Tran Puroosh Ane Aek 'Hu' books and stories free download online pdf in Gujarati

ત્રણ પુરૂષ અને એક ‘હું’

મારું નામ હું છેલ્લે કહીશ પણ મારી જિંદગીની દાસ્તાં જાણશો એટલે તમને મારા વિશે ખ્યાલ આવી જશે. મારી જિંદગીની સત્ય કહાની આજ તમને જણાવવી છે. પણ એક પ્રોમિસ કરો કે તમે રડશો નહીં..મારી કસમ...તમને મારી કસમ...

મને નાનપણમાં પોલીસ નામથી બહુ ડર લાગતો પણ હવે એ સત્ય છે કે ‘એ’ અમારા સાથીદારો છે એથી વિશેષ મારા રક્ષક પણ છે. મારા ઘરની નીચે જુઓ તો રસ્તા પર પુરૂષોની ભીડ જોવા મળશે. એ ભીડ મારા હદયને શાંતિ આપે છે. કારણ કે, એમાંથી જ મને કોઈ પેટ ભરવા માટેના પૈસા આપીને જાય છે.

હા, સાચી વાત છે, હું સ્વીકારું છું. હું બજારમાં શરીરનો વેપાર કરતી એક છોકરી છું. ઈશ્વરે મને ખૂબસૂરતી આપી છે અને એ કારણે મારી જિંદગી ચાલી રહી છે. ભલે ને ઉંમર મારી આજની તારીખમાં ૨૮ વર્ષની છે પણ જિંદગીને ૨૮૦૦ ગણી નજીકથી જોય છે.

તમારી પાસે રહેવા માટે ઘર હશે, હા મારી પાસે એક નાનો રૂમ છે, જેમાં રસોડું અને બાથરૂમ બંને એક જ કહેવાય. તમારી પાસે સુવા માટે સારો બેડ હશે, મારી પાસે સુવા માટે બેડ તો છે પણ બીજાની સાથે.. થાકેલા કંટાળેલા પુરૂષો રાતે થાક ઉતારવા માટે મારી પાસે આવે છે અને એમ મારી આખી રાત પસાર થઇ જાય છે. મને રાતના સપના કેવા હોય એ ખબર જ નથી, મારા માટે રાતનું અંધકાર એટલે મારા જ શરીર સાથે રમવામાં આવતી રમત.

જુઓ, પૈસાનો ચઢાવ-ઉતાર તો ડોલરમાં થાય. મારે એવું કાંઈ ન હોય!! મારી જુવાની એ જ મારે ‘પૈસા’ છે. એટલે મને મારા બુઢાપાની બહુ ખબર નથી કે મોટી ઉંમરે મારું શું થશે? જુવાનીમાં શરૂઆત સારી થાય અને અંત એક દર્દનાક ઘટના બનીને ‘અંત’ થઇ જાય છે. મેં એક રાત માટેના ૧૦,૦૦૦ રૂપિયા પણ લીધા છે કારણ કે ત્યારે હું ૨૦ વર્ષની તરોતાજા કલી હતી. જેમ બાગમાં ફૂલ ખીલ્યું હોય...

૫,૦૦૦ ના ખનખનીયાની રકમમાં ત્રણ ‘પુરૂષ’ અને એક ‘હું’ એમ કુલ ચાર વ્યક્તિઓએ એક જ પથારીમાં આખી રાત પણ ગુજારી છે. ત્યારે હોટેલમાં વાગતું સુમધુર સંગીત પણ મને મારા જીવનની કપરી મરણચીસ સમાન લાગતું હતું.

એકવાર વિદેશી પુરૂષો સાથે જવાનું થયું. તેને મને હોટેલના રૂમમાં કંઈક કેફી પીણું પીવડાવ્યું હતું અને હું ૪૮ કલાક સુધી ભાનમાં નહોતી આવી. એ શું હતું એ તો ખબર નથી; પણ ત્યારે પાંચ પુરૂષોએ મારી જિંદગીની જુવાનીને ચીથરેહાલ કરી હતી. યોનીમાં ત્રણ દિવસ અસહ્ય દુખાવો થયો હતો અને એ બદલામાં એક પુરૂષના ૨૦૦૦ રૂપિયા લેખે હિસાબ મળ્યો હતો.

તમને કદાચ એ ખબર નહીં હોય પણ એક બીજું રાઝ પણ જણાવું. એ જે પાંચ વિદેશી પુરૂષના પૈસા આવ્યા હતા તેના કુલ પૈસામાંથી અડધા માર્કેટિંગ ડીપાર્ટમેન્ટને આપવા પડ્યા હતાં અને મારા હિસ્સામાં શરીરની પીડા પણ આવી હતી!!

માર્કેટિંગનું સાંભળી તમને નવાઈ લાગતી હશે, પણ એ સત્યતા છે કે મને આખી રાત બીઝી રાખવા માટે આ શરીરના સોદાગરોનો હાથ હોય છે, જે મને પેટ ભરવાના પૈસાની કમાણી કરાવે છે અને તેના ઘરના રોટલા પણ પકાવે છે.

પણ હવે ચિંતા નથી આ તો રોજનું અને આખી જિંદગીનું કામ બની ગયું છે અને ખુશી એ વાતની છે કે આજની ૨૮ વર્ષની ઉંમરમાં પણ કલાક બે કલાક અને આખી રાતના સારા ભાવ મળી રહે છે. વાંધો નથી! રહેવા-જમવાનું અને જિંદગીને થોડી માણવા લાયક જરૂરિયાતનું વ્યવસ્થાપન થઇ જાય છે.

પણ હું શું કહું સાંભળો, મને જયારે પણ કોઈ પુરૂષ અડપલા કરીને રૂમ સુધી લઇ જતો હોય અને અંતે મને નગ્ન કરીને ન કરવાનું કામ પણ કરાવે ને ત્યારે મને આંખોથી નહીં પણ દિલથી રડવું આવે(તમે કાંઈ ચિંતા ન કરો, આ તો સામાન્ય વાત છે. પાંચ થી છ વખત ગર્ભપાત કરીને બાળકોની હત્યાનો આરોપ મારા પર લાગી શકે એમ છે..). જો આ વાત યાદ આવી તો આગળની વાત કપાઈ ગઈ..

હું એમ કહેતી હતી કે, મારા પર શરીર પર અત્યાચાર ચાલુ થાય ત્યારે મનથી રડવું આવે, ખુબ રડવું આવે, મારી ‘મા’ નું મોઢું યાદ આવે. બિચારી એ તો આખી જિંદગી હું શરીરનો વેપાર ન કરું એ માટે પપ્પા સાથે લડતી રહી. મને આ ધંધામાંથી બહાર કાઢવા માટે તેને અથાક મહેનત કરી, પણ પપ્પાના એક ભાઈબંધે આ સફળતા હાંસિલ થવા જ ન દીધી.

પપ્પાને દારૂની લત હતી અને દારૂની દીવાનગીએ મારી જિંદગીને અહીં સુધી પહોંચાડી દીધી. દારૂના પૈસા ન હોય તો મને આરામથી રાત માટે ક્યાંય પણ મોકલી દેતા અને મારે બધું સ્વીકારી લેવું પડતું. સામે મારું કહું ને તો એવું કે, ધંધામાં ઈમાન, ગ્રાહક પૈસા ચૂકવે છે તો પછી એને આનંદ તો આવવો જોઈએ ને...!! હું આખી રાત ગ્રાહકને મજા કરાવતી કારણ કે હવે મારા બાપને મારી જિંદગી કરતા તેનો ‘દારૂ’ વધુ વહાલો હતો, તો હું શું કરું?(રોજ જે કામ કરવાનું છે એનાથી નફરત શું કરવી!!)

મેં પણ પપ્પાને સામેથી જ કહી દીધું, “પપ્પા મને એક દિવસ અગાઉ કહી દેવાનું તો રાતે ક્યાંય જવાનું હોય. એટલે તમારે કોઈ ચિંતા નહીં. આરામથી દારૂ પી શકો અને મમ્મી સાથે મારા કારણે ઝઘડો પણ ન થાય.” પપ્પા દારૂને ઈશ્વર માનતા અને હું મારી ‘મા’ ને...(બિચારી ઘણી દિલાવર હતી કે છેલ્લે મારી બદલે એ રાત કાઢવા માટે તૈયાર થઇ ગઈ હતી પણ એના ભાવ બહુ ન આવે ને!!). પણ હું મારે પપ્પાને રોકી શકું એમ ન હતી કારણ કે મેં કહ્યું ને તેને દારૂમાં ઈશ્વર દેખાતા હતા.

આજ મારી સાથે મારી ‘મા’ નથી, મારો જ વલોપાત કરતી ધામમાં પહોંચી ગઈ અને મારા બાપ તેની કુટેવને કારણે યમલોકમાં ગયા છે. મારા કોઈ સગા-વહાલા નથી, નથી કોઈ મિત્રો. મને કોઈ પ્રેમ કરી શકતું નથી. કારણ કે હું એક વેશ્યા છું..વેશ્યા... દિવાળી-હોળી મારે બધું સરખું જ છે. હું જીવું છું પણ જલ્દી મરવા માટે...આ જિંદગી નર્ક છે. દિલ તો મારેય છે અને લાગણી તો મનેય અનુભવાય છે... જેમ તમને પ્રેમી વહાલું હોય, અમે મને પણ પ્રેમ કરવો ગમે છે, પણ કોની સાથે કરું?? ગ્રાહકને તો ‘શરીર’ જોઈએ તેને 'પ્રેમ સાથે શું લેવા-દેવા!!

***

આજે હું દરરોજ અલગથી પૈસા ભેગા કરું છું કારણ કે(હવે, જવા દો ને શું બધું કહેવાનું..) જો હું આજેય મોટા ગ્રાહકો માટે કામ કરવા ઈચ્છું છું. કોઈ મને રાત માટે વધુ પૈસા આપતા હોય તો હું હજુ તેની સાથે જવા તૈયાર છું. ભલે ને એક રાત નહીં પણ એક અઠવાડિયા સુધી તેની સાથે નગ્ન રહેવું પડે એમાં શું? મારૂ જીવન તો મારે જ પસાર કરવાનું છે અને એમાં કોઈ ભાગીદાર થાય એમ નથી. મને કોઈ પ્રેમ-વ્રેમ કરે નહીં કારણ કે મારી સાથે તો રૂમની અંદર બંધ બારણે જ મજા કરવાની હોય મારા દિલની કિંમત ન હોય..

***

આજે સવારે બજારમાં ઘરની વસ્તુ ખરીદી કરવા નીકળી તો અમુક પુરૂષો ‘રાંડ’ અને ‘માલ’ જેવા શબ્દોથી મને બોલાવતા હતા. મને એ લોકો ઉપર બહુ દયા આવી બિચારા પાસે સ્ત્રીને બોલાવવાની સમજ ન હતી. કદાચ એટલે એ આવું કરતા હતા અને આમ પણ એક બે જણા તો મારા જ રાતના પ્યાસી હતા.

હું વધુ પૈસા કમાવવા માંગું છું કારણ કે...એક વ્યક્તિથી કાંઈ સારું થતું હોય તો જિંદગીની કુરબાની પણ નાની વાત છે. હું આગળ જે કહેતા અટકી ગઈ હતી પણ હવે રહેવાય એમ નથી એટલે કહું જ દઉં..,

હું અલગથી રોજ પૈસા ભેગા કરું છું. એક સારી એવી સ્કુલ બનાવવા માંગું છું, જ્યાં પુરૂષોને ‘સ્ત્રી’ શું છે એ સમજાવવામાં આવે અને ‘સ્ત્રી’ ને પુરૂષ વગરની જિંદગી કેવી હોય? એ સમજાવવામાં આવે. વિકૃત અને પોતાની જરૂરીયાત માટે ઘેલા થઇ જતા નઠારા મા-બાપની કોઈ ઔલાદ મારી જેમ ફસાઈ ન જાય અને એવું કોઈ હોય તો તેને બઘાની જેમ સારી જિંદગી મળે એવી સ્કુલ બનાવવાની તમન્ના છે.

જો કદાચ મોટી સ્કુલ નહીં બની શકે તો એવા ટ્યુશન કલાસીસ તો જરૂરથી ખોલીશ. જેમાં ભલે માત્ર એક કે બે લોકો જ આવે. એમાંથી કોઈ એક ને હું સમજાવી શકું એટલે મારા જીવનનો અર્થ પૂર્ણ થઇ જાય. જો કોઈ એવું યુવાન હશે કે તેને દેહવ્યાપારના ધંધામાં મોકલી દેવામાં આવ્યું હોય તો તેની જિંદગી બચાવીને તેને ‘હું’ આખી જિંદગીભર સાચવી લઈશ. અને હજુ એટલી તો શરીરમાં ઔકાત છે કે કોઈ એકનું જીવન તો સંભાળી શકું....

***

ટીંગટોંગ...
ટીંગટોંગ...
કોઈએ નીચેથી બે વાર રૂમની બેલ વગાડી...
“રોશની!! તારો નંબર આવ્યો છે, મારે લક્ષ્મી માતાનું વ્રત છે તો હું મંદિરે જાવ છું. આજ મારા ગ્રાહક તું સંભાળી લેજે...”
“હા, અંજલિ તું ચિંતા ન કર..હું અહીં જ છું અહીં...” બંગાળ થી મુંબઈ આવેલ રોશનીને અંજલિ, “જય શ્રી કૃષ્ણ” કહીને મંદિરે જવા નીકળી ગઈ...

હા, મારું નામ છે "રોશની...."

#Author : Ravi Gohel

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED