે?’ સૌમિત્રએ ચ્હાનો એક ઘૂંટડો ભર્યો.

‘એટલે?’ ભૂમિએ સવાલ કર્યો.

‘જો, પહેલાં તો ધરાના પપ્પાને પરેલીસીસ શું થયો, ધરા જ મારાથી સાવ દૂર થઇ ગઈ, શરીરથી, મનથી અને પછી લાગણીથી પણ. ત્યાં તું મને ફરીથી મળી અને આપણે ફરીથી નજીક આવ્યા, જો કે પહેલાં તો મેં પણ તને અવોઇડ કરી. ધરાએ ખાલી કરેલી જગ્યા તું ભરી જ રહી હતી ત્યાં આમ અચાનક જ વરુણ મને ફોસલાવીને એરપોર્ટ હોટલે લઇ ગયો. હું એની વાતમાં આવી ગયો અને એણે મને દગાથી શરાબ પિવડાવીને આપણા સંબંધો વિષે વાત ઓકાવી લીધી. હવે ધરા પાછી આવી ગઈ, એ પણ અચાનક, સાવ બદલાયેલી.’ સૌમિત્ર રોકાયો.

‘તો એમાં વાંધો શું છે? આપણે નક્કી કર્યું જ છે ને કે હવે ગમે તે થાય આપણે અલગ નહીં થઈએ.’ ભૂમિએ કહ્યું.

‘વાંધો તો શું હોય, પણ આમ અચાનક છેલ્લા કેટલાક મહિનામાં મારી સાથે બધું ઝડપથી બદલાઈ રહ્યું છે એટલે નવાઈ સાથે બીક પણ લાગે છે. ક્યાંક ઉપરવાળાએ મારી સાથે કશું ખરાબ કરવાનું તો નક્કી નહીં કર્યું હોયને?’ સૌમિત્રના અવાજમાં ભય ડોકાતો હતો.

‘ઉપરવાળો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતો, થિંક પોઝીટીવ મિત્ર. મને જો, મને ખબર છે કે એક દિવસ વરુણ પણ તે એની સામે જે બાબતનો સ્વિકાર કર્યો છે એના વિષે સવાલો કરશે જ, પણ હું મક્કમ છું, કારણકે મને ખબર છે કે મારે શું કરવાનું છે.’ ભૂમિએ સૌમિત્રનો હાથ પકડ્યો.

‘હમમ.. મક્કમ તો હું પણ છું, પણ ધરા પરમદિવસે એક તો અચાનક આવી અને પાછી પહેલાની જેમજ વર્તન કરવા લાગી છે. કાલે આખો દિવસ એ મારી આગળ પાછળ ફરતી હતી, મારું અચાનક એટલું બધું ધ્યાન રાખ્યું કે મને એમ થયું કે આટલા દિવસ કોઈ બીજી ધરા હતી કે શું? રાત્રે પણ વારેવારે મને વળગીને સુતી હતી. ખબર નહીં પણ ધરા સાથે રાજકોટમાં નક્કી કશું થયું છે અને એટલેજ એ ફરીથી મારો અને સુભગનો પ્રેમ મેળવવા માટે હાથપગ પછાડી રહી છે.’ સૌમિત્રએ પોતાનો બીજો હાથ ભૂમિના હાથ પર મુક્યો અને એના અંગૂઠાથી એની હથેલી સહેલાવવા લાગ્યો.

‘એવું તો શું થયું હશે એની સાથે?’ ભૂમિએ પૂછ્યું.

‘કદાચ એના પપ્પા સાથે ઝઘડો? ના ના એના પપ્પા તો ભગત માણસ છે. આટલા વર્ષોમાં મેં એમને ક્યારેય ઉંચો અવાજ કરીને બોલતા નથી સાંભળ્યા. કરોડોપતિ છે પણ એક ટકાનું પણ એમને અભિમાન નથી.’ સૌમિત્રએ ભૂમિના સવાલનો એને જે કારણ દેખાયું એવો જવાબ આપ્યો.

