વિષાદયોગ - પ્રકરણ - 42 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદયોગ - પ્રકરણ - 42

વિષાદયોગ-42

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####------------

વિલી દસ્તાવેજનુ કામ પતાવીને સુર્યગઢ રાતે પહોંચ્યો તેની સાથે ગંભીરસિંહ પણ હતો. વિલી તેના ખંડમાં દાખલ થઇ સીધોજ બાથરુમમાં ગયો. બાથરુમમાં જઇ તેણે બધાજ કપડા કાઢી નાખ્યાં અને સાવર નીચે ઊભો રહી ગયો. એકદમ ઠંડુ પાણી શરીર પર પડતા તેના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ. આખા દિવસના થાક અને ગરમીથી લસ્ત થઇ ગયેલા શરીર પર ઠંડા પાણીનો સ્પર્શ એકદમજ અહલાદક લાગણી જન્માવતો હતો. વિલી ઘણીવાર સુધી આજ રીતે ઠંડા પાણીથી સ્નાન કરતો રહ્યો. આજ અહીંનું બધુજ કામ પુરુ થઇ ગયું હતું. હવે કાલે સવારે અમદાવાદ જવા નિકળી જવું છે. કેટલાય દિવસથી આ કામમાં અહીં રોકાઇ રહેવું પડ્યું હતું. કાલે ઘરે પહોંચતાજ દિકરો કેવો ખુશ થઇ જશે? તેના માટે કંઇક રસ્તેથી લેતા જવું પડશે. કેટલો નિર્દોશ ચહેરો છે! જોતાજ તેના પ્રત્યે વ્હાલ ઉભરાઇ આવે. અને બોલે પણ કેટલું વ્હાલું! તેની વાત સાંભળી, આખા દિવસનો થાક ઉતરી જાય. આ વિચાર સાથે જ બીજો વિચાર તેને તેની પ્રેમિકા સુપ્રિયાનો આવ્યો. રોજ સુપ્રિયાનો ફોન આવતો અને વિલી તેની સાથે વાત કરતો. બીચારી સુપ્રીયા તો વિલીને સુમિત તરીકેજ ઓળખતી હતી. તેને ક્યાં ખબર હતી કે તે જેને સુમિત તરીકે ઓળખે છે તે વિકાસ ગુપ્તા ઉર્ફે વીલી છે. આ નામ યાદ આવતાજ તેને તેના જીવનનાં જુનાં દિવસો યાદ આવી ગયાં અને ફીલ્મની પટીની જેમ આખો સામે દૃશ્યો સર્જાવા લાગ્યા. તેને પહેલી નોકરી સુર્યગઢનાં અનાથાઆશ્રમમાં ક્લાર્ક તરીકે મળી હતી. આ નોકરી મળતાં તેને ખુબ ખુશી થઇ હતી પણ વિકાસની મહત્વકાંક્ષા ખુબ ઉંચી હતી. તે થોડાજ સમયમાં આ કારકુનની નોકરીથી કંટાળી ગયો હતો. તેને તો ખુબ ઝ્ડપથી પૈસા કમાવવા હતા જે આ કારકુનની નોકરીમાં શક્ય નહોતું. એટલે તેણે એક આડો રસ્તો શોધી કાઢ્યો હતો. વિકાસ અનાથાશ્રમમાંજ રહેતો અને વહિવટ સંભાળતો. તેમાં એક ફંકશનમાં તેનો પરીચય કૃપાલસિંહ સાથે થયો. કહેવાય છેને કે ભુતને પીપળો મળીજ જાય તેમ વિકાસને પણ કૃપાલસિંહની સાથે ફાવી ગયું. કૃપાલસિંહના ધંધા જોઇ વિકાસ સમજી ગયો કે આ કામનો માણસ છે. જો આ માણસનો સાથ મળે તો ઘણું થઇ શકે. આ પછી તો વિકાસ વારંવાર કૃપાલસિંહને મળવા જતો અને હવે ધીમે ધીમે તેણે અનાથાઆશ્રમના હિસાબમાં ગોટાળા કરવાનું શરુ કર્યુ. આટલું કરતા તેની આવક સારી એવી વધી ગઇ પણ વિલીની મહત્વકાંક્ષાતો આકાશને આંબવાની હતી. આ પૈસાની લાલચમાં વિકાસે અનાથાઆશ્રમમાં એક એવું કામ ચાલું કર્યુ કે જે કામ બદલ તેને ભગવાન પણ માફ કરવાનો નહોતો. જે લોકોને સંતાન નથી થતા તેવા લોકો આ અનાથાશ્રમમાંથી બાળકો દત્તક લઇ જતાં. અનાથાશ્રમમાં તેના કાયદેસરના કાગળ થતાં અને દતકવીધી થતી. દતક લઇ જનાર વ્યક્તિ યથાશક્તિ અનાથાશ્રમમાં દાન આપતા. વિકાસે ધીમે ધીમે એક કોભાંડ ચાલુ કર્યુ. તેણે કેટલીય છોકરીઓને બિહારમાં ખોટા માણસો ઊભા કરી દતક અપાવી. આ છોકરીઓને ત્યાં લઇ જઇ દેહ વ્યાપારમાં નાખી દેવામાં આવતી. વિકાસને આ કામના બદલામાં ખુબ મોટુ કમીશન મળતું. ત્યાં લઇ જવાતી છોકરીઓમાંથી એક છોકરીએ અનાથાશ્રમનાં વડા રઘુવિરભાઇને પત્ર લખી બધીજ વાત જણાવી દીધી. આ વાત જાણતાજ રઘુવિરભાઇએ તપાસ કરી તો તેના ધ્યાનમાં એક વાત આવી ગઇ કે થોડા સમયથી અનાથાશ્રમમાંથી છોકરીઓને દતક લઇ જનારા બધા બહારના રાજ્યના જ લોકો છે, અને પછી તો રઘુવિરભાઇએ તપાસ કરીતો તેને વિકાસની સંડોવણીની ખબર પડી. આ ખબર પડતાજ રઘુવિરભાઇતો પોલીસને જાણ કરવાના હતા પણ અનાથાઆશ્રમનાં ટ્રષ્ટીઓએ તેમને સમજાવ્યા કે આ વાત બહાર ગઇ તો અનાથાશ્રમની ખુબ બદનામી થશે અને સરકાર આ અનાથાશ્રમ બંધ કરી દેશે તો જે પણ સારુ કામ થાય છે, આ છોકરાઓ જે અહીં રહે છે તે રજળી પડશે. અંતે રઘુવિરભાઇ માની ગયાં પણ બીજા દિવસે જ્યારે વિકાસ અનાથાશ્રમમાં આવ્યો તો રઘુવિરભાઇએ બધાની વચ્ચેજ તેને એક લાફો મારી દીધો અને અનાથાશ્રમમાંથી કાઢી મુક્યો. સાવર નીચે ઉભેલા વિલીને અત્યારે પણ ગાલ પર પડેલા તે લાફાનો ચચરાટ યાદ આવી ગયો. ત્યારબાદ વિકાસ ત્યાંથી જતો રહ્યો પણ મનમાં તેણે રઘુવિરભાઇ સાથે બદલો લેવાનું નક્કી કરી લીધુ હતું. તે ત્યાંથી સીધોજ કૃપાલસિંહ પાસે ગયો અને રઘુવિરભાઇ વિરુધ તેણે ફરીયાદ કરી. કૃપાલસિંહને પણ રઘુવિરભાઇ આંખના કણાની જેમ ખુંચતો હતો કેમકે તે અહીંનો નેતા હોવા છતા અનાથાશ્રમમાં તેનું કંઇ ચાલતું નહોતું. બધાજ ટ્રષ્ટીઓ રઘુવિરભાઇ જેમ કહેતા તેમજ કરતાં હતાં. આ ઉપરાંત વિકાસ દ્વારા તે જે અનાથાઆશ્રમની છોકરીઓને ભોગવતો હતો તે પણ હવે બંધ થઇ જવાનું હતું. અને અનાથાશ્રમની આડમાં તે લોકો જે પણ બીનકાયદેસર પ્રવૃતિ કરતા હતા તે બંધ થઇ જવાની હતી. તે રાતેજ કૃપાલસિંહે અને વિલીએ એક પ્લાન બનાવ્યો. બીજા દિવસે અનાથાશ્રમની એક છોકરીને કૃપાલસિંહના