નિયતિ - ૩૨ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ - ૩૨

મુરલીએ મેસેજ પર ક્લિક કર્યું અને એના ચહેરાની સ્મિતની રેખાઓ વિલાઈ ગઈ, એની જગા આશ્ચર્યએ લીધી. નટખટની સમજમાં હજી કંઈ નહતું આવ્યું. મુરલીએ કહ્યું, “ક્રિષ્નાનો મેસેજ છે.

હવે આશ્ચર્યના ભાવ બંનેના મુખ પર બિરાજમાન હતા.

થોડીવાર સ્ક્રીનમાં ફક્ત કાળું જાબુ દેખાયું....પછી ક્રિષ્નાનો ચહેરો દેખાયો. એ સહેજ થાકેલી હોય એવી લાગતી હતી. સહેજ સ્મિત કરીને એણે ગીત ગાયું,

તેરા સાથ હૈં કિતના પ્યારા.....

તેર સાથ હૈં કિતના પ્યારા,

કમ લગતા હૈં જીવન સારા,

તેરે મિલનકી લગન સે,

હમે આના પડેગા દુનિયામાં દુબારા...

ચાર લાઈન ગાઈને એ અટકી હતી. એજ ગીત, એજ અવાજ જ મુરલી પહેલીવાર ક્રિષ્નાને મળ્યો ત્યારે સાંભળેલો. મુરલી થોડીક પળો માટે એ સમયમાં જીવીને પાછો આવી ગયો જ્યારે એને આગળનું સાંભળ્યું,

આઈ લવ યુ મુરલી!  

એટલું બોલીને એ હસી પડી. પછી થોડી ગંભીર થઈને બોલી,

મેં તને ક્યારેય નથી કહ્યું કે, હું તને ચાહું છું!  ઘણીવાર પ્રયત્ન કરેલો એ કહેવાનો પણ, દરેક વખતે શબ્દો હોઠે આવીને અટકી જતાં!  હું કહી જ ના શકી. આજે જ્યારે જીવનની છેલ્લી ઘડીઓ ઘણી રહી છું ત્યારે તારા સિવાય બીજું કંઈ યાદ નથી આવતું. હું તને ના જણાવત તો કદાચ મર્યા બાદ પણ મારી રૂહને શાંતિ ના મળત!  હવે કોઈ અફસોસ નથી. મારે જ કહેવાનું હતું એ મેં કહી દીધુ.  મેં તને પહેલાજ કહેલું કે, આપણું મળવું શક્ય નથી, તું આપણો સંબંધ આગળ ના વધાર. પણ, મુરલી જેનું નામ એમ થોડો માની જવાનો!  તુંતો હંમેશા તૈયાર હતો, હુંયે માની ગઈ હતી, હવે મારા માબાપ પણ રાજી છે છતાં, હું તારા માટે આ મેસેજ છોડી રહી છું, કેમકે નિયતિને જ આપણો સાથ કબૂલ નથી!  તને આ મેસેજ મળશે ત્યારે કદાચ હું આ દુનિયામાં નહિ હોઉં....પણ હું ફરીથી પાછી આવીશ!  આજ દુનિયામાં ફરી જન્મીને તને ફરી મળીશ આગલા ભવમાં...એ વખતે નિયતિએ આપણને મેળવવા જ પડશે. મર્યા બાદ હું જઈશ મારા કાનુડાની પાસે, પૂછીશ એને કે, આ દુનિયામાં પ્યાર કરવાવાળાનો આવો કરુણ અંજામ જ કેમ આવે છે એણે રાધાના વિરહમાં જે આંસુ વહાવેલા એ બધાંજ પ્રેમીઓએ વહાવવા ફરજિયાત છે શા માટે

તારું એપ મારા ખૂબ કામમાં આવ્યું. કોને ખબર હતી એનો આવો ઉપયોગ પણ થઈ શકે અને એ હુંજ કરીશ.થોડીવાર અટકીને એ બોલેલી, “મારા મુરલીએ બનાવ્યું છે આ એપ દોસ્તો. જો એક વિદેશી ઝકરબર્ગને તમે આટલો સપોર્ટ કરી શકો તો આપણાં જ દેશના કંઇક નવું કરવાવાળા, નવું વિચારવાવાળા યુવાનને આટલો સંઘર્ષ કેમ કરવો પડે છે આજે કદાચ હું આ દુનિયામાં નથી રહી છતાં, તમને મારો મેસેજ મળ્યો, મારી વાત તમારા સુધી પહોંચી ફક્ત એક એપ દ્વારા, "લવ મોમેન્ટ્સ “ડાઉનલોડ ધ એપ નાઉ!   તમારી જિંદગીમાં અને તમારી જિંદગી પછી પણ તમે તમારા પ્રિયજનને તમારો સંદેશો પહોંચાડી શકશો.

મેસેજ પૂરો થઈ ગયો. મુરલી વિસ્ફારિત નેત્રે મોબાઇલની ઓફ થઈ ગયેલી સ્ક્રીનને તાકી રહ્યો હતો. થોડીકવાર માટે નટખટ પણ સ્તબ્ધ થઈ ગયેલો. અત્યારેજ મુરલીને પોતાની ખરેખર જરુર છે એમ માનીને એણે કહ્યું,

જો મુરલી તું ટેન્શન નહિ લેતો. એણે કહેલું કદાચ એ આ દુનિયામાં ના હોય...! મતલબ કે એ હોઈ પણ શકે છે અને મારું દિલ કહે છે એ છે જ. શું બોલવું એ એનીયે સમજમાં નહતું આવતું છતાં એ બોલતો રહ્યો,

જો આપણે હાર નથી માનવાની દોસ્ત. અત્યારે આપણે ક્રિષ્નાની જ વાત કરી રહ્યા હતા અને આ મેસેજ આવ્યો. મતલબ નિયતિ આપણી સાથે છે. એણે જ આપણને રસ્તો દેખાડ્યો."

ક્યારનોય હતપ્રત થઈ ગયેલો મુરલી નિયતિ સાંભળીને સહેજ હસ્યો હતો, વેદનાભર્યું એ સ્મિત નટખટના નટખટ દિલનેય વીંધી ગયું.

મારી જ ભૂલ છે, દોસ્ત!  બધી મારી જ ભૂલ છે. હું કઈ રીતે આટલો કઠોર બની ગયો, એય મારી ક્રિષ્ના સાથે છ મહિના થઈ ગયા છતાં, એને એક ફોન પણ ના કર્યો. પાર્થ એને છોડી ગયેલો એના હાલ પર એકલી મૂકીને અને એવે સમયે હું પણ એની સાથે ના રહી શક્યો. હું મારી જાતને કદી માફ નહિ કરી શકું. અત્યારે ક્રિષ્ના જે પણ તકલીફ ભોગવી રહી છે ફક્ત ને ફ્કત મારે લીધે.

એ બધું પછી વિચારજે પહેલા આપણે ક્રિષ્નાને શોધવાની છે. અને તું જ એ કરી શકીશ મારા મિત્ર. કમોન તારું મગજ કામે લગાવ. કંઇક નવું વિચાર. શું કરી શકીએ આપણે ક્રિષ્નાનો મેસેજ આવ્યો એ નંબર પર ફોન લગાવી જોઈએ.

હમમ...!જાણે મગજ બહેર મારી ગયું હોય એમ મુરલી બોલ્યો.

નટખટ ફોન લગાવી રહ્યો. એ નંબર નોટ રીચેબલ બતાવતો હતો. હતાશ થઈ એણે મુરલીને જણાવ્યુ. મુરલીએ ક્રિષ્નાની મમ્મીનો નંબર લગાવ્યો. એમાં રીંગ જતી હતી પણ કોઇ ઉપાડતું ન હતું. ત્યાજ મુરલીના ફોનની રીંગ વાગી. ભારત ભારત નામના એના ફેસબુક મિત્રનો ફોન હતો. મુરલીએ એની રિંગ કટ કરી અને ફરી ક્રિષ્નાની મમ્મીને ફોન લગાવ્યો. ફરી કોઈએ ના ઉપાડ્યો. મુરલી ભાગીને ઉપરના માળે એની ઑફિસમાં ગયો. એની પાછળ જ નટખટ પણ ભાગ્યો. ત્યાં કમ્પ્યુટર ચાલુ કરી મુરલીએ ક્રિષ્નાની મમ્મીના ફોનનું લોકેશન શોધવા પ્રયત્ન કર્યો. થોડીવારે એ ખબર પડી ગઈ. એ ફોન મુંબઈમાં હતો મતલબ, ક્રિષ્ના પણ ત્યાં જ હશે. લોકેશનમાં દાદરનો કોઈ વિસ્તાર દેખાતો હતો. આપણે અહીં જવું પડશે.

ચોક્કસ યાર!  તું કહે ત્યાં આ વાંદરું તારી સાથે આવવા તૈયાર છે.

મુરલીએ એને ગળે લગાડ્યો. એજ વખતે ફરીથી ભારત ભારતની રીંગ આવેલી. મુરલીએ ફરી કટ કરી. એણે થોડા રૂપિયા અને ક્રેડિટ કાર્ડ લઈ એના વોલેટમાં મૂક્યું. એક બેગમાં જે હાથ આવ્યા એ બે જોડી કપડાં ઠુસીને એ મુંબઈ જવા તૈયાર થઈ ગયો. નટખટ કોઈને ફોન કરી રહ્યો હતો. મુરલીને બેગ સાથે આવતો જોઈ એણે કહ્યું,

મારો એક દોસ્ત છે. ટ્રાવેલ એજન્સીમાં કામ કરે છે જ્યારે પણ જરૂર હોય એ ટિકિટનો બંદોબસ્ત કરી આપે છે. મેં મુંબઈની બે ટિકિટ બુક કરાવી દીધી છે. હજી અહીંથી એરપોર્ટ પહોંચતા આપણને દોઢ કલાક લાગશે ત્યાં સુંધી એ કૈક સેટિંગ કરે છે. સાડા દસની ફલાઇટ છે જો નસિબ સાથ આપશે તો બાર વાગતા સુધીમાં મુંબઈ પહોંચી જઈશું. ત્યાંથી ટેક્સી કરીને દાદર અને સાંજ સુધીમાં તો તું ક્રિષ્નાની પાસે હોઈશ.નટખટ મુરલીને જરીક ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યો.

પાછી ભારત ભારતની રીંગ આવી. ત્યારે નટખટ ફોન બંધ કરીને એ મુરલીને આપતા બોલેલો, “આ ભરતાનેય શું વાત કરવી હોય હશે જે હોય એ પછી એનેય મળી લેશું.

બંને જણાં રોઝીને બહાર જઈએ છીએ ક્યારે આવશું ખબર નથી કહીને નીકળી ગયા. રોઝીને કંઇક વાત કરવી હતી. એ બોલવા ગઈ પણ, મુરલી ઝડપથી નીકળી ગયો....

એ લોકો ઓટોમાં બેઠા હતા ત્યારે ફરીથી ભારત ભારતની રીંગ આવી, “શું છે ભરતા બે વાર કોઈ ફોન કટ કરે તો ભાન નથી પડતું કે એ કોઈ કામમાં છે. પછી વાત કરીશ ચાલ મુક અને હવે કોલ ના કરતો!

નટખટ વાંદરાએ ભારત ભારતને ઉતાવળે જવાબ આપી ફોન કટ કરી નાખ્યો. ભરતાએ માથું ફૂટ્યું, બેમાંથી એકેય જણો મારું સાંભળતો નથી!

મુરલી અને નટખટ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ભરત ઠાકોર એમની રાહ જોતો ઊભો હતો. એને ખબર ન હતી કે, નટખટ સાથે મુરલીનો ભેંટો થશે. એના હાથમાં રહેલી ટિકિટ પરના નામ એણે વાંચ્યામુરલી નામ જોતાજ એને ચીઢ ચઢી. જો પેલ્લા જ ધ્યાન ગયું હોત કે નટખટનો દોસ્ત મુરલી છે અને એને ટિકિટ જોઈએ છે તો કદાચ એને બંદોબસ્ત ના કર્યો હોત. પાર્થની સગાઈમાં જઈ કંસાર ખાવાના સપનામાં આ મુરલીએજ રેતી ભભરાવી દીધેલી. એણે ટિકિટ ફાડી નાખવાનું વિચાર્યું ત્યાંજ નટખટ એના હાથમાંથી ટિકિટ સેરવીને એને ભેટી રહ્યો....

કેમ અચાનક મુંબઈમાં શું જરૂરી કામ આવી પડ્યું?” મુરલી તરફ સહેજ અણગમાના ભાવ સાથે ભરતે પૂછ્યું.

ક્રિષ્ના મુંબઈમાં છે, હું એને જ મળવા જાઉં છું. સારું થયું તું  અહીં મળી ગયો. તારા ભાઈબંધને જાણ કરી દેજે.” મુરલી આટલું કહીને ચાલ્યો ગયો.

ભરત ઠાકોર એને જતો જોઈ રહ્યો. બદામી રંગના જિન્સ અને ઘાટા પીળા રંગની ટીશર્ટ પહેરેલો મુરલી એને જાની દુશ્મન સમાન લાગી રહ્યો. રહી રહીને એને પાર્થ માટે અફસોસ થતો હતો. એનું દિલ ચિખ પાડીને કહી રહ્યું હતું, ક્રિષ્ના તું બેવફા છે!  તે મારા યારનું દિલ તોડ્યું છે તું કદી સુખી નહિ થાય!