‘તો પછી, સેલ્ફ રીયલાઈઝેશન સિવાય બીજું કોઈજ કારણ ન હોઈ શકે.’ ભૂમિ બોલી.

‘એટલે?’ સૌમિત્રને ભૂમિની વાત ન સમજાઈ.

‘એટલે કદાચ એને જાતેજ એવું રીયલાઈઝ થયું હોય કે છેવટે તો એનું કોઈ છે તો એ એનો હસબન્ડ અને એનો સન જ છે. એ ભલે પ્રોફેશનલી સક્સેસફૂલ બની ગઈ હોય પણ જેને ઇંગ્લીશમાં નિર્વાના કહે છે એ તો એને કુટુંબ પાસેથી જ મળશે.’ ભૂમિએ પોતાની વાત સ્પષ્ટ કરી.

‘તો પછી એણે આ રીયલાઈઝ થવામાં બહુ વાર કરી દીધી. એનો, પતિ તો ઠીક એનો દીકરો પણ એના ઇગ્નોરન્સને લીધે એનાથી દૂર થઇ ગયો છે.’ સૌમિત્રએ ભૂમિની આંખમાં આંખ નાખીને કહ્યું.

***

‘સોમુ...સોમુ!’ સૌમિત્ર સ્ટડીઝમાં કશું લખી રહ્યો હતો ત્યાંજ ધરા દોડતી દોડતી આવી.

‘શું થયું? કેમ આટલી ગભરાયેલી છે.’ સૌમિત્રએ લખવાનું બંધ કરીને ધરા સામે જોયું.

‘બહાર ભૂમિ અને એના હસબન્ડ આવ્યા છે.’ ધરાનો ગભરાટ ચાલુ જ હતો.

‘ઓહ.. તો એમાં આઆઆટલું ગભરાવવાનું શું છે?’ આમતો સૌમિત્ર પણ ભૂમિ અને વરુણના આવવાનું કારણ સમજી ગયો હતો તોપણ એ પણ થોડોઘણો ડરી રહ્યો હતો.

‘મેં, એ બંનેને અંદર આવવાનું કહ્યું પણ ભૂમિના હસબન્ડે મને કહ્યું કે વાત અંદર કરાય એવી નથી, તમારા દીકરા અને સસરા પર એની ખરાબ અસર પડશે, બેટર છે કે તમે બંને બહાર આવો.’ ધરા એક શ્વાસે બોલી ગઈ.

‘ઠીક છે, તો પછી આપણી પાસે બીજો ઓપ્શન પણ નથી, ચલ.’ સૌમિત્ર ખુરશી પરથી ઉભા થતાં બોલ્યો.

સૌમિત્ર અને ધરા સ્ટડીઝમાંથી મુખ્ય રૂમમાં આવ્યા અને સૌમિત્રએ આસપાસ જોયું તો સુભગ કે જનકભાઈ કોઇપણ મુખ્ય ખંડમાં ન હતા. સૌમિત્રએ હાશકારો અનુભવ્યો અને ઘરના મુખ્ય દરવાજા તરફ કદમ માંડ્યા. સૌમિત્રને ખ્યાલ આવી જ ગયો હતો કે વરુણ ભૂમિને સાથે લઈને કેમ આવ્યો હશે અને એણે માત્ર પોતાને અને ધરાને જ બહાર કેમ બોલાવ્યા હશે. સૌમિત્ર માનસિકરીતે તૈયાર હતો પણ અત્યારેતો એનું હ્રદય એના કાન સુધી પહોંચી ગયું હતું.

