પારદર્શી - 11

પારદર્શી-11
         ગઇ રાત્રે બનેલી ઘટના જેમાં પેલા વૃદ્ધ દંપતિનો બચાવ થયો, સમ્યકને એ વાતથી ઘણો સંતોષ હતો.પણ એના પપ્પાએ કહેલી વાતોથી એ થોડો ‘ડિસટર્બ’ થયો હતો.જો હવે અદ્રશ્ય થયા પછી કોઇને અવાજ નહિં સંભળાઇ તો એનાથી લાભ થશે કે હાની? એ કેટલાય વિચારો પછી પણ સમ્યક નકકી ન કરી શકયો.આખરે એ વાતને ગૌણ માની એ આગળ વધ્યોં.હવે તો રોજ રાત્રે એ નીકળી પડતો.કેટલાય લોકોને મદદ કરી શકતો.પણ દરેક ઘટના બીજા દિવસે સમાચારોમાં ચમત્કારીક સાબીત થવા લાગી.શહેરમાં અમુક તો સીસીટીવીનાં ફુટેજ પણ સોશ્યલ મીડીયામાં ફરતા થઇ ગયા.જેમાં સમ્યક તો નહિં પણ એનું અદ્રશ્યપણું છતુ થવા લાગ્યું.અમુક લોકો આને કોઇ ફરીસ્તો,અમુક લોકો કોઇ દેવતા, તો અમુક લોકો કોઇ એલીયન શકિત વિગેરે વિગેરે માનવા લાગ્યાં.અફવા વધારે ન ફેલાય એ માટે પોલીસ દરેક ઘટના પછી વાતો છુપાવવા લાગી અને અંદરખાને આની તપાસ પણ ચાલુ કરી.અમુક બુદ્ધીજીવીઓની સત્યશોધક સંસ્થાઓએ આને માત્ર એક ‘કોઇન્સીડેન્સ’ ની શકયતા જાહેર કરી અને કહ્યું કે આ માત્ર ‘કાગનું બેસવું અને ડાળનું તુટવું’ જેવી ઘટનાઓ છે.એનાથી આને સત્ય ન કહી શકાય, એમ કહી અને એમણે ખુલ્લો પડકાર ફેકયો કે જો આ શકિત ખરેખર હયાત હોય તો અમારી સમક્ષ હાજર થાય.પણ જે જે લોકોનો બચાવ થયો, જે જે લોકો સમ્યકની અદ્રશ્ય મદદનાં સાક્ષી બન્યાં એ બધા અલગ અલગ જાતી અને ધર્મનાં હતા એટલે દરેક વ્યકિતીઓએ અલગ અલગ વ્યાખ્યાઓ રજુ કરી.ચાર-પાંચ દિવસમાં તો આખા દેશમાં આ સમાચારો વહેતા થયા.પણ મોટા ભાગનાં લોકોએ આ વાત નકારી.કારણ પણ એવું આપ્યું કે આવા વિડીયો અને આવા સમાચારો ભુતકાળમાં પણ ખુબ જોયા છે.આવી ઘટનાઓમાં કોઇ તથ્ય હોતુ નથી.સમ્યક પણ હવે આ બધુ ખુબ ધ્યાન રાખીને જ કરતો.કયાંય કોઇ ચમત્કાર ન લાગે એની પુરતી કાળજી રાખતો.
               આજે એ પોતાની ઓફીસમાં અમુક કાગળો અને ફાઇલો તપાસતો બેઠો હતો.ફાઇલોમાંથી જયાંરે એણે માથુ ઉંચકયું તો સામે એના પપ્પા સોફા પર બેઠા હતા.સમ્યક તો અચરજ પામી પોતાની ખુરશી પરથી ઉભો થઇ ગયો.પણ એના પપ્પાએ હાથ વડે બેસી જવા ઇશારો કર્યોં.અને શાંત સ્વરે બોલ્યાં   “શાંતિ રાખ દિકરા, આ માર્ગે અશાંતિ જ દુશ્મન છે.”

“પપ્પા, તમે આમ અચાનક? અને હું તો અદ્રશ્ય થયો નથી તો તમે મને કેમ દેખાઇ રહ્યાં છો?” સમ્યકે પોતાની નવાઇ ઉતાવળે રજુ કરી.

“અરે દિકરા....તને ખબર નથી પણ તું અત્યાંરે અદ્રશ્ય અવસ્થાએ જ છે.”

આ સાંભળી સમ્યકને ઝટકો લાગ્યોં એટલે તરત જ એણે સામેની દિવાલે ટીવી સામે જોયું.પોતે ખરેખર ગાયબ હતો.આ તો કોઇ ખબર વિના...કોઇ પ્રયત્ન વિના અદ્રશ્ય થઇ જવાયું.

“અરે પપ્પા, મે તો કોઇ પ્રયાસ પણ નથી કર્યોં.અત્યાંરે તો મારે ઓફીસનાં કેટલાય કામો કરવાના છે.તો મારી જાણ વિના જ હું કેમ અદ્રશ્ય થયો?”

“આ સવાલ માટે જ હું તારી પાસે આવ્યોં છું.થોડો સમય આવું રહેશે.તું આપમેળે ગાયબ થઇ જઇશ.તને પણ ખબર નહિં રહે કે તું નથી દેખાતો.બસ થોડો સમય સાચવી લેજે.”

“પણ પપ્પા, તો પછી કોઇને પણ મારી ખબર પડી જશે.”

“એટલે જ તને કહેવા આવ્યોં છું કે થોડો સમય ઘરે અથવા કોઇ એકાંત સ્થળે જ રહેજે.આમ પણ તારી મદદ કરવાની ભાવનાથી બીજા લોકો ખુબ ચર્ચામાં રહે છે.નાહક જ લોકોનાં જીવનમાં ખલેલ પહોચે છે.” રમેશભાઇએ વાત પુરી કરી કે તરત જ કોઇએ ઓફીસનો દરવાજ ખટખટાવ્યોં.સમ્યકનાં પપ્પા ગાયબ થયા.સમ્યકે દરવાજો ખોલ્યોં તો મોહિની હાથમાં ઘણાં બધા છાપા લઇને આવી.સમ્યકની સામે એ બેસીને મોટા અવાજે પેપરનાં કટીંગ વાંચવા લાગી

“કોઇ અજાણી અદ્રશ્ય શકિતએ વૃદ્ધ દંપતીની મદદ કરી.દસ જણની લુંટારુ ટોળકી પણ લોહીલુહાણ થઇ.વૃદ્ધે કહ્યું કે એ મારા કોઇ પિતૃ અમારી રક્ષા કરવા આવ્યાં હતા.” 
પછી તો દરેક એવા કિસ્સા જેમાં સમ્યકની અદ્રશ્ય હાજરીને લીધે છાપામાં ચમકયા હતા એ બધા મોહિનીએ વાંચવા ચાલુ કર્યાં.સમ્યક આ બધુ શાંતિથી સાંભળતો હતો.ત્યાંરે મોહિનીએ ન્યુઝપેપર પડતા મુકી સમ્યકને પુછયું

“સર તમે જોયું? કોઇ છે જે રહસ્યો છુપાવે છે!”

“હા મોહિની, પણ હું આવી બધી ખોટી વાતોમાં માન્યતા નથી ધરાવતો.”

“કેમ સર? કયાંક એવું તો નથી ને? કે તમે જવાબદારીમાંથી છટકવા ઇચ્છો છો.”

“એટલે?” સમ્યક થોડા ઉંચા અવાજે બોલ્યોં.

“એટલે એમ કે, આ બધી ઘટનાઓ અને મારી સાથે બનલી ઘટનામાં એક વસ્તુ ‘કોમન’ છે....અદ્રશ્ય બચાવ.અને મને પુરેપુરી ખાતરી છે કે તે દિવસે ટોનીનાં ફલેટમાં તમે હતા જ.તમારો અવાજ હું ઓળખી ગઇ હતી.તમે જ અદ્રશ્ય થઇ બધાને બચાવો છો.” આ વાત પુરી થઇ ત્યાંરે સમ્યક મોહિનીની આંખોમાં જોતો હતો.એને મોહિનીની આંખોમાં એક અનોખી ચમક દેખાઇ આવી.મોહિનીએ રહસ્યો પરથી પરદો ઉઘાડવાની કોશીષ કરી,સમ્યકને પકડાઇ જવાનો ડર લાગ્યો.એટલે એણે એક અટ્ટાહાસ્યની પાછળ રહસ્યને સંતાડવાનો પ્રયાસ કર્યોં.પણ સામે મોહિનીનાં ચહેરે ફકત એક ફીકકુ હાસ્ય જ ઉપજ્યું.અસત્યને વધુ સચોટ કરવા સમ્યકે શબ્દોનો સહારો લીધો.

“અરે મોહિની, હું એક સામાન્ય માણસ, સંસારમાં અટવાયેલો ‘કોમનમેન’, મારી પાસે આવો જાદુ કયાંથી? પણ હા સાચે જ હોય તો કેવી મજા પડે??” સમ્યક ફરી હસી લીધો.
              ઘણી બધી દલીલો પછી સમ્યકને મનમાં થયું કે મોહિનીએ મારી ખોટી વાત સાચી માની લીધી હશે,પણ મોહિની એક પાકકા નિર્ણય સાથે ઉભી થઇ કે હું આ રહસ્ય ઉઘાડીને જ રહીશ.સમ્યક સર એટલા સારા અને મહાન છે કે એમની પાસે કંઇક જાદુઇશકિત હશે જ.આ મુલાકાત પછી મોહિનીનું સમ્યક પ્રત્યેનું આકર્ષણ એની ચરમસીમાએ તો પહોચી ગયુ પણ સાથે સાથે એને ડર પણ લાગ્યો કે ‘સમ્યક જો ખરેખર કોઇ અસામાન્ય કે જાદુઇ પુરુષ હશે તો મારાથી દુર થતો જશે.હું અહિં તળેટીમાં પ્રેમની પ્યાસી બની ઉભી રહી અને એક ગમતો પુરુષ તો શિખરે પહોચી ગયો, હમણા તો એ મારી બાજુમાંથી પસાર થયો.એની મહેંક હજુ કયાં ઓસરી છે? અને એ તો કોઇ રહસ્યોથી ભરેલા શિખરે ઉભો છે.જો ખરેખર આ વિચીત્ર ઘટનાઓ સમ્યક સાથે જોડાયેલી હશે તો બંન્ને વચ્ચેનું અંતર વધતુ જશે.હા, સલામતી જરૂર રહેશે.દુનિયાભરની બુરાઇથી મને રક્ષા મળશે, પણ એ બખ્તરબંધ પુરુષની પાછળ સંતાયેલો પેલો હૃદયથી ભરેલો મૃદુ પુરુષ હવે કદી જોવા નહિં મળે.’ આવા નકારાત્મક પણ વાસ્તવિક વિચારોએ મોહિનીનું મન ભારે કર્યું.એ આખો દિવસ એના માટે ગડમથલમાં પસાર થયો.
                સમ્યકને મોહિની તરફ એવો ભાવ હતો જેવો દરેક વ્યકિત તરફે હતો.એનું મન જેમ જેમ શાંત રહેતુ એમ એમ એનો પ્રેમ સર્વને માટે એકસરખો વિસ્તરતો જતો હતો.એને બધા વ્યકિતઓ પોતાના દેખાવા લાગ્યા.સૌ કોઇને મદદ કરવાની આદત બની ગયેલી.સમ્યકનો જે મદદગાર સ્વભાવ હતો એમાં આ સિદ્ધી અને એ દસ ગુરુઓનું રકત ભળ્યાં એટલે એનો આ સ્વભાવ બેવડાયો હતો.જાણે કોઇ સુગંધીત ફુલ પોતાની સુગંધ ફેલાવવા હંમેસા તત્પર હોય.પણ હવે થોડા સમય માટે આમાં રૂકાવટ આવી હતી.એ એના પપ્પાની આજ્ઞા હતી.એટલે જ સમ્યકે હવે અદ્રશ્ય થવાનું માંડી વાળ્યું.રાત્રે એ ઘરે જ રહેતો.એની ઉંઘ તો બીલકુલ ઓછી થઇ જ ગઇ હતી.એ હવે રોજ રાત્રે પોતાના લીવીંગરૂમમાં મોડે સુધી ટીવી જોઇ સમય પસાર કરતો.
         પણ આજે રાત્રે 2.30 વાગ્યે ટીવીનાં અવાજથી એની પત્નિ દિશા જાગી ગઇ.એણે લીવીંગરૂમમાં જોયું તો ટીવી એકલું જ ચાલુ હતું, સમ્યક ત્યાં ન હતો.એણે બધે જ જોઇ લીધુ પણ સમ્યક આખા ઘરમાં કયાંય ન મળ્યો.ફરી લીવીંગરૂમમાં આવી એણે ટીવી બંધ કર્યું.અને સમ્યકનાં નામની બુમો પાડી.લીવીંગરૂમનાં સોફા પર જ ઉંઘી ગયેલો અદ્રશ્ય સમ્યક દિશાનાં અવાજથી જાગી ગયો.સમ્યક અચાનક ઉભો થવા ગયો એટલે એનો પગ ટેબલ સાથે અથડાયો.એનો અવાજ દિશાએ સાંભળયો.એણે એ તરફ જોયું ત્યાંરે જ પગમાં થોડા દુખાવાને લીધે અદ્રશ્ય સમ્યક અચાનક હાજર થયો.દિશાએ આ વિચીત્ર દ્રશ્ય જોયું.કોઇ ન હોય અને અચાનક હવામાંથી પ્રગટ થાય એ દ્રશ્ય બહું જ ડરામણુ હોય છે.દિશાને આઘાત લાગ્યો.એ આઘાતથી એનું મન બંધ થયું, હૃદય એક ધબકાર ચુકીને પછી જોરથી ધબકવા લાગ્યું.એના મન અને શરીરે અચાનક બધો કાબુ ગુમાવ્યોં.એ બેભાન થઇ નીચે પડી ગઇ.ઉંઘમાંથી જાગેલા સમ્યકને કંઇ સમજાયું નહિં પણ ઝડપથી એણે દિશાને ઉપાડી અને સોફા પર સુવડાવી.એના ગાલમાં હળવે હાથે ટપલીઓ મારી એને ભાનમાં લાવવા કોશીષ કરી.થોડી વારે દિશા ભાનમાં આવી.પણ કશું બોલ્યા વિના એ સમ્યક તરફ એકીટસે જોઇ રહી હતી.

“શું થયું અચાનક?...તારી તબીયત તો ઠીક છેને?....કેમ ચકકર આવી ગયા?” એવા ઘણા સવાલો સમ્યકે ચીંતાતુર બની પુછી લીધા.પણ દિશા જોયેલા દ્રશ્યને શબ્દ ન આપી શકી.એટલે સમ્યકે એને પાણી પીવડાવ્યું.એ થોડી ઠંડી પડી પછી બોલી 

“સમ્યક, તમે અહિં હતા નહિં અને અચાનક સોફા પર દેખાયા.તમે હવામાંથી મારી સામે દેખાયા.ડિયર,મને આવુ કેમ દેખાયું?”  દિશાનાં આટલા વાકયોએ સમ્યકનાં મનમાં ખળભળાટ ઉત્પન્ન થયો.એ સમજી ગયો કે પોતે ગાયબ થઇ ગયો હતો.પણ હવે ‘ના એ તો તારો ભ્રમ હશે’...’તું ઉંઘમાંથી ઉઠીને આવી એટલે તને ચીતભ્રમ થયો હશે’...એવી ખોટી વાતો થકી સહાનુભુતી આપવી સમ્યકને પણ યોગ્ય ન લાગી.પણ દિશાનાં માથે હાથ ફેરવી એ બોલ્યોં 

“જો ડિયર, તને શું દેખાયું?” 
દિશાએ ટીવીનાં અવાજથી ઉંઘ ઉડી ત્યાંરથી બધી વાત કરી.અને એનું છેલ્લુ વાકય હતુ

 “સમ્યક, પહેલા મને તમારો નાઇટડ્રેસ જ સોફા પર દેખાયો એટલે હું ગભરાઇ ગઇ ત્યાં બીજી જ ક્ષણે તમે દેખાયા.”  

થોડીવાર બંને ચુપ રહ્યાં.ફરી દિશાએ પુછયું 

“ડિયર, મને કયાંક કોઇ માનસીક બીમારી તો નથી થઇ ગઇને?”

 દિશાને ખોટી દિશા તરફ જતા જોઇ સમ્યકને ચિંતા થઇ.પત્નિને માનસીક ડામાડોળ થતી અટકાવવા માટે સમ્યકે પોતાના બધા રહસ્યો ઉઘાડી નાખ્યાં.જયાંરે પોતાના પપ્પા પહેલી વાર દેખાયા ત્યાંરથી આજની આ ક્ષણ સુધીની તમામ વાતો એણે પત્નિને કહી દીધી.
               જેમ જેમ સમ્યકનાં હૃદયેથી વાકયો ઉલેચાયા તેમ તેમ એના મનનો બધો ભાર હળવો થતો ગયો.આખરે એક ક્ષણ એવી આવી કે એ અંદર-બહારથી શાંત અને મૌન થયો.દિશા એના તરફ જાણે કોઇ અલગ જ વ્યકિતને જોતી હોય એમ જોઇ રહી હતી.ત્યાં જ સમ્યક ફરી અદ્રશ્ય થયો.પણ દિશાએ સમ્યકનો હાથ પકડેલો હતો.એ અદ્રશ્ય હાથ હલાવી દિશા સમ્યકને ફરી પોતાની દુનિયામાં લાવી.પછી સમ્યકને ભેટી પડી.થોડીવારે સમ્યકને કહ્યું

“ડિયર, કયાંક તમે કાયમ માટે ગાયબ તો નહિં થઇ જાવને?....મને તમારી આ સિદ્ધીનો ખુબ આનંદ છે, સાથે થોડો ડર પણ લાગે છે.તમે અદ્રશ્ય થઇ જાવ તો હું કોને પ્રેમ કરું? તમે અદ્રશ્ય થાવ ત્યાંરે મને કેમ ખબર પડે કે તમે કયાં છો? તમને શોધવા તો અઘરા છે.” 

દિશાની ચીંતાને શાંત કરવા સમ્યકે કહ્યું 

“તું ચીંતા ન કર.મને પપ્પાએ આ સિદ્ધી ટકાવી રાખવા એક શરત કહેલી કે આ વાતની કોઇને પણ જાણ થવી ન જોઇએ.નહિંતર એ દસ ગુરુઓ મારી પાસેથી આ સિદ્ધી પાછી લઇ શકે છે.હવે મે તને આ વાત કરી દીધી.એટલે કદાચ આ સિદ્ધી છીનવાઇ પણ જાય.પછી તારે કયાં ચીંતા છે?”

“ઓહો!! મારા લીધે તમારી આ અદભુત સિદ્ધી છીનવાઇ જશે? ના...ના...હું એવું નથી ઇચ્છતી.પણ તમે મારાથી દુર ન જતા.” દિશાએ અફસોસ વ્યકત કર્યોં.

“અરે ના ડિયર, હું તારાથી દુર જવા માંગતો પણ નથી.આ તો મને એમ થાય કે દુનિયામાં....આ શહેરમાં ઘણાં માણસોને અદ્રશ્ય મદદની જરૂર છે.તો મારી આ સિદ્ધી ચાલુ રહે તો સારું.મારે કોઇ સુપરહિરો નથી થવું પણ આ સિદ્ધીની મજા કંઇક ઔર જ છે.”
          સમ્યક અને દિશાની વાત ત્યાંરે પુરી થઇ જયાંરે એના બાળકોને સ્કુલે જવાનો સમય થયો.બંને પોતપોતાની ચિંતાઓ લઇને ઉભા થયા.સમ્યકને ચિંતા હતી કે હવે આ સિદ્ધી પોતાની પાસે નહિં રહે.અને દિશાને ચિંતા હતી કે કયાંક સમ્યક એના પપ્પાની જેમ કાયમ માટે અદ્રશ્ય થઇ જશે તો?.....
             ક્રમશઃ
        --ભરત મારુ

             
      


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Ishani Patel 2 માસ પહેલા

Verified icon

DrDinesh Botadara 2 માસ પહેલા

Verified icon

Nipa Upadhyaya 3 માસ પહેલા

Verified icon

Daksha 3 માસ પહેલા

Verified icon

Rakesh 3 માસ પહેલા