Basic Courtesy on Social Media books and stories free download online pdf in Gujarati

શું તમે સોશિયલ મિડિયા પર આ પ્રકારની કર્ટસી રાખો છો?

થોડા દિવસ અગાઉ જ એક ફિલ્મ રિલીઝ થઇ છે જેનું નામ છે ‘બાટલા હાઉસ’. આ ફિલ્મમાં એક ડાયલોગ છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટેક્નોલોજી એ બેધારી તલવાર છે. બીજા શબ્દોમાં કહીએ તો ટેક્નોલોજી એ આશીર્વાદ પણ છે અને શ્રાપ પણ છે. મહત્ત્વ એ છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. સોશિયલ મિડિયાનું પણ એવું જ છે. સોશિયલ મિડિયા જો તમને માહિતી અને મનોરંજનનો ખજાનો પૂરો પાડે છે તો તે અફવાઓ અને ફેક ન્યૂઝ ફેલાવવાનું ખતરનાક શસ્ત્ર બનીને પણ ઉભું થઇ જતું હોય છે.

આજે આપણે સોશિયલ મિડિયાના ખતરનાક શસ્ત્ર વિષે નહીં પરંતુ સોશિયલ મિડીયાના વિચારીને કરેલા ઉપયોગ વિષે વાત કરવી છે. સોશિયલ મિડિયા તમને રાતોરાત સેલિબ્રિટી પણ બનાવી શકે છે તો તે ચપટી વગાડીને તમને અળખામણા પણ કરી શકે છે. સોશિયલ મિડીયામાં સેલિબ્રિટી બનવું કે અળખામણું બનવું એ સદંતર આપણા હાથમાં જ છે. સોશિયલ મિડિયા પર આપણો વ્યવહાર આપણને સેલિબ્રિટી કે અનવોન્ટેડ બનાવી શકે છે.

આ આર્ટીકલમાં આપણે જાણીશું કે આપણે સોશિયલ મિડિયા પર પણ કેટલીક બેઝીક કર્ટસીનો ઉપયોગ કરીને સેલિબ્રિટી ન બનીએ તો એટલીસ્ટ અનવોન્ટેડ વ્યક્તિ તો ન જ બનીએ. તો ચાલો જોઈએ આ માટેની કેટલીક ખાસ ટિપ્સ, વન બાય વન.

તમે વિશ કરશો તો જ કોઈની મોર્નિંગ ગૂડ નથી થવાની

સવારે જો તમે સાત વાગ્યે ઉઠતા હશો અને આખી રાત મોબાઈલ બંધ કરવાની આદત નહીં હોય તો તમને પણ એવો અનુભવ થયો હશે કે સવારે પાંચ વાગ્યાથી જ તમારા મોબાઈલના નોટીફીકેશનો દર દસ પંદર મીનીટે અવાજ કરીને તમારી ઊંઘમાં તમને ખલેલ પહોંચાડે. મોટાભાગના આ અવાજો ગૂડ મોર્નિંગ મેસેજના હોય છે. કદાચ તમને પણ આ પ્રકારે મેસેજ મોકલવાની આદત હશે જ.

આ આદત ખરાબ નથી પરંતુ અતિશયોક્તિ દરેક જગ્યાએ વર્જ્ય હોય છે એવું આપણા બાપદાદાઓ પણ કહી ગયા છે. એ સારું છે કે તમે કોઈના માટે એવી ઈચ્છા ધરાવો છો કે તેની સવાર સારી જાય, પરંતુ પરાણે કોઈની સવાર સારી કરવી એ ન તો આપણો હક્ક છે કે ન તો આપણી ફરજમાં આવે છે.

ઘણા લોકો જ્યારે સામેની વ્યક્તિ કંટાળીને તેને ગૂડ મોર્નિંગ મેસેજ બંધ કરવાનું નથી કહેતી ત્યાં સુધી તેને મેસેજ મોકલવાનું બંધ નથી કરતા. તો ઘણા તો આ ચેતવણી પછી પણ મેસેજો મોકલવાનું ચાલુ જ રાખે છે. છેવટે કંટાળીને તમને નહીં પરંતુ તમારા સંબંધને સન્માન આપીને પેલી વ્યક્તિ તમને મ્યૂટ કરી દેતી હોય છે.

આવા સંજોગોમાં પહેલી ચેતવણીને જ સમજી જઈને એ વ્યક્તિને પોતાના ગૂડ મોર્નિંગ બ્રોડકાસ્ટ લિસ્ટમાંથી દૂર કરી દેવી હિતાવહ છે. બહેતર તો એ રહેશે કે જે-જે વ્યક્તિની સવાર તમારા સંદેશથી ગૂડ થાય એવું તમે ઈચ્છતા હોવ તો એ તમામને પહેલા મેસેજ કરીને પૂછી લ્યો કે શું તેને આ પ્રકારના મેસેજીસથી વાંધો તો નથીને? આ સાથે તેને એ પણ કહો કે તમે રોજ સવારે આ પ્રકારે એક જ મેસેજ મોકલશો વધુ નહીં. જો આટલું કરશો તો એ વ્યક્તિના મનમાં તમારા પ્રત્યેનું સન્માન ઘણું વધી જશે.

કૃપા કરીને કોઈને જ્ઞાન ન આપો અહીં બધા જ જ્ઞાની છે

ગૂડ મોર્નિંગ મેસેજીઝની જેમ જ આપણું જ્ઞાન વધારતા હકારાત્મક મેસેજીઝનો પણ ત્રાસ છે. આ તમામ મેસેજીઝ જીવન સારી રીતે કેમ જીવી શકાય એનું જ્ઞાન આપતા હોય છે. આ પ્રકારના મેસેજીઝમાં મોટાભાગના મેસેજીઝ મહાપુરુષોના ક્વોટસ એટલેકે અવતરણોથી ભરપૂર હોય છે. વળી આ પ્રકારના મેસેજીઝમાં જે-તે મહાપુરુષના નહીં પરંતુ ભારતમાં પણ ક્યારેય જોવા ન મળ્યા હોય એવા ફૂલપાંદડાના ફોટાઓ જોડવામાં આવ્યા હોય છે.

એ સારું છે કે કોઈ તમારો કોઈ મિત્ર કે સગું હતાશ હોય એની તમને ખબર છે અને તેનો આત્મવિશ્વાસ વધારવા માટે તમે તેને હકારાત્મક સંદેશ મોકલો, પરંતુ જ્યારે કોઈનું જીવન સારું ચાલી રહ્યું હોય અને તોય તમે જોયાજાણ્યા વગર એને જીવન કેમ જીવવું એની સલાહો આપવા લાગો તો પછી એ તમારા પર ગુસ્સે થઈને તમારું જીવન પાટા પરથી ઉતારી દે તો એનો વાંક ન કઢાય.

આજે ગૂગલ પર સમગ્ર વિશ્વની માહિતી હાથવગી છે. જો કોઈને મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન કે બીજા કોઈ મહાપુરુષના ક્વોટસ જાણવા હશે તો એ જાતેજ સર્ચ કરીને વાંચી લેશે એમાં આપણી ખાસ મદદની એને કોઈજ જરૂર નથી.

એડલ્ટ મેસેજ ફોરવર્ડ કરો પણ મંજૂરી લઈને

કોઇપણ પુખ્તવયની વ્યક્તિ માટે વોટ્સ અપ પર આવતા ફન્ની એડલ્ટ મેસેજીઝ ખાસ આકર્ષણ ધરાવતા હોય છે. ચોરીછૂપે અઢાર વર્ષથી મોટી કોઇપણ વ્યક્તિ આ હકીકત સાથે સહમત થશે જ. પરંતુ અહીં પણ ધ્યાન રાખવાની જરૂર છે. તમારા નજીકના સંબંધમાં કોઈ સ્ત્રી હોય કે તમારી વર્ષો જૂની કોઈ બેનપણી હોય કે ઇવન કોઈ સ્ત્રીને તેનો ભાઈબંધ હોય જેની સાથે દુનિયાની અને જીવનની દરેક બાબતો તમે બેધડક શેર કરતા હોવ પરંતુ તેને વગર પૂછ્યે એડલ્ટ મેસેજ ફોરવર્ડ કરવા આત્મહત્યા સમાન બની શકે છે.

એવું જ ભાઈઓ અને બહેનોમાં પણ હોય છે. એક સામાન્ય માન્યતા એવી છે કે બે ભાઈઓ કે બે બહેનો એડલ્ટ છે એટલે એને એડલ્ટ મેસેજીઝ મોકલવામાં કોઈજ વાંધો નથી. ટેક્નિકલી આ વાત સાચી છે પરંતુ અહીં એક બાબતનું ધ્યાન પણ રાખવું પડે કે ભલે તમારો ભાઈ કે તમારી બહેન એડલ્ટ છે પરંતુ શું એ તમારા તરફથી આવતા આ પ્રકારના મેસેજીઝથી કમ્ફર્ટેબલ ફિલ કરે છે ખરા?

ઘણીવાર કઝીન્સમાં એવું બનતું હોય છે કે એક કઝીન સાથે કોઈ એટલું જોડાયેલું હોય કે બંને ગાળાગાળી સાથે વાત કરવામાં પણ કમ્ફર્ટ મહેસૂસ કરતા હોય પરંતુ બીજા કઝીનની એના મનમાં એવી છબી હોય કે તે એડલ્ટ હોવા છતાં તેની સાથે એ આ પ્રકારના મેસેજીઝ શેર કરવાથી અથવાતો એના દ્વારા મોકલવામાં આવેલા આ પ્રકારના મેસેજીઝથી અસહજ મહેસૂસ કરતો હોય. પારિવારિક ગ્રુપ્સમાં તો આ પ્રકારના મેસેજીઝને BIG NO જ હોવું જોઈએ.

મિત્રો વગેરેનું અપહરણ ન કરો

વોટ્સ એપ અને ફેસબુકનો ઉપયોગ કરનારા મોટાભાગનાઓની એક મોટી ફરિયાદ એ હોય છે કે તેમને પૂછ્યા વગર તેમને વોટ્સ એપ કે ફેસબુક ગ્રુપમાં પકડીને બેસાડી દેવામાં આવે છે. અમુક તો એવી ઘટનાઓ છે કે જેને સાંભળીને હસવું આવી જાય.

મારા એક મિત્ર જેની ગીફ્ટ અને કાર્ડ્ઝની દૂકાન છે. એ મિત્ર જરા ઓછું એટલેકે એસવાય બીએ સુધી જ ભણ્યા છે એમને એમના કોઈ મિત્રે એક દિવસ એમને ‘એન્જીનીયર્સ ગ્રુપ’ માં ઘુસાડી દીધા! હવે આ ભાઈને કશી જ ગતાગમ ન પડે કે અહીં શેની ચર્ચા ચાલી રહી છે. એટલે એક દિવસ પોતાના એ મિત્રનું માન જાળવ્યું અને પછી બીજે દિવસે સવારે પહેલું કામ એ ગ્રુપ છોડી જવાનું કર્યું. જો કે એમના એ મિત્રે તેમનું આમ કરવાથી એકાદ અઠવાડિયું એમની સાથે અબોલા જરૂર લીધા.