બીજી તરફ, ધરાને અછડતો ખ્યાલ આવી ગયો હતો કે કદાચ એને જે બાબતની ખબર લગ્ન પહેલાં હતી એ ભૂમિના પતિ વરુણને છેક આટલા વર્ષો પછી પડી ગઈ હશે અને એટલે જ એણે એ બંનેને જ બહાર બોલાવ્યા છે. હાલમાં જ એની સાથે ઘટેલી એક મોટી ઘટનાના આઘાતમાંથી પસાર થઇ રહેલી ધરાએ હવે ગમેતે થાય પણ પોતાના પતિ એટલેકે સૌમિત્રની સાથે જ ઉભા રહીને વરુણનો સામનો કરવાનું નક્કી કરી લીધું.

‘હાઈ, અંદર આવ્યા હોત તો શાંતિથી વાત થાત.’ ફળિયાના દરવાજે પહોંચતા જ સૌમિત્રએ વરુણને કહ્યું.

‘અમે અંદર આવ્યા હોત તો તમારા ઘરની શાંતિ જતી રહી હોત.’ વરુણે વળતો જવાબ આપ્યો.

‘બોલો, શું કહેવું છે?’ સૌમિત્રએ વાત વધાર્યા સિવાય મુદ્દા પર આવવાનું નક્કી કર્યું.

સૌમિત્રની નજર વરુણની પાછળ ઉભી રહેલી ભૂમિ પર પડી, ભૂમિ સતત જમીન તરફ જોઈ રહી હતી એટલે એને ખ્યાલ તો આવી જ ગયો કે વરુણ કયા કારણસર આવ્યો છે એ બાબતની એની શંકા સાચી પડવામાં જ છે.

વરુણે પણ વધારે કશું ન કહેતા ખિસ્સામાં રાખેલો પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને એને અનલોક કરીને પહેલેથી જ તૈયાર રાખેલી વિડીયો ક્લીપ પ્લે કરી અને મોબાઈલને સૌમિત્ર અને ધરા સામે ધર્યો.

આ વિડીયો ક્લીપમાં સૌમિત્રએ તે દિવસે એને શરાબના નશામાં એના અને ભૂમિના પ્રેમસંબંધ વિષે જે વાત કરી હતી પ્લે થઇ. વરુણે આ ક્લીપને એવી રીતે એડિટ કરી હતી કે તે વખતે તો સૌમિત્ર પાસેથી પૂરી વાત કઢાવતા એને અડધો-પોણો કલાક લાગ્યો હતો, પણ ક્લીપ માત્ર પાંચ થી સાત મિનીટ સુધી લાંબી ચાલી અને એમાં તમામ મુખ્ય બાબતો આવરી લેવામાં આવી હતી.

‘સો... આને તમે સલાહ સમજો તો સલાહ, મિસ્ટર પંડ્યા અને ધમકી સમજો તો ધમકી. મારી વાઈફ સાથે હવે ફરી મળવાની ભૂલ ન કરતા. અમારું ફેમીલી તોડવાની જરાક અમથી પણ કોશિશ કરી છે તો મારી સારામાં સારા અને ખરાબમાં ખરાબ બંને ટાઈપના લોકો સાથે ઓળખાણ છે. તમારા હસબન્ડની લાશ પણ તમને નહીં મળે.’ સૌમિત્ર અને ધરા બંનેને ઉદ્દેશીને વરુણ બોલ્યો.

પોતાની વાત પતવાની જાણેકે રાહ જોઈ રહ્યો હોય એમ વરુણે ભૂમિની કોણીએથી ખેંચી અને બાજુમાં પડેલી કારનો દરવાજો ખોલીને એને આંખના ઈશારે જ અંદર બેસી જવાનું કહ્યું.

સૌમિત્ર અને ધરા જાણેકે કોઈ તોફાન અચાનક આવીને એમની નજર સામે જ દૂરદૂર જઈ રહ્યું હોય એમ એમનાથી દૂર જઈ રહેલી વરુણની કારને જોઈ રહ્યા હતા.

