બોલિસોફી - બેમિસાલ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બોલિસોફી - બેમિસાલ

બોલિસોફી

સિદ્ધાર્થ છાયા

siddharth.chhaya@gmail.com

પ્રેમ ન મળે તો એનીસાથે દોસ્તી પણ ‘બેમિસાલ’ હોય

તમને ખબર છે કે તમે પેલીને ખૂબ પ્રેમ કરો છો. તમને એ પણ ખબર છે કે પેલીને પણ ખબર છે કે તમે એને ખૂબ પ્રેમ કરો છો. પેલીને પણ આ બધીજ ખબર હોય છે તેમ છતાં આખી જિંદગી ઈઝહાર-એ-મહોબ્બત ન થાય અને પેલીના પતિ સામે તમે એનું ફલર્ટિંગ કરો અને એના પતિને જરાક સરખો પણ વાંધો ન હોય. જિંદગીભર તમે પેલીના ખાસ મિત્ર બની રહો છો અને તેના અને તેના પરિવાર માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર છો, એ હકીકતની જાણ સાથે કે આજે પણ તમે એને એટલોજ પ્રેમ કરો છો પણ સમય અને સંજોગોને લીધે બંને એકબીજાને ન મળી શક્યા.

આવું વાંચીને તમે જરૂર કહેશો કે આ બધું તો ફિલ્મોમાં જ થાય યાર, અસલ જિંદગીમાં આવું થોડું હોઈ શકે? પણ આપણી આ કોલમનો હેતુ જ એ છે કે બોલિવુડની ફિલ્મોમાંથી પોઝિટીવ બાબતો શીખવાની, એમાંથી મળતા નાનામાં નાના મેસેજને ટ્રેસ કરીને જીવનમાં ઉતારવાની. ઉપર જે બધી વાતો કરી એ પ્રકારની સ્ટોરી હતી ૧૯૮૧માં આવેલી હ્રીશીકેશ મુખરજીની ફિલ્મ ‘બેમિસાલ’ની. એ સમયે હળવી પણ સંદેશ આપતી ફિલ્મો માટે જાણીતા હ્રીશી’દા એ આ સિરિયસ અને સંજીદા ફિલ્મ પણ બનાવી હતી અને એ પણ એ સમયના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથે.

બેમિસાલમાં અમિતાભ એ વિનોદ મહેરાના પિતાના ઉપકારોથી દબાયેલો હોય છે. નાનપણમાં ખોટી સોબતે ચડી ગયેલો અમિતાભ જ્યારે વિનોદ મહેરાના પિતાના હાથે આવે છે ત્યારે તેઓ એને આખેઆખો પલોટીને ડોક્ટર બનાવી દે છે. આમ એમના અવસાન બાદ પોતાના મિત્ર એવા વિનોદ માટે અમિતાભ જીવ આપવા પણ તૈયાર હોય છે. આ ફિલ્મનો મુખ્ય પ્લોટ છે. આ પ્લોટ સાથે એક સબ-પ્લોટ પણ છે જેની ચર્ચા આપણે અહીં નહીં કરીએ કારણકે એ આપણને આપણા વિષયથી ભટકાવી દેશે. અમિતાભ અને વિનોદ જ્યારે વેકેશન ગાળવા કાશ્મીર જાય છે ત્યારે બંને એકસાથે રાખીના પ્રેમમાં પડે છે. રાખી પણ કદાચ વધારે પડતું બોલતા અને ખુલ્લા મનના અમિતાભને વિનોદ કરતા વધારે પસંદ આવે છે.

પરંતુ જેમ આપણી ફિલ્મોમાં બને છે એમ વિનોદ અમિત પાસે પોતે રાખીને પ્રેમ કરે છે એ વાત પહેલાંજ કરી દે છે. વિનોદના પિતાના ઉપકારોનો બદલો ચુકવવા માટેનું પહેલું ઇન્સ્ટોલમેન્ટ ભરવાનો જાણેકે સમય આવી ગયો હોય એમ અમિતાભ ખુદ વિનોદ અને રાખીના લગ્ન કરાવી આપે છે. યાદ રહે અમિતાભ ક્યારેય રાખીને કહેતો નથી કે તે એને પ્રેમ કરે છે, પણ રાખીને આ બાબતની ખબર હોય છે કારણકે તે પણ અમિતાભને એટલોજ પ્રેમ કરતી હોય છે. પરંતુ તે વિનોદને જ પરણી જાય છે. રાખી અને વિનોદના લગ્ન બાદ અમિતાભ અને રાખીના સંબંધો નવી ઉંચાઈ ત્યારે સર કરે છે જ્યારે વિનોદ ઉપરાંત હવે અમિતાભ રાખીનો પણ અંતરંગ મિત્ર બની જાય છે અને તેને લાડથી ‘સખી’ કહીને બોલાવે છે. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણ પણ દ્રૌપદીને પ્રેમ કરતા પરંતુ અમુક કારણોસર તેને પરણી ન શક્યા અને આથી તેઓ પણ દ્રૌપદીના કાયમ માટે સખા બની ને રહ્યા અને દ્રૌપદીને તેઓ ‘સખી’ કહીને જ બોલાવતા.

હવે આ તો થઇ ફિલ્મની વાત. શું એવું રિયલ લાઈફમાં પોસીબલ છે કે તમે જેને પ્રેમ કરતા હોવ એ જો કોઈ અન્ય સાથે લગ્ન કરી લે તો પણ તમારો પ્રેમ યથાવત જ નહીં પરંતુ ઉલટો વધી જાય અને તે વ્યક્તિ માટે તમે કશું પણ કરવા તૈયાર થઇ જાવ? બિલકુલ પોસીબલ છે પરંતુ તેના માટે આપણું મન અને આત્મા એ વ્યક્તિ માટે સ્વચ્છ થઇ જવું જોઈએ. અહીં એવું કહેવાનો બિલકુલ આશય નથી કે તમે જેને પ્રેમ કર્યો હોય એના લગ્ન થઇ જાય એટલે આત્માની શુદ્ધિ માટે એ પ્રેમની ભાવનાને દૂર કરી દેવી, કારણકે એ તમને અને મને બંનેને ખ્યાલ છે કે એવું કરવું જરાય શક્ય નથી. જો એને ખબર છે કે તમે એને ખૂબ જ પ્રેમ કરો છો અથવાતો એને બિલકુલ ખબર નથી કે તમે એને પ્રેમ કરો છો અને તમે પોતાના પ્રેમનો ઈઝહાર કરી શક્યા નથી, તો પણ આપણને શું ફેર પડે છે?

જો તમે કોઈને અનહદ ચાહો છો તો પછી એ વ્યક્તિ તમારી બને કે ન બને એનાથી શો ફરક પડે છે. હા જ્યારે એ વ્યક્તિ તમારી નથી બનતી ત્યારે દુઃખ જરૂર થાય છે, પારાવાર થાય છે પણ શું તેનાથી એ પ્રેમ ઓછો થઇ જાય ખરો? અમુક વખત આપણે સમાચારમાં પણ જોતા અને વાંચતા હોઈએ છીએ કે આંધળા પ્રેમમાં પ્રેમીએ પ્રેમિકાનું કે પ્રેમિકાએ પ્રેમીનું ખૂન કરી દીધું કે તેને નુકસાન પહોંચાડ્યું. શું આને પ્રેમ કહી શકાય? જો તમે પ્રેમના બદલામાં પ્રેમ જ ઈચ્છતા હોવ તો એ પ્રેમ નથી પણ વેપાર વાણિજ્ય છે, કારણકે લેતી-દેતી તો ત્યાં થાય પ્રેમમાં તો માત્ર ‘દેતી’ જ હોય, પછી સામેથી કોઈ રિસ્પોન્સ આવે કે ન આવે એ ઉપરવાળાની અને એની મરજી છે.

જેમ ગીતામાં કહ્યું છે કે કર્મ કિયે જા ફલ કી ચિંતા મત કર, એવું જ પ્રેમમાં પણ છે. પ્રેમ જો આંધળો હોય તો પછી એ આંધળો જ હોવો જોઈએ એટલેકે પોતાના પ્રેમ માટે ગમેતે કરી છૂટવાની ભાવના જ હોવી જોઈએ કોઇપણ આશા કે અપેક્ષા વગર. જો તમે તમારા પ્રેમી કે પ્રેમિકાના લગ્ન પછી પણ તેની આસપાસ કોઇપણ રીતે રહી શકો એટલા લકી હોવ તો આ મોકો બેમિસાલના અમિતાભની જેમ જરાય ગુમાવવા જેવો નથી. પોતાના પ્રેમના અંતરંગ મિત્ર, સખા કે સખી બનીને સદા એની સાથે રહેવા જેવું સુખ બીજું કયું? જો એ તમારી સાથે હોત તો એનો પડ્યો બોલ ઝીલતને? તો એ જ્યારે તમારી સાથે નથી ત્યારે પણ એમ કરવામાં શો વાંધો છે? આપણે તો એને પ્રેમ કરીએ જ છીએને ભલે કદાચ એ વ્યક્તિ આપણને પ્રેમ નથી કરતી તો શો ફરક પડ્યો?

આપણે આપણા પ્રેમનું સન્માન કરતા રહીએ એટલા સેલ્ફીશ તો બની જ શકાય રાઈટ? આમ કરીને આપણે પણ અમિતાભની જેમ બેમિસાલ મિસાલ આપી શકીએ છીએ.