અહીં પણ કર્ટસી એમ કહે છે કે પહેલા તો તમે વિચારો કે તમે જેને કોઈ ગ્રુપમાં ઉમેરવા માંગો છો એ વ્યક્તિ એ ગ્રુપના સ્વભાવ સાથે મેળ ખાય છે ખરો? જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો પછી પહેલું કામ એ કરો કે એ વ્યક્તિને એક મેસેજ મુકીને એની ઈચ્છા પૂછો. જો એ ના કહે તો પછી લાંબી કોઈજ ચર્ચા ન કરો અને એની ઈચ્છાનું સન્માન કરો.

ફેક ન્યૂઝ ફેલાવવાથી દૂર રહો

ફેક ન્યૂઝ ઝડપથી ન ફેલાય એટલે વોટ્સ એપે એકસાથે પાંચથી વધુ લોકોને મેસેજ ફોરવર્ડ કરવા પર રોક મૂકી દીધી. પરંતુ હવે લોકો આ મર્યાદાની અસરથી દૂર રહેવા માટે દરેકને અલગ અલગ મેસેજ મોકલવા લાગ્યા છે. પરંતુ આજના જમાનામાં ફેક ન્યૂઝ ન ફેલાવવા એ આપણી રાષ્ટ્રીય જવાબદારીઓમાંથી એક બની ગઈ છે. ફેક ન્યૂઝને લીધે દેશભરમાં છેલ્લા અમુક વર્ષથી જાણેઅજાણે હિંસક બનાવો બની રહ્યા છે. દેશવિરોધી શક્તિઓ માટે વોટ્સ એપ અને ફેસબુક એ ફેક ન્યૂઝ ફેલાવવા માટે માનીતા શસ્ત્રો બની ગયા છે.

ફેક ન્યૂઝ ફેલાવવાથી આપણે દૂર એ રીતે રહી શકાય કે જો કોઈ લીંક વગરના સમાચાર આવ્યા હોય તો પહેલા તેની ગૂગલ પર તપાસ કરવી જરૂરી છે. જો લીંક સાથે સમાચાર આવ્યા હોય તો એ લીંક જે-તે વેબસાઈટની છે એ સાઈટ કેટલી વિશ્વાસપાત્ર છે એ ચકાસવું જરૂરી છે. ફેક ન્યૂઝ ફેલાવતી આવી વેબસાઈટ માત્ર અમુક દિવસો અગાઉ જ બની હોય છે અને અમુક દિવસો બાદ બંધ પણ થઈ જતી હોય છે.

આથી માત્ર વિશ્વાસપાત્ર વેબસાઈટના ન્યૂઝ જ આગળ વધારવા. પરંતુ તેમાંય જો કોઈ સમાચાર તમારી દ્રષ્ટીએ સાચા હોવા છતાં કોમી વૈમનસ્ય ફેલાવવા કે જાતિગત આધાર ધરાવતા હોય તો જાણીજોઈને તેને ફોરવર્ડ કરવાથી દૂર રહો. ભલે ન્યૂઝ સાચા છે પણ તમે જેને એ ફોરવર્ડ કરવા જઈ રહ્યા છો તે એનું રીએક્શન કેવું આપશે એની તમને જાણ નથી એટલે બહેતર છે કે નકારાત્મક અસર ધરાવતા સમાચારને તમારા સુધી જ લિમિટેડ રાખો.

આવી તો ઘણી સોશિયલ મિડિયા કર્ટસીઝ છે જેને આપણે કોઈને કોઈ રીતે અવગણીએ છીએ. જો તમને પણ સોશિયલ મિડિયામાં ફેલાતા અમુક પ્રકારના સંદેશાઓ કે મેસેજીઝ મોકલવાની પદ્ધતિથી ચીડ ચડતી હોય તો નીચે કમેન્ટ્સ સેક્શનમાં અમને જરૂર જણાવશો, અમે તેના પર પણ એક ખાસ આર્ટીકલ બહુ જલ્દીથી લઇ આવીશું અને એ પણ તમારા નામ સાથે!

૨૦ ઓગસ્ટ ૨૦૧૯, મંગળવાર

અમદાવાદ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED