Blocked books and stories free download online pdf in Gujarati

Blocked

રામ ધૂન ચાલી રહી હતી લોકો જાણે રીન અને સર્ફની એડ કરતા હોય એમ સફેદ આર કરેલા કપડાઓમાં ફોટા સમક્ષ જાણે કેટવોક ચાલી રહી હોય એમ આવતા- ફૂલ ચઢાવતા, થોડીવાર ઉભા રહેતાં, પછી બેસતા અને ઘડિકવારમાં ઉભા થઇ હાથ જોડી એક ફોર્માલીટી પતી હોય તેમ માની ચાલતાં થતા. અક્ષય ફોટાની બાજુમાં બેઠો હતો એને જરાય ગમતું ન હતું પણ ફોટામાંની વ્યક્તિ - કવિતા કે જે એની પત્ની હતી તે સ્પેશિયલ કહીને - વચન માગીને ગઈ હતી કે "અક્ષય તુ મારું બેસણું, બારમું અને બીજી લૌકિક ક્રિયાઓ ચોક્કસ કરીશ મને વચન આપ." કારણ કે કવિતા જાણતી હતી કે અક્ષય પાસે જો કંઈક કરાવવું હશે તો પહેલા પ્રોમિસ લેવું પડશે અને જો એકવાર પ્રોમિસ આપશે તો ચોક્કસ પાળશે. હા અક્ષય પાસેથી પ્રોમીસ લેવું એ અઘરી વાત તો હતી જ પણ અક્ષયે પ્રોમિસ આપ્યું ને કવિતાનાં ગયા પછી પાળી પણ રહ્યો હતો. ન ગમતું હોવા છતાં કવિતાના ફોટા પાસે બેઠો હતો. એને બેસણું વગેરે દેખાડો લાગતા હતાં કારણ કે જે ગયું છે તેનો શોક તેની આજુબાજુના કરતા વધારે કોને હોવાનો એટલે જ એ માનતો કે બેસણું એ માત્ર દેખાડો છે.

બધાની અવરજવર ચાલુ હતી પણ કોઈને પણ ખબર નહોતી કે દૂર ખૂણામાં એક બીજી વ્યક્તિ એટલી જ દુઃખી હતી જેટલો અક્ષય હતો. અક્ષય થોડી થોડી વારે એ વ્યક્તિ તરફ જોઈ લેતો. એ હતી ગઝલ. બેસણું પતી ગયું અને બધા છૂટા પડવા લાગ્યા, અક્ષય છેલ્લાં છેલ્લાં લોકોને મળી રહ્યો હતો. જ્યારે એણે ફરીને એ ખૂણા તરફ જોયું તો ત્યાં કોઈ નહોતું. ગઝલ જતી રહી હતી. પણ એ એને મળવા પણ ન રોકાઇ? હશે કદાચ લેટ થતું હશે? પણ એને ક્યાંથી ખબર પડી? એ અહીં ક્યાંથી?

અક્ષય ઘરમાં સોફામાં બેઠો, આંખો બંધ કરી અને ખોલી તો એની સામે પાણીનો ગ્લાસ હતો. હાથ પરના ટેટૂથી ઓળખી ગયો કે ગઝલ હતી. એણે ગઝલ સામે જોયું ને બોલ્યો, તું ગઇ નથી? મને તો એમ કે તું જતી રહી હોઈશ. ગઝલે કહ્યું તને મળ્યા વગર જતી હોઈશ? અક્ષયે સ્માઈલ આપી. ગઝલે કહ્યું આ સ્માઈલનો મારે શું અર્થ કાઢવો? અક્ષય બોલ્યો, જે કાઢવો હોય તે કાઢ. ગઝલે કહ્યું , તારી આ ગૂઢ પ્રકારની સ્માઈલ આપવાની ટેવ ગઈ નહીં. અક્ષયે તરત જ કહ્યું , શું કરું smile એક જ હોય છે પણ તે દરેક વ્યક્તિને પોતાનો અર્થ આપી દે છે. કોઈને કટાક્ષનો અર્થ આપે છે તો કોઈને એ વ્યક્તિ ખુશ છે એનો અર્થ આપે, કોઈ પોતાનું દુઃખ છુપાવવા માટે smile કરે છે તો કોઈ વાત ઉડાવવા માટે. આટલું બોલી એણે ગઝલ સામે જોયું . ગઝલે વાત બદલતા કહ્યું, તું હજી એવો જ છે અ - ક્ષય. આટલા વર્ષોમાં તારામાં કોઈ ફેર નથી પડ્યો. અક્ષયે કહ્યું, એટલે જ મારું નામ અક્ષય છે. એણે સિગરેટ સળગાવી ને બોલ્યો, તું આવી એ ગમ્યું. ગઝલે કહ્યું મને કવિતાએ કહ્યું હતું અક્ષયને નવાઈ લાગી. એણે કહ્યું પણ તું અને કવિતા એકબીજાને ઓળખતા જ ક્યાં હતા ? ગઝલ પોતાના આગલા વાક્યથી અક્ષયને શૉક આપવાની હતી. ગઝલે કહ્યું કવિતા તારા કરતાં પણ વધારે મને ઓળખતી હતી. What? અક્ષયે કહ્યું. ગઝલે એના હાથમાંથી સિગરેટ લઈ લીધી ને એક કશ ખેંચ્યો . અક્ષયે પુછ્યું , You still Smoking? ગઝલે કહ્યું, હા ક્યારેક. બીજો કશ ખેંચ્યો ને ખાંસી આવી ગઇ. અક્ષય કહ્યું, Strong છે Mild નથી. સત્યને કહેવા અને સાંભળવા strong થવું પડે છે, ગઝલે કહ્યું. એણે એક ઊંડો કશ ખેંચ્યો અને ધુમાડો છોડ્યો અને એ ધુમાડામાંથી ફલેશબેક સિગરેટ ની આગની જેમ ઝગી ગયો.

ને બંને જણા સાત વર્ષ પાછા ચાલ્યા ગયા.

અક્ષય અને ગઝલ બંને કોલેજમાં સાથે ભણતા હતા. બંને બેસ્ટ ફ્રેન્ડ હતા. કોલેજમાં બંનેની વાતો ખૂટતી નહિ અને કોલેજ પત્યાં પછી એ જ વાતો લંબાતી ટેક્સ મેસેજ પર અને પછી જ્યારથી what's app આવ્યું ત્યારથી what's app પર ચેટ કરતા. જે પણ વહેલા સાઈન આઉટ કરતું તો બીજુ તરત જ ગાતું

"आज जाने की ज़िद ना करो
यूँ ही पहलु में बैठे रहो
आज जाने की ज़िद न करो"

મોટે ભાગે ગઝલ જ ગાતી.
ગઝલ ખુબ સરસ ગાતી.અક્ષયને ગીતો ગાઈને મોકલતી. એના ફેવરિટ,પોતાના ફેવરિટ ખાસ તો અક્ષયનું ફેવરિટ

"मैं ज़िंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुँएं में उड़ाता चला गया "

અક્ષય સિગરેટનો કશ ખેંચતો અને આ ગીત ગણગણતો. એને આ ગીત ખૂબ જ ગમતું. જ્યારે પણ કોઈ મુસીબત હોય કે કોઈ ડિપ્રેશન આવે એવી પરિસ્થિતિ હોય ત્યારે એ સિગરેટ સળગાવતો અને આ ગીત ગણગણતો.

ચોકલેટી, બોડી બિલ્ડર, ટાયલા છાપ છોકરાંઓ કરતાં જુદો અક્ષય હેન્ડસમ, પાતળો, ઊંચો અને સખત ફેસવાળો મેનલી હતો. ગઝલ એને કહેતી, તારા પ્રેમમાં તો કોઈ પણ પડી જાય. ત્યારે અક્ષય કે'તો, મારા જેવા ના પ્રેમમાં કોણ પડે મારો ફેસ તો જો. જોઈને જ કોઈ નજીક ના આવે. ગઝલ કે'તી એવું નથી, તો અક્ષય કે'તો, તો તું જ મારા પ્રેમમાં પડી જાને અને ગઝલ સ્માઈલ આપીને વાતને ટાળી દેતી.

