Pardarshi - 12 books and stories free download online pdf in Gujarati

પારદર્શી - 12

પારદર્શી-12
બીજા દિવસે સવારે બંને બાળકો સ્કુલે ગયા હતા.સમ્યક તૈયાર થઇ ડાઇનીંગ ટેબલ પર નાસ્તાની અને દિશાની રાહ જોઇને બેઠો હતો.દિશા જયાંરે એના માટે ગરમ ઈડલી લઇને આવી તો સમ્યક ત્યાં ન હતો.એની ડીશમાં રાખેલી કાંટાચમચી પણ ગાયબ હતી.દિશાએ ઇડલી સમ્યકની ડીશમાં મુકીને કહ્યું “સમ્યક? તમે અહિં છો?”
સમ્યકે આ સાંભળ્યું એટલે કાંટાચમચીને પોતાના ડાબા હાથમાં ખુંચાવી.એ ટેબલ પર જ હતો અને દેખાયો.દિશા પણ ટેબલ પર પોતાની ડીશ લઇને બેઠી.સમ્યકે ખાવાનું શરૂ કર્યું પણ દિશા વિચારોને લીધે ખાવાનું ભુલી ગઇ.સમ્યકનું ધ્યાન ગયુ એટલે પુછયું “કેમ ખાતી નથી?...શું વિચારે છે?”

“જો તમે આમ ગમે ત્યાંરે ગુમ થઇ જશો તો આપણા બંને બાળકોને પણ ખબર પડી જશે.એમાં પુત્ર અનિરૂદ્ધની મને ચિંતા નથી.એ તો મોટો છે તો તમને સમજી શકશે.પણ દિપીકાની મને ફીકર થાય છે.એ તમને આમ ગુમ થતા જોઇ જશે તો ડરી જશે.પછી એને સમજાવવી અને સંભાળવી ભારે થશે.”
સમ્યકને પણ દિશાની વાત સમજાઇ.એટલે એ પણ વિચારોમાં અટવાયો.એને હવે ખ્યાલ આવી ગયો હતો કે એનું મન જરા પણ શાંત અને મૌન થાય એટલે એ ગાયબ થઇ જતો.એની ઇચ્છા વિરૂદ્ધ પણ આવી પરીસ્થીતિ હવે ઉભી થવા લાગી.પણ એના પપ્પાની એક વાતે જ એને ભરોસો હતો કે થોડો સમય માટે આવુ રહેશે.પણ આ થોડો સમય પસાર કરવો સંસારમાં અને દુનિયાની નજરે તો ખતરનાક બની શકે.બધા જાણી જાય તો પછી શું કરવું? આવા વિચારો પછી એક ઉપાય એના મનમાં આવ્યોં જે એણે દિશા સામે મુકયો.

“હા દિશા, મને પણ એ ખબર છે.પણ હું શું કરું? પપ્પાએ કહ્યું હતુ કે થોડો સમય આવું થતુ રહેશે.ત્યાં સુધી હું એક કામ કરું કે શહેરથી દુર જે આપણું ફાર્મ હાઉસ છે ત્યાં રહેવા જતો રહું.તું બાળકોને કહેજે કે પપ્પા બહારગામ ગયા છે.હું રાત્રે અદ્રશ્ય થઇને તમારા લોકો પાસે આવતો રહીશ.”

દિશાને આ વાત યોગ્ય તો લાગી પણ કોણ જાણે કેમ એક ગમગીની એના મનમાં છવાઇ ગઇ.એ એના ચહેરે સમ્યકે પણ વાંચી એટલે ફરી બોલ્યોં “જો તને મંજુર હોય તો જ હું જઇશ.ત્યાં પપ્પાને બોલાવીને પુછી પણ લઇશ કે મને આનો ઉપાય બતાવો.તું જરા પણ ચિંતા ન કર.”
દિશાએ પણ મન મનાવી લીધુ.આમ પણ પોતાનો સંસાર સલામત રાખવા માટે એક સમર્પીત સ્ત્રીની બધી જ તૈયારી હોય છે.અને સમ્યકની વાત પર એણે ભરોસો પણ રાખ્યો કે થોડા સમય પુરતી જ વાત છે.કદાચ વધીને દસ દિવસ સમ્યક પોતાના ઘરેથી દુર રહેશે પછી બધુ બરાબર થઇ જશે.અને આમપણ સમ્યક અગાઉ પણ ધંધાનાં કામ માટે દસ-પંદર દિવસ બહાર વિદેશમાં પણ જતો જ રહેતો.એ કંઇ નવું નથી.સમ્યક ફરી આ સિદ્ધી પર પોતાની ઇચ્છા મુજબનો કાબુ મેળવી શકશે.અને પપ્પા પણ આ માટે એમના દિકરાને મદદ કરશે જ એવી વૈચારીક ખાત્રીથી દિશાએ ખુશ થઇ સમ્યકને ફાર્મહાઉસમાં રહેવા જવા મંજુરી આપી દીધી.આખરે બંને વચ્ચે નકકી થયું કે આજે જ ઓફીસેથી સમ્યક દુર રહેવા જતો રહેશે.
સમ્યક આમ તો ઓફીસે જવાનો ન હતો.પણ પછી એણે નકકી કર્યું કે થોડા દિવસનાં કામો બધા સ્ટાફને સોંપી પછી નીકળી જઇશ.પછી થોડા દિવસ ઓફીસે પણ નથી જવું એમ વિચારીને એ ઓફીસે આવ્યોં.આજે તો એ આખી ફેકટરીમાં ફર્યોં.પછી પોતાની ચેમ્બરમાં બેઠો.આજે એ હવે બહું સાવચેત હતો.હાથમાં એક નાની ટાંકણી રાખી સતત પોતે શરીર છે એવો અનુભવ એણે ચાલુ રાખ્યોં.જો ઓફીસમાં કોઇની નજર સામે ગાયબ થઇ જવાય તો બધા જાણી જશે, એના ઉપાય તરીકે સતત એક હાથમાં ટાંકણી ખુંચવવાનું ચાલુ રાખ્યું.છતા એ સતત ડરમાં તો હતો જ.બપોર સુધીમાં બધાને એક પછી એક બોલાવી જરૂરી કામોની સુચના આપી દીધી.પછી એ પોતાની ખુરશી પર આરામથી બેઠો.થોડી શાંતિમાં ટાંકણી એની ખબર વિના હાથમાંથી સરકી ગઇ.થોડીવાર એ એમ જ બેઠો.ત્યાં મોહિનીએ સીધો દરવાજો ખોલ્યોં.અંદર સમ્યકને ન જોઇ એની આંખો પહોળી થઇ.એ મોટેથી બોલી ‘અરે સર! હમણાં તો અંદર જ હતા.બહાર તો નીકળ્યાં નથી તો કયાં ગાયબ થઇ ગયા.' સમ્યક આ સાંભળી તરત જ ટેબલની નીચે નમ્યોં.પેલી ટાંકણી હાથમાં લીધી.અને ઉભો થઇ મોહિની તરફ જોવા લાગ્યોં.એની આંખો તરફ થોડીવાર જોતો રહ્યોં.પોતે દ્રશ્યમાન છે એની ખાતરી ન થાય ત્યાં સુધી એ મૌન રહ્યોં.ત્યાં મોહિની સામેની ખુરશી પર બેસતા બોલી “નીચે કશું પડી ગયુ છે સર?” સમ્યકનાં મનમાં હાશકારો થયો.મોહિનીને ડિઝાઇનનાં જરૂરી કામો સોંપી દીધા.મોહિનીને તો હજુ સમ્યકની ઓફીસમાં બેસવું હતુ પણ સમ્યકે કામો જ એટલા આપી દીધા કે એ કમને ઉભી થઇ બહાર જતી રહી.
બપોરનો સમય થયો.બધો સ્ટાફ પોતપોતાનાં ટીફીનો ખોલીને જમવામાં વ્યસ્ત હતા.સમ્યકે ઓફીસનો દરવાજો અંદરથી બંધ કરી એના પપ્પાને યાદ કર્યાં.એના પપ્પા રમેશભાઇ સામે દેખાયા.કાયમની જેમ એ શાંત સ્વરમાં બોલ્યાં “હા દિકરા, શું તકલીફ છે?”

