શિવમ રાહીને પોતાના પિતાની ડાયરીમાં લખેલું સત્ય કહી રહ્યો હતો.
“ તે રાત્રે જે મે તે ડાયરીમાં લખ્યું હતું તે વાંચ્યું તો મારા આંખે અંધારા આવવા લાગ્યા. શું કરું શું નહીં તેની કઈ જ ખબર નહોતી પડતી. થોડી જ વારમાં જાણે પૂરો પરિવાર હોવા છતાં હું એકલો થઈ ગયો તેવું મને લાગવા લાગ્યું. મારી આંખોમાથી અશ્રુધારા વહી રહી હતી. ત્યાં મમ્મી – પપ્પાના આવવાનો અવાજ સંભળાયો. હું ફટાફટ આંખ સાફ કરી મારી જાતને સંભાળી પહેલા ડાયરીને કબાટમાં મૂકી. ત્યાં જ મમ્મી-પપ્પા આવી ગયા.
“ શિવમ તું અત્યારે અહી?” ચેતનભાઈ.( શિવમના પપ્પા).
“ અરે પપ્પા કાલ જાઉં છું ને મુંબઈ તો મને થયું થોડીવાર તમારી અને મમ્મી સાથે વાતો કરી લઉં.પણ તમે રૂમમાં નહોતા.” શિવમ.
“ અમે ગાર્ડનમાં બેઠા હતા . ત્યાં આવી જવાય ને બેટા.” દિવ્યાબહેન(શિવમના મમ્મી).
“ હા મે જોયું બાલ્કનીમાં...હું ત્યાં જ આવતો હતો.” શિવમ.
“ બેસ ને બેટા, થોડીવાર વાતો કરીએ.” ચેતનભાઈ.
“ ના પપ્પા હવે હું સૂઈ જાઉં છું. કાલ વહેલી સવારની ફ્લાઈટ છે તો ...અને આમ પણ તમે થાકી ગયા હશો.” શિવમ.
“ ના બેટા હું થાક્યો નથી. બેસ ને થોડીવાર વાતો કરીશું.” ચેતનભાઈ.
“ પપ્પા હું થોડો થાક્યો છું. કાલ સવારે વાત કરીએ.” શિવમ આમ કહી તેના પપ્પાના રૂમમાંથી જતો રહ્યો.
“બેટા હું આવું છું. જોઈ લઉં તારે જરૂરનો કોઈ સામાન રહી તો નથી જતોને?” દિવ્યાબહેન.
***********************************
“મમ્મી મારા રૂમમાં આવ્યા અને મારે જરૂરિયાતની બધી વસ્તુઓ મને આપવા લાગ્યા જે મને મૂંબઈમાં જરૂર પડવાની હતી. મમ્મી મારી સાથે વાતો કરી રહ્યા હતા પણ તેમની વાતો મારા કાને પડતી નોહતી. હું ખૂબ જ આઘાતમા હતો. મમ્મીને આ વિષે વાત કરું કે નહીં તે અંગે હું ખૂબ જ અસમંજશમા હતો. મમ્મી ક્યારની મને બોલાવતી હતી પણ મારૂ ધ્યાન ન હતું. તે સમજી ગયા કે હું કોઈ વાતથી પરેશાન છું. તે મને પૂછવા લાગ્યા કે શું વાત છે? પણ હું તેમને શું પૂછું તે વાત મને ખુદને નહોતી સમજાઈ રહી. આથી મમ્મીને મે “ મુંબઈ જઇ રહ્યો છું બધાને છોડીને તે માટે થોડો ઉદાસ છું” તેમ કહી સમજાવી દીધા.” શિવમ પોતાની વાત બોલ્યે જતો હતો.
“ તારે તારા મમ્મીને આ વાત પૂછી લેવી જોઈતી હતી.” રાહી.
“ પણ તે સમયે મને પૂરી હકીકત ખબર જ નોહતી આથી તેમને હું શું પૂછું કે હું વાત ક્યાથી શરૂ કરું તે મને ખુદને સમજાય નહોતું રહ્યું આથી હું ચૂપ જ રહ્યો.” શિવમ.
“ તું તારી જગ્યા પર સાચો હતો પણ ...તારે બીજે દિવસે મુંબઈ જવાનું હતું. તું તારા જીવનથી જોડાયેલો આટલો મોટો પ્રશ્ન અવગણી ના શકે.” રાહી.
“ મારુ મુંબઈ જવું પણ ખૂબ જ જરૂરી હતું. બીજા દિવસે મારી કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા હતી. ત્યાં જઈને રહેવાની વ્યવસ્થા અને બીજી વ્યવસ્થા જોવાની હતી અને આમ પણ જે વાત મને પપ્પાની ડાયરી થકી જાણવા મળી છે તેના પર આગળ શું નિર્ણય લેવો અને મમ્મી – પપ્પા સાથે તે વિષે શું વાત કરવી તે સમજવા માટે પણ મને પૂરતો સમય મળી રહેત.” શિવમ.
“ જો હું તારી જગ્યા પર હોત તો હું રડી પડી હોત અને મુંબઈ જવું તો દૂર હું રૂમની બહાર પણ ન આવી શકી હોત જો મને ત્યારે જ મારા જીવનથી જોડાયેલ પ્રશ્નોનાં જવાબ ન મળ્યા હોત. પણ તારો નિર્ણય એકદમ સાચો હતો શિવમ. સારું થયું ત્યારે તું ત્યાથી મુંબઈ ચાલ્યો આવ્યો. પણ ડાયરીમાં એવું તે શું લખ્યું હતું કે જેનાથી તને ખબર પડી કે તે તારા માતા-પિતા નથી?” રાહી.
“ ડાયરીમાં લખ્યું હતું કે હું જ્યારે ૬ મહિનાનો હતો ત્યારે પપ્પા મને આ ઘરમાં લઈ આવ્યા હતા. હું કોઈ અનાથ નથી. મારા પણ પિતા છે. મારા સગા પિતા. પણ એવું કઇંક દુખદ બન્યું કે પપ્પા મને આ ઘરમાં લઈ આવ્યા અને મને પોતાનો સગો દીકરો બનાવી પોતાનું નામ આપ્યું.”શિવમ.
“ તે ઘટના શું હતી તે ડાયરીમાં કઇં જાણવા મળ્યું તને?” રાહી.
“ બસ એટલુ જાણ્યું કે હું મારા પિતાના સૌથી ખાસ મિત્ર છે તેમનો પુત્ર છું.તે દિવસે તેમની વચ્ચે કઇંક એવું તે બન્યું કે તેમની વર્ષોની મિત્રતા તૂટી ગઈ અને પપ્પા મને હંમેશા માટે સુરત લઈ આવ્યા.” શિવમ.
“ તો તારા સગા પિતા મતલબ...કે... તારું ઘર ક્યાં છે તે કઈ તેમાં લખ્યું હતું? તારા મમ્મીએ પણ આ વાતનો વિરોધ ન કર્યો કે તારા હાલના પિતા તને સુરત લઈ જાય છે.?” રાહી.
“ મને તો તે સમજ નથી પડતી કે કોને પિતા કહું હકીકતમાં જે પિતા છે તેમને કે પછી જેને મને ઉછેરીને મોટો કર્યો તેને? મને ખબર છે કે તને પણ ‘પિતા’ શબ્દ બોલવા સમયે ખૂબ મુંજવણ થતી હશે. કે તું કઈ રીતે મારી સાથે મારા પિતા વિષે વાત કરે?” શિવમ.
“ તું ચિંતા ન કર.હું સમજી શકું છું તારી પરિસ્થિતી.તું બસ વાત કરી તારા મનનો ભાર હળવો કરી દે.” રાહીએ શિવમના હાથ પર પોતાનો હાથ રાખ્યો.
રાહીને ખબર નહોતી પડતી કે આમ શિવમનો હાથ પકડવો ઠીક રહેશે કે નહીં? પણ તે શિવમને આમ દુખી નહોતી જોઈ શક્તી. તેને શિવમના ખભા પર હાથ રાખી સાંત્વના આપી.
“ તેમાં લખ્યું હતું કે મારા સગા પિતા મોરબીના રહેવાશી છે. તે કોઈ મોટા જમીનદાર હતા. મારા પિતા પણ મોરબીમાં જ રહેતા અને તે બંને નાનપણના મિત્રો હતા.પણ ત્યારપછી તેઓ મળ્યા નથી.”શિવમ.
મોરબીનું નામ સાંભળતા જ રાહી ચમકી. તેની પકડ શિવમના હાથ પરથી થોડી ઢીલી થઈ.
“ મારા સગા મમ્મી કોણ છે? ક્યાં છે? તેઓએ મને કેમ છોડ્યો બાકી મને કઇં જ નથી ખબર અને મારી પપ્પાને કે મમ્મીને પૂછવાની હિંમત પણ નથી થતી. ખૂબ જ કોશિશ કરી મે આ વિષે મમ્મી-પપ્પા જોડે વાત કરવાની પણ હું નિષ્ફળ રહ્યો. પછી હું થાકી હારીને અહી આવી ગયો. માટે હું ઘરે વારંવાર નથી જતો કે નથી મમ્મી-પપ્પાને અહી રહેવા આવવા કહેતો.મારામાં એટલી હિંમત નથી સાચું જાણતા હોવા છતાં મમ્મી-પપ્પા જોડે ખોટું હસીને હું ઠીક છું તેમ નાટક કરતાં રહેવાની.” શિવમ.
“શિવમ હું સમજી શકું છું તારી હાલત કે તને આ વાત જાણ્યા પછી કેટલો આઘાત લાગ્યો હશે. પણ એક દિવસ તો તારે હકીકતનો સામનો કરવો જ પડશે. તો પછી અત્યારે જ કેમ નહીં? જો તને તારા પપ્પાને સામેથી પૂછવાની હિંમત ન હોય તો તું કોઈ ચિઠી કે મેસેજ દ્વારા તારા મનમાં રહેલા પ્રશ્નો પૂછી શકે.તેનાથી તને સરળ પણ લાગશે અને તારા પિતા તને સામે ચાલીને હકીકત જણાવશે અને સૌથી મોટી વાત આમ કરવાથી તારા મનનો ભાર હળવો થઈ જશે.” રાહી.
“ નહીં રાહી મારે આમ નથી કરવું. હું પહેલા મારી રીતે જ તપાસ કરીશ. પપ્પાના કોઈ તો બાળપણના એવા મિત્ર હશે ને જે મારા સગા અને પાલક પિતા બંનેને ઓળખતા હોય. અત્યારે હું કારણ વગર જ પપ્પાને પ્રશ્નો કરી તેમને દુખી કરવા નથી માંગતો. ભલે મારે દુખી થવું પડે પણ હું પપ્પાને કોઈપણ કારણથી દુખી જોવા નથી માંગતો.” શિવમ.
“ ઠીક છે શિવમ તારી જેવી ઈચ્છા. તારે મારી કોઈપણ મદદની જરૂર હોય તો મને ચોક્કસ જણાવજે. હું તારી બધી રીતે મદદ કરીશ.” રાહી.
“ મદદ તો ઈશ્વર કરશે મારી પણ હવે તું સાથ છોડીને ન જતી..”શિવમે રાહીનો હાથ પકળતા કહ્યું.
શિવમે રાહીનો હાથ પકળતા તેના મનમાં એક અદભૂત લાગણી જન્મી ગઈ.રાહીને પોતાને શું થઈ રહ્યું હતું તે તેને પણ ખબર નહોતી. કદાચ તે શિવમને પસંદ કરવા લાગી હતી...પણ આ સમય લાગણી દર્શાવાનો નહોતો આથી રાહીએ પોતાની જાતને સંભાળી.
“ શિવમ ખૂબ મોડુ થઈ ગયું છે.હવે ઘરે જવું જોઈએ.” રાહી.
“ હું આવું છું તને છોડવા.” શિવમ.
“ અરે ના તું ચિંતા નહીં કરીશ. હું જતી રહીશ. તું તારું ધ્યાન રાખજે. ઉદાસ જરા પણ ન થતો. એકલું લાગે ત્યારે મને ફોન કરી લેજે. અને આપણે સાથે મળી જલ્દી તારા પ્રશ્નોની હકીકત શોધી કાઢશું. ચાલ હવે હું જાઉં.” રાહી.
“ ઠીક છે. તું પણ તારું ધ્યાન રાખજે અને આજ માટે આભાર.” શિવમ.
“ રાખ તારો આભાર તારી પાસે.”રાહી.
શિવમ અને રાહી બંને હસી પડ્યા..બંને પોતના ઘર તરફ જવા નીકળ્યા.
***********************************************
શિવમ અનાથ નથી તો કોણ છે તેના માતા – પિતા? શું છે શિવમના જીવનની હકીકત? રાહીને શિવમ વિષે જે અનુભવ થઈ રહ્યો છે તેનું શું પરિણામ આવશે? શું બંને હકીકત સુધી પહોંચી શકશે ? જોઈશું આવતા ક્રમમાં..