Magic World - 2 books and stories free download online pdf in Gujarati

જાદુઈ નગરી - 2

મલિક એકદમ થાકી ગયો હતો એટલે તેની ઊંઘ લાંબી ચાલી, બીજા દિવસની સવાર થઇ ગઈ હતી એટલે સૂર્યનો પ્રકાશ બારીમાંથી થઇ મલિકના મોં પર પડ્યો. મલિકના મોં પર પ્રકાશ આવવાથી તે ઉઠી ગયો અને આળસ મરડી ઉભો થયો અને તેના વાળ સરખા કરવા લાગ્યો. તેમણે ટોકરી માંથી દ્રાક્ષનું જુમખુ ઉપાડ્યું અને ખાતો ખાતો ગુફાના અલગ અલગ રૂમમાં ફરવા લાગ્યો.

મલિક ફરતો ફરતો સિંહાસન તરફ જતો હતો અને ત્યાં રાજકુમારીને મળ્યો. રાજકુમારી તેને ગુફાની ઊંચી ટેકરી પર લઇ જાય છે. રાજકુમારી એક મોટા પથ્થર પર બેસે છે અને મલિક તેના સામે પથ્થર પર બેસે છે. મલિક કંઈ પણ પ્રશ્ન પૂછે તે પહેલા જ રાજકુમારીએ રાજ મહેલ તરફ આંગળી ચિંધીને વાત ચાલુ કરી.

લગભગ પંદરેક વર્ષ પહેલા આ રાજ મહેલમાં અમે રહેતા હતા આ જાદુઈ નગરીના શાસક મારાં પિતાજી હતા. મારાં પિતાની અમે બે દીકરી હતી એક મારાંથી મોટી અને તેનું નામ અલીશા હતું અને બીજી હું અને મારું નામ એરીના, ત્યારના સમયે નગરીમાં મનુષ્ય, પ્રાણી, પક્ષી આ બધામાંથી કોઈને પણ કોઈ પણ જાતનું દુઃખ ન હતું. ત્યારે અચાનક મારાં પિતાજીને બીમારી લાગુ પડી ગઈ અને પછી તેનો કોઈ ઉકેલ આવ્યો નહિ અને છેવટે તે મૃત્યુ પામ્યા.

જેથી નવા શાસકની પસંદગી કરવામાં આવી અને આખા નગરમાં મારી મોટી બહેન વધારે શક્તિશાળી હતી જેથી તેને જાદુઈ નગરીના શાસક ઘોષિત કરવામાં આવ્યા. તું જે ઘોડા પર સવાર થઇને આવ્યો છે તે મારી બહેનનો વફાદાર ઘોડ઼ો છે. મારાં પિતા હતા ત્યારે જેવી શાંતિ હતી તેવી જ શાંતિ મારી બહેનના શાસનમાં હતી, તેને બધે હરવા ફરવાનો ઘણો શોખ હતો એટલે તે આ જાદુઈ નગરીના જંગલોમાં તેના ઘોડા સાથે ફરતી.

એક દિવસનો સમય હતો દરોજની જેમ જંગલમાં ફરવા જતી તેમ એકવાર તે જંગલમાં ફરવા નીકળી. ઘોડ઼ો જંગલમાં દોડી રહ્યો હતો, પરંતુ એક જગ્યાએ જાદુઈ સુરંગ હતી પણ મારી બહેનને ખબર ન હતી. તેનો ઘોડ઼ો તે સુરંગમાંથી પસાર થઇ ગયો અને બંને જણ ધરતી પર પહોંચી ગયા. અલીશા આમતેમ જોવા લાગી તે એક ગાઢ જંગલમાં હતી, તેને પાછળ વળીને જોયું તો એક નાના કદનું વૃક્ષ અને તેનું થડ એકદમ જાડું હતું.

અલીશાએ નવી જગ્યા જોઈ એટલે તેને ત્યાં ફરવાનું મન થયું એટલે તે બંને જંગલમાં રખડવા લાગ્યા. થોડોક સમય થયો હશે અને જંગલમાંથી કોઈક દિશામાંથી બચાવો... બચાવો.... એવો અવાજ સંભળાયો. અલીશાએ અવાજ સાંભળ્યો અને અવાજની દિશામાં દોડવા લાગી અને ઘોડ઼ો પણ તેની સાથે દોડવા લાગ્યો. અવાજની નજીક પહોંચતા ઘોડ઼ો એક ઝાડ પાછળ સંતાઈ ગયો હતો. અલીશાએ જોયું કે એક યુવાન પર ઝાડની ડાળી તેના પગ પર પડી હોવાથી તે ઉભો થઇ શકતો ન હતો અને તેની સામે થોડેક દૂર એક દીપડો તેની સામે જોઈ અને અવાજ કાઢી રહ્યો હતો.

