જો જીવનમાં સફળતા મોડી મળે તો? Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જો જીવનમાં સફળતા મોડી મળે તો?

એવું કહેવાય છે કે કરેલી મહેનતની સફળતા મોડા વહેલી મળતી જ હોય છે, પરંતુ ઘણીવાર સફળતા એટલી બધી મોડી મળતી હોય છે કે વ્યક્તિનું અડધું જીવન પસાર થઇ જતું હોય છે. એવું નથી હોતું કે તેના પ્રયાસોમાં કોઈ કમી હોય છે. હા, એ શક્ય છે કે જીવનના શરૂઆતના વર્ષોમાં કે મધ્યના વર્ષોમાં તેણે ખોટા માર્ગે મહેનત કરી હોય અને તેને સફળતા મળવામાં વાર લાગી હોય, પરંતુ તે સફળ તો થતો જ હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનના ચાર દાયકા પસાર કરી ચૂક્યો હોય અને એને સફળતા મળે ત્યારે એ વ્યક્તિના મનમાં એ વિચાર તો જરૂર આવતો હોય છે કે આ સફળતા જો તે પચીસ કે ત્રીસ વર્ષનો હતો ત્યારે મળી હોત તો તે તેને મનભરીને માણી શક્યો હોત. તો ઘણા વ્યક્તિઓ એવા પણ હોય છે તે મોડી તો મોડી પણ સફળતા મળી જ છે ને? તો ચાલો તેને વધાવી લઈએ એવું હકારાત્મક વલણ તો અપનાવતા હોય છે જ પરંતુ તેનો ઉત્સવ પણ માણતા હોય છે!

આ બાબતે વધુ ચર્ચા કરીએ તે પહેલા સફળતાનો મતલબ શું તેના પર વિચાર કરીએ જેથી ચિત્ર વધુ સ્પષ્ટ થાય. સફળતા એટલે શું? આ સવાલનો જવાબ દરેક વ્યક્તિ પાસે જુદો જુદો હોય છે કારણકે તેના સફળતાના પરિમાણો અલગ અલગ હોય છે. ઘણા લોકોને હાથમાં લીધેલું કાર્ય પછી ભલે તે ગમે તેટલું નાનું હોય પણ તેમાં સફળતા મળે એટલે એને સંતોષ થઇ જતો હોય છે અને પછી તે તરત જ બીજું કામ હાથમાં લે છે અને તેમાં સફળતા મેળવે છે અને તેની આ પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય છે.

તો ઘણા લોકો એવા પણ હોય છે કે જે લાંબાગાળાની સફળતા મળ્યા બાદ જ આનંદ પામતા હોય છે. એમાં પણ ત્રણ પ્રકારની સફળતા સામેલ હોય છે. કોઈક વ્યક્તિ કરોડોની રકમ કમાયાને પોતાની સફળતા માનતો હોય છે. તો બીજો વ્યક્તિ તેની માસિક કે વાર્ષિક આવક ભલે ઠીકઠાક હોય પરંતુ જો તેનું સમાજમાં કે દેશમાં નામ લોકપ્રિય થાય માન મરતબો મળે તો જ તે પોતાને સફળ માનતો હોય છે. તો ત્રીજા પ્રકારના વ્યક્તિને આ બંને મળે તો જ તે સફળ થયો એમ વિચારીને આનંદિત થતો હોય છે.

તો પહેલા તો આપણે સફળ થયા કે નહીં તેનો માપદંડ શું છે એ ઉપર આપેલા ત્રણ પ્રકારોથી નક્કી કરી લેવો લેવો જોઈએ. પહેલા પ્રકારમાં સફળતા કદાચ ટૂંકા સમયમાં મળી જતી હોય છે અને તેનો સંતોષ પણ ટૂંકાગાળાનો જ મળતો હોય છે. કદાચ આ પ્રકારનો વ્યક્તિ સહુથી વધુ સુખી હોય છે કારણકે તે સતત સફળતા માટે કામ કરતો હોય છે અને સતત તેને મેળવતો રહેતો હોય છે જેનો તેને કાયમ આનંદ હોય છે.

બીજા બંને પ્રકારોમાં સફળતા મળવી સહેલી નથી હોતી અને તેને મળવામાં લાંબો સમય વીતી જતો હોય છે. આવા પ્રકારના વ્યક્તિઓમાંથી અમુક જેને ત્વરિત સફળતા જોઈતી હોય છે તે મોટેભાગે આર્થિક અથવાતો માનસિક રીતે ત્યારે ભાંગી જતા હોય છે જ્યારે આ ત્વરિત સફળતા મેળવવામાં તેમણે પુષ્કળ નાણા અથવાતો સમય અથવાતો બંને બરબાદ કર્યા હોય છે. આથી ઉતાવળા સો બહાવરા અને ધીરા સો ગંભીરનો મંત્ર પકડીને જે લોકો મહેનત કરતા હોય છે તેમને સફળતા કદાચ મોડી મળતી હોય છે.

વળી, આવો કોઈ નિયમ નથી હોતો, પણ જેમ આપણે આગળ વાત કરી તેમ તે અંગે વ્યક્તિગત મંતવ્યો હોય છે. સફળતા જો મોડી અથવાતો મધ્યમ કે મોટી ઉંમરે તો તેનું સ્વાગત કેવી રીતે કરવું તે વિષે તો આપણે જાણીશું જ પરંતુ તે પહેલા આપણે આપણા ભારત દેશના જ બે અત્યંત લોકપ્રિય ઉદાહરણોથી પરિચિત થઈએ જેમને સફળતા મોડી મળી છે પણ તેમ છતાં તેમણે તેને હસીને આવકારી છે અને દેશભરમાં પોતપોતાની આગવી ટેલેન્ટથી અતિશય લોકપ્રિય થયા છે. તો ચાલો આપણે પહેલા એ બંને ઉદાહરણોને જોઈએ.

આપણે બધાં જ અમરીશ પુરીના નામથી સુપેરે પરિચિત છીએ જ. અમરીશ પુરી તો વળી ચમન પુરી અને મદન પુરી એમ બોલિવુડના બે જાણીતા નામોના સગ્ગા ભાઈ હતા, પરંતુ તેમને ફિલ્મોમાં સફળતા મેળવવા માટે ચાર દાયકા રાહ જોવી પડી. ઘરમાં બે-બે કલાકારો હોવાથી અમરીશ પુરીને અદાકારીમાં રસ તો ખરો પરંતુ તેઓ તેમના પ્રથમ સ્ક્રિન ટેસ્ટમાં જ ફેઈલ થયા અને એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલેકે ESICમાં નોકરી કરવા લાગ્યા.

હા આ દરમ્યાન તેમણે પૃથ્વી થિયેટર વગેરેમાં નાટકો જરૂર કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેમને પહેલો ફિલ્મી બ્રેક મળ્યો ત્યારે તેઓ ચાલીસ વર્ષના થઇ ગયા હતા! વિચારો, યુવાનીનું સ્વપ્ન કે તેઓ પણ પોતાના બંને ભાઈઓની જેમ જ બોલિવુડમાં સ્થાપિત થશે અને ફિલ્મોમાં અદાકારી કરીને લોકપ્રિયતા હાંસલ કરશે તે લગભગ અપૂર્ણ રહેતા નોકરી કરવા લાગ્યા, અને નોકરીમાં પણ સારોએવો સમય વિતાવ્યા બાદ જ્યારે પહેલી ફિલ્મ મળી હશે ત્યારે તેમની માનસિક પરિસ્થિતિ કેવી હશે?

એક તરફ ફિલ્મમાં મળેલો બ્રેક અને બીજી તરફ તે બ્રેક લેવા માટે નોકરી કદાચ છોડવી પડે તેવી શક્યતા. વળી નોકરી જ પોતાના કુટુંબનું ભરણપોષણ કરતી હતી એટલે તેને એક ઝાટકે છોડી દેવી પણ શક્ય ન હતી. પરંતુ અમરીશ પુરીએ ચાલીસ વર્ષની ઉંમરે એ રિસ્ક લીધું અને દેવ આનંદની પ્રખ્યાત ફિલ્મ પ્રેમ પુજારીમાં નાનકડી ભૂમિકા ભજવી. ત્યાર પછી પણ અમરીશ પુરીને મોટા બ્રેક માટે બીજા પાંચથી છ વર્ષ રાહ જોવી પડી અને શ્યામ બેનેગલે તેમને મંથનમાં મોટો રોલ આપ્યો.

હજી પણ એક તકલીફ હતી, એ સમયે મંથન જેવી ફિલ્મો આર્ટ ફિલ્મ ગણાતી એટલે તે સામાન્ય જનતા વચ્ચે એટલી બધી જોવાતી ન હતી એટલે અમરીશ પુરીનું નામ અત્યંત મર્યાદિત પ્રેક્ષકોમાં જ પ્રખ્યાત થયું. પરંતુ છેવટે છેક ૧૯૮૦માં આવેલી મેઈન સ્ટ્રીમ સિનેમાની ફિલ્મ હમ પાંચમાં અમરીશ પુરીને મુખ્ય વિલનની ભૂમિકા મળી અને તેમને છેક અડતાલીસમે વર્ષે સફળતાના મીઠાં ફળ ચાખવા મળ્યા. પછી તો જે બન્યું તે લોકો કહે છે તેમ ઈતિહાસ બન્યો. ગબ્બર સિંગ, શાકાલ બાદ મોગેમ્બો જે ભૂમિકા અમરીશ પુરીએ ભજવી હતી તે પાત્ર અમર બની ગયું.

