રુદ્ર ની પ્રેમકહાની - 1 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની - 1

અઘોરી સિરીઝ પ્રથમ ચરણ

રુદ્ર ની પ્રેમકહાની

ખંડ 1

લવસ્ટોરી, હોરર, સસ્પેન્સ, સામાજિક દરેક પ્રકારનાં વિષય પર નવલકથા લખવાનો હું પ્રયત્ન કરી ચુક્યો છું.. અને એમાં અત્યાર સુધી જ્વલંત સફળતા પણ પ્રાપ્ત થઈ છે.. હવે ઈચ્છા હતી કંઈક નવો અખતરો કરવાની.. કંઈક એવું લખવાની જે લખવાનું હજુ કોઈ ગુજરાતી લેખક દ્વારા વિચારાયું જ ના હોય.. અને આવો જ એક વિષય છે.. માયથોલોજીક ફિક્શન એટલે કે પૌરાણિક કાલ્પનિક કહાની.

હિંદુ ધર્મ અને એનાં પુરાણો માં એટલી બધી રહસ્યમયી વાતો છે જેની વાત વિગતે કરવાં બેસીએ તો મહિનાઓ લાગે.. એટલે જ મને થયું કે એક એવી સુંદર કાલ્પનિક સ્ટોરી લખું જેનાં લીધે પુરાણો તરફનો લોકોનો પ્રેમ જાગી ઉઠે.. આ કહાની ફક્ત મારી કલ્પના પર આધારિત છે જેનો સીધો કે આડકતરો કોઈની સાથે પણ સંબંધ નથી. તેમ છતાં ઘણી જગ્યાએ તમને વિષયવસ્તુ સત્ય ની સમીપ લાગશે તો એ ફક્ત સંયોગ માત્ર હોઈ શકે છે.

મારી અન્ય નોવેલની માફક આ નોવેલ પણ રહસ્યોથી ભરેલી હશે.. જેનાં દરેક ભાગમાં તમને રોમાંચનો અહેસાસ અવશ્ય થશે. આ નોવેલનાં કુલ ત્રણ ભાગ આવશે જેની આ પ્રથમ કડી છે. આ એક પરફેક્ટ સિકવલ કહી શકો છો. આ નોવેલનાં આ અધ્યાય નાં પૂર્ણ થતાં જ બીજો અધ્યાય વાંચકો સમક્ષ રજુ થાય એવી કોશિશ હું કરીશ જેથી વાંચકોનો રસ જળવાઈ રહે.

આ નોવેલમાં દરેક પ્રકારની લાગણીઓનું સપ્રમાણ મીશ્રણ હશે.. પ્રેમ, નફરત, મિત્રતા, ઈર્ષા, લોભ, કરુણા, દયા ની સાથે પરમકૃપાળુ પરમાત્મા ની દૈવી શક્તિનો પણ અનુભવ તમે આ નોવેલ થકી કરી શકશો.

મને લેખનની દુનિયામાં વાંચકો શિવાય તરીકે ઓળખે છે. શિવ નું એક નામ જતીન પણ થાય છે અને એથી જ શિવ મારાં આરાધ્ય દેવ છે. બ્રહ્માંડ નાં સર્જન પહેલાં જેનું અસ્તિત્વ હતું એનાં દેવાધિદેવ મહાદેવનાં ચરણોમાં શીશ ઝુકાવી આ નોવેલ એમને અર્પણ કરું છું.

આઠ મહિના પહેલાં આ નોવેલનો બીજા ભાગનો પ્લોટ મગજમાં આકાર લઈ ચુક્યો હતો.. પ્રથમ ભાગનો પ્લોટ પણ હું છ મહિના પહેલાં લખી ચુક્યો હતો.. પણ ત્યારે મારી નામના અને વાંચક મિત્રોની સંખ્યા એટલી નહોતી જેટલી હું ઈચ્છતો હતો.. આજે ડેવિલ, હવસ, અધૂરી મુલાકાત, ચેક એન્ડ મેટ તથા આક્રંદ પછી હું એક બહોળો વાંચક વર્ગ ધરાવું છું.. અને એ લોકોનાં પ્રેમ અને શુભેચ્છાઓ નાં લીધે જ આજે આ નોવેલ લખવાની ઈચ્છાને યોગ્ય મુકામ આપી શક્યો છું.

અવિચલ, સીમરન અને વિજયા જેવાં હજારો વાંચકો નો આભાર જેમનાં પ્રોત્સાહનથી હું આ નોવેલ લખી શક્યો છું. આ ઉપરાંત દરેક વખતની જેમ મારી નાની બેન દિશા નો પણ ઋણી છું જે મને વધુ સારું લખવા હંમેશા પ્રેરણા આપતી રહી છે.. તો આપ સૌ માટે રજૂ કરું છું પ્રથમ ગુજરાતી માયથોલોજીકલ ફિક્શન શ્રેણી અઘોરી એક રહસ્ય નું પ્રથમ ચરણ રુદ્ર ની પ્રેમકહાની.. !!

-જતીન. આર. પટેલ (શિવાય)

અધ્યાય - 1

વેદો અનુસાર આ સૃષ્ટિનું સર્જન અખૂટ શક્તિનાં ભંડાર એવાં દેવાધિદેવ મહાદેવ અને માં શક્તિ દ્વારા થયું હતું.. બ્રહ્માંડ ની રચના કરનાર ભગવાન શિવ હતાં જેમને માં શક્તિ સાથે મળીને આ બ્રહ્માંડ નો પાયો નાંખ્યો. બ્રહ્માંડ નાં સર્જનનાં કરોડો વર્ષ પછી આપણે જ્યાં જીવીએ છીએ એ આબોહવા ધરાવતી પૃથ્વી નું નિર્માણ થયું. શરુવાતમાં પૃથ્વી પર માત્ર કુદરત નાં પર્યાયરૂપી વૃક્ષો, નદીઓ, સરોવર, મહાસાગર, પર્વત, પશુ, પક્ષી મોજુદ હતાં.

ત્યારબાદ બ્રહ્માજી નાં પુત્ર મનુ થકી સમગ્ર મનુષ્ય જાતિનું નિર્માણ થયું.. હજારો વર્ષો ની પ્રક્રિયા બાદ મનુષ્ય અત્યારનાં આધુનિક સમાજનાં માળખામાં જીવવા લાગ્યો. મનુષ્ય ને સમજણ આવતાં એને પોતાને પોષતા અને જીવાડતાં દેવતાઓને પૂજનીય માની એમની પૂજા કરવાનું શરૂ કર્યું. દેવતાઓ પણ મનુષ્યો દ્વારા થતી એમની પૂજા નાં લીધે જ સદાય શક્તિમાન રહી શકતાં હતાં. એકરીતે મનુષ્ય અને દેવતાઓ એકબીજાનાં પૂરક બની ગયાં હતાં.

આ સૃષ્ટિ ને આપણે ત્રણ ભાગમાં વેંચી શકીએ.. જેમાં દેવતાઓ વસે છે એ જગ્યા એટલે સ્વર્ગ અથવા દેવલોક, એજ રીતે મનુષ્ય વસે એ જગ્યા એટલે પૃથ્વી અથવા તો મૃત્યુલોક અને આ બે સિવાય એક ત્રીજી પણ જગ્યા છે જે પૃથ્વીની સપાટીથી નીચે આવેલી છે.. એને પાતાળ લોક કહેવામાં આવે છે.. આપણી આ નવલકથા પણ આ પાતાળલોકને કેન્દ્રમાં રાખીને આગળ વધશે.

શરુવાતમાં આ પાતાળલોકમાં દેવતાઓ થકી દંડ પામેલાં લોકો, સર્પ જાતિ, રાક્ષસો આદિ વસવાટ કરતાં હતાં.. જેમનાં જોડે ના મનુષ્યો ને કંઈપણ લેવાં દેવા હતી ના દેવતાઓને. આ સિવાય પાતાળલોકમાં નિમ જાતિનાં લોકો પણ વાસ કરતાં હતાં. નિમ જાતિ પણ મનુષ્ય જાતિની જેમ જ સામાજિક માળખું તૈયાર કરીને રહેતી હતી.. નિમ લોકોને દુનિયાની સાથે કોઈ જાતની નિસ્બત નહોતી.

બધું જ પોતાની રીતે કાળક્ર્મ પ્રમાણે ચાલી રહ્યું હતું.. પણ કહ્યું છે ને અમુક વાર એક એવો સમય આવે છે, કોઈ એવી વ્યક્તિનો જન્મ થાય છે જેનાં લીધે આ સમગ્ર સૃષ્ટિ ને હજારો મુસીબતોમાંથી પસાર થવું પડે છે.

આજથી લગભગ છ હજાર વર્ષ પહેલાં આવાં જ એક વ્યક્તિની ઉતપત્તિ થઈ. બન્યું એવું કે મહાશિવરાત્રી બાદ ભગવાન શંકર છ મહિનાની ધ્યાન મુદ્રામાં વિલીન થઈ ગયાં. નંદી ગણ ભગવાન શંકર ની પૂજા માટે આવતો જરૂર પણ એમનું તપ ભંગ કર્યાં વગર એમનાં શરીર પર ભભૂત ચોળીને નીકળી જતો.. મહાદેવ માટે આ ભભૂત પણ ઘરેણાં સમાન હતી.

છ મહિનાનાં આકરા તપ બાદ જ્યારે મહાદેવ તપસ્યામાંથી બહાર આવ્યાં ત્યારે એમનાં શરીર પર છ મહિના સુધી જમા થયેલી ભભૂત એમનાં સમાધિ સ્થળે પડી રહી.. સમય સાથે એ ભભૂતની અંદર જળ અને હવાનું મિશ્રણ થતાં એમાંથી એક મહા શક્તિશાળી યક્ષ નો જન્મ થયો.. જેનું નામ હતું બકાર. આપણી નવલકથાનાં આરંભ ની શરૂઆતનું પાત્ર છે બકાર.

એક યક્ષ હોવાથી બકારને ખબર હતી કે એનું સ્થાન અન્ય યક્ષ રહે છે ત્યાં સ્વર્ગમાં છે. ભગવાન શંકરનાં શરીર પર મોજુદ ભસ્મમાંથી નિર્મિત થયેલાં બકાર નામનાં યક્ષ ને દેવતાઓએ વીનાં કોઈ આનાકાની દેવલોકમાં રહેવાની પરવાનગી આપી દીધી.. એકરીતે બકાર ભલે યક્ષ હતો પણ મહાદેવનાં દેહ પરની ભસ્મ પરથી જન્મ થયો હોવાનાં લીધે બકાર જોડે દેવતાઓથી વધુ શક્તિ અને કુશાગ્ર બુદ્ધિશક્તિ હતી.

અમુક વર્ષો સુધી દેવલોકમાં રહ્યાં બાદ બકાર સમજી ચુક્યો હતો કે સમગ્ર દેવતાગણ ભોગ-વિલાસમાં રાચી રહ્યો હતો. આજ કારણોસર પૃથ્વીલોક પર છાશવારે કુદરતી હોનારત સર્જાતી રહેતી. દેવલોક નાં સ્વામી એવાં ઈન્દ્ર દેવ નાં નરમ વલણ નાં લીધે પૃથ્વી પર ક્યારેક અતિવૃષ્ટિ થતી તો ક્યારેક દુકાળ પડતો.. ક્યારેક નદીઓમાં પુર આવતું તો ક્યારેક વર્ષો સુધી નદીઓ સુકી થઈ જતી. વાવાઝોડાં, દાવાનળ, ભૂકંપ વગેરે કુદરતી વિપદાઓનાં લીધે લાખો મનુષ્યો મૃત્યુ પામતાં.

પોતાનાં એશ-આરામમાં ખોવાયેલાં દેવતાઓને મનુષ્ય જાતિની આ કફોડી હાલતની કોઈ પરવાહ જ નહોતી.. બકારે આ વાત તરફ ઘણીવાર ઈન્દ્ર નું ધ્યાન દોર્યું પણ ઈન્દ્ર તરફથી બકાર ને કોઈ પ્રતિભાવ ના મળતાં એને દર વખતે વિલાં મોંઢે પાછું ફરવું પડતું.. આખરે બકારે મન બનાવી લીધું કે પોતે પોતાની રીતે જ મનુષ્ય જાતિનાં કલ્યાણ અને સુખાકારી માટે પ્રયત્નો કરશે.

બકાર પોતે યક્ષ હોવાથી એ ઘણી બધી શક્તિઓનો માલિક હતો.. આ શક્તિઓનો ઉપયોગ કરી એને દેવતાઓની જાણ વગર મનુષ્ય જાતિને આ કુદરતી વિપદાઓમાંથી બચાવવાનાં પ્રયત્નો શરૂ કરી દીધાં.. ઘણાં બધાં નીચી પાયરીનાં દેવતાઓ, યક્ષ, ગંધર્વ અને કિન્નરો પણ બકાર ની આ મુહિમમાં એની સાથે જોડાયાં. વધુ લોકોનો સાથ મળતાં બકાર પૂરાં ખંત અને મહેનતથી પોતાનાં આધિપત્ય દેવ એવાં મહાદેવનું નામ લઈ કોઈપણ પ્રકારનાં જશ કે કીર્તિ ની અપેક્ષા રાખ્યાં વગર પૃથ્વીલોક પર વસતાં મનુષ્યોની મદદમાં રચ્યો-પચ્યો રહેવાં લાગ્યો.

પણ કહેવાય છે ને કોઈનું સારું કાર્ય પણ ઘણીવાર કોઈને આંખમાં કણાની માફક ખૂંચતુ હોય છે.. બકાર નું જે રીતે મનુષ્યો વચ્ચે નામ થઈ રહ્યું હતું એની ખબર દેવતાઓનાં કાને પહોંચી ચુકી હતી. આજ કારણથી એક વખત ઉચ્ચ શ્રેણીમાં સામેલ દેવતાઓ સાથે મળીને બકાર નું શું કરવું એ વિષયમાં ચર્ચા કરી રહ્યાં હતાં.. જેમાં ઈન્દ્ર દેવ, વરુણ દેવ, પવન દેવ, સૂર્ય દેવ, અગ્નિ દેવ સામેલ હતાં.

"દેવરાજ, હવે તો બકારનું કંઈક કરવું જ પડશે.. "ઈન્દ્ર દેવને ઉદ્દેશીને વરુણદેવ ગુસ્સામાં બોલ્યાં.

"હા દેવરાજ ઈન્દ્ર, વરુણ દેવ સાચું કહી રહ્યાં છે હવે એ યક્ષ બકાર નું કંઈક કરવું જ પડશે.. દિવસે ને દિવસે મનુષ્ય જાતિનાં લોકો વચ્ચે જે રીતે એનો માન-મરતબો વધી રહ્યો છે એ ભવિષ્યમાં આપણાં બધાં દેવતાઓ માટે ખતરારૂપ બની શકે છે.. "પવન દેવ પણ વાતચીતમાં ઝુકાવતાં બોલ્યાં.

"હા હું જાણું છું કે બકાર ની પ્રસિદ્ધિ જે રીતે વધી રહી છે એનાં લીધે મનુષ્યો નાં મનમાં આપણું સ્થાન નીચું થતું જાય છે.. તમારાં બધાંમાંથી જ કોઈ આ વિષયમાં ઉપાય જણાવો કે બકાર નું આખરે કરવું શું જોઈએ..? "વારાફરતી ત્યાં બિરાજમાન દરેક દેવતાઓની તરફ જોઈને દેવરાજ ઈન્દ્ર એ કહ્યું.

"કરવાનું શું હોય.. એને મૃત્યુદંડ ની સજા ફટકારી દો.. "પોતાનાં આકરાં સ્વભાવ મુજબ પ્રતિભાવ આપતાં અગ્નિદેવે કહ્યું.

"એને સ્વર્ગમાંથી હાંકી કાઢો અને મનુષ્યલોક મોકલી દો.. "સૂર્યદેવે પણ પોતાની વાત રાખતાં કહ્યું.

"તમે બધાં કંઈક નક્કી કરો એ પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળી લો તો સારું.. "અચાનક એમની સભામાં પ્રવેશ કરતાં જ યમરાજે કહ્યું.

"અરે ક્યાં હતાં તમે..? મેં તમને ચિત્રગુપ્ત જોડે કહેણ મોકલાવ્યું હતું પણ તમે હાજર નહોતાં.. "યમરાજ નું ઓચિંતું આગમન થતાં જ ઈન્દ્ર એ એમની તરફ જોઈને કહ્યું.

"અરે દેવરાજ, હમણાં થી તો મને નવરાશ જ નથી હોતી.. આજે પણ જલધીપુરમાં આવેલાં વંટોળીયા નાં લીધે સેંકડો લોકો મૃત્યુ પામ્યાં.. તો એમની આત્મા ને યમલોક સુધી પહોંચાડવા ગયો હતો.. "યમરાજે પોતાનાં મોડાં પડવાનું કારણ આપતાં કહ્યું.

"અરે એ બધી પછી વાત કરીએ.. પહેલાં એ કહો કે બકારનાં સંદર્ભમાં તમે શું કહેતાં હતાં..? "પવનદેવે યમરાજ ની સામે જોઇને કહ્યું.

"તમને ખબર ના હોય તો જણાવી દઉં કે બકાર કોઈ સામાન્ય યક્ષ નથી.. એની ઉત્પત્તિ દેવાધિદેવ મહાદેવ નાં શરીર પર ચોળેલી ભસ્મમાંથી થઈ છે.. એકરીતે એ મહાદેવનો અંશ જ છે. હવે કોઈ વ્યાજબી કારણ વગર બકારને કંઈક હાનિ પહોંચાડીશું તો ક્યાંક એવું ના બને કે મહાદેવનાં ક્રોધ નો સામનો કરવો પડે.. "ચિંતિત મુખમુદ્રા સાથે યમરાજે વિચાર વિમર્શ કરતાં કહ્યું.

"હા યમરાજ, તમારી વાત સાચી છે.. બકાર ને આપણે કંઈક સજા આપીશું તો નક્કી મહાદેવ કોપાયમાન થઈ જશે.. એટલે કંઈક નવી યુક્તિ વિચારવી જ રહી.. "ગહન મનોમંથન કરતાં સૂર્યદેવે કહ્યું.

"પણ આપણે એવું તો શું કરીશું જેનાં લીધે બકાર કોઈ ગુનામાં આવે અને એને દેવલોકમાંથી આપણે પાતાળલોકમાં મોકલી દઈએ.. "દેવરાજ ઈન્દ્ર એ કહ્યું.

દેવરાજ ઈન્દ્ર ની વાત સાંભળી ત્યાં હાજર સમસ્ત દેવગણ વિચારમગ્ન થઈ ગયો.. ઘણું વિચારવા છતાં કોઈપણ દેવતા બકાર ને કઈ રીતે કોઈ વાંક માં લાવવો એ વિશે નિર્ણય ના લઈ શક્યાં.

"નારાયણ.. નારાયણ.. "અચાનક ત્યાં હાથમાં વીણા અને કરતાલ સાથે પ્રગટ થતાં નારદમુનિએ પોતાની આગવી ધુનમાં જ બોલ્યાં.

"નમસ્કાર, દેવર્ષિ નારદ.. "નારદ મુનિને ત્યાં પ્રગટ થયેલ જોઈ સમસ્ત દેવતાં ગણે પોતાનાં સ્થાને ઉભાં થઈ એમની તરફ શીશ ઝુકાવી કહ્યું.

"આયુષ્યમાન ભવ:"આંખો બંધ કરી બંને હાથ વડે આશીર્વાદ આપતાં નારદમુનિ બોલ્યાં.

"નારદજી અહીં આવવાનું કોઈ વિશિષ્ટ પ્રયોજન..? "ઈન્દ્ર દેવે નારદમુનિ તરફ જોઈને કહ્યું.

"અમે તો ભટકતાં માણસ, ગમે ત્યાં આવી જઈએ.. પણ આજે બધાં ઉચ્ચ કોટીનાં દેવતાઓ એકસાથે કંઈક મળીને વિચાર વિમર્શ કરતાં માલુમ પડે છે.. હું જાણી શકું કયાં વિષયમાં અત્યારે વાર્તાલાપ કરી રહ્યાં હતાં..? "નારદમુનિ એ કરતાલ વગાડતાં પોતાની ચિત-પરિચિત મુદ્રામાં કહ્યું.

દેવર્ષિ નારદનાં આ પ્રશ્નનાં જવાબમાં દેવરાજ ઈન્દ્રએ પોતાની તથા અન્ય દેવગણ ની બકાર નાં લીધે પેદા થયેલી તમામ મૂંઝવણ વિશે નારદમુનિને જણાવ્યું.. ઈન્દ્રની વાત સાંભળી ચહેરા પર સ્મિત વેરતાં નારદમુનિ એ કહ્યું.

"અરે આટલી સામાન્ય વાત અને સમસ્ત દેવગણ આમ મૂંઝાય..? . નારાયણ.. નારાયણ.. "

"અરે અમને બકાર ને અહીંથી હાંકવાનો અને માનવો ની નજરોમાંથી એને ઉતારી મુકવાનો કોઈ ઉપાય જડતો નથી અને તમે આને સામાન્ય વાત કહી અમારો ઉપહાસ કરો છો.. "દેવરાજ ઈન્દ્ર થોડાં ક્રોધ મિશ્રિત ભાવ સાથે બોલ્યાં.

"અરે બીજું તો શું કહું.. એક યક્ષ ને તમે દેવલોકમાંથી એટલાં માટે નથી કાઢી શકતાં કેમકે એ મહાદેવ ની ભસ્મમાંથી ઉત્તપન્ન થયો છે..? "નારદજી એ કહ્યું.

"હા તો આ સામાન્ય વસ્તુ નથી.. જો ભગવાન શિવને ખબર પડે કે એમનાં અંશ સમાન બકાર ને અમે કોઈ કારણ વગર સ્વર્ગલોકમાંથી કાઢી મુક્યો છે તો પછી અમારું તો આવી જ બને.. "ચહેરા પર ભયની રેખાઓ સાથે અગ્નિદેવે કહ્યું.

"એવું કંઈ નહીં થાય.. તમે એ બધી ચિંતા મારાં ઉપર છોડી દો.. મહાદેવનું નામ એમજ ભોળા શંકર નથી પડ્યું.. એ સાચેમાં બહુ ભોળા છે. હું એમને કહીશ કે બકાર પૃથ્વીલોક ઉપર પોતાની માયાવી શક્તિ વડે મનુષ્યોને પોતાની તરફ કરી સમસ્ત દેવતાઓનાં સ્થાનક ની જગ્યાએ પોતાનાં સ્થાનક બનાવવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.. આ સાંભળ્યાં બાદ મહાદેવને ખબર પડશે કે બકાર જોડે તમે દુર્વ્યવહાર કરી એને પાતાળલોક મોકલી દીધો છે તો એ આ બાબતમાં કોઈ જાતની નિસ્બત નહીં રાખે.. "નારદજી એ ડોકું હલાવતાં સ્મિત સાથે કહ્યું.

"અરે વાહ, પ્રભુ તમે તો ચપટી વગાડતાં જ અમારી સઘળી તકલીફોનું નિવારણ લાવી દીધું.. "નારદમુનિ ની સામે બે હાથ જોડી માથું નમાવી યમરાજે કહ્યું.

"અને જો તમે મહાદેવ ની સમક્ષ બકાર ની જૂઠી નિંદા કરશો તો પણ ભોળા ભંડારી તમારી વાત માની જશે.. અને પછી બકારની અમારાં દ્વારા સ્વર્ગમાંથી થયેલી હકાલપટ્ટી અંગે જાણ્યાં બાદ પણ એમને કોઈ વાંધો નહીં જ હોય.. "વરુણદેવે કહ્યું.

"તો પછી હું રજા લઉં અને અહીંથી સીધો કૈલાશ જાઉં.. "કરતાલ વગાડતાં દેવર્ષિ નારદે કહ્યું.

"અરે એમ કઈ રીતે જઈ શકો છો.. હવે અહીં દેવલોકમાં આવ્યાં છો તો અમારી મહેમાનગતિ પણ માણતાં જાઓ.. "આટલું કહી દેવરાજ ઈન્દ્ર એ આંખો બંધ કરી પોતાનાં હાથનાં ઈશારાથી પળવારમાં તો ત્યાં નર્તકીઓ અને અપ્સરાઓ ને હાજર કરી દીધી.

"નારાયણ.. નારાયણ.. હું રહ્યો સંગીત નો ભક્ત અને તમે તો સુરાવલી નું અહીં સર્જન કર્યું.. હવે તો તમારી મહેમાનગતિ માણીને જ કૈલાશ પર્વત તરફ પ્રયાણ કરું... "પ્રફુલ્લિત સુરમાં નારદ મુનિ બોલ્યાં.

થોડીવારમાં તો નારદજી નાં સ્થાન ગ્રહણ કરતાં જ સ્વર્ગની સૌથી સુંદર અપ્સરાઓ ઉર્વશી અને મેનકા એ મનમોહક નૃત્ય કરીને વાતાવરણ ને મનભાવન બનાવી દીધું.. આખરે આ નૃત્ય અને સંગીત સમારંભ નો અંત થયો એટલે નારદજી ઈન્દ્ર દેવ અને બાકી અન્ય દેવતાઓની રજા લઈ નીકળી પડ્યાં ભગવાન શંકર નાં મનમાં બકાર અંગે કાન ભંભેરણી કરી બકારને નીચો સાબિત કરવાં.

"દેવર્ષિ નારદ તો એમનું કામ અણીશુદ્ધ રીતે કરવાનાં જ છે એ વાતમાં કોઈ મીનમેખ નથી.. પણ હવે આપણે કઈ રીતે બકાર ને હડધૂત કરી અહીંથી કાઢી મૂકીએ એ વિચારવું પડશે.. "નારદ મુનિનાં ત્યાંથી પ્રસ્થાન કરતાંની સાથે જ અગ્નિદેવે કહ્યું.

"એમાં વિચારવાનું શું હોય, નારદજી એ કહ્યું એમ જ આપણે બકારને કહીશું.. કે તું પૃથ્વીલોક પર મનુષ્યો ને અમારી વિરુદ્ધ ઉશ્કેરીને પોતાની પૂજા કરવાં એમને સમજાવી રહ્યો છે.. બકાર પોતાની ગમે તેવી ચોખ્ખાઈ આપે આપણે એની વાત કાને ધરવાની જ નહીં.. "ચહેરા પર કટુ સ્મિત સાથે પવનદેવે કહ્યું.

"આ વિચાર ઉત્તમ છે.. હવે બકાર આવે એ સાથે જ આપણે એની ઉપર રીતસરનાં શબ્દોનાં પ્રહાર કરીને તૂટી પડીશું.. "પોતાનાં સિંહાસન પર એક પગની ઉપર બીજો પગ ચડાવી દેવરાજ ઈન્દ્ર એ ઘમંડમાં કહ્યું.

આ સાથે બધાં દેવતાઓ બકાર નામનાં સેવાભાવી યક્ષ ને પોતાની ઈર્ષા નાં લીધે સ્વર્ગમાંથી હડધૂત કરી નીકાળવા માટે તૈયાર થઈને બેસી ગયાં.. !

★★★

વધુ નવાં અધ્યાયમાં.

બકાર સાથે શું થશે..? બકાર આગળ જતાં દેવતાઓ સાથે શું કરશે..? આ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે.. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી.. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***