નિયતિ - ૩૮ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ - ૩૮

રાતના હવે મુરલી પાસે તો આવતો હતો એને વહાલથી માથામાં હાથ ફેરવી સુવડાવી પણ દેતો, ત્યારે ક્રિષ્નાની આંખોમાં આંસુ આવી જતા. એને ખબર હતી કે મુરલી જાણીને એની સાથે શારીરિક સંબંધ નથી બાંધતો. જુવાન જોધ માણસ પત્નીને એના પડખામાં દબાવીને સૂતો હોય ત્યારે એના અંતરમાં કેવા કેવા અરમાન જાગતા હશે? મારો મુરલી બિચારો એક હરફ સુદ્ધાં ઉચ્ચારતો નથી! ક્રિષ્નાને થતું કે એ મુરલીને કોઈ જાતનું સુખ આપી શકતી નથી. જેને પ્રેમ કર્યો એને ગળે હવે એ જળોની જેમ વળગી હોય એવું એ મનોમન માનતી થઈ હતી. મુરલી ના એને છોડી શકે છે ના એનાથી છૂટી શકે છે!

ક્રિષ્નાને હવે વારંવાર એમ થતું કે આ દુનિયા છોડી જવાનો વખત આવી ગયો છે....એની જરાય મરજી ન હતી મુરલીથી દૂર જવાની પણ એમ કરવું જરૂરી હતું, મુરલી માટે જ. એને હવે થોડોક જ વખત જીવવું હતું. મુરલીના બાળકને જનમ આપવો હતો. પણ નિયતિ એનાથી રૂઠી હતી. પિલ્સ લેવાનું બંધ કર્યુ છતાં એ ગર્ભવતી ના થઈ. એકવાર વાતવાતમાં મુરલીએ કહેલું કે ક્યારેય કોઈની સાથે બીજા લગ્ન નહિ કરે! આખી જિંદગી એ બસ ક્રિષ્નાને જ ચાહતો રહેશે! ત્યારે ક્રિષ્નાની બાળક આપીને જવાની ઈચ્છા વધારે જોર કરવા લાગી હતી. પણ, કેવી રીતે?
એની ઈચ્છા હતી મુરલીને એક બાળક ભેંટ આપીને જવાની. એના ગયા પછી એનો મુરલી એકલો પડી જાય એ એને મંજૂર ન હતું. એ મનોમન ભગવાનને વિનાવતી રહી બસ, એક બાળક આપી દે....! ફરીવારના ઓપરેશન પછી મુરલીએ ક્રિષ્નાના માબાપને પણ એના ઘરે જ બોલાવી દીધેલા. એણે હવે વધારે વખત કામ પાછળ આપવા માંડેલો. રૂપિયાને લીધે ક્રિષ્નાની સારવાર અટકવી ના જોઈએ! એનું બનાવેલું એપ “લવ મોમેન્ટ્સ” ઘણું પ્રચલિત થઈ ગયું હતું. ક્રિષ્નાનો વિડિયો વાઇરલ થઇ ગયેલો અને એ જોયા પછી લોકોએ પણ એવા મેસેજ મૂકવા માંડેલા. મુરલી પૂરું ધ્યાન રાખતો કે ક્રિષ્નાની પ્રેગ્નનસી ટાળી શકાય....એ કોઈ જોખમ લેવા નહતો માંગતો.