વરુણે તો સૌમિત્રને કોઈ રીએક્શન આપવાનો સમય જ નહોતો આપ્યો એટલે જ્યારે વરુણની કારની લાલ કલરની બંને બેક લાઈટ આંખોથી ઓઝલ ન થઇ ત્યાંસુધી સૌમિત્ર એને સતત જોતો રહ્યો. જેવી એ લાઈટ્સ દેખાવાની બંધ થઇ કે સૌમિત્ર જાણેકે ભાનમાં આવ્યો હોય એમ ઘર તરફ ચાલવા લાગ્યો.

અત્યારસુધી સૌમિત્રને ટગર ટગર જોઈ રહેલી ધરા પણ સૌમિત્રની પાછળ ચાલવા લાગી.

***

‘સોમુ, ગઈગુજરી પ્લીઝ ભૂલી જા. ભૂમિને છોડી દે પ્લીઝ.’ બેડરૂમમાં આવતાની સાથેજ ધરાએ બારણું બંધ કર્યું અને સૌમિત્ર સામે બંને હાથ જોડીને કહ્યું.

‘મેં તો ભૂમિને ક્યારનીયે છોડી જ દીધી હતી ધરા અને તારાથી મેં એ હકીકત ક્યારેય છુપાવી ન હતી કે હું અને ભૂમિ એક સમયે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. આ બધું મેં આપણા લગ્ન થયા ત્યારે નહીં પણ તારા પ્રેમમાં પડતાં પહેલાં જ કહ્યું હતું. પણ ભૂમિ મારી લાઈફમાં પાછી કેમ આવી એનું રીઝન તું જાણે છે. નહીં તો પછી તું ન જાણવાનો ઢોંગ કરે છે.’ સૌમિત્ર એ દલીલ કરી.

‘મને બધીજ ખબર છે સોમુ. મને ખબર છે થોડો વાંક મારો પણ છે...’ ધરાની આંખમાં આંસુ આવી ગયા હતા.

‘થોડો? ધરા સાચું કહુંને તો ભૂમિના છૂટા થયા પછી મને જે પ્રેમ અને હુંફની જરૂર હતી એ તે મને પૂરી પાડી અને એના માટે હું જિંદગીભર તારો આભારી રહીશ. તું નહીં માને પણ જ્યારે અમુક વર્ષો પહેલાં હું રાજકોટ વરુણની કંપનીના પ્રોગ્રામમાં ભૂમિને લગભગ એક દાયકા પછી મળ્યો ત્યારે મેં એની સાથે સામાન્ય વર્તન જ કર્યું હતું. મને એમ કે એના સંસારમાં મારી કોઇપણ વાતથી આગ ન લાગવી જોઈએ. એટલુંજ નહીં ભૂમિ તો મને રાજકોટમાં મળી હતી ને હું તારાથી એ વાત છુપાવી શક્યો હોત અને તને ખબર પણ ન પડત. પણ મેં એમ ન કર્યું. અમદાવાદ આવીને સૌથી પહેલું કામ મેં તને કહી દેવાનું કર્યું. અગેઇન તેં તારું મોટું દિલ દેખાડ્યું અને બધુંજ બરોબર ચાલ્યું.

ભૂમિ લગાતાર મારો સંપર્ક ફરીથી સ્થાપવા માટે તલપાપડ થઇ રહી હતી. એણે મને કેટલાય કોલ્સ કર્યા, કારણકે ત્યારે એનો અને વરુણનો સંસાર ઓલરેડી ભાંગી ચૂક્યો હતો, પણ મેં એને હમેશાં અવોઇડ કરી. તારા પપ્પાને જ્યારે પેરેલીસીસ નો અટેક આવ્યો અને સૌથી પહેલીવાર તું એક અઠવાડિયું રાજકોટ રોકાઈ ત્યારે વ્રજેશના રિસેપ્શનમાં જ્યારે ભૂમિએ પોતાનું ડેસ્પરેશન દેખાડ્યું ત્યારે મેં એને લગભગ અપમાનિત કરીને ચેતવી દીધી કે મારા માટે મારી પત્ની અને પુત્ર વધારે મહત્ત્વના છે, આપણો ખતમ થઇ ગયેલો પ્રેમ નહીં.

