સંબંધ - આજે તૂટશે ને કાલે જોડાઈ જશે ... Harsh Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ - આજે તૂટશે ને કાલે જોડાઈ જશે ...


ચાલો, આજે બે અલગ અલગ કિસ્સાઓની વાતથી લેખની શરૂઆત કરીએ.

અહીં બે અલગ અલગ વ્યક્તિઓની વાત છે. બને વ્યક્તિની વિચારવાની પદ્ધતિ જુદી છે , તદ્દન જુદી. કોઈ બે વ્યક્તિના માનસમાં કેટલી હદે વિરોધાભાસ હોઈ શકે, એ સમજાવવા માટે જ આ ઉદાહરણ આપ્યું છે.

વાત કરીએ પહેલી વ્યક્તિની.પહેલી વ્યક્તિ પોતાને મળેલા તથા પોતે બનાવેલા સંબંધોમાં એટલો મશગુલ બની જાય છે કે હંમેશા જ પોતાના વિશે વિચારવાનું ભૂલી જાય છે. એમ માની લઈએ તો ચાલે કે એની આખી જિંદગીરૂપી પૃથ્વી પોતાના સંબંધોને જ સૂર્ય માની લઈને એના આજુબાજુ ઘૂમી રહી છે,કેટલાય સમયથી. પોતાની જાતને ઘસીને પણ બીજા માટે બધું કરી છૂટવું એ એનો મંત્ર છે. જોકે, એવું નથી કે એણે જેટલાય સંબંધો જાળવ્યા છે,એ બધામાં એને સફળતાઓ મળી છે. કેટલીય વાર એણે નિરાશા ભોગવી છે,લગભગ બધી જ વાર. છતાંય એ પોતાને આવી કોઈ ફરજ પડાઈ છે, એવી રીતે આ કાર્ય ચાલુ રાખે છે. સમજો કે એનો સ્વભાવ હવે એવો જ થઈ ગયો છે, કે એ બદલાઈ શકે એમ નથી !

હવે બીજાની વાત કરીએ, તો પહેલા કહ્યું એમ એ પહેલાથી તદ્દન વિરુદ્ધ છે. દરેક સંબંધોમાંથી જેટલું મળે એટલું કાઢી લેવું ને પછી આગળ વધી જવું, એ જ એનો મંત્ર છે. ભલા લોકો, હોશિયાર લોકો લગભગ બધાને એણે સમયે સમયે છેતર્યા છે. જગતમાં મળેલા બધા સંબંધો એના માટે જ છે, એવું એણે દરેક વાર સાબિત કર્યું છે. આ કારણે જ એના મોટા-ભાગના સંબંધો તૂટી રહયા છે. જે લોકો એણે ઓળખી ગયા છે, એ લોકોને એની સાથે સંબંધ રાખવામાં કોઈ રસ નથી. જોકે, એ વ્યક્તિને આ વાતથી કઈં ફરક પડતો નથી. એણે જે સ્વાર્થ માટે સંબંધો બાંધ્યા હતા, તે કદાચ પૂર્ણ ન પણ થાય તોયે એને ભૂલીને એ આગળ વધી ગયો છે. પોતાના કાર્યો પૂર્ણ કરવા માટે એણે બીજા કોઈ પાંચ વ્યક્તિની જરૂર પડશે, તો એવા એ દસ વ્યક્તિઓ સાથે સંબંધ બાંધશે , જેથી એનું કાર્ય ન અટકે. વારંવાર લોકોના તિરસ્કાર, નફરત તથા અણગમો જોયા પછી પણ એ પોતાનો સ્વભાવ બદલવા તૈયાર નથી !

આમ, આ બને પ્રકારના વ્યક્તિઓના જીવન એકબીજાને આધારે ચાલુ રહે છે, એક પ્રયત્ન કરતો રહે છે, ને બીજો એની જ રાહ જોતો રહે છે.

બને વ્યક્તિ આરામથી જીવી રહ્યા છે, અથવા માની લેવાય કે તેઓ એવું બતાવી રહ્યા છે. પણ આ બધામાં આપણે ક્યાં ને આપણે કોણ ?

મારા મતે આપણામાંથી મોટા ભાગના લોકો આ બંનેમાંથી એક પણ જૂથમાં વિભાજીત ન થઈ શકે, કેમકે આપણે બધા આવા લોકોની વચ્ચે રહીને 'વચ્ચેટિયા' કહેવાઈએ. આપણે બધા માટે વધુ પ્રયત્ન પણ ન કરીએ કે ના તો બધામાંથી કંઈક ને કંઈક મેળવી લેવાની કોશિશ કરીએ.વધુ પરમાર્થી નહીં ને વધુ સ્વાર્થી નહીં. એજ આપણી નીતિ છે. મોટેભાગે આપણે એમાં આપણે સફળ પણ થયા છીએ.

માતા-પિતા, બહેન-ભાઈ, સગા-સંબંધીઓ વગેરે સાથેના સંબધો જન્મથી જ મળી જાય છે; જ્યારે મિત્રો, શિક્ષકો તથા બીજા લોકો સાથે જીવનના અલગ અલગ પડાવ પર સંબંધો જોડાતા જાય છે , કેટલીકની સાથે તૂટે પણ છે. વર્ષો પહેલાંના મિત્ર સાથેના સંબંધો અચાનક પહેલા જેવા રહેતા નથીને તાજાં તાજાં મિત્ર બનાવેલ લોકો સાથે ઘર જેવાં સંબંધો જોડાઈ જાય છે.
સંબંધોમાં ક્યારેક મીઠાશ અચાનક વધી જાય છે, તો કયારેક કડવાશ પણ આવે છે. સંબંધોનું મહત્વ ડગલે ને પગલે બદલાતું જાય છે. બને વ્યકિત વચ્ચેનું અંતર, બંનેની એકબીજા પ્રત્યેની આકાંક્ષાઓ, વર્તમાન સ્થિતિ વગેરે ઘણા કારણો સંબંધોનું વર્તમાન તેમજ ભાવિ નક્કી કરે છે.

જીવનમાં જોકે, સંબંધો વગર જીવવાની કઈં મજા રહેતી નથી. આપણા જેવા લોકો કે જેને સબંધોની કિંમત છે, પણ તે સબંધની અસરની મર્યાદા નક્કી કરેલ હોવાથી તેના માઠા પરિણામ આપણે ભોગવતા નથી. કોઈ એક કેટેગરીમાં આવવા કરતા વચેટિયા રહીને જીવવું સારો વિકલ્પ છે, જેનાથી જાહેર-જીવન તેમજ વ્યકિતગત જીવન બને પર નિયંત્રણ રહી શકે.

વધુ બારીક જઇને એના બીજા એક પાસા પર વિચાર કરીએ તો એક પ્રશ્ન એ પણ છે કે એ સંબંધ આપણાં સૌથી મહત્વપૂર્ણ, સૌથી બેજોડ એવા સંબંધ કરતા મહત્વનો છે કે નહીં ? તો જવાબ આવશે ના .... હવે એવો કયો સંબંધ કે જે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી બેજોડ છે ? એ છે ખુદનો ખુદ સાથેનો સબંધ ! એ પછી તનનું મન સાથે, હૃદય સાથે, આંતરમન સાથે કે સબ-કોન્સિયસ સાથે કહો.

મનુષ્યે જ્યારે આ પૃથ્વી પર જન્મ લે છે ત્યારે પહેલો-વહેલો સંબંધ- એક બહુજ ગાઢ સંબંધ ખુદ સાથે બને છે. તમે નવરાશમાં જ્યારે વિચારતા હો, ક્યારેક એકલાં જ કઈં યાદ કરીને હસતા હો, કશી તકલીફના કારણે ઉદાસ હો ત્યારે આ સંબંધ પોતાની હાજરી દર્શાવતો હોય છે. એક વ્યક્તિ પોતાને શું માને છે, પોતાની મર્યાદાઓ તથા ગુણોને જાણે છે કે કેમ, બીજા સંબંધો વિશે કેટલું ને શું વિચારે છે એ બધું આ જ મૂળભૂત સંબંધ તો નક્કી કરે છે. જો પોતા સાથેના પોતાના જ સંબંધો બહુ મજબૂત હશે, તો જ બીજા સાથેના કોઈ પણ કક્ષાના સંબંધોની મજા મળશે. ક્યારે કોઈની સાથે સંબંધો જોડવા કે પછી તોડવા એનો ચિતાર એ જ બનાવી આપશે. આનાથી વિપરીત જો પોતા વિશે જ ખબર નહીં હોય કે અવઢવ હશે તો નવા સંબંધો શું જુના સંબંધો જાળવવા પણ અઘરા પડશે.

કોઈએ કહયું છે એમ -
" હું બ્રહ્માંડ શોધવા બહાર નીકળ્યો ,
ને મને આખરે એ, મારી અંદર જ મળ્યો."

એટલે પોતા સાથેના પોતાના સંબંધ ખૂબ મજબૂત રાખો. ખુદ સાથે બેસો. ખુદ સાથે ફરવા જાઓ. ખુદ સાથે રહો.

બાકી સંબંધોનું શું છે, એ તો આજે જોડાશે ને કાલે તૂટી જશે .......