બે વર્ષની દોસ્તી પછી જ્યારે અક્ષય last year ના end માં ગઝલને પ્રપોઝ કરવાનો હતો, ત્યારે એને ખબર પડી કે ગઝલ કોઈ સાહિલ નામના છોકરાના પ્રેમમાં છે. એને નવાઈ લાગી કે ગઝલે અક્ષયને સાહિલ વિશે કયારેય કહ્યું ન હતું. જ્યારે એને ગઝલે કહ્યું કે એ સાહિલના પ્રેમમાં છે ત્યારે એને ખૂબ જ દુઃખ થયું. ગઝલને એણે કહ્યું કે તું મને દોસ્ત માને છે તો તે ક્યારેય મને કહ્યું કેમ નહીં કે તું કોઈ બીજાના પ્રેમમાં છે હું તો એમ સમજતો હતો કે.........
કે શુ ? હું તારા પ્રેમમાં છું ? ગઝલે કહ્યું.

અક્ષયે ખાલી સ્માઈલ આપી જેવી હંમેશા આપતો. "ગૂઢ" ન સમજી શકાય તેવી.

ગઝલ હવે અક્ષયની સાથે વધુ વાત ન કરતી એનો વધુ સમય સાહિલ સાથે what's App પર વ્યતીત થતો. અક્ષય પણ જેટલો સમય ગઝલ મળે તેને નસીબ માની મળી લેતો ને સિગરેટ સળગાવી રોજ એ જ ગીત ગુન ગુનાવી લેતો

"जो मिल गया उसी को मुक़द्दर समझ लिया
जो खो गया मैं उसको भुलाता चला गया
मैं ज़िंदगी..."

ગઝલ એક દિવસ રડતી હતી તો અક્ષયે પૂછ્યું,શું થયું ? એણે કહ્યું, સાહિલને હું તારી સાથે વાત કરું તે નથી ગમતું અને હું સાહિલને નારાજ નહીં કહી શકું. પણ મને કરી શકીશ. અક્ષયે કહ્યું, ડોન્ટ વરી હવે હું તને નહીં મળુ. ગઝલે કહ્યું, ના મને તું પણ ગમે છે એટલે કે તારી દોસ્તી પણ ગમે છે અને સાહિલ પણ . મને તું પણ જોઈએ એક દોસ્ત તરીકે અને સાહિલ પણ. માત્ર સાહિલ જ એવું કહે અક્ષયે ગઝલ ને કહ્યું જો કોઈપણ મારા પ્રેમમાં પડી જાય એવો હું હોવું તો તું જ મારા પ્રેમમાં ના પડી જતી ?
તને હું પણ જોઈએ એક દોસ્ત તરીકે અને સાહિલ પણ. પણ આ પણ બહુ જ મહત્વનું હોય છે ડિયર. અક્ષયે કહ્યું, તને ખબર છે "But i love You અને I love you But, મા BUT ની જગ્યા બદલાઈ જાય ને તો એનો અર્થ પણ બદલાઇ જાય છે અને But તરીકે હું " I Love U But " માં આવું છું. ના એવું નથી,ગઝલે કહ્યું. એવું નાં હોત તો અક્ષયે કહ્યું, તું મારા જ પ્રેમમાં ના પડી હોત? Don't worry. સાહિલ મને ખૂબ પ્રેમ કરે છે. એનાં જીવથી પણ વધારે, ગઝલે સાહિલના મેસેજ પણ બતાવ્યા હતા.અક્ષય ને ગઝલ વચ્ચે અંતર વધતું ચાલ્યું.

અક્ષયે વેલેન્ટાઈનના દિવસે મેસેજ કર્યો કે "તને યાદ છે તું ને હું what's app પર ચેટ કરતાં હતાં ને તે એકવાર મને કહ્યું હતું કે

"મને એવું થાય છે કે એક દીવસ હું whatsapp પર મેસેજ કરતા કરતાં જ મરી જઈશ. મારૂ whatsapp On રહેશે અને હું Off થઈ જઈશ"

તો આજે હું તને વેલેન્ટાઇનની સૌથી બેસ્ટ ગિફ્ટ આપું છું ગઝલ તારી વાત મારી બનાવું છું, એટલો હક તો તું દોસ્તીના દાવે આપીશ જ કે તારા વાક્યનો હું ઉપયોગ કરું. મને ખબર છે તું મને પ્રેમ નથી કરતી અને હું તારી સાથે એટલી જ સહજતાથી વાત કરું છું એટલે તું અપરાધ ભાવ - ગિલ્ટ ફિલ કરે છે તો હું તને એ ગિલ્ટના ભાવથી મુક્ત કરું છું. આજે વેલેન્ટાઈનના દિવસે હું તને મારી દોસ્તી - મારા પ્રેમના ભારથી મુક્ત કરું છું. What's app પર તને બ્લોક કરું છું, Sorry તને નહીં તારા માટે મારી જાતને બ્લોક કરું છું આ મારો છેલ્લો મેસેજ છે. હું તારા ને સાહિલની વચ્ચે નથી આવવા માંગતો. I Hope કે તને મારી વેલેન્ટાઈન ગિફ્ટ ગમશે. Bye........Good Bye....પછી અક્ષય ગઝલને ક્યારેય ન મળ્યો.

