? આરતીસોની ?
?સંન્યાસ?
ગુજરાતના ખૂબ મોટા અને પ્રતિષ્ઠિત જાણીતા કાપડ બજારના વેપારીના એકના એક દીકરા સંજયે સાધુ બની જવાની ઘોષણા કરતાં.. આખા પટેલ સમાજમાં દેકારો ફેલાઈ ગયો હતો.. અચાનક સંજયના સાધુ બની જવાના આશ્ચર્યજનક નિર્ણયથી ઘરના સભ્યો પણ નારાજ થઈ ગયાં હતાં.
વિશેષ તો એ સંજય સાથે ફરતી અને એને લગ્ન કરવાના કૉલ આપેલી એની ગર્લ ફ્રેન્ડ વિશ્વાને માથે તો જાણે આભ તુટી પડ્યું હતું. એના ઘરના સભ્યો પણ અવાક્ થઈ ગયા હતા. કેમકે શહેરના મોભી અને ખૂબ જ પૈસે ટકે સુખી કહેવાતાં મીઠાલાલનો દીકરો સ્વામિનારાયણમાં ભળી સંત બનવા જઈ રહ્યો હતો.
આખું શહેર વિશ્વા અને સંજયના પ્રેમની વાતથી વાકેફ હતું, જ્યારે વિશ્વાના પપ્પા મિ. જીવણદાસ વોરા અને ઘરના દરેક સભ્યો બિલકુલ અજાણ હતાં. ફક્ત એના નાના ભાઈને જ આ અંગેની જાણ હતી.
બે જ દિવસમાં સંજય વિધી વિધાન સાથે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી સંસારની લીલા છોડી સંન્યાસી થવાનો હતો. નાના ભાઈ રિયાને જ્યારે વિશ્વાને કહ્યું, ત્યારે વિશ્વા ચોધારે આંસુ રડી પડી. રિયાને કહ્યું, 'દીદી તું બિલકુલ ચિંતા ન કર. આપણે એને સમજાવવા બને એટલા પ્રયત્નો કરશું.
આખી રાત વિશ્વા સૂઈ પણ ન શકી. બીજા દિવસે બંને સંજયને મળવા ગયા પરંતુ એના બંગલે સિક્યોરિટી એટલી ટાઈટ હતી કે સંજયને મળવું ઘણું મુશ્કેલ હતું.. બંને નિરાશ થઈ પાછા ફર્યા..
વિશ્વા સમજી જ શકતી ન હતી કે એણે કેમ આવું પગલું ભર્યુ હશે. આ નિર્ણય લેવા પાછળ શું કોઈનું દબાણ હશે.? હજુ હમણાં તો બે દિવસ પહેલા સંજય મળ્યો હતો. ત્યારે કશીયે વાત થઈ નહોતી.. તો પછી કારણ શું હશે?
સવારે દસ વાગ્યાની વિધિમાં શહેરમાંથી ઘણાં સગા સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એમાં વિશ્વાના પિતા અને એના કાકાઓને પણ ધંધાની લેવડદેવડને કારણે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમયસર બધા જવા તૈયાર થયા પણ વિશ્વાએ ત્યાં જવાનો ઈન્કાર કરી રૂમમાં પુરાઈ ગઈ. પણ વિશ્વાના દાદાએ કહ્યું. "આટલું પ્રેમથી આમંત્રણ આપ્યું છે વિશ્વા બેટા.. ઘરના દરેક સભ્યએ હાજરી આપવી જરૂરી છે." એમ કહી સમજી પટાવી બળજબરી પૂર્વક એને જવા માટે તૈયાર કરી.
શહેરના બહુ મોટા પાર્ટી પ્લોટ પર હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયો હતો. મિ. જીવણદાસ વોરા અને ફેમિલી પણ સમયસર પહોંચી ગયાં હતાં. વિશ્વા બા-દાદાની લાડકી હોવાથી એમનો હાથ પકડી સજળ નેત્રે અંદર પ્રવેશી. એના બાએ એકવાર પુછ્યું પણ ખરું કે, "કેમ ઉદાસ છે મારી વિશ્વુ બેટા? "
"કંઈ નહિ.. બા!!" એમ કરી હસતા મોઢે ફરતી રહી.
બધાં એમની સામે કંઈક અહોભાવની દ્રષ્ટિએ જોઈ રહ્યાં હતાં. દરેક મહેમાન એમની સામે સ્માઈલ આપી આવકાર્ય ભાવ પ્રદર્શિત કરતાં હતાં. વોરા ફેમિલીના બધાં જેમ જેમ આગળ વધતાં જતાં હતાં, એમ એમ કંઈક આશ્ચર્ય વધતું જતું હતું કે બધાં આપણી તરફ કેમ આ રીતે વર્તન કરે છે. પરંતુ વિશ્વા અને રિયાનને તો ખબર હતી જ કે સંજય અને વિશ્વના પ્રેમ સંબંધને કારણે લોકો એમની સામે આ રીતે જોઈ રહ્યાં છે.
એટલામાં માઈકમાં એનાઉન્સ કરવામાં આવ્યું કે મિ. જીવણદાસ વોરા ફેમિલી સ્ટેજ પાસે આવી એમનું ખાસ વીઆઈપી સ્થાન ગ્રહણ કરે.. અને એજ પ્રમાણે બીજી અમુક મોટી વ્યક્તિઓની ફેમિલીને પણ બોલાવવામાં આવ્યા. સૌ આગળ પહોંચ્યા અને વિશ્વા, એના મમ્મી, પપ્પા, બા, દાદા, રિયાન બધાને પહેલી હરોળમાં બેસાડવામાં આવ્યા. અચાનક ધીમો ધીમો બબડાટ કરતા જીવણદાસના મોંઢેથી સરી પડ્યું કે,
"એપ્રિલ ફૂલ બનાવવા અહી બધાને ભેગા કર્યા છે કે શું??"
દાદા વિશ્વા સામે જોઈને બોલ્યા,
"નથી અહી કોઈ સાધુ-સંતો કે બ્રાહ્મણો કે જે વિધી સાથે મંત્રોચ્ચાર કરે. કંઈ સમજાય એવું જ નથી અહીં.."
અને ત્યાંજ કોઈ નાનો છોકરો આવી વિશ્વાના હાથમાં ચિઠ્ઠી પકડાવી ગયો. ને બોલ્યો,
"દીદી આ ચિઠ્ઠી પેલા દૂર બેઠા છે ને એમણે તમને આપવા કહ્યું છે."
વિશ્વાએ દ્રષ્ટિ ફેરવી સામે સંજય એની ફેમિલી સાથે બેઠો હતો. ભારે હૈયે એણે ચિઠ્ઠી વાંચવા માડી,
'પ્રિય વિશ્વા,
મારો નિર્ણય ખરેખર તને આંચકો આપે તેવો છે, હું સમજી શકું છું, આ બે દિવસ વિતાવવા તારા માટે ખૂબ અઘરા થઈ પડ્યા હશે. તને બે દિવસ અગાઉ મળ્યો ત્યારે મારા પપ્પા આપણને એકસાથે જોઈ ગયેલા, હું ઘરે આવ્યો પછી અમારે સામસામે ખૂબ દલીલો ચાલી, એમને મંજૂર નહોતું હું તારી સાથે લગ્ન કરું અને મને તારા વિના જીવન જીવવું મંજૂર નહોતું. અને હું એમની ના થી ઉપરવટ થઈને તારી સાથે લગ્ન કરવા માંગતો નહોતો.
એટલે ના છૂટકે મારે સંસાર ત્યાગવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, મેં એજ વખતે જાહેર કરી દીધું કે, 'હું સંત બની હવેની આખી જિંદગી પ્રભુ ભક્તિમાં મારું જીવન વ્યતિત કરીશ..' બધાએ ભેગા મળીને ખૂબ ખૂબ સમજાવ્યો પણ હું મારા નિર્ણય સાથે મક્કમ રહ્યો.
પરંતુ મમ્મીને અચાનક હ્રદયનો એક હુમલો આવતાં એક સાઈડ થોડીક પેરાલિસીસની અસર થઈ ગઈ છે. ડૉક્ટરના કહ્યાં મુજબ એને એવા કોઈ સમાચાર ન આપો જેનાથી એની તબિયત વધારે ખરાબ થાય. કોઈ સારા સમાચાર આપવાથી એ આમાંથી બહાર આવી શકશે..
એટલે હવે મેં ગઈકાલે જ મારો નિર્ણય બદલી તને સરપ્રાઇઝ આપવા જણાવ્યું નહોતું. તારા દિલને ઠેસ પહોંચી હોય તો માફી માંગુ છું..'
એજ. લી.
હંમેશા તારો સંજય..
અને વિશ્વાએ ચિઠ્ઠીમાંથી જ્યાં બધાં તરફ દ્રષ્ટિ ફેરવી.. મમ્મી -પપ્પા સ્ટેજ પર પહોંચી ગયાં હતાં, ને સંજયના મમ્મી પપ્પા ભવ્યાતિત ભવ્ય સ્વાગત કરી એકબીજાને ગળે મળતાં હતાં.
વિશ્વા રડમશ ચહેરે એમની પાસે આવી ત્યારે બધાં ખડખડાટ હસી પડ્યાં. અને દાદાએ કહ્યું,
‘એપ્રિલ ફૂલ બનાયા..
વિશ્વાકો ગુસ્સા આયા..’
“જો બેટા સંજય તો સંજોગોનો શિકાર થયો હતો. એની કોઈ જ ભૂલ નથી. પણ હા પછી મીઠાલાલ અને જીવણની સાથે મિટીંગ થયા બાદ સૌની સર્વ સંમતિથી તને સરપ્રાઇઝ આપવા નાટક રચાયું અને સંજય પણ બધું જાણતો હતો. અમને બધાને માફ કરી તમે બંને એકબીજાને સગાઈની અંગુઠી પહેરાવી ખુશખુશાલ રહો એવી રુહથી પ્રભુને પ્રાર્થના..”
અને વિશ્વા ખુશીના આંસુ સાથે સહુને ભેટી પડી..©
-આરતીસોની