મુહૂર્ત (પ્રકરણ 16)

અમે એ જ હોટલ ગયા જ્યાંથી અમને નબર ટુ અને નબર થ્રીનું લોકેશન મળ્યું હતું. હોટલની બંને મુલાકાત દરમિયાન અમે માત્ર બહાર ટેબલ પરના ક્લાર્ક સાથે જ વાત કરી હતી અમે હોટલમાં ગયા નહોતા.

જયારે હોટલ બહાર એ કાળા પીળા પટ્ટાવળી ટેક્સી પુલ ઓફ કરી ત્યારે મને થયુ કે એના ડ્રાયવરને એ ટેક્ષી જોઈ કેટલો આઘાત લાગશે પણ એવું કઈ ન થયુ કેમકે ટેક્ષી ડ્રાયવરને હોટલ માલિક પાસેથી વિવેકે પાંત્રીસ હજાર રૂપિયા અપાવી દીધા જે એની ટેક્ષીને થયેલ નુકશાન માટે પૂરતા હતા.

“શું કોઈ અમારી રાહ જોઈ રહ્યું છે?” વિવેકે ટેબલ પરના કલાર્કને પૂછ્યું. હજુ ટેબલ પર એ જ વ્યક્તિ ગોઠવાયેલ હતો. એના હાથમાં શું ચમત્કાર થાય છે? નામનું એક હાર્ડકવરમાં બાંધેલું પુસ્તક હતું.

એ વ્યક્તિએ અમારા તરફ જોયું. મને એની આંખમાં ખુશી અને ચમક દેખાઈ. કદાચ અંશ અમારી સાથે હતો એ જોઈ એ સમજી ગયો હતો કે અમે નંબર થ્રીને બચાવવામાં સફળ રહ્યા છીએ.

“હા, મેઈન હોલમાં...” એણે ફરી પુસ્તકમાં જોતા જવાબ આપ્યો.

“થેન્ક્સ.” મેં કહ્યું અને અમે હોલ તરફ જવા લાગ્યા.

હું હોટલના કોરીડોરને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો. એ જરાક અજીબ હોટલ હતી. મને લાગ્યું એનું સમારકામ પણ છેલ્લા ત્રીસેક વરસમાં તો નહી જ થયું હોય.

કોરીડોરના અંતમાં એક જુના લાકડાના દરવાજાને વિવેકે ખોલ્યો અને અમે અંદર દાખલ થયા. એ દરવાજો કોઈ એન્ટીક પીસ સાચવનાર પાસેથી ખરીદી ત્યાં લગાવવામાં આવ્યો હોય એમ લાગ્યું. એ લાકડાના દરવાજા પર તાંબા અને પીતળની આડી ઉભી પટ્ટીઓ લગાવેલ હતી. એ પટ્ટીઓ તેને મજબૂતાઈ આપવા માટે હતી.

અંદરનું દ્રશ્ય કોઈને પણ નવાઈમાં મૂકી શકે તેવું હતું.

સભાખંડ જેવા રૂમની મધ્યે મોટા લાકડાના ટેબલની ફરતે દસ કરતા પણ વધુ લાકડાની ખુરસીઓ ગોઠવેલી હતી. દરેક ખુરસી પર માણસો ગોઠવાયેલા હતા. એક માણસને છોડીને બાકી બધા માણસો પણ એ જુના ટેબલ ખુરશી જેટલા જ વૃદ્ધ હતા. એ બધા કરતા ઓછા વૃદ્ધ લાગતા વ્યક્તિ વિવેકના પપ્પા હતા.

“પપ્પા હું નબર ટુને બચાવી ન શક્યો.” વિવેકે એના પપ્પા નજીક ગયો ત્યાં સુધીમાં એની આંખો વહેવા લાગી હતી.

વિવેકના પપ્પા લાકડાની ખુરશી પરથી ઉભા થયા. તેઓ પીસ્તાળીસ ઉપરની ઉમરના હશે પણ હજુ ત્રીસ પાંત્રીસની ઉમર હોય એવું મજબુત શરીર હતું. વિવેકને એ મજબુત બાંધો એના પિતા તરફથી મળ્યો હતો. દરેકને માતા પિતા તરફથી વરસામાં કઈક લક્ષણો મળતા હોય છે. નયનાને કાળા વાળ અને મોટી આંખો મમ્મી તરફથી વારસામાં મળ્યા હતા તો મને ઉંચાઈ અને ગુસ્સો પપ્પા પાસેથી વરસામાં મળ્યા હતા.

જોકે વિવેકને મળ્યા પછી મને એમ લાગ્યું કે મમ્મી ખાલી મને અને પપ્પાને લઈને ચિંતિત હતી કે અમારામાં વધુ ગુસ્સો છે. કદાચ એ વિવેકને મળી  લે તો એ પછી એને એમ જ લાગે કે અમે બાપ બેટો તો એકદમ શાંત સ્વભાવના છીએ.

વિવેક એના પપ્પાને ભેટી પડ્યો અને કોલેજમાં તપનને છોડીને નીકળ્યા એ વખતે ગુસ્સામાં અંદર જ રહી ગયેલ વિવેકના આંસુ બહાર આવવા લાગ્યા.

“વિવેક આ એસેમ્બલી તને રડતા જોવા માટે નહિ પણ તને લડતા જોવા માટે ભેગી થઇ છે. તારી જાતને સંભાળ.”

વિવેકે જાણે એના પપ્પાના શબ્દો સાંભળ્યા જ ન હોય એમ એ અમને ભેટીને રડતો રહ્યો. મને પણ એટલું જ દુ:ખ થયું હતું પણ કદાચ હું એક માનવ ન હતો એટલે મારી લાગણીઓ પર કાબુ કરી શકતો હતો જયારે વિવેક એક માનવ હતો. ભલે એ જાદુગર હતો છતાં એ પહેલા એક માનવ હતો અને માનવ પાસે પોતાની લાગણીઓ પર સંપૂર્ણ કાબુ ક્યારેય નથી હોતો. એ નાના બાળકની જેમ રડતો રહ્યો.

“જાદુગર સોમર... તારા દીકરાને કહે કે એ નંબર ત્રણને બચાવી લઇ આવ્યો છે એ જ અદભુત વાત છે કેમકે એણે જે જાનવર સાથે લડાઈ લડી છે એની સામે અનુભવી જાદુગરો પણ હારી જતા હોય છે. એણે ખરેખર બહાદુરીનું કામ કરી બતાવ્યું છે.” એક વૃદ્ધ જાદુગરે ઉભા થઇ કહ્યું.

“અને હજુ એણે ઘણી બહાદુરી બતાવવાની છે કેમકે એ લોકો આગળના નબરની પણ શોધમાં હશે જ.” બીજો એક જાદુગર ઉભો થયો. એ પણ પહેલા જાદુગર જેમ ઉમરમાં વૃદ્ધ અને એવા જ લાંબા ઓવરકોટ સાથેના કપડામાં હતો.

“પણ નબર ત્રણ આપણી પાસે છે.. એ લોકોને જ્યાં સુધી નબર ત્રણ ન મળે એ લોકો આગળના નંબરને નહિ મારી શકે.” વિવેકે જરાક સ્વસ્થતા મેળવી હોય એમ લાગયું.

“ના, વિવેક એ તારી ભૂલ છે... એ લોકો એમને મારી ન શકે પણ એમને કેદ કરી શકે છે. એ કામ જરાક મુશ્કેલ છે છતાં એ લોકો એવું કરશે જેથી નબર ત્રણણે મેળવીને એ લોકોએને કોઈને શોધવાની જરૂર ન રહે. બાકીના નંબર એમની કેદમાં હોય તો એમને મારતા એ લોકોને વાર ન લાગે.” વિવેકના પપ્પાએ સમજાવ્યું.

વાત સમજાય તેવી જ હતી. કદંબના માણસો કોઈ નાગને પણ બંદીવાન બનાવી શકે તેવા હતા.

“મતલબ હજુ બાકીના લોકો પર જોખમ છે?” વિવેક જરાક ગુંચવાયો.

“હા, કેમ તમને શું લાગતું હતું આ બધું આટલી સહેલાઈથી પતી જશે. હજુ સુધી કદંબ પોતે બહાર આવ્યો જ નથી.. એણે દરેક સ્થળે પોતાના માણસોને જ મુક્યા છે એનો અર્થ એ છે કે એ કોઈ બીજા જ કામમાં વ્યસ્ત છે.” જે જાદુગર હજુ ઉભો હતો એ જ વૃદ્ધ જાદુગરે કહ્યું.

“ગોપીનાથ દાદા, એ શું કામમાં વ્યસ્ત હોઈ શકે?” વિવેકે પૂછ્યું.

“એ તો ખબર નથી પડી પણ જો શેતાન કોઈ દુષ્ટ કામ છોડી કોઈ જુદા જ કામમાં વ્યસ્ત હોય તો સમજી લેવું કે એ એનાથી પણ વધુ દુષ્ટતા ભર્યું કાર્ય હશે.” નાથ દાદાએ જવાબ આપ્યો.

એ શબ્દો સાંભળી બધા એકદમ શાંત થઇ ગયા. હોલમાં એકદમ નીરવતા છવાઈ ગઈ. એમના દરેક શબ્દ સાચા હતા. અમારા કોઈના ધ્યાનમાં આવ્યું નહોતું કે હજુ કદંબ સામે કેમ નથી આવ્યો.

હમણાં સુધીમાં તો કદંબને સમાચાર મળી ગયા હશે કે અમે નબર ટુને બચાવવા આવ્યા હતા. એ કેમ બહાર ન આવ્યો? એ કયા કામમાં વ્યસ્ત હશે એ સમજવું મુશ્કેલ હતું પણ એ કામ એકદમ દુષ્ટ અને સીનીસ્ટર હશે એ ચોક્કસ હતું.

“પપ્પા વિચારો... એવું શું હોઈ શકે જે એક દુષ્ટ જાદુગર માટે મહત્વનું હોય..? અતિ મહત્વનું...?”

“પોતાના જેવા જ કોઈ દુષ્ટ વ્યક્તિ સાથે સંધી કરવી.. જેથી એ એક પળમાં પોતાની શક્તિ અને સાથ બમણો કરી શકે.” ગોપીનાથે કહ્યું અને મને લાગ્યું તે બધા જાદુગરોમાં આગેવાન હશે.

“હા, કદંબને લાગ્યું હશે કે જાદુગરોની સમિતિ એના પર કાર્યવાહી કરી શકે તેમ છે અથવા તેને લાગ્યું હશે કે આપણી દખલગીરીને લીધે એ નવ નાગને મારવાનું પોતાનું લક્ષ પૂરું નહિ કરી શકે. એ માટે તેને કોઈની મદદની જરૂર પડશે તો એ કોઈ એના જેવા જ દુષ્ટ સાથીની તલાશમાં લાગી ગયો હશે.” બીજા એક જાદુગરે પણ એમની વાતમાં ટેકો આપ્યો.

“કદાચ એવું પણ હોઈ શકે કે એને પહેલેથી જ એ દુષ્ટ સાથી મળી ગયો હોય અને તેઓ આપણા સાથે રમી રહ્યા હોય? કોઈ અલગ જ ચાલ એ લોકો રમી રહ્યા હોય એવું પણ બની શકે?” વિવેકે પોતાની શકયતા નોધાવી.