માણસો ઉપાડી લાવ્યાં. તે છોકરીને આ લોકોએ બે ત્રણ દિવસ પુરી રાખી તેના પર બળાત્કાર કર્યો. બે ત્રણ દિવસના ત્રાસ પછી વિકાસે તે છોકરીને કહ્યું “જો અમે તને એકજ શરતે છોડીએ. જો તારે પોલીસ સ્ટેશને જઇ અમે કહીએ તેમ ફરીયાદ લખાવવાની છે અને આગળ અમે કહીએ તેમજ કરવાનું છે. જો આમાં કોઇ પણ ફેરફાર કર્યો છે તો તને મારી નાખીશું. પેલી છોકરી ડરને લીધે બધુજ કરવા તૈયાર થઇ ગઇ. ત્યારબાદ કૃપાલસિંહનાં માણસો તે છોકરીને પોલીસ સ્ટેશનથી દૂર ઉતારી ગયાં. તે છોકરીએ પોલીશ સ્ટેશનમાં જઇ વિલીના કહ્યાં પ્રમાણે રઘુભાઇ વિરુધ જાતિય સતામણીનો કેસ નોંધાવ્યો. પણ આ બાબતમાં વિલીના પાસા ઉલટા પડ્યાં એક દિવસ પછી છોકરી પોતાના બયાન પરથી ફરી ગઇ અને તેણે પોલીસ સામે બધુંજ સાચું કહી દીધું. અને પોલીસે વિકાસની ધરપકડ કરી અને લોકઅપમાં ખુબ માર પડ્યો. ત્યારબાદ કૃપાલસિંહે પોતાની લાગવગ વાપરી વિકાસને છોડાવ્યો અને તેને પોતાની સાથે રાખ્યો ત્યારથીજ વિકાસ કૃપાલસિંહનો ખાસ માણસ બની ગયો હતો. અને પછી તો વિકાસ નામ બદલી વિલી ગયો અને કૃપાલસિંહના બધા કાળા કામ સંભળવા લાગ્યો. આ વાત યાદ કરતા કરતા વિલી ક્યાંય સુધી સાવર નીચે ઉભો રહ્યો. થોડીવાર બાદ તે બહાર નિકળ્યો અને નાઇટડ્રેસ પહેરી સોફા પર બેઠો. સોફા પર બેઠા બેઠાજ તેણે તેની પત્ની અને દિકરા સાથે વાત કરી અને ત્યારબાદ સુપ્રિયાને પણ તે એક બે દિવસમાં આવે છે એવી ખુશ ખબર આપ્યા. ફોન મુકી તે ગંભીરસિંહને બોલાવવા જતો હતો ત્યાંજ તેના ફોનમાં રીંગ વાગી. તેણે મોબાઇલમાં ડીસ્પ્લે પર સાહેબ લખાઇને આવતું જોયું એ સાથેજ તેના મનમાં થોડો ગભરાટ થયો. વિલી જાણતો હતો કે, કૃપાલસિંહનાં નંબર પરથી ફોન આવ્યો તેનો મતલબ કોઇ અરજન્ટ કામ હોવું જોઇએ. બે ત્રણ રીંગ વાગીને ફોન કટ થઇ ગયો. આ એક કોડવર્ડ હતો જેનો મતલબ હતો કે કૃપાલસિંહને તેના ગુપ્ત નંબર ફોન કરવો. વિલીએ ફોન લઇ એક નંબર ડાયલ કર્યો આ નંબર વીલી ક્યારેય ફોનમાં સેવ નહોતો કરતો પણ આ નંબર તેના મગજની મેમરીમાં છપાઇ ગયો હતો. વિલીની એક ખાસીયત એ હતી કે તે કોઇ પણ નંબર એકવાર વાંચીલે પછી તેને જીંદગીભર ભુલતો નહીં. કૃપાલસિંહે વિલીની આ ખાસીયતનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો હતો. આજ ખાસીયત વિલીને ટુંક સમયમાં ખુબ મોટી મુશ્કેલીમાં મુકવાની હતી. વીલીએ ફોન લગાડ્યો એટલે સામેથી કૃપાલસિંહે કહ્યું “ તારું કામ પતી ગયું?” આ સાંભળી વિલીએ કહ્યું “હા, કાલે નીકળું છું.”

“ ના, લગ્નનું નક્કી થઇ ગયું છે. ફુલ ડીસનો ઓર્ડર આપીને બે દિવસમાં રસોડે આવીજા.” આ સાંભળી વિલી સમજી ગયો કે હવે બાકીના બીઝનેસમેન પાસેથી પણ પૈસા લઇ લેવાના છે અને બે દિવસમાં સાહેબના ફાર્મ હાઉસ પર પહોંચાડવાનાં છે.

“પણ અહી હું એકલો છું તે બધુ કેમ કરી શકીશ?” વિલીએ ગભરાતા કહ્યું. વિલી જાણતો હતો કે સાહેબને બહાના કે ના સાંભળવી ગમતી નહીં પણ જો બધાજ બીઝનેસમેન પાસેથી પૈસા લેવાના થાયતો અંદાજે બારેક કરોડ જેવી રકમ થાય. તેની કારની ડીકી અને પાછલી સીટ પૈસાથી ભરાઇ જાય આટલું મોટું રીસ્ક લેતા વિલી થોડો ગભરાતો હતો.

“તે તું મેનેજ કરી લેજે.” આટલું કહી કૃપાલસિંહે ફોન કટ કરી નાખ્યો. આ સાંભળી વિલીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે ફોનને સોફા જોરથી પછાડ્યો. વિલીને ગુસ્સો એ વાતનો નહોતો આવ્યો કે સાહેબે તેની વાત સાંભળી નહીં. તે સાહેબને સારી રીતે જાણતો હતો કે તે કારેય કોઇની વાત સાંભળતો નહીં, પણ વિલીને હવે અહીં ખુબ કંટાળો આવતો હતો. હવે તેને પત્ની અને દિકરાને મળવાનું ખુબ મન થયું હતું. તે તો કાલે અહીંથી નિકળી જવા માંગતો હતો ત્યાંજ આ સાહેબે તેને બીજું કામ આપી દીધું હતું જેથી તેણે ફરીથી બે દિવસ અહીંજ રોકાવું પડે એમ હતું. વિલી થોડીવાર આમજ ગુસ્સામાં બેસી રહ્યો પછી તેણે એક માણસને ગંભીરસિંહને બોલાવવા મોકલ્યો. ગંભીરસિંહ આવતાજ વિલીએ તેને કહ્યું “હવે મારે હજુ બે દિવસ રોકાવું પડશે. કાલે સવારે હું ફરીથી કામ માટે ભાવનગર જવાનો છું.” આ સાંભળી ગંભીરસિંહે કહ્યું “ભલે જેવી તમારી મરજી.”

બીજા દિવસે જ્યારે વિલી ભાવનગર જવા રવાના થયો તે સમયે નિશીથ રાજમહેલમાં બેસી ઉર્મિલાદેવીની રાહ જોઇ રહ્યો હતો. સામેની દિવાલ પર રહેલ ચિત્ર જોઇને નિશીથ ચોકી ગયો. ચિત્ર બે વ્યક્તિઓ હાથમાં તલવાર લઇને ઊભી હતી. આ ચિત્રમાં નિશીથની નજર જેવી તે બંને વ્યક્તિના ચહેરા પર ગઇ એ સાથેજ તે ચોંકી ગયો તે બંને વ્યક્તિના ચહેરા એક સરખાજ હતા જાણે તે બંને એક જ વ્યક્તિ હોય તેટલી બંનેમાં સામ્યતા હતી. આ ચિત્ર જોઇ નિશીથે તરતજ મોબાઇલ કાઢી તેનો ફ્રંટ કેમેરો ચાલુ કર્યો અને તેમાં પોતાનો ચહેરો જોયો. તેણે એક બે વાર મોબાઇલ અને તે ચિત્ર તરફ જોયું ત્યાંજ પેલી સ્ત્રી આવીને બોલી “માતાજીએ પુજા કરી લીધી છે. ચાલો તમે મારી સાથે.” આ સાંભળી નિશીથ ઊભો થઇને તેની પાછળ ચાલવા લાગ્યો. નિશીથ ઉર્મિલાદેવીનાં કમરામાં દાખલ થયો એ સાથેજ ઉર્મિલાદેવી તેને જોઇને સોફામાં બેઠા થઇ ગયાં અને નિશીથને જોવા લાગ્યાં. તેના ચહેરા પર એકાએક ચમક આવી ગઇ. પણ તરતજ ઉર્મિલાદેવીએ પોતાના હાવભાવ પર કાબુ મેળવી લીધો. નિશીથ પાસે આવ્યો એટલે ઉર્મિલાદેવીએ ઇશારાથી તેને સામે પડેલા સોફા પર બેસવા કહ્યું અને પછી પેલી સ્ત્રી સામે જોઇને કહ્યું “ રુપ, મહેમાન માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરજે.” આ સાંભળી નિશીથે કહ્યું “નહીં તેની કોઇ જરૂર નથી.”