“પપ્પા! આ અચાનક મારી ઇચ્છા કે ખબર વિના હું અદ્રશ્ય થઇ જાઉં છું એ કયાં સુધી રહેશે?”

“બસ વધીને એક અઠવાડીયું.”

“પછી?” સમ્યકનાં આ સવાલમાં એનાં જીવનની તમામ જીજ્ઞાસા છુંપાયેલી હતી.ખુબ નજીકનું ભવિષ્ય જયાંરે અનિશ્ચીત દેખાવા લાગે ત્યાંરે એક જ શબ્દનો પ્રશ્ન પણ પ્રાણપ્રશ્ન બની જાય છે.જીવનમાં કોઇ નાની વાત પણ હાથમાં ન રહે તો માણસ બેબાકળો બની જાય છે.સમ્યકને તો આ વિશાળ સિદ્ધી પોતાના હાથમાં નથી રહેતી એવું અનુભવાતુ હતુ.

“પછી શું થશે એ હું નહિં કહી શકું.આમપણ તે આ વાત દિશાને જણાવીને એક શરતનો ભંગ કર્યોં છે.હવે આ માર્ગમાં તારી દિશા તારા હાથમાં નથી.”

“પણ પપ્પા, એ તો બધુ અનાયાસે થઇ ગયુ.એમાં મારો કશો વાંક નથી.” થોડીવાર સમ્યક કશું વિચારવા માટે અટકયોં અને ફરી બોલ્યોં
“જે થાય તે...પણ પપ્પા....તમે મારી સાથે રહેજો.મને મદદ કરજો.”

રમેશભાઇ ગંભીર ચહેરે મૌન જ રહ્યાં.સમ્યકની અધીરાઇ વધી એટલે આખરે એ બોલ્યાં “ત્રણ દિવસ પછી તારા ફાર્મહાઉસ પર આવીશ.” આ છેલ્લુ વાકય પુરુ કરી, કેટલીયે વાતો અધુરી રાખી એ ચાલ્યા ગયા.
સાંજે સમ્યકે ડ્રાઇવરને રજા આપી દીધી.પોતે પાર્કીંગમાંથી કાર બહાર લઇ આવ્યો.ત્યાં બહાર મોહિની રીક્ષાની રાહ જોઇ ઉભી હતી.એણે સમ્યકને હાથ ઉંચો કર્યોં.સમ્યકે એને કારમાં બેસવા કહ્યું.મોહિનીએ પોતાનું વ્હીકલ સર્વીસમાં આપેલુ હોય સમ્યક એને ઘર સુધી મુકવા રાજી થયો.કાર ચલાવતો સમ્યક મૌન હતો.મોહિનીએ કંઇ વાત કરવા બારી બહાર ઉપર આકાશમાં જોઇ અને કહ્યું

“જોયું સર? કેવી સરસ સંધ્યા ખીલી છે.લાલ,પીળો,વાદળનો સફેદ અને આકાશનો નીલ રંગ કેવા એકબીજામાં ઓતપ્રોત થયા છે.કોઇ બંધન વિના બસ એકબીજામાં ભળી જવું...”

સમ્યકે પોતાની બારીનાં કાચમાંથી ઉપર જોયું.પણ એની દિશામાં તો કાળા વાદળો ઘેરાયા હતા.કોઇ રંગ નહિં ફકત ઘનઘોર કાળો રંગ.જાણે એના મનનો વિષાદ પડછાયો બની આકાશે પહોચ્યોં હોય.પછી એમાંથી બહાર નીકળવા એણે મોહિની તરફ જોયું.મોહિનીએ એક મોહક હાસ્ય વેર્યું.એની બારીમાંથી આવતા રંગોએ એના ચહેરાને વધારે સોહામણો બનાવ્યોં.સમ્યકની આંતરદશામાં બે વિચારો વચ્ચે ઝગડો પણ થયો, એકને આજ અચાનક મોહિનીનો ચહેરો સુંદર અને સોહામણો લાગ્યોં તો બીજાએ તરત જ સવાલ ખડો કર્યોં કે આજ તને એકાંતે જવાનો અફસોસ અને સંસારની અવળી બાજુનું આકર્ષણ કેમ થાય છે? ત્યાં જ બહારની દુનિયામાં ચાર રસ્તે ટ્રાફીક સીગ્નલ અચાનક લાલ દેખાયું.સમ્યકે જોરથી બ્રેક મારી.કારની સાથે એના વિચારો પણ અટકી ગયા.મોહિની આ અચાનક લાગેલી બ્રેકથી આગળ તરફ નમી ગઇ પણ એક હાથ ટેકવી એણે ચહેરો બચાવ્યોં.

“અરે સર, આરામથી....”

“સોરી મોહિની, મારુ ધ્યાન ન રહ્યું.”

“તમે ચાલુ કારે મારા તરફ જોતા હતા.પણ જુઓ, હવે તમે મને 60 સેકન્ડ સુધી જોઇ શકશો.” મોહિની ખડખડાટ હસી અને એણે હાથથી સીગ્નલનાં ટાઇમર તરફ ઇશારો પણ કર્યોં.સમ્યક કંઇ બોલ્યાં વિના ફકત હસી લીધો.પછી સમ્યકે એ ટાઇમર તરફ જોયા કર્યું અને મોહિનીએ સમ્યકનાં ચહેરે જોયા કર્યું.કંઇક નવીન અને પોતાની તરફેણમાં હોય એવા ભાવ મોહિની શોધવા લાગી.સમ્યકને લાગ્યું કે આ ટાઇમર મને સંમોહિત કરી દેશે.અને જો અત્યાંરે એ જરા પણ શાંત થશે તો તરત જ અદ્રશ્ય થઇ જશે.મોહિની રહસ્ય જાણી જશે અને વધુ એક વાર આ સિદ્ધીની શરત ભંગ થશે.આવા વિચારે સમ્યકે અશાંત થવાનું મનોમન નકકી કર્યું.તરત જ મોહિની તરફ જોઇને બોલ્યોં

“તો હું એક અઠવાડીયા સુધી ઓફીસે નહિં આવું.તું બધુ સંભાળી લેજે.”

“તમે તો બે-ત્રણ દિવસનું જ કહેતા હતા ને...કેમ પાછા દિવસો વધારી દિધા?”

“કેમ તું મારી બોસ છે?” આ વાકયને વધારે કડવું બનાવવા સમ્યકે પોતાની આંખો પહોળી કરી.મોહિનીને ગુસ્સે કરવા બીજુ પણ ઘણું બોલી ગયો.પણ મોહિની ઉતેજીત ન થઇ.એટલે સમ્યકે એક પછી એક સ્ટ્રીટ લાઇટનાં આવતા ઝબકારામાં મોહિની તરફ જોયું.એની આંખેથી એક ટીપુ ગાલ પર લપસવાની રાહે ચમકતું હતુ.એ આંસુ લુછવાની અત્યંત તીવ્ર ઇચ્છા એણે રોકી.અને કાચમાં પડેલા બે-ત્રણ વરસાદનાં છાંટા વાઇપર ચાલુ કરી લુંછી નાખ્યાં.

