ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 16

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(16)

શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે

એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે

ડો. અશોકભાઇ આજે સંપૂર્ણપણે રિલેકસ્ડ મૂડમાં હતા. આજે ઉત્તરાયણ હતી. નર્સિંગ હોમમાં એમણે પાટિયું લટકાવી દીધું હતું : “આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા દર્દીઓને તપાસવામાં નહીં આવે. ડોક્ટર સાહેબ રજા ઉપર છે.”

આવું કરવા પાછળ એક કરતા વધારે કારણો રહેલા હતા. પત્નીએ બે દિવસ પહેલાં જ અલ્ટિમેટમ આપી દીધું હતું: “તમને પરણીને આવી એ વાતને આજ-કાલ કરતાં પાંત્રીસ વરસ પૂરા થયા. આજ સુધીમાં એક પણ ઉતરાયણ તમારી સાથે ઊજવવા મળી નથી. આ ફેર તો સવારના પાંચ વાગ્યાથી તમારે અમારી સાથે અગાસી પર આવી જવાનું છે.”

ડો. અશોકભાઇને નવાઇ લાગી: “તમારી સાથે? કે તારી સાથે? ઘરમાં આપણે બે હુતો-હુતી જ છીએ. દીકરો-વહુ તો ફરવા ગયા છે.”

“એ ત્રણેય (દીકરાને એક દીકરી હતી) આવતી કાલ સુધીમાં પાછા આવી જવાના છે. રાજકોટથી દીકરી-જમાઇ પણ ઉતરાયણ કરવા આવવાના છે. સાથે એમનો દીકરો પણ. બાળકો તો દાદુની સાથે પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે.”

ડો. અશોકભાઇ જવાબ આપે ત્યાં તો ફોન રણક્યો. ડો. તેજપાલ હતા: “હાય! શું ચાલે છે?”

“બસ, ઉતરાયણની તૈયારી.”

“તો એમાં ત્રીસ જણાંની તૈયારી પણ ઉમેરી દેજો.”

“કેમ?”

“આપણાં મેડીકલ એસોસિયેશનના દસેક ડોક્ટર મિત્રોએ નક્કી કર્યું છે. આખી જિંદગી બહુ વૈતરું કર્યું. હવે વર્ષના બધા જ તહેવારો સાથે મળીને ઊજવવા છે. વર્ષનો પહેલો તહેવાર ઉતરાયણ તો હવે આવી જ રહ્યો છે. પહેલો લાભ તમને આપીયે છીએ. સવારના ચા-નાસ્તાથી બપોરનું લંચ અને સાંજનુ ડિનર બધું તમારે ત્યાં જ રાખવાનું છે. બી પ્રીપેર્ડ!”

અશોકભાઇને લાગ્યું કે સ્વજનો અને મિત્રોની વાત સાચી તો હતી જ. આ સાવ નાનકડાં ટાઉનમાં એમની આખી જિંદગી દર્દીઓને સારવાર આપવામાં જ પસાર થઇ ગઇ. ગાયનેકોલોજીસ્ટ તરીકે તેઓ એકલા જ હતા. પાંત્રીસ વર્ષમાં કમાયા પણ ખૂબ સારું, પરતું જિંદગીમાં તમામ સુખો, આનંદો, ઊજવણીઓ કન્સલ્ટીંગ રૂમની ચાર દિવાલો વચ્ચે મુરઝાઇ ગયું. પત્ની પરિવારને સાચવતી રહી, સામાજિક સંબંધોને નિભાવતી રહી. આજે પહેલી વાર સ્વજનો અને મિત્રો એમની પાસે કશુંક માગી રહ્યા છે. બીજું કંઇ નહીં, માત્ર સમય માગી રહ્યા છે.

એટલે એમણે પાટીયું લટકાવી દીધું: “આજે ડોક્ટર રજા પર છે.”

આગલા દિવસે પંદર હજાર રૂપીયાની પતંગો આવી ગઇ હતી. પચાસ જેટલી ફિરકીઓ તૈયાર કરાવી હતી. રાજકોટની પ્રખ્યાત કાજુ-ચિક્કી (આઠસો રૂપીયે કિલોના ભાવની) દસ કિ.ગ્રા. મગાવી લીધી હતી. કેટરરને ઓર્ડર આપી દીધો હતો. અગાસી પતંગોત્સવ માટે પહેલી વાર થનગની ઊઠી હતી.

ઊતરાયણ આવી પહોંચી. સવારથી જ બધા પતંગ રસીકો ધાબા પર ચડી ગયા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા. કોઇકે તો મોબાઇલ ફોન કરીને કહ્યું પણ ખરું: “સાહેબો, આજે બધા ડોક્ટરો અગાસી ઉપર હાજર છે; તો કોઇ બિમાર પડે એનું શું થશે?”

ડો.સાગરે જવાબ આપી દીધો: “આજે જે બિમાર પડે એનો ડોક્ટર ભગવાન!”

“કાપ્યો છે” ની બુમોથી હવા ગાજી ઊઠી. રંગ જામતો ગયો. સવારના પવન વધુ હતો, પણ લંચ પછી હવા સાનુકૂળ બની ગઇ. મધ્યાહ્નના તાપમાં ચાળીસ જણાં માથા પર કેપ અને આંખો પર ગોગલ્સ ચડાવીને પતંગની મજા માણવા લાગ્યા.

ત્યાં જ ડો. અશોકભાઇનો મોબાઇલ ટહુક્યો. અજાણ્યો નંબર હતો. કોઇ સ્ત્રીનો અવાજ હતો: “નમસ્તે, સર. હું સરકારી હોસ્પિટલથી બોલું છું.”

“કોણ?”

“લેબર રૂમની ઇન્ચાર્જ સિસ્ટર ભાનુ પટેલ.”

“બોલો, સિસ્ટર! શુ કામ છે?” ડો. અશોકભાઇની નજર ઊંચા આસમાનમાં ચગી રહેલા પતંગ તરફ હતું અને કાન સિસ્ટરની વાતમાં.

“સર, ગઇ કાલે રાતથી લેબર રૂમમાં એક ડિલીવરી કેસ દાખલ થયો છે. પહેલી જ ડિલીવરી છે. સર્વિક્સ છેલ્લાં દોઢ-બે કલાકથી ફુલ્લી ડાઇલેટેડ છે, પણ બેબી બહાર આવતું નથી. પેશન્ટની હાલત બહુ જ ખરાબ છે.”

“ઓહ્! પણ તમારે ત્યાં તો ગાયનેક ડોક્ટર છે ને!”

“હા, સર. પણ એ આજથી બે દિવસ માટે રજા ઉપર ગયા છે. એમનુ ફેમિલિ ભાવનગરમાં છે. ઉતરાયણ કરવા.....”

“સોરી સિસ્ટર! હું પણ આજે મારા ફેમિલિની સાથે ઉતરાયણ ઊજવી રહ્યો છું. તમે પેશન્ટને રાજકોટ ટ્રાન્સફર કરી દો!”

“સર, એ શક્ય નથી. પેશન્ટ રસ્તામાં જ મરી જશે. અને બાળક પણ....! જો તમે આવી જાવ તો બેયનો જીવ બચી જાય.....”

ડો.અશોકભાઇએ પતંગની દોરી પુત્રવધુનાં હાથમાં થમાવી દીધી, પત્નીની સામે જોઇને કહ્યું, “મારે જવું પડશે. હું અડધા કલાકમાં જ પાછો આવું છું.”

ધાબા ઉપર દંગલ મચી ગયું. દીકરો-વહુ નારાજ થઇ ગયા. દીકરી-જમાઇનાં મોં ચડી ગયા. પૌત્રી અને દૌહિત્ર ભેંકડો તાણીને રડવા લાગ્યા. ડોક્ટર મિત્રોએ ટોણાં માર્યા: “કંજુસ! પૈસાની રોકડી કરવા જાય છે. અમને ખબર જ હતી કે આ માણસ......” ડો. અશોકભાઇ નીકળી પડ્યા. કોઇને એટલુ કહેવા પણ ન રોકાયા કે “આ કેસ મારો પ્રાઇવેટનો નથી. આમાં રોકડી કરવાનો સવાલ જ ઊભો થતો નથી. આ તો સરકારી દવાખાનામાં કોઇ ગરીબ સ્ત્રી દમ તોડી રહી છે એને બચાવવા માટે જઉં છું.”

જો કોઇ એક વ્યક્તિ કંઇ ન બોલી હોય તો એ ડોક્ટરની પત્ની હતી. એણે ધીમું હસીને પતિને વિદાય આપી દીધી. ડોક્ટરે એનો ખભો થપથપાવ્યો. એક હળવા સ્પર્શમાં બત્રીસ વર્ષ પહેલાંની આવી જ એક ઘટના સળવળી ઊઠી.

ત્યારે ડો. અશોકભાઇ મેડિકલ કોલેજમાં ગાયનેક વિભાગના છેલ્લા વર્ષની તાલિમ લેતા હતા. એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. પત્ની વસુ સુવાવડ માટે પિયરમાં ગઇ હતી. અચાનક એને દુ:ખાવો ઉપડ્યો. ટાઉનમાં એક જ ગાયનેકોલોજીસ્ટ હતા. એ ફરવા માટે ગોવા ગયા હતા. ડિલીવરીમાં બહુ વાર લાગી. વસુબહેન ભગવાનને વિનવી રહ્યા: “જલદી છેડા છુટકો કરાવ! હવે નહીં જીવાય!”

સરકારી હોસ્પિટલની બધી નર્સ બહેનો થાકી ગઇ. અંતે ગામમાંથી એક મિશનરી લેડી ડોક્ટરે આવીને સુવાવડ કરાવી આપી. પરિણામે વસુબહેન જીવી ગયા. દીકરો જન્મયો હતો જે આજે અગાસી પર નારાજ થઇને પતંગ ચગાવી રહ્યો હતો. જો વસુબહેનનો છેડાછુટકો ન થયો હોત તો અત્યારે ધાબું સૂનું હોત.

ડો.અશોકભાઇ લેબર રૂમમાં પહોંચી ગયા. એમણે પણ અડધો કલાક મહેનત કરી; સુવાવડ ન જ થઇ. હવે બાળક પેટમાં જ ઝાડો કરી ગયું હતું. પાણી લીલા રંગનું આવતું હતું. બાળકનુ મૃત્યુ હાથવેંતમાં હતું. પ્રસૂતા તો થાકીને લાશ જેવી બનીને પડી હતી.

ડો. અશોકભાઇએ નિર્ણય લઇ લીધો, “વેક્યુમ લગાવવુ પડશે. સિસ્ટર, મશીન લાવો.”

“અહીં વેક્યુમ મશીન નથી, સર.” સિસ્ટરે જવાબ આપ્યો. ડો. અશોકભાઇ મારતી ગાડીએ ગયા. પોતાના નર્સિંગ હોમમાંથી વેક્યુમ મશીન લઇને પાછા આવ્યા. બળકના માથા પર ‘કપ’ લગાવીને વેક્યુમ ડિલીવરી કરાવી દીધી. ખૂબ જહેમત પછી બાળક રડ્યું. પ્રસૂતાના ટાંકા વગેરે લઇને જ્યારે ડો. અશોકભાઇ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે બપોરના ચાર વાગી ગયા હતા. ઓગણચાળીસ જણાંના ચહેરાઓ નારાજ દેખાતા હતા. માત્ર એક ચહેરો ચિંતા સાથે પૂછતો હતો: “શું થયું? સિંહ કે શિયાળ?”

“સિંહ! સિંહ! મા અને બાળક બંનેને બચાવીને આવ્યો છું.” ડો. અશોકભાઇના અવાજમાં ચિક્કીની મીઠાશ હતી અને બત્રીસ વર્ષ પહેલાંનુ ઋણ ચૂકવી દીધાનો સંતોષ હતો.

આસમાનમાં રંગીન પતંગો ઊડતી હતી; આખું નગર ઉતરાયણ ઊજવી રહ્યું હતું. ડો. અશોકભાઇ એમની ઉતરાયણ ‘ઊજવીને’ આવ્યા હતા.

(સત્ય ઘટના)

--------

***

રેટ કરો અને રિવ્યુ આપો

Kiran Soni 22 કલાક પહેલા

Rakesh Patel 1 અઠવાડિયા પહેલા

Rishit Soni 1 અઠવાડિયા પહેલા

Hiren 2 અઠવાડિયા પહેલા

Vijay 4 અઠવાડિયા પહેલા