shoe thief books and stories free download online pdf in Gujarati

ચપ્પલ ચોર

સવજી આજે હવામાં ઉડતો હતો, એની પેડલ સાયકલ આજે બધા બ્રિજ સડસડાટ ચડતી હતી. એની ખુશીનો કોઈ પાર ન્હોતો.
સીધો પોતાની પેડલ સાયકલ લઇને મદિર ગ્યો. સેન્ડલ એણે પગથિયાં પાસે કાઢ્યા અને પગથિયાં ચઢવા પગ ઉપાડ્યો પછી રોકાઈ ગ્યો પાછો આવ્યો સેન્ડલ લીધાં અને કોઈની નજર ના પડે એમ ખૂણામા પોતાના સેન્ડલ મુકી આવ્યો. કદાચ એને યાદ આવ્યું હશે કે મઁદિરમાથી ચપ્પલ ચોરાઈ જતી હોય છે જ્યારે આ તો સેન્ડલ હતાં એ પણ નવા અને એ પણ વુડલેન્ડના આજે કેટલાં વર્ષે એનું સપનું પુરું થયું હતું.. આજે એણે વુડલેન્ડના સેન્ડલ ખરીદ્યા હતાં...એનો હરખ માતો ન્હોતો. એને જાણે દુનિયા જીતી લીધી હોય તેવું લાગતું હતુ.

તમને થશે કે સેન્ડલ ખરીદ્યા એમાં શું ધાડ મારી.પણ જેણે આખી જીંદગી 50 રૂપિયાના સ્લીપર પહેર્યા હોય અને એ પણ મોચી પાસે સંધાઈ સંધાઈને એને મન તો વુડલેન્ડનાં સેન્ડલ ખરીદીને પહેરવા એ "વાઘરીને ઘેર દિવાળી" જેવી વાત હતી. ભગવાનનો આભાર માનતો હોય એમ મંદિરના દરેક પગથિયાને પગે લાગતો લાગતો એ ભગવાન સુધી પહોંચ્યો, જેમ મેકડોનાલ્ડ કે એવી બીજી રેસ્ટોરેન્ટમા લોકો ખુશી દર્શાવવા "Ring the Bell " કરે છે એમ નવા વુડલેન્ડના સેન્ડલની ખુશી એણે ઘન્ટ વગાડીને દર્શાવી એ ય બબ્બે વાર...

દર્શન કરતાં કરતાં એ વળી વળી ને પાછળ જોતો હતો એનું ધ્યાન ભગવાનના દર્શન કરતાં સેન્ડલ મા વધું હતું જેમ બધાનું હોય છે તેમ. એ સાષ્ટાંગ દંડવત પગે લાગ્યો અને ખૂશ થતો થતો પગથિયાં ઉતરીને જેવો સેન્ડલ પાસે પહોચ્યોં કે એની આંખો પહોળી થઈ ગઇ એનાં સેન્ડલ ત્યાં નહોતાં એ બહાવરો બની ગયો. એની આંખો એનાં સેન્ડલને શોધવા આમતેમ ફરવા લાગી.સવજી ત્યાં પડેલા બુટ ચપ્પલ આમતેમ કરી પોતાના સેન્ડલ શોધવા લાગ્યો ત્યાં આવતા જતાં લોકોને ગાંડાની જેમ પૂછવા લાગ્યો અહી સેન્ડલ હતાં જોયાં છે.... અહિ જ મે મારા સેન્ડલ ઉતર્યા હતાં કોઇએ જોયા છે....મારા નવા ને નવા સેન્ડલ કોઈએ જોયાં છે.... એ ગાંડાની જેમ પોતાના સેન્ડલ શોધી રહ્યો હતો... એક સેન્ડલ માટે કોઈ ગાંડાની જેમ શોધાશોધ કરે એ જોઈને લોકોને નવાઈ લાગતી હતી....

એટલામાં સવજીની નજર મંદિરથી થોડે દુર પડી તો એને એક જણના હાથમાં પોતાના સેન્ડલ દેખાયા. એણે જોરથી બૂમ પાડી એ રહ્યો ચપ્પલ ચોર... એ રહયાં મારા સેન્ડલ. એ દોડ્યો બીજા બે ચાર જણ પણ એની સાથે ચપ્પલ ચોરને પકડવા ને પકડયા પછી હાથ સાફ કરવા મળશે એ લાલચે સવજી સાથે જોડાયા..ચપ્પલ ચોર આગળ ને સવજી ને બીજા લોકો પાછળ દોડતાં હતાં. ચપ્પલચોર ખૂબ ઝડપથી દોડતો હતો. સવજી ને બીજા લોકો બૂમો પડતાં હતાં.."ઉભો રે...ભાગે છે ક્યાં?....પકડો....પકડો.... આ ચપ્પલ ચોરને પકડો....ચપ્પલ ચોર દોડતો દોડતો... એકાએક રોકાઈ ગયો.... સવજી ને બીજા લોકો હાંફતા હાંફતા ચપ્પલ ચોરની પાસે પહોંચ્યા...બધા ચપ્પલ ચોરને જોઈને સ્તબ્ધ થઈ ગયા

ચપ્પલ ચોર એક 7-8 વર્ષની અસ્તવ્યસ્ત વાળવાળી, ગંદી ગોબરી પરંતુ સુંદર માસૂમ છોકરી હતી. એ સેન્ડલ લઇને એક વૃદ્ધ ભિખારી પાસે રોકાઈ ગઇ હતી. જે ખુલ્લા પગે બળબળતા તાપમાં ઉભો હતો. એણે સેન્ડલ ભિખારીનાં તાપમા બળતા ખુલ્લા પગ પાસે મૂક્યાં. સવજીએ હાથ ઉપાડ્યો. ભિખારી અને સૌ એ છોકરીને જોઇ રહયાં. છોકરી મંદમંદ હસી રહી હતી. એનાં ચહેરા પર એક અનોખી ખૂશી દેખાતી હતી. કોઈને મદદ કર્યાનો સંતોષ દેખાતો હતો.

સવજીનો હાથ ઉપડ્યો હતો લાફો મારવા પણ એ માસૂમ છોકરીને વ્હાલ કરીને રોકાઈ ગયો. સવજીએ પોતાના સેન્ડલ સામે જોયું,પછી પેલા વૃદ્ધ ભિખારી સામે અને પછી છોકરી સામે જોયું ને સવજી બોલ્યો "આ સેન્ડલ મારાં નથી."
એ બોલતાંની સાથે જ છોકરીના ચહેરા પર હતી એવી જ ખુશી ને સંતોષ સવજીનાં ચહેરા પર છલકાઈ ગયાં.

આ વાર્તા પરથી બનેલી શોર્ટ ફિલ્મ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો:
https://youtu.be/aifkjgLSGS4

-જીગર બુંદેલા
SWA MEMBERSHIP No: 032928


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED