અજવાળાંનો ઓટોગ્રાફ
(34)
વિદાયનું રિહર્સલ
રોજ સવારે સ્કુલબસ આવે અને દીકરી નિશાળે જાય ત્યારે સતત એવું લાગ્યા કરે કે રોજની આ પળો દીકરીને આવજો કહેવાની આપણને ટેવ પાડી રહી છે. દીકરીઓને ક્યારેય ગુડબાય ન કહેવાનું હોય, એમને તો આવજો જ કહેવાય. કારણકે ‘આવજો’માં ‘ફરી મારા ઘરે આવજો’ એવો અર્થ છુપાયેલો છે.
દીકરો હોય કે દીકરી, કોઈપણ સંતાન જ્યારે ઘરની બહાર પગ મૂકે છે એ ક્ષણે આપણને રીયલાઈઝ થાય છે કે ઘરનો ખાલીપો કેટલા ‘હાઈ વોલ્યુમ’ પર વાગવા માંડ્યો છે ! જે સંતાન માટે આખી જિંદગી કમાયા હોઈએ, એ સંતાન પોતે કમાઈ શકે એ હેતુથી જ્યારે ઘરની બહાર પગ મૂકે છે ત્યારે એક પોર્ટેબલ ઘર ખરીદી લેવાની ઈચ્છા થઈ જાય છે.
લગ્ન, ભણતર કે નોકરી. ઘરમાંથી સંતાનની વિદાયનું કારણ જે પણ હોય, પરિણામ તો સરખું જ હોય છે. સૂનકાર અને સન્નાટો ઘરમાં રહેલી સંતાનની ગેરહાજરીનો લાઉડસ્પીકર લઈને પ્રચાર કરતા હોય અને આપણને ભલામણ કરતા હોય કે એમના ઉજ્જવળ ભવિષ્યને મત આપો. સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે બાકી બચેલો આપણો બધો જ સમય, આપણે એના વિરહમાં ઈન્વેસ્ટ કરી દઈએ છીએ.
નિશાળના છ કલાક દરેક મા-બાપને માનસિક રીતે તૈયાર કરે છે કે સંતાન વગર પણ ઘરની આબોહવામાં શ્વાસ લઈ શકાય છે. રોજ સવારે દીકરીને સ્કુલ બસ સુધી મૂકવા જવું, એ એક પ્રકારનું કન્યા-વિદાયનું રિહર્સલ છે. સારું ભણતર કમાવવા માટે નિશાળે જતો દીકરો, કદાચ ભવિષ્યમાં પૈસા કમાવવા માટે પણ આવી જ રીતે ઘર છોડી દેશે. દીકરીના મા-બાપ હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે કન્યા વિદાય તેમના કોર્સમાં હોય છે. પણ ઘરમાંથી દીકરાની વિદાય મોટાભાગના મા-બાપ માટે અભ્યાસક્રમ બહારની હોય છે. જિંદગીએ અચાનક કોર્સ બહારનું પૂછી લીધું હોય, એવું લાગવા માંડે. દીકરાની વિદાય ક્યારેક જરૂરીયાત હોય તો ક્યારેક સરપ્રાઈઝ. પણ એક વાતનો નક્કી છે કે સંતાનો વગરનું ઘર થોડું વધારે મોટું લાગે.
સંતાન ત્યારે જ પોતાની માથી અલગ થઈ જતું હોય છે જ્યારે જન્મ પછી અમ્બીલીકલ કોર્ડ કાપવામાં આવે છે. પોતાના દમ પર શ્વાસ લઈ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે દરેક બાળકે પોતાની મમ્મીથી અલગ થવું જ પડે છે. વિજ્ઞાન અને પ્રકૃતિનો આ મૂળભૂત નિયમ સ્વીકારવો અઘરો છે પણ એ સંતાનથી દૂર રહેલા દરેક માતા-પિતા માટે સમજવો જરૂરી છે.
આપણી આંખો સામેથી અદ્રશ્ય થયેલા સંતાનો બહુ મોટું પરાક્રમ કરી રહ્યા હોય છે. તેઓ પોતાનો સંસાર ચલાવી રહ્યા હોય છે. આપણા ઘરથી દૂર થઈને તેઓ પોતાનું એક નવું ઘર ઉભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. તેઓ ઘરથી વિખૂટા પડેલા નથી, તેઓ એક નવા ઘર સાથે જોડાયેલા છે. તેમણે ફક્ત ઘર બદલ્યું છે, મા-બાપ નહીં. ફક્ત સરનામું બદલ્યું છે, કુટુંબ નહીં.
પરદેશમાં હોય કે બીજા શહેરમાં, આપણા સંતાનો આપણાથી એક વિડીયોકોલના અંતરે છે. જ્યાં પણ હોય, તેઓ સુખી છે એ જ વાત આપણા જીવતા રહેવા માટે પૂરતી છે. તેઓ વારે-તહેવારે આવતા રહેશે આપણા ઘરે, ફરી પાછું વિદાયનું રિહર્સલ કરાવવા.
-ડૉ. નિમિત્ત ઓઝા