પણ, પછી તું જ મને, સુભગને અને આ ઘરને અવોઇડ કરવા લાગી. અઢી વર્ષ કોઈ નાનો સમય નથી હોતો ધરા. તને બરોબર ખ્યાલ છે કે મારું દિલ એ જ મારું દિમાગ છે. મને કાયમ તારી હુંફ તારા પ્રેમની જરૂર હોય છે અને તો જ હું લખી શકું છું. પણ તેં તારા પપ્પાના બિઝનેસને વધારે મહત્ત્વનો સમજ્યો. ઇટ્સ ઓકે, એક મહિનો, બે મહિના, ચાલો છ મહિના, પણ પછી તો હદ હોય કે નહીં? તારી રાહ જોવામાં મેં મારી આખી નોવેલ સ્પોઈલ કરી દીધી અને સફળતાના શિખર પરથી એક ધડાકે નીચે પછડાયો. લોકોના અપમાન સહન કર્યા અને એ જ સમયે ભૂમિ મને પાછી મળી.

મેં ક્યારેય તારાથી કશુંજ છુપાવ્યું નથી અને અત્યારે પણ નહીં છુપાવું. જ્યારે ભૂમિ મને ફરીથી મળી, મને એણે મારી જ કોલેજમાં લેક્ચર આપવાનો મોકો આપ્યો અને મારી નવી નોવેલ છપાવવા માટે એના કઝીનને રીતસર ફોર્સ કર્યો ત્યારે મને એમ લાગ્યું કે હું ભૂમિના પ્રેમને ક્યારેય ભૂલ્યો જ ન હતો. બસ,આપણી મેરિજ લાઈફ બગડે નહીં એટલે એને ક્યાંક દૂર અંધારા ખૂણામાં મુકીને આવ્યો હતો. તારા ઇગ્નોરન્સને કારણે અને ભૂમિના ઈમોશનલ સપોર્ટને લીધે મારી એના પ્રત્યેની લાગણી જાણેકે રીચાર્જ થઇ ગઈ.

યસ, આઈ લવ ભૂમિ અને મને હવે વરુણની ધમકીનો કોઈજ ડર નથી.’ સૌમિત્રએ પોતાનું દિલ ખોલીને ધરા સામે રાખી દીધું.

‘મને ખબર છે કે ભૂમિ તરફ તારું ફરીથી આકર્ષણ થવા માટે હું જ જવાબદાર છું. પણ હું ફક્ત મારા પિતા પ્રત્યેની ફરજ અદા કરી રહી હતી સોમુ. હા મારી ભૂલ એ થઇ કે મેં એ ફરજ બજાવવા માટે તને અને સુભગને સતત ઇગ્નોર કર્યા. સક્સેસનો ટેસ્ટ થતાં જ હું ભાન ભૂલી ચુકી હતી સોમુ અને એમાંને એમાં જ એનીવર્સરીની રાત્રે મેં તારું અપમાન કર્યું હતું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને એટલેજ હું બધુંજ છોડીને તારી અને સુભગ પાસે પાછી આવી ગઈ છું. હું અંદરથી સાવ તૂટી ગઈ છું સોમુ, પ્લીઝ મારી ભૂલને માફ કરી દે, મારી સાથે બદલો ન લે.’ ધરા સૌમિત્રના પગે પડી ગઈ.

સૌમિત્રએ વાંકા વળીને ધરાને ઉભી કરી.

‘મેં તને પ્રેમ કર્યો છે ધરા, હું તારી સાથે બદલો લઉં? તે મને સંભાળ્યો છે ધરા, મને આ સ્તરે પહોંચાડ્યો છે એટલે તારી સાથે બદલો લેવાનો તો મને વિચાર પણ ન આવે. બસ, સંજોગો બદલાઈ ચૂક્યા છે અને આ બદલાયેલા સંજોગોનો આપણે બંને એ સ્વિકાર કરીને આપણે એનો આદર કરવાનો છે.’ સૌમિત્રએ સ્મિત સાથે ધરાને કહ્યું એની બંને હથેળીઓ ધરાના બંને ખભાઓને દબાવી રહી હતી.

‘મને તારી પ્રત્યે કોઈજ ખરાબ લાગણી નથી થઇ રહી સોમુ, અત્યારે પણ જ્યારે તું મારી સમક્ષ એકરાર કરી રહ્યો છે કે તું ભૂમિને ફરીથી તારા કોલેજના સમય જેટલો જ પ્રેમ કરી રહ્યો છે. પણ મને વરુણ પર વિશ્વાસ નથી. હું ફરજ ચૂકી એનો બદલો મને તારો પ્રેમ ગુમાવીને મળ્યો, પણ હવે તું સુભગ અને આ ઘર પ્રત્યેની ફરજ તારી સાથે કશુંક ખરાબ કરાવીને ન ચૂક. ગુમાવવાનું મારે અને સુભગને જ છે. પણ આ વખતે બધું સાંભળી લેવાનો બીજો મોકો નહીં મળે સોમુ.’ ધરાએ રડતાં રડતાં કહ્યું.

‘ઠીક છે, હું સમજી શકું છું. વાત મારા દીકરા અને મારા ઘરની છે એટલે હું જ એ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દઉં છું અને એ પણ અત્યારે જ.’ સૌમિત્રએ આટલું કહેતાં જ ઝભ્ભાના ખિસ્સામાંથી એનો સેલફોન બહાર કાઢ્યો.

સૌમિત્રએ ભૂમિનો કોલ ડાયલ કર્યો અને રિંગ વાગતા જ સ્પિકર ઓન કરી દીધું.

‘હલો?’ સામેથી ભૂમિનો અવાજ આવ્યો જેમાં જરાય શક્તિ ન હતી.

‘ભૂમિ, મિત્ર બોલું છું. વરુણ છે આસપાસ? જો હોય તો તારા ફોનનું સ્પિકર ઓન કર, મેં પણ મારા ફોનનું સ્પિકર ઓન રાખ્યું છે અને ધરા મારી સામે જ ઉભી છે.’ સૌમિત્રના અવાજમાં વજન હતું.

‘સ્પિકર ઓન છે મિસ્ટર પંડ્યા બોલો તમારે જે કહેવું હોય તે.’ થોડીવાર પછી સામેથી વરુણનો અવાજ આવ્યો.

‘વરુણ, તમારા બંનેના ગયા પછી તમારી ધમકીથી ડરીને નહીં પણ પ્રેક્ટીકલ થઈને મેં વિચાર્યું કે જો મને કોઈ તકલીફ પડશે તો મારા અને તમારા કુટુંબને મોટી અસર પડશે. મને મારી નાખીને તમે લાંબો સમય કાયદાની પહોંચની બહાર નહીં જ રહી શકો, કારણકે ગમેતેમ તોયે તમે ઇન્ડિયાના વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર નોવેલીસ્ટ્સ સૌમિત્ર પંડ્યાનું ખૂન કર્યું હશે. એનીવેઝ, મારો કહેવાનો મતલબ એટલોજ છે કે ઇન ધ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ બોથ ધ ફેમિલીઝ, હું સામેચાલીને મારા અને ભૂમિના સંબંધો પર અત્યારથી જ પૂર્ણવિરામ મુકું છું. અમે જાણે અજાણે પણ હવેથી એકબીજાને ક્યારેય નહીં મળીએ કે ન તો ફોન કોલ કરીશું. જો કદાચ અમે સંજોગોવસાત એકબીજા સામે ટકરાઈ જશું તો પણ અજાણ્યા બનીને રસ્તો બદલી નાખીશું એન્ડ ધીસ ઈઝ અ પ્રોમિસ. આઈ થિંક, ભૂમિને પણ આ માટે કોઈજ વાંધો નહીં હોય. ભૂમિ?’ સૌમિત્રએ ભૂમિનો મત જાણવા એને પૂછ્યું.