“હા, એમ પણ બની શકે કેમકે દુષ્ટ વ્યક્તિ કદી સીધા માર્ગે ચાલતો નથી. એ હમેશા બળ સાથે છળનો પણ ઉપયોગ કરે જ છે અને એમાય કદંબ એક એવો જાદુગર છે જે ખરેખર ન તો મદારી છે કે ન તો એને જાદુગરોની જમાતે સ્વીકારેલ છે. તે એક બહિસ્કૃત વ્યક્તિ છે જે પોતાના જેવા જ દુષ્ટ લોકો સાથે એક જંગલમાં રહે છે. કહેવાય છે કે નાગપુરમાં કેટલાક દુષ્ટ નાગનો ત્રાસ દુર કરવા કેટલાક જાદુગરો ત્યાં જઇ વસી ગયા હતા એમાંના મોટા ભાગના માત્ર દુષ્ટ નાગોનો શિકાર કરતા હતા પણ કદંબ અને તેના પિતા ખરેખર મદારી હતા જ નહિ. તેઓ બહિષ્કૃત કરાયેલ જાદુગરો હતા જે એ મદારીમાં ઘુસી ગયા અને પોતાની જાતને મદારી સાબિત કરી નાખી.” એક વૃદ્ધ જાદુગરે કદંબનો અસલ ઈતિહાસ રજુ કરતા કહ્યું. અમે કદંબની એ હકીકતથી બિલકુલ અજાણ હતા.

“અમને નંબર ચારનું લોકેશન આપો.. મારે અત્યારે જ એની તલાશમાં નીકળી જવું જોઈએ.” વિવેકને ખયાલ આવ્યો કે હજુ બાકીના નાગનું જીવન જોખમમાં છે એણે નંબર ચારની મદદે જવાની તૈયારી બતાવી.

“હા, એનું લોકેશન મળી ગયું છે.. તમને એના માટે જ મોકલવાના છે. એ માટે જ આ એસેમ્બલી ભરાઈ છે.” વિવેકના પપ્પા ફરી એ એસેમ્બલી ટેબલની ફરતે ગોઠવેલ લાકડાની ચેર પર ગોઠવાયા.

“અમને આગળના નંબરના નામ અને લોકેશન પણ આપી દો.. જેથી અમે સીધા જ આગળ નીકળી શકીએ.” મેં વિવેકના પપ્પાને કહ્યું.

“આગળના કેટલાક નંબર તો મળી ગયા છે. નબર સેવન અને નબર ફાઈવ અહી જ છે.. જેઓ હવે એસેમ્બલી સાથે જ રહેશે તેઓ સલામત છે.. નંબર થ્રીને પણ તમે બચાવી લાવ્યા છો એ પણ હવે એસેમ્બલી સાથે રહેશે એમની સુરક્ષાની પૂરી જવાબદારી એસેમ્બલી ઓફ ઇન્ડિયન મેજીસિયનની છે. માત્ર નંબર ફોર, નબર સિક્સ અને નબર નાઈનને શોધવાના જ બાકી છે. એમાં નબર નાઈનની એટલી ચિંતા નથી કેમકે એ તમારા નવ નાગમાં બધાથી શક્તિશાળી હશે અને એ પોતાનો બચાવ કરવામાં પણ માહિર હશે. એનો રક્ષક એની સાથે હશે માટે એનું લોકેશન કે નામ કાંઈ જ નથી મળી રહ્યું. એ નાગ છે કે નાગિન એ પણ હજુ સુધી ખયાલ નથી આવ્યો. માટે કદંબ પણ એને શોધી શકે એ અશક્ય છે કેમકે જેનું અસ્તિત્વ અવકાશી કેલેન્ડર નથી બતાવી શકતું એને નાગમણી વડે પણ શોધી શકાતો નથી.” સોમર જાદુગરે ( વિવેકના પપ્પાએ) કહ્યું.

“નંબર ફોર અને સિકસના નામ તથા લોકેશન અમને આપો. અમારે જલ્દી નીકળવું જોઈએ..” વિવેકે ઉતાવળો થઇ રહ્યો હતો. એની ઉતાવળ યોગ્ય પણ હતી. સવાલ જીવન અને મૃત્યુનો હતો એક એક મિનીટ કાઉન્ટ થઇ રહી હતી.

“નંબર ફોરનું નામ નીકુલ છે જે રાજસ્થાનમાં છે. એ પોતાની જાતને બચાવી શકે તેમ હશે કેમકે એના નામનું ચિહન એકદમ ઘાટા અક્ષરે છપાયેલુ છે. વળી તેના નામનો અર્થ પણ ભગવાન શિવ છે એટલે એ જરૂર મજબુત હશે.” વિવેકના પપ્પાએ અવકાશી કેલેન્ડર તપાસતા કહ્યું..

મને નામના અર્થ સાંભળી હસવું આવી ગયું પણ હું એસેમ્બલીમાં હતો એટલે મેં એ કોઈને દેખાવા ન દીધું. નામ તો મારું પણ કપિલ હતું. જેનો અર્થ છે મુહૂર્ત મુજબનો પણ હકીકત એનાથી ઉલટી હતી.

“અને નંબર સિક્સ?” વિવેકે પૂછ્યું.

“એ એક નાગિન છે એનું નામ સેજલ છે પણ એ ક્યાં છે એ સમજાઈ નથી રહ્યું. અમે એને ટ્રેસ કરી રહ્યા છીએ જેવું એનું લોકેશન અવકાશી કેલેન્ડર શોધી શકશે એ સાથે અમે તમને એમનું લોકેશન આપી દઈશું.” વિવેકના પપ્પાએ જ કહ્યું.

મેં સેજલના નામનો અર્થ વિચાર્યો. એના નામનો સામાન્ય અર્થ છે નદી કે સરિતા નું પાણી.. એવું પાણી જે શુદ્ધ અને પવિત્ર છે. એના નામ મુજબ એનામાં બહુ ઊંડાણ હશે એમ મને લાગ્યું.

“હું પણ એમની સાથે જોડાઇશ.” હોલમાં અમે આવ્યા હતા એ સિવાયના એક બીજા દરવાજાથી દાખલ થતી છોકરીએ કહ્યું. એના વાળ તદ્દન કોલ બ્લેક કાળા હતા અને તેના ખભા પર લટકીને એના સુંદર ચહેરાને વધુ સુંદર બનાવી રહ્યા હતા. તેનો આઉટ લૂક એકદમ બાળક જેવો હતો. તેના કોમળ હોઠ અને એકદમ પાતળા બાંધાની પરવાહ કર્યા વગર તેણીએ અમારા સાથે લડાઈમાં જોડાવાની માંગણી કરી એ જોતા જ હું સમજી ગયો કે એ ભલે કોમળ લાગતી હોય પણ એ એક નાગિન છે અને જો મારો અંદાજ ખોટો ન હોય તો એ નંબર ફાઈવ હોવી જોઈએ - પ્રિયંકા. તેના કપડા પણ તેના નામ મુજબ વાઈબ્રન્ટ હતા.

“પ્રિયંકા એ અશક્ય છે... એ લોકો રાજસ્થાનની દઝાડતી રેત ખુંદવા જઇ રહ્યા છે જ્યાં માત્ર દુશ્મન જ દુશ્મન નથી પણ રેત અને સૂરજ બે બીજા દુશ્મનો પણ તૈયાર થઇ રાહ જોઈ રહ્યા છે.” વૃદ્ધ જાદુગરે એ ભૂરી આંખોવાળી છોકરીને કહ્યું. મારો અંદાજ સાચો હતો એ પ્રિયંકા હતી.

“હા, પ્રિયંકા. એ સાચા છે ત્યાં તારે નહિ મારે જવું જોઈએ. હું એમની સાથે જઈશ. હું લડવા માટે ટેવાયેલો પણ છું.” તે જ દરવાજેથી એકાદ પળ પહેલા દાખલ થયેલ બીજા છોકરે કહ્યું.

“હાય! આઈ એમ શ્લોક, આઈ એમ નંબર સેવન.” વિવેક સાથે હાથ મિલાવતા એણે કહ્યું. એને કોફી બ્રાઉન લેધર જેકેટ પહેર્યું હતું અને એની દરેક સ્ટાઈલ કોઈ નાગ કરતા ફિલ્મી હીરોને વધુ શૂટ કરે તેવી હતી.

“નાઈસ ટુ મિટ યુ ફ્રેન્ડ. ઇફ આઈ એમ નોટ રોગ યુ આર નંબર એઈટ.” એણે મારી પાસે આવીને કહ્યું. એ ઓવરસ્માર્ટ હતો. મારી કોલેજમાં પણ એવા ઘણા છોકરા હતા. જોકે એના ઓવરસ્માર્ટ હોવા પાછળ કોઈ એક કારણ નહોતું. કદાચ એનો હેન્ડસમ ચહેરો અને એવી જ ગોલ્ડન આંખો જે એક નાગના સુંદર દેખાવા માટેની પ્રથમ શરત છે. અને તેની આસપાસ જે લોકો હશે એ એના ચહેરા અને એની આંખોના વખાણ એના સામે મોઢે કરી બેઠા હશે. એટલે જ કદાચ એ પોતાની જાતને એક નાગ કરતા કોઈ ફિલ્મી હીરો વધુ સમજી રહ્યો હતો.

“નાઈસ ટુ મિટ યુ શ્લોક. યુ આર રાઈટ આઈ એમ નંબર એઈટ બટ સોરી યુ કાન્ટ કમ વિથ અસ.” મેં કહ્યું.

“કમ ઓન ગાયસ આઈ એમ નોટ અ કીડ.” તેણે બે હાથ ઊંચા કરીને નીચે કર્યા, “લૂક એટ માઈ બીયર્ડ, આઈ કીપ ઈટ ટુ.” એણે કહ્યું. એનો બોલવાનો અંદાજ પણ કોઈ ચોકલેટી કોલેજીયન છોકરા જેવો હતો અને એણે એવી જ સ્મૂથ શેપ દાઢી રાખેલ હતી અને એના પર શૂટ કરે તેટલી લંબાઈની મીલીટરી મૂછો.

“હા, તું નેક્સ્ટ ટાઈમ સાથે આવી શકે જયારે અમે કોઈ ફિલ્મના શુટિંગ માટે જેશલમેર જઇએ ત્યારે..” આખરે વિવેકે કહ્યું.

એ સાંભળી પ્રિયંકા અને ત્યાં બધા હસવા લાગ્યા. શ્લોકે મારા અને વિવેક તરફ એક ડેવિલ મેં કેર લૂક આપ્યો અને ખભા ઉલાળી પોતાની સ્માઈલ સાથે જે દરવાજાથી અંદર દાખલ થયો હતો એ જ દરવાજાથી બહાર ચાલ્યો ગયો. પ્રિયંકા પણ ચહેરો બનાવી તેની પાછળ ચાલી ગઈ. હું એમના ચહેરા જોઇને સમજી ગયો કે એ નાગ નાગિન જુડવા હતા. બન્ને ભાઈ બહેન એક જ મુહુર્તમાં જન્મ્યા હશે. મને એમના એ મુહુર્તમાં જન્મવા બદલ અફસોસ થયો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Mukesh 2 માસ પહેલા

Verified icon

Ajit 2 માસ પહેલા

Verified icon

tushar trivedi 2 માસ પહેલા

Verified icon

mittal thakkar 2 માસ પહેલા

Verified icon

Mahendra Trivedi 2 માસ પહેલા