મારે ઘરે નીકળવાનું હતું એટલે સવારે પાંચ વાગ્યાંનું એલાર્મ વાગ્યું અને હું ઉઠી ગયો અને બ્રશ કરી નાહી ધોઈને તૈયાર થઇ ગયો. બધો સામાન પેક કર્યો અને હું હોસ્ટેલેથી ભાવનગર બસ સ્ટેન્ડે જવા નીકળ્યો. મારું છ વાગ્યાંનું બસનું બુકિંગ હતું એટલે હું ઝડપથી નીકળ્યો.
ચોમાસાની ઋતુ હતી એટલે તેવા જ સમયે વરસાદ ચાલુ થયો. ધીમી ધારે વરસાદ વર્ષી રહ્યો હતો.પણ મારે તો છ વાગ્યાંનું બસનું બુકિંગ હતું એટલે મારે તો બસ સ્ટેન્ડે પહોંચવાનું જ હતું એટલે હું બસ સ્ટેન્ડ તરફ ચાલતો થયો. વરસાદ ધીમે ધીમે તેની રીતે ચાલુ જ હતો.
મારી હોસ્ટેલથી બસ સ્ટેન્ડ લગભગ એક કિલોમીટર થતું હશે એટલે હું વીસેક મિનિટ પહેલા જ હું હોસ્ટેલેથી નીકળી ગયો હતો. જયારે હું હોસ્ટેલેથી નીકળ્યો ત્યારે એકદમ અંધારું હતું અને સાથે ઝરમર વરસાદ પણ ચાલુ હતો. મારી પાસે કપડાં ભરેલ એક જ બેગ હતું એટલે તે બેગ ખભા પર લટકાવી અને હું ઝડપથી ચાલી રહ્યો હતો કારણ કે કપડાં પલળી જવાનો ડર હતો.
તેવા સમયે એક પણ રીક્ષા વાળો દેખાતો ન હતો, રસ્તો પણ સુમસાન હતો. મને એમ થયું કે કોઈક બાઈક વાળો જતો હશે તો તેની પાસેથી લિફ્ટ માંગી લઈશ. તેવી આશાએ હું ચાલતો જતો હતો અને પાછળ જોઈ રહ્યો હતો કે કોઈ બાઈક વાળું આવે છે. પરંતુ કશો પણ મેળ પડ્યો નહિ અને મેં બાઈકની રાહ જોતા પાનસો મીટર તો અંતર કાપી નાખ્યું હતું અને હું અડધો પલળી પણ ગયો હતો.
હવે, મેં બાઈકની આશા છોડી અને ઝડપથી ચાલવા લાગ્યો. મારાંથી ત્રણસોં મીટરે એક સર્કલ આવતું હતું અને તેના પછી બસો મીટરે બસ સ્ટેન્ડ આવતું. હું ઝડપથી ચાલી રહ્યો હતો, ઝરમર વરસાદના કારણે રસ્તા પર કીચડ થઇ ગયું હતું એટલે મારાં બુટ પણ કીચડ વાળા થઇ ગયા હતા એટલે હું સંભાળીને ચાલી રહ્યો હતો.
તેવામાં કોઈક કાકા પાછળથી સ્કૂટી લઇને આવ્યા અને મારી પાછળ રહેલ બેગ જોઈને લાગ્યું કે તે કંઈક જાય છે એટલે તેમણે મારી બાજુમાં આવી અને તેની સ્કૂટી ઉભી રાખી અને મને કહ્યું, સર્કલે આવવું છે? મારે સર્કલેથી જ નીકળવાનું હતું એટલે મેં હા પાડી અને હું તેની સ્કૂટીમાં બેસી ગયો.
તે કાકા મને પૂછવા લાગ્યા કે ક્યાં જવું છે? એટલે મેં કહ્યું કે બસ સ્ટેન્ડે જવું છે. કાકાને સર્કલ પછી બીજા રસ્તે જવાનું હતું છતાં તેમણે મને કહ્યું કે હું તને બસ સ્ટેન્ડ સુધી છોડી જાઉં. તેટલી વારમાં સર્કલ આવી ગયું મેં કાકાને કહ્યું કે તમે રહેવા દ્યો હું જતો રહીશ પણ કાકા ન માન્યા અને તે મને છેક બસ સ્ટેન્ડ સુધી મૂકી ગયા. પછી મેં તે કાકાનો આભાર માન્યો અને જો તે કાકા ન મળ્યા હોત તો હું બસ સ્ટેન્ડે પહોંચતા પલળી ગયો હોત.
આ કાકાની ઉદારતા જોઈ અને મેં આ કાકાનો એક ગુણ જીવનમાં ઉતારવાનું નક્કી કર્યું. હું થોડો મુશ્કેલીમાં હતો અને તે કાકાએ પોતાનો સમય બગાડી અને મને ઓળખાતા ન હોવા છતાં પણ મને છોડવા આવ્યા હતા. તેથી તે કાકાનો હું ખુબ આભારી છું.
કોઈ વ્યક્તિમાં અમુક સારા અને ખરાબ બંને પ્રકારના ગુણો જોવા મળે. પણ આપણે વિચારવાનું કે આપણે આપણા જીવનમાં કયો ગુણ તેનામાંથી લેવો. એવું નથી કે સારા ગુણો ફક્ત મનુષ્ય પાસેથી જ લઇ શકાય પણ કેટલાક એવા પ્રાણી, પક્ષી અને જીવજંતુમાંથી પણ અમુક ગુણો આપણા જીવનમાં ઉતરવા જેવા હોઈ છે. જેથી તેવા સારા ગુણો આપણા જીવનમાં ઉતારી અને આપણું જીવન કેળવી શકાય છે.