વિષાદ યોગ - પ્રકરણ - 41

એક નગરમાં નિશિથ દાખલ થાય છે અને કઇ બાજુ જવું તે વિચારતો ઊભો રહે છે ત્યાં તેના કાન પર એક અવાજ સંભળાઇ છે. દીકરા એ દીકરા, આ સાંભળી નિશીથ ચોંકી જાય છે અને અવાજની દિશામાં જુએ છે તો કોઇ દેખાતું નથી. ત્યાંજ દુરથી પાછો એજ અવાજ આવતો સંભળાઇ છે. નિશીથ અવાજની દિશામાં આગળ વધે છે. આગળ વધતા સામે એક મોટો રસ્તો આવે છે નિશીથ તે રસ્તા પર આગળ ચાલવા માંડે છે. તે ચાલતો ચાલતો અવાજની દિશા તરફ આગળ વધે છે ત્યાં થોડે દૂર તેને એક વિશાળ દરવાજો દેખાય છે તેના પર કંઇક લખેલુ છે પણ સમયની થપાટો ખાઇ તે દેખાય તેવી હાલતમાં રહ્યું નથી. નિશીથ ફરીથી અવાજની દિશામાં આગળ વધે છે. તે આગળ વધતો વધતો તે વિશાળ દરવાજા પાસે આવી ઊભો રહી જાય છે અને એકદમ ધ્યાનથી અવાજ સાંભળવા લાગે છે. ત્યાંજ ફરીથી તે અવાજ આવે છે ‘દિકરા એ દિકરા’ નિશીથને હવે પાકી ખાતરી થઇ જાય છે કે આ અવાજ દરવાજાના અંદરના ભાગમાંથીજ આવે છે. નિશીથ ધીમેથી તે વિશાળ દરવાજાને ધકો મારવા જાય છે ત્યાં તે દરવાજો આપમેળેજ ખુલી જાય છે. દરવાજો ખુલતાજ નિશીથને સામેનું દ્રશ્ય દેખાય છે. આ જોતાજ નિશીથ મંત્રમુગ્ધ થઇ જાય છે. સામે એક મોટું મેદાન છે અને આ મેદાનના ફરતે અર્ધ ગોળાકાર આકારમાં ખૂબજ વિશાળ મહેલ જેવું મકાન છે. જેની નકશી અને બાંધકામ જુના રાજઓના મહેલ જેવુંજ છે. નિશીથ ચારેબાજુ નજર ફેરવે છે પણ ક્યાંય કોઇ દેખાતું નથી. ત્યાંજ ફરીથી પાછો પહેલો અવાજ આવે છે અને નિશીથ અવાજની દિશામાં એકદમ જીણી નજરથી જુએ છે તો મહેલની એકદમ વચ્ચે રહેલ જરુખામાં કોઇ સ્ત્રી ઉભી હોય તેવું દેખાય છે. નિશીથ ધીમે ધીમે તેના તરફ આગળ વધે છે. નિશીથ પોતાની જાતને આગળ જતી રોકવાની ઘણી કોશિશ કરે છે પણ જાણે તેને કોઇ એ દિશામાં ખેંચતુ હોય તેમ તેના પગ આપોઆપ એ દિશામાં ચાલવા લાગે છે. નિશીથ થોડો આગળ વધે છે એટલે ધીમે ધીમે સામેનું દૃશ્ય ચોખ્ખું થવા લાગે છે. જરુખામાં ઉભેલી સ્ત્રીના કપડા, આભુષણ અને રુઆબ કોઇ મહારાણી જેવા લાગે છે અને તેના મો પર રહેલ ઠસ્સો અને ગોરવ પરથી તે કોઇ પ્રભાવશાળી વ્યક્તિ છે તેનો ખ્યાલ આવી જતો હતો. નિશીથ હજુ કંઇ વિચારે તે પહેલાજ તેની નજર  સામે રહેલ એક બોર્ડ પર ગઇ. આ આખા બીલ્ડીંગમાં આ એક બોર્ડજ નવું હતું. આ બોર્ડ પર લખ્યું હતું “આ તમામ મિલકત સુર્યગઢ રાજ પરીવારની માલીકીની છે.” આ બોર્ડ જોતાજ નિશીથ ઝ્બકીને પથારીમાં બેઠો થઇ ગયો. નિશીથ થોડીવાર તો એમજ બેઠો રહ્યો હજુ તેને સમજ નહોતી પડતી કે આ સ્વપ્ન હતું કે હકીકત. તેણે પાસે પડેલ જગમાંથી એક ગ્લાસ ભર્યો અને એકજ ઘુટડે પાણી પી ગયો. “ નિશીથને આજે બે ત્રણ દિવસ પછી ફરીથી સ્વપ્ન આવ્યું હતું. આ પહેલા આવેલુ ડુંગરનું સ્વપ્ન જ તેને પેલા સાઇનબોર્ડ અને ત્યાંથી પેલા દાદા સુધી લઇ ગયું હતું. તો શું આ સ્વપ્નમાં પણ કોઇ સંકેત છે? જે મને કંઇક કહેવા માગે છે. એવું શું છે આ સ્વપ્નમાં? આ સ્વપ્નમાં પેલી સ્ત્રી કોણ હતી? આવા કેટલાય પ્રશ્નો તેના મનમાં થયાં અને તેના વિચાર કરતો નિશીથ કયાંય સુધી બેડમાં બેઠો રહ્યો. થોડીવાર પછી તેને લાગ્યું કે હવે ઉંઘ  આવવાની નથી એટલે ઊભો થયો અને રૂમની બહાર નિકળી નિચે આવેલ ગાર્ડનમાં જઇ બેઠો. ગાર્ડનમાં બેસતાજ તેની વિચાર યાત્રા ફરીથી ચાલુ થઇ ગઇ. રાત્રે જ્યારે પેલા રુમ નંબર – 409 માં દાખલ થયો તો સામે એક વ્યક્તિ બેઠી હતી. તે વ્યક્તિ ચાલીસી વટાવી ગયેલી લાગતી હતી. તેના ચહેરા અને હાવભાવ પરથી તે થોડો રુક્ષ આદમી લાગતો હતો પણ તેની આંખો એકદમ ભાવવાહી પણ સામેના માણસને એક્સરેની જેમ જોઇ શકે તેવી હતી. તેના શરીર પર એકપણ વધારાની ચરબીનો કણ દેખાતો નહોતો તેના પરથીજ તેની ફીટનેસનો અંદાજ આવી જતો હતો. નિશીથ જે વ્યક્તિને જોઇ રહ્યો હતો તે પ્રશાંત કામત હતો. નિશીથ અંદર દાખલ થયો એટલે પ્રશાંતે ઊભા થઇ તેની સાથે હાથ મિલાવ્યાં અને સામે રહેલ સોફા તરફ ઇશારો કરીને બેસવાનું કહ્યું. નિશીથ બેઠો એટલે પ્રશાંતે કહ્યું “મારુ નામ પ્રશાંત કામત છે. હું એક પત્રકાર છું. આપણે વાત ચાલુ કરીએ એ પહેલા કહો શું લેશો? ચા કૉફી  કે કોલ્ડ્રીંક્સ? મને ખબર છે તમે હાર્ડ ડ્રીંક નથી લેતા એટલે તેનું પુછતો નથી.” પત્રકાર શબ્દ સાંભળી નિશીથને થોડુ આશ્ચર્ય તો થયું પણ અત્યારે તે સામેવાળાને એવો મોકો આપવા  માંગતો નહોતો એટલે તેણે સીધુજ કહ્યું “કૉફી ચાલશે.” આ સાંભળી પ્રશાંતે ઇંટર કોમ પર બે કૉફીનો ઓર્ડર આપ્યો અને પછી ફોન મુકી બોલ્યો “ચાલો આમાં આપણા બંનેની પસંદ મળે છે. જોઇએ આગળ શું થાય છે.” એમ કહી તે રોકાયો એટલે નિશીથે સીધુજ પુછ્યું “બોલો તમે શું કહેવા માંગો છો? કેમ તમે અમારો પીછો કરાવો છો?” આ સાંભળી પ્રશાંત હસી પડ્યો અને બોલ્યો “તમે પણ બાકી સીધાજ મુદા પર આવી ગયાં. મને હતું થોડી વાતો કરીશું પછી આગળ વધશું. પણ છતા હું તમારાથી ઇમ્પ્રેસ થયો છું. આટલી નાની ઉંમરમાં તમે એકદમ ચબરાક મગજ ધરાવો છો. મને તો એમ હતું કે તમે મને એમ પુછશો કે 'તમે મારા વિશે આ બધુ કેમ જાણો છો?' પણ એનીવે મને તમારા જેવા માણસની જ જરૂર છે.” પ્રશાંત કામતે હસતાં હસતાં કહ્યું.

નિશીથ હજુ કંઇ આગળ કહેવા જાય ત્યાં હોટલનો રુમ સર્વિસબોય કૉફી લઇને આવ્યો હોવાથી રુમની ડોરબેલ વાગી. પ્રશાંતે ઊભા થઇ દરવાજો ખોલ્યો એટલે સર્વીસ બોય અંદર આવી પાણીની બોટલ અને કૉફીના કપની ટ્રે ટેબલ મુકી. પ્રશાંતે તેના બીલમાં સાઇન કરી એટલે તે જતો રહ્યો. તેના ગયાં પછી પ્રશાંતે નિશીથને કૉફીનો કપ આપ્યો અને બોલ્યો “લો, કૉફી વીથ પ્રશાંતની મજા માણો.” આ સાંભળી નિશીથના મો પર સ્મિત આવી ગયું અને બોલ્યો. “પણ આમાં પ્રશાંત પ્રશ્ન નહીં પુછે પણ જવાબ આપશે એમને?” અને પછી બંને હસી પડ્યાં.

થોડી હળવી વાતચીતથી વાતાવરણમાંથી ઔપચારીકતા જતી રહી અને તેને સ્થાને થોડી આત્મિયતા આવી. નિશીથે કહ્યું “હા તો બોલો, તમને મારામાં શું રસ છે? મને તો નથી લાગતું કે આ પહેલા આપણે ક્યાંય મળ્યાં હોય?”

“ના આપણે પહેલી જ વખત મળીએ છીએ. આપણે બંને તદન અલગ અલગ રસ્તેથી અહીં સુધી આવ્યા છીએ પણ હવે પછીનો આપણો રસ્તો અને લક્ષ્ય એક જ છે.” પ્રશાંતે કૉફીનો શિપ લેતાં કહ્યું.

“મારો આગળનો રસ્તો શું હોઇ શકે? તે મનેજ ખબર નથી તો તમે કંઇ રીતે કહી શકો કે આપણા બંનેનો આગળનો રસ્તો એકજ છે.” નિશીથે સિરીયસ થઇ પુછ્યું.

“હા, પણ તમે રસ્તા પર જ્યાં જઇને રોકાયા છો તે રસ્તો આગળ ક્યાં જાય છે તે હું જાણું છું.” પ્રશાંતે પણ સામે એજ રીતે કહ્યું.

“પણ તમને કેમ ખબર કે હું કયાં રસ્તે અટક્યો છું? અને મારો મકસદ શું છે?” નિશીથે હવે સીધાજ મુદા પર આવતાં કહ્યું.

સાંભળી નિશીથ થોડા વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો.

“જો એક વાત તમને સાચી કહી દઉં છું કે મારે શું જોઇએ છે અને હું શું કામ અહીં આવ્યો છું તે સાચેજ હું પણ નથી જાણતો.” નિશીથે પ્રશાંતને થોડી સત્ય વાત કરી.

આ સાંભળી પ્રશાંતના ચહેરા પર સ્મિત આવી ગયો અને બોલ્યો “જો તમારા સ્વપ્ન વિશે પણ મને ખબર છે. આ વાત મારા હજુ સુધી માનવામાં નથી આવી પણ જો તમે કહો છો તે સાચું હોય તો પણ તમે જે રસ્તા પર આગળ વધો છો તે મારા લક્ષ્ય સુધીજ જાય છે.” પ્રશાંતે નિશીથને સમજાવતાં કહ્યું.

“તમારુ લક્ષ્ય શું છે?” નિશીથે હવે સીધુજ પુછી લીધું.

આ સાંભળી પ્રશાંત થોડીવાર રોકાયો અને પછી બોલ્યો “સોરી ખોટું નહીં લગાડતા પણ જો આ વાત હું તમને એમ નહીં કહી શકું. પહેલા મને જો ખાતરી થશે કે તમે મારી સાથે જોડાશો તોજ હું તમને એ વાત કરીશ. આ વાત માટે હું કેટલાય વર્ષોથી મહેનત કરી રહ્યો છું એટલે જો આ વાત લીક થઇ જાય તો મારી વર્ષોની મહેનત પર પાણી ફરી જાય.”

“પણ તમારા વિશે હું કંઇ જાણતો નથી તો તમારા પર વિશ્વાસ ક્યાંથી મુકી શકું? તમે શું કરવા ઇચ્છો છો તે પણ તમે કહેતા નથી તો પછી હું તમારી સાથે જોડાઇશ કે નહીં તે કેમ કહી શકું?” નિશીથે તેની શંકા રજુ કરી દીધી.

“જો એ બધુજ હું તમને કહીશ. હું જેટલુ તમારા વિશે જાણું છું તેટલુંજ તમને પણ મારા વિશે જણાવીશ પણ પહેલા તમે એ નક્કી કરો કે તમે એવું કામ કરવા તૈયાર છો જેમાં ઘણું બધું રીસ્ક રહેલું છે અને તેમાં એકવાર જોડાયા પછી તે છોડી શકાશે નહીં.” પ્રશાંતે નિશીથને માપ કાઢવા માટે પુછ્યું.

“હા, જો તમે કહો છો તે ખરેખર સાચુ હોય કે મારુ લક્ષ્ય તમે જે કહો છો તેજ છે. અને મને જો વિશ્વાસ આવશે કે તમે કહો છો તે બધું જ સાચુ છે તો હું ચોક્કશ તે કામમાં તમારો સાથ આપીશ.” નિશીથે એકદમ આત્મવિશ્વાસથી કહ્યું.

 “ઓકે તો પહેલા તમને એક વાત કહી દઉં કે તમે જે ખજાનો શોધો છો તે હવે ત્યાં ડુંગરમાં નથી. તેને ત્યાંથી લઇ જવામાં આવ્યો છે. તે કોણ લઇ ગયું છે? અને ક્યાં લઇ ગયું છે? તે હું તને હમણાં નહીં કહું પણ એ વાત નક્કી છે કે ત્યાં હવે ખજાનો નથી.” પ્રશાંતે કહ્યું.

“તમે એ વાત કેમ જાણો છો? તે રસ્તા પર તો કોઇ જઇ શકતું નથી. તે રસ્તા પર તો ભુત થાય છે.” નિશીથે પોતાની શંકા વ્યક્ત કરી.

“મે તમને ફોન પર તો કહ્યું હતું કે એ વાત ખોટી અફવા છે ત્યાં કંઇ ભુત થતું નથી. હું ખુદ ત્યાં જઇ આવ્યો છું.” પ્રશાંતે નિશીથની આંખમાં જોઇ કહ્યું.

“હું કેમ તમારી વાત માની લઉં. કદાચ એવું પણ બની શકે કે તમે તે જગ્યા પર મને જતો અટકાવવા માટે તમે મને આ બધી વાત કરી હોય.” નિશીથ હવે કોઇ વાત ગુંચવવા માંગતો નહોતો એટલે સીધુજ પુછી લીધું.

આ સાંભળી પ્રશાંતના ચહેરા પર સ્મિત આવી ગયું અને તે બોલ્યો “મને હતું કે તું આમજ કહીશ. ચાલો કાલે હું તમારી સાથે તે જગ્યા પર આવીશ. અને તમને તે જગ્યાએ લઇ જઇશ જ્યાં આ ખજાનો છુપાવેલો હતો. જો આ વાત સાચી પડે તો પછી તારે મારી સાથે જોડાવું પડશે.”

આ સાંભળી નિશીથ થોડો વિચારવા લાગ્યો અને પછી બોલ્યો “ઓકે પણ તમારે પહેલા તમારી બધીજ વાત અને યોજના મને કહેવી પડશે.”

“ઓકે ફાઇનલ. તો કાલે આપણે સાથે ત્યાં ડુંગર પર જઇશું.” પ્રશાંતે હાથ લંબાવતા કહ્યું. આ જોઇ નિશીથ ઊભો થયો અને હાથ મિલાવી પછી રજા લઇ ત્યાંથી નિકળી ગયો.

આ વિચાર કરતો કરતો નિશીથ ક્યાંય સુધી ગાર્ડનમાં બેસી રહ્યો. ત્યાં પાછા તેનાં વિચાર આવેલ સ્વપ્ન તરફ ડાઇવર્ટ થયાં. પેલી સ્ત્રી કોણ હતી? આ રાજ મહેલ સુર્યગઢનો હતો તો પછી તે સ્ત્રી ઉર્મિલાદેવી જ હશે કે પછી બીજું કોઇ? હા તે મને દિકરા કહી બુમ પાડતા હતા એટલે ઉર્મિલાદેવી જ હશે? શું તે મને આ સ્વપ્ન દ્વારા કંઇ કહેવા માંગતા હશે? શું તે મને તેની પાસે બોલાવે છે? કે પછી આ સ્વપ્નમાં બીજોજ કોઇ સંકેત છુપાયેલો છે? ના આ સ્વપ્ન એમજ તો ન આવે આગળના  સ્વપ્નની જેમ આ સ્વપ્નમાં પણ કોઇ સંકેત ચોક્કસ હશે. પણ શું સંકેત છે? શું મારે ઉર્મિલાદેવીને મળવું જોઇએ? કાલે પેલા પત્રકાર પ્રશાંત કામત સાથે જવું કે પછી ઉર્મિલાદેવીને મળવા જવું? ઘણીવાર સુધી શું કરવું તેની અવઢવમાં તે અટવાતો રહ્યો. અંતે તેણે નક્કી કર્યુ કે મને અહીં સુધી આ સ્વપ્નજ લાવ્યુ છે તો અહીંથી આગળ પણ તેના સહારેજ ચાલવું જોઇએ. આ વિચારી તે ફરીથી રૂમમાં ગયો. રુમમાં જઇ તેણે ઘડીયાળમાં જોયું તો હજુ આઠ વાગ્યા હતા અને સમીર ઉઠી રહ્યો હતો. નિશીથે સમીરને કહ્યું “ચાલ આપણે બંને એ સુર્યગઢ જવું છે જલદી તૈયાર થઇ જા. અડધા કલાકમાં બંને તૈયાર થઇ ગયાં અને કશિશની રુમ તરફ ગયાં. કશિશે આ બંનેને એકદમ તૈયાર થઇને આવેલા જોયા એટલે સીધુંજ પુછ્યું “ઓય તમે બંને કઇ બાજું ચાલ્યાં?”

“જો આજે તમે અહીંજ આરામ કરો. હું અને સમીર ઉર્મિલાદેવીને મળવા સુર્યગઢ જઇએ છીએ. બીજી બધી વાત તમને ત્યાંથી આવીને કહું છું.” એમ કહી નિશીથ બહાર નિકળવા જતો હતો ત્યાં પાછળથી કશિશે કહ્યું “નિશીથ, ટેક કેર. કોઇ રિસ્ક નહીં લેતો.” આ સાંભળી નિશીથે પાછું ફરીને જોયું તો કશિશની આંખમાં એક પ્રકારનો ડર દેખાયો. આ જોઇ નિશીથ કશિશ તરફ આગળ વધ્યો અને તેને ભેટી પડ્યો. બે મિનીટ બંને આજુબાજુની દુનિયા ભુલી એકબીજામાં ખોવાઇ ગયાં. નિશીથે કશિશને કાનમાં ધીમેથી કહ્યું “આઇ લવ યું કિસું. તું ચિંતા નહી કર હું સાંજે પાછો આવીને તને બધી જ વાત કરીશ.” અને પછી કશિશને અળગી કરીને તેના કપાળ પર કીસ કરી. કશિશની આંખોમાં રહેલ લાગણી જોઇ નિશીથને અંદર કંઇક હચમચાવી ગયું. નિશીથ દિલ કઠણ કરી ત્યાંથી તરતજ બહાર નિકળી ગયો. બહાર નિકળી નિશીથે સમીરને કારની ચાવી આપી અને પાર્કીંગમાંથી કાર લેવા માટે મોકલ્યો. સમીર કાર લઇને આવ્યો એટલે નિશીથ તેની બાજુની સીટ પર બેસી ગયો. સમીરે કારને ભાવનગર હાઇવે તરફ જવા દીધી. નિશીથે કારમાં બેસી પ્રશાંત કામતને ફોન કરી કહી દીધુ કે આજે તે તેની સાથે નહીં આવી શકે.

બે કલાકના ડ્રાઇવીંગ બાદ બંને મિત્રો સુર્યગઢ પહોંચ્યાં. ત્યાં પહોંચી તેણે એક રસ્તા પર ઉભેલા માણસને પુછ્યું રાજગઢમાં જવું છે. આ સાંભળી પેલાએ કહ્યું "આ રસ્તા પર સીધા જ આગળ જતા મોટો દરવાજો આવશે તેમાં જતા રહેજો અંદરનો ભાગ દરબાર ગઢ છે. તેમાં બીજો જે મહેલ છે તે રાજ મહેલ છે."

સમીરે કારને આગળ જવા દીધી ત્યાં એક મોટો દરવાજો આવતા કાર તેમા જવા દીધી. કાર અંદર જતા આગળ એક નાનો મહેલ આવ્યો અને ત્યાંથી આગળ જતા રાજ મહેલ આવ્યો. સમીરે તેનાથી થોડે દુર કારને ઉભી રાખી અને બંને નીચે ઉતર્યા. નીચે ઉતરી નિશીથે સમીરને કહ્યું "તું અહીજ મારી રાહ જોજે. અંદર હું એકલોજ જઇશ, અને જાણે સામેનો મહેલ તેને ખેંચતો હોય તેમ નિશીથ આગળ ચાલવા લાગ્યો. જેવો તે મહેલના દરવાજા પાસે પહોંચ્યો અને અંદરનું દ્રશ્ય જોયું તે સાથેજ તે ચોંકી ગયો આ આખું પરીશર રાત્રે સ્વપ્નમાં આવેલ મહેલ જેવુજ હતું. નિશીથને અહીં પહોંચી કંઇક અલગ લાગણી અનુભવાતી હતી. એક પ્રકારનું ખેંચાણ અને લગાવ તેને આ પરીશર પ્રત્યે થઇ રહ્યો હતો. દિલમાં કોઇ અલગજ પ્રકારનું વાઇબ્રેશન તેને અનુભવાતું હતું. હું અહીં આ પહેલા કોઇ વાર આવેલો નથી તો પછી કેમ મને સ્વપ્નમાં આ મહેલ આવ્યો હશે. તો શું આજ મારુ જન્મ સ્થળ છે? જે તારણ પર અમે પહોંચ્યા હતા તે સત્ય હશે? શું સ્વપ્નમાં મને દિકરા કહી બોલાવતી સ્ત્રી ઉર્મીલાદેવીજ હશે? આવા કેટલાય પ્રશ્નો તેના માનસપટ પર આવીને જતા રહ્યા. આ બધા પ્રશ્નો છતા તેના પગ તેને ધીમે ધીમે રાજમહેલ તરફ લઇ જતા હતા. જાણે તેને અંદરથી કોઇ અગમ્ય શક્તિ રાજમહેલ તરફ ખંચતી હોય તેમ તે મેદાનમાં આગળ વધતો હતો. તે થોડુ ચાલ્યો ત્યાં સામે એક સ્ત્રી આવીને ઊભી રહી ગઇ. તેને જોઇને નિશીથે કહ્યું "મારે ઉર્મીલાદેવીને મળવું છે." આ સાંભળી પેલી સ્ત્રીએ કહ્યું "બા પૂજા કરે છે તમે અહી થોડીવાર બેસો." એમ કહી પેલી સ્ત્રીએ સામે રહેલ બેઠક તરફ ઇશારો કર્યો. નિશીથ તે બેઠક પર બેઠો એટલે પેલી સ્ત્રી તેના માટે પાણી લઇ આવી નિશીથે જેવુ પાણી પીવા મો ઉંચુ કર્યુ એ સાથેજ તેની નજર સામેની દિવાલ પર પડી અને તે ચોંકી ગયો.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-----------------

     મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------********--------------------**********------------------*********----

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

parash dhulia 4 અઠવાડિયા પહેલા

Verified icon

Palak Vikani 4 અઠવાડિયા પહેલા

Verified icon

Jaydeep 1 માસ પહેલા

Verified icon

Kaushik Bhatt 1 માસ પહેલા

Verified icon

Purab Panchal 1 માસ પહેલા