જાણે-અજાણે (22) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (22)

કૌશલે પણ વિનયની વાતથી સહમત થતાં ના પાડી. પણ રેવા ચુપ બેસે તેમ હતી નહીં.
"રેવા.. થોડું તો વિચારીને બોલ.. તને ભાન પણ છે કે આનું પરિણામ શું આવી શકે?.." કૌશલે રેવાને સમજાવતાં કહ્યું. "હા ખબર છે.. પણ તું જ વિચારને ... જો પગલું જ નહીં ભરીએ તો સફળતા કેવી રીતે મળશે? અને તું તો મને અહીં આવવાનું પણ ના કહેતો હતો પણ છતાં હું આવી અને સારું થયું ને .. નહીં તો સાચી વાતની જાણ કેવી રીતે થતી?..." રેવાનો કૌશલ અને વિનયને સમજાવવાનો દરેક પ્રયત્ન વ્યર્થ હતો. તેની વાત સાંભળવા કોઈ તૈયાર જ નહતું ને.. એટલામાં એક છોકરી જલદી જલદી અંદર આવી અને બધાનું ધ્યાન તેની તરફ વળ્યું. " તમેં શું વિચારતાં હતાં ભાગી જશો અને મને ખબર પણ નહીં પડે?.. મારી નજર હંમેશા તમારી પર છે.." અજાણી છોકરી બોલી. કૌશલ અને રેવા તેની વાતોથી ગભરાઈ ગયાં પણ વિનય નકાર માં માથું હલાવી બોલ્યો" અમી તું?.!... ડરાવી દીધાં અમને. .." કૌશલ અને રેવા તો હજું પણ વિચારમાં હતાં કોણ છે આ અને વાતો શું થાય છે!...

વિનયે થોડું હાશકારાં સાથે કહ્યું " આ અમી છે... મારી નાની બહેન. તોફાની બહેન કહો તો પણ ચાલશે... અને અમી આ કૌશલ અને રેવા છે રચનાનાં ભાઈ બહેન.." " ઓહ... તમેં રચનાભાભીનાં ગામથી છો!.... તો એકલાં આવ્યા ભાભીને સાથે ના લાવ્યાં?..." અમીએ હસતાં હસતાં કહ્યું. " કેટલી વાર કહેવાનું અમી... આમ જોર જોરથી ભાભી ભાભી ના બોલીશ.." વિનયે અકળાઇને કહ્યું. રેવાનુ મગજમાં અમીને જોઈને અનેક વિચારો ફરવા લાગ્યા. તેણે વિચાર્યું " વાહ ભગવાન શું જોરદાર મદદ કરી છે!. એક તો વિનયની બહેન, એટલે આ ઘર અને લોકોની બધી ગતિવિધિ જાણતી હશે અને ઉપરથી તોફાની.. રચનાદીદી વિશે પણ બધું ખબર છે.. આ મારી મદદ કરી શકે છે વિનયને લઈ જવામાં.."

રેવાએ થોડું વિચાર કરીને બોલી " તો અમી, તેં અમારી બધી વાતો સાંભળી જ છે તો હું ધારી શકું કે તું અમારી મદદ કરીશ? " કૌશલ અને વિનય થોડાં ગભરાયાં. કે આ બંને છોકરીઓ માથાં ભારે છે.. એકને સાચવવી મુશ્કેલ પડતી હતી ત્યાં બે ભેગાં થશે તો શું થશે!.. કૌશલ અને વિનય એકબીજા તરફ જોઈ ઈશારા માં જ બધી વાત સમજી ગયાં અને કૌશલ રેવાને અને વિનય અમીને સમજાવવાં લાગ્યો કે આ યુક્તિ ખોટી છે.. છોડી દો જીદ.. પણ કહેવાય ને રાજ હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ સૌથી મોટી હોય. અમી અને રેવા સમજવાં વાળાં હતાં નહીં. અને કૌશલ અને વિનય તેમને સાથ નહતાં આપતાં. આવી અસમંજસમાં કોણ કયો રસ્તો અપનાવે તે કહેવું થોડું મુશ્કેલ હોય...

થોડીવાર જીદ કરી બેસી રહેવા પછી રેવાએ અમીને કહ્યું " અમી મારી જોડે એક રસ્તો છે. જો તારાં પપ્પા સમજાવવાથી સમજે તેમ લાગતું નથી પણ એકવાર પ્રયત્ન કરવો જોઈએ. વિનય અને કૌશલ સાંભળી રહ્યા હતાં. રેવાએ ધીમેથી અમીને ઈશારો કર્યો અને ખોટું બોલું છું મારો સાથ આપ પેલાં બે સાંભળે છે .. તેમ કહ્યું. અમી બધી વાત સમજી ગઈ અને તેણે પણ રેવાની જુઠ્ઠી વાતમાં સાથ આપ્યો. ખરેખર રેવા અને અમી વિનયને ઉશ્કેરતા હતાં ઘરથી ભાગવા માટે. રેવાને સારી રીતે ખબર હતી કે વિનય સૌથી વધું તેનાં પિતાથી ડરે છે એટલે તેમને જ નિશાની પર રાખ્યાં. અને વિચાર્યા પ્રમાણે વિનય આ વાત સાંભળી ડરી ગયો અને રેવાને સમજાવવાં લાગ્યો પણ રેવા સમજે તેમ હતી નહીં. તેણે પોતાની યોજના આગળ વધારતાં કહ્યું " અમી ચાલ તારા પપ્પા પાસે લઈ જા મને હું તેમને સમજાવીશ અને રચનાદીદીને અપનાવી લેવા કહીશ. ખાલી ખાલી રેવા અને અમી રૂમની બહાર નિકળ્યા. તેમને ખબર હતી કે પાછળથી બુમ આવશે અને અમને રોકી લેશે. પણ વિનય વિચારોમાં જ અટવાઇ ગયો અને કશું બોલ્યો નહીં. આ જોઈ રેવાએ કહ્યું " થોડું વધારે આગળ જઈએ વિનય આપણી પાછળ જરુર આવશે અને વાત પણ માની લેશે. " ચાલતાં ચાલતાં બંને વિનયનાં પિતાનાં રૂમ આગળ આવી ગયાં. પણ વિનયનો કોઈ અવાજ નહીં. હવે તો રેવાને પણ બીક હતી કે તેની વાત તેનાં પર જ ઉલટી ના પડી જાય. એટલામાં રેવાનો હાથ જોરથી ખેંચાયો અને તેને એક ખૂણામાં ધકેલાઈ. થોડીવાર સમજતાં થઈ કે આ શું છે!.. પણ વિનય હતો જે રેવાને સંતાડી રહ્યો હતો. અમી તો ઘરમાં ફરી શકતી પણ રેવા નહીં એટલે તેને બધાની નજરથી છુપાવક પાછી રૂમમાં લઈ ગયો. અને કહ્યું " શું કરે છે રેવા.?!... ખરેખર તને ખબર પણ છે તું કેટલી મોટી મુશ્કેલી ઉભી કરી રહી છે?!... તું જાણે જ શું છે અમારાં વિશે! " રેવાએ વળતો જવાબ આપ્યો " હા નથી જાણતી હું તમારી વિષે પણ તું તો જાણે છે ને.. છતાં આ બંધકની માફક જીવે છે.. એ વાત મને પણ ખબર છે અને તને પણ કે તારાં ઘેરથી કોઈ ટેકો મળવાનો નથી અને રચનાદીદી સાથે રહેવાનો એક જ માર્ગ છે જે મેં કહ્યું અમારી સાથે ભાગી જા. હવે તું વિચાર તારે કેવી જીંદગી જીવવી છે! " રેવાની ધીરજની હદ ખુટી રહી હતી.

રેવાની વાતોથી પ્રભાવિત થતો વિનય થોડીવાર વિચારી બોલ્યો " સારું. મેં વિચારી લીધું છે મારે શું કરવું છે.. હું આવીશ તમારી સાથે..." આ સાંભળી રેવાની ખુશીનો પાર ના રહ્યો અને તે ખુશીથી ઉછળી પડી. રેવા અને અમી બંને ખુશ હતાં. પણ કૌશલ નહીં. છતાં બધાની વાતથી સહમત થઈ તેણે પણ હા કહ્યું. એટલે વિનયે કહ્યું " તમેં મને થોડો સમય આપો હું મારો જરૂરી સામાન લઈ લઉં. અને વિનય રૂમની બહાર ચાલ્યો ગયો એને થોડીવારમાં અમી પણ જતી રહી. ઘણો સમય થઈ ગયો પણ ના અમી દેખાયી કે ના વિનય. રેવાને ચિંતા થવાં લાગી એટલે તેણે કૌશલને કહ્યું " હું બહાર જઈને જોઈ આવું કેટલે રહી ગયાં એ..." કૌશલે ચોખ્ખી ના પાડતાં કહ્યું " ના... જરાયે નહીં... તને ખબર નથી કોઈ તને જોઈ જશે તો શું હાલત થશે આપણી.." રેવાને થોડો ગુસ્સો આવ્યો કે "બધી વાતમાં ના પાડે છે.. હું તો ક્યાંય નાની બચ્ચી છું તો મને ખબર ના પડે!... " કૌશલ માથું પટકાતા બોલ્યો " અરે એમ નથી કહેતો... પણ થોડું ધ્યાન રાખવામાં શું ખોટું છે?...અને છતાં તારે જવું હોય તો ચાલ આપણે બન્ને જઈએ..." રેવાને હવે લાગવા લાગ્યું હતું કે કૌશલ પોતાને વધારે મહત્વ આપે છે અને મને બીલકુલ શક્તિહીન સમજે છે.. સમજે છે કે હું જાતે કોઈ કામ નથી કરી શકતી.. કૌશલની બધી વાતનો રેવા ખોટોં અર્થ કાઢી રહી હતી.. કૌશલનું ઘણું સમજાવવા છતાં રેવાએ માન્યું નહીં અને તે થોડું આગળ ગઈ. સંતાતા સંતાતા વિનયને શોધવા લાગી . એટલાંમાં એક અવાજ આવ્યો " એ છોકરી.... કોણ છે તું?..." ભારે ભરખમ અવાજ સાંભળી રેવા ગભરાઈ ગઈ અને પાછળ વળીને જોયું તો......શેરસિંહ( વિનયનાં પિતા) ....

અચકાતા અચકાતા રેવાએ પાછળ વળીને જોયું... જોતાં જ તેની આંખોમાં ડર પ્રસરી ગયો... હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યું.. અવાજ તો જાણે ગળેથી નીકળતો જ નહતો... કેમકે તેની સામે ઉભેલો માણસ દેખાવે જ કદાવર કાયા અને અવાજે સિંહની દહાડ... ચહેરાં પર ગુસ્સો અપાર અને હાથમાં બંદૂક તૈયાર.... રેવા તરફ બંદૂક તાકીને ઉભોલો એ માણસ એટલે વિનયનાં પિતા. જેટલી બીક પહેલાં વિનયનાં ચહેરાં પર હતી તેનાંથી કેટલાંય ઘણી બીક રેવાને લાગી રહી હતી.... શેરસિંહ જોરથી દહાડ્યા " બોલ.... કોણ છે તું!... આમ છુપાઈ કેમ રહી હતી?..." રેવાનાં કશું ના બોલવાં પર તેમને ગુસ્સો આવ્યો અને બંદૂકની ઠેસી પર આંગળી ગોઠવી તેને ગોળી મારવાં તૈયાર થઈ ગયાં..

શું થશે રેવાની સ્થિતિ... કોણ બચાવશે તેને!.. શું વિનય તેનાં જ પિતાની વિરુદ્ધ જશે!...


ક્રમશઃ