“અરે મોહિની....યાર! હું તો મજાકમાં બોલી ગયો.ફકત ટાઇમપાસ માટે....તે તો ગંભીરતાથી લઇ લીધુ.” સમ્યકે આટલુ કહી રસ્તાની એક બાજુએ કાર ઉભી રાખી.આખરે એનો હાથ એના મનથી વિરૂદ્ધ જઇ મોહિનીનાં આંસુ લુંછી આવ્યોં.મોહિની વધુ ભાવવિભોર થતા બોલી “સર, હું તમને મારા સર્વસ્વ માનું છું.મને હજુ યાદ છે ટોની પાસેથી તમે જ મને છોડાવી છે.તમે મને દરેક તબકકે મદદ કરી છે.મારો પતિ પણ મારાથી એટલો નજીક નથી જેટલા તમે છો.એટલે તમારા ગુસ્સાનું ખોટું લાગી આવ્યું.મન દુભાયું....અને કોઇ હૃદયથી આટલુ નજીક હોય એજ જો હૃદય દુભાવે તો તકલીફ તો થાય.તમે મારી નજરે શ્રેષ્ઠ પુરુષ છો."
હવે લગભગ વધીને પાંચ મીનીટ બાકી હતી મોહિનીનાં ઘર સુધી પહોચવા માટે, છતા સમ્યક આજે મોહિનીને ઘણુ બધુ કહી દેવા માંગતો હતો.મોહિનીનાં મનમાં સમ્યક પ્રત્યે જે ભ્રમ હતો એ તોડવા માટે આ પાંચ મીનીટ બહું થઇ જશે એવું વિચારી સમ્યકે કહ્યું

“મોહિની, મજાક હોય તો ઠીક છે.પણ જો તને મારા તરફ ખરેખર કંઇ આકર્ષણ હોય તો એ ખોટું છે.આ શકય નથી.આપણી દોસ્તી જ બરાબર છે.મે કયાંરેય પણ મારા બોસ હોવાનો ફાયદો નથી ઉઠાવ્યોં.....” સમ્યકને અહિંથી અટકી જવાનું ઠીક લાગ્યું.ચાલતી કારે રસ્તા મુજબ વળાંક લીધો.હવે સંધ્યાનાં રંગો સમ્યકની બારીએ દેખાતા હતા.મોહિનીનો ચહેરો કાળા વાદળોનાં ઓછાયાથી ગમગીન દેખાતો હતો.મોહિનીનાં મનમાં ફરી ન્યાયસંગત વિચારોએ કાર્યવાહી શરૂ કરી.પોતાના પતિ સાથેનું શુષ્ક લગ્નજીવન, નૈતિક રાખવી પડતી વફાદારી, સામાજીક બંધનો, સમ્યક સાથે હોય ત્યાંરે અનુભવાતી એક ખુશી, એક સ્ત્રીને જોઇતી માનસીક અને શારીરીક જરૂરીયાતો જેવા અનેક વિચારો આવ્યાં અને ગયા.આખરે ઘણીવાર પરેશાન કરતી એક સ્મૃતિએ જોર પકડયું.એ સ્મૃતિ હતી ટોનીનાં ફલેટમાં નશાયુકત સ્થીતિમાં અનુભવેલો સમ્યકનો અદ્રશ્ય સંગાથ.એ નશાએ મોહિનીની ઇચ્છા અને વાસ્વિકતા વચ્ચેનો ભેદ નાબુદ કર્યો હતો.આખરે હિંમત કરી મોહિની બોલી ગઇ

“સર, ભલે તમે સ્વીકારી શકતા નથી.....પણ મને પુરી ખાત્રી છે કે તે દિવસે ટોનીનાં ફલેટ પર,એના બેડ પર તમે મારી સાથે હતા.મને તમારો એ સાથ યાદ જ છે.એ અધુરી વાત પુરી કરો."