આખરે નિયતિએ એનું વચન પાળ્યું હતું. લગ્નને નવમે વરસે ક્રિષ્નાને ગર્ભ રહ્યો હતો. કેવી રીતે એનો કોઈ જવાબ ન હતો! એકાદ નબળી ક્ષણે મુરલીએ ક્રિષ્નાને પ્રેમ કર્યો હતો અને એ ક્ષણ, એ ક્ષણે એક નાનકડું બીજ અંકુરિત કરેલું ક્રિષ્નાના ગર્ભમાં....! આ દુનિયામાં કેટલાય એવા પ્રસંગ બની જાય છે જેનો જવાબ આજે પણ મેડિકલ સાયન્સ પાસે નથી. મુરલીની સમજમાં જ ના આવ્યું એનાથી ક્યાં ભૂલ થઈ ગઈ. ક્રિષ્ના પિલ્સ નહતી ગળતી એ હવે એની ધ્યાનમાં આવ્યું. એ ખૂબ ગુસ્સે થયો પણ ક્રિષ્નાની આંખોમાં ધસી આવેલા આંસુ જોઈને એનો બધો ગુસ્સો પી ગયો! એણે ગર્ભપાત કરાવવાનું નક્કી કર્યું. ક્રિષ્ના એ માટે હરગિજ તૈયાર ન હતી. પોતાની જિંદગી માટે એ પોતાના બાળકનો જીવ લેવા તૈયાર ન હતી. મુરલીએ ઘણું સમજાવ્યું પણ ક્રિષ્ના ના માની! પોતાના જીવને ભોગેય એને બાળક જોઈતુ હતું. છેલ્લે એના પતિ સાથે સુખેથી રહેતી રોઝી ક્રિષ્નાની મદદે આવી....

એણે ક્રિષ્નાનો બે માસનો ગર્ભ પોતાના પેટમાં મુકાવ્યો. અત્યાર સુધી મુરલીએ કરેલ દરેક અહેસાનનો બદલો ચૂકવવાનો એને મોકો મળ્યો હતો. એને લીધે જ આ બંને જણાને છ મહિના દૂર રહેવું પડેલું એ ભૂલની સજા રૂપે પણ એ ક્રિષ્નાના બાળકને જનમ આપવા તૈયાર થઈ ગઈ...! એ તંદુરસ્ત હતી અને બાળકને જન્મ આપવામાં એને કોઈ મુશ્કેલી નડે એવું ન હતું.

આખો દિવસ ક્રિષ્ના એના આવનાર બાળકના સપના જુએ છે. રોઝીનું બધાને ધ્યાન રાખવા કહે છે. એણે ઘણા બધા વિડિયો રેકોર્ડ કરી રાખ્યા છે, ઘણા મેસેજ છોડ્યા છે જે ચોક્કસ સમયે મુરલીને મળતા રહેશે ભલે એ આ દુનિયામાં હોય કે ના હોય! બધા લોકો એને સાચવ્યા કરે છે અને આ પ્રેમ જ એને અંદરને અંદર ગુગળાવી રહ્યો છે! એને જીવવું છે પણ, મન કહે છે ક્રિષ્ના તારો સમય પૂરો થવા આવ્યો! કેમ? કેમ હું જ? આ સવાલનો કોઈ જવાબ નથી એની પાસે. બીજા કોઇને એ આ સવાલ પૂછી નથી શકતી. એના માબાપ અચાનક જ વૃદ્ધ થઈ ગયા હોય એમ કેમ લાગે છે! મુરલીના વાળ સફેદ થઈ રહ્યા છે, એ પહેલાંની જેમ બીજા સાથે હવે મજાક નથી કરતો. ખુલીને હસતો નથી. ક્રિષ્નાને થતું કે એના ઘરની દરેક વ્યક્તિ અંદરથી દુઃખી છે, એ બધા અંદરોઅંદર એમનું દુઃખ વહેંચતા પણ હશે ફક્ત એને એકલી પાડી દીધી છે! ખુશ રહેવાનું નાટક કરે છે બધા એની આગળ!