અલીશાએ તેના જાદુ વડે ભગાવવાની કોશિશ કરી પણ તેનું જાદુ કામ ન કરતુ હતું કારણકે તે ફક્ત જાદુઈ નગરીમાં જ ચાલતું હતું. તેથી અલીશા આમતેમ જોવા લાગી એટલે તેને એક લાકડાનો ડંડો દેખાયો, તેણે તે ઉપાડ્યો અને પેલો દીપડો તેના પર એટેક કરે તે પહેલા જ અલીશાએ દીપડા તરફ તેણે પથ્થર ફેંક્યો. પથ્થર સીધો તેના માથા પર વાગ્યો એટલે તે આમતેમ જોવા લાગ્યો, તેણે અલીશાને જોઈ અને ગુસ્સામાં આવી તેના તરફ વળ્યો. અલીશાએ હિમ્મત બતાવી તેની તરફ દોડી, દીપડાએ દૂરથી તરાપ મારી એટલે અલીશાએ ખસી અને તે પેટ પર જોરથી ડંડો માર્યો.

દીપડાને કમરમાં પડવાથી ગભરાઈ ગયો અને જંગલમાં નાસી ગયો અને ઘોડ઼ો ઝાડની પાછળથી બહાર આવે તે પહેલા જ અલીશાએ ઈશારો કરી ત્યાંજ રોકાઈ જવાનુ કહ્યું. કારણકે અલીશા તેને મનુષ્ય સામે લાવવા નહોતી માંગતી. અલીશા પેલા યુવાન તરફ આગળ વધી, પેલા યુવાને અલીશાનો આભાર માન્યો અને પછી બંનેએ મળીને તેના પગ પર રહેલું લાકડું હટાવવા લાગ્યા. લાકડું તો હટી ગયું હતું પરંતુ તે યુવાન ચાલી શકતો ન હતો કારણકે તેના પગમાં વાગવાથી લોહી નીકળતું હતું.

અલીશાને તેના પર દયા આવી એટલે તેણે પોતાનો હાથ પેલા યુવાન તરફ લાંબો કર્યો. પેલો યુવાન અલીશાનો હાથ પકડી ઉભો થયો અને અલીશાએ તે યુવાનનો હાથ પોતાના ખભા પર રાખી અને પકડી રાખ્યો અને બીજા હાથે તેના શરીરને ટેકો આપ્યો. ધીમે ધીમે બંને પહેલા યુવાનના ઘર તરફ આગળ વધવા લાગ્યા, તે યુવાનનું ઘર જંગલમાં જ હતું.

અલીશાને અત્યાર સુધી કોઈ પુરુષ સાથે સંબંધ ન હતો પરંતુ આ યુવાનને જોતા જ તેના દિલમાં ચિનગારી પ્રગટી હતી. અલીશા પેલા યુવાનને તેનું નામ પૂછવા લાગી એટલે તે યુવાને પોતાનું નામ અવિરત બતાવ્યું. અવિરત અને અલીશા બંને વાતો કરતા જાય છે અને અલીશા પોતાનું વતન બાજુનું શહેર દર્શાવે છે. અવિરતનું ઘર આવી ગયું હતું એટલે અવિરતે પોતાની માને સાદ પાડ્યો એટલે તેની માં ઘરમાંથી બહાર આવે છે અને અવિરતની હાલત જોઈ અને અવિરતને પકડી ઘરમાં લઇ જાય છે.

અવિરત અલીશા સામે આંગળી ચિંધીને કહેવા લાગ્યો, માં આ છોકરીએ આજે મારો જીવ બચાવ્યો છે નહીંતર હું અત્યારે દીપડાનું ભોજન બની ગયો હોત. અવિરતની માંએ અલીશાનો આભાર માન્યો. સાંજ ઢળવા આવી હતી એટલે અલીશાએ બંને પાસે જવાની આજ્ઞા લીધી, બંને માં અને દીકરાએ અલીશાને રોકાવાનો આગ્રહ કર્યો પણ અલીશા ન રોકાણી અને જંગલ તરફ દોડવા લાગી.