‘મને પણ કોઈજ વાંધો નથી.’ ભૂમિએ આટલું કહ્યું અને કૉલ કટ કરી દીધો.

‘ધેટ્સ ઈટ!’ ભૂમિનો કોલ કટ થતાં જ સૌમિત્રએ ધરા સામે જોયું.

‘થેંક્યું સો મચ સોમુ.’ આટલું કહીને ધરા સૌમિત્રને વળગી પડી.

‘આ બધું આપણે બહુ પાછળ છોડી આવ્યા છીએ ધરા. મેં ભૂમિ સાથેનો સંબંધ પૂરો કર્યો છે, મારો એની સાથેનો પ્રેમ નહીં.’ સૌમિત્રએ આમ બોલતાની સાથે જ બેડ પર પડેલા ઓશિકામાંથી એક ઉપાડીને બેડરૂમની બહાર નીકળી ગયો.

ધરા સૌમિત્રને જતા જોઈ રહી અને પોતેજ કરેલી ભૂલનું ફળ એ બધીજ રીતે ભોગવી રહી છે એવું સતત વિચારવા લાગી.

***

‘તારી ધમકીથી હું કે મિત્ર બે માંથી કોઈજ ડર્યું નથી. પણ તું મૂર્ખાઈ કરીને આવું કોઈ પગલું ભરે તો બબ્બે કુટુંબો ખલાસ ન થાય એના માટે જ મિત્રએ આ કૉલ કર્યો હતો. કદાચ હું મિત્રને જેટલો જાણું છું એટલો તને નથી જાણતી એટલે આમ કહી શકું છું. આખો દિવસ, અઠવાડિયા, મહિના અને વર્ષો પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખપાવ્યા પછી અચાનક તને તારું ફેમીલી, તારી પત્ની અને એમના પર તારો હક્ક યાદ આવ્યો વરુણ? પહેલા તું હમણાં સુધરી જઈશ, હમણાં સુધરી જઈશ એમ વિચારીને તારી સાથે સંસાર ચલાવ્યો. પછી જાનુના સહારે આપણું લગ્નજીવન મેં રીતસર ઢસડી નાખ્યું. અને જ્યારે, મારા કરેલા અપમાનને ભૂલી જઈને પણ મિત્ર મને ફરીથી પ્રેમ કરવા લાગ્યો અને મને મારી જિંદગી સોળ વર્ષે જીવવા જેવી લાગવા માંડી ત્યારે અચાનક જ તું આવી ગયો મારા પર તારો દાવો ઠોકવા.

દુનિયાને તારે એજ દેખાડવું છે કે તારે એક વાઈફ છે, જે બ્યુટીફૂલ છે, અમદાવાદની મોટી કોલેજમાં પ્રોફેસર છે અને તું જેમ કહે છે એ એ કરે છે, પણ આ બધામાં પ્રેમનું કે લાગણીનું તો કોઈ સ્થાન જ નથી. વળી એક અઠવાડિયું વીતશે એટલે તું ઉપડી જઈશ, દુબઈ, સિંગાપોર, મોસ્કો કે પછી બીજિંગ અને હું પાછી એકલી. હક્ક ત્યારે બતાવાય વરુણ જ્યારે તમે કોઈને કશું આપ્યું હોય. મને ગળા સુધી ખાતરી છે કે સૌમિત્ર અત્યારે એના પર હક્ક બતાવી રહેલી ધરાને પણ આવું જ કશું કહેતો હશે. એનીવેઝ, જે થઇ ગયું એ થઇ ગયું. બટ, સૌમિત્ર સાથેના મારા રિલેશનશિપ પર ફૂલસ્ટોપ ભલે મુકાયું હોય પણ એના પ્રેમ પર હું ક્યારેય ફૂલસ્ટોપ તો શું કોમા પણ નહીં મુકું, એ અવિરત ચાલુ જ રહેશે.