સમ્યકનાં મનમાં હવે પુર્ણ અશાંતિ છવાઇ હતી.જે એકદમ સાચી હકીકત હતી એ તો પોતે કહી શકે તેમ ન હતો.અને એ દિવસે મોહિનીએ નશીલી હાલતમાં સમ્યકની ધારણા ખોટી રીતે કરી લીધી હતી એ ભ્રમ પણ તોડવો પડે એમ હતો.સમ્યક વિચાર અને કાર બંને સાથે ચલાવતો ગયો.
મોહિનીનું ઘર હવે નજીક જ હતુ.મુખ્ય રસ્તાની સામે તરફ અંદર ગલીમાં એનો ફલેટ આવી જાય.એના માટે થોડું આગળ જઇ ‘યુટર્ન’ લેવો પડે.પણ સમ્યકે આજે એ પહેલા જ કાર વાળી અને ‘રોંગ સાઇડ’ ચાલ્યોં.સામેથી આવતા વાહનો સતત હોર્ન વગાડતા હતા છતા મોહિનીનું ધ્યાન તો સમ્યકનાં ચહેરે જ અટકયું હતુ.એને આજે હવે સમ્યકનાં જવાબની આતુરતા હતી.

“આઇ એમ વેરી સોરી મોહિની....તારો ભ્રમ તોડવા માટે મને દુઃખ છે.પણ આ નૈતિક નથી એટલે એવું મે કર્યું નથી અને કરીશ પણ નહિં.તું તારી લાગણીઓ કાબુમાં રાખ નહિંતર મારા કરતા તને વધુ નુકશાન થશે.અને ટોનીનાં ફલેટમાં તો તારા પર નશો સવાર હતો."

સમ્યકે હવે કારનો ગીયર ‘ન્યુટ્રલ’ કરવા એના પર હાથ મુકયો.મોહિનીએ સમ્યકનાં હાથ પર પોતાનો હાથ મુકી દીધો અને હૃદય ઉલેચવા લાગી

“સર, નૈતિકતા જેવું અહિં કંઇ છે જ નહિં.મન, એની લાગણીઓને અને એની ઇચ્છાઓને મારીને પોષેલી નૈતિકતા એક ઝેર છે.લાગણીઓનાં ઘોડાપુર આવે ત્યાંરે નૈતિકતાનાં તણખલાનું નામોનિશાન મટી જાય છે.અને રહી વાત નશાની તો નશો ઉતર્યાં પછી પણ મે ત્યાં તમારો અવાજ સાંભળેલો હતો.એ તમે જ હતા....ભલે તમને હવે એ માનવામાં શરમ નડતી હોય..."

સમ્યકે ફરી એક આંચકા સાથે કાર થોભાવી.
“મોહિની,તારું ઘર આવી ગયુ.” આટલુ બોલી સમ્યકે પોતાનો ડાબો હાથ પાછો ખેંચી લીધો.મોહિની બહાર નીકળી ગઇ.પોતાનો ગુસ્સો એણે કારનાં દરવાજા પર ઉતાર્યોં.સમ્યક પોતાની ગાડી રસ્તે ચડાવવા તૈયાર હતો ત્યાં જ મોહિનીએ કાચ પર ઠકઠક કર્યું.સમ્યકે કાચ નીચે ઉતાર્યોં.
“તમે નૈતિકતાની વાત કરો છોને? તો સાંભળો....મારો પતિ હજુ એની જુની પ્રેમિકા સાથે સબંધ રાખીને બેઠો છે.ત્યાંરે નૈતિકતા કયાં ગઇ?” મોહિની સાચુ બોલે છે એની સાક્ષી પુરાવતા હોય એમ એની આંખોમાંથી આંસુઓએ બહાર ડોકયું કર્યું.પણ સમ્યકે જવાબમાં એક જ વાકય કહ્યું
“થોડા સમય પછી મળીશું, આવજે.”
સમ્યકે તરત જ કાચ બંધ કરી કાર દોડાવી.શહેરથી દુર એનાં ફાર્મ હાઉસ પર જવા એ નીકળી પડયો.મોહિની કારમાંથી તો કયારની ઉતરી ગઇ પણ સમ્યકનાં મનમાં એ હજુ હાજર રહી.શહેરની ભીડભાડથી શાંત રસ્તો આવ્યોં ત્યાંરે પણ સમ્યક અશાંત જ હતો.આખરે એનું ફાર્મહાઉસ આવી ગયું.
ક્રમશઃ
--ભરત મારૂ




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED