?આરતીસોની?
?પસ્તાવો?
“એલાવ.”
"હા.. એલાવ કુણ બોલે સે.?"
"મુ બોલું.. સુરખી.."
"ચ્યમ ફોન કર્યો..?"
“ક્રિષ્ના ચમ સે.. હૂ કરે સે.. હારો સે ને..?”
“જયવંત હારે કારુ મુઢું કરીન તું નાહી ગઈ'તી ત્યાર સોકરાની લગારેય ચિંતા નો'તી થઈ..? હૂ વિચારીન તું ફોન કરસ? આજ પસી ચારય ફોન ના કરતી.. હમજી.."
"ક્રિષ્નાના બાપુ એવું ના કેશો.. બઉ યાદ આવતી'તી ક્રિષ્નાની."
"મુ અન કિષ્નો તારું મુઢું જોવા તો નહી…. અવાજ હોભરવાય નહી મોગતાં..”
"એકવાર વાત કરાઓ ક્રિષ્ના હારે.. પસી ચ્યારય ફોન નઈ કરું."
"રોઈ રોઈન ઢોંગ ના કરે. મુ હમજી ગ્યો સુ તન..આજ પસી ફોન ના કરતી.."
ટ્રુ ટ્રુ….
ક્રોધ કરી પશાએ મોબાઇલ મૂકી દીધો !
પણ સુરેખાએ રડતાં રડતાં ફરીથી ફોન કર્યો,
ટ્રીન ટ્રીન ટ્રીન..
“એલાવ…"
"એલાવ… ફોન ના કાપશો કિષ્નાના બાપુ.. તમે મને કહ્યું હતુંં કે ફોન ના કરતી, પણ હું ક્રિષ્ના વિના નઈ રઈ હકુ.. મુંઝાઈ ગઈ સુ.. જયવાએ મન ચોયની ના સોડી..
ક્રિષ્નાની બઉ યાદ આવતી’તી, એની હાર એકવાર વાત કરાઓ... પસી ચ્યારય ફોન નઈ કરું.”
હૈયાફાટ રુદન કરતી સુરેખા એકીશ્વાસે બોલી ગઈ પણ એ બોલતી રહી ગઈ ને ફોન ફરીથી કપાઈ ગયો...
પશાની આંખ સામે એક પછી એક દ્રશ્યો ચિત્રપટ માફક વહેવા લાગ્યા.
પાંચ વર્ષ પહેલાં સુરેખા લગ્ન કરીને સાસરે આવી ત્યારે ફુલ ગુલાબી ગોટા જેવી ને રૂપનો કટકો. પશો એના રૂપથી અંજાઈ ગયો હતો.. પશો રાત દિવસ સુરેખાના રૂપ તળે ન્હાયા કરતો. ને સુરેખાએ એક દીકરો ક્રિષ્નાને જન્મ આપ્યો.. જીવન એમનું હર્ષોલ્લાસ ભર્યું ઝૂલે ઝૂલતા વહી રહ્યું હતું.
પશો ધ્યાન પણ ખૂબ રાખતો સુરેખાનું.. પાણી માંગે ને દૂધ હાજર કરતો પણ સુરેખાને આંખોમાં અસંતોષ નામનો કીડો સળવળ્યા કરતો હતો.. ને રખડું જયવંતની નજર સુરેખા પર બગડતા ફોસલાવી-પટાવી સુરેખાનો દુરુપયોગ કરી શરીર સુખ ભોગવતો. અને ઘરમાં કામ કરતા કરતા પણ સુરેખાની આંખોમાં પણ ગામમાં રખડતો એ જયવંત જ ફર્યા કરતો હતો.
જયવંત કાયમ લાખ તાકીને જ બેઠો હોય કે સુરેખા ક્યારે કોઈ કામથી બહાર નીકળે અને સુરેખા પણ ગમે તે બહાનાં શોધતી ઘરની બહાર નીકળી જવાના. જયવંત એની પાછળ પાછળ જતો અને ગામને છેવાડે આવેલા મંદિરની પાછળ બંને લપાઈ જતાં.
ધીરે ધીરે પશાને કાને વાત આવતા ઘરમાં એણે હોબાળો મચાવી દીધો હતો.. એણે કમાવાને બહાને હવે ગામ છોડી શહેરમાં વસવાટ કરવાનું નક્કી કરી સુરેખાને મનાવી લીધી હતી.. પણ જયવંત સુરેખાનો પીછો એમ છોડે એમાનો નહોતો.. એણે સુરેખાને હમણાં શહેરમાં જવા માટે સમજાવી કહ્યું, 'તારી વાહે વાહે જ મુ આવુ સુ, તારું ઠેકાણું ગોઠવતી થા..'
આવી બધી વાતોથી અજાણ પશાએ થોડીઘણી બચાવેલી હતી માલ મિલકત એ વેચી શહેરમાં દેવું કરીને પણ એક નાનકડું ઘર ખરીદ્યું. અને એ સુરેખા સાથે શહેરમાં રહેવા આવી ગયો.. આમ થોડોક સમય ગયો હશે ને જયવંતે શહેરમાં દેખા દીધી.. પશો હવે આ ઉપાધીને પહોંચે કે શહેરના મસમોટા ખર્ચાઓને પહોંચે.? થાકી-હારી ગયેલા પશાએ કચકચ કરવાની છોડી દીધી હતી અને સુરેખાને કડક શબ્દોમાં સમજાવાય એટલું સમજાવી જોયું.. પણ એક દિવસ પશાને જે વાતનો ડર ભાસતો હતો એવું જ થયું..
"પશા હું હમણાં જ શાક લઈને આવું'સું.. ક્રિષ્નાનું ધ્યાન રાખજે." કહી સુરેખા ગઈ એ ગઈ.. પશો ફસડાઈ પડ્યો, આખી રાત રાહ જોઈ થાક્યો, ગામડેથી કંઈક સુખેથી ચેનથી જીવવાની આશાએ શહેરમાં આવી ઘર વસાવ્યું હતું.. સુખ મેળવવાની અલંકૃતાએ સુરેખાને અંધકારના વમળમાં ફસાવી દીધી હતી.. સુખની શોધમાં છલકાતી નદી ગંદા નાળામાં જઈને ફસાઈ જાય છે..
પાંચ વર્ષનો ક્રિષ્ના સુરેખા જેટલો જ ખરેખર દેખાવડો.. માયાળું તો એટલો હાથમાં લઈને રમાડવાનું મન થઈ જાય. પરંતુ સુરેખા રતિભાર પણ કોખના જણેલા પોતાના છોકરાનોય વિચાર કર્યા વગર જયવંત જોડે ભાગી ગઈ હતી. પતિ પશો ભોળો ને આ દુનિયાની કંઈ જ આવી કોઈ ગતાગમ પડે નહી. એને શું ખબર કે સુરેખા તો મોં કાળું કરીને રખડું જયવંત સાથે ભાગી જ જશે..
જયવંતે ચાર મહિના સુધી સુરેખાને કોઈ અજાણી જગ્યાએ ગોંધી રાખી અને મન ધરાઈ જતાં એને રખડતી ત્યજી દીધી હતી.. ભીતરી તૂટેલા પશાએ સુરેખા વિના જ જીવન વિતાવવું એવું મન મનાવી સ્વસ્થતાનું મહોરું પહેરી લીધું હતું.. સુરેખા પાસે હવે પસ્તાવો કરવા સીવાય કંઈ જ રહ્યું નહોતું..
-આરતીસોની ©