હવે સાંભળ, તારા બંને કાન બરાબર ખોલીને સાંભળ. આજ પછી સૌમિત્રનો નખ પણ એની ઈચ્છા વિરુદ્ધ તુટ્યો છે અને એની ખબર મને પડશે તો હું પહેલા જાનુને ઝેર આપીશ અને પછી હું પોતે પણ ઝેર ખાઈ લઈશ અને સ્યુસાઈડ નોટમાં બધીજ જવાબદારી તારા પર નાખી દઈશ. તે મારા પર ન કરેલા અત્યાચાર પણ હું એ જ નોટમાં લખીશ. એટલે બી કેરફૂલ. મારા મિત્રની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી હવે તારા પર છે. સૌમિત્રને જીવતો રાખવો એ હવે તારું ટેન્શન છે. બદલામાં સૌમિત્રએ જે કૉલમાં તને કીધું એ પ્રોમિસને વળગી રહેવાની જવાબદારી મારી.’ આટલું બોલીને ભૂમિ પોતાના રૂમમાં ચાલી ગઈ.

લગ્ન થયા બાદ અત્યારસુધી પોતાની સામે એક શબ્દ પણ ન ઉચ્ચારનાર ભૂમિનું આ નવું રૂપ જોઇને વરુણ રીતસરનો બઘવાઈ ગયો.

***

‘સંગીતાને ઘેર તે મને એટલા માટે બોલાવ્યો હતો કે તું લગ્ન કરવા અગાઉ સંપૂર્ણપણે મારી થઇ જવા માંગતી હતીને? પણ ત્યારે હું સાચું-ખોટું અને ન્યાય-અન્યાયના માનસિક યુદ્ધમાં ખેંચાઈ ગયો હતો. પણ તારી ઈચ્છાને નકારીને આટલાબધા વર્ષોમાં મેં એક જ વસ્તુ જોઈ કે દુનિયામાં કશુંજ સાચું કે ખોટું નથી હોતું. ન્યાય અન્યાય જેવી કોઈજ વસ્તુ નથી હોતી, હોય છે તો બસ પ્રેમ અને પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો, એ કાયમ સાચો જ હોય છે. એટલે આજે હું તને ના નહીં પાડું ભૂમિ, આ સૌમિત્ર...સોરી મિત્ર ફક્ત તારો જ છે, આજે તારે મને મન મૂકીને પ્રેમ કરવાનો છે. હું તારા પ્રેમના રોકી રાખેલા દરિયામાં ડૂબવા માટે તૈયાર છું.’ ભૂમિના નગ્ન શરીર સાથે પોતાના નગ્ન શરીરને માત્ર એક સફેદ ચાદરની અંદર બરોબર અડાડીને અને ભૂમિની સુંવાળી પીઠ પર પોતાનો હાથ ફેરવતાં ફેરવતાં સૌમિત્ર બોલ્યો.

સૌમિત્રનું આમ કહેવાની સાથેજ ભૂમિ સૌમિત્રના ચહેરાને પાગલની જેમ ચૂમવા લાગી અને ધીરેધીરે સૌમિત્રના આખા શરીર પર પોતાના અખૂટ પ્રેમની છાપ છોડવા લાગી. આ પ્રેમ ભૂમિએ સૌમિત્રને દોઢ દાયકા અગાઉ આપવો હતો, પણ એ મોકો એને હવે મળ્યો હતો અને હવે એ એને કોઇપણ કિંમતે છોડવા માંગતી ન હતી.

માથેરાનની એ હોટલના રૂમની બહાર દૂર દૂર સૂર્યએ પણ આ બંને પ્રેમીઓને ડીસ્ટર્બ કરવા ન માંગતો હોય એમ સૌમિત્ર અને ભૂમિના એકાકાર થવાની સાથેજ એમની વિદાય લીધી.

-: સંપૂર્ણ : -

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED