ડોક્ટરની ડાયરી
ડો. શરદ ઠાકર
(15)
દર્દ લિખા હૈ આજ મૈંને આંસુઓ કી સ્યાહી મેં ડુબોકર,
જરા દર્દ કો દર્દ કે નજરિયે સે હી પઢના લોગોં!
“ડોક્ટર, મારી વાઇફની ડિલીવરી સરસ રીતે પતી ગઇ .આજે અમે રજા લઇને ઘરે જઇશું. હું તમારુ બિલ ચૂકવવા માટે આવ્યો છું. કેટલા રૂપીયા થાય છે?”
“ભાઇ, મેં બિલ બનાવ્યું જ નતી. તમારે જે આપવું હોય તે આપીને ઘરે જઇ શકો છો.”
“એવું તે કંઇ હોતું હશે, સાહેબ?”
“એમ જ છે. હવે પછી આમ જરહેશે. હું ક્યારેય કોઇ પણ પેશન્ટનુ હિલ બનાવાનો નથી. મારી ફરજ તમારુ કામ કરી આપવાની છે. બદલામાં શું આપવું, કેટલું આપવું તે તમારે નક્કી કરવાનું છે.”
1990નું વર્ષ. સાવ સાચી ઘટના. હું દાવા સાથે આ વાત એટલે કહી શકું છું કારણ કે આ સંવાદમાં ભાગ લેનાર ડોકટરનું પાત્ર એટલે હું પોતે હતો. આ પ્રકારની વાત એ પહેલાં પણ મેં ક્યારેય કરી ન હતી, એ પછી પણ હું કરતો નથી. પણ 1990ના શરૂઆતના છએક મહિનાઓ દરમ્યાન મેં આવું કર્યું હતું. આપણે ત્યાં કહેવાય છે કે ‘ઘોડો અગર ઘાસ સે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યા?’ તદન સાચું જ કહ્યું છે. ડોક્ટર જો દર્દીનું બિલ તૈયાર કરવાનું બંધ કરી દે તો એની આર્થિક બાલત કેવી થાય?!
પણ મારી સમગ્ર કારકિર્દીમાં એક ચોક્કસ કાલખંડમાં મેં આવું જોખમી સાહસ કર્યું બતું. એની પાછળનું કારણ સાવ જ અંગત હતું. ગરીબોની સેવા કરવાનો અથવા માનવતાના મહાન આદર્શનું અનુસરણ કરવાનો કોઇ ઉચ્ચ આદર્શ એ માટે જવાબદાર ન હતો. સાવ જ અંગત કૌટુંબિક કારણ એની પાછળ છુપાયેલું હતું.
1990ના વર્ષની શરૂઆતમાં મારા દાદીમાનું અવસાન થયું. આમ જુઓ તો એ ખૂબ મોટી કરૂણ ઘટના ન ગણાય. દાદી જૈફ વયે મૃત્યુને વર્યાં હતાં. બાપડી અભણ ગ્રમાણ સ્ત્રી હતી. પણ મને ખૂબ વહાલી હતી. લીલી વાડી પાછળ મૂકીને ગઇ હતી. આઠ દીકરાઓ અને એક દીકરીનો વસ્તાર. એમાંથી ફક્ત ત્રણ દીકરાઓ જ ઊજળ્યા હતા; પાંચ દીકરાઓ અને એક દીકરી એક-એક વર્ષના થતાં પહેલાં જ રતવાની બિમારીમાં પાછા થયા હતા. જે ત્રણ દીકરાઓ જીવી ગયા એમનાં વચેટ પુત્ર એટલે મારા પિતાજી.
દાદીમાંના પરિવારમાં બધા જ દીકરાઓના ઘરે લીલી વાડી હતી. ચચ્ચાર પેઢી સુધીના સંતાનોને એમણે રમાડેલાં. પણ આખરી સમયમાં એક જ ઝંખના બચી હતી; મારા દીકરાને જોઇને જવાની. ભગવાને એમને એ માટે ખૂબ ટટળાવ્યાં. છેવટે મારી ચોંત્રીસ વર્ષની વયે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. તે પ્રસંગે વયોવૃધ્ધ દાદીમાં ઊંમરનું ભાન ભૂલીને નાચી ઉઠ્યાં હતાં. એ પછી એમણે જીવનલીલા સંકેલી લીધી.
દાદીમાનાં અગ્નિસંસ્કાર અમારા પૈતૃક ગામમા કરવાના હતા. જિંદગીમાં પ્રથમ વાર મારે સ્મશાનમાં જવાનું બન્યું. ત્યાં સુધી હું ક્યારેય કોઇના પણ મૃત્યુ પ્રસંગે સ્મશાન ગૃહમાં ગયો ન હતો. હૃદય હલાવી નાખે તેવી ઘટના હતી. ગામડાં ગામનું ખૂલ્લું સમ્શાનગૃહ. નમતી બપોર. આથમતો સૂરજ હતો. મારા દાદીમા પણ આથમી ગયા. હતાં. ગામનાં સંપીલા લોકો (તમામ વર્ણોનાં) દાદીને અંતિમ વિદાય આપવા માટે હાજર હતા. વાતાવરણ ગંભીર હતું અને ગમગીન પણ.
મારી આંખો કોરી ધાકોર હતી. મારે રડવું હતું પણ આંખોમાં આંસુ ન હતા. છાતીમાં મુંઝારો હતો. કાષ્ઠના ઢગલા ઉપર દાદીનો મૃતદેહ સૂવાડવામાં આવ્યો. સંસ્કૃત મંત્રોચ્ચારો વચ્ચે ઘી વડે શબને લેપ કરવામાં આવ્યો. પછી મૃતદેહ ઉપર બીજા વધુ ભારે લાકડાઓ ગોઠવવામાં આવ્યા. મારાથી બોલાઇ ગયું, “અરે, આ શું કરો છો તમે? બાને લાકડાનો ભાર.....” પછી તરત જ હું અટકી ગયો. જગતના તમામ ‘વજનો’ નો ભાર અહીં જ મૂકીને દાદીમા તો ક્યાંયે દૂર ચાલ્યાં ગયાં હતાં.
મારું મન આવા વિષાદમાં ગ્રસ્ત હતું ત્યાં અચાનક પંડિતે મારા હાથમાં અગ્નિ પકડાવીને ધીમેથી કહ્યું, “દાદીમાને દાહ તમારે આપવાનો છે. આ કાષ્ઠ વડે બા ને મુખાગ્નિ આપો.”
હું થથરી ગયો. મારી દાદીને તો અગરબતી અડી જાય તો પણ હું સાંખી ન શકું. એને બદલે આ ભડભડતી જવાળા...? બાજુમાં પિતાજી ઊભા હતા. મોટા બાપુ હતા. પિતરાઓ હતા. સેંકડો સ્વજનો અને ગ્રામજનો હતા. મેં યંત્રવત મને આપવામાં આવેલા આદેશનું પાલન કર્યું ગણતરીની ક્ષણોમાં ભડભડ બળતી જવાળાઓએ દાદીના શબને ઘેરી લીધું.
હું જડવત્ બનીને આ બધું જોઇ રહ્યો હતો. આજે આટલાં વર્ષો પછી મને વિચાર આવે છે કે કોઇ પણ પુરુષને સ્મશાનની મુલાકાતે જવાની આદત પાડવી જરૂરી છે. દૂરનાં કે ત્રાહિત માણસના અગ્નિસંસ્કારમાં એને લઇ જવો જોઇએ. તો જ એનુ મન અને હૃદય આ કરૂણ દૃશ્યથી ટેવાઇ જઇ શકે. મારા માટે આ પહેલો જ અનુભવ હતો. એ પણ નિકટના સગાંના મૃત્યનો. એ પણ મારા હાથે આગ આપવાનો.
એ પછીના મહિનાઓ સુધી હું સૂનમૂન બની રહ્યો હતો. બહારથી સાવ નોર્મલ દેખાતો હતો. ઊંઘવું-જાગવું, ખાવું-પીવું, હરવું-ફરવું, વાતચીત કરવી, મારું કામ કરવું આ બધામાં સાવ સામાન્ય રીતે વર્તન કરતો રહેતો હતો. પણ ભીતરથી ખળભળી ગયો હતો.
મનમાં સતત ગડમથલ ચાલતી રહેતી હતી. શું જીવનની આ જ અંતિમ નિયતી છે? જે દેહને આપણે આટલી બધી આળપંપાળ કરતા રહીએ છીએ, ચામડી ઉપર હજારો-લાખો રૂપીયાની કિંમતના ક્રિમનાં લપેડા કરતા રહીએ થીએ, વસ્ત્રો-આભુષણો વગેરેથી શણગારતા રહીએ છીએ એ દેહને એક દિવસ આમ જ આગના હવાલે કરી દેવાનો? તો પછી આ કાવા-દાવા, વેર-ઝેર, છળ-કપટ, ટાંટીયાખેંચ, રૂપીયા પાછળની આંધળી દોટ આ બધું શા માટે છે?
મેં સ્માશાનવૈરાગ્ય વિષે સાંભળ્યું હતું, પણ આ સ્મશાનવૈરાગ્ય ન જ હતો. સ્મશાનવૈરાગ્ય તો માત્ર સ્મશાનભૂમિ પૂરતો જ આવતો હોય છે. જેવા ડાઘુઓ ઘરે પહોંચે કે તરત જ ફરી પાછા મૂળ હતા તેવા થઇ જાય. મારા મનમાં જોગેલા વિચારો દીર્ઘાયુષ લઇને આવેલા હતા; કદાચ આજીવન ટકી રહેવાના હતા.
એની સાબિતી બીજા દિવસથી જ મારા કન્સલ્ટીંગ રૂમમાં દેખાવા માંડી. મેં મારા દર્દીઓ પાસેથી પૈસા માગવાનું બંધ કરી દીધું. પૈસા લેવાનું બંધ નહોતું કર્યું, પણ માગીને લેવાનું બંધ કર્યું હતું. આ બે ક્રિયાઓ વચ્ચેનો તફાવત મારા વાંચકો સમજી શકતા હશે.
એક દર્દી કન્સલ્ટેશન માટે આવે. હું એને શાંતિથી સાંભળું, તપાસું, સારવાર લખી આપું. પેશન્ટ પૂછે, “ સાહેબ, તમારી ફી?” હું કહી દઉં, “તમે બીજા ડોક્ટરો પાસે ગયા જ હશો. અત્યારે કેટલી ફી ચાલે છે તેની તમને ખબર જ હશે. મેં ફી માગવાનું બંધ કર્યું છે. તમે જે આપશો તે હું લઇ લઇશ.”
દર્દી પૂછે, “અમે તો જે યોગ્ય લાગશે એ આપીશું. પછી તમને ઓછા પડશે તો?”
“નહીં પડે, બહેન! હું એક પણ શબ્દ બોલું તો કહેજો.” મારો જવાબ સાંભળીને દર્દીનો પતિ ખિસ્સામાંથી પૈસા કાઢીને ટેબલ પર મૂકી દે. કેટલા રૂપીયા એ તમે કલ્પી શકો છો? અત્યારના ‘રેટ’ પ્રમાણે વાત કરું તો જો મારી ફી ત્રણસો રૂપીયા થતી હોય તો એ મને પાંચ રૂપીયા આપીને ચાલતો થાય! હું વૈરાગ્યના સાગરમાં એટલો બધો ઊંડો ડૂબી ગયો ગતો કે જરા પણ કકળાટ વગર એ નાનકડી નોટ ઊપાડીને મારા ટેબલના ડ્રોઅરમાં મૂકી દઉં. પછી પણ મનોમન એ વિષે વલોપાત ન કરું.
એક ડિલીવરીનો કેસ આવ્યો. પ્રથમવારની પ્રસૂતા હતી. પૂરા અઢાર કલાક મેં મહેનત કરી. સિઝેરીઅન ટાળ્યું. બાટલો ચડાવ્યો. ઇન્જેક્શનો આપ્યા. છેલ્લે ફોરસેપ્સ લગાડીને બાળકનો પ્રસવ કરાવ્યો. પ્રસૂતિના માર્ગમાં અડધા કલાક સુધી તો મારે ટાંકા લેવા પડ્યા. એના કરતાં જો સિઝેરીઅન કર્યું હોત તો મને ઓછી તકલીફ પડી હોત.
થોડાં દિવસ પથી દર્દીને રજા આપી. “બિલ?” સ્ત્રીનાં પિતાએ પૂછ્યું. પહેલી સુવાવડ. તો પિયરમાં જ હોય ને? “તમને જે યોગ્ય લાગે તે આપો.” મેં સાચી ભાવનાથી કહી દીધું. સજજનની આંખમાં ચમકારો પ્રગટ્યો: “ખરેખર? હું જે આપીશ તે તમે સ્વીકારી લેશો?”
“હા, તમે મારી મહેનત જોયેલી છે. મારા નર્સિંગ હોમમાં આટલા દિવસ રહેવાનો ખર્ચો પણ તમે ગણી શકો છો. એ બધું વિચારીને તમે જે આપશો તે....”
વડીલ એક સો એક રૂપીયા મૂકીને રવાના થઇ ગયા. આજના ભાવે મારું બિલ બાર હજારથી પંદર હજાર રૂપીયા જેવું થાય! આવું એક-બે વાર નહીં, બાર-બાર લગાતાર બનતું ગયું.સમય પસાર થતો ગયો. મારા દિમાગમાં દુનિયાનું ગણિત બેસતું રહ્યું. હું છ મહિના સુધી આ પ્રમાણે વર્તતો રહ્યો. જે માઇનોર ઓપરેશનના હાલના ભાવ પ્રમાણે ચાર-પાંચ હજાર રૂપીયા લેવાના થતા હોય તે બદલ દર્દીઓ મને એકાવન રૂપીયાનો ચાંલ્લો આપીને જવા લાગ્યા.
છેલ્લી ઘટના જણાવું. નારોલ ગામનાં એક ખૂબ શ્રીમંત જમીનદારની પુત્રવધુ મારે ત્યાં આવી. પ્રથણ સુવાવડ માટે. કલાકો સુધી નોર્મલ ડિલીવરી માટે પ્રયત્નો કર્યા પછી અંતે એનું સિઝેરીઅન કરવું પડ્યું. દીકરો જન્મ્યો. શ્રીમંત પિતાએ હજાર-પંદરસો રૂપીયાના તો પેંડા વહેંચી દીધા.
જ્યારે રજા આપવાની મંગળ ઘડી આવી પહોંચી, ત્યારે એ નો એ જ સંવાદ ફરી પાછો ભજવાયો. હું હવે દાદીમાનાં મૃત્યુના આઘાતમાંથી બહાર આવી રહ્યો હતો. જગતના લોકોની સારપ વિષેની એ છેલ્લી કસોટી હતી. મારું બિલ લગભગ ત્રીસેક હજાર જેવું થતું હતું. દર્દીના ‘ઉદાર’ સસરા એક સો એકાવનનો શુકનિયાળ આંકડો ટેબલ પર મૂકીને ચાલ્યા ગયા. હું વચનબધ્ધ હતો માટે કશું જ ન બોલ્યો.
એ સાંજે મેં દાદીમાને યાદ કરીને માફી માગી લીધી, “ બા, મેં એક સારા, સેવાભાવી અને ઉદાર ડોક્ટર બનવાની ભરપૂર કોશિશ કરી લીધી. છ મહિનામાં સારી એવી ખોટ ખાધી. પણ એ વાતનો મને અફસોસ નથી. એટલી રકમ તમારી પાછળ પૂણ્યકાર્યમાં વપરાયા એવું માનીશ. અફસોસ એ વાતનો છે કે દર્દીઓ મારી લાગણીનો પડઘો ન પાડી શક્યા. જો એમણે મારી લેવા પાત્ર ફીના પચાસ ટકા જેટલા રૂપીયા પણ ચૂકવ્યા હોત તો મેં જિંદગી ભરને માટે આ ક્રમ જાળવી રાખ્યો હોત. હવે આવતી કાલથી હું ફરી પાછો ‘પ્રેક્ટિકલ’ બની જાઉં છું. મને માફ કરજો!”
મારા કેટલાંયે ડોક્ટર મિત્રોનો આવો જ અનુભવ છે. એક મિત્રે દર ગુરુવારે એના પિતાની યાદમાં મફતમાં દર્દીઓને તપાસવાનું રાખ્યું છે. તમે માનશો? પંદર-વીસ લાખની ગાડીમાં બેસીને દર્દીઓ ગુરુવારે જ એમની પાસે સારવાર લેવા આવે છે. એ ડોક્ટર પણ ગમે ત્યારે પ્રેક્ટિકલ બની જવાની તૈયારીમાં છે.
-------