બીજું ઉદાહરણ લઈએ ક્રિકેટર રોબિન સિંઘનું. એક ક્રિકેટરની લાઈફ સામાન્યતઃ તેની પાંત્રીસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધીની જ હોય છે. હા જો તમે સચિન તેંદુલકર કે પછી મહેન્દ્ર સિંહ ધોની જેવા અદભુત ખેલાડી હોવ તો બીજા ત્રણેક વર્ષ જરૂર ખેંચી શકો. રોબિન સિંઘે તો પોતાની પહેલી ઇન્ટરનેશનલ વનડે મેચ જ અઠ્યાવીસ વર્ષની ઉંમરે રમી હતી અને એ સચિન કે ધોનીની જેમ અદભુત ક્રિકેટર બિલકુલ ન હતો. તો શું માત્ર છ-સાત વર્ષ માટે જ હું ક્રિકેટ રમીશ એમ વિચારીને તેણે ભારત માટે રમવાની તકને ના પાડી દીધી હતી?

અમરીશ પુરી અને રોબિન સિંઘ આ બંનેના ઉદાહરણો એ વ્યક્તિઓ માટે ખાસ સમજવા જેવા છે જેઓ, મોટી ઉંમરે મળતી સફળતાને દિલથી સ્વીકારી શકતા નથી. અથવાતો આ બંને ઉદાહરણો એ લોકો માટે પણ પ્રેરણાદાયી રહી શકે છે જેઓ વર્ષો સુધી મહેનત કરવા છતાં સફળતા મેળવી શક્યા નથી અને પાંત્રીસ વર્ષ થયા બાદ સફળતા મળશે તેવી આશા છોડી ચૂક્યા હોય છે.

જરા વિચારો કે મંથન જ નહીં પરંતુ હમ પાંચની સફળતા બાદ અમરીશ પુરી હતાશ થઇ ગયા હોત તો? જો એમણે એ સમયે પણ ફિલ્મો મળે તો ઠીક છે નહીં તો મારે શું? હું ક્યાં હવે યુવાન રહ્યો છું કે બધું એન્જોય કરી શકું એવું વિચાર્યું હોત શું આપણી સમક્ષ મોગેમ્બો આવ્યો હોત ખરો? પરંતુ અમરીશ પુરીએ જેટલી પણ ફિલ્મો કરી તે ફિલ્મોની ભૂમિકાઓ તેમણે દિલથી નિભાવી અને તેની સફળતા મોટી ઉંમરે પણ ઉજવી. કોઇપણ એવોર્ડ ફન્કશનમાં અમરીશ પુરી તેમની ચિતપરિચિત પનામા હેટ, ગોગલ્સ અને સ્મિત સાથે જોવા મળતા.

રોબિન સિંગ જે ભારતીય ક્રિકેટમાં મહેનત કરતા કરતા છેક અઠ્યાવીસ વર્ષે વનડે ક્રિકેટમાં તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો તેણે મોડી સફળતાથી નિરાશ થઈને જેટલી મેચ રમાય તેટલી રમી લઉં એમ વિચાર્યું હોત તો શું તે બાર વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો હોત ખરો? જી હા! રોબિન સિંઘ કોઈ તેન્દુલકર કે ધોની ન હતો પરંતુ તેમ છતાં તેને પોતાની છેલ્લી વનડે મેચ ઓગણચાલીસમાં વર્ષે રમી અને કુલ અગિયાર વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટ કેરિયર ઉભી કરી.

રોબિન સિંગ આટલું બધું ક્રિકેટ એટલા માટે રમી શક્યો કારણકે તે એક અદભુત ફિલ્ડર હતો, એક સારો મિડીયમ પેસર બોલર હતો અને અંતિમ ઓવરમાં ફટકાબાજી કરી શકતો બેટ્સમેન હતો. રોબિન સિંઘની અંતિમ ઓવરોની બેટિંગને લીધે ભારત એ સમયે ઘણી મેચો જીતી શક્યું હતું અને એકાદી મેચ ટાઈ પણ કરી શક્યું હતું.

આ બધું એટલા માટે થયું કારણકે કદાચ રોબિન સિંઘે પોતાની કારકિર્દી ભલે અઠ્યાવીસ વર્ષે શરુ થઇ છે પરંતુ તેને જીવનની નવી શરૂઆત ગણીને તેને સ્વીકારી અને તેના પર એટલીજ મહેનત કરી જેટલી કોઈ વીસ-બાવીસ વર્ષનો નવયુવાન પોતાની નવી કેરિયર સજાવવા માટે કરતો હોય છે.

ટૂંકમાં, સંદેશ એ જ છે કે સફળતા મોડી મળે તો પણ એ સફળતા જ છે. સફળતા મોડી મળે તો એ પણ તમારી મહેનત, તમારી સહનશક્તિ અને તમે જે પરસેવો પાડ્યો છે એનું જ ફળ છે. આથી તેને સ્વીકારો પરંતુ ખુલ્લા દિલે અને બંને હાથ પહોળા કરીને સ્વીકારો અને હા, એક વખત સફળતા મળ્યા પછી મહેનત એટલીજ કરો જેટલી તમે તેના મળ્યા પહેલા કરી રહ્યા હતા અને તો જ આ મોડી મળેલી સફળતાની કેપમાં એક પછી એક પીંછા ઉમેરાતા જશે.

તો ઓલ ધ બેસ્ટ!