ડોક્ટરની ડાયરી
ડો. શરદ ઠાકર
(14)
અપની ચાહત કા બસ ઇતના ઊસૂલ હૈ
તૂ કબૂલ હૈ તો તેરા સબકુછ કબૂલ હૈ
ડો. ભટ્ટ અમરેલીનો વતની. ડો. જાડેજા જામનગર જીલ્લાનો રાજપૂત યુવાન. અને ડો. પડેલ ચરોતરના ગામડાનો ખેડૂતપુત્ર. ત્રેયની વચ્ચે સ્વભાવનું કોઇ સામ્ય નહીં. જન્મથી મળેલો ઉછેર જુદો. વારસાગત સંસ્કારો ભિન્ન. જ્ઞાતિગત લક્ષણો પણ અલગ. જો સામ્ય હોય તો બે જ વાતનું. એક, આ ત્રણેય જણાં જિંદગીના ચોક્કસ સમયખંડમાં અમદાવાદની મ્યુનિસિપલ હોસ્પિટલમાં એક સાથે, એક સમયે કેઝ્યુઅલ્ટી વિભાગમાં ફરજ બજાવવા માટે ભેગા થઇ ગયા. બીજું સામ્ય સાવ સ્વાભાવિક હતું; એ ત્રણેય જણાં એમ.બી.બી.એસ. પૂરુ કરીને આગળનો અભ્યાસ એટલે કે પોસ્ટગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. ત્રણેયની વય બાવીસ, ચોવીસ અને પચીસ વર્ષની અનુક્રમે હતી.
સામ્યની વાત પૂરી થઇ. ત્રણેયના પોસ્ટ ગ્રેજ્યુએશન પણ અલગ અલગ વિદ્યાશાખાઓમાં હતા.
પહેલા જ દિવસે હોસ્પિટલના આર.એમ.ઓ.એ આ ત્રણેય નવલોહીયા યુવાનોને બોલાવીને કડક ભાષમાં ચીમકી આપી દીધી હતી, “બી કેરફુલ. તમારે ફરતા ફરતાં એટલે કે રોટેશનમાં ડ્યુટી બજાવવાની છે. સવારના આઠથી બે , બપોરના બેથી આઠ અને નાઇટમાં આઠ થી આઠ. દિવસ દરમ્યાન છ-છ કાલક અને રાત્રે સળંગ બાર કલાક. ઇઝ ધેટ ક્લીઅર?”
ડો. પટેલનાં મનમાં હજુ એક-બે વાતો. ‘ક્લીઅર’ થઇ ન હતી, “સર, ફરજ દરમ્યાન અમારે ડોક્ટર્સ ક્વાર્ટર્સમાં રહેવાનું કે પછી કઝ્યુઅલ્ટી વિભાગમાં જ બેસી રહેવાનું?”
આર. એમ.ઓ. એ તેજાબ છાંટતા હોય એવા ખૂન્નસ સાથે પટેલ તરફ જોયું, “ડોબા, આ વોર્ડની ડ્યુટી નથી; આ કેઝ્યુઅલ્ટીનો વિભાગ છે. શહેર ભરમાંથી આપઘાત, અકસ્માત, મારામારી કે બીજી કોઇ પણ અચાનક આવી પડેલી બિમારીનો ભોગ બનીને આવનાર દરદી સૌથી પહેલાં તમારી પાસે જ આવશે. માટે તમારે ત્યાં જ ખુરશીમાં હાજર રહેવું પડશે. એક નંબર કરવા માટે જેટલોયે સમય નહીં મળે. ઇમરજન્સી દરદીને સારવાર આપવામાં જો પાંચ મિનિટનો પણ વિલંબ થશે, તો દરદીનું મોત થઇ શકે છે. અને આખેયે મામલો છાપાંની હેડલાઇન બની શકે છે. માટે ખબરદાર, જો ક્યાંય આઘા-પાછા થયા છો તો!”
વાંચકોને આ ફકરામાં લખાયેલા શબ્દ ‘ડોબા’ વાંચીને આશ્ચર્ય થશે, પણ એ કડવી વાસ્તવિક્તા છે. પોસ્ટગ્રેજ્યુએશન કરતા સારા, સંસ્કારી જુનિઅર ડોક્ટરોને ઘણીવાર એમના અસંસ્કારી બોસ અથવા મેડમ દ્વારા ‘ડોબા, બાઘા કે ગધેડા’ જેવા માનવાચક શબ્દોથી બોલાવવાની એક ઘૃણાસ્પદ પરંપરા જૂના સમયથી ચાલી આવે છે. હું સ્વયં જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો, ત્યારે એક ખ્યાતનામ લેડી ડોક્ટર દ્વારા આવા ‘આદરપાત્ર’ સંબોધનો પામવા માટે સદભાગી બની ચૂક્યો છું. અને એ પછી જિંદગીમાં ક્યારેય હું એમને માન આપી શક્યો નથી. આજે પણ એ મેડમ જ્યારે મને ક્યાંક ભટકાઇ જાય છે, ત્યારે એની સમરખામણી મારાથી ફૂટપાથ ઉપર બેસીને શાકભાજી વેંચતી અને મોંઢામાંથી ગાળો વરસાવતી અભણ સ્ત્રીની સાથે થઇ જાય છે. તમારા સમ, એ વખતે પેલી શાકવાળી મને વાધારે સંસ્કારી લાગે છે. એ લેડી ડોક્ટર તમામ જુનિઅર ડોક્ટરો સાથે આવું કરતી હતી. એનાથી વિપરિત, કેટલાંયે સાહેબો અને મેડમો મને પિતા કે માતાનાં પર્યાય જેવા પણ જોવા મળ્યા છે. પણ એ વિષે ફરી ક્યારેક.
આપણે ક્યાં હતા? હા, યાદ આવ્યું. આર.એમ.ઓ.ની સ્પષ્તા સાંભળીને ડો. પટેલ વિચારમાં પડી ગયો. પેલા બે ડોક્ટરોને તો ફરજની જગ્યા પર હાજર રહેવામાં કોઇ જતકલીફ ન હતી, પણ ડો. પટેલને તકલીફો જ તકલીફો હતી. એણે સાહેબની સામે તો કંઇ ન કહ્યું. ‘યસ સર’ કહીને ત્રણેય બહાર આવી ગયા, પણ પછી ડો. પટેલે વિનંતી કરી, “મિત્રો, મારી એમ.ડી.ની છેલ્લી પરીક્ષા નજીક આવી રહી છે. ત્રણ જ મહિના બાકી રહ્યા છે. રોજ પંદર-સોળ કલાક વાંચવું પડશે. હું કેઝ્યુઅલ્ટીનું કામ તો કરીશ, પણ મારાથી ત્યાં સતત હાજર નહીં રહી શકાય. હું લાયબ્રેરીમાં અથવા મારી રૂમમાં બેસીને વાંચતો હોઉં ત્યારે અચાનક કોઇક પેશન્ટ આવી ચડે તો.... હું હાજર ન હોઉં તો..... તમે પરિસ્થિતિને....”
“નોટ એટ ઓલ.” ડો. ભટ્ટ અને ડો. જાડેજાએ યુગલસ્વરે જવાબ આપી દીધો, “અમે તારું કામ ક્યારેય નહીં કરી આપીયે. કારણ કે આપણે કંઇ એવા ગાઢ મિત્રો નથી. ગાઢ શું, સાદા મિત્રો પણ નથી. ઉપરાંત કેઝ્યુઅલ્ટીની ડ્યુટી એવી ખતરનાક હોય છે કે છ કલાકમાં જ પૂરેપૂરા નિચોવાઇ જવાય. એ પછી ત્યાં એક મિનિટ પણ વાધારે સમય બેસી રહેવાનું અઘરું લાગે. માટે તારા ડ્યુટી અવર્સ શરૂ થાય એટલે ઘડીયાળના ટકોરે તારે આવી જવું પડશે. નહીતર એમે પોતે જ સામે ચાલીને આર.એમ.ઓ. સાહેબને તારા વિષે ફરિયાદ કરી આવીશું.”
બીજા દિવસથી કામકાજ ચાલુ થઇ ગયું. બીજા-ત્રીજા દિવસથી જ ડો. પટેલના લોચા વાગવા માંડ્યા. ડો. ભટ્ટ અને ડો. જાડેજાની ડ્યુટી પૂરી થઇ જાય, પણ પડેલ સાહેબ દેખાય નહીં. પેલા બે જણાં તરત જ આર.એમ.ઓ. ની ઓફિસમાં દોડી જાય. પછી પટેલનુ આવી બને. ઠપકો (પેલી સંસ્કારી ભાષામાં), પછી મેમો અને પછી પગારકાપની સજા. પટેલ માફી માંગે. કરગરે, “હવે પછી આવું નહીં થાય. હું ધ્યાન રાખીશ.” એકાદ દિવસ સરખું ચાલે. પછી ફરીથી એનું એ જ.
હવે તો આર.એમ.ઓ. એ સરપ્રાઇઝ ચેકીંગ કરવાનું ચાલુ કરી દીધું. ડો. પટેલની ફરજ હોય ત્યારે ગમે ત્યારે સાહેબ અચાનક આવી ચડે. દર્દીઓ ધમાલ કરતા હોય. અને પટેલ ભાયડો મિ.ઇન્ડિયાની જેમ ગાયબ હોય. પટાવાળો જઇને લાયબ્રેરીમાંથી પકડી લાવે. ડો. ભટ્ટ અને ડો. જાડેજા આર.એમ.ઓ.ના કાનમાં ફૂંક મારે: “જોયું ને? અમે નહોતા કહેતા? ક્યાં સુધી આ રેઢીયાળને ચલાવી લેવો છે? બરતરફ શા માટે નથી કરતા?”
સાહેબ પણ આ જ સવાલ પૂછ્યો. જવાબ મળ્યો, “સર, હવે મારી પરીક્ષા આડે અઢી મહિના રહ્યા છે. તમે તો જાણો છો, સર, કે પોસ્ટગ્રેજ્યુએશનની ફાઇનલ એક્ઝામમાં પાસ થવું કેટલું અઘરું હોય છે! મારી સાથેના બીજા તમામ ડોક્ટરોએ તો ત્રણ મહિનાની રજા મૂકી દીધી છે. માત્ર વાંચવા માટે.”
“ધેર યુ આર.” આર.એમ.ઓ. ગર્જી ઉઠ્યા, “તું પણ કેમ રજા નથી મૂકી દેતો? મૂકી દે લીવ રીપોર્ટ. વાંચ્યા કર ચોવીસમાંથી પચીસ કલાક. આપી દે પરીક્ષા. પાસ થઇ જાય એ પછી પાછો આવી જજે. ત્યાં સુધી અમે બીજા કોઇ ડોક્ટરને તારા સ્થાને લઇ શકીએ ને? દરદીઓને સહન કરવું પડે એ કોઇ કાળે ચલાવી ન શકાય.”
“એ વાતમાં તો હું પણ સંમત છું, સર. દરદીઓને સહન ન કરવું પડે, જો આ બે મિત્રો મારી ‘ડ્યુટી’ સાચવી લે.....” ડો. પટેલે યાચકાની નજરે બે સાથીઓ તરફ જોયું. બનેંએ નજર ફેરવી લીધી. સાહેબે કડક ચેતવણી (આ વખતે છેલ્લી) આપીને ડો. પટેલને જવા દીધો. પટેલ બહાર આવીને રડી પડ્યો. જાડેજા બાપુએ ખખડાવ્યો, “એમાં આમ બાયડીની માફક રોવા શું બેઠો?”ડો. પટેલે કહ્યું, “મારી મજબૂરી છે, ભાઇ! પણ તમને કહેવાનો કોઇ અર્થ નથી.” ડો. જાડેજાએ લાલ આંખ કરી, પછી ડો. પટેલે મજબૂરીની પોટલી ખૂલ્લી કરી નાખી.
બીજા દિવસે ડો. જાડેજા બે વાગ્યે છૂટવાના હતા, એને બદલે ચાર વાગ્યા સુધી હાજર હતા. સાહેબ ‘ચેકીંગ’ માટે આવી ચડ્યા. પટેલને ન જોયો. બરાડી ઉઠ્યા, “આજે પણ એ બદમાશ....?”
ડો. જાડેજાએ એમને અટકાવી દીધા, “સર, આપનું માન જાળવું છું. એટલે વિનંતી કરું છું. હવે પછી અઢી મહિના લગી આ દિશામાં ફરકતા નહીં. ડો. પટેલ ફરજ ઉપર નહીં આવે. એની ગેરહાજરી માટે તમારી પાસે કોઇની ફરિયાદ પણ નહીં આવે. પટેલને દર મહિને પૂરો પગાર મળી જશે. એનુ તમામ કામ અમે બે જણાં સંભાળી લઇશું, સમજી ગયા?”
સાહેબ ક્ષત્રિયની જબાન અને લાલ આંખ તો સમજી શક્યા, પણ આ અણધાર્યો ફેરફાર ન સમજી શક્યા, “ડો. જાડેજા, મને એ કહો કે તમે પટેલને બચાવવા માટે શા માટે રાજી થઇ ગયા? તમે તો એના મિત્રો પણ નથી....”
“મિત્રો ભલે નથી, પણ માણસ તો છીએ ને?”ડો. જાડેજાએ રહસ્યની મટકી ફોડતા કહ્યું, “પટેલે કીધું ત્યારે ખબર પડી. એ ચરોતરના સુખી બાપનો દીકરો છે. પણ બે મહિના પહેલાં એણે પ્રેમલગ્ન કરી લીધાં છે. બાપની મરજીની વિરૂધ્ધ જઇને. એટલે બાપે ઘરમાંથી કાઢી મૂક્યો. એક પૈસા આપવાનીયે ના પાડી દીધી. પટેલને અત્યારે પૈસાની સખત જરૂર છે. હોસ્ટેલમાં એની વાઇફ પણ રહે છે અને પરીક્ષા માટે વાંચવાનું પણ એટલું જ જરૂરી છે. બસ, અઢી મહિના પૂરતી જ વાત છે. પછી તો એને મૌજા હી મૌજા છે. એની વાત સાંભળીને મેં એને કહી દીધું ‘જા, દોસ્ત! તું લાયબ્રેરીમાં પરસેવો પાડ; અમે અહીં પાડીશું. અને સાહેબ, તમે તમમારી ઓફિસમાં બેસીને એરકન્ડીશનરની ટાઢક માણજો. સાહેબ, આ મજનૂઓ તો લૈલા ઉપર મરતાં જ રહેશે. એ નહીં સૂધરે. પણ જમાનાએ સૂધરવું પડશે. આપણે આવા મજબૂર મજનૂઓને મારતા રહીશું.”
(સત્ય ઘટના)
----------