“અરે રાજગઢનાં મહેમાન એમને એમ પાછા જતા હશે.” ઉર્મિલાદેવીએ કહ્યું. આ બોલતી વખતે ઉર્મિલાદેવીના ચહેરા પર રહેલ એક આભા જોઇ નિશીથને તે સ્ત્રીની હિંમત અને આંતરીક તાકાતનો અનુભવ થઇ ગયો. નિશીથે વિચાર્યુ આ રાજપુતાણીઓ જ દેશને ખમીરવંતા રાજાઓની ભેટ આપી શકે જેના એકે- એક શબ્દ અને એકે-એક હાવભાવમાં ગૌરવ અને ખમીર છલકતું હોય. નિશીથ હજુ વિચારમાં ખોવાયેલો હતો ત્યાંજ ઉર્મિલાદેવીએ કહ્યું “હા, બોલો કંઇ કામે આવ્યાં છો?” આ સાંભળી નિશીથ મુંજવણમાં મુકાઇ ગયો કે વાતની શરુઆત ક્યાંથી કરવી. નિશીથે અહીં આવતા પહેલા વિચાર્યુ હતું કે કોઇ દેશી અને ગામડાની સ્ત્રી હશે પણ ઉર્મિલાદેવીએ તેની ધારણા એકદમ ખોટી પાડી હતી. ઉર્મિલાદેવી સિલ્કની સાડી અને સીમ્પલ બ્લાઉઝમાં પણ જાજરમાન લાગતા હતા. તેનું એક્દમ મધ્યમ શરીર અને ચહેરા પર રહેલ ખુમારી તથા આત્મવિશ્વાસ જોઇ નિશીથ વાતની શરુઆત કરતા મુંજવણ અનુભવતો હતો. નિશીથે ધીમેથી વાતની શરુઆત કરતા કહ્યું “મારુ નામ નિશીથ છે. હું રાજકોટથી આવું છું. આજથી વિસ વર્ષ પહેલા મારા મમ્મી પપ્પાએ મને અહીં ખોડીયાર મંદીર પાસે આવેલ અનાથાશ્રમમાંથી દત્તક લીધો હતો.” આ વાત સાંભળી ઉર્મિલાદેવીના ચહેરા પર ચમક આવી. નિશીથ હજુ આગળ કહે તે પહેલા પેલી સ્ત્રી ચા નાસ્તો લઇને આવી એટલે નિશીથ વાત કરતો રોકાઇ ગયો. તે સ્ત્રી ચા નાસ્તો મુકીને જતી રહી એટલે ઉર્મીલાદેવીએ કહ્યું “સંકોચ વગર નાસ્તા સાથેજ તમારી વાત આગળ વધારો. નિશીથ નાસ્તાની ડીસ હાથમાં લીધી અને વાત કરવાની શરૂઆત કરી “ હું જ્યારથી સમજતો થયો ત્યારથી મને એક સ્વપ્ન સતતા આવતું જેમાં મને એક વ્યક્તિ દોડતી દેખાતી.” આમને આમ નીશીથ બોલતો ગયો અને ઉર્મિલાદેવી સાંભળતા ગયાં. ઉર્મિલાદેવીની આભા અને લાગણીની અસર હેઠળ નિશીથે બધીજ વાત ઉર્મીલાદેવીને કરી દીધી. આ સાંભળી ઉર્મિલાદેવી ઊભા થયાં અને નિશીથને કહ્યું “તો તમને એમ લાગે છે કે તમે અમારા ખોવાઇ ગયેલાં કુવર જ છો?” આ સાંભળી નિશીથે કહ્યું “ના, હું કંઇ કહેતો નથી. હું તો માત્ર મારા સ્વપ્નનો ભેદ ઉકેલવા નિકળ્યો છું. આ ભેદની કળીઓ જોડતા જોડતાજ અહીં સુધી પહોચ્યો છું. મારે તો માત્ર મારા આ સ્વપ્નમાંથી છુટકારો મેળવવો છે. આ માટેજ તમારા સુધી આવ્યો છું.” નિશીથનો જવાબ સાંભળી ઉર્મિલાદેવી થોડીવાર ઉભા રહ્યા અને પછી તેણે બુમ પાડી એક સ્ત્રીને બોલાવીને કહ્યું “તું જા ગંભીરસિંહને ઝડપથી બોલાવી લાવ.” આ સાંભળી નિશીથ ગભરાઇ ગયો. તેને ડર લાગ્યોકે ક્યાંક તેણે અહીં એકલા આવી ભુલ તો નથી કરીને? ક્યાંક આચાર્યનાં ખુન પાછળ ઉર્મિલાદેવીનો હાથ તો નહીં હોય ને? તેના ચહેરા પરના હાવભાવ જોઇને ઉર્મિલાદેવીએ કહ્યું “ગભરાવ નહીં જો તમે કોઇ ચાલ રમી હશે તો પણ તમે અમારા ઘરમાં છો ત્યાં સુધી સલામત છો. પણ એક વાત યાદ રાખજો અમે જુના માણસો બધુજ સહન કરી શકીએ પણ દગો કે ગદ્દરી સહન કરી શકતા નથી.” આ સાંભળી નિશીથ થોડો ડરી ગયો પણ પછી મનોમન તેણે નિર્ણય કર્યો જે થાય તે જોયું જશે પણ આમ નબળા પડી જવાથી નહી ચાલે એટલે તેણે કહ્યું “જો માતાજી મે તો તમને પહેલાજ કહી દીધું છે કે મને કશી ખબર નથી કે સત્ય શું છે. હું તો એક સ્વપ્નનો પીછો કરતો કરતો તમારા સુધી પહોંચ્યો છું. અને એજ આશાએ તમારી પાસે આવ્યો છું કે તમે મને અહીંથી કંઇક આગળ માર્ગ દેખાડો.” નિશીથની સ્પષ્ટ વાત સાંભળી ઉર્મિલાદેવી થોડા ઢીલા પડ્યાં એટલે નિશીથે આગળ કહ્યું “ મારા પપ્પા મોટા બિજનેસમેન છે એટલે મારે એવી કોઇ દગાબાજી કરવાની જરૂર નથી. અને મે તમને અત્યાર સુધી જે પણ કહ્યું તે બધુજ સાચુ છે. મને ખુદનેજ નથી સમજાતું કે મે તમને બધીજ વાત કેમ કરી દીધી.” નિશીથે બોલવાનું પુરુ કર્યુ ત્યાં ગંભીરસિંહ દાખલ થયો અને બોલ્યો “ હા, બા કેમ અચાનક બોલાવ્યો.” ત્યાંજ તેનું ધ્યાન નિશીથ પર ગયું અને તે ઉભો રહી ગયો અને નિશીથ સામે જોઇને તે સ્તબ્ધ થઇ ગયો.

“આ યુવાન કહે છે કે તે આપણો ખોવાયેલો કુવર છે. તેને કોઇ સ્વપ્ન આવે છે તેના આધારે તે અહીં સુધી પહોંચ્યો છે. આ શહેરના લોકો આપણને ગામડાના લોકોને ગમાર અને અંધશ્રધ્ધાળું સમજે છે. આ લોકોને એમ કે આ ગામના લોકોને શું ખબર પડશે? ગમે તેમ ઉલ્લું બનાવી દેશું.” ઉર્મિલાદેવીએ ગંભીરસિંહ સામે જોઇ કહ્યું.

આ સાંભળી નિશીથે કહ્યું “તમારી વાત સાચી છે માતાજી. તમારી જગ્યાએ હું હોત તો મને પણ આ વાત પર વિશ્વાસ ન આવ્યો હોત. પણ મે તમને કહ્યું ને કે મે જે પણ કહ્યું તે એકદમ સત્ય છે. તમે જે પણ ચકાસણી કરવી હોય તે કરી લો.” આ સાંભળી ઉર્મિલાદેવી ઊભા થયાં અને પછી જે બોલ્યા તે સાંભળી નિશીથ અને ગંભીરસિંહ બંને ચોંકી ગયાં.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------********--------------------**********------------------*********----

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM