પુરૂષ છું... તકલીફ તો રહેવાની
એક વ્યક્તિ તેમનાં બોસ પાસે અડધા દિવસની રજા માંગવા જાય છે. એ છે 'મેલ' મતલબ કે જાતિએ પુરૂષ અને તેનું નામ "શરમન". બોસ રજા સહેલાઈથી આપી દે છે એટલે ખુશ થતાં કેબિનમાંથી બહાર નીકળતાં આનંદથી બોલે છે...
"વિકાસભાઈ, આજે મારી ચાર વાગ્યા પછીની લીવ ભરી નાખજો"
"હા-હા વાંધો નહીં પણ આ શ્રીલંકાનાં પ્રમુખ ક્યાં ઊપડ્યાં આજે?" - ઓફીસ સ્ટાફનાં વિકાસભાઈએ શરમનને પુછીને હળવી મજાક કરી.
"બસ, આજે ખાસ નથી, વહેલું ઘરે જવાનું મન છે"
આટલું બન્યાં પછી...
શરમન તેમની પત્નીને ઘરે ફોન લગાડે છે.
"ઓહ! માય ક્વીન, આજે વહેલો ઘરે આવું છું" - આનંદીત મિજાજ લાગતાં તેમની પત્નીએ પુછી લીધું
"કેમ??"
"બસ, આજે સાત વાગ્યામાં જમી લેવું છે ને એટલે..." - મજાકીયો ઊડાવ જવાબ આપી શરમને વાત આગળ ટાળી.
ઘડીયાળમાં ચાર વાગવાની બસ થોડી જ વાર છે. ફટાફટ બધું કામ પુરું કરી ઘર તરફ આવવા શરમન ચાર વાગીને દસ મિનિટ થતાં નીકળી જાય છે.
***
આજે માંડમાંડ વહેલી રજા મળી છે. તે બહું ખુશ દેખાય છે. આ શરમન આજ સવારે ઓફીસે આવે એ પહેલાં જ તેને મનમાં નક્કી કરી લીધુ હતું કે વહેલું ઘરે જવું છે. તેમની વાઈફને ફોન કરી દીધો છે. શરમનને પણ ક્યાં ખબર છે! વહેલું ઘરે પહોંચવા, પત્ની ભેગો ઘરે થોડો સમય કાઢવા માટે, બચ્ચા ઊપરથી કિસ્મત લખાવી આવવું પડે.( હું સાચું કહું છું જો તમે માનતા ન હોય તો ખુદ જ જોઈ લો.)
ચાલો આગળ જોઈએ શું શું થાય છે??
શરમનની ઓફીસથી ઘર વચ્ચેનું અંતર ખાસ્સું લાબું છે. પુરે પુરાં ૧૩ કિલોમીટર. ઓફીસેથી નિકળી બાઈક ચાલું કર્યું થોડો આગળ ગયો ત્યારે ધ્યાન ગયું ફ્યુલમીટર પર એટલે ગાડીએ વળાંક લીધો પંપ તરફ. આગળ એકપણ પંપ આવતો નથી રસ્તામાં ત્યાં ફ્યુલ ભરાવવું જરૂરી થઈ ગયું. જેવો પેટ્રોલપંપ પર પહોંચ્યોં જોયું તો લાંબી કતાર બીજા દિવસનાં ભાવવધારાની હડતાળની. વીસ - પચીસ મિનિટનાં વેઈટીંગ બાદ આખરે વારો આવી ગયો. પછી ખટપટ નહીં એવાં વિચારથી ટેંન્ક ફુલ કરાવી લીધી.
બાઈક ચાલું થઈ ચાલવાની - પાંચેક કિલોમીટર ઓફીસેથી દુર પહોંચ્યો હશે. બન્યું એવું કે ધીમેથી ટાયરની હવા ઓછી થવાનું ચાલું થયું. થોડો આગળ પહોચ્યોં ત્યાં પંચર થઈ ગયું. એવાં વચ્ચો વચ્ચ રસ્તે પંચર પડ્યું કે આગળ બે - ત્રણ કિમી. ચાલીને જવું પડે, અથવા તો પાછળ જવું પડે. બે - પાંચ મીનીટ વિચારીને નક્કી કર્યું આગળ જ જવાઈ ને!!. બાઈક આગળ હંકારી જઈ દુર દુર નજરે એક પંચરની દુકાન. એ દુકાનદાર ઘરડા દાદાએ લાંબો સમય લઈ લીધો એક પંચરમાં. ધીમે ધીમે ટાયર ખોલી રી - ફીટ કર્યું. ધડીયાળમાં વાગી ચુક્યાં હતાં ફીટ ૬:૦૦. એટલામાં તેમની પત્ની બે-ત્રણ વાર ફોન કરવાનાં પ્રયત્ન કરી ચુકી હતી. પરંતુ સંપર્ક થઈ શકે તેમ ન હતો. પેન્ટનાં ખિસ્સામાં હાથ નાખતાં ખબર પડી, બધું ચેક કર્યું પણ મોબાઈલ ન મળ્યો. રસ્તામાં કોઈક અજાણી વ્યક્તિનો મોબાઈલ ફોનમાંથી કોલ કર્યો તો ખબર પડી કે મો. ઓફીસે ભુલાઈ ગયો છે. ત્યારે, ૧૦ કિમી. જેવો દુર પહોંચી ગયો હતો. ઘર આવે એટલી જ વાર. (પણ શું થાય હવે?) બાઈક ત્યાંથી ઓફીસ તરફ વાળી ફરી અને ટ્રાફીકની વચ્ચે ઓફીસે મોબાઈલ લેવા ગયેલાં શરમને જેવો ત્યાં પહોંચીને ફોન હાથમાં લીધો ને તરત જ વાઈફનો ફોન આવ્યો. સીધાં કટાક્ષ શબ્દોનાં જ સુર રેલાયા...
"વહેલાં આવવાનાં હતાં ને'? આજ"
"વહેલો આવ તો તો પણ એવું થયું ને...(બોલતાં અટકી ગયો તે અહીંથી) ચાલ, હવે આખી વાત ઘરે આવીને કરીશ"
***
હજી તો ફોન ખિસ્સામાં નાખી ઓફીસમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં તેમનાં જુનાં ઓફીસ કસ્ટમર તેમને ગોતતાં ગોતતાં આવે છે. પ્રોડક્ટની પુછપરછ - ભાવતાલની જાણકારી મેળવવામાં એક - દોઢ કલાક કાઢી નાખે છે. બાદ, ઊતાવળથી બાઈક લઈ નીકળી ટ્રાફીકને ચીરતો/ફાડતો ઘરે પહોંચતાં રોજ મુજબનો સમય ૮:૩૦ થઈ જાય છે.
તેમની વાઈફને આ બધી ઘટનાની જાણ ન હતી, આમ પણ શરમનની ફોન પરની વાતમાં વિશ્વાસ ન'તો આવ્યો. પતિદેવ વહેલાં આવવાનાં હતાં એટલે મનોમન શરમનની પત્નીએ ફરવા જવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, જે શરમનને રતીભાર ખબર નથી. એ પ્લાન મુજબ થાય ત્યારે જો શરમન ઓફીસેથી ઘરે વહેલો આવ્યો હોત તો… તો… અને તો… જ
પછી....
પછી....
પછી… પછી… પછી...
શું થાય?? એ જ, જે થાય એમ જ...
મીઠો ઝગડો, તેમની પત્નીનાં મોઢાંનાં અવનવાં લટકાં અને ગરમ મિજાજથી બંને વચ્ચેનો વાદ - વિવાદ. જેવું તેવું જમીને ખરાબ મુડમાં સરી પડેલાં એ પુરૂષનાં દિમાગમાં પુરપાટ ચાલતાં ખુદનાં પ્રશ્નો અને ખુદનાં જવાબો… મનોમન દુવિધામાં ચાલી રહેલો અને વચ્ચે વચ્ચે તેમની પત્ની સાથે કરતો જતો વાર્તાલાપ....
બ્રમ્હાંડ જેવડાં વિચારોમાં બિચારું ગ્રહ જેવડું મગજ શું કરે એકલું....!!
***
જેવો ઓફીસેથી ઘરે આવ્યો - જમવાનું તૈયાર હતું પણ મારે તો જમવાનું નથી એમ માનો તો ચાલે. ઊપવાસ રાખી દીધો હોત તો ચાલત. હું પણ એવો ને - ક્યારેક એટલું બોગસ કામ કરી નાખું ને… વિચારે છે આવું બધું ને' ફરી એ… બોલી, તેમની ધીમે - ધીમે વાતો ચાલું થઈ પછી ગતિ રોકેટની થઈ. બાજુવાળા સાથે પાણીની માથાકુટ, દુધ આવ્યું મોડું, બીટુંની સ્કુલની ફી ભરવાની વગેરે વગેરે અને વગેરે. (શરમન ફરી મનોમન) આવી બધી પળોજણ ચાલું થાય ત્યારે જ્યારે હું ઘરમાં આવીને એવું મહેસુસ કરું કે આ "મારું ઘર" છે. આમ પણ સાચ્ચે જ મારું ઘર છે માટે તો ચિંતા - ઊપાધિ, ઊગ્રતાનો વેશ ચડેલો રહે છે મને. બધાને લાગે છે કે હું મારું - મારું કરું છું પણ હું મારું મારું નહીં પહેલાં ઘરનું અને બાદમાં 'મારું' કરું છું. એટલે તો હું રતનટાટા નથી, કે નથી વિજય માલ્યા. મારી ભુલથી પગે કુહાડી વાગી એવો અહેસાસ જીવન કરાવે (ક્યારેક લગ્ન મોટી ભુલ સમાન લાગે). બધામાં ભુલ ફક્ત મારી જ નીકળે. આટલી હદ સુધી ધર માટે કાંઈક કરતો રહું, મહેનત કરું છતાં કહેવાય આ ચમનને તૉ બુધ્ધિ નથી કે ક્યાં ઊપયોગ કરવી?
ક્યારેક બધાને સમજાવું છું તો ક્યારેક મને કોઈ સમજાવી જાય છે. ખબર બધી પડે છે મને તો'ય મુર્ખ ખપાવી જાય છે. સહેજ નબળો પડ્યો કે તરત જ સંબંધની ગણતરી અને કિંમત થઈ જાય છે. આ તો હું "પુરૂષ" છું એટલે મારાથી બધું સહન થઈ જાય છે. ક્રોધ વધુ કરી શકતો નથી, ખુલ્લેથી રડી શકતો નથી. 'પિંજણ' એટલી છે કે આ બધું છોડીને આનંદથી જામનગર, જામખંભાળીયા, જસદણ કે જમ્મુ-કશ્મીર કાંઈ જઈ શકતો નથી. "ચાલ્યા કરે આ તો, આટલું જ બોલું છું ફક્ત". જીવનમંત્ર બનાવી દીધો છે હવે તો. કામમાં રજા હોતી નથી, સજા જાતી નથી. માંડમાંડ બધું ઠીક કર્યું હોય પછી મજા એમાંથી આવતી નથી. શું કરું...?
ઘરમાં, ઘરવાળી સાથે, ઘરની બાબતથી, ઘરની તકરારમાં બધી જંગ ખેલાઈ ગઈ - વિચાર, વિમર્શ અને વાતનાં યથાર્થમાં પછી અંતે શાંત મગજની અંદર એક જ વિચાર આવે… "પુરૂષ છું - તકલીફ તો રહેવાની".
મિત્રો, તમારે પણ આ જ બને છે કે નહીં??? સાચું કહેજો હો!!! શરમન જેવું નથી થતું ને' સુડી વચ્ચે સોપારી… ન કોઈ વેચનાર અને ન કોઈ લેનાર...
- રવિ ગોહેલ