હું રાહી તું રાહ મારી
“હું તારી રાહ માં “ ના સારા પ્રતીભાવ પછી આજ ફરીથી હું ફરીથી આજ વાતને કઇંક નવા અંદાજથી વાંચકમિત્રો સમક્ષ રજુ કરવા જઈ રહી છું. મને આશા છે કે " હું રાહી તું રાહ મારી " થી ફરી એક વખત વાંચકમિત્રોને આપવા જઈ રહેલી નવી કહાની ને હું રોચક બનાવી શકું અને સમાજને કોઈ પ્રેરણાદાયક વિચાર આપી શકું. “હું તારી રાહ માં “ ના બધા વાંચકમિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું જેમને મારી વાતને વાર્તાના સ્વરૂપમાં વાંચી અને અપનાવી. હું આશા રાખું છું કે ફરી એક વખત મને આવા જ પ્રતીભાવ મને મારી નવી વાત કહેવા માટે મળશે. તો ચાલો ફરીથી જઇએ એક નવી સફરમાં .....
" હે ભગવાન ખૂબ જ મોડુ થઈ ગયું છે અને આ રિક્સા પણ જો ...આજે જ સ્કૂટી ખરાબ થવું હતું..? મનમાં જ બોલતી રાહી બેચેનીથી રીક્ષાની રાહ જોતી હતી. ફ્લાઈટ સવારના 11:00 વાગ્યાની હતી અને 9:30 એ એક રીક્ષા મળી. રિક્ષા મળતા જ રાહીને થોડો હાશકારો થયો. રાહી ખૂબ જ ઉત્સુક હતી..અને થાય જ ને...આ તેનો મુંબઈનો પહેલો પ્રોજેકટ હતો. આમ તો રાજકોટમાં તેને ઘણા નાના –મોટા પ્રોજેકટ પર કામ કર્યું હતું પણ મુંબઈમાં પ્રોજેકટ મળવો રાહી માટે ખૂબ જ મોટી વાત હતી.
રાહી મનોમન વિચારી રહી હતી કે મુંબઈના આ પ્રોજેકટ પછી માર્કેટમાં પોતાના ઇન્ટિરિયર સ્ટુડિયોનું નામ ઘણું મોટું બનવાનું હતું તે વિચારી ઉત્સુકતા અનુભવતી હતી . વિચાર કરતાં જ તે 10:00 વાગ્યા આસપાસ એરપોર્ટ પોહચી ગઈ. ફ્લાઈટને હજુ એક કલાકનો સમય હતો. વેઇટિંગ એરિયામાં બેસી તેને મમ્મીને એરપોર્ટ પોહચી ગઈ હોવાના સમાચાર આપી દીધા.
11:00 વાગ્યે ફ્લાઇટ મુંબઈ જવા રવાના થઈ. 12:00 વાગ્યા આસપાસ રાહી મુંબઈ પોહચી ગઈ. ક્લાઈન્ટને મળવાનો સમય 3:00 વાગ્યાનો હતો . આથી રાહીએ હોટલમાં રૂમ રાખી થોડો આરામ કરવાનું વિચાર્યું. હોટેલ પર આવી બપોરનું જમવાનું પતાવી રાહીએ રૂમમાં જઇ પહેલા પોતાના નિત્યક્રમ પ્રમાણે પોતાનો બપોરની દવાઓ લીધી.
રાહીએ પેહલા રૂમના ઇન્ટિરિયરનું નિરીક્ષણ કર્યું. તેની નજર કબોર્ટની બાજુમાં ગોઠવેલા અરીશા પર પડી. જોવામાં ખૂબ જ સુંદર લાગતો અરીશો એકદમ ચોખ્ખું પ્રતિબિંબ આપતો હતો. તેમાં રાહી પોતાનું જ પ્રતિબિંબ જોઈને પોતાનું જ નિરિક્ષણ કરતી હતી.
ઊંચો બાંધો , સુડોળ શરીર, ઘઉંવર્ણ દેખાવ , કુદરતી નજાકત્તા ભર્યો સ્મિત મઢેલો ચહેરો. જે કોઈ પણ તેને જોવે તે પોતાની નજર હટાવી ન શકે. પણ આ ચહેરાની એક બીજી બાજુ પણ હતી. રોજ રોજ દવા પી ને કંટાળી ચૂકેલી રાહી હતી. પોતાની જાતને અરીશામાં જોતાં જ તેને મનોમન પ્રશ્ન થઈ જ જતો કે કેમ મારે જ આ દવાઓ પીવી પડે છે? રાહી આ દવાઓ પીને કંટાળી ચૂકી હતી. તેનામાં આમ જોઇએ તો કોઈ ખામી હતી જ નહીં પણ તેને વાય એટલે કે ડોક્ટરોની ભાષામાં એપીલેપ્સીની પ્રોબ્લેમ હતી. જે દરેક લોકોમાં સામાન્ય રીતે હોય છે પણ જેમનું મગજ સામાન્ય લોકો કરતાં તેજ ચાલતું હોય તે લોકોને ક્યારેક ચક્કર આવવાની પ્રોબ્લેમ થઈ જતી. આવા લોકોમાંની એક રાહી પણ હતી.
ફોનની રિંગ વાગતા રાહી વિચારોમાંથી બહાર આવી. ફોન તેના મમ્મીનો હતો. ચોક્કસ દવાનું યાદ અપાવવા જ મમ્મીએ ફોન કર્યો હશે આમ વિચારી રાહીએ ફોન ઉયડ્યો. “ બેટા તું જમી? થોડો આરામ કરજે હો અને દવા પીવાનું ન ભૂલજે...” વીણાબહેને પોતાની દીકરીની સંભાળ લેતા કહ્યું. “ હા, મમ્મી હું ઠીક છું અને દવા પણ લઈ લીધી છે. તું ચિંતા નહીં કર.” રાહી.
થોડી જરૂરી વાત કરીને રાહીએ ફોન મૂક્યો. ફોનમાં સમય જોયો તો 2:00 થવા આવ્યા હતા. ક્લાઈન્ટને 3:00 વાગ્યે મળવા જવાનું હતું. આથી રાહી જવાની તૈયારીઓ કરવા લાગી. જીન્સ પર ફોર્મલ શર્ટ પહરેલી રાહી એકદમ બીજનેસવુમેન લાગતી હતી. હોટેલ પરથી નીકળી રાહીએ ટેક્સી કરી અને કોફીશોપ તરફ જવા નીકળી. જ્યાં તેની ક્લાઈન્ટ સાથે મુલાકાત હતી.
બરાબર 3:00 વાગ્યે રાહી મુલાકાત સ્થળ પર પોહચી ગઈ હતી. હજુ ક્લાઈન્ટ આવ્યા ન હતા. આથી એક ખૂણા પરના ટેબલ પર બેસતા તેને કોફીનો ઓર્ડર કર્યો. થોડા જ સમયમાં ક્લાઈન્ટ મિસ્ટર. શાહ પણ આવી ગયા હતા. ક્લાઈન્ટને પોતાના ફ્લેટમાં ઇન્ટિરિયર કરાવવાનું હતું આથી તે પોતાના પત્ની મિસીસ. શાહને પણ સાથે લાવ્યા હતા. 5:00 વાગ્યે શાહ દંપતિની પોતાના સપનાના ઘરની જરૂરિયાતો વિષે ચર્ચા કરી ઘર જોવા માટે ગયા જ્યાનું ઇન્ટિરિયર રાહીએ કરવાનું હતું.
ઘર ખાસ્સું મોટું હતું અને ચાર રૂમવાળા આલીશાન ઘરને પોતાના સપનાના ઘરમાં ફેરવવાની જવાબદારી આપી હતી શાહ દંપતિએ રાહીને. આથી રાહી માટે આ માત્ર પોતાનું કામ કે કોઈ ઘરનું ઇન્ટિરિયર નહીં પણ ખૂબ મોટી જવાબદારી થઈ ગઈ હતી.
પોતાનું કામ તો હવે પૂરું થઈ ગયું હતું મૂંબઈમાં. ટ્રેન પણ 10:00 વાગ્યાની હતી. રાહી પાસે ખાસ્સો સમય બચ્યો હતો. ખરીદી કરવા જવાની કોઈ ઇચ્છા નોહતી રાહીની. આથી તેને મુંબઈની સફર કરવાનું વિચાર્યું. આથી તે મુંબઈની સફર માટે નીકળી ગઈ. ફોટોગ્રાફીની રાહી ખૂબ શોખીન હતી. તે સફરમાં હંમેશા તેનો કેમેરો સાથે જ રાખતી. તે મુંબઈના દ્રશ્યોને પોતાના કેમેરાની અંદર કેદ કરવા લાગી.
થોડું ઘણું મુંબઈ ફરી આખરે રાહી થાકી આથી તે થોડું ઘણું જમવા માટે ઈચ્છા થઈ . આજે તેને હોટલનું જમવાની ઇચ્છા નહોતી પણ પાક્કા ગુજરાતીની જેમ જ કઈંક લારી પર ખાવાની ઇચ્છા હતી. આથી તેને આજે મન ભરીને પાણિપુરીનો આનંદ માણ્યો.
હવે તે ખૂબ જ થાકી હતી. આથી તેને જુહુ બીચ જવાનું વિચાર્યું. આમ પણ ટ્રેન રાતના 10:00 વાગ્યાની હતી અને રાતના 8:30 વાગી રહ્યા હતા. જુહુ બીચ આવી તે શાંતીથી બેઠી હતી. થોડા થોડા અંતરે લવબર્ડ્સ પોતાનામાં ખોવાયેલા જોવા મળતા હતા. પણ રાહી આ બધાથી અલગ થોડે દૂર બેસી પોતાના આગળના કામ વિષે વિચારી રહી હતી. ઘણા ઇન્ટિરિયરના કામ કર્યા પણ આ પ્રોજેકટ તેના માટે એક સફળતાનું શિખર સાબિત થઈ શકે તેમ હતું. આથી તે આ પ્રોજેકટમાં પોતાની બધી મહેનત લગાવી દેવા માંગતી હતી.
રાહી પોતાના કામ વિષે વિચારી રહી હતી. નીરવ શાંતી હતી ચારે તરફ. અચાનક કોઈ એક તરફથી જોર જોરથી ચીસોનો અવાજ આવવા લાગ્યો. જાણે કોઈ કોઇની જોડે મોટા અવાજમાં વાત કરતું હોય કે પછી જગડાના સ્વરમાં વાત કરી રહ્યું હોય. રાહીએ પેહલા એ તરફ ધ્યાન ન આપ્યું પણ જ્યારે અવાજ વધારે ને વધારે આવવા લાગ્યો તો રાહીએ તે તરફ પોતાનું ધ્યાન દોર્યું....
કોણ હતું ત્યાં ? કેમ આટલા શાંત વાતાવરણમાં જગડો કરી રહ્યું હતું ? શું તે રાહી જાણી શકશે? રાહીના જીવનમાં આવનારા આ નવા બદલાવ વિષે જાણીશું આવતા ક્રમમાં ...