સાત પગલાં માથાકૂટના..!
વિશ્વને ઉભું જ કરવું હોય તો, સાત પગલાંના સાહસ તો કરવા જ પડે. અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ થોડો છે કે, લાકડી ફેરવો એટલે દુનિયા ઉભી થઇ જાય. એને માથાકૂટ તો ઠીક, કળાકૂટ પણ નહિ કહેવાય. પરણવું તો પડે જ મામૂ..! દુનિયાની રસમ જ આ છે. એટલે તો એને ‘મંગળફેરા’ કહેવાય. પરણવા વગરના, હજી પીળાં થયાં નથી. ને રાતા-પીળાં થઈને ફરે છે. પરણેલા હાયવોહ કરે તે ચાલે..? બાકી, ‘હું તો સાલો પરણીને પસ્તાયો’ જેવી જે ‘બૂમાબૂમ’ કરે છે, એ તો માત્ર અફવા જ ફેલાવે..! સદીઓથી ચાલતી આવેલી ઘટના છે.
માની લઈએ કે, બધાના કિસ્સા આવાં નહિ હોય. જેને હોય તેની આ વાત છે. એ દુખિયારાને પરણવા માટે, ચૌરીને ફરતે ફેરવવા કરતાં, સળગતી ચૌરીમાં બેસાડીને પરણાવવા જેવો ખરો. પાડ માન ભગવાનનો કે, કન્યા મળી ત્યારે આપણા હાડકાં પીળાં થયાં. બાકી પૈણવા માટે કંઈ કેટલાં હજી ઘણા હવામાં બાચકાં મારે છે. ગુગલ ફંફોળી-ફંફોળીને બ્યુગલ વગાડે છે, છતાં, સસરાના સ્થાનકની દિશા એને મળી નથી..! આ તો એક અનુમાન..!
એવાં પણ હશે કે, જેની ‘છેડાગાંઠી’ થયાં પછી જ ‘ઈકોતેર પેઢી’ સચવાઈ હોય. બાકી લગન તો તેને નડે, જેને જીવતા નહિ આવડતું હોય. લગન કરીને ‘લાલ’ થયાં પછી જ અમુક તો જીવતાં પણ શીખ્યા હોય. જીવતરના ઉકેલ ગુગલમાંથી નહિ મળે દાદૂ...! બ્યુગલ વગાડવા જ પડે. ને પરણ્યા પછી વાઈફને પણ હરખઘેલી રાખવી પડે..! નો લાઈફ વિધાઉટ વાઈફ..! માની લઈએ કે, અમુકના ભાગ્ય વાઈફ વગર પણ ફળ્યા છે, એની ના નથી. પણ તેનું અનુકરણ નહિ થાય. કારણ કે, બધાના જ ભાગ્યમાં ભીંડા ઉગતા નથી..! મચ્છરને મ્હાત કરવા માટે બંદુકના ભડાકા કરવા કરતાં, પૈણી જવું સારું..! પાડ માનો કે, ઉઠી ગયેલી પાર્ટી સાથે પણ ફેરા ફરવા ફરવા માટે કોઈ મળે છે. નાહકના ‘માથાકૂટ’ ના બાણ છોડી, કુંવારાના કાળજા માટે ભયની બાણાવળી નહિ થાય. ભયમુક્ત થઈને પૈણવા દ્યો ને યાર...?
આ હૈયા વરાળ ચમનીયાની છે. એને એક જ પીડા છે કે, લગન-જયંતી આવે ને એને પીડા ઉભરે. અનેક બાધા-આખડી-ભુવા-ફકીર-મૌલવીના દોરા-ધાગા-તાવીજ-બેડીઓ પહેરીને એ બેવડ વળી ગયો. તંત્રવિદ્યાના જાણભેદુ પાસે જઈને તેના પગથિયાં ઘસીને ચપટાં કરી નાંખ્યા. સાત-સાત ડોક્ટરોનો કાફલો મહોલ્લામાં હોવા છતાં, બધાના સ્ટેટસ્કોપે હાથ ઘસી નાંખ્યા. પણ ચમનીનીયાનું દર્દ કોઇથી નહિ પકડાયુ કે, એને પીડા શાની છે..? દર વરસે એક ચોક્કસ તારીખે જ ધ્રુજારી સાથે એને તાવ આવે. ને એટલું જ બોલે કે, ‘ કોઈ મારા લગન વખતના મંગળ-ફેરાને ઉલટાવી આપો. ’ જેના તમામ મેડીકલ રીપોર્ટ સુંદર હોય, ડોક્ટર સુંદર હોય, દવા સુંદર હોય, છતાં પીડાનું મૂળ હાથમાં નહિ આવે, તો સમજવું શું..? આ તો પેલાં જેવું થાય કે, ટ્રેકટરની આખી ટ્યુબ નવડાવ્યા છતાં, પંકચર નહિ જડે, તો કરવું શું..? ચિંતા તો થાય જ ને..? ટ્રેકટરની ટ્યુબ બદલાવાય, પણ શરીર થોડું બદલાવાય..? બધા વિષયમાં A ગ્રેડ માર્ક્સ આવતા હોય, છતાં વિદ્યાર્થી ‘ફેઈલ’ કેમ થાય..?
જ્યારથી પરણ્યો, ત્યારથી લગન જયંતીના દિવસે જ આ દરદ હાજરા-હજૂર થાય. મંદિર એટલા દેવની માનતા પણ રાખી. ગ્રહોની પણ પૂજા કરી. ચંદ્રયાન ઉપડ્યું ત્યારે ઉપવાસ પણ રાખ્યો. ને પાદરના મંદિરે ઉમર જેટલાં આંકડાના ફૂટની ધજાઓ પણ ચઢાવી, તોયે ચમનીયાનો ધ્રુજારો મટતો નથી. જ્યારે જ્યારે લગ્ન-જયંતી આવે ત્યારે, સમાચાર માટે નહિ પણ રાશિ-ફળ વાંચવા, પ્રગટે એટલાં બધાં છાપાં ખરીદી લાવે. કે ક્યાંકથી કોઈ ઉકેલ મળી જાય. થાય એવું કે, છાપામાં ‘ગુલાબી-ગુલાબી’ રાશિ તો લખી હોય, પણ ભૈરવનાથનો હાથ ફરી જતો હોય એમ, સાંજ પડે ને સ્વસ્તિકની ચોકડી થઇ જાય. હવે તમે જ કહો, મિત્રના મૂંઝારામા જો મિત્ર કામ નહિ આવે તો એ મિત્ર શું કામનો..? એને ગેસ વગરનું ખાલી સીલીન્ડર જ કહેવાય ને..! બિરબલી ભેજાંબાજ કદાચ એવું પણ કહેશે કે, સાત પગલાં માથાકૂટના ભરવાનું કોઈ કામ હતું..? ભલા માણસ, વજનકાંટા વગરના વજનીયા જેવું જીવન જીવવું એ તો કોઈ જીવન હૈ ક્યા..?
ગ્રહણમાં સાપ નીકળે એમ, આ વરસે લગન જયંતીના દિવસે જ ચંદ્રગ્રહણ પણ પ્રગટ થયું..! મને કહે, ‘ રમેશીયા...! આ ગ્રહણો પણ મારો પીછો મુકતા નથી યાર...? સુરજના ગ્રહણ પુરા થાય તો ચંદ્રના શરૂ થાય, ને એ બંનેના પુરા થાય તો ઘરવાળીના ગ્રહણ શરૂ થાય. માણસ સાલો જથ્થાબંધ સહન શક્તિ લાવે તો, લાવે ક્યાંથી ? અમને પણ ત્યારે જ સમજાયું કે, ભાઈને નખમાં રોગ નથી, પણ એના ભેજામાં જ કોઈ સાપોલિયાં રમે છે.
ભૂત પીપળાનું માને, પણ પરમેશ્વરનું નહિ માને. છેલ્લે કંટાળીને જ્યોતિષને પણ કુંડળી બતાવી. કુંડળી જોઇને જ્યોતિષને પણ ચક્કર એ વાતે આવી ગયાં કે, જેના શરીરમાં બધાં જ વિટામીનો મિલીઝુલી સરકારની માફક શરીરનું સમતોલન જાળવતાં હોય, એને આવી પીડા થાય જ શી રીતે..? જ્યોતિષે પણ કેસ હાથમાં લેવાની ના પાડી ત્યારે, એક મનોચીક્ત્સકનો સંપર્ક કર્યો. એને એવો ભ્રમ કે, મનોચિકિત્સકની બેટરી તો બુદ્ધિમાં ‘પાવરફુલ’ જ હોય. જે ભેજાંબાજ હોય તે જ, મનોચિકિત્સક થાય. ને થયું પણ એવું જ..! પેલાં મ.ચિ. એ તરત કહી દીધું કે, આ પીડા પાછળ કોઈ લગનની સીસ્ટમ એને હેરાન કરે છે..!
ને થયેલું પણ એવું જ કે, જે ઉમરે એને લગન વિષેનો નિબંધ લખતાં પણ નહિ આવડતું, એ ઉમરે જ એના બાપાએ એને એની જાન કાઢેલી. મીન્સ...ભીન્નાવી દીધેલો..! જેને લગનનું મુદ્દલે નોલેજ નહિ હોય, ને ઘોડે ચઢાવી દેવામાં આવે તો, ક્યાં તો ઘોડો એને જોઇને ભડકે, ક્યાં તો ઘોડાને જોઇને એ ભડકે..!
ભગવાન શ્રી રામે જેમ કૈકયીના વેણથી વનવાસ વ્હોરી લીધેલો, એમ એ એના બાપના બોલે ઘોડે ચઢી ગયેલો...! પગમાં નવી નકોર મોજડી, કેડમા કહેવાતી તલવાર, હાથમાં છોલેલું નાળીયેર, માથે સવા શેરનો સાફો, જરકસીજામાનો સરકસી ડ્રેસ, ને ગલોફામાં ૧૨૦ નું પાન પધરાવીને જ્યારે એને બહાર કાઢ્યો, ત્યારે પાનની પિચકારી ગળી જવાની કે, થૂંકી નાંખવાની, એનું પણ જેને નોલેજ ના હોય, એ બિચારો આગળ જતાં શું કરશે , એની ચિંતા ઘોડાને થાય, પણ સાજન-માજનને નહિ થાય. બિચારો પૂછે પણ કોને કે, આ લોકો આટલા બધાં સરસામાન સાથે મને લઇ જાય છે ક્યાં ? કદાચ પૂછે તો પણ, વાજિંત્રોના અવાજ ને ફટાકડાના ધડાકામા એનું સાંભળે કોણ ? એ વાતને ૪૫ વર્ષના વ્હાણા વહી ગયાં. પણ કયા ગુન્હાસર એને પરણાવેલો, એનો ઉતર હજી એ ગુગલમાં શોધે છે..! ગળામાં તાવીજ બાંધીને ફરતો હોય, એમ વાઈફને લઈને ફરે છે ખરો, પણ જંપ કરતાં અજંપાઓ હજી એના માથામાં હથોડા મારે છે. પેલી મોજડી, તલવાર, સાફો નાળીયેર ને પેલો જરકસી જામાવાળો સરકસી ડ્રેસ હજી એણે સંગ્રહી રાખ્યો છે. ને જ્યારે જ્યારે લગ્ન જયંતી આવે, ત્યારે ત્યારે લોક્દર્શન માટે ખુલ્લા મૂકી એ એનું તર્પણ પણ કરે છે...!
લગન જયંતીના સપરમા દિવસે, ખુશ રહેવાને બદલે, બાપાની પુણ્યતિથી આવી હોય, એમ એનું ડાચું જુના ખાંસડા જેવું થઇ જાય છે, બોલ્લો..! સાલી પાંચ કરોડની લોટરીની ટીકીટ લીધી હોય, ને ઇનામમાં ડોલચું લાગે એવી હાલત છે એની..! વીજળીના જીવતાં વાયર પકડાય ગયાં હોય, એટલો ઉદાસ છે. બોલો હવે આવા આવાં મિત્રની પડખે રહેવું પડે કે ના રહેવું પડે..?
દાઝ્યા ઉપર ડામ તો એને ત્યારે પડવા માંડ્યા કે, વ્હોટસેપ ઉપર પાછી, શુભેચ્છાઓ આવે કે, ‘એકલાં એકલાં લગનની જયંતી નહિ ઉજવતાં....!‘ એના કપાળમાં કાંદા ફોડું, તે શું તારાં પ્રમુખસ્થાને એના માટે જાહેર કાર્યક્રમ રાખવાનો કે...? અમુક તો એવાં કાતિલ તીર છોડે કે, ‘ શું તમારી ‘રાધા-કૃષ્ણ’ જેવી જોડ છે..? ‘ બિચારો એ પોતે જ જાણતો હોય કે, રાધા-કૃષ્ણની જોડ છે કે, ‘બાધા-કૃષ્ણ’ ની...!
કોણ એને સમજાવે કે, સ્ત્રી અને પુરુષ એ સંસાર રથના બે પૈંડા છે. એ રથ ચાલે છે, એમાં જ રસ રાખવાનો. એના પૈંડા ઉપર બહુ ડોકિયાં નહિ કરવાના. પૈંડા તો નાના મોટા પણ હોય...? જો કે, ચમનીયા જેવા દરદ ઘણાને હશે. આવાં દર્દ-નાબુદીના કાર્યક્રમો સરકારે પણ ઉપાડી લેવા જોઈએ. લગન કરવા ‘ પૂર્વ સંસાર તાલીમ કેન્દ્રો ‘ ખોલવા જોઈએ. ને જેમણે આવાં તાલીમ કેન્દ્રોમાં તાલીમ લીધી હોય, ને પરીક્ષા આપીને સફળ થયાં હોય, એમને જ ઘોડે ચઢવા માટે લીલી ઝંડી આપવી જોઈએ. કોઈને લગન જયંતીએ ચમનીયાની માફક ધ્રુજારી તો નહિ ચઢે..? મધદરિયે બિચારાને મૂંઝારો નહિ આવે બીજું શું..? શું કહો છો દાદૂ...?
હાસ્યકુ :
નકલી ફૂલો
શણગાર વધારે
સગંધ નહિ