ક્રિષ્નાની ખાંસી મટતી ન હતી. આગળ બે વખત માથામાં કેન્સરની ગાંઠ થયેલી એટલે એ લોકો વારંવાર ડોક્ટર પાસે જઈ માથાની તપાસ કરાવતા. સીટી સ્કેનનો રીપોર્ટ નોર્મલ આવતો ત્યારે દરેકના ચહેરા પર ગેરાયેલા ચિંતાના વાદળો હટતા જોઈ ક્રિષ્નાની આત્મા વલોવાઈ જતી! એ લોકો અંદરથી કેટલા પીડાતા હશે એનું ક્રિષ્ના અનુમાન કરી શકતી.....ખાંસીના ઠુસકા વારે વારે આવતા મુરલીએ છાતીનો એક્ષરે કઢાવેલો, ત્યારે જઈને ક્રિષ્નાને એની મોતનું સાચું સરનામું મળ્યું!

આ વખતે કેન્સર એના ફેફસાંમાં ફેલાયું હતું. કોઈને ખબર પણ ન પડી અને એ લપાતું છુપાતું આવીને બંને ફેફસાંમાં ફેલાઈ ગયેલું. એના જ લીધે ખાંસી આવતી હતી. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. બધાની આંખોમાં એક જ સવાલ હતો, હવે શું? એક જ ભગવાન હતો, ડોક્ટર! ગમેતે કરો પણ ક્રિષ્નાને બચાવી લો....આ વખતે એમણેય હાથ અધ્ધર કરી દીધા. ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. કોઈ ઈલાજ ન હતો. સારવાર ચાલુ થઈ ગઈ. કીેમોથેરાપીની કોઈ અસર ના આવી, આડઅસર આવી! ક્રિષ્નાની ભૂખ મરી ગઈ. એની જીવતા રહેવાની ઈચ્છા પણ મરી ગઈ. એના લીધેજ મુરલી, એના માબાપ પરેશાન હતા. જો એ બચવાની ના જ હોય તો પછી જલદી મોત આવી જાય એ જ સારું!

હવે, ક્રિષ્ના હોસ્પિટલમાં જ રહેતી હતી. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટલે નાકમાં ઓક્સિજનની નળી ખોસેલી. મુરલી આખો વખત એની પાસે જ બેસી રહેતો. એકલો એકલો બોલે રાખતો. ક્રિષ્ના જવાબ ન આપે તો પણ વાતો કરતો રહેતો. વાસુદેવભાઇ આવજા કરતા. જશોદાબેન ઘરે રોઝી પાસે રહેતા અને સવાર સાંજ મળવા આવે ત્યારે ક્રિષ્નાને રોઝીની તબિયતની ખબર આપતા. એને છેલ્લાં દિવસો જઇ રહ્યા હતા. એનું બીપી વધી જતું હતું એટલે ડોક્ટરે ખાસ ધ્યાન રાખવાનું કહેલું.
“મુરલી! કેટલા દિવસો થઈ ગયા તે મને આઇસ્ક્રીમ ન ખવડાવી.” ક્રિષ્નાએ હાંફતા હાંફતા પણ, હસીને ફરિયાદ કરી.

“ઉધરસ છેને બકા, એટલે! ઘરે જઈએ એટલે હું મારા હાથે તને આઇસ્ક્રીમ ખવડાવીશ!” મુરલીને આટલું બોલતાં જાણે થાક લાગી ગયો.

“જુઠ્ઠું બોલવાની ટેવ તો મને હતી હવે તનેય પડી ગઈ.”

“હું ક્યાં ખોટું કહું છું!” બોલતા બોલતા ઘણું રોકવા છતાં બે આંસુ મુરલીની એક આંખમાંથી સરી પડ્યા.

ક્રિષ્નાએ એનો હાથ મુરલીના ગાલ પર મૂકી કહ્યું, “બહુ મન થાય છે.”

“હું હાલ જ લઈ આવુ છું! આ ગયો અને આ આવ્યો!” મુરલી ક્રિષ્નાના કપાળ પર એક હળવી ચૂમી ભરી ભાગ્યો. બહાર દરવાજે જ વાસુદેવભાઇ ઊભા હતા. એમને પણ, હું હાલ આવ્યો કહીને મુરલી દોડતો હોય એટલી ઝડપથી ચાલી નીકળ્યો.

વાસુદેવભાઇ અંદર આવ્યા ત્યારે ક્રિષ્ના આંખો મીચીને જાણે સૂઈ ગઈ હતી. એમને થોડી નવાઈ લાગી. એ ક્રિષ્નાની પાસે આવ્યા અને એના માથે હાથ મૂકીને એને બોલાવવા ગયા તો એનું માથું એકબાજુ ઢળી પડ્યું. હાંફળા ફાંફળા એ ઊભા થઈ ગયા. એ રૂમની બારી માથી હોસ્પિટલની બહાર જવાનો રસ્તો દેખાતો હતો. એ ત્યાં ગયા. મુરલી હજી હોસ્પિટલના મુખ્ય દરવાજે જ પહોંચ્યો હતો. એને જોતા જ એમણે રાડ પાડી....એમનો અવાજ ફાટી ગયો. મુરલીના પગને અચાનક બ્રેક લાગી હોય એમ સ્થિર થઈ ગયા. એ દરવાજે અથડાયો અને પાછો ફરીને ફરીથી ભાગ્યો.

“ક્રિષ્ના.... ક્રિષ્ના........” મુરલી ક્રિષ્નાના બે ખભા પકડી એને હચમચાવી રહ્યો, “તું આમ મને છેતરી નહીં શકે! તું છેવટ સુંધી જૂઠ્ઠું બોલી. મને બહાર મોકલ્યો અને તું આમ....ચાલ હું તારા માટે આઇસ્ક્રીમ લઈ આવું.....હવે કોઈ દીવસ ના નહિ પાડું....તું જેટલો કહીશ એટલો આઇસ્ક્રીમ આપીશ. બસ, , એકવાર ઉઠીજા!”

મુરલીના હૈયા ફાટ રુદનથી હોસ્પિટલની જડ દિવાલોય ધ્રુજી ઉઠી. એની ચીખો જાણે આ દુનિયાને પાર પેલી દુનિયા સુધી પડઘાઇ રહી....



ક્રિષ્નાનું શરીર અહીં જ હતું પલંગ પર પડેલું....સંચાર વગરનું! એના ચહેરા પર સંપૂર્ણ શાંતિ હતી. જાણે ઊંડી નિદ્રામાં લીન હોય!

“તું મને છેતરીને ચાલી ગઈ ને! તારે આઈસ્ક્રીમ નહતો ખાવો, મને બહાર મોકલવા જ જુઠ્ઠું કહેલું! મારી હાજરીમાં હું તને મરવા ન દેત, યમદૂત સામે મને હારતો તું જોઈ ના શકત!”

મુરલી સહેજ વાંકો વળ્યો અને ક્રિષ્નાના ચહેરા પર ઝૂકી એના કપાળે એક ચૂમી ભરી. ફરીથી એક ચૂમી ભરી કપાળ ઉપર, પછી બંને આંખો પર, ગાલ પર, હોઠ પર અને પછી તરત ઊભો થઈ ગયો. એની નજર રૂમમાં ચારે બાજુ ફરી વળી. બારીપાસે બે દિવાલ જ્યાં એકબીજાને અડતી હતી, ત્યાં પડતા ખૂણામાં વાસુદેવભાઇ બેઠા હતા, જડવત! એમની આંખો કોરીધાકોર હતી. એમની આસપાસની દરેક ઘટનાથી એ જાણે અલિપ્ત થઈ ગયા હતા!

“પપ્પા!” મુરલી વાસુદેવભાઇ પાસે જઈને, એમના ખભે હાથ મૂકીને કહી રહ્યો, “ક્રિષ્ના હજી અહીં જ છે...એનું શરીર મૃત્યુ પામ્યું છે એ નહિ! આપણી યાદોમાં એ હંમેશા જીવતી રહેશે. તમને આમ દુઃખી જોઇ એને પણ દુઃખ થાય.”

વાસુદેવભાઇ મુરલી સામે જોઈ રહ્યા. એમના મને કહ્યું કે, આ સમયે આવું આશ્વાશન એમણે મુરલીને આપવું જોઈએ એને બદલે એ આ કહી રહ્યો છે ! એમને તો એમ કે મુરલી કાંતો બહુ રડસે, કાંતો સૂનમૂન થઈ થઈ જશે.... ક્રિષ્ના માટેનો એનો પ્રેમ જોતા એને ખૂબ ઊંડો આઘાત લાગવાની પૂરી શક્યતા હતી એને બદલે એ આમ સ્વસ્થતાથી શી રીતે વર્તી શકે?

“શું જોઈ રહ્યા છો, પપ્પા?”

“તને આમ સ્વસ્થ જોઈને નવાઈ લાગે છે!”

“અનુભવ! અનુભવ માણસને બધું શીખવી દે છે! જ્યારે ખબર પડી કે ક્રિષ્નાને કેન્સર છે ત્યારથી જ ખબર હતી આ દિવસ આવવાનો! ક્રિષ્નાએ મને કહેલું કે, એ મને એકલો મૂકીને નહિ જાય! મારા માટે એ માબાપ મૂકીને જશે સાથે એક નાનકડી ક્રિષ્ના! એની માતૃત્વ માટેની જીદનું કારણ તમે ના સમજ્યા? હું એને ન પાડતો હતો, એની તબિયત જોતા. તોય એણે રસ્તો શોધી લીધો. એનું બાળક રોઝીના પેટમાં ઉછેર્યું!” મુરલી ઊભો થયો, દૂર પડેલી લાકડાની ઘોડી લાવીને વાસુદેવભાઇની આગળ દીવાલે ઊભી મૂકી, એક હાથે એમને ઊભા કરતા કહ્યું, “ ચાલો આપણી ક્રિષ્નાને સરસ રીતે વિદાય કરીએ. આજનો દિવસ જ એ આ રુપે છે કાલે એ એક નવું રૂપ લઈને સામે આવશે!”

મુરલી ડોક્ટરને બોલાવ્યા. ઘરે ખબર કરી. એણે જાતે જશોદાબેન સાથે ક્રિષ્નાને શણગારી, નવી આવેલી દુલ્હનની જેમ જ! જશોદાબેન, વાસુદેવભાઇ, ઘરના નોકર, એમનેે ત્યાં ઑફિસમાં કામ કરતા સાત અપંગ છોકરાઓ, લક્ષ્મીબેન, શિવું, મીરા, શિવાની, સરિતા, માધુરી, આસ્થા બધાની આંખો ભીની હતી. એક મુરલી જ અજબ સ્વસ્થ હતો. છેક છેલ્લી ઘડી સુધી. પોતાને હાથે ક્રિષ્નાને અગ્નિદાહ આપતા એ સહેજ ખચકાયો હતો, પછી સહેજ હસીને એણે એ કામ પણ પાર પાડ્યું હતું....

એજ સમયે બેંગલોરની એક હોસ્પિટલમાં રોઝીએ એક બાળકીને જનમ આપેલો. એના પતિએ મુરલીને ફોન ઉપર આ સમાચાર આપ્યા ત્યારે એ ક્રિષ્નાના શરીરની ઠરી ગયેલી રાખમાંથી અસ્થીઓ ભેગી કરી રહ્યો હતો. એણે વાસુદેવભાઇને કહ્યું,

“ ચાલો, આપણી ક્રિષ્ના આવી ગઈ! મને ખબર હતી એ લાંબો વખત આપણાથી દુર રહી જ ના શકે!”

વાસુદેવભાઇ અને જશોદાબેન બંનેને લાગતું હતું કે મુરલી સ્વસ્થ હોવાનું નાટક કરી રહ્યો છે! જ્યારે એ નાટકનો અંત આવશે ત્યારે એ ચોધાર આંસુએ રડશે! એ વખતે એને સહારો આપવા એ બેઉં માણસ એની આસપાસ જ રહેતા.

પણ, મુરલીનું જો એ નાટક હોય તો એ નાટક કરતા કરતા આજે પાંચ વરસ પૂરાં થશે! એની સ્વસ્થતામાં જરીકે ફરક નથી આવ્યો. હા, ક્રિષ્નાની આજે પાંચમી પુણ્યતિથિ છે. એની દીકરી અને એ બંને એ દિવસને યાદ કરીને સવારે મંદિર જઈને ભગવાનને પગે લાવી આવ્યા. હવે, બાકીનો આખો દિવસ ખૂબ મસ્તીમાં વિતવાનો હતો, કેમકે આજે નાનકડી ક્રિષ્નપ્રિયાનો જન્મદિવસ હતો.

ઘરે જશોદાબેન અને વાસુદેવભાઇ બહું જ વ્યસ્ત હતા. એમણે સાંજની પાર્ટી માટે બહુ બધા ફુગ્ગા ફુલાવવાના હતાં. એમની લાડલીનો હુકમ હતો. દીકરી ગુમાવ્યા બાદ એમને દિકરાથી પણ સવાયો જમાઈ મળ્યો હતો અને એમની દીકરીની દીકરીને જોઇને તો એમને જાણે ક્રિષ્નાનું બાળપણ ફરીથી જીવવાનો મોકો મળ્યો હતો. ક્રિષ્ના અને ક્રિષ્નપ્રિયા બંનેમાં તલભાર જેટલોય ફરક ન હતો. એનો દેખાવ, એની બોલવા ચાલવાની રીતભાત, એની મસ્તી, એની નાદાની, એનું ભોળપણ, એની પસંદ નાપસંદ બધું જ ક્રિષ્ના જેવું ! ભગવાનની આ લીલા જોઈને બંને વૃધ્ધ હૈયા હરખાઈ જતાં.....આપોઆપ જ એમનું મસ્તક મુરલિધારીના ચરણોમાં જુકી જતું !

મુરલીના “લવ મોમેન્ટ્સ” એપ પર આજે ક્રિષ્નાનો મેસેજ આવશે. જેની રાહ મુરલી અને એની દીકરી બંને જોઈ રહ્યા છે. વચ્ચે ક્યારેક એમજ કોઈ સંદેશો આવી જાય છે! ક્રિષ્નાનો, એણે એના છેલ્લાં દિવસોમાં આજ તો કામ કરેલું, બહુ બધા વિડિયો મેસેજ રેકોર્ડ કરીને કોઈ કોઈ ભવિષ્યની તારીખે એ મુરલીને મળે એમ એના એપ પર છોડી દીધા છે....

ક્રિષ્નાને ખબર ન હતી કે એની બાળકી ક્યારે આ દુનિયામાં આવશે? તો પછી એના જનમદિવસે જ એને એની મમ્મીનો મેસેજ કેવી રીતે મળે?

એનો જવાબ છુપાયેલો છે ક્રિષ્નાની પસંદગીમાં. એણે જ યુવકને એના જીવનસાથી તરીકે પસંદ કરેલો એની બસ એક જ તો ખાસિયત હતી, જેને પ્રેમ કરે એના માટે કંઈ પણ કરી છૂટે ! અશક્ય કે અસંભવ જેવું કંઈ એની સમજમાં જ ક્યાં આવતું હતું.....એના જ ભેજાની કમાલ હતી કે એની દીકરીને એના દરેક જન્મદિને એની મમ્મીનો વિડિયો મેસેજ મળતો! જૂના વીડિયોમાંથી એક એક એને જોઈતો ટુકડો કાપીને, એને ગોઠવીને એ નવો વિડિયો તૈયાર કરી લેતો! આખરે સવાલ એની દીકરીની ખુશીનો હતો! ક્રિશ્નાપ્રિયાની ખુશીનો.......
************* સમાપ્ત ************