ગઝલે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે અક્ષય શહેર છોડીને જતો રહ્યો છે અને આજે 7 વર્ષ પછી બંને જણા સાથે બેઠા હતા. સિગારેટ પી રહ્યા હતા.

સિગારેટ સળગતી સળગતી આંગળી ને અડી ગઈ ને આંગળી દાઝતાં ગઝલના મોંમાંથી ચીસ નીકળી ગઈ. બંને જણા પાછા વર્તમાનમાં આવી ગયા.

ભૂતકાળ હંમેશા દઝાડતો હોય છે. એ અંગારા જેવો હોય છે જેમાં રાખ ની સાથે સાથે આગ પણ છુપાયેલી હોય છે.

અક્ષયે તેને પૂછ્યું,શું કરે છે સાહિલ? આવ્યો છે કે નહીં તારી સાથે ? તું અહીં આવી છે એ ખબર છે એને? એને ખબર પડશે તો પ્રોબ્લેમ નહી થાય? સાહિલ નથી, ગઝલે કહ્યું. અક્ષયે કહ્યું, નથી એટલે? એ પણ કવિતાની જેમ? ગઝલ બોલી , ના સાહિલ છે જ નહીં. સાહિલ હતો જ નહીં. ક્યારેય હતો જ નહીં. કંઈ સમજ્યો નહિ? અક્ષયે કહ્યું. સાહિલ એ મારા મન દ્વારા ઉભું કરેલું એક કેરેક્ટર હતું.તારા મારા પ્રત્યેના પ્રેમને ભડકાવવા અને એ પ્રેમની અનુભૂતિ કરવા માટે ઉભુ કરેલું એક કેરેક્ટર. જેના દ્વારા હું તારામાં ઈર્ષા જગાવવા માંગતી હતી. મારી તરફ તને વધારે ખેંચવા માગતી હતી પણ મારા એ કેરેક્ટરે મને મહાત આપી. હું ઇચ્છતી હતી કે તું મારા માટે બહુ જ પઝેસિવ બને અને એટલે જ મેં સાહિલ નામનું એક કેરેક્ટર ઉભુ કર્યું હતું. તો પછી પેલા બધા મેસેજ જે તું મને વંચાવતી હતી, અક્ષય પૂછ્યું. કેમ એક માણસ બે નંબર બે what's app ન વાપરી શકે? હું જ સાહિલ હતી અને હું જ ગઝલ હતી. હું જ સવાલ કરતી અને હું જ જવાબ આપતી ને હું જ તને એ બતાવતી. જો... અને ગઝલે પર્સમાંથી બે મોબાઇલ કાઢ્યા અને what's app મેસેજ કરી બતાવ્યા.જો સાહિલ કહે છે કે- તું પાછી અક્ષયને મળી ? હજી તારો એના પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી ? અને જો આ ગઝલ જવાબ આપે છે કે - હા નથી ઓછો થયો. હું હજી એને એટલો જ પ્રેમ કરું છું . ગઝલ આ બધું.......અક્ષય આગળ કાંઈ બોલી શક્યો નહીં . ગઝલ બોલે જતી હતી, આ સાહિલ નામનાં કેરેક્ટરે આજે પણ મારો પીછો નથી છોડ્યો.....હું આજે પણ એને મારી સાથે લઇને જીવું છું એ આશાએ કે તું જ્યારે મળીશ ત્યારે હું એને તારી સામે મારા હાથે મારી નાખીશ.ગઝલે મોબાઇલ જોરથી જમીન પર પછાડયો.મોબાઇલ ની સાથે સહિલનુ કેરેક્ટર પણ મરી ગયું. ગઝલે અક્ષયને કોલરથી પકડ્યો ને બોલી, ડફોળ હું તને વેલેન્ટાઈન ડેના દિવસે પ્રપોઝ કરવાની હતી અને બધું જ તને જણાવવાની હતી કે હું જ સાહિલ બનીને મેસેજ કરું છું પણ હું તને વેલેન્ટાઇનની સરપ્રાઈઝ આપું તે પહેલાં તો તે મને સરપ્રાઈઝ " ગિફ્ટ " આપી દીધી, મને બ્લોક કરી ને.અક્ષયે કહ્યું તો પછી તે મને કહ્યું કેમ નહીં? ગઝલ બોલી, તે મને માત્ર what's app પર નહી ફેસબુક અને બીજા સોશિયલ મીડિયા ઉપર પણ બ્લોક કરી જેથી હું તારો કોઈ જ કોન્ટેક્ટ ન કરી શકું. ક્યા કહું ? કોને કહું ? તું તો શહેર છોડીને જતો રહ્યો હતો. તારો કોઈ જ અતો-પતો હતો નહીં. મને એમ કે તું ફાઇનલ એક્ઝામ આપવા તો આવીશ ત્યારે તો મળીશ જ. પરંતુ તુ એક્ઝામ આપવા પણ ના આવ્યો. બહુ શોધ્યો તને અને જ્યારે તું મળ્યો ત્યારે........

અક્ષયે કહ્યું "તારાથી છૂટા પડીને મેં મારા મનને મારી નાખ્યું હતું. પપ્પા ને ઘરનાં લોકો તો ક્યારનાય પાછળ પડ્યા હતા કે લગ્ન કરી લે... લગ્ન કરી લે તો મેં અરેન્જ મેરેજ કરી લીધા" એ જ મારા ગમતા ગીતની પંક્તિઓ યાદ કરી ને.....

ग़म और खुशी में फ़र्क न महसूस हो जहाँ
मैं दिल को उस मुक़ाम पे लाता चला गया
मैं ज़िंदगी...

કવિતા ખૂબ સારી હતી એણે મને ખૂબ પ્રેમ કર્યો. પણ તું ના કરી શક્યો ગઝલે કહ્યું, મને કવિતા એ કહ્યું હતું જ્યારે હું તારા ઘરે આવી હતી. અક્ષય નવાઈ સાથે બોલ્યો, તું ક્યારે મારા ઘરે આવી? કવિતા એ મને ક્યારેય કહ્યું નહીં. ગઝલે કહ્યું, મેં ના પાડી હતી.તને ખૂબ શોઘ્યો અને જ્યારે તારું એડ્રેસ મળ્યું ત્યારે હું તારા ઘરે આવી હતી.

તારા ગમતા ગીતમાંથી તારી ગમતી ગઝલ બનવા.

પણ મને ખબર નહોતી કે તારા લગ્ન થઇ ગયા હશે. કવિતાએ મને તરત ઓળખી લીધી હતી મને કે' તમે ગઝલ છો ને? મેં એને પૂછ્યું તો કે' તમારા વિશે વાંચ્યું છે, એમને ખબર નથી પણ એક દિવસ સાફ સફાઈ કરતા જુના થેલામાંથી એમની એક ડાયરી મળી હતી જેમાં તમારા વિશે લખ્યું હતું. તમે અદ્લ એવા જ છો જેવું એમણે લખ્યું છે. હું એની સામે જોઇ રહી, એને મારા માટે સહેજ પણ ઇર્ષ્યાભાવ કે દ્વેષ ન હતો.

હા કવિતા હતી જ એવી કવિતા જેવી સરળ અને સીધી એને સમજવા સમજણની નહિ, લાગણીની હૃદયની જરૂર પડે મગજની નહીં અક્ષયે કહ્યું.

એણે મને કહ્યું કે ગઝલ બેન તમે આવ્યા એ ગમ્યું પણ એક વાત કહું આટલા વર્ષોની મહેનત પછી મેં એમને થોડા ઘણાં મારા બનાવ્યા છે, હા એ હજી તમને ભૂલી નથી શક્યા પણ એમના દિલમાં મેં થોડીક જગ્યા બનાવી છે અને એક ભારતીય સ્ત્રી તરીકે - એક પત્ની તરીકે ઇચ્છીશ કે એ જગ્યા એ ખૂણો મારો જ રહે. તમારી તરફના એમના પ્રેમ માટે મને કોઈ દ્વેષ કે ઈર્ષા નથી અને એ જગ્યા લેવાનો પ્રયત્ન પણ હું કરીશ નહીં, પણ તમે જો અક્ષયને મળશો તો મારી લાગણીનો ક્ષય થઈ જશે, ને હું એમને ખૂબ જ પ્રેમ કરું છું. લોકો કહે છે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની સાથે નહિ પરંતુ જે આપણને પ્રેમ કરતું હોય તેની સાથે રહેવું જોઈએ, તો અક્ષયના તરફથી એના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો એ એની સાથે રહે છે જે એને બહુ જ પ્રેમ કરે છે.

કવિતાના પ્રેમ સામે મારો પ્રેમ મને વામણો લાગ્યો.

મેં એને કહ્યું કે હું ક્યારેય અક્ષયને નહીં મળુ. એના દિલમાં મારા માટે પ્રેમ કે નફરત જે પણ છે તેની સાથે અક્ષય વગર જીવી લઈશ.કવિતાને મેં સાહિલવાળી વાત પણ કરી હતી અને એટલે જ કદાચ એણે થોડા દિવસો પહેલાં મને ફોન કર્યો હતો કે -
" જાહેરખબર જોતા રહેજો ગઝલબેન મારા બેસણાની જાહેરાત આવશે થોડા દિવસમાં. તમે મારા બેસણામાં ચોક્કસ આવજો મારા ગયા પછી એમને તમારી જરૂર પડશે. એ અંદરથી તૂટી જશે પણ કોઈને ખબર પણ નહીં પડવા દે અને એ જ એમનું ગીત ગણગણશે

"मैं ज़िंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुँएं में उड़ाता चला गया "

ને કાલે કવિતાની એ વાત સાચી પડી એના બેસણાની જાહેરાત છાપામાં જોઈ એટલે જ હું આજે અહીં આવી. થોડીવાર શાંતિ છવાઈ ગઇ.

ગઝલને કંઇક યાદ આવ્યુ અને એણે પર્સ ફંફોસતા કહ્યું, કવિતાએ મને એક પેન ડ્રાઈવ આપી હતી અને કહ્યું હતું કે મારાં મૃત્યુ પછી તમે જ્યારે પણ મળો ત્યારે આ પેન ડ્રાઇવ ચોક્કસ સાંભળજો. અક્ષયે પેનડ્રાઈવ Mp3 માં ભરાવી ને કવિતા નો અવાજ આવ્યો "એક સમય સુધી સ્ત્રી અને પુરુષને શરીરનું આકર્ષણ હોય છે પછી આકર્ષણ જરૂરિયાત બને છે અને અમુક સમય પછી માણસને શરીરની નહિ મનની જરૂર હોય છે લાગણીની જરૂર હોય છે અને આજે તમે એ સ્થાન પર છો કે શરીર તમારા બંને માટે ગૌણ છે ને મન મુખ્ય છે. તમે મારા મરી ગયાનો શોક છોડી દો અને એક નવી જિંદગી શરૂ કરો. મને ગમશે આટલો સમય તમને બંનેને જુદા રાખ્યા એ બદલ માફ કરશો. માણસ ક્યારેક તો સ્વાર્થી થાયને , હું પણ થોડી સ્વાર્થી થઈ હતી પ્રેમવશ. અક્ષય તમે જે ગાવો છો એ ગીત સારું છે પણ તમે એક ગઝલને ભૂલી ગયા છો. ગઝલ થોડી અપસેટ થઇ ગઇ એણે કહ્યું હું જાઉં અને ત્યાં જ ગઝલ વાગી............

आज जाने की ज़िद ना करो
यूँ ही पहलु में बैठे रहो
आज जाने की ज़िद न करो

हाय मर जाएंगे
हम तो लुट जाएंगे
ऐसी बातें किया ना करो
आज जाने की ज़िद ना करो

वक़्त की कैद में ज़िन्दगी है मगर
चंद घड़ियां यही हैं जो आज़ाद है
इनको खो कर मेरी जानेजाँ
उम्र भर ना तरसते रहो

आज जाने की ज़िद ना करो
हाय मर जाएंगे
हम तो लुट जाएंगे
ऐसी बातें किया ना करो
आज जाने की ज़िद ना करो

-જીગર બુંદેલા
SWA MEMBERSHIP NO:032928


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED