હું રાહી તું રાહ મારી..- 7 Radhika patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહી તું રાહ મારી..- 7

રાહી અને શિવમ બંને કોફીશોપ પર જાય છે. ત્યાં બંને બેસી વાતો કરતાં હોય છે ત્યાં શિવમે રાહીને તેના જૂના બોયફ્રેંડ વિષે પૂછ્યું.
“ તેનું નામ વંશ છે.” રાહી.
“ તો તમારું બ્રેક –અપ થવાનું કારણ શું ? તારો તો સ્વભાવ પણ કેટલો સારો છે તો પણ એવું શું થયું કે તે તારા જોડે આ રીતે વ્યવહાર કરતો હતો.” શિવમ.
“ અમારી કોઈ કહાની નથી. બસ એક સીધી વાત છે. હું એક મુક્ત વિચાર ધરાવતી છોકરી અને તે એક સંકુચિત વિચારધરણાં રાખતો જુનુની મગજનો છોકરો છે. બસ આ જ છે અમારો સંબંધ તૂટવાનું કારણ. હું કોલેજમાં બધા છોકરા જોડે વાત કરું તે વાત તેને ન ગમતી અને હમેશા તે મારા પર શંકા કર્યા કરતો.” રાહી.
“ આ તો ખૂબ જ ખોટું કહેવાય. શું કોઈ સાથે માત્ર વાત કરવાથી કોઈ જોડે ખોટો સંબંધ હોય તેવું કોઈ કઈ રીતે નક્કી કરી શકે ? અને જ્યારે તે વ્યક્તિ પોતાનું પ્રિય પાત્ર હોય ત્યારે શક કરવો કેટલા અંશે વાજબી કહેવાય?” શિવમને સવાલ થયો.
“ આ જ વાત મને સમજાતી નહોતી. પણ હું સમજી નહોતી શક્તી કે જ્યારે વિચારધારા કોઈ બે માણસની સરખી ના હોય ત્યારે સંબંધ નિભાવવો થોડો મુશ્કેલ બની જાય છે.” રાહી.
“ તો આ વાત તે તેને સમજાવવાની કોશિશ ન કરી?” શિવમ.
“ તને એવું લાગે છે કે મે તેને આ વાત સમજાવવાની કોશિશ નહીં કરી હોઈ? મે તો શું આ વાત મારા ઘરના લોકોએ પણ તેને સમજાવવાની કોશિશ ખૂબ જ કરી હતી. પણ તેની વિચારધારા ક્યારેય ન બદલાઈ. તે હમેશા મને શકની નજરથી જ જોતો હતો. મમ્મી- પપ્પા એ પણ મને આ સંબંધ છોડી દેવા માટે કહ્યું પણ હું તેના પ્રેમમાં હોવાથી મને થોડી આશા જણાતી હતી કે હું તેને બદલી શકીશ. પણ તે ક્યારેય ના થઈ શક્યું. બદલ્યું ખરું પણ મારો વિચાર તેને હંમેશા માટે છોડી દેવાનો અને આખરે અમે છૂટા પડી ગયા.” રાહીએ પોતાની વાત પૂરી કરી.
“ અચ્છા તો તારા ઘરમાં પણ આ વાતની ખબર હતી?” શિવમ.
“ હા હું મારા ઘરમાં બધી વાતો જાણવું છું. હું અને વંશ લગ્ન કરવાના હતા ભવિષ્યમાં આથી આ વાત મે મમ્મી – પપ્પા ને પહેલા જ જણાવી દીધી હતી. પણ હવે આ વાતોનો કોઈ મતલબ નથી. હવે મને તેની વાતોથી કે તેના વર્તનથી કોઈ ફર્ક નથી પડતો. હા ચોક્કસ મને તેના પ્રત્યે સંબધ તૂટ્યા પછી લાગણી હતી પણ વારંવારના તેના આવા વર્તનના લીધે હવે મારૂ હદય પત્થર જેવુ થઈ ગયું છે. હવે મારૂ હદય પ્રેમની સંવેદના અનુભવતું નથી.” રાહી.
“ ના તે વાત બિલકુલ ખોટી છે કે તું પ્રેમની સંવેદના નથી અનુભવતી. તું પહેલા જેવી જ છે પણ તારા જીવનમાં આવેલા એક ખોટા માણસના લીધે તને પ્રેમનો ખરાબ અનુભવ થયો જેને તને પ્રેમ તકલીફ જ આપે છે તેવી ધારણામાં બાંધી લીધી.” શિવમ.
“ મારા વિષે આ વાત તું આટલી ખાતરીથી કઈ શકે?” રાહી.
“ જેમ મને પ્રેમમાં ખરાબ અનુભવ થયો ત્યારે જે રીતે તે મને સંભાળ્યો હતો તે રીતે હું ચોક્કસ કહી શકું કે તારી અંદરથી પ્રેમ ખતમ નથી થયો પણ તને આજ દિવસ સુધી કોઈ તારે યોગ્ય માણસ માણસ મળ્યો જ નથી. જે મારી સાથે થયું તે જ તારી સાથે થયું છે ફર્ક માત્ર એ છે કે આપણી બંનેની કહાની અલગ છે પણ સાર તો બંનેના સંબંધનો તે જ છે કે આપણાં બંનેના સાથીમાં આપણને કે આપણાં પ્રેમને સમજવાની લાયકાત જ નહોતી. હું તો મારી જાતને મારી પ્રેમિકાથી દૂર થઈ ખૂબ જ ખુશ નશીબ સમજુ છું. જો હજુ પણ હું તેની સાથે હોત તો ખોટા ભ્રમમાં જ જીવતો હોત. એક સત્યએ ઘણી બધી તકલીફ તો આપી પણ મારા ભવિષ્યને સુરક્ષિત કરી દીધું અને હા તારા જેવી સમજદાર મિત્ર પણ આપી દીધી. આથી આમ જોતાં તો હું કોઈ નુકશાનમાં નથી.” શિવમે રાહીની આંખોમાં કોઈ અજીબ ભાવનાથી જોયું. જે રાહી સમજી તો ના શકી પણ તેને ગમ્યું.
“ તો તું આવું માને છે કે કોઈ છોકરી જો કોઈ છોકરા જોડે વાત કરતી હોઈ તો તે મિત્રતાના ભાવે પણ વાત કરતી હોઈ નહીં કે કોઈ બીજી કોઈ ભાવનાથી?” રાહી.
“ દરેક વખતે જરૂરી નથી હોતું કે કોઈ છોકરી કે છોકરો વાત કરતાં હોઈ તો તે પ્રેમી જ હોઈ કે પછી તેમના વચ્ચે કોઈ ખોટા સંબંધ જ હોઈ. તે બંને સારા મિત્રો પણ હોઈ શકે. અને મારા નજરે કોઈ ખોટો સંબંધ હોતો જ નથી. મારા નજરે પ્રેમ કોઈ ગુનો નથી.” શિવમ.
“ કદાચ તારા જેવી વાત બધા છોકરાઓ સમજી શકતા હોત..!!” રાહી.
“ પણ તું તો સમજે છે ને !! બસ મારા માટે આટલું બસ છે. મારા મનની વાત મારા મિત્રો સમજે તેનાથી વધારે મારે કઈ નથી જોઈતું મારે એક મિત્રતાના સંબંધમાં..” શિવમ.
રાહી શિવમને માત્ર જોઈ રહી કઈપણ બોલ્યા વગર... શિવમ પણ તેને જોતો હતો. કોફીશોપમાં વાતાવરણ પણ કઇંક એવું બનાવવામાં આવ્યું હતું કે ત્યાં આવેલા દરેક કપલ એક-બીજામાં ખોવાય જાય..આખા કોફીશોપમાં માત્ર બે જ મુખ્ય લાઇટો હતી બાકી બધે જ અંધારું હતું. દરેક ટેબલ પર એક આછા પ્રકાશની હેંગિંગ લાઇટ હતી. રાહી અને શિવમ આમ તો કપલ હતા નહીં પણ બંનેને એક બીજાનો સાથ ગમતો હતો. તેમની વચ્ચે શરૂ થયેલી એક સામાન્ય ચર્ચા પૂરી થઈ ગઈ હતી અને સાથે કોફી પણ.. પણ આ વાતનો બંનેમાથી કોઈપણને અંદાજ નહોતો. થોડો સમય આમ જ બંને મૌન રહ્યા. તે બંનેને એક બીજાનું મૌન પણ ગમવા લાગ્યું હતું પણ આ વાત તેમના હદય સુધી હજુ પહોચી જ નહોતી. રાહીના ફોનની રિંગ વાગી ત્યારે બંને અચાનક જ ભાનમાં આવ્યા..રાહી થોડી શરમાય ગઈ અને તેની આંખો ઢળી ગઈ. સામે શિવમ પણ શરમાયને આમ તેમ જોવા લાગ્યો. રાહીના મમ્મીનો ફોન આવી રહ્યો હતો.
“ હા, બોલ મમ્મી.” રાહી.
“ બેટા તું ક્યારે જમવા આવે છે ? જમવાનો સમય થવા આવ્યો છે.” વીણાબહેન.
“ મમ્મી હું થોડી જ વારમાં ઘરે પહોચું છું.” રાહી.
“ ઠીક છે.” વીણાબહેન.
“ મમ્મીનો ફોન હતો. જમવાનો સમય થઈ ગયો છે તો ફોન આવ્યો હતો. ઘરે બધા સાથે જ જમવા બેસીએ આવો નિયમ છે..” રાહી.
“ ખૂબ સારી વાત છે. નસીબદાર છે તું.” શિવમ.
“કેમ તમે ઘરે સાથે નથી જમતા બધા?” રાહી.
“ એક વ્યક્તિના લીધે પરિવાર છૂટી ગયો. અને આમ પણ અમારા સાથે ન જમવાના ઘણા કારણો છે.” શિવમ.
“ મતલબ ? હું કઈ સમજી નહીં.” રાહી.
“ અરે કઈ નહીં.” શિવમ.
“ ના કઇંક તો છે જ ..” રાહી.
“ અરે,.. તે વાત પછી ક્યારેક કહીશ, ખૂબ જ લાંબી વાત છે.અત્યારે આમ આ રીતે મારે નથી કહેવી.” શિવમ.
“ ઠીક છે. તારે જ્યારે ઈચ્છા થાય ત્યારે કહી દેજે.” રાહી.
“ હમમ..” શિવમ.
“ ચાલ તો હવે હું નિકળૂ ઘરે જવા માટે.બાય.” રાહી.
“ રાહી એક મિનિટ..” શિવમ.
“ હા બોલ..શિવમ.” રાહી.
“ આજ હું તારી પાસે કઇંક માંગુ તો તું મને આપીશ?” શિવમ.
રાહીએ થોડું વિચારી શિવમની આંખોમાં જોઈને હા કહ્યું.
શિવમ રાહી પાસે કઈ વસ્તુ માંગવાનો હશે? શિવમ કેમ આટલો ભાવુક બનીને વાત કરી રહ્યો હતો? તેના મનમાં શું ચાલી રહ્યું હતું? રાહી શિવમની માંગણી પૂરી કરશે ખરી? જોઇએ આવતા ક્રમમા..