મેરા દરદ ના જાને કોઈ...!
કોઈને માશુકાના સ્વપ્ના આવે, કોઈને ઉઘરાણીવાળાના સ્વપ્ના આવે, કોઈને પ્રધાનપદુના સ્વપ્ના આવે, બંદાના એવાં તે કેવાં કરમ ફૂટેલા કે, ગઈ કાલે જોડાં સ્વપ્નામાં આવ્યા...! તે પણ પરિવાર સાથે..! ના ભાઈ ના, જોડાં એટલે કોઈ તાજાંતરોજ પરણેલા ની વાત નહિ. ખાંસડાની વાત કરું..! વિચાર તો કરો કે, રાણા પ્રતાપના લશ્કરની માફક કોઈ સેના સ્વપ્નમાં આવે તો, ઊંઘનારની હાલત શું થાય..? પણ મેં માત્ર જોડાને જ સ્વપ્નમાં પ્રવેશ આપેલો, બાકીના બધાને પથારીની બહાર ઉભા રાખેલાં..! એવું તો માનતા જ નહિ કે, એ બધાં મારા પગની સાઈઝ માપવા આવેલાં..! એમ સમજીને કે ચાલો રમેશજી ને ફાવે તો આપણે એમનું જ ઘર માંડીએ..!
વેદના માત્ર માણસને જ હોય એવું નહિ, ખાંસડાને પણ હોય..! એમની વાત ભગવાન સામે બાંયો ચઢાવવાની લાગી. મને કહે, ‘ જેની કોડીની કીમત નથી, એવાં અમારો પગથીએ ત્યાગ કરીને મંદિરમાં પ્રવેશી શકે, ચોર અને આતંકવાદી પણ મંદિરમાં ઘુસી શકે, ને અમારા જેવાં કીમતી, સેવાભાવી, પરદુઃખભંજક ને શ્રમજીવીને મંદિરનું પગથીયું પણ ચઢવાનો અધિકાર નહિ..! આ તે કેવો અન્યાય..? આક્રોશ સાંભળીને સાલું મારું હૃદય પણ એકવાર આંચકો તો ખાય ગયું કે, આવી મસાલાઢોસા જેવી તેજ બુદ્ધિ એમનામાં આવી ક્યાંથી..? નક્કી કોઈ ગુરુ ઘંટાલ ભેટ્યો લાગે છે..!
શંકા એ વાતે ગઈ કે, વેદના ઠાલવવા માટે, આ ટોળકીને મારું સરનામું આપ્યું કોણે..? સાથે એક વાતે ગર્વ પણ થયો કે, ખાંસડા તો ખાંસડાના, સ્વપ્ના હજી આપણાથી છૂટ્યાં નથી. લોકોના પગની પાવડી સુધી આપણી લોકપ્રિયતા પહોંચી છે ખરી..! આનદ તો થાય જ ને દાદૂ...? જેની વાઈફે ક્યારેય કદર કરી ના હોય, એની કદર ખાંસડા કરે એ કંઈ ફેંકી દેવા જેવી ઘટના થોડી કહેવાય..?
આજની ઈંગ્લીશ મીડીયમવાળી પેઢી ગૂંચવાતી હશે કે, ‘ આ ખાંસડા એટલે શું વળી..? ‘ આ ખાંસડાનો પણ એક પરિવાર છે. સમજોને સેન્ડલ-ચંપલ-મોજડી-હોલબુટ-સ્પોર્ટ બુટ-ઉંચી એડી-નીચી એડી- ફ્લેટ-એડી વગેરે વગેરે...! પગના રક્ષણ માટે પહેરવાનું એક ચામડાં-પ્લાસ્ટિક કે કાપડનું સંરક્ષણ બખ્તર...! એમાં જેની જેવી સ્થિતિ, તેવું તેનું ખાંસડુ..! ખાંસડા ઉપરથી નક્કી થાય કે, એના ધારકને વેવાઈ, જમાઈ કે સસરો બનાવવા લાયક છે કે કેમ..? કે પછી આઘો રાખવા જેવો છે..! માણસની સધ્ધાર્તાના પ્રાયમરી કેરેટ જાણવા હોય તો ખાંસડા ઉપરથી નક્કી થાય. ખાંસડાનો ધારક મંદિરે આવે ત્યારે, ભગવાન મંદિરમાં જઈને કંઈ ને કંઈ માંગતો હોય, ને ખાંસડાઓ પગથીયા પાસે બિનવારસી લાશની માફક આડા પડીને પ્રભુના દૂરથી દર્શન જ કરતા હોય...! ખાંસડાને વળી માંગવાનું પણ શું હોય..? ઉઘાડપગે દર્શન કરવાની બાધા લઈને કોઈ આવે, ને જતી વખતે એકાદ જોડી પહેરતાં જાય, તો પણ નહિ બોલે..! એક ભવમાં પણ એ બે ભવ પણ કરી નાંખે, એવાં ભોળકા..! છતાં કહેવાય પનોતી...!
મને કહે, “ રમેશિયા..! વાધરીના સોગંદ ખાયને કહું કે, આવી વેદના હવે સહન થતી નથી. કાલે ડબલ પટ્ટીની મારી ફેન્સી ગર્લફ્રેન્ડ ચંપલ બોલી કે, આપણી વ્યથા સાંભળે એવો એક જ મર્દ મારી નજરમાં છે, એટલે અડધી રાતે અમે તમારા સ્વપ્નમાં આવ્યા. તમને તો ખબર છે કે, માણસજાતને અમે આદિકાળથી શું ઓછું સુખ આપ્યું...? ઉનાળે એના પગને બળવા નથી દીધાં, શિયાળે ઠંડા પડવા નથી દીધાં, ને ચોમાસે અમે ભીજાવા નથી દીધાં..! છતાં હરામ બરાબર જો કોઈએ અમને ‘થેંક્યુ સૂઝ’ કહ્યું હોય તો..? છુટ્ટા મોંઢે મલકાવાની વાત તો દૂરની રહી, ખોળામાં લઈને ક્યારેય અમને ગલીપચી શુદ્ધાં નથી કરી. જેમ ચૂંટણી પત્યા પછી મતદારોનો કોઈ ભાવ નથી પૂછતું, એમ અમારો ક્સ કાઢી લીધાં પછી, અમને એવાં તો રઝળતાં કરી દે કે, જાણે અમે વિઝા વગરના પાકિસ્તાની ના હોય..? એમના કરતાં તો કુતરા સારાં કે, અમને વ્હાલથી પંપાળવા આવે, ક્યારેક દંતચુંબન કરી, અમને મહોલ્લાની યાત્રા પણ કરાવે...! બોલવા જઈએ તો કહે કે, ‘ સાપના માથે દેડકી ચઢી ગઈ..! ‘
અમારી વેદના જાણીને તમારો પણ જીવડો કપાય જશે રમેશજી...! અમારી કોઈને કીમત જ નથી. કોઈને ઘા કરવા માટે ક્યારેક તો અમે હથિયાર પણ બની ગયાં છીએ. સામાની ઇજ્જતનું કચુંબર કરવા ભલે આવો અઘોર પ્રયોગ કરે, પણ જેણે પોતાની જાત ઘસીને માલિકના પગની રક્ષા કરી હોય, એની આવી બેઈજ્જતી કરવાની..? રાજા ભરથરી છો કે, પીગળાની માફક અમારો ત્યાગ કરી દેવાનો..? કોઈના ઉપર અણગમો જ હોય તો, આખો ને આખો માણસ કેમ નથી ફેંકતાં...? શું પગમાંથી કાઢીને અમને જ ફેંકવાના...? સાલું કોઈ કહેવાવાળું જ નથી...? આ તે આપણી કોઈ સંસ્કૃતિ છે..? બાપુજીની...આઈ મીન મહાત્મા ગાંધીજીની, સહેજ તો શરમ રાખો..? શું કહી ગયેલાં બાપુ..? લડાઈ લડો તો અહિંસક લડવાની. એવું નહિ કહી ગયેલાં કે, કોઈના માટે તમને ઝેર ચઢે તો, એમને છુટ્ટા ખાંસડા મારવાના..! જમણો જોડો જો નહિ વાગે, તો ડાબો જોડો કાઢીને પણ ઘા કરવાનો..! તારી ભલી થાય તારી...!
આપણે પણ જાણીએ કે, માણસને ગુસ્સો નહિ આવે તો, શું કાનખાજુરાને આવવાનો..? પણ બહુ ચળ ઉપડે તો ખિસ્સામાં રૂમાલ તો રાખતાં જ હોય, એ કાળા કલરનો રાખવાનો. જેથી જોડા ફેંકવાને બદલે, કાળો રૂમાલ કાઢીને કાળો વાવટો તો ફરકાવાય..? એમના કરતાં તો આજકાલની દીકરીઓમાં અક્કલ વધારે. કોઈ મવાલી રોમીયોગીરી કરતો હોય તો, એ ચંપલના છૂટા ઘા નહિ કરે, પણ ચંપલની ઈજ્જત કરે. હાથમાં ચંપલ પકડી રાખીને પેલાનો ગાલ ચચરાવી નાંખે, પણ ચંપલને શહીદ ના કરે. એવું વિચારે કે, મવાલી કરતાં મારી ચંપાન વધારે અમુલ્ય છે...!