ઘોડ઼ો અલીશાની રાહ જોઈ રહ્યો હતો, અલીશા ઘોડા પાસે આવી અને તેના સવાર થઇ અને પેલા ઝાડ તરફ ઘોડાને દોડવા કહ્યું. ઘોડો દોડતો દોડતો ઝાડ પાસે આવી અને ઉભો રહી ગયો, અલીશા ઘોડા પરથી ઉતરી અને પેલા ઝાડ તરફ જાય છે અને તે ઝાડને સ્પર્શ કરે છે તો તેનો હાથ ઝાડના થડની અંદર ચાલ્યો જતો હતો. અલીશા ફરીવાર ઘોડા પર સવાર થઇ ઘોડાને ઝાડના થડમાંથી પસાર થવાનું કહ્યું અને ઘોડ઼ો તે ઝાડના થડ તરફ દોડ્યો અને થડ આવતા તેણે મોટો કુદકો માર્યો અને સીધો જ તે જાદુઈ નગરીમાં પહોચી ગયો.

ખુબજ અંધારું થઇ ગયું હતું એટલે ઘોડ઼ો એકદમ પવન વેગે ઉડી રહ્યો હતો અને સીધો જ તે રાજ મહેલમાં ઉતર્યો. અલીશાનું મોડું થવાંથી હું તેની રાહ જોઈ રહી હતી અને મનમાં સવાલો ઉઠતાં હતા કે તે ક્યાં ગઈ હશે? એટલી વારમાં તે દરવાજામાંથી અંદર આવતી દેખાઈ. હું તેની તરફ ગઈ અને તેણે પૂછવા લાગી કે અત્યાર સુધી ક્યાં હતી તું? તેમણે આખી ધરતી વિશેની વાત કહી સંભળાવી.

આ વાત સાંભળીને મને પણ ત્યાં જવાની ઈચ્છા થઇ એટલે મેં અલીશાને કહ્યું મને પણ લઇ જાને ત્યાં. અલીશાએ મને ત્યાં લઇ જવા માટે તૈયાર થઇ પણ આ વાત કોઈને પણ ન કેવાની સોગંદ લેવડાવ્યા અને હું જવા માટે તૈયાર થઇ ગઈ હતી. અલીશાએ તેણે કાલે ત્યાં લઇ જવાનું કહ્યું, રાત્રે નીંદરમાં પણ મને ધરતી પર જવાના સપના આવી રહ્યા હતા.

સવારે સૂર્યનું પહેલું કિરણ ફૂટતા જ હું તૈયાર થઇ અને અલીશાની નીચે રાહ જોઈ રહી હતી. હું ધરતી પર જવા તત્પર હતી એટલે અલીશાને ઝડપથી ચાલવાનું કહી રહી હતી. પછી અમે બંને ઘોડા પર સવાર થઇ નીકળી પડ્યું અને જંગલમાં જે જગ્યાએથી ધરતી પર જવાતું હતું તે જગ્યા તરફ ઘોડા દોડાવ્યા અને સીધા જ અમે ધરતી પર પહોંચી ગયા.

ધરતી પરની પ્રકૃતિની સૌંદર્ય એકદમ ખીલી ઉઠેલ હતું. તે જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓની અને જીવજંતુની ખુશી જોઈને મારું મન એકદમ પ્રફુલીત થઇ ગયું હતું. અલીશા ધરતી પર આવતા અવિરતની યાદ આવી અને તેના ઘરે જવાનું મન થયું પણ પછી તેણે તેના મનને મનાવી અને મારી સાથે ફરવા લાગી. અમે બંને જંગલમાં બધે જ ફરી વળ્યાં હતા અને સાંજનો સમય થતા પાછા ઘરે આવી ગયા હતા.

અઠવાડિયું ગયું હશે અલીશાના મનમાં અવિરતના જ વિચારો આવતા હતા, અવિરતે તેના ખભા પર રાખેલ હાથ, તે દ્રશ્ય તેની આંખ આગળથી હટતું ન હતું. અલીશા એક દિવસ મને કહ્યા વગર ધરતી પર ગઈ. અલીશાએ ઘોડ઼ો અવિરતના ઘરથી દૂર રાખી અને તેના ઘરે ગઈ અને તેના ઘરનો દરવાજો ખટખટાવ્યો. અવિરતની માંએ દરવાજો ખોલ્યો અને અવિરતની માં, અલીશાને ઓળખી ગઈ હતી એટલે તેણે ઘરમાં બોલાવી અને લાકડાંમાંથી બનાવેલ ખુરશી પર બેસાડી તેના માટે પાણી લેવા ગઈ એટલે અલીશા ઉભી થઇ ઘરમાં અવિરતને શોધવા લાગી.

અવિરતની માં પાણી લાવતા તે તરત ખુરશી પર બેસી ગઈ અને અલીશાએ પાણી પીધું અને અવિરત વિશે પૂછવા લાગી. અવિરતની માંએ કહ્યું કે એ શહેરમાં ગયો છે, હમણાં આવતો જ હશે. અવિરતની માંએ અલીશાને જમીને જવાનો આગ્રહ કર્યો એટલે અલીશાએ હા પાડી. કારણકે અવિરતને મળ્યા વગર તેને જવાની ઈચ્છા થતી ન હતી.

થોડીવારમાં અવિરત આવ્યો અને અલીશાને જોઈ અને તેને આવકારો આપ્યો અને તેના હાલ ચાલ પૂછવા લાગ્યો. અવિરતને જોઈ અલીશાના મોં પર તેજ આવી ગયું હતું, બંને બેસી અને વાતો કરવા લાગ્યા પછી ત્રણેય જણ સાથે બેસી અને ભોજન કર્યું અને પછી અલીશાએ ત્યાંથી વિદાઈ લીધી.

હવે તો અલીશા દરોજ તેને મળવા ત્યાં જંગલમાં પહોંચી જતી દરોજ બંને મળવા લાગ્યા. એકવાર અલીશાએ તેની સાચી હકીકત અવિરતને કીધી, અવિરતને આ વાત મજાક લગતી હતી અને તેની વાત માનતો ન હતો એટલે અલીશાએ તેનો એક શીંગી ઘોડ઼ો બતાવ્યો એટલે થોડો વિશ્વાસ આવ્યો. એકવાર અલીશા તેને જાદુઈ નગરીમાં લઇ ગઈ પણ કોઈને ખબર ન પડે તેવી રીતે, હવે તો અવિરતને વિશ્વાસ આવી ગયો હતો.

એક દિવસ સાંજે હું અને અલીશા બંને મહેલના બગીચામાં ફરી રહ્યા હતા. ત્યારે અલીશા મને કહેવા લાગી કે અવિરત મને પસંદ છે માટે તેની સાથે રહેવા માટે હું ધરતી પર જવા માંગુ છું. હું તો થોડીવાર કશું પણ બોલી ન શકી, પછી મેં તેને સમજાવવાની કોશિશ કરી પણ તે એકની બે ન થઇ અને મારી બહેન અલીશા મારાથી અલગ થઇ જવાની હતી.

આમ બોલતા બોલતા રાજકુમારી એરીનાનું ગળું રુંધાઈ ગયું અને આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા એટલે મલિકે તેને આશ્વસન આપ્યું અને તે સમયે સાંજ ઢળવા લાગી હતી. મલિક તેનો હાથ પકડી નીચે ગુફામાં લઇ જાય છે. મલિક એરીનાને પાણી આપે છે અને પછી બધા જમવા માટેની તૈયારી કરતા હતા. પછી એરીના અને મલિક સાથે બેસી અને ભોજન કર્યું. એરીના જમ્યા પછી પણ તેનો ચહેરો ઉદાસ હતો એટલે તે તેના રૂમમાં ચાલી ગઈ.

મલિકને પણ આ વાત સાંભળીને ઘણું દુઃખ થયું હતું, મલિક થોડીવાર ગુફાની અંદર ટહેલવા લાગ્યો. પછી તેની આંખો ઘેરાવા લાગી એટલે તે પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો. તે બેડ પર બેઠો હતો અને સામે જ દીવાલ પર પેલી સ્ત્રીનો ફરી ફોટો નજરે ચડ્યો અને તે ઉભો થઇ તેના તરફ ગયો અને તેની નીચે અલીશાનું નામ લખ્યું હતું એટલે મલિક તે ફોટો ધ્યાનથી જોવા લાગ્યો. મલિકને મોટુ બગાસું આવ્યું અને તે બેડ પર ઢળી પડ્યો અને ધીમે ધીમે રૂમમાં સુગંધ પ્રસરવા લાગી અને મલિકની આખો બંધ થઇ ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED