? આરતીસોની ?
❣️કંગન❣️
રોમા નાનપણથી સીધીસાદી અને બહુ ડાહી છોકરી હતી.. ઘરના બધા કામ કરવાથી લઈને નાની બહેન યામીને ખવડાવવું, પીવડાવ વું, નવડાવવું ધોવડાવવું બધું કામ હોંશે હોંશે કરતી હતી.. દુઃખ કે તકલીફ એના ચહેરા પર ક્યારેય તરવરતી નહીં.. એ એના કામમાં જ કાયમ પરોવાયેલી રહેતી હતી..
એ બે વર્ષની હતી ને એની મા બિમારીમાં મૃત્યુ પામી હતી.. એના બાપુએ એનો ઉછેર કરવા માટે થઈને કોઈ જ કમી નહોતી રાખતાં છતાં એક માં જેટલું ધ્યાન રાખવું કઠિન થઈ પડતું હતું કેમકે બહાર કામે નીકળવું અને રોમાનું ધ્યાન રાખવું શક્ય નહોતું થઈ શકતું.. જ બીજા લગ્ન કર્યા હતાં.. નવી આવેલી મા સોહિની, રોમાનું ધ્યાન રાખવા લગ્ન કરીને આવી હતી, પણ ક્યારેય એ રોમાને પોતાના ખોળામાં બેસાડી વ્હાલ નહોતી કરતી કે સાચવતી નહોતી.. રોમા પાંચ વર્ષની થઈ ત્યારે એણે એક પુત્રીને જન્મ આપ્યો.. એણે નાનપણથી જ રોમાની પાસે કામના ઢસરડા કરાવવામાં કશુંયે બાકી નહોતું રાખ્યું..
સુંદર અને દેખાવડી રોમા આમને આમ સત્તર વર્ષની ઉંમરે પહોંચેલી.. સોહિનીનો ઈરાદો એના પિયર બાજુથી એના દૂરનો કહેવાતા એક ભત્રીજા સાથે રોમાનું લગ્ન કરાવવાનો હતો. એટલે રોમાના બાપુ જોડે એના ભત્રીજા માટે લગ્ન કરાવવા દબાણ કર્યા કરતી હતી.. પરંતુ રોમાના બાપુ એના ભત્રીજાને સારી રીતે ઓળખતા હતા એટલે એને ખાડામાં ઘકેલવા માંગતા નહોતા..
એમણે દેશની સેનામાં ભર્તી થઈ સૈનિક થયેલા અભિમન્યુ પર પસંદગી ઉતારી હતી.. રોમાના લગ્નનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો.. રોમાના દિવસો ખરેખર હવે આનંદમાં વિતવા લાગ્યા. પતિ અભિમન્યુ એને ખૂબ પ્રેમથી રાખતો અને સાચવતો.
અભિમન્યુ બોર્ડર પર ગયો હોય ત્યારે ત્યારે રોમાના સાસુ-સસરા એનું ધ્યાન રાખતા, એને કોઈ વાતની કમી મહેસૂસ થવા દેતા નહીં.. રોમાના જેઠ-જેઠાણી પણ એટલા જ માયાળું અને લાગણીશીલ હતાં..
દિયર ખુશાલ ભાભી ભાભી કરી રોમા પાછળ પાછળ ફર્યા કરતો.. એને રોમા બહુ ગમતી.. પણ રોમા એનાથી દૂર જ રહેતી, કેમકે એ જાણતી હતી કે દિયરની દાનત ખોરી છે..
અભિમન્યુ દેશની સેનામાં હોવાથી ક્યારે ફરજ બજાવતા દોડવું પડતું એ કંઈ નક્કી નહોતું એટલે રોમાને કાયમ ખુશાલનો ડર સતાવતો રહેતો હતો.. અને ખુશાલ પણ તકનો લાભ ઉઠાવવા પાછળ પડેલો રહેતો.. રોમા એનાથી બચતી રહેતી અને સમય નીકળતો રહ્યો..
આમને આમ ચારેક વર્ષ નીકળ્યા હશે, એકવાર ત્રણ મહિનાથી ગયેલા અભિમન્યુને એક મહિનાનું વેકેશન મળ્યું.. એણે ઘરે ખુશીના સમાચાર આપ્યા.. "સાંજે હું આવું છું.!!" શ્રીનગરથી આર્મીનો કાફલો સહુ સહુના ઘરે પહોંચવા નીકળી પડ્યો..
રોમાની ખુશી સમાતી નહોતી, સાંજે એણે અભિમન્યુની ભાવતી રસોઈ બનાવી સાજ શણગાર સજી રાહ જોતી બેઠી.. પણ રાત્રે બહુ મોડે સુધી ન આવતા ઘરમાં ટેન્શનનો માહોલ સર્જાયો..
છેક સવારે ઘર પાસે આર્મી જીપ આવી ઉભી રહેતા રાહ જોતી રોમા હરખ ઘેલી થતી દોડતી જીપ પાસે પહોંચી ગઈ.. પણ જીપનું દ્રશ્ય જોઈ એના પગ થંભી ગયા.. એનું હૈયું એક ધડકન ચૂકી ગયું.
આર્મી જીપમાંથી કોફીન ઉતરતાં જ આખાય ખોરડાને ભરખી હૈયું વલોવાતું દ્રશ્ય ફરી વળ્યું.. કપટી અપર મા થી બચેલી રોમાને આર્મી ઓફિસરે અપનાવી હતી.. હવે માંડ જરાક સુખ જોયું ના જોયું, પાછી એક નવી વેદનાએ સબાકો દીધો..
શ્રીનગર નજીક પુલવામાં આર્મી કાફલા પર થયેલા હુમલામાં રોમાના પતિનું પણ મૃત્યુ થયું હતું.
રોમા વિધવા થવા સાથે હવે દિયરનો ડાર એને વધારે ધ્રુજાવતો હતો.. રોમા દારુણ વિલાપ કરતી રહી અને ચુડી-ચાંદલો ઉતરવાનો શરૂ થયો.. અને ત્યાંજ હાથ પકડાયો, "તારો હાથ આપ તો રોમા.." અને એ હાથનો વિનાશક અહેસાસ નીતર્યો.. રોમાને જે ડર હતો એ સાચો નીકળ્યો.. ગભરાયેલી રોમા ડરની મારી ચાર ડગલાં પાછળ ખસી ગઈ.. એણે પોતાના બેઉં હાથ મોંઢા પર ઢાંકી દીધાં..
પણ એ ડર નઠારો નીકળ્યો, એ હાથ એને ફસાવવા નહીં પણ એને કંગન પહેરાવવા માટે લંબાવાયા હતાં.. દિયર ખુશાલે સહુની હાજરીમાં જ વિધવા ભાભીને અપનાવી પોતાની પત્ની બનાવવાની વાત જાહેરાત કરી.. અને સહુની રજામંદીથી એને વિધવા થયા પહેલા જ અપનાવી સુહાગન બનાવી ખુશાલે રોમાની જિંદગી ફરીથી રુહાના ખુશીઓથી ભરી દીધી..©
-આરતીસોની©