દેવ-દેવીઓએ પણ શસ્ત્ર તરીકે તીર-ભાલા-તલવાર-ત્રિશુળ કે સુદર્શન ચક્ર વગેરેના શસ્ત્રો રાખ્યા છે. કોઈપણ દેવે ખાંસડાને શસ્ત્ર બનાવ્યું નથી. વનવાસ સમયે, શ્રી રામને રાક્ષસોનો ત્રાસ કંઈ ઓછો હતો..? છતાં ભગવાન શ્રી રામે કે લક્ષમણે પગમાંથી પાવડી કાઢીને એકપણ રાક્ષસને ફટકાર્યો નથી. દેવો તો ઠીક કોઈ રાક્ષસે પણ છુટ્ટા ખાંસડા મારીને ‘ખાંસડા યુદ્ધ’ કર્યું નથી..! શ્રી રામના લાધુબંધુ ભરત મહારાજે તો પાવડીની કેવી ઈજ્જત કરેલી..? શ્રી રામની પાવડીને અયોધ્યાની ગાદી ઉપર બેસાડી, એની ચૌદ ચૌદ વર્ષ સુધી પૂજા કરેલી. ને આપણે ખાંસડાની આવી બેઈજ્જતી કરવાની..? હાય રે જાલિમ, માનવતા મરી પરવારી રે લોલ...! શિઈઈઈઈટ...!!
શ્રી રામ જાણે, આ ખાંસડા ફેંકવાની ડીઝાઈન આવી ક્યાંથી ? ક્રિકેટમાં તો કયા ખેલાડીએ કેટલો રેકોર્ડ કર્યો, એનો હિસાબ પણ રખાય. ખાંસડાનો કોઈ રેકોર્ડ નથી કે, પહેલું ખાંસડુ કોણે કોના ઉપર ફેંકેલું..? ચમનીયાના ભેજામાં ફીટ થયેલાં ડેટા ઉપરથી કહું તો, પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફ ઉપર એક વકીલે ખાંસડાનો ઘા કરેલો. ઇરાકનાં એક ટીવી જર્નાલિસ્ટ મુન્તઝાર અલઝૈદીએ ચાલુ પ્રેસ કોન્ફરન્સે પગનો એક જોડો હાથમાં લઇને ‘ શૂ થ્રોઈગ ‘ નો પ્રયોગ અમેરિકાના પ્રમુખ બુશ ઉપર પણ કરેલો. ચીનનાં પ્રિમિયર વેન જિયાબો, જ્યારે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપી રહ્યા હતા, ત્યારે માનવ અધિકાર માટે એક આંદોલનકારીએ પગનો જોડો ફેંકેલો. ને ઇરાનનાં ઉર્મેય શહેરમાં ખુલ્લી કારમાં ભાષણ આપવા જઇ રહેલા ઇરાની પ્રમુખ મોહમદ એહમદીનીજેદ પર જોડો ફેંકાયેલો. પાકિસ્તાનનાં રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી ઝરદારીની બર્મિંગહામની મુલાકાત દરમ્યાન ભાષણ આપી રહ્યા હતા, ત્યારે પણ જોડાં ફેંકાયેલા. ઇંગ્લેંડનાં પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેઅર જાહેરમાં એમનાં જીવન અને અનુભવનાં સંસ્મરણોનાં પુસ્તક પર હસ્તાક્ષર કરી રહ્યા હતા, ત્યારે જોડા ઉલાળવામાં આવેલાં...! દેશ માટે જેણે પોતાના જોડાં ઘસી નાંખ્યા હોય, એના ઉપર જ જોડાંનો હુમલો કરવાનો...? વિરોધ કરવાનું સાલું આખું સ્વરૂપ બદલાય ગયું. ઓડિયોને બદલે એમાં પણ જાણે ‘ઓડિયો-વિઝ્યુઅલ’ આવી ગયું. રાજકીય વિરોધની ઘટનાઓ ફાઇન આર્ટમાંથી હવે જાણે પરફોર્મીંગ આર્ટ બની ગઈ. જો કે ભારતમાં પણ આવાં ‘ શૂ થ્રોઇન્ગ’ ની ઘટના બની હશે. પણ આપણે કંઈ મોર જેવાં થોડાં છે કે, કળા બતાવવામાં ઉઘાડાં થઇ જઈએ..! શું કહો છો મામૂ...? બસ...અમને અમારી ઈજ્જત પાછી આપવો દાદૂ...! જાહેરમાં આ વાત કરવાની હિમત નથી, એટલે તમારા સ્વપ્નમાં આવ્યા. જેથી કરીને તમે અમારી વેદના માટે પણ કંઈ લખો..! ને એમાંથી આ લેખ પ્રગટ થયો દાદૂ...!
HAASYAKU :
જોરથી વાગે
તો જૂતા, ને ધીમેથી
વાગે તો જૂતી